Verse 17

वायुरनिलममृतमथेदं भस्मांतँ शरीरम् । ॐ क्रतो स्मर कृतँ स्मर क्रतो स्मर कृतँ स्मर ॥१७॥

vayur anilamamrtamathedam bhasmanta sariram । om krato smara kruta smara krato smara kruta smara ॥ 17॥

પ્રાણ ઈન્દ્રિયો મળે વાયુમાં, દેહ અગ્નિમાં ભસ્મ બને, પ્રભો, કરી લો યાદ મને, લો પાસ તમારી મને હવે ! ॥૧૭॥

અર્થઃ

અથ – હવે વાયુઃ – આ પ્રાણ તથા ઇન્દ્રિયો અમૃતમ્ – અવિનાશી અનિલમ્ – સમષ્ટિ – વાયુતત્વમાં (પ્રવિશતુ – પ્રવેશે) ઇદમ્ – આ શરીરમ્ – સ્થૂળ શરીર ભસ્માન્તમ્ – અગ્નિમાં બળીને ભસ્મીભૂત (થઇ જાય) ૐ – હે પરમાત્મા ક્રતો – યજ્ઞમય ભગવાન સ્મર – સ્મરણ કરો ક્રતો – યજ્ઞમય ભગવાન સ્મર – સ્મરણ કરો કૃતમ્ – કરાયેલાં કર્મોનું સ્મર – સ્મરણ કરો.

ભાવાર્થઃ

જીવનની વર્તમાન લીલાની પરિસમાપ્તિ ભલે કામચલાઉ વખતને માટે પણ, એકવાર તો થવાની જ છે. આ પરિવર્તનશીલ જીવનના અવનવા અભિનય પર, એના રમણીય રંગમંચ પર, એક દિવસ અચાનક જ પડદો પડી જવાનો છે. જીવનનું પ્રકૃતિના પદ્મદલ પર પડેલું ઝાકળબિંદુ એક દિવસ જ્ઞાત અથવા અજ્ઞાત રીતે ખરી પડવાનું છે. એવે વખતે સાધકની ભાવના કેવી હોવી જોઇએ ? એ ચિંતીત કે ભયભીત તો ના જ બને. વ્યર્થ વિષાદ પણ ના કરે. પંચમહાભૂતમાંથી પેદા થયેલું આ શરીર છે જ વિનાશી. એક દિવસ એ માટીમાં મળી જવાનું કે ભસ્મિભૂત થઇ જવાનું છે. એને સદાને માટે એક સરખી અવસ્થામાં નથી રાખી શકાય તેમ. તો પછી નિરર્થક શોક શા માટે કરવો જોઇએ ? જીવનને સારી રીતે સમજપૂર્વક જીવ્યાના સંતોષવાળો માનવ મૃત્યુથી ડરતો નથી. ગભરાતો પણ નથી. શરીરના પરિત્યાગનો સમય સંનિકટ આવે છે ત્યારે એને ઇશ્વરની ઇચ્છા સમજીને એ શાંત અથવા સ્વસ્થ રહે છે.

મૃત્યુને કલ્પનાની રંગોળી પૂરીને, છે એનાથી વધારે ક્લેશકારક, જટિલ, અળખામણું, અમંગલ અને ભયંકર માની લેવાની જરૂર નથી. અનિવાર્ય છે, આવવાનું જ છે, એવું સમજીને જીવનને ઉત્તરોત્તર જ્યોતિર્મય કરવા, મધુતાથી મઢવા પ્રયત્ન કરવો જોઇએ. આપણે ત્યાં નાનામોટા કેટલાય મંત્રો પ્રચલિત છે. એ મંત્રોમાં આ ઉપનિષદ બે સુંદર, સારવાહી, મહત્વના, જીવનવિકાસમાં મદદરૂપ મહામંત્રોનો ઉમેરો કરે છે.

ૐ ક્રતો સ્મરઃ, કૃત સ્મર.

માનવે મૃત્યુને યાદ રાખવું જોઇએ. અને સમજવું જોઇએ કે એક દિવસે એ આવવાનું જ છે. સંસારમાં મમત્વના કે મોહના મિનારા બાંધીને યાવચ્ચંદ્રદિવાકરૌ નથી રહેવાનું. મૃત્યુની એવી સ્મૃતિ અથવા જન્મ-મરણના અને સર્જન-વિસર્જનના મહાયજ્ઞને કરનાર પરમાત્માની સ્મૃતિ એને સંસારના પરિવર્તનશીલ પદાર્થો તથા વિષયોમાં આસક્ત થવા કે ભાન ભૂલવા નથી દેતી. જીવનના મૂળભૂત ધ્યેયને એ અહર્નિશ પોતાની નજર સમક્ષ રાખીને આગળ વધે છે. આ જીવન એક વચગાળાનો મુકામ છે એવું માનીને એનો મોહ નથી રાખતો ને મૃત્યુનો શોક પણ નથી કરતો.

કરેલાં કર્મોનું સ્મરણ કરીને આત્મનિરિક્ષણની વૃતિને વધારીને જીવનની વિશુદ્ધિના પથ પર આગળ વધવાની પણ એવી જ આવશ્યકતા છે. કરેલાં શુભાશુભ કર્મોને યાદ કરીને જીવનવિકાસની પ્રેરણા મેળવવાની છે. આ જીવનમાં પ્રવેશીને શું કરવાનું હતું અને શું કર્યું એનો વિચાર કરીને ભાવિ જીવનને સમુન્નત કરવાનો સંકલ્પ કરવાનો છે.

જે સાધકે આજીવન પરમાત્મપરાયણ બનવાનો પ્રયત્ન કર્યો હોય છે તે શરીરના પરિત્યાગના સમયે પરમાત્માની સુખદ સંનિધિની અભિલાષા રાખે છે ને જણાવે છે કે હે પ્રિયોત્તમ પરમાત્મા ! મેં તમને જીવનભર બને તેટલા વધારે પ્રમાણમાં યાદ કર્યા છે તેમ, મારા એ સત્કર્મને સ્મરીને તમે પણ મને તમારો માનીને પ્રેમપૂર્વક યાદ કરો અને અપનાવો. એથી મારું જીવન ધન્ય બનશે ને મૃત્યુ મંગલમય. જીવનની છેલ્લી ઘડીએ થયેલો તમારો મેળાપ પણ મારે માટે પરમ કલ્યાણકારક થઇ પડશે.

આ શ્લોકની ભાવનામાં ક્યાંય હતાશા નથી, ભારોભાર આશા અને શ્રદ્ધા સમાયેલ છે.