પ્રણવ પુષ્પો ભાગ – ૧

CONTENTS
પ્રણવ પુષ્પો 12
ભાગ – ૧ 12
વિનય 12
અનુક્રમ 13
PAGE – 1 17
(૧) 17
“જમતે બોલવાનો યથાર્થ મંત્ર” 17
PAGE – 2 19
PAGE – 3 21
PAGE – 4 21
(૨) 21
ગણપતિનો અધ્યાત્મ સંકેત 21
PAGE 3 25
“મસ્ત થઈને કાખલી કૂટો” 25
PAGE 4 26
“સાત્વિક અહંકાર” 26
PAGE 5 28
“પ્રિય તને રડાવશે” 28
PAGE 6 30
“આ ભવરોગ મોટી બીમારી છે.” 30
PAGE 7 31
“વ્યવહારમાં બ્રહ્મદર્શન” 31
PAGE 8 33
“ચોક્કસતા અને ચીવટતા” 33
PAGE 9 35
“પતંજલિ = અષ્ટાંગ યોગનો = યથાર્થ સંયમ = એટલે શું?” 35
PAGE 10 37
“પ્રસન્ન રહેજો – એ મોટી વાત.” 37
PAGE 11 39
“ચિન્તાથી છૂટવાની પ્રક્રિયાઓ.” 39
PAGE 12 41
“રાજી હય હમ ઉસી મેં જીસમેં તેરી રજા હય.” 41
PAGE 13 42
“ચિત્તની નિત્ય પ્રસન્નતા” 42
PAGE 14 44
“સર્વ સમયે આંતરિક સમતા સુદ્રઢ રહે જેની. ” 44
PAGE 15 45
“પ્રભુના દરબારમાં નથી દેર નથી અંધેર” 45
PAGE 16 47
“દુઃખે જ સાંભરે સુખદ રામ” 47
PAGE 17 49
“ઈશ્વરી માયા” અર્થાત્ “વૈષ્ણવી વાયુ” 49
PAGE 18 50
“મન સાચું ને શરીર ખ્યાલી છે.” 50
PAGE 19 51
“મંગળ ધર્મ” 51
PAGE 20 53
“અઘરૂં ? હા, અઘરૂં તો હોય જ ને!” 53
PAGE 21 54
“કસોટીઓ” તથા “કટોકટીઓ” 54
PAGE 22 55
“ધૈર્ય યુક્ત બુદ્ધિ” 55
PAGE 23 57
“મોહ – માયા – અને મમતા વચ્ચે શો ફેર છે?” 57
PAGE 24 59
“જ્યાં વિવેક જાગ્યો, ત્યાં NO PROBLEMS !” 59
PAGE 25 60
“ગુરૂ પૂર્ણિમા” 60
PAGE 26 62
“ઉપાસના – જ્ઞાનનું યુગલ” 62
PAGE 27 64
“ઈશ્વરીય યોજના” 64
PAGE 28 67
“દુર્ભાવ” 67
PAGE 29 69
“સાંબેલું વગાડે તે સંત ” 69
PAGE 30 70
“એ તો ઢેડવાડે ગયા છે.” 70
PAGE 31 72
”ખરો મનોનિગ્રહ, તે મનને આકાર આપવો તે. ” 72
PAGE 32 74
“મહામોહ અને તે જ બંધન” 74
PAGE 33 76
”ચક્રોના ભેદન વિશે” 76
PAGE 34 78
“ભેદમાં ભય છે, અભેદમાં અભય.” 78
PAGE 35 80
”તમે સ્વયં સ્વતઃ ‘પ્રભુ’ છો. કંઈ ‘અ-ભૂ’ નથી.” 80
PAGE 36 81
”અહિત તો કોઈ કાળે કોઈનું થતું જ નથી. ” 81
PAGE 37 83
”મિજાજ.” 83
PAGE 38 886
“અસામાન્ય માટી” 86
PAGE 39 87
”યોગ ક્રિયાઓ બાબત.” 87
PAGE 40 89
”સંનિપાત – ઉન્માદ – હિસ્ટિરિયા.” 89
PAGE 41 91
“અકર્મી માનવીની ગતિ વિશે” 91
PAGE 42 92
“સાધન અને સાધ્ય” 92
PAGE 43 94
”યજ્ઞરાજ જપયજ્ઞ” 94
PAGE 44 96
“એમાં મારો શો વાંક” 96
PAGE 45 97
“ગુરૂ પૂર્ણિમા મહાત્મ્ય.” 97
PAGE 46 100
”હું કોણ?” 100
PAGE 47 103
“વાણી સંયમનું જીવનમાં મહત્વ” 103
PAGE 47/2 105
“વાણી સંયમનું જીવનમાં મહત્વ” 105
PAGE 47/3 106
“વાણી સંયમનું જીવનમાં મહત્વ” 106
PAGE 47/4 108
“વાણી સંયમનું જીવનમાં મહત્વ” 108
PAGE 47/5 110
“વાણી સંયમનું જીવનમાં મહત્વ” 110
PAGE 47/6 112
“વાણી સંયમનું જીવનમાં મહત્વ” 112
PAGE 47/7 113
“વાણી સંયમનું જીવનમાં મહત્વ” 113
PAGE 47/8 115
“વાણી સંયમનું જીવનમાં મહત્વ” 115
PAGE 48 117
”વૈરાગ્ય. ” 117
PAGE 49 118
“ગ્રહણ વિચાર, આ “ઘરણ કાઢવું,” તે શું?” 118
(શ્રાવણ સુદ પૂનમ : તા : ૫-૮-૫૨. – ચંદ્રગ્રહણ.) 118
PAGE 50 119
”પ્રારબ્ધ” 119
PAGE 51 120
” દેહાધ્યાસ અને તેનો વિવેક” 120
PAGE 52 122
”આત્મા કોણ છે?” 122
PAGE 53 123
“શતં વિહાય ભુક્તવ્યમ્” 123
PAGE 54 124
”લોલુપતા” 124
PAGE 55 125
”શ્રી રમણ આશ્રમ.” 125
PAGE 56 126
“વિવેક ચૂડામણિ” 126
PAGE 57 128
”ધ્યાન” 128
PAGE 58 129
“ભદ્રા મુદ્રા” 129
(દક્ષિણામૂર્તિ) 129
PAGE 59 129
“લોભામણી ઈંદ્રજાળ” 129
PAGE 60 130
“અણગમતું થાય, ને ગમતું ન થાય.” 130
PAGE 61 131
“ધ્યાન સમયના દેખાવો.” 131
PAGE 62 132
“ઈશ્વરની અસંગતા” 132
PAGE 63 133
“મોહ માયા અને તેનો સ્વામી” 133
PAGE 64 134
“અનંત સુખભાવ તે બ્રહ્મ” 134
PAGE 65 135
“વિકારવશ – વિકારમય એવો આ દેહ.” 135
PAGE 66 136
” ૐ કારના વાચ્ય તથા લક્ષ્ય અર્થો” 136
PAGE 67 137
“મંગલ મનોમંથન” 137
PAGE 68 138
“શ્રદ્ધા – સમર્પણ” 138
PAGE 69 139
”વિચાર — સાગર” 139
PAGE 70 141
“ગુરૂ વિષે” 141
PAGE 71 142
“મૌન વ્યખ્યાન.” 142
PAGE 72 144
“કૂકડાએ ઉપદેશ આપ્યો” 144
PAGE 73 144
“આત્મનિષ્ઠા” 144
PAGE 74 145
“तरति शोकम्” 145
PAGE 75 146
“સુખવૃત્તિ ને ભોગસાધનો” 146
PAGE 76 147
“દીવારો” 147
PAGE 77 149
“શિવ મીમાંસા” 149
PAGE 78 150
“વેદાન્ત સિદ્ધાન્ત” 150
PAGE 79 151
“મૌન જ સત્ય છે.” 151
PAGE 80 151
”મનો મન્થન” 151
PAGE 81 152
“સુખપુત્રના પ્રસવની પીડા” 152
PAGE 82 153
“શ્રીમદ ભગવદ ગીતા” 153
PAGE 83 154
“જીવરામ ભટ્ટ” 154
PAGE 84 155
”ચિન્તા કંઈ કરી થતી નથી.” 155
PAGE 85 156
“કામધેનુ – કલ્પવૃક્ષ” 156
PAGE 86 157
“સારૂં થાય તો ઠીક અને ન થાય તો યે ઠીક.” 157
PAGE 87 158
“પાંચ ખોટા ભૂતોની આ ભૂતાવળ.” 158
PAGE 88 159
“કાળ ભગવાન” 159
PAGE 89 160
“દંભ” 160
PAGE 90 161
“પ્રકૃતિઃ ત્વાં નિયોક્ષ્યતિ” 161
PAGE 91 162
“માયાની ઉપાસનામાં “ચમત્કાર”” 162
PAGE 92 163
“મર્યા પછી જીવ ક્યાં જાય છે?” 163
PAGE 93 164
“માનવી બીજાને જેવું બતાવે છે, તેવું જ પોતે દેખે છે.” 164
PAGE 95 165
“ભવોભવનો ભીખારી!” 165
PAGE 96 166
“નાન્યઃ પન્થાઃ” 166
PAGE 97 167
“ખંખેરી, ઝાટકી નાખો!” 167
PAGE 98 169
“મિથ્યાનો પણ કસ કાઢો” 169
PAGE 99 170
“આધાર – ગરજ” 170
PAGE 100 173
“જોઈએ” ના ઝગડા 173
PAGE 101 176
“આપણે આત્મહત્યારા થઈને દુઃખી થવાની કંઈ જરૂર નથી.” 176
PAGE 102 178
“મમ માયા દૂરત્યયા” સ્વામી પ્રણવતીર્થ 178
PAGE 103 181
“મનરૂપી આળ” સ્વામી પ્રણવતીર્થ 181
PAGE 104 182
”ખીચડી ની ગમ્મત” 182
PAGE 105 183
”વાવડી ચસકી!” સ્વામી પ્રણવતીર્થ 183
PAGE 106 185
“શિરા માટે શ્રાવક થવાનું !” સ્વામી પ્રણવતીર્થ 185
PAGE 107 187
“એ “એક,” ક્યારે, ને કેવી રીતે જણાય?” 187
PAGE 108 190
“આત્મ નિવેદન” 190
PAGE 109 196
”THE WAGES OF SIN” 196
PAGE 110 199
“દુનિયાની વિદ્યા અને યોગની વિદ્યાના પરિણામો.” 199


પ્રણવ પુષ્પો
ભાગ – ૧
સ્વામી પ્રણવતીર્થ
વિનય
આ હસ્તલિખિત લેખોનો સંગ્રહ ગુરૂભાંડુઓના વરદ કર-કમળમાં સહર્ષ સવિનય મૂકતા આનંદ અનુભવું છું.
પ. પૂ. બાપુજીના સાગરસમા સાહિત્યમાંથી સહેતુક ચૂંટેલી આ પ્રસાદી જો કે ખાબોચિયારૂપ લેખાય, છતાં એના અર્થસભર સૂચક શિર્ષકો પરથી વિચારી શકાશે કે એ પ. પૂ. સ્વામીજીના જ્ઞાન-ભંડારનો નિઃશંક નિચોડ છે. એમ કહેવું યોગ્ય લેખાશે. પૂજ્યપાદના સાહિત્ય ઉદધીને ઉલેચવાની ગુરૂબંધુ મુ. શ્રી છોટુભાઈ બી. પરમારે એમાં ઊંડું અવગાહન કરી સાચે જ અમૃતકૂપ આપણને કાઢી આપવાનો વિનમ્ર પ્રયાસ કર્યો છે. એ બદલ એમનો અત્યંત આભાર.
આ કલગીમાં પ. પૂજ્યશ્રીએ એમના અંતિમ દિવસોમાં નિકટના આત્મસંતાનોને જે ઉપનિષદિક સાર સત્વ રૂપ ટૂંકું ને ટચ લખાણ આત્મીય પ્રેમભાવથી લખી આપેલ, તેમાંનું મુખ્યતઃ સંગ્રાહેલું હોઈ, જે સમગ્ર શિષ્યગણને પ્રસાદીરૂપે આ જૂથમાં સહેજે મળી જાય છે. જેથી એનું મહત્વ સાચે જ વધ્યું છે. તદઉપરાંત એની આગવી વિશેષતા એ છે કે પ.પૂ. ગુરૂદેવની સ્વાધ્યાય પદ્ધતિને અનુસરી મુ, શ્રી છોટુભાઈએ આ સંગ્રહ પોતાના અધ્યયન માટે તૈયાર કરેલો જેનો લાભ સહુ ગુરૂભાંડુઓને અનાયાસે સાંપડ્યો છે. એ આપણા અહોભાગ્ય. એમાં જે કંઈ ક્ષતિઓ અહીં તહીં ભાળો તો તે મુ. શ્રી છોટુ ભાઈની પોતાની લેખી નભાવશો.
અંતે, આધ્યાત્મિક જિજ્ઞાસુઓને સ્પર્શતી ઘણી ઉપયોગી વાનગી આમાં આવી જતી હોઈ, એનું અધ્યયન જો જીવનના વિકટ પ્રસંગોએ પ્રકાશ પાથરશે અને માર્ગદર્શન ચીંધશે તો એનો હેતુ સાર્થક થયો લેખાશે.
ગુરૂ પૂર્ણિમા – ૧૨ – ૭ – ૮૪.
ગુરૂબંધુ યશવંતભાઈ સોલંકી.
અનુક્રમ
૧. જમતે બોલવાનો યથાર્થ મંત્ર.
૨. ગણપતિનો અધ્યાત્મ સંકેત.
૩. મસ્ત થઈને કાખલી કૂટો.
૪. સાત્વિક અહંકાર.
૫. પ્રિય તને રડાવશે.
૬. આ ભવરોગ મોટી બીમારી છે.
૭. વ્યવહારમાં બ્રહ્મદર્શન.
૮. ચોક્કસતા અને ચીવટતા.
૯. પતંજલિ – અષ્ટાંગ યોગનો – યથાર્થ અયમ એટલે શું?
૧૦. પ્રસન્ન રહેજો – એ મોટી વાત છે.
૧૧. ચિન્તાથી છૂટવાની પ્રક્રિયાઓ.
૧૨. રાજી હય હમ ઉસી મેં જીસમેં તેરી રજા હય.
૧૩. ચિત્તની નિત્ય પ્રસન્નતા.
૧૪. સર્વ સમયે આંતરિક સમતા સુદ્રઢ રહે જેની.
૧૫. પ્રભુના દરબારમાં નથી દેર નથી અંધેર.
૧૬. દુઃખે જ સાંભરે સુખદ રામ.
૧૭. ઈશ્વરી માયા અર્થાત્ વૈશ્ણવી વાયુ.
૧૮. મન સાચું ને શરીર ખ્યાલી છે.
૧૯. મંગળ ધર્મ.
૨૦. અઘરૂં? હા, અઘરૂં તો હોય જ ને.
૨૧. કસોટીઓ તથા કટોકટીઓ.
૨૨. ધૈર્ય યુક્ત બુદ્ધિ.
૨૩. મોહ – માયા અને મમતા વચ્ચે શો ફેર છે?
૨૪. જ્યાં વિવેક જાગ્યો, ત્યાં NO PROBLEMS!
૨૫. ગુરૂપૂર્ણિમા.
૨૬. ઉપાસના – જ્ઞાનનું યુગલ.
૨૭. ઈશ્વરીય યોજના.
૨૮. દુર્ભાવ.
૨૯. સાંબેલું વગાડે તે સંત.
૩૦. એ તો ઢેડવાડે ગયા છે.
૩૧. ખરે! મનો નિગ્રહ તે મનને આકાર આપવો તે.
૩૨. મહા મોહ અને તે જ બંધન.
૩૩. ચક્રોના ભેદને વિશે.
૩૪. ભેદમાં ભય છે. અભેદમાં અભય.
૩૫. તમે સ્વયં સ્વતઃ ‘પ્રભુ છો. કંઈ ‘અભૂ’ નથી.
૩૬. અહિત તો કોઈ કાળે કોઈનું થતું જ નથી.
૩૭. “મિજાજ”
૩૮. અસામાન્ય માટી.
૩૯. યોગ ક્રિયાઓ બાબત.
૪૦. સંનિપાત – ઉન્માદ – હિસ્ટીરિયા.
૪૧. અકર્મી માનવીની ગતિ વિશે.
૪૨. સાધન અને સાધ્ય.
૪૩. યજ્ઞરાજ જપયજ્ઞ.
૪૪. એમાં મારો શો વાંક.
૪૫. ગુરૂપૂર્ણિમા મહાત્મ્ય.
૪૬. હું કોણ?
૪૭. વાણી સંયમનું જીવનમાં મહત્વ.
૪૮. વૈરાગ્ય.
૪૯. ગ્રહણ વિચાર, આ “ઘરણ કાઢવું” તે શું?
૫૦. પ્રારબ્ધ.
૫૧. દેહાધ્યાસ અને તેનો વિવેક.
૫૨. આત્મા કોણ છે.
૫૩. ‘શતં વિહાય ભુક્ત વ્યમ’ – ‘પગે જ વળગી છે ને.’
૫૪. લોલુપતા.
૫૫. શ્રી રમણ આશ્રમ.
૫૬. વિવેક ચૂડામણી.
૫૭. ધ્યાન.
૫૮. ભદ્રા મુદ્રા.
૫૯. લોભામણી ઈંદ્રજાળ.
૬૦. અણગમતું થાય, ને ગમતું ન થાય.
૬૧. ધ્યાન સમયના દેખાવો.
૬૨. ઈશ્વરની અસંગતા.
૬૩. મોહ માયા અને તેનો સ્વામી.
૬૪. અનંત સુખભાવ તે બ્રહ્મ.
૬૫. વિકારવશ – વિકારમય એવો આ દેહ.
૬૬. ૐકારના વાચ્ય તથા લક્ષ્ય અર્થો.
૬૭. મંગલ મનોમંથન.
૬૮. શ્રદ્ધા – સમર્પણ.
૬૯. વિચાર – સાગર.
૭૦. ગુરૂ વિષે.
૭૧. મૌન વ્યાખ્યાન.
૭૨. કૂકડાએ ઉપદેશ આપ્યો.
૭૩. આત્મ નિષ્ઠા.
૭૪. “તરતી શોકમ્”
૭૫. સુખવૃત્તિને ભોગસાધનો.
૭૬. દીવારો.
૭૭. શિવ મિમાંસા.
૭૮. વેદાન્ત સિદ્ધાન્ત.
૭૯. મૌન જ સત્ય છે.
૮૦. મનો મન્થન.
૮૧. સુખ પુત્રના પ્રસવની પીડા.
૮૨. શ્રીમદ્ ભગવદ્ ગીતા.
૮૩. જીવરામ ભટ્ટ.
૮૪. ચિંતા કંઈ કરી થતી નથી.
૮૫. કામધેનુ – કલ્પવૃક્ષ.
૮૬. સારૂં થાય તો ઠીક અને ન થાય તોયે ઠીક.
૮૭. પાંચ ખોટા ભૂતોનો આ ભુતાવળ.
૮૮. કાળ ભગવાન.
૮૯. દંભ.
૯૦. પ્રકૃતિઃ ત્વાં નિયોક્ષ્યતિ.
૯૧. માયાની ઉપાસનામાં ચમત્કાર.
૭૨. મર્યા પછી જીવ ક્યાં જાય છે?
૯૩. માનવી બીજાને જેવું બતાવે છે, તેવું જ પોતે દેખે છે.
૯૪. પ્રારબ્ધ નામક નિપતિ.
૯૫. ભવોભવનો ભીખારી!
૯૬. માન્યઃ પન્થાઃ
૯૭. ખંખેરી, ઝાટકી નાખ.
૯૮. મિથ્યાનો પણ કસ કાઢો.
૯૯. આધાર – ગરજ.
૧૦૦. ‘જોઈએ’ ના ઝઘડા.
૧૦૧. ‘આપણે આત્મહત્યારા થઈને દુઃખી થવાની કંઈ જરૂર?’
૧૦૨. “મમ માયા દૂરત્યયા.”
૧૦૩. “મનરૂપી આળ.”
૧૦૪. “ખીચડીની ગમ્મત.”
૧૦૫. “વાવડી ચસકી.”
૧૦૬. “શીરા માટે શ્રાવક થવાનું.”
૧૦૭. “એ એક” ક્યારે, ને કેવી રીતે જણાય?
૧૦૮. “આત્મ નિવેદન.”
૧૦૯. “THE WAGES OF SIN.”
PAGE – 1
(૧)
“જમતે બોલવાનો યથાર્થ મંત્ર”
“બ્રહ્માર્પણં બ્રહ્મહવિ બ્રહ્મગ્નો બ્રહ્મણાહુતમ્।
બ્રહ્મૈવ તેન ગન્તવ્યં બ્રહ્મકર્મ સમાધિના ।।”
ગીતા. અ. ૪. શ્લોક ૨૪.
“બ્રહ્મ અર્પણ, હવિ બ્રહ્મ, બ્રહ્માગ્નિ, બ્રહ્મ હોમવું,
બ્રહ્મકર્મે થઈ મગ્ન, બ્રહ્મ રૂપ જ તૈ જવું.”
“કર્મમાં જેની બ્રહ્મ ભાવના થઈ ગઈ છે તેને માટે બ્રહ્મરૂપ અગ્નિમાં. બ્રહ્મરૂપ કર્તા, બ્રહ્મરૂપ હવિ, બ્રહ્મરૂપ અર્પણ સાધનથી, બ્રહ્મરૂપ ક્રિયાથી હવન કરવામાં આવે છે અને તે કર્મનું ફળ પણ બ્રહ્મ જ છે.”
આ પ્રખ્યાત શ્લોક એ સંન્યાસીઓની ગાયત્રી કહેવાય. જમતી વખતે પીરસેલી થાળીની ફરતે પાણી ફેરવે છે. એનો અર્થ કે આ બધું ઈશ્વર છે, આ અર્પણ કરૂં છું એ પણ ઈશ્વર છે. અર્પણ કરવાની વસ્તુ પણ ઈશ્વર છે. અગ્નિરૂપી ઈશ્વરમાં એમાં હોમનારો પણ ઈશ્વર જ છે. હોમવાના કર્મરૂપી સમાધિ છે, એ ઈશ્વરની સમાધિ છે, એની અંદર બ્રહ્મ વડે કરીને હોમીને, પોતે પણ બ્રહ્મ જ થવાનું છે.
આ સર્વ જ્ઞાનોનો સાર, એ હમો સંન્યાસીઓનો જમતી વખતે બોલવાનો મંત્ર, જમતી વખતે આ મંત્ર બોલીને અવશ્ય સ્મરણ તો કરવું જોઈએ કે આખરે આ કંઈ જ નથી. ઈશ્વરની અંદર, ઈશ્વર રૂપી ક્રિયા વડે કરીને એ બધું ઈશ્વરને જ પામે છે. બીજું કાંઈ નથી. આ શ્લોક એટલો બધો મહત્વનો છે, એમ આ શ્લોક ભોજનના આરંભ પહેલાં બોલીને, અન્નનું જળ વડે પરિસિંચન કરીએ છીએ.
આજકાલ, આર્યસમાજીઓના શીખવ્યાથી, જમતે ‘સહનાવવતુ’ વાળો શાન્તિપાઠ બોલવાનું જે ધતિંગ પેસી ગયું છે, એની બેવકૂફીની શી વાત કરીએ? ગુરૂ આગળ વિદ્યાભ્યાસ કરવા બેસે, ત્યારે ગુરૂ શિષ્ય ઉભયે આ પાઠ બોલવાનો છે. – ‘ૐ સહ નૌ અવતુ.’ નૌ કહેતાં ‘અમને બે ને’ એવું દ્વિવચન છે. અમારા બંનેનું, ૐ સંજ્ઞક પરમાત્મા ‘અવતુ’ રક્ષણ કરજો (અવ રક્ષણે), ‘સહ નૌ ભુનક્તુ,’ આ વિદ્યાભ્યાસનો આસ્વાદ અમે ઉભય મળીને કરીએ. પણ ‘ભુનક્તુ’ શબ્દ આવ્યો એટલે, ડોઝરૂં ભરવાના ખ્યાલને જડ લોક ચોંટી પડ્યું! પરંતુ અહીં અપેક્ષિત છે, વિદ્યાભોજન. ‘તેજસ્વી ના વધતી તમસ્તુ,’ અમારા બેનું ભણવું – ભણાવવું તેજસ્વી નીવડજો, નિસ્તેજ ન થજો. ‘મા વિદ્વિષાવહૈ’ અમે બે આ વિદ્યા પરત્વે કોઈનો દ્વેષ ન કરીએ. અહીં બધે બે ની જ વાત છે. ટોળે મળીને તાપડવા બેઠેલા ટોળાનો અહીં ક્યાં સંબંધ આવ્યો? છતાં, એ જમતે બોલાય છે!
સાચેસાચ, ભણેલાગણેલા કહેવાતા લોક પણ, ગાડરિયો પ્રવાહ જ છે. ને સ્વતંત્ર વિચાર કરનારા તો, શોધ્યા ન જડે તેટલા અલ્પસંખ્ય છે! જાણે કે, બુદ્ધિને અવકાશ આપતાં લોકને લાજ આવે છે!
વસ્તુતઃ ત્રિવર્ગના વૈદિક અપોષણ મંત્રની ગેરહાજરીમાં, જમાતાં કે પ્રાયઃ કોઈપણ નિર્દોષ કાર્યારંભે પણ જો બોલવા યોગ્ય મંત્ર હોય, તો તે આ છે. જે યજ્ઞભાવનો દ્યોતક હોવાથી યજ્ઞની પરિભાષામાં કહેવાયો છે.
સંનિષ્ઠ જન પ્રેમથી આવો ભાવ ઉચ્ચારીને જમે, તો યે એનું જમેલું પવિત્ર, શારિરીક તેમજ માનસિક રીતે પણ શ્રેય કરનારું થઈ પડે. કોઈ પણ કાર્યારંભ પરત્વે આ હકિકત છે. કર્મમાં, આશય મુખ્ય, ને બાહ્ય ક્રિયા ગૌણ છે. આ શ્લોકને યજ્ઞપ્રકરણનો સાર કહી શકાય.
PAGE – 2
જુઓ, બાહ્યરૂપે સ્વદેહને અન્ન ‘અર્પણ’ કરીએ, તેમાં અર્પણની ક્રિયા થઈ શકે છે. તેથી, ક્રિયા માત્ર બ્રહ્મ ચૈતન્યનો જ એક આવિષ્કાર છે. સંપૂર્ણ જીવન ત્રિપુટીમય છે. ભોક્તા – ભોજન – ભોજ્ય, અને, એ ત્રણેય, બ્રહ્મથી પ્રાપ્ત ચેતનાનાં જ રૂપો છે. યજ્ઞભાવ સર્વ પ્રવૃત્તિમાં ઓતપ્રોત છે. ક્રિયાઓ તન, મન અને વચનથી થાય છે. અહીં મનની વૃત્તિને કેળવવારૂપી પાયાનો યજ્ઞભાવ કહેલો છે.
કંઈ લેવું મૂકવું, આપવું…. એ સર્વ બ્રહ્મચૈતન્યનાં જ સ્પંદનો છે. હવિ એટલે આપવા કે અર્પવાના (સ્વદેહને પણ) પદાર્થો. એ પણ બ્રહ્મના જ વિવર્ત છે. જે ‘અગ્નિમાં’ હવિ હોમીએ, એ પણ બ્રહ્મ પરમેશ્વર જ છે. ‘પેટમાં અન્ન ભરૂં છું,’ એવો વાચ્યાર્થ (એટલે કે લૌકિક અર્થ) લઈએ તો યે એ બ્રહ્મ પરમેશ્વર તત્વ જ વૈશ્વાનર જઠરાગ્નિ રૂપે ઉદરમાં વિરાજે છે ને તેને સર્વ ભોજન આહુતિ છે. અને ‘બ્રહ્મ હોમવું’ હોમનારો, હવન કરનારો યજમાન, એ પણ બ્રહ્મ જ છે. અહીં વેદાન્તનાં ચારેય મહાવાક્યોનું તાત્પર્ય આવી જાય છે. અને ‘બ્રહ્મકર્મે થઈ મગ્ન,’ ત્રિપુટીનાં ત્રણેય પાંખિયા બ્રહ્મ છે, એ ત્રણથી યુક્ત કર્મ પોતે બ્રહ્મ છે, એવા ભાવમાં ‘મગ્ન’ એટલે સમાધિસ્થ, એકચિત્ત બની રહેવું, એવી મુમુક્ષુની મનઃસ્થિતિ રહે. એવો જ્ઞાની કર્તા, કર્તા છતાં અકર્તા, પોતે સહેજે બ્રહ્મરૂપ બની રહે, ને જીવ-શિવના અભેદની એને સિદ્ધિ થાય. આ થયો શુદ્ધ જ્ઞાનયજ્ઞ.
જો આપણે એવું માનતા હોઈએ, કે આ ભાવનાનો આદેશ માત્ર હિંદુશાસ્ત્રોમાં જ છે, તો એ બરોબર નથી. પ્રત્યેક શિષ્ટ સંપ્રદાયમાં આ વસ્તુ, ભલે જુદા શબ્દોમાં, પણ વિદ્યમાન છે. ગ્રહણ કરનાર જનસમાજની પહોંચ અનુસાર, જ્યાં ત્યાં એ ભાવ કહેલો છે. ઈદની કુરબાની બ્રહ્માર્પણ જ છે. જૈનો પોતાના અનેક વિધિકર્મોમાં, સમજીને કે વિના સમજે પણ, આ જ ભાવ રાખે છે, વગર ઈશ્વરે પણ. ખ્રિસ્તીમાં MASS તથા ચાતુર્માસ (LENT) માં એ જ ભાવ છે. માત્ર આપણામાં એ ભાવના સ્પષ્ટ સુરેખ આકારે, સીધેસીધી રજુ થઈ છે. એ આપણા ફાયદામાં છે.
ઈશ્વર ને હું, એ બે, એક જ છે. એવું તડ ને ફડ કહેવાની ઔકાત ઉપનિષદોની તથા તેના દર્શન ઉપર નિષ્ઠ શાસ્ત્રોની જ હોઈ શકે. જેમાં કોઈ વૈયક્તિક ભગવાન વિશેષ PERSONAL GOD છે, એવા કોઈ સંપ્રદાયનું, એવી ભાવનાની કલ્પના સરખી કરવાનું યે ગજું ન હોઈ શકે. આ એક દર્શન છે. અંગત અનુભવની વાત છે. ટોળેબંધ પ્રાર્થનાની કે ધર્મવિધિની કે સામૂહિક મોક્ષના ભ્રમની નહિ.
આ ભાવ જેનામાં હોય, તેને જીવનમાં વળી કલેશ કેવો? કંકાસ કેવો? એને સારૂં શું, ને નરસું શું હોય? લડવું ઝગડવું, એ શા કાજે હોઈ શકે? એને તો ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે!’ સંસારના વ્યવહાર પાછળ પણ, જો આવો ભાવ રહે, તો એ વ્યવહાર મટીને પરમાર્થનું સાધન જ બની રહે! સ્થૂળ યજ્ઞો તો, લોક હજી યે આદરે છે, એ નિમિત્તે ખેદ, કલેશ, કંકાસો ઊભા કરે છે. ને યજ્ઞનો ભાવ તો ‘ઉડી ગયો આકાશે,’ એ સ્થિતિ છે, ને આપણે દોઢડહાપણ ડો’ળીએ છીએ, કે તોયે યજ્ઞનું ફળ તો મળશે જ ને! હા. દક્ષના યજ્ઞનું!… “અંધારે પણ ગોળ ગળ્યો લાગે,” એમ કહીને, આપણે ગોળ ખાવા માટે અંધારૂં જ શોધતા ફરીએ છીએ, ને અજવાળું આપણને ખપતું નથી. અંધારામાં તો કંસારી તથા જીવજંતુ પણ ગોળ સાથે ખવાઈ જાય, તો ભલે ખવાઈ જાય! પણ અજવાળામાં જઈ તપાસીને નથી ખાવો. કેમકે ‘અંધારે યે ગોળ ગળ્યો લાગે,’ એમ કહ્યું છે ને! અને વળી, એ તો ઉન્નસનો, જ્ઞાનનો માર્ગ થયો, જે ‘ભગત’ લોકને કે કર્મકાંડીને કેમ ખપે?

PAGE – 3
લકીરના ફકીરો, હજી જેટના જમાનામાં ગાલ્લાં ને જ ડચકાર્યા કરવામાં ધર્મનિષ્ઠા ભાળ્યા કરે છે. એમાંના ઘણાખરા મનથી માને છે કે શાસ્ત્રોમાં તથા ધર્મવિધિ પરત્વે બુદ્ધિના ઉપયોગની ચેષ્ટા કરવી, એ નાસ્તિકતાનું લક્ષણ છે, ને એમાં તો, જે લખાણું તેવું જ વંચાણું, ને શબ્દશઃ આચરાયું, એટલું જ ધર્મ માટે પુરતું છે! જીવનને ક્ષેત્રે જ્યારે બુદ્ધિમતાની પ્રભુતા પાંગરી રહી છે, ત્યારે આવી વિચાર શૂન્ય લકીર – પરસ્તીથી, જીવનમાં શી ઉગત આવે? અને પરમાર્થની તો, ત્યાં વાતે ય ક્યાં રહી? કેમકે, આપણે તો, લીટે લીટે ચાલીને, ખાડામાં ખદબદિયાં શોધવા વાળા છીએ!
આજે પણ એવો ખોટો જૂનવાણી આગ્રહ કરાતો સ્થળે સ્થળે જોવામાં આવે છે કે ભ્રમણાએ ભ્રમણાએ જ હાલ્યા કરો, કેમકે અમુક ‘શાસ્ત્રો’ કહે છે કે મૂવા પછી ખાડામાં સવરગનાં, કે બીજા ભવે લહેર થવાનાં ખદબદિયાં છે!
આપણી ખૂબ જ આગળ વધેલી બુદ્ધિ છે, એને વેરવાના ક્ષેત્રો પણ વધી ગયાં છે. એ વેર વિખેર થઈ ગયેલા બુદ્ધિના પ્રવાહોના એક નાના સરખા ભાગને પણ આંતરીને, તેમાં એક પુણ્યસરિતા યોજીને, આધ્યાત્મિક વિચારણાનું એક નાનકડું ગોમુખ ઘડીને, એક નાનકડી આત્મભગીરથી માનવહૈયાના વેરાન રણમાં જો ઉતારવામાં આવે, – ગીતામાંથી મેળવીએ, – તો એ આપણને બેવકૂફીઓથી બચાવે, ને મોટી વિપદોમાંથી ઉગારી લઈ શકે.
ૐ તત્ સત્ ।
PAGE – 4
(૨)
ગણપતિનો અધ્યાત્મ સંકેત
ગણપતિ અથવા ગણેશ, એટલે ગણનો પતિ, ગણનો ઈશ કહેતાં, એનો રાજા. ગણ એટલે ટોળું, સમૂહ. આ દેહમાં રહેલો ઈંદ્રિયોનો સમૂહ, ઈંદ્રિયગણ કહેવાય છે. ગણપતિ મહાદેવજીના નંદીગણનો મુખી છે. મહાદેવજી એટલે આત્મા. આ દેહમાં આત્માને આધારે ઈંદ્રિયગણ સચેત રહે છે. ને ઈંદ્રિયો બધી, મનને વશ વર્તે છે. જો મન ચૂપ હોય, તો ઈંદ્રિયો ચૂપ જ હોય, ને જેમ જેમ મન સળવળે તેમ તેમ, તેના હુકમ પ્રમાણે ઈંદ્રિયો પોત પોતાના કામે લાગે છે. તેથી, મન ગણપતિ છે.
ગણપતિને હાથીનું માથું છે. હાથી બહુ ચાલાક ને બુદ્ધિવાળો હોય છે. એની યાદદાસ્ત બહુ તીવ્ર હોય છે. યાદદાસ્ત અને હોશિયારી, એ મનના જ ધર્મો છે. મન કદી કશું પણ ભૂલતું નથી. એ મહાબળવાન પણ છે. હાથીની આંખો ઝીણી હોય છે, પણ એની દૃષ્ટિ ઘણે દૂર સુધી પહોંચતી નથી. મન પણ, સામાન્ય રીતે, લાંબી નજર નથી રાખતું, પરંતુ તાત્કાલિક અથવા સાવ નિકટના ભવિષ્યને જ લક્ષમાં રાખે છે. હાથીની સૂંઢ મોટા ઝાડથી લઈને ઝીણકલી સોયને પણ ગ્રહી-પકડી શકે છે, તેમ મન પણ અત્યંત સૂક્ષ્મ વિચારથી માંડીને, મોટા સ્થુલ પહાડને ગ્રહી-પકડી શકે છે. ત્રણ લોકને સ્વયં આત્મા પણ, મન વડે પકડી શકાય છે, બીજું કશા વડે નહિ.
ગણેશનો એક દંતુશળ તૂટેલો છે. ને મન, ઝઘડા કરવામાં કુશળ હોઈને ઘણું ખરૂં ખંડિત રહે છે. એની લડવા – ઝઘડવાની શક્તિ સાવ પૂરેપૂરી અખંડિત જ નથી હોતી. એ કદી સાવ અણિશુદ્ધ નથી રહી શકતું.
ગણપતિનું પેટ વિશાળ છે. મનનું પેટ એવું વિશાળ છે, કે એની અંદર બધું જ સમાઈ જાય છે. ભવભવના સંસ્કારો, સ્મૃતિઓ કામ ક્રોધ વગેરે રિપુઓ, મનના પેટાળમાં સમાઈ રહે છે. અરે, આખું આકાશ મનમાં સમાઈ રહે છે. મોટા મનવાળાને તેથી આપણે મોટા પેટનો કહીએ છીએ જ ને!
ગણપતિના બે હાથમાં લાડવા છે. મનનાં પણ બંને હાથમાં લાડવા છે. ને એની મરજી થાય, તો સારા કે માઠા, બંને પ્રકારના સંજોગોમાં એ સુખ માણી શકે છે, પેલા સાધુની ગાય જેવું! અને જો એ વાંકું થાય તો બેઉ હાથમાં સુખ સાહેબી હોવા છતાં, એ દુઃખી થઈ શકે છે. સુખદુઃખનો આધાર, આપણા મન ઉપર જ રહે છે.
ગણપતિને બે પત્નિઓ છે. રિદ્ધિ ને સિદ્ધિ (ખરૂં જોતાં શબ્દ ઋદ્ધિ છે, પણ હિંદુસ્તાની પંડિતો ઋ ને રિ બોલે છે.) “રિદ્ધિ” એટલે ધનદોલત, ને સાહેબી. “સિદ્ધિ” એટલે જાતજાતની આવડતો ને શક્તિઓ.
ઋદ્ધિ અને સિદ્ધિ, બંનેના સુખ, કેવળ માણસના મનમાં જ વસે છે. મન જો પ્રસન્ન, તો વગર ઋદ્ધિએ માણસને ઋદ્ધિનું સુખ, ને વગર સિદ્ધિએ સિદ્ધિનો સંતોષ તથા આનંદ સહજ પણે પ્રાપ્ત છે. અને નહિ, તો છતી સાહેબીએ, ને છતી શક્તિએ, માણસ દુઃખી રહે છે. એમ ઋદ્ધિ-સિદ્ધિ કેવળ મનની દાસીઓ છે, ને વગર મને, એ બંને નિરાધાર છે. તેથી, એ મનને જ વરેલી છે.
ગણપતિનું “વાહન” એટલે કે ધજાની નિશાની, ઉંદર છે. ઉંદર એવી વસ્તુ છે, કે જેનો સંસાર સમુદ્રના તળિયેથી માંડીને છેક પહાડોની શિખાઓ સુધી સર્વત્ર છે. એ બહુ ચપળ છે. ઘરનો ખૂણો કે ભોંય કે છાપરૂં, બધે જ ઉંદર ફરી વળે છે. અને મન પણ ઉંદર રૂપી ચપળ કલ્પનાના રથ ઉપર ચઢીને ત્રણે લોકમાં ફરી વળવાની શક્તિ ધરાવે છે કે નહિ? કલ્પના, છે તો સાવ નાનકડી, ને નજરે દેખાય પણ નહિ, એવી વસ્તુ, છતાં, તેની સવારી કરીને, મન ક્યાં નથી પહોંચી શકતું! અરે સામાના અંતરમાં પણ એ પ્રવેશી શકે છે.
ગણપતિને સુંદર મુગટ છે. મન પણ પોતાના અહંકારના કેવા શોભાયમાન મુગટ પહેરે છે?
ગણપતિ પાર્વતિની કાયાના મેલ વડે ઘડાયેલા છે. ને એ પાર્વતિની રખેવાળી કરે છે. મન પણ કેવળ માણસની પ્રકૃતિનો મેલ છે, ને પ્રકૃતિની રખેવાળી કરી જાણે છે. માયા એ મહેશ્વરની દાસી. મહેશ્વરને જ વરેલી છે. ને તેના વિના એની હયાતી પણ નથી. મન, એ માયાના ખેલ તમાશાનું સંતાન છે. જો માણસની પ્રકૃતિ શાંત થઈ જાય તો મન પણ શાંત થઈ જાય. ને તે સાથે જીવનનો બધો ઝઘડો શાંત થઈને, કેવળ શિવ-આત્મસુખ રહે. પ્રકૃતિ એટલે માણસનો સ્વભાવ, એ સળવળે, ત્યારે જ, મન એટલે કે વિચારો ઊપજે, ને જાતજાતનાં મન થાય. નહિ તો મન “થાય” જ નહિ. ને કેવળ મન સુખસ્વરૂપ બની જાય. તેથી, માયાનો મેલ, એજ મન છે. જે જીજ્ઞાસુ મનને જીતે, તે માયાને જીતે, ને માયાના પતિ પરમેશ્વરને વગર મહેનતે પામે.
ગણપતિનો જન્મ થયો, તેમાં શિવજીને કશું લાગતું-વળગતું નહોતું. મનના ઉપજવામાં પણ, આત્મ ચૈતન્ય સાક્ષી ભગવાનને કશો સંબંધ નથી. છતાં ગણપતિ મહાદેવજીનો પુત્ર છે, તેમ, મન પણ, આખરે છે તો આત્મદેવ વડે જ ચેતન પામતી વસ્તુ, તેનું જ સંતાન, ચેતના વિના, એ જડ છે, એ છે જ નહિ. એ આત્માની નજીકમાં નજીકની વસ્તુ છે.
ગણપતિ સ્વભાવે નિર્મળ, આનંદસ્વરૂપ, ને ખુશમિજાજ છે. મન પણ આપમેળે નિર્મળ અને સ્ફટિક જેવું શુદ્ધ અંતઃકરણ જ છે. એમાં જેવા માણસની પ્રકૃતિના મેલ ભરાય છે, તેવો એનો દેખાવ થાય છે. એને સ્વચ્છ કરવાથી, એ શુદ્ધ રહે છે.
પ્રત્યેક કાર્ય કરતાં પહેલાં, ગણપતિનું સ્મરણ પૂજન કરીને એને પ્રસન્ન કરીએ, તો કાર્યમાં પણ પ્રસન્નતા અને આનંદ રહે, ખિન્ન મને કે ઉદ્વેગથી જે કામનો આરંભ થાય, તેમાં કશી ઉગત ન રહે. રસોઈ કે પીરસણું પણ, પ્રસન્ન મને થાય, તો જ ભોજન આનંદ તથા પુષ્ટિ આપે, ને નહિ તો ઝેર થઈ જાય. તેથી કંઈ પણ કાર્ય કરતાં પહેલાં મનરૂપી ગણપતિનું, એના વિચિત્ર આકારને નિમિત્તે પણ, પ્રસન્ન મનથી સ્મરણ કરવાનું શાસ્ત્રો કહે છે. તેથી શાન્તિપાઠ પહેલો બોલાય છે.
મોક્ષશાસ્ત્રમાં પણ, સર્વથી પ્રથમ મનને જીતીને, એને નિત્ય પ્રસન્ન રહેતાં શીખવવાનું કહેલું છે. કેમકે, જો મન બગડ્યું, તો આ ભવ બગડ્યો જાણવો. મનને જીતવાથી, પ્રકૃતિ જીતાઈ જાય, ને પ્રકૃતિ જીતાઈ એટલે માયાપતિ પરમેશ્વર પ્રાપ્ત થયેલો જ પડ્યો છે, એની પ્રાપ્તિને આડે આવનાર, એટલે સુખને આડે આવનાર માણસનું પોતાનું કેવળ મન જ છે. બીજું કશું નહિ. એ ગણપતિને જે જીતે, તેની ઈંદ્રિયો જીતાઈ, ને એનો મોક્ષ સિદ્ધ થઈ ગયો. કેમકે, જગત તથા બધો સંસાર મનોમય જ છે. માણસ મનને જ સુખે સુખ, અને મનને દુઃખે જ દુઃખ અનુભવે છે. એ મન જીતાયે, સુખને દુઃખ, બંને, જીતાઈને શાન્ત થઈ જાય. મન કે હારે હાર હૈ, મન કે જીતે જીત.
તેથી, મન વિઘ્નેશ છે. વિઘ્નો ઊભાં થાય છે મન વડે જ, ને વિઘ્નો ટળે છે પણ મન વડે જ, તેથી, એ વિઘ્નકર્તા છે, ને વિઘ્નહર્તા પણ છે, એને જેવું કરીએ તેવા આપણે થઈએ.
ૐ તત્ સત્
PAGE 3
“મસ્ત થઈને કાખલી કૂટો”
જૂઠા જગતના જૂઠા વ્યવહારોમાં જૂઠ સિવાય બીજા કશાની ઉમેદ રાખવી, એ મોટી ભૂલ છે, ખતા છે. કેમકે, જગતના મૂળમાં જ મહા મોટી ભૂલ છે, ભ્રાન્તિ છે! જેને “સાચું” માનો, તે તો જગતમાં જૂઠું નીવડવાનું જ. જો તેમ ન હોય, તો શાસ્ત્રો જૂઠાં પડે, ભગવદ્ વાક્યો જૂઠાં પડે, સત્ય પોતે જૂઠું પડે. સત્ય તો ફક્ત એક જ છે ને તે એવું છે કે જેનો વ્યવહાર નથી થઈ શકતો. એને વળગીને, અન્ય સર્વને આપમેળે જૂઠું જ માનીને જે જગત સાથે વ્યવહાર કરે, તેને દુઃખ, શોક, પસ્તાવો, ઉદ્વેગ…. કંઈ ન થાય.
ભાઈ! શું હતું? શું ગયું?…. આ ફાની સંસારમાંથી દેહે કરીને રામ ગયા, કૃષ્ણ ગયા. ને એમની યે પ્રતિષ્ઠાની રેવડી ઊરાડાઈ નથી શું, ખૂબાખૂબ? જગત શું માને કે કહે, તેની રામ સેવકને શી પડી હોય? પોતાનું અંતર જે કબૂલે, રામની સાખે, તે જ કામનું, જગતની વાણીનાં વળી મૂલ્ય કેવાં! સગાંસંબંધીઓ પોતપોતાના આગવા સંસ્કારો લઈને આવ્યા છે. તેમની ચિત્તવૃત્તિઓ “હું કરૂં” “મેં આ કર્યું” “હું આ કરીશ” “આ મારૂં છે…..” ઈત્યાદિ રૂપ છે. જો એમ હોય, તો ભલે. એમાં કોઈ શું કરશે? આપણે કંઈ કોઈને જ્ઞાની બનાવવાનો ઠેકો લઈને આવ્યા છીએ? એમના ઉપર આપણો હકદાવો શો? મમ-તા (એ “મારા” હોવાની ભ્રમણા) નું શું કારણ? વ્યવહારિક ગૂંચો ઉકેલવામાં યથા મતિ સહાયતા કરીને, આપણે તો રામજીની બધી કૃપા જ સમઝવી, ને તેની આ રીતની દયા માટે ખૂબ આર્ત હ્રદયે તેનો આભાર માનવો….. બાકી, ‘કોણ સગા, કેવા સગા!!’ એવો ભાવ જો ધારણ કરી રહો, તો, હું કહી શકું કે બીજા તો જે હોય તે, પણ તમે મારા “સગા” સાચા!
શા માટે શોક ને ગમગીની? શા કાજે બળાપા કે દૈન્ય? ભક્તિભાવની બંધાતી પાઘડીનો વળ છેડે આવીને ઉભો રહે ત્યારે આપણે ગભરાઈએ, તો પછી પાઘડી બાંધી વ્યર્થ જ ને! માટે. પ્રસન્ન ચિત્તે રામ ગુણ ગાઓ, ને મસ્ત થઈને કાખલી કૂટો, કે, વાહ પ્રભુ! હ્રદયમાં ઘૂસેલા અ-સુરનો સંહાર તેં ખરો માંડ્યો.
મનુષ્ય જેમ જેમ પોતાને તટસ્થ દ્રષ્ટિએ જોઈ તપાસીને યથાર્થ પણે જાણતો રહે છે. તેમ તેમ તેને આ સમગ્ર દ્રષ્ટાદ્રષ્ટ પદાર્થો તેમ જ ઘટનાઓના ખરા મર્મની પરખ સ્ફુર્તી રહે છે. અને તેવી તટસ્થ દ્રષ્ટિ થતાં, એ સર્વનાં મૂલ્યો તે સ્વચ્છ દ્રષ્ટિએ આંકીને, અંતરથી જરા પણ ખેંચાયા-તણાયા કે નરમ-ગરમ થયા વિના, તે સર્વની સાથે બિલકુલ યથા યોગ્ય વ્યવહાર કરતો, નિરાંતે કાળ નિર્ગમતો, નિત્ય પ્રસન્ન રહેતો, “અન્ય” સર્વને પ્રસન્ન રાખતો, કૃતકૃત્ય બને છે. જગતમાં કશું પણ ઉછળી પડવાને પાત્ર નથી – સિવાય કે એકમાત્ર સ્વાત્મ સ્વરૂપ ઈષ્ટમાં તન્મયતાની ધગશ! એમ, બધું કેવળ ઈશ્વરની ઈચ્છા તથા પ્રારબ્ધની રમત જાણીને, યથાશક્ય સ્વસ્થતાપૂર્વક પોતાના આંતરરાહમાં દ્રઢનિષ્ઠ રહીને વ્યવહારનાં કાર્યો સયુક્તિક પ્રકારે કરતા રહેશો. બધું યથાકાળ સુન્દર પ્રકારે ઠીક જ થઈ જશે – “જે થશે તે ઠીક જ હશે.”
“જીવનની બધી આંટીઘૂંટીઓનો જે એક માત્ર ઈલાજ છે તે દ્રષ્ટા-દ્રષ્યવૃત્તિ કેળવવાનો. ”
ૐ તત્ સત્
PAGE 4
“સાત્વિક અહંકાર”
સત્સંગ, ગરીબોની સેવા, કે હું નામજપ કરૂં છું, એવા વિચારો આવવા તે જ છે અહંકારના અસ્તિત્વના પુરાવા! એ ભાવમાં સાત્વિક અહંકારની છાયા છે.- અને સર્વ અહંકારોમાં સાત્વિક અહંકાર વધારે ભયંકર છે, કારણ કે તેની બરોબર ખબર પડવી મુશ્કેલ છે. તેના સાત્વિકતાના સ્વાંગને લીધે, તમે કરો છો, તેમાં “હું કરતો નથી, પરન્તુ ભાગ્યવશાત્ અ-કસ્માત્, અંતર્યામી દ્વારા સ્ફૂરતી, વૃદ્ધિઓનું સહજ અનુસરણ દેહેન્દ્રિય-મન વડે થતું રહે છે, એવી ભાવના સતત મનમાં રાખવા પ્રયત્ન કરવો. આપે એમ જ જાણવું, કે” મને જે સૂઝે છે, સ્ફૂરે છે, તે હું ઈષ્ટચરણે અપૂર્ણ બુદ્ધિથી થવા દઉં છું. અને તે પણ એક જ હેતુથી, કે તેટલો સમય ચિત્ત તેવી સાત્વિક વૃત્તિમાં યોજાયેલું રહે.
જીવનમાં આખરે જીતવાનું છે શું? સ્થૂળ જગત તો તુચ્છ છે. સંસાર(સંસ્મરણ) મિથ્યા, કેમકે અનિત્ય છે. એવા પદાર્થોને પકડવાનાં ફાંફાં માં તે વળી મર્દે જીતવા યોગ્ય શું હોય? ધુમાડાના બાચકા! ત્યારે, જીતવું શું છે? ખુદ જીવનને જ. જીવનની ક્ષણોના આપણે ગુલામ નથી રહેવું, પરંતુ પ્રત્યેક ક્ષણને આપણી આજ્ઞાંકિત સેવિકા બનાવી દેવી છે. એમાં પૌરૂષ છે. એ માર્ગે જતાં, જગત તો જીતાયેલું જ પડ્યું છે. બલ્કે એ છે જ ક્યાં? રામનામના પ્રકાશ આગળ એનાં ઈન્દ્રજાતિક ધુમ્મસ પળમાં ઉડી જાય છે.
જીવનની એક ક્ષણ પણ પ્રવૃત્તિ વિનાની શક્ય નથી. શરીર અને મન પ્રવૃત્તિની જ પ્રતિમાઓ છે. તેવું હોવામાં જોખમ નથી, બલકે એ વૃત્તિ-પ્રવૃત્તિઓના સુયોગ્ય સંયોજન અને વિવેકશીલ ઉપયોગ દ્વારા તો આપણે-કે કોઈ પણ શ્રેયાર્થીએ – ભવ પાર થવું છે. જોખમ તો છે, એ પ્રવૃત્તિઓ અંગે, તેના “કરનાર” તરીકે પોતાને માનીને, તેને માટે છાના કે પ્રગટપણે પણ ફુલાવામાં.
ઈશ્વર સમર્પણની શક્તિ કેળવવાનું સાધન છે ગુરૂસમર્પણ. કોઈ ‘અન્ય’ માં ઓતપ્રોત થઈ જવા વડે કરીને અંતે સ્વ-રૂપ ઈષ્ટમાં ઓતપ્રોત થવાની કળવકળ તથા તે માટેની આવશ્યક પ્રીતિ પ્રકટે છે હો! ખરૂં કહું છું. લવલેશ સંદેહ ન રાખશો, કે જે ક્ષણે આપે ગુરૂભાવમાં સર્વ-સ્વના નિધાનનો નિશ્ચય કરી લીધો, તે જ ક્ષણથી આપ આ કહેવાતા સંસારરૂપી ભવભયથી પારપહોંચી ચૂક્યા છો. આપને માટે હવે મજધાર જેવું કશું નથી. આપ પાર જ પાર છો. ભલે તેનું આપને ભાન હજી ન થયું હોય.
‘નિત્ય-શુદ્ધ-બુદ્ધ-મુક્ત-સ્વભાવ આત્માને પોતે અનિત્ય અશુદ્ધ-અજ્ઞ-બદ્ધ-મિથ્યા હોવાનું મનાવનારા જંતુભાવની ભ્રમણા ઉત્પન્ન કરનારો, ભવભયરોગ જીવાત્માને લાગુ પડેલો છે. એ તેનું કલંક છે. રોગને નિર્મૂળ કરવો, એ જ મનુષ્યનો પરમ પુરૂષાર્થ હોઈ શકે. આ અસાધ્ય લાગતા રોગના દાક્ટરો, તે સન્તસાધુ ને એ રોગને હણનારી જે જડીબૂટી એમની પાસેથી પ્રાપ્ય છે, તેનું નામ છે સત્સંગ.’
“‘મારૂં’ એ મોટી પંચાત છે, જ્યાં ‘મારૂં નથી,’ ત્યાં દુઃખ કે કષ્ટને અવકાશ નથી. દુઃખભાવથી છૂટવાનો બીજો માર્ગ નથી.”
PAGE 5
“પ્રિય તને રડાવશે”
પ્રાણથી લઈને ધનધાન્ય સુધીના તેના શેષ (અંગ) રૂપ જે પદાર્થો છે, તે બધામાં જેની તેની જે તે સમયની ઉપયોગીતાના પ્રમાણમાં પ્રીતિ હોઈ શકે છે. જેમ કે ધનથી વધારે વહાલો પુત્ર ગણાય છે, કેમ કે દીકરા ખાતર બાપ પૈસા વેરવામાં પાછું વળીને જોતો નથી. પુત્રથી જાત વધારે વહાલી હોય છે. તેનાથી વધારે પ્રિય ઈન્દ્રિયો હોય છે, કેમ કે એક યા બીજા અંગને બચાવવા માટે માણસ પોતાની કાયા ને જોખમમાં મૂકે છે. પરંતુ પ્રાણ તેથી પણ વધારે પ્રિય છે. કેમ કે પ્રાણ બચાવવા માટે માણસ પોતાના અવયવોને પણ કપાવી નાખે છે. અને આત્મા તેથી ય વધારે પ્યારો છે, કેમ કે જ્યારે પરમ આત્માની લગની માણસને લાગે છે, ત્યારે પ્રાણ એને અનાત્મ અને તુચ્છ ભાસે છે.
ભાઈ મારા, જેને તું પ્રિય માને છે, તે તો વહેલો મોડો તને રોવડાવ્યા વગર ને બાંધ્યા વગર નહિ રહે. માટે એ માનેલા પ્રિયના દોષોનો પહેલેથી જ જરા વિચાર કરી રાખ, કે જેથી પાછળથી પસ્તાવાનો વખત ન આવે, કે અરેરે મેં મોટી ભૂલ કરી! જો ભાઈ, દીકરો ન થાય, તો તેની ચિન્તા થાય છે, અને પુત્ર જન્મ થાય, તો સુવાવડમાં પીડા કરાવે. જન્મ્યા પછી રોગી થાય, ઉછરીને મૂર્ખ નીવડે, ભણવામાં ઠોઠ પાકે, વિદ્વાન થાય ને સારી કન્યા ન મળે અથવા કૂટિલ નીવડે, બચરવાળ છતાં દરિદ્ર થાય, ધનિક છતાં જુવાનીમાં મરી જાય…. ઓ હો!
સંતાનો અંગેના શોક દુઃખોની પરંપરાની તો લંક લાગે છે! એમ દોષદ્રષ્ટિ રાખીએ ને આ સમજીએ તો જે થાય તેનું દુઃખ હળવું થઈ જાય, માટે પહેલેથી જ દરેક બાબતનો વિચાર કરવો જોઈએ કે આ મારે જોઈએ છે તો એમાંથી મને શું શું મળશે. અને નહિ મળે, અને કંઈ પણ બને તો લાગે નહિ, કેમ કે એ તો મને ખબર હતી. પેલા બુદ્ધની વાત છે ને કે પેલી બાઈ પોતાનું છોકરૂં લઈને આવી હતી, કે જેના ઘરમાંથી કોઈ ન મરી ગયું હોય તેના ઘરમાંથી થોડી રાય લઈ આવ, માટે એવી વસ્તુમાં અમર પ્રીતિ ન જોડતાં, કેવળ સ્વાત્મામાં જ તેને સ્થિર કરીને દિનરાત તેનું જ અનુસન્ધાન કર્યા કર, કે જેથી કદીયે પસ્તાવાપણું સંભવે જ નહિ, અને એમ છતાં, દુરાગ્રહનો માર્યો તું તારી આ ખોટી લત નહિ છોડે, તો પછી તારા શ્રેયસની આશા કેમ કરીને રાખવી? પછી તો તારૂં જે થાય તે ખરૂં! માટે વેળાસર ચેતજે! જે આત્માને પ્રિયતમ માનીને ચાલે છે, તેને કોઈ પણ કાળે દુઃખ નથી પડતું, કેમકે એનો કદાપિ નાશ કે વિકાર નથી થતો.
તીક્ષ્ણ સ્વભાવના હોય તેને માટે જ્ઞાન માર્ગ છે, મંદ બુદ્ધિ માટે યોગ છે. પણ ભાઈ, એમ મૂંઝાવાનું કશું કારણ નથી. જે કામ ‘યોગ’ કરે છે, તે જ કામ ‘વિવેક’ પણ પાર પાડે છે, કેમ કે યોગ જેવી રીતે અપરોક્ષ જ્ઞાનનું સાધન છે, તેવું વિવેક પણ જ્ઞાન સિદ્ધિનું કારણ છે. જે આત્માની પ્રિયતાને જાણી ગયો છે તેની કદીયે વિષયોમાં પ્રીતિ થવાની નથી, કેમકે એને કશામાં પણ અનુકૂળતા કે પ્રતિકુળતા જેવું રહેતું નથી.
લાખ વાતની એક વાત એ છે કે હંમેશાં જે નિજાનન્દને જ પરખે છે તે સમગ્ર જગતને “જોતો જ” નથી. તેવા મનુષ્યને જો તમે યોગી કહેતા હો, તો વાહવાહ, ઘણી ખુશીથી કહો. એમ કહેવું જરાયે ખોટું નથી. વેદાંતને વાંધો જ નથી. સાપ પૂજો છો? વાહવાહ બહુ સરસ, પૂજો. કેમ કે રસ્તો એક જ છે, એક નીચે, કોઈ પહેલે પગથીએ, કોઈ બીજે પગથીયે, કોઈ દેવદેવીને પગથીયે, કોઈ ભૂતપ્રેતને પગથીએ. શોધે છે બધા સુખ બ્રહ્મને. વેદાંત કહે છે કે બહુ સારૂં, પણ ત્યાં ચોંટી ન રહેશો. એથી વિશેષ કંઈ જ કહેવાનું નથી, એમ વેદાંત વ્યવહાર કુશળ છે. તકરાર નામે વેદાન્ત નહિ.
ૐ તત્ સત્
PAGE 6
“આ ભવરોગ મોટી બીમારી છે.”
પ્રેમ પ્રભુસ્વરૂપ છે, ને તે મારૂં જ સ્વ-રૂપ છે. તેનો હું રહ્યો વણમોકલ્યો ગુલામ! હક તો પ્રેમનો જ સાચો. તેમાંયે, નિષ્કારણ પ્રેમનો. બીજી બધી પ્રીતિઓ સાપેક્ષ. કશાક ને કશાકની સાથે સંકળાયેલી, તેથી તે કશાકના જેવી જ નાશવંત અને શરતી રહે. તે કારણે, પ્રેમનો દાવો અને શ્રદ્ધાનો બન્ને સરખા. કેમ કે એ બન્ને એક જ વસ્તુનાં બે નામ છે.
જે પ્રમાણે ધ્યેય બાંધ્યું છે, લક્ષ્યનો નિર્ણય કર્યો છે, તે પ્રમાણે, સર્વથા નિઃસંદેહ થઈને આનંદપૂર્વક ચાલ્યા કરશો, માર્ગદર્શકમાં નિષ્ઠા તથા દર્શનમાં શ્રદ્ધા રાખીને નિર્ભય વિચારશો. તો, તેના સતત સુખભાવરૂપી ફળ તો, કાર્યકારણને અટલ ન્યાયે પ્રાપ્ત થયા વિના નહિ જ રહે.
દયાર્દ કરૂણાળુ મહાનુભાવી પૂર્વજોએ યોગ્ય રીતે આપેલી સલાહોનો મર્મ સમજીને આપણે અર્જુનોએ તો આપણા સંસ્કારોની, આપણા સત્સંગની, આપણને ઈશ્વર તરફથી પ્રાપ્ત સુન્દર આંતરબાહ્ય સવડોની તક ઝડપી લઈને આ એક જ ભવમાં પરમ સુખપદની પ્રાપ્તિ માટે હિંમત ભીડવી જોઈએ. ઉપાસના વસ્તુતઃ શૂરાનો માર્ગ છે, વિધિનિષેધના ભયભીત ભાગેડુ પરાવલંબી ગુલામોનો નહિ. અને પરમાત્માનો નિત્યસખા જીવાત્મા, અર્જુન શૂર હોય, ભાગેડુ નહિ. ચીલાનો ચેલો નહિ. એવી મારી કલ્પના છે.
જેનાં અંતરમાં અનાદિ અનન્ત સદભાવ ઘર કરી બેઠો છે, તેનું અશ્રેય કોઈ પણ શક્તિથી થઈ શકતું નથી. કોઈ પણ વિધિ –નિષેધથી, કે કૃત-વર્જનના ‘દોષો’ નો તેને બાધ નડતો નથી.
જગતની પ્રીતિઓ, સંસારીઓના સ્નેહ, એવાં તો ક્ષણિક અને ‘પલટાપાત્ર’ હોય છે, કે જેથી WE MAY NOT BE CAUGHT UNAWARES AND BECOME SUBJECT EVEN TEMPORARILY TO WHAT IS CALLED DISAPPOINTMENT! સતત સાવધતામાં જ અમારી સલામતી જ બધાંની છે.
આ ભવરોગ મોટી બીમારી છે. ભવોભવનો એ આજાર છે, એને સ-જડ કરવામાં લાખો સ્થૂલ-સૂક્ષ્મ વસ્તુઓએ ભાગ ભજવ્યો છે. જેમ જેમ એવી સમજ પડતી જાય તેમ તેમ એ તત્વોને કડક સાધન વડે દૂર કરતા રહીએ. અને જે બાકીનો અજ્ઞાત ગંજ રહે છે તે ઈષ્ટ-ગુરૂના કૃપા-અનુગ્રહ વડે ગાળવાનો સંકલ્પ કરીએ. પરંતુ તેને યે સમય તો લાગે જ ને! જેટલી વાર લાગે તેટલું જાણીએ કે એટલો એ પ્રતિબંધ પુંજ મોટો છે.
અને નહિ તોયે, શ્રેયસની સિદ્ધિ માટે અધીરાઈ શી? કાળની કઈ ખોટ છે? અને સિદ્ધ થઈને ખાટી શું જવાનું છે? પ્રયત્નનો કેવો આનંદ છે! અને વળી જેણે સંપૂર્ણ નિષ્ઠા ગુરૂભાવમાં મૂકી છે, તેને કઈ સિદ્ધિ બાકી છે? એ તો સર્વ સમર્પણ ભાવે સંસારની, ઉભય દેહોની, વૃત્તિ-પ્રવૃત્તિઓને પારકાની ચેષ્ટા જાણીને, નિરાંતે તેને નીરખ્યા કરે, રસથી, પરન્તુ વળગાડથી નહિ! નાટકમાં તો બધાયે રસ હોય, ને બધા માણવા જોઈએ!
લૌકિક કે પારલૌકિક, કશીયે ઉન્નતિ માટે તમારે શા માટે આમ હાયવોય કરવી પડે? જનકે અષ્ટાવક્રને મન આપી દીધું, તે પછી તે મન પાસે વલવલાટ કરાવવાનો પણ એને અધિકાર હતો ખરો? પારકાની મિલ્કતને ચૂંથવાનો તમને શો અધિકાર છે વારૂં?……
આ કથાનકની પાછળ કેટલું બધું ગંભીર સત્ય પડ્યું છે! તમે મનને પણ પારકું ગણ્યું, તો પછી? સુખદુઃખભાવનું એકમાત્ર એ કારણ છે. તે જડને દૂર કર્યા પછી એ ભાવ રહે જ શાનો?
ૐ તત્ સત્
PAGE 7
“વ્યવહારમાં બ્રહ્મદર્શન”
પ્રીતિ, મિલન, વિરહ ઈત્યાદિ ભાવો પ્રાકૃત ભક્તિમાર્ગમાં ઓછાવત્તા સ્થૂલ રૂપમાં અભીષ્ટ લેખાયા છે, તે જ જ્ઞાનમાં તેથીય વધારે અભીષ્ટ છે. પરંતુ જુદી રીતે, દેહતત્વથી શુદ્ધરૂપે, પાર્થિવ સાંનિધ્યની રજ જેટલીય અપેક્ષાથી રહિત, બલકે, એવી અપેક્ષા જ્ઞાનમાર્ગમાં પૂર્ણ પણે, પાયામાં જ બાધક છે. એવી સ્થૂલ કે સૂક્ષ્મ, બધી અપેક્ષાઓ દ્વૈત છે, ને દ્વૈત છે, ત્યાં જ ભય, કામના આદિને અવકાશ છે. એનું શમી જવું, એ જ જ્ઞાન. નિરપેક્ષતા, પારમાર્થિક નિરાલંબન + વ્યવહારિક અપેક્ષા, તથા આલંબનની રમતને તેના યથાર્થ મિથ્યા રૂપમાં જાણી-અનુભવીને તેનો વ્યવહાર ક્ષેત્રમાં નિભાવ – જેવો કે સ્વપ્ન ક્ષેત્રમાં સ્વપ્ન વ્યવહારનો નિભાવ – એ જ બુદ્ધિયુક્ત જ્ઞાન-વિવેક છે. એમાં જેટલે અંશે પ્રવેશ અને સ્થિરતા, તેટલે અંશે મોક્ષની સિદ્ધિ, બાકી, તે સિવાયનાં બધાં, વાતોનાં વાળુ!
એનું જ નામ “વ્યવહારમાં બ્રહ્મદર્શન” કેમ કે બ્રહ્મભાવની કસોટી વ્યવહારના નિર્વહણમાં છે. એટલું જ નહિ, પણ એ ભાવનું પ્રાકટ્ય પણ તેમાંથી જ છે.- જેમ કમળની અલિપ્તતાની કસોટી તેના જળવાસમાં છે, એટલું જ નહિ, પણ કમળનો ઉદભવ પણ છેક તળીયાના કીચડમાંથી, છેક તળીયાના એ કીચડરૂપી અતિસ્થૂલને ભેદીને જળરૂપી સૂક્ષ્મનેય ભેદીને કમળ જેમ છેક બહાર, સીધી અને સમતોલ રીતે શુદ્ધ હવામાં જ પ્રકટીને ખીલે છે, તેમ જ્ઞાન કમળનો પાયો, તેની જડ સ્થૂલતમ સંસારી વાસનાઓના કીચડમાં છે, તેની નાળ પૂજા-ઉપાસના મિશ્રિત અર્ધ સ્થૂલ-અર્ધ શુદ્ધ જલમાં છે, પરંતુ તેનું ફૂલ તથા ફળ તેનાથી બહાર, તેનાથી સાવ અલિપ્ત એવી સૂક્ષ્મતમ વિશુદ્ધ હવામાં જ પ્રકટી, વિલસી, પાકીને વ્યવહાર્ય બની શકે છે….. એ છે અવિદ્યામય કર્મ, વિદ્યાયુક્ત ઉપાસના, અને જ્ઞાનની ભૂમિકાઓ.
જ્ઞાનને પ્રથમ બે થી વિરોધ છે, છતાં તેના પ્રાકટ્ય માટે, ઉદભવ માટે, ક્રમે કરીને પૂર્વ તૈયારી રૂપે, એ ઉભય અનિવાર્ય છે. એ કમલ પ્રાપ્ત થયું ને જો કમલની જ જરૂર હોય, તો તે પછી ઉપાસના –કર્મની જરૂર ન રહેતાં તેને છોડી દઈને કમલને ઉપાડીને ભોગવી લેવું. પરંતુ તેથીય આગળ વધીને જો કમળના ફળની, અનુભવ-રૂપ કમળકાકડીની જરૂર લાગે, તો એ કમળને કર્મ-ઉપાસનાની જળ-કીચડ ભૂમિકામાંથી પોષણ લેવા દેવું. ને જ્ઞાન તથા તેના મોહક આડંબરરૂપ પુષ્પ શોભા-સૌરભની પણ માયાજાળ ખરી પડે, ત્યારે અનુભવ આમલકને ઉપાડી લઈને ફૂલ, જળ, કાદવ, ને જળાશય-એ સર્વને વિસરી જવાં. એવી છે કર્મ જડ, ઉપાસના-નાળ, જ્ઞાનફૂલ અને સ્વરૂપ-આમલકની કથા.
આ તર્ક-ન્યાયની દ્રષ્ટિ, બાકી કીચડ, જળ, ને એ કમલ, ને આ આમલક બધું જ એકમાત્ર કેવળ સત્સ્વરૂપ, આનંદ સ્વરૂપ, કેવળ પ્રેમસ્વરૂપ – ના, ના, કેવળ સ્વયં પ્રેમ જ છે. એ સમજવું, અનુભવવું, એ જ એક વસ્તુ છે. પ્રેમ, નિષ્કારણ અને નિઃસીમ પ્રેમમાં નિમજ્જન – “તદાસીત્” એ વેદનો અંત વેદાન્ત, જીવનનો પરિપાક, મોક્ષાન્ત છે. તેથી, જે જેટલું ને જેવું ભિન્ન, તે તેવું ને તેટલું ખોટું, મિથ્યા. અને તેથી જ બ્રહ્મ સત્ય છે, ને જગત મિથ્યા છે. બીજા કોઈ કારણથી નહિ……. જો એમ જ હોય, તો પ્રેમમાં કોનો અનાદર બની શકે? ને તેમાંયે એના મૂળરૂપ, એની જનેતારૂપ વ્યવહારમય જગતનો તથા તે જગતના સ્વામી માનવીનો આદર કે અનાદર કેમ જ બની શકે?
જેમ જેમ સાચાં મૂલ્યો સમઝતાં જશે, તથા સમઝાઈને તેની ચોટ સહજપણે વર્તણુકમાં ઉતરતી જશે, તેમ તેમ શાશ્વત મૂલ્યો પ્રત્યેની પ્રીતિ વધ્યે જશે, ને અશાશ્વત અર્થાત્ કેવળ શારીરિક પ્રારબ્ધજન્ય પદાર્થો તથા વ્યક્તિઓ પરત્વેની પ્રીતિ. વિ-રાગ (આશક્તિની ગેરહાજરી) જ્ઞાન તથા વિવેક વડે, ઓસરતી જશે. તેમ તેમ તથા તેના પ્રમાણમાં સર્વ પ્રકારના અશાન્તિનાં આક્રમણો સત્ત્વહીન થતાં રહેશે. ને અન્તે ડબલ ગળણે ગળાતાં, બાહ્ય છોડાંછોતરાંની ઉપેક્ષા સાથે અંતરના માલામાલ ગર્ભની અપેક્ષા જ શેષ રહેતાં, સર્વત્ર એ સર્વસ્વરૂપ, સ્વાત્મસ્વરૂપ અંતરરામ જ વિલસતો દેખાશે. અને તે યે, ભક્તના પોતાના સ્વરૂપથી ભિન્ન નહિ હોય! – હોય, તો એ ભક્તિ શાની! અને ત્યારે, કોણ, કોને કાજે, કોના પ્રત્યે, કયા નિમિત્તે, સુખનો કે દુઃખનો, શો ભાવ કરે?
ૐ તત્ સત્।
PAGE 8
“ચોક્કસતા અને ચીવટતા”
જગતના કોઈ પણ પદાર્થ કે કોઈ પણ પ્રસંગથી બહુ હાલી ઉઠવાની જરૂર નથી. બધું જ ક્ષણભંગુર, સ્વપ્નવત્, આગમાપાસ, મિથ્યા, જળના પરપોટા જેવું તુચ્છ, ક્ષુદ્ર છે. અને બીજી રીતે, બધું જ તત્વતઃ આત્મસ્વરૂપ હોઈ, તે તમારાથી ભિન્ન નથી, અને તે આત્મસાગરમાં ‘પ્રસંગો’ અને ‘ઘટનાઓ’ તથા શરીરોનાં આવવાં જવાં અને માંદાં-સાજા રહેવારૂપી ઈંદ્રજાળ જેવા આભાસો થયા કરે છે. તેથી, ઉભય રીતે જોતાં પણ, તેમાંનું કશું ‘જીવ’ ઉપર લેવા પાત્ર નથી. સેવા તો, કેવળ પૂર્વની લેણદેણની પતાવટથી અધિક કંઈ નથી. તેમાં ઋણભાવ કે એવો કોઈ બોજો ચિત્ત ઉપર રાખવો મારા આત્મીય જનને ઘટે જ નહિ. ધૈર્ય, ઉત્સાહ અને પ્રસન્નતાથી બધો ઘરનો, બહારનો ને અંતરનો યે વ્યવહાર વહો! ને હું તો આપની ઈચ્છા, હોય તો સદૈવ એ અંતરમાં બેઠો જ છું ને!….
પરિવાર તો, આપની આધ્યાત્મિક સંયમની નિશાળ છે. શ્રેયસ જેટલું થવાનું હશે તે એના રૂડા પ્રતાપે જ થશે. પ્રેયસ જેટલું ઓછું શોધાશે તેટલું શ્રેયસ વધારે પ્રાપ્ત થવાનું!….. પેટ અને પત્નિથી અન્ય ગુરૂ કોણ હોય? સદગુરૂ પણ તેમને ધક્કે જ લાધે છે. ને ત્યારે જ તેના દ્વારા પ્રાપ્તવ્યની પ્રાપ્તિ શક્ય બને છે. તેથી તે સર્વનો જય હો!
ચોક્કસતા અને ચીવટતા અધ્યાત્મવિદ્યાનું લક્ષણ છે, નહિ કે નિષ્કાળજી. જે કરવું છે એવું નિર્ધાર્યું, તે યથોચિત્ત, આમ કે તેમ પણ, પાર ઉતરે તેની કાળજી હોવી જોઈએ. એકવાર તેનો નિકાલ આવે, પછી એ બાબતને મનથી વેગળી કરી દેવાની, એને મનમાં રસળવા દેવાની નહિ. ન કરવું હોય, તો તેનો પણ નિશ્ચય કરીને તેનો ખ્યાલ પડતો મૂકવાનો. પરંતુ વ્યવસાયાત્મિકા (નિશ્ચયાત્મિકા) બુદ્ધિને કેળવ્યા કરવાની હોય. કરવું-ન કરવું, એમાં હર્ષ-શોકની જરૂર નથી, પણ જે હોય તેનો નિકાલ થાય, એ જ ઈષ્ટ છે. તેમાં, બાબત નાની કે મોટી હોવાનો પ્રશ્ન નથી. બધી ‘મોટી’ જ જાણવાની, ને નહિ તો ‘ખોટી’ જ જાણવાની, પણ નિકાલ નિશ્ચયાત્મક કરવો ઘટે.
ચિત્તની સ્થિતિ જ ખરૂં વાતાવરણ છે. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ, એ વેદાન્ત બોધનું રહસ્ય છે. ધીરે ધીરે, પ્રયત્નપૂર્વક પ્રસન્નતાથી ટેવ પાડવાથી એ સામર્થ્ય ચિત્તને પ્રાપ્ત થશે જ, થશે. “અભ્યાસેન તુ કૌન્તેય વૈરાગ્યેણ ચ ગૃહતે.” અભ્યાસ અર્થાત્ નિત્ય પુનરાવર્તન રટણ-પાલનનું કર્તવ્ય રહે છે સાધકને ભાગે. ને, વૈરાગ્યની તીવ્રતા નિભાવવા માટે વખતોવખત ઘર, કુટૂંબ, સ્નેહિસંબંધીઓ ઈત્યાદિ સાથેના વ્યવહાર, કામકાજ, દ્રવ્યોપાર્જન, પોતાનું શરીર, ઈત્યાદિ પદાર્થો પરત્વે ‘પ્રતિકૂળ’ સંજોગો ઉભા કરી આપવા રૂપી કર્તવ્ય અંતર્યામી ગુરૂત્વનું એ એનું કર્તવ્ય તો બરોબર બજાવે છે. ને બજાવતો રહ્યો, અને તેમ થાય તો જ બે હાથે તડાક દેતી કે વાગે તાળી!
આ જગતમાં ‘પરચા’ વિના શ્રદ્ધા બેસવી કઠણ છે. પોતાની જે હોય તે શ્રદ્ધાને પૂરતી બળવાન માનનારાઓને પણ, અંદરથી (કદાચ પોતાને તેની સભાન ખબર ન હોય તે રીતે) પરચાની અપેક્ષા રહે છે. અનેક કલ્પોના અજ્ઞાને માનવહાડમાં ઊંડી ઉતારી દીધેલી આ અપેક્ષા તો, ખૂબ સાધન, ખૂબ ગુરૂભક્તિ, ને ખૂબ જ સમર્પણભાવ વિના નથી જતી.
ૐ તત્ સત્
PAGE 9
“પતંજલિ = અષ્ટાંગ યોગનો = યથાર્થ સંયમ = એટલે શું?”
પ્રારબ્ધ કર્મના વિક્ષેપને લીધે, યથાર્થ જ્ઞાનવાળાના ચિત્તમાં પણ વાસના જીવતી રહી જાય છે. બળવાન એવા સંયમ ને ચારે તરફથી ઊભો કરવા વડે જ આ કાળમુખી, લોહી પીનારી, દુઃખમયી વાસનાનો નાશ શક્ય છે.
એ સંયમ શું છે? પતંજલિ તેની વ્યાખ્યા કરે છે કે, એના યોગનાં જે આઠ અંગો છે તેમાંનાં છેલ્લાં – ધારણા, ધ્યાન અને સમાધિ, એ ત્રણ મળીને ‘સંયમ’ કહેવાય છે. ‘ત્રયમેકત્ર સંયમઃ’ આ મુખ્ય વસ્તુ છે.
‘ધારણા’ એટલે એક વસ્તુમાં મન ઠરવું, એનું ધારણ થવું તે. ‘ધ્યાન’ એટલે ધારણા એકચિત્ત બનવી તે.
‘સમાધિ’ એટલે એક ચિત્તતાની સ્થિતિનું એવું સ્વભાવરૂપ બની જવું, કે સહજપણે એ નિત્ય નિરંતર બની રહે, ને ચિત્તમાં વિક્ષેપ અર્થાત્ ખળભળાટ થવાપણું ઉપજે જ નહિ તે. અને, આ, ત્રણેય = જપ, અને જપ એટલે જ સંયમ.
અષ્ટાંગનાં પહેલાં પાંચની સહાયતા વડે આ ત્રણ સુ-કર બને છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર. એ પાંચ કેવળ, સંયમની સિદ્ધિ માટેનાં, તેના અંગરૂપે, તેની અંતર્ગત છે. “ત્રયં અન્તરંગ પૂર્વેભ્યઃ”
પરન્તુ, આ બધી શુષ્ક, હેતુરહિત, નિર્જીવ, જડ ક્રિયાઓ છે અને તે સર્વને હેતુ, અર્થ તથા ચેતનતા મળે છે શ્રદ્ધા ભક્તિ વડે-“ઈશ્વર પ્રણિધાનાતુ સમાધિઃ સિધ્યતિ દ્રુતમ્” એમ સ્વામી મધુસૂદન સરસ્વતી કહે છે. એ ભક્તિ, જો ‘બુદ્ધિમાન’ મનુષ્ય કોઈ કાલ્પનિક દેવ-દેવીમાં ન સ્થાપી શકે, તો સદગુરૂરૂપી જીવતી-જાગતી, શ્રદ્ધેય, જ્ઞાનસંપન્ન વ્યક્તિમાં પોતાના હ્રદય (અર્થાત્ ભાવના) તથા નિષ્ઠાનું ભક્તિરૂપે સ્થાપન કરે. યમ નિયમાદિ પાંચના વિધિપૂર્વકના કષ્ટસાધ્ય અનુષ્ઠાનથી બચવાનો ટૂંકો માર્ગ, તે આ પ્રકારની બુદ્ધિયુક્ત ગુરૂપ્રપન્નતા.
પ્રપન્ન એટલે કે તેવા શરણાગત સાધકને તેની શરણાગતિના પ્રમાણમાં ગુરૂકૃપા અથવા ગુરૂ સંકલ્પ સમય તથા શ્રમના આ પ્રાસ્તવિક શ્રમમાંથી બચાવી શકે. એને એ જ રહસ્ય છે. અર્જુન જેવા વીર શિરોમણી મહાસમર્થ અર્જુનના “શિષ્યસ્તેહં આધિમાં ત્વાં પ્રપન્નમ” વાળા કથનનું.
પરન્તુ, અર્જુનના રાહે, સંયમ સાધવાનો છે. સાધકે સ્વપ્રયત્ને જ, અર્થાત્ આત્મકૃપા વડે, તેમાં ગુરૂસંજ્ઞક્ત ‘મિત્ર, દ્રષ્ટા, પથપ્રદર્શક’ નો સદભાવ તથા તેનું માર્ગદર્શન ખૂબ સહાયક બને ખરૂં. પરન્તુ સહાયક જ. એ સાધક આગળ જળપાત્ર ધરે, પરન્તુ, પેલી અંગ્રેજી કહેવતવાળા ઘોડાની જેમ. પીવું તો તરસ્યાએ જ રહ્યું!
આ ત્રણનો યુગપત્ – એક સહ, અભ્યાસ – તેની રોજરોજ તથા નિરન્તર પુનરાવૃત્તિ (મનમાં તેના રટણ) રૂપી હથોડા વડે, જીવતાંજીવત અર્થાત્ સંસારની વચ્ચોવચ્ચ સ્થિતિ હોવા છતાં, મુક્તિનો ભાવ સુદ્રઢ બની રહે.
જે કોઈ આવી રીતે સંયમ ન સાધી શકે, અથવા તેવો પ્રયત્ન કરવાની જેને હાય કે વિવેક વૈરાગ્ય વૃત્તિ ન હોય, ને પાછલા ભવોની ટેવને લીધે અવશ બની ને વાસના ચક્રના માર ખાધા કરે. ‘જ્ઞાની’ હોય તો પણ, તેથી તો ગીતામાં કહ્યું છે કે અનેક જન્મોની આવી સંયમસિદ્ધ કરવાની મહેનત જેણે કરેલી હોય તે જ જ્ઞાનવાન થઈને આ જન્મમાં એ મહેનતની સફળતા મેળવી શકે.
આમાં, શ્રદ્ધા અને તેમાંથી નિપજતી ‘ગુરૂકૃપા’ સાધકનો પંથ કાપવામાં સહાયક બને, ને લાખો જન્મોનો પરિશ્રમ એક જ ઈશ્વરસંજ્ઞક ગુરૂના કૃપા કટાક્ષથી બચી જાય. ઈશ્વર તમારૂં મંગળ કરો, ને તમને તમારી પોતાની અહંતાને પરખી લઈને તેનો નાશ કરવાની, કુતર્કને છોડવાની બુદ્ધિ આપે.
ૐ તત્ સત્ ।
PAGE 10
“પ્રસન્ન રહેજો – એ મોટી વાત.”
અને જેને અદ્વૈત અથવા અભેદ કહીએ છીએ, અને જે સર્વાત્મમાં લીન થવાનું સાયન્સ છે. તે પરમસુખનું કલા-વિજ્ઞાન જ એક એવી કરામત છે કે જેના વડે દુઃખસંયોગના વિયોગરૂપી નિત્ય સુખયોગ સિદ્ધ થઈ શકે, પછી એને ગમે તે નામ આપોને-પરાભક્તિ, કે અન્ય ઉપાસના, કે સર્વ સમર્પણ, કે આત્મજ્ઞાન …. આપણે મતલબ રાખીએ મંમં સાથે. શબ્દોની ટપ ટપ સાથે નહિ. કેટલાકો તેને કૃતજ્ઞતા પૂર્વક ગુરૂભાવ કહે છે. કેમ કે, એ ‘ગુરૂ’ (એટલે કોઈ પણ લેખે લઘુ નહિ તેવા ઉત્કટમ) તત્વમાં પોતાના અહંને લીન કરી જાણે છે, તે જ ઈશ્વરમાં, સર્વાત્મામાં, સ્વ-આત્મામાં, પરમ-આત્મામાં, બ્રહ્મમાં એકરસ થઈ શકે છે. માત્ર ગળ્યું નહિ પરન્તુ સ્વયં ગળપણ થઈ જાય છે.
“પ્રસન્ન રહેજો – એ મોટી વાત” બીજું બધું ઠીક. કોઈની સાથે ઘર્ષણ નહિ, નારાજી નહિ, ખીજ નહિ. પ્રેમભરી સમભાવી ભાવના વડે કલેશ શત્રુને જીતવા. તારી સામે રહેલું માનવી પણ તું પોતે જ હોય, ત્યાં કોનાથી નારાજી?…. એના મંથનમાં પડી જાઓ, એ ભાવ ના ઘડતરમાં લાગી જાઓ. બીજું બધું સંભાળનારો સંભાળી લેશે. “મારે એક ડગલું બસ થાય.” કેમ કે જો એ એક ઠીક ભરાયું, તો પછી આગળની કૂચકદમને કોણ રોકનાર છે? આખરે બધી જ કૂચકદમ એક-એક ડગલાની પરંપરા જ છે કે અન્ય કંઈ? તેથી, ડગલે ડગલે એક-એક ડગલું જ બસ થાય!
સાધનની ખરી લેહ લાગી તો ત્યારે લેખાય, જ્યારે નિત્ય જપની ઘટ અડધી રાત્રે જાગીને પણ પૂરી કરી લેવાય. ને તેના થાક-ઉજાગરા ન વરતાય! ઉમંગ-ઉલ્લાસથી જે કરાય, તેનો તે થાક હોય ખરો! દુન્યવી વ્યવહારોમાં પણ, “વહાલા લાગે છે મને આજના ઉજાગરા….” ના ભાવો, ગંજીફાની રમઝટ કે સિનેમા-નાટકની રંગત ઈત્યાદિ પરત્વે નથી અનુભવાતી શું? ત્યારે, આ તો તે સર્વથી વધીને થતી દીલ્લગીનો વિષય છે!
“હું થાકી ગયો છું, મેં ઘણું કામ કર્યું,” એ વિચાર જ થાકને ન હોય ત્યાંથી લાવે છે. આપણે આપણા પોતાને માટે એક વાર વિચારપૂર્વક સત્ય નિશ્ચય કરી લીધા પછી, અન્યો ગમે તે કહે કે કરે તોયે, આપણા મનમાં આપણા કર્તવ્ય પરત્વે કશી પણ શંકા ઉત્પન્ન થવી જોઈએ નહિ. ખુશી આનન્દ, ઉત્સાહ, ઉલ્લાસ, ધૃતિ…. એ બધું “તું પોતે જ છે.” એમાંનું કશું બહારથી લાવવાનું નથી, કેમ કે તું સ્વયં આનન્દ ભંડાર, સ્વયં આનન્દ છે, ને બીજાં બધાં તો એનાં જ નામાન્તરો છે.
આ જીવને યથાકાળ શાસ્ત્ર તથા ગુરૂના યોગે પોતાના મૂળગત ઈશ્વરત્વ તથા બ્રહ્મત્વનું ભાન થાય છે, કે તરત એ જ્ઞાનવડે તેનો અજ્ઞાન મોહ ઊડી જાય છે, ને પછી એ પણ માયાનો દાસ ન રહેતાં તેનો સ્વામી બની જાય છે. – ભલે પ્રારબ્ધાનુસાર એનાં સ્થૂલ –સૂક્ષ્મ દેહો નાચે, પરન્તુ તે અંતરથી એ ખેલકૂદનો સ્વચ્છ સાક્ષી સુખરૂપ શાન્ત વિરાજે છે. તે પછી એને સુખદુઃખના ઉલાળા સ્પર્શતા નથી, ને ગમે તેવા સંજોગોમાં એની પ્રસન્નતા અબાધિત રહે છે. પ્રારબ્ધના ખેલ તમાશાને એ પ્રેક્ષકભાવે નિહાળે છે. એટલે કે, ઈશ્વરત્વ અને (નિદ્રાકાળનું) પ્રાજ્ઞત્વ (અજ્ઞાન) અવિદ્યાના કાળ દરમ્યાન સમકક્ષ છે. તત્વે કરીને, જીવાત્માની અવિદ્યા, અને ઈશ્વરની માયા નામક ઉપાધિઓ દૂર થતાં ઉભય બ્રહ્મરૂપ બ્રહ્મ જ છે.”તે તું જ છે.” “હું બ્રહ્મ છું.” આ બધું જ વસ્તુતઃ બ્રહ્મ જ છે. ઈત્યાદિ વાક્યોના ખરા અર્થ આ રીતે ઘટે છે. આ બધી દુર્બુદ્ધિ વસ્તુને સમજાવવા માટેની પ્રક્રિયાઓ કહેવાય. જે સીધેસીધી રીતે પોતાના અંતર્ગત મૂળ બ્રહ્મ સ્વરૂપને કળી જાય, તેને એમાંના કશાની જરૂર નથી રહેતી. તેથી તારા, પોતાના મનને સંભાળી લે, એટલે જગત આખું યે સંભાળાઈ ગયું છે.
ૐ તત્ સત્ ।

PAGE 11
“ચિન્તાથી છૂટવાની પ્રક્રિયાઓ.”
ચિન્તાથી છૂટવાની બે મુખ્ય પ્રક્રિયાઓ છે. (૧) ભક્તિ, ને (૨) આત્મવિવેક દ્વારા પ્રાપ્ય સાક્ષીભાવ. ભક્તિની પણ બે રીતો જાણીતી છે. (૧)માર્જારબાલ ન્યાય. ને (૨) વાનરબાલ ન્યાય. આપણા ઈશ્વરનિષ્ઠ સંતો જે થઈ ગયા ને અત્યારે વિદ્યમાન છે તે પણ, લગભગ બધા, પ્રથમ કક્ષાના હતા ને છે. બિલાડીનું બચ્ચું, પોતાની જાતની તેમ અન્ય સર્વની પણ સલામતીની ચિન્તાનો ભાર પોતાની મા ઉપર છોડીને ચૂપચાપ બેસી રહે છે. માને કરવું હોય તે કરે! “હું કરૂં.” એવી અહંતા ત્યાં નથી હોતી. સ્વ-અર્થની કે પર-અર્થની, અરે, સર્વ “અર્થો” ની એ ચિન્તા છોડીને નિરાંતવું બેઠું રહે છે. પરિણામે, માની પકડ છૂટી જાય ને બચ્ચું પડી જાય, એવું ભાગ્યે જ બને છે.
પણ વાંદરીનું બચ્ચું પોતાના જોરે માને વળગે છે, ને સ્વ-પરાક્રમનો ફાંકો રાખીને પોતાની સલામતી માટે પ્રયત્નશીલ રહે છે. તેથી, એની પકડ છૂટી જાય, એ પડી જાય, ને નાશ પણ પામે, એવું ઘણીએ વાર બને છે. “હું કરૂં” કર્મ કરૂં, એવો આગ્રહ જ્યાં હોય, ત્યાં તે સાથે અસંગતનો પણ દાવો કરવો, એ માત્ર કહેવા પૂરતું હોઈ શકે. નહિ તો “હું કરૂં” ની હઠ હોઈ જ ન શકે.
આ બેમાંના પહેલા પ્રકારમાં, સ્વ કે પર, કોઈના યે હિતની ચિન્તા ને સ્થાન નથી, ને એ ઈશ્વરનું કાર્યક્ષેત્ર છે, જીવડાનું નહિ. એનું ઈશ્વર પ્રણિધાનત્વ, ઈશ્વર શરણ પરિપૂર્ણ ને અમિશ્રીત છે. બીજા પ્રકારમાં જ્યાં “જન સેવા” માં ઈશ્વર પ્રણિધાનની ઈતિશ્રી સમજનારા ભક્તો, પર ના હિતની ચિન્તાનો ભાર સ્વ-ઈચ્છાથી વીંઢારતા ફરે છે, તે સાથે ચિન્તાની ફરિયાદો પણ કરતા રહે છે! એમની ઈશ્વર નિષ્ઠામાં એટલી ઉણપ છે. “કોઈના યે શ્રેય – પ્રેયમાં જો મને નિમિત્ત બનાવવાની ઈશ્વરની ઈચ્છા હોય, તો ભલે. પણ કોઈનું યે “ભલું” કરવાની અહંતાનું દૂષણ હું હાથે કરીને શા માટે વહોરી લઉં? એવી નિરહંતા ત્યાં નથી. એકવાર ચિન્તાને ચિત્તમાં લગીરેક પણ સ્થાન આપ્યું, પછી अधोधो गंठ्ठेयं…. વાળું જ તો! ક્યાં રોકાઈ શકાવાનું? એટલે કે, જ્યાં લોકનું ભલું કરવાની લગન હોય, એ વૃત્તિનું જ્યાં પ્રાધાન્ય હોય, ત્યાં વાનર શિશુપણાનું જોખમ અવશ્ય રહેવાનું. જેવું કે ગાંધીજી ને હિંદુ-મુસલમાનની એકતા સાધવાના પ્રયત્નો પરત્વે થયું હતું! ગાંધીજીમાં ઉભય ભક્તિ પ્રકાર હતા, તેથી એ ચિન્તા થી મુક્ત રહી શકતા નહોતા. પણ, એમનામાં માર્જાર બાલ ભાવ પ્રબળ હતો, ને વળી ઉપનિષદ વાળી સ્થિતિ પ્રત્યે પણ એમને રૂચી હતી. તેથી એ, અન્યોની સરખામણીમાં, અંદરથી સ્વસ્થ સાક્ષીત્વનો વધારે અનુભવ કરી શકતા હતા.
આત્મજ્ઞાનના સર્વાત્મભાવની તો વાત જ નિરાળી છે. તે ઉપરાંત, એયે આપણે ન ભૂલીએ, કે માનવ જીવ આવ્યો છે, તે પ્રારબ્ધાનુસાર ચિન્તા-ઉદ્વેગનો પોતે જાતે કમાયેલો મસાલો ભોગવવા માટે જ આવેલો છે. પરના હિતની ચિંતામાં જીવ ભાગથી આત્મ-ભાગનો વિવેક કરવાની વૃત્તિ શિથિલ રહેતી હોવાથી, એ બેની સેળભેળ થઈ જાય, કેમ કે ત્યાં કુરૂ – વંશનું લક્ષણ જોરમાં હોય છે.
પરાર્થની ફિકરમાં अभ्यास वैराग्याभ्याम् નું વિસ્મરણ સ્વાભાવિક છે. ઈશાવાસ્ય ઉપનિષદના બીજા મંત્ર પરત્વે પંડિતો દ્વારા જે નાનાવિધ અર્થાનર્થો થાય છે, એમાં પરગજુપણાંના આગ્રહની તથા પારમાર્થિક ભાવની વૃત્તિઓ વચ્ચેનો ફરક સ્પષ્ટ તરી આવે છે. પ્રારબ્ધ અનુસાર ચિન્તા-ઉદ્વેગ સ્વરૂપ બનેલા જીવભાવનું પ્રાબલ્ય માનવ ચિત્તમાં એવું તો પ્રગાઢ બન્યું રહે છે, કે સંસારમાં, ભક્ત કે જ્ઞાની, એવો ભાગ્યે જ કોઈ મનુષ્ય હશે, કે જેનો સાક્ષીભાવ એની અસરથી સર્વદા અને સર્વથા મુક્ત રહેવા પામે. “મનુષ્યાણાં સહસ્ત્રેષુ” વાળું વચન સાચું છે.
નિરહં એવો પ્રામાર્થિક સર્વાત્મભાવ, અર્થાત્ ઉપનિષદોએ બોધેલો અભ્યાસ વૈરાગ્યનો ભાવ- એની માત્રા ઉપર ચિન્તા મુક્તતાની સ્થિતિનો આધાર છે. મનુષ્ય કેવળ સુયોગ્ય વિચારણા વડે ચિન્તાથી યથોચિત્ત મુક્ત રહી શકે. –
બનત બનત બન જાઈ.
ૐ તત્ સત્ ।

PAGE 12
“રાજી હય હમ ઉસી મેં જીસમેં તેરી રજા હય.”
પ્રિય જીજ્ઞાસુ! જે કંઈ વાંધો આવે છે, તે એ “ભક્તિ” “નામ જાપ,” “મનની નિર્મળતા,” “સત્સંગ,” “નિષ્કામ સેવા,” “ભગવત્પ્રાપ્તિ” વગેરે શબ્દોના સાચા મર્મની સમઝ પરત્વે છે. પ્રત્યેક ઉપાસક પોતાના સંસ્કારો તથા પોતાના આત્મવિકાસની કક્ષા તથા બુદ્ધિની ગતિ પ્રમાણે તેના અર્થો કરી લે છે. અથવા, બીજાઓ પાસેથી સાંભળીને પોતાની પહોંચ જેટલો તેનો ભાગ પકડી લે છે, ને પછી ફાંફા મારે છે, કે કેમ હજી ટીક્કી લાગતી નથી!
અર્થશાસ્ત્રના મુદ્દા પ્રમાણે, આપણી મૂડી, સાધન તથા શક્તિની અંદર રહીને, તેનો કશો પણ અપવ્યય ન થાય અને તે રજેરજ લેખે પડે, એવી રીતે કામ લેવું, એ વ્યવહારિક અર્થ વિદ્યા કહેવાય, અધ્યાત્મમાં પણ એ જ ધોરણ પ્રવર્તે છે. આપણી પાસે હાલ તો અમુક જ સમય છે. અમુક જ શક્તિની મૂડી છે. તેમાંથી રજ પણ અલેખે ન જાય, બલકે શ્રેયસની સિદ્ધિમાં એ સર્વ પૂર્ણ પ્રકારે લેખે લાગે, એ રીતે આ માર્ગમાં આપણે વિચારવું જોઈએ. અને નહિ, તો “શેઠ” પ્રત્યેની આપણી વફાદારીમાં ઘાટો પડે, ને એના વિશ્વાસનો ભંગ થાય.
મુસીબતને પ્રસંગે યાદ રાખશો, કે ઈષ્ટ પ્રભુ પણ, પોતાના ભક્તને નાના-વિધ આપત્તિઓરૂપી તકો આપે છે, કે જેથી ભક્ત પોતાના ઈષ્ટ પરત્વેની પોતાની શ્રદ્ધાની સચ્ચાઈનો કસ કાઢી જુએ! બધું ઠીક ઠાક હોય ત્યારે સહુ કોઈ કહે, કે ઈશ્વર બધું સારૂં જ કરે છે, વગેરે. પરન્તુ દુન્યવી નજરે જેને આપત્તિ કહી શકાય તેવા પ્રસંગે જ તેવા માનવીની ઈષ્ટ નિષ્ઠાની સચ્ચાઈ પરખાઈ આવે છે. આમે યે, આ ક્ષણભંગુર જગતમાં શરીરથી માંડીને બધું જ પરિવર્તનશીલ અને નાશવંત છે. ત્યાં “જીવ બગાડવા” ને યોગ્ય કશું હોય જ નહિ. છતાં, જીવભાવ જોર કરે છે. તેનો એક માત્ર ઈલાજ, ઈષ્ટમાં અવિચલ શ્રદ્ધા છે.
તેવા સંજોગોમાં પોતાની આંતરિક પ્રસન્નતા હાલે નહિ, અફસોસ-શોકનો ભાવ ચિત્તને ઘેરે નહિ, અને ‘રામજી કી મરજી’ માં પોતાની મરજીને એકરસ કરી નાખીને, તેની યોજના પરત્વે મનમાં કશો ખેદ ન કરતાં, તેના સંબંધમાં રામજીની ઈચ્છાનુસાર પ્રસન્નતાથી યથાશક્તિ ઉપાયો યોજવારૂપી પુરૂષાર્થમાં લાગી જવું – એ જ સાચી ભક્તિ. નહિ કે માત્ર કરતાલ – મંજીરા – રાગડાની ધમાલ. સર્વ સંજોગોમાં ધૃતિ ઉત્સાહપૂર્વક સમ રહીને, બધું તેની પૂજા રૂપ જાણવું. એ ભક્તિ છે, અને એ જ્ઞાન પણ છે. કાંડ ત્રણ કહેવાય છે – કર્મ, ઉપાસના ને જ્ઞાન, પરન્તુ વાસ્તવમાં બે જ છે. – કર્મઠતા ને જ્ઞાન. બુદ્ધિયુક્ત ઉપાસના જ્ઞાનમાં સમાવિષ્ઠ છે, કર્મમાં નહિ, તેથી, બુદ્ધિ નિષ્ઠ ભક્તિને રખે “જ્ઞાન માર્ગ” થી કંઈ જુદી વસ્તુ માની બેસતા! તેથી નઝીર કહે છે તેમ “રાજી હય હમ ઉસી મેં જીસમેં તેરી રજા હય!”
…. આંતરિક વૈરાગ્યને પ્રબળ બનાવવાની તકને ખૂબ જ ધૈર્યથી સમતાથી અને ઉત્સાહથી અંતરમાં વધાવતાં, યથાયોગ્ય સલાહ સૂચનાઓ તથા શક્ય તે પ્રયત્નો વડે તેની સાથે કામ લેતા રહો, – કેમ કે “ગમે તે રૂપે પણ, જગતમાં પ્રત્યેક પરિસ્થિતિનો અંત નિશ્ચિત છે.”
ૐ તત્ સત્
PAGE 13
“ચિત્તની નિત્ય પ્રસન્નતા”
ચિત્તની નિત્ય પ્રસન્નતા, એ જ મોટી પ્રાપ્ય વસ્તુ છે. તેવી નિષ્કારણ નિત્ય પ્રસન્નતાની પ્રાપ્તિ તો, ચિત્તની શુદ્ધિ વડે સિદ્ધ થઈ શકે છે. અને તે સ્થિતિને જ ગીતામાં ઠેરઠેર સિદ્ધિ, સંસિદ્ધિ, શુદ્ધિ વગેરે શબ્દો વડે કથી છે.
ચિત્તની શુદ્ધિ નીપજે છે, યા તો (૧) જ્ઞાન સુલભ સાક્ષી-ભાવની આત્મલક્ષી તટસ્થ વૃત્તિ દ્વારા, અથવા તો (૨) ઈષ્ટ સ્વરૂપે ભગવાનને સર્વકર્મફળ, સર્વકર્મ તેમ જ સર્વકર્તા-કર્મ-ક્રિયાભાવ- આખું વ્યાકરણ-સમર્પણ કરીને બેફિકર થઈ જવાથી. આ શરીરના પિતાજીએ, જોશીઓએ ચોક્કસપણે કરેલા તેમના મૃત્યુના વર્તારાને ત્રણ ત્રણ વાર ખોટા પાડ્યા હતા. અને જ્યારે છેવટે એ જોષાઓએ હાથ ધોઈ નાખીને જાહેર કર્યું કે કેવળ સત્કર્મ અને આત્મજ્ઞાનથી ઉપજેલા મનોબળને કારણે, અને વધારે જીવવાનો ઈચ્છાપૂર્વકનો કશો તેમનો આગ્રહ ન હોવા છતાં, ગ્રહોના યોગો જૂઠા પડ્યા છે. અને તેથી હવે અમે એમના જોષ નહિ જોઈએ – ત્યારે તેમણે તરત દેહ છોડ્યો હતો! આખરે તો જીવન મરણમાં ગ્રહોની ગતિઓ ઉપરાંત બીજાં પણ અનેક અજ્ઞાત તત્વો ભાગ ભજવે છે કે જે માનવીય ગણતરીઓને આધીન નથી.
મનુષ્યનો જીવ, અર્થાત્ સૂક્ષ્મ દેહ, એટલે કે મન. અને મન એટલે, અમુક અણપૂરી વાસનાઓ, અમુક પ્રબળ સંસ્કારો, લેણદેણના અમુક બાકી રહેલા હિસાબોની પટાવતની આવશ્યકતા વગેરે સંકલ્પિત ભાવોનો સમુદાય. એ સમુદાયના નિકાલ તથા નિરાકરણ માટે તો મન સ્થૂલ શરીર ગ્રહણ કરે છે. તેથી, એ બધા લબાચાનો નિવેડો ન આવે ત્યાં સુધી દેહ અને તેનો વ્યવસ્થાપક મન, એ ઉભય ગતિમાન રહેવાનાં જ.
મનની ‘ગતિ’ એટલે સંસ્કારો અનુસાર ઉદબુદ્ધ થતા વિચારો. એનો ઉદભવ તો થતો રહેવાનો જ. જીવનનું રહસ્ય જે જાણે, તે એ વિચારોની એટલે કે વૃત્તિઓની અવરજવર તરફ લક્ષ ન આપે. બલકે, તેને વગર રોકટોકે આવવા-જવા દઈને, તેમાં “જીવ” ન પરોવતાં, પોતાના લક્ષને તો પોતાના લક્ષ્યમાં જ પરોવાયેલું રાખે…. તે સિવાય અન્ય વિચારોને તે ગણકારે નહિ. માનવીથી એટલું જ થઈ શકે.
તેથી જપકાળે બીજા વિચારો પણ ચાલતા ભાસે, તો તેની ચિન્તા ન કરતાં, આપણે આપણું કામ ધ્યાન પૂર્વક ચાલતું રાખવું. નહિ તો, એ ફિકરનો મામલો પ્રસિદ્ધ “નીલ બંદર” વાળો થઈ પડવાનો – એ વળગી પડવાનો, એ બધી પ્રારબ્ધ કર્મફળ-વાસના તથા ઉદબુદ્ધ થતા તજ્જન્ય સંસ્કારોની રમત છે, મોટે ભાગે તો, બુદ્ધિમાન તેની ચિન્તા ન કરે. બલકે એ પોતાની જાગ્રત કાળની બધી પળો ઈષ્ટ સાથે એકાકારતાની કલ્પનામાં જ વીતાવવા કટિબદ્ધ રહે. કેમ કે તેવું કરી શકવા ઉપર માનવીનો કાબૂ છે જ છે.- જો કરવો હોય તો. “વિક્ષેપોની ઉપેક્ષા, એ જ છે વિક્ષેપનાં હથિયારોને બુઠાં કરવાની કાર્યક્ષમ યુક્તિ.” એને અજમાવી જોશો.
“સર્વ સ્થિતિમાં ચિત્તની સમતા કાયમ રહેવારૂપી, વિવેકપુરઃસર વ્યવહાર કરવાની કળવકળ, જે ગીતોક્ત કર્મયોગ છે.”
“સુખ તો ફક્ત ચિત્તની નિર્દોષતાનું જ સંગી છે.”
ૐ તત્ સત્ ।
PAGE 14
“સર્વ સમયે આંતરિક સમતા સુદ્રઢ રહે જેની. ”
સ્વસ્થા નિભાવવાનો સંનીષ્ઠ પ્રયત્ન કર્યા કરવો, એ સાધના છે. એટલું જ નહિ, પરન્તુ સિદ્ધિ પણ એ જ છે. જ્યારે હું ભક્તના લક્ષણ તરીકે “સર્વ સમયે આંતરિક સમતા સુદ્રઢ રહે જેની” એવું કહું ત્યારે તેનો અર્થ તેવી સ્થિતિ માટેનો ઈષ્ટકૃપાધીન પૂર્ણ શ્રદ્ધા યુક્ત સતત પ્રયત્ન જ સમજવો.
અંતે તો મનુષ્ય મનુષ્ય જ છે, અને સ્વકર્મ અનુસાર સુખદુઃખના અમુક ભાવાભાવ ભોગવવા અર્થે તો જીવજંતુએ કાયા ધારણ કરેલી હોય છે. એટલે, (પરમ હંસીય કક્ષાની કોઈ વિરલ વ્યક્તિને અપવાદ લેખતાં) દુઃખાદિ ભાવથી સર્વથા મુક્ત તો દેહધારીથી રહી શકાય નહિ. પરંતુ ભક્તનું લક્ષણ એ છે કે અમુક ઘટના અંગે ચોટ લાગે, પરન્તુ તે પછી સત્વર સ્વ-રૂપનું સ્મરણ એને જાગે, પ્રકૃતિ – માયાએ સ્વરૂપની કરાવેલી વિસ્મૃતિ દૂર થાય, અને તે સાધક તેવી વિસ્મૃતિ કરાવનારી વૈષ્ણવી માયાના જાદુની કદર કરીને, હસે, ને તે સાથે, તેને ઉરાડી પણ મૂકે, માત્ર “ત્રીજા” નેત્રના એક જ દ્રષ્ટિપાતથી, અને પુનઃ ઈશ્વરપરાયણ થઈને, સ્વસ્થ બની જવામાં “જીવ” ને લગાડી દે.
એવી TOUCH AND GO (અડકીને ભાગી જવું) ની રમત માયા સાથે રમતાં રમતાં, TOUCH થઈ જાય કવચિતતા, ને GO નું પ્રમાણ વધતું રહે. અને તેમ કરતાં કરતાં છેવટે – ૐ! માયા GO થઈ, તે થઈ. પછી તે TOUCH કરી શકે જ નહિ. આંતરિક ઈન્શ્યુલેશન પાકું થઈ જતાં, તેનો સ્પર્શ કદી’કને થાય, તો યે વરતાય નહિ.
સમગ્ર જીવન આ પરમ પુરૂષાર્થ કાજે છે, એવો દ્રઢ નિશ્ચય કરીને, ધૈર્ય તથા ઉત્સાહપૂર્વક તેમાં અંતપળ પર્યંત લાગી રહેવું, તથા બિલ્લી ન્યાયે (માર્જારધૃતિન્યાય) પોતાના પ્રયત્નની સફળતા ઈષ્ટ ઉપર છોડી દઈને, “હું તો સફળ અને સિદ્ધ છું જ” એવા સંકલ્પને મડામૂઠ બાંધીને પકડી રાખવો – એ ભક્તિ, એ પૌરૂષ, એ મોક્ષનો નુસ્ખો. અને એ જ આનન્દ!
સમજુ માણસ જેવી આવી પડે તેવી આર્થિક સ્થિતિને અનુકુળ બનીને સ્વસ્થ રહી શકે છે. તેમાં પણ, ઈશ્વરનિષ્ઠ પુરૂષને તો સર્વ કંઈ ઈષ્ટનો પ્રસાદ જ લાગે!
“આ જગતમાં જ્યાં, ઈશ્વર કહો કે સત્ય કહો, તે સિવાય બીજું કંઈ જ નિશ્ચિત નથી, ત્યાં નિશ્ચિતપણાનો ખ્યાલ કરવો એ જ દોષમય લાગે છે. આ જે બધું આપણી આસપાસ દેખાય છે, ને બને છે, તે બધું અનિશ્ચિત છે, ક્ષણિક છે. તેમાં જે એક પરમતત્વ નિશ્ચિતરૂપે છુપાયેલું છે, તેની ઝાંખી સરખી થાય, તેની ઉપર શ્રદ્ધા રહે, તો જ જીવ્યું સાર્થક થાય. તેની શોધ એ જ પરમ પુરૂષાર્થ છે.”
“શુદ્ધ આત્મા જ પ્રત્યેક માનવીનું સાચું સ્વ-રૂપ છે, ને બીજું બધું, આપણા મનની અવિદ્યાને લીધે, એ આત્મજ્યોતિમાં ભાસતું, કપોળ કલ્પિત આળપંપાળ કુભાંડ છે, કે જે સાચું માનવું, એ દુનિયારૂપી દુઃખ છે, કે જે ખરૂં જોતાં છે જ નહિ.”
“સુખ તો ફક્ત ચિત્તની નિર્દોષતાનું જ સંગી છે.”
ૐ તત્ સત્
PAGE 15
“પ્રભુના દરબારમાં નથી દેર નથી અંધેર”
“મને સુઝે છે તેમ હું કરૂં છું.” એટલું પણ માનવું ઘણું છે. આશય શુદ્ધ રાખવા પોતે પ્રયત્નશીલ હોવા કરતાં વધારે મોટો દાવો કોઈ ન કરી શકે. જે અદ્રષ્ટ પૂર્વકર્મોનાં ફળો ભોગવવાનું આવે છે તેનાં કારણો શોધવાના પ્રયત્નો ખોટા છે, ને સમય તથા શક્તિનો એ દુર્વ્યય છે. કેમ કે એ ડિપાર્ટમેન્ટવાળા એ વિભાગને સંભાળે છે, તેથી, એવું બધું એમણે જોવાનું છે! માનવી એ તો, પોતાનો દેહ એ પ્રારબ્ધને સોંપીને પોતે વર્તમાન કાળે સત્પુરૂષાર્થમાં યથા મતિ તથા યથા આચાર્ય આદેશ વર્તવામાં મનને રોકેલું રાખવું, કેમકે જે વીત્યું, તે આપણે વશ નથી. પણ જે આગામી છે, તેનું ઘડતર આપણા વશમાં હોઈ શકે છે.
સારૂં સારૂં ને મનગમતું ઝટઝટ થાય, તે માટેની જીવને એટલી તો અધીરાઈ રહે છે, કે જે બીલકુલ સમયસર થતું હોય તે પણ માનવીને “ઘણી વાર થઈ,” એવું ભાસે છે! બાકી, ત્યાં નથી દેર, નથી અંધેર. ઝખ મારતો જીવ અધીરાઈ કરે છે. તેથી, “પ્રભુના દરબારમાં નથી દેર, નથી અંધેર.” પરંતુ પ્રાર્થના જ હોય, કે તે આપણને એવું ધૈર્ય તથા એવો પૂર્ણ ભરોસો બખ્શે, કે જેથી દેરની ભ્રમણા પણ ન થવા પામે!…. અને નહિ, તો આપણે દેરની કલ્પના કરીને રામ ઉપર અંધેરનો આરોપ મૂક્યો!….. આ તો, અંધેર-દેર એવી શબ્દના પ્રાસાનુ પ્રાસના રણકારથી ઉપજતી ભ્રાન્તિ છે. એમ વૈખરી પણ સાચા સંનિષ્ઠ જનોને યે પોતાનાં રૂપ-રંગ-ચમક-ઝમકની મોહિનીથી મુગ્ધ કરી નાખે છે!
“જશ નથી મળતો.” તે બાબતમાં એક જ કહેવાનું, કે જે અપેક્ષા રાખે, તેને નાસીપાસ થવાનો વારો આવે! કર્તવ્ય નિષ્ઠને વળી જશ કેવા! પૂર્વકાળની લેણદેણો પૂરી કરવાની, તે વળી કરવાની! જશની આશા રાખીને પછી નિરાશા પામ્યા કરવી, ને જશની વાસનાનાં નવાં પોટલાં બાંધવાનાં – એવું થયું! ના, ના. જેનાં જે લેણાં હોય, તે સુખે વ્યાજ સાથે વસુલ લ્યે. એટલે એટલું કરજ ઓછું થાય, જશના બોજા વળી કેવા વીંઢારવા! પ્રભુ એનાથી બચાવે! એ તો, જશ જ માનવીને ભમાવીને વધારે અહંકારના ચક્કરમાં નાખે છે. જેના ઉપર પ્રભુની કૃપા હોય, તે અપજશનો ભાગી થાય. પોતાનું કર્તવ્ય પોતાની મતિગતિ પ્રમાણે બજાવ્યા છતાં! સ્વયં, ભગવાને એવું વારંવાર કહેલું છે, ને કુંતામાતાએ ભગવાન પાસે માંગેલા વરદાનનો દાખલો સામે પડ્યો છે!
બુદ્ધિ તો કર્મને અનુસરે છે. કેમ કે જે સામાન્ય બુદ્ધિ જીવને આપવામાં આવી છે, તે કર્મોનાં ફળો ભોગવવા, તેમ જ પૂર્વકાળની અધૂરી રહેલી વાસના-લાલસાઓની પૂર્તિ કરવા પૂરતી પ્રાણિમાત્રને પ્રાપ્ત છે. તેમાં હજારોમાં કોક એ પ્રાકૃત બુદ્ધિ (જેને માનવી INTELLIGENCE કહીને તેના ઉપર વારી વારી જાય છે.) થી પર થઈને, સાચી કલ્યાણકારી સત્-બુદ્ધિને જાગ્રત કરવા યત્નશીલ બને છે. ને તેવામાંથી પણ કો’ક જ, આપ્તજનને પોતાની બુદ્ધિ “રિપેર્સ” માટે સાવ સોંપી દઈને, શુદ્ધ ભાવે ચિત્તની સ્વચ્છતા સાધવાની ધીરજ તથા ખંતવાળા હોય છે, અને તે જ સહજ નિત્ય સુખભાવરૂપી મુક્તિને પામે છે.
જે ખરૂં ઘડતર છે, તે તો આત્મોન્નતિ અર્થે જીવાત્માનું થતું જાણવું. નાશવંત કાયાનાં તે શા ઘડતર. એવા તો કેટલાંયે શરીરો જીવાત્માના ઘડતર અર્થાત્ શુદ્ધિકરણ અર્થે ખપી ચૂક્યાં હશે…. એમ, છેવટે, પૂર્ણત્વને, બ્રહ્મત્વને, રામત્વને જીવાત્માએ શુદ્ધ થતે થતે પહોંચવાનું, પામવાનું છે. અને આ બધી જન્મ-મરણાદિ તથા તે બે વચ્ચેની ભાંજગડો તો એ લક્ષ્યે પહોંચવા માટેની ઈશ્વર તરફથી યોજાતી કસરતો છે. એ કસરતો દ્વારા જ માનવીના મહાશત્રુ મનને ત્યાગ વૈરાગ્ય પ્રાપ્ત થઈ શકે છે. બીજી કોઈ રીતે નહિં.
“સુખ કોઈ પણ સંજોગોમાં, પદાર્થમાં કે વ્યક્તિમાં શોધવા મથશો તો નાહકના માર્યા જશો. કેમકે એ બહાર નથી, અંદર છે.”
“દુઃખ દેનારી વસ્તુ તૃષ્ણા છે. કોઈ પણ પદાર્થ પોતાની મેળે દુઃખ દેનારો નથી”
ૐ તત્ સત્
PAGE 16
“દુઃખે જ સાંભરે સુખદ રામ”
જેટલા પરિમાણમાં શરીર તથા જગતના પરસ્પરના સંબંધો તરફ વિ-રાગનું પ્રાકટ્ય થાય, તેના પ્રમાણમાં અંતરના શ્રેયસ પરત્વે અનુરાગ પ્રકટી ને ટકી શકે છે. એક જ મન-મ્યાનમાં સંસાર અને આધ્યાત્મિક સુખભાવ રૂપી બે તલવારો એકસહ રહી શકતી નથી. તેથી કૃપાળુ ભગવાન જેનું શ્રેય ચાહે છે, તેના એ દુન્યવી દ્રષ્ટિએ હાલહવાલ કરી નાખે છે. તેથી તો એક “હરિ” કહેવાય છે, ને અન્ય (જ્ઞાનદ્રષ્ટિ) “હર” મનાય છે.
સંસારની, દેહોની, તથા આ ભવના ક્ષણભંગુર, આકસ્મિક લેણદેણ પૂરી કરવા માટે ઉભાં થયેલાં સગપણ – મૈત્રી ઈતરના સંબંધો વગેરેની પણ બાબતમાં, જો સુખ જ રહ્યા કરતું હોય, નિત્ય પ્રતિ, તો જીવની ભ્રાન્તિ ભાગે નહિ. એને આ દુઃખદ સંસારી વેડા પ્રતિ તુચ્છકાર જાગે નહિ. ને તો પછી, કોઈ પણ કાળે તેને આત્મસુખની ઈચ્છા સરખી થવા ન પામે, અને તે વારંવાર અનેક પ્રકારના દુઃખદ પ્રસંગો ઉભા થતાં, કલેશથી સંતપ્ત, તથા ‘ હવે હું શું કરૂં’ એમ મુઝાયેલો રહ્યા જ કરવાનો.
માટે, શાસ્ત્રો અર્થાત્ સુખનાં આપણાં ‘સાયન્સ વિજ્ઞાનો’ વારંવાર કહે છે કે આ સંસારના વ્યવહારમાં પડતી આપત્તિઓ ખરૂં જોતાં જીવાત્માની સાચી હિતસ્વી છે, કેમ કે “દુઃખે જ સાંભરે સુખદ રામ!” એમ જીવનનું ઘડતર ચાલે છે.
જ્યાં પરમકૃપાળુ રામ અંતર્યામી સર્વદા, સર્વથા, સમાન રૂપે વિલસે છે. – જેનો એવો અનુભવ હોય તેને માટે,-અને કોઈ ને કોઈ નિમિત્તે આનન્દની ઝલકરૂપે પામરતમ માનવ કે પશુપંખીને પણ અવારનવાર જેનો સાક્ષાત્કાર થતો રહે છે – જેને લીધે જીવન જીવન છે, તેને ક્યાં કાળભેદ છે!… તેવું જ તેના આ ચલ સ્વરૂપ વિશે પણ જાણજો. છતાં, લોકાચાર છે, ને તે ઠીક છે. કેમ કે સંસારના વ્યવહાર દેશ – કાળ તથા નિમિત્તોના ભેદે પ્રવર્તી શકે છે.
સરખે-સરખાનું મળવું આ સ્થૂળ અને મિથ્યા સંસારમાં પણ આટલું બધું સુખદ થાય છે, તો વિચારો કે ભક્ત-ભગવાન રૂપ અથવા આત્મા-પરમાત્મા રૂપ સરખે-સરખાનું પારમાર્થિક મિલન કેટલું અનંતગણું વધારે સુખદ હોય!…. બધું સુખ મિલનનું, યોગનું, પ્રીતનું જ છે ને! બહાર બોલતું બુલબુલ શું ગાય છે? “પ્રીત કરો, પ્રીત કરી લ્યો – કરી લ્યો, પ્રીત જ કરો – કરો – કરો….! એ સર્વ સંજ્ઞાઓનો અર્થ એક જ થાય છે – ચિત્તનો કોઈ અન્ય સાથે મેળાપ. કોઈ અન્યમાં તેનું એકીકરણ. નાના સ્વને કોઈ મહાન પ્રીતસ્વરૂપ સ્વમાં હોમી દઈને સ્વયં તે જ બની જવું, તે. એજ સાચું સુખ, એ ખરૂં મહાન મિલન, એ ખરૂં મહાન સુખ છે. એમ, જીવનના પ્રત્યેક પ્રસંગમાંથી આત્મબોધ નીતારતા રહેવું – ખરા માખણચોર બનવું!”
ૐ તત્ સત્
PAGE 17
“ઈશ્વરી માયા” અર્થાત્ “વૈષ્ણવી વાયુ”
એક તો, કાળ નામની મોટી બધી ભ્રાન્તિ. ને તેનું વળી વહેવું! – માયાની કરામતમાં શું કહેવાપણું રહે! “સ્વર્ગ” (એટલે કે કલ્પના) માં કલ્પવૃક્ષની ડાળ્યે બાંધેલા ઝૂલા ઉપર ઝૂલતી એની મોહની – અપ્સરા (જળની જેમ સરી જતી ઈન્દ્રિય-મનની સુખદાતા) ની સાથે, જગતમાં શું નથી ઝૂલતું!….. જો એની કરામતમાં કહેવાપણું રહે, તો પછી તે ઈશ્વરની માયા કેમ કહેવાય? ઈશ્વરેચ્છામાંથી શું બાકાત હોઈ શકે? અરે, માનવીએ હાથે કરીને ઊભી કરેલી કંઈક માગાઓ (ઈચ્છા-કલ્પનાઓ – તરંગો) માનવીના વશમાં ન રહેતાં તેને માથે ચઢી વાગીને તેને કેવા – કેવા બંદર નાચ નચાવે છે! તો પછી સકલ પ્રાણી જાતને નચવનારી ઈશ્વરીય સંકલ્પ-માયાની વાત શી કરવી?
આપણે અધ્યાત્મ પંથના પ્રવાસી છીએ જ, તો તે પંથે સાવધપણે પગલાં ભરવાં જરૂરી હોય. વ્યવહારમાં પણ, વેપાર ધંધામાં પણ, જો આપણે આપણા ક્ષેત્રમાં ખૂબ સાવધાનીથી ન વિચારીએ, ને ખૂબ સ્વચ્છ, નિર્મળ, નિર્દોષ તથા અહંકારરહિત સારાસાર વિચારથી યુક્ત ન રહીએ, તો કેવાં પરિણામ આવવાનો સંભવ ઉભો થાય છે, તેનો અનુભવ કયા માજણ્યા માનવીને નથી થતો?
એ બધી સાવધતા જો સંસારના તુચ્છ તથા જરાયે ભરોસો નહિ રાખવા યોગ્ય અને જેનાથી ક્ષણે ક્ષણે ઠગાવાનો ભય રહે છે તેવા પદાર્થો તથા સંબંધોના નિર્વહણ માટે, આટલા બધા મોટા પ્રમાણમાં જરૂરી થઈ પડે છે, તો પછી ભવોભવનો આધાર જેના ઉપર છે તેવા પોતાના ચિત્તની શ્રેયસ્કર સ્વચ્છતાના માર્ગમાં તેવી સાવધાનતાની આવશ્યક કેટલી અનંત ગણી વધારે હોવી ઘટે?
પરંતુ જગતનાં મૂલ્ય એવાં અવળાં છે, કે તે સત્ ને અસત્, અસત્ ને સત્, સાવ નિર્મૂલ્ય ને મુલ્યવાન તથા અત્યંત મૂલ્યવાનને ઉપેક્ષણીય માનીને જ ચાલે છે! એનું જ નામ છે. – “ઈશ્વરીય માયા” જેને ઉપનિષદમાં “વૈષ્ણવી વાયુ” કહેલી છે.
ભગવત્કૃપા દ્વારા જેની સમઝણની ત્રીજી આંખ ઉઘડી હોય, તેવા ભાગ્યવાને તો તરત જ પોતાની દ્રષ્ટિ – PERSPECTIVE AND SENSE OF PROPORTION – ને પ્રમાણભાન ઠીક કરી લેવાં જોઈએ…. જો સાચેસાચ તેને શાશ્વત સુખમૂલ્યો ખપતાં હોય, તો, છેક શરીર પડવાની પળ સુધી, સાવધતા તથા ચોખ્ખા રહેવાની વિદ્યાનું ભણતર અખંડ ચાલવા જોઈએ.
એ છે સાચા સુખભાવનાં, અર્થાત્ દુઃખભાવથી સમૂળા છૂટકારાનાં મૂલ્યો. એ મૂલ્યો જે કોઈ પ્રસન્નતાથી ચૂકવવા તત્પર રહે, તેને માલ પણ તેવો જ, સેમ્પલ મુજબનો મળે, એમાં સંદેહ નહિ!
“મનુષ્ય યોનિનો મુખ્ય પ્રશ્ન છે એ જીવભાવરૂપી ડાઘથી એકવાર કોઈ પણ ઉપાયે છૂટવાનો. તેને કામ મમ સાથે છે, ટપટપ સાથે નહિ. તેથી, શાણા પુરૂષો વિચાર કરે, કે એ ડાઘ ગમે ત્યારે ને ગમે તેમ આવ્યો હોય, પરંતુ આવ્યો તો છે જ, તે એકવાર દૂર થવો જ જોઈએ. એ ખરી વ્યવહાર કુશળતા છે.અને વેદાન્ત વિદ્યા વાસ્તવમાં નરી બુદ્ધિયુક્ત વ્યવહાર કુશળતા જ છે.
ૐ તત્ સત્
PAGE 18
“મન સાચું ને શરીર ખ્યાલી છે.”
શારીરિક સંબંધો અને સંયોગો વિયોગો કેવળ પ્રારબ્ધના ખેલ છે. અને તેમાં માનવીની કશી કરામત કામ લાગતી નથી. પરન્તુ મનોરાજ્યનો માલિક “હું” પોતે છે. અને વાસ્તવમાં, “મન ખ્યાલી ને શરીર સાચું નહિ, પરન્તુ મન સાચું ને શરીર ખ્યાલી છે.” એ સ્થૂળ દેહ તો મનની માત્ર છાયા છે.
વગર મને મેળવેલી વસ્તુ પણ જેમ અણમળી લાગે છે, તેવી રીતે નહિ મળેલી વસ્તુ પણ મન વડે મળેલી લાગવી, એ સાચી સહજ સ્થિતિ છે. જે સહયોગ – જેને હું તો ગુરૂયોગ કહું છું. – ની આપણે સહાય લઈએ છીએ, તેમાં બીજું શું થાય છે? શરીર વડે અપ્રાપ્ત વસ્તુની મન વડે પ્રાપ્તિના સંકલ્પને એ યોગમાં યોજવાથી એ વસ્તુ શરીર વડે પણ પ્રાપ્ત થયાની બધી તન-મનની ક્રિયા સહજ રીતે એ યોગ દ્વારા બની જાય છે. એટલે, ખરો પુરૂષાર્થ એ, – ગુરૂયોગની સ્થિતિ અમુક નિશ્ચિત સમયે થતી થતી વિસ્તરીને, નિરાયાસે સર્વ સમય માટે કાયમની, સહજ, બની જાય તે, – છે. તો જ એનું “સહજ યોગ” નામ સાર્થક થાય એ દીશામાં જેટલી પ્રગતિ, તેટલી સમાધિની સ્થિતિની સિદ્ધિ જાણવી. જેટલો ધ્યેય પ્રાપ્તિનો તલસાટ વધારે, તેટલી યોગની ક્રિયાની તેજસ્વિતા તથા વ્યાપકતાની માત્રા વધારે પ્રકટે છે. ભાવમાં સંવેગ થવો એ હ્રદયની શુદ્ધિનાં ચિહ્ન છે, અને એને પગલે, એની હારોહાર, ભાવની સ્થિરતા પણ જામતી જાય છે, એ વિવેક-વૈરાગ્યજન્ય જ્ઞાન લક્ષણ છે.
એક સામાન્ય સમઝનું કહેલું સ્મરણમાં રહી શકે તો રાખજે, કે શરીર કે મન ગમે તેના રોગના ઈલાજમાં બે પદ્ધતિઓનું મિશ્રણ થતાં વિસ્ફોટક પરિણામ નીપજવાનો સંભવ રહે છે. હોમીઓપથી, એલોપથી, આયુર્વેદ વગેરે અનેક ઉપચારની પદ્ધતિઓ છે, એમાંથી કોઈ પણ એકને વળગી રહેતાં લાભનો સંભવ ખરો, પણ જો બેની સેળભેળ કરી, તો શું થાય? જે હકીકત સ્થૂળ વ્યવહારમાં તમે જોરશોરથી સ્વીકારો છો, તેથી સૂક્ષ્મ જેવી નાજૂક બાબતમાં જે અપરાધ લેખાવા જેવી ઉપેક્ષા કરે, તેને શું કહેવું? માટે, રમી લ્યો, રમવું હોય તેટલું. આમ મનનું જ્યાં ત્યાં દોડવું, એ આધ્યાત્મિક અસંતોષનું લક્ષણ છે. – ક્યાં યે ચિત્તની શ્રદ્ધા બંધાઈ નથી, તેનું ચિહ્ન છે. તને લાગતું હોય કે શ્રદ્ધા તો બંધાઈ જ છે, પરન્તુ જો તટસ્થ દ્રષ્ટિએ જોઈશ તો તને સમઝાશે કે એ પણ આત્મવંચના છે. મન પોતાને કેવી રીતે છેતરે છે, તેનું એક ઉદાહરણ છે. જો મન ક્યાંક ઘર માંડીને બેસી ગયું હોય, તો સ્વપ્ને પણ તેની વૃત્તિ અન્યત્ર ભાટકાં કેવી રીતે મારે? આધ્યાત્મિક “પતિવ્રત” જેવી પણ કોઈ ચીજ છે!
“વૃત્તિનું શાન્ત થવું, ને નવીનો ઉદભવ થવો, એ બે વચ્ચેનો જે વૃત્તિશૂન્ય સમયગાળો, તેને શાસ્ત્રો બ્રહ્માનુભવ કહે છે. એ જ નિરતિશય સુખ છે. એ નિવૃત્તિત્વની ક્ષણનું લંબાવું, એનું નામ સમાધિ.” “ધોરણહીન જીવન, જીવન નથી, એઠવાડ છે.”
ૐ તત્ સત્ ।
PAGE 19
“મંગળ ધર્મ”
તપ તો, જીવનનો નિત્ય મંગળધર્મ છે, ને તેના વડે જીવાત્મા અર્થાત્ અંતઃકરણ નિર્મળ રહી શકે છે. એ તો રોજની ઘો છે. તપ એટલે સંયમ તથા શુદ્ધ બુદ્ધિથી ધર્માનુકુલ વિચારણા, અર્થાત્ મનન. મન-વાણી-કાયાની પ્રત્યેક ચેષ્ટા તેવા મનન વડે શુદ્ધ કરીને પછી જ પ્રવર્તવી જોઈએ, એ માનવીનું લક્ષણ છે. બાકીનું જે બધું, તેને માનવ દેહમાં રહેલો પશુભાગ જાણવો. પ્રાયશ્ચિતના ભાવને અવકાશ તો, હું, મારૂં, મને ઈતર વિભક્તિઓથી યુક્ત તનમનની પ્રવૃત્તિઓ ચાલે ત્યાં સુધી રહ્યા કરવાનો. રામજી આપણને તેનાથી છોડાવવા તથા તે માર્ગે ન જવા દેવા, માંદા- સાજા પાડીને પણ, કેટકેટલી કરૂણામય મહેનત કરે છે, તેનો જો યથાર્થ ખ્યાલ આવે, તો તેવા ભક્તોનો બેડો ભયસાગરની પાર થઈ ગયેલો હોય. એની અકારણ કરૂણાને, પોતાને તેના ભક્ત માનનારામાંના પણ કેટલાં મનુષ્યો, યથાર્થ સમજી શકતાં હશે?
દરેક જણ દરેક વસ્તુ કે ઘટના પરત્વે પોતપાતાની સમઝ પ્રમાણે અંદાજ બાંધે છે. પરન્તુ સ્વના આચાર – વિચાર પરત્વે તો લગભગ પ્રત્યેક માનવીને BLIND SPOTS – અંધસ્થાનો હોય છે. ઈતરજનોને જાણતાં, અને સજ્જનોને અજાણતાં, પણ પ્રાણીમાત્રને “સ્વ” પ્રત્યે પક્ષપાત રહે છે. – કેમ કે આત્મા સહુને અત્યંત પ્રિય છે, તેની પ્રિયતાની છાયા આત્માની છાયા સમા દેહહ્રદયમાં પણ પડે છે!
સામાન્ય વ્યવહારમાં દીઠામાં આવે છે કે આપણું જે જણ ખૂબ જ પરિચિત હોય, જેનો જન્મથી સંસર્ગ રહ્યો હોય, તેવા જણનું બધું પ્રત્યેક જીવને બરોબર ને યોગ્ય લાગે છે. અને એ સ્વાભાવિક ક્રમ છે. વળી, જે પદાર્થ આંખની અત્યંત નિકટ હોય, તેને કદી પણ યથાર્થ દેખી-જાણી શકાય નહિ. તેવું મનની આંખનું પણ છે. તેથી, પોતાના વિશે જજમેન્ટ પોતે બાંધીને તેને જ સાચું માની લેવામાં ભલભલા ખતા ખાઈ જાય! સ્વની તો તટસ્થ, અનુભવી આપ્તજન દ્વારા જ ચિકિત્સા તથા નિદાન થવા યોગ્ય હોય.
સાત્વિક અહંકાર એવા રૂપાળા વેશ ધરીને આવે છે, ને “હું તો આવો, ને હું તો તેવો,” એવા મનગમતા અહંકારો કરાવે છે, કે મોટા મોટા સાધુ-સંતો પણ એ અહંકારના અમુક પ્રકારોની ભીષણતાને નથી પીછાણી શકતા, ને સાત્વિક અહંમાં લપટાઈ રહી, કો’ક વાર એવી તો ખતા ખાઈ જાય છે, કે ન પૂછો વાત! પુરાણો ઈતરમાં તેના કેટલા દાખલા આપેલા છે! ને વિદ્યમાન સમયમાં તો એવા “કેસો” નો રાફડો ફાટેલો નથી દેખાતો શું?
“પોતાની ગુંજાઈશના ગજે સન્ત – સંન્યાસીની બોલવા-ચાલવા-જોવાની રીતને માપનાર પામર ગૃહસ્થી જેવો દયાપાત્ર બીજો કોણ હોય?”
ૐ તત્ સત્ ।
PAGE 20
“અઘરૂં ? હા, અઘરૂં તો હોય જ ને!”
આપને ઉત્તરાવસ્થામાં ઉગ્ર કહેવાય તેવા (વ્યવહારિક) તપનો વારો આવ્યો છે. એ પ્રભુની – રામજીની દયા છે. જો આ વયે છનાછન અને એશઆરામ હોત, તો રામ શેનો સાંભરત?…. તેથી, ‘ગધાપચીસી’ જેવા કાળમાં રખડી ખાવા દીધું, ને વૃદ્ધાવસ્થામાં પાછા ઠેકાણે લાવી મૂક્યા!
શરીરના રંગઢંગ બદલાયા કરવાના જ. માંસહાડનો પિંડ, પળેને વિપળે પલટાતો, અનેક નખરાં કરતો, વિક્ષેપો ઉભા કરવા મથ્યા કરે. પરન્તુ જે જીવે પોતાનો ‘ખીલો’ ઠોકી ઠોકીને સ-જડ કર્યો છે. તેને એ કેમ લગીરે ચળાવી શકે?…. માટે આપ પણ એવે ખીલે હાથે કરીને બંધાઈને ખરો ઈન્કિલાબ હાંસલ કરી લ્યો.
આપણે ઠગારા મન દ્વારા ઊભી કરાતી ભ્રાંતિઓને ઠીક સમજી લેવી જોઈએ. એવી “અશાન્તિ ચાલે છે.” એવું જોનારો, એને જાણનારો પણ, એ જ “મન” અર્થાત્ અંતઃકરણનો એક ભાગ હોય છે કે નહિ?….. એ મનભાગને જ આપણે સાક્ષી આત્મા અથવા “સાક્ષી હું” કહીએ છીએ. તેને પ્રયત્ન વડે (એટલે કે મનનરૂપી ઉત્તમ તપ વડે) આ “ચિન્તા” કરતા મન ભાગથી છૂટ્ટો પાડી લેવાનો છે, એ બે જુદા જ છે. પરંતુ પ્રારબ્ધાનુસાર આવતા “દુઃખ” નો અનુભવ “હું” ને કરાવવાના હેતુથી, એ બે એક જ હોવાથી ભ્રમણ ઊભી થાય છે. જે કોઈ પુરૂષાર્થી તે દુઃખ કરનાર મનભાગનો તેના અન્ય સાક્ષી ભાગથી વિવેક કરી લ્યે, તે, જે મન-ભાગને એવાં દુઃખો વગેરે આવે છે, તેનાથી અંતરમાં મુક્ત રહીને, તેને દુઃખે દુઃખી ન થતો, એવું જાણી લે છે કે, ‘એ બધું તો આવતું-જતું નાટક છે, ને એવાં નાટકો થયા જ કરવાના – પ્રારબ્ધ કર્મફળ ઈત્યાદિનાં, અને હું તે બધાંને જોનારો અસંગ રામરૂપ આત્મા છું.
અઘરૂં? હા, અઘરૂં તો હોય જ ને! ક્ષુદ્રમાં ક્ષુદ્ર પણ જૂની થઈ ગયેલી ટેવ છોડવી, ને નાનકડી પણ નવી પાડવી, એ કેટલું અઘરૂં હોય છે? તો પછી, આ તો રહી પાયાની વાત! બધી ઉત્તમ વસ્તુઓ મોંઘી હોય, ને સસ્તી ઉત્તમ હોય નહિ! અને વળી, પુરૂષાતન છે કઠણને કબ્જે કરવામાં. પોલું તો સહુ કોઈ વગાડે પણ……!
સામાન્ય બુદ્ધિ કેવળ કર્માનુસારિણી હોય છે. માનવીને મતિ સુઝે છે પ્રારબ્ધ પ્રમાણે. ત્રાહિત દ્રષ્ટિને તેનાથી જુદું દેખાય, પરંતુ જેને હજી પ્રારબ્ધકર્મફળ ભોગવવાના હોય, તેને ગળે એવી ત્રાહિતની વાત ત્યાં સુધી ન જ ઉતરે કે જ્યાં સુધી એ ભોગનો છેડો નજીક ન આવ્યો હોય. પ્રભુ સંભાળનાર છે!
“આપણે અધ્યાત્મપંથના પ્રવાસી છીએ જ તો તે પંથે સાવધપણે પગલાં ભરવા જરૂરી હોય.”
“શારીરિક સંબંધો અને સંયોગો વિયોગો કેવળ પ્રારબ્ધના ખેલ છે.”
ૐ તત્ સત્ ।
PAGE 21
“કસોટીઓ” તથા “કટોકટીઓ”
માણસને સંસાર વ્યવહારની “કસોટીઓ” તથા “કટોકટીઓ” ના કાળોરૂપી નાની મોટી મહાભારતો તથા રામાયણો આવ્યા જ કરે છે. કેમકે આ દેહનું ધારણ એ હેતુથી જ બન્યું હોય છે. અને જે છે માત્ર પ્રારબ્ધનાં પૂતળાં, એવાં તન તથા મન, પોતે આદરેલાં અધૂરાં છોડે એમ નથી. વળી એ પ્રારબ્ધાનુસારી ધટનાઓ તેમજ તન-મન, બધાં ક્ષણભંગુર છે, આવીને જવા તથા જઈને પુનઃ પુનઃ આવવાવાળાં. તેથી, એ લગીરે શોક કે અફસોસને પાત્ર નથી હોતાં, એવું જાણીને શાણો પુરૂષ તેવી ઘટનાઓ તો શું, પણ સ્વયં દેહનાં પડવા-રહેવા પરત્વે યે પોતાના અંતરને કલેશ થવા દે નહિ. પરંતુ એવા બાહ્ય સ્થૂલ કે માનસિક સૂક્ષ્મ પ્રસંગો પોતાની સાથે જે ધર્માધર્મ, કાર્યાકાર્ય ઈતરના સંભ્રમ –વિભ્રમની કટોકટીઓ લાવે છે, તથા શ્રદ્ધા, ભક્તિ, મનુષ્ય તરીકેની કર્તવ્યતા પોતાના અસલ સ્વ-રૂપ પરત્વેનાં ભ્રામક ખ્યાલો, ઈશ્વર તથા આ જગત તેમ જ સગાંસંબંધીઓ, મિત્રો વગેરેના સંબંધમાં ઉલટા-સુલટી ભાવો ઈત્યાદિનાં જુદ્ધ ચિત્તમાં જગાડીને તેને કિંકર્તવ્ય મૂઢ કરી મૂકે છે, ત્યારે જે અધ્યાત્મલક્ષી કસોટીઓ ઊભી થાય છે, તે ખરેખરી શોચનીય અને વિચારણીય વસ્તુઓ છે.
એ કસોટીઓમાંથી હેમખેમ પાર થઈ શકવું, સત્યધર્મનું સ્પષ્ટ દર્શનભાન થવું, તથા તે ધર્મના અનુસરણ માટે બુદ્ધિયુક્ત પ્રોત્સાહન પ્રાપ્ત કરીને, સુપ્રસન્ન, સ્થિર અને શાન્તચિત્તે તનમનથી તેનું પાલન કરવાનું સામર્થ્ય મેળવવું – એ છે સત્સંગનું યથાયોગ્ય ફળ તથા જીવનની ઈતિ કર્તવ્યતા. એવું જે સમઝે છે તે સાચું સમઝે છે, ને બીજા બધા નિરર્થક ફાંફા મારતા ભવસાગરમાં જડ લાકડાંના અસહાય ટૂકડાઓ જેવા અહીંથી તહીં ને તહીંથી પાછા અહીં કે અન્યત્ર અફળતા તેનાં ભયંકર વમળોમાં ટીચાયા કરતા, કદી પણ તેનો પાર પામીને સુખદ નિત્ય શાન્તિરૂપી કિનારો પકડી શકતા નથી.
પરમકૃપાળુ રામસ્વરૂપ ઈશ્વરનો એ અટલ આદેશ છે કે સ્વયં બ્રહ્માથી માંડીને છેક તુચ્છ લાગતા તણખલા પર્યન્ત સર્વ જડ-ચેતન જેવા ભાસતાં પ્રાણી પદાર્થોમાંના પ્રત્યેકને અનંત સુખ-શાન્તિરૂપ કૈવલ્ય મોક્ષનો જન્મસિદ્ધ અધિકાર છે, અને વહેલાં કે મોડાં પણ, તે સર્વે એ સ્થિતિને પ્રાપ્ત કર્યા વિના જંપવાના નથી,
શ્રેયસ્કર પ્રસંગો જેને ખપે છે, ને જેનું મન તથા જેની આંખો કલ્યાણકર દ્રષ્યો તથા મંગલકારી વચનો જ શોધે છે, તેને તેવું અવશ્યમેવ મળી રહે છે. કેમ કે આંખ-કાન તે સિવાયનું બીજું કશું દેખતાં-સુણતાં નથી. કારણકે, તેવું બીજું કદાચને હોય તો યે, મન તેના તરફ વળવાની કે તેને લક્ષમાં લેવાની ના પાડ્યા કરતું હોય છે.
“અગ્નિ પરિક્ષા વિના કશું પણ ક્યાં શુદ્ધ થઈ શકે છે? અગ્નિપરિક્ષા કહો, કે તેજાબપરિક્ષા. પરન્તુ એ સર્વ સાચા સત્વનું એટલે કે સાધકની પોતાની ઈષ્ટ પ્રત્યેની શ્રદ્ધાનું પારખું છે.
તેમાંથી પાર ઉતર્યા વિના સોનાના મૂલ્ય થતાં નથી ને તે વિના સીતાજી પૂજાયાં હોત નહિ!”
“જો આપણને લડી લેવા માટે સંસાર જેવી કપરી વસ્તુ ન મળી હોત, તો આપણને આપણી જાતનું ભાન થવા પણ ન પામત,”
ૐ તત્ સત્ ।
PAGE 22
“ધૈર્ય યુક્ત બુદ્ધિ”
“માનવીના પ્રાબ્ધાનુસાર ઈશ્વર આફત જેવું “આપે” કેમકે કર્માનુસાર જેવું નિર્ણીત હોય તેવું યોજવાનું તેનું કર્તવ્ય છે.” પરંતુ તેવી આફતના દાન સાથોસાથ એ પોતાના શ્રદ્ધાળુ ભક્તને અજબ રીતે મદદ પણ કરે છે, કે જે તેને એવો પ્રસંગ પાર કરી જવાનું સામર્થ્ય બક્ષે છે.” “એક કાવ્ય છે.એનો ભાવ છે કે “હે મુરખ! તું ઊંચું માથું કરીને, ઊંચી નજરે (ક્યાં પોતાની બહાર) ઈશ્વરને આમ, તેમ, ઉપર—– શોધે છે. પણ એક વાર તું નીચું માથું કરીને નીચી નિગાહે દેખ. ત્યારે તને એ તુરત મળી જશે, (તારી અંદર જ).” સ્વસ્થ! રૂપી સ્થિર સુખભાવ યુક્ત અસંગ દ્રષ્ટા બની રહેવાની કળ કેવળ અહંતારહિત તથા કર્તા ભાવથી મુક્ત સાધકને જ આવે છે. અને જેને સ્વેચ્છાથી “નીચું” જોતાં આવડતું નથી, અથવા જેને પોતે ઊંચે જ જોયા કરતો હોવાની ખબર નથી હોતી, તેવા પ્રકારના પોતાના ભક્તને ભગવાન કોઈ ને કોઈ તરકીબ લગાડીને, નીચી નિગાહ રાખતાં શીખવી દે છે. – એ તરકીબ ઘણે ભાગે થપ્પડનું રૂપ લે છે!”
“બાહ્ય વ્યવહાર તથા તેના ફળ ઉપર તો, પ્રારબ્ધનો સંપૂર્ણ કાબુ રહે છે-જો કે તેના સંબંધમાં મનુષ્યે ધૃતિ (અર્થાત્ ધેર્યયુક્ત બુદ્ધિ) અને ઉત્સાહ પૂર્વક પ્રયત્નશીલ તો રહેવાનું છે જ.”
“મનુષ્યનો અધિકાર થોડો ઘણો પણ કેવળ પોતાના આંતરિક ઘડતર ઉપર દોડ તેમાં સાફલ્ય માટે કોઈ અન્ય તરફ જોવાનું, અને નિષ્ફળતાને પ્રસંગે કોઈ અન્યનો વાંક કાઢવાપણું નથી હોઈ શકતું.”
“પ્રત્યેક ભ્રમણા આત્મ કલ્યાણમાં બાધક છે. – પછી તે ચિત્તને મીઠી લાગતી હોય કે કડવી, તેમાં પણ, જેને ‘બંધુ જન’ ગણીએ, તેમના પરત્વેની મોહ-મમતા જન્ય ભ્રાન્તિઓ તો ખાસ વિધાતક બની રહે છે. કેમકે તે છૂટવી વધારેમાં વધારે દુષ્કર છે.”
“છેવટે તો મનાવવાનું છે “મન” ને, બીજા કોઈને નહિ. જે વાત મનને ગળે ઉતરે, તે તરત પોતાનો ભાવ પ્રકટ કર્યા વિના ન રહે. બુદ્ધિમાન મનુષ્યને માટે, ખરી વાત પોતાના મનમાં ઠસાવવી પ્રમાણમાં સરળ હોય છે. અને તેમાં યે જો, તેવો પુરૂષ સાથોસાથ શ્રદ્ધાવાન પણ હોય, તો એ સરળતાની માત્રા ઘણી વધી જાય છે, – કામ વધારે સહેલી રીતે પાર પડી શકે છે, સમાધાન મેળવવાનું. અને તે કારણે, ચિત્તમાંથી શોકસંતાપની નિવૃત્તિ તથા તેને સ્થળે આપોઆપ સહજ સ્વભાવે સુખભાવની પ્રસ્થાપના પણ નિરાયાસે બની જાય છે.”
“સંસારરૂપી ત્રિવિધ આફત આવી પડી, તે તો આ ભવની, ને અમુક કાળમર્યાદા પૂરતી જ રહી શકે, પરન્તુ શ્રદ્ધા નિષ્ઠાનું ચલિત થવું, એ બની રહે ભવો ભવની આફત!”
“જેવી રીતે સાકર સાથે મિશ્રિત દુધભાતનો યોગ, ને વળી તે પ્રભુ પ્રીત્યર્થે નૈવેદ્ય અર્થે યોજાયો હોય, એ કેવું અમૃતની ઉપમાને યોગ્ય એને પરમ અન્ન બને! તેવી જ રીતે શ્રુતિનો ત્રિવિધતાને પ્રાપ્ત થયેલો પરમ કલ્યાણપ્રદ બોધ સદૈવ ઈશ્વરપરાયણ જિજ્ઞાસુને પરાત્પર બ્રહ્માનન્દમાં લઈ જાય છે.”
“જેણે નિષ્કામ ભાવે પોતાનો સંસાર વય્વહાર તથા ધર્મકર્મ કરી જાણ્યાં, એવો સત્પુરૂષ એવી રીતનો અધિકાર પ્રાપ્ત કરે, કે ઈશ્વરને હવે મારી સાથે રાખીને જ હું કામ કરૂં.”
ૐ તત્ સત્
PAGE 23
“મોહ – માયા – અને મમતા વચ્ચે શો ફેર છે?”
1. મોહ એટલે, જે વસ્તુ જેવી હોય તે કોઈ વાસનાના પ્રતિબંધને કારણે, ખરેખર હોય તેવી ન જણાતાં તેનાથી જુદા પ્રકારની લાગે, તે. અહિતકારી લાગે, એવી ઊંધી સમઝ, જે સોબત કરવા યોગ્ય હોય તેની સોબત ગમે નહિ, ને સોબતને જે લાયક ન હોય તેમાં જીવ જાય. પદાર્થો પરત્વે પણ તેવું મોહને લીધે થાય.
2. માયા એટલે ખોટી, નાશવંત અને ચિત્તને ભરમાવનારી વસ્તુ કે વ્યક્તિમાં જીવ ઘાલીને, તેને નિત્ય તથા સત્ય માનીને તેમાં જીવ ઘાલવાનું મન થાય, તે. સગાસંબંધી, તેમ જ પોતાની ટેવોને ફાવતાં આવે તેવાં માનવીઓ કે તેવા પદાર્થોને સાચાં સ્વજનો તથા પોતાની પાસે નિત્ય ટકનારા પદાર્થો માની લેવાં, તે. પોતાની ભૂલો તથા પોતાની ઊણપો પોતાને ન જણાય, અને પોતે તેમાં ઠગાય, એવી ચિત્ સ્થિતિ જે અજ્ઞાતને કારણે ઊભી થાય છે, તેને જ માયા કહે છે.
3. મમતા એટલે “આ મારૂં, તેથી પ્રિય” – એવો મનનો વળ. મમ= મારૂં. મારૂં તે સારૂં, એવી વૃત્તિ. ને તેવાં ‘મારાં’ માનેલાંમાં તે કારણે આસક્તિ. મારાં-તારાંનો ભેદ. ખરેખરો “હું” કોણ ને સાચેસાચું ‘મારૂં’ તે શું, તેના અજ્ઞાનને લીધે, “આ દેહ જ હું છું, ” અને દેહના સંબંધો તથા તેને જે રૂચતું હોય તે બધાને ‘મારૂં’ લેખીને તેમાં જીવ ઘાલવો, એવી સ્વાર્થ-વૃત્તિ.
આ ત્રણેયે માત્ર સત્ય વસ્તુના અજ્ઞાનનાં જ સંતાન, સ્વ-રૂપના અભાન રૂપી અવિદ્યાનાં જ પરિણામો છે, અને તે સર્વનો પ્રતિકાર ‘હું’ કોણ? આ જગત (કે જેમાં ‘હું’ પણ આવી જઉં) નો શો સંબંધ? જન્મ-મરણ ઈત્યાદિ શું? આ સર્વનો હેતુ શો…. એ પાયાના પ્રશ્નોની યથાર્થ જાણકારી અર્થાત્ તેના શુદ્ધ વિજ્ઞાન દ્વારા અવિદ્યાના નાશ વડે જ થઈ શકે છે.
સ્નેહ-વહાલ-પ્રીતિ- અને પ્રણવ- એ બધા ભાવોની ભિન્નતા. એ બધા, સંદર્ભ અનુસાર એક જ ‘પ્રેમ’ ની વપરાતી વિવિધ સંજ્ઞાઓ છે.
“સ્નેહ” -એટલે હેતનો સ્થિર ભાવ.
“વહાલ” – એટલે સ્નેહનો ઉમળકો (ગુજરાતી ભાષામાં ‘વહાલ’ ને ‘બા’ શબ્દો કમાલના છે). સ્નેહની માત્રામાં વધારો થવો તે.
“પ્રીતિ” એટલે વ્યક્તિ કે વસ્તુનું હેતથી થતું આકર્ષણ.
“પ્રણવ” એટલે જે ભાવ પ્રાચીનતમ હોવા છતાં નિત્ય નવિન જ લાગે છે, (પ્ર = પ્રકૃષ્ટ રીતે, નવ = ને નવી જ લાગ્યા કરે) તે પ્રેમસ્વરૂપના, કે જે સર્જનજૂની હોવા છતાં કદાપિ વાસી નહિ પરંતુ નિત્ય અવનવી, નિત્ય પ્રસન્નતા આપનારી ચિત્તસ્થિતિ છે, અને જે સાચેસાચ શ્રેયસ્કર, બલકે સત્યસુખનો પાયો જ છે. ટૂંકામાં ઈષ્ટ પ્રીતિ. ‘આસક્તિ’ એટલે અનિષ્ટ પ્રીતિ, અવિદ્યાને લીધે પવિત્ર પ્રેમનો થતો વિકાર.
પ્રત્યેક ‘નાની’ કે ‘મોટી’ લાગતી બાબત, આત્મ સાધનમાં સમાનરૂપે મહાન છે. એ જ ચારિત્ર્ય-કેરેક્ટર-ને ઘડે છે, સ્વને ઘાટ આપે છે. અને એ જ છે ‘મોક્ષ’ સંજ્ઞક નિત્ય પ્રસન્નતાનો માર્ગ. એટલે કે, ‘નાની’ બાબતોને સંભાળી લેવામાં જ, અર્થાત્ તેનો વ્યવહાર સમ્યક રીતે કરવામાં જ શોકભાવથી મુક્તિ, ને નિત્ય નિર્ભેળ સુખની પ્રાપ્તિ રહેલી છે. મનમાંથી જ્યાં સુધી અલ્પત્વ-મહત્વની ગાંઠો ન નીકળે, ત્યાં સુધી કદી પણ ચિત્તશુદ્ધિ નથી. ને જ્યાં સુધી ચિત્ત નિર્મળ અને નિર્દોષ નથી, ત્યાં સુધી વિષાદ, પસ્તાવા, સંતાપ વગેરેથી છૂટકારો પણ થવાનો નથી, ને હજાર બોધ-ઉપદેશો તથા વાચન કે વિચાર પણ નિરર્થક થઈ પડવાનાં છે. જેટલું સાધન રીતસર આચર્યું, તેટલું જ લેખે છે. બાકીનું બધું કેવળ અહંકાર વધારીને કલેશ પંચકના વસ્તારને બહેકાવનારૂં જ નીવડવાનું.
ૐ તત્ સત્ ।
PAGE 24
“જ્યાં વિવેક જાગ્યો, ત્યાં NO PROBLEMS !”
શરીર તથા મનના સંબંધો, જે સગપણ, સગાં-વહાલાંપણું, મૈત્રી, પ્રેમ વગેરે નામો વડે ઓળખાય છે, અને જે કેવળ ઋણ અથવા કર્મફળના નિયમના સંચાલન માટે, સાવ ખોટે ખોટાં યોજાએલા છટકાં છે, તેને સાચાં તથા જીવનનો એકમાત્ર સાર સમજીને હૈયે વળગાડવાં, એ માયાનો, જીવને કર્મફળના ભોગવટામાં સ્વેચ્છાપૂર્વક મશગૂલ કીમિયો છે. જે તેની પાછળ ડોકિયું કરે છે, તેને એ રૂપાળી ચૂડેલના વાંસામાં ધીખતી સગડી દેખાઈ જાય છે.
એ સમજી જાય છે, કે “આ બધું જ સ્થૂળ કે મનોમય, કેવળ મેં પોતે, મારી પોતાની વાસનાઓને પોષવા, કરેલી કલ્પનાઓ, તેથી મારાં જ સંતાનો છે. બલકે હું જ છું. અને, પોતાના હું થી વધીને પ્યારૂં જગતમાં કે જગતની બહાર પણ કશું પણ શું હોઈ શકે?” બધું જ ગમતું, પોતાના આત્માની પ્રિયતાને પોષતું હોવાને લીધે જ “ગમતું” છે, અને એ પ્રિયતાને પોષતું જે બંધ થઈ જાય, તેનું ગમતાપણું તે જ ક્ષણે પરવારી જાય છે.
પરંતુ લોક, માયાના ફંદામાં, એ પ્રિયત્વને આત્મભાવથી વિખૂટો પાડીને, તેના સ્થૂળ રૂપોમાં ભાસતા તેના દેખાવોમાં જોડી દઈને, દુઃખી થાય છે. પણ સ્થૂળ શરીરને, દુન્યવી નિયમો લાગુ પડે, તેની મર્યાદાનો વ્યવહારમાં લોપ ન જ થાય, એ નિયમ ત્યાં કામ લાગે છે.
પરંતુ, જ્યાં આ વ્હાલાઓમાં વહાલનું જે સાચું મારા સ્વરૂપ રૂપ પાત્ર છે, તે, અને જે સ્થૂળ આકાર એ પાત્ર સ્થૂળ વ્યવહારમાં ભાસમાન થાય છે, તે એ બે વચ્ચે “ત્યાં” વિવેક જાગ્યો, ત્યાં NO PROBLEM!…. આત્માનો પ્યાર, એ આત્માને ધારણ કરી રહેલા દેહમાં પણ પ્રવેશે જ. તેથી, તે કારણે એ દેહો પણ પ્યારા કેમ ન હોય?…. પરંતુ, છેવટનાં મૂલ્યોમાં, વસ્તુ, ને વસ્તુનું કામચલાઉ દેહરૂપી વાહન, એ બે વચ્ચેનો વિવેક વિસરાય, તે આપણને ન પોસાય!…. નાની સરખી વાત. પણ કેવી વસમી! ભલભલાં સાધકોને એ છક્કડ ખવરાવી દે છે.
તેથી, વહાલાંઓ! તમે બધાં અત્યંત વહાલાં હોવા છતાં ખૂબ સમજજો, કે એ “વહાલ” કહેવાતું તત્વ સાચું છે, ને તેને અંગે જે સ્થૂળ હોય, તે એ વહાલના વાહનરૂપે સત્ય ને પ્રિય છે, પરંતુ, પોતાને સ્થૂળરૂપે, મિથ્યા છે, એ હકીકત પરત્વે મનમાં બાંધછોડના વેવલાવેડા કરવા આત્મઘાતક છે, તે છે જ. મનોમન, પાકે પાયે ને મૂંગે મોઢે એ હકીકતને મડામૂઠથી પકડી રાખવાની છે…… આવું આવું કેટલું યે મનમાં સ્ફૂર્યા કરવું જોઈએ. એ વેદાન્તભાવ છે.
આખરે, ધર્મો, સંપ્રદાયો, ભગવાનો, દેવદેવીઓ વગેરેની કલ્પનાઓ, વિધિનિષેધો વગેરે, એક પણ અપવાદ વિના, કેવળ “આત્માની પ્રિયતા” ને, સાવ અવળી સમજથી પણ, પોખવાનાં મિથ્યા ફાંફાં સિવાય બીજું છે જ શું? એ સર્વને તેવાં ફાંફાં રૂપે પરખી લીધા વિના, એને માયા જાળનાં જ અંગો તરીકે ઓળખી લીધા વિના, કલેશભાવથી છૂટવાનો અન્ય કોઈ માર્ગ નથી. વેદાન્તની એ ઘોષણાનો ‘એ’ મર્મ છે. અને એ રીતે જ “બ્રહ્મ સત્ય, ને જગત મિથ્યા” ના જબરજસ્ત રહસ્યની ઘડ બેસે તો બેસે, બાકીની બધી વાતો પોતાને છેતરવાની પોતાની જ રચેલી ઘડભાંજો જાણવી.
ૐ તત્ સત્
PAGE 25
“ગુરૂ પૂર્ણિમા”
પ્રિય આત્મ સ્વરૂપ સજ્જનો,
પ્રારબ્ધવશાત્ અને તેનાથી પણ વધારે યોગ્ય શબ્દોમાં કહું તો, અમને પ્રિય એવા શ્રી માણેકલાલ ભાઈને કારણે, આ સાલ ગુરૂ પૂર્ણિમા મારે ખંભાતમાં કરવાનો પ્રસંગ આવ્યો છે. આપના જેવા આત્મ-સ્વરૂપો સાથે ગોઠડીઓ કરવામાં જ, આ કંઠ નષ્ટ થયો છે. છતાં, મને આપ સર્વ, મારાં બધાં જ વિવિધ સ્વરૂપો, એટલાં તો પ્રિય છો, કે આપને સંબોધવાનો લોભ છૂટતો નથી! પૂર્વાશ્રમમાં મને યતિ શ્રી મુકુન્દાશ્રમનો સંપર્ક સારો હતો, ને છેક પિસ્તાળીસ વર્ષ પહેલાં સ્વામીજી ના લેખો, રંગુનમાં ચાલતા મારા સાપ્તાહિક “બ્રહ્મદેશ” માં આવતા હતા. એવી રીતે પણ, ખંભાતના અધ્યાત્મ જીવન સાથે મારે સંપર્ક હતો ખરો. અને હવે ઉત્તરાવસ્થામાં, એનું અનુસંધાન શ્રી માણેકલાલે જોડ્યું, એમાં પણ કંઈક પ્રારબ્ધનો સંકેત તો હોય જ.
સંસ્કૃત જાણનારાઓને “બાદરાયણ સંબંધ” નામના એક ન્યાયનો પરિચય હશે જ. મારો ખંભાત સાથેનો સંબંધ તેવો ગણાય, અને એ રીતે, એ ન્યાય, મારા પક્ષે તો, સફળ થયો છે.
એક પ્રવાસી પોતાને ગાલ્લી પર સવાર થઈને લાંબી મજલે જતો હતો. ત્યાં વચમાંના એક ગામે પહોંચતાં સાંઝ પડી ગઈ, ને પછીના ગામની મજલ ઘણી લાંબી હતી. આ ગામ ઉજળું, ને સમૃદ્ધ જણાયું. બજારમાં ફરતાં, એક મોટા રઈસનું હોય એવું મકાન, એમની નજરે પડ્યું. ચતુર મુસાફરે નજીકની પાનની દુકાને ઉતરીને એ હવેલીના માલિક વિશે જરૂરી પૂછપરછ કરી લીધી, ને જાણી લીધું કે એના માલિક રાત પૂરતા પરગામ છે. કુટુંબની બધી આવશ્યક માહિતી મેળવીને એ બેધડક ઉપર પહોંચ્યા. કોઈ બાળકીએ દ્વાર ઉઘાડતાં પ્રવાસીએ એને પૂછ્યું: “બેન કુસુમ, તું તો મોટી થઈ ગઈ!” મને ન ઓળખ્યો, ફલાણા ભાઈ ઘરમાં છે ને? “તારાં બા (ફલાણાં ફલાણાં) ને કહે કે મનસુખ કાકા આવ્યા છે.” વગેરે. એણે એવી ખૂબી ચલાવી કે ગૃહિણીને ખાતરી થઈ, કે આ એમના કોઈ નિકટના સંબંધી હોવા જોઈએ, ને શરમની વાત છે કે એમને હું ઓળખતી નથી! રખે સ્વાગતમાં ઓછું પડે, તેથી એમની ખૂબ સરસ મહેમાની કરી. બીજી સવારે, શેઠ આવ્યા- એ સમજ્યા, કે પત્નીના કોઈ સ્વજન હશે. પણ પૂછાય કેમ? છેવટે, અલકમલકનાં ગપ્પાં પછી મેમાન તો થયા રવાને. ઘર માલિકને લાગ્યું, કે મારે છેવટે જાણવું તો જોઈએ જ ને, કે આ અમારામાંથી કોના, શું સંબંધી છે! તેથી, વિવેકથી પૂછ્યું: “ભાઈ, મને જરા વિસ્મરણ થયું છે તે ક્ષમા કરશો, પણ આપણો સંબંધ શું છે, એ કહેવાની કૃપા કરશોને.”
મેમાને ગાલ્લે ચઢતાં હસીને કહ્યું :-
“અસ્માકં બદરીચક્રં, યુષ્માકં બદરી તરૂઃ ।
બાદરાયણ સંબન્ધાત્, યુર્ય યુયં વર્ય વયમ્ ।।”
“ભાઈ મારી ગાલ્લીનું પૈડું બોરડીનું છે, ને તમારા વાડામાં બોરડીનું ઝાડ છે. આવો બોરડીનો આપણો સંબંધ! બાકી આપ આપ છો, ને અમે અમે છીએ.- કંઈ લાગે કે વળગે!” એવો સંબંધ ગોઠવીને હું પણ તમારી મેમાનગતિ મેળવવાની યુક્તિ કરી રહ્યો છું! અને તે, મારે પક્ષે તો, સફળ થઈ છે, ને થયા કરે છે! લોકમાં વિનયપૂર્વક કહેવાય છે, કે “આપનાં પગલાં અમારે ત્યાં ક્યાંથી? પણ હું તો એમ કહેતો આવ્યો છું કે “અમારાં પગલાં તમારે ત્યાં ક્યાંથી!” છતાં, આપ સજ્જનો છો. યુગો થયાં આપની કાયાઓમાં સનાતન ધર્મવૃત્તિ જામેલી છે. ને સંન્યાસીની ભગવી ચીંદડી આપને પ્રિય છે. તેથી આપ આવા પ્રેમથી આ સંન્યાસીને વધાવી રહેલાં છો. આપણો આ સંપર્ક વિકસે, એવી ઈચ્છા સાથે, આપ સર્વને નારાયણ સ્મરણ.
ૐ તત્ સત્ ।
PAGE 26
“ઉપાસના – જ્ઞાનનું યુગલ”
ઈશ્વરની આરાધનાના બે પાસાં, સંસાર – પ્રવર્તક વિષ્ણુતત્વ અને સંસારભાવ નિવર્તક શિવતત્વ, અર્થાત્ ઉપાસના – જ્ઞાનનું યુગલ. જે વડે જીવન સાર્થક બને, ને જે ક્રમે જ માનવતા પૂર્ણત્વમાં પહોંચે. પ્રથમનો તાગ લીધા વિના અન્યમાં પહોંચ નથી.
“નાચે માયા, અચર-ચર બધાં ભૂતનાં વૃન્દ નાચે,
ને તે મધ્યે શિવ સ્ફટિક શાં શાન્ત ને સ્વસ્થ રાજે.
દેગ્યાતે એ ત્રિગુણ પ્રભવે રક્ત, ને શ્વેત શ્યામ,
ને દેગ્યાતે શબલ શમવે ૐ ગુરૂ બ્રહ્મનામ!”
સંપૂર્ણ સ્થૂલ- સૂક્ષ્મ સંસાર પાંચ “ભૂતો” ની રચના છે, તેમનાં મિશ્રણો છે. એ જ મહાદેવનાં “ભૂત”. ને એ સર્વનો સ્વામી કહેવાય છે ભગવાન ભૂતનાથ, અર્થાત્ કેવળ જ્યોતિર્મય, મંગલમય, ચૈતન્ય તત્વ, સચ્ચિદાનંદ. એ ભૂતોની આખી સરજતરૂપી પારાવાર માયિક ભૂતાવળ, તે આ જગત, ને સંસારી ભોગભાવની નાનાવિધ લાગણીઓ, કુણીકુણી કહેવાતી ઉર્મિઓ. એ બધું અવિદ્યામુલક કલ્પનાઓનું ત્રિગુણમય જૂથ. એ જ પરમેશ્વરનું, “વિષ્ણુ” ઉપરાન્તનું બીજું જે ત્યાગજ્ઞાન પાસું શંભુ, તેની પ્રેરણાથી જ, એટલે કે “જીવ” માં સદૈવ વિરાજમાન મંગલમય ચિત્ (ચૈતન્ય) અંશની રજામંદીથી જ ભાવોની એ બધી નાચકૂદ પણ થાય છે. જ્ઞાની જીવાત્મા તે બધાથી અલિપ્ત, સ્વયં શિવસ્વરૂપ સ્વ-સ્થ સાક્ષી બનીને વિરાજે છે, મન ફાવે ત્યારે એ ખેલ થવા દે છે, ને મન ફાવે ત્યારે સંકલ્પ માત્રથી તેને સંકેલી પણ લે છે. જેને પોતાને કશું ન જોઈએ, એવો એ સર્વસંપન્ન માલિક છે. મહિમ્ન સ્તોત્રની કડી યાદ છે, “ન હિ સ્વાત્મારામં વિષય મૃગતૃષ્ણા ભ્રમયતિ” વાળી?
“સતિ મૂલે તદ્વિપાકો જાત્યાયુર્ભોગઃ” એ યોગસૂત્ર જાણે છે? “અવિદ્યારૂપી જડ વિદ્યમાન હોય ત્યાં તેનો વિપાક જન્મ, જીવન અને ફળભોગ (દેહાધ્યાસનો વળગાડ) જ હોય! પરંતુ “વસ્તુ” નું હાર્દ સમઝાતાં આસક્તિ ગુમ! ગુલામી ગઈ, ને સ્વામિત્વ આવ્યું! બધુંયે કરતા કારવતા જેવા છતાં સાવ અલિપ્ત! કમળ કીચડમાં પ્રકટે, જળમાં જ વધે, વિકસે ને ફૂલે ફાલે. છતાં તેના પાંદડા જળનો પોતાને સ્પર્શ પણ ન થવા દે, ને રૂપે રંગે પોતાની જનેતા કીચડ-માયા કરતાં કોઈ અળગાં વિલક્ષણ સ્વ-રૂપ સુગંધ જ ધરે, એવું!”
“ખરો મનોનિગ્રહ, તે મનને આકાર આપવો તે, મનન કરે તેથી માનવ. મનન મન વડે જ થાય છે. તેથી, માણસાઈ કે પશુતા એનો સઘળો આધાર મનનો આકાર છે.”
“પ્રત્યેક ઘટના, હરએક પ્રસંગ, દરેક વિષય – એ બધાને ખંતપૂર્વક અધ્યાત્મમાં વાળ્યા કરવાં, ને આપણા હિતમાં જે ન નીવડે તેને તત્ક્ષણ ટાળ્યાં કરવાં, એ સુખી જીવનની કળા છે.”
“મનમાંથી જ્યાં સુધી અલ્પત્વ – મહત્વની ગાંઠો ન નીકળે, ત્યાં સુધી કદી પણ ચિત્તશુદ્ધિ નથી. જેટલું સાધન રીતસર આચર્યું. તેટલું જ લેખે છે.”
“મન નવરૂં પડે ત્યારે જ તેના ઉપર જોર કરવા પ્રકૃતિને મોકો મળે છે. ખૂબ અંતર્મુખ, નિરહં અને તટસ્થ દ્રષ્ટા બનવા મથો.”
ૐ તત્ સત્ ।
PAGE 27
“ઈશ્વરીય યોજના”
“કૃષ્ણ પદમાં” “કૃષિર્ભૂવાચકઃ શબ્દઃ નસ્તુ નિર્વૃત્તિવાચકઃ!”
(કર્ષૂનો અર્થ છે સત્, ને ણ છે વૃત્તિશૂન્ય ચિદાનન્દનો વાચક,
અર્થાત્, સર્વમાં રહેતો ચૈતન્ય પુરૂષ.)
ત્રિનેત્રધારી શિવ જ્ઞાનરૂપ છે, ને જ્ઞાન છે જ્યોતરૂપ. તેની કૃતિ જ્વાળાના શિખરને આકારે છે. તેની સાચી પૂજા જ્યોતિરૂપે ઘટે, – જો જ્ઞાનનો, પૂજાવિધિ કરવાનો જ હોય તો. પરન્તુ દીપક કેટલો સમય ટકે? તેથી, દીર્ઘકાળ સુધી ટકી શકે તેવા દીપકને વધારેમાં વધારે સદેશ પદાર્થ, એટલે કે ચમક અને નિર્મળતાનાં લક્ષણો, સ્ફટિકમાં હોવાથી, તે લક્ષણોના ધૌતક તરીકે સ્ફટિકની યોજના છે. પરન્તુ એ મૂલ્યવાન વસ્તુ સર્વને સહેલાઈથી ન મળી શકે. તેથી પવિત્ર નર્મદાના કંકર પણ શંકરની સંજ્ઞા બની શકે, કે જે કંકર હજારો બલકે લાખો વર્ષોના જળઘર્ષણને લીધે સ્વયંભૂપણે યથેચ્છ બ્રહ્માંડાકાર ધારણ કરી રહેલા હોવાથી, માનવકૃત છીણી-હથોડી વડે તેનું ઘડતર નથી થતું. શિવત્વ – આત્મતત્વ સ્વયંભૂ છે. એની યાદ કરાવવા માટે આ યોજના જાણવી. એ આશયથી દૂરંદેશ દયાળુ આચાર્યોએ આ સવડ કરી આપી છે.
શિવત્વ કેવલત્વ છે. તેમાં નાનાત્વ હોઈ જ ન શકે. સમગ્ર જગતનો પ્રત્યેક પદાર્થ શિવત્વ સંજ્ઞક છે. શિવલિંગ સ્વયં બ્રહ્માંડાકારે એ અભેદનું ચિહ્ન છે. બધું જ તેમાં ઓગળીને એકરસ થઈ જાય છે. લંબગોળાકારમાં સર્વ આકારો નિગૂઢ છે જ – જેમ શિવસંજ્ઞક શ્વેત-વર્ણમાં સર્વ વર્ણો નિગૂઢ છે. વળી એ પણ કલ્પના વાસ્તવિક છે કે શિવલિંગ મહાદેવજીના વાસ તરીકે પ્રસિદ્ધ કૈલાસ પર્વતની પ્રતિકૃતિ છે, ને કૈલાસ છે બ્રહ્માંડનો સંકેત, કે જેમાં સચ્ચિદાનંદ આત્મતત્વ ઓતપ્રોત છે. પ્રાકૃત જીવો માટે, ઉપાસનાના અમુક એક જ રૂચિપ્રાપ્ત પ્રકારને વગર વિચાર્યે વળગી રહેવાની ધૂન બરોબર છે. અને માણસ જાતનો લાખમાંથી ૯૯,૯૯૯ જણ જો અતિપ્રાકૃત ન હોય તો આ સંસાર જે પ્રમાણે ચાલતો દેખાય છે તે પ્રમાણે તે ચાલતો હોય જ કેવી રીતે?
જીવન કંઈ સડતું જડ ખાબડું નથી. એ છે વહેતી, પોતાનાં મીઠાં જળને નિત્ય તાજાં રાખતી સરિતા. તેને છેવટે તો પરમાત્મ-સ્વરૂપ સમુદ્રમાં પહોંચીને સ્વયં સમુદ્ર થઈ જવું છે. નામરૂપને ભૂલીને પૂર્ણત્વ જ બનવું છે. એ જ છે એના આમૂલ મુખાન્ત વહનની સત્ય સાર્થકતા, નહિ કે માત્ર વહેવા ખાતર નિર્હેતુક વહ્યા કરવામાં.
મૂળ વસ્તુ શ્રદ્ધા છે. એ જ છે માનવીનું ખરૂં રૂપ, ક્યાંક પણ નિષ્ઠા કર્યા વિના કોઈ જીવને સ્વસ્થતા નથી મળતી. આત્મોત્ક્રાન્તિના અટલ નિયમાનુસાર, જીવાત્માની ગતિ સરવાળે પરમ સત્ય પ્રતિ, પૂર્ણત્વ પ્રતિ જ રહે છે, તે લક્ષ્યને પામતાં સુધી એને કદીયે ચેન પડવાનું નથી, નિરાંત વળવાની નથી. આપણા પૂર્વકૃત કર્મોને કારણે આપણને અમુક બાહ્ય અ-સ્વસ્થતાઓનો અનુભવ થાય, એ આપણને ચેતવવાની ઈશ્વરીય યોજના છે. અને તે સંપૂર્ણ રીતે ન્યાય પુરઃસર છે. ઈશ્વર જેમ કરેલું ભોગવાવ્યા વગર છોડતો નથી, તેમ ન કરેલું એ કદી કોઈને ય ભોગવાવતો નથી. એવો એ અટલ રીતે ન્યાયી છે, અને એ પાર વગરનો દયાળુ છે, કેમ કે ગમે તેવી અસહ્ય ભાસતી સ્વશરીરની, મનની કે બહારની કોઈ પણ કારણે ઉપસ્થિત થતી આધિ-ભૌતિક – આધિ-દૈવિક ઉપાધિઓને ચોક્કસપણે સહીને જીરવી જવાની શક્તિ આપે છે, ને અ-ફર આપે છે જ. એવી મહેરબાની કરવાનું ઈશ્વર સિવાય બીજા કોનું ગજું હોઈ શકે!

આ ઈશ્વરીય યોજનાને લક્ષમાં રાખવામાં આવે, અને સતત કષ્ટરૂપ લાગતે દરેક પ્રસંગે એનું સ્મરણ રહે, તો તરત જ અડધો ભાર જીવ ઉપરથી ઉતરી જાય. પરન્તુ કષ્ટના પ્રત્યેક પ્રસંગે, અથવા જ્યારે કષ્ટ સતત ચાલતું હોવાનો ભાસ થતો હોય ત્યારે યે સતત રીતે, આ ઈશ્વરીય યોજનાનું અને તે સાથે ઉપર ટાંકેલા ભગવત વાક્યનું સ્મરણ ક્યારે રહી શકે? જો નિત્ય નિત્ય એ બાબતનું રીતસર સવારસાંઝ મુક નિયત સમયે અમુક નિયત સમય સુધી એકાન્તમાં બેસીને શ્રદ્ધા તથા વિનમ્ર નિરહંભાવથી પ્રણિપાત પૂર્વક મનન ધ્યાન કરવામાં આવતું હોય તો જ. તેથી તો ગીતામાં “યો માં સ્મરતિ નિત્યશઃ” એમ નિઃસંદેહ શરત રાખી છે. એને એ તો, નહિ તો યે, વ્યવહારની અનુભવસિદ્ધ હકીકત છે ને, કે જેનું ચિન્તન વધારેમાં વધારે થયા કરતું હોય, તે જ મનમાં જ્યારે ને ત્યારે સામે આવ્યા કરતું હોય! તેથી તો હું જપ-ધ્યાનને આટલું મહત્વ આપું છું, કેમ કે અધ્યાત્મનો એ જ આધાર મને લાગ્યો છે.
એવી ભાવનાપૂર્વક પણ માત્ર સવાર સાંઝ બે વખત બેસી લીધું એટલે કામ સરી ગયું, એવું યે નથી જાણવાનું. પણ તેવા નિયમિત મનન-જપની ભૂમિકા ઉપર, આખો દિવસ ચિત્તની વૃત્તિ તેની ભાવના સહિત, જપના મંત્ર તથા તેની પાછળની શ્રદ્ધા નિષ્ઠા તરફ જ વળેલી રહ્યા કરે, તેવો નિરન્તર પ્રયત્ન થતો રહેવો જોઈએ. કામકાજથી જરા પણ નવરા પડ્યાં, કે તરત, ચિત્તને અન્યત્ર ક્યાંય પણ ન વિચારવા-સંચરવા દેતાં, કશા પણ અનાત્મ વિષયના વિચારમાં ન વળવા દેતાં, તરત જ જપમાં તથા ઉપર કહેલી વૃત્તિમાં તેને દૂબાડી દેવું જોઈએ. એમ કરવામાં મુખ્ય હેતુ તન તથા મનની, તેમ જ બહારની પણ, બધી પ્રવૃત્તિઓને દ્રષ્ટાભાવે જોવાની ટેવ પાડવાનો છે. જ્યારે જ્યારે અને જેટલી જેટલી વાર મન ત્યાંથી ખસે ત્યારે ત્યારે અને તેટલી તેટલી વાર તેને પ્રેમથી ને ધીરજથી પાછું ઠેકાણે લાવવાની આપણી નિત્ય નિયમિત રમત થઈ પડેલી હોવી જોઈએ.
કાળનો આપણને તોટો નથી. આપણી કસોટી કોઈ નથી કરતું. –ઈશ્વર તો નહિ જ. એ તો આપણે જ આપણે માટે ઊભો કરેલો મસાલો અને ભોગનો સામાન છે, હાથે કરીને વીંઢારેલો છે. તેને ભોગવીએ, તેમાં કોઈના ઉપર આપણે સપાડું નથી ચડાવતા. પ્રભુ તો કોઈની, કદીયે કસોટી નથી કરતો. ઉલટા જાણે કે આપણે એની જ્યારે ને ત્યારે કસોટી કરતાં હોઈએ છીએ! એ તો પરમ દયાળુ છે. એની મરજી વિરૂદ્ધ, પરાણે, આપણાં કારસ્તાનો વડે, આપણા માટે બધી જાતના ભોગ ગોઠવવાની ફરજ પણ એને પાડીએ છીએ, ને પછી સામા ત્રાગું કરીએ છીએ! માટે “ભગવાન કસોટી કરે છે” એમ કહેવું ખરૂં કેમ હોય? ભગવાન તો ફક્ત, આપણે ઊભાં કરેલાં ભૂતોનાં આક્રમણોને સહન કરે જવાની શક્તિ, તથા હવેથી ચેતીને તેના ભલા નિયમોનું સરખી રીતે અનુસરણ કરવાની સદબુદ્ધિ આપવા સિવાય બીજું કશું જ નથી કરતો. છતાં આપણે ન માનીએ, તો કોઈ તેમાં શું કરી શકે? વળી આપણને એક એવી અણમોલ વસ્તુ આપી છે કે જેના રૂડા પ્રતાપે આપણે ભયંકર સંસાર-સાગરને નિરાંતે હસતા હસતા તરી શકીએ છીએ- જો સાચેસાચ જ આપણી તેવી ઈચ્છા હોય, તો એ વસ્તુ કઈ? આપણા જ તન-મનનાં નખરાંને, છોકરાનાં તોફાનની જેમ, સાક્ષીભાવે જોતા, તપાસતા, મૂલવતા અને એની અનિત્યતા સમજીને તેને તરત ડીસમીસ કરતા રહેવાની તટસ્થ વિવેક-બુદ્ધિ. પરન્તુ એ મોંઘી ભેટને આપણે પડી પડી સડવા દઈએ છીએ. છેવટે એ ઉવેખાઈ, વિસરાઈ જાય છે, ને છતે ધને આપણે કાંગલા રહીએ છીએ.
પ્રભુ તો તેને જ સહાય કરે છે જે પોતાની જાતને મદદ કરવા સંનિષ્ઠાથી મહેનત કરે છે, બીજાને નહિ. અને, અધ્યાત્મ ગ્રંથોનું મનન પૂર્વક નિત્ય વાચન એ તો સ્મરતિ નિત્યશઃ ના નિર્ણયના પાલન માટેનું સાધન છે. ઘણું જ બલવાન સાધન છે. ધૈર્ય અને ઉત્સાહથી જપ, ધ્યાન, મનન ને વાચનમાં લાગ્યા રહેવું, તેમાં જરાપણ પ્રમાદ કે આળસ ન કરવાં. પ્રમાદ=કામ બેધ્યાનપણે, ભૂલ પડે તેવી રીતે કરવું તે. અને આળસ =મનને ગમે તે બહાનાં કાઢવા દઈને કામ માંડવામાં વિલંબ કરવો, અથવા ન કરવું, તે. પ્રભુ તમારો ખૂબ સહાયક હો. હો શા માટે? છે જ. એનું એક જ બીઝનેસ છે.
ૐ તત્ સત્ ।
PAGE 28
“દુર્ભાવ”
દુર્ભાવ એટલે ખરાબ હોવાનો. અ-સત તથા દુષ્ટ હોવાનો ભાવ. ભાવ એટલે મનમાં ઉપજતો અભિપ્રાયાત્મક વિચાર. બસ, જો એવો પ્રશ્ન પૂછવામાં આવે, કે એવી કઈ વસ્તુ છે કે જેને છોડવાથી સંપૂર્ણ દુઃખ છૂટી જાય? તો એનો ઉત્તર છે. “દુર્ભાવ”….. વિચારી જો જો હો. તરત જ સમજાય એવું નથી. પણ જો યોગ્ય રીતે તટસ્થ વૃત્તિથી વિચાર કરવામાં આવશે, તો તરત જ તેની વિસ્મયકારક સર્વગ્રાહિત ઉપસી આવશે. તેથી – “કોઈ પણ સંજોગોમાં, કોઈના પણ પ્રતિ, કશાના પણ પ્રતિ, “દુર્ભાવ” ન જ કરવો.”
દુર્ભાવ દુર્ભાવ સિવાય બીજું કશું જ નીપજાવી શકતો નથી, બલકે પોતાના જેવા ભાવને તો તે ખાંતે કરીને પુષ્કળ માત્રામાં ઉપજાવ્યા વિના રહેતો નથી. આવું જાણવા તથા ખરા મનથી માનવા વડે જ મન શાન્તિ પામે છે, બીજી રીતે નહિ. ઈશ્વર જે સમયે જે ‘કરે’ છે – કરતો હોય એવું આપણને લાગે છે, તે સંપૂર્ણપણે યોગ્ય અને આપણા હિતાર્થે જ હોય છે. આપણી કર્માનુસારિણી બુદ્ધિ ઘટનાનું તેવું રહસ્ય ન સમજી શકે તો તેનું કારણ તેવી આપણી નહિ કસાયેલી, નહિ શુદ્ધ થયેલી બુદ્ધિની મર્યાદા છે. ઈશ્વરની ભૂલ નહિ.
અને આવું જાણનાર – માનનાર – કરનારને શા માટે આનંદ ન આવે? જગતમાં બધું જ અનિત્ય, નાશવંત, ક્ષણે ક્ષણે બદલાયા કરવાના સ્વભાવવાળું છે, એમ સારી રીતે મનમાં ઘડ બેઠા પછી, કશાનો યે હરખ-શોક શા માટે થાય જ છે? બધું તટસ્થ ભાવે જોવાની અને કરવાની ટેવ આપણે પાડવાની છે.
વખત વસમો છે જ. આ સંસારમાં એવો કોઈ પણ કાળખંડ નથી હોતો કે જે કોઈવાર બહારથી ખાસ્સો મજાનો ભાસતો છતાં પરિણામમાં વસમો ન હોય. તે છતાં, દર વખતે, જે સમયે, જે સંજોગો હોય, તે સંજોગો તે સમયે મોટે ભાગે વસમા જ લાગતા હોય છે. – “પહેલાં કદી નહોતા એવા” વસમા લાગે છે. કેમ કે, વર્તમાન હમેશાં આંખને ભરી દે છે ને ઘણું મોટું લાગે છે, અને ભૂતકાળ થોડી થોડી કાલસહજ વિસ્મૃતિને લીધે ઝાંખું થતું જાય, એ કુદરતની, એટલે કે માયાની મોહક ખૂબી છે.

“કોઈનો વાંક જોતે કે કહેતે મનમાં તેના પ્રતિ દુર્ભાવ તો લગીરે ન હોવો જોઈએ.”
“સંસાર, અને તેનો સંપૂર્ણ વ્યવહાર સત્ત્વ-રજ-તમનું જ માળખું છે. સંપૂર્ણ દુઃખશોકભાવથી જીવતાં જીવત જ છૂટી જવા ઈચ્છનારે, સંસાર સાથે યથોચિત વ્યવહાર કરતા રહેવા છતાં અંતરથી તેનાથી અલિપ્ત રહી, સુખદુઃખાદિ સંતાપકારી ભાવયુગલોથી પર બનવાની આવડત પ્રાપ્ત કરી, યોગક્ષેમની તૃષ્ણાઓને ઉરાડી દઈ, તે સર્વની પાછળ રહેલી નિત્ય આત્મ વસ્તુને પકડી લઈને, એ નિત્ય આત્મતત્વના અનુસંધાનમાં જ પોતાના સત્ય નિશ્ચયને જોડેલો રાખવો ઘટે.”
“યોગક્ષેમ” = યોગ = અપ્રાપ્ત પદાર્થની પ્રાપ્તિ, ને ક્ષેમ = પ્રાપ્તનું સંરક્ષણ. છેવટે બાકીમાં તો, જે થવાનું હોય તે જ થાય છે, ને ન થવાનું હોય તે નથી જ થતું?”
“સાચા પાયાના જ્ઞાનની હાજરીમાં દુઃખ – શોકને લવલેશ પણ સ્થાન નથી. તેથી, આત્મજ્ઞાન મેળવવું, એ જ મનુષ્યત્વનું મુખ્ય કર્તવ્ય અને માણસાઈનું લક્ષણ છે.”
ૐ તત્ સત્ ।
PAGE 29
“સાંબેલું વગાડે તે સંત ”
અને જો ‘કસોટી’ થવાપણું જીવનમાં ન હોય, તો આત્મા તરફ ચિત્ત વળે જ શા માટે? તેથી, કાળા નાગના માથામાં રહેલો એ મણિ છે. એ મણિ મળે ક્યારે? એ તો, મણિધર મોત મહારાજના મુકાબલાનો પ્રસંગ આવે ત્યારે જ તો! “જગતની ઉપેક્ષા જેટલા પ્રમાણમાં, તેટલા પ્રમાણમાં આત્માની અપેક્ષા ઉપસે છે.”
બધું જ ક્ષણભંગુર છે. વહાલાંઓ! કાલ ઊઠીને સારૂં ને નરસું, બધું જ “ભૂત” બની જવાનું છે. ત્રણ ગુણો – દોરડીઓ – વાળી માયાના ખેલ છે, ખોટા છે. અંતઃકરણ સત્ત્વગુણમાંથી ઉપજેલું છે. એટલે કે તે જ્યારે સમાહિત હોય ત્યારે સત્વપ્રધાન હોઈ, પ્રકૃતિના રજ-તમ ગુણો તેમાં તિરોહિત એટલે કે દબાયેલા રહે છે.
જગતના મોહરૂપી સંસારી ભાવો એટલે કે જીવભાવ જાગ્રત થતાં જ એ રજ-તમ ગુણોને ઉભરાઈ પડવા અવકાશ મળે છે. ને કેવળ તમમય સ્થૂલ શરીર તથા તે દ્વારા વિષય સમૂહોમાં એ ધમાચકડી કરી મૂકે છે. એ બે ની દોડ એટલે સુધીની જ છે. તેમને એમ બહાર દોડવા દેવા, ને સત્વસ્થ અંતઃકરણને તેની અસર પહોંચવા દેવી નહિ. એ હકીકત જ “ગુણો ગુણોમાં વર્તે છે.” “ઈન્દ્રિયાર્થોમાં રમે છે.” વગેરે ગીતા વચનો સમજાવે છે. અને એ સ્થિતિ, તે છે સાક્ષીભાવ, પામર હિનતાનો ભાવ, મુક્તભાવ. અને એ જ છે જ્ઞાન. જો ચિત્ત જગતના એ જૂઠા વ્યવહારની જૂઠી ચડ-ઉતરમાં લાગી ગયું, તો એ પણ પાર્થિવ બની જાય. અને જો તેમ થાય, તો પરમાર્થ રહી જાય એક કોરે, કેમ કે, ચિત્ત એક સાથે એક જ કાળે બે કામ કરી શકતું નથી. સંપતમાં, એટલે કે અનુકૂળ સંજોગોમાં તો સહુ કોઈ સરખા રહી શકે. પરંતુ વિપત્તિમાં તેવો રહે, તે કહેવાય પુરૂષ. “સાંબેલું વગાડે તે સંત” અમે તો સાંબેલું વગાડતા શીખવનારા તથા શીખનારા છીએ!
દુન્યવી આપત્તિઓ આવતાં મનને દુઃખ કેમ ન થાય? એ તે હૈયું છે કે પથરો!…. મારૂં હ્રદયપણ ખાસ્સું દ્રવે…. પારમાર્થિક દ્રષ્ટિએ વિચારતાં તો કશું કહેવાનું નથી, પરન્તુ સાદી સીધી વ્યાવહારિક સમજ – કોમન સેન્સ – પણ કહે છે કે ઈશ્વર જે કરે છે, તે અવશ્ય આપણા આધ્યાત્મિક શ્રેય અર્થે જ હોય છે. અને, નહિ તોયે, જગત અને સંસારના મૃગજળ માટે શોચ – અફસોસ કરવા સુજ્ઞને ધટતા નથી, એવી હાડોહાડની માન્યતા હોવી, એ લક્ષણ શ્રદ્ધા કહેવાય છે. અને જીવનની બાજી મારી જાય છે, શ્રદ્ધાવાન જ, એ ચોક્કસ છે. માટે સંસારમાં સીઝાઓ, બળો, સળગો,…. ને અંતરમાં સ્વસ્થ, સ્વરૂપસ્થ, શાન્ત રહી જાણો! દુઃખભાવ સાથે અભ્યાસમાં પ્રગતિ કદી બની શકે નહિ, એમાં મીનમેખ ન જાણજો.
જગતના વ્યવહારનો એવો નિયમ છે કે સંતોષ પ્રગતિને રોકે છે, ને અ-સંતોષ જ સર્વ દુન્યવી – પાર્થિવ – મટીરીયલ પ્રગતિનું મૂળ છે. અને તેથી તે ઉપાદેય એટલે કે ધારણા કરવા યોગ્ય વસ્તુ છે. અને અધ્યાત્મ – સ્પિરિચ્યુઅલ – ક્ષેત્રમાં, સંતોષ ઉપાદેય છે. પણ સંતોષના અર્થાન્તરો અહીં વિચારણીય છે. જો પાર્થિવ અસંતોષની સાથે આધ્યાત્મિક અસંતોષ પણ રહેતો હોય- અને ઓહો! આ સહયોગ કેટલો બધો વ્યાપક છે. સહ્રદયથી પરન્તુ અધકચચરા શ્રેયસ સાધકોમાં! – તો બે નો ચાલે ગજગ્રાહ, ને બંને બગડે. પરન્તુ, આધ્યાત્મિક અસંતોષ ન હોય, એટલે કે એ દિશામાં ચિત્ત જતું ન હોય, તો જ ચિત્ત ફક્ત પાર્થિવ અસંતોષને પકડીને પાર્થિવ પ્રગતિમાં મશગુલ રહી શકે. કેમ કે ચિત્ત બે પરસ્પર વિરોધી વ્યવહારો એકસહ સફળતાથી ન કરી શકે.
ૐ તત્ સત્ ।
PAGE 30
“એ તો ઢેડવાડે ગયા છે.”
નીચે સરકવું સહેલું છે, ઉન્નયન અઘરૂં છે. નીચે પડવું, વિષયોને સ્મરવા, એ બધું જીવને સ્વાભાવિક અને તેથી સહેલું છે, કેમ કે તેમ કરવામાં જન્તુને કશી મહેનત નથી પડતી. વાણીનો દાખલો લ્યો. એ વગર તકલીફ આપમેળે નીચાણ તરફ જ ઢળે છે, ને ઉપર ચડતાં એને દોહ્યલા થઈ પડે છે. જે પ્રમાણે વર્તવામાં જરાયે તકલીફ ન પડે, બલકે સહજે બને, તે સ્વભાવ. એ પુરૂષાર્થ નથી. વિષયો યાદ આવવા, ને તેને સેવવા, એ વાસનામય જીવનો સ્વભાવ છે. કારણ કે કર્મફળ ભોગવવા માટે ને શબ્દ-સ્પર્શ-રૂપ-ગંધ હજારો વિષયો પરત્વેની વાસનાઓની તૃપ્તિ માટે તો જીવે સ્થૂલ શરીર વેઠે પકડ્યું છે. એ બધા જીવાર્થ છે. પુરૂષાર્થ તો છે, તેનાથી પર થવામાં.
જ્યાં માનવીનું ચિત્ત હોય, જ્યાં તેની ‘લગની’ અર્થાત્ લાગવાપણું બને, ત્યાં જ તે માનવી ખરેખર હોય છે, નહિ કે માત્ર જ્યાં સ્થૂલ કાયા હોય ત્યાં જ. જ્યાં ચિત્ત ન હોય ત્યાં શરીર છે. પણ તે નથી હોતો. ‘એ તો ઢેડવાડે ગયા છે’ એવું પોતાના પૂજામાં બેઠેલા પતિ વિષે જે તેની રહસ્યજ્ઞા પત્નિએ કહ્યાની વાત છે, તે માત્ર હસવાની ગપ ન જાણશો. પેલું જારિણી સ્ત્રીનું દ્રષ્ટાંત યાદ હશે. તેથી તો લોક કહે છે કે ‘મારો જીવ આમાં ભરાણો છે ને તેમાં નથી ખૂંપતો, ને ફલાણામાં ગયા વિના નથી રહેતો’ વગેરે. તેથી, સાધનાની બધી ખૂબી એ જીવને ભરાવવામાં, ઘુસાડવામાં છે. જીવને યથા યોગ્ય વિષયમાં ભરાવી જાણવો. ભરાવ્યા પછી તેને ત્યાં જ ભેરવેલો રાખવો. ખૂંટી બદલવી નહિ. નહિ તો, જો ખોટી ખીંટીએ ચઢી જશે, અથવા ખીંટી –ખૂંટા-આધાર વિનાનો નોંધારો રખડી પડશે, નિરર્થક.
ગમે તેમ થાય તો પણ, જીવડાને આત્મખીલેથી ખસવા દઈશ નહિ. એ તો ટેવ પાડવાની વાત છે, જૂનીને કાઢવી, ને નવી થાપવી, એ જીવનની મામુલી વિષયોને લગતી ટેવોની બાબતમાં પણ કેટલું અઘરું લાગે છે? ને આ તો રહ્યો ભવોભવની ટેવોનો મામલો! એ જ છે જીવનને જીવવાની તથા જોગવવાની કળા, ‘ગીતા’ બાપ એક. જીવ એક. મા એક. સદગુરૂ એક. આત્મા એક. (યાજ્ઞવલ્ક્યે મૈત્રેયી આગળ વર્ણવેલો) પ્રિયતમ એક…. એમ, ખરેખરી મહત્વની વસ્તુ એક જ હોય, વ્યભિચારી નહિ. જ્યાં બે કર્યા, ત્યાં વ્યભિચાર થયો. એક જ હોય, ત્યાં સતીત્વ-સત્ હોવાપણું, સત્ય હોવાપણું, સાચું હોવાપણું. ”અ તો અન્યદાર્તમ” (તે સિવાયનું બીજું બધું જૂઠું.)
નિન્દા એટલે, કોઈને વખોડવું, કોઈનામાં અવગુણોનું આરોપણ કરવું. નબરૂં જોવું-કહેવું તે. કોઈનીયે ખોડ કાઢનારે પ્રથમ પોતાની ખોડોનો હિસાબ બરોબર લઈ લઈને એને નિર્દયપણે દૂર કરવાની આવડત કેળવેલી હોવી જોઈએ. ને કોઈનો વાંક જોતે કે કહેતે મનમાં તેના પ્રતિ દુર્ભાવ તો લગીરે ન હોવો જોઈએ. આપણને કોઈની ખોડ કે દૂષણ જેવું જણાય, ત્યારે એ યાદ રાખવું જોઈએ કે પ્રત્યેક માનવી કેવળ પોતાના સંસ્કારથી જ પ્રેરાઈને વર્તે છે. મારાથી ઈતર કોઈ મનુષ્ય કંઈ એવું કહે કે કરે, કે જે મને ન ગમતું હોય, તો તરત હું તેનો ‘વાંક’ કાઢું ને દુષ્ટ હેતુનું આરોપણ કરૂં. ને બીજાને ન ગમે અથવા નડે એવું હું કરૂં, તો એ મારા પરત્વે તેવું કરે, એ પ્રાકૃત માનવ સ્વભાવ છે. જેનામાં સાધનશુદ્ધ સાક્ષીવૃત્તિ પ્રકટેલી હોય, તે જ સામા માણસની જગાએ પોતાને મૂકીને પછી જ તેના કર્યા-કહ્યા વિષે જે કહેવું હોય તે કહે. બાકી, ખરૂં જોતાં સંસારમાં કોણ કોનો વાંક કાઢવાનો અધિકારી છે? IF ALL GOT THEIR DESSERTS, WHO’D ESCAPE WHIPPING. એવું કંઈક શેક્સપીયરના એક નાટકમાં કહેવાય છે તે કેવું સાચું છે.
ૐ તત્ સત્ ।
” મેં એવું કશું પણ કર્યું નથી કે જે અન્ય કોઈએ મારાથી વધારે સારૂં ન કર્યું હોય. હું એવું કશું અત્યારે કરતો નથી કે જે મારાથી, વધારે સારૂં અન્ય કોઈ કરતું ન હોય. હું એવું કશું કરૂં એવો સંભવ નથી કે જે બીજાં કોઈ ને કોઈ મારા કરતાં વધારે સારૂં નહિ જ કરે. જો એમ જ છે, તો પછી મારે ફિશિયારી શેના ઉપર કરવી?
એ પણ સ્મરણમાં રાખવું ઉચિત છે કે પોતે જે કર્યું હોય તેની બડાઈ કરવી એ માત્ર લોકેષણા છે. વખાણ કરવાથી છાની છપની પણ એ લાલચ છે. માટે ખાસ કરીને સાધક માટે એનું ઉન્મૂલન જરૂરી છે. સાધક માટે વિશેષ મહત્વનાં છે. ”
PAGE 31
”ખરો મનોનિગ્રહ, તે મનને આકાર આપવો તે. ”
કોઈની ટીકા ટીપ્પણી થાય, એ શું માનસિક ઘર્ષણ નથી? અને શારીરિક અથડામણો શું માનસિકના જ પડઘા નથી હોતા? જે મનથી કર્યું, તે શરીર વડે ન કરી શકાય તોયે, તેનું ફળ તો તેવી રીતે કર્યા બરાબર નથી હોતું? ઘર્ષણનો અર્થ તન અને મન, ઉભયને લાગુ પડે છે. જો કોઈની ખોડની વાત નીકળે, ત્યારે આપણે સાથોસાથ તેના ગુણની પ્રશંસા કરવા લાગીએ, તો તે ટીકા કરનારૂં માણસ ભોઠું પડે. જો આન્ય વિષે વિચાર કરવા જ હોય, તો તેના ગુણના કેમ નહિ? દોષના જ કેમ? અને જેનું ચિન્તન કરીએ તેવા આપણે પણ થઈ જઈએ એ હકીકત શું ઓછી પ્રસિદ્ધ કે ઓછી સાચી છે?
જીવન-ક્ષીરસાગરમાં પડ્યાં છો? વારંવાર એ સંસારક્ષીર ફાટી કે બગડીને ગંધાઈ પણ ઊઠે છે? તમને લાગે છે કે જો તેમાંથી માખણ, ને પછી તેમાંથી ઘી પણ તારવી લીધું હોય, તો પછી નિરાંત? જો જીવન સમુદ્રમાંથી નવનીત ખપતું જ હોય, તો તે આપમેળે નહિ નીસરી આવે – કણેકણમાં ઓતપ્રોત હોય છતાં, કરો મહેનત! એક પળના પણ ચેન વિના, વિસામા વગર સતત ચક્કર-ચક્કર ઘૂમ્યા કરતી મનમથણી વડે મથો એ ભવસાગરને…. અને એ ન ખપતી હોય મહેનત, તો ઘણાંખરાં કરે છે તેમ, ચાલવા દ્યો જેમ ચાલતું હોય તેમ, ને જીવ્યા કરો પશુવત્…. પ્રિય! જાણજો કે એવાં મનોમન્થનો જ ખરૂં જીવન છે. એના વડે જ જીવન ઘડાય છે, ઊંચે ચડાય છે, આગે બઢાય છે, દ્વંદ્વની જડજાળ વઢાય છે. મન્થન તો કષ્ટપ્રદ લાગે જ, કેમ કે એ પણ સુખપુત્રના પ્રસવની પીડા છે…..
આ મન્થન – સમારંભ અલેખે ન જાય, તે માટે મન્થનના પ્રકારને, ને તેમાં પ્રવર્તતી વૃત્તિઓને ખૂબ ધ્યાનથી તપાસતા રહેવું. જ્યાં જરૂર જેવું લાગે ત્યાં તેને તરત પ્રમાદરહિત થઈને ટોકતા-વારતા-વાળતા રહેવું. કેમ કે ભવોભવનો સાથી છે તે મનદેવને તેના વડે આકાર પ્રાપ્ત થાય છે. એ મનના આકાર ઉપર જ આપણે સઘળો દારોમદાર છે.
“મનુ તે ઈતિ માનવઃ” મનન કરે તેથી માનવ. મનન મન વડે જ થાય છે. તેથી, માણસાઈ કે પશુતા એનો સઘળો આધાર મનનો આકાર છે. એ આકાર ઉપર જ આંતરબાહ્ય જીવનની શુદ્ધિ તથા સુખભાવનો અધિકાર નિર્ભર છે.
પ્રત્યેક ઘટના, હરએક પ્રસંગ, દરેક વિષય – એ બધાને ખંતપૂર્વક અધ્યાત્મમાં વાળ્યા કરવાં, ને આપણા હિતમાં જે ન નીવડે તેને તત્ક્ષણ ટાળ્યા કરવાં, એ સુખી જીવનની કળા છે. અને એ ક્રમમાં, પ્રારંભમાં પાળવા યોગ્ય શું ને ટાળવા યોગ્ય શું, તથા શા માટે…. એના સિદ્ધાન્ત- નિર્ણયની એ જીવને વલોવી નાખનારી ગડમથલ પ્રત્યેક પ્રમાણિક તથા બુદ્ધિમાન મુમુક્ષુને થાય છે જ, એને આપણે મનોમન્થન કહીએ છીએ. છેવટે, એમ મથી રહ્યા પછી કે તે દરમ્યાન પણ, બધું “એક” લક્ષ્યમાં ઘટાવવું, એ પુરૂષાર્થ છે. અને તેવા નિર્ણયના ઘડતરમાં છેવટે કો’ક “ગાઈડ-ફિલોસોફર- ફ્રેન્ડ” શાણો- જાણકાર- મિત્ર જ માણસને થાળે પાડી શકે છે, એવું હમેશાં જણાતું આવ્યું છે. હવે જુનવાણી લેખાતા લોકો એને ગુરૂ – શિષ્યભાવ કહે છે. એ જે કહો તે. સરવાળે, આપણો માર્ગ પ્રેમનો, કેવળ પ્રેમનો જ છે. કોમળતાનો છે. સહાનુભૂતિનો છે.
આ સહાનુભૂતિ શબ્દનો અર્થ ઠીક સમજાયો છે? જો સહ+અનુભૂતિ. અન્યોના સુખદુઃખાદિ અનુભવની ‘સહ’ એટલે કે સાથોસાથ આપણને પણ મનમાં તેવો જ અનુભવ થવા જેવું લાગવું તે. સરવાળે ઉપર વાપરેલા ત્રણે શબ્દો સમાનાર્થી છે.
ૐ તત્ સત્ ।
PAGE 32
“મહામોહ અને તે જ બંધન”
ચિત્તમાં અશુદ્ધિને જાણીબૂજીને અવકાશ કરી આપીએ, ને પછી શાન્તિ ન મળ્યાની ફરિયાદ કરીએ, એ કેમ બને? સર્વ પ્રકારની આંતરિક સ્વસ્થતા માટે, શાંતિ માટે, પ્રસન્નતા માટે તે કારણે હું અણિશુદ્ધ વ્યવહારને પ્રથમ સ્થાન આપું – SINE QUA NON દેખું. INNOCENCE – નિર્દોષતા જ સાચા સુખનો પાયો છે. સંસાર વ્યવહારની બાબતોને લગતા દુઃખભાવો ચિત્તમાં જામ્યા રહે ત્યાં સુધી આધ્યાત્મિક પ્રગતિને અવકાશ ન હોઈ શકે, કેમ કે એવો દુઃખભાવ મનુષ્યને સીધી લીટીથી ચલીત થવા લલચાવે છે.
જ્યાં સુધી ચિત્તશુદ્ધિની નિષ્ઠા દ્રઢ નથી, ઈશ્વરનિષ્ઠા પાકી નથી, પોતાની ફરજ નીતિરીતિથી રીતસર બજાવીને પરિણામ પ્રત્યે ઉપેક્ષાભાવ રાખવાનું જિગર જાગ્યું નથી, ત્યાં સુધી યોગ, કે અભ્યાસ કરવા જ નહિ. અને ત્યાં સુધી સુખભાવની આશા પણ રાખવી નહિ.
કૃપા – કૃપા પોકારવાથી નહિ, પરન્તુ કૃપાને યોગ્ય નિર્દોષ બનવાથી એ એની મેળે આવી પડે છે. કૃપા અન્ય કોઈની નહિ. સ્વયંની – અંતર્યામિની, પોતાના અંતઃકરણ (કોન્શ્યન્સ) ની જ કામ લાગે. એ જો સ્વચ્છ શુદ્ધ હોય, તો જગત ઝખ મારે છે. ગુનેગાર ચિત્ત જ કાયરતાની જનેતા છે.
સગાં સાથેના સંબંધો સંસારમાં ભાગ્યે જ સર્વપ્રકારે સરખા હોય છે. છતાં યે, અડીભીડીએ સગાં જ પરસ્પર કામ લાગે છે, લાગવા જોઈએ. સગપણનો અર્થ એવો થવો ઘટે એવું હું તો સમઝું. ખખડતા તોયે, ઘરના જ વાસણોનો ઉપયોગ થઈ શકે. અન્યોનાં ગમે તેટલાં સારા, તો યે, ‘પરાયા.’ પરંતુ એ બધું આપ સમઝો. ગૃહસ્થીઓ જ તે ક્ષેત્રમાં વિવેક કરી જાણે.
અધીરપણું, અકળામણ થાય એ તો જીવનો સ્વભાવ છે. તેને અંતરમાં સ્પર્શવા ન દેવી, એ સ્વરૂપનો સ્વભાવ છે. ગમે તે ભોગે, ગમે તે યુક્તિ વડે, બાહ્ય સંસારના રગડા આગમાવાયી હોવાથી, ‘તાનિસ્તતિક્ષસ્વ.’ આંતરિક સ્વસ્થતા જુદી વસ્તુ છે. તેને આ દેહ કે તેનાં કર્મફળરૂપ તાત્કાલિક વળગાડો સાથે કશી નિસબત નથી. એવી નિષ્ઠા સ્વભાવરૂપ બની જવી જોઈએ. જ્યાં સુધી આંતરવૃત્તિઓ દુન્યવી તકલીફોને વાસ્તવિક લેખવા તથા તે પરત્વે સંતપ્ત બનવા, તત્પર રહે, ત્યાં સુધી ‘અભ્યાસ’ માં ભલીવાર વળે નહિ. બાહ્યતઃ જે બને છે તેની અંતરતઃ ઉપેક્ષા કરવાના તમારા નિશ્ચયના પ્રમાણમાં જ પ્રગતિ શક્ય છે. કસોટી એ છે. વીર બનો, શૂર બનો, શેર બનો! આ મહાન યોગને યોગ્ય બનો. જગતના દાસ મટીને ખરા પ્રભુના દાસ બનો. પ્રબળતા સાંસારિક આપત્તિઓની વચમાં પણ આનંદ સ્વરૂપ રહી જાણો. આપણા સિદ્ધાન્તમાં નિરાશાને કે ઉદ્વેગને કશું હકસર સ્થાન નથી.
દેહ અને મન આપણું સ્વ-રૂપ નથી. પરન્તુ પ્રારબ્ધને વશ પડેલાં સાવ જડ યંત્રો માત્ર છે. તમારી વિવેકબુદ્ધિને એ આધીન નથી, એ આમ અનુભવો! એ અવયવો તથા મનની રમતને જોનાર અને તેને રમુજવૃત્તિથી અનુભવનાર જે છે, તે તમે છો! સ્વરૂપ છો! જો એવા ‘તમને’ આ દેહદ્વય સાથે કશું અંત લગતું સગપણ નથી ( કેમ કે તમારી ઈચ્છા વિરુદ્ધ પણ એ ફાવે તેમ ઠેકડા મારીને યોગ વૃત્તિમાં ભંગ પાડવા લાખ વાનાં કરે છે,) તો પછી આ બાહ્ય દ્રશ્યમાન જગત સાથે, તથા જેની સાથે લોહી વગેરેનો ‘સગપણ’ ઈત્યાદિના પ્રારબ્ધવશ કામચલાઉ વ્યવહારો ઊભા થાય છે, તે જડ-ચેતન વ્યક્તિઓ સાથે શ્રોતજ્ઞ દેહીને શું જ લાગે કે વળગે? એને તો, જો જરૂર હશે તો, નવાં ક્ષેત્રો યથાકાળ મળતાં રહેશે. પાછળ લાખો મળી ચૂક્યાં હશે, ને અત્યારે જે મળેલું છે તે તો તેવાં લક્ષાવધિમાંનું એક માત્ર છે. એના હરખ-શોક શા? એવા હર્ષ-શોક વગેરેની જે વૃત્તિ, તે જ મહામોહ અને તે જ બંધન.
આ અભ્યાસ બુદ્ધિપૂર્વકનો હોય તો આંતર-બાહ્ય દ્રષ્ટિને ખોલે છે. આત્માનાત્મા વિવેકનો ફોડ પાડી દે છે. અને તે સાથે શરીર તેમ જ મનને શુદ્ધ કરીને બાહ્ય જીવનને પણ વધારે સ્વાદદાર, વધારે આત્મનિષ્ઠ ને શુદ્ધતર થાય છે. આ બધું, જો જ્ઞત્ – વિચારની ભૂમિકાત્મય, તો જ, અને એ છે સુખભાવની અર્થાત્ શાન્તિભાવની ચાવી. એને માટે ‘શ્રદ્ધાવાનલભતે જ્ઞાનં તત્પરઃ સંયતેન્દ્રિયઃ’ એ છે શ્રદ્ધાની કસોટી.
ચિત્તને જપમાં, અભ્યાસમાં પરોવો, ને તે સમયે ઐહિક સુખ તેમ જ દુઃખના બધા જ ભવોને બજારમાં લઈ જવાની ઝોળીમાં મૂકીને, હાથ ખંખેરીને બલકે ધોઈ નાખીને, નિરાંતે બેસો. સાચેસાચ હાથ પગ ધોઈને, તે દ્વારા સંસાર ધોઈ નાખ્યાના સંકલ્પ કરો. જો બધું જ જૂઠું ને પરાયું છે, તો પછી અશુદ્ધ વ્યવહારને પડખે કોને માટે ચડવું? ”ગુરૂ-ઈશ્વર તમારી અંદર જ છે. એને અશ્રદ્ધાથી ગુંગળાવશો નહિ.
ૐ તત્ સત્।
PAGE 33
”ચક્રોના ભેદન વિશે”
હઠ કે પાતંજલ યોગ (જેને સ્વામી વિવેકાનંદે રાજયોગ કહ્યો છે) જેને જગાડવાનો દાવો કરે તે ‘કુંડલિની’ ને નામે ઓળખાતી તથા પ્રત્યેક માનવીમાં ભરી પડેલી મહાશક્તિ, સ્થૂલવિષયક આવરણો દૂર થતાં તેમ જ અમુક શારીરિક તથા માનસિક પ્રયત્ન (ડિસિપ્લિન) કરવાથી, મહાયોગની કૃપાથી જાગ્રત થાય છે, ને ધીરે ધીરે ઉપર-નીચે પ્રસરતી, સર્વ અંગોને, સ્ફૂર્તિ અને સ્વસ્થતા આપે છે. તેમાં મન પણ આવે, એનો સ્વભાવ સાત્વિક છે.
ચિત્તમાં સ્વસ્થતા વિશેષ રહેવી, પ્રસન્નતા પહેલાં કરતાં વધારે સ્થિર બનવી, શરીર સહિતના સંસારની વિવિધ ઘટનાઓ પરત્વે ચિત્તની ક્ષુબ્ધતાની વલણ હળવી બનવી, સ્ફૂર્તિ અને ઉલ્લાસનું કંઈક વધવું…. ટૂંકામાં, અંતઃકરણ વધારે સાત્ત્વિક અને સ્વસ્થ બનવા તરફ ઝોક વધતો જણાવો, ઈત્યાદિરૂપે તેની પરખ હોય. કર્મફલ – નિપાતના પ્રવાહ સાથે એને કશી નિસબત નથી, પરંતુ કર્મફલ – નિપાત પરત્વેની દ્રષ્ટિ તથા વલણ સાથે જ તેને સંબંધ છે.
આત્મશ્રેયનો માર્ગ એવો તો અદભૂત છે, કે તેનો પ્રવાસી પોતે પોતાની સિદ્ધિને નથી જાણી શકતો. અને તે સ્થિતિમાં જ તેની ખરી ખૂબી સમાઈ છે. કેમ કે, જો તે જાણે, તો અહં-કાર તરત જાગે. અહં-કાર ઊભો થતાં સાધના વણસે. ને તેમ થતાં, બધું ઉલટું-સુલટું બની જાય. અને તેથી જ તો એવી પ્રજ્ઞાયુક્ત વ્યવસ્થા થયેલી છે કે સાધકને “આપ” નો ખ્યાલ ન રહે, ને તે નિરન્તર નિરપેક્ષપણે મનનશીલ બનીને આગળ વધતો જાય. તેથી, તમને તમારી સાધન પ્રગતિ યથાર્થ ન કળાય, એ સારૂં જ છે, અને કળવાની જરૂર પણ શી છે?
જેમ જેમ મૂલાધાર તથા સ્વાધિષ્ઠાન ને ક્રિયાની તથા (મનોમય સંકલ્પ અને જપ વડે થતી) ચિત્તશુદ્ધિની અસર પહોંચે, તેમ તેમ તે સક્રિય બનતાં, પ્રાણ કે જેનો ગુણ ઉષ્ણ છે તે પ્રદીપ્ત થાય. તેથી તો વારંવાર હું સાત્ત્વિક ભોજનનો સાધક માટે આગ્રહ રાખું છું. દૂધ-ઘી જ ઉરાડવાં એવું નહિ હો! એનો ઉપયોગ અતિસૂક્ષ્મ જ સારો. આપણું સામાન્ય ભોજન સાત્વિક જ હોય છે. ખાટા, ખારા તથા ગળ્યાથી બને તેટલા વેગળા રહેવું, એ હિતકર છે.
ઈશ્વર રાખે તે રીતે જીવન વ્યવહાર તો ચાલે. તે ભલે ચાલે. આપણને નિસ્બત માનસિક સ્થિતિ સાથે છે, કેમ કે સુખદુઃખભાવને કોઈ પણ બાહ્ય પદાર્થ સાથે નિસબત નહોતાં એ કેવળ મનના ધર્મ છે. બહારનું જગત તો જેવું મન જે વખતે હોય તેવું સુખદુઃખનું દેનારૂં છે. એક જ પદાર્થ એક ક્ષણે સુખ આપે, તે બીજી ક્ષણે દુઃખ, એ તેનો પુરાવો છે. આપણે ચિત્તને પદાર્થ માત્રની અનિત્યતા, વિકારવશતા અને સ્વાદ રહિતતાને જપ અને બોધ વડે જાણીને બધું કરતા હોવા છતાં સંપૂર્ણ આંતરિક ઉપેક્ષાવૃત્તિથી મનને ભરેલું રાખવાની ટેવ પાડવાની છે. ને તે માટે, તેવી વૃત્તિના પ્રતીક તરીકે કોઈ આપ્તજનમાં તેને સ-કલરૂપે કેન્દ્રિત કરી નાખવું એ તેનું સાધન છે. એવું કેન્દ્રિત, કે તેના સિવાય બીજું કશું જુએ નહિ, સાંભળે નહિ, ખાય પીએ નહિ…. અને જે કંઈ બને અથવા નયે બને તે સર્વ એ ગુરૂશક્તિના રૂડા પ્રતાપ જાણીને આનંદથી તેને બરદાસ્ત કરતા થઈ જવાનું છે.
“અભ્યાસેન તુ કૌન્તેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે.”
વારંવાર મથામણ અને તે પણ ધૃતિ ઉત્સાહપૂર્વક. નમતું જોખ્યા વિના સતત પ્રયત્ન, અને અનિત્ય પદાર્થો તથા તમોગુણથી સંકલિત સુખાભાસો પરત્વે વૈરાગ્યની કેળવણી વડે મનનું ગ્રહણ અવશ્ય થઈ શકશે.
તમો ગુણની ચડાઈ આવે છે, એને તમારે જીતવાનો છે. તેમાં જરા પણ નિરૂત્સાહ કે મુંઝવણનું કારણ નથી. આ પ્રકૃતિનો જંગ જુગ જુનો છે. દરેક સિદ્ધ પુરૂષ તેને જીતીને જ સિદ્ધ થયેલ છે, ને થાય છે. દરેક મર્દ સાધકે તેને જીતવાનો છે. એ જ છે સમાધિનું યુદ્ધ. એમાં જે જીત્યો, તે બધું જીત્યો. સત્વનું બળ અદભૂત છે. તમ નું બળ પ્રાદર્શનિક – DEMONSTRATIVE – અને બીહામણું, પરન્તુ સત્વનું શાન્ત અને અજેય છે. એ બળ શાન્ત હોવાથી તેની તાકાતનો ખ્યાલ સાધકને તરત નથી રહેતો, અને તે તમ ની ધાધળ – ધરપયથી ઘણીવાર ડઘાઈ જાય છે.
ૐ કારના સર્વત્ર સર્વદા સાક્ષાત્કાર દ્વારા તમારે જીવનને જીતવાનું છે. – અરે, એ જીતાયું જ પડ્યું છે! અત્યારે ન જીતાયા જેવું જે લાગે છે, તે તે ખોટો ભ્રમ છે – એ જ નિશ્ચય! નિશ્ચય – આત્મ મા નિશ્ચય તો એક જ, SINGLE POINTED જ હોય, એમાં વિકલ્પને વળી સ્થાન કેવું? એ તો એ-નિશ્ચયી ને હજાર વિકલ્પો કનડે, ને એવી સંકલ્પોની અનન્તામાં એ ખોવાઈ જાય. આપણે તો સંકલ્પ કર્યો, તે જીવ સાટેનો, ક્ષત્રિયવટનો બ્રહ્મ નિશ્ચય!” “તસ્માત્ યુદ્ધસ્વ ભારત!” કેવી રીતે? “યુદ્ધાય કૃત નિશ્ચયઃ!” પુરૂષાતનને છાજે તેમ લડો! આખરે, કોને માટે આ પ્રયત્ન છે?…. જે એમ સત્યને કાજે ઊભો રહે, તેવા અર્જુનને પડખે કૃષ્ણ સખા તો હોય જ. “કૃતનિશ્ચય સાધકને અંતર્યામીનો સાથ પ્રત્યક્ષ હોય.”
ૐ તત્ સત્ ।
PAGE 34
“ભેદમાં ભય છે, અભેદમાં અભય.”
શાસ્ત્રો કહે છે, ‘પંચદશી’ કાર તો સ્પષ્ટ ભાખે છે, કે જ્ઞાનના અનુભવી બે પ્રકારના હોય છે. (૧) જેમણે યોગ વડે નિગ્રહ- અનુગ્રહ, (શાપ-વરદાન) ની સિદ્ધિ મેળવી હોય તેવા, અને (૨) જેમણે જ્ઞાન – ધ્યાન દ્વારા સ્વાત્મ સાક્ષાત્કાર કેળવીને પણ તેવી સિદ્ધિ ન મેળવી હોય તેવા. જે પહેલા પ્રકારનો જ્ઞાનનિષ્ઠ હોય તેને પોતાનું કે અન્યનું શારીરિક – ઐહિક પ્રારબ્ધ બદલવામાં ભાગ્યે રસ હોય. અને એ રસ હોય તો પણ, તે માટેનો આગ્રહ તો ન જ હોય. એક તો એ, કે અમારે શરીરને તેનું પ્રારબ્ધ ભોગવીને પુરૂં કરવા દેવું છે, ને કોઈ પણ એવાં નવાં ‘કર્મ’ અગર કામના ઉભાં થવા દેવાં નથી, કે જે તૃપ્તિની નિત્ય સંતોષ-સમાધિમાં કોઈ પણ રીતનો વિક્ષેપ નાખી શકે. અને ત્રીજું એ, કે માત્ર શાસ્ત્રો કહે છે તેટલા ખાતર નહિ પરન્તુ લાંબા કાળના અંગત તેમજ અન્યત્રના નિરીક્ષણ તથા અનુભવે મને જણાયું છે કે કદાચ પ્રારબ્ધના પ્રવાહને ખાળવા કે બદલવાનું શક્ય હોય, તો પણ, ઈશ્વરની યોજનામાં તેવી દસ્તદાજીનાં મૂલ્ય બીજી કોઈ ને કોઈ દિશામાં પ્રારબ્ધ ચૂકવી લે છે. અને તે પણ બહુ ‘ખરાબ’ રીતે. આનો મને એટલો બધો વસમો અનુભવ છે કે એ જોખમમાં હું મારે માટે તો ન જ પડું. પરંતુ જેનું હિત હું ચાહતો હોઉં તેને માટે પણ હું એનું નિમિત્ત સ્વેચ્છાએ ન બનું.
મોટી વસ્તુ ‘સાધન’ છે. અભ્યાસમાં સાધકને અભ્યાસ જ આગળ વધારે છે. એ નિશ્ચય જાણજો. અને બીજું એ પાકે પાયે જાણજો કે જે સાચા ભાવને કારણે જેમને પ્રિય છે તેના શ્રેય કાજે મારામાં ધીરજ છે પ્રેમ છે. મારી બાબતમાં એ પણ જાણજો કે ”મારી પાસે જો કશું આપવા જેવું હોય તો પણ તે આપ્યું અપાતું નથી. પરન્તુ લીધું તો બે હાથે લૂંટીને લેવાય છે. તમે તે લઈ શકો છો. જે છે તે તમારૂં જ છે. ચૂક્યા તેટલું તમારૂં જશે!” ધૈર્ય વગરની સાધના કામ નહિ લાગે. કેમકે અધૈર્ય જ અભ્યાસમાં મોટા વિક્ષેપરૂપ છે. તેથી તો ઉપનિષદોમાં તેમ જ સ્મૃતિ વગેરે શાસ્ત્રોમાં – જેમાં ગીતા પણ આવી જાય છે. – ‘ધીર’ શબ્દ ઉપર આવો વારંવાર ભાર મુકવામાં આવ્યો છે. અભ્યાસમાં અપ્રમાદ યુક્ત નૈરંતર્ય, અને શ્રદ્ધાની વજ્રદ્રઢતા માનવીને તમસની પખ લઈ જાય છે.
માત્ર દુઃખભાવની ગેરહાજરી સાચું સુખ નથી. સુખભાવની પણ ગેરહાજરી જરૂરી છે. ”દ્વંદ્વૈ વિમુક્તાઃ સુખદુઃખ સંજ્ઞૈઃ।” એવી ચિત્તસ્થિતિ જ સત્ય સુખરૂપ છે, અન્ય નહિ. સંનિષ્ઠાની પ્રતિષ્ઠાપનાનું આ તત્કાળ ફળ હોવું જોઈએ, અને જો એ પ્રાપ્ત ન થાય, તો જાણવું કે સંસ્થાપનામાં કંઈ ઉણપ છે. યાદ રાખજો, એ સિદ્ધાન્તમાં કોઈ કાળે ફેર નથી પડવાનો. જેટલી ક્ષતિ, જેટલું ઓછાપણું, તેટલું સાધનામાં, નેપોતાની જાતમાં ઓછું સમજવું.
શ્રુતિનું કથન છે કે તું અને તારો આત્મા જુદાં છે, જીવ અને આત્મા ભિન્ન છે. તેથી જીવત્વના ઉધામાથી આત્માએ લગીરે હાલવાની જરૂર નથી! એ છે ગુરૂયોગનો મહિમા! આગળ પગલું એ કે સ્વ-સ્વરૂપ દેખાવાની સાથે દ્રઢ સંકલ્પ કરવો કે ‘ઈષ્ટ સ્વરૂપમાં એ લીન થઈ જાઓ, અને તે સ્વરૂપે જ મને મારૂં સ્વરૂપ દેખાઓ – ભિન્નરૂપે નહિ.’ કેમ કે ” દ્વિતીયાદ્વૈ ભયં ભવતિ.” ”ભદમાં ભય છે, અભેદમાં અભય.”
આમ કરતાં કરતાં દીર્ઘકાળનું ધ્યાન પ્રાપ્ત થશે. સંસાર-વ્યવહારનાં પ્રારબ્ધાપાતિત કાર્યો સુચારૂરૂપે આપણે કરવાનાં છે જ. બાહ્ય ચેષ્ટાઓથી તેને બાધ ન આવે, તેમ તેનાથી બાહ્ય ચેષ્ટાઓને હરકત ન નડે. પુરતા અભ્યાસ પછી એ ધ્યાનની ચિંતાવસ્થા એવી દ્રઢ થઈ જવી જોઈએ, કે વ્યવહારની બધી પ્રવૃત્તિઓ બુદ્ધિપૂર્વક ચાલ્યા કરે, અને તે છતાં ચિત્તસ્થિતિ બધો વખત અ વિક્ષિપ્ત અને અમૂઢ રહ્યા કરે. એને જ પંચીકરણમાં ભગવાન આચાર્યે ‘પરમહંસનાં સમાધિ’ કહી છે. લયયોગનો એ મહિમા ગુરૂયોગ વડે ટૂંકે રસ્તે અને સચોટ રીતે તમને સાધ્ય છે, એ શું જેવી તેવી બાબત છે?”
ૐ તત્ સત્ ।
PAGE 35
”તમે સ્વયં સ્વતઃ ‘પ્રભુ’ છો. કંઈ ‘અ-ભૂ’ નથી.”
સમાધિ એટલે ચિત્તની સ્થિર સ્થિતિ, આત્મભારના, જગતની નશ્વરતાના ભાનમાં તથા સંસારના સર્વ પદાર્થોના પૂર્ણ મિથ્યાત્વનો એવો દ્રઢ નિશ્ચય, કે જેના ફલ સ્વરૂપે માણસ શરીરના તથા તેને લગતા વ્યવહારના બધા જ સંજોગોના ધક્કામાં પોતાની જાતને તણાઈ જવા ન દે, પરન્તુ પ્રત્યેક પ્રસંગે તેના મિથ્યાપણાનું મનન કરતો રહીને ચિત્તનું સમાધાન કરી લ્યે.
એમાં બે આલંબન છે. એક છે ઈષ્ટની સર્વ સમર્પણ ભક્તિનું. કેવળ ઈશ્વરેચ્છાને આધીન રહેવાની ટેવ નિરન્તર તેવા પ્રકારના મનન વડે પાડવી તે. અને બીજું છે, સર્વ આગમાપાયી સંસાર-વ્યવહારનું મિથ્યાત્વ જ્ઞાનપૂર્વક વિચારીને, સુદ્રઢ બુદ્ધિપ્રતિભા વડે વિવેક સ્થાપીને, આ ક્ષણભંગુરજીવનને ચિન્તા માટે નાલાયક સમઝીને તેની બધી જ ઉથલપાથલોથી મનેમય હાથ ધોઈ નાખવારૂપી બુદ્ધિપ્રધાન જ્ઞાનના આશ્રયનું. આ ઉભય પ્રયત્ન-સાધ્ય છે. પોતાના જ ઝનૂની પ્રયત્ન સિવાય એ પ્રાપ્ય નથી. ‘ગુરૂ’ તેમાં માત્ર આંગળી ચીંધવા, અને વખતોવખત ઉત્સાહ પૂરવા, શંકાનું સમાધાન કરવા, કે પોતાના શુભેચ્છા દ્વારા માનસિક પીઠબળ આપવા સિવાય બીજું કશું કરી શકે નહિ.
આખરે તો, મનુષ્ય ચિત્ત છે. એ કોઈવાર હાલી પણ ઉઠે. પરન્તુ તેમાં અધ્યાત્મ વિચારથી ઈતર કોઈ ઈલાજ નથી, કોઈ બીજું યંત્ર નથી, કે જેની ચાવી ફેરવવાની સાથે જ એ સુખનો ડોઝ કહાડી આપે! જો પરિણામ એ ન આવતું હોય, તો તેમાં માત્ર પ્રયત્નની ઉણપ જાણવી. આત્મશોધન કરો, ને તિતિક્ષા કેળવો. શ્રેયનો અને મનમાન્યા પ્રેયનો ગોટો ન વાળો.
તમે સ્વયં સ્વતઃ ‘પ્રભુ’ છો. કંઈ ‘અ-ભૂ’ નથી. નિત્ય જાગ્રત રહો. જરા પણ પામર દુઃખભાવ આવે, તો ત્યાં ને ત્યાં તરત જ મનન વડે એની જડ ઉખેડી નાખો, ને પુનઃ સ્વસ્થ થઈ જાઓ. સર્વત્ર અને સદૈવ પોતાના સ્વ-રૂપના ભાનમાં રહો. ગમે તે કરો. ગમે ત્યાં વિચરો. તમારા સંબંધમાં પ્રારબ્ધાનુસાર ગમે તે બનતું તમને લાગે. છતાં, એક પલકાર્ધ પણ સ્વ-સ્વરૂપનું વિસ્મરણ ન થાય, એ ધ્યેય ચૂકશો નહિ. દુઃખ વળી કેવું! કષ્ટ વળી શું! શોક સાથે વળી આપણને શો સંબંધ? અરે, એવી એવી જૂઠી ભ્રમણાઓને ગળે શીદ બાંધવી? એવી ચિત્તની સ્થિતિ, તે સમાધિ, નિત્ય ચેતન સમાધિ. ચેતન નિત્ય છે. જ્ઞાન નિરન્તર છે. જ્યાં જડત્વ છે જ નહિ, ત્યાં તેની વાત શી?
માણસ પડે, તે ફરી પાછો ન પડવા માટે પડે. પડ્યાનો એકરાર કરીને પુનઃ પડવાનો અધિકાર પ્રાપ્ત કરવા માટે નહિ! ઊભો થઈને ઊભો જ રહેવાના નિશ્ચયના એલાન તરીકે એવો એકરાર સાર્થક હોય, અન્યથા નહિ. અરે પ્રારબ્ધનો તો ધંધો જ જીવડાને દુઃખભાવ કરાવવાનો છે. તે એની મહેનતમાં ઓછું નહિ ઉતરે. પરંતુ તેથી શું? શ્રવણ અને ગંભીર મનનના સુયોગ વડે કરીને જીવત્વથી પોતાના સ્વ-રૂપની પૃથકતા સિદ્ધ કરી. હવે એ નિશ્ચયની દ્રઢતા પણ નિત્ય સાવધ તથા સચેત રહીને સિદ્ધ કરવાની છે. એટલું જ.
”કોઈ બાહ્ય પદાર્થમાં સુખ શોધવાનો મન ઉછાળો ”વૃત્તિ” કહેવાય, જે આવવા-જવાને પાત્ર છે. તેથી, વિષયોને લગતી મનની વૃત્તિઓનાં સુખો પણ નિત્ય નથી. ”
ૐ તત્ સત્ ।
PAGE 36
”અહિત તો કોઈ કાળે કોઈનું થતું જ નથી. ”
પ્રારબ્ધને દરેક રીતે વશ વર્તવું. એ જ જેણે જીવનનો ક્રમ અને અભ્યાસ લેખ્યો છે, અને તે પ્રમાણે વર્તવામાં જેનો સમય વીતે છે, અને પ્રસન્નપણે વીતે છે, તેવો હું ગાર્હસ્થ્યની વિષમતાઓને જોતાં, તેનો ખેદ પણ કરતો છતાં અપ્રસન્ન નથી થઈ શકતો, એ હકીકત હું સ્વીકારી લઉં છું. મિથ્યા સંસારમાં જે થવું હોય તે ભલે થાય, એ જ હું તો સમજું છું, અને, જે છે, તે ” એ” છે, આપણને પોસાય તો પણ, ને ન પોસાય તો પણ.
યથાશક્ય સ્વ-સ્થતાપૂર્વક સંજોગોની સમતને નીરખતા, તેની સાથે રમતા પણ રહૈવું, એ જ જીવનને માણસાઈથી જોગવવાની યુક્તિ છે. અને સંસારમાં પુરૂષાર્થ પણ તેને જ કહે છે. પ્રભુ દીનદયાળ છે, ને તેની મહત્તમ યોજનામાં જેમ એને ઘટતું લાગે તેમ તે સર્વ કોઈનું હિત પોતાની રીતે ઘડતો રહે છે. આપણે તેને સમઝીએ કે ન સમઝીએ તો પણ, સર્વ યોજનાઓને સમાવતી મહાયોજનાનો ઘડનારો કંઈ આપણા જેવો બેફામ બનીને નથી બેઠો. મારી પણ બધી પેટાયોજનાઓ એ મહાયોજનાની અંતર્ગત, ને એને વશ રહેવાની છે, એ ચોક્કસ હોવાથી, યથામતિ સહજ સંકલ્પો કરતા રહેવું. ને તેની જવાબદારીનું પડીકું તેને ભળાવીને નિશ્ચિન્ત બની રહેવું, એટલું જ મારી તો સમઝમાં આવે છે. આપની સમઝમાં પણ એવું જ કંઈ આવો!
બાહ્ય સંજોગો ઉપર કોઈનો કાબૂ નથી, કેમ કે તે તો પ્રારબ્ધકર્મફળાનુસાર અનિવાર્યપણે પોતાનું દળણું દળ્યા કરે છે. પરન્તુ તેનો માર તેમ જ તેનો ઉતાર (જે કેવળ માનસિક છે.) તેમાં પુરૂષ સ્વાયત્તશાસન છે. અને એ ક્ષેત્રમાં જે સિદ્ધિ પ્રાપ્ત કરે, તે જ જીવનને જીતી જાય. આપણા સિદ્ધાન્તાનુસાર, અહિત તો કોઈ કાળે થતું નથી. બધો આધાર છે ‘હિત’ ની વ્યાખ્યા ઉપર. ઈશ્વરીય યોજના કદી પણ મનુષ્ય પ્રતિ કે કશાનાયે પ્રતિ – શત્રુતાયુક્ત ન હોઈ શકે, હિતાહિતનાં મૂલ્યો મનુષ્ય પોતાની પરિચ્છિન્ન કર્માનુસારિણી બુદ્ધિ વડે આંક્યા કરે, એ સ્વાભાવિક ક્રમ છે. પરન્તુ લોકસ્તરપુરૂષોની દ્રષ્ટિતેની પાર જાય છે.
આંસુ તો, હ્રદયને ધોઈને નિર્મળ કરવા માટે ઈશ્વર તરફથી પાઠવતી અંતરની અમૃતવર્ષા છે. જો તેનાં આહવાન યોગ્ય હેતુ માટે કરવામાં આવે, તો અતિ પાવનકારી, ચિત્તને શુદ્ધ તથા સુંવાળું બનાવીને, હ્રદયમાં એક એવું સુખ સ્થાપે કે જેની આગળ દુનિયાદારીનાં બધાં સુખો તથા ઈન્દ્રિયોના વિષય સ્પર્શોના કહેવાતા સઘળા આનન્દો પાણી ભરે. એ પવિત્ર મોતીડાં જ્યાં-ત્યાં દુનિયાદારીના દ્વંદ્વોને વધાવવા માટે નથી, પરન્તુ અંતરના ઊંડાણના નિર્મળ નિર્દોષ આત્મ તલસાટોનો જ તેના વડે મબલખ સત્કાર થવો ઘટે.
સંન્યાસીઓને કેવું જ્ઞાન પ્રાપ્ત થાય છે કે- એક- અદ્વિતીય આત્મતત્વ છે, ને એ જ પ્રત્યેક પ્રાણીનું પોતાનું પાયારૂપ અસલ સ્વ-રૂપ છે, અને તે પરમાત્માથી તત્વતઃ ભિન્ન નથી, તેથી પ્રત્યેક મનુષ્ય સ્વ-રૂપે પરમાત્મા અર્થાત્ બ્રહ્મ જ છે, કે જે નિત્ય વસ્તુ છે. જેવી રીતે બધી જ મીઠાઈઓ સ્વરૂપે ગળપણ છે, કે જે નિત્ય છે. તેથી વેદોનાં ‘અહં બ્રહ્માસ્મિ’ વગેરે ચાર પ્રસિદ્ધ મહાવાક્યો તેમની ફિલસુફીનો પાયો છે. જેમ સ્વ-રૂપ બ્રહ્મ છે, તેમ પ્રત્યેક પ્રાણી-પદાર્થોનું પણ તેવું જ છે. અને તેથી, સમસ્ત જગત તથા તેના સર્વ પદાર્થો – પ્રાણીઓ – માનવીઓ બધાં, વ્યક્તિ તેમજ સમૂહરૂપે, પરમાત્માનાં, અને તેથી, તારાં ‘પોતાનાં’ જ સ્વરૂપો છે. એમ સર્વાત્મભાવ જાણવો – થવો, ને તેનાથી રાગદ્વેષો છૂટી જવા, એવું જ્ઞાન બુદ્ધિમાનો માટે છે. એ જ્ઞાનને આચરણમાં મૂકવાથી, એટલે કે મન-વાણી-કાયાની સર્વ ચેષ્ટાઓની એને ભૂમિકા બનાવવાથી, વ્યવહારમાંથી કુટિલતા ઓછી થાય તથા રાગદ્વેષને કારણે ઊભા થતા સંતાપોને ચિત્તમાં સ્થાન ન રહે, એવો છે એ જ્ઞાનનો કરવાનો ઉપયોગ.
‘આ તો મોહ છે’ એમ જાણ્યા છતાં પણ જો જીભનો સંયમ ન રખાતો હોય, તો પછી વાંક કાઢવો રહ્યો ‘નસીબ’ રૂપી હાથ લુછવાની સવડભરી થાંભલીનો જ! સ્વાદ કરવા તથા બકવું, એ બે છે જીભના ધર્મો. એ બંને ધર્મોના ઉપયોગમાં અવિવેક જીવલેણ થઈ પડે એ દેખીતી હકીકત છે, તે છતાં જો તેમાં લપસ્યા વિના ન જ રહેવાય, તો પછી ઉઘાડી આંખે, જાણી તેમ જ બૂજીને ધોળે દિવસે કૂવામાં પડનારના જેવું જ જાણવું.
ૐ તત્ સત્ ।
PAGE 37
”મિજાજ.”
એ કેમ નિત્ય સ્મરણમાં નથી રહેતું. કે અરે આ અનન્ત ઈમ્પર્સનલ (વ્યક્તિનો જેમાં કંઈ હિસાબ નથી તેવા) માયા – પ્રસારમાં, આ કોટ્યાવધિ જંતુસમુદાયમાં હું તે વળી એવો કઈ વાડીનો મૂળો છું. કે બધા મારૂં જ નિકંદન કહાડવા એકસંપ કરી બેઠા હોય?…..એક અલ્પ, ક્ષુદ્ર જન્તુ! જ્યાં સુધી એ ‘હું’ ની મહત્તા મનમાંથી નહિ નીકળે, ત્યાં સુધી મારો પેલો ખરો મોટો ‘હું’ કેમ કરીને સુખી થવાનો?
સાધકે તો સદૈવ પ્રત્યેક પ્રસંગમાં પોતાનો જ દોષ, ને બીજાની નિર્દોષતા જોવાં, માનવાં, ને બીજે નહિ તો સદગુરૂને તે નિવેદન કરીને ચોખ્ખા થતા રહેવું જોઈએ જ.
સમઝવું, ને પાળવું, એ બે વચ્ચેનો જે ફરક, તે જ છે બ્રહ્મને જાણવો ને માણવો વચ્ચેનો ફરક.
સાચાં આંતરિક સુખશાંન્તિના ઈચ્છુક સાધકોએ સ્વચિત્તની શુદ્ધિ અર્થે માની લેવું રહ્યું કે (૧) એ તો એની પ્રકૃત્તિ પ્રમાણે વર્તશે, કેમ કે જગત પ્રાકૃત્ત છે. પરન્તુ મારી દ્રષ્ટિ જુદી હોવાથી, મારે પ્રાકૃતપણે ન વર્તવું, એટલું જ મારે માટે શક્ય છે. (૨) ‘પૂર્વની લેણાદેણીઓ આપણા ભાગ્યમાં આવી હશે, તેથી સામાની મારા પ્રત્યે આવી વર્તણુક બને છે.’ ઈત્યાદિ શામક વૃત્તિ રાખ્યા સિવાય અન્ય કોઈ ઉપાય નથી. (૩) અન્યના વિચાર-વર્તણુક ઉપર મારો કાબૂ નથી. અને તેવો કાબૂ હોવાની મારે જરૂર પણ નથી, કેમકે મારાં ઉભય સ્થૂલ-સૂક્ષ્મ શરીરો પોતાનું પ્રારબ્ધ ભોગવી છૂટે, એ યોગ્ય જ છે. જ્યાં ત્યાંથી આપણે નવાં ઊભાં ન કરતાં, આ ક્ષણ ભંગુર અને અત્યંત પરિવર્તનશીલ સંસારની ઘટનાઓ ને મહત્વ ન આપતાં, તે પ્રત્યે સમ રહી આપણી પોતાની સાત્વિક સંપત્તિ જાળવી શકીએ, તો ઘણું છે. એને તેટલા માટે જ, દોષો આપણાં જ જોવા, એ જરૂરી છે. કેમ કે આપણે તો બને તેટલા નિર્દોષ રહેવું છે જ.
ફરી ફરીને કહું કે બધું ભલે ગુમાવજો, પરંતુ ચિત્તની સ્વસ્થતા અને ‘મિજાજ’ કોઈ પણ નિમિત્તે ગુમાવશો નહિ. સ્વસ્થતા સિવાયનું બધું નાશવંત, ક્ષણભંગુર છે. ને રંજમાત્ર પણ ખેદ કે હર્ષાવેશને યોગ્ય નથી. જે સાચું છે, તેને મડામૂઠથી પકડી રાખજો. પરન્તુ સાથોસાથ, જે વ્યવહારથી અપેક્ષાએ આવશ્યક હોય તેની જાણી બૂજીને અવગણના ન કરવી. અને તેમ છતાં, ઘર્ષણ તો ન જ જોઈએ. બુદ્ધિ, યુક્તિ , પ્રસન્નતા અને અનાસક્તિથી વ્યવહાર કરજો. આવું સુખનું કામ ફાઈન બેલેન્સિન્ગના સર્કસના સ્ટન્ટ જેવું છે!
પ્રભુ જ્યારે માંગલ્ય ઈચ્છે છે, ગુરૂદેવની અસીમ કૃપા જ્યારે વરસે છે, ત્યારે જ આ અહં-નામક વિકરાળ દૈત્યનો વધ કરવા એ નીસરે છે – ને અહં તેને દુઃખ તથા આફતરૂપ જાણીને, એ મહા દયામય ઉચ્છેદને – પ્રવૃત્તિ સામે દાદ માંગે છે! અરે ભાઈ, છેક આકરામાં આકરા માર ખાશો (અહં તો ઔષધ ઓપરેશનના મંગલ કાર્યને માર જ સમઝશે!), ત્યારે જ ખરેખરી નમ્રતા તથા નિરહંતાની લજ્જત પામશો. ને ત્યારે જ સમજાશે કે આમ બધે કલેશ થતો હોવાનું કારણ ખરેખર શું છે! ત્યારે જ સુખ અને શાન્તિનો મર્મ સમજાશે.
જે કોઈ પણ ઘટના બને છે, જે કંઈ ‘અન્ય’ કોઈ કહે-કરે છે, ને જે આપણાથી પણ (ઈરાદાપૂર્વક નહિ તોયે) કહેવાઈ-કરાઈ જાય છે, તે બધા પ્રારબ્ધના જ ખેલ છે. પરંતુ તે અંગે આપણને જે દુઃખભાવ થાય, તે અહંની કારીગરી છે. એમ સમજી લેવું જરૂરી છે. ત્યાં ‘થ કેન પ્રયુક્તોયં પાપં ચરતિ પુરૂષઃ’ ઈત્યાદિ (અધ્યાય – ૩) નો વિચાર પ્રસ્તુત છે. એ ગીતાભાગ ખૂબ વાંચો-વિચારો, ત્યાં ગીતાના છેલ્લા અધ્યાયો બુદ્ધિનિષ્ઠ દ્રષ્ટિ આપે છે.
હું એક ખાસ્સી મજાની નાજૂક પરિસ્થિતિ (ક્રાઈસિસ) આવતી દેખું છું. તેમાંથી પરિણમવાનું તો છે શ્રેય જ શ્રેય, પરન્તુ તેમ થવા માટે એક મોટું મૂલ્ય ચૂકવવાનું રહેશે. જો યથા-યોગ્ય નહિ ચૂકવી શકાય, તો પરિણામની સુખદતામાં તેટલી ઉણપ રહી જવા સંભવ છે.
એ મૂલ્ય છે, વિચાર અને વાણીનો સંયમ. તદ્દન જ તટસ્થ બની જવું. પોતાની જાતને, પોતાના વિચારોને, અને એ વિચારોને ઉત્પન્ન કરનારી સંસ્કાર જન્ય વૃત્તિઓને ખૂબ કડકાઈથી તપાસતા રહેવું. બોલવામાં કે નિર્ણય કરવામાં, કે આચરવામાં, લગીર પણ ઉતાવળ ન થવા દેવી. તરત તડ ને ફડ જવાબ ન દેવા, વાદવિવાદ ન જ કરવો, ને મનમાં જે વિચાર આવે તે પ્રમાણે તત્કાળ વર્તી નાખવું નહિ કે જેથી કહ્યા-કર્યા પરત્વે પાછળથી ખેદ થવાનો પ્રસંગ જ ન આવવા પામે. આ સંયમ કંઈ સહેલો નથી, પરંતુ જેને કરવો છે જ તેને માટે એ ખાસ અઘરો પણ નથી.
“શાસ્ત્રો સાચું જ કહે છે કે” માનવી પુણ્યોનાં ફળ (સુખ) ને ઝંખે છે, પરંતુ પુણ્ય કરવા ઈચ્છતો નથી. ને પાપનાં ફળ (દુઃખાનુભવ) એને ખપતાં નથી, છતાં જાતે કરીને કર્યા કરે છે પાપો જ!
“બધાનો અહં એક જ છે. ને તે, હું છું.” એ છે ગીતાનું સંપૂર્ણ અભેદદર્શન… પ્રત્યેક જીવે કેવળ પોતાના જ સ્વ ને શરણે જવાનું છે. અન્યત્ર ક્યાંયે નહિ. જો એ તેવા સર્વના એક જ સ્વ-હું-ને ઓળખી-પરખી જાય, તો, જે કોઈ વિવેકપૂર્વક “હું” કહે છે તે મારો જ, પરમાત્માનો જ ઉલ્લેખ કરતો હોય છે.”
“આ બધા વેદાધ્યયન, તપ, દાનાદિ તો ચિત્તશુદ્ધિનાં સાધનો છે. તેની સિદ્ધિ પછી, જ્ઞાની ગુરૂને બુદ્ધિ સમર્પણ કરતાં તેને ઈશારે આત્મબુદ્ધિ પ્રકટે છે. “મને” તત્ત્વતઃ જોવા-જાણવા-ઓતપ્રોત તદ્રૂપ થવાનું એ વિધિનિષેધોના ક્ષેત્રને વટાવી ચૂક્યા પછી જ શક્ય બને છે.
ૐ તત્ સત્ ।
PAGE 38
“અસામાન્ય માટી”
શારીરિક, કે માનસિક, અથવા અન્ય કોઈ પણ અનિવાર્ય સંજોગોને કારણે જે નારી નથી પરણી, જેણે નથી સંતતિ જણી, નથી જે સ્વદેહજન્ય કુટુંબના અનુભવવાળી, તે ગમે તેટલી સંયમી તથા બુદ્ધિશાળી હોવા છતાં, તેનાં જે બધાં સહજ સ્વાભાવિક સ્ત્રી ઉચીત કોડ-કામનાઓ હ્રદયમાં-ચિત્તમાં ધરબાઈ રહેલાં હોય, તેને નિર્દોષ માર્ગ ન મળે, તો તેના ચિત્ત તથા દેહ ઉપર એ પરિસ્થિતિની કેવી વિપરીત અસર થાય? સાદી સીધી ચિત્તવિજ્ઞાનની આ બાબત છે.
અસામાન્ય મનોબળ કે જ્ઞાનપ્રતિભાવાળી કોઈ વિરલ વ્યક્તિ, કોઈ ભક્તિની ધૂની મીરાં (અને તેનો પણ પતિભાવ જ હતો કે બીજો કોઈ?) કે કોઈ જ્ઞાનવિજ્ઞાન મૂર્તિ ગાર્ગી જેવી, લાખમાં કો’ક, દિલની સ્વાભાવિક આરજુઓને અન્ય કોઈ તેનાથી પણ અધિક પ્રબળ વ્યવસાયમાં પરાક્રમ પૂર્વક ઢાળી દઈને તેના આક્રમણથી મુક્ત રહી શકે, તો રહી શકે…. આપણે તો, બેટા તેવી કોઈ અસામાન્ય માટીનાં બનેલાં હોવાનો દાવો ભાગ્યે જ કરી શકીએ.
જો તારા ઉપર ભરોસો રાખીને તારા અધ્યાત્મનિષ્ઠ માર્ગમાં મુક્તપણે તારા સ્વને ઠાલવવાની તારી ઉર્મિને અવકાશ નહિ આપવામાં આવે, તો તારે માટે મહતી વિનષ્ટનો પ્રસંગ જાણવો. કેમ કે જાણ્યું કે એ આવેશો ધૂંધવાઈને તારા વ્યક્તિત્વને કદરૂપું બનાવીને સ્વભાવને પણ કડવો નહિ કરી નાખે?…. તેથી, જો તું રીઢા સંસાર-પરસ્તોનાં અજ્ઞાન તથા આ દૂરંદેશી ભર્યા દુરાગ્રહને સાવ વશ રહીશ, તો અનર્થ પામવાનો તારે માટે સંભવ ખરો. TO ALLOW THE STREAM OF YOUR NATURAL DESIRE TO DEVOTE YOURSELF ALONG WITH YOUR DEEP AFFECTIONS, TO FLOW IN SAFE SPIRITUAL CHANNELS. નરી વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ તારે માટે મને આ જરૂરી લાગે છે. એથી વિશેષ ગમે તેવો સમભાવી પણ ત્યાગમાર્ગ નિષ્ઠ વૃદ્ધ સંન્યાસી શું ભાખી શકે?
”યુદ્ધ મનુષ્યમાં રહેલા પ્રબળ પશુભાવ સામે દૈવી સંપતનું છે. તે દેવાસુર સંગ્રામ જ છે. ચિત્તની અનિષ્ટ વૃત્તિઓ અને ચિત્તની ઈષ્ટ વૃત્તિઓ વચ્ચેનું, મનુષ્યે પોતાની મુક્તિ માટે જીવ સાટે લડી લેવાનું એ ધમસાણ છે.”
”દ્રઢ નિષ્ઠા, સંયમ, એકાગ્રતા અને અવિસ્મૃતિ પૂર્વક, જે કોઈ આ માર્ગે લાગ્યો રહે, તેને સ્થૂળ પશુભાવથી તદ્દન વિરૂદ્ધ એવો સુક્ષ્મ દૈવી પરમેશ્વર ભાવ પ્રાપ્ત થયા વિના ન રહે.”
”આપણે અપૂર્ણ ઈશ્વર છીએ, તેથી મનુષ્ય છીએ, મનુષ્ય જ્યારે મનુષ્ય છે, ત્યારે તે ઈશ્વર નથી. જ્યારે તે ઈશ્વર છે, ત્યારે તે મનુષ્ય નથી. જ્યારે માણસ જગતમાં મગ્ન છે, ત્યારે તે ઈશ્વર નથી. જ્યારે ઈશ્વરમાં મગ્ન છે, ત્યારે તે માણસ નથી. જ્યારે એ પશુ છે, ત્યારે એ દેવ નથી. જ્યારે એ દેવ છે, ત્યારે એ પશુ નથી. તેમાં એ અપૂર્ણતાને ખંખેરી નાખવાની જ વાર છે. આપણું લક્ષ્ય પૂર્ણત્વ હોય. વગર જાણ્યે પણ, બ્રહ્મથી લઈને તરણા, માટી, પથરા સુધીની સંપૂર્ણ સર્જત, પૂર્ણત્વ તરફ જ મજલો કાપી રહી છે.”
ૐ તત્ સત્ ।
PAGE 39
”યોગ ક્રિયાઓ બાબત.”
યોગના પ્રકાર બહુ છે. ઘણે ભાગે પ્રાણાયામ તથા આસનો જેમાં મુખ્ય ભાગ ભજવે છે. ને જેને ‘મુદ્દાઓ’ કહે છે તેવી ચેષ્ટાઓથી જ યુક્ત છે તે ”હઠયોગ” માં ઘણું લોક પડે છે, કેમ કે તેના વડે અમુક સ્થૂલ તથા સૂક્ષ્મ (એટલે કે શારીરિક તથા માનસિક) અલૌકિક કહેવાતી સિદ્ધ શક્તિઓ મળવાનો સંભવ હોવાનું મનાય છે. એનાથી અવશ્ય મનોબળ વધે છે, ને માણસ જેને ‘જબરૂં’ કહીએ તેવું થાય છે.
તે સિવાય બીજો જે ઓછો કઠોર છે તે ‘પાતંજલ યોગ’ અથવા ‘રાજયોગ’ પણ કહેવાય છે. સ્વામી વિવેકાનંદે પતંજલિ મુનિના એ યોગશાસ્ત્રનું ભાષાન્તર ‘રાજયોગ’ ને નામે કર્યું છે. તેમાં સમાધિરૂપે ચિત્તના નિરોધનો ધ્યેય છે. તેમાં પણ ક્રિયાઓ દ્વારા મુખ્યતઃ અમુક સિદ્ધિઓ પ્રાપ્ત થવાની વાત રહે છે. પરન્તુ તેમાં શરીરને પીડવાનું એટલું બધું નથી હોતું ને સિદ્ધિઓને ગૌણ સ્થાન હોઈ, એને અનિચ્છનીય વસ્તુ કહેલી છે, ને તેમાં ભાર મૂકાય છે સંયમ ઉપર.
અને જ્ઞાનયોગમાં તો ‘ક્રિયાઓ’ જેવું કંઈ છે જ નહિ. અમુક પ્રારંભિક હેતુસર કોઈ ક્રિયા કરવાની આવે તો તે રાજયોગમાંની હોય છે. બાકી એમાં સમજવાનો ખાસ મહિમા છે.
જપ વડે જે ખરૂં ધૈર્ય અને મનોબળ તથા આત્મબળ એટલે કે સન્નિષ્ઠા જાગે છે, તેનાં મૂલ્ય કોણ આંકી શકે? સાધકની આખી રૂંવાટી એ પલટાવી નાખે છે. આંતર બાહ્ય પરિવર્તન કરે છે. શરૂમાં ચાલુ ટેવોને અનુકુળ હોવાથી મીઠું, જે પાછળથી પરિણામે દુઃખદ થઈ પડવું, એવો જગતના પદાર્થોનો સ્વભાવ રહે છે. ત્યારે આત્મ-શ્રેયસને લગતું લગભગ બધું જ, બીજા પ્રકારની જામી ગયેલી પૂર્વ ટેવોના અંતરાયને લીધે પ્રારંભમાં અકારૂં, ને પછીથી, એ ટેવ બંધન ટળતાં, પરિણામે સુખદ નીવડે છે.
એકવાર નવી દ્રષ્ટિ બાંધી લીધી, ભલેને જરા પોતાની જૂની જાત સાથે પ્રેમ પૂર્વક લઢીવઢી લઇને પણ, પછી તો બધી આત્મ પ્રવૃત્તિ પ્રારંભે ઉત્સાહ વર્ધક, મધ્યમાં ઉમંગદાયક ને અંતમાં સંતોષ સ્વરૂપ બની રહે છે. તેથી જપ થોડા થોડા તોયે ચાલુ રાખવા સારા. દર મહિને ઓછામાં ઓછી અમુક સંખ્યામાં તો કરવા જ, એવો સામાન્ય નિયમ રાખવામાં આવે, તો બહુ રૂડું. તમે ગૃહસ્થાશ્રમી અનેકાનેક આધિ, વિ-આધિ અને ઉપ-આધિઓથી ઘેરાયેલા, જે ગાર્હસ્થ્ય દરમ્યાન મોટે ભાગે અનીવાર્ય હોય છે. તેથી પ્રારંભ સહજ ઉત્સાહના અતિરેકમાં આવીને એની લઘુતમ ઈયત્તા-FLOOR-બહુ આકરી ન બાંધવી, ન પહોંચી વળાય એવી રીતે જોર ન કરવું, પરન્તુ ચિત્તને તે બાબતમાં સંતાપના પ્રસંગ ન આવે, ને અપ્રમાદથી છતાં પ્રસન્નતાથી બની શકે, તે પ્રમાણે વિચારપૂર્વક તેનું પ્રમાણ નક્કી કરવું.
અલબત્ત, જ્યારે ફાવટ આવે, ને અનુકુળતા જણાય, ત્યારે પણ એ નીચલી મર્યાદાને ન વળગી રહેતાં, રાજી થઈને તેનાથી બને તેટલા ઉપર જવું. પરન્તુ એકવાર જે લઘુતમ અનિવાર્ય નક્કી કર્યું, પછી તો તેમાં ઘાટો ન જ પડે, એ ઈચ્છવા જોગ છે. કેમ કે એક વાર નમતું જોખ્યું, તો મનદેવ એવો લપસણો છે, કે કોણ જાણે ક્યાં જઈને અટકે, ને મનોબળને ઓસરી જતાં વાર ન લાગે. એ મોટી આત્મ-આપત્તિ, કેમ કે જેને વધારવા માટે આ બધો પ્રયત્ન તે તો સામું નષ્ટ થાય!
ૐ તત્ સત્ ।
PAGE 40
”સંનિપાત – ઉન્માદ – હિસ્ટિરિયા.”
આપણે સનેપાત (સંનિપાત) શબ્દ જાણીએ છીએ. એક પ્રકારના વિષમ જ્વર (ત્રિદોષ) માં એ ઉભરાય છે. એનું મુખ્ય લક્ષણ છે, ચિત્તના અને તેને અંગે, વાણી તથા અંગોના ઉત્પાતો, વિષમતા, અને બુદ્ધિની સમતુલાની અસ્ત વ્યસ્તતા. એ અત્યંત ખતરનાક સ્થિતિ ગણાય છે, અને એમાં ત્રણેક પ્રકૃતિ-ઘટકો બગડી જતા હોવાથી, એના પ્રાયઃ અસાધ્ય છે. ઉન્માદનો એ એક પ્રકાર છે.
આપણને ભાન નથી હોતું, પણ ચિત્તના પ્રત્યેક આવેગ કે આવેશનો ઉદ્વેગ અથવા અતિરેક, સનેપાતનો જ ચાળો હોય છે. લાગણીવેડા રૂપી ચિત્તનો દોષ, જીવનો મૂળ રોગ છે. એ જ્યાં સુધી વિવેક બુદ્ધિની મર્યાદામાં રહે, ત્યાં સુધી ખાસ ઉપદ્રવ દાખવે નહિ, તો પણ, મમતા મોહને અવશ્ય પોષતો રહે. પરંતુ કોઈ પણ કાલ્પનિક કે ગમે તેવા કહેવાતા કારણે બુદ્ધિનું નિયમન શિથિલ થાય, ત્યારે, લાગણીના ઉદ્વેગની સ્થિતિ થાય, ને તે, મગજના સમતોલપણાને હચમચાવીને, અનેક અનર્થો ઉપજાવે.
લાગણીવેડા, એ વસ્તુ સતભાવની સાત્વિકતાની જ એક વિકૃતિ છે. જે ગમ્યું, તેની, તેના આકર્ષનો અતિશયતા. અને જે ન ગમ્યું, તેના પરત્વે પણ દ્વેષની અતિશયતા અથવા તેનો અતિરેક. એ તેનું સ્વરૂપ છે. અને, માનવ જીવનના જન્મ સિદ્ધ આનંદ-સુખભાવના હકને પીંખી નાખનારી એ જ વસ્તુ છે. એ કામ, ક્રોધ ઈત્યાદિ ને નામે ઓળખાય છે.
આ અતિરેકોને ભાવોદ્રેક કે ભાવાવેશનું રૂપાળું નામ આપીને, ધર્મો-પંથો, સંપ્રદાયો તેના અતિરેકને ઉત્તેજે છે, બલકે, તેને બહેકાવવામાં જ એ ધર્મ ભાવની સાર્થકતા બતાવે છે. પ્રત્યેક અતિરેક, દ્વંદ્વી અવમા અતિરેકને જ નોતરે છે. અતિરેક એટલે સ્વસ્થતાનો અભાવ. એટલે સુખભાવ કહેવાતી ચિત્તની સમતાની સ્થિતિનો નાશ. એટલે, શાન્તિનો હ્રાસ. સુખ અને શાન્તિ એ પર્યાય છે, ને સમતા તેનું અધિષ્ઠાન છે. ત્યાં ભગવાન, પ્રિયજન, પ્રિય પદાર્થ અથવા મનગમતી કોઈ કલ્પનાને નિમિત્તે અશાન્ત લાગણીવેડાના નશાનાં તોફાનો ઉપજાવવા, એ કઈ રીતે સુખનો માર્ગ હોઈ શકે? અશાન્ત ને સુખ ક્યાંથી! (સ્વસ્થતા સ્વસ્થતાને, ને ઉગ્રતા ઉગ્રતાને જ સામી ઉપજાવી શકે) એમાં, ભક્તિને નામે ભાવાવેશો, નાચવા-કૂદવા, બરાડા પાડવા વગેરે પ્રસિદ્ધ સંનિપાત અથવા ઉન્માદનાં, હિસ્ટિરિયાનાં લક્ષણોને, ન હોય ત્યાંથી ઉભરાવવા, થાકી જવું, પડી જવું, બેહોશ થઈ જવું…. એવી ઉન્માદી વર્તણુક ઈષ્ટ મનાય છે.
એક માત્ર વેદાન્ત જ, અને તે યે કેવલાદ્વૈત વેદાન્ત જ, સ્પષ્ટ બુદ્ધિપૂર્વક કહે છે, કે ભાવનાનો અતિરેક, તેનાં પ્રત્યેક રૂપમાં આત્મઘાતક અને સુખશાન્તિનો સમૂલધ્વંસક છે, અને સ્થિત પ્રજ્ઞારૂપી સમતા જ બ્રહ્મનામક પરમસુખ છે. ચિત્તની વિવેકશીલ વિચાર (પ્રજ્ઞા) થી સમૃક્ત શાન્ત વિચારણાની તેલધારાની સ્થિતિ રહેવી, એ જ એક માત્ર સત્ય સુખ તથા નિર્મળ પ્રસન્નતા છે. એ જ મોક્ષ, આત્માનંદ, સ્વરૂપાનુભવ, બ્રહ્મભાવ વગેરે નામે કહેવાતું બ્રહ્મત્વ છે.
લાગણીનો ઉભરો, એને અવશ્ય કોઈ આધ્યાત્મિક ઉન્માદ જ્વરનું લક્ષણ જાણજો. વહાલાંઓ, કુણી લાગણીઓને સમાડવી, એને ભયંકર વિષધર સાથેની રમત સમજજો. ભાવનાવશતાને સારી વસ્તુ સમજનારા મંદમતિઓ, હાથે કરીને ત્રણેય પ્રકારના રોગોને નિમંત્રે છે. ઈશ્વર સમોવગે નિરપેક્ષ સાક્ષી, દ્રષ્ટાભાવ, કે જેમાં હર્ષશોકનો હડસેલાને અવકાશ નથી, અને તે કારણે અસુખની વૃત્તિને સ્થાન નામેય નથી. જ્યાં લાગણીવેડાનો સંચાર થયો, ત્યાં બીજે દ્વારેથી નિરામય “આત્યંતિક સુખ” ઈચ્છા નામે ય ન થવી, ગમતું, અણગમતું તથા નારાજીનું સદંતર પરવારી જવું, એવી જે આત્માનંદની વ્યખ્યા છે, તેનો મોટામાં મોટો શત્રુ લાગણીવેડા છે, ને તેનો શ્રેષ્ઠ બંધુ સ્થિર સાક્ષીદ્રષ્ટાભાવ છે.
તેથી ધર્મ, ભક્તિ, પ્રેમ લક્ષણા વગેરે અત્યંત ઠગારો એવો “મુખે મધ ને બગલમાં છુરી” જેવો લોભામણાં ભાવોથી ચેતીને ચાલજો, ને કેવળ સ્વરૂપમાં શાન્ત, નિતાંત સ્વસ્થ, એવા તમારા એકલ અદ્વિતીય સાક્ષીદ્રષ્ટાપણાને હાલવા દેશો નહિ. નહિ તો સમગ્ર જીવનને, અસાધ્ય એવો ત્રિદોષનો સનિપાત લાગુ પડશે, ને ત્રણેય ગુણો વિફરશે.
કહેતા તો મેં તમને કહી દીધું. ને હવે તમે જાણો!
ૐ તત્ સત્ ।
PAGE 41
“અકર્મી માનવીની ગતિ વિશે”
પ્રશ્નઃ – કોઈ ધર્મ પુક્તકમાં મારા વાંચવામાં આવ્યું છે, કે જે કોઈ જીવાત્મા આ ભવમાં સારા કે નરસાં, કોઈ કર્મો ન કરે, ને જેવો આવ્યો હોય તેવો પાછો જાય, તો એણે આખી લખચોર્યાસી નવેસરથી કરવી પડે.
એવું હોઈ શકે ખરૂં?
ઉત્તરઃ- એવું તો કોઈ વેદ કે પુરાણમાં યે નથી કહેલું. માત્ર, કોઈ સાંપ્રદાયિક વાડાના ગ્રંથમાં સાંપ્રદાયિક કર્મો પરત્વે એવું લખેલું હોઈ શકે.-જો હોય તો. એ દેખીતું છે, કે જીવાત્મા પુણ્ય-પાપની જે સમતુલાને બળે વિચારશીલ મનુષ્ય યોનિ પામ્યો છે. અને એને ગ્રન્થો, ગુરૂઓ, વડિલો વગેરે મારફત ડગલે ને પગલે યાદ દેવડાવ્યા કરાયું છે, એની ઉપેક્ષા કરીને આ તકનો ઉપયોગ એ ન કરે, ને ધોયેલા મૂળા જેવો રહી જાય, તો, એની ભવપરંપરા આગળ ચાલતી રહે, કેમ કે પ્રારબ્ધો ઘડાતાં રહે, તેને અનુરૂપ યોનિઓની પરંપરા એ ત્યાં સુધી પામતો રહે, કે જ્યાં સુધી માનવ દેહની સાર્થકતા એ ન કરે. એવી ભવ પરંપરા માનવ દેહો રૂપે યે હોય, ને અન્ય યોનિઓની પણ હોઈ શકે. જેવાં કર્મો, ને જેવા સંકલ્પો પણ થિયોસોફીવાળા જે ધતિંગ પકડી બેઠા છે, કે એકવાર માનવદેહ મળ્યો પછી તેનાથી ઉતરતી યોનિમાં તો એને જવાનું હોય જ નહિ, ને જે કર્મો કરે તેનાં ફળ માનવદેહે જ એ જીવ ભોગવતો ચાલે, નર્યું વેદ વિરોધી, તેમ સામાન્ય અક્કલનું પણ વિરોધી ધતિંગ છે. જેવા કર્મો, તેને અનુરૂપ જીવને દેહો પ્રાપ્ત થતા રહે, એ દેખીતી વાત છે.
ગમે તે સંજોગોમાં પણ, પાછળનું બધું વ્યર્થ જાય, ને એકડેએક થઈ લખચોર્યાસી વળગી પડે, એવી વાહિયાત વાતો કોઈ પણ સત્ શાસ્ત્રમાં ન હોઈ શકે. સામાન્ય સમજની એ વાત છે, કે પાછલે ભવે જ્યાંથી પડતું મૂક્યું હોય, ત્યાંથી એ જીવ બીજે ભવે આગળ ચાલે. ગીતામાં એની સ્પષ્ટતા છે. કશું પણ, ક્યારે પણ કરેલું વ્યર્થ નથી જતું. પણ પંથવાડાને, સમજદારી, કે બુદ્ધિના ઉપયોગ, કે કર્મફળના શુદ્ધ નિયમની વફાદારી સાથે કશો સંબંધ નથી હોતો. પોતાની ગાંઠ કોઈ પણ રીતે પકડી રાખવી. એ જ બધા વાડા – સંપ્રદાયોની હઠ હોય છે. તેથી, આવાં પ્રીતિ-ભીતિનાં કુભાંડો ઊભા કરીને અબુધ પાપ ભીરૂ ભોળાં લોકને પોતાના વાડામાં બાંધી રાખવાં, એમનો એક જ અપ્રમાણિક હેતુ હોય છે. સાંપ્રદાયિકતા ને સત્ય તથા પ્રમાણિકતા સાથે શું નિસ્બત હોય? અને હોય, તો પછી શુદ્ધ સનાતન ધર્મ તથા વેદાન્તોથી અળગા પડીને વાડાબંધીનાં કુંડાળાં વળાય જ શા માટે? તેથી આવી મનગાંઠો કે જે માનવદેહ રૂપી મળેલી તક ને ધૂળમાં મેળવે છે, તેનાથી બચતા રહેવું, ને શુદ્ધ બુદ્ધિ પ્રમાણિકપણે વાપરવાનો આગ્રહ રાખવો, એ શ્રેયાર્થીજન માટે ઉચિત છે, બાકી, આવું લખવાની બેવકૂફી, બેવકૂફ જ કરે!
“જે જન્મ્યાં છે, તે બધાને જીવવું છે. અને તે પણ માત્ર જીવતા રહેવું છે એમ નહિ, પરંતુ સુખે જીવવું છે. અને તે, પ્રત્યેકની પોતપોતાની કલ્પનાનું સુખ. અને વળી દુઃખ નથી જોઈતું. નથી જ જોઈતું. એને તો વેગળું જ રાખવું છે, જ્યારે સુખને એકલાને સદાસર્વદા માટે છાતી સરસું નિત્ય નિરન્તર જડેલું રાખવું છે. એ તો પ્રાણીમાત્રનો સ્વભાવ છે. અને એ ઝંખના જ, સુખની તૃષ્ણા જ દુઃખનું મહાકારણ બની રહે છે. કેમ કે આપણે દુઃખનો સામાન કમાએલા હોઈએ, ને વાંછીએ સુખ, એટલે દ્વિધા દુઃખ ઉપજે,- એક તો દુઃખ આવ્યાનું, ને બીજું સુખ ન મળ્યાનું.”
ૐ તત્ સત્ ।
PAGE 42
“સાધન અને સાધ્ય”
પ્રશ્નઃ- બ્રહ્મને જાણવા માટે જે વિવેક, વૈરાગ્ય, શમદમાદિ, ષટસંપત્તિ અને મુમુક્ષુતા. એ સાધન ચતુષ્ટ્ય કહ્યા. ને જાણ્યા પછી કઈ રીતે આગળ ચાલવું?
ઉત્તરઃ- એ જાણવાની બાબતો નથી. પાળવાની છે. એનું નિત્ય પાલન, એ જ આગળ ચાલવું છે. એ ‘ચાર’ નો હેતુ એક જ છે. શાન્તિ, સ્વસ્થતા, સંસારની તથા શરીરની પ્રત્યેક ઘટના, તથા ચિત્તના પ્રત્યેક સ્પંદન (વિચાર) નું તટસ્થ ભાવે નિરિક્ષણ,-એ સાધન ચતુષ્ટ્યનાં રૂપો છે. એના ફળ, એના પાલનમાં સહજપણે સિદ્ધ છે. આત્મ માર્ગમાં કશું પણ ”કરવા” કે ચાલવા પણું કે આગળ, કે પાછળ, કે પછી…. એવું છે જ નહિ. એ ચારનું એવું નિત્ય, સભાન અને પ્રયત્ન પૂર્વકનું, ખંતથી પાલન, કે જેને પરિણામે, આપણને ખબરે ય ન પડે તેવી રીતે, એવી વર્તણુક આપણો સહજ સ્વભાવ બની જાય.
ચાર સાધનને જાણે છે તો બધા, દુષ્ટમાં દુષ્ટ ને અધમમાં અધમ, પશુ જેવા જડ, ને કસાઈ જેવા ક્રુર માણસો પણ. એવી માત્ર જાણકારી તો, કેવળ એમાં અહં-ભાવવાળાઓને ”હું તો જ્ઞાનનું ને આત્માનું બધું જાણું છું.” એવા મહાભયંકર અભિમાન તથા અહંકાર જ વધારી આપે. ને તેનાથી સુખ શાન્તિ વધારે ને વધારે વેગળા ભાગે.
આત્મ માર્ગમાં, આ ”ચાર સાધન” નું દ્રઢ નિશ્ચય અને ખંતપૂર્વક તથા ગમે તે ભોગે પણ, નિત્ય પાલન, એ એક જ ”કરવા” નું છે. બીજું બધું, જેવા કે સ્વસ્થતા તથા સુખચેનનો ભાવ, સર્વ કલેશોના એક માત્ર મૂળરૂપ ”મને, મારૂં, હું,” વગેરેના વળગાડનું જ ખરી પડવું વગેરે, એ તો એ સાધનના પાલનનાં અચૂક પરિણામ છે.
”આગળ ચાલવું” એટલે? સુખભાવમાં અભિવૃદ્ધિ માટે શું કરવું, એવું પૂછો છો ને? સુખભાવ સ્થિર છે. એમાં ઘટ કે વધ ને સ્થાન નથી, કેમ કે આત્મસુખ એક જ છે. ‘આત્મસુખો’ નથી, પણ એક અને અદ્વિતીય, એવો એક જ સહજ પ્રસન્નતાનો ભાવ છે, કે જેને પોતાના નિભાવ માટે આ જગતના, કે તેની બહારના કહેવાતા સ્વર્ગાદિ કે દેવદેવી કે ભગવાન જેવા કોઈ પણ પદાર્થની ગરજ નથી, અને એની આડે, કરવાનો બધો વ્યવહાર તેથી, ચાર સાધનના, કોઈ કડક ગુરૂજનની નિર્દય દેખરેખ નીચે પ્રાણ સાટે પણ, ચૂપચાપ નિત્ય પાલન સિવાયનું કશું કરવા, કે ચાલવાની કલ્પના સરખી કરવી, એ તો, પાછું એનું એ જ, ”સુખી થવા માટે, આ કરૂં ને તે કરૂં” ના ભયંકર કલેશના ભંડાર સમા ચક્કરને નોતરૂં થયું. આમાં કશું ”કરવા” નું કે ”ચાલવાનું,” કે એવી કોઈ ક્રિયા નથી. તેથી જ, કરૂં-કરૂં સિવાય બીજું કશું જેણે ભવોભવ થયાં જાણ્યું નથી એવા જીવડાને મુંઝવણ થાય છે, કે ”હવે શું કરવાનું!” કંઈ જ નહિ કરવાનું, એ જ ઘડ એને બેસતી નથી.
જેને કશું પણ ન કરતાં આવડે, તેને માટે સત્ય સહજ સુખ છે. ‘કરૂં’ વાળા માટે નહિ. સાધન ને સિદ્ધિ, એ એક જ કાગળના બે જેવા લાગતાં પાસાં છે. તેથી કરવું એટલું જ, કે સાધનના પાલન સિવાય બીજું કંઈ જ નહિ. આ માર્ગ અભેદ નો છે, બીજા કશાનો નહિ. જેમ વૈદકમાં, સાધનો છે નિદાન, ને ચિકિત્સા ને રોગના નાશ રૂપી સિદ્ધિ માટે એ બે સિવાય બીજું કશું ”કરવા” કે આગળ ચાલવાનું નથી, કેમકે સિદ્ધિ તો, એ ચૂપચાપ સાધનનું સહજ ફળ છે. જો એ બરાબર હોય, તો સિદ્ધિ આપ મેળે છે. તેમ, આ માર્ગમાં, સાધન અને સિદ્ધિનો નિશ્ચય ભેદ છે. જો સાધન શુદ્ધ હોય, ને ચિત્ત નિર્મળ હોય, તો સુખરૂપી સિદ્ધિને શોધવી રહેતી નથી. જો સુખને શોધવું પડે, તો તેનો એક જ અર્થ થયો, કે સાધન (નિદાન, ચિકિત્સા, પરેજી ઈતર) બરોબર નથી પળાયાં! બાકીના બધા બહાનાં.
તેથી, સાધન ઉપરાન્ત ઉધામા પૂર્વક કરવાનું કશું નથી, ને જે થતું હોય તેને, ઈશ્વરેચ્છા (કે પ્રારબ્ધ) સમજીને થવા દેવાનું છે.
ૐ તત્ સત્ ।
PAGE 43
”યજ્ઞરાજ જપયજ્ઞ”
જ્યાં માળા રાખવી કે વાપરવી ન ફાવે તેવું હોય, ત્યાં માળા વિના કામ ચલાવવું. આખરે તો, માળા સાધન છે, ને જપ જ સાધ્ય છે. સાધન જ સાધ્ય ન થઈ જાય, વાહન જ સનમ ન બની જાય, એટલું સંભાળાય, તો યે આ વગર સમઝ્યે દીધે રાખવાના જમાનામાં ઘણું કહેવું પડે!
મનની જ્યાં અસ્વસ્થતા હોય, ત્યાં જપની આ પદ્ધતિ-માળા વિના જ જપવાની, લાગુ કરવી. એનો હેતુ, બીજા કશા નવરાનથળા નકામા વિચારોને અવકાશ ન મળે, DEPRESSING OR OTHERWISE, એ, એક જ વિચાર, એક જ લગન, એક જ ધૂન, એક જ વૃત્તિ, તદ્દનુસાર એક જ પ્રવૃત્તિ, એક જ લક્ષ્ય, એક જ જ્ઞાતા, એક જ જ્ઞાન, ને એક જ જ્ઞેય. એવી તત્પરાયણતા માટેનું કલ્પવૃક્ષ છે, આ યજ્ઞરાજ જપયજ્ઞ. જે અભ્યાસી ધ્યેયમાં સમર્પિત છે, તેને વળી ઉદ્વેગ કેવા, ને કલેશ કેવા! એ માટે એને ફુરસદ – સમય, કે ચિત્તમાં જગા પણ કેમ હોય? આનન્દરૂપ ઈષ્ટ વસ્તુ, અને કલેશરૂપ અનિષ્ટ એકસહ હ્રદયમાં કેવી રીતે વસી શકે જ તે? એમ વસાવવાની ચેષ્ટા કરવી, કે થવા દેવી તે પણ, ઈષ્ટની સેવા થઈ, કે કુસેવા? ઉપનિષદ સ્પષ્ટ પણે એક જ ઉપનિષદમાં બે વાર ઠોકી બજાવીને શું કહે છે?- “આનન્દ બ્રાહ્મણો વિદ્વાન્ન વિભેતિ કદાચન,” અને બીજીવાર એનું એ વચન, છેવટના શબ્દને બદલીને “કુતશ્ચન” એમ કહે છે. (૧) “બ્રાહ્મના આનંદને જામનારો કદી પણ ભય પામતો નથી, (૨) ક્યાંયથી પણ ભય પામતો નથી.”
એ યાદ રાખવું, કે વેદાન્ત દર્શનને વિધિનિષેધ મૂલક કર્મકાંડમય ધાર્મિક સંપ્રદાયો સાથે સાંકળી લેવાની ભૂલ નથી કરવાની. એ તો એક વચની ધર્મ, માણસાઈનું શાસ્ત્ર છે. સાંપ્રદાયિક યોજનાઓ બહુ વચનને પાત્ર છે, અને તે શરીર પડ્યા પછી સ્વર્ગાદિની પ્રાપ્તિના કે બીજા ભાવોના સુખની વાતો કરે છે, જ્યારે વેદાન્ત વિજ્ઞાન ઈહૈવ, આ ભવે જ મોક્ષના પ્રત્યક્ષાનુભવનો સોદો છે. તેમ જ, પાશ્ચાત્ય ફિલ્સુફી એના સંદર્ભમાં, એ વિજ્ઞાન જીવવા માટે, જીવીને પરમસુખ શાન્તિને સિદ્ધ કરવાના હેતુવાળું છે, નહિ કે માત્ર બુદ્ધિના અહંવર્ધક ખેલતમાશા માટે, કે પછી મરણોત્તર કપોલકલ્પિત સુખો માટે.
સાર્થનામ સંન્યાસીને પરિગ્રહ જેવી કોઈ વૃત્તિ નથી હોતી, સ્વરૂપમાં એ એવો ઘૂંટાઈને એકરસ હોય, કે પ્રાકૃત ઈતરજન દ્રષ્ટિને જે લાગતું હોય તે સુખે લાગે, પરન્તુ, જે કંઈ આવે-જાય. તેની સાથે તેને અંતરથી કોઈ પણ પ્રકારની નિસબત ન હોઈ શકે. શરીરદ્વય તો આખર પ્રારબ્ધનાં કઠપૂતળાં, ભોગાયતનો છે. પ્રારબ્ધાનુસાર જે પ્રાપ્ત થાય, તેને એ પ્રભુ પ્રસાદી રૂપે શિરોધાર્ય લેખે, તેની સાથે ધૃતિ ઉત્સાહ સમન્વિત અને યથોચિત વ્યવહાર કરે – “સિદ્ધય સિદ્ધયો નિર્વિકારઃ।”
એને જેમ કશું પણ કરવાનો આગ્રહ ન હોય, તેમ કશું ન કરવાની હઠ પણ તેને શા માટે હોય? કેમકે “ન ચાસ્યસર્વભૂતેષુ કશ્ચિદર્થ વ્યયાશ્રયઃ।” જે નિર્દોષ વ્યવહાર ભાગ્ય પ્રાપ્ત હોય, તેને એ INTERESTED BUT NOT CONCERNED –રસ ખરો, લત નહિ – એ ભાવે પૂર્ણ પ્રેમથી પાર પાડવા પ્રયત્નશીલ રહે, કેમકે તે પ્રત્યેકમાં એ ઈશ્વરીય સંકેત, બલકે ઈશ્વરત્વ જ ભાળે. “સ્વરૂપ નિષ્ઠામાં અવિચળ સ્થિતિ, એ છે આત્મજ્ઞાનનું પોતાનું રૂપ.” “જેમાં કશું “કરવા” પણું છે જ નહિ એવી નિત્ય વસ્તુ (નિરવધિ મોક્ષસુખ) કોઈ પણ “કરવા” પણાથી પ્રાપ્ય નથી. ”
ૐ તત્ સત્ ।
PAGE 44
“એમાં મારો શો વાંક”
એ છોકરો, કંઈ નહોતો દેખતો એવું તો હતું જ નહિ. પ્રત્યેક સનેત્ર માનવીની જેમ જ, આંખે દેખાતું એ બધું દેખતો હતો, હોંશિયારી પૂર્વક.
પણ મેં એને જોતાં શીખવ્યું. એક નવી કુંપળ, નવા તરણાનું સ્ફૂરણ, ખીલતું ફૂલ, ઝાકળનું ટીપું, કોઈ કૂતરા-બીલાડાની ચાલ…. કોઈ કવિના હ્રદયનું કાવ્ય ઝરણું, કોઈ કલાકારની કૃતિ – રેનોલ્ડ્ઝ, ગેઈન્સવાહો, વાનગોધ, રૂબન્સ, એન્જેલો, દાવીન્ચી…. ગમે તે, કોઈ પણ ચેતન મૂર્તિ કલાકારની કૃતિ, – ચિત્ર કે શિલ્પ, – એની સામે ઊભો રાખીને મેં એનાં આત્મનિષ્ઠ વિશ્લેષણ કરી બતાવ્યા, ના, પોતાની મેળે કદર પૂર્વક “જોતાં” શીખવ્યું. એક વેલીના વળાંકની લટક, “ગંદી” માખીની પાંખ, “ગંદા” મળનું રહસ્ય…. એને સમજીને કેમ જોવાય, તે……
અને ત્યારથી, એ છોકરાને, નરી સંદરતા, નર્યું શિવત્વ, માંગલ્ય, નર્યાં પરમ સત્ય સિવાયનું કશું યે, કશામાં દેખાતું બંધ થઈ ગયું. જ્યાં જ્યાં એની નજર ઠરે, ત્યાં ત્યાં, તે સિવાયનું એને, તે પછી, દેખાય જ શું – સિવાય કે આનંદ, પ્રેમ, બ્રહ્મ-સ્વયં પોતે! ભટકતી દ્રષ્ટિ એક- અગ્ર થઈ ગઈ. એને ઘેડ બેસી ગઈ, તેમાં હું શું કરૂં?
મેં એ પ્રિય સ્વસંતાનને, સાંભળતાં શીખવ્યું, એનાં સ્થૂળ કાન કંઈ ઓછા સરવા ન હતા, તો યે, કંઈક બીજી રીતે, અવળી કે સવળી રીતે, અને ત્યારથી, એ ઘેલાને, કૂતરાંના ભૂંકણમાં, બીલાડીના મ્યાઉકરામાં મેઘના ગગડાટમાં, બાળકના રૂદનમાં….. સિંહની ગર્જનામાં, વાયુંની ઝંઝટમાં… જળના વહનમાં … ઓમના રણકાર સિવાયનું કશું પણ ધ્યાનમાં ઉતરવું બંધ થયું. કજિયા તથા ક્રોધના ઉગ્ર સૂરોનું પણ, એવું. કલેશને કલેશ રૂપે સમજવાની જીવડાની સ્વાભાવિક ટેવને પણ એ ભૂલી ગયો. કેવો ગજબ!…. પણ, એમાં મારો શો વાંક! એવો થઈ ગયો.
મેં એને વિચારતા શીખવ્યું. એની અક્કલ કંઈ ઓછી નહોતી. બુદ્ધિની કુશાગ્રતા એને વરેલી હતી…. પણ મેં કંઈક બીજી રીતે બનાવી. અને ત્યારથી, એ વિચારતો, અને તે સાથે, તેનો ભેદ પણ, સમજતો થઈ ગયો. ક્યાં યે કોઈ પણ આંખમાં, પોતાના સિવાયનું, એટલે કે પરમ પ્રેમાસ્પદતા સિવાયનું, કશું પણ “બીજું” દેખવાની આવડત ને એ ખોઈ બેઠો. તેથી એ “એકલો” છતાં “સર્વ” થઈ ગયો. વ્યવહાર ને બધી રીતે વ્યવરાહરની રીતે કરતો ભાસતો છતાં…. પછી, ત્યાં શેના વડે શું દેખે, સુણે, કહે, સ્પર્શે, સૂંઘે – અરે વિચારે પણ, કે સમજે પણ?
ત્યારે એ બધું જ થઈ ગયો—કેવળ પ્રેમ સ્વરૂપ, સર્વસ્વરૂપ – તે પછી, એ પ્રેમી, કરૂણાળુ, વહાલભર્યો ન રહેતાં, સ્વયં પ્રેમ, સ્વયં કરૂણા, સ્વયં વહાલ બની ગયો. બની જ ગયો. ક્રોધ, કામ, મોહ વગેરે પણ એને સ્વરૂપ થઈ ગયો. એમાં વાંક તો, મારો જ ને! છતાં નહિ. એવું તો હજારો વર્ષોથી અનેક “બાવા” કરતા આવ્યા છે. પણ ચોટ તો, જ્યાં લાગતી હોય ત્યાં જ લાગે ને! એમાં બાવાનો શો વાંક! એ બધું જ હતો જ. ત્યાં કોઈ શું કરે?
આ છોકરાનો મોટો દોષ એ હતો, કે એ “પ્રેમઅંશ” અવતર્યો હતો, તેથી, તેના ઉરમાં એ રસ જર્યો…. તેમાં હું શું કરૂં, વાંક એનો પોતાનો, પોતાના પોત નો જ, એમાં કોઈ ને શું! એમાં હું શું કરૂં! એ તો, આ શરીર વગર પણ, ગમે ત્યાંથી, મારા વડે જ, છતાં, મારા વગર પણ એવો થયા વિના, થોડો જ રહેવાનો હતો! એવું સહુનું થજો!
“જ્યાં અધિકારી શિષ્ય અને સાર્થનામ ગુરૂનો સંયોગ થાય ત્યાં પછી ત્રણલોક પણ કયા ચીઝ હૈ.”
ૐ તત્ સત્।
PAGE 45
“ગુરૂ પૂર્ણિમા મહાત્મ્ય.”
યાદ રાખજો કે સર્વત્ર એક જ ગુરૂતત્વ વિલસી રહ્યું છે, અને તે સિવાય બીજું કશું ‘લઘુ’ ક્યાંયે છે જ નહિ. ગુરૂ એટલે મોટું. કદીયે કશાયે સંદર્ભમાં લઘુ નહિ તે. જેની પાંખે સંપૂર્ણ ચરાચર બ્રહ્માંડો લઘુ છે તે. જે કોઈ એ પરમ વસ્તુના પરમ ગુરૂત્વને જાણે છે, તે સદૈવ પોતાની વૈયક્તિક લઘુતાને પીછાણીને ગુરૂપદમાં જ તેને (ગટર ગંગામાં પોતાની જાતને લીન કરે તેમ) લીન કરીને તે દ્વારા સ્વયં ગુરૂમય (ગંગામય) થવા નિત્ય નિરન્તર યત્નશીલ રહે છે.
બધાં જ લૌકિક અને સંસારલક્ષીપર્વોની ભીડમાં આ એક માત્ર શુદ્ધ આધ્યાત્મિક નિરાડંબર ઉત્સવ સ્વયં પ્રકાશથી પ્રસન્ન રૂપે સ્વમહિમામાં વિરાજે છે. તેનામાં ઓતપ્રોત થઈ જજો. જપને તે દિવસે દ્વિગુણિત ભાવથી જપજો. પ્રાર્થનાનું સવિશેષ મનન કરજો. શ્રી ભગવાન સદગુરૂના ચરણની પ્રપત્તિમાં તન અને મનથી હોમાઈ જજો. સ્વત્વને ખોઈ નાખી, તત્-ત્વમાં સમાઈ જજો. તમારાથી બને તેવી રીતે ગુરૂપૂજન અંતરની આરજુથી કરજો, ને તેનું ધ્યાન ધરજો. આપણે બધાં એ પરમ નિષ્કારણ કારુણિક શ્રી ગુરૂદેવનું વારંવાર શરણ માંગી લઈએ — નહિ, ગ્રહણ કરી લઈએ! નિત્ય પ્રસન્ન, નિત્ય નવિન, નિત્ય દયાળુ, નિત્ય શ્રેયસ્કર શ્રી દેવાધીદેવ ગુરૂ મહાદેવને અનંત કોટિ પ્રણામ હો! એ અંતર્યામી સર્વ સાધકોની બુદ્ધિને શુદ્ધ કરો. સત્ ભાવથી ભરો.
”યમે વૈષ વૃણુતે તેન લભ્યઃ। તસ્યેષાત્મા વિવૃણુતે તનુ સ્વામ્।।” એ ગુરૂદેવ જેના ઉપર કૃપાકટાક્ષ કરવા ચાહે છે,તેને જ તે પ્રાપ્ય છે. અન્યને નહિ! તેની આગળ જ એ સત્-ગુરૂદેવ પોતાના દેહનું વિવરણ કરે છે. પોતાના સ્વરૂપને ખુલ્લે ખુલ્લું કરે છે. ગુરૂદેવ અમારા ઉપર એ કૃપાકટાક્ષ કરો! એ જ પ્રાર્થના, એ જ ઉપનિષદ. સાચા સાધકને મન તો માનસિક ભાવે કરીને પ્રતિદિન મંગલ ગુરૂપુર્ણિમા છે. કેમ કે તેના અંતરમાં પરમ કૃપાળુ શ્રી ગુરૂદેવ ક્ષણ માટે પણ અવિદ્યમાન હોઈ શકે નહિ. પરન્તુ સર્વ લૌકિક પર્વોની વચમાં એકલ વિરાજમાન આ આધ્યાત્મિક પર્વભાનુ જ્યારે પધારે, ત્યારે શ્રીગુરૂ ચરણનો બધો અંતરતમ અનુરાગ મુક્તકંઠે ને છડેચોક ઉત્સાહથી બાહ્યાકારે પ્રગટ કરવાનો લહાવો લઈ લેવાની તક આપણને પ્રાપ્ત થાય છે. એ પર્વરાજના મહાત્મ્યનાં શા ગુણગાન ગાઈએ! આંતર બાહ્યને સભર ભરી રહેલા ઈશ્વર તથા આત્માના પ્રકટ સાક્ષાત તત્વસ્વરૂપ શ્રી ગુરૂદેવથી ઓતપ્રોત ન હોય એવું જ્યાં કશું છે જ નહિ, ત્યાં બીજું શું કહેવું! ચાલો, આપણે બધાં શ્રી ગુરૂદેવને ચરણે હૈયાં ઢોળી દઈએ, ને આપણી જૂઠી લઘુતાને એમાં હોમી દઈ ઢળી જઈએ!
શ્રી ગુરૂદેવનો સદૈવ વિજય છે! ગુરૂસામર્થ્યની ખરાખરી સંકટને ટાણે જ હોય છે. સાધકને માટે જ્યારે ગુરૂભક્તિ પ્રબળ હોય ત્યારે, અનિષ્ટ મનોવૃત્તિઓથી મોકળા થવાનો સહજ સુલભ માર્ગ એ છે, કે વૃત્તિઓને દ્રષ્ટિ વ્યક્તિ સમક્ષ સાવ ઉઘાડી પાડી દેવી ને પછી મનમાં સંકલ્પ કરવો, કે હવે પુનઃ એની છાયા પણ નથી જોઈતી. ચિત્તમાંથી કાઢી નાખી, તેને પાછી ઘુસવા દેવા માટે નથી કાઢી. જો તેય વિચારો તથા કલ્પનાઓથી છૂટવાનો મનમાં દ્રઢ નિશ્ચય જ હોય, તો આમ કરવું અઘરૂં નથી. નહી તોયે, આનાથી મુક્ત થવાના પુણ્ય-પ્રયત્નમાં જ જીવન વીતે, તો યે એ પુરૂષાર્થ જેવો તેવો ન કહેવાય. જે તેને અધીન થઈ જઈને કંગાલ બની જાય છે તેના કરતાં જે તેની સામે નિત્ય અને નિરંતર જુધ ખેલ્યા કરે છે તે અનેક ગણો વધારે માનાર્હ છે.
કહેતાં પણ મન અને મોં કેવાં ભરાઈ જાય છે! પૂર્ણિમાઓ તો બધીયે સારી, રૂપાળી મઝાની, પણ આ ગુરૂ! કહેતાં લઘુ નહિ તેવી, મહાન, પૂર્ણ એવી પૂર્ણિમા વિશેષ. બીજી બધી, આપ મેળે ગમે તેવી મોટી છતાં, ગુરૂને હિસાબે લઘુ જ હોય. કેમકે અન્ય સર્વ કોઈને કોઈ દેવદેવી સાથે સંકળાયેલી હોય, ને કોઈને કોઈ ઐહિક કે આમુષ્મિક ફળનું પ્રલોભન આપનારી હોય, જ્યારે આ તો છે ગુરૂ સાથે સંબંધિત, ગુરૂદેવને સમર્પિત! ‘ગુરૂ’ એટલે સર્વથી મહાન. અને ‘બ્રહ્મ’ એટલે પણ સર્વથી વધીને – બન્ને એક જ! એમાં બધાં જ સમાય. બધું આવી જાય. શ્રીમદ ભાગવતમાં ભગવાન પોતે ગુરૂ સ્વરૂપે પોતાને પરખાવે છે…

”આચાર્ય માં વિજાનીમયાન્નાવમન્યેત કહિંચિત્।
ન મર્ત્યબુદ્ધયસૂયત્ સર્વદેવમયો ગુરૂઃ।।
(૧૧-૧૭-૧૪)
ઓ હો ! આ તો ભગવાન ગર્જે છે. ગુરૂને મારા સ્વરૂપ જાણવા – એ હું પોતે છું. એમ સમજવું. ”આ પણ મારા જેવા મર્ત્ય માનવી જ છે.” એમ વિચારીને કદી પણ એમનું અપમાન કરવું નહિ, એટલે કે તેમના પર તો જે માન ઘટતું હોય તેમાં ઉણપ આવવા દેવી નહિ, તેમના પ્રત્યે અસૂયા બુદ્ધિ કરવી નહિ. તેમના તેજનો દ્વેષ કરવો નહિ, કેમ કે ગુરૂ તો ‘સર્વ દેવમય’ છે, એમનામાં બધા જ દેવોનો ઉપસંહાર થાય છે. – જેમ ૐ માં થાય છે તેમ. કહો, આવી પૂનમોની પૂનમને પ્રેમથી ઉજવવાની તક ચૂકી જઈએ, તો આપણા સાધકોનો તો બાર મહિના ગયા ને!
પ્રિય આત્મસ્વરૂપો! એટલું નિશ્ચય જાણજો કે ગુરૂને ન જાણ્યા તો ગોવિંદથી વેગળા જ છો! હું તો એટલું જાણું કે પ્રણવમાં જે કંઈ ઈષ્ટ છે, સારૂં છે, સત્ છે, તે બધું ગુરૂનું સ્વરૂપ છે, ‘મારૂં’ નહિ. અને અનિષ્ટ જેવું ભાસે છે તે ‘મારૂં’ છે, મારા અઃસ્થ, ગુરૂનંુ નહિ. અને ગુરૂમાં જે છે તે બધું ઇષ્ટ જ છે, કેમ કે સદગુરૂમાં અનિષ્ટની કલ્પનાને સ્થાન નથી.
એ પરમ કારૂણિક, પરમ સ્વ-સ્વરૂપ, પરમાત્માથી સર્વથા અભિન્ન એવા શ્રી સદગુરૂ તત્વનું શ્રવણ-ચિંતવન કરીને કૃતાર્થ થઈએ! પુનઃ પુનઃ હર્ષ ગદ્ ગદ્ કંઠે દયામય કરૂણાવતાર સદગુરૂદેવના અપાર ઉપકારોનાં ગુણગાન ગાઈને ત્રણે પ્રકારના દોષોથી છૂટી જઈ, એ પરમ સ્વરૂપમાં રસતરબોળ લીન થઈ રહીએ!
શ્રી રમણ મહર્ષી સાક્ષાત્કારની વ્યાખ્યા કરે છે કે—
”સ્વયંતદન્ની ભવનં ત દીક્ષા” – એટલે કે એ પરમ પ્રેમસ્વરૂપ વડે ખવાઈ જવું, તેનું અન્ન થઈ જવું, તેનામાં પચાઈ જવું, એ જ છે એનાં સમ્યક્ દર્શન! આપણે પણ આજે શ્રી સદગુરૂનું અન્ન બની જઈ, તેમનાથી ખવાઈ જઈ, નામરૂપની લપ છોડીને તન્મય બની કૃતકૃત્ય થઈ રહીએ.
”દીક્ષા કાળે નવા સંન્યાસીને ગુરૂ બોધે છે કે તારી કાયાના ઉપયોગથી એક પણ મનુષ્યનો જીવન બેડો ભવભયપાર થાય, તો તારો સંન્યાસ સફળ જાણજે.
ૐ તત્ સત્ ।
PAGE 46
”હું કોણ?”
જીવનના હરેક પ્રસંગે, નાના કે મોટા, સ્થૂળ કે સૂક્ષ્મ કે આધ્યાત્મિક, જો આપણે કોણ છીએ (“હું કોણ”) એની સ્મૃતિ સતત તાજી રહે તો આપણે ઘણા સંશયો, દુઃખો કે અનર્થોમાંથી બચવા પામીએ, એટલે કે પ્રારબ્ધવશાત સુખદુઃખના આંદોલનોનાં આવાગમન થતાં રહે તો યે મનોવ્યથામાં થી તો મુક્ત રહી શકીએ.
જેને આપણે “હું” કહીએ છીએ એનું ખરેખરૂં સ્વરૂપ તો વર્ણવવું શબ્દોમાં અશક્ય છે, કારણકે “હું” તત્વે કરીને આત્મા જ છે. અને આત્માનું વર્ણન કયી રીતે થઈ શકશે? તેમ છતાં આપણા વેદોએ અપાર કરૂણા કરી જીજ્ઞાસુ તેમ જ સાધકોને આત્માની ઓળખ માટે અનેક યુક્તિઓ યોજી આપી છે. જેને “હું કોણ” એનું સમર્થન (એટલે કે પુરવાર) કરવા કરતાં હું શું નથી એનો વિચાર કરવામાં આવતાં, જે શેષ તત્વ રહે કે જેનો છેદ ન ઉડાવી શકાય તેને જ આત્માનું લક્ષણ જાણવું, અને એ રીતે “હું” નું અંતિમ અને સાશ્વત સ્વરૂપ જાણી શકાય.
સામાન્ય જન પોતાને સ્વરૂપ રૂપે પોતાના ઈન્દ્રિયાદિ દેહને જ માનતો હોય છે, અને એ રીતે દેહના સુખી દુઃખી થવાના ધર્મો સાથે પોતાને પણ તેમ થતો હોવાનું માને છે, પરંતુ વિચારવંત વ્યક્તિ માટે એ ભ્રમણા ટાળવાનું કાર્ય મુશ્કેલ નથી. વિચાર કરતાં સમજી શકાય છે કે શરીરે તો વિકારશીલ –જન્મવું, થોડો સમય ટકવું અને નાશ પામવું વગેરે—તેમ જ ક્ષણભંગુર છે, જ્યારે આત્મા નિત્ય અને અવિકારી છે. શરીરો આવે ને જાય, જ્યારે આત્મા એક અને અવિભાજ્ય, જેમનો તેમ રહે છે. માટે દેહ આત્મા ન જ હોય શકે, એટલે કે દેહ “હું” ન જ હોઈ શકે. આમે ય દેહને આપણે “મારો” કહેતા હોઈએ છીએ ને! “હું દેહ” એમ કોઈ કહેતું નથી. એટલે કે દેહ કોઈની માલિકીનો થયો. જેમ કે પોતાની માલિકીવાળું એવું મારૂં ઘર હોઈ શકે, પણ પોતાના ઘરમાં નિત્ય નિરંતર વાસ કરનારો હોવા છતાં કદીયે એમ ન જ કહે કે “હું ઘર”! આ પ્રમાણે ઘરમાં વસતો ઘરનો માલિક કોઈ માણસ હોઈ શકે તેવી રીતે દેહ ઘરમાં વસતો, પણ એનો માલિક આત્મા જ હોઈ શકે. ઘરનો માલિક જેવી રીતે પોતાના ઘરનો અંગ નથી બની જતો, પરંતુ સ્વેચ્છાએ ઘરમાંથી આવજા કરે છે, અને ધારે તો સદાને માટે એક ઘર છોડીને બીજા ઘરમાં પણ વસવાટ કરી શકે છે, તેવું આત્માનું પણ શરીર વિશે જાણવું.
શરીર એ “હું” નથી સમજનું પગથીયું વટાવ્યા બાદ જે બીજું પણ પગથીયું વટાવવાનું હોય છે તે “મન” છે. વ્યવહાર પક્ષે, આ જગતમાં મનથી વધીને બીજું કોઈ મોટું તત્વ નથી. મન જ સર્વ કંઈ છે. MIND OVER MATTER! દેહ, ઈંદ્રિયો પણ સર્વે મનને જ વશ છે. પેટમાં કડકડતી ભૂખ લાગી હોય અને તે જ સમયે મન જો ખસીને કોઈ બીજી જ પ્રવૃત્તિમાં એકાગ્ર થઈ જાય તો એ ભૂખની યે ખબર ક્યાં પડે છે! આ રીતે મનનું દેહાદિ ઉપર આધિપત્ય હોવાથી સામાન્યપણે મનને જ “હું” માની બેસતું હોય છે. આમ છતાં ગાઢ નિદ્રામાં કે મૂર્છા અવસ્થામાં આવું જબરૂં લેખાતું મન પણ કેવું ગાયબ થઈ જાય છે. સામાન્ય વ્યવહારમાં પણ મનને મારૂં મન તરીકે સંબોધીએ છીએ. એ જ બતાવી આપે છે કે મન પણ કોઈકની માલિકીનું છે. આથી નક્કી થયું કે મન પણ મારી માલિકીની વસ્તુ, “મારૂં” થયું. પરંતુ એ “હું” પોતે તો ના જ કહી શકું.
તો પછી એ “હું” તે કયો? કોણ? અને ક્યાં છે? ગાઢ નિદ્રાની અવસ્થામાં કે જેમાં સ્વપ્ના પણ દેખાતાં નથી, એટલે કે મનના વ્યવહારો પણ બંધ પડી ગયા છે, ત્યારે સામાન્ય રીતે એવું મનાય છે કે એ સ્થિતિમાં આપણને કશું જ ભાન હોતું નથી. પરંતુ બીજે દિવસે સવારે ઉઠતાં આપણને તરત ભાન થાય છે કે ગઈ રાત્રે બહુ ગાઢ નિદ્રા આવી અને કશી પણ ખબર ન પડી! તો એ ખબર ન પડવારૂપી ખબર પડી કોને? ગાઢ નિદ્રાની સ્થિતિમાં જો ખરેખર બધું જ ઉંઘી ગયું હોય તો ખબર પડી કેવી રીતે કે “હું” ગાઢ નિદ્રાની સ્થિતિમાં હતો અને બહુ મજા પડી! આ દલીલ ત્યારે એક હકીકત ચોક્કસ પુરવાર કરે છે કે ગાઢ નિદ્રામાં એને જાણવા માટે ત્યાં કોઈ “સાક્ષી” હોવો જ જોઈએ, અને એ જ આત્મા ખરો “હું” કે જે કદીયે ઊંઘતો નથી ને સદા સર્વદા જાગ્રત રહીને બધું સાક્ષીભાવે માત્ર જોતો જ હોય છે. એના જ્ઞાનરૂપી અજવાળામાં જ મન પણ પોતાનો વ્યવહાર કરતું હોય છે. અને શરીર પણ કાર્ય કરતું હોય છે. પરંતુ આત્મતત્વ બધામાં એવું તો ઓતપ્રોત થઈને રહેલું હોય છે, કે પોતે કરીને એ અલગ દેખી શકાતું નથી. તેથી જ્યારે ગાઢ નિદ્રામાં એ આત્મા મારો ખરો “હું” – શરીર તેમ જ મનરૂપી ઉપાધિઓથી મુક્ત હોય છે ત્યારે આનંદ સ્વરૂપે એ દેખાઈ આવે છે, ઝળકી ઉઠે છે. પરંતુ આપણા ઘોર અજ્ઞાનને કારણે એ આનંદ સ્વરૂપ ને આત્મા તરીકે આપણે ઓળખી શકતાં નથી, અરે, એનો વિચાર સુદ્ધાયે નથી કરતાં!
ધારો કે આટલો વિચાર કરતાં આપણને કદાચ એમ પ્રતિતી થાય કે મારો ખરો “હું” તો હવે મને “જડ્યો” – મારા આત્માની હવે મને ઓળખાણ પડી – I HAVE BEEN INTRODUCED TO “MYSELF” એ બધું ખરૂં, પરંતુ એથી મને ફાયદો શો? એ બધાનો અર્થ શો? સૌથી મોટો ફાયદો, ટૂંકમાં, દુઃખભાવમાંથી સદાને માટે છૂટકારો! આત્મા કે જે આનંદ અને પ્રેમ સ્વરૂપ છે એ દુઃખનું નામેય જાણતો નથી, અને આત્માં એ જ મારૂં ખરૂં સ્વરૂપ છે, તો મને દુઃખભાવ રહી જ કેમ શકે! દુઃખભાવમાંથી છૂટકારો એનું જ નામ બંધન મુક્તિ તે મોક્ષ, કે જેને માટે મર્યા પછીના વાયદાની જરૂર નથી. પણ જીવતાં જીવત જ એનો અનુભવ કરી લેવાની CHALLENGE છે! રોકડીયો હિસાબ છે!
“હું કોણ” ના આ વિષયને સમજવામાં “શંકાસમાધાન” વધારે ઉપયોગી થઈ પડશે – જુઓ પાનું, ૪૧-૪૨નું અને ૪૮. તે ઉપરાંત “પંચદશી તાત્પર્ય” નો નિત્ય અભ્યાસ પણ ઘણો ઉપયોગી થઈ પડશે. જો કે આ માર્ગમાં સૌથી શ્રેષ્ઠ માર્ગ તો એક જ છે, અને તે કોઈ સારા એવા બ્રહ્મનિષ્ઠ શ્રોત્રિય જ્ઞાની ગુરૂનું શરણું લેવાનો – કારણકે “ગુરૂ વિના જ્ઞાન નહિ. એ નિર્વિવાદ સત્ય છે.
ૐ તત્ સત્।
PAGE 47
“વાણી સંયમનું જીવનમાં મહત્વ”
જીવની ગતિ કર્મની પ્રગતિ, શરીરને ધારણ કરવું તથા છોડવું, જીવનું જગતમાં આવવું, જવું તથા રહેવું, એ બધાના તર્કમાં સરખી રીતે ઘટે, ન્યાય પુરઃસર (લોજીકલ) બંધ બેસે તેવા ખુલાસા જો એમ સંસારીઓને વાતવાતમાં આવડી જતા હોત, તથા એવી આવડતનો ઉપયોગ કરવાની ગતાગમ સાંપડતી હોત, તો સંતસાધુનો ભાવ કોણ પૂછત! કોઈ સાધુ-સંન્યાસી થાય જ શા માટે! અથવા તો, કોઈ પણ માનવી સંસારી રહી શકે જ કેવી રીતે? બધાયે સંસારથી મોં ફેરવી લે! અને કોઈ કોઈ ને ગુરૂ કહે કે કરે પણ શું કામ? શી જરૂર? માટે, એવા સવાલો ઊભા થાય ત્યારે તેને ટાળી કે ઉવેખી ન દેતાં યાદ રાખીને તેના ખુલાસા મેળવી લેવા, અને તે પાછા ભૂલાઈ ન જાય તેની કાળજી રાખવી.
પોતાની ગુંજાઈશના ગજે સન્ત-સંન્યાસીની બોલવા-ચાલવા-જોવાની રીતને માપનાર પામર ગૃહસ્થી જેવો દયાપાત્ર બીજો કોણ હોય?
ગમે તેમ કહીએ, પણ કોઈના ચારિત્ર્ય ઉપર તો આક્ષેપ ન જ કરીએ. ને કોઈ બીજું કરતું હોય, તો તે ન માનીએ. આવા આક્ષેપ કરવા સહેલા હોય છે, ને નિન્દાનો દાઢ સ્વાદ લોકમાં એવો પ્રબળ હોય છે કે નિન્દા તો તરત જ માની લેવાય. જ્યારે ગુણ પ્રશંસા કેમે કરી ગળે ન ઉતરે. તેથી નિન્દામાં દ્વિગુણિત સાવધ રહેવું જોઈએ. એવા ચારિત્ર્ય પરત્વે ગૃહસ્થી પરત્વે થતાં આક્ષેપ પણ ન માનીએ, તો પછી જેના બરોબરીમાં આપણે ન હોઈએ એવા વંદનીય સંન્યાસવ્રતના અનુયાયીઓને વિષે તો તેવી વાતો કેમ જ માનીએ? તેથી, આપણે તો સારૂં જોનારા, સારૂં સાંભળનારા, સારૂં બોલનારા, અને સારૂં વિચારનારા જ થવું. આ વ્રત સાધકે તો ખૂબ ચીવટથી પાળવું જોઈએ, કેમ કે એણે કોઈ પણ ભોગે નિર્દોષ રહેવું જોઈએ. તેથી, એ વ્રતમાંથી સંનિષ્ઠ સજ્જન જરા કે ચલિત ન થાય. પામર જીવોની પામર વાતોને જળકમળવત સાંભળી લઈએ, અથવા ત્યાંથી વેગળા ખસી જઈએ. કેમ કે મેલી વૃત્તિના છાંટા સાંભળનારના મનને પણ ઊડીને લાગવાનો સંભવ ઉવેખવા સરખો નથી.
એક સ્થળે ઠીક જ કહ્યું છેઃ-
“જિહ્વે પ્રમાણં જારી હિ ભોજને ભાષણેપિ ચ ।
અતિ ભુક્તિરતીયોક્તિઃ સદ્યઃ પ્રાણાયહારિણી ।।”
“હે જીભડી! ભોજન અને બકવાદ એ તારાં જે બે લક્ષણો છે, તેનું યથાયોગ્ય માપ તું ઠીક સમજી લેજે, કેમકે વધારે પડતું ભોજન અને વધારે પડતો લપલપાટ વિના વિલંબે પ્રાણનો નાશ કરનારા છે.”
આ તો પ્રત્યેક સજ્જન માટે આવશ્યક સંયમની વાત છે. કેમ કે ઉભય લોકમાં તેનો પ્રભાવ સમાનપણે પડે છે, તારવામાં કે મારવામાં. કોઈ પણ પરિચિત કે અપરિચિત માણસ સાથે ઝાઝો ચપચપાટ ન કરવો, એ ખૂબ ઉપયોગી વસ્તુ છે. બોલતાં ઘણીવાર બોલાઈ જાય, અને પછી કોઈના કહેવાથી, કકડતી-ભભડતી આવે ત્યારે પોતાની મેળે પણ ભાન થાય, કે ન બોલવાનું બોલાઈ ગયું, ત્યારે તેનો કશો ઉપાય ન રહેતો હોવાથી એક તો જે નુકસાન થવાનું હોય તે થયું ને ઉપર જીવ બળે તે નફામાં.
વાણી સંયમને તો જીવનમાં બહુ જ મહત્વ આપવાનું છે. મુખ્ય કરીને સંયમોના ત્રણ પ્રકાર કહેવાય, એક કાયિક, બીજો માનસિક અને ત્રીજો વાચિક. શરીરનો સંયમ એટલે ખાવાપીવા વગેરે બાહ્યેન્દ્રિયોનું દમન, રખડવા તથા શરીરની અન્ય ચેષ્ટાઓનું નિયમન. માનસિક એટલે વિચાર દ્વારા કોઈ પણ અનિષ્ટ અથવા વિજાતીય માર્ગે ન વહે પરંતુ સજાતીય અને અભીષ્ટ રાહે જ એનું વહન થયા કરે, તે માટે તેનું નિયમન કરવું તે. અને વાંચિક એટલે બીન જરૂરી, અણઘટતું, વ્યવહારમાં છાજતું ન હોય તેવું. વગર વિચાર્યું તેમ જ સામા માણસની પાત્રતા જોય વિનાનું કશું વચન ઉચ્ચારવું નહિ તે.
PAGE 47/2
“વાણી સંયમનું જીવનમાં મહત્વ”
એક ઘણો જ સુન્દર શ્લોક કહુઃ-
“દરિષુ કિંચિત્સ્વજનેષુ કિંચિત ગોપ્યં વયસ્યે, સુતેષુ કિંચિત્ ।
યુક્તં ન વા યુક્તમિદં વિચિન્ત્ય વદે દ્વિપશ્ચિન્મહતો નુરોધાત્ ।।”
કંઈક ઘરનાં બૈરાંને ન કહેવા જેવું હોય, કંઈક સગાંવહાલાંથી ગુપ્ત રાખવા જેવું હોય, કંઈક એવું પણ હોય કે જે સરખે સરખા મિત્રને પણ ન કહેવું ઘટે, અને દીકરાઓથી પણ છાનું રાખવા જેવું પણ હોય.
‘આ જે કહેવાનો વિચાર કરૂં છું તે કહેવાને યોગ્ય છે કે નહિ’ એ બાબતનો વિચાર કરીને શાણો પુરૂષ જરૂર પૂરતું, ખાસ આવશ્યકતા પ્રમાણે પણ માંડ બોલે. જ્યાં કુટુંબી સ્વજન નિકટનાં માનવીઓ વગેરેના સંબંધમાં પણ ઉપર કહ્યો તેવો સંયમ આવશ્યક છે. ત્યાં અજાણ્યાં અથવા અર્ધજાણ્યાં માણસો સાથેના વ્યવહારની વાતો જ શી કરવી? યાદ રાખજો બોલેલા બોલને ભૂંસવા માટેનું કોઈ ઈરેઝર જગતમાં શોધાયું નથી. એ તોઃ- ”તે પંખીની ઉપર પથરો ફેંકતાં ફેંકી દીધો, લાગ્યો તેને, અરરર! પડી ફાળ હૈયા મહીંતો. વાળી વાત છે. પછી લાખ વાના કરો, પણ બુંદ સે જો ગઈ સો હોઝ સે ફીર નહિ આવેગી. પોતાને ચતુર, ક્લેવર બતાવવાની પોતાની હોંશિયારીથી અન્યોને ચકિત કરી નાખવાની વૃત્તિ સહુ કોઈને હોય છે. પરન્તુ વિવેકી જન એ વૃત્તિને માર્ગ ન આપતાં, તેને ઝટ ઓળખી પાડીને તેને મૂંગી મારે.
કદીક વાતરસમાં વિવેક ભૂલી જાય. દેશ કાળ અને પાત્રતાનો ખ્યાલ ન રહેતાં અઘટિત કહેવાઈ જાય, ત્યારે લાંબા ગાળાનો પાળેલો સંયમ અને તેણે ઉપજાવેલી સુન્દર છાપ ધૂળમાં રગદોળાઈ જાય છે.
”કીર્તિ અને પ્રતિષ્ઠા કમાવાં મુશ્કેલ છે. પણ એક જ ક્ષણમાં એ હંમેશને માટે ખોઈ નાખવાં અતિ સહેલાં છે….. ”
ખાસ કરીને માનવસ્વભાવની તથા સંસારના વ્યવહારની આંટી ઘૂંટીઓની જેને ગમ ઓછી હોય તેણે તો બમણું સાવધ રહેવું પડે. આપણે તો એક નક્કી કરી લીધું છે ને, કે ઈશ્વરનું શરણ ગ્રહીને શુદ્ધ નિષ્ઠાથી ”તું જે કરે તે મંજુર” એવો નિર્ણય કરી લીધો. પછી અશાન્તિ કે અસુખને માર્ગ કયો રહ્યો? તેથી તો ભગવાને કહ્યું છે કે ”વ્યવસાયત્મિક બુદ્ધિ રે કહે. ” જેણે એવો નિર્ણય કરી લીધો નથી, તેને હજાર વાંધલા હોય ને તરફડાટ હોય. જગતની નિન્દા-સ્તુતિ, જગતની ‘ઉપાધીઓ’ એ બધું સત્-નિષ્ઠાના અડગ ખડક ઉપરથી તેને કશી પણ હાની કર્યા વિના જળની જેમ વહી જાય છે. જો પોતાની જાત સંભાળી જાણી, પછી આપણા કાર્યો કે વચનો પરત્વે જગત પોતાની દ્રષ્ટિ ગમે તેટલી ને તેવી નાખે તો યે શું?
”જોનારો તો અન્યમાં પોતાને જ દેખે છે, અન્યને નહિ! આપણે જેવાં હોઈએ, એવાં આપણે અન્યને ભાળીએ!”
”ઈશ્વરના રાહને કોઈ જાણતું નથી. કર્મની ગતિ ગહન છે. પ્રારબ્ધને પ્રભુ જ જાણે અને આ બધું જે પ્રમાણે છે, તે પ્રભુની મહામોટી દયા છે.”
”માનવીએ તો, પોતે સંનિષ્ઠ રહીને પછી જે કંઈ ન્યાય-અન્યાય જેવું બનતું દેખાય તેને પ્રારબ્ધનો પસારો જાણીને, બાહ્યોપચાર યથાવકાશ કરવા છતાં અંતરથી સ્વસ્થ રહેવું.”
”એક દિવસ બધું જ ઊડી જવાનું છે, મોટા મહીપાલો ભૂલાઈ ગયાં, ભૂંસાઈ ગયા, કાળની કલમને એક લસરકે. જેવું એમનું, એવું પ્રત્યેક માનવીનું પણ ચોક્કસપણે જાણીને તમારે પણ હર્ષ-શોક કોને કારણે શેને માટે કરવા?”
PAGE 47/3
“વાણી સંયમનું જીવનમાં મહત્વ”
”બારે મહિના ઘોડું દોડે, તે બહું સારી વાત છે, પણ દશેરાએ ન દોડે, તો એ ઘોડું શા કામનું? વેદાન્તની વાતો બારે મહિના આપણે કૂટીએ, એ ઠીક જ છે, પણ જગત પોતાનો ખરો ભાવ ભજવે, જાત ઉપર જાય, ને ચોતરફ અંધારાં ઉભરાય તેવે ટાણે જો વેદાન્તનો બોધ કામ ન લાગે, તો એ વેદાન્ત શેનું. ને એ બોધને શું ગર્દન મારવો?”
“ઈશ્વર દીનદયાળ છે. તેથી એ કસોટી કરતો જ રહે છે, કે આ બધી ડાચાકૂટ કરો છો તેમાં ખરૂં કેટલું છે ને કેટલું નહિ. જો એમ ન થતું રહેતું હોય, તો સહુ કોઈ હું ડાહ્યું થઈને કોહી જાય. ઈશ્વરના રાહને ઈશ્વર જ જાણે. “ધીરસ્તત્ર ન મુદતિ,” એ આપણી બુદ્ધિ તથા માણસાઈનું માપ. અમુક પાયારૂપ બાબતો લક્ષમાં રાખવાથી જગતની કોઈ પણ રમત આપણને સુખદુઃખમાં રીઝવવા સમર્થ નથી રહેતી. દાખલા તરીકેઃ-
૧. ઈશ્વર જે કરે છે, તે યોગ્ય જ હોય છે, એ ભરોસો.
૨. પ્રત્યેક “આપત્તિ” આ કે પાછલા કોઈ ભવનાં કર્મોના ફળરૂપે જ આવતી હોવાથી, ફરીયાદ કરવાનું કારણ નથી રહેતું, કેમ કે કોની સામે કરવાની! અને એને સહન કરવામાં કોઈના ઉપર કોઈનું સપાડું નથી ચડતું.
૩. મન, વચન અને કાયાથી પોતે પોતાના અંતર્યામિની સામે ચોક્ખા રહેવું. કર્તવ્ય કે તેમ કરતાં જે ઈષ્ટા-નિષ્ટા આવે, તેની તિતિક્ષા માટે તૈયાર રહેવું.
૪. જુઠા અપવાદ સાવ નિર્દોષ, ઘટનાઓમાંથી પણ ઊભા થાય, એ ક્રમ રામ અને સીતાથી માંડીને અનેક નાનાં મોટા માનવીઓ ઉપર લોક ઉતારતા રહ્યા છે. “કોવા દુર્જનવાગુરાનિપતિતઃ ક્ષેમેળ યાતઃ પુમાન.” (એવું કયું માનવી છે કે જે દુર્જનની જીભે ચઢીને પણ હેમખેમ બચી શકે?) તેથી, એ તો સંસારનો સાધારણ ક્રમ છે, એમ દ્રઢપણે જાણીને જે કોઈ સર્વ સંજોગોમાં સમતા રાખે, એ વેદાન્તને સમજ્યો, ને બીજો નહિ. એ નિશ્ચય, કે સંસાર એટલે જ આધ્યારોપ, જૂઠા આરોપ!!
૫. કોઈ પણ પ્રકારે ઘર્ષણને અવકાશ મળવા દેવો નહિ. પોતાના ચિત્ત સાથે પણ ઝઘડો ન કરવો. એક જ લક્ષ્યને તેનો એક જ રાહ-જપ, ધ્યાન, શુભ પ્રવૃત્તિ.
૬. હું તો જીવંત શબ છું. મારે સ્તુતિ-નિન્દા સાથે શી નિસબત? બધા જ સંબંધો ઋણાનુબંધને અનુસરતા છે. જેનું જેવું ઋણ ફીટ્યું, તેવો તેની સાથેનો સંબંધ નષ્ટ થઈ જવાનો જ, મારા “ભોગે” પણ જો કોઈનું શ્રેય થતું હોય, તો તે મને મંજુર હોય.
૭. ઈશ્વર સર્વનું ભલું કરો, વિવેક બુદ્ધિ વિસ્તારો ………..ૐ!
ખરો પુરૂષાર્થ કર્મની, હું ‘કરૂં’ મેં ‘કર્યું’ ઈત્યાદિ પ્રકારની ભાવનાથી છૂટવામાં છે. કંઈ કર્મ તરીકે કર્મથી નહિ. તેવું જ સંસારની બાબતમાં પણ જાણવું. સંસાર વગર જીવન ન હોઈ શકે. કેમ કે સસરતું છે, તે જીવન જ છે. તે જ જીવન છે. જેવું આપણે સર્વત્ર જોઈએ છે તેવું. તેથી, ખરો ચતુર્થ પુરૂષાર્થ સંસારથી નહિ પરન્તુ સંસારિત્વના માનસિક વળગાડથી છૂટવામાં છે. જેટલા પ્રમાણમાં સફળતા, તેટલાં પ્રમાણમાં જીવનમુક્તિ-જ્ઞાનીઓ તેનાથી અન્ય કોઈ જીવનમુક્તિ જાણતા નથી.
જ્યાં સુધી ભક્તિ, શ્રદ્ધા ને જપનું કવચ ધારણ કર્યું છે ત્યાં સુધી તારા શ્રેયને ઊની આંચ પણ આવે તેમ નથી. પ્રેય તો શરીરની ભાગ્યની વાત છે, કે જેના ઉપર આપણો કશો સ્થૂળ કાબૂ નથી, એટલું જ નહિ પણ કાબુ મેળવવાની ઈચ્છા પણ, આત્મરતિ-આત્મક્રીડા થવાની લેહવાળાને, શેની હોય?
PAGE 47/4
“વાણી સંયમનું જીવનમાં મહત્વ”
કેમ કે એ જાણે છે કે (૧) જો સૃષ્ટિ વસ્તુતઃ સાચી હોય, તો પ્રારબ્ધ તો પોતાનું કામ સ્વયં કરશે જ. (૨) જો વસ્તુતઃ જૂઠી હોય, તો પ્રારબ્ધને ટાળવાની મહેનત કર્યાનો શો અર્થ. ઉસર ભોયમાં ખેડ જેવો? અને (૩) આ બધું ક્ષણભંગુર તેથી કેવળ ખોટો આભાસ હોય, તો એ માયાના તમાશાના મારે મઝાના સાક્ષી-ચેતા-કેવળ-નિર્ગુણ દ્રષ્ટા શા માટે ન બની રહેવું? કેમ કે અંતે તો એ જ સત્ય જ્ઞાન છે. એ જ સુખ છે. ને એ જ આનંદ છે. જે કંઈ થતું ભાસે છે, તે માત્ર નાટક છે, ત્રણ ગુણોના ચેટક છે, અને તે પણ ફક્ત તારા પોતાનામાંથી જ પ્રાપ્ત થયેલી સત્તા સ્ફૂર્તિને નિમિત્તે એ પોતાની ચેષ્ટાઓ આદરે છે. ધ્યેય રૂપ થઈ જવું. ધ્યેય જ બની રહેવું, એ ભક્તિની પરાકાષ્ટા. પરાભક્તિ ત્યાં ભક્તિ સ્વયં જ્ઞાન બની જાય છે.તેનાથી જેટલું ઊણું, તેટલું અધુરૂં.
જીવનની બધી આંટીઘૂંટીઓનો જે એક માત્ર ઈલાજ છે તે દ્રષ્ટા – દ્રશ્યવૃત્તિ કેળવવાનો – પોતાના જ પોતે નિર્વિકાર, નિત્ય આનંદમય તમારા બીન બનીને પોતાના શરીરના, કુટુંબીઓનાં, પરિચિતોના, વ્યવહારની રીતે જોતા રહેવાનો ને સાથે ઉત્સાહ અને ધૈર્યથી તે બધાંની સાથે તટસ્થ છતાં પ્રેમપૂર્વક રમવાનો.
આ જીવન તો રમત છે, SPORT, ખેલ છે. તેમાં પોતાની જાતને કેળવવાની છે, હારજીતનો એમાં પ્રશ્ન જ નથી. ઉભય સરખું છે. સારી રીતે, પોતાની શરીર તથા બુદ્ધિની આવડત પ્રમાણે, રમવું એ જ મઝા. મારૂં-તારૂં કરવાનું, કે પોતાને માટે અન્ય કોઈને માનસિક કે શારીરિક તકલીફ આપવાનું, મારૂં પહેલું ને પછી બીજાનું, બીજાની અગવડે મારી સગવડની ઈચ્છા રાખવાનું – આવું આવું ખરાખેલના ખેલવામાં હોય જ નહિ. રમત રમવા ઈચ્છાપૂર્વક આવ્યા છીએ, તો રમી જાણવું. મનને રમવું હોય, તો એ એક જ ક્ષેત્રમાં રમે, એવી પ્રેમ ભક્તિ શ્રદ્ધા કેળવીને ટેવ પાડી, એટલે બ્રહ્મજ્ઞાનાનુભવની સુંદર ભૂમિકા બંધાઈ.
ધ્યાન ક્રિયામાં શૂન્યમનસ્કત્વનો અનુભવ થાય છે, તે પણ ધ્યાનયોગનું એક નિશ્ચિત પ્રસિદ્ધ સોપાન છે. શુન્યત્વ જે થાય, તે સંસાર પરત્વે થાય છે. એ ‘શુન્યત્વ,’ એ તો વસ્તુતઃ ‘સભરત્વ’ ની તૈયારી છે. પરન્તુ આપણને ચિત્ત જે પ્રકારના માલસામાનથી ભરેલું રાખવાની, ભવોભવની નહિ તો આ ભવની પણ ટેવ પડ્યા કરી છે તેને લીધે તેમાં ભેગો થયેલો જે અટાળો છે, તે ખસી જતાં, એ અમુક સમય સુધી ચિત્તમાં એક પ્રકારના અસહાય ખાલીપણા જેવું લાગે. લાંબા સમયનું કોઈ દર્દ એકાએક જતું રહે, તો એને પણ આપણે જાણે કે MISS કરીએ, જાણે કે કશુંક જતું રહ્યું ને ખાલીખાલી જેવું થઈ ગયું. એવું આ બાબતમાં પણ થવા સંભવ છે. પરંતુ મનદુરસ્તીરૂપી નવા માલ-સામાનની નવી ટેવ પડ્યા પછી તો મન હલકું ફૂલ થઈ જાય.
મનનો સ્વભાવ ખાલી રહેવાનો નથી. નિસર્ગને સાવ ખાલી-ખમ પણ ખપતું નથી. વાયુ વગરનું આકાશ પણ ન હોય, ને તે ક્યાંક ‘વેક્યૂમ’ થાય, તો ચારે તરફથી જળ-વાયરા-વિદ્યુત વગેરે મહાભૂતો ત્યાં ધસી જઈને મહા ઘમસાણ મચાવે છે. મન પરત્વે પણ એવી જ ઘટના બનવા પામે છે. મન સંસારથી ખાલી થાય, એ ઈશ્વરની દયા. ખાલી થાય, ત્યાં તરત જ એ ખાલીપણામાં ગુરૂતત્વ, ધ્યેય તત્વ, આત્મ તત્વ ભરાઈ જવું જોઈએ. સત્યતત્વથી એ પરિસિંચિત થઈ જવું જોઈએ. શૂન્યત્વનો સત્ય અર્થ ધ્યેયમયત્વ, સ્વરૂપાવસ્થાન, આત્મમયતારૂપી પરમતૃપ્તિનો અવર્ણનીય આનન્દ, કશું જ ન જોઈતું હોવાની નિત્ય સુખદ સ્થિતિ છે. શુન્યતાને પાર કરવા વડે એ પ્રાપ્ત થાય છે.
PAGE 47/5
“વાણી સંયમનું જીવનમાં મહત્વ”
ક્રિયાઓ તો, ચિત્તની તેમ જ કાયાની શુદ્ધિ અર્થે નિરન્તર અભ્યાસ માટે છે, અને તે ઉપર કહેલી બ્રાહ્મીદશાને માટે ચિત્તને તૈયાર સજાવેલું, વાળી ઝુડીને સાફ રાખે છે, તેથી તે આદરણીય છે. વળી ગુરૂ અને તત્વ સાથેના અનુસંધાનનો ચમત્કાર એ યોગ સાધી આપે છે. તેના મૂલ્ય કયે ધોરણે આંકશોજી?
આપણા સનાતન ધર્મ વ્યવસ્થામાં, પ્રારબ્ધ અને પુરૂષાર્થ બે જુદી જુદી વસ્તુઓ નથી. પુરૂષાર્થ વડે જ પ્રારબ્ધ ઘડાયેલું હોય છે. જે ઘડાયું છે, તે પાકે પાયે છે, કેમ કે કર્મફળનો એવો અટલ નિયમ છે કે ‘સારી’ કે ‘માઠી’ તેમાંની કોઈ એકબીજાને કેન્સલ (છેદ ઉરાડી દેવા રૂપે) ન કરતાં, પ્રત્યેકને પૃથક પૃથક ભોગવી લેવાની હોય છે. પ્રબળ પુરૂષાર્થથી તે પ્રતિક્રિયાના અથવા ફળના આગમનને જરા મોળું પાડી, કે વહેલું મોડું કરી શકાય ખરૂં. પરંતુ તેનો નાશ તો એકમાત્ર જ્ઞાનથી જ શક્ય છે. અને તે પણ, તેની અસર મન ઉપર ન પડે તેવા ચિત્તાવસ્થા ઉત્પન્ન કરવારૂપે જ, નહિ કે સ્થૂળરૂપે.
હવે પછી જે પુરૂષાર્થ કરો, તેનાથી ભાવિ પ્રારબ્ધ ઘડાશે. અને જીવાત્મા તેમાં જો પહેલેથી સાવધ રહે, તો પછીથી અટળને ટાળવાનાં અજ્ઞાન ભર્યાં મિથ્યા ફાંફાં મારવાવારો એને ન આવે. જો ક્રિયાને સંભાળી લીધી, તો પ્રતિક્રિયા સ્વતઃ સંભળાયેલી પડી નથી શું?
કોમન સેન્સ, સહજ સામાન્ય સમજદારીની વાત થઈ! આ પ્રારબ્ધબળ બે શરીરો ઉપર વ્યાપે છે. પરન્તુ સૂક્ષ્મ શરીરની (એટલે મનની) શુદ્ધિ જપ તપ તથા માર્ગદર્શનના આશ્રય વડે કરવાથી, તેને તે અંગે સુખદુઃખસંજ્ઞક પીડાકારી દ્વંદ્વભાવનો ઉપદ્રવ રહે નહિ. ત્યાં દ્વંદ્વૌ બુઠા થઈ જાય. બુદ્ધિને વિચારરૂપી આત્મસાધના વડે જાગ્રત રાખવાથી વિવેક-વૈરાગ્ય પ્રાપ્ત થાય, અને સાધકનું એ અભેદ્ય કવચ બને, એ આધ્યાત્મિક લાભ થાય. સાધનયુક્ત પ્રયત્નવાન અભ્યાસીને અધ્યાત્મ વર્ગમાં કોઈ પ્રારબ્ધ નડતું નથી. મનોમય સ્વાર્પણ, શ્રદ્ધા, ભક્તિ, ધ્યાનવૃત્તિ ઈત્યાદિ જે પરમ પુરૂષાર્થ છે, તે મનુષ્યતંત્ર છે, પ્રારબ્ધતંત્ર નહિ. એમાં અભ્યાસક-સ્વતંત્ર છે.
પ્રમાદ અને આળસ તેમાં વિક્ષેપ નાખવા આવે, ત્યારે પાપી મન (પૂર્વના પાપી અર્થાત્ શ્રેયમાં બાધક નીવડે વા સંસ્કારોનો સમુદાય) તેને વશ થવા અનેક બહાનાં શોધી-ઉભાં કરીને તેને JUSTIFY કરે છે, તેનો બચાવ તથા તેની હીમાયત કરે છે, પરન્તુ, એવું થવા દેવું, તે જ પાપ છે. જો બુદ્ધિ શુદ્ધ અને સત્સમર્પિત હોય, તો ચિત્તશુદ્ધિ અર્થાત્ સત્વશુદ્ધિ થતાં, એ તમોગુણને ફાવવા દેતી નથી.
માનવીને માર્ગદર્શક મળે. પણ માર્ગને કાપવો તો એણે પોતે જ હોય છે. ભૂખ લાગે ત્યારે ભોજન આપનાર મળે પણ એ ભોજનને ખાવું તો એ ભૂખ્યાએ સ્વયં રહ્યું. થાળીને ઠોકર મારીને ભૂખ્યા રહ્યાની ફરિયાદ ભોજન આપનારને કરવી. એને શું કહેશો બેટા?
જ્યારે કોઈ પણ કાર્ય આપણે આપણી પોતાની ઈચ્છાથી કરીએ, ત્યારે જ તે કર્મરૂપ બનીને આપણને તેના પ્રત્યાઘાત-ફળમાં બાંધી શકે છે. તેથી, અભ્યાસીએ કેવળ શરીરના વ્યવહારના નિભાવ અર્થે અનિવાર્ય હોય તેટલા પૂરતી જ ઈચ્છા થવા દેવી અથવા કરવી. શરીર વાસનાનું પૂતળું છે, અને તે વાસનાઓ પૂરી કરવા માટે જ કાયા લીધી છે. તેથી તદનુસાર વૃત્તિ તો જાગવાની, જ્ઞાની-અજ્ઞાની સર્વને.
PAGE 47/6
“વાણી સંયમનું જીવનમાં મહત્વ”
પરંતુ એ સહજવૃત્તિને દરવખતે તપાસી જોવી, તે આત્માને સાધક છે કે બાધક તેનો વિવેક વૈરાગ્યથી નિર્ણય કરવો, એ સાધન શુદ્ધબુદ્ધિ અને ગુરૂકૃપાનું કામ છે. બાધકને તો તરત જ વેગળી કરવી, પછી સાધક વૃત્તિ રહે, તેને ઈચ્છા અથવા તેથી આગળ વધીને કામનામાં ન પલટાવા દેવી. એટલે કે તે પરત્વે આગ્રહ ન ઉભો થવા દેવો, કેમ કે એ બની જાય છે આ-ગ્રહ, ગ્રહી લેનારો, પકડી લેનારો. સહજભાવે વૃત્તિ થાય, સહજભાવે, તેને માટે પ્રયત્ન થાય. અને પછી તે ફળે, ન ફળે કે અન્યથા ફળે, તેની સાથે નિસબત ન રાખતાં, તટસ્થ ભાવે એ બધો ખેલ જોતાં રહેવું, એ પુરૂષાર્થ.
પ્રારબ્ધના આ ઈચ્છાભાગ અને તેનું શું કરવું, તેનું આ ટૂંકમાં વિવરણ થયું. ઈચ્છા થવી એ પ્રારબ્ધ. તેને વશ થવું-અને કામનાનું રૂપ લેવા દેવું કે નહિ, એ પુરૂષાર્થ, કે જે પ્રારબ્ધને ડંખ રહિત અથવા ડંખસહિત કરી શકે છે. પ્રારબ્ધનો દુઃખભાવરૂપી ડંખ ગયો, એટલે પ્રારબ્ધ જ ગયું જાણવું. સાપની દાઢ કાઢી લીધી, પછી ડંખે તો યે શું ને ન ડંખે તો યે શું? દુઃખ દેવાનો પ્રારબ્ધનો હેતુ ન સર્યો, એટલે પ્રારબ્ધ શેનું?
વાસનારૂપ પ્રારબ્ધાનુસાર દરેક જીવને ઈચ્છા થાય, સહજવૃત્તિ થાય, તે ઈચ્છા-પ્રારબ્ધ. થયું. તેને તેવું સમજીને તેમાં મનને પરોવવું નહિ. અને તેને તેનું કામ સહેજ સ્વભાવે કરવા દેવું તથા સફળતાનો આગ્રહ રાખવો નહિ. એ છે એવા પ્રારબ્ધમાંથી છુટા રહેવાની રીત. જો એમાં તણાયા, તો હણાયા. જો દ્રષ્ટા બનીને કાંઠે ઊભા, તો જીત્યા. ફળની અભિસંધી વગર નિર્દોષ ઈચ્છાનુસાર ઈંદ્રિયો તેના અર્થોમાં રમે, તેમાં દોષ નથી. પરન્તુ મનમાંડીને તેને માટે આતુર થયા, તો પછી ઈંદ્રિયોને રોકી રહ્યાથી પણ કર્મદોષમાંથી બચાય નહિ. કેમ કે “મનસા સ્મરતું હોય, તો પછી ઈન્દ્રિયોને રોકવી એ ઢોંગ જેવું થાય. આ બાબતને સંભાળી લેવાના શાસ્ત્રીય ગુરૂ ઉપદિષ્ટ પ્રયત્નોને “સાધન કરવું” કહેવાય છે.
ઈચ્છાઓ કેવી થાય છે એ જો નિષ્પક્ષ રીતે જોતા રહીએ, તો આપણા પોતાના સંસ્કારો તથા પૂર્વજન્મના સ્વરૂપનો ખ્યાલ આવી શકે છે, અને તેમાં ધરમૂલના પરિવર્તન માટેના ઈલાજ પણ પ્રાપ્ત થાય છે. શ્રેયમાં બાધક અણધરતી વૃત્તિ જાગે, ત્યારે તરત જ તેને રવાના કરી દેવી, અને ઈંદ્રિયોને તેમાં વળવા ન દેવી. આમાં ગુરૂયોગની ક્રિયાઓ સહાયક બને છે. જો એવી યોગ્ય ઈચ્છાઓને ઉરાડી દેવાનો સંકલ્પ કરીને બેસસો તો તરત એ દિશામાં યોગ કામ કરશે. જો એ વૃત્તિને પંપાળી, તો એ ઉદાર નિષ્પક્ષયોગ એ દિશામાં પણ જવાની સવડ કરી આપશે, કેમ કે સ્વયં ચૈતન્ય જેવી, સૂર્યના પ્રકાશ જેવી એ તો સત્તાસ્ફુર્તિ આપે છે, ને પોતે વેગળો રહે છે. “માટે મનના સંકલ્પ તથા બુદ્ધિની પ્રતિજ્ઞા પ્રમાણે માનવીની ગતિ થાય છે.”
બીજો પ્રારબ્ધ પ્રકાર, તે અનિચ્છાનો. પ્રત્યેક જીવનું પ્રારબ્ધ અન્ય સર્વ જગત સાથે સંકળાયેલું હોય છે. તેથી તો. “આપણું” જગત કહેવાય છે. તેથી એવી સંકલનાને લીધે સંયોગવશાત્ આપણી પોતાની ખાસ ઈચ્છા ન હોવા છતાં, કોઈ આચરણ કરવાનું માણસને ભાગે આવે, એવા પ્રસંગો બને છે. તેમાં પણ મનને જોડ્યા વગર જેમ આવે તેમ કામ પતાવીને બને તેટલી ત્વરાએ તેમાંથી મુક્ત થવાની વૃત્તિ પ્રબળ રાખીને પ્રવર્તવું, એ તેમાંથી મુક્ત રહેવાનો માર્ગ છે. જો એમાં “રસ” લગાડ્યો, તો એ તમારો ભોગ લગાડશે. અહીં ભયસ્થાન એ છે કે અંદરથી પોતાની જ વૃત્તિ હોવા છતાં બાહ્ય સંજોગને નિમિત્ત બનાવીને ચિત્તની વૃત્તિઓ આપણને એવું માનવા છેતરે છે કે “આમાં મારી ઈચ્છા નથી પરંતુ સંજોગોને વશ થઈને મારે કરવું પડે છે.” આ પોતાની વંચના છે. જે માણસ ગુરૂ આદિષ્ટ સાધન કરીને પોતાના જ તનમનની વૃત્તિ-પ્રવૃત્તિઓ પરત્વે નિર્લેપ દ્રષ્ટાભાવને કેળવી શક્યો હોય, તે જ આ સૂક્ષ્મ છેતરપીંડીથી થોડો ઘણો બચી શકે છે.
PAGE 47/7
“વાણી સંયમનું જીવનમાં મહત્વ”
ને ચિત્તથી ઠગબાજીને પકડી પાડે છે. માટે દર વખતે સાધકે ખૂબ સાવધાનીથી શોધવું જોઈએ કે આ જે કામ આવી પડ્યું છે તેનું સાચું સ્વરૂપ શું છે? એનું કારણ ઈચ્છા-પ્રારબ્ધ છે. મારા પોતાના જ ચિત્તનો સંસ્કારજન્ય ઉધામો છે, કે પછી સાચેસાચ મારી પોતાની જ વૃત્તિ ન હોવા છતાં અન્ય જગત સાથેના સંકલનને અંગે આ સંજોગ ઉભો થયો છે. એ સમજીને પછી યોગ્ય વલણ લેવી.
જ્યારે કોઈ વસ્તુ બનવાની હોય છે ત્યારે એને માટે અનુકૂળતાઓ અનાયાસે થઈ જાય છે. તેમ છતાં, પ્રતિકૂળતાઓ જણાય ત્યારે પણ મનુષ્યે ધૃતિ અને ઉત્સાહપૂર્વક પ્રયત્ન તો કર્યા જ કરવો જોઈએ. કેમ કે પ્રારબ્ધ ક્યારે વળ લેશે એ કોણ જાણે છે? મોટી વાત એ છે કે જે કંઈ થાય કે ન થાય, તે બધું ઠીક જ થાય છે, એવી ઈશ્વરના અટલ ન્યાયમાં શ્રદ્ધા રાખીને જીવનનું સુખ તત્વજ્ઞાન સમાઈ જાય છે. અમુક થયું તે ‘ખોટું’ થયું, અમુક ન થયું તે ‘ખોટું’ થયું એવા ઈશ્વરમાં અશ્રદ્ધા સૂચવનારા વિચારો જ સુખદુઃખના દ્વંદ્વનાં મૂળ છે. પૂર્ણ શ્રદ્ધામાં તો કશું જ ખોટું નથી થતું. એવું થતું ભાસે, તો આપણા જ્ઞાન તથા હિતાહિતના ભાનની ઉણપ, અને તૃષ્ણાઓની તાણને લીધે પ્રકટતાં અધીરાઈનું ફળ જાણવું. એવા દરેક પ્રસંગે મનનું વિશ્લેષણ કરીએ, તો અસુખ ભાવનો ચોર જરૂર પકડાય. એને તરત દેશનિકાલ કરવા જોઈએ!
જીવનમાં જેમ અને જેવી રીતે રહેવાનું મંડાયું હોય તેમ અને તેવી રીતે શરીર વડે રહેવાનું થાય છે. તેના સંબંધમાં કશું ઓછું-વત્તું મનમાં લાવવું, એ નકામું છે, અને આપણે જ ઘડેલા આપણા પ્રારબ્ધને ભોગવવાની આનાકાની જેવું છે. જે કોઈ રહેણી-કરણીની સ્થિતિ આવી પડે તેમાં પ્રસન્ન રહેવું, ને એ જ શ્રેષ્ઠ છે એવી શ્રદ્ધા રાખવી એ ખરી ઈશભક્તિ અને આત્મનિષ્ઠા છે. ઈચ્છા તો જે થતી હોય તે થાય જ, પણ તે દુઃખદાયી ન થઈ પડવી જોઈએ. નહિ તો બધું સાધન કર્યું આલેખે ગયું, અથવા અધૂરૂં છે એમ જાણવું. પોતાના જ કોઈ વાંકે કરીને કશું આવી પડતું હોય, તો તેમાં ફરિયાદ પ્રમાણિકપણે ન કરાય. અને જે કશું પણ અણગમતું આવી પડે તે પોતાને વાંકે જ હોય. આ કે પાછલા કોઈ જન્મના વાંકે. આપણને યાદ ન હોય, તેથી તે ઊડી ન જાય. ઈશ્વર ખૂબ દયાળુ છે, એ ધ્યાન બહાર ન રહે. ઘણું અનિષ્ટ તે પહેલેથી દૂર કરી આપે છે. સાવ અનિવાર્ય હોય તે જ તે આવવા દે છે.
માનસિક સ્થિતિનાં આપણે માલિક છીએ, તેમાં સંનિષ્ઠ રહેવું, એટલે બસ. શરીરની પ્રવૃત્તિઓ જે બળને આધીન છે, તે બળ સામે બાથ ભીડવી, એ અનિષ્ટ છે. અને વળી તે નિરર્થક છે. માટે બન્ને નજરે, એ બાબતમાં વાંધલાં મારવાં જોઈએ નહિ. મન મહા દગાખોર છે, અને ક્યારે અંદરથી પોતે જ પોતાને ઠગશે એ કહી શકાય નહિં! કોઈ પણ સાધક કે ‘સિદ્ધ’ એ બાબતમાં ઉપેક્ષા રાખી શકે નહિ. મનથી જે છે, તે જ સાચું છે. ને તનનું બધું ભ્રામક છે. પછી ભલે ને એ સાચું ભાસતું હોય!
શારીરિક ઉપદ્રવ દુઃખદ હોય છે. પોતાનાં નહિ તો અન્યનાં શરીર દુઃખોને કારણે સ્વભાવની વિકૃતિ થતાં કલેશરૂપી માનસિક ઉપદ્રવ પણ પ્રવર્તે જ. એવી બધી સંસારની માયા છે. અને જે બધો સમય માયારૂપે ખોટા ભ્રમ તરીકે, સાચા જેવી સતાવતી છતાં સાવ મિથ્યારૂપે જાણ્યા અને અનુભવ્યા કરે, એ છે સાચો યોગી. જેના ચિત્તનો યોગ ઈષ્ટમાં સુદ્રઢ હોય, તે જ આ દુઃખભાવના વિયોગની મઝા માણી શકે. સંસારી ભાવથી, શરીર ભાનથી જે વિયોગ, તે જ આત્માનો સંયોગ છે. જેટલું શરીર ભાન અને સંસાર ભાન પ્રબળ તેટલો આત્મ-સંયોગ નિર્બળ અને નિઃસત્વ બન્યો રહે છે. અંધકાર-પ્રકાશ જેવાં એ બે પરસ્પર વિરોધી તત્વો એકસહ કદી વસી શકે નહિ. જેટલા પ્રમાણમાં એક મંદ, તેટલા પ્રમાણમાં અન્ય તીવ્ર રહે છે. માટે, બધો સમય સાધક એ બે ઉપર અખંડ ચોકી રાખ્યા કરે, અને ઉભયની વધઘટને લગીરેક દ્રષ્ટિ બહાર ન જવા દેતાં અનાત્મભાનને દૂર તથા આત્મ લક્ષ્યને નિકટ રાખવામાં અપ્રમત રીતે પ્રયત્નશીલ રહ્યા કરે.
PAGE 47/8
“વાણી સંયમનું જીવનમાં મહત્વ”
અનાત્મના આક્રમણને નમી પડીને જે લાચાર બની રહે તેને ગીતામાં ‘ઈતર જન’ કહ્યા છે. પરંતુ એની સામે નિત્ય હોડ બાંધીને સજાગરૂપણે યુદ્ધ ખેલતો રહે, તે ‘શ્રેષ્ઠ’ પુરૂષ કહેવાય છે. ધીર કહેવાય છે. તેવાને જ સાચી શાંતિ પ્રાપ્ત થાય છે, અન્ય કોઈને નહિ. એમાં હારજીતનો પ્રશ્ન નથી, પરંતુ પુરૂષાર્થનાં મૂલ્ય છે. SELF-PITY અને તજજન્ય SELF-INDULGENCE જ જીવનનું પ્રબલતમ વિષ છે. કાળા નાગની જેમ એનાથી બચતા રહેવું, એ ‘મીઠાં’ લાગે છે, પણ એ કાળ જેવાં ફૂંકી ફૂંકીને આત્માને ફોલી ખાય છે. વ્યવહારમાં ઘણાંને જે કરવું હોય તે તેમનાથી થઈ શકતું નથી, ને ન કરવું હોય તે કરવું પડે છે. તેને લીધે સામું માણસ ખોટો અંદાજ બાંધી બેસે છે. આપણા પોતાના પરમ સ્વને લક્ષ બહાર અધક્ષણ પણ જવા દેવાનો નથી. સંસારની અસુખકારી ઘટનાઓને, તે બને કે તરત, ખંખેરીને તત્કાળ વિસરી જવાની હોય. તેનું સ્મરણ પણ ન જોઈએ. સંપૂર્ણ અને સાચું વિસ્મરણ કેળવવું. એ તો સર્વ આધ્યાત્મિક સાધનાનો હેતુ છે. જો એ ભૂલી જવાય, તો સાધન કર્યું શા કામનું?
જ્યાં તૃષ્ણા રહે છે ત્યાં બધું સાધન દુષિત થઈ જાય છે. અને સત્ત્વ શુદ્ધિ એટલે કે અહંમનાં નારાનો ધ્યેય વધારે ને વધારે વેગળો હઠતો રહે છે, વૃત્તિની જડમાં જ દૂષણ હોય, ત્યારે તેમાંથી ઉદભવતિ-પ્રવર્તતી પ્રવૃત્તિમાં પણ એ દોષરસનો વ્યાપક સંચાર થાય, એ સ્વાભાવિક છે. જે રસ જડમાં સીંચાય, તે જ એ જડનો રસ બને, એને તે જ રસ ડાળાં-શાખા-પત્ર-પુષ્પ-ફળમાં વ્યાપ્યા વિના ન રહે.
પોતાની જાતની દયા કોઈ પણ પ્રકારે ખાઈશ નહિ. ”સ્વ” પ્રત્યે કઠોર, ને ”પર” પ્રત્યે કોમળ, એ નિયમ જ બંને લોકમાં શ્રેયસ્કર નીવડે છે. પોતાની જાત માટે ગળગળા થવું નહિ. મનુષ્ય સ્વભાવ એવો અતિ સ્વ-અર્થી છે કે અજાણતાં પણ મન પોતા પ્રત્યે નિરન્તર પક્ષપાત કર્યા કરે છે. એ વૃત્તિ ઉપર સખ્ત નજર રાખીને તેને કડક રીતે દાબતા રહેવું, તો જ કલેશનો આભાસ ટળીને નિત્ય વિદ્યમાન સુખની સ્થિતિ ઉપર તરી આવે.
જાણવું, સમજવું અને આચરણમાં મૂકવું એ ત્રણ ઘણી જુદી જુદી વસ્તુઓ છે, અને એકએકથી ચડિયાતી મુશ્કેલ છે. માણસ પોતાના પ્રત્યે એવો તો સદભાવશીલ અને સારૂં જ વાંચનારો હોય છે, કે જરાક સરખું પણ પોતાનામાં સારૂં હોય તે એને પહાડ જેવું મોટું ભાસે છે. અને પાર વગરનું ખોટું હોય તે રાઈના દાણા જેવું અલ્પ અને લક્ષમાં નહિ લેવા જેવું ઉપેક્ષણીય લાગે છે. તેથી પોતાના વિશે પોતે સાધન સિદ્ધ થયા બાબતનો ભરોસો રાખીને નીરાંતવા થઈ બેસવું કોઈપણ સન્નિષ્ટ સાધકને પાલવે નહિ. નિરન્તર ચોકી રાખ્યા કરવા છતાં પણ ચોર કેટલી બધી હોશિયારીથી અંતરમાં ઘુસી જાય છે, પોતાના પ્રવેશને વરતાવા દેતો નથી, અને પછી લાગ જોઈને ફટકો મારે છે! એવો ફટકો કે જે સાધકને છેક મૂળીયાં સુધી હચમચાવી મૂકે છે. તેથી સાધકે તો બેવડી ચોકી રાખવાની છે. એક મન ઉપર ચિત્તની ચોકી, અને વળી તેના ઉપર પણ, એ ચોકીદાર ગોથું ન ખાઈ જાય તે માટે, નિરન્તર ચિન્તનની ચોકી.
ૐ તત્ સત્ ।
PAGE 48
”વૈરાગ્ય. ”
વૈરાગ્ય એટલે વાસ્તવમાં જગતના પદાર્થો પ્રત્યે દ્વેષભાવ કે અણગમો જ નહિ. દરેક વસ્તુને બે પાસાં, વિધિ અને નિષેધ રૂપે, હોય છે. દ્વેષ, એ વૈરાગ્યનું નિષેધ મૂલક પાસું છે. મિથ્યામાં દ્વેષ અને સત્યમાં પ્રીતિ. એ દ્વેષ પણ, બ્રહ્મભાવ વિકસવા સાથે, પરિવર્તિત થઈને પ્રીતિ બની જવી જોઈએ, કેમકે જ્યાં સર્વત્ર સ્વ-રૂપ જ પ્રવર્તે છે, ત્યાં— केन कं पश्येत, केन कि जिघ्रेत्—- કોણ કોનો વિદ્વેષ કરે? ને કોણ કોને ચાહ્યા વગર રહે. વળી જો દ્વેષ ભાગ ઉપર ધ્યાન અપાય, તો તેની નિન્દા કરતાં કરતાં, કીટ ભ્રમર ન્યાયે, ચિત્તમાં દ્વેષ ભાવ ચોંટી રહેતાં, ગતિ દ્વેષ માર્ગી જ થાય! માટે વૈરાગ્ય એટલે વિશેષ રાગ, વિશેષ પ્રીતિનો ભાવ થવો તે.
એક જ સ્થળે રાગ કરવો હોય, તો તેનાથી વિરૂદ્ધ પડતી બાબતોને પડતી મૂકવી જ જોઈએ. ચિત્ત બે વિરોધી બાબતો પરત્વે એક જ સમયે પ્રીતિ ન રાખી શકે. તેથી બેમાંથી જે વધારે રૂચે – શ્રેયસ – પ્રેયસની વિરોધી જોડીમાંથી જે વધારે “જચે” તેનું ગ્રહણ કરવું, એ જ છે વૈરાગ્ય તથા વિવેકનું સાચું સ્વરૂપ. જે છોડી દેવું છે, તે ખરાબ છે તેથી છોડવું છે એમ નહિ. ઈશ્વરનું સર્જેલું કશુંય ખરાબ ન હોય. એ તો આપણા ચિત્તના સંસ્કારની જ છાયા છે કે જે સારા-નરસા ભાવથી દ્રશ્ય-વિચાર્ય પદાર્થો ને દૂષિત કરે છે. એટલે તેના તરફથી વૃત્તિઓને વાળી લેવામાં તેના પ્રત્યે કોઈ વેર ભાવનો પ્રશ્ન જ નથી. મારી પાસે ગરમ ચાનો પ્યાલો, ને શરબતનો જામ પડ્યો હોય, તેમાંથી શરીર તથા મનની પ્રકૃતિ અને રૂચી પ્રમાણે હું એક લઉં, ને બીજું છોડી દઉં – કેમકે બન્નેનું એક સહ સેવન હાનુકારક છે – તો તેમાં તે છોડી દીધેલા અન્ય પ્રત્યે દુશ્મનાવટ કલ્પવી જેટલી અવાસ્તવિક છે, તેટલું જ અવાસ્તવિક છે, પરમ પદની પ્રાપ્તિના શકે સંસારની આસક્તિ છોડવામાં ઈશ્વરકૃત સંસાર પરત્વે શત્રુભાવની કલ્પના કરવારૂપી મૂઢતા. માટે, વૈરાગ્ય એટલે કેવળ પ્રેમ, પ્રેમ અને પ્રેમ જ પ્રેમ! પ્રેમના બીનશરતીપણામાં તેની સર્વાંગ સંપૂર્ણતામાં, તેની નિર્વિશેષતામાં જેટલી ઉણપ, તેમાં “વિશેષણ” નો જેટલો સંચાર, તેટલો પરમપદ પ્રત્યે અપ્રીતિ તથા સંસારી પામર ભાવ પ્રત્યે પ્રીતિનો સંચાર જાણવો, ને એ તારા શ્રેયમાં ન હોવાથી, ઝટિતિ છોડી, હાથ ખંખેરીને હળવા થઈ જવું. જેમ પાઈલેટે ઈશુને વધ સ્તંભે મોકલવાની લોક ઘેલછા પરત્વે પાણીનું પાત્ર મંગાવી ને હાથ ધોઈ નાખ્યા હતા તેમ! ભાઈ! રખે વૈરાગ્યમાં ઈશ્વરની સૃષ્ટિના કોઈએ અંશ પ્રત્યે દ્વેષની કલ્પના સરખી કરતો! આનન્દં બ્રહ્મ, તેમાં બ્રહ્મ-સ્વરૂપતાના આકાંક્ષીને અ-આનન્દની કલ્પનાય કેમ થઈ શકે.
ૐ તત્ સત્।
PAGE 49
“ગ્રહણ વિચાર, આ “ઘરણ કાઢવું,” તે શું?”
(શ્રાવણ સુદ પૂનમ : તા : ૫-૮-૫૨. – ચંદ્રગ્રહણ.)
જ્યારે સૂર્ય અને ચન્દ્ર જેવી બે સૃષ્ટિની મહત્તમ જ્યોતિઓ, વિરાટનાં ચક્ષુ જેવાં ઈશ્વરચક્ષુ, જેના વડે સમગ્ર લોક વ્યવહાર ચાલે છે, જેને લીધે શક્તિ છે, જીવન છે, વનસ્પતિ છે, પ્રાણ છે.¬¬ તેજ જ્યારે ગ્રસાય, ત્યારે? ત્યારે માનવી અંતર્મુખ થઈને શોચે, કે આ દેવની પરમ વિભુતિઓ પણ જ્યારે ગ્રસાઈ જાય છે, ત્યારે મારી નાનકડી, ગરીબડી, ડગમગતી, બુઝાઉ-બુઝાઉ થતી રાંક દીવડીનો શો હિસાબ? અને વૈરાગ્ય જાગે, વિવેક જાગે (વૈરાગ્યનો ય વિચાર કરવો પડશે, હો!) પ્રમાણભાવ થાય, આ સમગ્ર ઉત્કૃષ્ટ-નિકૃષ્ટના ખોટા અંતર ભેદોથી ભેદાતા “જીવન” નું મિથ્યાત્વ એને પ્રતીત થાય, એક જ નિત્ય વિભુ વસ્તુનું ભાન થાય ને એણે અત્યાર સુધીમાં જે કંઈ મન તથા તનથી “મારૂં” તથા “હું” સમજીને “ગ્રહણ” કર્યું હોય, પોતાનું માન્યું હોય, તે સર્વને “કહાડે”. બાહ્યાંતર બધા જ મેલને દૂર કરી, નિકટવર્તી જે હોય તે બધું ઘસીઘસીને સાફ કરે, વાતાવરણને નિર્મળ બનાવે કે જેથી ચિત્ત તેમાં અદૂષિત થવા પામે નહિ. સોનું ચાંદી, વસ્ત્ર, અન્ન, પાત્ર ઈતર જે, સંગ્રહ હોય, તે વૈરાગ્યશીલ ભાવે ‘તેન ત્યક્તેન ભુંજીથા’ યજ્ઞભાવે, મિથ્યાભાવે, ગરીબ ગુરબાને, સમાજના નિષ્કૃષ્ટમ ગણાતા વર્ગોને વહેંચી દે, કેમકે એમના લાભાર્થે કોઈ તહેવાર જ ક્યાં યોજાયો છે! ગમે તેમ કરીને, શરીર તથા મનના બોજાથી હલકો થઈને, ઈશ્વર નામક સ્વરૂપ લક્ષ્યમાં ચિત્ત પરોવીને તત્વાવધાનમાં લાગી જાય, અને પરમ એવો પુરૂષાર્થ કરે. ગ્રહણે ગ્રહણે એ આ ભાવને પુનઃ સંસ્થાપિત કરે, ને વચગાળામાં પ્રમાદ, વિસ્મૃતિ, પામરતા કે ગમે તે કારણે તન તથા મનને જે પાછું કચરાનું સંગ્રહણ કર્યું હોય, તેને પુનઃ વાળી ઝૂડીને સાફ કરી નિર્મળ થાય, પુણ્યભાવ હોય તો પુણ્ય કમાય, ને બ્રહ્મભાવ હોય તો આત્મશુદ્ધિ રૂપી, ચિત્ત નિર્મળતા કરે કે જેથી મલાવરણ ટળીને ચિત્તસ્થ સ્વરૂપ સુરેખ દેખાય, ને પોતે પોતાને સમજી લઈને કૃતાર્થ બને – એને નીરખતાં ધરાય નહિ. વળી પાછાં તન-મનનાં આવરણ એને છાય નહિ તેની ચિંતા રાખે. ગ્રહણ થવું, ને ”ઘરણ કાઢવું,” એનો આ ભાવ હોય તો જ તે સાર્થક. બાકી તો એક પાર્થિવ માટી ઢેફા કે વાયુ ગોળા ઉપર બીજાની છાયા પડે, ને જાય, તેમાં આ ધાંધલ શી? જ્યારે જ્યારે કશાનાયે ઉપર છાયાપડે ત્યારે ત્યારે આ બધી કચકચ કરવી જોઈએ ને!
ૐ તત્ સત્ ।
PAGE 50
”પ્રારબ્ધ”
પ્રારબ્ધમાં ”માનવા” નો પ્રશ્ન નથી…. પ્રારબ્ધ તો છે જ. એ શરીર પરત્વે છે. અને મનમાં ઉઠતી વૃત્તિઓ પરત્વે છે. પરન્તુ, એ વૃત્તિઓને વશ થવું, ન થવું, કે અન્યથા ત્રીજું જ કરવું, એ વિવેક યુક્ત પુરૂષાર્થનો વિષય છે. પોતાની લોલુપતા, કામુકતા, કે વાસના વશતાને છારવવાના બહાના રૂપે જ્યાં ને ત્યાં ‘પ્રારબ્ધ’ ની ‘મા પરણ્યા’ કરવાની ટેવ સાધકોને પણ છૂટતી નથી! કેવળ આ સ્થૂલ શરીર જ પ્રારબ્ધને સાવ વશ છે. આધ્યાત્મિક સાધનમાં તેને નિમિત્તે જેવા બાહ્ય અંતરાયો આવે, જેનું ગમે તેટલા પ્રયત્ન છતાં નિવારણ ન જ થઈ શકે, તેને પ્રારબ્ધનો ખેલ જાણીને, तान तितिक्षास्व, અને તેમ છતાં, ખૂબ જ ધીરજ, સંનિષ્ઠ અને ગુરૂવચનમાં શ્રદ્ધાથી નિત્ય પ્રયત્નશીલ રહેવું, તે પુરૂષાર્થ – તેમાં કોઈ પ્રારબ્ધ નડી શકે નહિ.
અધ્યાત્મ-સાધન, સત્કર્મ, સદવૃત્તિ, સન્નિષ્ઠા, ચિત્તશુદ્ધિ, વ્યવહાર શુદ્ધિ ઈત્યાદિ, જે જીવનની મુખ્ય વસ્તુઓ છે, તેને અને પ્રારબ્ધને કશું સ્નાનસૂતક નથી. ‘પ્રારબ્ધ’ પણ આવી નમાલી EGOISTIC વાસનાશીલ વૃત્તિઓના અનુસરણ વડે માણસ પોતે જ ઘડે છે, પછી એનો વાંક કહાડે છે, અને તેને જ પુનઃ એની એ નબળાઈઓને જ, વશ થવાની અંતરની લોલુપતાને પોષવા માટે બહાનારૂપે COMPLACENTLY વળગી પડીને, એની એ, તેવા નવા પ્રારબ્ધને ઘડવાની ઘટમાળ, યથાવત્ ચલાવ્યા કરે છે.
સાધકનો એ માર્ગ નથી. બાહ્ય સંજોગોને પ્રારબ્ધ લેખીને તેનાં સુખદુઃખ ન માનવાં. સુખદુઃખના દ્વંદ્વને વશ ન થઈ જવાય, તે માટે જ પ્રારબ્ધની, કલ્પનાનો ઉપયોગ કરવાનો હોય. નહિ કે પોતાની અવળાઈઓ જેને માણસ ‘નબળાઈઓ’ કહીને પોતાની જાતને જ દરગુજર કરે છે – તેને પાળવા પોષવામાં.
પ્રારબ્ધ સાચું નથી, અને માણસ પુરૂષાર્થ કરે તો પ્રારબ્ધને જીતી શકે છે. પુરૂષાર્થ એટલે સામાન્ય દેહદશાના ભાનમાંથી નીકળીને જેટલો વખત આત્મદશામાં રહી શકાય તેટલો વખત રહેવાની ટેવ પાડવી જોઈએ તે. એમ કરતાં કરતાં (જેમ કીડો ભમરીનું ધ્યાન કરતાં કરતાં ભમરી બની જાય છે તેમ) જીવ બ્રહ્મરૂપ થઈ જાય છે.
ૐ તત્ સત્ ।
PAGE 51
” દેહાધ્યાસ અને તેનો વિવેક”
પ્રત્યેક પ્રાણીનો દેહ ત્રિવિધ છે, સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ. સ્થૂલ દેહ પંચીકૃત મહાભૂતોનાં પચીસ તત્વોનો બનેલો છેઃ-
આકાશઃ- કામ, ક્રોધ, શોક, મોહ અને ભય.
વાયુઃ- ચલન, વલન, ધાવન, પ્રસરણ અને આકુંચન.
તેજઃ- ભૂખ, તરસ, આળસ, નિદ્રા અને કાન્તિ.
જળઃ- શુક્ર, શોણિત, લાળ, મૂત્ર અને પ્રસ્વેદ.
પૃથ્વી:- અસ્થિ, માંસ, ત્વચા, નાડી અને રોમ.
એ રીતે સ્થૂળ દેહમાં આ ૨૫ તત્વો રહે છે. ને શરીર તેનું જ બને છે. આખરે તો, તન અને મન, બન્ને કેવળ પાંચ ભૂતોનો પ્રપંચ છે, તેથી વધારે કાંઈ જ નહિ. અને તેથી વધારે તેનું મૂલ્યાંકન જે કરે, તે સંસારમાં ખતા ખાધા વગર નથી રહ્યો, નથી રહેતા, અને નથી રહેવાના.
પારમાર્થિક કે વ્યાવહારિક ક્ષેત્રમાં પણ, વિવેક પુરઃસર તાત્વિક દ્રષ્ટિ કેળવવાની ટેવ પાડવાથી, આ જ્ઞાનમાર્ગના અનુસરણમાં અનેરો આનંદ આવશે. જીવ-ઈશ્વરના સંબંધમાં પણ, એ રાહે દેશ-કાળ સામગ્રી ઈતરનો ત્યાગ કરીને ઉભયમાં અનુસ્થૂત ચેતન માત્ર બ્રહ્મ-આત્મા એક જ હોવાની પ્રતીતિ થવા પામશે. તેથી, જિજ્ઞાસુ સાધકે, પ્રારંભમાં બ્રહ્મ, જીવ ઈતરનાં રહસ્યોની ભલે સમઝ ન હોય તો યે, ‘હું બ્રહ્મ છું.’ અથવા ‘બ્રહ્મ હું જ છું.’ એવી ભાવના દ્રઢ કરવી જ કરવી. એવો દ્રઢ નિશ્ચય એવા જ્ઞાનના અપરોક્ષ અનુભવમાં બહુ કાર્ય સાધક છે, અને તે વડે સર્વ દુઃખભાવની નિવૃત્તિ તથા અક્ષય સુખની પ્રતિષ્ઠાનો માર્ગ ખુલ્લો થાય છે.
વિવેક, સૂક્ષ્મ દેહનોઃ-
ત્યારે, એ ૧૩ તત્વો હું કે મારાં નથી, એ શી રીતે જાણવું – તથા સાક્ષાત અનુભવવું?
એ ૧૭ નો હું જાણનારો છું. જે જેનો, જાણનારો હોય તે તેનાથી જુદો હોવો ઘટે, તે નિયમ પ્રમાણે હું એ સત્તરથી જુદો છું, એમ નિશ્ચય કરવો અને પ્રત્યેક પ્રસંગે ખંતપૂર્વક તેની પ્રતીતિ કર્યા કરવી. તેનું એક દ્રષ્ટાંત લઈએ.
નટઘરમાં સળગતો દીપક તખ્તા પરના રાજા, પ્રધાન, સેવકો, નાયિકા, વાજીંત્રો ઈતર, તથા પ્રેક્ષક વર્ગ, એ સર્વને પ્રકાશે છે, ને એમની ચેષ્ટાઓને પણ પ્રકાશે છે. એ નહોતાં આવ્યાં ત્યારે ખાલી નટઘરને પણ એ તદ્દન સ્વસ્થતાપૂર્વક પ્રકાશતો હતો. એ સર્વ યથા સમય જતાં રહેશે, ત્યારે પણ એ ખાલી નટઘરને પૂર્વવત નિર્લેપતા પૂર્વક પ્રકાશતો રહેશે. એ નાટકઘરનો સર્વ વ્યવહાર એ દીપકને રૂડે પ્રતાપે થઈ શકતો હોવા છતાં, ને દીપકને તેમાંના કશા સાથે કસો જ સંબંધ નથી. તે પ્રમાણે, આ સ્થૂલ દેહરૂપી રંગમંચ ઉપર ચિદાભાસ=રાજા. મન=પ્રધાન. પ્રાણો=સેવકો. બુદ્ધિ=નાયિકા. ઈન્દ્રિયદશક=વાજીંત્રો તથા શબ્દસ્પર્શાદિ વિષયોરૂપી સભાજનો ઈત્યાદિને, જાગ્રત-સ્વપ્નમાં સાક્ષીરૂપ જે આત્મચૈતન્ય દીપ છે તે પ્રકાશે છે, તે ”દીપ” હું છું, નહિ કે પેલો ”નાટકનો સરંજામ.”
જાગ્રત અવસ્થામાં ઈન્દ્રિયો તથા અંતઃકરણની સહાયથી હું ‘પ્રકાશું’ છું એટલે કે જાણું છું. અને સ્વપ્નની સ્થિતિમાં ઈન્દ્રિયો વિના માત્ર અંતઃકરણમાં રાજતા ચિત્તના આભાસરૂપ આત્મપ્રકાશ આત્મજ્યોતિની સહાયથી જ હું પ્રકાશું-‘જાણું’ છું. અને સુષુપ્તિ કાળે ઈન્દ્રિયોથી તથા અંતઃકરણ (મન), ઉભય સાધનોની સહાય વગર જ હું જાણું છું – પ્રકાશું છું. તેથી તે કાળે હું સાવ શુદ્ધ નિરાલંબ આત્મસ્વરૂપ છું. એ પ્રમાણે વિચાર કરીને, પ્રતિદિન વારંવાર તેનો બુદ્ધિપૂર્વક અનુભવ કરી જોઈને સાધક ‘પોતાને’ એ તત્વ સમુદાયથી નિરાળો લહે, ને દ્રષ્ટાપદે સ્વરૂપ સ્થિતિ કરે.
ૐ તત્ સત્ ।
PAGE 52
”આત્મા કોણ છે?”
બીજી રીતે વ્યાખ્યા કરીએ તો, દેહમાં વિલસતો આત્મા બીજો કોઈ નહિ પરંતુ એ સચ્ચિદાનંદ સ્વરૂપ પરબ્રહ્મ પરમ ચૈતન્ય જ છે, કે દ્રશ્ય જગત જેનો વિવર્ત માત્ર છે. જે ઈશ્વર, કૂટસ્થ, સાક્ષી, જીવ, સ્ફૂર્તિ, હોવું, દેખાવું, જાણવું, ઈત્યાદિ રૂપે સર્વત્ર પ્રકાશે છે. જેના વડે સર્વ કંઈ છે. જે નિત્ય, નિરાકાર, નિર્ગુણ, ત્રણેય કાળમાં જેવું ને તેવું વિદ્યમાન છે, તે તત્વ એ છે. જે કંઈ હતું-ન હતું, છે-નથી, હશે-નહિ હોય, એ બધું જ જે છે, તે એ છે, જેની માયા શક્તિ વડે વિવર્ત રૂપે જે કંઈ છે તે ભાસે છે, તે. જેનાથી જુદું કશું હોતું નથી, ને નહિ હોય, તે.
જો કે ઈન્દ્રિય તથા મનના અનુભવમાં પાંચ કોશ જ આવે છે, અને તેનાથી જુદો કોઈ આત્મા તેના વડે અનુભવાતો નથી, એ ખરૂં છે, તો પણ મનુષ્ય જે અનુભવથી આ પાંચ કોશને જાણે છે, એ જાણવારૂપ અનુભવનું નિવારણ કોણ કરે એમ છે? એ અનુભવ એટલે શું? એ ‘જાણવું-અનુભવવું,’ એને કોણ ટાળી શકે? ટાળનારને યે એ તો જાણે! તેથી, પાંચ કોશના અનુભવરૂપ જ્ઞાતારૂપ જે ચૈતન્ય, તે એ પાંચકોશને જાણનારો તેમનાથી ન્યારો આત્મા છે. એ રીતે નિશ્ચયનું સમર્થન કરવું.
બધા જ ભેદો પરત્વે સિદ્ધાન્ત એ છે કે એ બધા જ ભ્રાન્તિ છે, કેમકે બ્રહ્મથી મૂલ સ્વરૂપે કશું પણ, કદી પણ ભિન્ન હોઈ શકતું નથી, ને જે તેવું હોવા જેવું લાગે છે તે બધું તત્વતઃ અનિત્ય અને તેથી મિથ્યા હોઈ, ભ્રમ સિવાય બીજું કશું નથી. સંપૂર્ણ શાસ્ત્રો, સંપૂર્ણ પ્રસ્થાનત્રયી (ઉપનિષદ, ગીતા, બ્રહ્મસુત્ર) અને સંપૂર્ણ તત્વજ્ઞાનનો એ નિચોડ જાણવો.
ૐ તત્ સત્ ।
PAGE 53
“શતં વિહાય ભુક્તવ્યમ્”
શાસ્ત્રની આજ્ઞા છે કે ‘શતં વિહાય ભુક્તવ્યમ્.’ એટલે અડધો શબ્દ પણ પડતો મૂકી દેવો પડે! રજવાડી વડોદરાના એક સુબા સાહેબનો એક કીસ્સો છે, એમનું નામ આપણા ખપ પુરતું મહંમદ હુસેન રાખીશું. એ સાહેબ સમય પરત્વે બહુ ચોક્કસ હતા. એક દિવસ કાગળીયાં ઉપર સહીઓ કરતાં કરતાં એમની નજર ઘડીયાળ ઉપર ગઈ, ને સહીમાં ‘મહંમદ’ લખ્યું હતું ત્યાંથી જ એ સહી કરતે કરતે અટકી ગયા. કારકુને અરજ ગુજારી કે આ ‘હુસેન’ રહી ગયું છે તે તો પૂરૂં કરો. સાહેબે તરત સૂણાવી દીધી, ”દેખતા નહિ હૈ, ટાઈમ હો ગયા? ટાઈમ પર પાબંદ રહના ચાહિયે. અબ ”હુસેન” કલ કરેંગે!”
”પગે જ વળગી છે ને!”
એક કંજૂસને ત્યાં મહેમાન આવ્યો, પતિપત્નિ ઉભયને મહેમાન દીઠા નહોતા ગમતા. આ આગંતુકને ટાળવા માટે એમણે અનેક ઉપાય અજમાવ્યા, પરંતુ એમના સ્વભાવને જાણતા મહેમાને પણ જાણે વ્રત લીધું હતું કે ગમે તે થાય પણ રોટલા ખાધા વગર ઘર છોડવું નથી. છેવટે યજમાને માંદા પડ્યાનો ઢોંગ કર્યો, એ ખાટલામાં સૂઈ ગયો, ને એની પત્ની એના પગ ચાંપવા બેઠી. ઘણા સમય સુધી આ સ્વાંગ ચાલ્યો. ઘરવાળી કોઈ ખાસ કામ માટે જરા આઘી પાછી થઈ, એટલે મહેમાન તરત ખાટલે ચડી ગયો ને પગ ચાંપવા લાગ્યો. હાથ બદલાયાનું ભાન સૂતેલાને ન રહ્યું, કેટલીક વારે પત્ની પગ ચાંપે છે એમ જાણીને એણે ધીરેથી પૂછ્યું, ”બલા ગઈ કે?” મહેમાને ધીરેથી જવાબ આપ્યો, ”પગે જ વળગી છે ને?”
PAGE 54
”લોલુપતા”
કોઈ પણ જાતની પ્રકટ કે પ્રચ્છન્ન લોલુપતા ચિત્તમાં હોવી, એ સર્વ કષ્ટભાવ કે કલેશભાવની જડ છે. લોકહિત માટે ભૂતહિત અર્થે ત્યાગીએ મથતા રહેવું જોઈએ જ, અને જે માત્ર પોતાના જ સુખભાવ ઉપર ભાર મૂકીને તે અર્થે નૈષ્કર્મ્ય ગ્રહણ કરીને કોરે બેસી જાય તે સાધુ સ્વાર્થી છે. એવી એવી વાતો વાસ્તવિક નથી. અને વાસ્તવિક માનતા હોય, તો મને મંજુર નથી. શા માટે પોતાની સ્વસ્થતાને માનવી પ્રાધાન્ય ન આપે? કોઈનું ભલું કરવા કાજે પ્રવૃત્ત રહેવાની વાસના, એ તો પ્રકૃતિ –વરાળ છે, તેવું કરીને જે સાચેસાચ નિરન્તર સુખભાવમાં અનવચ્છિન્ન પ્રસન્નતામાં નિમગ્ન રહી શકે, તે ઘણા આદરને પાત્ર, અને લોકમાં તે વિશેષ પૂજાય, એ પણ યોગ્ય. પરંતુ પ્રકૃતિ વડે કરીને જે અત્યંત આળા કોમળ ચિત્તવાળો હોઈ, લોકહિતની પ્રવૃત્તિ અંગે પણ જે અનિષ્ટ તત્વો સાથે કામ લેવું પડે છે.- અને તેમ કરવું અનિવાર્ય છે. તેના ધક્કા સહી શકતો નથી, તો એ “સેવા” ની ભ્રામક લોલુપતાને દૂર કરીને સાવ નિરાળા થઈ જવાના ધર્મને યોગ્ય છે. સેવાવ્રતી કરતાં એવો કોમળ ચિત્તવાળો જરા પણ ઓછો આદરણીય ન હોય, બલ્કે એ સૂક્ષ્મ અહંકારની શક્યતાથી ખદબદતા સાત્વિક “સેવા” ના પ્રલોભનને પણ ત્યાગીને વધારે નિર્મળ સવિશેષ સંમાન્ય છે.
ઈષ્ટ શોધવું એ જ અનિષ્ટ ને શોધવું. હિતને ઈચ્છવું, તે અહિતની ઉપાસના. માટે ખરેખર બંને છોડીને ખૂણો જ પાલવો ઘટે. જો નિર્દ્વંદ્વતા ખપતી જ હોય તો. બાકી ગુપ્ત લોકેષણાને સાત્વિક વાઘા પહેરાવીને રાચવામાં જેની પ્રકૃતિ ને પ્રસન્નતા હોય, તો તે ભલે હોય, “ખૂણો પાળનારો” ખૂણો પાળીને જે જગતમાં શિવત્વને પ્રસરાવી શકે તે એવા ‘સેવાવ્રતિ’ સંત કરતાં ઓછું કલ્યાણકર હોઈ જ ન શકે.
ૐ તત્ સત્ ।
PAGE 55
”શ્રી રમણ આશ્રમ.”
તિરૂવલ્ણમલ. તા. ૯-૪-૪૯.
આજે સવારે શ્રી રમણના આશ્રમને લીધે તીર્થ બનેલા તિરૂવલ્ણમલે પહોંચ્યા. (તિરૂ =શ્રી – મલે=પહાડ.) શ્રી રમણની મહત્તા તેમના પોતાના જ મહિમામાં પ્રતિષ્ઠિત છે. એક અંગ્રેજ લેખકે તેમને જગત ખ્યાતિ આપી, એ તો વિધિનો એક ખેલ માત્ર. પરન્તુ એ બાહ્ય પ્રચાર પુરતો. એનાથી મૂળ વસ્તુનું સ્વરૂપ નથી વધ્યું, નથી ઘટ્યું. કેમકે તે વધઘટથી પર स्व महिम्नि प्रतिष्ठित, ભૂમા સ્વરૂપ છે. આ સ્થળ હવે આપણા તીર્થોની સંખ્યામાં એક સર્વસ્વીકૃત ઉમેરો કરે છે.
સવારે અમે પણ શ્રી રમણ સામેના સાધકવૃન્દમાં જઈને બેઠા હતા. કોઈ કોઈ પ્રશ્ન પૂછે છે, તેમને એ ટૂંકા ઉત્તર આપે છે. – આપવા જેવા હોય તો જ, પણ મુખ્યત્વે એમના શાન્ત સાન્નિધ્યમાંથી જ મોટો ભાગ સત્વપ્રવાહ પોતપોતાની શ્રદ્ધા અને અધિકારાનુસાર પામીને સંતુષ્ટ રહે છે. “ભગવાન” માં શ્રદ્ધા એ જ એના સત્વને ઝીલવાની મુખ્ય યોગ્યતા છે.
મેં એમની સાથે થોડીક માનસિક ચર્ચા કરી લીધી. શું વિશેષતા આપનામાં છે, અન્ય કરતાં? આપ જ્ઞાની છો, માટે પૂજ્ય છો, જ્ઞાન સર્વત્ર, સર્વદા પૂજ્ય છે. તદઉપરાંત “ભગવાન” તરીકેની આપની વિશેષતા શું છે?
ઉત્તરઃ- કશી નહિ, હું પાછલી સાધનાને લીધે અન્ય ઘણા કરતાં કંઈક વધારે પાકો સાધક હોઈશ. એ જ. તમે હમણાં નહિ હો તો હવે પછી થશો. બાકી સ્વરૂપ તો સર્વત્ર સાવ એક જ. કંઈ જ ફેર નહિ.
પ્રશ્નઃ- “આપને શારીરિક કષ્ટથી જ્ઞાન મળ્યું, એમ આપના ચરિત ઉપરથી જાણું છું. અમને પણ એ જ રસ્તે મળવું જોઈએ એવો કોઈ નિયમ હશે ખરો?
ઉત્તરઃ- જ્ઞાન મળવાની કોઈ એક રીત ન હોય. કોઈ ને એ કોઈ રીતે લાધે ને કોઈ ને કોઈ રીતે. મને અમુક રીતે મળ્યું. એ મારા પ્રારબ્ધ તથા સંસ્કારનો એક ભાગ હું જાણું છું. તમને એ તમારી રીતે, તમારા સંસ્કાર પ્રકારાનુસાર મળે. એ પ્રકાર ભેદ. પ્રક્રિયા ભેદ કોઈ મોટી વસ્તુ નથી. જ્ઞાન એક, અવિભાજ્ય છે. એ આનન્દ છે. એ જેમ મળે તેમ લેવું. જેને જેને એ મળ્યું, એ બધા સરખા.”
ૐ તત્ સત્ ।
PAGE 56
“વિવેક ચૂડામણિ”
ચિત્તની વૃત્તિની વાત થતાં, એક અત્યંત મહત્વની બાબત ભગવાન શંકરનો ખુલાસો મળી ગયો. ઓહો! એ મહાન વિભૂતિએ બાળક વયમાં શું લોકોત્તર વિદ્વતા, વ્યવહારીકતા અને માનવ સ્વભાવના તલસ્પર્શની પ્રાપ્તિ કરી છે! આજની ‘સાઈકોલોજી’ એમના તત્વજ્ઞાન આગળ ફીકીફચ પડે છે.
ખાસ મહત્વનું ”વિવેકચૂડામણિ” શ્લોક – ૩૨૬-૩૨૮-૩૧૬ અને ૩૨૯. ધન્ય હો આચાર્ય ચૂડામણિ! ધન્ય ભગવાન! તમને કોટીશ દંડવત હો! ખાસ કરીને વાસના, તેનું ચિંતન અને તે વિષયમાં ક્રિયા, એ ભલભલા જ્ઞાનીને પણ, જરીકે આત્મચિંતનથી વિમુખ થતાં, કેવો ઝડપી લે છે, તેનું વિશ્લેષણ, એનાં ભયસ્થાનનો સ્ફોટ, એની સુક્ષ્મ ભયંકરતા, ચેતવણીઃ-
શ્લોક – ૩૨૬- ”જેમ હાથમાંથી છૂટી પડેલો રમવાનો દડો સીડી ઉપર પડતાં એક પછી એક પગથિયાં ઊતરતો ઠેઠ નીચે પડે છે, તેમ ચિત્ત, પ્રમાદને લીધે આત્મચિંતનથી ચૂકીને લગાર પણ વિષયોમાં પડી જાય, તો ત્યાંથી પડતું પડતું છેક અધોગતિએ પહોંચે છે.”
શું મધુર ભાષા! જ્ઞાન પણ કાવ્યમય જેવું છે, એવા ભગવાન શંકર! એમની ચેતવણી.
શ્લોક ૩૨૮- ”પછી માણસ આત્માનું સ્વરૂપ ચૂકે છે અને એમ ચૂકેલો તે અધઃપતન પામે છે. એ રીતે પડેલા તે માણસનો નાશ થયા વિના ફરી તેનું ઉપર ચઢવું દેખાતું નથી. માટે દરેક અનર્થનું કારણ સંકલ્પ (વિષયોના વિચાર) નો ત્યાગ કરવો.”
એ કેવી રીતે થાય?
શ્લોક – ૩૧૬- ”(એમ) એ બંનેથી વધતી તે વાસના આત્માને સંસાર ઉત્પન્ન કરે છે. માટે હરકોઈ અવસ્થામાં (વિષયવાસના, વિષયોનો વિચાર અને વિષયો માટેની બહારની ક્રિયા) એ ત્રણેનો નાશ કરવાનો આ ઉપાય હંમેશાં કરવો જોઈએ – દરેક ઠેકાણે, દરેક રીતે, દરેકને માત્ર બ્રહ્મરૂપે જોવું, એ બ્રહ્મવાસના છે. એ બ્રહ્મવાસના દ્રઢ થવાથી ઉપર જણાવેલી ત્રણે વસ્તુ નાશ પામે છે.”
કેમકેઃ-
શ્લોક ૩૨૯ – ”માટે વિવેકી અને બ્રહ્મજ્ઞાની માણસને આત્માના ચિંતનમાં પ્રમાદ (આળસ આત્મચિંતનનું વિસ્મરણ) વિના બીજું કોઈ મરણ નથી. – પ્રમાદ એ જ તેનું મરણ છે. ચિત્તને આત્મચિંતનમાં જોડનાર માણસ જ મુક્તિને પામે છે. માટે તું સાવધાન બની ચિત્તને આત્મામાં જ લગાડી દે.”
પણ એ દિવ્ય વાણીમાં ચૂડામણ વિણામણ થાય જ કેવી રીતે?
ભગવાન શંકરો વિજયતે તમામ્ ।
વેદાન્તમાં પ્રવેશવા ઈચ્છનાર માટે શંકરના પ્રકરણ ગ્રન્થો કાચુ સોનું છે. એનો જેટલો અભ્યાસ થાય તેટલો ઓછો છે.
ૐ તત્ સત્ ।
PAGE 57
”ધ્યાન”
(૧) ધ્યાન કરવા માટે ગમે તે સ્થાન ચાલે. બ્રહ્મરંધ્ર અને હ્રદય, એ બે સ્થાનો સામાન્ય સાધકને ધ્યન કરવા માટે કોઈ ન બતાવે. ધ્યાન કરવું એટલે આંખને સ્થિર, દ્રષ્ટિને નિશ્ચલ રાખવી તે. તેને માટે ગીતા, નાસાગ્ર ને ભ્રુવો મધ્ય એમ બે સ્થાન બતાવે છે. એ અથવા સામે ૐ કે કોઈ તેજસ્વી વસ્તુ જેવી કે સ્ફટિકનું શિવલિંગ કે કોઈ છબી, ગમે તે ચાલે મુખ્ય વસ્તુ એ કે દ્રષ્ટિ ત્યાં ઠરી રહે ને આમ તેમ ફરતી ન રહે. નહિ તો એકાગ્રતા ન થઈ શકે.
(૨) બ્રહ્મરંધ્ર એટલે મસ્તક BRAIN નો ઉપરનો ભાગ CEREBRAL CORTEX. એને આત્માનું ચૈતન્યનું સ્થાન કહેવાય છે, કેમ કે, BRAIN દ્વારા જ બધી જાતની સમઝણો ને વિચાર પણ થવા પામે છે. ને જીવન તેને જ અનુસરે છે, તેથી તે “બ્રહ્મ” કહેતાં પરમાત્માને વસવાની “રંધ્ર” કહેતા પોલાણ અથવા ગુફા એમ કહેવાય છે. હ્રદય એટલે અંતઃ કરણ, એટલે બ્રહ્મરંધ્ર જ (છાતીમાં ચાલતો લોહીનો પંપ નહિ) ત્યાં ચૈતન્ય વસે છે.
(૩) તત્વ એટલે સાર. કોઈ પણ વસ્તુ કે ઘટનાનો સાર એટલે તેનું તત્વ. તત્=તે, કોઈ પણ વસ્તુ તેનું “ત્વ” એટલે “પણું.” પાણીનું પાણી પણું, અથવા પ્રવાહીતા, તે એનું તત્વ. અગ્નિનું તત્વ ઉષ્ણતા ઈત્યાદિ. માણસનું તત્વ એની માણસાઈ. એનો સાર તે જીવનું તત્વ. એનો પ્રવર્તાવનાર આત્મતત્વ તેથી આધ્યાત્મિક ક્ષેણમાં તત્વજ્ઞાન એટલે આત્મજ્ઞાન. કેમ કે સંપૂર્ણ જગતનો એક માત્ર સાર પરમેશ્વર છે, ને તેના વિના કશું પણ હોય શકે નહિ. એમ આત્માનું જ્ઞાન એટલે પોતાના સ્વરૂપનું જ્ઞાન, જગતના સ્વરૂપનું જ્ઞાન, બ્રહ્મનું જ્ઞાન. એને તત્વ દર્શન પણ કહેવાય છે. દર્શન એટલે સ્પષ્ટ સમજ. પ્રત્યક્ષ જેવી ચોખ્ખી સમજણ.
ૐ તત્ સત્ ।
PAGE 58
“ભદ્રા મુદ્રા”
(દક્ષિણામૂર્તિ)
સત્વ (ઓછામાં ઓછો) રજ, અને તમ, પહેલી (તર્જની), તે અહંકાર “હું”
તું, પેલું ધમકી – ચેતવણી….. બધાનું પ્રતીક. અંગૂઠો એકલો અલગ, સાક્ષી આત્મા ચૈતન્ય સ્વરૂપ. પણ તેના વગર મુઠ્ઠી બંધાય નહિ. આ ચાર મળીને સંસારની ગાંઠ થાય છે.
જેને છૂટવું હોય, તે પોતાના અહંને વાંકો વાળીને (નમ્રતા લાવીને) અંગૂઠાના શિર સાથે તેનો સંયોગ કરી દે, ને ત્રણ ગુણોથી એને મુક્ત કરી દે, તો અહં નો પ્રવાહ ગુણો તરફથી ખસી જઈને કેવળ સ્વ-રૂપ “હું” આત્મા સાથે જ તેનો સંબંધ રહેઃ-
“તદેકોડ વશિષ્ટઃ શિવઃ કેવલો હમ.”
“ભગવાન કસોટી કરે છે,” એમ કહેવું ખરૂં કેમ હોય? ભગવાન તો ફક્ત, આપણે ઊભાં કરેલાં ભૂતોના આક્રમણોને સહન કરે જવાની શક્તિ, તથા હવેથી ચેતીને તેનો ભલા નિયમોનું સરખી રીતે અનુસરણ કરવાની સદબુદ્ધિ આપવા સિવાય બીજું કશું જ નથી કરતો. છતાં આપણે ન માનીએ, તો કોઈ તેમાં શું કરી શકે?”
“શરીર વાસનાનું પૂતળું છે, અને તે વાસનાઓ પૂરી કરવા માટે જ એ આવ્યું છે. અને વાસનાનું ભર્યું જ મન છે. તેણે એ વાસનાઓ પૂરી કરવા માટે કાયા લીધી છે, તેથી, તદનુસાર વૃત્તિ તો જાગવાની, જ્ઞાની-અજ્ઞાની સર્વને.”
PAGE 59
“લોભામણી ઈંદ્રજાળ”
દયા, કરૂણા, કૃપા, MERCY….. એ બધાં, એ લોભામણી ઈંદ્રજાળનાં પાસાં છે. – જીવને સંસાર – ભ્રમણામાં, કર્મફળના ચક્રમાં, રચ્યો-પચ્યો રાખનારી પ્રારબ્ધાનું સારિણી બુદ્ધિનાં એ પાસાં, કે જેને જ માનવી દેખે છે. પ્રકૃતિ માયાના નિરપેક્ષ નિયમને કોઈ પારકું-પોતાનું નથી. “હ્રદય” જેવું એને કશું નથી. નિયમ તે નિયમ. પોતાની સર્વવ્યાપી કૂચમાં એ નિરપવાદ પ્રવર્તે છે, IMPERSONALLY માણસ, પશુ, જડ, ચેતન…. એવા કાંઈ ભેદ એ નિયમને નથી. એ “ભાવો” કેવળ માનવીની ભ્રમજનિત, મોહમયી આશાલક્ષી કલ્પનાઓ છે. જ્યારે સવળું પડતું લાગે, ત્યારે ઈતરજન એને કોઈકની, કશાકની કૃપા વગેરે માનીને રાજી થાય છે, અને અવળું પડતું લાગે, ત્યારે, “કોપ” માનીને આશ્વાસન લે છે! અને, એ બધું જીવડો પોતે, પોતાને માટે કલ્પ, કરે, ભોગવે – ને સહર્ષ ઝખ મારે છે……
“કૃપા કે અવકૃપા,” જો હોય, તો તે પોતાની જ હોય છે.
સાઈબરને ટિક્સના હિમાયતીઓની યે કલ્પનામાં ન આવે તેવી હદે, તેવી રીતે, આ સમગ્ર સંસાર ચક્ર સાઈબરનેટિક છે. માણસે એની ચૂડમાંથી છૂટવું હોય તો? તો એનો બેલી એક માત્ર અસંગતા છે, વેદાન્ત નિષ્ઠતા છે કે જેના વડે, યંત્રનું દેખાતું સંચાલન અસ્ખલિત ચાલતું હોવા છતાં, જીવાત્મા કલેશ ભાવની આપત્તિથી તો બચી શકે છે. ધરમ કરમના ચક્ર વડે તો, નહિ જ.
“સંસારના કલેશો, એ નીરોગી શરીરને સતાવતા જીવભાવે પોતે ઊભાં કરેલાં સોય ઘોચણાં છે.”
PAGE 60
“અણગમતું થાય, ને ગમતું ન થાય.”
જીવનમાં, માણસો વારંવાર ફરીયાદ કરતાં ફરે છે, કે જે ન જોઈતું હોય, જેનો ઘણો અણગમો હોય, તે જ હંમેશાં સામું આવે છે, ને ગમતું તથા ખપતું વેગળું રહે છે. એ બાબતનો કોને રંજ નથી હોતો?
દયાળુ પ્રારબ્ધ સ્વામી ભગવાન, માનવીમાં રહેલા ગમતું – અણગમતું ના, કલેશના ડુંગરા જેવા ભાવોને, કેવી ખૂબીથી ખોદી ખોદીને કાઢવા મથે છે, ને દોઢ ડાહ્યો માનવી , તે માટે રાજી ન થતાં, તેનો ખેદ કરે છે! ભગવાન એને છોડવવા નિશદિન મથે છે. – ને એ, તેની મહેનતને ધૂળ મેળવવા કમર કસીને લાગ્યો રહે છે. કેવી કરૂણતા – TRAGIC. ઈશ્વરનો જ અંશ માનવી. ઈશ્વરના એને કલેશથી મુક્ત કરવાના સંકલ્પને ધૂળ મેળવવાના પ્રયત્નો સિવાય જીવનમાં બીજું કરે છે જ શું?….. પણ HE LAUGHS BEST WHO LAUGHS LAST. છેવટ જીત તો, એની જ છે. – એ મનુષ્ય જીવડાને અંતે પોતાના સમાન કર્યા વિના નહિ જંપે, તે નહિ જ જંપે, ને માનવીએ પરાણે સુખસ્વરૂપ થવું પડશે જ. જોગી હઠ આગળ તો બાળ હઠ પણ પાણી ભરે હો!
“ભાઈ મારા, જેને તું પ્રિય માને છે, તે તો વહેલો મોડો તને રોવરાવ્યા વગર ને બાંધ્યા વગર નહિ રહે. એ વિચારણા, એમાંથી વિવેક ઉદભવે.”
“સંપૂર્ણ સુખ બે પ્રકારના માણસને જ હોય છે. પહેલો, સંપૂર્ણ સાવધ અને બીજો સાવ જડ. વચમાનાં બધા હાયપીટ, ઘડીકમાં સુખ અને ઘડીકમાં દુઃખ!”
“મિથ્યા સંસારમાં જે “થવું” હોય તે ભલે થાય, એ જ હું તો સમજું છું. અને જે છે, તે એ છે, આપણને પોસાય તો પણ, ને ન પોસાય તો પણ.”
PAGE 61
“ધ્યાન સમયના દેખાવો.”
જપ કે ધ્યાન વખતે એવી રીતે અંતરિક્ષમાં, એટલે કે નજર સામે, અજવાળા જેવું દેખાય, એ સારૂં લક્ષણ છે. જેમ જેમ ચિત્ત બીજા વિચારોથી છૂટતું જાય, તેમ તેમ એ જપ કે ધ્યાનમાં વધારે સ્થિર થતું જાય. તેવું થતું હોવાની એક નિશાન આ છે, કે બંધ આંખની સામે પણ, અજવાળા જેવું દેખાય. કોઈ વાર ઉજળા ધાબા જેવું. કોઈ વાર ઝબકારા જેવું. કોઈ વાર ઝગઝઘાટ બિન્દુ જેવું. કોઈવાર નાનું ને કોઈવાર મોટું, એમ દેખાય. પણ એ બધાનો અર્થ એક જ, કે ચિત્ત સ્થિર થવા માંડ્યું છે, અને તે સાથે, મનમાં સ્વસ્થતા, શાન્તિ, કે નિરાંતનો ભાવ પણ વધારે જણાય. શાન્તિ, સ્વસ્થતા, નિરાંત, એ બધાં, વિચારો શાન્ત થવાનાં ફળ છે. જો મનને એક મંત્રના ઉચ્ચારમાં, કે એક અમુક દ્રશ્યમાં – જેવાં કે ૐ માં, જોડવામાં આવે, ને જ્યારે જ્યારે ત્યાંથી મન ખસી જાય, ત્યારે ત્યારે એને ફરી ફરી ને ત્યાં જોડતા રહેવાય, તો એવી મનની શાન્તિનો ભાવ જાગે. અને એ જ આત્માનો આનંદ છે, કે જેને વાદ કોઈ પણ કારણ નથી હોતું.
જેવું કે મનને ગમે તેવું દ્રશ્ય, કે કોઈના મીઠા બોલ, કે ખાવા-પીવા- વગેરે અંગેનો કોઈ પણ બનાવ, તેવા કોઈ કારણસર જે સુખભાવ કે શાન્તિ જેવું લાગે, તે બધું માયાવી, ખોટું, ને છેવટે દુઃખ દેનારૂં જ નિવડે, અને તેનું કારણ જવા સાથે, એ સુખભાવ પણ ઉડી જાય, ને ચિત્ત વળી તેવાં બીજાં સુખભાવનાં સાધનો શોધવા નીકળી પડે. તેથી, એવાં અજવાળાં વગેરે જ્યારે દેખાય, ત્યારે રાજી થવું, અને તેવું થયા કરે તે માટે પ્રયત્ન કરતા રહેવું. – એમ કરતાં કરતાં, એવી સ્થિતિ વધારે ને વધારે લાંબો વખત ટકતી થઈ જાય. ને પછી એવી રીતે ચિત્તને ગમે તેવા સંજોગોમાં પણ પ્રસન્ન રહેવાની ટેવ પડતી જાય.
એ અજવાળાં, કંઈ આત્માનાં દર્શન નથી, પણ પોતાના ચિત્તની શાન્તિનાં દર્શન છે. એ જ વસ્તુ જેમ કાયમી થવા લાગે, ત્યારે જે સ્થિર સુખભાવ રહે, એ પોતે આત્માનાં દર્શન છે. એ પ્રસન્નતા જ આનંદ છે. એવી રીતે, જપ ધ્યાન માણસને આત્મદર્શન તરફ લઈ જાય છે.
ૐ તત્ સત્ ।
PAGE 62
“ઈશ્વરની અસંગતા”
ઈશ્વર સંપૂર્ણપણે, નિરપેક્ષ રીતે પોતાનો પ્રારબ્ધ ભોગવવાનો વ્યવસાય કરે છે, એ એનું પરમ સાક્ષીપણું છે, એ ભય, લાલચ, ખુશામદ, પાઠપૂજા, સ્તુતિ, નિંદા, પ્રાર્થના વગેરેથી પર, એવો એક નિયમ છે. ખુશામદ પ્રિય માનવી, એને પોતાના જેવો જ, લાગણીવેડા, ભક્તો, પ્રત્યે પક્ષપાતી અને ભક્તિ નહિ કરી જાણનારા પ્રત્યે દ્વેષી કલ્પીને પોતાનાં મન ભલે મનાવે, પણ જો તે એવો હોય, તો સાક્ષી ઈશ્વર શેનો? એ પ્રાર્થના, સ્તુતિ વગેરે વડે, ખરૂં જોતાં જીવાત્મા પોતાને જ ઉત્સાહિત કરીને, પોતાની અંદર જ રહેલા આત્મબળને જગાડે છે.- અજ્ઞાનમાં જ. જો એ જ વસ્તુ એ સમજ પૂર્વક કરે, તો એ વધારે અસરકારક થઈ શકે.
ઈશ્વરની અસંગતા તથા કેવળ ન્યાયીપણા અને સાક્ષીભાવનો પોતાના પામર સ્વાર્થ ખાતર નારા વડે નહિં. ખરૂં જોતાં, પોતાના શ્રેય માટે પ્રયત્ન કરનારા સાધક માટે તો, તેવી અસંગ સાક્ષીવૃત્તિ આદર્શ સાધ્ય છે. – સિદ્ધ કરવી જરૂરી છે.
“ધ્યેયરૂપ થઈ જવું, ધ્યેય જ બની રહેવું, એ ભક્તિની પરાકાષ્ટા, પરાભક્તિ – ત્યાં ભક્તિ સ્વયં જ્ઞાન બની જાય છે. તેનાથી જેટલું ઊણું તેટલું અધૂરૂં.”
“પોતાના જ કોઈ વાંકે કરીને કશું આવી પડતું હોય, તો તેમાં ફરિયાદ પ્રમાણિકપણે ન કરાય. અને જે કશું પણ અણગમતું આવી પડે તે પોતાને વાંકે જ હોય. – આ કે પાછલા કોઈ જન્મના વાંકે. આપણને યાદ ન હોય, તેથી તે ઊડી ન જાય. ઈશ્વર ખૂબ દયાળુ છે, એ ધ્યાન બ્હાર ન રહે. ઘણું અનિષ્ટ તે પહેલેથી દૂર કરી આપે છે. સાવ અનિવાર્ય હોય તે જ તે આવવા દે છે, માટે, મોજ કરો!
PAGE 63
“મોહ માયા અને તેનો સ્વામી”
મન જોડીને, પરિણામની અપેક્ષાથી કરેલાં બધાં જ કર્મોના પ્રત્યાઘાતો આવવા, અને તેવા ભાવથી કરેલી બધી વૃત્તિઓ – ઈચ્છાઓ અથવા સંકલ્પો, પૂરાં થવાં, એ ટૂંકામાં, કર્મફળનો નિયમ છે. એ નિયમ અટલ છે. અને તેનું તદન તટસ્થ, સાક્ષી જવાબદારીને જે નિભાવે છે, તે સત્વ અથવા PRINCIPLE, “ઈશ્વર” કહેવાય છે.
પરંતુ એ “ઈશ્વર – તત્વ” માં એક એવું પણ લક્ષણ રહેલું છે, કે જેના વડે, ગમે તેવા ભયંકર પ્રત્યાઘાતો ભોગવતો હોવા છતાં, જીવાત્મા હારી-થાકી ન જાય, ને સ્થૂળ રીતે જીવતા રહેવાની તથા કર્મફળના ભોગની બરદાસ્ત કર્યા કરવાની એની વૃત્તિ પ્રબળ રહ્યા કરે છે. એ હેતુ પૂરો પાડવાની જે યોજના, તેને શાસ્ત્રો “ઈશ્વરી માયા” કહે છે. અને એ વૃત્તિ તથા જિજિવિષાને “મીઠાશ” મળતી રહે, તે માટે, ઉર્મિલતા, ભાવનાશીલતા, કુણી કુણી “લાગણી” પ્રેમ ઉમળકો, SENTIMENT, PATHOS, SYMPATHY, મમત્વ, “મારૂં,” “અમારૂં,” “આપણું” વગેરે નામો વડે ઓળખાતા “ભાવો” ની યોજના માનવ ચિત્તમાં કરાય છે, એ ભાવો, તે જ, એ “માયા” છે. કે જે સાચાં ને જૂઠાં, તથા જૂઠાં ને સાચાં બતાવીને, લાલચુ જીવને કર્મફળના મોહે ચક્રમાં રાજી ખુશીથી રગડતો રાખે છે. એ યોજના જો પાકી ન હોય, તો જીવને વિવેક-વૈરાગ્ય ઉપજી જાય, આત્માની ઓળખ તરફ એ ઢળે, ને જીવને દુઃખભાવ ભોગવવાનો કર્મફળનો હેતુ સફળ ન થાય બલકે માર્યો જાય.
એ માયાને “મોહ” પણ કહે છે. એનો ભેદ પામી જવો, ને તેને છોડીને તેના પ્રયોજક “ઈશ્વર” અર્થાત્ પોતાની જ કામના વૃત્તિની જડને પકડવી, એ સત્ય દર્શન છે. ત્યાં, એ માયા નિષ્ફળ જાય છે. એ “જીવતાં મોક્ષ” છે. કેમ કે, ત્યાં એ માયાના માલિક તરીકે જીવડો પોતાને પરખી કાઢીને, એનો પણ ઉપયોગ જીવડો પોતાનાં સ્વરૂપની સિદ્ધિમાં કરે છે – ને છૂટી જાય છે. મોહમાયાની આ પકડનો ઉપાય એક જ છે. અસંગતાની વૃત્તિનો ઉગમ.
ૐ તત્ સત્ ।
PAGE 64
“અનંત સુખભાવ તે બ્રહ્મ”
મન, અંતઃકરણ ઈન્દ્રિયો બંધ થઈ ગઈ, તો બ્રહ્મ દેખાય. શા માટે? મન અને ઈન્દ્રિયો એ શું જણાવા માટેના સાધનો છે? દુનિયાના પદાર્થો, યા લોક કે પરલોકના પદાર્થો એ જાણવાના સાધનો છે. બ્રહ્મને જાણવાના નથી. તો જ્યાં લગી ઈન્દ્રિય અને મન કામ કરતા હોય ત્યાં સુધી ચિત્ત એના વિષયોથી ભરેલું હોય, ત્યારે એમાં બ્રહ્મને ક્યાં સ્થાન રહ્યું? માટે એ બધાનો જે વ્યવહાર કે જે આ જગત અને એની ક્રિયાઓ સાથે સંકળાએલો છે, એને લૂંટનાર ખરો! ત્યાં સુધી બ્રહ્મને ટાઈમ ક્યાં મળે? જગ્યા ક્યાં મળે દેખાવાની? એ બધાના ક્ષેત્રો જ આ દુનિયા છે. એ યે ચાલુ રહે અને બ્રહ્મ દેખાય એ ન બને. એ બંધ થાય તો બ્રહ્મ સિવાય કંઈ છે જ નહિ. અને એ હોય તો બ્રહ્મ નથી. જ્યારે બ્રહ્મનું ભાન છે ત્યાં જગતનું ભાન નથી, જગતનું ભાન છે ત્યાં બ્રહ્મનું ભાન નથી. બહિર્મુખતા બંધ થાય તો અંદર દેખાય, અંદરમાં રહેલો જે અનંત સુખભાવ થાય તે બ્રહ્મ. જેનાં કાન, આંખ કે મનને કંઈ જાણવાનો વિષય નથી. મન અને ઈન્દ્રિયોનો કાબુ દુનિયાના પદાર્થો ઉપર, દુનિયાના પદાર્થોમાં મન અને ઈન્દ્રિયો કામ કરે ત્યાં સુધી બ્રહ્મ નથી જ. મન અને ઈન્દ્રિયોથી જ બ્રહ્મ છે, ન હોય તો જ્ઞાન ન થાય, એ બ્રહ્મ. બ્રહ્મ નામનો પદાર્થ નથી.”
“ઈશ્વર યંત્રારૂઢ પ્રાણીઓને પોતાની માયા વડે બેફામ બનાવીને કેવો ભમાવે છે! સર્કસના પ્રાણીઓની જેમ કેવા કેવા ખેલ તેની પાસે એ રીન્ગ માસ્ટર કરાવે છે!….”
“જગતમાં જડ ચેતન પ્રત્યેક હસ્તીનો હેતુ પોતાના તરફ ધ્યાન ખેંચવાની નિરંતર મહેનત સિવાયનો બીજો હોય છે જ શો? કોઈ પણ રીતે મને જુઓ, મને NOTICE કરો , મને પૂછો!
હું – મને – મારૂં………..!”
ૐ તત્ સત્ ।
PAGE 65
“વિકારવશ – વિકારમય એવો આ દેહ.”
વિકારવશ, વિકારમય એવો આ દેહ. તેમાં વિકારો સિવાય બીજું થાય જ શું? કોઈને જરા વધારે વારંવાર કે વેગથી વિકારો જણાય, ને કોઈ શરીરને વિકારો તેના પ્રમાણમાં મંદ ગતિએ થાય. એટલો ફેર. બાકી શરીરોનો, વિકાર વશ થયા વિના, છૂટકો નથી. પ્રારબ્ધને અનુસરીને જ તેવું બધું થતું હોય છે, બલકે તે અર્થે તો દેહો ધારણ કરાયા હોય છે. અને પ્રારબ્ધને કોઈ જ ટાળી શક્યું નથી. એટલે, એ બધું જે આવે તેમ, શાંત ચિત્તે તેના વ્યાવહારિક ઈલાજો કરતાં રહેવાં છતાં, તેની તિતિક્ષા બને તેટલી આંતરિક તટસ્થારૂપે પ્રસન્નતાથી કરતાં રહેવાનું. એ યથાર્થ માનવીનું મુખ્ય કર્તવ્ય બની રહે છે. તેમાં ખેદ અને અપ્રસન્નતાનો ભાગ બને તેટલો ઓછો રહે, ને અમુક રીતે તે નષ્ટ જ થઈ જાય, તેને માટે કરવાના પ્રયત્નોને જ આધ્યાત્મિક સાધન, સત્સંગ ઈત્યાદિ કહેવામાં આવે છે. ગુરૂશરણ આદિનો હેતુ પણ તે જ છે.
સમર્પણો પણ તે જ હેતુની સિદ્ધિ અર્થે થયાં પરમાણ છે. કેમ કે એ બધા અહંનાશના ઉપાયો છે, ને દુઃખભાવનો રામબાણ ઈલાજ અહંનાશ જ છે….
એ પણ ખરી વાત છે કે અન્યોને પડતી વિપત્તિ તેમની થતી હાલતનો વિચાર, એ પોતાનાં ‘દુઃખો’ ને વીસરવાનું મોટું સાધન છે. કેમ કે તે વડે આપણે શેમાંથી ‘બચ્યા’ અને ભગવાનની કેટલી કૃપા કે તે એમ આપણને બચાવે છે, એ હકીકતની કદર થાય છે. અને ત્યારે, આપણે ફસ્યા હોવાની દુઃખદ કલેશકારી કલ્પનાઓ સાવ ઉડી નહિ તો ઓછી – ઓછી તો થઈ જ જાય.
”પોતાને માટે કલ્પેલા મનોરથો તથા સેવેલી આશા તૃષ્ણાઓ, અને તેને માટેનો આગ્રહ, એ જીવભાવના લક્ષણ છે. એ બધું કલ્પિત જ છે. ”
”મનુષ્ય જે કંઈ કરે, બોલે કે વિચારે, તેમાં સત્વ, રજ અને તમથી રંગાયેલા ભાવો વિદ્યમાન હોય, હોય ને હોય જ. તે વિના કોઈ ક્રિયા કે કોઈ વિચાર પણ શક્ય નથી. એ ત્રણ ભાવોની જે રમત, તેનું નામ માયા. તેનાથી ભિન્ન, માયા નામની કોઈ વસ્તુ વિદ્યમાન નથી.
ૐ તત્ સત્ ।
PAGE 66
” ૐ કારના વાચ્ય તથા લક્ષ્ય અર્થો”
ૐકારના પ્રક્રિયાપુરઃસર વાચ્ય તથા લક્ષ્ય અર્થો જાણવા, એક વસ્તુ છે. તેની જીવનના સુખસિદ્ધિ રૂપી લક્ષ્ય પરત્વેની પ્રસ્તુતતા, એ બીજી વસ્તુ છે. મુખ્ય વસ્તુ છે, જેમ દેહનું વચલું ઠીઠું એ સમગ્ર શરીરનો આત્મા અર્થાત્ રસ કહેવાય છે. તેમ વ્યાપક ૐ જીવન સમસ્તનો રસ અર્થાત્ તેનો આત્મા, તેનું રહસ્ય છે. અને તેનું જ એ વધારે સવડભર્યું તથા વધારે સારી રીતે સ્વ-અર્થનો સ્ફોટ કરનારૂં બીજું નામ છે.
અથવા, ૐ અને અહમ્ તત્વતઃ એક જ છે. જેમ ઈશ્વર અને જીવ તત્વતઃ એક જ છે. ૐ તે ક્ષિતિજરહિત અહમ્ અને અહમ્ તે જીવભાવના સાંકડા વાડામાં પૂરેલો ૐ. એ ક્ષિતિજ રહિતતામાં નાના અહં-કુંડાળારૂપી સ્વને વિલીન કરવાથી શેષ રહે છે એ સ્વ જ, સ્વયં (સ્વ- ૐ!.) આત્મા બ્રહ્મ જ! પૂર્ણમાંથી લીધેલું પૂર્ણ, પુનઃ પૂર્ણમાં પૂરવાથી પરિણામે પૂર્ણત્વ જ – પરફેક્ષન. ૐ! એમ વ્યાપકતા ને વિશાળતા ચિત્તમાં તથા તે કારણે જીવનમાં વ્યાપે, એ જ “બ્રહ્માસ્મિ” વગેરેનો અર્થ છે.
“એક માત્ર બ્રહ્મ જ્ઞાનથી પ્રકૃતિની ભ્રમણા ટળે છે, પ્રકૃતિ અને બ્રહ્મના સંબંધની નિવૃત્તિ થાય છે.(એટલે કે “પરમાત્માની પ્રકૃતિરૂપ આ સંસાર ખરેખર સાચો છે” એવી ભ્રાંતિ ટળે છે.) જીવ ભાવ તથા ઈશ્વર ભાવની પણ સંકીર્ણતા પરવારી જાય છે. જ્ઞાની તો સર્વ પ્રપંચનો કેવળ નિર્લેપ સાક્ષી, તથા તે સર્વની સાથે અસંગપણે વ્યવહાર કરનારો, શાન્ત સ્વસ્થતાના યોગને સાધે છે. કારણ કે તત્વતઃ જીવ-ઈશ્વરનો ભેદ ઉડી જવાથી, સ્વયં બ્રહ્મસ્વરૂપતાને એ પરખી પાડે છે. તેથી, માની લીધેલો કર્મ ઈતરનો બંધ નાબુદ થતાં, તેને નિત્ય નિરંતર સુખ-આનંદ સ્વરૂપ મોક્ષ પ્રાપ્ત જ છે.”
ૐ તત્ સત્ ।
PAGE 67
“મંગલ મનોમંથન”
“મનોમંથન”—કેટલું દોહ્યલું લાગે છે. પરંતુ દહીંના ચૂરેચૂરા કરી, એને ઢીલું કરી નાખીને પાણી જેવું પાતળું બનાવી દઈ, પછી તેને વલોવી વલોવીને તેનો દમ કહાડી નાખવામાં આવે છે, ત્યારે તેનું અંદર રહેલું સ્નિગ્ધ સુંદર માખણ પ્રત્યક્ષ થવા પામે છે—જો કે દહીંના અણુએ અણુમાં એ માખણ પહેલેથી સભર ભર્યું પડ્યું હતું! તેવી રીતે, આત્મભાન રૂપી અવર્ણનીય નિષ્કારણ સુખ, અર્થાત્ સ્વરૂપની બાદશાહી, તનમનના અણુએ અણુમાં ઓત-પ્રોત હોવા છતાં, એ સ્થૂલ પદાર્થોના બાહ્ય રૂપો રૂપી કચરાથી તે ઢંકાઈ –છુપાઈ ગયેલું હોઈ, જાણે છે જ નહિ, પરંતુ કેવળ એ સ્થૂળ કચરો જ સાચો વિદ્યમાન છે – એવો ભયંકર ભ્રમ દેહભાનવાળા દેહાધ્યાસી પ્રાણીને થયા કરે છે, પરન્તુ કોઈ આપ્તજનના પ્રોત્સાહન તથા પદ્ધતિ – દર્શન તેમ જ પોતાના અવિરત ધૈર્ય – ઉત્સાહપૂર્વ શ્રદ્ધાળુ પ્રયત્નરૂપી વલોણા વડે ચિત્તરૂપી દહીંને દેહરૂપી પાત્રમાં કૂટી, ઘૂંટી, પાણી થકી યે પાતળું કરીને વલોવી નાખવામાં આવે, ત્યારે જ એ ધીટ અહંકારી, ચિત્ત પોતામાં છુપાવેલું અદભૂત નવનીત છોડે છે! જેટલા પ્રમાણમાં વલોણું, તેટલા પ્રમાણમાં માખણની પ્રાપ્તિ. અને તે પણ, પદ્ધતિપુરઃસર થાય, તો જ!
માટે, આ મનોમંથન મંગળ છે, ને એના રૂડા પ્રતાપે જ આજે તમે આકળા થયા કે અન્યને કર્યા વિના, સ્વસ્થતાપૂર્વક પ્રાપ્ત પ્રસંગો સાથે કામ પાડી શકો છો. અને અજાણ્યે પણે તેટલા અંશે સાક્ષીભાવ કેળવી શકો છો!”
ૐ તત્ સત્ ।
PAGE 68
“શ્રદ્ધા – સમર્પણ”
શ્રદ્ધા – સમર્પણની રીત સહુની એક સરખી નહોતાં, પ્રકૃતિ તથા સંજોગો અનુસાર વ્યક્તિ –વ્યક્તિએ તે ભિન્ન ભાસે છે. પોતપોતાની રીતે એ બધાં ગુરૂભાવમાં મગ્ન રહી, પોતપોતાની રીતની ‘સેવા’ રૂપે એ મગ્નતાની અભિવ્યક્તિ કરે છે. આપ આપની રીતે તેમ કરો છો. તેમાં ઊંચી-નીચીની રીતે નહિ પરંતુ જુદી જુદી હોવાની રીતની કક્ષાઓ હોય છે. જે અન્ય કોઈ જેવી રીતે તે કરે છે. તેવી રીતે આપનાથી નયે બને. એને આપ કરો તેવી રીતની અન્યથી ન બને. પ્રશ્ન માત્ર ભાવનાની ઉત્કટતા તથા ઘનતાનો છે, અથવા કહો કે તેની તીવ્રતાનો રહે છે. બાકી પ્રાપ્ત વ્યવહારનાં બાહ્ય કર્તવ્યોરૂપી બ્રેકનો તો, ન હોય તત્કાળ ઈલાજ, તેમ ન હોવો ઘટે તે બાબતનો હર્ષ-શોક. કેવળ દ્રઢ સંકલ્પ, તેના સાફલ્ય માટેનો શાન્ત, પ્રસન્ન, નિરન્તર પ્રયત્ન. ને બાકી, ઈશ્વર કૃપા! એ અપેક્ષિત છે.
જપ-ધ્યાનાદિ અંગે, ચિત્તની સ્વાભાવિક વૃત્તિઓ સાથેનું યુદ્ધ કંઈ આપણું જ કે ફક્ત આ કાળનું જ નથી. એ તો સૃષ્ટિ થઈ ત્યારથી, પ્રત્યેક સંનિષ્ઠ જીવાત્માને વારસામાં મળતું જ રહ્યું છે. માત્ર જડ મૂઢ પશુવત જીવ-જંતુઓ તેનાથી મુક્ત જેવા હોય છે. બુદ્ધિમાન, ચેતનવંતા, જીજ્ઞાસુ શ્રદ્ધાળુ જીવાત્માઓ નહિ. તેથી, ”તાન્તિતિક્ષાસ્વ ભારત.”
”દ્રઢ નિશ્ચયપૂર્વક મનમાં સ્વરૂપ નિમગ્ન રહીને, પ્રાપ્ત વ્યવહાર આનંદપૂર્વક ‘કરતા’ સાવ અકર્તા, અ-ભોક્તા રહેવું, એ ખરો યથાર્થ પુરૂષાર્થ. ”
ૐ તત્ સત્ ।
PAGE 69
”વિચાર — સાગર”
”ક્યારે વારો આવશે એ કોણ જાણે! હું હસું, તો મારે બીજાને ય હસવાનું કારણ પૂરૂં પાડવું પડે! એ તો પારસ્પરિક વ્યવહાર છે. – હસો, તો હસાવો પણ ખરા! કોઈને રોવે આપણે હસીએ, તો કોઈવાર આપણે રોવે અન્ય કેમ ન હસે? આપણે શું ટીલું લઈને આવ્યા છીએ, તે બધું અણગમતું બીજાને થાય ને આપણને તેવું થાય જ નહિ? THAT’S NOT CRICKET! કેમ ખરૂં ને?”
“કહો હવે ગુરૂકૃપાની વાતમાં આશંકા કદી પણ કરશો? એ કરૂણાના વાત્સલ્યનો કંઈ પાર છે? આ શંકર ભૂમિ એટલે ગુરૂભુમિ છે, તસ્મે શ્રી ગુરૂમૂર્તયે નમ ઈદં… તિબેટીઓ પણ કૈલાસ પર્વતને “ગુરૂદેવ છો” કહે છે!”
“આ હું છું.” એવું આત્માને વિષે પુરૂષ જો જાણે તો પછી, એવી તે એને કઈ ઈચ્છા, કઈ કામના રહી જાય કે જેને કાજે એ શરીરના તાપ વડે પરિતાપ પામવાનું પસંદ કરે? કહેવાનો મતલબ એ છે કે આત્મજ્ઞાનના પરમ સુખ વડે જે પારાવાર તૃપ્તિ એટલે કે સંતોષ થાય છે. તેને મુકાબલે બીજું બધું તુચ્છ અને ત્યાજ્ય છે.”
“અનેક જન્મોની ટેવોથી દ્રઢ થઈ ગએલો દેહાધ્યાસ વારંવાર ઉભરાઈ આવે છે, ને દેહ તથા જગતને સાચા બતાવવા એ મથ્યા કરે છે. પણ એકાગ્ર પણે વિચાર કરવાથી એ વિપરીત ભાવનાનું નિવારણ થઈ શકે છે.”
“ઈશ્વરના સંકલ્પરૂપ પ્રારબ્ધનું વારણ કોઈ કરી શકતું નથી, એ વિષયમાં જ્ઞાની તથા અજ્ઞાનીની પ્રવૃત્તિ એક સમાન રહે છે, ફેર માત્ર એટલો જ, કે જ્ઞાની ને તેમાં કલેશ નામેય નથી હોતો, જ્યારે અજ્ઞાની એનાથી વિહવળ થાય છે.”
“સંન્યાસીઓ, પરમહંસ સંન્યાસીઓનો મુખ્ય વ્યવસાય ઉપનિષદો,પંચદશી, વિચારસાગર, ગીતા, વગેરે આત્મજ્ઞાનાભિમૂખ જીજ્ઞાસુઓને શીખવવાનો છે, નહિ કે આશ્રમો, પ્રોપર્ટીની ખટપટો, ટ્રસ્ટીઓનો ઝમેલો, અને તે બધું ભેગું કરી તેને વ્યવસ્થિત રીતે ચલાવવાની અનેક કલેશ સંતાપ ભરેલી પ્રવૃત્તિઓ. એ રાહે કોઈ કોઈનું ભલું કરી શકે નહિ, સુખભાવ નષ્ટ થાય છે.”
“સંસાર તો, વૈરાગ્ય અને સત્ય વસ્તુને શીખવા માટેની કોલેજ છે. એ ભણવા, ને સંસારના કલેશને મનોમન તરી જવા માટે જ ઈશ્વર જીવોને અહીં મોકલે છે. એનો જે યોગ્ય ઉપયોગ કરી જાણે, તેનો બેડો સહજ પણે પાર છે! અને નહિ તો આ જન્મ-મરણનું ચક્ર તો છે જ ને!
“ઈશ્વર સ્મરણ તો જેટલું ને જ્યારે થઈ શકે તેટલું ને ત્યારે સારૂં જ હોય. તેમાં દુનિયાદારીનું કશું યે કામ “રખડાવવા” પણું શા માટે હોય? દુનિયાદારીનાં કામોનું જ ઈશ્વરના પૂજન-ભજનમાં પરિવર્તન કરવામાં શું નડે છે? કશાયે કામને પોતાનું માનવંુ જ શા માટે? ગીતાનો ૧૨મો અધ્યાય આપણી આગળ પડેલો જ છે.”
“આપણે બધાંએ, આ સંસારમાં રામ રાખે તેમ રહેવું, ને સાથે સાધન ભજન તથા આત્મસ્વરૂપનું કંઈક મનન ચિંતન પણ કરતા રહેવું રહ્યું, કે જેથી સંસારની ઉપાધિઓનો ડંખ હળવો રહે.”
“બધે તું જ, તું ને તું જ વિલસે છે, સર્વત્ર તું ને તું જ છે. બહારનો પ્રારબ્ધ પ્રાપ્ત વ્યવહાર, દુનિયાની રીતે પરંતુ નિર્દોષ પણે કરતા રહેવું, ને મનમાં એ હકીકતનું ક્ષણ માટે પણ વિસ્મરણ ન થવા દેવું, કે એ બધું નાટક, કેવળ સ્વપ્નની જેમ, તારા પોતાના સ્વરૂપમાં પાછલી અવિદ્યાએ ઊભી કરેલી કલ્પનાની ઘટના અનુસાર ભાસે છે, ખોટું ભાસે છે – ને સર્વમાં સત્ય એક માત્ર તું, એનો દ્રષ્ટા છે, ને અન્ય સર્વ જૂઠી આળ-પંપાળ છે. તેથી સ્વરૂપમાં મસ્ત રહેવું. મારાં આત્મસંતાનો એમ જ કરે, ને કદાપી સ્વાનંદથી ચલિત ન થાય.”
“ઘર્ષણનો અર્થ તન અને મન, ઉભયને લાગુ પડે છે. જો કોઈની ખોડની વાત નીકળે, ત્યારે આપણે સાથોસાથ તેના ગુણની પ્રશંસા કરવા લાગીએ, તો તે ટીકા કરનારૂં માણસ ભોઠું પડે. જો અન્ય વિષે વિચાર કરવા જ હોય, તો તેના ગુણના કેમ નહિ? દોષના જ કેમ? અને જેનું ચિન્તન કરીએ તેવા આપણે પણ થઈ જઈએ એ હકીકત શું ઓછી પ્રસિદ્ધ કે ઓછી સાચી છે?”
“THERE IS NONE WHO DOES NOT SPORT A SKELETON IN HIS CUPBOARD.”
PAGE 70
“ગુરૂ વિષે”
સંપ્રદાયની, ધાર્મિક ભાવની નજરે, ગુરૂ એટલે ધાર્મિક આચાર્ય લેખાય. એ પૂજા-આરતીને જ પાત્ર હોય શકે. કેમકે એ સચેતન, જીવંત, પ્રત્યક્ષ નથી, ચાલુ, OPERATING સત્વો નથી. ગુરૂનું બ્રહ્મા, વિષ્ણુ-મહેશ્વર પણું, ગોવિંદથી એ ઉત્તરપણું તો જ્ઞાનના માર્ગમાં પ્રસ્તુત થાય છે. ત્યાં પોતાની બુદ્ધિ નો ઉપયોગ કરવો રહે છે. સાંપ્રદાયિક પણું તો, ચીલા ચાલુ વસ્તુ, સંપ્રદાયના વિધિનિષેધનું માળખું હોઈ શકે. પરંતુ, તેનાથી સાવ ભિન્ન, આત્મ સાધન, બ્રહ્મ-(એટલે કે કલેશ સંતાપથી સંપૂર્ણ મોક્ષરૂપી નિરંતર સુખ) ભાવ, પોતાનો સ્વતંત્ર અંગત પ્રયત્ન માંગી લે છે. એ, ધાર્મિક ધર્મ-કર્મ-રિવાજ ઈતર ના જેવો સાંધિક વિષય નથી. અને, ત્યાં પોથીમાંના રીંગણા નહિ, પરંતુ પ્રત્યક્ષ રાંધીને ખાવાનાં વેંગણની વાત છે. એ, અમારા માર્ગમાં, પાલખાના દેવદેવી રૂપે પૂજીને ઊંચા મૂકવાની વસ્તુ નથી. એ તો, જીવનની પળે પળે વાપરવા અનુભવવા, અને તેને સહારે કલેશ મુક્ત થવા માટેની, અત્યંત ઉપયોગી વસ્તુ છે.
મતલબ કે, “ગુરૂ” ના કેવળ “શિષ્ય”ની ભાવનાને અનુસરતાં મૂલ્યો હોઈ શકે. સ્વામી રામ, વિવેકાનંદ વગેરે અભ્યાસ વાચન માટે અમુલ્ય. પરંતુ સાધકની પોતાની દાળ ગળે તે માટે તો, પ્રત્યક્ષ ગુરૂરૂપી અગ્નિ ખપે. એકવાર એમાં પાકા રંગાઈ ચૂક્યા પછી, એ દેહે વિદ્યમાન ન હોય તો યે, પાલખા પૂજાની નિરર્થક વસ્તુ નહિ, પરંતુ, ચિત્તમાં નિત્ય વિદ્યમાન એવા બોધ-દેહે એ હાજર, ને ભગવાનથી યે અધિક રહે છે. એની સ્મૃતિ તાજી રહે તે માટે એની છબી જેવું કંઈ હોય. ને નિત્ય તેના વંદન-સ્મરણ પણ હોવા જોઈએ. પરંતુ ગીતાની જેમ, જે પૂજાની પોથી થઈ ગયું, કે તેની ઉપયોગીતા પરવારી જાય છે.- પછી એ માણસ હોય કે પોથી, કે દેવ.
ૐ તત્ સત્ ।
PAGE 71
“મૌન વ્યાખ્યાન.”
બિચારાં ભોળાં સંસારીઓ! એમને ક્યાં ખબર છે, કે પ્રકૃતિના પ્રાબલ્યની બાબતમાં સંસારી-સંન્યાસી વચ્ચે કશો ફેર નથી. સમ્યક પ્રકારે સરણ કરતો ગૃહસ્થી, ને સમ્યક પ્રકારે સરણનો ત્યાગ કરી બેઠેલો સાધુ-તન-મનની દ્રષ્ટિએ એક જ છે. ત્યાગ તો બૌદ્ધિક છે. શરીર અને મન, સ્થૂલ-સૂક્ષ્મ દેહો એ તો પ્રારબ્ધના ટીંબા છે, તે ગૃહસ્થી તેમ જ સાધુને સમાન પણે નચવે છે. ફેર એટલો, કે સાધુ, જો સાચે જ સાધુ હોય તો, ઉભય શરીરોનાં એ નખરાંને એ નિર્લેપ દ્રષ્ટા તરીકે સાક્ષીભાવે નિરાંતે બેઠો બેઠો નીરખે છે, ને તેમાં કર્તા કે કર્મ જેવો કશો જ ભાવ રાખતો નથી. ખરેખર જે યથાર્થ સંન્યાસી હોય તેની આ વાત છે. બાકી જગતને તેમજ પોતાની જાતને પણ જાણ્યે કે અ-જાણે પણ ઠગતા સંસારીઓ તેમ જ સાધુઓનો સંસારમાં તોટો નથી. શ્રી કૃષ્ણે કહ્યંે કે “પ્રકૃતિ યાન્તિ ભૂતાની નિગ્રહઃ કીં કરિષ્યતિ.” તે આ અર્થમાં જ. એ હકીકતને જે સાક્ષીભાવે સમજે, તે સાધુ, ને બાકીના તે સંસારી. બીજી વ્યાખ્યાઓ લૌકિક, તેથી સાવ ખોટી નહિ તોયે અધખોટી તો ખરી જ. માટે, બીજાને જે કરવું હોય તે કરે, પણ તું તો પ્રણવ! તારી તેમજ અન્ય સર્વની પ્રકૃતિને મોજથી, નાટકની ઓરકેસ્ટ્રાની સીટમાંથી નીરખતો રહે- ને તેવું કરવાની યોગ્ય જિજ્ઞાસુઓને શીખ આપતો રહે. એ જ છે યથાર્થ પ્રવચન, ને એ જ છે યથાર્થ ઉપદેશ. તે જ અર્થ છે “ઈન્દ્રિયાણિ ઈન્દ્રિયાર્થેષુ”…. નો “ગુણાગુણેશુ વર્તન્તિ”…. નો.
મારી જરાએ ઈચ્છા ન હોવા છતાં, ઈરાદાપૂર્વકની વૃત્તિ ન હોવા છતાં, જે વર્તન-વિચાર થઈ જાય, એને જાણવું પ્રકૃતિનું કાર્ય. વિવેકયુક્ત બુદ્ધિ હોય છતાં ચિત્ત એને છક્કડ ખવડાવીને ધાર્યે માર્ગે પ્રવર્તે, એનું નામ “નિગ્રહ¬: કીં કરિષ્યતિ.” અથવા “કામ એષ ક્રોધ…. વિવેક બુદ્ધિ એ નાટકને જોતી રહે, તેની સાથેના કશા પણ સંબંધનો સ્વીકાર ન કરે, તેની પ્રવૃત્તિ પરત્વે રાગ ન રાખે તેમ દ્વેષ પણ ન રાખે, એ સાધુત્વ. કપડાનો રંગ કે બાહ્ય ત્યાગ એ સ્થિતિનું અનિવાર્ય અંગ હોવાની જરૂર નથી, છતાં તેવો ત્યાગ તેવી સ્થિતિનો સવિશેષ પ્રકારે પ્રવર્તક, પોષક અને અવધારક છે, એ નિશ્ચિત છે, તેથી શ્રી શંકરે એ દ્રષ્ટિએ જ ઐતરેયના સંબન્ધ ભાષ્યમાં આ વાતની આટલી બધી વિશદ ચર્ચા કરી છે, પછી તેવી ઈષ્ટ ચિત્ત સ્થિતિવાળું માનવી “ઘરમાં” રહેતું હોય તો યે શું, ને “બહાર” રહેતું હોય તો યે શું? પરંતુ એ ઈષ્ટ સ્થિતિની પૂર્ણ યથાર્થ પ્રાપ્તિ “મારા ઘરમાં રહું છું.” એવી ભાવનાનો અલ્પતમ લેશ હોય ત્યાં પણ સંભવે નહિ. અને સ્થિતિ પ્રાપ્ત થયા પછી, એ ઘરમાં રહેતો હોય તો યે સમ્યક પ્રકારે વિનિર્ગત જ છે, અનિકેત જ છે, યથાર્થ પણે પરિગ્રહ રહિત જ છે.
જીજ્ઞાસુએ એ સ્થિતિની પ્રાપ્તિ માટે યત્નશીલ રહેવાનું છે, એ જ સાધન, સાધના. સિદ્ધિની એ ચિંતા ન કરે. ખરી મઝા, ખરી રંગત, ખરી ગમ્મત એ આદર્શના અભિસરણમાં છે. એ જ જીવનનો રસ છે. એ જ તે છે, “રસો વૈ સઃ”
મિત્ર! અહોભાવથી જગત તેમ જ તારા પોતાના બે શરીરોની ચેષ્ટાઓ જોયા કર. ને એ નાટકનો ડ્રોપ પડતાં, હાથ ખંખેરીને પડજે તું તારે “રસ્તે”! ને શેનો રસ્તો? રસ્તો તો ક્યાંય તારે જવાનું નથી, તું “તૂં” જ નથી, કેમ કે કોઈ “હું” જ નથી. અને “તે” વળી કયો? ત્યારે શું છે?….. “છે” છે, બીજું કશું નહિ. ટૂંકમાં, મૌન વ્યાખ્યાન, એટલે જ છિન્નસંશયતા.
ૐ તત્ સત્ ।
PAGE 72
“કૂકડાએ ઉપદેશ આપ્યો”
આજ વહેલી સવારથી, કૂકડાએ ઉપદેશ આપ્યો. દક્ષિણ તરફના ખ્રિસ્તીઓના કૂકડામાંથી એકે ટહેલ નાખી,”એક્કલો ઓ છે……!” બીજાએ તેમાં સંશોધન કર્યું. “એક્કલોઓ છૂં…..!” અભિમાન, કે મારે એકલાને જ બોલે વહાણું વાવાનું છે! એને શું ખબર, કે “છે” અને “છું” નો તો અભેદ છે, ને પોતે ધારે છે તેના કરતાં ઘણું મોટું સત્ય બોલી રહ્યા છે, કે જે સમજાવવા માટે ગ્રંથ કોટિ પણ પૂરા નથી પડતા. ઉત્તર તરફના મરાઠાના કૂકડાએ વળી કહ્યું “એક્કો – છે…..!” એ વળી બધામાં એક્કો. આમ બોલે કે તેમ બોલે, પણ બધાને કહેવું છે કે જે છું તે કેવળ “હું” જ છું, તે સિવાય કોઈ નથી, ને મારે બોલે જગતના દીવા બળે છે! THE WORLD REVOLVES ROUND ME THE GREAT, THE OM AND ONLY I!…. બસ એ “I” નો ભેદ પકડાયો, એટલે થયું.
“જન્મો જન્મની સ્વભાવ બની ગયેલી વિસ્મૃતિ એમ સહેજે ટળતી નથી. તેમ ભવોભવના ભૂલાયેલા સ્વરૂપની સ્મૃતિ પાછી સહેજે મળતી નથી. સંતોની કૃપા, પરમાત્માભિન્ન ગુરૂની દયા, પૂર્વ સંસ્કારોના સુયોગથી પ્રકટતી વેગવંતી અભિમુખતા, અને એકનિષ્ઠ શાસ્ત્રોક્ત પ્રયત્ન વડે, કોઈક જન્મે એની મહેનત ફળે છે. પણ ફળે છે અવશ્ય.
PAGE 73
“આત્મનિષ્ઠા”
ગુરૂભાવમાં નિષ્ઠા એ ઈશ્વર નિષ્ઠા (અગર આત્મનિષ્ઠા) સાથે સમપ્રમાણે રહે છે. માટે તો એને પ્રથમ બાલીશતા જેવી વૃત્તિ ચંચળતાના શમન રૂપી ઈશ્વરમાં એકનિષ્ઠ દ્રઢતા પ્રાપ્ત કરી લેવાની આવશ્યકતા વારંવાર સમજાવવી પડે છે. એ સ્થિરતા (પ્રશાન્ત ચિત્તાય શમાન્વિતાય) વગર જે ગુરૂભાવ કરવામાં આવે, તેમાં અજાણતાં તો યે વંચનાનો ભાગ રહેવાનો. ઈશ્વર એની એ ખોટ, પૂરી કરી લેવાની શક્તિવૃત્તિ આપે!
મોક્ષભાવની ચિત્તવૃત્તિના મૂલ્ય છે, ગુરૂ પરાયણતા. ગુરૂ પરાયણતા માટે ચૂકવવાની કિંમત છે શમ-સમપન્નતા. શમાદિ સંપન્નતા માટેનો યશ તે સાધનનો સમારંભ. સાધન સમારંભનો પ્રેરક છે વિવેક-વૈરાગ્ય. એનો જનક સત્સંગ. સત્સંગનો પિતા સદવિચાર. સદવિચારને જગાડનાર છે સારવસ્તુ પામવાની પ્રબળ શુભેચ્છા. શુભેચ્છાની ભૂમિકા તે સંસારની સર્વતો મુખી અનિત્યની, પ્રારબ્ધાધીનતા, દ્વંદ્વગ્રસ્તાઈ રૂપ અસારતાની પ્રતીતિ, – કે જેનું ઐહિક જીવનના અનુભવોના રહસ્યને યથાર્થ સમઝવાની એ વૃત્તિનું આલંબન છે, ઈશ્વરનો અનુગ્રહ. અને ઈશ્વરના એ અનુગ્રહનું ઉદભવસ્થાન છે પૂર્વકૃત પુણ્ય સંચય રૂપી જડમાંથી પાંગરેલા સાત્વિક સંસ્કારોનો ચિત્તમાં ઉદય થવો તે……. એ અધિકાર પ્રાપ્તરૂપ ઈશ્વરનો અનુગ્રહ સૌ સન્નિષ્ઠ સાધકો ઉપર ઉતરો!
“જગતની ઉપેક્ષા જેટલા પ્રમાણમાં, તેટલા પ્રમાણમાં આત્માની અપેક્ષા ઉપસે છે.”
PAGE 74
“तरति शोकम्”
આ જગત જેવું “છે” તેવું ભલે ને રહ્યું, એમાં તારે શું લેવું દેવું છે? બડી ગંમત છે. પણ એક શરતે, કે જે કંઈ દેખે, સાંભળે, કહે કરાવે કે અન્ય રીતે અનુભવે – અનુભવાવે, એ કદીયે તે ના સંદર્ભ બહાર ન હોય. પ્રેમથી રમો, પણ રાચો નહિ. નહિ તો ખેલ બગડી જશે, ને હસવાનું ખસવું થઈ જશે. એમાંથી ન ખસ્યા, તો કહો જોઉં “જીવન” “લારે લપ્પા” એટલે કે લહેર લહેરના લપ્પા સિવાય બીજું છે જ શું? છયે રસ અને તેના વિવિધ-વિચિત્ર PERMUTATIONS & COMBINATIONS ના અણધાર્યાં સીન ટ્રાન્સફરોની પરંપરા, જે નિત્ય નવિન છે, રોચક છે, ને જે રસપ્રદ છે, કે મને, એની સાથે આપણને કશી અંગત નિસ્બત નથી – સિવાય કે ઓરકેસ્ટ્રામાં વિરાજતા દર્શક રૂપે.
અને આખરે, ટૂંકામાં ઉપનિષદ કહીએ તો, तत् શું છે?- માત્ર સર્વ કંઈ સચરાચર, દ્રષ્ટા-દ્રષ્ટ, શક્યા-શક્ય, ચિન્ત્યા-ચિન્ત્યનો એકલો અને કેવળ श क ધાતુ – THEONE AND ONLY ENABLER! ખરૂં કે નહિ? AND THATS ME. બહુ મોટી વસ્તુ છે. ખૂબ વિચાર માંગી લે છે. એ ઉપનિષદ. એને જે જાણે, ते तरति शोकम्! શોક ભર્યા મહાસાગરને તરી ગયો!
કઠ ઉપનિષદની છેલ્લી વલ્લી સ્વરૂપ દર્શનનાં રહસ્ય કેવાં અદભૂત રીતે સમજાવે છે! આત્માને જોવો, દેખવો એટલે શું, તેનું સ્વરૂપ કેવું, આ જન્મે, જીવતાં જ શા માટે એને જોવો- એટલે જાણવો-અનુભવવો જરૂરી છે. વગેરેમાં શી કમાલ કરી છે….. પણ એ તો ઉપનિષદ છે. જે વખતે જે ઉપનિષદનો જે આત્મપરક ભાગ વાંચીએ, તે વખતે જે ઉપનિષદનો જે આત્મપરક ભાગ વાંચીએ, તે વખતે તે સર્વશ્રેષ્ઠ અને અધ્યાત્મનો અવધિ લાગે છે. કેમકે એક એક મંત્ર સમસ્ત વેદોના અવધિની કક્ષાએ વિરાજે છે. એમાં તર નહિ, પણ બધું તમ જ છે. તાર નહિ, પરંતુ તમ્ય જ છે. એ તો બસ, લૂટતા જાઓ, એક લ્યોને બીજુ ભૂલો – ને તે સિવાયનું બધું જ ભૂલી જાઓ! એક જ મંત્ર જેણે રગે રગે પચાવી દીધો તેણે જગતને સમગ્રને ઘોળીને પી લીધું, એ નીલકંઠ બની ગયો. ત્રિનેત્ર થઈ ગયો. કામદહન એણે કરી નાખ્યું. આપ્તકામ, આત્મકામ ના બીજાં નામ બની ગયાં. એ શું, શેના વડે, શા માટે વાંચે-કરે-લખે-સાંભળે-કહે….? બધુંયે વાંચતો કરતો, લખતો, સાંભળતો, કહેતો….. છતાં…. ૐૐૐ.
PAGE 75
“સુખવૃત્તિ ને ભોગસાધનો”
સુખભાવ-સુખવૃત્તિને ને ભોગસાધનોને કશો મૂલગત સંબંધ નથી, માત્ર ભોગ સાધનો વડે સુખભાવ મળતો નથી જ. સુખ માટે ભોગ સાધનો આપ મેળે સાધક નથી. માટે, સુખ માટે ભોગ સાધન બાધક નથી, બલકે તેની સજાવટ તેના સુશોભનરૂપ પરોક્ષ રીતે સાધક પણ કહી શકાય. જેમ ઘરેણાથી શરીરની સુન્દરતા બનતી નથી, ઉલટ કુબડી કાયા ઉપર તે વિશેષ ઘૃણાજનક લાગે છે, પણ સુંદર કાયા ઉપર, તે કાયા નહિ પણ એ સુશોભનો દીપી ઉઠે છે, ને તેથી કાયા દીપી ઉઠતી હોવાનો લોક ને ભ્રમ થાય છે, તેમ સુખભાવ હોય ત્યાં સંપત્તિ પણ જો હોય, તો એ સંપત્તિ દીપી ઉઠે છે. પણ જે માણસ મનમાં દુઃખી અને કંકાસી રહે છે તેની પાસે સંપત્તિ ઉલટી અજુગતી દેખાય છે. તેથી તો કહ્યું છે કે “સોયના નાકામાંથી ઉંટ પસાર થાય, તો જ ધનવાન સ્વર્ગે જઈ શકે.” અને બૃઃ ઉપનિષદ ૨.૪ માં યાજ્ઞવલ્ક્ય મૈત્રેયીને સ્પષ્ટ કહે છે કે વિત્તદ્વારા નો શ્રેયસ હરગીઝ નથી. સુખ સાધન આપ મેળે બૂરી નથી. નિર્દોષ છે. જેવો સંગ તેવો તેને રંગ લાગે છે. મનથી જે જ્ઞાનને કારણે અંદરથી સુખભાવમાં મસ્ત હોય, તેના સંગમાં તે ઝળકી ઉઠે, ને જે અન્યથા હોય તેવા પાસે એ લાજી મરે છે. માટે સુખસાધનને સુખસાધન તરીકે વખોડ્યાનો કશો અર્થ નથી – અજ્ઞાન છે.
ૐ તત્ સત્ ।
PAGE 76
“દીવારો”
હિંદુ ધર્મના બધા સંપ્રદાયોનો સુમેળ સાધી આપે, પરસ્પર ખાટાં મન કરવાની અનાવશ્યકતા બતાવી આપે, અદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, શુદ્ધા દ્વૈત, દ્વૈતા દ્વૈત, દ્વૈત, સ્થાદ્વાદ વગેરેના ભેદો ખરેખર વ્યવહાર માટે ભેદો નથી જ પણ માત્ર પંડિતાઈના ઉપરછલ્લા ભેદ જ છે, અને ધર્મના પાલનની દ્રષ્ટિએ એ સાવ ગૌણ, ઉપેક્ષણીય બાબતો છે, તેના યોગ્ય ક્ષેત્રમાં મર્યાદિત રાખવા લાયક છે, એવું ભણેલા ગણેલા વર્ગની બુદ્ધિમાં ઉતરે તેવી રીતે એ બધાનો સમન્વય કેમ કોઈ સાધી આપતું નથી?……
કોકિલેશ્વર ભટ્ટાચાર્ય, રાધાકૃષ્ણન, રામકૃષ્ણ પરમહંસ…. ઘણાઓએ આ મહેનત કરી છે જ. પણ જે વેરઝેર છે, તે સિદ્ધાન્તોના નહિ, પણ દરેક સંપ્રદાયના મહંતો – આચાર્યો, ઉપદેશકો એ જમાવેલા VESTED INTERESTS ને ખાતર નિભાવાતા, કર્મવિધિના ખામુખા ઉભા કરાએલા વાડાનાં દુરાગ્રહને અંગે ઉભા કરાય છે, ને પોષાય છે. VESTED INTERESTS બળવાન છે ત્યાં સુધી એ “દીવારો” તોડવાનું કામ તો કોઈ વિશેષ વિભૂતિ જ કરી શકે તો કરી શકે. બાકી તેવા સમન્વયને શાંકરવેદાન્તવાળા સંન્યાસીઓ સિવાય બીજો કોઈ સંપ્રદાય ક્ષણ માટે પણ બરદાસ્ત નહિ કરે, એ ચોક્કસ છે. શાંકર મતમાં તો એ સ્વીકાર્ય છે, સંમાનિત છે જ. એવા સમન્વયમાં જ શાંકરમતના ઔદાર્યની જીત છે. પણ બીજા ઝનુની વૈષ્ણવ કે શૈવમાર્ગોના જામી પડેલા સ્વાર્થોનું તેમાં મોત છે. તેથી સંસારી બાબતોની જેમ આ ક્ષેત્ર પણ માંગી લે છે.—
સમૂળી ક્રાંતિ, જામેલા સ્વાર્થોનું ઉન્મૂલન, જડથી મૂલ્ય પરિવર્તન, સ્થાપિત હિતોની મડામુઠમાંથી લોક ચિત્તનો છૂટકારો, ત્યાં સુધી સમન્વયનો પ્રયાસ લોક સુધી કદી નહિ પહોંચે. છતાં, નિદાન ગુજરાતીમાં આ કાર્ય કરવા જેવું ખરૂં – શ્રેયઃસાધકનું તે દિશાનું કાર્ય નોંધ યોગ્ય ખરૂં. પણ વિસ્તાર તથા પ્રચાર માટે અક્ષમ પ્રકારનું સેવાથી કરમાઈ ગયું. માત્ર એ કારણથી જ નહિ, પણ બીજા કારણો પણ ખરાં, ને સૌથી વિશેષ, આંતરિક બખેડાએ એ પ્રવૃત્તિના આખા સહસ્યને ઉપેક્ષણીય કરી નાખ્યું.
ગમે તેમ પણ એક એવો પ્રયત્ન આપણે કરી જોવા જેવો ખરો કે જે વિદ્વદભોગ્ય હોય, અને તે સાથે સામાન્યપણે પ્રામાણિક જિજ્ઞાસા રાખનાર શિક્ષિત વર્ગને પણ સાંપ્રદાયિક વાડામાંથી બચવામાં તેમજ તત્વજ્ઞાન અને ધર્મથી વિમુખ થવાની વૃત્તિને વેગળી રાખવામાં સહાયક થઈ પડે.
એવા પ્રયત્ન માટે હું વધારે પડતો નાનો માણસ નથી? પણ તેથી શું? બહુ ઉમરવાડીયો કહેતો હતો તેમ, “ધારેખાન, આપણે લખીએ તે સારૂં જ હોય, એમાં વળી શંકા કેવી? “હોય” નહિ, છે જ!” આપણે તો મનમોજથી કરવા ધારેલું કરવું, એ જ પ્રશ્ન છે, જેવું થશે તેવું, POOR THING BUT MINE OWN! બીજાને ન ગમે, તેમાં કોઈ શું કરે? જોઈએ ત્યારે રમણલાલ દેશાઈનો બોલ ખાલી ન જવો જોઈએ. “ભારતીય સંસ્કૃતિ” નું આ પણ એક પાસુ જ છે ને! અને મારી પાસે એ પોતે શું “EXPECT કરે છે, તેનું આ પહેલું જ સ્પષ્ટ સૂચન છે.
WELL, એમ તો મારાથી ન જ કહી શકાય કે “A BOOK OF HERSE, A LOAF OF BREAD, A FLASK OF WINE, AND THOU BESIDE ME SINGING IN THE WILDERNESS AND WILDERNESS WERE PARADISE SNOW” પણ એક કોટડી-હવા ઉજાસવાળી તથા વિક્ષેપ વગરની. ભીખ માંગીને આણેલો પણ LOAF OF BREAD; FLASK OF WINE તો નહિ પણ જો બની શકે તો જરા ચા-દુધ-કોફી જેવું ચાલે. જરૂરી ચોપડીઓ પુરતો સમય…. એટલું મારા સ્વર્ગ માટે બસ છે. અને ABOVE ALL, પેલું THOU BESIDE ME વાળું તો નહિ જ, કેમકે જો એ આવી પડે! તો PARADISE WERE WILDERNESS SNOW થઈ પડે! આટલા ફેરફાર સાથે દરખાસ્ત મંજુર. હવે જોઈએ છીએ કે પ્રારબ્ધનો આમાં કેટલો સહકાર મળે છે.
તા, ૫ – ૩ – ૧૯૫૧ શિવરાત્રી
શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈ સાથેના એક વાર્તાલાપમાંથી.
ૐ તત્ સત્ ।
PAGE 77
“શિવ મીમાંસા”
શિવ તે પરમાત્મા છે, એની પાસે અસંખ્ય પારસમણી છે. એ પારસમણી લોઢાને અડીને તેવું સોનું કરી આપે છે. આપણાં આ શરીર ખરૂં જોતાં માટીનાં નિર્જીવ પૂતળાં (શવ) છે, એમાં જ્યાં સુધી જીવ બેઠો હોય ત્યાં સુધી જ એ હાલે ચાલે, ને કંચનની કાયા કહેવાય. એ (શિવ સ્વરૂપ જીવ) ને જ પારસમણી જાણવો, ને કાયા લોઢું જાણવું. અસંખ્ય જીવોના, અસંખ્ય પારસમણિઓના શીવજી એકલા માલીક છે.
“પારસમેં અરૂ સન્તમેં, બડો અંતરો જાન,
વહ લોહા કાંચન કરે, યહ કરે આપ સમાન.”
અર્થઃ- પારસમણી અને સંતમાં એક મોટો તફાવત એ છે, કે પારસ તો પોતાની પાસે આવેલા લોખંડને સુવર્ણ બનાવે છે, પણ સંત તો પોતાને શરણે આવેલાને પોતાના જેવો જ સંત બનાવી મૂકે છે, એટલે કે બ્રહ્મવિદના સંપર્ક અને શરણમાં આવેલો જીવાત્મા બ્રહ્મભાવ પામે છે. સત્સંગનો આ અજબ મહિમા છે. સતને ઓળખે અને અનુભવે એ સન્ત. એ સતને પામવા માટે સંગ કરવો હોય તો સંતસંગ કરવો જોઈએ. સત્ સામાન્ય રીતે સર્વવ્યાપક, પ્રત્યેક નામ રૂપનું અધિષ્ઠાન, જડ ચેતનથી વિલક્ષણ એવું સંપૂર્ણ પરમતત્વ છે, એ સત્ એ જ ચિત્ અને સત્ તથા ચિત્ એ જ આનંદ છે, એટલે સચ્ચિદાનંદના નુભવી સન્તનો સેવાશુશ્રુષાથી સતનો સંગ સહજ સ્વભાવે થાય છે. જેવી રીતે ચકમક પત્થર તથા ગજવેલના પાસે પાસે પડેલા ટુકડામાં સામાન્ય અગ્નિ અવ્યક્તરૂપે સર્વવ્યાપક હોવા છતાં ઘર્ષણ થાય ત્યારે જ અગ્નિ વ્યક્ત (પ્રકટ) થાય, એ અગ્નિનું વિશેષરૂપ છે. તેવી જ રીતે સામાન્ય સત્ અવ્યક્તરૂપે સર્વવ્યાપક હોવા છતાં જે ચિત્તમાં બ્રહ્માકાર વૃત્તિના ઘર્ષણથી સતનો આવિર્ભાવ થાય એ શરીરધારી અંતઃકરણમાં સતનો વિશેષ ભાવે, પ્રકટ રીતે અને વ્યક્ત સ્વરૂપે પ્રકાશ પડે છે. એટલે જ સતનો સંગ કરવાનો અર્થ સંતનો સંગ કરવો એમ ઘટાવી શકાય.
ૐ તત્ સત્ ।
PAGE 78
“વેદાન્ત સિદ્ધાન્ત”
વેદાન્ત સિદ્ધાન્ત જાણવાનો નથી, પરન્તુ સ્વયં અનુભવ વડે સાક્ષાત કરવાનો છે. જેને તેમ ન કરવું હોય, તે કૃપા કરીને એમાં પડે જ નહિ, કેમ કે અસંનિષ્ઠ વેદાન્ત અભ્યાસ ઘણો અનર્થકારી છે. જેને ધૈર્ય ન હોય, તેને માટે જ્ઞાનમાર્ગ નથી. તરણાની ટોચ વડે ટીપું ટીપું કરીને સમુદ્રને ઉલેચવા જેટલી પ્રસન્ન ધીરજ તથા ખંતની અપેક્ષા, સાધન સંપન્નતા દ્વારા સ્વાત્માનુભવના આ માર્ગમાં શાસ્ત્રો કહે છે, તેમાં વધારે પડતું કશું નથી.
મનુષ્ય જીવનનું મોટામાં મોટું પાપ ભય છે. ભીત મનુષ્ય કોઈ કાળે સ્વરૂપ-દર્શન કરવા પામે નહિ. કેમ કે એ સદા ભ્રાન્ત હોવાથી, સદા ભયભીત રહે. પરંતુ વેદાન્ત માર્ગે વિચરનાર નિર્ભય પુરૂષને સર્વ ભયોના મૂલરૂપ ભ્રાન્તિ હોતી નથી.
આ ભેદભાવને ટાળવો એને જીવ-શિવની એકતાનો, જગતના મિત્યાદર્શનત્વનો તથા સર્વ જડચેતન પદાર્થોની કમાત્ર બ્રહ્મમયતાનો એનુભવ થવો, એ શંકર અદ્વૈતનો સિદ્ધાન્ત છે.
જેમને સાચું નિઃશ્રેયસ ફળ લેવું જ છે, તેમણે ખૂબ સમઝી લેવું, કે બ્રહ્મવિદ્યા માત્ર જાણવા કે બુદ્ધિ-તર્કના સર્કસ ખેલ કરવા માટે નથી. પરંતુ નિત્ય આચરવા માટે જ છે.
વેદસંજ્ઞક જ્ઞાનવૃત્તિ અતિ ઉદાર છે, એનો અંત પોતે પામ્યા હોવાનો પ્રમાણિક દાવો કોઈ કરી શકે નહિ.
વેદાન્ત તો સર્વને પોતાના સ્વરૂપ જોનારો પરમ પ્રેમની પરાકાષ્ટારૂપ છે.
વેદાન્ત – દ્રષ્ટિ માગે છે કે સ્વબુદ્ધિ ને કસો.
PAGE 79
“મૌન જ સત્ય છે.”
કર્મના પ્રકારોનો પાર નહિ, કેમ કે પ્રકૃતિના પ્રકારોનો પાર નહિ. અને તેથી, વધારેમાં વધારે કરેવાનું કર્મશાસ્ત્રમાં રહે. ઉપાસનામાં એનાથી ઘણું ઓછું કહેવાનું, એના પ્રકાસો ઘણા ઓછા અને જ્ઞાનમાં તો, વાણી વિલાસ બોધક થઈ પડે! આચાર્ય સ્વામીએ ‘સર્વવેદાંત સાર સંગ્રહ’ નામનો એક હજાર શ્લોકનો ગ્રંથ રચ્યો છે. એમાં વિલક્ષણ પ્રકારે અધ્યાત્મ વિદ્યાનું વિવેચન કરીને, એ સર્વના સારરૂપ એક શ્લોક ગ્રન્થને લગભગ અન્તે લખ્યો છે!
” તૂષ્ણીમેવ તતસ્તુષ્ણી તુષ્ણી સત્યં ન કિંચન!”
આ બધું ઠીક છે. પરંતુ છેવટનું સત્ય એક જ છે. મૌન! તે પછી, પાછું મૌન! મૌન જ સત્ય છે,બીજું કશું નહિ.
વાણી સંયમને તો જીવનમાં બહુ જ મહત્વ આપવાનું છે. મુખ્ય કરીને સંયમોના ત્રણ પ્રકાર કહેવાય. કાયિક. માનસિક. અને વાચિક. વાચિક સંયમના અભાવને લીધે અનેક પ્રકારના ઉપદ્રવો ઊભા થાય છે.
હે જીભડી! ભોજન અને બકવાદ એ તારાં જે બે લક્ષણો છે, તેનું યથાયોગ્ય માપ તું સમજી લેજે. કેમકે વધારે પડતું ભોજન અને વધારે પડતો લપલપાટ વિના વિલંબે પ્રાણનો નાશ કરનારા છે.
ૐ તત્ સત્ ।
PAGE 80
”મનો મન્થન”
એક જ અસત્ય વિચાર કે વચનને અંગે આખી અસત્યોની કેવી મોટી પરમ્પરાની રચના ઊભી થાય છે, એને નિભાવવા માટે કેવી આખી અસતસૃષ્ટિ સર્જાય છે, તેનાં ઉદાહરણો જીવનમાંથી ઘડીએ ને પલકે જોઈએ તેટલાં મળી આવે છે. માત્ર માણસની અંતર્મુખ દ્રષ્ટિ હોવી જોઈએ, અને એવી થતી અસત્ય સૃષ્ટિ રચનાઓ ઉપર મનની ચોકી બેસાડીને એને ઊગતી પકડવાની ટેવ પાડવી જોઈએ, કેમ કે આખું બ્રહ્માંડનું બ્રહ્માંડ સર્જાઈ જતું હોવા છતાં એ એટલું બધું સૂક્ષ્મ અને મન સાથે તાદાત્મ્ય કરનારૂં હોય છે, કે એની ખબર જ માણસને પડતી નથી.
વિષયો યાદ આવવા, ને તેને સેવવા, એ વાસનામય જીવનો સ્વભાવ છે. કારણ કે કર્મફળ ભોગવવા માટે અને શબ્દ-સ્પર્શ-રૂપ-રસ-ગંધરૂપ હજારો વિષયો પરત્વેની વાસનાઓની તૃપ્તિ માટે તો જીવે સ્થૂલ શરીર વેઠે પકડ્યું છે. એ બધા જીવાર્થ છે. પુરૂષાર્થ તો છે, તેનાથી પર થવામાં.
ઘર્ષણનો અર્થ તન અને મન, ઉભયને લાગુ પડે છે. જો કોઈની ખોડની વાત નીકળે, ત્યારે આપણે સાથોસાથ તેના ગુણની પ્રશંસા કરવા લાગીએ, તો તે ટીકા કરનારૂં માણસ ભોઠું પડે. જો અન્ય વિષે વિચાર કરવા જ હોય, તો તેના ગુણના કેમ નહિ? દોષના જ કેમ? અને જેનું ચિન્તન કરીએ તેવા આપણે પણ થઈ જઈએ એ હકીકત શું ઓછી પ્રસિદ્ધ, કે ઓછી સાચી છે?
પ્રિય! જાણજો કે એવાં મનોમન્થનો જ ખરૂં જીવન છે. એના વડે જે જીવન ઘડાય છે, ઊંચે ચડાય છે, આગે બઢાય છે, દ્વંદ્વની જડજાળ વઢાય છે. ખરો મનોનિગ્રહ, તે મનને આકાર આપવો તે.
પ્રસન્ન રહેજો – એ મોટી વાત. બીજું બધું ઠીક. કોઈની સાથે ઘર્ષણ નહિ, નારાજી નહિ, ખીજ નહિ. પ્રેમભરી સમભાવી ભાવના વડે કલેશશત્રુને જીતવા. આપણે આપણા પોતાના માટે એકવાર વિચાર પૂર્વક સત્ય નિશ્ચય કરી લીધા પછી, અન્યો ગમે તે કહે કે કરે તોયે, આપણા મનમાં આપણાં કર્તવ્ય પરત્વે કશી પણ શંકા ઉત્પન્ન થવી જોઈએ નહિ. તેથી તારા, પોતાના મનને સંભાળી લે, એટલે જગત આખું યે સંભળાઈ ગયું છે.
PAGE 81
“સુખપુત્રના પ્રસવની પીડા”
જીવન કંઈ સડતું જડ ખાબડું નથી. એ છે વહેતી, પોતાનાં મીઠાં જળને તાજાં રાખતી સરિતા, તેને છેવટે તો પરમાત્મા સ્વરૂપ સમુદ્રમાં પહોંચીને સ્વયં સમુદ્ર થઈ જવું છે.
મન્થન તો કષ્ટપ્રદ લાગે જ, કેમ કે એ પણ સુખ પુત્રના પ્રસવની પીડા છે. અનુકુળ સંજોગોમાં તો સહુ કોઈ સરખા રહી શકે, પરન્તુ વિપત્તિમાં તેવો રહે, તે કહેવાય પૂરૂષ. સાંબેલું વગાડે તે સંત. અમે તો, સાંબેલું વગાડતા શીખવનારા તથા શીખનારા છીએ.
અને નહિ તોયે, શ્રેયસની સિદ્ધિ થઈને ખાટી શું જવાના છે? પ્રયત્નોનો કેવો આનંદ છે? THE FUN IS IN THE CHASE NOT IN THE KILL. લૌકિક કે પારલૌકિક, કશીયે ઉન્નતિ માટે હાયવોય શા માટે કરવી પડે? જનકે અષ્ટાવક્રને મન આપી દીધું. તે પછી એ મન પાસે વલવલાટ કરાવવાનો પણ એને અધિકાર હતો ખરો? પારકાની મિલકતને ચૂંથવાનો તમને શો અધિકાર છે વારૂ?
મનને વિકારોથી ખાલી કરો તો રામ આવી જશે. રામે તેને પોતે રચેલું એ સુંદર અંતરઘર બહું ગમે છે! ને એમ એકવાર ઘુસાડ્યો, પછી તો સીંધી ભાડૂતની જેમ. એ કાઢ્યો પણ નીકળે નહિ!
પેટ અને પત્નીથી અન્ય ગુરૂ કોણ હોય? સદગુરૂ પણ તેમને ધક્કે જ લાધે છે.
“આનન્દ બ્રહ્મણો વિદ્વાન્ન વિભેતિ કદાચન, કુતશ્ચત્ર” બ્રહ્માના આનંદને જાણનારો કદી પણ ભય પામતો નથી. ક્યાંયથી પણ ભય જાણતો નથી.”
જ્યાં સર્વત્ર રામ સચ્ચિદાનંદ જ વિલસે છે. તે ચિત્તને નથી દેશ, નથી કાળ, નથી ભવ, ને નથી લવલેશ ભય. જેના અંતરમાં અનાદિ અનન્ત સદભાવ ઘર કરી બેઠો છે, તેનું અશ્રેય કોઈ પણ શક્તિથી થઈ શકતું નથી. કોઈ પણ વિધિ-નિષેધથી, કે કૃત-વર્જનના “દોષો” નો બાધ તેને નડતો નથી.
PAGE 82
“શ્રીમદ ભગવદ ગીતા”
જ્ઞાનમાં શબ્દને અલ્પતમ સ્થાન હોય તો હોય. જ્ઞાનમાં રામના નામને યે સ્થાન નથી. રામનામ પણ ત્યાં સ્તબ્ધ થઈ જાય છે. ત્યાં બધી નદીઓ, દેવદેવી રૂપી બધાં જળાશયો સપ્લુતોદક એવાં એક મહાસરોવર બની જાય છે. ત્યાં કોઈ રામપણું જુદું નથી, નભપણું નથી, રૂપપણું તો હોય જ શેનું! અથવા કહો બસ એક રામ જ રામ છે, અને એ હું છું!….. કોઈ મારો ભગવાન કયો? એ તો હું, હું ને હું જ! બધાનો હું. પ્રત્યેકનો હું, પરમાત્માનો હું અંશ, તો બિન્દુ સિન્ધુ ન્યાયે, હું જ પરમાત્મા, એમ મુક્ત કંઠે સ્વીકારવામાં સંકોચ શા, કૃપણતા કેવી! ચતુરાઈ ને ચપચપાટ તો, ખાલી લોટાના ખખડાટ જેવાં છે. સાક્ષાત અનુભવમાં બોલ બળી જાય. ‘ભાઈ નામ સમજીને બેસી રહીએ, આત્મ-ચીની મનમાં મગન થઈ રહીએ!’
એમ ઉગતો છોડ, ઉપાસનાનાં ફૂલ, ને જ્ઞાનના ફળમાં કૃતાર્થ થઈ જાય. આમાં ત્રણ ટુકડા ક્યાં થયા? છતાં ત્રણ તબક્કા જેવું ભાસે છે ખરૂં. એ આભાસને જે વળગી પડે, તે – ગયો! ફળ સુધી નહિ પહોંચવાનો! ગીતામાં કર્મ યોગની સાથે જ બુદ્ધિયોગને નામે, જ્ઞાનની કલમ એવી કુશળતાથી ચલાવી છે, કે આપ મેળે, ગૃહસ્થાશ્રમી પોતાના ઘરસંસાર એ રાહે ચલાવતો ચલાવતો એકાએક, ત્યાં પહોંચી જાય, ને નવાઈ પામે, કે વાહ ગીતા! માત્ર વિજ્ઞાનભાગ એ છે કે ત્રણે ગુણો, દેહની ત્રણે અવસ્થાઓ, શાસ્ત્રોના ત્રણેય કાંડ, એક સરખી રીતે એ સિદ્ધિમાં વપરાયા એ વિજ્ઞાન –સાયન્સ –ગીતા સામે ચઢીને આપે છે.
એમ ગીતા તમારી પોતાની વસ્તુ છે. એની જોડે તમારા પોતાના જીવની, તમારા પોતાના જીવનની એકાગ્રતા, એકવાક્યતા, એકચિત્તતા થઈ જાય, ને તમે પોતે, આ પોથી વાંચો છો, એમ નહિ, પણ તમારૂં પોતાનું વૃતાન્ત ઉખેળો છો, બીજા કોઈનું નહિ, એમ જ્યારે તમને લાગશે, ત્યારે ગીતા થશે, ભયો ભયો!…..
ૐ તત્ સત્ ।
PAGE 83
“જીવરામ ભટ્ટ”
આ ‘જીવન,’ ‘જીવરામ ભટ્ટ’ નું કલ્પિત ભોપાલું છે, ખોટું છે. છે જ નહિ. તેમાં ‘અમુક’ કેમ થાય છે, ને અમુક કેમ નથી થતું? એ કેવી વાત?- કે જ્યાં કશું થતું જ નથી! જે થાય છે તે મારી પોતાની ઈચ્છાને અનુસરીને જ થાય છે. આ ભવે નહિ તો પાછલા ભવે, પણ કરેલી. તે જ મારી કે તમારી પણ – સામે આવે છે. તેમાં ફરીયાદ કેવી? હવે જાગ્યા ત્યારથી તો સવાર સમજો! તેને બદલે ચાર રોદણાં – (૧) મને મળવું જોઈએ તે કેમ નથી મળતું? (૨) જે નથી ખપતું, તે જ કેમ આવે છે? (૩) મારી પાસે છે, તેમાંનું જે જાય એવું હું ઈચ્છું છું, તે જતું નથી, ને (૪) જે ન જાય, સદૈવ રહે, તે રહેતું નથી! કેમકે એવું બધું કેવળ મારી ઈચ્છા મુજબ જ બને છે!
સર્વ સંજોગોમાં નિત્ય પ્રસન્ન રહેવાનું, ક્રિકેટની જેમ, થાય તે કરી છૂટવું, ને પરિણામ ને SPORTINGLY સ્વીકારીને આગળ યાલવું ચિત્તની પ્રસન્નતાને હાલવા ન દેવી. જે અવળા જેવું થતું દેખાય છે, અથવા થાય છે, તેનો પણ કોઈ ગેબી રીતે રસ્તો પણ આવી મળે છે? નિત્ય આત્મ સ્મરણ કરવું, ચિત્તમાં “હું બ્રહ્મ છું” નું રટણ કરતા રહેવું.
આ તો મારે ‘જોઈશે જ’ એવું જ્યાં થયું, ત્યાં તે તો ‘મળશે જ’ નહિ!
‘જોઈવું’ જશે, ત્યારે ત્રણ લોક મળશે!
PAGE 84
”ચિન્તા કંઈ કરી થતી નથી.”
ગમે તે નામે ઠામે કરેલી બધી સ્તુતિઓ જાય છે કેવળ એક પરમેશ્વરમાં, કેમકે, બ્રહ્માથી માંડીને બધા જ દેવો, પોતે થઈને કંઈ જ નથી. પણ કેવળ એક જ પરમેશ્વરની માયાનાં પાસાં છે. એટલે સ્તુતિમાં, સ્તુતિ કરનારના મનના ભાવનું મહત્વ છે. એક જ પરમેશ્વરને લક્ષમાં રાખીને સ્તુતિ કરવી એ ઠીક છે, પણ જેમાં કશી પણ દુનિયાદારીને લગતી માગણી હોય એવી પ્રાર્થનાઓ કરવી ઠીક નહિ.
જે પાઠ પૂજા, દેવ દર્શન વગેરે કરે છે, તેનાથી માણસનો સમય નિર્દોષ પણે જાય, ને મનમાં સંતોષ રહે, કે હું ભક્તિ ભજન કરૂં છું…… બસ એટલું જ. પરંતુ જેને સુખશાન્તિ, સંતોષ, પ્રસન્નતા, અને સંસારની ઘટનાઓ પ્રત્યે શાન્ત સાક્ષીભાવ તથા કલેશ-સંતાપથી મુક્તિ કહે છે, તેની એટલામાં પ્રાપ્તિ નથી. એ શાસ્ત્ર અને એ કિમિયો અમારા જેવા પાસે છે, ને એના રાહ જરા જુદા છે. દરેકનો એ રસ્તો નથી. તેથી કોઈ એમ કહે કે ચિન્તા કંઈ કરી થતી નથી તો એ બરાબર કહે છે. મારા જેવાનો માર્ગ, ચિન્તા ફિકરની જડ કાપી નાખવાનો છે. મારી પાસે રહેલાંઓ એ શીખી ગયા છે, અથવા શીખે છે. ભક્તિ ભજન, પાઠપૂજા, જપતપ, દેવદર્શન વગેરેમાં નિર્દોષ રીતે કાળ નિર્ગમન થાય, તો યે ઘણું છે. ચંચળ મટીને શાન્ત થવું એ કંઈ સહેલું નથી. ઈશ્વરમાં સંપૂર્ણ ભરોસો મૂકીને, સર્વ પ્રકારના સંસારી ભાવો છોડીને જ શાન્ત થઈ શકાય, પણ એટલો ભરોસો ક્યાં છે, ને કોને છે? અમારી લાઈન વાળાઓને જ એ હોય શકે.
ભણ્યા-ગણ્યા કે વાંચ્યા-વિચાર્યાનો મનમાં ગમે તેટલો દાંકો રાખો, પણ જે સાક્ષાત્કારના અનુભવ રૂપી જ્ઞાન છે, તે ગુરૂ વગર કદીયે મળતું નથી.
ૐ તત્ સત્ ।
PAGE 85
“કામધેનુ – કલ્પવૃક્ષ”
પ્રશ્નઃ- આ કલ્પવૃક્ષ અને કામધેનું વ્યાવહારિક જગતમાં છે, કે પછી સ્વરૂપમાં એનો સંકેત છે?
ઉત્તરઃ- કલ્પવૃક્ષ સ્વર્ગમાં જ હોય શકે, સ્થૂળરૂપે નહિ. કલ્પ એટલે કલ્પના. જે વસ્તુની કલ્પના કરો, તે વસ્તુ તત્કાળ મળી ગયાનો તથા એ વાસના પૂરી થઈ ગયાનો ભાવ થવાની ચિત્તની સ્થિતિ, કે સ્વર્ગનું કલ્પના વૃક્ષ. સ્વર્ગમાં જીવાત્માને સ્થૂળ દેહ નહિ, પરંતુ માત્ર મનેમય દેહ જ હોય છે. મનોમય કલ્પના, ને તેની મનોમય પ્રાપ્તિ થવા રૂપી કલ્પવૃક્ષ. સ્વર્ગ તો પૂણ્ય કર્મોનાં અમુક પ્રકારનાં ફળ, તથા વાસનાઓના સંતોષ થવા માટેની વિદેહ જીવની સ્થિતિ છે. એમ પુણ્યોના ફળ વિના મહેનતે મળી ગયાની ભ્રાન્તિ ત્યાં થાય. એવાં મનોમન સંતોષાય તેવાં પુણ્ય ફળોનો ભાગ પૂરો થતાં, બાકીનાં, જેના સંતોષમાં દેહ-ઈન્દ્રિયો, અન્ય જીવડાઓ સાથેની મનમાં પડેલી ઋણાનું-બંધની ગાંઠ વગેરેની જરૂર પડે, ત્યારે, એ પાછો મર્ત્ય લોકમાં આવે.
આ કર્મકાંડની દુનિયા છે.
વ્યવહારના લોકમાં પણ ઘણીવાર, એવું બને છે, કે અમુક વસ્તુની ઈચ્છા થાય, ને તે સાથે, તરત કે થોડા સમય પછી, એ ઈચ્છા પૂરી થયાનો મનને સંતોષ વળે. એ પણ એ જ વસ્તુ છે. આજે યે ધનવાન ઉદાર શેઠીઆઓ ખુશામદમાં “સાક્ષાત કલ્પવૃક્ષ” કહેવાય છે ને! ટૂંકામાં સ્વર્ગ એટલે, નાની મોટી સ્વપ્નાવસ્થાઓ, જેમાં વગર સાધને લાલસાઓ સંતોષાય છે!
કામધેનુ ગાયઃ આર્ય જાત ભરવાડ હતી. એમને માટે ગાય જ સર્વસ્વ હતી. ખોરાક, કપડાં, રહેવાના તંબૂ વગેરે જીવનની બધી જરૂરતો ગાયો જ પૂરી પાડતી. તેમનામાં જે ઉત્તમમાં ઉત્તમ ગાય હોય, તે કામધેનુ કહેવાતી, એવી ધેનુ, કે જે (તે જમાનામાં) ઈચ્છા યોગ્ય પ્રત્યેક પદાર્થો પૂરા પાડે. એ સ્વર્ગ માં નહિ. પણ ધરતી ઉપર જ હોય. કેમ કે સ્થૂળ જરૂરતો બધી વ્યાવહારિક જગતમાં જ પડે. સ્વર્ગમાં, મનોમય જરૂરતો રહે, તેથી કલ્પ (મનોમય) વૃક્ષ કહ્યું.
જેવી રીતે મલબારમાં નારીયેળીને પુત્ર કહે છે, કેમ ક જીવનની બધી મુખ્ય જરૂરતો એ પૂરી પાડે છે, તેવી રીતે, ગાયને કામધેનુ કહી. આજે, તો વસિષ્ઠ પાસે હતી, ને કામભેંસ કહેવા જેવું છે. એવી ગાય વસિષ્ઠ પાસે હતી, ને જમદગ્નિ પાસે હતી. એને અંગે કેટલાં ખૂન ખુવારી થયાં. એના પુરાણોમાં ઢગલા વર્ણનો છે. આ બન્ને, સ્વરૂપની ગંધથી યે અનેક જોજન વેગળાં છે, બલકે, બરોબર તેની વિરૂદ્ધની કલ્પનાઓ છે.
ૐ તત્ સત્ ।
PAGE 86
“સારૂં થાય તો ઠીક અને ન થાય તો યે ઠીક.”
કાળચક્ર અવિરત, નિરપેક્ષપણે ચાલ્યું જાય છે, માનવી એમાં, પ્રારબ્ધને વશ, અસહાયપણે ખેંચાય છે. તેમાં એનો એક માત્ર નિરાંતવારો આધ્યાત્મિક ક્ષેત્રે રહેવામાં છે.
જીવન, એટલે જ આશા તૃષ્ણાનો સમુદાય, એ ખરૂં. પરંતુ પ્રત્યેક ઈચ્છા કે તૃષ્ણા જ નથી હોતી. જે સંસ્કારો લઈને જીવ અહીં આવેલો છે, તેને અંગે ઈચ્છા કે આશા-ઉમેદ તો સહજ પણે હોય. એ પ્રબળ થઈને કામના કે તૃષ્ણાનું રૂપ પકડે ત્યારે જ એ દુઃખ દેવા સમર્થ થઈ શકે. અને પરમાર્થમાં કે વ્યવહારમાં “સારૂં થાય તો ઠીક” એ વૃત્તિમાં અજુગતું હોઈ જ શું શકે? “સારૂં ન થાય” એ વૃત્તિ તો સ્વયં આત્માના સ્વભાવની વિરૂદ્ધની અનાત્મ હોય.
બધા જ શરીરો પોતપોતાના પ્રારબ્ધને અનિવાર્ય રીતે આધિન છે, અને આપણે તો પ્રારબ્ધની પર, આત્મસ્વરૂપમાં સ્થિર થવાના ઉમેદવાર છીએ, તેથી પ્રારબ્ધને અને દેહોને તેમના કંટ્રાક્ટ પૂરવા, કરવા દઈને, આપણે એક આત્મસ્વરૂપે, પોતાની અંદર જ સર્વ આધ્યાત્મિક સ્વજનોની તથા પરમાત્મારૂપી પરમ ગુરૂની હાજરી સમજીને, પ્રેમથી તેનું પૂજન કરીએ.
તમે બધા, તમારા વ્યવહાર, વેદાન્તનિષ્ઠ વ્યવહારની રીતે કરતા હોવા છતાં, અંદરથી આ અદેખી રસધન આત્મભાવનાને એવી તો વજ્રલેપ કરતાં રહેજો, કે અંતે એ એક જ શેષ રહે, ને બીજું બધું લક્ષમાંથી ખસી જાય.
ૐ તત્ સત્ ।
PAGE 87
“પાંચ ખોટા ભૂતોની આ ભૂતાવળ.”
આ બધું બહુ સુંદર દેખાય છે. ખરી વાત. પણ એનાથી મોહિત થવાનું બુદ્ધિમાન મનુષ્યને કેમ પાલવે? જરાક વિચાર કરતાં તરત ખ્યાલ આવે છે કે આખરે પાંચ ખોટા ભૂતોની આ ભૂતાવળ છે, ને તત્વે કરીને એમાં કશું નથી. પરંતુ તેથી શું? એ બધું છતાં યે, એ સુંદર છે, અની ના પડાય નહિ. જાદુના ખેલ જોનાર જાણે છે કે એ બધા ખોટા છે. છતાં તે જોનારને વિસ્મય પમાડે છે. તેથી એની કલામય ખૂબીની કદર એ જોનારે કરવી જ રહી. તો પછી માયાના ખેલની શી વાત થાય? એની કરામતોની વિસ્મયકારકતા આડે આંક કોઈએ દીઠો છે? એની કદર ન કરે તે નગુણો કહેવાય.
માટે, મસ્ત રહો! તમે કોણ છો! સ્વયં બ્રહ્મ, સ્વયં સાક્ષી, સચ્ચિદાનંદ સ્વરૂપ, આપણે કેવા હોઈએ?
“ભવિષ્યભાનુ સંદ્યત્તે નાતીતં શોચયત્યમી,
વર્તમાન નિમેષં તું હસન્નેવાનુ વર્તતે. ”
ભવિષ્યની ભાંજગડમાં જીવ ઘાલીએ નહિ, જે થઈ ગયું તેને યાદ ન કરીએ, ને વર્તમાન ક્ષણને પ્રસન્ન ચિત્તે અનુસરતા રહીએ! આપણને વળી કલેશ કેવા! ભાગેડુવેડા કેવા!
ખરૂં જોતાં મનુષ્યે સંસારમાં માત્ર જાદુનો ખેલ તમાશો જોવો છે. મનોરંજન પૂરતો જ. તેની સાથે મારા ખરા “હું” ને કશીયે અંગત નિસ્બત શા માટે હોય? બધો સમય, જગત પરત્વે, બધા જ દ્રષ્ટાદ્રષ્ટ પદાર્થો વિષે એવી જ વૃત્તિ નિરંતર રહે, એ સાધક માટે ધ્યેયોનો ધ્યેય છે, પરાયણ છે.
નિજાનંદની, સહજ અને નિરંતર આનંદની સ્થિતિથી વધીને જીવનમાં બીજું શું છે?
ૐ તત્ સત્ ।
PAGE 88
“કાળ ભગવાન”
કાળ એટલે? DURATION. એક ઘટના અને બીજી ઘટનાનો વચગાળો. વિકાર પરંપરા. વચગાળા પરંપરા. અંતરમાળા. SUCCESSION OF DURATIONS…. ૧૯૮૩નો ગાળો પૂરો થયો ને તરત તેનો વિકાર ૧૯૮૪ રૂપે થયો, હવે તેનો જીવનગાળો ચાલશે…. એમ અનિત્ય પદાર્થો, સંસરતા પદાર્થોના, નાશવંત ઘટનાઓના નિર્વાહોની ધારા…. પણ શું “નિર્વાહ”? શું “ઘટના”? શું “ધારા”? એ બધાને સાંધનાર શું? અરે, એ બધુંય, મૂળમાં શું?….. શ્વેતાશ્વતરના પ્રારંભમાં જ કાળ વિચારને વિચારીને પડતો મૂકવો પડ્યો છે. એમાં કંઈ નથી. કાળ ભગવાનનો ય જે કાળ છે, જેમાં કાળેય વિરમે છે. તે છે મારી પોતાની જ્ઞાન શક્તિ, જ્ઞય્તિ. તે નથી, તો કાળે નથી ને ભગવાને ય નથી. તેથી પ્રજ્ઞાન જ બ્રહ્મ છે.
सर्वाणि एतानि प्रज्ञानस्य नाम धेयामि.
બાકી બધાં ગપોડાં. ચિત્ત! જેની સાથે સત્ તો છે જ, અર્થાત્ ચિત પોતે સત્ છે, અર્થાત્ “છે” તેથી “જણાય,” ને “જણાય” તેથી “છે.” એ બે પર્યાય છે. તે એમાં કેટલી મઝા પડે છે!
શેક્સપીયરે કાળની જુદી જુદી ગતીઓ કહી છે. કોઈને માટે એ દોડે છે, કોઈને માટે એ ચાલે છે, કોઈને માટે એ ઢસડાય છે, ને કોઈને માટે એ જાણે કે ઊભો જ રહી જાય છે. જેવી જેના મનની સ્થિતિ. પરંતુ વાસ્તવમાં એ જેમ જાય છે તેમ જ જાય છે. અમારે માટે લંગડાય છે, તો યે જાય તો છે જ! કાળ ભગવાનની બધી કરામત છે! અને જે સમયે જે થાય છે તે ઉત્તમ થાય છે, એ અવિચળ શ્રદ્ધા….. એ ખીલે જે બંધાયો, તેના ચિત્તને શાંતિ સિવાય બીજું શું હોય? અસ્તુ.
ૐ તત્ સત્ ।
PAGE 89
“દંભ”
વ્યવહાર જીવનમાં તે વગર એક ડગલું યે ભરાય છે ખરૂં? જે તે ક્ષણની અંતરની સાચી ભાવનાને ઢાંકી દઈને, તેથી અન્યથા પ્રકારનો બાહ્ય વર્તાવ કર્યા વગર ગૃહસ્થી કે ત્યાગી કોઈનો ય વ્યવહાર જરાય નભી શકે ખરો? સમગ્ર બાહય જીવન દંભની જ તૈલધારાન્ત ધારા છે, કે બીજું કંઈ!
ઉપચાર! “શિષ્ટાચાર” એટલે માનવીના સમાજ રૂપે નિર્વહન અર્થે યોજેલી દંભ-વિદ્યા. શિષ્ટ=શીખવો પડેલો, એટલે કે સાચો અને સહજ નહિ તેવો, અસહજ, કૃત્રિમ આચાર. “વિચાર” તો તેની ઓથે સંતાએલો જે હોય તે!…. આ વિષય ઉપર કેટલું બધું નોંધી શકાય! એની ચકાસણી જીવનમાં કરતા રહીએ, તો જીવનની એકેય વ્યવહાર યુક્ત પળ એમાંથી બચે ખરી? કોણ દંભ નથી કરતું? જન્મથી જ દંભની તાલીમ શરૂ થાય છે. ભવોભવથી ચાલી આવેલી હોય છે, તેથી એ અમુક હદે સ્વભાવરૂપી બની ગયેલી હોય છે. અવિવેકીને તેનો ખ્યાલ પણ ન હોય, પણ વિવેકી, વ્યવહારના નિર્વાહ અર્થે આવશ્યક તથા સમાજ માન્ય અને શક્ય તેટલા નિર્દોષ પ્રકારના દંભ કર્યા કરતો હોવા છતાં, એમાનું રજેય એની નિર્મળ સાક્ષી દ્રષ્ટિની બહાર રહી જવા પામે જ નહિ. જો કે આ બાબતમાં યે જ્ઞાની તેમ જ અજ્ઞાનીનો બાહ્ય વ્યવહાર સમાન જ ભાસવાનો. ભલે ને ભાસે! પોતાનું સ્વ જીવન ક્યાં અન્યના અનુમોદન ને અવલંબે છે! તે “અન્ય” છે જ કોણ તે? – કે જેના અનુમોદનની વિવેકી અપેક્ષા કરે!
ૐ તત્ સત્ ।
PAGE 90
“પ્રકૃતિઃ ત્વાં નિયોક્ષ્યતિ”
સારા કે ભલા કામમાં, સદવૃત્તિ કે દુર્વૃત્તિમાં, સાધુને કે સંસારીને, બાહ્ય વ્યવહારમાં તો “પ્રકૃતિઃ ત્વાં નિયોક્ષ્યતિ” જ! કોઈ શું, કે હું શું, દરેક શરીરધારી – પ્રારબ્ધધારી, એ પરમ-આત્માની એટલે કે સ્વયં પોતાની જ “માયા” થી વ્યવહારમાં તો “પર” થઈ શકે જ નહિ. નહિ, તો એ મનુષ્ય જ નહિ! એનું શરીર જ વિદ્યમાન ન રહે, કેમકે તન અને કર્માનુસારી બુદ્ધિરૂપી મન સ્વયં પ્રકૃતિ છે, એને વેગળું કરવું, એટલે? એટલે જ મોક્ષ! જીવનમુક્ત પણ વ્યવહારમાં તેનાથી પર નહિ. એ તો વિદેહ મોક્ષનો અધિકાર. એટલો જ એ “બે” “મોક્ષો” નો ફેર, એટલા પૂરતી જ બે સંજ્ઞાઓ અવકાશ પામે છે. કૃષ્ણે જ્યારે એ ત્રણ શબ્દો કહ્યા ત્યારે એણે ઘણું કહ્યું, SAID A MOUTHFUL INDEED. જે સમજે તેને માટે છે, બાકી તો, “ક્યા આગે નજીર! ઓર કહે? અજી, કૌન સમઝને વાલા હૈ!”
ખરી વસ્તુમાં કશું કહેવાનું નથી. તેમાં આઘું-પાછું, ઓછું વત્તું, કંઈક વિશેષ=વિકાર થાય, ત્યારે જ કંઈયે કહેવનું ઉભું થાય. – વાચાને આરંભ માટે અવકાશ થાય. અને વાણીનો ઉપયોગ થયો, ત્યાં અવશ્યમેવ જાણવું કે વિકાર છે. કેમ કે મનની નિરૂપાધિક શાંત સ્થિતિમાં વાણી નથી, પણ તરંગ, સંકલ્પાદિ વિકાર સાથે જ વાણી વિલસે છે, તે વગર નહિ, માટે, બોલવું, એ બગડ્યું હોવાની નિશાની છે.-અચૂક. માટે જ બોલવું એટલે બગાડવું નહિ. પણ બગડેલું હોવું જ. બોલ્યા વગર બગડે જ નહિ. WORDS, WORDS, WORDS!
વાસના રહિત મૌનથી વધીને બીજી કોઈ વસ્તુ નથી. અભ્યાસ મોટી વસ્તુ છે, તેને કદી પણ નહિ છોડતાં વધાર્યા જ કરવો જોઈએ કે જેથી વિક્ષેપના ભયને અવકાશ જ ન રહે.
ૐ તત્ સત્ ।
PAGE 91
“માયાની ઉપાસનામાં “ચમત્કાર””
આજોલથી ત્રણેક ગાઉ ઉપર ચરાડા નામે ગામ છે. ત્યાં એક અરાડેક વરસનો છોકરો છે, તેને બે વરસથી માતા આવે છે, બે વરસથી કશું જ, પાણી સરખું ખાધું પીધું નથી, ને લેવાતું પણ નથી, તરત નીકળી જાય છે. આવેશ પછી મોં લાળથી એવું ભરાઈ જાય છે કે અડધો કલાક સારૂં કરતા થાય છે. આવેશ ગમે ત્યારે, દિવસમાં બે-ત્રણવાર કે ત્રણચાર દહાડે પણ આવે. હિસ્ટીરીયાવાળા ને સ્પર્શ કરતાં મટી જાય છે. કુંડલિનીનું જાગ્રત થવું કોઈવાર અકસ્માત કે પછાડ લાગવાથી પણ થઈ જાય છે. એ દાખલો નજરે જોયો હતો. આનું પણ એવું જ નીકળ્યું. – ૮-૧૦ વરસ પહેલાં એને એક ઝાડ નીચે જતાં મોટી ડાળ તૂટીને એના ઉપર પડી હતી, ને શરીર ને વાંસા ઉપર સખત માર લાગ્યો હતો!
શિવ, શક્તિ, કુંડલિની, એનું જાગ્રત થવું, તેના ઈષ્ટાનિષ્ટ પ્રકાર, માતાના પતિનું મહાત્મ્ય, અંતિમ લક્ષ્ય ઈતર ને સમજાવ્યું, ને ભાવપૂર્વક એણે સાંભળ્યું. ચરાડમાં તો મોટી જાત્રા થઈ પડી છે, કહે છે કે એકવાર કોઈ “શંકરાચાર્ય” ને પણ બોલાવીને તમાશો કર્યો હતો. માતાની કલ્પના સાથે સંકલિત જે જે માન્યતાઓ એ કક્ષાના વર્ગોમાં પ્રચલિત છે તે બધું એને થાય છે.- ખૂબ કંકુ મુઠીમાંથી નીકળ્યા કરવું, ગરબા ગરબી ગાવાં, માંદા ને સાજા કરવાં, જવાબો દેવા ઈતર ઈતર એ તો કહે છે કે જ્યારે આવેશ આવે છે ત્યારે ભાન જતું રહે છે, ને શું થાય છે તેની કશી ખબર રહેતી નથી. પૂર્વના પૂણ્ય તથા ઉપાસના – સાધનનો સમય પાકવાથી આ ફળ પ્રાપ્ત થયું છે, તેનો શ્રેય અર્થે ઉપયોગ કરી લેવા, તથા કોઈ પણ “સિદ્ધિ” નો જાત માટે ઉપયોગ નહિ કરવા શીખ આપી. આ બધી “સિદ્ધ-સાધક”ની લીલા પણ હોઈ શકે…. હશે. અમુક હદ સુધી ખરૂં હોવાનું માનવાની મારી તો વલણ છે, કેમકે માયાના સામ્રાજ્યમાં, માયાની ઉપાસનામાં “ચમત્કાર” પરત્વે આશ્ચર્ય શા માટે હોય? ચમત્કાર સ્વરૂપીણી માયા શું ન કરી-કરાવી શકે? લપોડશંખનું નાટક છે, આ બધું. તેમાં દરિદ્રતા શા માટે હોય?
PAGE 92
“મર્યા પછી જીવ ક્યાં જાય છે?”
એક મઝાઃ—આટલા વરસોથી અહીં કથા પ્રવચનો, વેદો, વેદાન્તના પાઠો, પંચદશી, સિદ્ધિઓ ઈતર ના નિયમિત અભ્યાસ પછી એક ભાઈએ આવીને મને પૂછ્યુઃ “સ્વામીજી, એ બધું ખરૂં, પણ મર્યા પછી જીવ ક્યાં જાય છે? ને કેટલા વખત પછી શરીર લે છે?” અગાઉ પણ આવી પૃચ્છાની નોંધ કરી છે, ને ઘણાં કરે છે. એ તો, ગમે તેટલા ઠેકડા મારવા છતાં, દરેક જીવ પોતાની અધિકાર મર્યાદામાં જ રહી શકે છે, નહિ તો આત્માનંદજી જેવા સાધુ શિરોમણી પચીસ વર્ષના કેવલાદ્વૈતના અખંડ સેવન પછી સ્વામી નારાયણ તરફ ઢળી જવાનો પ્રસંગ કેમ આવત? ખરેખર આ બિચારો શુદ્ધ નિષ્ઠાવાન હોવા છતાં પણ વેદાન્તના જે જીજ્ઞાસુઓનાં ટોળાં છે, જેમાંના ઘણા કહે છે કે “પરોક્ષજ્ઞાન તો મળી ગયું, હવે જરાક અપરોક્ષ બાકી છે, તે બતાવી દ્યો, એટલે અમે પૂર્ણ થઈ જઈશું,” ને કેટલાક તો પોતાને પાર થઈ પણ ચૂકેલા માને છે, તેમાંના લગભગ ૯૯ ટકાને વેદાન્તના વ નું ય ભાન નથી, ને માત્ર પારીભાષિક શબ્દોની વાયડાઈ કૂટે છે. બરણી ઘી નો સ્વાદ ન જાણે, તેમ, ચીકણી ભલે રહે. પણ તેની ભીતરી અસર કોઈ કાળે ન થાય.
શું વિચિત્ર દુનિયા છે! શી સંસારની માયા છે! શો બોધ! શા ઉપદેશ! ઢોંગ-ઢોંગ-ઢોંગ! જાણતાં, અજાણતાં – મોટે ભાગે જાણતાં છતાં નહિ જાણતાં હોવાનો પોતાની સાથે પણ) ઢોંગ કરીને, જગત સાથે ઢોંગ કોણ નથી કરતું? ઢોંગ!…… એનું થાય શું?…… અને કેવી ભયંકર નાગી આત્મવંચના! વાહ નાટક વાહ! એમાં હું યે મારો ભાગ ભજવું છું.
ૐ તત્ સત્ ।
PAGE 93
“માનવી બીજાને જેવું બતાવે છે, તેવું જ પોતે દેખે છે.”
કોઈ પણ મનુષ્ય પ્રત્યેસંપૂર્ણ પણે માન તથા પ્રેમની ભાવના જાળવીને તેના અમુક કોઈ કાર્યનો વિરોધ કરવો કેટલો મુશ્કેલ છે, તે અનુભવથી સૌ કોઈ જાણે છે. અને એવો શુદ્ધ ભાવ હોય, તો યે પક્ષે તેનો સ્વીકાર થવાની આશા ઓછી રહે છે.પરંતુ આવા ગેરસમજુતના ભયથી ડરીને ન્યાય અને સત્યનો રાહ ગ્રહણ કરવાથી વેગળા રહેવું, એ કોઈને ય ન શોભે.
સ્વચ્છ પાણીની ડોલ છે. તેમાં ગંદકી પડી. એ પાણી આપણને અનિષ્ટ નથી. પણ એ ગંદકી અનિષ્ટ છે. પરંતુ ગંદકી ને ફેંકી દેવા માટે ના ઈલાજે પાણી પણ જાય તેમ છે. તેથી, એ પાણી પ્રત્યે કશા પણ દ્વેષભાવ વગર, ગંદકી કહાડવા માટે અનિવાર્ય હોવાથી, એ પાણી પણ ફેંકી દેવું પડે છે. બીજે પક્ષેઃ- મારે અમુક સુગંધ રૂપી ગુણની જરૂર હોય. પણ એ સુગંધી કે એ ગુણ અમુક વસ્તુ કે વ્યક્તિથી ભિન્ન અપ્રાપ્ય છે. તેથી, એ વસ્તુ કે વ્યક્તિ ઈષ્ટ ન હોય તો પણ, તેનો ગુણ ઈષ્ટ હોવાથી, જો મને પૂરતી ગરજ હોય તો, એ ગુણની સાથે ગુણીને – તેના પ્રત્યે રાગ ન હોવા છતાં – સ્વીકારી લેવો જોઈએ.
જગતના પદાર્થો તેમ જ વ્યક્તિઓ સાથેના વ્યવહારમાં આ વિવેક હોવો ઘટે છે. “માનવી બીજાને જેવું બતાવે છે, તેવું જ પોતે દેખે છે.” આ નાનકડા વાક્યમાં ઘણું બધું રહેલું છે.
PAGE 94
“પ્રારબ્ધ નામક નિયતિ”
અરે, નિમિત્ત પણ કોણે થવું ને કેવી રીતે, તેય નિયત સમજવું પડે, કેમકે વર્તમાન શરીરના ભોગના સંબંધમાં પ્રારબ્ધના નિયમનું તર્ક શુદ્ધ સ્વરૂપ સંપૂર્ણ નિયતિ જ થઈ શકે. પુરૂષાર્થ કેવળ મનની કેળવણી પૂરતો છે, ને તેનોય મોટો બધો ભાગ તો એ નિયતિનો જ ઉપજીવી છે. જે સ્વતંત્ર છે, જેને વિવેકબુદ્ધિ કહે છે, તે તો છેક ઊંડી, સંતાઈ-દબાઈને પડેલી, કર્માનુસારિણી બુદ્ધિના ડહોવાતા પ્રારબ્ધ વાયુના ઝપાટાઓથી અવફાપણે ક્ષુબ્ધ રહેતા સ્તરોની ધાંધલ ધમાલની નીચે, ગુહામાં લપાઈને શાંત બેઠેલી, સૂક્ષ્મ છે. પ્રારબ્ધવશ વૃત્તિ-ઉર્મિઓના કોલાહલ તથા મોટા મોટા નિરન્તર ઉછાળાના દ્રષ્ટિને ભરી દેતા દ્રશ્યમાં, એ નથી ભાસતી, ને નથી સંભાળતી. પ્રથમ તો, એ છે, એવી ખબર જ પડવી મુશ્કેલ છે. પડ્યા પછી, એને બહાર આણવાની વૃત્તિ થવી વિરલ છે. વૃત્તિ થવા છતાં તેને પ્રકટ કરવાના સાધનોનો વિચાર કોઈકને જ પૂણ્ય સંસ્કાર ઉદયે થાય છે. એવા સદ્વિચાર ભાગીમાંથી કોઈક જ તે માર્ગે પ્રવૃત્તિશીલ થાય છે. તેવા યતમાનોમાંથી કોઈક જ તેમાં નિશ્ચિત નિષ્ઠાપૂર્વક લાગી રહે છે, ને તેમાં પણ કોઈક જ છેક અહીં સુધી પહોંચતા પ્રારબ્ધવશ વર્તી વૃત્તિઓના ધક્કા-ધાંધળની પરવા ન કરતાં પ્રચંડ પુરૂષાર્થ વડે તેને તુચ્છકારીને પાર જઈ ઉભે છે…. અભયપદને પ્રાપ્ત થાય છે. એવી બળવાન આ પ્રારબ્ધ નામક નિયતિ છે, કે એ ભલભલા અહં મન્ય જ્ઞાનીને, ને ઘણા પ્રમાણિક છતાં કાચા જ્ઞાની કે જે પોતાના કોમલ કંટક ન્યાયાનુસારી કાચા જ્ઞાનની કચાશને જાણતા નથી તેવાઓને પણ ધ્યેયચ્યુત કરી નાખે છે, ને ધ્યેયચુસ્તતાને હલાવી મૂકે છે.
વર્તમાનમાં જે છે, તેની સાથે જ આપણને તો નિસબત હોય ને! ભૂત અને ભવિષ્ય….. એક ગયું, ને બીજું આવ્યું નથી! જે છે જ નહિ તેનો અફસોસ કે વિચારે ય શો? ને જે “છે,” તેના વિષે “છે” કહેતાં કહેતાં તો તેય “હતું” થઈ જાય છે, ને અસ્તિત્વમાંથી ઉડી જઈ તત્કાળ અશોચનીય બની જાય છે, ત્યાં કશાય સંકલ્પ વિકલ્પને વાસ્તવિક અવકાશ જ ક્યાં રહ્યાં તે છે…..
ૐ તત્ સત્ ।
PAGE 95
“ભવોભવનો ભીખારી!”
માણસે,-કે કોઈ પણ જીવે, ભીખ માંગ્યા સિવાય બીજું કર્યું છે જ શું? જો કર્મના નિયમમાં અને તેને અંગે પુનર્જન્મમાં માનતી હોઈએ તો, વાસનાઓ પૂરી કરવા એક યા બીજા પ્રકારનો જન્મ માંગ્યો જ હશે, અને મળ્યો હશે કર્માનુસાર. તે પછીનો ક્રમ તો પુનર્જન્મમાં કે કર્મફલમાં માનનાર તેમ જ ન માનનાર સર્વ માટે સમાન છે. જો શાસ્ત્રો સાચાં હોય ને ગર્ભમાં પણ ભાન જેવું હોય તો, પ્રથમ તો બહાર નીસરવા માંગ્યું હશે જ. બહાર આવીને તરત જીવવા માટે રાડ નાખી હશે.- માતાનું સ્તન માંગ્યું હશે. પછી શરૂ થઈ હશે ભીખ પરંપરા! આપણને યાદ આવે તેટલા નાનપણનો વિચાર કરીશું, તો ભીખ સિવાય બીજું કશું નજરે નહિ ચડે. મા બાપ પાસેથી, સગાં સ્નેહિ પાસેથી, બસ માંગ, માંગ, ને માંગ! ખાવાનું, પીવાનું, પહેરવાનું, માંદા પડ્યે સાજા થવાનું. શરીરની જરૂરતોનું, મોજ શોખનું, વ્યસનનું, ભણવાનું, અભણ રહેવાનું…. પરણવાનું, સંતાન થવા કે ન થવાનું, સાંસારિક બધા જ ભોગોપભોગનું…. વિચારો તો ખરા! ભીખ, ભીખ ને ભીખ! કોઈની ને કોઈની પાસે! કોઈ માનવી ન આપી શકે ત્યારે ઈશ્વર જેવી કોઈ સવડ પડતી કલ્પના કરીને તેની પાસે, દેવદેવલાં પાસે, પીર મુનવર પાસે, સાધુ-જોગી-જોગટાં પાસે, બેશરમથી, નફટાઈથી, શરમાતાં શરમાતાં કે છાનાં છપનાં પણ માગણવેડા સિવાય પશુ, પંખી, માનવી કે દેવે બીજું પ્રતિપળ કર્યું છે જ શું?….. નોકરી, પગાર, બીઝનેસ, ઘરાકી, મહેરબાની, કીર્તિ, યશ, બળ,….. “સુખ” જેમાં હોવાનું કલ્પી શકાય તે બધી જ લાખ્ખો નાની મોટી સ્થૂલ –સૂક્ષ્મ વસ્તુઓની ભીખ જ બસ માંગ, માંગ ને માંગ! ભીખ્ખારી! ભવોભવનો, જીવન ભરનો! તેથી અત્યારે જે ભીખ માંગવાનો હક મેળવી બેઠો છું, તે તો એ અનાદિ ભીખારીવેડાનું સન્તાન માત્ર છે, એનો જ તન્ત આગળ ચાલી રહેલો છે. તેથી જ, વાસ્તવમાં સંન્યાસીને જે “ભિક્ષા” નો હક છે, તે ભિક્ષાનો અર્થ “સહજ પણે જે પ્રાપ્ત થાય તે,” એવો કરવો ઘટે. એવો જ છે, પરન્તુ ભીખના ભયંકર અનાદિ સંસ્કારોના નગારામાં એ નિસ્પૃહ “ભિક્ષા” ની તતુડી મનભાઈને સંભળાવી કાડી થઈ પડે છે…..
ૐ તત્ સત્ ।
PAGE 96
“નાન્યઃ પન્થાઃ”
ચિત્તના સંસ્કારો કેવા સજ્જડ હોય છે! મરજી વિરૂદ્ધ તેની સામેના સતત સજાગરૂ યુદ્ધ છતાં, જાગ્રત અવસ્થામાં પણ તે સંસ્કારો પોતાના વિષયોમાં મનને વારંવાર ખેંચી જાય છે, બેફામ રાખીને હાથ મારી જાય છે, અને તેના આક્રમણનું માણસને ભાન થાય તેટલામાં તો એ વિષય કે વિષયોને લગતા સંકલ્પ-વિકલ્પો તથા કલ્પના સૃષ્ટિઓના કીચડમાં એ કેટલોય ઉંડો ખૂંચી ચૂકેલો હોય છે. અને પછી, સ્વપ્નમાં તો એ માઝા જ મૂકે છે. કેવું યુદ્ધ! જીવ સાટેના જંગ છે, આ તો! ભાગ્યે જ કોઈ સિદ્ધ પુરૂષ પણ આ સંસારના કોરડાથી મુક્ત હશે.
ગીતામાં અર્જુન ચંચલ હિ મનોકૃષ્વા કહે છે, પરંતુ ચંચલતા મનનો સ્વાભાવિક ગુણ નથી. સ્વભાવતઃ એ શાંત, સત્વસ્થ જ છે. પૂર્વ સંસ્કારોના ધક્કા એને ચંચળ જેવું બતાવે છે. યુદ્ધ, ચિત્ત-મનના શમન માટે નહિ, પણ એ સંસ્કાર રિપુઓની જડ ડામવા માટેનું જાણવામાં આવે, તો વધારે કાર્યક્ષમ બને. અનાત્મના મિથ્યાત્વની સાનુભવ પ્રતીતિ વડે જ સંસ્કારો, પ્રવર્તતા છતાં, ડંખ રહિત થઈ જાય, અને અંતે પ્રવર્તતા જ બંધ જેવા બની જાય. બીજી કોઈ રીતે નહિ. આ સનાતન અનુભવ સિદ્ધ હકીકત જાણવી.
નાન્યઃ પન્થાઃ……… તમેન જ્ઞાત્વાતિ મૃત્યુમેતિ.
ૐ તત્ સત્ ।
PAGE 97
“ખંખેરી, ઝાટકી નાખો!”
જગત ને સંસાર, બંનેનો અર્થ થાય છે, જવા આવવાના વ્યવહાર.
સ્વરૂપ એ જ આપણું સ્વાભાવિક ઘર છે, ને તેમાં પડેલાં ખેદ-શોક-આંસુ, પાપમય વિઘ્નો છે. ખેદ વગેરે જેને કારણે થવા પામે, એ જ પાપ. અને જેનું ફળ ત્રણે કાળમાં પ્રસન્નતા રૂપે જે આવે, તેવા વાણી-વિચાર-વર્તન એ જ સત્ય પુણ્ય છે, શ્રેષ્ઠ મેલ નાશક સાબુ છે.
શોકનો વ્યવહારિક (ખરા મનનો કે ઓછા વત્તા બનાવ) પ્રસંગ આવ્યો, એ પાપનો જ પ્રસંગ છે. તમે તમારો ગીતાનો અ. ૧૨મો જાણો છો?…. અસ્તુ. તરત જ ખંખેરી નાખો, ખંખેરી નાંખો. મોં હાથ ધુઓ. કોગળા કરી લ્યો. મનમાં, ને થોડા તનના પણ ટોકન-સ્નાન કરીને પાછા સ્વસ્થ થઈ જાઓ. એ સાચું શૌચ છે.
મનમાં વિષયી, સારો માઠો, અમંગળ નબળો વિચાર આવ્યો. ચાર સાધનની લાઈનની બહારની કલ્પના થઈ….. કોઈ બે શબ્દો બકી ગયું. ને એ ન ગમ્યું…… સામો દુર્ભાવ થયો. તરત જ ઉઠીને એને ખંખેરી નાખો, ખંખેરી નાખો, ને પાછા પ્રસન્ન સ્વસ્થ સ્વરૂપ થઈ જાઓ. એ શોક કે અમંગળતાના જંતુઓ તમારા તનમાં, મનમાં, વસ્ત્રોમાં, ને વાતાવરણમાં એવા ભરાઈ, જામીને દિલમાં ઘર કરી બેસે છે, ને કાયમનું પાપ ગુમડું ઊભું કરી જાય છે, કે તમને તેનો ખ્યાલ પણ ન આવે. કેમ કે આ સ્થૂળ આંખે એ ઝીણું ઝેદ દેખાતું નથી. અડધી માળા, હાથ મોંનું ધોવણ, કોગળા, એક બે સ્તોત્રનું સ્વસ્થપણે બેસીને રટણ-પઠન કરો, તરત જ DISINFECT થઈ જાઓ! એમાંનું જે ઉપલબ્ધ હોય તે કરો, પણ પાપને ખંખેરી નાખો, વિચાર સુપડે ઝાટકી નાખો! જો એને જરા પણ મનમાં વસવા દીધું, સમસમવા દીધું, આસરો આપ્યો, તો જાણજો કે સીંધી ભાડુત પેઠો એ ચોંટ્યો! માત્ર લોહી નહિ પીએ, તમારૂં સઘળું શ્રેયસ હડપ કરી જશે. એને કેન્સર જાણજો. એ વધે, પછી કદી મટે નહિ.
એમાં, સામુ માણસ પોતાનું વ્યાવહારિક, સંસારી કે દેહને બીજે કોઈ સંબંધે પ્રિયતમ છે, કે સામાન્ય પરિચિત છે, કે ગમતું-અણગમતું છે – એ વિચાર સાવ અસ્થાને છે. ગમે તે હોય. સાશ્વત દેવ સ્વરૂપ, ભગવાન સ્વરૂપ હોય, તો યે એ પાપ નું વાહન નિમિત્ત થયું, એ પાપને ખંખેરી નાખો, એનું પ્રારબ્ધવશાત્ જે નિમિત્ત થયું હોય, તે વ્યક્તિને નહિ. કેમકે એ તો, તમે જ છો! સાબદા સાવધ થાઓ. હેત, પ્રીતના વાઘા ધરીને આવતા પાપથી ચેતતા રહો…. પાપ ગમે ત્યાંથી ગમે તે રૂપે આવે, તો યે, એ પાપ છે. ઝેર, એ ઝેર જ છે. એ ન ખપે. એમાં લાગણીવેડા, EMOTION, SENTIMENT,મમતા ને રજ પણ સ્થાન નથી. આ મનોમન ગુપ્ત સ્થિતિ છે, ને તે બતાવવાની નહિ, પણ છૂપી રીતે સંઘરવાની, ચિત્તમાંથી ક્ષણભર પણ નહિ વીસરવાની, તમારી આગવી ગુહ્યતમ મિલકત છે. રખે કોઈને એના વહેમ પણ આવે. વહેવાર ભલે વહેવારની રીતે થતો, પણ અંદરની ખબર રખે કોઈને પડી જતી!…… એ તમારી શ્રેષ્ઠ સુપડી છે, સાવરણી છે, પાપહરણી છે, શુદ્ધિકરણી છે, એના વડે, કશા જ અન્ય વિચાર કર્યા વિના, વિવેક પુરઃસર, પાપ નામેયે ખંખેરી નાખતા રહો. ખંખેરીને જ જંપો, ચૂપચાપ, પણ ચોક્કસપણે ચીવટપણે. જીવનમાં તમ, મન, સાંસારિક-વ્યાવહારિક પ્રસંગોમાં આ એક પ્રતિજ્ઞાને જાગ્રતપણે લગાડતા રહો-એમાં પ્રમાદ આળસ નહિ. ખંખેરો, ઝાટકો, રામનામ લેતાં જાઓ, ખંખેરતા જાઓ, અને કલેશ તથા આંતરિક ક્ષોભથી વિમુક્ત થતાં જાઓ. આ સિવાયનો, કલેશ પાર થવાનો કોઈ માર્ગ નથી.
વિચાર કરો કે કયા વસ્ત્રોમાં આપણે પાપ નથી કરતાં?….. શોક નથી કરતાં? જેને લીધે વહેલા કે મોડા ખેદ અનુભવવા પડે એવાં વાણી-વિચાર-વર્તન નથી કરતાં?…… પેલી કૈકેયીના શોકાગાર જેવી. ગમે તે વસ્ત્રને અમંગળ, અશુભ વિચાર કે વાણી વર્તન પાપમય કરી શકે છે. પાપને, અમંગળને, અશ્રેયને તેના કોઈ પણ રૂપમાં બસ ખંખેરી નાખો, બીજી વાત નહિ.
ૐ તત્ સત્ ।
PAGE 98
“મિથ્યાનો પણ કસ કાઢો”
દરેક વસ્તુનો, દરેક શબ્દનો, જો ખરો કસ લેવો હોય, તો તેમાં રસને પણ, એકથી વધારે દ્રષ્ટિએ સમજવા બુદ્ધિ કસવી જોઈએ. માત્ર સ્થળ પ્રત્યક્ષ કે રૂઢી-રિવાજના અર્થથી સંતોષાતા ખરી મજા તો MESS થઈ જાય. સ્થૂળ ચાલુ, સૂક્ષ્મ વૈચારિક, ભાવાર્થ. અને સૂક્ષ્મેતર આધ્યાત્મિક (પારમાર્થિક). એમ ત્રણ પ્રકારે જે જાણ્યું, તે જ જાણ્યું ને માણ્યું. બાકીનું બધું સમજવું તે કૂતરે ખડ ખાધા જેવું જાણવું! પશુ સહજ પ્રકૃતિથી જાણ્યું. માણસને છાજતાં વિવેક કે સમજથી નહિ.
તમે કૂતરાને કદી લીલા ઉગેલા ઘાસમાં મોં મારતાં દીઠા છે? વાઘ, બિલાડી, કૂતરાં, પંખી- બધાં લીલું ઘાસ અવારનવાર ખાય છે, કેમકે જઠરને માટે એની અનિવાર્ય જરૂર રહે છે. પણ તે એમનો કુદરતી આહાર ન હોવાથી, અહીં-તહીંથી તોડે. એમાં રીતસર ખાવાપણું કે પદ્ધતિ ન હોય. એના જેવું. અને ગાય હોય, તો પદ્ધતિસર ખાય, ને ઘાસનો પૂરો કસ કાઢે, વાગોળે, પચાવે…… એવી રીતે, દ્રશ્ય ને શ્રાવ્ય ને પદ્ધતિસર જાણવું – માણવું. ને બની શકે મિથ્યાનો યે કસ જોશો, તો તમને ત્યાં જ રસમાં લઈ જશે.
આપણે સંસારને પણ કૂતરે ખડ ખાધા જેવો જ ભોગવીએ છીએ કે નહિ- લગભગ દરેક બાબતમાં? પણ વેદાન્ત કહે છે, કે એ કંઈ “માણસ જીવ્યો” કહેવાય નહિ. “પશુ જીવ્યું” થયું. માટે વિચારો, વિચારો કસ કાઢો ને રસ પામો. કયો રસ? પેલો “रसो वै सः” તૈતિરીય ઉપનિષદે કહેલો! આ “रसो वै सः” એટલે શું?
તમે એ (તૈત્તિરીય) ઉપનિષદમાં બીજી વલ્લીનો
PAGE 99
“આધાર – ગરજ”
પોતાની સવડ કે પોતાના આંતરિક સુખ માટે કોઈની કે કશાની પણ, જેટલી ગરજ રાખવામાં આવે, તેટલું કલેશ અને દુઃખભાવને માટે ક્ષેત્ર વધે છે. એને ગરજ, જરૂર, ટેકો, આવશ્યકતા, આલંબન, અવલંબન, આધાર…. એવાં એવાં નામો અપાય છે. અને એની અનિવાર્ય જરૂરતનો સ્વીકાર પણ થાય છે. અને ખરી વાત તો એ છે, કે જીવનું વ્યવહારિક જીવન, કોઈ પણ ક્ષેત્રમાં કશાના ને કશાના, કોઈના ને કોઈના ટેકા કે આલંબન વગર અશક્ય છે. પરંતુ, જરા સાક્ષી દ્રષ્ટિ કેળવીને, એવા આધારોની જરૂર જેટલી ઓછી કરી શકાય, તેના પ્રમાણમાં દુઃખ-કલેશને જીવને માથે ચઢી બેસવાનો અવકાશ ઓછો મળે.
સાચી વાત એ છે, કે આધારની ટેવ ઓછી કરી નાખો. અમુક વ્યક્તિ કે વસ્તુ વગર નહિ જ ચાલે, એ ગાંઠ જ્યાં સુધી મનમાં દ્રઢ રહે, ત્યાં સુધી કદાપી સ્થાયી પ્રસન્નતાની આશા ન રાખવી. કેમ કે તેવું બને જ નહિ. તમે આ કબુલ કરશો. પણ એક તો, એ તમારાથી નહિ બને. અને બીજું એવું ગરમળપણું ઓછું કરવાનું તમને ગમશે પણ નહિ. કેમકે એમાં અમુક લાગણીવેડાનો ભાગ રહે છે – અમુકની મને ગરજ નથી, કે એના આધાર વિના મને ચાલશે, એવો વિચાર પણ પોતાને આઘાતજનક લાગે, કે હાય, હાય, એ તો નઠોરતા, લાગણી શૂન્યતા કહેવાય.
પણ જેને સુખી થવું છે, સાક્ષીભાવની એક જ ગરજની સહાયથી અન્ય સર્વ ગરજોનો જેને નાશ જ કરવો છે, તેને એવા સંસારી અહંતા-મમતાના કલેશ ભરેલા લાગણી વેડા ન ખપે. ત્યાં માત્ર વિવેકશીલ વૈરાગ્ય જ કામ લાગે. વેદો કહે છે કે “દુઃખથી પાર થવાનો અન્ય કોઈ માર્ગ છે જ નહિ.” તે આ. જરૂરતો, આધારો, આલંબનો વગેરે ને નામે ઓળખાતી ગરજથી મુક્ત થતાં જાઓ, બુદ્ધિપૂર્વક તેનાથી છૂટતાં રહો.
પતિ, પિતા, પુત્ર મિત્ર….. એમની સાથેના કર્મફળના ઋણાનુબંધો જ એ ગરજ ના ભાવોને ન હોય ત્યાંથી ઉભા કરીને, પ્રારબ્ધના ગાડાને ગબડાવે છે, અને તેમાંનું એક પણ સાચું નથી, એવી સ્પષ્ટ દ્રષ્ટિ કેળવતા રહેવાનું, ને (IN THE WORK-A-DAY WORLD) વ્યવહારમાં કહેવાતા આધારો, ટેકાઓ, આલંબનો ખુશીથી બરોબર સાભાર સ્વીકાર કરતા રહેવા છતાં અંદરથી પોતાની નિરાલંબ એકલતાના છૂપા દ્રઢ નિશ્ચયની ખૂટીને જરા પણ ન હાલવા દેવી. સ્થૂળ જીવનના બધા જ આધારોની જડ સાક્ષી-દ્રષ્ટા-અસંગ ભાવ વડે કાપતા રહો.
પરમાત્મા, પરમાત્મા છે, કેમકે એ નિરાલંબ છે. અને પરમાત્મા ત્યારે જ જીવ બની જાય છે, કે જ્યારે એ આલંબન ગરજ, અને ટેકાની ગરજ કરવા લાગે છે. વ્યવહારમાં પણ ૭ મો અનુવાદ જોશો એને આગળ પાછળનો જરા સંદર્ભ જોશો તો જણાશે, કે ગુરૂ શિષ્યના પ્રશ્નોત્તર છે. ગુરૂ કહે છે, કે “આ બધું પહેલા કેવળ બ્રહ્મરૂપી સત્ હતું. તેમાંથી આ જગતરૂપી અસત્ ઉત્પન્ન થયું.” ત્યાં શિષ્ય શંકા કરે છે, કે સત્ એટલે વિદ્યમાન. આ જગત વિદ્યમાન, તેથી જીવનના અનુભવમાં સત્ છે, અને તે પહેલાં ન હોતું, તેથી તેના પહેલાં જે હોય, તેને અસત્ કહેવું પડે ને? આ સત્ શબ્દનો લૌકિક અર્થ થયો. ગુરૂ ધીરજથી કહે છે, કે ભલે, તારી નજરે પહેલાં અસત્ (સ્થૂળ હયાતિ વગરનું) હતું. ને તેમાંથી આ સ્થૂળ પ્રત્યક્ષ સત્ થયું. (એટલે કે એણે પોતે પોતાને તેવે રૂપે પ્રકટ કર્યું.) એમ માનો, તો યે, સત્ કહો કે અસત્, આ સર્વનું એક મૂળ જે હતું તેને અમે બ્રહ્મ કહીએ છીએ, અને આ સર્વનો રસ એ જ છે. “રસો વૈ સઃ” (વૈ=ખરેખર, રસઃ આ સર્વનો રસ=સાર. એ બ્રહ્મ જ છે,) એમ સત્ય કહો કે મિથ્યા કહો, સર્વનો વિવેકથી કસ કાઢવામાં આવશે, તો તે તમને એ સત્ બ્રહ્મ “રસ” રૂપ જ જણાશે. તેથી કહેવાય છે, કે વાહ કેવું સરસ “સત્” બનાવ્યું! એમ ત્વે કરીને મિથ્યા જગત પણ સ-રસ જ છે.
એમ જે સમજે, તેને જ સાચો આનંદ છે. એમ તત્વતઃ જગત અને બ્રહ્મનો તથા જીવ (કે જે જગતનો જ એક ભાગ છે તે) નો બ્રહ્મ સાથેનો અભેદ સમજે, તે જ સાચો આનંદ માણે. પણ જેને તે બે વચ્ચે રજ જેટલો પણ ભેદ જણાય, તેને નસીબે ભય જ રહેવાનો, ગમે તેવો વિદ્વાન, પણ આ અભેદ-રસને નહિ જાણનારો કશાથી ને કશાથી બીતો જ રહેવાનો. તેથી જીવનનો પદે પદે વિચાર કરીને કસ કાઢતા રહો – રસ નિચોવ્યા કરો.
“આનંદ બ્રહ્મણો વિદ્વાન વિભેતિ કદાચન – ક્રતશ્ચન.”
“બ્રહ્મના આનંદને જાણનારો કદી પણ ભય પામતો નથી, ક્યાંયથી પણ ભય જાણતો નથી.”
ૐ તત્ સત્ ।
ગરજ રાખો, ત્યારે સ્પષ્ટ સત્ય સમઝીને રાખજો. વિવેકશૂન્ય નહિ. કઠણ છે. પણ કરવા જેવું એ એક જ છે. આવી આંતરિક સ્થિતિનો જો કોઈ ન્યને અણસારો પણ આવ્યો, તો વ્યવહારમાં દુઃખના દાડા જાણજો! આ ગુપ્તમાં ગુપ્ત રાજ વિદ્યા રાજ ગુહ્ય છે.
સુખ એટલે ચિત્તની, અને તેથી જીવનની સમતુલા. એ સચવાય તે માટે, જીવનના પ્રત્યેક ક્ષેત્રે જાતજાતની હાર, ને જાતજાતના માર પણ એવાં જરૂરી છે કે ન પૂછો વાત! અને ઈશ્વરની કૃપા છે, કે એ કંઈ શોધવા પડતા નથી. એની મેળે આવી પડે છે!
ૐ તત્ સત્ ।
આત્મા સ્થૂળ નથી, સૂક્ષ્મ નથી, એ દેહ વગરનો, સ્થાન વગરનો ઈતર. અનેક રીતે શ્રુતિઓ જે કહે છે, તેની સમજ વડે પણ એનું સત્ય સ્વરૂપ ગ્રહાય છે. પરંતુ એવું ક્યારે બને? પાછળ કહ્યું તેમ વિવેક બુદ્ધિ વડે ગ્રહાય છે. વિવેક બુદ્ધિ પોતપોતાની રીતે મનુષ્ય માત્રને હોય છે, પરંતુ તેમાં જે અગણીત વાસના અને આવેશોની ગાંઠો પડેલી હોય છે તેનાથી બુદ્ધિ ને મુક્ત કર્યા વિના એ બુદ્ધિ અને ગ્રહણ શક્તિ સાવ વ્યવહારીયા રહે છે.
હરદ્વાર ૨૦-૨-૧૯૫૩
માયાપુરી આગળ પગે ચાલતો આવતો હતો ત્યાં એક વૃદ્ધ પંજાબી સાધુ મળ્યા. ઉદાસી પંથના હતા. મને કહે, આત્માનું સુખ બતાવો. આત્મા અનુભવ્યો કોણે? પુસ્તકોમાં લખ્યું છે બધું, પણ માણ્યો કોણે? જેમ દાક્ટર કે વકીલ પુસ્તક વાંચીને પરિક્ષા આપીને દાક્ટર કે વકીલ થાય. પણ પછી એ ધંધાનો અનુભવ કરીને જે કહે તે ખરૂં હોય, તેમ માણસ પુસ્તકો વાંચી, દીક્ષા લઈને સાધુ થાય, પરંતુ તે પછી અનુભવ કરીને જે બીજાને બતાવે તો જ તેનું સાધુપણું સાચું હોય. તેથી મને આત્મા બતાવો અથવા કોઈ એવા મહાત્મા બતાવો કે જે મને સાક્ષાત્કાર કરાવે…. મને એમાં વળ લાગ્યો. ઉદાસી હોઈ સંન્યાસીની ઠેકડી કરવાના ચાળા જેવું લાગ્યું. મેં કહ્યું, હું પણ એ જ ખોજમાં છું!!!
PAGE 100
“જોઈએ” ના ઝગડા
 આ લખાણ હિતેચ્છુના દિપોત્સવી અંક 2036માં આવી ગયો. – OCT 1783.
 વિદ્યાઓ આજે જેટલી ફાલી-ફૂલી-વિસ્તરી રહી છે, જેવી કદી નહોતી.
 કલેશ કંકાસ-ખાઉં-કરડું- પણ અપૂર્વ પ્રકારે ફાલ્યા છે.
 કંઈ કાર્ય કારણનો સંબંધ હશે? કંઈ સમવાય સંબંધ હશે.
 વિચાર કરવા જેવું છે – વિદ્યા તે અભીષ્ટ વસ્તુ છે, કે દુષ્ટ?
 પાશ્ચાત્ય પુરમ – FORBIDDEN FRUIT. વિદ્યા વૃક્ષનાં ની વાત ખરી જાણવી?
 વિચારતાં લાગે છે કે કદાચ એ વૃક્ષનાં ફળ ની આકાંક્ષા જ વૃક્ષને તથા ફળને દુષ્ટ કહેવડાવે છે-કરાવે છે.
 વિદ્યાઓ ઠીક હશે, પરંતુ તેનો ઉપયોગ દુષ્ટ.
 સંસાર પરત્વેની દ્રષ્ટિ દુષ્ટ, સંસાર નહિ.
 કાળ સર્વ સૃષ્ટિ પદાર્થોને ભક્ષે, એમ જાણવા છતાં, ક્ષુદ્ર ભોગ્ય પદાર્થો માટેના જ સર્વ કલેશ-ઝગડા હોય છે.
 કાળ કહે છે – અહમન્નમહમન્નં…. કા ભોકસ્મિ….
 પ્રીતિ ખૂબ છે. પરંતુ ક્ષણભંગુરની, મોહરૂપે. કોઈ નિત્યની નહિ.
 વિનાશીની પ્રીતિમાં વિનાશ જ સાંપડે. વિજ્ઞાન વડે સત્તા વૈભવ જોઈએ – સાંપડે વિનાશ – જુઓ જગતનાં વૈભવી સામ્રાજ્યોની દશા, – ગ્રીસ, રોમ, બેબિલોનિયા, ઈરાન, મિસ્ર, જર્મન, મોગલ, બ્રિટિશ.
 પરમાત્માની ત્રિવિધ શક્તિ – જ્ઞાન – કાર્ય – , ને ક્રિયા.
 તેની જ છાયા પરમાત્માના અંશમાં.
 એ નિર્દોષ, નિર્મળ. જેમ વાપરો, તેમ ફળે!
 બાકી જ્યાં સુધી કામપાશ્રિત્ય….. ચિન્તમ-આશા…. છે, ત્યાં સુધી પ્રેમની લડાઈથી, સામાન્ય માનવી પોતા પુરતું, ને મહાપુરૂષો સમાજ અર્થે તેની સાથે લડી લે જ. ગાંધી, બુદ્ધ જેવી તે પવિત્ર, લડવા જેવી લડાઈ છે.
 એ લડાઈ ચિત્તશુદ્ધિની છે. પરંતુ આપણ જેને રોજ સળગતી દેખીએ છીએ, તે ચિત્તના મેલની છે.
 એ બધા હારશે, ને જીતશે એકલો જે અર્જુન હશે તે.
 આવું બનતું આવ્યું છે. – બને છે. – બનશે.
 યુદ્ધની વાતને બે પાસાં- જો યુદ્ધ અનિવાર્ય છે, તો પ્રેમ પણ અનિવાર્ય છે. વિપરીત પ્રેમ, એટલે જ યુદ્ધ!
 પ્રયત્નો યુદ્ધને રોકવા નહિ, પરંતુ સત્વના વિજય માટે હોય.
 ગીતાનો સંદેશ – જીવન યુદ્ધ જ છે. તેને મંગલ બનાવવું કે અમંગલ, એટલો જ પ્રશ્ન છે. ઈશ્વર સ્વયં રૂદ્ર રૂપે જે “સંહાર” કર્યા કરે છે, નિરન્તર, કાલોસ્મિ…. તે પાપના પોટલા બાંધે છે?
 કોનો સંહાર નથી થતો? કોણ કરે છે?….. સ્વભાવ! પ્રકૃતિ!
 માનવીએ જીવનને ધર્મ-કર્મ ક્ષેત્ર લેખી, ધર્મયુદ્ધ બનાવવા, ઈશ્વરની સંહાર પદ્ધતિની નિકટમાં નિકટતા સાધવી, એ ધર્મ, અને યુદ્ધ કરતે છતે તે અયુદ્ધ બને.
 અંદર વળીને જોવાથી બધું સમજાય. બાહ્ય મૂલ્યો તેથી વિપરીત છે.
 બાહ્ય યુદ્ધ ક્યારે જરૂરી થઈ પડે છે? અંદરથી મહાત્વાકાંક્ષા, દ્વેષનો ધક્કો ન હોય, તો ન થાય, મહાભારતનું પણ એમ જ.
 તેમાં જીત્યો એક જ – જેણે એ નિમિત્તે પણ રાગદ્વેષ જીત્યા!
 ગીતા બતાવે છે કે પરમાત્મા તેમ જ તેનો અંશ, ઉભય એક જ ધોરણે પ્રવર્તે છે – ત્રણ ગુણને ધોરણે!
 ઈશ્વરરૂપે કૃષ્ણ એ જ કહે છે – મારી સામું તો જો!
 ભારત અજર – અમર છે, કેમ કે જેણે જગતને નહિ પણ જાતને જીતવાના કોડ રાખ્યા છે.
 તેમાંથી જેટલા – જ્યારે ચળ્યા, તેટલા – ત્યારે ભારતીયો પડ્યા.
 જેવી રીતે અત્યારે.
 દેહેન્દ્રિયાદિથી પર પોતાના સાચા પોત ને જાણે તે જગ જીતે.
 જીવ સહજે દૈવી સંપદનો અંશ છે. હાથે કરીને ભૂલો પડ્યો છે, તે ગુરૂકૃપાથી પાછો રસ્તે પડ – પછી ઝગડો કયો?
 સૌ કહે ભગવાન- ભગવાન – ને ખપે તે સિવાયનું જ બધું.
 કેમ કે ભગવાનમાં તો ત્યાગ જોઈએ! તેમાં “જોઈએ” ન હોઈ શકે.
 માનવી બહુ ત્યાગી છે – સૌથી મોટી વસ્તુને તે ક્ષુદ્ર પદાર્થો માટે ત્યાગે છે! ત્યાગીશ્વર!
 બધી સંસાર રમત “જોઈએ” ની છે.
 આચાર્ય વિના તે ન બને.
 વિચારો – સ્વયં કૃષ્ણ અર્જુન સામે કડા, પરમેશ્વર રૂપે, છતાં આદેશે છે – આચાર્ય પાસે જ્ઞાન મેળવવાનું – તદ્વિદ્ધિ…….
ૐ તત્ સત્ ।
PAGE 101
“આપણે આત્મહત્યારા થઈને દુઃખી થવાની કંઈ જરૂર નથી.”
માત્ર આપણાં મર્ત્યલોકના શરીરો જ નહિ, પણ જેને આપણે દેવો કહીએ છીએ, ઈશ્વરથી માંડીને બધાં જ શરીરો, જન્મતાની સાથે જ મોત વડે ગ્રસાએલા, ભરખાએલા છે.
કોઈ પણ દેવ-દેવીનું શરણું કે તેનો આસરો, એ સડેલા વાંસનો ટેકો છે. શરણું પકડવું તો સમર્થનું પકડવું જોઈએ. તે સમર્થ એક જ છે. બીજો કોઈ નથી. સત્યને ઢાંક પીછોડો ન હોય. અવિવેકી માણસ આત્મ હત્યારો છે.
જન્મનું નામ જ મૃત્યુ. જન્મ્યો એનું મૃત્યુ ચોક્કસ છે. આ જગત જે દેખાય છે, એ શરૂઆતમાં મૃત્યુ જ હતું. સત્ય એટલે કે મૃત્યુ. મૃત્યુએ પોતાને ખાવા માટે એક પછી એક આખી સરજત ઉભી કરી! સંસાર એટલે ભૂખ-તરસ. મૃત્યુના પંજામાંથી કોઈ બચતું નથી. બધા ખવાઈ જાય છે. પોતાને ભૂખ છે, તેથી મૃત્યુ બધું ઉપજાવે છે.
આ બધું અન્ન છે. આપણે અન્ન ને ખાઈએ છીએ, અને અન્ન આપણને ખાય છે. અન્નના ખાનારાને હું ખાય જનારો છું. મોતને પણ ખાય જનારો છું. જે ખાય છે, અંતે તે પણ ખવાય જશે. પોતાના સ્વરૂપને જે ઓળખી ગયો, તેને મૃત્યુ નથી. એને જે જાણી ગયો એ જીંદગી જીતી ગયો. આ શરીરનું પડવું, એ મર્તલોકનું. બીજું દેવોનું, સૃષ્ટિનો પ્રલય થાય ત્યારે દેવો પણ જાય છે. ત્રીજું, માણસ જ્યારે ભય પામે ત્યારે એ પણ મોત જ છે. એ આત્મહત્યારો થયો. ચોથું મૃત્યુ, જે સાવ અજ્ઞાની, કેવળ ઈંદ્રિયોમાં જ રાચે છે.-એ કીટ, પતંગ, મંકોડી વગેરે, જે જન્મે ને મરે, જન્મે ને મરે.
પોતાના સ્વરૂપને જાણવું, એ જ એક સાચી અમરતા છે. જીવ પણ અમર છે. જ્યાં સુધી કામનાઓ છે, જોઈએ છે, ત્યાં સુધી જીવ મરતો નથી. શરીરો મરે, પણ જીવ અનંત છે. એ અનાદિ, ક્યારે શરૂ થયો તેની ખબર નથી. વાસનાઓ છે ત્યાં સુધી જીવ શરીરો બદલે, પણ જીવ મરતો નથી. માણસનું શરીર મરે છે, એનું મન મરતું નથી. આત્મજ્ઞાની અમર છે. જ્ઞાન થતાં જીવ મરી જાય, એટલે અનાદિ છે. અનંત નથી. સ્વરૂપને સમજી ગયો, સુખીદુઃખી નથી થવું. તો એ જીવ આગળ નહિ ચાલે. સાપેક્ષ અમરતા. વાસના અને જીવનો સમન્વય સંબંધ છે. એક ન હોય તો બીજું નહિ. કાં તો બે અથવા કંઈ નહિ. વાસના ગઈ એટલે જીવ ગયો. જીવનો નાશ એટલે વાસનાનો નાશ. વાસના ગઈ એટલે દુઃખ ગયું. દુઃખ ગયું એટલે બ્રહ્મ, આનંદ સ્વરૂપ જે અમર છે. એમાં સમન્વય નથી. એક છે, પણ અદ્વિતિય છે.
સુખભાવ જ કેવળ છે. બીજું બધું ડબલ છે, કેવળ નથી. દ્વૈત જ છે. મતલબ કે જીવ છે લાચારીનો માર્યો અમર છે. પોતાની ખુશીથી અમર નથી, એનો છૂટકો જ નથી.
કર્મના ચક્રમાં એ અમર છે. જીવ ક્યારે મરે, ભૂખ્યો થાય ત્યારે, તે પહેલાં નથી મરતો. પણ જે એનો ભક્ષક છે, તેને એ મળે. જે સુખનો આશક છે, તેને સુખ મળે, પણ તેની કિંમત ચૂકવવી પડે. દેહ જ જોઈતો હોય તો જન્મવું પડે. સુખ જોઈતું હોય તો દેહ છોડી દો. દેહનો ઈશ્ક અને સુખનો ઈશ્ક, બે જોડે નહિ મળે.
સંસાર જોઈએ છે તો સુખની આશા છોડો. કર્મફળનો ઈશ્વરી ન્યાય છે, કે તમે જે ઈચ્છા કરો એ પુરી થયા વગર રહે નહિ. એક ઈચ્ચા પુરી થઈ એટલે તરત બીજી! શા માટે? પેલી પુરી થઈ તે માટે નહિ, જો પુરી ન થઈ હોઈ તો આગળ ચાલી ને કરે. ઈચ્છા પુરી થાય છે અને કર્મનું ચક્ર ચાલે છે.
ત્યારે કરવાનું શું?
“કામ એષ ક્રોધ એષ રજોગુણ સમુદભવઃ,
મહાશનો મહાપાપ્મા વિદ્ધયે ય મિહ વૈરિણમ.”
(ગીતા – અ- ૩ – ૩૭)
એ છોડી દો તો વાત નો નિકાલ આવી જાય.
કોઈ પણ વસ્તુની સિદ્ધિ કરવી હોય, જોઈતું હોય, તો તે શેના વડે સિદ્ધ થાય છે? ભાવના! ભાવના કરો તો સિદ્ધિ થાય. જેની ભાવના ન કરો તે સિદ્ધ ન થાય. તેથી, કોઈ પણ વસ્તુની ભાવના ન કરવી એ મોક્ષનો રસ્તો.
ભાવના કરવી એ તો માણસનો સ્વભાવ છે, પ્રાણી માત્રનો, ભાવના વગર મન હોય જ નહિ. પેલા બાબરા ભૂતની વાત છે, તેમ, કામ આપો, કામ આપો! સીડી પકડાવી દીધી! ચડ, ઉતર કર્યા કરો! ત્યારે એ થાકી ગયો, ને લે તારી સીડી, મારે કામની નથી! સુખની ભાવના કરો તો તેની સિદ્ધિ થાય.
“જહિ શત્રું મહાબાહો કામરૂપં દુરાસદમ્.”
મહા અનર્થકારી કામરૂપ શત્રુને મારી નાંખ. એ કામને મારવો બહુ મુશ્કેલ છે. આપણે આત્મ હત્યારા થઈને દુઃખી થવાની કંઈ જરૂર નથી.
ૐ તત્ સત્ ।
PAGE 102
“મમ માયા દૂરત્યયા” સ્વામી પ્રણવતીર્થ
આત્મા શું, કે જગતના પદાર્થો શું, બધું એક જ ન્યાય પર ચાલે છે. જગતના પદાર્થો પણ ખરેખર નથી, પણ અંદર છે તેને લીધે દેખાય છે. આપણે કહીએ કે ‘બોલતાં બોલાય ગયું, પણ મારા મનમાં નહોતું!’ એ તો પોતાના બચાવ માટે! અંદર ન હોય તો બહાર આવે જ નહિ. હૈયે ન હોય તો હોઠે આવે જ નહિ. ઘોર અહંકાર, EGO ના માર્યા આપણે કબૂલ નથૂ કરતા. અને તેની આ બધી પંચાત છે! એ નિશાનીએ ખબર પડવી જ જોઈએ, કે મારા મનમાં કેટલી બધી ગંદકી ભરેલી છે, પણ હું એને સ્વીકારવા તૈયાર નથી! સસલાની પાછળ કૂતરૂં પડ્યું છે. પોતાના કાન વડે પોતાની આંખો ઢાંકી દે છે, કે મને તો કંઈ દેખાતું નથી! એટલે તો એને મોટા કાન આપ્યા છે! પણ તેથી કૂતરૂં એને છોડવાનું ઓછું જ છે? એ તો ઝલાયું તે ઝલાયું! ‘આંખ આડા કાન’ ની કહેવતનો આ અર્થ થયો!
આમાંથી છૂટવાનો એક જ માર્ગ છે, સાચું હોય તેનો સ્વીકાર કરવો. લોકલાજે કે શરમથી નહિ. કેમકે સત્યને ઢાંકપીછોડ કર્યો એટલે એ સત્ય મટી ગયું. પછી એ સત્ય ન રહ્યું. જ્યારે માણસ કબૂલ કરીને ચોક્ખો થઈ જાય, તો એને કર્મનો લેપ નથી લાગતો. જે આપણા પોતાના સ્વાર્થની વિરૂદ્ધ હોય, એ કબૂલ કરવું કેટલું બધું અઘરૂં છે. મનની ચોરી આપણે કેટલી કરીએ છીએ! કહીએ ત્યારે સો ટકા નથી કહેતા! લોચા તો વાળ્યા વગર રહેતા જ નથી! મન એવું ચોર છે. પણ આપણે જો આ માર્ગે ચાલવું હોય, તો એવી છેતરામણી. કોઈ ને છેતર્યા, પણ આપણે જ છેતરાયા, પોતાની જાતને જ છેતરી! આત્માનો ઘાત કર્યો, આત્મહત્યારા થયા. એટલે જે કંઈ દેખાય છે, એ બધું કેવળ જીવભાવ ને લીધે, વાસનાઓને લીધે જ દેખાય છે. એમાંથી છૂટવાનો એક જ માર્ગ આપણા ઉપનિષદો અને ગીતાએ ખૂબ સરળ રીતે સમજાવ્યો છે. ‘નિર્દોષં હિ સમં બ્રહ્મ તસ્માદ્ બ્રહ્મણિ તે સ્થિતાઃ’
નિર્દોષ અને સમ. કશું છૂપાવવાનું નહિ, એવું જે હોય, એ સ્વયં બ્રહ્મ જ છે.
આપણે આપણી પોતાની આજુબાજુ એક એવો કોટ-કિલ્લો બનાવીએ છીએ, કે આપણું કોઈ નામ ન લે, અને આપણે મન ફાવતું કરી શકીએ. ” મમ માયા દુરત્યયા.” માયાનો મોટો કિલ્લો રચીએ છીએ. માયા એટલે પોતાની જાતને છેતરવું તે. એ માયાના કિલ્લાની અંદર કોઈ કદી ઘુસવા ન પામે, કોઈ સદવિચાર અંદર ઘુસવા ન પામે. હું ને મારૂં, એમાં કોઈ કનડગત નડે એટલા માટે માયાનો કોટ રચીએ છીએ, કે હું સહીસલામત રહું. બહારથી જ્ઞાનનું કે પ્રકાશનું કિરણ માંય પેસવા પામે જ નહિ.
એકવાર ગાંધીજી ને કીક પાદરીએ કહ્યું, કે તમને બાઈબલ ગમે છે અને ક્રાઈસ્ટ ન માનો છો, તો તમે ક્રિશ્ચયન જ છું! પાદરી કહેતો લાવો તમને બેપટાઈઝ કરૂં. ગાંધીજી કહે બેપટાઈઝમ કંઈ ચેરિટી નથી, બેપટાઝમ કરવું એટલે મારે પાછું કોઈ વાડામાં ફસવાનું! મારે તો મારી ઓરડીમાં જ રહેવું છે. અને તે પણ બધા બારણા ખુલ્લા રાખીને TO LET ALL THE WINDS BLOW FROM ALL SIDES. બધી જ હવા, બધી દીશાઓથી ઓરડીમાં આવે. બેપટીઝમ લઉં એટલે મારા બારણાં બંધ! CHRISTIANITY સારી અને બીજા બધા ખોટા! ખરૂં પૂછો તો મારી પાસે આ ગીતા છે, એ ગીતાના બારણા સૌને માટે ખુલ્લા છે, એ કદી કોઈ ને માટે બંધ થાય એવા નથી. ગીતામાં મને બધા જ ધર્મો મળે છે, એટલા માટે મારે ક્રિશ્ચયને નથી થવું અને મુસલમાને નથી થવું. એવી રીતે લોકો વાડા, કોટ-કિલ્લા બાંધીને પોતાની જાતને કેવા કેદ કરે છે, કે આ સંપ્રદાય મારો અને બીજા બધા ખોટા. મારૂં સાચું ને બીજાનું ખોટું, એવા રાગ એને દ્વેષ વડે આપણે પોતાની જાતને ISOLATE વાડામાં બાંધી રાખીએ છીએ.
વડોદરામાં જુના વખતમાં એક પાગલખાનું હતું. એમાં કેટલાક પાગલો હતા. ત્યાં લોકોને જોવા જવાની છૂટ હતી. એમાનો એક જણ કહેતો, કે આપણે અહીં અંદર બેઠા છીએ એ બધા ડાહ્યા છીએ! અને આ બહાર જે બધા છે, એ બધા પાગલો છે! આ સરકાર કેટલી શાણી છે કે આ પાગલોથી આપણું રક્ષણ કરવા આપણને આ ઓરડીમાં ગોંધ્યા છે! ભગવાન એનું ભલું કરજો. નહિ તો આ પાગલો આપણને પીખી ખાય! એવું આ બધા સંપ્રદાયોનું છે. વાડા બાંધી બાંધી ને કહીએ, કે આપણું રક્ષણ થાય છે. આ વાડાથી જ, નહિ તો આપણે ખોવાઈ જઈએ! કેમકે એ જીવડાઓ કૂવામાં દેડકા છે, એને બહાર કાઢો તો ગભરાય ને મરી જાય. ‘ખારા જળનું માછલું, તે મીઠા જળમાં મરે.’ એના જેવું આ બધું છે. જો આપણે છૂટા થવું હોયતો આ દૂર્ગને દૂર કરો. અને મારૂં જે શરણું લે, એને તો આ માયા દૂર થયેલી પડેલી જ છે. દૂર કરવાની છે જ નથી. આપણે ખસી ગયા એટલે એ નથી. એ ગયાના ગોર જેવું છે. ગયાજીમાં શ્રદ્ધા કરવા કોઈ ભાવિક માણસ જાય, ત્યાં ગોર એને શ્રાદ્ધ ધરાવે, પછી કહે, હવે તને મેં બાંધ્યો છે! તારે ગાયનું દાન કરવાનું છે. તું બંધાયો છે, તને નહિ છોડું! એમ કરતા કરતા ગોધનનો ચાર આનામાં સોદો થાય! પછી ગોર કહે અબ જા તેરી જાત્રા ભયો, ભયો! હું બંધાયો છું, મને છોડવો, હે ભગવાન, માયાથી મને છોડવ, મારાથી રહેવાતું નથી. પણ ક્યાં છે? છે જ નહિ! જ્યારે ખબર પડી ગઈ કે કંઈ નથી, ત્યારે ચાલ હટ, ચાર આના એ નહિ આપું! તે તો મને ખબર નથી! પણ બંધાયો તો ખરો!
એવી રીતે આત્મઘાતીપણાથી બચવું હોય, તો સંભાળજો. મૂળ વસ્તુનેઓળખી લ્યો. નહિ તો તમારા બધા સત્ કર્મો તમને છોડવવાને બદલે, સુખી કરવાને બદલે, તમને વધારે દુઃખ અને નિરાશા આપશે.
ૐ તત્ સત્ ।
PAGE 103
“મનરૂપી આળ” સ્વામી પ્રણવતીર્થ
ઈન્દ્રિયો અને આત્મચેતન, એ બે ની વચમાં એક આળ રહેલી છે. જેને લીધે ઈન્દ્રિયો પ્રત્યક્ષ રીતે આત્માને નથી પહોંચી વળતી. એ મનરૂપી આળ છે. આનું મન થવું, તેનું મન થવું, એમાં ઈન્દ્રિયો ગુંચવાય, અટવાય જાય છે. મન ઈન્દ્રિયોનો સ્વામી છે. જો મન ન થાય તો ઈન્દ્રિયો પહોંચી વળે. કેવી રીતે? કેમ કે જ્યાં જુઓ ત્યાં બ્રહ્મ જ દેખાય. એવું ક્યારે દેખાય કે જ્યારે મનની વચમાં જે દલાલી છે, એ જતી રહે. કેમ કે મન જ્યાં ત્યાં ખેંચી જાય છે. માટે જ ઈન્દ્રિયો નથી પહોંચી વળતી, નહિ તો, કુતરૂં ભસે, તો એનો અવાજ પણ એને ૐ ૐ તરીકે જ સંભળાય. પણ મનને નથી ગમતું. એમ મન એક દિવાર તરીકે ઊભી છે.
પૃથ્વીરાજ કપુરનું નાટક ‘દિવાર’ જેમાં બે સગા ભાઈઓ મોજથી રહેતા હતા, ત્યાં વચમાં મને આળ ઉભી કરી, હું આવો, તું તેવો! તકરાર ટંટો કરી બંને ભાઈઓ છૂટા થયા. એ બે નો મેળ મળવામાં વચમાં નડતું હતું કોણ? એ મન રૂપી દિવાર, પણ જ્યાં મનરૂપી દિવાર તોડી નાખી ત્યાં બધું એક જ. એમ, સત્ અને ઈન્દ્રિયો, એ બે ની વચમાં દખલ મનની છે. મન એટલે પ્રારબ્ધ. મનને જો મહત્વ આપ્યું તો એમાં ગુંચવાય જાય, સાક્ષી બની જાઓ, એ એનું કામ ભલે કરે. કેમ કે પ્રારબ્ધ પુરૂં થાય એમાં આપણું નહિ ચાલે. મન વચમાંથી ખસી ગયું, એટલે સત્ રૂપી હું માલિક છે. એની જોડે પ્રત્યક્ષ વહેવાર થઈ ગયો. એટલે કે કોઈ પણ કર્મો કે ક્રિયા વડે કરીને દેવો, ઈન્દ્રિયો એને પ્રાપ્ત નથી કરવાના. ક્રિયાઓ અને કર્મો બંધ કરો તો જ એ પ્રાપ્ત થાય. મનની વૃત્તિ વડે પહોંચાય, જેને અંતર બુદ્ધિ, INTUITION કહે છે. એ અંદરથી સમજાય જાય. કેવી રીતે સમજાયું? તે મને તો કહો! તો તે ના બની શકે. એને એમ જ કહેવાય કે, મેં જે કર્યું, તે તમે પણ કરો, એમાંથી નીકળી આવશે. હું ડહાપણ કરી બ્રહ્મ સમજાવવા જાઉં તો મારો યે જાય! મારી દલીલમાં હું જ અટવાય જઉં. માટે આત્મચીની મનમાં મગન થઈ રહીએ, આત્મા સમજીને બેસી રહીએ.
ૐ તત્ સત્ ।
PAGE 104
”ખીચડી ની ગમ્મત”
જગત એટલે સંસરતુ. સમ્યક પ્રકારે સર્યા કરે તે, સંસાર. કોઈ સ્થિર નથી, પોતાની સ્થિરતામાં અન્યોને, ગતિમાનો ને ગતિમાન રાખે, ગતિમાન થવા દે. આપણે વિશ્વને બ્રહ્માંડ, અંડ આકારનું કહીએ છીએ. એને ક્યાં યે છેડો નથી. જો મનની ગતિનો પાર હોય, તો આકાશની ગતિનો પાર હોય. કારણ કે સમગ્ર વિશ્વ મનમાંથી ઊપજ્યું છે. વાસનાઓમાંથી ઊપજ્યું છે. વાસનાની ગતિનો પાર નથી કે જેમાંથી વિશ્વ ઉપજે છે. જ્યાં સુધી વાસના રહે ત્યાં સુધી ગતિ રહેવાની.
એક બ્રાહ્મણ જાત્રાએ જતો હતો. રસ્તે એક મારવાડીનો ભેટો થયો, અને બંને સાથે ચાલ્યા. રાત્રે એક સ્થળે વિસામો કર્યો. સવારે ઉઠ્યા. કંઈક પેટ પૂજાનું કરવા વિચાર્યું. મારવાડી બ્રાહ્મણને પૂછે છે કે તમારી પાસે ખાવાનું શું છે, બ્રાહ્મણ કહે કે મારી પાસે તો ફક્ત ચોખા છે. મારવાડી કહે મારી પાસે મગની દાળ છે, આપણે ભેગું કરી ખીચડી બનાવીએ, અને બંને ખાઈશું. મારવાડીને ચૂલો સોંપીને બ્રાહ્મણ તો નદીએ નહાવા ગયો. અહીંયા ખીચડી થઈ ગઈ. બ્રાહ્મણે, મારવાડીને કહેલું કે તમે તમારો ભાગ ખાય લેજો. મારો ભાગ રાખી મૂકશો.
બ્રાહ્મણ નદીએથી નાહીને આવી ને જોઈ છે, તો પેલો મારવાડી પોતાનો ભાગ તો ખાય ગયેલો, તો એ ખીચડી ખાયા કરે છે! બ્રાહ્મણ કહે, ભાઈ, મારો ભાગ? મારવાડી કહે કે, ભાઈ, તમારો ભાગ મેં ક્યાં ના પાડી, પણ મારી દાળ એમાં છે. જ્યાં સુધી દાળ દેખું ત્યાં સુધી ખાઉં! એવી રીતે જ્યાં સુધી વાસના છે, કામના છે, ‘જોઈએ’ છે, ત્યાં સુધી જગત ચાલવાનું! વાસના, કામના, પૂરી થાય, તો જગત પૂરૂં થાય! પછી ખાવા માટે કંઈ બાકી રહે નહિ! એવી આપણા મનની ગતિ છે.
ચેતન આત્મા, જીવોના કર્મફળ પૂરા થઈ શકે તે માટે એને ગતિમાન થવા દે છે, કે જેથી એની વાસના કર્મફળની ગતિમાં પુરી થાય. કર્મ એટલે કરવું, કરવું, જે ગતિ જ છે. કર્મની ગતિ એ જ આ વિશ્વની ગતિ. આ બધી ગતિઓ એક સ્થિરમાં થાય છે. ગીતામાં તેથી જ કહ્યું છે કે ‘ગહના કર્મણો ગતિ.’ ગતિ ન હોય તો જગત નથી. જ્યાં લગી જીવન છે, ત્યાં લગી ગતિ છે. વાસનાના, કામનાના, ઈચ્છાઓના વાયરા મારા કૂટસ્થ ચૈતન્ય ઉપર આ બધી પ્રવૃત્તિની ધમાલ કરાવે છે. આપણે આપણા વાસનાના વાયરાને બંધ કરી શકીએ, તો પછી, જગત નથી, વિશ્વ નથી, કેવળ એક અવિચળ, ABSOLUTE ને આધારે છે.
બ્રહ્મા એટલે સતસંગની પહેલી કલ્પના, હું એક છું, લાવો બે થઉં. એ બ્રહ્મા. એ બ્રહ્મા, જેમાંથી મારા મનમાં રહેલો આત્મા, તે નિરાંતે સુતો હતો, અને સળવળાટ થયો, એણે આંખ ઉઘાડી વિચાર કર્યો કે, લાવો સર્જન કરીએ. એ વિચાર એ બ્રહ્મા. પછી ચાલ્યું….. !!! એ તો પગ લપસ્યો! પછડાતા સુધી અટકાય નહિ, તેમાંથી આ બધું ચાલ્યું….. !!! આ બધી કલ્પનાઓ શેને માટે થઈ? કર્મના ફળ જીવોના બાકી હતા, એ પૂરા કરવા માટે સૃષ્ટિની કલ્પના. જ્યારે કોઈના કર્મફળ બાકી ન હોય,ત્યારે સૃષ્ટિ ન હોય. માટે સંસાર અનંત, અનાદી છે. અહીં જુદા જુદા જીવોમાં કર્મફળની વહેંચણી થાય છે, વહેંચણી સ્થપાય છે. એકના કર્મફળ બીજાને નહિ. શકુનિ અને ભીમ જેવું નહિ! જે ખાય એ જ લોટા ભરે! જે ભૂખ્યો રહે એ લોટા ન ભરે! એવી રીતસર, કાયદેસરની વહેંચણી કરે છે.
ૐ તત્ સત્ ।
PAGE 105
”વાવડી ચસકી!” સ્વામી પ્રણવતીર્થ
કર્માનુ સારિણી બુદ્ધિ પ્રમાણે આપણે સંસાર ચલાવીએ છીએ. પણ પેલી બુદ્ધિની પોટલી જે મનુષ્યને જ આપવામાં આવી છે. તેનો ઉપયોગ શેમાં કરવાનો? એ શા માટે આપી છે? એના વડે પોતાના આત્મકલ્યાણ સાધી લેવા માટે, એ કરી લઈએ. એ બુદ્ધિ ન વાપરી તો એ ચક્કરમાં ઘૂમ્યા જ કરે, સુખી દુઃખી થયા જ કરે છે. આવી સૂક્ષ્મ બુદ્ધિ વડે આપણને ખબર પડે છે, કે આ બધું જે વિસ્તાર છે, આંતર-બાહ્ય બધું વ્યાપે છે, એ એકડો છે, બીજા બધા મીંડા છે, તે હું છું. મારાથી અન્ય કોઈ નથી.
એની ખબર પડની એ જ સૂક્ષ્મ બુદ્ધિ. એવો હું, તેજોયમાન, છતાં હું જે છું તે જરાયે ચંચળ નથી. ત્યારે મને આ બધું ચંચળ કેમ લાગે છે. હું પોતે પણ મને ઘડી ઘડી બદલાતો કેમ લાગું છું? એ કોના જેવું? પેલા વાણંદની વાવડી ચસકી! તેના જેવું.
એક વાણંદોનું ગામ હતું. તેમાં પાણીની તંગી પડી. કોઈએ કહ્યું કે, બાજુના ગામમાં બે વાવડીઓ છે, એક વાવડી આપણે અહીં લઈ આવીએ. બધા ઉપડ્યા. કઈ વાવડી લઈ જવી તેની પસંદગી કરી. એને કેવી રીતે લઈ જવી? બધાએ પાઘડી કાઢી અને ગાંઠો બાંધીને લાંબું કર્યું! વાવડી ને ફરતે લપેટી! ચાલો, બધા હૈસો, હૈસો બોલો! જોર કર્યું ત્યાં તો પાઘડીના છેડા ખેંચાતા ખેંચાતા, એ ચસકી! એ ચસકી! વાવડી ચસકી! છેડા તૂટી ગયા, અને બધા નીચે પડ્યા! ! ! કયી વાવડી ચસકી? વાવડી નથી ચસકતી, પણ મારી અક્કલ ચસે છે! છતાં આપણને વાવડી ચસકીની ભ્રાંતિ થઈ. જીવને વાસનાઓના ચસકવાથી એની ભ્રમણાઓ આ બધી દોડાદોડ કરે છે, જેની પાછળ આપણે ખૂવાર થઈ જવા તૈયાર છીએ! એવો હું, આ સંસારમાં કેવળ મારી ભ્રમણાઓને લીધે ભટકું છું.
રાત્રે વાદળાં ચાલે છે, ત્યારે ચંદ્રમા દોડતો લાગે છે. ચંદ્રમા તેથી દોડતો, પણ વાદળાં દોડે છે! ટ્રેનમાં ધરતી દોડે અને ટ્રેન ઉભી રહે છે, અને ઝાડવા દોડાદોડ કરે છે! આપણા જીવનનું દ્રષ્ટાંત લઈએ, તો મારી વૃત્તિઓ દોડે છે. એની સમજણ પડી ગઈ તો ત્યાં વિવેક થયો કહેવાય. ચંચળતાનું શમી જવું. રસ ઉડી જાય તેને વૈરાગ્ય કહે છે. સ્વામી રામે એક સ્થળે કહ્યું છે કે ‘હું મારૂં બગડ્યું તો ત્યારે કહું કે બગડવા જેવી કોઈ વસ્તુ હોય તો બગડે ને? ‘બીગડનેવાલી સહી,’ બગડે એવી ચીજ મારી પાસે છે જ ક્યાં! ત્યારે જ માણસ કલેશથી રહિત, આ બધું મિથ્યા દોડાદોડ કરે, અને હું એની પાછળ દોડાદોડ કરીને દુઃખી થાઉં છું. જોઈતું નથી મળતું અને ન જોઈતું સામે મળે છે. જે જતું રહે એમ ઈચ્છું તે જતું નથી, અને જે મારી પાસે છે, તે ઉડી જાય છે. એ જ દેહાધ્યાસ. એ કર્માનુસારિણી બુદ્ધિ આપણને સુખી દુઃખી કરે છે.
ૐ તત્ સત્ ।
PAGE 106
“શિરા માટે શ્રાવક થવાનું !” સ્વામી પ્રણવતીર્થ
ગાંધીજી અને જવાહર કહેતા, સલામતી ના સોધશો. સલામતી શોધવાને લીધે જ આપણે પાછા પડીએ છીએ. SECURITY. મારી સંપત્તિ, મારૂં સુખ સગવડ, મારા સાધનો સલામત રહે, ભવિષ્યમાં મારી તેરમી પેઢી શું ખાશે? એની ચિંતા! સલામતી શોધે તેનાથી શું બને? સાહસ કરી જાણે, ઝૂકવી જાણે, એ જ આગળ વધી જાણે. સલામતી માટે જીવનમાં કષ્ટ ન પડે, તેવા લેબર સેવીંગ ડીવાઈસના ટૂંકા રસ્તા શોધ્યા કરીએ, તેવા SHORT CUT હોતા જ નથી, વધારે ને વધારે લાંબા થતા જાય છે. જેના પુણ્ય પાક્યા હોય તો તેને GREAT ADVENTURE લાગે. મોંઘી વસ્તુની કિંમત મોંઘી જ હોય. શરીરને મિથ્યા કહું છું, તો પછી મને કેમ મોહ છે? જગત મિથ્યા કહું છું, તો પછી મને કેમ દુઃખ થાય છે?
આ દુર્ગમ માર્ગ ને સહેલો કરવો હોય તો એના રહસ્યને વેદાંતના વિજ્ઞાન વડે એનો અર્થ બરોબર સમજી લ્યો. ફૂલની પાંદડીઓ જેવો કોમળ છે. સંસારીઓને ભયંકર અસ્તરાની ધાર જેવો લાગે, કેમકે GIVE UP, કે છોડી દેવાની અહીં વાત નથી. આ કસોટી જે પાર કરે અને કસોટીમાં જે વસ્તુ સાચી નીવડે, એને જે સ્વીકારે તે સુખી થાય, જે આની અંદર હું ને મારૂં કરીને લપેટાઈ ગયો, તે તો પોતાની જાતને છેતરે છે, તો એને દુઃખ સિવાય બીજું શું મળે? સુખ કેવી રીતે હોય શકે?
‘હું બ્રહ્મ છું.’ એની મનમાં ધૂન રાખ્યા કરો, તો એક દિવસ તમને સુખ લાગવા માંડશે. એક વખત ખરેખર એમ લાગશે કે હું તો રમતમાં બેઠો હતો, પણ હું બ્રહ્મ છું જ! હવે શું કરીશું? તો બ્રહ્મ શું કરે? સુખી થાય! સુખી ન થવું હોય તો જુદી વાત છે! એના જેવું છે! ‘શિરા માટે શ્રાવક થાય!’ એકતા જાણ્યા છતાં એનો સ્વાદ ન માણવો, અને જીવને કલેશ, સંતાપ પોતે મનોમય માની લીધેલા સંજોગો ઊભા કરીને! તો એનો શો અર્થ? જાણો છો, છતાં કલેશ કરો છો! કાલ્પનિક કારણો, એવા સંતાપોનો શો અર્થ? તેથી આપણામાં કહેવત છે કે ‘શિરા માટે શ્રાવક થવાનું!’
જૈન લોકો પહેલાં શ્રાવક કહેવાતા, હવે એ લોકોને એ શબ્દ હલકો લાગે છે! એટલે હવે શ્રાવક ને બદલે ‘જૈન’ કહેવડાવે છે, શ્રાવક નહિ! એ લોકોમાં જ્યારે ન્યાત જમાડે, ત્યારે શિરાની હોય. કોઈ પણ ખાવાની વસ્તુ, જો મોટા પ્રમાણમાં બનાવવામાં આવે, તો બહું જ સરસ થાય. પચી તે મિષ્ટાન્ન હોય, શાક હોય, કે દાળ હોય. સ્વાદમાં ફેર પડી જ જાય. શિરો જ્યારે પીરસાય ત્યારે પાકા ઘેરા રંગનો ઘી પચેલો, એની વાસથી નાક ભરાય જાય! તે અહીં પણ શીરા માટે શ્રાવક થવા જેવું છે! સંસારમાં દુઃખ છે, પણ શિરો તો મળે છે ને? માટે ભલે સંતાપ છે, પણ ‘માલ’ તો મળે છે ને! બાઈબલમાં દાખલો છે, એક આંગળી ખીર માટે ઈશ્વરે પોતાનો જન્મ હક (બર્થ-રાઈટ) વેચી દીધો, ખાલી સ્વાદ ખાતર! આપણો જન્મ સિદ્ધ હક્ક (બર્થ-રાઈટ) બ્રહ્મત્વનો, સ્વયં ઈશ્વર સ્વરૂપ હોવાનો. સંસારની ધૂળ જેવી લાલચો પાચળ આપણે એને વેચી મારીએ છીએ. કર્મકાંડ એટલે ભય, યાચના, માંગવાપણું, ગરજાળપણું, ખુશામત. એ સંસારના રસ્તા છે. જ્ઞાનનો માર્ગ ભય વગરનો છે, કેમ કે જ્યાં અભેદ છે ત્યાં ભય નથી, મારાથી કોઈ જુદો હોય, તો મને બીક લાગે. મારાથી જુદો છે જ નહિ તો પછી ભય કોનો? પ્રારબ્ધ પ્રમાણે થાય તે ભલે થાય, તેનો મને ભય નથી. એટલે દુઃખ માત્ર જે હોય છે, એને જો તમે જરાક પણ તપાસશો તો તેની પાછળ કેવળ બીક છે, કશાકની ને કશાકની બીક છે. એટલે જ ચિત્ત શુદ્ધિ ઉપર આટલો બધો ભાર મૂકે છે. જેને કંઈ જ જોઈતું નથી, એ શા માટે પાપ કરે? શા માટે જૂઠું બોલે. શા માટે કોઈને ઠગે! જેનું મન મેલું છે, જેને ગરજ છે, તેને ભય હોય. નિર્ભય ને કશું નથી.
“અભયં સત્વસંશુદ્ધિર્જ્ઞાન યોગ વ્યવસ્થિતિઃ”
એટલા માટે જ ચિત્તશુદ્ધિઉપર ધ્યાન આપવામાં આવે છે. જેનું ચિત્ત રાગ દ્વેષથી મુક્ત છે, તેને જ પોતાના સાચા સ્વરૂપની ખબર પડે છે.
ૐ તત્ સત્ ।
PAGE 107
“એ “એક,” ક્યારે, ને કેવી રીતે જણાય?”
પ્રશ્નઃ- જે એકને જાણવાથી બધું જ જણાઈ જાય છે, એ જાણવાપણું જ્યારે જ્ઞાનની અવધિ આવે ત્યારે જ થાય છે? એકદમ, તરત જ જણાઈ જાય, એવું ઘણીવાર સાંભળ્યું-વાંચ્યું છે. પણ એ ઝટ ગળે નથી ઉતરતું જો કે છેવટે અનુભવવું છે જ.
ઉત્તરઃ- આમાં તમે જે શબ્દો વાપર્યા છે, તેના સાચા અર્થ સમજવા વડે આ હકીકત નો મર્મ તરત સમજાઈ જાય. “જાણવાથી” એટલે શું? દુનિયાના કરોડો વિષયોને માણસ જેમ “જાણે” છે, એટલે કે એના વિષે એ માહિતી પ્રાપ્ત કરે છે, નાના વિધ વિદ્યાઓ અને વ્યાવહારિક કે સામાજીક, કે ધાર્મિક (ધર્મ કર્મ અંગેની) કે નૈતિક હકીકતો ને કે, છાપામાં છપાતી બાબતોની એને જાણ થાય છે, ખબર પડે છે, તે આ જાણવાપણું નથી. પણ સ્વાદને જાણવો, સુગંધને જાણવી, સ્પર્શને જાણવો વગેરે માં જે અર્થ છે, તે અર્થમાં જાણવાની વાત છે.- પ્રત્યક્ષ, અંગત અનુભવ વડે ઘડ બેસવી, તે. એ એક જ વસ્તુ છે. ઘણી વસ્તુને “જાણવા” બેસતાં, ઘણા ગોટાળા થાય છે.- જે ને જ સંસાર અથવા માયા કહેવામાં આવે છે. અને તે બધી ગોટાળા, ગૂંચવાડા ભરી, હોઈ ભલભલાને ગોટાળે જ ચડાવે.
આ એક વસ્તુ, અત્યંત સરળ હોવાથી, ગૂંચવાડાથી ટેવાયેલા ગોટાળિયા જીવને ગળે નથી ઉતરતી. એ એક ને “જાણવી” કેવી મુશ્કેલ છે, તે સમજવા માટે, છાન્દોગ્યના અ. ૬ નો અભ્યાસ કરો.
વળી “જ્ઞાનનો અવધિ” કેવો! એનો આરંભે નથી ને અવધિ યે નથી. અવધિ એટલે હદ. એ તો બેહદ છે, અનંત છે. એને છેડો કેવો! એમાં નિમજ્જન કરવાનું, એમાં ડૂબી રહેવાનું છે. એની ઘડ બેઠી, એટલે આરંભ, અંત, મધ્ય, બધું એકરસ થઈ ગયું. કેમ કે, તે પછી તે સિવાય “બીજું” કશું છે જ નહિ.
“ગળે ન ઉતરે” એટલે અપૂરતા અભ્યાસ ને, તથા સાધનના અભાવને લીધે ઘડ ન બેસવી તે. જે ગળે ન ઉતરે, એને મૂકો પડતું! ઘડ બેસે, ત્યારે એક પળ માં બેસી જાય. ને જો પૂરતી ખંત તથા દિલોજાન પ્રયત્ન ન હોય, તો એ કોટિ ઉપાયે ગળે ન ઉતરે! બાબા નગિનાસિંહની વાત નથી જાણતા?….
એ એક પળ માટે જીવનમાં દાનને ઓછાં જાણનારને એની પ્રાપ્તિ થાય. એ પળની પ્રાપ્તિ માટે, તેના ઈચ્છુક મુમુક્ષુઓ તન, મન, ધન, સકળ સંસારી વૃત્તિ….. એ બધું છોડીને ભેખ લે છે. ને એ એક પળની સિદ્ધિ ખાતર એ ત્યાગને કશી વિસાતમાં લેતા નથી.
તમે “એકદમ” અને “તરત” શબ્દો વાપર્યા છે. પણ આ સંદર્ભમાં એનો મર્મ નથી પામ્યા. એ એકદમ અને તરતની પ્રાપ્તિ માટે, જીવનભરનો પ્રયત્ન જરૂર છે, એ હકીકત જેને ગળે ઉતરે, તેને એ શબ્દોના રહસ્યની સમજ પડી શકે, અને તેવી લગની વગર એ “એકદમ” વાળી પળ આવે જ કેવી રીતે! તમે સાંભળ્યું, વાંચ્યું, ઘણું હોય. પરન્તુ તે કેવું? દુનિયાદારીનાં સાંભળ્યાં-વાંચ્યાંની રીતનું જ.
એવી પળના આગમનને તમે ”અવધિ” કહો, કે ઉદધિ કહો, પણ એમાં સાધકે ડૂબી જવાનું, ને ડૂબેલા રહેવાનું હોય. પેલો મહિમ્નનો શ્લોક યાદ કરો. મનઃ પ્રત્યગ્ ચિત્તે…. વાળો. જે ‘માંહી” પડ્યો, તેને અવધિની ખબર કેવી રીતે હોય? અને જો હોય, તો તે ”માંહી” નહિ, પણ બહાર જ હોય – તીરે ઊભા જુએ તમાશો!
જો ”અનુભવવાનું છે જ,” તો, દિલોજાનથી તેનું મૂલ્ય ચૂકવો! સંસારની રસપૂર્વક મોજ માણતાં – માણતાં એ સ્વરૂપાનુભવની પળ ઝબકી પડવાની રાહ જુઓ છો?…. પ્રથમ પસંદગી નો ક્રમ મનોમય, વિવેકમય છે. સ્થૂળ નહિ. ગીતાના શ્લોકનો અભ્યાસ કરો¬:
”વિષયા¬: વિતિવર્તન્તે નિરહારસ્ય દેહિનઃ રસવર્જ્યં. રસોપ્યસ્ય પરં દ્રષ્ટા નિવર્તતે।।” એ ”આ બધા” ના રસનું ઉડી જવું, તે જ પેલી ”એકદમ” પળની સિદ્ધિ છે. અને તે ક્યારે બનવા પામે? परं द्रष्ट्वा…. સ્વરૂપના સહસા અનુભવના ઉગી નીકળવા, સ્ફુરવા વડે જ. એનું નામ “જાણવું.” એવું જાણવું. એ બચ્ચાંની રમત નથી.
શબ્દોના ચાલુ અર્થોના જંગલમાંથી એમ સહસા બહાર નીસરી જવું, એ, વ્યાવહારિક શબ્દાર્થો જ ચૂંથવાનું જેનું એક માત્ર કામ છે, તેવા કર્તવ્યનિષ્ઠ શિક્ષકચિત્ત માટે કેવું વસમું થઈ પડે!…. પણ મર્દાનગી એમ કરવામાં જ છે ને! “પોલું તો, હઉ કોઈ વગાડે, પણ…. ” પરંતુ, તમે સાંબેલું વગાડવાનું કામ હવે કરી રહ્યા છો, તેથી તો આમ પૂછવાના પ્રસંગો આવે છે ને! સરસ!
અનુસંધાનમાં. “કયા એક ને જાણવાથી, શું બધું જણાઈ જાય છે?”
છાંદોગ્યના આ શબ્દો બધા જ રટે છે. ને જાણે કે પોતે બરોબર સમજતા હોય તેવી અદાથી એને વાગોળે છે, કે એ તો માટી, સુવર્ણ, લોખંડ, પોલાદ ઈતર ના જેવું.
પણ, ચેતજો! એવું નથી. જે વ્યવહારિક દ્રષેટાન્તો ત્યાં આપેલાં છે, તેનાં કુંડાળામાં વાચકની આંખ ને અક્કલ ઘેરાઈ જતાં હોય છે, તેનો ખ્યાલ પણ ભાગ્યે કોઈ ને આવે છે. એ દ્રષ્ટાન્તોમાં સૂચવેલા, “કારણને સમજવાથી તેનાં બધાં કાર્યો આપોઆપ સમજી જતાં હોવાં” નો ભાવ, કેવળ વાયવહારિક જગતને લાગુ પડે છે. તેમાં, “સમજાઈ જવું,” નો પેલો સાચો અર્થ નથી સમજતો હોતો. “આ બધું અંતે માટી જ છે. સુવર્ણ જ છે.” ઈત્યાદિ સ્થૂળ રીતની સમજણ હોવા છતાં, વ્યવહારમાં તે બધા ઘાટઘૂટો જોઈતા, તથા બનાવાઈને વપરાતા પણ હોય છે. તેના વિના વ્યવહારનાં કામો ચાલે પણ નહિ. ત્યારે અહીં “સમજવા”નો લક્ષ્ય અર્થ શું છે?…. એ, કે, એવી સમજ વડે, એમાંના કોઈ પણ ઘાટઘૂટ અર્થાત્ વિકારને, એ “ગમતો” હોવાની નજરે જોવાનું બંધ થઈ જાય- થઈ જવું જોઈએ. આંતરિક વિવેક, તથા વૈરાગ્ય (માનસિકલતનો નાશ) જાગવા જોઈએ, એટલે કે પદાર્થના “પ્રેયસ” ભાગનો મનમાંથી ત્યાગ થવો જોઈએ, વ્યવહાર પૂરતા વાપરવા છતાં, એ વિકારોની ઉપયોગીતાને “જોઈએ છે, કેમ કે ગમે છે, રૂપાળું છે, મનને ગલીપચી કરે છે…. ” એવા પામર ભાવમાં “ઉપયોગીતા” ના ખ્યાલને ન સરકી પડવા દેવો જોઈએ. એવું જાણવું, તે જ ખરૂં આધ્યાત્મિક જાણવું છે. આ દ્રષ્ટાન્તો, જગતનાં વિવિધ ક્ષેત્રોમાં ભરેલી એક જ મોહમાયાનાં ડાળાં-પાંદડાં જેવાં છે. અને જે આધ્યાત્મિક એકને જાણવાનું છે, તે સર્વગ્રાહી છે. તે જ એ આત્મવસ્તુ છે. કે જેના અન્ય સર્વ સ્થૂળ –સૂક્ષ્મ પદાર્થો કે વિચારો પણ કેવળ વિવર્તો, ખોટા દેખાવો, પ્રારબ્ધના વ્યવહાર પૂરતા ભાસમાન થાય છે. વાસ્તવમાં, બધું બ્રહ્મ જ બ્રહ્મ છે. તેથી, તે એક જ સત્ય, તથા મેળવવા યોગ્ય છે, ને અન્ય સર્વ કલેશકારી તથા નાશવંત હોવાથી, મિથ્યા, ને અપ્રાપ્તવ્ય છે. એ રીતની એ “એક” ની સાચી જાણકારી ને, ને એ સમજ છે, કે, “બધું હું જ છું, તેથી બધું મારૂં જ છે.” તે વસ્તુને એમ જાણવાથી, ત્રણેય લોકનું બધું જ “જણાઈ જાય” એટલે કે એ સર્વની પારમાર્થિક સ્વરૂપતાની ઘડ બેસી જાય.
આ એકનું જાણવું તથા સમજવું, પારમાર્થિક સ્વરૂપના નિત્ય જ્ઞાનભાનરૂપ છે. વ્યવહારમાં એનું ડહાપણ ડહોળવું નહિ ચાલે. વ્યવહાર, તેની રીતે, વિવિધતાના દેખાવપૂર્વક જ ચાલે. પરંતુ, અંદરથી એ સર્વની એક માત્ર રૂપતાનું ભાન રહે, કે એ બધું હું જ છું, તો ત્યાં કોઈ પણ પ્રકારની કામના માજણ્યા કોઈ પણ કલેશ ભાવને અવકાશ ન મળે, ને સ્વસ્થ સાક્ષીભાવ રૂપી મોક્ષ નિત્ય પ્રાપ્ત રહે. મતલબ કે, “જરૂરતો”ની મર્યાદા કેવળ વ્યવહાર પુરતી રહે, ને ત્યાંથી કપાઈ જાય.
વ્યાવહારિક અને પારમાર્થિક મૂલ્યોની ગરબડ કરીને જ “એ તો મને આવડે છે” ના ગુપ્ત અહંકાર વડે, આપણામાંનાં ઘણાંખરાંઓ વેદાન્તને, ને આપણને પોતાને ઠગીને, કલેશ તથા અજ્ઞાનને કેવા પંપાળતા રહીએ છીએ, એનું ભાન, આ શ્રુતિ દ્વારા જો થવા પામે, તો જ આવી વેદાન્તની ચર્ચાનો કંઈ અર્થ સરે, તો સરે. બાકી, “અદ્વૈતપંચક” નું અહંકાર પંચકમાં રૂપાન્તર જ થાય.
તેથી, ખીસાકાતરૂ અહંતાથી અને ખોટી સમજમાં સંતોષ માની લેવાની અજ્ઞાન વૃત્તિ રૂપી ચોરથી સાવધ રહેજો.
ૐ તત્ સત્ ।
PAGE 108
“આત્મ નિવેદન”
૧. વેદાન્તના માર્ગમાં સૌથી મોટાં લાભ મને એ મળ્યો કે, ગુરૂ મહિમા અથવા “ગુરૂ વિના જ્ઞાન નહિ” એ મહાસૂત્રનો સચોટ પણે ખ્યાલ આવ્યો. પોતાના બુદ્ધિબળ ઉપર જ મદાર રાખી આગળ વધવાનો, અને પ્રત્યેક વસ્તુને સંપૂર્ણપણે સમજી લેવાનો, પોતાને મિથ્યા અહંકાર હંમેશા હોય છે જ. તેના વારંવાર દર્શન થયા – મારા પોતાના તેમજ અન્યના જીવનમાં પણ. માનવ જેવા મહામૂલ્ય દેહ મળવારૂપ, અગાધ ઈશ્વર કૃપા મળવા હોવા છતાં, અને તેમાં યે કોઈક ને તો ખરેખર વિચક્ષણ બુદ્ધિ પણ સાથે સંપાદન હોવા છતાં, વળી ધર્મ કર્મમાં અસાધારણ કક્ષાનું જ્ઞાન પણ પ્રાપ્ત કરીને રાચતાં, એવા અનેક જીવોને, એક માત્ર ગુરૂના શરણના અભાવે, સંતાપ અને કલેશમય દુઃખોમાં સળવળતા જોયા છે અને જોઉં છું. પંડિતાઈ અને વિદ્વતાભરી વાણીરૂપી ચમકારામાં, હાડોહાડ અજ્ઞાનરૂપી પોલંપોલ જોતાં પાર આવતો નથી, કારણ કે “ગુરૂ બિન કૌન બતાવે બાટ.” ભ્રાંતિકી ખાડી, નદિયાં બીચમેં, અહંકાર કી લાટ, ગુરૂ બિન…. ” એવા મહાઅનર્થમાંથી ઉગારી લેનાર પરમપૂજ્ય, પરમહંસ, પરિવ્રાજક, બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય એવા મારા આત્મરૂપ ગુરૂદેવ જો મને ન મળત, તો આ પામર જીવડાનો કોણ બેલી થાત અને કોણ જાણે કયા એ ભવમાં ભવટણનો છૂટકારો થાત. ગુરૂ મહિમાના ગુણગાન તો હું ગાઉં એટલાં ઓછાં છે. અને મારા ગુરૂશરણથી મને કદીયે અળગો ન કરવા મારા અંતર્યામીને હું ચાહે તેટલી અરજ કરૂં, એ પણ ઓછી છે.
મારે તો ‘પાય’ લાગવાને મારા ગુરૂદેવ સિવાય અન્ય કોઈ છે જ નહિ, કારણ કે મારા તો ”ગુરૂ” અને ”ગોવિંદ” બન્ને એક બીજામાં સમાઈ ને, એક રસરૂપ થઈને, એક જ સ્વરૂપે મારી સામે નિત્ય નિરંતર પ્રત્યક્ષ છે જ, એટલે ”પાય” લાગવા માટેની મારી તો મુંજવણ છે જ નહિ. બીજું, ”મારે માથે હજાર હાથવાળો, અખંડ મારી રક્ષા કરે,” એવા મારા ગુરૂદેવ મારી પાસે ઉભા છે અને મારા આત્મા ઉન્નતિની જવાબદારી એમને શીરે લઈ લીધી છે. પછી મારે બીજી શી ચિંતા. પછી ભલેને ગમે તેટલી મોટી આફત –દ્રશ્ય કે અદ્રશ્ય મારી સામે આવીને ખડી થઈ જતી. તેમાં યે સૌથી બળવાન શત્રુ મારે જો કોઈ હોય તો તે મારો પોતાનો જ અહંકાર, અને તે પણ એવો તો સૂક્ષ્મ અને ELUSIVE છે કે ત્યાં કોઈ દુન્યવી યુક્તિ કે તાકાત કામ નથી આવતી. તે પણ એકમાત્ર મારા ગુરૂશરણના પ્રતાપે, રાંક બનીને વંમે માપવા માંડે છે, જેમ કે ”તે ગુરૂતત્વને” માં કહ્યું છે તેમ ”હું ને મેં ના મલિન કપટી, સૂક્ષ્મને ધીટ ભાવે, ચોંટી ચિત્તે છળકપટથી જ્યાં કરે આત્મદેવો- ત્યાં તો, જેવી સિંહણ વિફરે બાલના સ્વાસ્થ્ય કાજે, તેવા, હાંકી ઝટિતિ ઠગને, સદગુરૂ બ્રહ્મ રાજે!”
મારા આત્મ પિતાએ અત્યંત કરૂણા કરી મને પોતાને મારાથી બચાવી લીધો. એટલું જ નહિ પણ મારા પોતાને મને પોતાને મારાથી એટલે કે જેને ”હું” માનતો હતો અને જે મારો ખરો ”હું” હતો તે બે વર્ષના સૂક્ષ્મ અને લપસણા ભેદને દીવા જેવો છતો કરી બતાવ્યો. કેમ કે ”રાજે રૂડો હું પદ ગર્ભે જે મહાવાક્યસાર, તે ક્યાં, ને ક્યાં અબુધજનના અલ્પતાના હુંકાર! सोहम् કેરા વિબુધ પદમાં મૂઢ “હું” નો દમામ. પલટાવી દે સ્પર્શમણિ શા, તે ગુરૂ બ્રહ્મનામ!” મારા આત્મદેવ, ગુરૂદેવની અસિમ કૃપાથી વેદાંતરૂપી પરિપૂર્ણ પ્રેમ અને આનંદરૂપી જે અનેરો માર્ગ મને લાધ્યો છે એના લાભાલાભનું વર્ણન હું કયા શબ્દોમાં અને શી રીતે કરૂં? ક્યાંથી શરૂઆત કરૂં અને ક્યાં અંત લાવું? જેમણે મને સ્થળ અને સમયના મર્યાદાની ભ્રાંતિ ઉરાડી દઈને અનંતતાના મારા અસલ સ્વરૂપની થયેલી વિસ્મૃતિ હઠાવી દીધી, તેને શબ્દોરૂપી મર્યાદામાં કઈ રીતે સાંકળી શકું? જ્યાં મારા આત્મરામ, ગુરૂદેવ મને પ્રતિતી કરાવી આપી કે જે પરમ પ્રેમસ્વરૂપ, પરમાનંદ પરમેશ્વર મારાથી કોઈ અન્ય જુદો નહિ પણ મારૂં જ સ્વરૂપ છે. અને એકમાત્ર મારા સિવાય બીજું કશું છે જ નહિ, એટલું જ નહિ પણ કોઈ કાળે ભેદ હતો જ નહિ, ત્યાં કોણ એવા અન્ય કોઈને, શેના વડે, શું કહું તે મને સમજાતું નથી. અને સર્વાત્મભાવના અનંત પ્રેમ સમુદ્રમાં જે મનોભાવથી તરબોળ બન્યો છું, તે વાણીની મર્યાદાથી ગુંગળાઈ મરૂં છું. તેમ છતાં વૈખરીનો આશરો લેવો રહ્યો એટલે ભાંગ્યા તૂટ્યા તો યે મનોભાવને શબ્દોમાં વ્યક્ત કરવાના પ્રયત્નો કરવા રહ્યા.
૨. બીજો લાભ મને એ મળ્યો કે નિરર્થક સંશય પદમાંથી હું ઉગર્યોઃ આ કરૂં, તે કરૂં, આ સાચું કે તે ખોટું વગેરેની મિથ્યા ગળભાંજ મનમાં હંમેશા થયા કરતી. સાચો પુરૂષાર્થ શું એ જ સમજાતું નહોતું. ધનવાન થવાના પ્રયત્નમાં, કે દાનવીર થવાની મહત્વકાંક્ષામાં, તરેહ તરેહ ની વિદ્યાઓ સંપાદન કરવામાં કે પછી પરદુઃખભંજન અર્થે જીવન ગાળી નાંખવામાં, સાચો પુરૂષાર્થ સમાયેલો છે. કે પછી એનાથીયે કોઈક બીજી ઉચ્ચતમ પ્રવૃત્તિમાં સાચો પુરૂષાર્થ સમાયેલો છે, તે ગતાગમ પડતી નહોતી. કારણ કે અત્યાર સુધી દુનિયાદારીના મૂલ્યો ઉપર મદાર હતો, જે ઠગારા નીવડ્યા, એને હવે પારમાર્થિક મૂલ્યો હાથ લાગવાથી જે એક જ સાશ્વત હોવાની પ્રતિતી થતાં મૂલ્યોની ઉલટા સુલટી થઈ ગઈ. પુરૂષાર્થ અને પ્રારબ્ધ વચ્ચેનો તફાવત સચોટ સમજાયો. પોતાના આત્મ સાધનમાં મંડ્યા રહેવું. એ જ સાચો પુરુષાર્થ બાકીના બીજા પારમાર્થ એની પ્રતિતી થઈ. અને તે સિવાય વ્યાવહારિક કોઈ પણ ઘટનાને પ્રારબ્ધવશાત્ માનીને તે પ્રમાણે વર્તવું એ જ દુઃખભાવની નિવૃત્તિ અને નિરંતર સુખભાવની પ્રાપ્તિ કરાવનાર છે. એ પણ સ્પષ્ટપણે સમજાયું. આ રીતે પ્રારબ્ધના ખેલની સાક્ષીભાવે અસંગતાથી માત્ર જોયા કરવાની યુક્તિ પણ હાથ જડી.
૩. ત્રીજા લાભમાં મને નિષ્કારણ આનંદની પ્રાપ્તિ થઈઃ- સંપૂર્ણ દુઃખભાવની નિવૃત્તિ એ જ આત્મભાન, અને મૂળ વસ્તુનું અજ્ઞાન એ જ દુઃખભાવનું બીજ, એની પ્રતિતી થવાથી દુન્યવી સુખદુઃખોના મૂલ્યોની પણ ઉલટી સુલટી થઈ ગઈ. જો સર્વત્ર એક માત્ર આત્મા જ વ્યાપક છે, એટલે કે “સર્વં ખલુ ઈદં બ્રહ્મ” જ છે, સર્વ સત્ ચિત્ આનંદ સ્વરૂપ છે, અને એના સિવાયનું બીજું કશું વાસ્તવમાં છે જ નહિ, અને આત્મા આનંદ સ્વરૂપ જ છે તો આનંદ પણ દરેકને હાજરાહજુર છે જ.- એને મેળવવાપણું હોતું નથી. અંતરમુખ દ્રષ્ટિમાં મળતા જે શાંતિ, સ્વસ્થતા, સુખભાવ – બસ એ જ નિષ્કારણ આનંદ-આત્માનંદ. એને કોઈ બાહ્ય કે અંદરના કારણ સાથે સંબંધ નથી. બાહ્ય પદાર્થો સાથેના સંબંધમાં મળતો જે દુન્યવી આનંદ એ તો માત્ર આપણી પોતાની વાસનાઓનું પ્રતિબિંબ જ હોવાથી, વાસનાનું રૂપ બદલાતા એ વિષય જન્ય સુખ અને આનંદ પણ ક્ષણિક બની જાય છે. આમ આ નિષ્કારણ પરમ આનંદની ઝાંખી પણ મને ગુરૂ કૃપાથી થઈ.
૪. અને છેવટે, વેદાંતનો આ રાહ લીધા પછી આ જીવન અંગત કે સંસારિક જીવનમાં, લોક વ્યવહારમાં કે ધંધાકિય પ્રવૃત્તિમાં, મિત્ર વર્ગમાં કે કૌટુંબીક સંબંધમાં, અથવા જીવનમાં કોઈ પણ એવું ક્ષેત્ર બાકી રહ્યું નહિ હોય કે જેમાં આ અદભૂત માર્ગની અસર પડી ન હોય, અને પારસમણિની જેમ એ બધા ક્ષેત્રને અડીને એ સૌને શુદ્ધ અને નિર્દોષ બનાવ્યા ન હોય. જો કે જ્યાં સુધી અહંકારરૂપી બીજમાંથી કામ, ક્રોધ, વહેમ, ઈર્ષા, વગેરે વાસનારૂપી અંકુરો ફૂટતા રહેવાના ત્યાં સુધી મુક્તિના માર્ગમાં ભગીરથ પ્રયત્નો વગર છૂટકારો નથી જ. નહિ તો ‘દીલ્હી દૂર અસ્ત’ રહેવાની જ. ભવોભવની જૂની પડેલી ટેવ, રંધાયેલા લસણવાળા વાસણમાં રહી જતી ગંધની જેમ એ વાસનાઓના અનંત જાળાં ટળતાં કોણ જાણે હજુ કેટલાયે યુગો વિતશે. એટલે એક રીતે વેદાંતનો માર્ગ સીધો અને સરળ હોવા છતાં અતિ કઠણ અને અત્યંત લપસણો પણ હોવાનો અનુભવ પ્રત્યેક ક્ષણે થાય છે, અને વારંવાર મન પાછળ પણ હઠે છે. તેમજ દૈનિક જીવનમાં સંસારચક્રની અવનવી પ્રવૃત્તિઓમાં રચ્યા પચ્યા રહેવાને લીધે સાક્ષીભાવ પણ વારેવારે વિસારે પડી જાય છે, અને મારા સ્વરૂપની વિસ્મૃતિમાં આટલાં વિક્ષેપો જાણે કે ઓછાં પડતાં હોય તેમ ઠગારો છતાં આ ભ્રાંતિમય સંસાર કેવો સંગીન અને કેવો મીઠો પણ લાગે છે, જેમ કે આપે લખ્યું છે તેમ ‘જેને લોકો મુખજળદ્રવી સાતમું સ્વર્ગ કહે છે, માણી મોજો, મનુજ-મન સંસાર-સર્વસ્વ જે છે.’ પણ જ્યાં ને એક માત્ર અહંભાવ જ ધવાવાનો પ્રસંગ ઉપસ્થિત થાય ત્યાં તો સર્વત્ર દુઃખ દુઃખના દાળીયા ભાસવા માંડે છે, અને ઉપરથી ત્રિવિધ તાપોની થપ્પડો પણ જ્યારે પડે છે ત્યારે મન બેબાકળું બની જાય છે. તેવે સમયે એકમાત્ર મારા સદગુરૂ મારે વહારે ધાય છે. અને જીવભાવની મહાભયાનક એવી ગ્રંથીને કાપીને ફરીથી મારી શાન ઠેકાણે લાવવા તે વખતે તો તાતી તરવાર જેવા અને ધગધગતા અંગારા જેવા એમના વેધક બોધ વાક્યો જ લક્ષ્ય વીંધી જાય છે. જોમકે એક જગ્યાએ આપે લખ્યું છે કે ”ચિત્તને ધોઈને સાફ કર્યા વિના રામ ન મળે. ચિત્ત એવું ખરડાયેલું હોય છે, કે તેના ઉપર કોઈ દુન્યવી VIM કામ ન કરે. એક જ રસાયણ એમાં કામ લાગે – આંસુ!…… સંસારભાવથી છૂટવાનું. એની હસ્તીનું સાનભાન પણ ન રહે એવા સ્વચ્છ થઈ જવાનું મહાભીષણ પરાક્રમ પોતાની કાયા ઉપરથી પોતાને હાથે ચામડી ઉતરડી નાખવા જેવું વસમું. તે કર્યા વિના – રામની લગન માટે ઝારઝાર રડ્યા વિના. જોઈતી વસ્તુ માટે, તે વસ્તુમાંથી ”અન્ય” બધું જ, જોઈતું તેમ જ ન જોઈતું નેસ્ત નાબૂદ કર્યા વિના – તેની પાછળ પાગલ થયા વિના, કોને, કયો કીમતી કામ- પદારથ મળ્યો છે-સંસારનો યે? ને રામ-પદારથનાં મૂલ્ય શું આંકશો? પ્રેમની શી કિંમત આંકશો? ને પ્રેમ વિના કશામાં કશોયે શો સ્વાદ છે?
સંસારમાં રહીને યે એ બને કે નહિ એ પ્રશ્નના ઉત્તરમાં એટલું જ કહેવાનું કે કદાચ બનતું હશે- બનતું દેખાતું હશે. લાખ-કરોડોમાં એકાદનું. પણ દેહ છે, જ્યાં સુધી દેહાધ્યાસ છે, ત્યાં સુધી જીવપણાનો લસરકો મોજુદ છે જ. ને મન છે, ત્યાં માર છેજ. કમળ-પંકજ, કીચડમાં ઉગે છે, મૂળ જળસભર છે. પણ ઉપરની પાંદડી ને જળ ન ચોંટી શકે- કેમકે કમળ ”બુદ્ધિમાન” નથી, એ ”મનુષ્ય” નથી. એને મન નથી. વાઘ માણસને યે ફાડી ખાય છે, છતાં એને પાપ નથી, કેમકે એને અક્કલ નથી, એને બુદ્ધિનો વળગાડ નથી. એ માણસ નથી. ને માણસની જડ પરમાત્મામાં, શુદ્ધ છે. પણ એ માણસ છે, ને એને બુદ્ધિ છે, તેથી જ એની મસ્તક પાંદડી ન હોય ત્યાંથી કીચડને જ શોધે-વળગે છે. સંસાર કીચડ ને મનજળથી ખરડાવું-પલળેલું રહેવું- એને જ એ પાત્ર છે. તેથી, એણે ખૂબ સંભાળીને ચાલવું ઘટે. ચિત્તશુદ્ધિનો પરિપાક તો, ત્યાગના ડૂબરૂપ સંન્યાસ ભાવમાં જ આવે, સંસારકીચડમાં મનની પટામણીથી પડી રહેવું, ને તે સાથે પગ ખરડી ખરડીને ધોવાની મન જેવું જ તો. ”નીકળી જવાનું” માત્ર ઈંટ ચૂનાના ઘરમાંથી, પણ ખરૂં નીકળી જવાનું તો છે મન-ઘરમાંથી-નીજપણા રૂપી ઘરમાંથી. છોકરાં છૈયાના સમુદાયમાંથી તો જાણે ઠીક. છોકરાં-છૈયાં ભાવમાંથી નીકળ્યું પરમાણ. સ્વરૂપથી વેગળા-જુદા-રહીને સ્વરૂપ મુઠીમાં ન આવે. એ તો સ્વ-રૂપ બની જવાથી સ્વ-રૂપ એવું આવે, એવું આવે, કે બીજું કંઈ રહે જ નહિ…. એનું નામ ”મેળવ્યું,” ”પ્રાપ્તથયું,” ”પહોંચ્યા.” જ્યાં હું માણસ છું, ત્યાં હું દેવ નથી… જ્ઞાની છું, ત્યાં જ્ઞાન નથી. જેમ ઢોર બની ને જ ઢોર સચવાય…. તેમ ભગવાન બની ને જ ભગવાન પણું સચવાય!
ૐ તત્ સત્ ।
PAGE 109
”THE WAGES OF SIN”
IT WAS UNUSUAL IN THE ગુરૂ-શિષ્ય LIFE QUITE UP TO RECENT TIMES AS LONG AS MONEY HAD NOT ENTERED INTO THE RELATIONSHIP, FOR THE GURU, USUALLY IN THE AFTERNOON TO SOMETIMES REST FOR A WHILE WITH HIS HEAD ON THE શિષ્ય’S LAP FOR FORTY WINKS. ONCE PARASURAM THE MIGHTY BRAHMIN WAS APPROACHED BY કર્ણ FOR વિદ્યાભ્યાસ AND LIED TO HIM THAT HE WAS A BRAHMIN’S SON.
પરશુરામ, TRUSTFUL AS A TRUE BRAHMIN SHOULD BE, TOOK HIM AT HIS WORD, AND WAS MIGHTILY PLEASED AT HIS INTELLIGENCE.
THE CHIEF CHARACTERISTIC OF કર્ણ WAS TOUGHNESS – PHYSICALLY, TEMPERAMENTALLY, FEARLESS, AND THOUGH NOT ALWAYS SPOILING FOR A FIGHT, YET HE WAS ALWAYS WILLING AND EAGER FOR ONE IF IT CAME ALONG.
ONE AFTERNOON પરશુરામ RESTED WITH HIS HEAD ON કર્ણ‘S LAP. SOON A BORING WAS SETTLED ON HIS LEFT THIGH, AND STARTED OPERATIONS, કર્ણ WOULD NOT EVEN FLIP IT AWAY FOR FEAR OF WAKING THE ગુરૂ THE WASP BORED, AND SOON BLOOD STARTED TRICKLING. IT TOUCHED THE ગુરૂ‘S SHOULDER, AND HE WOKE UP. HE SAW THE SITUATION AND HIS FIRST REACTION – COMPASSION, AND A LITTLE ANNOYANCE THAT કર્ણ SHOULD HAVE LET MATTERS GO THAT FAR.
AND THEN CAME SUSPICION.
“TELL ME, કર્ણ WHO YOU REALLY ARE. YOU SIMPLY CANNOT BE A બ્રાહ્મણ; FOR HOWEVER TOUGH, NO બ્રાહ્મણ COULD STAND THIS PAIN SO STOICALLY; HE IS NOT TRAINED FOR IT. YOU CAN ONLY BE A ક્ષત્રિય WHO IS METHODICALLY BUILT THAT WAY. TELL ME, OR YOU WILL BE INSTANTLY DESTROYED.”
કર્ણ ADMITTED THAT HE WAS, REPUTEDLY A CHARIOTEER’S SON, AND NOT A ક્ષત્રિય, AND HAD TOLD A LIE TO LEARN THE ART OF BATTLE, MAINLY OUT OF PIQUE AT અર્જુન‘S SUPREMACY, AND PUT HIMSELF AT THE ગુરૂ‘S MERCY.
પરશુરામ HAD ALSO A SLIGHT PREJUDICE AGAINST ક્ષત્રિય‘S; BUT HE COULD NOT PUT UP WITH A LIE. SO HE SAID: YOU WILL CARRY YOUR વિદ્યા; BUT AT THE CRUCIAL MOMENT YOU WILL FORGET IT, FOR YOUR SOUGHT IF NOT FOR IT’S SAKE, BUT OUT OF A BASE MATURE.
AND SO કર્ણ DID WHEN HIS CHARIOT WHEEL SANK INTO A BOG, AND PAID FOR HIS SIN.
(HERE COMES A QUESTION: WAS NOT કર્ણ REALLY A BETTER ARCHER THAN અર્જુન? HE HAS BEEN SO DESCRIBED IN SEVERAL PLACES.)
THERE IS A STYLE IN LITERATURE IN WHICH THE OTHER PERSONS ABILITIES ARE EXAGGERATED TO EMPHASISE THE SUPER-EXCELLENCE OF THE HERE WHO BEATS HIM. KARNA WAS OFTEN DEFEATED BY અર્જુન, AND HE WAS SO BURNING WITH JEALOUSY THAT DUE TO THAT HE COULD NEVER USE HIS ABILITY CALMLY AND SO ITS FULL EXTENT. HE WAS SUPPOSED TO BE THE SON OF સૂર્ય, AND અર્જુન OF ઈંદ્ર. WHO COULD BE CALLED BETTER THAN THE OTHER?
IN THE SAME WAY, દુર્યોધન HAS BEEN SPOKEN OF AS EXCELLING ભીમ IN ગદાયુદ્ધ, JUST TO SHOW THE FIERCENESS OF THE BATTLE. IN FACT, HE WAS DESPERATE AND FIGHTING FOR HIS LIFE I SO WAS કર્ણ ON THE BATTLEFIELD. BUT HE ALWAYS AVOIDED અર્જુન, WHO AT LAST GOT HIM.
કર્ણ = પાંચ પાંડવોનો, છઠ્ઠો અને સૌથી મોટોભાઈ.
HE WAS AN ILLAGITIMATE CHILD, SO THE MOTHER PLACED HIM ON A FLOAT IN THE GANGA. HE WAS PICKED UP BY A CHARIOTEER OF દુર્યોધન AND ADOPTED. SO IT WAS THOUGHT THAT HE WAS A DRIVER’S SON.
PARASURAM WAS ONE OF THE અવતાર‘S OF વિષ્ણુ. HE WAS A BRAHMIN. HE REBELLED AGAINST TYRANT ક્ષત્રિય‘S AND DESTROYED THE RACE, BUT HUMBLED BY રામ. SO HE HAD A GRUDGE AGAINST ક્ષત્રિય‘S.
PAGE 110
“દુનિયાની વિદ્યા અને યોગની વિદ્યાના પરિણામો.”
જગતની બધી વિદ્યાઓમાં સૌથી આગળ વધેલો જો કોઈ દેશ હોય તો તે અમેરીકા છે. કોઈ પણ ક્ષેત્ર લ્યો. વિજ્ઞાનમાં, ડૉક્ટરીમાં, સર્જરીમાં, ઈજનેરીમાં, સાયકોલોજી તો ત્યાં ઘેર ઘેર. ચંદ્ર ઉપર જનારા અને શુક્ર ઉપર જવા નીકળ્યા છે. એવી રીતે બધામાં આગળ છતાં આજે અધમમાં અધમ કોણ છે? અમેરીકનો. ત્યાં કોઈ માઝા નથી. કેમ કે એ ETHICAL થઈ ગયા છે. ત્યાં ગરીબી જાણે છે જ કોણ? ગરીબી નામની કઈ બલા છે તેની એમને ખબર નથી. બે ફિકરા થઈ ગયા છે. વિનાશની એ સાબીતી છે. બેફામ દૂરાચાર. જે વધારે ઈન્ડસ્ટ્રીયલ અને પ્રોગ્રેસીવ કહેવાય છે, ત્યાં કોઈ હદ નથી. એમને ત્યાંથી તો કાયદાઓ નીકળી ગયા, ગમે તે કરો, ગુન્હો નથી થતો. એ ઓ પોતાને સ્વર્ગના બનાવનારા માને છે. કેમ કે જે સુખ સાધન અહીંયા એમને મળે છે, તે સ્વર્ગમાં ન હોય. જો એ ત્યાં હોય તો એ સ્વર્ગ નહિ નર્ક થઈ જાય! મતલબ કે સ્વર્ગ અહીં જ આ પૃથ્વી પર જ છે. બીજે નરક સિવાય કંઈ છે જ નહિ. અને તે પણ પોતે બનાવેલું. કોઈનું બનાવેલું છે જ નહિ. પરિણામે બે ફીકર થયા, બીક કોઈની ન રહી અને ભય જતો રહ્યો. આજે આપણે જોઈએ છીએ, એરોપ્લેન, ફાસ્ટ ગાડીઓ, ઘેર ઘેર કાર! માણસ પોતાની આવડત અને બુદ્ધિ વડે મરવાના નવા નવા ઉપાયો શોધી કાઢે છે. જે પહેલા કોઈ કાળે ન હતા, વિનાશ જ વિનાશ, વિનાશની હારમાળા ઊભી કરે છે. આપણે દુનિયાની વિનાશ તરફ દોડતી વિદ્યાની વાત કરી, પણ આપણે ઘેર મોટામાં મોટો દાખલો અરવિંદ બાબુનો છે.
યોગની વિદ્યાના બળે કરીને કરવા ધારેલા પરાક્રમો, તે પાછળનું ગાંડપણ, અને તેની લત, કેવા અનર્થ ઉભા કરે છે. ૧૯૨૦ પહેલા અલીપુર બોમ્બ કેસમાં, એમના પર વોરંટ નીકળ્યું. ત્યારે પોંડીચેરી જે ફ્રેન્ચ હતું, ત્યાં જઈને છૂપાઈ ગયા. અને પોલીટીક્સમાં સબળકો વળ્યો! એમને પહેલેથી યોગની ધૂન હતી, વડોદરામાં એમને એક ગુરૂ પણ મળી ગયા, અને પોંડીચેરી રહી યોગનું કરવા માંડ્યા. તે સમયે PAUL NISAR નામનો એક ફ્રેન્ચ પ્રોફેસર પણ ત્યાં રહેતો હતો. શાંતિ નિકેતનમાં ત્રણેક વર્ષ સેવા આપી, અને પોંડીચેરીમાં એમના પત્નિ નિરા નિસાર, અરવિંદ બાબુના સંપર્કમાં આવ્યા. પૈસાવાળાની દીકરી. એને MYSTIC યોગની ધૂન લાગી હતી. અરવિંદ બાબુની એ શિષ્યા બન્યા, PAUL NISAR ફ્રાન્સ ગયા. અને નિરા નિસારને અરવિંદ બાબુએ પોતાની શિષ્યા તરીકે સ્વિકારી લઈ એને MOTHER તરીકે રાખી. અરવિંદ બાબુએ સાધના માંડેલી કે આ બધાં ખોટાં છે. અદ્વૈત કાંઈ નથી. જીવડો જ સાચો છે. સત્ય છે. તત્વે કરીને જીવ બ્રહ્મ જ છે. ઈશ્વર, બ્રહ્મા બે વસ્તુઓ ભિન્ન છે. બ્રહ્મની અને આત્માની એકતામાં નહિ માનવાવાળા, જગત સત્ય છે અને એ જગતને આપણે સ્વર્ગ બનાવવું છે. જીવને જ બ્રહ્મ બનાવવો છે, એટલે કે આ શરીરને જ અમર બનાવવું છે. પોતાના યોગને “પુર્ણ યોગ” જાહેર કરી, બધા યોગોનો સર્વોપરી લેખી. પોતે “સાવિત્રિ” નામનું મહાકાવ્ય લખી પોતાનો સિદ્ધાન્ત રજુ કર્યો, અને દુનિયાને નવતર, નવી નવાઈ થઈ પડી. એટલે પશ્ચિમમાં એનો મોટો સમૂહ થઈ ગયો. આ શરીરમાં જ બ્રહ્મ તત્વ ઉતારવું. જેથી કરીને શરીર પણ બ્રહ્મના જેવું અજર, અમર અને નિરોગી થઈ જાય. કોઈ દિવસ મરે નહિ! કેવો જબરજસ્ત મોહ અને અહંકાર કે જે આ માટીના ખોળિયાને અમર કરવા નીકળી પડ્યા! એમનું શરીર પણ ગયું!
શ્વેતાશ્વતર ઉપનિષદમાં બે ત્રણ મંત્રો છે. કે જ્ઞાનીનું શરીર તો જ્યોતિર્મય હોય. એટલે આત્મા જ્યોતિર્મય હોય, એને મોત નથી. એને કર્મ નથી. ઉપનિષદના આ રૂપક ઉપર અરવિંદ બાબુની આ આખી રચના છે. અગ્નિમય અને જ્યોતિર્મય એટલે સળગતા દીવા જેવું નહિ, પણ શુદ્ધ નિષ્કલંક. આત્મા અમર છે જ, એમાં આ ચામડાના શરીરને અમર બનાવવાની વાત નહોતી. અરવિંદ બાબુ લગભગ ૭૬-૭૭ વર્ષે મૃત્યુ પામ્યા. મૃત્યુ પહેલા કહી ગએલા કે માતાજીની કબર પણ મારી કબરની બાજુમાં જ તૈયાર રાખજો. ઈશ્વરને કોરે મૂકવા સુધીની આ યોગ સિદ્ધિની વાત પહોંચી! અમેરીકાનો દાખલો દુન્યવી સિદ્ધિનો અને આ દાખલો યોગ સિદ્ધિનો, સાયકિક મનોબળની સિદ્ધિ! એના પરિણામો આપણે જોયા.
દુનિયાની સિદ્ધિ, યોગની સિદ્ધિ કે ચમત્કારો ભયંકર વસ્તુ છે. વિનાશ જ છે. એ કક્ષાના જે અધિકારી હોય એ ભલે એમ કરે અને જીવવા ઈચ્છે. જીવતા રહેવાની ઈચ્છામાં કંઈ દોષ નથી. પણ જે સમય આપણને મળે તેનો ઉપયોગ કેવો કરવો છે તેના ઉપર આધાર છે. જેના મનમાં ગાંઠ પડી ગઈ છે, તેને માટે જોખમ જ છે. એમાંથી છૂટવાની પ્રબળ ઈચ્છા ન થાય ત્યાં સુધી આ ચક્કરમાંથી કોઈ છૂટવા પામીશ નહિ. તેથી આત્મબળ કેળવો, એ માટે પ્રાર્થનાકરવી જોઈએ. પ્રાર્થના એટલે પોતાને, પોતે જેવા થવું છે, એવા થવાનો દ્રઢ સંકલ્પ કરવો તેનું નામ જ પ્રાર્થના. એ સંકલ્પ મનોમન જ હોય, પોતાના આધ્યાત્મિક હેતુ કદી પણ કોઈના મનમાં સ્પષ્ટ નથી હોતા. સિવાય કે વેદાંત. વેદાંત સ્પષ્ટ કહે છે, કે હું બ્રહ્મ છું, મારે એનો અનુભવ કરવો છે. પ્રારબ્ધ જોડે મારે કંઈ નિસ્બત નથી, મારે તો મારૂં બ્રહ્મત્વ અનુભવવું છે. નિષ્ઠા જો સાચી હોય તો ઈશ્વર મદદરૂપ બને છે. તમારા સ્વભાવને તમે સંકલ્પ વડે બદલો. મનુષ્ય યત્ન તો ઈશ્વર કૃપા. મારી બુદ્ધિને પ્રેરણા આપો, બળ આપો. મારૂં યોગક્ષેમ,મારા પ્રારબ્ધ પ્રમાણે જ ચલાવજે. પણ મને તો તારા તરફથી બુદ્ધિની તેજસ્વિતા જોઈએ છે. શેને માટે? કર્માનુસારિણિ જે બુદ્ધિ છે તેની પાર થવા માટે.
ૐ તત્ સત્ ।
ૐ પ્રણવ પુષ્પો ભાગ -૧. સ્વામી પ્રણવતીર્થ.
અહીં પુરો થાય છે. સ્વામીજીના કોઈ શિષ્યે હાથે લખેલ આ પુસ્તક ફરીથી કમ્પયુટરમાં બનતી કાળજી સાથ લખ્યું એનો આનંદ. ભૂલચૂક માફ કરશોજી.
કાંતિલાલ પરમાર – હીચીન – યુકે. –
સોમવાર – ૩૧ જુલાઈ ૨૦૧૭.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s