Verse 15

हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखम् । तत्त्वं पूषन्नपावृणु सत्यधर्माय दृष्टये ॥१५॥

hiranmayena patrena satyasyapihitam mukham । tattvam pusannapavrnu satyadharmaya drstaye ॥ 15॥

પરમેશ્વરની પ્રાપ્તિ માટે પ્રાર્થના સુવર્ણઢાંકણથી ઢંકાયું મુખડું તમારું, પ્રભુજી હે ! તે ઢાંકણને દૂર કરી દો, મુખનું દર્શન થાય મને. ॥૧૫॥

અર્થઃ

પૂષન્ – સૌનું ભરણપોષણ કરનારા પરમાત્મા સત્યસ્ય – તમારા સત્યસ્વરૂપ પરમેશ્વરનું મુખમ્ – મુખ અથવા સ્વરૂપ હિરણ્મયેન – જ્યોતિર્મય સૂર્ય મંડળરૂપ પાત્રેણ – પાત્રથી અપિહિતમ્ – ઢંકાયેલું છે. સત્યધર્માય – તમારી ભક્તિરૂપી સત્યધર્મનું અનુષ્ઠાન કરવાવાળા મને દ્રષ્ટયે – તમારું દર્શન કરાવવા માટે તત્ – એ આવરણને ત્વમ્ – તમે અપાવૃણુ – હઠાવી દો.

ભાવાર્થઃ

ઉપનિષદના સુવિશાળ સાહિત્યમાં જે જુદીજુદી શ્રદ્ધા-ભક્તિપૂર્વકની પ્રાર્થનાઓ છે તેમાં આ શ્લોકમાં કરવામાં આવેલી નાની સરખી છતાં ખૂબ મહત્વની પ્રાર્થનાનો સમાવેશ કરી શકાય. આ પ્રાર્થના પ્રાણવાન અને અનોખી છે. એનો ભાવ ઘણો ગૂઢ, હૃદયસ્પર્શી છે. એમાં જીવનના સાચા સાધકના નિર્મળ અંતરોદગાર છે.

જીવનનું મૂળભૂત મહત્વનું ધ્યેય પરમાત્માની પ્રાપ્તિનું છે. એ તો અત્યાર સુધીની વિચારણા પરથી સમજાઇ ગયું. પરંતુ એ પરમાત્માની પ્રાપ્તિ થાય કેવી રીતે ? પરમાત્માનું પરમધામ જ્યોતિર્મય સૂર્યમંડળથી ઢંકાયેલું છે. એ સૂર્યમંડળમાં થઇને પરમાત્માના પરમધામમાં પ્રવેશીને પરમાત્માની પાસે પહોંચાય છે. પરમાત્માની પરમકૃપા સિવાય એવો પ્રવેશ શક્ય બનતો નથી. એનો બીજો અર્થ એવો પણ લઇ શકાય કે અહંતા, મમતા, મોહાદિ અવિદ્યા-માયાના આવરણથી પરમાત્માનું સ્વરૂપ ઢંકાયેલું છે. કબીર સાહેબે એ સંદર્ભમાં જ જણાવ્યું છે કે

‘ઘૂંઘટ કા પટ ખોલ રે,  તોહે પીય મિલેંગેં.’

પ્રિયતમ પરમાત્મા તારી પાસે, ખૂબ જ પાસે, પ્રાણની પણ પાસે છે, પરંતુ તારા મુખમંડળ આગળ ઘૂંઘટ હોવાથી તને તેનું દર્શન નથી થઇ શકતું. એ ઘૂંઘટને દૂર કરી દે એટલે પરમાત્માનું દેવદુર્લભ દૈવી દર્શન સહજ બનશે.

અવિદ્યાના અતિગાઢ આવરણને દૂર કરવા માટે પરમાત્માની પ્રેમપૂર્ણ પ્રાર્થના સિવાય બીજો માર્ગ જ કયો છે ? સાધક જપ કરે છે, તપ કરે છે, સ્વાધ્યાય તથા તીર્થાટન અને અન્ય અનેક સાધનોનો અથવા અભ્યાસક્રમોનો આધાર લે છે, તોપણ છેવટે સમજે છે કે પોતાની વ્યક્તિગત શક્તિ અથવા યોગ્યતાથી એ પરમાત્માની પ્રાપ્તિ નથી કરી શકે તેમ. અસહાય બનીને આખરે એ પ્રાર્થનાનો આધાર લે છે. અને પ્રાર્થના ઉત્કટ બનતાં આખરે એને પરમાત્માની પરમશક્તિની મદદ મળે છે. એને લીધે અવિદ્યાના આવરણમાંથી મુક્તિ મેળવીને એ પરમાત્માની પાસે સહેલાઇથી પહોંચી શકે છે. એનું જીવન પરમાત્માના સાક્ષાત્કારથી સાર્થક બને છે.

પરમાત્માને માટે આ શ્લોકમાં સત્ય શબ્દનો પ્રયોગ કરાયેલો છે. એ શબ્દ ખૂબ જ સુંદર છે. એ ઉપરાંત પૂષન્ શબ્દપ્રયોગ પણ પ્રયોજાયો છે. પરમાત્મા સમસ્ત સૃષ્ટિના ધારણપોષણ કરનારા હોવાથી શરણાગત સાધક એમની દ્વારા પોતાને પર્યાપ્ત પોષણ પૂરું પાડીને એમના સાક્ષાત્કાર માટે સ્વાભાવિક રીતે જ કામના કરે છે. એથી આદર્શ, ઉત્તમ અને કલ્યાણકારક કામના બીજી ક્યી હોઇ શકે ?

પ્રાર્થનાની શક્યતા કે શક્તિ કેટલી બધી અપરિમીત છે એનો ખ્યાલ પ્રાર્થનાના એ ઉદગારો પરથી સહેલાઇથી આવી શકે છે. પ્રાર્થના જીવનો શિવ સાથે સંબધ કરાવનાર સેતુ છે, અને એનો ઉપયોગ એવી રીતે કરવામાં આવે એમાં એની સફળતા સમાયેલી છે. પ્રાર્થનાનો આધાર આત્મવિકાસને માટે અથવા અન્યની સુખાકારી, શાંતિ તથા સમુન્નતિ માટે લેવાય એ આવશ્યક છે. એમાં જ એની શોભા છે.