Verse 13

अन्यदेवाहुः सम्भवादन्यदाहुरसम्भवात् । इति शुश्रुम धीराणां ये नस्तद्विचचक्षिरे ॥१३॥

anyadevahuh sambhavadanyadahurasambhavat । iti susruma dhiranam ye nastadvichachaksire ॥ 13॥

દેવપિતૃપૂજાથી પ્રભુની પૂજાનું ફલ જૂદું કહ્યું, મહાન પુરુષોએ બહુરીતે શિક્ષણ અમને એનું ધર્યું. ॥૧૩॥

અર્થઃ

સંભવાત્ – સંભવની ઉપાસનાથી અન્યત્ એવ – બીજું જ ફળ આહુઃ – બતાવ્યું છે. (અને) અસંભવાત્ – અસંભવની ઉપાસનાથી અન્યત્ – બીજું (જ) ફળ આહુઃ – કહેલું છે. ઇતિ – એવી રીતે ધીરાણામ્ – ધીર પુરુષોનાં શુશ્રુમ – અમે વચન સાંભળ્યાં છે. યે – જેમણે નઃ – અમને તત્ – એ વિષયને વિચચક્ષિરે – સારી પેઠે વ્યાખ્યા સાથે સમજાવેલો.

ભાવાર્થઃ

આ શ્લોકની ચર્ચાવિચારણા દ્વારા ઉપનિષદકાર પ્રજ્ઞાપૂત પ્રાતઃસ્મરણીય મહાપુરુષોનું સ્નેહપૂર્વક સ્મરણ કરે છે. અને એમને અનુરાગની અંજલિ આપે છે. મહાપુરુષોના અનુભવસિદ્ધ અભિપ્રાયને પ્રમાણભૂત માનવાની પરંપરાનું ઉપનિષદમાં અન્યત્ર પણ દર્શન થાય છે. એ અભિપ્રાયના આધાર પર અહીં કહેવામાં આવે કે સંભૂતિની ઉપાસનાથી બીજું જ ફળ પ્રાપ્ત થાય છે. બંનેના ફળ જુદાં જુદાં છે.

આ બધું જ્ઞાન પરંપરાગત છે અને મહાજ્ઞાની મહાપુરુષોનાં શ્રીચરણોમાં બેસીને એમના શ્રીમુખ દ્વારા સાંપડેલું છે એ હકીકતનો નિર્દેશ આ શ્લોક દ્વારા સહેલાઇથી થઇ રહે છે. પ્રાચીન કાળમાં જ્ઞાનની પ્રાપ્તિ આત્મજ્ઞાની મહાપુરુષોની કૃપાથી આપોઆપ થયા કરતી. એવા મહાપુરુષો અનુભવના આધાર પર સ્વાભાવિકી કરુણાથી પ્રેરાઇને નિષ્કામભાવે આત્મજ્ઞાનનો ઉપદેશ આપતા. એ ઉપદેશ બીજા કેટલાયને માટે કલ્યાણકારક થતો.