Category: કબીર ભજનાવલી


………………..

………….

(૧૦)

………….

યૌવન ધન પાહુન દિન ચારા,

યૌવન ધન પાહુન દિન ચારા, વાકા ગર્વ કરૈ સો ગમારા.

પશુ ચામ કે બનત પનહિયા, નૌબત બનત નગારા,

નર દેહી કછુ કામ ન આવે, ભૂલા ફિરૈ ગમારા…

દશો શીશ ભુજા બિસ જાકે, પુત્રન કે પરિવારા,

મર્દ ગર્દ મેં મિલ ગૌ યારો, લંકા કે સરદારા…

હાડક પિંજરા ચામ સુ મઢિયા, ભીતર ભરા ભંગારા,

ઉપર રંગ સુરેખ રંગા હૈ, કારીગર કરતારા…

સત્યનામ જાનૈ નહિં વાકો, મારિ મારિ યમ હારા,

કહહિં કબીર સુનો હો સન્તો, છોડ ચલે પરિવારા…

……………

હે ગમાર મનુષ્યો ! આ યુવાની, ધન, દૌલત વિગેરેનો ગર્વ કરશો નહિં કારણકે ધન, દૌલત, સ્ત્રી, પુત્ર, આ શરીરની યુવાની વિગેરે ચાર દિવસના મહેમાન જેવી ક્ષણિક અને અનિત્ય છે. તે ક્યારે નષ્ટ થઈ જશે તેની ખબર નથી અને અંત સમયે આ કશું જ કામ લાગવાનું નથી કે સાથે જવાનું પણ નથી તેથી શ્રી કબીર સાહેબ આ દેહની અસારતા બતાવે છે. પશુના મૃત્યુ પછી તો તેના ચામડાનાં પગરખાં, ઢોલ, નગારાદિ વાજીંત્ર બને છે, જ્યારે મનુષ્યનો દેહ મર્યા પછી કોઈ જ કામમાં આવતો નથી, તે તું સમજ અને દેહનું મિથ્યાભિમાન કરી ગમારની જેમ ભટકીશ નહિં. લંકાના રાજા સરદાર રાવણને દશ માથાં, વીશ, હાથ તેમજ પુત્ર પરિવાર ધન સંપત્તિ અઢળક હોવા છતાં પણ આજે તેના દેહનો એક ટૂકડો પણ રહેવા પામ્યો નથી. આવા વીર પરૂષો પણ ધૂળમાં મળી ગયા એટલે કે પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા તો સામાન્ય માણસની તો વાત જ શી કરવી? આ સુંદર દેહની રચના કારીગર કર્તા, ધર્તા, હર્તા, ઈશ્વરે હાડકાંનું પાંજરૂં બનાવી તેને ચામડીથી મઢી ઉપર સુંદર રેખા ચિહ્ન યુક્ત બે આંખ, કાન તથા મોઢું, નાક, ઈન્દ્રિયોથી રંગી દીધું છે, પણ તેની અંદર તો “ભંગાર” એટલે કે કર્કટ-કૂડા, મળ, મૂત્ર, માંસ, મજ્જા વિગેરે ભરેલું છે. તો આવા દેહનું અભિમાન કરીને તું તેમાં કેમ ભૂલ્યો છે? તેથી શ્રી કબીર સાહેબ કહે છે કે જેણે વિવેક વિચારાદિ દ્વારા આ સત્ય સ્વરૂપાત્મા રામનો અનુભવ કર્યો નહિં એટલે કે આત્માને દેહથી જુદો જાણ્યો નથી તેને જન્મ, જરા, વ્યાધિ તેમજ મૃત્યુ રૂપ દુઃખ ભોગવવું પડે છે અને સર્વ પરિવારને છોડીને એકલો જ દુઃખ ભોગવે છે તેથી જો યમયાતના રૂપ કષ્ટમાંથી મુક્તિ જોઈતી હોય તો શીઘ્ર ચેતીને રામનામનું સ્મરણ કરો અને દેહની આસક્તિ છોડો.    

…………

………….

(૧૧)

………….

Advertisements

………

……….

(૯)

હંસા યહ પિંજરા નહિં તેરા.

હંસા યહ પિંજરા નહિં તેરા.

માટી ચુન ચુન મહલ બનાયા, લોગ કહૈં ઘર મેરા,

ના ઘર મેરા ના ઘર તેરા, ચિડિયા રૈનિ બસેરા…

બાબા દાદા ભાઈ ભતીજા, કોઈ ન ચલે સંગ તેરા,

હાથી ઘોડા માલ ખજાના, પરા રહૈ ઘન ઘેરા…

માતુ પિતા સ્વારથ કે લોભી, કહતે મેરા મેરા,

કહૈં કબીર સુનો ભાઈ સાધો, ઈક દિન જંગલ ડેરા…

…………

હૈ બૌરે મનુષ્યો! જે શરીરને માટે તમે મિથ્યા સ્ત્રી, પુત્ર, ધનાદિમાં આસક્ત રહો છો, તે જ્ઞાન ધ્યાનાદિના સાધન રૂપ આ અમુલ્ય શ્રેષ્ઠ માનવ શરીર પણ આપણું નથી. જે શરીરનું અભિમાન કરો છો, જેને પવિત્ર સમજો છો, તેને મર્યા પછી કોઈ અડકતું પણ નથી. આમ કોઈ શરીર વસ્તુતઃ પોતાની સાથે રહેવાનું નથી. છતાં પણ લોકો આ મારૂં ઘર છે, મારી સંપત્તિ છે, એમ મારૂં મારૂં કરીને મરી જાય છે, પણ કોઈ વસ્તુ સાથે જતી નથી તે સમજો. પિતા, દાદા, ભાઈ, ભત્રીજા આમ કોઈ સગા સંબંધીઓ પણ તારી સાથે આવવાના નથી. હાથી, ઘોડા, ધન, દૌલત બધું અહીંનું અહીં જ પડી રહેવાનું છે. માતા, પિતા પણ સ્વાર્થને કારણે કહે છે કે આ મારો પુત્ર છે કારણ કે વૃધ્ધાવસ્થામાં પુત્ર તેમની સેવા કરે, પણ અંત સમયે સગા સંબંધી કે ધન દૌલત કામ લાગતાં નથી અને છેલ્લે એક ને એક દિવસ “જંગલ ડેરા” એટલે કે મૃત્યુને પામવાનું જ છે, ચાહે રાજા, રંક, અમીર કે ફકીર હોય, તો પણ તે અમર રહેતા નથી. એટલા માટે શીઘ્ર ચેતો, રામને ભજો અને શરીર વિષયક આસક્તિને ત્યાગો. જ્ઞાની, મતિમાન પુરૂષ પાસે જઈ આ શરીરને, અનાત્મ, અપવિત્ર, અનિત્ય, દુઃખરૂપ જાણી, અભિમાન, આસક્તિથી રહિત થાઓ. અને વિવેક દ્રષ્ટિ દ્વારા આત્માને દેહથી અત્યન્ત જુદો જાણીને શોક મુક્ત થાઓ એ જ શ્રી કબીર સાહેબનો ઉપદેશ છે.

………………..

………….

(૧૦)

………….

…………..

(૮)

………….

ભજન કે કારણ તન ધારી.

ભજન કે કારણ તન ધારી.

વહાં સે આયે ભજન કરન કે, કૌન કુમતિ તો મતિ મારી…

સાંચ કહૌં પરતીત માન લે, ઝૂઠ કે પલરા ડગમારી…

રામ નામ તોહિ ભૂલ ગયા હૈ, ઈક દિન કાલ ઝપટ મારી…

 કહૈં કબીર સુનો ભાઈ સાધો, ખેલત જૂઆ ચલા હારી…

………….

જે લોકો પાખંડ, પ્રપંચ લૌકિક સુખાદિમાં જ આસક્ત રહે છે તેના પ્રતિ શ્રી કબીર સાહેબ કહે છે કે આ શરીર (દેહ) ભજન કરવા માટે પ્રાપ્ત થયેલ છે. હે અભાગી મનુષ્યો! રામનું ભજન સ્મરણ કરવામાં તમને શું દંડ લાગે છે? શું હાનિ થાય છે? સંસાર પાખંડ વિષયાદિમાં રમણ કરવાથી તમારે જન્માદિ જન્ય દુઃખનો દંડ ભોગવવો પડે છે અને આત્મારામમાં રમણ કરવાથી બધાં જ દુઃખ નિવૃત્ત થઈ જાય છે. તો પણ તું ભગવાનનું ભજન કરતો નથી તેથી તારી મતિ (બુધ્ધિ) મરી ગઈ છે. આ હું સત્ય વાત કહું છું તેની પ્રતીતિ કરી લે. કારણકે જો હું સાચી વાત કહું છું તો સર્વ જગત ક્રોધ કરે છે અને ખીજાઈને કહે છે કે સંસારમાંજ સુખ છે. પરંતુ મારાથી જૂઠી વાત કહેવાતી નથી. જૂઠી અવિદ્યમાન, મિથ્યા વસ્તુને મારાથી સત્ય છે એમ કહેવાતું નથી કારણ સંસારમાં જૂઠા લોકોનો પલ્લો ભારે છે. સંસાર જૂઠા તરફ જ આકર્ષાય છે. મનુષ્ય સંસારમાં આવીને રામને ભૂલી ગયો છે, તેથી કાળના વશમાં થઈ દુઃખી થાય છે. તેથી શ્રી કબીર સાહેબ કહે છે કે શરીર ધારણ કર્યા પછી અવશ્ય ભજન સત્સંગ કર. તેમાં જ તારૂં કલ્યાણ છે અને આ નહિં કરીને જે સ્વર્ગાદિની ઈચ્છાથી તામસ તપ કરે છે, બાહ્ય વેષ ધારણ કરીને ઢોંગ કરે છે તેઓ મરણ કાળમાં મહાન કષ્ટ ભોગવે છે. જે આ જન્મમાં જ દાવ પુરો રમતા નથી તે સંસારને જીતી શકતા નથી અને જેમ જુગારી જુગારમાં હારીને જતો રહે છે, તેમ તમે પણ સંસારમાં હારીને રામનામના સ્મરણ વગર જન્મ વ્યર્થ ગુમાવ્યો. તેથી કર્તવ્ય છે કે વિવેક, વિચાર, વૈરાગ્ય, શમ, દમાદિ દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ કરો.

………

……….

(૯)

………….

(૭)

હીરા સે જન્મ ગમાયો રે,

હીરા સે જન્મ ગમાયો રે, ભજન બિનુ બાવરે.

ના સંગતિ સાધુન કે કીના, ના ગુરૂ દ્વારે આયો રે,

બહિ વહિ મરે બૈલ કી નાઈ, જો નિરેવોસો ખાયો રે…

યહ સંસાર હાટ બનિયાં કે, સબ જગ સૌદે આયો રે,

કાહુન કીના દામ ચૌગુને, કાહુન મૂલ ગમાયો રે…

યહ સંસાર કૂલ સેમર કા, લાલી દેખ લુભાયો રે,

મારે ચોંચ રૂઆ જબ નિકસ્યો, શિર ધુનિ કે પછતાયો રે…

તું બન્દે માયા કે લોભિ, મમતા મહલ ચિનાયો રે,

કહહીં કબીર એક રામ ભજે બિનુ, અન્ત સમય દુઃખ પાયો રે…

…………

હે બાવરા ! હે જીવ ! ભજન વિના આ હીરા તુલ્ય પ્રકાશમય જન્મ (દેહ) વ્યર્થ વ્યતીત થઈ રહ્યો છે. વિચારાદિ નહિં કરવાથી તથા રક્ષક ગુરૂ અને બ્રહ્માત્માની પ્રાપ્તિ નહિં થવાથી તું ઘાણીના બળદ સમાન થઈ ગયો છે. અર્થાત તેલીનો બળદ જેમ આંખ બંધ હોવાથી આજુબાજુ કાંઈ ન જોતાં એક જ સ્થાનમાં વારંવાર ફરીને ભાર ખેંચવાનું દુઃખ પોતાના પ્રયોજન વગર જ સહ્યા કરે છે, તેમ સાધુની સંગતિ નહિં કરવાથી અને ગુરૂના દ્વારે નહિં જવાથી તારા જ્ઞાન વિવેક રૂપી નેત્રો બંધ થઈ ગયાં છે. તેથી વિભુ આત્મતત્વને જાણતો નથી અને સ્વર્ગલોક, મૃત્યુલોક વિગેરેની કલ્પના કરીને તેમાં ઘાણીના બળદની માફક વારંવાર ફર્યા કરે છે. અને બળદ જેમ ભાર ખેંચવાનું દુઃખ પોતાના પ્રયોજન વગર ભોગવે છે તેમ તું પણ અનેક યોનિઓમાં જન્મ મરણ રૂપ દુઃખ પોતાના પ્રયોજન વગર ભોગવે છે. તેથી શ્રી કબીર સાહેબ કહે છે કે ઉપર બતાવેલા દુઃખની નિવૃત્તિ માટે સાધુ, મહાત્મા, ગુરૂની સંગતિમાં બેસ કે જેથી તારૂં કલ્યાણ થાય. આ સંસાર વાણિયાના વ્યવહાર જેવો છે. વાણિયો જેમ વ્યવહારમાં વસ્તુઓનો સોદો કરે છે તેમ તું પણ કર્મ બંધનમાં પડી જગતની વસ્તુઓનો સોદો કરે છે. પણ જન્મ મળ્યા પછી પરમાત્માની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતો નથી. કોઈક વાણિયો વ્યવહારમાં પૈસા કમાઈ તેને ચાર ગણા કરે છે અને કોઈક મૂળ મુડી પણ ખોઈ બેસે છે, તેમ તેં પણ વિચારાદિ વિના, સ્વાત્માનુભૂતિ વિના આ મનુષ્ય જન્મ વ્યર્થ ખોઈ નાંખ્યો છે. આ સંસાર સેમરના ફૂલ જેવો છે. સેમરના ઝાડ ઉપર કેટલાય ચાતકાદિ પક્ષીઓ સુંદર ફળની પ્રાપ્તિની આશાએ બેસે છે. પરંતુ તેમાં પક્ષી જ્યારે ચાંચ મારે છે ત્યારે તેમાંથી રૂ ઉડે છે અને તેમાં પાંખો લપટાઈ જાય છે. આમ તેમાંથી સુંદર ફળ રૂપ સાર મળતો નથી. તેથી સેવન કર્યા પછી પસ્તાય છે, અને માથું પટકે છે. તેમ હે વંશાભિમાની મનુષ્યો! તમે પણ આ સંસરમાં સુખ ચાહો છો. ધન, દૌલત, સ્ત્રી, પુત્ર, રાજ, પાટ, વિગેરેનો લોભ હોવાથી મમતા રૂપી મહેલ પણ તમેજ આ સંસારમાં ઉભો કરો છો. બધા જ લોકો તેનાથી સુખ ચાહે છે પણ સુખ પામી શકતા નથી. તો સુખી થવાનો ઉપાય શું છે? શ્રી કબીર સાહેબ કહે છે કે રામનું સ્મરણ કરો, તો અંત સમયે ઘણું દુઃખ પડશે. આ જીવ બંધનમાં પડશે અને મુક્તિ તો ઘણી દૂર રહેશે.

………………..

…………..

(૮)

…………

(ૐ)

………….

(૬)

ભજન બિના દિન બીતા જાય.

ભજન બિના દિન બીતા જાય.

કર લે ભજન ભલો તન પાયો, ભજન બિના સુખ પાયા કિન રે,

ઉપજત વિનશત યુગ ચારો ગૌ, વેદ વિચારત ગૈ મુનિ ગન રે.

પલ માંહીં પરલય હો જાઈ, વિનશત લગૈ ઘડી ના છિન રે,

કહૈં કબીર ભજન કર વાકા, પાનિ સે પિણ્ડ સમારા જિન રે.

…………

આ મનુષ્ય જન્મ ઘણો દુર્લભ છે તે વારંવાર મળતો નથી. છતાં પણ તમે તો આખી જીંદગી ઈશ્વર સ્મરણ, ભજન વગર વ્યર્થ વ્યતીત કરી દો છો. જ્યારે આ દેહમાંથી પ્રાણ છૂટી જશે ત્યારે તેનાથી કોઈ પ્રયોજન સિધ્ધ કરી શકવાના નથી. તેથી યમની યાતનાઓથી બચવા માટે શ્રી કબીર સાહેબ કહે છે કે આ ભલો મનુષ્ય દેહ ધારણ કર્યા પછી ઈશ્વર ભજન કરવું જોઈએ કારણકે ભજન વગર એટલે કે જ્ઞાન વગર દુઃખની નિવૃત્તિ થતી નથી અને નિરતિશય સુખની પ્રાપ્તિ થતી નથી. આ શરીર રૂપી ઘરને મર્યા પછી કોઈ સાથે લઈ જતું નથી. જીવોના મોહ, કામ, કર્માદિ દ્વારા તેમને કષ્ટ થાય છે, અને મોહાદિની નિવૃત્તિ કેવળ સર્વાત્મા સ્વરૂપ રામની પ્રાપ્તિથી જ થાય છે. આમને આમ કેટલાય શરીરો ચારે યુગમાં ઉત્પન્ન થઈને નાશ થઈ ગયા; વેદને ભણવા, વિચારવાવાળા મુનીઓ પણ મરી ગયા. આ સંસાર ક્ષણ ભંગુર છે તેનો પણ પ્રલય કાળમાં નાશ થઈ જાય છે. દરેક પ્રાણી સંસારમાં વારંવાર પોતાનાં કર્મનું ફળ ભોગવવા આવે છે અને જાય છે. આ દેહ પંચભૂતનું કાર્ય તેમજ મિથ્યા, ભ્રમરૂપ કૃત્રિમ તથા સ્વપ્ન તુલ્ય માયાથી યુક્ત છે. જો દેહની આ દશા છે તો વસ્તુતઃ કોણ કોનો પુત્ર છે? પિતા છે? સ્ત્રી છે? પતિ છે? કેવળ અજ્ઞાન કામમૂલક કર્મથી દરેક જીવ અનેક જન્મમાં ભ્રમે છે તેથી શ્રી કબીર સાહેબ આ દુઃખથી નિવૃત્ત થવા માટે કહે છે કે જે સર્વનો આધાર છે, જેની સત્તા માત્રથી આ બધું નિયંત્રણમાં રહે છે; તેનું ભજન કરો, સ્મરણ કરો જેથી તમારૂં કલ્યાણ થાય.

…………..

………….

(૭)

…………

(૫)

યા તન ધન કી કૌન બડાઈ,

યા તન ધન કી કૌન બડાઈ, દેખત નૈન માટી મિલિ જાઈ…

કંકર ચુન-ચુન મહલ બનાયા, આપન જાય જંગલ બસાયા,

હાડ જરૈ જસ લાકર ઝૂરી, કૈશ જરૈ જસ ઘાસ કી પૂરી…

યા તન ધન કછુ કામ ન આઈ, તાતે નામ જપો લૌ લાઈ…

કહૈં કબીર સુનો મેરે મુનિયાં, આપ મુયે ફિર ડૂબ ગઈ દુનિયાં…

………….

મનુષ્ય જે એવું સમઝે છે કે આઘરનું કાર્ય મારાથી જ ચાલે છે, આ શરીર મારૂં છે, મારા સર્વે ભાઈ, ભાંડું, પુત્ર, સ્ત્રી વિગેરે મારાં છે અને મારા ઉપકારક છે, એવા લોકોને માટે મોહનો ત્યાગ, વૈરાગ્ય તેમજ ભાવી દુઃખની નિવૃત્તિને માટે શ્રી કબીર સાહેબ ઉપદેશ આપે છે કે આ શરીર તેમજ ધનની શું બડાઈ કરો છો, કારણ કે આંખનાં પલકારામાં જ આ શરીર તેમજ ધનનો નાશ થઈ માટીમાં મળી જશે. પૈસા ભેગા કરીને સુંદર ઘર રહેવા માટે બનાવો છો પણ તારા જ બંધુઓ, પુત્ર, પત્નિ વિગેરે આ શરીર મર્યા પછી કહેશે કે આ મુડદાને જલદીથી ઘરની બહાર કાઢી સ્મશાનમાં લઈ જઈ બાળી દો. આ શરીરનાં હાડકાં સુકાં લાકડાંની જેમ અગ્નિમાં બળી જાય છે અને કેશ સુકા ઘાસની પુળીની માફક બળી જાય છે. આમ જે સગા સંબંધીને તું તારા માનતો હતો તે કોઈ તારાં નથી. મર્યા પછી કોઈ સાથે આવતા નથી. કેવળ કર્મ સંકલ્પ વશ આ બધા તને પ્રાપ્ત થાય છે. તેથી આ શરીર તેમજ ધન કોઈના કામમાં આવ્યું નથી, માટે તું ઈશ્વરનું સ્મરણ કર. શ્રી કબીર સાહેબ કહે છે કે, હે મુની લોકો ! જેનું મન મરી જાય છે તેને માટે આ સંસાર પણ મરી જાય છે;  દુનિયા ડૂબી જાય છે. કેવળ શરીર મરવાથી કાંઈ જ ફાયદો નથી. તેથી કર્તવ્ય છે કે હું ક્યાં છું? ક્યાં જઈશ? કોનો છું?  સંસારમાં કેમ જન્મ્યો છું? મારો બંધુ કોણ છે? હું કોણ છું? વિગેરેની ચિંતા કરી મોહની નિવૃત્તિને માટે મરણકાળ સુધી સત્સંગ વિચારાદિ કરી કોઈ સાંસારિક પદાર્થોમાં આસક્તિ કરવી નહિં, કારણકે આત્મ સ્વરૂપની સ્થિતિ માટે માતા, પિતા, પુત્ર, સ્ત્રી વિગેરે સહાયતા કરતા નથી; કેવળ ધર્મ જ રક્ષા કરે છે. એટલે ઈશ્વરનું નામ સ્મરણ કરી આ સંસાર રૂપી સાગરથી પાર થાઓ…

…………

(ૐ)

………….

(૬)

………..

(૪)

સન્તન કે સંગ લાગ રે, તેરી અચ્છી બનેગી.

સન્તન કે સંગ લાગ રે, તેરી અચ્છી બનેગી.

હંસન કી ગતિ હંસહી જાને, ક્યા જાને કોઈ કાગ રે,

સન્તન કે સંગ પૂર્ણ કમાઈ, હોય બડો તેરો ભાગ રે…

ધ્રુવ કી બની, પ્રહલાદ કી બન ગઈ, હરિ સુમિરન વૈરાગ રે,

કહત કબીરા સુનો ભાઈ સાધો, રામ ભજન કો લાગ રે…

………..

વાસ્તવિક તત્ત્વજ્ઞાન, સત્સંગ, સત્શાસ્ત્રાદિનો વિચાર, વૈરાગ્યાભ્યાસ અને સદગુરૂની સેવા, ગુરૂના ઉપદેશ દ્વારા જ થાય છે. તેથી શ્રી કબીર સાહેબ જિજ્ઞાસુઓ પ્રતિઉપદેશ કરે છે કે સંતનો સંગ કરશો તો તમારૂં જીવન સફળ થઈ જશે. સાંસારિક વિષયોની આસક્તિને ત્યાગીને ગુરૂની શરણમાં પ્રાપ્ત થઈ ગુરૂનાં વચનોને માની વિચારાદિ કરો, કારણકે સાધુ, સન્ત, પરોપકારી શુદ્ધ હ્રદયવાળા મહાત્મા જ તને વિવેકજ્ઞાન દ્રષ્ટિ આપી સંસારના આદિ અન્ત તથા ઉત્પત્તિ પ્રલયનો અનુભવ કરાવી દેશે, અને નિરવચ્છિન્ન સુખ આપી પાપનું નિવારણ પણ કરાવી દેશે. જેમ હંસની ગતિને હંસ જ જાણી શકે છે, એટલે કે હંસ દૂધ અને પાણીને જુદા (વિવેક) કરી સાર ગ્રહણ કરે છે, તેની કાગડાને શું ખબર પડે? કારણકે કાગડો અવિવેકી છે; તેમ આ હંસ રૂપી સંતનો સંગ કરવાથી (આત્મા અનાત્માનો વિવેક કરવાથી), રાગ રહિત, પુરૂષ કર્મ બંધનથી મુક્ત થઈ શકે છે. તેની કાગ તુલ્ય અજ્ઞાની (અવિવેકી) ને શું ખબર પડે ! પૂર્વ જન્મના જો પૂર્ણ સંસ્કાર અને ભાગ્ય હોય તો જ આ જન્મમાં સંતનો સંગ થાય અને “પૂર્ણ કમાઈ” થાય એટલે કે સમર્થ ગુરૂ, સંત આ જન્મ મરણના ફેરામાંથી છૂટવા માટેનું જ્ઞાન રૂપી પૂર્ણ ધન કમાવી આપે. શ્રી કબીર સાહેબ કહે છે કે હરિ સુમિરણ અને વૈરાગ્ય દ્વારા ધ્રુવ અને પ્રહલાદ ભગવાનને જાણી શક્યા, પ્રાપ્ત કરી શક્યા તેથી તું પણ આ જન્મમાં રામનું ભજન, સ્મરણ કર જેથી જ્ઞાન દ્વારા તને પણ મોક્ષની સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે…

……………..

…………

(૫)

……….

(૩)

ના કછુ ના કછુ રામ બિના રે,

ના કછુ ના કછુ રામ બિના રે,

દેહ ધરે કી યહી પરમ ગતિ, સત્સંગતિ મેં રહના રે…

મન્દિર રચત માસ દશ લાગે, વિનશત એક છના રે,

પલ ઈક સુખ કે કારણ પ્રાણી, પરપંચ કરત ઘનારે…

માતું પિતા સુત લોક કુટુમ મેં, ફૂલા ફિરત મના રે,

કહહિં કબીર રામ ભજ પ્રાણી, છાંડ સકલ ભ્રમના રે…

………

શ્રી કબીર સાહબ જિજ્ઞાસુઓ પ્રતિ ઉપદેશ આપે છે કે આ સંસારમાં રામ સિવાય બીજી કોઈ વસ્તુ પ્રાપ્ત કરવા લાયક નથી. દેહ (શરીર) ધારણ કર્યા પછી જો પોતાની પરમ ગતિ ઈચ્છતા હો તો સત્સંગ કરો. સંતનો સંગ કરી તેમના દ્વારા આ નિત્ય, વિભુ, સર્વાત્મા રામનો સ્વસ્વરૂપથી અનુભવ કરો. આ મનુષ્ય જન્મ ચૌર્યાસી લાખ યોનિઓમાં ફરી આવ્યા પછી મળે છે, તેથી દેવોને પણ દુર્લભ છે તેવો દેહ બનતાં પહેલાં માતાના ગર્ભમાં નવ મહિના સુધી ઉંધા લટકીને રહેવું પડે છે, પરંતુ તેનો નાશ માત્ર એક ક્ષણમાં જ થાય છે તે સમઝ. આ સંસારમાં મનુષ્ય સુખ માટે ઘણો પ્રપંચ રચે છે, એટલે કે ધન, દોલત, સ્ત્રી, પુત્ર વિગેરે માટે આખી જીંદગી પ્રયત્ન કરે છે, અને અંતે દુઃખ પામી યમયાતના, કષ્ટ સહન કરે છે. માતાપિતા કહે છે કે મારો પુત્ર છે; સ્ત્રી કહે છે કે મારો પતિ છે; પુત્ર કહે છે કે મારો પિતા છે, આમ આ લોકોમાં કુટુંબીઓ ફૂલાઈ ફૂલાઈને આ માયાનો રસ લે છે. પરંતુ અંતે કશું પામતા નથી. તેથી શ્રી કબીર સાહેબ કહે છે કે એક નિર્ગુણ, આત્મારામનું ભજન કરી આ સંસારનો ભ્રમ છોડી દે અને સત્સંગતિ કર તેમાં જ તારી પરમ ગતિ છે. આ સંસારમાં રામ જ પ્રાપ્ત કરવા યોગ્ય છે તે સમઝ.

…………

………..

(૪)

ૐૐૐ

(૨)

તેરે ઘટ મેં રામ, તું કાહે ભટકે રે.

તેરે ઘટ મેં રામ, તું કાહે ભટકે રે.

જૈસે અગિની બસત પથરી મેં, ચમકત નહિં બિનુ પટકે રે,

જૈસે માઁખન રહત દૂધ મેં, નિકસત નહિં બિનુ ઝટકે રે…

જૈસે મધુર રસ બસત ઉખ મેં, નિકસત નહિં બિનુ કટકે રે,

કહૈં કબીર સુનો ભાઈ સાધો, હરિ ન મિલૈં બિનુ રટકે રે…

………..

જે આત્મા રામને જાણવાથી બધા દુઃખોની નિવૃત્તિ થાય છે, તે આત્મા કેવા ગુણવાળો, કયા દેશ, કાળમાં રહેવાવાળો અને તેની પ્રાપ્તિ કેવી રીતે અને ક્યાં જવાથી થઈ શકે? તેની ગતિ, મોક્ષ, સ્થિતિ કેવી હોય છે અને કેવા રૂપથી તેને જાણી શકાય છે વગેરે શંકાઓના નિવારણમાં શ્રી કબીર સાહેબ કહે છે કે એ સર્વાત્મા રામ તારા ઘટમાં (હ્રદયમાં) જ બેઠેલો છે, તું શા માટે એને બાહ્ય વસ્તુઓમાં શોધે છે? જેમ ચકમક પત્થરમાં રહેલા અગ્નિને પ્રકટ કરવા માટે તેને પટકવો પડે છે, પટકવાથી કે ઘર્ષણથી જ તેમાંથી અગ્નિ પ્રકટ થઈ શકે છે; જેમ દૂધમાં રહેલા માખણને કાઢવા માટે દહીંને વલોવવું પડે છે અને ઘણા મંથન બાદ માખણ ઉપર તરી આવે છે; જેમ શેરડીમાં રહેલા મધુર રસને કાઢવા માટે શેરડીને કાપીને મશીનમાં પીલવી પડે છે ત્યારે મધુર રસ નિકળે છે. તેવી રીતે આ દેહમાં રહેલા આત્મા રામને પામવા માટે શુદ્ધ હ્રદયથી રામનામનું રટણ કરવું જરૂરી છે. આમ વસ્તુ તો હ્રદયની અંદર જ છે પણ તેને પામવા માટે રામનામનાં રટણ રૂપી અગાધ પ્રયત્ન કરવો પડે છે. જે એને જાણવા યોગ્ય સામર્થ્ય પ્રાપ્ત કરે તે જ પોતાનામાં વિવેક વિચાર દ્વારા પોતાના સ્વરૂપને જાણી લે છે એ જ રામની પ્રાપ્તિ રૂપ છે. રટણ કેવું થવું જોઈએ તો કહે છે કેઃ

માળા શ્વાસોશ્વાસ કી, ફેરેંગે કોઈ દાસ,

ચૌરાસી ભરમેં નહી, કટૈ કાલકી ફાંસ.

રગ રગ બોલી રામજી, રોમ રોમ રંકાર,

સહજેહી ધુન હોત હૈ, સોઈ સુમિરન સાર…

……….

(૩)

કબીર ભજનાવલી… 1

કબીર ભજનાવલી… 2

મો કો કહાઁ ઢૂંઢે બન્દે, મૈં તો તેરે પાસમેં. 2

 કબીર ભજનાવલી

શ્રી કબીર સાહેબ જેવા મહાન સંત પુરૂષે તેમની અમૃતમય વાણી દ્વારા આ દેહની અસારતા બતાવી, રામને ઓળખવાની, પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવાની તથા સાક્ષાતકાર કરવાની ચાવી બતાવી છે. જો સમર્થ ગુરૂ દ્વારા આવા મહાન સંતપુરૂષની વાણીને શ્રવણ કર્યા બાદ તેનું રાત દિવસ મનન, ચિંતન, નિદિધ્યાસન કરી અનુભવ કરવામાં આવે તો આ જીવન ધન્ય બની જાય.

…………………………

શ્રી સદગુરૂ કબીર સાહેબની વાણી મુખ્યત્વે ત્રણ ગ્રંથોમાં ઉપલબ્ધ છે. (૧) બીજક ગ્રંથ. (૨) શબ્દાવલી અને (૩) સાખી ગ્રંથ… મૂળ બીજક ગ્રંથની રચના શ્રી કબીર સાહેબે સ્વહસ્તે હિન્દી ભાષામાં ઉપનિષદ્ રૂપે કરેલી છે. જેની અંદર કુલ અગિયાર પ્રકરણ છે. (૧) રમૈની, (૨) શબ્દ, (3) કહરા, (૪) વિપ્રમતીસી, (૫) હિંદોલા, (૬) વસંત, (૭) ચાંચર, (૮) જ્ઞાન ચૌતીસી, (૯) બેલી, (૧૦) બિરહુલી અને (૧૧) સાખી…

શબ્દાવલી અને સાખી ગ્રંથોમાં જે જે સમયે શ્રી કબીર સાહેબે જન સમાજને ભજનો તથા સાખીઓ દ્વારા ઉપદેશ કરેલો, તેનો અનુયાયીઓ દ્વારા સંગ્રહ કરવામાં આવ્યો છે. અહીં શ્રી કબીર સાહેબનાં ૫૦ પદોનો સરળ ગુજરાતી અર્થ, પ.પૂ. અનન્ત શ્રી સદગુરૂદેવ સ્વામી બ્રહ્મવિદ્વરિષ્ઠ શ્રી હનુમાનદાસજી સાહેબ, ષટ્શાસ્ત્રીજીએ કરેલ બીજક ગ્રંથ તથા શબ્દાવલીની વ્યાખ્યાના આધારે પ્રકટ કરેલ છે. શ્રી કબીર સાહેબે ભજનો દ્વારા સાક્ષી સ્વરૂપ, આત્માનો ઉપદેશ કરેલો છે. તેમાં વિવેક, વૈરાગ્ય, શમ, દમ, શ્રધ્ધા, સમાધાન, ઉપરતિ, તિતિક્ષા, શ્રવણ, મનન, નિદિધ્યાસન, યમ, નિયમ આદિનું સ્પષ્ટ વર્ણન કર્યું છે. જે દરેક જણ સમજી, વિચારી, અપરોક્ષ આત્માનુભવ માટે પ્રેરિત થાય એવી અભ્યર્થના…

વડોદરા — તા. ૨૫-૫-૧૯૯૬…

શરદ ચંદ્રકાંત મહેતા — અશોક ચંદ્રકાંત મહેતા…

…………………..

 

કબીર ભજનાવલી।। ૐ રામ ।।

શ્રી સદગુરૂ ચરણ કમલેભ્યો નમઃ

 

(૧.)

મો કો કહાઁ ઢૂંઢે બન્દે, મૈં તો તેરે પાસમેં.

મો કો કહાઁ ઢૂંઢે બન્દે, મૈં તો તેરે પાસમેં.

ના તીરથ મેં ના મૂરત મેં, ના એકાન્ત નિવાસ મેં,

ના મન્દિર મેં ના મસ્જિદ મેં. ના કાશી કૈલાસ મેં…

ના મૈં જપ મેં ના મૈં તપ મેં, ના મૈં બરત ઉપાસ મેં,

ન મૈં ક્રિયા કર્મ મેં રહતા, નહીં યોગ સન્યાસ મેં…

નહીં પ્રાણ મેં નહીં પિણ્ડ મેં, ન બ્રહ્માણ્ડ અકાશ મેં,

ના મૈં ભ્રુકુટી ભઁવરગુફા મેં, સબ શ્વાસન કી શ્વાસ મેં…

ખોજી હોય તુરત મિલિ જાઉઁ, એક પલ કી હિ તલાસ મેં,

કહહિં કબીર સુનો ભાઈ સાધો, મૈં તો હુઁ વિશ્વાસ મેં…

એક જ રામ સર્વના હ્રદયમાં વસે છે, એ જ રામ જીવનું વાસ્તવિક સ્વરૂપ છે. એ રામમાં જ માયાથી આ સંપૂર્ણ સંસાર સિધ્ધ થયેલો છે. તેથી શ્રી કબીર સાહેબ કહે છે કે “મો” એટલે કે સદગુરૂ સર્વાત્મા ઈશ્વરને તું ક્યાં શોધે છે ! “મૈં” ( સર્વાત્મા ઈશ્વર) તો તારી પાસે જ છે. સાક્ષી સ્વરૂપે તારા હ્રદયમાં જ બેઠેલા છે. એ રામ તીર્થ સ્થાનોમાં નથી કે બહુ તીર્થોમાં ફરવાથી મળતા નથી; મૂર્તિમાં નથી; એકાન્તમાં નથી કે બહુ એકાન્ત વાસ કરનારને મળતા નથી; મંદિરમાં નથી, મસ્જિદમાં નથી; કાશીમાં નથી કે કૈલાસ પર્વત ઉપર પણ નથી; આ આત્મા બહુ જપ કરનારને, બહુ તપ કરનારને, બહુ ઉપવાસ કરનારને પ્રાપ્ત થતો નથી; લૌકિક વ્યવહાર કે શાસ્ત્રીય શ્રૌત કે સ્માર્ત કર્મ કરવાથી કે બહુ યજ્ઞો કરવાથી પણ આ આત્મા મળતો નથી; કેવળ યોગ કરવાથી કે કેવળ સન્યાસ લેવાથી પણ (સ્વરૂપની પ્રાપ્તિ વગર, અનુભવ થયા વગર) એ પ્રાપ્ત થતો નથી; વળી આ આત્મા પ્રાણમાં, પિંડમાં, બ્રહ્માંડમાં કે આકાશમાં પણ નથી; તથા “ભ્રુકુટી” એટલે કે બે આંખની વચ્ચે નાકના ઉપર બે ભ્રમરની વચ્ચે નાકના ઉપર બે ભ્રમરની વચ્ચે પણ આવેલો નથી. પરંતુ તે સાક્ષી સ્વરૂપે દરેકના શ્વાસમાં (હ્રદયરૂપી ગુફામાં) બિરાજમાન છે, અને આપણા દરેક કર્મોનો સાક્ષી છે તે અકર્તા છે. તે રૂપ, રસ, ગંધ, શબ્દ, સ્પર્શથી રહિત, નિરવયવ, નિર્લેપ, નિરાકાર, વિભુ, સર્વનો પ્રકાશક, શાશ્વત છે, જેને વેદ પણ “નેતિ નેતિ” કહીને જ લક્ષિત કરે છે, તેને “આ આત્મા છે” એમ કોઈ કહી શકતું નથી. તેથી તે નામ રહિત છે. તો તે આત્મા, રામને શોધવો કઈ રીતે ? પામવા કઈ રીતે? તેથી શ્રી કબીર સાહેબ કહે છે કે ખોજ (શોધ) કરવાવાળો હોય તો તેને હું તરત જ એક પળ, ક્ષણભરની તલાશમાં જ મળી શકું, કારણ કે તે આત્મા મારૂં જ સ્વરૂપ છે અને તે વિશ્વાસમાં છે તેથી શ્રધ્ધા અને વિશ્વાસ ગ્રહણ કરી, વેદ તથા ઉપનિષદાદિમાં શબ્દ દ્વારા લક્ષિત એ આત્માનું સમર્થ ગુરૂ પાસે શ્રવણ કરી, મનન અને નિદિધ્યાસન દ્વારા સર્વાત્મા સ્વરૂપ રામને વિવેક વિચારાદિ દ્વારા તમારામાં જ શોધો, તેને પોતાનું જ સ્વરૂપ જાણી સાક્ષાત્કાર કરો જેથી કલ્યાણ થાય…

ૐૐૐ

(૨)