Verse 07

यस्मिन्सर्वाणि भूतान्यात्मैवाभूद्विजानतः । तत्र को मोहः कः शोक एकत्वमनुपश्यतः ॥७॥

yasminsarvani bhutanyatmaivabhudvijanatah । tatra ko mohah kah soka ekatvamanupasyatah ॥ 7॥

પ્રાણી સૌને પરમાત્માનાં સ્વરૂપ જેવાં જે દેખે, મોહશોક શો તેને, તે તો ક્રીડા પ્રભુ સાથે જ કરે. ॥૭॥

અર્થઃ

યસ્મિન્ – જે સ્થિતિમાં વિજાનતઃ – પરમાત્માને બરાબર જાણનારા મહાપુરુષના (અનુભવમાં) સર્વાણિ – સંપૂર્ણ ભૂતાનિ – પ્રાણી આત્મા – એક પરમાત્મ સ્વરૂપ એવ – જ અભૂત્ – થઇ જાય છે. તત્ર – તે સ્થિતિમાં એકત્વમ્ – એકતાનો અથવા એકમાત્ર પરમાત્માનો અનુપશ્યતઃ – સતત રીતે સ્વાનુભવ કરવાવાળા પુરુષને માચે કઃ – ક્યો મોહઃ – મોહ (રહી જાય છે અને) કઃ – ક્યો શોકઃ – શોક ?

ભાવાર્થઃ

આ શ્લોક આની પહેલાંના શ્લોકના અનુસંધાનમાં જ લખાયેલો લાગે છે. એનો ભાવ એ શ્લોકને અનુસરતો છે. પરમાત્મદર્શી, પરમાત્મામાં પ્રતિષ્ઠિત મહાપુરુષને સર્વત્ર, સર્વ પ્રકારની પરિસ્થિતિમાં સતત રીતે પરમાત્માનો જ અનુભવ થતો હોય છે. એ પરમાત્મામાં જ રમે છે, રહે છે ને શ્વાસ લે છે. એ સંબંધ એક ક્ષણને માટે પણ નથી મટી જતો. એવા મહાપુરુષ પ્રસન્નતાના પારાવારમાં ડૂબીને પ્રસન્નતાની પ્રતિમા બની જાય છે. એમને શોક, મોહ કે સંતાપ નથી સતાવી શકતા. પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ એ પોતાના ચિત્તતંત્રને સ્વસ્થ રાખી એમના આંતરિક આનંદને સાચવી શકે છે.

એવા આત્મદર્શી, આત્મારામ, આત્મતૃપ્ત, આત્મનિષ્ઠ મહાપુરુષો શોક તથા મોહમાંથી મુક્તિ મેળવીને આત્માનુસંધાનનો આનંદ અનુભવતા હોય છે. સંસારના સામાન્ય મનુષ્યો જે શોક, મોહ અને સંતાપથી ઘેરાયેલા હોય છે તે શોક, મોહ અને સંતાપના શિકાર કદીપણ તેઓ નથી બનતાં. કોઇ માનવ પરમાત્મદર્શી ના હોય અને પરમાત્મપ્રેમી હોય તોપણ શોક-મોહથી મુક્તિ મેળવે છે. જીવનમાં જે કાંઇ બને છે તે ઇશ્વરની ઇચ્છા પ્રમાણે મંગલને માટે જ બને છે એવો એને વિશ્વાસ હોય છે. એ વિશ્વાસથી પ્રેરાઇને જીવતો હોવાથી એ સર્વકાળે તથા સ્થળે સ્વસ્થતાપૂર્વક જીવી શકે છે.

પોતાની અંદર અને બહાર પરમાત્મનું દર્શન કરનારને મોહ થઇ શકે છે ? ના. કદાપિ નહિ. પરમાત્માનું દર્શન કરનાર તો પરમ પવિત્ર પ્રેમથી પરિપ્લાવિત બની જાય છે, પ્રેમરંગથી રંગાઇ જાય છે. સર્વત્ર પરમાત્મદર્શન કરીને એ સર્વપ્રત્યેના સ્નેહથી સંપન્ન બનીને સૌના હિતસાધનમાં તત્પર રહે છે. એવી તત્પરતા એને માટે સ્વાભાવિક બની જાય છે.

સામાન્ય માનવો પણ એવી ભાવના અથવા તત્પરતા કેળવે તો તે તેમને તથા બીજા બધાને માટે ઉપયોગી થઇ પડે તેમાં શંકા નથી, વરસો પહેલાં યુદ્ધના સમય દરમ્યાન સ્ટેશનો પર લખવામાં આવતું કે May I help you ? હું તમને મદદરૂપ થઇ શકું ? હું તમને શી મદદ કરું ? એના પાછળની ભાવના ખૂબ જ સારી હતી. બીજાને તન, મન, વચન, ધન, પદ, અથવા અધિકાર દ્વારા ઉપયોગી થવાની ભાવનાને સેવીને સમય પર ઉપયોગી થવામાં મનુષ્યતા રહેલી છે. એવી સદભાવનાવાળા મનુષ્યો ‘અમે બીજાની શી મદદ કરીએ’ એવું વિચારીને બેસી રહેતા નથી, પરંતુ તદનુસાર પ્રયત્નો કરે છે એટલે કે બીજાને ઉપયોગી થવાના સાધનો શોધે છે. પ્રત્યેક પુરુષ જો એવી સદભાવનાથી સંપન્ન બનીને જીવવા માંડે તો સમાજનું સ્વરૂપ જ બદલાઇ જાય અર્થાત્ વધારે સારું થાય. રાતે સૂતી વખતે પ્રત્યેકે પોતાની જાતને પૂછવું જોઇએ કે આજને જે સ્વર્ણસમય મને જીવનના રૂપમાં પ્રાપ્ત થયેલો તે દરમિયાન મેં મારે માટે તો ઘણું ઘણું કર્યું પરંતુ બીજાને માટે શું કર્યું ? સવારે ઉઠીને પોતાની સમગ્ર શક્તિ તથા સાધનસામગ્રી દ્વારા બીજાને માટે પણ જીવવાનો સંકલ્પ કરવો જોઇએ. એવી રીતે જીવવામાં આવે તો સંસારના મોટાભાગનાં શાક-સંતાપ તથા મોહ દૂર થઇ જાય ને જીવન તથા જગત જીવવા જેવું થાય. બીજાને માટે જીવાયેલું જીવન સાર્થક જીવન છે.