વેદાનુ વચન

Table of Contents
વેદાનુવચન 1
૧૦. એ ત્રણનાં મુખ્ય મુખ્ય લક્ષણો શાં હોય છે? 6
૧૧. ઉપાસનાકાંડનું શું લક્ષણ છે? 7
૧૨. એના વડે જીવાત્માને શો લાભ થઈ શકે? 8
૧૩. ત્યારે જ્ઞાનકાંડનું મુખ્ય લક્ષણ તથા ફળ શું છે? 9
૧૪. બીજા ધર્મોથી સનાતન ધર્મ અલગ પડીને સુખની પ્રાપ્તિ માટેનું સર્વોત્તમ સાધન બની રહેવામાં, મુખ્ય પાયાનો સિદ્ધાન્ત કયો છે? 9
૧૫. એટલે કે, આ સંસારના મોહથી છૂટવું, એ જ મોક્ષ છે, એવું થયું ને? તો પછી, આ સંસારની રચના કોણે કરી, ને કેવી રીતે થઈ કહેવાય? 10
૧૬. આ મુખ્ય ત્રણ દેવો થયા. એ ઈશ્વરની પ્રકૃતિનાં ત્રણ પાસાં છે એમ આપે કહ્યું, એ કેવી રીતે છે. 14
૧૭. આ ત્રણ ઉપરાંત, બીજા પણ ઘણા દેવદેવીઓની પૂજા-ઉપાસના લોકમાં ચાલે છે. એ બધું શું છે? 16
૧૮. આ બધાંનો ધર્મ સાથે શો સંબંધ ગણાય છે? 18
૧૯. પુરાણોમાં ઋષિમુનિઓનાં સેંકડો નામો આવે છે, તે બધા શું છે? 18
૨૦. સરવાળે એ બધું શું છે? 19

વેદાનુવચન
અનુક્રમ
પ્રાસ્તાવિક –
દેવદેવીઓની દુનિયા
– પૂ. શ્રી સ્વામી પ્રણવતીર્થ—૧.
ભૂમિકા – બાબા નગીનાસિંહ વેદી, ‘આત્મદર્શી’—૧૨.
પ્રથમ ઉપદેશ – કર્મકાંડ—૧૫.
દ્વિતીય ઉપદેશ – જ્ઞાનકાંડ —૩૬.
તૃતીય ઉપદેશ – બંધ અને મોક્ષ—૧૮૩.
પ્રાસ્તાવિક
દેવદેવીઓની દુનિયા
લેખક
પૂ. શ્રી સ્વામી પ્રણવતીર્થ
૧. માણસ શેની આશા તથા ઈચ્છા વડે કરીને જીવે છે?
દુઃખથી છૂટવાની અને સુખી થવાની ઈચ્છા કરતો તથા આશા રાખતો, માણસ ગમે તેમ કરીને પણ, જીવતો રહેવા માટે નિત્ય-નિરંતર પ્રયત્ન કરતો રહે છે. આ આશા જ્યારે છૂટી જાય, સુખી થવાની આશા જ્યારે ન રહે, ત્યારે એ જીવતો રહેવા ઈચ્છતો નથી.
૨. દુઃખથી કેવી રીતે છુટાય, ને સુખ શેનાથી પમાય?
ધર્મના પાલનથી.
૩. ધર્મ એટલે શું?
ધર્મ એટલે, એવી રીતનું આચરણ તથા એવી રીતના વિચારો, કે જેના વડે બીજા કોઈને પણ શરીરની કે મનની હાનિ ન થવા પામે, અને જેને પરિણામે, હમણાં કે પછીથી પણ કોઈ કાળે, આપણને સંતાપ થવા વારો ન આવે. એવાં આચરણ, તથા એવા વિચારો કરવા માટેના આપણા પૂર્વજોએ ઘડેલા નિયમો, “ધર્મ” કહેવાય છે.
૪. ધર્મો ઘણા કેમ છે?
જુદા જુદા દેશોમાં, જુદી જુદી આબોહવામાં રહેતા, જુદી જુદી રીતે રહેવાની ટેવવાળા જુદા જુદા લોકોના આચારવિચારો પણ એકબીજાથી જુદા હોય છે. તેથી એમણે પોતપોતાની રીતે પાળવાના નિયમોની રીતો જુદી જુદી હોય છે, જે લોકોની સુખી થવા માટેની જેવી રીત હોય, તે, એ લોકોનો “ધર્મ” કહેવાય છે. ધર્મ પાળવાની રીતો જુદી જુદી હોય, પણ એ બધીની પાછળના પાયાના નિયમો તો એકસરખા જ હોય છે.
૫ . આપણો ધર્મ કયો કહેવાય?
આપણો ધર્મ “હિંદુ ધર્મ” કહેવાય છે ખરો; પરંતુ, ખરૂં જોતાં એ એનું નામ નથી. એ નામ તો, પશ્ચિમ તરફથી ભારતમાં આવતા લોકોએ પાડેલું છે. જૂના જમાનામાં જે લોકો પશ્ચિમથી ભારતમાં આવતા હતા, તેમાંના ઘણાને સિંધ દેશમાં થઈ, સિંધુ નદી પાર કરીને આવવું પડતું હતું. તેમાંના ગ્રીક જેવા અમુક લોકોની ભાષામાં “સ” ને બદલે “હ” બોલાતો હતો. તેથી એ લોકો “સિંધ” ને બદલે “હિંદ” બોલતા હતા, ને “સિંધુ” દેશને “હિંદુ” દેશ કહેતા હતા. તેથી “હિંદ”, ને “હિંદુ” થઈ ગયું, ને ભારતનું નામ મુસલમાનો “હિંદુસ્તાન” કહેવા લાગ્યા. તેથી આપણો ધર્મ પણ “હિંદુ” કહેવાયો. હજારો વર્ષો સુધી પરદેશી રાજસત્તાવાળા એ શબ્દો વાપરતા રહ્યા, તેથી, એ નામો રૈયતમાં પણ ચાલુ થઈ ગયાં.
આપણા ધર્મને કોઈ ખાસ નામ જ નહોતું; પરંતુ, અનાદિ કાળથી જે આચારવિચારની રીત ચાલતી આવતી હતી, તે “સનાતન ધર્મ”, એવી રીતે એની વાત થતી. વળી, દુનિયામાં તેના પછી ઘણા ધર્મો ઊપજ્યા, ને સનાતન ધર્મથી જુદા હોવાથી એમનાં જુદાં જુદાં નામો પડ્યાં છે, પણ એ બધા ધર્મોના પાયામાં સનાતન ધર્મના સિદ્ધાન્તો જ રહેલા છે. બધા જ ધર્મોના કોઈ ને કોઈ સ્થાપનારા હતાં, પણ સનાતન ધર્મ તો અનાદિ કાળથી ચાલ્યો આવે છે; કોઈ એક મામસ એને સ્થાપનારો હોવાનું કહી શકાય એમ નથી, કેમકે, એ ધર્મ માણસાઈનો છે, અને તેના સિદ્ધાન્તો બધે એકસરખી રીતે લાગુ પડે છે. બધા સંસ્કારી ધર્મો એનાં જુદાં જુદાં પાસાં જ છે.
દરેક ધર્મને પોતાના નીતિનિયમોનું એક ખાસ પુસ્તક હોય છે, જેવું કે ખ્રિસ્તીનું બાઈબલ, ઈસ્લામનું કુરાન, વગેરે. હિંદુ ધર્મ વેદને અનુસરે છે.
૬. વેદ શું છે?
હજારો વર્ષો થયાં, ભારતના પ્રાચીન ઋષિમુનિઓને તપ કરતાં, જીવનનાં તથા જીવનની પેલી પારનાં ગૂઢ સત્યો મનમાં સ્ફુરતા રહ્યાં. તેની જે નોંધો થતી રહી, તેને વેદ કહેવામાં આવ્યા. વેદ કોઈ પણ માણસે લખેલાં નથી, પણ અનેક ઋષિમુનીઓનાં પવિત્ર અંતઃકરણોમાં સ્ફૂરતાં સત્યોનો એ સંગ્રહ, હજારો વર્ષો થયાં ભેગો થતો રહેલો છે. તેથી, એ ઈશ્વરીય પવિત્ર જ્ઞાનનો મોટો અખૂટ ભંડાર છે. વેદનો અર્થ થાય છે જ્ઞાન. બધા જ પ્રકારનાં જ્ઞાનો એમાં ભરેલાં છે. એ કંઈ એક પુસ્તક નથી. પણ એનામાં અનેક “વેદો” એટલે કે જ્ઞાનના ગ્રંથોનો સમાવેશ છે.
“વેદો” નો હેતુ, લોકને સન્માર્ગે ચાલતા રાખીને સમાજને તથા સમાજનાં અંગોરૂપી લોકોને સુખ-સંપમાં રાખવાનો, અને આ લોકમાં તેમ જ મર્યા પછી પણ, જીવને કેવી રીતે સુખશાન્તિ મળે, એને માટેની રહેણીકરણીની રીતો બતાવવાનો છે.
૭. એમાં સ્વર્ગની, ને નરકની, ને એવી એવી વાતો આવે છે. તેનું શું કારણ હશે?
લોકો ઘણે મોટે ભાગે લાંબી અક્કલવાળા નથી હોતા. તેથી, એમને સીધે માર્ગે ચાલતા રાખવા માટે, બે વસ્તુઓનો, જરૂર પ્રમાણે, ઉપયોગ કરવામાં આવે છે. બધા જ ધર્મોમાં એવું છે. એ બે છે. ભય અને લાલચ. અમુક રીતે વર્તશો, તો નરકનાં ભયંકર દુઃખો વેઠવાં પડશે એવી બીક એક તરફ બતાવાય છે, અને અમુક રીતે વર્તશો, તો સ્વર્ગનાં સરસ સુખ ભોગવવા મળશે, એવી લાલચ બીજી તરફથી બતાવવામાં આવે છે. અબુધ માણસો એમાં શ્રદ્ધા રાખીને, ભયના માર્યા તથા લાલચના માર્યા, ઘેટાંનાં ટોળાંની જેમ, પોતપોતાના ધર્મના આગેવાનોની પૂંઠે પૂંઠે ચાલ્યાં જાય છે, અને તેથી, અમુક પ્રકારના અનર્થોથી તો એ બચવા પામે છે. જે એટલું યે નથી કરતાં તે પશુથી પણ હીણાં, ને ઘણી રીતે દુઃખી થનારાં હોય છે.
લોકના સ્વભાવો જુદી જુદી જાતના હોય છે, અને સુખના અર્થ પણ લોક જુદી જુદી રીતે સમજે છે. તેથી, દયાળુ વેદોએ, બીજા માણસોએ ઘડેલા ધર્મોની જેમ, બધાંને એક લાકડીએ હાંકવાની રીત નથી અપનાવી, ને જુદી જુદી જાતનાં સુખો પામવા માટે જુદી જુદી હજારો રીતો બતાવેલી છે; તેમાંની જે રીત જેને વધારે બંધબેસતી લાગે, તે રીતે એ ચાલી શકે છેઃ દુઃખો પણ અનેક જાતનાં હોય છે, તેથી દુઃખોથી છૂટવાની રીતો પણ અનેક બતાવેલી છે.
૮. એમાં મુખ્ય કઈ છે?
માણસે દુઃખના એકંદર ભાવથી છૂટવા, અને સુખનો ભાવ મેળવવા માટે, વેદો મુખ્ય ત્રણ રીતો બતાવે છે. એકનું નામ છે કર્મકાંડ, બીજીનું નામ છે ઉપાસના અથવા ભક્તિકાંડ અને ત્રીજીનું નામ છે જ્ઞાનકાંડ.
૯. એ ત્રણ ભાવ જુદી જુદી રીતો છે?
ના. એ ત્રણેયે, મૂળમાં એક જ છે, પણ જેમ મેટ્રિકમાં જવા માટેનું ભણતર એક જ હોય, તોયે, વિદ્યાર્થીની બુદ્ધિને ક્રમે ક્રમે કરીને ખીલવવા માટે, એના ત્રણ તબક્કા કહેવાય છે, કે બાળ શિક્ષણ, પ્રાથમિક શિક્ષણ ને માધ્યમિક શિક્ષણ, એવું આ ત્રણ કાંડોનું છે. કાંડ એટલે ધોરણ જ સમજજો. પહેલું બરોબર પાકું કર્યા વિના બીજાની ગેડ કદી ન બેસે, ને બીજું પણ પાકું કર્યા વિના ત્રીજામાં પ્રવેશ કરવાની લાયકાત ન આવે. જે વિદ્યાર્થી બુદ્ધિમાન હોય, તથા કૉલેજમાં જવાના નિશ્ચયવાળો હોય, તે એક પછી એક કરીને ત્રણેય પાસ કરે. પણ જેમના સંસ્કાર તથા વિચાર સાંકડા હોય, ને જે આંખ મીંચીને રૂઢિરિવાજ પાલનારી મંદ બુદ્ધિના હોય, તે, એક કે બીજા ધોરણમાં જ સંતોષ માનીને, એમાં ગોથાં ખાયા કરે છે. એમાંના કોઈક જ હિંમત તથા ઉત્સાહવાળા જીવાત્માઓ ત્રીજા ધોરણ સુધી પહોંચે છે. તેમાં પણ ત્રીજુંયે પાર કરીને મોક્ષ પામનારા તો કોઈ વિરલા જ હોય છે, અને ખરેખરૂં સાચું પણ, એવા કોઈ વિરલાને જ પ્રાપ્ત થાય છે, જ્યારે બીજા બધા લાખો અને કરોડો મૂઢ માનવીઓને નસીબે, ઓછું સુખ ને વધારે દુઃખના મિશ્રણમાં ખદબદવાનું રહે છે.
૧૦. એ ત્રણનાં મુખ્ય મુખ્ય લક્ષણો શાં હોય છે?
કર્મકાંડની રીત પહેલી આવે છે. જૂના જમાનામાં, આજના જેવાં સામાજીક સેવાઓ વગેરે કામો નહોતાં; પણ કુદરતની શક્તિઓને રાજી રાખવા માટેની અમુક વિધિઓ, તથા રહેણીકરણીના નિયમોનું પાલન કરવામાં જ ધર્મ સમાઈ જતો, પરંતુ, હવે વેદો અને પુરાણોમાં કહેલા તેવા વિધિઓરૂપી કર્મકાંડ ઉપરાંત સમાજસેવાનાં તથા પરોપકારનાં કહેવાય તેવાં કામો પણ, કર્મકાંડમાં જ સમાઈ જાય છે. એ જૂના કાળના હોમહવનો, યજ્ઞો, તીર્થયાત્રાઓ, જપ, તપ, પૂજા, વ્રતો વગેરે મળીને કર્મકાંડ કહેવાતું. એમાંનું દરેક, કોઈ ને કોઈ દેવ કે દેવીના નામ સાથે જોડાયેલું રહેતું.
એ બધાનો મૂળ હેતુ એક જ હતો, કે માણસ જે કંઈ કરે, તે પોતાના અંગત સ્વાર્થ માટે નહિ, પણ કોઈ ને કોઈ દેવ કે દેવીને નિમિત્તે, અને તેને અર્પણ કરીને જ કરે, તો એને દુઃખી થવા વારો ન આવે; કેમકે સાચી રીતે કર્મકાંડ કરવાથી, માણસનો અહંકાર ઓછો થતો જાય, ને એનું ચિત્ત રાગ-દ્વેષ તથા કામ, ક્રોધ વગેરે દુઃખ દેનારા ભાવોથી મુક્ત થવા લાગે; અને તેના પરિણામે દુઃખભાવ ઓછો થાય, તથા સુખસંતોષનો ભાવ વધે, એવા હેતુથી જે કર્મકાંડના વિધિ થતા, તે સમર્પણને ભાવે કરવાના હોવાથી, યજ્ઞ, હોમ, હવન વગેરે કહેવાતા હતા.
પરંતુ સમય જતાં, ધર્મની ખરી વૃત્તિ બદલાવા લાગી, ને યજ્ઞો, પૂજનો, તીર્થો વગેરેનું પાલન સ્વાર્થ માટે થવા લાગ્યું. દુનિયાદારીનાં ક્ષણિક, તથા અંતે દુઃખ દેનારાં સુખો મેળવવાની લાલચમાં, કર્મકાંડ વડે ચિત્તની શુદ્ધિ થવાને બદલે, એ બધાં એવી રીતે અને એવા ભાવોથી થવા લાગ્યાં, કે તેનાથી માણસનાં મન વધારે લોભી, ને સ્વાર્થના મેલથી ભરેલાં થવા લાગ્યાં છે. તેને પરિણામે, કર્મકાંડ, સુખસંતોષ આપવાને બદલે દુઃખ અને અસંતોષનાં ઘર બની જાય છે.
લોકનાં મનમાં લોભ તથા લાલસાઓનો પાર ન હોવાથી, એ લાલસાઓ પૂરી કરવા માટેના ઉપાયો પણ અપાર છે. તેને લીધે, વેદોના મંત્રોમાંના એંશી ટકા કર્મકાંડથી ભરેલા છે, અને તેમાં અનેક દેવો એને અનેક અનુષ્ઠાનોના ઢગલા ભરેલા છે, એમાંનો પ્રત્યેક દેવ, અમુક ખાસ પ્રકારના લોભને સંતોષનારો કહેવાયો છે. એમ, લોભી લોક અનેક દેવોના ચક્કરમાં ભમે છે, ને માર ખાયા કરે છે. એમને, કોઈપણ કાળે, કોઈપણ રીતે, સુખશાન્તિની પ્રાપ્તિ ન થતાં, લોભના કીચડમાં વધારે ને વધારે ઊંડાં ખૂંપતાં, વધારે ને વધારે દુઃખો હાથે કરીને વીંઢારતાં, દુઃખી ભવોની પરંપરામાં, એ ભટકતાં રહે છે. એમ, કર્મકાંડમાં દેવો અને કામનાઓ મુખ્ય ભાગ ભજવે છે.
૧૧. ઉપાસનાકાંડનું શું લક્ષણ છે?
કર્મકાંડ કરનારાં દેવદેવીના અંધશ્રદ્ધાળુ અનુચરોમાંના કોઈ અક્કલવાળા જીવાત્માને વિચાર કરતાં ભાન થાય છે, કે આમ કર્મકાંડની ઘાણીમાં ભમવાને પરિણામે જીવ પિસાયા કરે છે, ને ખરા સુખની પ્રાપ્તિ, સંસારનાં સુખો કે પરલોકની લાલચોમાં ફસાવા વડે, નથી મળતી; ત્યારે એને લાગે છે કે, આ દેવદેવીઓનાં જૂથોને પડતાં મૂકીને, નિષ્કામભાવે, એક જ ભગવાનને ભજીએ, ને અહંકાર અને સ્વાર્થથી છૂટી જવાય, તો જીવતાંજીવત સુખસંતોષનો ભાવ વધે, મર્યા પછી, સ્વર્ગ મળે, અને ત્યાં પરમેશ્વરની સમાન બની રહેવાય. તેથી, કર્મકાંડની લત પડતી મૂકીને. એ પરમેશ્વરમાં જ ચિત્ત લગાડીને, એની સતત ઉપાસના કરે. એમ કરવાથી, એનો અહંકાર ઓગળી જઈને, એના કામ ક્રોધ ઓછા થઈ જાય, ને બધું જ પરમેશ્વરને અર્પણ કરીને, એનું ચિત્ત શાન્ત તથા સુખી થાય.
પણ, કાળે કરીને, જેમ કર્મકાંડનો હેતુ માર્યો ગયો, તથા પાપ-પુણ્ય અને સ્વર્ગ-નરક, ને એવાં એવાં ધતિંગોમાં માનવી ફસાઈ પડ્યું. તેવું ઉપાસના તથા ભક્તિનું પણ થયું. એ પરમેશ્વરની ભક્તિને બદલે, જાતજાતના દેવોની ભક્તિઓ, અને ભક્તિની જુદી જુદી રીતોનાં ધતિંગ ચાલ્યાં. તેને લીધે ઉપાસના પણ બગડી છે, ને એને લીધે સ્વાર્થ, અહંકાર તથા કલેશ-કંકાસ, ઘટવાને બદલે વધી પડ્યાં છે. એક જ વેદમાંથી હજાર દેવ-સંપ્રદાયો ફૂટી નીકળ્યા, ને એકને બદલે, આપણે સેંકડો ભગવાન ઊભા કરી દીધા છે. તેને લીધે ઉપાસના પણ સુખનું કારણ બનવાને બદલે કલેશ-કંકાસનું કુરુક્ષેત્ર બની ગઈ છે.
પરંતુ, શુદ્ધ ઉપાસનાનું મુખ્ય લક્ષણ, અનેક દેવદેવીઓના લશ્કરને છોડીને, એક જ ઈશ્વરમાં જીવાત્માએ લીન થઈ જવાનો પ્રયત્ન, – એ છે. એના વડે, મનુષ્યને એકાગ્રતા પ્રાપ્ત થાય છે; એમ, શુદ્ધ નિષ્કામ કર્મ વડે ચિત્તની શુદ્ધિ થાય, તથા અહંકાર મટે, ને ઉપાસના વડે એકાગ્રતા થાય, એવો વેદોએ કહેલા કર્મકાંડ તથા ઉપાસનાકાંડનો હેતુ છે.
૧૨. એના વડે જીવાત્માને શો લાભ થઈ શકે?
એમાં, મોટે ભાગે શરીર પડ્યા પછી જીવાત્માને પ્રાપ્ત થનારાં સુખોની વાત છે. કર્મકાંડમાં તો, અત્યંત ક્ષણિક એવાં સંસારી સુખોની લાલચો રહે છે. એ સુખો એવાં હોય છે, કે જેને પ્રાપ્ત કરવામાં અત્યંત કષ્ટ રહે છે, ને અંતે એ દુઃખ જ દુઃખ દે છે. તે ઉપરાંત, મર્યા પછી, જાતજાતનાં સ્વર્ગો મળવાની લાલચો એ આપે છે, અને તે પણ, એની મુદત થયે પૂરાં થઈ જાય છે, ને જીવડાને પાછું પોતાના કરમ અનુસાર, ધરતીમાં જીવજંતુરૂપે ભવો લેવાનું રહે છે, કે જેનો પાર નથી.
અને ઉપાસનામાં પણ, મર્યા પછીના જ સુખનો વાયદો હોય છે. મર્યા પછી, જીવે કોઈ ને કોઈ જાતના, કોઈ ને કોઈ દેવના નામના, કોઈ ને કોઈ પરલોકમાં વસવાનું તથા તે દેવના અનંતકાળ સુધીના ચાકર-સેવક થઈને રહેવાનું મળે, એવા એમાં વાયદા હોય છે; કેમકે, સ્વર્ગ, નરક, દેવો, દેવી, વૈકંઠ, ગોલોકો,-એ બધાં સંસારનાં જ અંગો છે; મોક્ષનાં નહિ. એ બધું તમને “વેદાનુવચન” ના કર્મકાંડ ભાગમાં, ટૂંકમાં સમજાવેલું જોવા મળશે, શુદ્ધ કર્મ અને ઉપાસના, ગીતામાં કહેલાં છે.
૧૩. ત્યારે જ્ઞાનકાંડનું મુખ્ય લક્ષણ તથા ફળ શું છે?
દુનિયાદારી, સંસાર, લોક, પરલોક, તેનાં સુખો વગેરે બધું જ, અંતવાન અને તેથી મિથ્યા, અસત્ હોવાનું જાણવું, તથા ઈશ્વરથી પણ પર એવો એક પરમાત્મા જ સત્ય છે, અને તે પોતાનું જ સત્ય સ્વરૂપ છે એ બરોબર સમજી જવું, એને જ્ઞાન કહેવામાં આવે છે. એની જેને બરોબર ગતાગમ પડે, તે, બધા જ મોહથી, બધી જ લોભ-લાલચોથી છૂટી જઈને, પોતાને સ્વરૂપે પરબ્રહ્મ પરમાત્મા જાણીને, સર્વ કલેશોથી જીવતાંજીવત મુક્ત થઈ જાય, ને એને કોઈ વાસના ન રહેવાથી, શરીર પડ્યા પછી એ પરમાત્મામય થઈ જઈને, ફરીથી ભવના ચક્રમાં ભટકવાની એને જરૂર ન રહે. તેથી, એ મોક્ષશાસ્ત્ર છે, ને પહેલાં બે સંસારબંધનનાં શાસ્ત્રો છે.
પહેલામાં, અધમ પ્રકારનું સંસારીપણું મુખ્ય છે, બીજામાં તેનાથી વધારે ઊંચા પ્રકારનું સંસારીપણું ધ્યેય છે; ને ત્રીજામાં, સ્વયં બ્રહ્મ બની જવાપણું રહે છે. એ પહેલાં બેનો પણ, જ્ઞાનપ્રાપ્તિમાં ઉપયોગ કરવાની રીત ગીતાજી બતાવે છે, તેથી ગીતા જ્ઞાનનું પ્રવેશદ્વાર છે.
૧૪. બીજા ધર્મોથી સનાતન ધર્મ અલગ પડીને સુખની પ્રાપ્તિ માટેનું સર્વોત્તમ સાધન બની રહેવામાં, મુખ્ય પાયાનો સિદ્ધાન્ત કયો છે?
કર્મફળના ન્યાયનો સિદ્ધાન્ત, સનાતન ધર્મનો પાયો છે, કે “જેવું કરે, તેવું પામે”; એની સાથોસાથ પુર્વજન્મનો સિદ્ધાન્ત છે. આ ભવમાં માનવી જેવું કરે, તેવું પામે, પણ જે કર્યું હોય તેનાં બધાં ફળ ભોગવવા માટેની સવડ આ ભવમાં ન હોય, ને અમુક સારાં કે નરસાં કર્મોનાં ફળ ભોગવવાનાં બાકી રહી જાય. તો તે ભોગવવા માટે એ જીવે ફરી પાછો દેહ લઈને જન્મવું પડે છે. એ નિયમને સનાતન નિયમ કહેવામાં આવે છે, અને એને લક્ષમાં રાખીને માનવી ભવપાર થઈ શકે છે, બીજી રીતે નહિ; એ હિંદુ ધર્મનો પાયો છે. ભારતમાં પાછળથી પ્રકટેલા બૌદ્ધ અને જૈન સંપ્રદાયોનો પણ એ જ મુખ્ય સિદ્ધાન્ત છે, કે જે વેદોનો છે.
એ મુખ્ય વસ્તુને સમજીને, વેદોમાં બતાવેલી સુખી થવાની રીતોનું રહસ્ય જાણવું, એ સામાન્ય લોકની અક્કલની બહારની વસ્તુ છે. તેથી, વેદોના સિદ્ધાન્તોના પાલનમાં મંદબુદ્ધિ લોકને સરળતા થાય. તે માટે, ઈશ્વર, અને દેવો વગેરેની કલ્પનાઓ યોજવામાં આવેલી છે. નાનાં બાળકોને નીતિ તથા ધર્મના નિયમો સમજાવવા માટે જેમ જાતજાતની પશુપંખી વગેરેની વાર્તાઓ કહેવામાં આવે છે, તેમ, મંદમતિનાં માનવીઓને પણ જીવનનાં રહસ્યોની ગતાગમ પડે તે માટે, પુરાણો, ને રામાયણ-મહાભારતોની કથાઓ રચવામાં આવેલી છે, અને તેમાં દેવદેવીઓની કલ્પનાઓ ગોઠવાઈ છે. જે કોઈ, એ કથાઓના મર્મને ન પકડતાં, એ વાર્તાઓને જ સાચી માની લઈને વળગી પડે, તેમનો દુઃખભાવથી છુટકારો કોઈ કાળે, ને કોઈ ભવે થવાનો નથી. પણ, જે એ સર્વ વાર્તાઓની પાછળ રહેલો બોધપાઠ પામી જાય, તેનો તત્કાળ મોક્ષ છે, જીવનનો મુખ્ય હેતુ છે, નિર્ભેળ અને કાયમી સુખ મેળવવાનો. એને માટેની નિસરણીનાં પગથિયારૂપે, આ બધી યોજનાઓ થયેલી છે. તેથી, શાણો માનવી, એનાં પગથિયાંમાં ન મોહી પડતાં, બુદ્ધિપૂર્વક પગથિયાં ચઢી જઈને પરમ સુખ તથા નિત્ય પ્રસન્નતાની બાજી મારી જાય છે.
૧૫. એટલે કે, આ સંસારના મોહથી છૂટવું, એ જ મોક્ષ છે, એવું થયું ને? તો પછી, આ સંસારની રચના કોણે કરી, ને કેવી રીતે થઈ કહેવાય?
સંસારની, એટલે કે, સૃષ્ટિની રચના કેવી રીતે થઈ. એ બાબતમાં, વેદોએ અનેક “રીતો” કહી છે. પણ, એમાંની એક પણ રીત માટે એનો આગ્રહ નથી. અમુક સાચી, ને બીજી બધી ખોટી, એવું વેદો નથી કહેતા, જ્યારે બીજા ધર્મોવાળાને એવી હઠ હોય છે. આજના વિજ્ઞાન-સાયન્સના જમાનામાં પણ, અમેરિકા જેવા અપ-ટુ-ડેઈટ સુધારાવાળા દેશમાં પણ, એક એવો કિસ્સો બન્યો, કે જે આપણને નવાઈ પમાડે છે. ત્યાંના એક ધર્મનિષ્ઠ ગણાતા પરગણામાં એક કોલેજ છે. તેમાં સૃષ્ટિવિજ્ઞાન પણ શીખવાય છે. આધુનિક સૃષ્ટિવિજ્ઞાનનો અભ્યાસ તો કરાવવો જ પડે; તેથી, ત્યાંના એક શિક્ષકે અર્વાચીન ખગોળવિદ્યા શીખવવા માંડી. પણ ખ્રિસ્તીધર્મ એવું કહે છે, કે આ સૃષ્ટિ એમના ઈશ્વરે છ દિવસમાં બનાવી, ને પછી, એક દિવસ એણે આ મહેનતને છેડે આરામનો પાળ્યો. પણ આજના વિજ્ઞાનમાં એ વાતનો મેળ કેમ બેસે? ત્યાંના લોકોએ તથા અધિકારીઓએ પેલા શિક્ષકના શિક્ષણ સામે વાંધો ઉઠાવ્યો, કેમકે સૃષ્ટિરચનાનું સાયન્સ, બાઈબલના વર્ણનને ખોટું પાડે છે! આ ખટલો અદાલતે ચઢ્યો, ને અમેરિકામાં તો શું, પણ દુનિયા આખામાં એનું મોટું કૌતુક થઈ પડ્યું હતું! મુકદ્દમો બહુ મોટો થઈ પડ્યો, ને છેવટે શિક્ષકને બેકસૂર ઠરાવ્યો, પણ આ ધર્માન્ધતાને કારણે એને નોકરી છોડવી પડી હતી!
વેદો કહે છે, કે સૃષ્ટિ ગમે તેણે રચી હોય, ને એ ગમે તેવી રીતે રચાઈ હોય, તે વેળા આપણામાંનું કોઈ ત્યાં હાજર નહોતું. કે જે એની સાક્ષી આપી શકે. તેથી, જેને જેવી અટકળ કરવી હોય તે ભલે કરે. તેમાં આપણને કંઈ લાભ કે હાની નથી. પણ મુખ્ય મુદ્દો એ છે, કે ગમે તેમ રચાયો હોય, પણ સંસાર હાજર છે, ને એનું દુઃખ પણ હાજર છે. શાણા મનુષ્યનું કામ એ છે, કે એક વાર સંસારના દુઃખભાવથી છૂટવું. તે પછી, કેવી રીતે સંસાર રચાયો. ને કોણે રચ્યો, એની ચર્ચા કરવી હશે, તો થઈ રહેશે. આજનાં વિજ્ઞાનો પણ એ વિશે જાતજાતની અટકળો કરે છે; તે ભલે કરે, આપણને તો અહીં એ વાતમાં રસ છે, કે જેવો સંસાર છે તેવો એ ખરેખર શું છે, ને સંસાર સાથે કેવી રીતે કામ લેવું, ને એમાં સંતાપથી કેવી રીતે છૂટવું! સંસારનું રહસ્ય જાણવું, ને એના જ્ઞાન વડે મોક્ષ સિધ્ધ કરવો, એ જ આપણા ધર્મનો ખરો હેતુ હોઈ શકે, ને છે પણ.
એમ છતાં, સંસારનાં મોહમમતાથી છૂટવા ખાતર પણ, આપણે એક અમુક રીતને સ્વીકારી લઈને આગળ ચાલવું પડે છે, અને એના દ્વારા, સંસારનું મિથ્યાપણું કળી જઈને, આપણે દુઃખથી મુક્તિ તથા નિત્ય સુખની પ્રાપ્તિ કરવાની રહે છે.

તેથી, સૃષ્ટિરચનાની એક એવી સામાન્ય પ્રક્રિયા (અથવા પદ્ધતિ) આપણા વેદોએ કહી છે ખરી તે આ રીતની છે:
આ સૃષ્ટિ ઊપજી, તે પહેલાં એકમાત્ર પરમાત્મા નામનું કશુંક તત્વ હતું. એને બ્રહ્મ પણ કહેવામાં આવે છે. એ સચ્ચિદાનંદ પણ કહેવાય છે. ટૂંકમાં, એ સત્ પણ કહેવાય છે. એ બ્રહ્મ સતમાં, એક સંકલ્પ ઊપજ્યો, કે “ભલે સૃષ્ટિ થઈ જાય.” એવો સંકલ્પ થયો, ને પછી, સૃષ્ટિના પ્લાનનો વિચાર થયો. સૃષ્ટિની રચનાનો જ્યારે પરમાત્મા બ્રહ્મે સંકલ્પ કર્યો, ત્યારે એનું નામ “ઈશ્વર” પડ્યું, કેમકે, એક જગત ઊભું કરીને એના ઉપર રાજ્ય કરવાનો એણે વિચાર કર્યો. ઈશ્વરનો અર્થ, મોટામાં મોટો રાજા થાય છે.
પછી, ઈશ્વરે સૃષ્ટિ ઉપજાવવાની યોજનાનો સંકલ્પ કર્યો, ત્યારે એ ઈશ્વરનું નામ “બ્રહ્મા” પડ્યું, તેથી, જન્મ, ઉત્પત્તિ, “પ્રોડક્શન”, એ “બ્રહ્મા” છે. અક વાર આ ડખો શરૂ થયો, પછી એ આગળ ચાલવો જ રહ્યો! બ્રહ્મારૂપે, ઈશ્વરે કેટલાક મદદનીશોની કલ્પના કરી એ હતા સાત ઋષિઓ, કે જે માત્ર કલ્પનામય જ છે. ઈશ્વર, ને બ્રહ્મા, એ પણ, બ્રહ્મમાં પ્રકટ થયેલી માત્ર મનોમય કલ્પનાઓ છે, પેદાશ કરવા તથા વધારવાના મુખ્ય મુખ્ય વિભાગો એ ઋષિઓએ સંભાળી લીધા. પછી, એનાં વિવિધ ઉત્પાદનનાં ખાતાં કલ્પાયાં, અને તેના “પ્રજાપતિઓ” નામે વડા અધિકારીઓ કલ્પાયા, અને તેમના વડે જે રચના કલ્પાઈ, તે નિસર્ગ, અથવા માયા, પ્રકૃતિ, તેમ કુદરત પણ કહેવાય છે. જેમ સ્વપ્નના માનવીને સ્વપ્ન સાચું જ લાગે, તેમ, આ બ્રહ્માની કલ્પનાનાં માનવીઓને, આ સૃષ્ટિરૂપી કલ્પનાની રચના સાચી જ લાગવા માંડી છે. એમ, બ્રહ્મની કલ્પના ઈશ્વર, ઈશ્વરની કલ્પના બ્રહ્મા, ને બ્રહ્માની કલ્પના તે સનક, સનાતન, સનંદન અને એવા ચાર મદદનીશો, મૂળ ઋષિઓ, પ્રજાપતિઓ, અને આપણા સહિતનું આ બધું….!એમ આ બધું કેવળ પરબ્રહ્મ પરમાત્માની કલ્પના, તેથી પરમાત્મા સ્વરૂપ જ છે, ને માનવજીવ પણ, મૂળરૂપે, પરમાત્મા જ છે.
એમ, ઈશ્વરની યોજનાનો આરંભ થયો, એ રચનાની કલ્પના, પછી આગળ ચાલે છે. પ્રથમ, એ પરમાત્મતત્વમાંથી આકાશ ઊપજ્યું. આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જળ, ને જળમાંથી ધરતી થયાં… એ કેવી રીતે થયાં? એ રીતને “પંચીકરણ” કહેવામાં આવે છે. એ બધું તમને “વેદાન્તનો યોગ અને તેનો ઉપયોગ” માં મળશે. તે જોઈ જજો.
ધરતીમાંથી અન્ન ઊપજ્યું, ને અન્નના આહારમાંથી માનવી ઊપજ્યો. એવું ટૂંકામાં કહી શકાય. આ કામ ઈશ્વરે “બ્રહ્મા” રૂપે કર્યું. એ તો ઠીક, પણ આ બધા પ્રપંચને નિભાવવા માટે ગોઠવણ કરવાની રહી. એ ખટપટની ગોઠવણ ઈશ્વરે વિચારી, ત્યારે એ “વિષ્ણુ” કહેવાયો. જેમ એક જ માણસ રસોઈ કરે ત્યારે રસોઈયો, ભજન કરે ત્યારે ભક્ત, ને વેપાર કરે ત્યારે વેપારી કહેવાય, એમ, એક જ પરમાત્માએ જગતરૂપી કારખાનું કાઢવાનો વિચાર કર્યો ત્યારે એ ઈશ્વર, ને કારખાનાના નકશા કર્યા ત્યારે હિરણ્યગર્ભ, અથવા બ્રહ્મા કહેવાવા લાગ્યો. પછી કારખાનાની મેનેજમેન્ટ કરવા વખતે એનું “વિષ્ણુ” નામ પડ્યું. એ ફરજ સંભાળવા માટે ઈશ્વરે વારે ઘડીએ કોઈ ને કોઈરૂપે “અવતાર” લેવા પડે છે, તેથી વિષ્ણુને અવતારો ઘણા લેવા પડ્યા હોવાનું કહેવાયું.
અને, જ્યારે પરમાત્મારૂપી ઈશ્વરને એવો વિચાર આવે, કે આપમે રમી રહ્યા, અને હવે લાવો, આ સ્વપ્નને મારી અંદર પાછું સમેટી લઉં, ત્યારે ઈશ્વરનું નામ પડ્યું રુદ્ર, અથવા શિવ. એ જગતની બધી ખટપટને શાન્ત પાડી દે છે, તેથી એ મહાદેવ, રૂદ્ર અને સ્વયં ઈશ્વર પણ કહેવાયા, કેમકે માનવીને પુનઃ ઈશ્વરમાં એ શમાવી દે છે. ઈશ્વરનાં આ ત્રણ પાસાં, આપણામાં ત્રણ અલગ અલગ દેવો મનાઈ ગયા. મૂળમાં, એ બધાં પરબ્રહ્મની જ માયાની કલ્પનાનાં પૂતળાં છે. લોકો પોતપોતાની સ્વાર્થ અનુસાર, ઈશ્વરની જ એ ત્રણ શક્તિઓને અલગ અલગ ઈશ્વર માની બેઠાં છે.
આ માયા અથવા પ્રકૃતિ નાશવંત છે. અને પળે પળે બદલાતી રહે છે. એ બધું ઈશ્વરનું સ્વપ્નું જ છે. એ સ્વપ્નાના જીવો, બધું સાચું માનીને, એમાં ખદબદ-ખદબદ કરે છે, ને નકામા સુખી-દુઃખી થઈને સંતાપ કરે છે.
વિષ્ણુ એટલે ઈશ્વરની જગતના રક્ષણની શક્તિ. તેથી, એ કીર્તિ, મોટાઈ, ધન, સંપત્તિ વગેરે “લક્ષ્મી” નો પતિ છે જેને એની ગરજ હોય, તે ઈશ્વરરૂપે વિષ્ણુને, અથવા રામ કે કૃષ્ણ જેવા એના કોઈ અવતારને વળગી પડે છે. બ્રહ્મા તો, આ બધા ઉપદ્રવને ઉપજાવનારા છે, તેથી, એની પૂજાનો નિષેધ થયો છે. પરંતુ સંસાર અને સંતાનના લોભી જીવોએ એની જગાએ માતાજીની કલ્પના ગોઠવી દીધી છે. એમ દેવીના નામે બ્રહ્માની ઉપાસના ધમધોકાર ચાલે છે.
પણ દુન્યવી સુખનો સ્વામી વિષ્ણુ હોવાથી લાલચુ માનવજાતમાં, સંસારની પૂજારૂપે વિષ્ણુની જ ઉપાસના જુદી જુદી રીતે વધારેમાં વધારે ચાલે છે…
અને, જે વિરલા જનને ખબર પડી ગઈ છે. કે આ બધી જૂઠી માયા છે, એક માત્ર માયાપતિ પરમેશ્વર સાચો છે, અને પરમેશ્વરનીયે ઉપરનો પરબ્રહ્મ પરમાત્મા તો, સત્યનું યે છેવટનું સત્ય છે, તે આ બધી જ લપ પડતી મૂકીને સમજી જાય છે, કે હું પોતે પણ, બ્રહ્મ જ છું. એમ સમજવું એ આત્મજ્ઞાન છે. અને એ, આ સર્વ પ્રપંચ, સંસાર, આલોક, પરલોક, દેવો… એ સર્વને માન આપતો છતાં, પોતાનું સ્વરૂપ જાણીને, એ સર્વથી પર, અને નિત્યપ્રસન્ન થઈ જાય છે.
૧૬. આ મુખ્ય ત્રણ દેવો થયા. એ ઈશ્વરની પ્રકૃતિનાં ત્રણ પાસાં છે એમ આપે કહ્યું, એ કેવી રીતે છે.
ઈશ્વરની આખી કલ્પના ત્રણ ગુણો ઉપર ઊભેલી છે. એક છે, સત્વગુણ, એટલે કે સ્થિરતા, સુખભાવ તથા જ્ઞાન. બીજો છે, રજોગુણ અથવા ગતિ સ્થિર તો, ઈશ્વર અને તેનું જ્ઞાન છે; અને સંસાર આખો ખટપટ તથા “આ કરૂં, તે કરૂં” થી ખદબદે છે. ગતિ, એટલે કે હલનચલન. એના ઉપર સંસાર નભે છે. ઊપજવું, વિસ્તરવું, એ બધું, પોતાના સ્વરૂપના અજ્ઞાનનું, ને મોહમમતાની ધમાલનું ફળ છે. કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, મોહ બધું જ રજોગુણ છે. અને અજ્ઞાન, જડતા બુદ્ધિની તથા વિચારની મંદતા, આળસ, બેદરકારી, નાશ વગેરે તમોગુણ છે. આખો સંસાર, એ ત્રણ ગુણનાં મિશ્રણો સિવાય બીજું કંઈ જ નથી. ગીતા આની સુંદર સમજ પાડે છે.
દુનિયાનો તથા સંસારનો મોહ રાખનારાઓ, તથા સંસારની અસારતાને પામી ગયેલાં જ્ઞાનીજનો,- એ બેની નજરે જોતાં, આ ત્રણ મુખ્ય દેવોનું સ્વરૂપ આવું છે:
બ્રહ્મા (અથવા માતાજી) : સંતાનલોભી સંસારીને મન એ રજોગુણ છે, કેમકે બધી જ ઉત્પત્તિ, કોઈ ને કોઈ રીતની ગતિ વડે થાય છે. જ્ઞાનીને મન પણ, ગતિ રજોગુણ જ છે. તેથી બહારથી (સંસારી નજરે) તથા અંદરથી (જ્ઞાનની નજરે) પણ બ્રહ્મા, રજોગુણી, તેથી ઉપાસનાને અયોગ્ય છે; કેમકે બધી જ ખટપટનું અને સંતાપનું મૂળ, ઉત્પત્તિ જ છે.
વિષ્ણુ: એ સંસારનાં સુખસંપત્તિનો દેવ હોવાથી, સંસારીઓને મન એ સત્વગુણરૂપ છે; પરંતુ, સંસારને સાચો માનીને એમાં મોહ પામવાપણું, એ જ વિષ્ણુ છે. અને એવો મોહ કેવળ પરમાત્માના અજ્ઞાનને લીધે થતો હોવાથી, એ જ્ઞાનીજનને મન તમોગુણ છે. સંસારી માટે એ સત્વ, ને જ્ઞાનીની દ્રષ્ટિએ તમોગુણ છે. તેથી વિષ્ણુનો વર્ણ શ્યામ છે, જે તમોગુણનો રંગ છે; ને એના ઠાઠ-શણગાર તથા એનું રૂપ સંસારીને ગમતાં હોવાથી, બહારથી એ સત્વમય છે.
રૂદ્ર: એ વૈરાગ્યસ્વરૂપ, ત્યાગનો દેવ હોવાથી, એ સંસારીભાવનો નાશ કરીને જીવને દેહરૂપી સંસારથી છોડાવીને, પાછો સુખરૂપ પરમાત્મામાં ભેળવી દે છે. સંસારી લોકને શરીરના મરણનો ભય, ને ત્યાગવૈરાગ્યનો પણ ભય હોવાથી, બહારથી રૂદ્ર ભયંકર તમોગુણ છે. પરંતુ, બધા પાશમાંથી છોડાવીને જીવને માયાથી મુક્ત કરીને મોક્ષ અપાવનારો જ્ઞાનસ્વરૂપ હોવાથી, જ્ઞાનીઓને મન એ સત્વમય, સુખરૂપ છે. એમ, અંદરથી સત્વ, ને બહારથી એ તમ છે.
આમ માનવીની કલ્પના ચાલે છે, ને પોતપોતાની રૂચી અનુસાર, આપણું લોક, આ ત્રણ તથા તેના જુદાં જુદાં કલ્પિત રૂપો મારફત, સંસારને ભજે છે.
બ્રહ્મા (અથવા માતાજી) નું, બધું રાતું છે, કેમકે રાતો અને પીળો રંગ, રજોગુણ તથા ખટપટનો છે. વિષ્ણુનો વર્ણ શ્યામ છે, તથા શણગાર, રૂપાળા મોહક આંખો, વગેરે માનવીને રહેતા સંસારના અજ્ઞાનમય મોહનું એ રૂપ છે. એ પીળાં અંબર પહેરે છે, એ દોડાદોડ તથા કારભારીપણાના રજોગુણની નિશાની છે. એમ, આ મુખ્ય ઈશ્વરશક્તિઓ, ત્રણ ગુણોનાં જ મિશ્રણો છે, ને સંસારમુગ્ધ જનો, એમાંની એક કે બીજીને, જીવ સાટે તથા અનેક રીતે આરાધે છે. મહાદેવ ત્યાગવૈરાગ્ય તથા જ્ઞાસ્વરૂપ, મોક્ષરૂપ હોવાથી, એનાં જટા, જ્ઞાનગંગા, નાગ, ચર્મ, ભરમ, દિગંબરપણું અને કર્પૂરગૌર વર્ણ સુપ્રસિદ્ધ છે. સંસારીઓને એ બધું અણગમતું હોવાથી, મહાદેવનો વર્ણ, એમાંના ઘણા, કાળો હોવાની કલ્પના કરે છે.
૧૭. આ ત્રણ ઉપરાંત, બીજા પણ ઘણા દેવદેવીઓની પૂજા-ઉપાસના લોકમાં ચાલે છે. એ બધું શું છે?
મૂળમાં, આ ત્રણ પણ, ઈશ્વરની જ વિવિધ ભાસ્તી શક્તિઓ છે. જેમ માણસની જ્ઞાનશક્તિ, કે બુદ્ધિશક્તિ, કે શારીરિક શક્તિને તથા તેના ગુણોને કોઈ આકાર નથી, તેમ એની માણસથી અલગ હયાતી નથી, તેવું ઈશ્વરની શક્તિઓનું પણ છે. પરંતુ, એક વાર અબુધ જનને સમજાવવા માટે, એ શક્તિઓની અલગ અલગ દેવોરૂપે વાર્તા માંડી, પછી, વેશ પૂરો ભજવવો જોઈએ. એટલે, એમની પણ “પત્નિઓ” કલ્પાઈ માણસને બધું જ પોતાને આકારે, છતાં જરા વિચિત્ર જોઈએ છે. તેથી ચાર ભુજવાળા વિષ્ણુને લક્ષ્મી, પાંચ મુખવાળા બ્રહ્માને સરસ્વતી, ને ત્રણ નેત્રવાળા શિવને ઉમા અથવા પાર્વતિ, એમ પત્નીઓ કલ્પાઈ, ને એ દેવીઓ ગણાઈ. લક્ષ્મી ધનદોલત, અને યશ, કીર્તિ તથા સંપત્તિની દેવી, બ્રહ્માણી વિદ્યા-કલાની દેવી, ને પાર્વતી માતારૂપ દેવી સ્થપાઈ. બ્રહ્માને અનેક માનસપુત્રો હોવાનું, ને મહાદેવને ગણેશ તથા કાર્તિકેય નામના પુત્રો હોવાનું નક્કી થયું. આ બધાના આધ્યાત્મિક અર્થો છે જ, પણ કર્મકાંડી સંસારાસક્ત, દેવઘેલાં, આલોક તથા પરલોકનાં સુખોનાં લોભી લોકને, તેની સાથે કશી નિસબત નથી. એમને તો વરદાન આપનારાં દેવદેવીઓ જ ખપે છે. અને એમના કામ માટે, એમ હોવું બરોબર છે.
આ ઈશ્વરની ત્રણ શક્તિઓની વાત થઈ. પરંતુ, આપણને તો, કુદરતની પણ શક્તિઓ મનુષ્યાકારના દેવદેવીરૂપે પૂજવા જોઈએ છે, તેથી, આ ત્રણ મુખ્ય આરાધવા યોગ્ય દેવો ઉપરાંત, મેઘનો દેવ (ઈન્દ્ર), વાયુ દેવ, અગ્નિ દેવ, જળનો વરૂણ દેવ, આકાશનો આદિત્યદેવ, ધરતીની પૃથ્વી માતા વગેરે પણ, પૂજવા માટે જોઈએ! એટલું જ નહિ પણ, સૂર્ય દેવ, ચંદ્ર દેવ, પહાડની દેવી, મેલી શક્તિઓનાં દેવ-દેવી, રોગોનાં દેવ-દેવી, વગડાંનાં દેવ-દેવી, સર્પ દેવ… એમ દેવદેવોની હારદોર ચાલી છે. વેદોમાં, “એક જ પરમાત્માનાં વિવિધ પાસાં” રૂપે દેવદેવીઓ કહેલાં છે પુરાણોએ એ વાત ઉપાડી લીધી, ને એક-એક દેવ-દેવીને પરમેશ્વર રૂપ બતાવીને, કથા વાર્તાઓના ડુંગર ખડક્યા છે. એવાં ૧૮ મુખ્ય, ને ૧૮ ઉપ-પુરાણો છે, અને આજનો હિંદુધર્મ, વેદોને ઓછો, ને પુરાણોની વાતોને જ મુખ્યરૂપે અનુસરે છે.
ઈંદ્ર દેવોના રાજા છે. એ મેઘ, વીજળી અને બળના દેવ છે. વેદોમાં, શરૂમાં, એ જ પરમાત્માસ્વરૂપ કહેવાતા, પણ પછીથી આ ત્રણ દેવોનું મહાત્મ્ય વધી ગયું, એટલે એ માત્ર દેવોના રાજા રહ્યા. ત્રણ મુખ્ય દેવો. ઈંદ્રના દેવદરબારની ઉપરના છે. દેવોની સેવામાં મેનકા, રંભા, તિલોત્તમા, ઉર્વશી વગેરે અપ્સરાઓ છે, જે નાચરંગ ને ગાનતાન ઈતર કરે છે, તથા દેવલોકની એ વારાંગનાઓ છે.
વળી ગંધર્વો અને કિન્નરો નામે ઊતરતી કક્ષાના સંગીત કલાના ગાયક-વાદક દેવો પણ છે. બધા જ દેવોને પત્નીઓ પણ છે. તેથી પણ ઊતરતી કક્ષાના યક્ષો પણ છે. તેમાં મુખ્ય કુબેર છે, જે દેવોનો ધનપાળ છે. વરૂણ દેવ પણ, એક રીતે, યક્ષ કહેવાય છે. દેવોમાં વસુઓ, આદિત્યો, રૂદ્રો વગેરે દેવકોટિઓ છે. એમાં, આના આ વિષ્ણુ, સૂર્ય, રુદ્ર, વરૂણ, અગ્નિ, વાયુ, દિશાઓના દેવો વગેરેની જૂથબંદીઓ બતાવવામાં આવે છે.
૧૮. આ બધાંનો ધર્મ સાથે શો સંબંધ ગણાય છે?
હિંદુધર્મના કર્મકાંડ ભાગ સાથે એને સંબંધ છે. મુખ્ય મુદ્દો એ છે, કે માણસ મરે છે, તે પછી એના જીવની ગતિ, એણે કરેલાં કર્મો તથા એણે મનમાં ભેગી કરેલી વાસનાઓ મુજબ, થાય છે. સારાં કર્મો કર્યાં હોય, ને વિચારો પણ સારા રાખ્યા હોય, તો એવા માણસોના જીવ, એણે કલ્પેલા કોઈ સ્વર્ગમાં જાય છે. વિષ્ણુને પૂજનારો વૈકંઠમાં, કૃષ્ણ ભગવાનને માનનારો ગોલોકમાં, રામનો ભક્ત સાકેતલોકમાં, મહાદેવનો ભક્ત શિવલોકમાં, દેવદેવીઓના પૂજકો જે તે દેવદેવીના સેવકરૂપે… એમ થાય છે. સ્વર્ગના પ્રકારો ને જીવની ગતિઓ વગેરે, “વેદાનુવચન” ના પહેલા ઉપદેશમાં વિસ્તારથી જાણવા મળશે.
૧૯. પુરાણોમાં ઋષિમુનિઓનાં સેંકડો નામો આવે છે, તે બધા શું છે?
અબુધ લોકોને સીધે રસ્તે ચાલતાં રાખવા માટે જે હજારો દેવદેવીઓની વાર્તા-કથાઓ રચવામાં આવી છે, તેમાંની ઘણી કથાઓની પાછળ વેદમાં કહેલાં સત્યોનો જ ઉપદેશ છે. એ કામ માટે, ઋષિઓનાં નામોનો છૂટથી ઉપયોગ થયો છે. વળી, વિષ્ણુની મહત્તાને બિરદાવતાં પુરાણોમાં વિષ્ણુના પાર્ષદો તથા એના વાહન (એટલે કે ધજાના નિશાન) ગરૂડની, વગેરે પણ વાતો આવે. શિવને લગતાં પુરાણો વધારેમાં વધારે છે. એમાં શિવના “ગણ” (અર્થાત્ સેવક-શિષ્યો), જેવા કે ભૈરવ, નંદીગણ, વીરભદ્ર વગેરેનાં નામો આવે.
દરેક દેવને પોતાની ધજાનું એક ખાસ “વાહન” કહેવાતું ચિહ્ન અર્પાયું છે. વિષ્ણુને ગરૂડ, બ્રહ્માને હંસ, શિવજીને વૃષભ, ઈન્દ્રને ઐરાવત હાથી, કામદેવને મગર, સરસ્વતીને મોર, લક્ષ્મીને કમળ, વગેરે. દેવદેવીઓનાં નામોનો પાર નથી, ને વાઘ, સિંહ વગેરે માતાનાં “વાહનો” કહેવાયાં છે. ગણપતિને ઉંદર, કાર્તિકેયને મોર ઈત્યાદિ ચિહ્નો અપાયાં છે. એ પણ, પુરાણોમાં પોતપોતાના ભાગ ભજવે છે. નદીઓની પણ દેવીઓ, સમુદ્રનોયે દેવ, હિમાલય પણ એક દેવપુરૂષ… એમ, પુરાણો અસંખ્ય કથાઓનાં અસંખ્ય પાત્રો રજુ કરે છે.
૨૦. સરવાળે એ બધું શું છે?
સરવાળે એ બધી કર્મકાંડની દુનિયા છે. છેક ઈશ્વર, બ્રહ્મા, પ્રજાપતિથી માંડીને સર્વ દેવતાઓ ઈશ્વરની એક જ માયાશક્તિનાં વિવિધ પાસાં છે. એ મહામાયાશક્તિ, તથા પ્રકૃતિ અથવા પ્રાણાત્મા પણ કહેવાય છે, અને બધાં દેવસત્વો, માયાપ્રકૃતિનાં રૂપો છે. તેમાં ચૈતન્ય, બ્રહ્મ, પરમાત્મા વગેરે સંજ્ઞાઓથી વર્ણવાતું આત્મતત્વ જ સત્ય છે, ને બીજું બધું નાશવંત, પરિવર્તનશીલ, અનિત્ય, તથા મુમુક્ષુ જિજ્ઞાસુ માટે ઝાંઝવનાં જળ સમાન મિથ્યા છે.
૨૧. યજ્ઞયાગ, હોમહવન વગેરે અનુષ્ઠાનો કરવામાં આવે છે, તે બધાં શું છે?
સુખની પ્રાપ્તિ માટે મનુષ્યો પોતાના ચિત્તમાં પ્રકટાવવાની તથા પોષવાની વૃત્તિઓને પુષ્ટ કરવા માટે કરવાની બાહ્ય ક્રિયાઓના, એ બધા પ્રકારો છે. યજ્ઞો અનેક જાતના છે. હોમહવન પણ યજ્ઞોના જ પ્રકારો છે. કેટલાક યજ્ઞો દ્રવ્યયજ્ઞો કહેવાય છે. એમાં, જે તે દેવને નામે, અગ્નિની જ્વાળામાં ઘી, હવિષાન્ન (ચોખા, ડદ, તલ વગેરે), સુગંધી પદાર્થો ઈતરની આહુતિઓ અપાય છે. એમાં સ્વર્ગ, લક્ષ્મી, વિદ્યા, ધન, પુત્ર, યશકીર્તિ વગેરેની પ્રાપ્તિઓની કામનાઓ પૂરી કરવાના યજ્ઞો પણ છે. એ સર્વની પાછળનો હેતુ ત્યાગનો છે, પોતાના સમર્પણનો છે. સેવાનો છે. દાનનો છે… પરંતુ, એ બધું વિસારે પાડીને, કેવળ લોભલાલચથી જ યજ્ઞયાગો થવા લાગ્યા, ને હજી થાય છે. પૂજા અર્ચના પણ, કર્મકાંડ જ છે.
યજ્ઞના પ્રકારો, તથા યજ્ઞ પાછળનો ભાવ વગેરેનું વિવેચન. ગીતાના અધ્યાય ૪, તથા બીજા અધ્યાયોમાં પણ ઓછું વત્તું આપેલું છે. એ બધાં “અનુષ્ઠાનો” કહેવાય છે. હવે તો, રેસના ઘોડાના નંબર, અમેરિકન “ફીચર” ના નંબર, ઈતર જુગાર અંગેનાં અનુષ્ટાનો પણ પુષ્કળ થાય છે. માણસની જેટલી ભલીબૂરી ઈચ્છાઓ, તેટલા અનુષ્ઠાનોના પ્રકાર એવું થઈ પડ્યું છે. મેલાં કામો પાર પાડવાનાં અનુષ્ઠાનો તો બેસુમાર છે.
માનવીના લોભ, તથા એની નીચતાનો પાર નથી. શુદ્ધ દેવસત્વોને નામે અવળા વામમાર્ગો પણ અનેક ચાલે છે, ને પ્રેતપિશાચ, મેલડીઓ વગેરેની મેલી ઉપાસનાઓએ આપણા લોકમાં સજ્જડ ઘર ઘાલ્યું છે, જે સર્વ જીવતી ભયંકર અધોગતિના રસ્તા છે. એવી રીતે, આ બધું, કર્મકાંડનો વિસ્તાર, ને માયાનું વિશાળ ક્ષેત્ર છે. પ્રેતપૂજા, કબરપૂજા, બાધાઆખડી, માનતાઓ, અનેક વ્રતો એ બધાં અત્યંત દુઃખદાયી એવી સંસારની આંધળી લોલુપતાનાં સંતાનો છે; અને એ સર્વ અનર્થનું કારણ છે, પરમ સત્યનું અજ્ઞાન.
૨૨. ધર્મ-અધર્મ, પાપ-પુણ્ય વગેરે શું છે?
એ બધી કર્મકાંડ તથા દેવ-ઉપાસનાની જંજાળ છે. એના મૂળ અર્થ આવી રીતના છે¬:
ધર્મ: જેના વડે આપણું સાચું હિત સધાય એવા આચાર – વિચારો.
અધર્મ: જેના વડે આપણા સાચા હિતને નુકસાન પહોંચે તેવા બધા આચાર-વિચારો.
પાપ: જીવાત્માની ઉન્નતિમાં બાધા કરે તેવા આચાર-વિચારો. એનું ફળ દુઃખ છે.
પુણ્ય: જીવાત્માની ઉન્નતિમાં સહાયક થાય એવા આચાર-વિચારો. એનું ફળ સુખ છે.
કર્મકાંડ તથા દેવઉપાસનામાં આ અર્થ ખોવાઈ ગયા, ને ખાવા, પીવા, પહેરવા, ઓઢવા, બોલવા-ચાલવા વગેરેમાં પાપ-પુણ્ય તથા ધર્મ-અધર્મના ખ્યાલો એવા ઘૂસી ગયા કે આપણો ધર્મ રસોડા-ધર્મ થઈ પડ્યો છે. કેમકે, હિત અને અહિત, એ શબ્દોની વ્યાખ્યાઓ પણ, કર્મકાંડની રીતે એવી ઊલટીસૂલટી સંસારના ક્ષણિક સુખભોગો સાથે ઓતપ્રોત થઈ ગઈ છે, કે એના સાચા અર્થો ખોવાઈ ગયા છે, ને ગાડરિયા પ્રવાહ જેવું લોક બિચારું એની ભુલભુલાવણીમાં અટવાઈને મૂંઝાઈ જાય છે. એ બધાંએ. અનેક વહેમો અને રૂઢિરિવાજોનું રૂપ પકડ્યું છે, ને એના જંગલમાં, માનવી ભૂલાં પડીને, દુઃખી થતાં, ત્રાહ્ય ત્રાહ્ય પોકારે છે.
૨૩. એક જ સનાતનધર્મમાં આટલા બધા પંથો ને સંપ્રદાયો શા કારણે થયા?
માનવીના અંતઃકરણમાં ઘર કરી બેઠેલા અહંકારો, જાતજાતના સંસ્કારો, લોભલાલચો, હઠો, ભ્રાન્તિઓ, ધૂનો અને વાસનાઓને કારણે, સારામાં સારી ધર્મ-વસ્તુ વાડાપંથોમાં વેડફાઈ ગઈ છે. માણસે ભગવાનને પણ પોતાની જ સારી-નરસી વાસનાઓવાળો બનાવી દીધો છે. ને માનવી પોતાની જ અધમ વૃત્તિઓને પોષવા માટે ભગવાનને હથિયાર બનાવે છે. એમાં બધું જ ખરાબ નથી. વિચારની વિશાળતા માનવીમાં ઓછી છે. તેથી, પોતપોતાનાં સાંકડાં કુંડાળામાં એ, ભગવાનને બાંધીને એની પાછળ પડે છે. એમાંનાં કેટલાંયે આમ તો નિર્દોષ, અને અમુક પ્રકારનું હિત પણ સાધે એવાં હોય છે; પરંતુ તે એવાં સાંકડાં હોય છે, કે બુદ્ધિમાન વિચારશીલ મનુષ્યને એ ગૂંગળાવીને બાંધી મારે છે.
અને આ બધું, સત્ય વસ્તુના અજ્ઞાનનું જ પરિણામ છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s