પ્રણવ પરાગ સ્વામી પ્રણવતીર્થ

Contents
પ્રણવ પરાગ 4
સ્વામી પ્રણવતીર્થ 4
પ્રસ્તાવના 7
વિષયાનુક્રમ 8
જીવનમુક્તિઃસ્વરૂપ અને ઉપાયો 8
સાધનાલક્ષી વિવિધ 9
જીવન મુક્તિઃ સ્વરૂપ અને ઉપાયો 12
૧. જીવન મુક્તિ વિવેક 12
જીવનમુક્તિનાં લક્ષણ 14
૩. જીવનમુક્તિનાં પ્રમાણ 15
૪. વાસનાક્ષય 21
૫ પરમાત્મદેવનું જ્ઞાન 22
૬. મનોનાશ 27
૭. સમાધિ સૂત્ર અને પ્રત્યાહારનું વર્ણન 31
૮. યોગ – ચિત્તવૃત્તિ નિરોધ 34
૯. જ્ઞાનની ભૂમિકાઓ 39
૧૦. વિદ્વત્સંન્યાસ 43
૧૧. સંન્યાસીઓના પ્રકાર 46
સાધનાલક્ષી વિવિધ 50
૧૨. સંનિપાત-ઉન્માદ-હિસ્ટિરિયા 50
૧૩. પૂ. બાપુજીના પત્રોમાંથી નોંધ 52
૧૪. સાધન અને સાધ્ય 55
૧૫. ધ્યાન 61
૧૬. હું કોણ? 63
।। ૐ ।। 66
૧૭. ઈશાવાસ્ય ઉપનિષદનો શાંતિપાઠ 66
૧૮. મારૂં વિલ અને વસિયતનામુઃ 70
અણગમતું થાય અને ગમતું ન થાયઃ 72
૧૯. એમાં મારો શો વાંક? 73
૨૦. માયા અને તેનો સ્વામી 74
૨૧. સાવધાન! 77
૨૨. આધાર-ગજ 82
૨૩. ખંખેરી, ઝાટકી નાખો! 83
૨૪. “ગીતા”: જીવનનું અમૂલ્ય ગાન 86
૨૫. કઠોપનિષદનું ઉદબોધન 92
૨૬. ગીતાના આઠમા અધ્યાયનો અભેદભાવ 96
૨૭. માનવ શરીરનું મહત્વ 100
૨૮. તું કોણ? 102
૨૯. શ્રેય અને પ્રેય 104
૩૦. ૐની સ્પષ્ટતા 108
૩૧. અભ્યાસ અને વૈરાગ્ય 109
૩૨. આત્માનું દર્શન 114
૩૩. આત્માની પ્રાપ્તિના ઉપનિષદ દર્શિત માર્ગો 117
૩૪. શિવ વિષે 120
૩૫. ત્રણ દેવોની સમાનતા 124
૩૬. શિવલિંગઃ અર્થ અને સ્વરૂપ 126
૩૭. મહાદેવના સંબંધમાં માન્યતાઓ 130
૩૮. સંસ્કાર-બીજની માવજત 138
૩૯. આત્મકલ્યાણ માટે ચાર કૃપાઓ 141
૪૦. સાચો ગુરૂ અને સાચો શિષ્ય કોણ? 144
૪૧. સત્સંગ 147
૪૨. પંચ મહાભૂત વિવેક અને ભાગવતધર્મો 150
૪૩. સ્વામી રામતીર્થઃ પરિચય અને બોધવચનો 153
૪૪. અનિર્વચનિય માયા 163
૪૫. રવિવારની પ્રાર્થના 167
૪૬.કર્મની ગહન ગતિ 175
૪૭. ઈશ ઉપનિષદ મંત્ર – ૧ 181
૪૮. અદ્વૈતાનંદ 185
૪૯. ચિત્ત શુદ્ધિ 192
૫૦. ઉપશમ પ્રકરણઃ 194
૫૧. ઉત્પત્તિ પ્રકરણ 202
શાશ્વત શાંતિ 210
LIKES 214

પ્રણવ પરાગ
સ્વામી પ્રણવતીર્થ

પ્રકાશકઃ- શ્રી પરાગભાઈ રામભાઈ પટેલ
૩૩૧૩ ગેટવીક પ્લેસ, ફાર્મર્સ બ્રાન્ચ,
ડલાસઃ ટેકસાસ. અમેરીકા. . ૭૫૨૩૪
ફોનઃ ૯૭૨-૪૮૪-૯૮૪૪

અષાઢ સુદ ૧૫, રવિવાર
ગુરૂ પૂર્ણિમા, સંવત ૨૦૫૬
જુલાઈ ૧૬, ૨૦૦૦

ટાઈપ સેટિંગઃ ન્યુ-ટેક ફોટો કંપોઝર, નડીઆદ.
મુદ્રકઃ વિજય મહેતા, સસ્તુ પુસ્તક ભંડાર, અમદાવાદ.


પ્રસ્તાવના
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते ।
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ।।
પ્રસ્તુત ગ્રંથમાં બ્રહ્મલીન શ્રદ્ધેય સ્વામી પ્રણવતીર્થજીના હ્રદગત ગૂઢ ભાવોને એક લેખશ્રેણીમાં શ્રી પરાગભાઈ પટેલ દ્વારા પ્રકાશિત કરાયા છે.
પૂજ્ય સ્વામીજી દ્વારા લિખિત ગ્રંથોમાં શ્રીમદ્ ભગવદગીતા, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, યોગવાસિષ્ઠ, શ્રી શિવમહિમ્ન સ્તોત્ર, વેદાનુવચન આદિ પચીસેક ગ્રંથો અગાઉ ‘શ્રી સ્વામી પ્રણવતીર્થ સ્વાધ્યાય ટ્રસ્ટ’ દ્વારા મુદ્રિત થયા છે.
આ લેખશ્રેણીના પ્રકાશક ભાઈ પૂ. સ્વામીજીના ત્રણ અંત્યેષ્ટિકારોમાંના એક છે. તેમને મળેલા આ વિવિધ લેખોમાં કેન્દ્રિય વસ્તુ આત્માનુભૂતી છે. આમાંથી સાધકોને પોતાની જીવનયાત્રામાં શ્રેયના માર્ગે સરળતાથી પ્રયાણ કરવા માટે આવશ્યક ભોજન સામગ્રી મળી રહે તેમ છે. પ્રત્યેક મનુષ્યને પોતાના જીવનના વ્યવહારમાં રહીને શ્રેય સાધી લેવા માટે સાવધાની રાખવાનો સ્પષ્ટ નિર્દેશ આમાં આત્મભાવનાથી કરાયો છે.
પંચભૂતોનું શરીર તો પ્રકૃતિનું સર્જન છે. માનવશરીરનો સદુપયોગ કરીને સાવચેતીપૂર્વક પુરૂષાર્થ દ્વારા આ શરીરથી જ જીવતેજીવત મુક્ત થઈને સ્વરૂપાવસ્થિતિ સિદ્ધ કરવામાં આ ગ્રંથ સહાયક થાય એવી અભ્યર્થના સાથે.
ૐ તત્ સત્ ।
વિનીત નિમિત્તમાત્ર.
વિષયાનુક્રમ
જીવનમુક્તિઃસ્વરૂપ અને ઉપાયો
પૃષ્ઠ
૧. જીવનમુક્તિ વિવેક ૧
૨. જીવનમુક્તિનાં લક્ષણ ૨
૩. જીવનમુક્તિનાં પ્રમાણ ૪
૪. વાસનાક્ષય ૮
૫. પરમાત્મદેવનું જ્ઞાન ૯
૬. મનોનાશ ૧૪
૭. સમાધિ સૂત્ર અને પ્રત્યાહારનું વર્ણન ૧૬
૮. યોગ-ચિત્તવૃત્તિ નિરોધ ૧૯
૯. જ્ઞાનની ભૂમિકાઓ ૨૩
૧૦. વિદ્વત્સંન્યાસ ૨૫
૧૧. સંન્યાસીઓના પ્રકાર ૨૭
સાધનાલક્ષી વિવિધ
૧૨. સંનિપાત-ઉન્માદ-હિસ્ટીરિયા ૩૦
૧૩. પૂ. બાપુજીના પત્રોમાંથી નોંધ ૩૨
૧૪. સાધન અને સાધ્ય ૩૪
૧૫. ધ્યાન ૩૮
૧૬. હું કોણ? ૩૯
૧૭. ઈશાવાસ્ય ઉપનિષદનો શાંતિપાઠ ૪૨
૧૮. મારૂં વિલ અને વસિયતનામું ૪૫
૧૯. એમાં મારો શો વાંક? ૪૭
૨૦. માયા અને તેનો સ્વામી ૪૯
૨૧. સાવધાન ૫૧
૨૨. આધાર-ગરજ ૫૫
૨૩. ખંખેરી, ઝાટકી નાખો! ૫૭
૨૪. “ગીતા”: જીવનનું અમૂલ્ય ગાન ૫૯
૨૫. કઠોપનિષદનું ઉદબોધન ૬૪
૨૬. ગીતાના આઠમા અધ્યાયનો અભેદભાવ ૬૭
૨૭. માનવ શરીરનું મહત્વ ૭૧
૨૮. તું કોણ? ૭૨
૨૯. શ્રેય અને પ્રેય ૭૪
૩૦. ૐની સ્પષ્ટતા ૭૮
૩૧. અભ્યાસ અને વૈરાગ્ય ૭૯
૩૨. આત્માનું દર્શન ૮૩
૩૩. આત્માની પ્રાપ્તિના ઉપનિષદ દર્શિત માર્ગો ૮૫
૩૪. શિવ વિષે ૮૮
૩૫. ત્રણ દેવોની સમાનતા ૯૧
૩૬. શિવલિંગઃ અર્થ અને સ્વરૂપ ૯૩
૩૭. મહાદેવના સંબંધમાં માન્યતાઓ ૯૬
૩૮. સંસ્કાર બીજની માવજત ૧૦૩
૩૯. આત્મકલ્યાણ માટે ચાર કૃપાઓ ૧૦૫
૪૦. સાચો ગુરૂ અને સાચો શિષ્ય કોણ? ૧૦૭
૪૧. સત્સંગ ૧૧૦
૪૨. પંચ મહાભૂત વિવેક અને ભાગવતધર્મો ૧૧૩
૪૩. સ્વામી રામતીર્થઃ પરિચય અને બોધવચનો ૧૧૫
૪૪. અનિર્વચનીય માયા ૧૨૪
૪૫. રવિવારની પ્રાર્થના ૧૨૭
૪૬. કર્મની ગહન ગતિ ૧૩૫
૪૭. ઈશ ઉપનિષદ મંત્ર-૧ ૧૪૦
૪૮. અદ્વૈતાનંદ ૧૪૪
૪૯. ચિત્ત શુદ્ધિ ૧૫૦
૫૦. ઉપશમ પ્રકરણ ૧૫૨
૫૧. ઉત્પત્તિ પ્રકરણ ૧૫૯
ગ્રંથની રત્નકણિકાઓ ૧૬૭

જીવન મુક્તિઃ સ્વરૂપ અને ઉપાયો
૧. જીવન મુક્તિ વિવેક
કર્તાપણું, ભોક્તાપણું, સુખ, દુઃખ આદિ લક્ષણોવાળો ચિત્તનો ધર્મ જીવતા મનુષ્યને કલેશરૂપ હોઈ તેને બંધનરૂપ થાય છે. એ બંધનનું જે નિવારણ થાય છે. તે જીવનમુક્તિ કહેવાય છે.
પ્રશ્ન એ ઊભો થાય છે કે, આ બંધનને કઈ રીતો વડે દૂર કરી શકાય? ચિત્તથી દૂર કરવું અસંભવિત છે. તત્વજ્ઞાનથી જ તે બંધન દૂર થાય છે. જો પાણીમાંથી પ્રવાહીપણું દૂર કરી શકાય, અગ્નિમાંથી ઉષ્ણતા દૂર કરી શકાય, તો ચિત્તમાંથી કર્તાપણું આદિ દૂર કરી શકાય. સ્વાભાવિકતા તો સર્વત્ર સમાજ જ છે.
સ્વાભાવિક ધર્મનો સર્વાંશે નાશ ન થઈ શકે, છતાં તેનું વારણ તો કરી જ શકાય છે. ચિત્તની સર્વ વૃત્તિઓને યોગના અભ્યાસથી રોકી શકાય છે.
પ્રારબ્ધકર્મમાં જ અત્યંત ભક્તિ રાખનારા તમારે માટે યોગાભ્યાસરૂપી પુરૂષ પ્રયત્નની વ્યર્થતા મનથી પણ વિચારવી અશક્ય છે. અથવા જેમ પ્રાબ્ધકર્મ તત્વજ્ઞાનથી પ્રબળ છે, તેમ યોગાભ્યાસ પ્રારબ્ધકર્મથી પણ પ્રબળ છે.
“અજીર્ણ થશે એ બીકે કોઈ આહાર લેવાનું છોડી દેતું નથી; ભિખારી આવી ચઢશે એ બીકે કોઈ તપેલાં ચડાવવાનું બંધ કરતું નથી, અને જૂ પડશે એ બીકે કોઈ વસ્ત્ર વાપરવું બંધ કરતું નથી.”
વસિષ્ઠ બોલ્યાઃ હે રઘુનંદન! આ સંસારમાં સૌ કોઈને રૂડી રીતે યોજેલા પુરૂષાર્થથી જ સદૈવ સર્વ બળ સાંપડે છે.
રામ બોલ્યાઃ હે મુનિ! પૂર્વની વાસનાજાળ મને જેમ દોરે છે, તેમ હું રહું છું. હું કંગાળ પોતે શું કરવાનો હતો?
વસિષ્ઠ બોલ્યાઃ હે રામ! એ જ કારણે તો, તારા પોતના પ્રયત્નથી સાધેલા પુરૂષાર્થ વડે જ અને નહિ કે બીજી કોઈ રીતે તું શાશ્વત કલ્યાણને ચોક્કસ મેળવી શકીશ. હે રામ! પૂર્વની વાસનાઓનો સમુદાય બે પ્રકારનો છે; એક શુભ છે અને બીજો અશુભ છે. તો તારામાં એ બેમાંથી કયા પ્રકારનો સમુદાય છે? એ શુભ છે, અશુભ છે કે પછી બન્ને છે?
“ત્યાં જો તને શુદ્ધ વાસનાસમૂહ પ્રેરી રહ્યો છે, તો તે જ ક્રમે તું ઝટ શાશ્વત પદ પામશે.”
“હવે જો અશુભ ભાવ તને સંકટમાં નાખતો હોય, તો તે તો પૂર્વજન્મનો છે. તારે પોતે જ તેને યત્નપૂર્વક જીતવો જોઈએ.”
“શુભ અને અશુભ એમ બન્ને માર્ગોમાં વહેતી વાસનાની સરિતાને પુરૂષ પ્રયત્નથી શુભ માર્ગમાં વાળવી.”
“અશુભમાં ઘેરાઈ રહેલા પોતાના મનને બળવાન પુરૂષાર્થથી શુભમાં આણીને સ્થાપ.”
“માણસનું મન બાળક જેવું છે. તેને કોઈ અશુભમાંથી ખસેડવામાં આવે છે, એટલે તે કોઈ શુભમાં લાગે છે. આથી તેને બળપૂર્વક પણ ખસેડવું જ જોઈએ.” ચિત્તને પણ સત્સંગ દ્વારા તેના વિપરીત વિષયોમાંથી વાળી શકાય છે.
“ચિત્તરૂપી બાળકને સમતારૂપી સાંત્વનથી જ સત્વર જીતી શકાય છે. પુરૂષ પ્રયત્નથી તો તેને એટલું જલદીથી નહિ, પરંતુ ધીરે ધીરે જ વશમાં આણી શકાય છે.”
ચિત્તશાંતિના પણ ઉપાયો છેઃ એક ઉપાય શત્રુ તથા મિત્રને વિશે સમતાનો છે, અને બીજો ઉપાય પ્રાણાયામ તથા પ્રત્યાહાર વગેરે પુરૂષ પ્રયત્નનો છે. આમાં પહેલા ઉપાયથી એટલે મૃદુયોગથી ચિત્તને સત્વર જીતી શકાય છે. બીજા ઉપાયથી એટલે હઠયોગથી ચિત્તને એટલું જલદી જીતી શકાતું નથી, પણ તેથી તે ધીમે ધીમે વશમાં આવે છે, એ અભ્યાસે કરીને જ્યારે (સદ્) વાસનાનો ઉદય થાય, ત્યારે અભ્યાસ સફળ થયો જાણવું.
“સંદેહ પડતો હોય, ત્યારે પણ શુભ તો પુષ્કળ લીધા જ કરવું. શુભ વાસનાની વૃદ્ધિમાં કોઈપણ દોષ નથી.”
“જ્યાં સુધી મન સ્થિર થયું નથી અને જ્યાં સુધી પરમાત્મ પદનું જ્ઞાન થયું નથી, ત્યાં સુધી ગુરૂ તથા શાસત્રનાં પ્રમાણોએ નક્કી કર્યા મુજબનું આચરણ રાખવું. પછી ય્કપના મેલ ધોવાઈ જાય અને પરમ વ્સતુનો સાક્ષાત્કાર થાય. એટલે ચિત્તવૃત્તિના વિરોધમાં રહેનાર એવા શુભ વાસનાઓના સમૂહને પણ નક્કી ત્યજી જ દેવો પડશે, આમ યોગાભ્યાસથી ઈચ્છા વગેરેનું વારણ થઈ શકે છે. માટે જીવનમુક્તિમાં વિવાદ કરવાની જરૂર નથી.”
જીવનમુક્તિનાં લક્ષણ
“બૃહદારણ્યક”માં પાઠ છેઃ- “જ્યારે એના હ્રદયમાં ચોંટી રહેલી સર્વ કામનાઓ છૂટી જાય છે, ત્યારે તે મર્ત્ય (મરણ ધર્મવાળો) મટીને અમૃત (મરણસહિત) થાય છે અને અહીં (જીવિત દશામાં જ) બ્રહ્મને પામે છે.” વળી બીજી શ્રુતિમાં કહ્યું છેઃ “આંખવાલો હોવા છતાં તે જાણે આંખ વિનાનો છે; કાનવાળો હોવા છતાં, તે જાણે કાન વિનાનો છે; મનવાળો હોવા છતાં તે જાણે મન વિનાનો છે ને પ્રાણવાળો હોવા છતાં તે જાણે પ્રાણ વિનાનો છે.”
સ્મૃતિઓમાં જીવનમુક્તને સ્થિતપ્રજ્ઞ, ભગવદભક્ત, ગુણાતીત, બ્રાહ્મણ અને અતિવર્ણાશ્રમી એવાં એવાં નામોથી તે તે સ્થળે વર્ણવવામાં આવ્યો છે.
વસિષ્ઠ બોલ્યાઃ કેવળ એક જ્ઞાનમાં જ નિષ્ઠાવાળા અને આત્મજ્ઞાનના વિચારમાં પરાયણ રહેનારા મનુષ્યોમાં જે જીવનમુક્તિ ઉદય પામે છે, તે વિદેહમુક્તિના જેવી જ છે.
રામ બોલ્યાઃ હે બ્રાહ્મણ! તમે મને વિદેહમુક્તનાં તેમજ જીવનમુક્તનાં લક્ષણ કહો. એટલે હું પણ શાસ્ત્રથી થતા જ્ઞાન વડે તે પ્રમાણે પ્રયત્ન કરૂં.
વસિષ્ઠ બોલ્યાઃ વ્યવહારમાં રહેલો હોવા છતાં જેને માટે જેમનું તેમ રહેલું આ દ્રશ્ય જગત જાણે અસ્ત પામી ગયું હોય છે અને કેવળ ચિદાકાશ જ રહ્યું હોય છે, તે જીવનમુક્ત કહેવાય છે.
¬”સુખ તથા દુઃખમાં જેની મુખપ્રભા ઝળકી ઊઠતી નથી કે કજળાઈ જતી નથી અને જે ગમે તે આવી પડતાં જેમ ને તેમ અડોલ ઊભો રહે છે, તે જીવનમુક્ત કહેવાય છે.”
“સુષુપ્તિમાં હોવા છતાં જે જાગ્રત છે, જે જાગ્રત અવસ્થા જાણતો નથી અને જેનું જ્ઞાન નિર્વાસન (વાસના રહીત) છે, તે જીવનમુક્ત છે.”
“રાગ, દ્વેષ, ભય વગેરે અનુરૂપ છતાં જે અંતરમાં આકાશની જેમ અત્યંત નિર્મળ છે, તે જીવનમુક્ત છે.”
“કર્મો કરતો હોય કે ન કરતો હોય તોપણ જેને અહંકારનો ભાવ થતો નથી અને જેની બુદ્ધિ લેપાતી નથી તે જીવનમુક્ત કહેવાય છે.”
“જેનાથી લોક ઉદ્વેગ પામતા નથી તથા જે લોકથી ઉદ્વેગ પામતો નથી અને જે હર્ષ, અમર્ષ તથા ભયથી પૂરો મુક્ત છે, તે જીવનમુક્ત કહેવાય છે.”
“જેની સંસારકલના (કલ્પના) શાંત થઈ ગઈ છે, જે કળાવાન હોવા છતાં નિષ્કલ છે અને જે સચિત્ત હોવા છતાં નિશ્ચિત છે, તે જીવનમુક્ત કહેવાય છે.”
“જે સમસ્ત પદાર્થોને વિષે વ્યવહાર કરતો છતાં જાણે પરાયાને કાજે વ્યવહાર કરતો હોય એમ શીતળ રહે છે, તે પૂર્ણાત્મા જીવનમુક્ત કહેવાય છે.”
વિદેહમુક્તનાં લક્ષણઃ “જ્યારે પોતાનું શરીર કાળે કરીને વિલાઈ જાય છે, ત્યારે તે જીવનમુક્તનું પદ છોડીને વિદેહમુક્તના પદમાં પ્રવેશે છે – જાણે કે પવન નિઃસ્પંદ (સ્થિર) થઈ જાય છે.”
જેમ પવન કોઈક વાર ચંચળ ગતિ છોડીને વિશ્રામ થઈ જાય છે, તેમ મુક્તાત્મા પણ ઉપાદિકૃત સંસારને છોડીને સ્વરૂપમાં વિરમી જાય છે.
“વિદેહમુક્ત પુરૂષ નથી ઉદય પામતો કે નથી અસ્ત પામતો કે નથી શાંત થઈ જતો. તે સદ્ નથી , અસદ્ નથી, દૂર પણ નથી અને પાસે પણ નથી, તેમજ હું નથી, તેમ બીજો પણ નથી.”
“ત્યાં અનિર્વચનીય સત્ અવશેષ રહે છે; તે સ્થિર ગંભીર છે. તે તેજ નથી, તેમ અંધકાર નથી. તે વ્યાપી છે, તે અવ્યક્ત છે.”
ૐ ૐ ૐ
૩. જીવનમુક્તિનાં પ્રમાણ
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં તેમજ સ્મૃતિઓમાં જીવનમુક્તિનાં પ્રમાણો વિવિધ રૂપે વર્ણવ્યાં છે.
સ્થિત પ્રજ્ઞઃ અર્જુન બોલ્યોઃ- હે કેશવ! સમાધિમાં રહેલા સ્થિતપ્રજ્ઞની ભાષા શી છે? એ સ્થિતધી (સ્થિતપ્રજ્ઞ) શું બોલે છે? એ કેમ બેસે છે? એ કેમ ચાલે છે?
શ્રી ભગવાન બોલ્યાઃ- હે પાર્થ! જ્યારે તે પોતાના મનમાં રહેલાં સર્વ કામોને ત્યજી દે છે અને જ્યારે પોતે આત્માથી આત્મામાં જ સંતુષ્ટ રહે છે, ત્યારે તેને સ્થિતપ્રજ્ઞ કહેવામાં આવે છે.
“જેનું મન દુઃખોમાં ઉદ્વેગ પામતું નથી અને સુખોમાં સ્પૃહા રાખતું નથી અને જેણે રાગ, ભય તથા ક્રોધને કાઢી નાખ્યા છે, તે મુનિ (મનનશીલ) સ્થિતપ્રજ્ઞ કહેવાય છે.”
“જે સર્વત્ર સ્નેહરહિત છે અને જે સારૂં પામીને ખુશ થતો નથી અને ખરાબ પામીને દ્વેષ કરતો નથી, તેની પ્રજ્ઞા સ્થિર છે.”
“કાચબો જેમ પોતાનાં સર્વ અંગોને બધેથી સમેટી લે છે, તેમ કોઈ મનુષ્ય જ્યારે પોતાની સર્વ ઈંદ્રિયોને વિષયમાત્રમાંથી ખેંચી લે છે, ત્યારે તેની પ્રજ્ઞા સ્થિર થાય છે.”
“નિરાહાર દેહધારીના વિષયો નિવૃત્ત થાય છે, પણ તેનો રસ તો રહી જ જાય છે. એનો એ રસ પરબ્રહ્મનાં દર્શન પછી નિવૃત્તિ પામે છે.”
“સર્વને મથી નાખનારી ઈંદ્રિયો યત્ન કરી રહેલા વિદ્વાન પુરૂષના મનને પણ બળ કરીને વિષયો તરફ તાણી જાય છે. તે સર્વ ઈંદ્રિયોને સંયમમાં લાવીને પુરૂષે મને પરાયણ થઈ રહેવું; કેમકે જેણે પોતાની ઈંદ્રિયોને વશ કરી છે, તેની બુદ્ધિ સ્થિર થઈ છે.”
“વિષયોનું ધ્યાન ધરવાથી પુરૂષને તે તે વિષયોમાં આસક્તિ ઊપજે છે. આસક્તિથી કામ ઊપજે છે અને કામથી ક્રોધ જન્મે છે. ક્રોધથી સંમોહ થાય છે અને સંમોહથી સ્મૃતિવિભ્રમ થાય છે; આમ સ્મૃતિભ્રમ થવાથી બુદ્ધિનો નાશ થાય છે અને બુદ્ધિનાશ થવાથી સર્વસ્વ નાશ પામે છે.”
“રાગ-દ્વેષ વિનાની તથા આત્માને વશ એવી ઈંદ્રિયો દ્વારા જે પુરૂષ વિષયોને સેવે છે અને પોતાના મનને વશ રાખે છે, તે સહેજે પ્રસાદ પામે છે.”
“વિદ્યાની સ્થિતિ થવા માટે સાધનરૂપ એવી જે દૈવી સંપત્તિઓ છે, તે મુમુક્ષુઓને પ્રયત્નથી સાધ્ય છે, પણ સ્થિતપ્રજ્ઞમાં તે લક્ષણરૂપ હોઈને સ્વાભાવિક રૂપે રહી હોય છે. સ્થિતપ્રજ્ઞની આ સ્થિર આત્મબોધરૂપ અવસ્થાને જીવનમુક્તિ કહેવામાં આવે છે. આ દશામાં આત્મજ્ઞાનના સામર્થ્યથી ભેદપ્રતીતિ બાધિત થઈ હોય છે.”
વ્હાલો ભક્તઃ “જે કોઈ પ્રાણીનો દ્વેષ કરતો નથી, જે સર્વનો મિત્ર છે, જે કરૂણાથી ભરેલો છે, જેનામાં મારાપણું નથી, જેનામાં હુંપણું નથી, જેને સુખ-દુઃખ સરખાં છે, જે ક્ષમાવાન છે, જે સતત સંતુષ્ટ છે, જે યોગી છે, જે મનને વશ રાખનારો છે, જેનો નિશ્ચય દ્રઢ છે અને જેણે પોતાનાં મનબુદ્ધિને મને અર્પણ કરી દીધાં છે, તે મારો ભક્ત મને વહાલો લાગે છે.”
“જે પુરૂષને આત્મજ્ઞાન લાધ્યું છે, તેનામાં અદ્વેષાદિ ગુણો અનાયાસે સિદ્ધ હોય છે અને સાધનરૂપ હોતા નથી.”
ગુણાતીતઃ અર્જુન બોલ્યાઃ- હે પ્રભુ! આ ગુણોને ઓળંગી ગયેલો પુરૂષ શાં સાં ચિહ્નવાળો હોય છે? તેનો આચાર કેવો છે? અને આ ત્રણ ગુણોને તે કેવી રીતે ઓળંગી જાય છે?”
શ્રી ભગવાન બોલ્યાઃ- “હે પાંડુપુત્ર! જે પ્રકાશ, પ્રવૃત્તિ અને મોહનો તેમ જ તેમની સંપ્રવૃત્તિ અને નિવૃત્તિનો દ્વેષ કરતો નથી તથા તેમની આકાંક્ષા કરતો નથી, જે ઉદાસીનની જેમ બેસી રહે છે, જે ગુણોથી જરાય ચલિત થતો નથી, જે “આ તો ગુણો જ વર્તી રહ્યા છે.” એવી પ્રતીતિમાં સ્થિર રહે છે, જે સુખ તથા દુઃખમાં સમાન ભાવ રાખે છે, જે સ્વસ્થ રહે છે, જે માટીના ઢેફામાં, પથરામાં તથા સોનામાં સમબુદ્ધિ રાખે છે, જે પ્રિય તથા અપ્રિયમાં એક સરખો છે, જે ધીર છે, જે પોતાની નિંદામાં તથા સ્તુતિમાં તુલ્યભાવ રાખે છે, જે માન તથા અપમાનમાં સમભાવી છે, જે શત્રુ તથા મિત્રના પક્ષસંબંધમાં તુલ્ય દ્રષ્ટિ રાખે છે અને જેણે કર્મમાત્રના આરંભને ત્યજેલા છે – તે ગુણાતીત કહેવાય છે. વળી જે મને અવ્યભિચારી ભક્તિયોગથી સેવે છે, તે એ સર્વ ગુણોને ઓળંગી જઈ બ્રહ્મસ્વરૂપ થવાને યોગ્ય થાય છે.”
બ્રાહ્મણઃ “જેને ઉત્તરીય વસ્ત્ર નથી, જેને સૂવાનું બિછાનું નથી, જેને હાથનો જ તકીયો છે અને જે શાંત છે, તેને દેવો બ્રાહ્મણ જાણે છે.”
“જે મળી આવેલી કોઈ પણ ચીજથી પોતાની કાયાને ઢાંકે છે, જે મળી આવેલા કોઈ પણ ખાદ્ય પદાર્થથી પોતાનું પેટ ભરે છે અને જે જ્યાં મળ્યું ત્યાં સૂવાનું રાખે છે તેને દેવો બ્રાહ્મણ જાણે છે.”
“ગુણદોષના લક્ષણને વધારે વર્ણવીને કરવું છે શું? ગુણદોષ જોવા એ જ દોષ છે અને એ ગુણદોષને છોડી દેવા એ ગુણ છે. કંથા અને કૌપીન એ જ જેનાં વસ્ત્ર છે, જે દંડને ધારણ કરે છે, જે ધ્યાનમાં પરાયણ છે અને જે એકલો રમે છે, તેને દેવો બ્રાહ્મણ જાણે છે.”
“પોતાના શરીરના નિર્વાહને માટે તેમજ લોક ઉપર ઉપકાર કરવાને અર્થે તેણે કૌપીન, દંડ અને આચ્છાદાન ધારણ કરવાં.” “એ એક આત્માને જ તું જાણ, તું બીજું કોઈ વેણ કાઢીશ મા.”
“ધીર બ્રાહ્મણ તે આત્માને જ વિશેષરૂપે જાણીને પ્રજ્ઞાને સ્થિર કરે (બુદ્ધિને તેમાં સ્થાપે). તે ઝાઝા શબ્દોમાં ધ્યાન ન પરોવે, કેમકે એ તો વાણીના વ્યર્થ પરિશ્રમ જેવું છે.”
“બ્રહ્મનો ઉપદેશ કરવો એ કંઈ અન્ય (વ્યર્થ) વાણી નથી અને તે ધ્યાનની વિરોધી નથી. પરમાત્માનું તે ધ્યાન એકાંતમાં નિરવિઘ્ન રીતે થઈ શકે છે. ઉપર પ્રમાણેનો ભિક્ષુ એક ને એકાકી હોય. બે ભિક્ષુક ભેગા થતાં ‘જોડું’ થાય, ત્રણ ભેગા થતાં ‘ગામ’ થાય અને તેથી વધારે ભેગા થતાં ‘નગર’ થાય. કદી પણ નગર, ગામ કે જોડું ન જ કરવું. કેમકે તેમની વચ્ચે રાજ્ય વગેરેની વાતો ઉપડે છે અથવા ભિક્ષા સંબંધી ગપ્પાં ચાલે છે.”
“જે કોઈને આશિષ ઉચ્ચારતો નથી, જે કોઈ કાર્યનો આરંભ કરતો નથી, જે કોઈને નમસ્કાર કરતો નથી, જે કોઈની સ્તુતિ કરતો નથી, જે અક્ષીણ (અદીન) છે અને જેનાં કર્મ ક્ષીણ થઈ ગયાં છે, તેને દેવો બ્રાહ્મણ જાણે છે.”
“સર્વમાં ભગવાન-ઈશ્વર, જીવની કલારૂપે પ્રવેશીને રહ્યા છે, તેથી ઘોડો, ચાંડાલ, ગાય અને ગધેડા સુદ્ધાંને ભૂમિ ઉપર દંડવત્ પ્રણામ કરવા.” જે નિષેધ છે તે મનુષ્યની સ્તુતિ કરવાનો, નહિ કે ઈશ્વરની સ્તુતિ કરવાનો. (બૃહસ્પતિ) સ્તુતિ કરે છેઃ- “ધનની ઈચ્છાથી મનુષ્ય જેવા આદરપૂર્વક ધનવાનની સ્તુતિ કરે છે, તેવા આદરપૂર્વક તે જો વિશ્વના કર્તાની સ્તુતિ કરે, તો કોણ સંસારરૂપી બંધનમાંથી મુક્ત ન થાય?”
“ત્રિગુણથી પર એવા પંથે વિચરનારાને વિધિ શો ને નિષેધ શો?” ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છેઃ- (કર્મકાડાત્મક) વેદો ત્રણ ગુણોને અને તેમના વિષયોને પ્રકટાવનારા છે માટે હે અર્જુન! તું ત્રણ ગુણોથી પર થા, દ્વંદ્વથી મુક્ત થા, હંમેશા સત્યમાં સ્થિર રહે, યોગ તથા ક્ષેમની ચિંતાથી મુક્ત રહે અને આત્મામાં જ નિષ્ઠા રાખ.”
‘સત્પુરૂષોના ધર્મને સતત સ્મરણમાં રાખતા યોગીએ એવું આચરણ કરતા રહેવું કે જેથી, અન્ય લોકો તેનું અપમાન કરે અને તેની સોબત કરવા ન આવે.’
‘જેને એક અદ્વિતીય આત્માથી સઘળું સદૈવપૂર્ણ ભાસે છે અને જનસમૂહથી ઊભરાતું સ્થાન જેને શૂન્ય જેવું જણાય છે, તેને દેવો બ્રાહ્મણ જાણે છે,’
‘જે જ્ઞાનીને માટે સર્વ ભૂતો આત્મરૂપ જ થયાં છે અને જે એકત્વને અનુભવી રહ્યો છે, તેને મોહ શો ને શોક શો?’
અતિવર્ણાશ્રમીઃ ‘શરીર-ઈંદ્રિયો વગેરેથી ભિન્ન, સર્વના સાક્ષીરૂપ, પરમ વિજ્ઞાનરૂપ, સુખરૂપ અને સ્વયંપ્રકાશ એવા પરમતત્વને જે જાણે છે, તે અતિવર્ણાશ્રમી છે.’
‘હે કેશવ! વેદાંતના મહાવાક્યના શ્રવણથી જ જે પોતાના આત્માને ઈશ્વરરૂપ જાણે છે, તે અતિવર્ણાશ્રમી છે.’
‘વર્ણ અને આશ્રમથી પર રહેલા અને જાગ્રત વગેરે ત્રણ અવસ્થાના સાક્ષી એવા મહાદેવને જે જાણે છે તે અતિવર્ણાશ્રમી છે.’
‘વર્ણ, આશ્રમ વગેરે માયા વડે દેહમાં કલ્પાયેલાં છે અને તેઓ કદી પણ હું કે જે બોધરૂપ આત્મા છું તેને લાગતાં નથી, એમ જે વેદાંત દ્વારા જાણે છે તે અતિવર્ણાશ્રમી છે.’
‘જેમ સૂર્યની હાજરીમાં લોકો પોતે જ પોતાની મેળે વ્યવહાર કરે છે, તેમ મારી હાજરી માત્રથી જ સમસ્ત જગત વ્યવહાર કરે છે. આમ જે વેદાંતનાં વચનોથી જાણે છે તે અતિવર્ણાશ્રમી છે.’
‘જેમ હાર, કુંડળ, કડાં, સ્વસ્તિક વગેરે માયા વડે સોનામાં કલ્પાયાં છે, તેમ જગત સદા મારામાં કલ્પાયું છે, એમ જે વેદાંત દ્વારા જાણે છે તે અતિવર્ણાશ્રમી છે.’
‘જેમ છીપમાં માયાએ કરીને રૂપું કલ્પિત છે તેમ મહત્ આદિ માયામય જગત મારામાં જ કલ્પિત છે – આમ જે વેદાંતનાં વચનોથી જાણે છે, તે અતિવર્ણાશ્રમી છે.’
‘હે પુરૂષોત્તમ! ચાંડાળના દેહમાં, પશુ વગેરેના શરીરમાં, બ્રાહ્મણની કાયામાં અને પરસ્પર વિલક્ષણ રીતે રહેલા અન્ય પદાર્થોમાં આકાશની જેમ સર્વદા વ્યાપેલા, સર્વ સંબંધથી રહિત, એકરૂપ અને પરમ અમૃત એવા જે મહાદેવ છે, તે હું છું – આમ જે વેદાંતનાં વચનોથી જાણો છો, તે અતિવર્ણાશ્રમી છે.’
‘દિશાઓ ઊલટી દેખાવાનો ભ્રમ જેનો નાશ પામ્યો છે, તેને પણ પહેલાંની જેમ જ પૂર્વ આદિ દિશાઓ તો દેખાય છે, તેવી રીતે જ્ઞાન દ્રષ્ટિમાં નાશ પામેલું જગત મને સ્થૂળ દ્રષ્ટિમાં દેખાતું હોવા છતાં છે જ નહિ, એમ જે વેદાંત દ્વારા જાણે છે, તે અતિવર્ણાશ્રમી છે.’
‘જેમ સ્વપ્નનો આ પ્રપંચ મારે વિષે માયાથી કલ્પિત છે, તેમ જાગ્રતનો આ પ્રપંચ પણ મારે વિષે માયાથી જ કલ્પિત છે – આમ જે વેદાંતનાં વચનોથી જાણે છે, તે અતિવર્ણાશ્રમી છે. જેના વર્ણ અને આશ્રમના આચારો આત્મદર્શનથી લોપાઈ ગયા છે, તે પુરૂષ સર્વ વર્ણોને અને આશ્રમોને ઓળંગીને પોતાના આત્મામાં સ્થિતિ રાખે છે.’
‘જે પુરૂષ વર્ણો અને આશ્રમોને છોડીને પોતાના આત્મામાં જ સ્થિતિ કરી રહ્યો છે, તેને સર્વ વેદાંતવેત્તાઓ અતિવર્ણાશ્રમી કહે છે.’
‘આત્મા દેહ નથી, ઈંદ્રિય નથી, પ્રાણ નથી, મન નથી, બુદ્ધિ નથી, અને અહંકાર નથી. તે ચિત્ત નથી, માયા નથી અને આકાશ વગેરે જગત નથી. વળી તે કર્તા નથી, ભોક્તા નથી, તેમ ભોગ આપનારો પણ નથી. સાચી દ્રષ્ટિએ તો એ આત્મા કેવળ સચ્ચિદાનંદરૂપ બ્રહ્મ જ છે.’
આમ અદ્વિતીય, નિરાકાર, નિરંજન, નિત્યશુદ્ધ, નિરાભાસ, સદરૂપ, ચિદ્રૂપ અને પરમ અમૃતરૂપ એવા આત્માને જે પુરૂષ વેદાંત વાક્યોથી અને પોતાના અનુભવથી નિશ્ચિત રૂપે જાણે છે, તે અતિવર્ણાશ્રમી છે અને તે જ ઉત્તમ ગુરૂ છે. આ પ્રમાણે ‘વિશેષ, મુક્ત થયેલો વિશેષ મુક્ત થાય છે.’ વગેરે શ્રુતિવચનો તેમજ જીવનમુક્ત, સ્થિતપ્રજ્ઞ, વહાલો ભક્ત, ગુણાતીત, બ્રાહ્મણ અને અતિવર્ણઆશ્રમીનું પ્રતિપાદન કરનારાં સ્મૃતિવચનો જીવનમુક્તિના સદભાવમાં પ્રમાણરૂપ છે.
૪. વાસનાક્ષય
યોગ વસિષ્ઠ મહારામાયણના અંતભાગમાં વસિષ્ઠે કહ્યું છેઃ- ‘હે મહાબુદ્ધિમાન! વાસનાનો ક્ષય, વિજ્ઞાન (તત્વજ્ઞાન) અને મનનો નાશ એ ત્રણેને લાંબા કાળ સુધી જો સાથેસાથે સેવવામાં આવે છે, તો તેઓ ફળદાયી થાય છે.’ ‘આ ત્રણેને જો એક સાથે અને રૂડી રીતે વારંવાર સેવવામાં ન આવે, તો સો વરસે પણ પરમપદની પ્રાપ્તિ થાય નહિ. ‘જો આ ત્રણમાંના દરેકને અલગઅલગ રીતે લાંબા કાળ સુધી સેવવામાં આવે, તો એકમેકની સાથે સાંકળી દીધેલા મંત્રોની જેમ તેઓ કશી સિદ્ધિ આપતા નથી.’
‘તત્વજ્ઞાન, મનોનાશ અને વાસનાક્ષય એ ત્રણે એકબીજાનાં કારણરૂપ હોવાથી દુઃસાધ્ય રહ્યાં છે.’
‘જ્યાં સુધી મનનો લય થયો નથી, ત્યાં સુધી વાસનાનો ક્ષય થયો નથી અને જ્યાં સુધી વાસનાનો શ્રય થયો નથી, ત્યાં સુધી ચિત્ત શાંત થતું નથી.’
‘જ્યાં સુધી તત્વજ્ઞાન થયું નથી, ત્યાં સુધી ચિત્તશાંતિ ક્યાંથી હોય? જ્યાં સુધી ચિત્તને શાંતિ થઈ નથી, ત્યાં સુધી તત્વજ્ઞાન થયું જ નથી. આ જે બધું દેખાય છે, તે બધું આત્મા જ છે. રૂપ અને રસ વગેરેવાળું આ જગત તો માયામય જ છે. વસ્તુતઃ એ છે જ નહિ – આવો જે નિશ્ચય છે, તે તત્વજ્ઞાન છે.’
જ્યાં સુધી વાસનાનો નાશ થયો નતી, ત્યાં સુધી તત્વજ્ઞાનની પ્રાપ્તિ ક્યાંથી? જ્યાં સુધી તત્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ નથી, ત્યાં સુધી વાસનાનો ક્ષય થયો નથી. ક્રોધ આદિ વાસનાઓ નાશ પામી ન હોય ત્યારે શમ અને દમ આદિ સાધનાનો અભાવ હોવાથી તત્વજ્ઞાનનો ઉદય થતો નથી. જ્યાં સુધી અદ્વિતીય બ્રહ્મતત્વનું જ્ઞાન થયું નથી, ત્યાં સુધી ક્રોધાદિનાં નિમિત્તોમાં સત્યત્વની ભ્રાંતિ ટળેલી હોતી નથી. તેથી વાસનાનો ક્ષય પણ થતો નથી.’
‘વિવેકપૂર્વકના પુરૂષપ્રયત્નથી ભોગેચ્છાને દૂર ત્યજીને એ ત્રણ (તત્વજ્ઞાન, મનોનાશ તથા વાસનાક્ષય) નો બરાબર રીતે આશ્રય કરવો.’
‘તેનું ચિંતન કરવું, તેનું ચિંતન કરવું, તેનો એક બીજાને બોધ કરવો અને તે એકમાં જ પરાયણ રહેવું – આને પંડિત જ્ઞાનનો અભ્યાસ જાણે છે. આ દ્રષ્ય જગત અને હું સૃષ્ટિના આદિકાળમાં ઉત્પન્ન થયા નથી અને કોઈ કાળમાં પણ છીએ નહિ – આને પંડિતો જ્ઞાનનો અભ્યાસ જાણે છે.’
૫ પરમાત્મદેવનું જ્ઞાન
‘જેઓ જ્ઞાતા અને જ્ઞેય વસ્તુના અત્યંત અભાવની પ્રતીતિને માટે શાસ્ત્રો તથા યુક્તિ દ્વારા પ્રયત્ન કરે છે, તેઓ અહીં અભ્યાસીઓ ગણાય છે.’
‘દ્રશ્ય (જગત) ના અસંભવનું જ્ઞાન થવાથી રાગ દ્વેષ વગેરે અત્યંત પાતળા પડી જાય છે, તે વખતે એક ઘન (ગાઢ) રાતે ઊગે છે, આને બ્રહ્માભ્યાસ કહે છે. આને વાસનાક્ષયનો અભ્યાસ પણ કહે છે.’
‘પરમાત્મદેવના જ્ઞાનથી સર્વ પાશો છૂટી જાય છે’ ‘કલેશો ક્ષીણ થવાથી જન્મ અને મરણથી મુક્તિ મળે છે.’ ‘અધ્યાત્મયોગની પ્રાપ્તિથી પરમાત્મદેવનો સાક્ષાત્કાર કરીને ધીર પુરૂષ હર્ષ અને શોકનો ત્યાગ કરે છે.’ ‘આત્મવેત્તા પુરૂષ શોકને તરી જાય છે’ ‘જે એક આત્માને જ સર્વત્ર જુએ છે, તેને મોહ શો અને શોક શો?’ ‘પરમાત્મતાદેવને જાણીને સર્વ પાશોથી મુક્ત થવાય છે.’
‘જ્યારે એને આ સર્વ આત્મા જ છે એવો અનુભવ થાય, ત્યારે તે કોનાથી કોને જુએ અને કોનાથી કોને સૂંઘે?’ ગૌડપાદાચાર્ય પણ કહે છેઃ- ‘આત્માના તત્વનું સાચું જ્ઞાન થવાથી જ્યારે તે સંકલ્પ કરતો બંધ પડે છે, ત્યારે તે મનવિનાની સ્થિતિએ પહોંચે છે, ત્યારે તે ગ્રાહ્ય વસ્તુનો અભાવ થવાથી વૃત્તિ દ્વારા કોઈ વિષયને ગ્રહણ કરતો નથી.’
‘જ્ઞાનથી જ કૈવલ્ય સાંપડે છે અને જ્ઞાનથી જ મુક્તિ મળે છે.’
‘હ્રદયની ગુફામાં રહેલા આત્મસ્વરૂપને જે જાણે છે, તે અહીં જ અવિદ્યાગ્રંથીને છેદી નાખે છે.’ ‘જે બ્રહ્મને જાણે છે, તે બ્રહ્મરૂપ જ થાય છે.’ ‘જેને તે પરમાત્માનાં દર્શન લાધ્યાં છે, તેની હ્રદયગ્રંથિઓ ભેદાઈ જાય છે, તેના સર્વ સંશયો ઓગળી જાય છે અને તેનાં કર્મમાત્ર ક્ષય પામે છે.’ ‘બ્રહ્મને જે આકાશમાં હ્રદય ગુફામાં રહેલ જાણે છે, તે સર્વ કામનાઓને સાથે ભોગવે છે.’ ‘એ બ્રહ્મને જાણીને જ મૃત્યુને પાર કરી જાય છે.’ ‘જે પુરૂષ સદા મનરહિત અને પવિત્ર થઈને વિજ્ઞાનથી યુક્ત થાય છે, તે તે પરબ્રહ્મના પદને પામે છે અને તેને ફરી જન્મમરણનો ફેરો રહેતો નથી.’ ‘જે એમ જાણે છે કે હું બ્રહ્મ છું, તે આ સમસ્ત જગતરૂપ થાય છે.’
‘જ્ઞાનની સાથે જ જે મુક્ત થયો છે, જેનો શોક હણાઈ ગયો છે અને જેને સ્મૃતિ રહી નથી, તે પુરૂષ કદી તીર્થમાં કે કદી ચાંડાળને ઘેર દેહ ત્યાજે તોપણ તે કૈવલ્યને પામે છે.’
‘શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા અને સમાધાન પામીને તેણે આત્મામાં જ આત્માને જોવો.’ ‘અમાનીપણું, અદંભીપણું, અહિંસા, ક્ષમા, સરળતા, આચાર્યની સેવા, પવિત્રતા, સ્થિરતા, મનોનિગ્રહ, ઈંદ્રીયોના વિષયોમાં વૈરાગ્ય, અહંકાર રહિતતા, જન્મમૃત્યુ-વૃદ્ધાવસ્થા તથા વ્યાધિ વિશે દુઃખની તથા દોષની દ્રષ્ટિ, પુત્રપત્નિ તથા ગૃહ વગેરેમાં અનાસક્તિ તથા અભિષ્વંગ (લોલુપતાનો અભાવ) અનિષ્ટની પ્રાપ્તિમાં ચિત્તની નિત્ય સમતા, પરમાત્માની અનન્ય ભાવથી અવ્યભિચારિણી ભક્તિ, એકાંત દેશનું સેવન, જનમંડળને વિશે અપ્રીતિ, અધ્યાત્મજ્ઞાનમાં નિષ્ઠા અને તત્વજ્ઞાનના પ્રયોજનરૂપ પરમાત્માનું દર્શન – આ સર્વ જ્ઞાન કહ્યું છે અને એથી ઊલતું તે અજ્ઞાન છે.’
‘જેમણે નિદ્રાને જીતી છે, શ્વાસને જીત્યો છે તથા ઈંદ્રિયોને આધીન કરી છે અને જેઓ સંતુષ્ટ છે તે યોગીઓ યોગ દ્વારા જ્યોતિનાં દર્શન કરે છે, તે યોગાત્માને નમસ્કાર હો.’
‘ભોજન સામગ્રીમાં ફરતી કડછી જેમ અન્નના રસને જાણતી નથી, તેમ અજ્ઞાની પુરૂષ ચારે વેદોને તથા અનેકાનેક શાસ્ત્રોને ભણ્યા છતાં બ્રહ્મતત્વને જાણતો નથી,’
‘લોકવાસના, શાસ્ત્રવાસના અને દેહવાસના એ ત્રણે વાસનાઓ અવિવેકીઓને સ્વીકારવા જેવી લાગે છે. છતાં એ વાસનાઓ જિજ્ઞાસુઓને જ્ઞાનની ઉત્પત્તિ થવામાં વિરોધી છે, તેથી વિવેકીઓએ તેમનો ત્યાગ જ કરવો.’ ‘લોકવાસના, શાસ્ત્રવાસના અને દેહવાસના રહેવાથી જીવને યથાર્થ જ્ઞાન થતું જ નથી.’
‘સત્વગુણથી જ્ઞાન ઉત્પન્ન થાય છે, રજોગુણથી લોભ ઉત્પન્ન થાય છે અને તમોગુણથી પ્રમાદ, મોહ તથા અજ્ઞાન ઉત્પન્ન થાય છે.’ ‘સત્વગુણ વિશેષે સુખમાં પરિણમે છે, રજોગુણ વિશેષે કર્મમાં પરિણમે છે અને, તમોગુણ તો જ્ઞાનને ચોમેરઘેરી લઈને વિશેષ પ્રમાદમાં પરિણમે છે.’ ‘આ દેહને વિશે જ્યારે સર્વ દ્વારોમાં જ્ઞાનરૂપ પ્રકાશ ઉત્પન્ન થાય છે, ત્યારે સત્વગુણની વિશેષ વૃદ્ધિ જાણવી.’
‘આજે જેઓ મોટાનેય માથે છે, તેઓ જતે દહાડે નીચે ગબડી પડે છે, તો હે ચિત્ત! તને એ મોટાઈને વિશે કેમ આવો ભરોસો રહે છે? ક્યાં ગયાં તે રાજાઓનાં પૂર્વનાં ધનો? અથવા ક્યાં ગયાં બ્રહ્માનાં તે પ્રાચીન જગતો? તને આવો ભરોસો ક્યાંથી? કરોડો બ્રહ્મા ચાલ્યા ગયા છે, સૃષ્ટિની હારોહાર આથમી ગઈ છે અને રાજાઓ ધૂળની જેમ ઊડી ગયા છે. તો પછી મારા જીવિત રહેવા વિશે મને શું ધૈર્ય રહે? જેમને નિમેષ (આંખ મીંચવી) અને ઉન્મેષ (આંખ ઉઘાડવી) જગતના પ્રલય અને ઉદયરૂપ છે, તે પુરૂષો સુદ્ધાં નાશ પામ્યા છે, તો મારા જેવાની વિસાત જ શી?
‘જેણે પોતાના બ્રહ્મજ્ઞાનીપણાનો વિચાર પણ તજી દીધો છે, તે જ આત્મજ્ઞાની છે, બીજો કોઈ આત્મજ્ઞાની નથી.’
‘અત્યંત નિપુણ મનુષ્ય પારકાના દોષને પકડી પાડવામાં સારી રીતે તત્પર રહે છે; પણ તે જો પોતાના દોષને પકડી પાડવામાં નિપુણ રહે, તો પછી બંધનમાંથી કોણ મુક્ત ન થાય?’
‘વિવેકથી ત્યજી દેવામાં આવેલો સ્થૂળ તથા સૂક્ષ્મ શરીરને વિશે કોઈ દોષ કહે તો, તે દેહોના સંબંધમાં વિદ્વાનોને સૌ હાનિ થાય? શોક, હર્ષ, ભય, ક્રોધ, લોભ, મોહ અને સ્પૃહા વગેરે તેમજ જન્મ અને મૃત્યુ એ બધું અહંકારનું જ જોવામાં આવે છે – આત્માનું કશું જ નથી.’
‘જો કોઈ માણસને મારી નિંદા કરવાથી સંતોષ થાય, તો એ તો મારા ઉપર વિના પ્રયત્ને થયેલો સહજ અનુગ્રહ છે; કેમકે કલ્યાણને ઈચ્છનારા પુરૂષો અન્યને સંતોષ આપવાને માટે પોતે પરાણે મેળવેલાં ધન વગેરે પણ વાપરી નાખે છે. આ જીવલોક સુખરહિત છે અને તેમાં દીનતા તો સતત સુલભ છે. એમાં કોઈ મનુષ્ય જો મારી નિંદા કરીને પ્રીતિ પામતો હોય, તો ભલે તે મારી આંખ આગળ કે આંખ પાછળ પેટ ભરીને મારી નિંદા કરે, કેમકે અનેક દુઃખથી ભરેલા જગતમાં પ્રીતિનો યોગ દુર્લભ છે.’
અપમાનના ભૂષણરૂપ વિશે સ્મૃતિમાં કહ્યું છેઃ- ‘સત્પુરૂષોના ધર્મને ઘૂંટી રહેલા યોગીએ એવું આચરણ રાખવું કે જેથી લોકો તેનું અપમાન કરે અને તેની સોબત કરવાનું ન કરે.’
‘સ્વનિષ્ઠ (પોતાને વિશે રહેલા) અને પરનિષ્ઠ (અન્યને વવિશે રહેલા) એમ બે પ્રકારના વિદ્યામદો હતા. જેમ એ વિદ્યામદો વિવેકથી ટાળી શકાય છે, તેમ ધનથી અભિલાષા (તૃષ્ણા) ને તથા વિવેકથી ક્રોધને ટાળી શકાય છે, એમ સમજવું. ધનના સંબંધમાં આ રીતે વિવેક કરી શકાયઃ ‘પૈસો મેળવવામાં કલેશ છે અને તેનું જતન કરવામાં પણ કલેશ છે. ધનનો નાશ થાય છે, તો દુઃખ થાય છે. તે ખર્ચાઈ જાય છે, તોપણ દુઃખ થાય છે; આમ સર્વ પ્રકારે કલેશ કરાવનારા એ ધન ઉપર પૂળો મૂકો!’
ક્રોધ પણ બે પ્રકારના છેઃ એક, પોતાનો બીજા ઉપર અને બીજો, બીજાનો પોતા ઉપર, તેમાં પોતામાં રહેલા બીજા ઉપરના ક્રોધ વિશે કહ્યું છેઃ ‘તને અપકારી ઉપર ક્રોધ છૂટે છે ને? તો ધર્મ, અર્થ, કામ તથા મોક્ષને બળપૂર્વક રંજાડનારા કોપના ઉપર જ તું કેમ ક્રોધ કરતો નથી? ક્રોધ કંઈ ફળ આપે છે, તો તે ક્રોધ કરનારાના ધર્મ, યશ તથા અર્થનો નાશ કરનારૂં છે. તે જો કંઈ ફળ આપતો નથી તો તે ક્રોધ કરનારના શરીરમાં સંતાપ કરનાર છે, આથી ક્રોધ આ લોકમાં કે પરલોકમાં ક્યાંય હિતકારી નથી. તો સત્પુરૂષોના મનમાં તો તે કેવી રીતે આશ્રય પામી શકે?
હવે બીજામાં રહેલા પોતા ઉપરના ક્રોધ વિશે આ પ્રમાણે કહ્યું છેઃ ‘મેં કશો જ અપરાધ કર્યો નથી, છતાં માણસો મારા ઉપર શીદને અકારણ ક્રોધ કરતા હશે?’ આવો વિચાર પણ કરવો નહિ, પણ મેં પૂર્વે સંસારરૂપી બંધનમાંથી છૂટવાનો ઉપાય કર્યો નથી, એ જ મોટામાં મોટો અપરાધ છે, એમ વિચાર કરવો. એ ક્રોધરૂપી દેવને નમસ્કાર હો! પોતાને આશ્રય આપનારને તે અત્યંત બાળી નાખે છે પરંતુ મને તે વૈરાગ્ય આપે છે અને તે મારા દોષનો બોધ કરાવે છે.’
‘પંચદશી’ ના બ્રહ્માનંદ નામના પ્રકરણમાં પુત્ર સંબંધી વિવેક વિચાર પ્રમાણે દર્શાવ્યો છેઃ- ‘ન સાંપડતો પુત્ર માતાપિતાને લાંબા કાળ સુધી કલેશ આપે છે અને ગર્ભમાં સાંપડેલો પુત્ર ગર્ભપાતથી તથા પ્રસવથી તેમને બાધા કરે છે. જન્મ્યા પછી એ પૂત્રના ગ્રહ તથા રોગ વગેરે તેમને પીડા કરે છે અને કુમાર થયા પછી તેની મૂર્ખતા તેમને દુઃખ આપે છે. જનોઈ પામ્યા પછી તેની વિદ્યાવિહીનતા તેમને કલેશ આપે છે અને પંડિતાઈ પામ્યા પછી તેનું કુંવારાપણું તેમને કલેશ આપે છે. યુવાની આવ્યા પછી તેની પરાઈ સ્ત્રીઓ વિષેની આસક્તિ તેમને કલેશકારી છે, અને કુટુંબવાળો થયા પછી તેની દરિદ્રતા એમને કલેશ કરનારી છે. વળી કદી તે ધનવાન થાય અને મરી જાય તો તેથીય તેમને કષ્ટ થાય. આમ માતપિતાનાં દુઃખનો કંઈ છેડો જ નથી.’
જેમ વિદ્યા, ધન, ક્રોધ, સ્ત્રી અને પુત્ર સંબંધી મલિન વાસનાઓને વિવેકથી દૂર કરી શકાય છે, તેમ શાસ્ત્રોથી તથા પોતાની યુક્તિથી અન્ય વાસનાઓના દોષ પણ વિવેકપૂર્વક ખોળી કાઢી તેમને યથાયોગ્ય રીતે દૂર કરવા. આ પ્રમાણે વાસનાઓની નિવૃત્તિ કરવામાં આવે છે, ત્યારે જીવનમુક્તિરૂપ પરમ પદ મળે છે. એ વિષે વસિષ્ઠે કહ્યું છેઃ- ‘તું જો વાસનાઓના પૂરા ત્યાગ સંબંધમાં પૂરો પ્રયત્ન કરશે, તો તારા સર્વ આધિ-વ્યાધિઓ તત્ક્ષણ શિથિલ થઈ જશે. જો તું બળપૂર્વક પુરૂષપ્રયત્ન કરીને વાસનાઓને સારી રીતે ત્યજી દેશે અને જો (સ્વરૂપ વિષે) સ્થિતિ બાંધશે, તો તું પૂર્ણપદને પામશે જ.’ ભગવાન શ્રીકૃષ્ણે તે સંબંધમાં કહ્યું છે કે, ‘હે કુંતીનંદન! જાણકાર પુરૂષ પ્રયત્નવાળો હોય છે, તોપણ તેની મથી નાખનારી ઈંદ્રિયો તેના મનને જોરપૂર્વક ઘસડી જાય છે; કેમકે વિષયોમાં વિચરતી ઈંદ્રિયોમાંની જે કોઈ ઈંદ્રિયને મન અનુસરવા માંડે છે, તે એકેન્દ્રિયપણું, પવન જેમ પાણીમાં વહાણને ખેંચી જાય તેમ તેની બુદ્ધિને ખેંચી લે છે. આમ ઉત્પન્ન થયેલા વિવેકની રક્ષા માટે ઈંદ્રિયોનો નિરોધ કરવો જરૂરી છે.
‘મારામાં પરાયણ રહેનારા પુરૂષે એ સર્વ ઈંદ્રિયોને સંયમમાં રાખીને યોગયુક્ત થઈ રહેવું; કેમકે જેણે ઈંદ્રિયોને વશમાં આણી છે, તેની પ્રજ્ઞા (બુદ્ધિ) સુસ્થિર છે.’ ‘યતિએ હાથપગને ચપળ રાખવા નહિ, આંખને ચપળ રાખવી નહિ, તેમ વાણીને પણ ચપળ રાખવી નહિ, આ સર્વ શિષ્ટ પુરૂષનાં લક્ષણ છે.’
‘જેમ સુવર્ણકમળ રાતે પણ કરમાઈ જતું નથી, તેમ વાસના વિનાના પુરૂષો આપત્તિમાં પણ ખેદ પામતા નથી. સ્વાભાવિકતાએ આવી પડેલા કાર્ય સિવાય તેઓ અન્ય કોઈ કાર્યની ઈચ્છા રાખતા નથી અને તેઓ શિષ્ટોને માર્ગે જ રમણ કર્યા કરે છે. ચંદ્ર જેમ શીતલતાને છોડતો નથી, તેમ આપત્તિમાં પણ તેઓ ચંદ્રના જેવી સુંદર અને વિકારરહિત મર્યાદાને ધારણ કરી રાખે છે. તેઓ સૂર્યની જેમ નિયતિના (ચોક્કસ-નિયમને) છોડતા નથી.’
૬. મનોનાશ
જનકે મનને નાશ કરવા યોગ્ય કહ્યું છેઃ-
‘હજારો અંકુરો, શાખાઓ, ફળો અને પલ્લવોથી શોભી રહેલા આ સંસારરૂપી વૃક્ષનું મૂળ મન જ છે. હું તો એ મનને સંકલ્પસ્વરૂપ જ માનું છું. સંકલ્પને શમાવી દઈને હું એ મૂળને સૂકવી નાખું, એટલે પછી આ સંસારરૂપી વૃક્ષ પણ સુકાઈ જાય. હવે હું જાગ્યો છું, મને જ્ઞાન મળ્યું છે. મેં મારા આત્માના ચોરને પકડી પાડ્યો છે, બસ, એ મનને હું મારી જ નાખું. બહુ કાળ સુધી એ મને જ મને માર્યો છે.’
વસિષ્ઠ પણ કહે છેઃ- ‘સર્વ જાતના ઉપદ્રવો કરનારા આ સંસારરૂપી વૃક્ષનો એક આ જ ઉપાય છે કે ‘પોતાના મનનો નિગ્રહ કરવો.’ મનનો ઉદય એ પુરૂષના નાશરૂપ છે અને મનનો નાશ એ તેના મહાન ઉદયરૂપ છે. જ્ઞાનીનું મન નાશ પામે છે અને અજ્ઞાનીનું મન બેડીરૂપ છે. જ્યાં સુધી એક તત્વના દ્રઢ અભ્યાસથી મનને જીતવામાં આવ્યું નથી, ત્યાં સુધી મધરાતની ડાકણો જેવી વાસનાઓ હ્રદયમાં ઘુમરડી લીધા જ કરે છે. જેના ચિત્તનો ગર્વ ઓગળી ગયો છે અને જેણે ઈંદ્રિયોરૂપી શત્રુને કબજે કર્યો છે, તેની ભોગવાસનાઓ હેમંતમાં વિલાઈ જતી કમલવેલની જેમ કરમાઈ જાય છે. હાથથી હાથને પકડીને, દાંતથી દાંતને પીસીને અને અંગથી અંગને ભીડીને સૌથી પ્રથમ પોતાના મન ઉપર વિજય મેળવવો. જે પુરૂષો પોતાના મનને હાથે હાર પામ્યા નથી, તે જ આ વિશાળ ભૂમંડળમાં બડભાગી છે, સાધુચિત્ત છે અને પુરૂષોની કથામાં તેઓ જ ગણનાપાત્ર છે. હ્રદયરૂપી દરમાં કૂંડાળું વળીને બેઠેલો અને સંકલ્પરૂપી બળબળતા વિષવાળો જેનો મનરૂપી સાપ ઉપશાંતિને પામ્યો છે, તે ચંદ્રની જેમ ઉદય પામેલા અવ્યય પુરૂષને હું વંદન કરૂં છું. આ માયારૂપી ચક્રને આ ચિત્તરૂપી નાભિ છે. જે કોઈ તેના ઉપર સર્વ બાજુથી હલ્લો લઈ જઈને સ્થિર થાય છે, તેને કોઈ પણ પ્રકારની બાધા નડતાર કરતી નથી.’
ગૌડપાદાચાર્યે પણ કહ્યું છેઃ- ‘સર્વ યોગીઓનું અભયપણું, તેમનાં દુઃખોનો ક્ષય, તેમનું જ્ઞાન અને તેમની અક્ષય શાંતિ એ બધું મનના નિગ્રહને જ આધીન છે.’
અર્જુને કહ્યું છેઃ- ‘સાચે જ મન ચંચળ છે, મથી નાખનારૂં છે, બળવાન છે અને દ્રઢ છે. આથી હે કૃષ્ણ! મને લાગે છે કે એ મનને કબજે કરવું એ તો પવનને કબજે કરવા જેવું અતિ કઠણ છે.’
આથી જ વસિષ્ઠે કહ્યું છેઃ- ‘કોઈ મનુષ્ય દોષરહિત યુક્તિ મેળવ્યા વિના જ કોઈ સ્થળે વારંવાર એકત્રિત થઈ બેસે, તેથી જ તે કાંઈ મનને જીતી શકતો નથી. જેમ કોઈ ગાંડો થયેલો દુષ્ટ હાથી અંકુશ વિના જીતી શકતો નથી, તેમ મન પણ યુક્તિ વિના જીતી શકાતું નથી. વસિષ્ઠે મનનો વિલય આણવા માટેની યુક્તિઓને સારી રીતે કહી છે. તેથી તે યુક્તિઓને સેવનારનું મન વશમાં રહે છે. નિગ્રહ બે પ્રકારનો મનાયો છે; એક હઠ દ્વારા અને બીજો યુક્તિ દ્વારા. ગોલકનો નિગ્રહ કરીને જ્ઞાનેંદ્રિયો એ કર્મેંદ્રિયોનો જે નિગ્ર કરવામાં આવે છે, તે હઠ છે. આ રીતે ક્યારેક સફળતા મળે છે, અને એથી કોઈક મન વિલય પામે છે. હવે આધ્યાત્મવિદ્યાની પ્રાપ્તિ, સાધુઓનો સમાગમ, વાસનાનો ત્યાગ અને પ્રાણના સ્પંદ (ગતિ-વેગ)નો નિરોધ (પ્રાણાયામ) આ ચાર સમર્થ યુક્તિઓ ચિત્ત ઉપર વિજય અપાવનારી છે. આ યુક્તિઓ હોવા છતાં જેઓ હઠથી ચિત્તને નિયમમાં લાવવાનું કરે છે તેઓ દીવાને છોડી દઈને કાજળથી અંધારૂં દૂર કરવાનું કરે છે! જે મૂર્ખાઓ ચિત્ત ઉપર હઠથી વિજય મેળવવાને તલપાપડ થઈ રહેલા છે, તેઓ તો ઉન્મત્ત થયેલા ગજરાજને જાણે કમળતંતુથી બાંધવાને નીકળ્યા છે!’
શ્રુતિ કહે છેઃ- ‘જેમ ઈંધણાં વિનાનો અગ્નિ પોતાની યોનિ (અર્થાત્ લાકડાં)માં શાંત થઈ જાય છે, તેમ વૃત્તિનો ક્ષય થવાથી ચિત્ત પણ પોતાની યોનિમાં શાંત થઈ જાય છે.’ અહીં ‘યોનિ’ એટલે ‘આત્મા’ છે.
વસિષ્ઠે કહ્યું છેઃ- ‘વૃત્તિરૂપી વેલને ધારણ કરનારા ચિત્તરૂપી વૃક્ષનાં બે બીજો છે. એક પ્રાણનો પરિસ્પંદ છે, અને બીજું દ્રઢ વાસના છે. સંવિત્ (ચૈતન્ય) સર્વમાં વ્યાપક છે, તે પ્રાણના સ્પંદથી જાગ્રત થાય છે ને સંવેદનથી અર્થાત્ વૃત્તિઓના વિસ્તારથી ચિત્તમાં અનંત દુઃખો થાય છે. લુહાર રાખથી ઢંકાયેલા અગ્નિને ધમણોથી ધમે છે, એટલે ત્યાં ધમણોમાંથી ઉત્પન્ન થયેલા પવનથી તે અગ્નિ બળવા લાગે છે; તે જ પ્રમાણે, બળતણને સ્થાને રહેલી એ ચિત્તના ઉપાદાનકારણરૂપ અજ્ઞાનથી ઢંકાઈ રહેલી સંવિત્ (ચૈતન્ય) પ્રાણના સ્પંદથી સ્ફુટ થઈને ચિત્તની વૃત્તિરૂપે બળવા લાગે છે. સંવિતની જ્વાલારૂપે તે ચિત્તવૃત્તિ નામના સંવેદનમાંથી દુઃખો ઉત્પન્ન થાય છે, પ્રાણના સ્પંદથી પ્રેરિત થયેલી ચિત્તની આ ઉત્પત્તિ થઈ.
પ્રાણાયામના દ્રઢ અભ્યાસથી, ગુરૂએ બતાવેલી યુક્તિથી અને આસનના તથા આહારના યોગથી પ્રાણનો સ્પંદ નિરોધી શકાય છે. અસંગ રીતે વ્યવહાર કરવાથી, સંસાર વિષેની સત્યત્વની બુદ્ધિને તજવાથી અને શરીરનું નાશવંતપણું જાણવાથી વાસના પ્રવર્તતી નથી. વાસનાના ત્યાગથી તથા પ્રાણના સ્પંદના નિરોધથી ચિત્ત ચિત્તરહિતને પામે છે. માટે તને ગમે તેમ તું કર. હે રઘુનંદન! કોઈ પણ વસ્તુને સત્ય માનીને તેને પ્રેમપૂર્વક સેવવી એટલું જ માત્ર હું ચિત્તનું રૂપ માનું છું. ‘આ ત્યાજ્ય છે અને આ સ્વીકાર્ય છે.’ એવી જ્યારે કંઈ પણ ભાવના થતી નથી અને જ્યારે સકળ વસ્તુઓના ત્યાગપૂર્વક સ્થિર રહેવાય છે, ત્યારે ચિત્ત ઉત્પન્ન થતું નથી. વાસનારહિત થવાથી મન જ્યારે મનન કરતું નથી, ત્યારે પરમશાંતિ આપનારી અમનસ્કતા (મનનું ન હોવાપણું) ઉદય પામે છે.’
અમનસ્કતા ઉદય પામેલી હોય નહિ, તો શાંતિ પણ હોય નહિ, ‘જેને ચિત્તરૂપ યક્ષે દ્રઢ રીતે દબાવ્યો છે, તેને મિત્રો, બાંધવો, ગુરૂઓ અને માનવો પણ બચાવી શકતા નથી.’
‘યોગીએ અતિ આહારને તેમજ અનાહારને નિત્ય ત્યજવાં.’ ભગવાન શ્રીકૃષ્ણે પણ કહ્યું છેઃ ‘હે અર્જુન! જે ખૂબ ખાય છે, તેને માટે કે જે બિલકુલ ખાતો નથી તેને માટે યોગ છે જ નહિ. વળી, જે અત્યંત ઊંઘે છે અથવા જે અત્યંત જાગ્યા કરે છે તેને માટે પણ યોગ નથી જ; યોગ તો તેને જ માટે દુઃખહારી થાય છે, કે જેનો આહાર અને વિહાર નિયમિત છે, કર્મને વિશે જેની ચેષ્ટાઓ નિયમિત છે તેમજ જેની ઊંઘ અને જાગરણ પણ નિયમિત છે.’
પ્રાણના નિરોધથી ચિત્તના દોષોનો થાય છે. શ્રુતિ કહે છેઃ- ‘જેમ પર્વતની ધાતુઓ તપાવવાથી તેમના મળ બળી જાય છે, તેમ ઈંદ્રિયોએ કરેલા દોષો પ્રાણનો નિગ્રહ કરવાથી બળી જાય છે.’ વસિષ્ઠે કહ્યું છેઃ- ‘પ્રાણવાયુનો જે સ્પંદ છે તે જ ચિત્તનો સ્પંદ છે. તેથી બુદ્ધિમાન પુરૂષે એ પ્રાણસ્પંદના ક્ષય માટે એતિ ભારે પ્રયત્ન કરવો જોઈએ.’
‘ચિત્તને અમુક સ્થાનમાં રોકવું તે ધારણા.’ ‘સંકલ્પ કરનારા મનનું ધ્યાન ધરીને બુદ્ધિમાને તેને આત્મામાં લગાડવું અને એ પ્રમાણે આત્માને ધારણ કરવો – આનું નામ ધારણા કહેવાયું છે.’
રજોગુણથી ઉત્પન્ન થયેલી ચંચળતામાંથી તેમજ તમોગુણથી ઉત્પન્ન થયેલા આળસ વગેરેમાંથી મનને પ્રાણાયામથી વારવામાં આવ્યું હોય છે, ત્યારે તે એ ધારણ કરવા માટે યોગ્ય થાય છે.
૭. સમાધિ સૂત્ર અને પ્રત્યાહારનું વર્ણન
સમાધિસૂત્રઃ ‘સર્વાર્થતાનો ક્ષય અને એકાગ્રતાનો ઉદય એ ચિત્તનું સમાધિરૂપ પરિણામ છે.’ સમાધિના આઠ અંગો છેઃ- યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર આ પાંચ બાહ્ય અંગો છે. યમો વિશે આ સૂત્ર છેઃ- ‘અહિંસા, સત્ય, અસ્તેય (ચોરી ન કરવી તે), બ્રહ્મચર્ય ને અપરિગ્રહ ( મિલકત ન રાખવી તે) એ યમો છે. નિયમો વિશે સૂત્રમાં કહ્યું છેઃ- શૌચ (બહાર ને અંદરની પવિત્રતા), સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન (ઈશ્વરને અર્પણ) એ નિયમો છે. યમ તથા નિયમ એ બન્નેના અનુષ્ઠાનની વિલક્ષણતા વિશે સ્મૃતિમાં આ પ્રમાણે કહ્યું છેઃ-‘શાણા માણસે યમોનું સતત જ સેવન કરવું, નિયમોનું એવું સેવન ન કરવું; કારણકે જે માણસ યમોને સેવતો નથી અને કેવળ નિયમોને જ સેવ્યા કરે છે, તે પતનને જ પામે છે. જે માણસ નિયમવાળો છે, છતાં યમોમાં આસક્તિ વિનાનો છે? તે પડે જ છે; પરંતુ જે યમવાળો છે, છતાં નિયમોમાં આળસુ છે તે ખેદ પામતો નથી. આ પ્રમાણે યમ તથા નિયમ વિશે બુદ્ધિપૂર્વક સમજણ મેળવીને બુદ્ધિને અનેકાનેક યમોમાં જ પરોવવી.’
પ્રત્યાહારનું વર્ણનઃ ‘પોતાના વિષયોથી વિમુખ થઈને ઈંદ્રિયો ચિત્તના સ્વરૂપનું જે અનુકરણ કરતી લાગે છે, તે પ્રત્યાહાર છે.’ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ વગેરે વિષયો છે, તેમનાથી વિમુખ થયેલી કાન વગેરે ઈંદ્રિયો ચિત્તના સ્વરૂપનું જાણે અનુકરણ કરતી હોય એમ લાગે છે. શ્રુતિ પણ કહે છેઃ- ‘જેમને શબ્દ આદિ વિષયો છે, એવી પાંચ ઈંદ્રિયોનું તથા અતિ ચંચળ મનનું આત્માના કિરણરૂપે ચિંતન કરવું, એને પ્રત્યાહાર કહે છે.’
હવે ધ્યાન, ધારણા અને સમાધિ એ ત્રણને વિષે આ સૂત્રો છેઃ- ‘ચિત્તનો દેશબંધ (મૂલધાર વગેરે અમુક ભાગમાં ચિત્તને સ્થિર બાંધવું) તે ધારણા છે. તેમાં વૃત્તિની એકતાનતા તે ધ્યાન છે. તે જ ધ્યાન જ્યારે માત્ર ધ્યેયાકાર હોય અને જાણે સ્વરૂપથી શૂન્ય હોય, ત્યારે તે સમાધિ છે.’ ‘સંકલ્પ કરનારા મનનું ધ્યાન ધરીને બુદ્ધિમાને તેને આત્મામાં લગાડવું અને એ પ્રમાણે આત્માને ધારણ કરવો – એ ધારણા કહેવાય છે.’
‘અહંકાર વિનાની, બ્રહ્માકાર થયેલી મનોવૃત્તિનો પ્રવાહ સંપ્રજ્ઞાત સમાધિ છે અને તે ધ્યાન અભ્યાસની દ્રઢતાથી સિદ્ધ થાય છે.’ આ સમાધિનું સ્વરૂપ ભગવાન શંકરાચાર્ય આ પ્રમાણે વર્ણવે છેઃ- ‘તે જ હું છું – હું સદૈવ વિમુક્ત ૐકારરૂપ છું. ચૈતન્ય તેનું સ્વરૂપ છે અને ગગન તેની ઉપમા છે. તે સર્વથી શ્રેષ્ઠ છે ને સદાસર્વદા પ્રકાશરૂપ છે. તેને જન્મ નથી અને તેને મરમ નથી. તે એક છે અને અક્ષર છે. તે નિર્લેપ છે, સર્વગત છે અને અદ્વિતીય છે. હું શુદ્ધ અને નિર્વિકાર એવું ચૈતન્ય છું. સ્વાભાવિક રીતે જ મારો કોઈ વિષય નથી. અજન્મા, સંપૂર્ણ, ભૂમા (વ્યાપક બ્રહ્મ) આગળ અને પાછળ, ઉપર અને નીચે સર્વત્ર છે અને તે આત્મામાં રહેલ છે. હું જન્મરહિત છું અને અમૃત છું. હું સ્વયંપ્રકાશ છું, સર્વમાં વ્યાપેલો છું અને હું અદ્વૈત છું. કાર્ય તથા કારણથી હું પર છું. હું અત્યંત નિર્મળ છું નિત્યતૃપ્ત છું. આથી હું વિમુક્ત ૐકારરૂપ છું.’
‘જ્યારે નિયમમાં લાવવામાં આવેલું મન આત્મમાં જ સ્થિર રહે છે, ત્યારે સર્વ કામનાઓથી નિઃસ્પૃહ થયેલો તે પુરૂષ યોગમુક્ત થયેલો કહેવાય છે.’ પવન વિહોણા સ્થાનમાં રહેલો દીવો જેમ હાલતો નથી, તે જ આત્માને યોગમાં જોડતા યોગીના નિયમમાં આવેલા ચિત્તની ઉપમા કહી છે. યોગસેવનથી નિરોધેલું ચિત્ત ઉપરામ થાય છે ને આત્માને આત્માથી જોતાં આત્મામાં સંતોષ થાય છે. તેમાં બુદ્ધિથી ગ્રાહ્ય પણ ઈંદ્રિયોથી અતીત એવા આત્યંતિક સુખને તે જાણે છે અને તેમાં રહેલો એ પુરૂષ તત્વથી ચળતો નથી. તેને પામીને તે બીજા કોઈ પણ લાભને અધિક માનતો નથી.
તેમાં રહીને તે ભારે દુઃખથી પણ વિચલિત થતો નથી. તે અવસ્થા દુઃખના સંયોગના વિયોગવાળી છે. આ યોગ નિશ્ચયપૂર્વક અને કાયર થયા વિના સાધવો જોઈએ.
‘સંકલ્પથી જન્મેલાં સર્વ કોઈ કામો (કામનાઓ)ને અશેષે ત્યજી દેવાં અને ઈંદ્રિયોના સમૂહને મન વડે ચોમેરથી નિયમમાં લાવવો. પછી ધૈર્યપૂર્વક પકડેલી બુદ્ધિ વડે મનને ધીરે ધીરે ઉપરામ પમાડવું (વૃત્તિરહિત કરવું) અને છેલ્લે મનને આત્મામાં સ્થિર કરવું. આમ કર્યા પછી તેણે કશુંય ચિંતન કરવું નહિ. ચંચળ અને અસ્થિર એવું મન જ્યાં જ્યાંથી બહાર જાય ત્યાં ત્યાંથી તેને નિયમમાં લાવવું અને આત્મામાં જ વશ વર્તાવવું.’
‘સંકલ્પ એ કામનું મૂળ છે, અને યજ્ઞો પણ સંકલ્પરૂપી મૂળવાળા છે. અલ્યા કામ! હું તારૂં મૂળ જાણું છું. તું સાચે જ સંકલ્પમાંથી જન્મે છે. હું તારે વિશે સંકલ્પ જ કરીશ નહિ, એટલે પછી તું મૂળ સાથે વિનાશ પામશે.’
કઠવલ્લીમાં શ્રુતિ છેઃ-‘વિદ્વાને વાણીને મનમાં લય પમાડવી, મનને જ્ઞાનરૂપ આત્મા (બુદ્ધિ)માં લય પમાડવું, જ્ઞાનરૂપ આત્મા(બુદ્ધિ) મહાન આત્મામાં લય પમાડવો અને મહાન આત્માને શાંત આત્મામાં લય પમાડવો.’
‘મૌન, યોગાસન, યોગ, તિતિક્ષા (ટાઢ-તડકો વગેરે સહન કરવું), એકાંતશીલતા, નિઃસ્પૃહતા અને સમતા (સમદ્રષ્ટિ) આ સાત-દંડને ધારણ કરનારા સન્યાસીનાં લક્ષણ છે.’
‘વિષયો ઈંદ્રિયોથી પર (શ્રેષ્ઠ) છે, મન વિષયોથી પર છે, બુદ્ધિ મનથી પર છે, મહાન આત્મા બુદ્ધિથી પર છે, અવ્યક્ત મહાન આત્માથી પર છે અને પુરૂષ અવ્યક્તથી પર છે. એ પુરૂષથી કશું પર નથી – તે જ પરાકાષ્ઠા છે અને તે જ પરમ ગતિ છે.’
ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યાઃ- ‘હે મહાબાહો! મનનો નિગ્રહ અતિ દુષ્કર છે એમાં સંશય નથી; કારણકે તે ચંચળ છે. હે કુંતિનંદન! અભ્યાસથી અને વૈરાગ્યથી મનને પકડી શકાય છે. હું માનું છું કે જે અસંયતાત્મા છે (જેને આત્મા વશ નથી), તેને યોગ પ્રાપ્ત થવો અત્યંત મુશ્કેલ છે. પણ જે વશ્યાત્મા છે અને જે પ્રયત્નવાન છે, તેને એ યોગની ઉપાયપૂર્વક પ્રાપ્તિ થઈ શકે છે.’
ગૌડપાદાચાર્ય દ્રષ્ટાંત સાથે આ પ્રમાણે કહે છેઃ- દર્બની અણીથી એક એક ટીપું લઈને સમુદ્રને ઉલેચી શકાય છે, તે જ પ્રમાણે કાયર થયા વિના મનનો નિગ્રહ કરી શકાય છે. પોતે બળવાન હોય, તોપણ તેણે એકલાએ ઘણાનો વિરોધ કરવો નહિ. સમુદ્ર જેમ ટિટોડીઓથી પરાભવ પામ્યો હતો, તેમ તે પરાભવ પામે છે.’ અહીં સંપ્રદાયવેત્તાઓ નીચેની આખ્યાયિકા કહે છેઃ¬- ‘પૂર્વે કોઈ એક પંખીના ઈંડાં સમુદ્રના કિનારે હતાં. સમુદ્ર તે ઈંડાંને ઓટમાં તાણી ગયો. આથી તે પક્ષીએ નિશ્ચય કર્યોઃ ‘હું એ સમુદ્રને શોષી નાખીશ.’ ત્યાં તે પક્ષી પોતાની ચાંચથી પાણીનું એક એક ટીપું લઈને બહાર કાઢવા મંડ્યું. તે વખતે અનેક પક્ષીઓએ અને બંધુવર્ગોએ તેને આમ કરતું વાર્યું, પણ તે થોભ્યું જ નહિ, એટલે પછી તેઓ પણ તેને સહકાર આપવા લાગ્યા. હવે વારે વારે પડવાથી અને ઊડવાથી તે સર્વને કલેશ થયો. આ જોઈને નારદને દયા આવી, તેમણે ગરૂડને પોતાની પાસે બોલાવ્યો. એટલે ગરૂડે સમુદ્રને પાંખના ફફડાટથી શોષવા માંડ્યો. આથી સમુદ્ર ગભરાઈ ગયો અને તેણે ઈંડાં લાવીને તે પક્ષીને સોંપી દીધાં.’
‘આત્મદર્શન સ્વતઃસિદ્ધ છે, ચતાં અનાત્મનું વારણ કરવા માટે નિરોધનો અભ્યાસ જરૂરી છે.’ આથી જ કહ્યું છેઃ- ‘મનને આત્મામાં સ્થિર કરવું અને પછી તેણે કશુંય ચિંતન કરવું નહિ.’
૮. યોગ – ચિત્તવૃત્તિ નિરોધ
‘યોગ એટલે ચિત્તવૃત્તિનો નિરોધ.’ સમાધિમાં દ્રષ્ટાનું સ્વરૂપમાં અવસ્થાન (સ્થિતિ) હોય છે.’ આમ તો નિર્વિકાર દ્રષ્ટા સદા સ્વરૂપમાં જ સ્થિતિ કરી રહ્યો હોય છે, છતાં જ્યારે વૃત્તિઓ ઉત્પન્ન થયા કરે છે અને ચૈતન્યનું પ્રતિબિંબ પડ્યા કરે છે, ત્યારે તેના અવિવેકને કારણે દ્રષ્ટા પણ અસ્વસ્થ (વિકારી) જેવો થઈ જાય છે.
વસિષ્ઠે કહ્યું છેઃ- ‘હે રઘુનંદન! ચિત્તના નાશ માટે બે ક્રમ છે. એક યોગ છે અને બીજું જ્ઞાન છે. યોગ એ ચિત્તની વૃત્તિઓનો નિરોધ છે અને જ્ઞાન (વિવેક) એ યથાર્થ અવેક્ષણ (દર્શન) છે. કોઈકને યોગ અસાધ્ય હોય છે, તો કોઈકને જ્ઞાનનો નિશ્ચય અસાધ્ય હોય છે. આથી પરમેશ્વર મહાદેવે એ બંને પ્રકારો કહ્યા છે.’
ગૌડપાદાચાર્યે કહ્યું છેઃ- ‘બુદ્ધિમાન પુરૂષના નિરોધ પમાડેલા નિર્વિકલ્પ મનની જે સ્થિથિ છે, તે તો સુષુપ્તિથી ભિન્ન છે અને સુષુપ્તિના જેવી નથી એમ જાણવું; કેમકે સુષુપ્તિમાં મન લય પામે છે અને નિરોધ પમાડેલું મન લય પામતું નથી. તે તો સર્વ બાજુએ જ્ઞાનના પ્રકાશરૂપ નિર્ભય બ્રહ્મ જ છે.’
માંડુક્ય શાખામાં પણ શ્રુતિ છેઃ ‘પ્રજ્ઞાવસ્થા (સુષુપ્તિ) અને ચોથી તુર્યાવસ્થા એ બન્નેમાં દ્વૈતનું અગ્રહણ (પ્રતિતિ ન હોવી તે) એક સરખું છે. પણ પ્રજ્ઞાવસ્થા બીજરૂપ નિદ્રાથી યુક્ત છે, ત્યારે તુર્યાવસ્થામાં એ નિદ્રા જ હોતી નથી. આગળની બે અવસ્થાઓ (વિશ્વ અને તૈજસ) સ્વપ્ન તથા નિદ્રાથી યુક્ત છે, પણ પ્રજ્ઞાવસ્થામાં સ્વપ્નરહિત છે અને કેવળ નિદ્રાયુક્ત છે; પરંતુ તુર્યાવસ્થામાં સ્થિત થયેલા પુરૂષો તો નથી નિદ્રાને જોતા કે નથી સ્વપ્નને જોતા. જે અન્યથા ગ્રહણ કરે છે, તેને સ્વપ્ન છે અને જે તત્વને જાણતો નથી તેને નિદ્રા છે, પણ જ્યારે એ બંનેનો વિપર્યાસ (ઊલટી ભ્રાંતિ) ક્ષય પામે છે, ત્યારે પુરૂષ તુરીયપદને ભોગવે છે.’ આમાં આગળની વિશ્વ અને તૈજસ અવસ્થાઓમાં અદ્વૈત વસ્તુનું અન્યથા ગ્રહણ થાય છે એટલે દ્વૈતની પ્રતીતિ વિશ્વ અને તૈજસ એ બંનેમાં છે, તેથી તેને સ્વપ્ન સંજ્ઞાથી કહેવામાં આવી છે. તત્વોનું જે અજ્ઞાન તે નિદ્રા. તે વિશ્વ, તૈજસ ને પ્રાજ્ઞ એમ ત્રણે અવસ્થાઓમાં છે. ‘એ બંનેનો’ એટલે કે સ્વરૂપભૂત બનેલા એવા સ્વપ્ન અને નિદ્રાનો વિપર્યાસ એટલે મિથ્યાજ્ઞાન. જ્યારે વિદ્યાથી એ મિથ્યાજ્ઞાન ક્ષય પામે છે, ત્યારે પુરૂષ તુરીયપદને પામે છે. એટલે કે અદ્વૈત વસ્તુને અનુભવે છે.
ગૌડપાદાચાર્ય કહે છેઃ- ‘કામ અને ભોગમાં વિક્ષિપ્ત થયેલા મનને ઉપાયપૂર્વક નિગ્રહમાં લાવવું. વળી લય (સુષુપ્તિ) માં સુપ્રસન્ન (અયાસરહિત) રહેલા મનનો પણ નિગ્રહ કરવો; કારણકે જેમ કામ અનર્થકારી છે, તેમ લય પણ અનર્થકારી છે. આ બધું દુઃખરૂપ છે, એમ ઘૂંટી ઘૂંટીને મનને કામભોગમાંથી નિવૃત્ત કરવું. આ બધું અજ (બ્રહ્મ) છે, એમ ઘૂંટી ઘૂંટીને યોગી ઉત્પન્ન થયેલા દ્રશ્યને જોતો જ નથી. સુષુપ્તિમાં લય પામેલા ચિત્તને જાગ્રત કરવું એને વિક્ષેપ પામેલા ચિત્તને ફરીથી શાંત કરવું. કષાય (રાગદ્વેષ) વાળા ચિત્તને બરાબર ઓળખી લેવું અને સમતાને પામેલા ચિત્તને ચળાવવું નહિ, ત્યાં (સમાધિમાં) ના રસનો ચટકો રાખવો નહિ, પણ પ્રજ્ઞા (વિવેક) પૂર્વક તેમાં અસંગ થવું. બહાર નિકળતા તે ચિત્તને પ્રયત્નપૂર્વક આત્મા સાથે એકરૂપ અને નિશ્ચળ કરવું.’
‘જ્યારે ચિત્ત ફરી સુષુપ્તિને પામતું નથી, વિક્ષેપને પામતું નથી, અનિંગન (ઈંગન-કષાય-રાગદ્વેષ વિનાનું) રહે છે અને અનાભાસ (આભાસ = રસાસ્વાદ વિનાનું) રહે છે, ત્યારે તે બ્રહ્મરૂપને પામે છે.’ લય, વિક્ષેપ, કષાય અને સમપ્રાપ્તિ (સમતાની પ્રાપ્તિ) એ ચિત્તની ચાર અવસ્થાઓ છે. અધૂરી નિદ્રા, અજીર્ણ, અત્યંત આહાર અને શ્રમ એ અનર્થનાં કારણો છે. આથી જ કહ્યું છેઃ- ‘તેણે પૂરતી નિદ્રા લેવી, સારી રીતે પચે એવો હળવો ખોરાક લેવો, શ્રમનો ત્યાગ કરવો અને બાધા વિનાના એકાંત પ્રદેશમાં તૃષ્ણાથી તથા પ્રયત્નથી રહિત થઈને સદા બેસવું; અથવા તેણે પોતાના અભ્યાસના માર્ગ પ્રમાણે પ્રાણનો નિરોધ (પ્રાણાયામ) કરવો.’
‘જે આત્યંતિક (અંતિમ) સુખ છે તે બુદ્ધિગ્રાહ્ય છે અને ઈંદ્રિયોથી અતીત છે.’ શ્રુતિ કહે છેઃ- ‘સમાધિથી જેના મળમાત્ર ધોવાઈ ગયા છે ને જે આત્મામાં સ્થિર વાસ પામ્યું છે, તે ચિત્તને જે સુખ થાય છે, તેને વાણી વર્ણવી શક્તી નથી – તેને તો માત્ર અંતઃકરણ જ અનુભવે છે.’
કઠવલ્લીમાં કહ્યું છેઃ- ‘જ્યારે મન સાથે પાંચ જ્ઞાનેન્દ્રિયો સ્થિરતાને પામે છે અને બુદ્ધિ ચેષ્ટા કરતી નથી, ત્યારે તેને પરમગતિ કહેવામાં આવે છે. આ પ્રમાણે તેઓ સ્થિર ઈંદ્રિય-ધારણાને યોગ માને છે. ત્યારે પુરૂષ પ્રમાદરહિત થાય છે; કારણકે યોગ જ (વૃત્તિઓના) જન્મ અને લયરૂપ છે.’ ‘છોડી દેવાયેલો યોગ ઈંદ્રિયોની વૃત્તિઓને જન્મ આપે છે અને સાધેલો યોગ તે વૃત્તિઓને લય પમાડે છે.’
પતંજલી યોગનું સ્વરૂપલક્ષણ બતાવતાં કહે છેઃ- ‘યોગ એટલે ચિત્તની વૃત્તિઓનો નિરોધ.’ વૃત્તિઓ અનંત છે તેથી તેમનો નિરોધ કરવો અશક્ય છે. ‘ક્લિષ્ટ અને અક્લિષ્ટ એવી પાંચ પ્રકારની વૃત્તિઓ છે.’ રાગ, દ્વેષ વગેરે કલેશરૂપ આસુરી વૃત્તિઓ ક્લિષ્ટ છે અને રાગ વગેરેથી રહિત દૈવી વૃત્તિઓ અક્લિષ્ટ છે.
‘પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ એ પાંચ પ્રકારની વૃત્તિ છે.’ ‘તેમાં પ્રત્યક્ષ, અનુમાન અને આગમ (શાસ્ત્ર) એ ત્રણ પ્રમાણ વૃત્તિઓ છે.’ વાસ્તવ રૂપમાં ન રહેલું મિથ્યાજ્ઞાન એ વિપર્યવ છે.’ ‘માત્ર શબ્દજ્ઞાન ઉપરથી જ કલ્પાયેલી એ વાસ્તવિકતા વિનાની કલ્પના એ વિકલ્પ છે.’ ‘અભાવના પ્રયત્નને અવલંબનારી વૃત્તિ નિદ્રા છે.’ ‘અનુભૂત (અનુભવેલ) વિષયનો અસપ્રમોષ એ સ્મૃતિ છે.’ એ પાંચ પ્રકારની વૃત્તિઓના નિરોધનાં સાધન વિષે સૂત્રમાં કહે છેઃ- ‘અભ્યાસઅને વૈરાગ્ય એ બેથી તેમનો નિરોધ થાય છે.’ તીવ્ર વેગવાળા નદીના પ્રવાહને પુલ બાંધીને રોકી શકાય છે અને નહેર કાઢીને તેમાંથી ખેતર તરફ વહેતો એક બીજો આડ-પ્રવાહ ઉત્પન્ન કરી શકાય છે. તે જ પ્રમાણે ચિત્તરૂપી નદીના વિષય પ્રવાહને વૈરાગ્યથી રોકી શકાય છે અને સમાધિના અભ્યાસથી તેનો પ્રશાંત પ્રવાહ ઉત્પન્ન કરી શકાય છે.
‘જેમ નિસાસાઓ ગિરિરાજને ડોલાવી શકતા નથી, તેમ જે ધીર પુરૂષને સુખદુઃખની દિશાઓ સમતામાંથી ડોલાવી શક્તી નથી, તે પુરૂષનું ચિત્ત મૃત્યુ પામ્યું છે એમ જાણવું. આપત્તિ, કૃપણતા, ઉત્સાહ, મદ, મંદતા અને મહોત્સવ, એ બધાં જેને વિરૂપ કરતાં નથી, તે પુરૂષનું મન નાશ પામ્યું છે એમ જાણવું. ચિત્ત એ જ આશાનો આધાર છે. તે જ્યારે નાશ પામે છે ત્યારે જ મૈત્રી આદિ ગુણવાળું સત્વ ઉદય પામે છે. જીવનમુક્તનું તે મન પુનર્જન્મથી રહિત થાય છે. આમ જીવનમુક્તનો તે મનોનાશ સરૂપ હોય છે.
સ્વરૂપ સિદ્ધિનું પ્રયોજનઃ જીવનમુક્તિ શું છે? તેમાં પ્રમાણ શું છે? અને શી રીતે તેની સિદ્ધિ થાય છે? આ ત્રણ પ્રશ્નોના ઉત્તરનું નિરૂપણ થઈ ગયું. હવે ચોથો પ્રશ્ન આ રહ્યો તેની સિદ્ધિનું પ્રયોજન શું છે? આનો ઉત્તર આપવામાં આવે છે. જ્ઞાનની રક્ષા, તપ, વિસંવાદ (વિવાદ) નો અભાવ, દુઃખનો નાશ અને સુખનો આવિર્ભાવ એ પાંચ જીવનમુક્તિનાં પ્રયોજન છે. ‘જ્યાં સુધી ચિત્ત વિશ્રાંતિને પામ્યું હોતું નથી, ત્યાં સુધી સંશય અને વિપર્યય (મિથ્યાજ્ઞાન) થઈ આવવાનો સંભવ રહે છે.’
‘પરિચ્છેદરહિત (અખંડ) ચિદાત્મારૂપ પુરૂષ એક જ છે – બીજું કંઈ પણ નથી. જીવ પોતાના સંકલ્પથી જ બંધાય છે અને સંકલ્પથી રહિત થઈને તે મુક્ત થાય છે.’
‘તત્વ જાણ્યા છતાં પણ જેને ચિત્તવિશ્રાંતિ થઈ ન હોય તેને શુકદેવ અને રામચંદ્રની જેમ સંશય ઉત્પન્ન થાય છે. અજ્ઞાનની પેઠે જ એ સંશય મોક્ષનો પ્રતિબંધ કરનારો છે.’ ‘અજ્ઞાની અશ્રદ્ધાવાળો અને મનમાં સંશયવાળો પુરૂષ વિનાશ પામે છે. જે મનમાં સંશયવાળો છે, તેને માટે આ લોક નથી, પરલોક નથી અને સુખ પણ નથી.’ સંશય તો ભોગ તથા મોક્ષ એ બંન્નો વિરોધી છે.
‘ભભડતો બળતો અગ્નિનો પણ જો મણિ, મંત્ર અને ઔષધિથી પ્રતિબંધ કરવામાં આવ્યો હોય, તો તે ઈંધણાંને બાળી શકતો નથી. તે જ પ્રમાણે જ્ઞાનરૂપ અગ્નિ ભલે અત્યંત દ્રઢ અને અત્યંત પ્રકાશિત હોય, છતાં જો તેનો પ્રતિબંધ કરવામાં આવ્યો હોય, તો તે મળને બાળી શકતો નથી. જે અસંભાવના છે અને જે વિપરિત ભાવના છે, તે જ તત્વજ્ઞાનનો પ્રતિબંધ કરે છે – બીજું કોઈ તેને આડ કરતું નથી.’
‘જેનું ચિત્ત વિશ્રાંતિનેપામ્યું નથી, તેને સંશય અને વિપર્યયના કારણથી તત્વજ્ઞાનના ફળમાં પ્રતિબંધ થાય છે પણ જેનું ચિત્ત વિશ્રાંતિને પામ્યું છે, તેનો તો મનોનાશ થયેલો છે. આથી એને માટે જગત જ પ્રલય પામ્યું છે. એટલે તેને સંશય અને વિપર્યયનો પ્રસંગ જ શો હોય? બ્રહ્મવેત્તાને તો જગતનો ઓળો સરખોય હોતો નથી. તેના દેહનો વ્યવહાર પણ પોતાના કશા જ પ્રયત્ન વિના, માત્ર પરમેશ્વરે પ્રેરેલા પ્રાણવાયુથી જ ચાલ્યા કરે છે. ‘બ્રહ્મવેત્તાને આ ઉપજન-જનોની પાસે રહેલું શરીર છે જ નહિ; પડખે રહેલા માણસો જ તત્વવેત્તાના એ શરીરને જુએ છે. પોતે તો નિર્મનસ્કભાવને (મનની રહિતતાને) પામ્યો છે. તેથી આ મારૂં શરીર છે, એવું તે સંભારતો જ નથી. પરમેશ્વરે પ્રાણવાયુને આ શરીરમાં જોડ્યો છે અને તે પ્રાણ જીવનો પ્રયત્ન હોય કે ન હોય તોપણ વ્યવહારને ચલાવ્યે રાખે છે. ‘સિદ્ધ પુરૂષ જોતો નથી કે તેનું નાશવંત શરીર સમાધિમાં રહ્યું છે કે તેમાંથી જાગી ગયું છે; કારણકે એ સિદ્ધ પુરૂષ તો સ્વરૂપને પામી ચૂક્યો છે.’ ‘જેમ ઊંઘીને જાગેલા મનુષ્યો પોતાનો આચાર પહેલાંની માફક કરે છે, તેમ પાસે રહેલા મનુષ્યોએ જગાડેલા સંતપુરૂષો પણ અક્ષત રહીને પૂર્વના આચારક્રમથી આવેલા આચારને આચરે જ છે.’
૯. જ્ઞાનની ભૂમિકાઓ
અહીં ચાર પ્રકારના યોગીઓ જોવામાં આવે છેઃ- એક બ્રહ્મવિદ્ (બ્રહ્મને જાણનાર) છે, બીજો બ્રહ્મવિદવર (બ્રહ્મને જાણનારાઓમાં ઉત્તમ) છે, ત્રીજો બ્રહ્મવિદવરીયાન (બ્રહ્મને જાણનારાઓમાં વધારે ઉત્તમ) છે, અને ચોથો બ્રહ્મવિદવરિષ્ઠ (બ્રહ્મને જાણનારાઓમાં સર્વશ્રેષ્ઠ) છે. ‘પહેલી જ્ઞાનભૂમિકા એ ‘શુભેચ્છા’ છે એમ કહેવાયું છે. બીજી ભૂમિકા ‘વિચારણા’ છે અને ત્રીજી ભૂમિકા ‘તનુમાનસા’ છે. ‘સત્વાપત્તિ’ એ ચોથી ભૂમિકા છે અને ‘અસંસક્તિ’ નામની ભૂમિકા પાંચમી છે. છઠ્ઠી ભૂમિકા ‘પદાર્થાભાવિની’ છે અને સાતમી ભૂમિકાને ‘તુર્યાગા’ કહી છેઃ ‘હું કેમ મૂઢની જેમ પડ્યો રહ્યો છું? શાસ્ત્રો અને સજ્જનો દ્વારા હું સ્વરૂપને જોઉં તો સારૂં’ – આમ વૈરાગ્યપૂર્વક શુભની જે ઈચ્છા થાય છે, તેને પંડિતો ‘શુભેચ્છા’ નામની પ્રતમ ભૂમિકા કહે છે. શાસ્ત્રોથી, સજ્જનોના સમાગમથી અને વૈરાગ્યના અભ્યાસથી સદવિચારને વિશે જે પ્રવૃત્તિ થાય છે, તે ‘વિચારણા’ નામની બીજી ભૂમિકા છે. શુભેચ્છા અને વિચારણા એ બેયે કરીને ઈંદ્રિયોના વિષયોને વિશે જે અસક્તતા થાય છે – એટલે જેમાં મનની આસક્તિ અત્યંત તનુતા (સૂક્ષ્મતા) ને પામે છે, તે ‘તનુમાનસા’ નામની ત્રીજી ભૂમિકા છે. આ ત્રણ ભૂમિકાઓના અભ્યાસથી બાહ્ય વિષયોની જે વિરતિ (વૈરાગ્ય) થાય છે, તેના બળથી શુદ્ધ (માયા અને તેના કારણરહિત) સત્વાત્મામાં (સત્વસ્વરૂપ આત્મામાં) ચિત્તની જે સ્થિતિ થાય છે, તે ‘સત્વાપત્તિ’ નામની ચોથી ભૂમિકા કહેવાય છે, આ ચાર ભૂમિકાઓના અભ્યાસથી અસંસર્ગ (અસંગ) રૂપ ફળવાળી અને રૂઢ સત્વના ચમત્કારવાળી જે અવસ્થા પ્રાપ્ત થાય છે, તે ‘અસંસક્તિ’ નામની પાંચમી ભૂમિકા કહેવાય છે. આ પાંચ ભૂમિકાઓના અભ્યાસથી પોતાના આત્માને વિષે જ અત્યંત રતિ થાય છે, એટલે બહારના તથા અંદરના પદાર્થોનું ભાન મરી જાય છે. પરિણામે કોઈ બીજો લાંબા કાળ સુધી ઢંઢોલ્યા કરે છે, તો તેને તે પદાર્થોનું ભાન થાય છે. આ અવસ્થા ‘પદાર્થાભાવિની’ નામની છઠ્ઠી ભૂમિકા છે. આ છ ભૂમિકાઓનો ચિરકાળ સુધી અભ્યાસ કરવામાં ને અને ભેદ માત્રનો ઓળો પણ ન રહે, તેથી સ્વભાવ (આત્મા) ને વિશે જે એક નિષ્ઠતા રહે છે, તેને ‘તુર્યગા’ નામની સાતમી ભૂમિકા જાણવી.’
આ સાત ભૂમિકાઓમાંની પહેલી ત્રણ ભૂમિકાઓ બ્રહ્મવિદ્યાના સાધનરૂપ છે, આથી જે એ ત્રણ ભૂમિકાઓને ‘જાગરણ’ કહેવામાં આવે છે. ‘આ ત્રણ ભૂમિકાઓ તો જાગ્રત અવસ્થા છે; કેમકે આ જેવું છે તેવું જગત ભેદબુદ્ધિથી જ જાગ્રત અવસ્થામાં દેખાય છે.’
‘જ્યારે અદ્વૈતમાં સ્થિરતા આવી છે અને જ્યારે દ્વૈત શમી ગયું છે, ત્યારે ચોથી ભૂમિકાને પામેલા યોગીઓ આ લોકને સ્વપ્નવત્ જુએ છે. શરદઋતુના વિખરાઈ ગયેલા વાદળાના ટુકડાની જેમ તેમનું દ્વૈત વિલાઈ ગયેલું હોય છે. આ ચોથી ભૂમિકાને પામેલા યોગીઓ તો કેવળ સત્તારૂપ જ શેષ રહે છે. યોગીઓ જેના જ્ઞાનથી સર્વ પ્રાણીઓને વિષે પોતે પોતાને તથા અન્યને સન્મિત્રરૂપે ઉપાસે છે, તે સદરૂપ હરિને મારાં નમન હો! ચોથી ભૂમિકાને પામેલા યોગીઓ તો કેવળ સત્તારૂપ જ શેષ રહે છે.’
અર્જુન બોલ્યાઃ- ‘શ્રદ્ધાથી યુક્ત છતાં અયોગી (યોગમાં અપ્રયત્નશીલ) એવા પુરૂષનું મન યોગમાંથી ગળી જાય અને એ એમ યોગની સંસિદ્ધિને પામ્યા વિના મરણ પામે, તો હે કૃષ્ણ! તે કઈ ગતિ પામે છે? હે મહાબાહુ! તે તો બ્રહ્મના માર્ગમાં અત્યંત મૂઢ છે અને તેને કશું દ્રઢ અવલંબન નથી. આમ તે બેઉ રીતે ભ્રષ્ટ થયો છે, તો શું તે વિખૂટા પડેલા વાદળની જેમ નાશ પામે છે? હે કૃષ્ણ! તમે મારો આ સંશય પૂરેપૂરો છેદવાને યોગ્ય છો; કારણકે તમારા સિવાય બીજો કોઈ પણ આ સંશયને છેદી શકવાને યોગ્ય નથી.’
શ્રી ભગવાન બોલ્યાઃ- ‘હે પૃથાનંદન! આ લોકમાં કે પરલોકમાં તેનો વિનાશ થતો જ નથી, કેમકે હે તાત! કોઈ પણ કલ્યાણ કરનારો દુર્ગતિને પામતો નથી. યોગથી ભ્રષ્ટ થયેલો તે મનુષ્ય પુણ્ય કરનારાઓના લોકને પામે છે અને ત્યાં અનેક વર્ષો સુધી રહ્યા પછી તે પાછો પવિત્ર શ્રીમાનોને ઘેર જન્મ પામે છે. અથવા તે કોઈ બુદ્ધિમાન યોગીઓના કુળમાં જન્મે છે. સાચે જ લોકમાં આવો જન્મ થવો, એ અત્યંત દુર્લભ છે. હે કુરૂનંદન! એ જન્મમાં તેને પૂર્વદેહની બુદ્ધિનો સંયોગ થાય છે, એટલે તે ફરીથી સંસિદ્ધિ માટે પ્રયત્ન કરે છે.’
શ્રી રામ બોલ્યાઃ- ‘હે ભગવન! જે યોગી પહેલી, બીજી કે ત્રીજી ભૂમિકામાં રહીને મૃત્યુ પામે છે, તેની શી ગતિ થાય છે?’
શ્રી વસિષ્ઠ બોલ્યાઃ- ‘યોગીની ભૂમિકામાં રહીને જેનું જીવિત ઓસરી ગયું છે, તે શરીરધારીનાં પૂર્વનાં પાપ યોગની તે તે ભૂમિકાના અંશ પ્રમાણે ક્ષય પામે છે. પછી તે રમણીઓનો સખા થઈને દેવોનાં વિમાનોમાં, લોકપાલોનાં નગરોમાં અને મેરૂપર્વતની ઉપવનકુંજોમાં રમણ કરે છે. ત્યાં તે સત્કર્મોનાં ફળને ભોગવે છે અને દુષ્કૃતોને દૂર કરે છે. આમ ભોગ અને ક્ષય ખૂટી જાય છે, ત્યારે તે યોગીઓ પૃથ્વી ઉપર પવિત્ર, શ્રીમાન અને ગુણવાન એવા સત્પુરૂષોના સુરક્ષિત ગૃહે જન્મ પામે છે. એ જન્મમાં એ જ્ઞાનીઓ પૂર્વજન્મમાં અભ્યાસ વડે મેળવેલી યોગની ત્રણ ભૂમિકાઓને સ્પર્શે છે અને પછી ઊંચેની ઉત્તમ ભૂમિકાના ક્રમમાં ઊંચે ચઢે છે.’
‘પૂર્વે દેવો તપથી જ દેવત્વ પામ્યા છે ને તપથી જ ઋષિઓએ સ્વર્ગને મેળવ્યું છે.’
‘મન અને ઈંદ્રિયોની એકાગ્રતા એ પરમ તપ છે, તે તપ સર્વ ધર્મોથી ચઢિયાતું છે ને તે જ પરમધર્મ કહેવાય છે.’ લોકસંગ્રહને જોતા રહીને પણ તારે કર્મ કરવું જોઈએ.’
‘જેને દેવને (પરમાત્માને) વિષે પરમ ભક્તિ છે અને એ દેવ ઉપરના જ જેવી જેને ગુરૂને વિષે પરમ ભક્તિ છે, તે મહાત્માને આ કહેલા ર્થો સાક્ષાત્ થાય છે.’ ‘શ્રદ્ધાવાન, જ્ઞાનપરાયણ અને જિતેંદ્રિય પુરૂષ જ્ઞાન પામે છે. જ્ઞાન પામ્યા પછી તે થોડા જ વખતમાં પરમ શાંતિને પ્રાપ્ત કરે છે.’
‘શ્રેષ્ઠ પુરૂષ જેવું જેવું આચરણ કરે છે, તેવું તેવું આચરણ બીજા પણ કરે છે. તે જે પ્રમાણે કરે છે તેને લોક અનુસરે છે.’ ‘જેની બુદ્ધિ તત્વને વિશે છેક સાક્ષાત્કાર સુધી પ્રવર્તે છે, તેની દ્રષ્ટિમાં આવેલા સર્વ કોઈ સર્વ પાપોથી મુક્ત થાય છે.’
‘જેનું મન એક ક્ષણ પણ બ્રહ્મની વિચારણામાં સ્થિરતાને પામે છે. તેણે સમસ્ત તીર્થોના જળમાં સ્નાન કર્યું છે, તેણે સમસ્ત પૃથ્વીનું દાન આપ્યું છે, તેણે હજારો યજ્ઞોનું યજન કર્યું છે, તેણે દેવમાત્રને રૂડી રીતે પૂજ્યા છે, તેણે તેના પિતૃઓને સંસારમાંથી તાર્યા છે અને તે ત્રણે લોકમાં પૂજ્ય છે, જેનું મન આ અપાર જ્ઞાનસુખના સાગરરૂપ પરબ્રહ્મને વિશે લીન થયું છે, તેનું કુળ પવિત્ર છે, તેની માતા કૃતાર્થ છે અને વિશ્વંભરા પૃથ્વી તેનાથી પુણ્યવાળી છે.’
‘તે એક આત્માને જ જાણ – બીજી વાત પડતી મૂક. ઘણા ઘણા શબ્દોનું ધ્યાન ન ધરીશ – એ તો વાણીનો વ્યર્થ શ્રમ છે.’ ‘ધાન્યની ઈચ્છાવાળો જેમ કૂસકાને ત્યજી દે છે, તેમ ગ્રંથને અશેષે ત્યજી દેવો. આમ પરબ્રહ્મને જાણ્યાપછી એ ગ્રંથોને ઊંબાડિયાની જેમ ત્યજી જ દેવા.’
દુઃખનો નાશ અને સુખનો આવિર્ભાવ એ અનુક્રમે જીવનમુક્તિનું ચોથું અને પાંચમું પ્રયોજન છે. શ્રુતિ કહે છેઃ- ‘જો આત્માને વિષે જાણવામાં આવે કે આ પુરૂષ (આત્મા) હું જ છું, તો પછી તે શાની ઈચ્છા કરે અને કઈ કામનાને માટે શરીરની પાછળ સંતાપ કરે?’ ‘તે વિદ્વાન (જ્ઞાની) મેં કેમ શુભ કામ ન કર્યું? મેં કેમ પાપ કર્યું? એવો સંતાપ કરતો જ નથી.’ ‘જે બ્રહ્મને જાણે છે, તે બ્રહ્મરૂપ જ થાય છે.’
‘અંતરમાં શીતળતા સાંપડે છે, ત્યારે જગત શીતળ થાય છે. પણ જેઓ અંતરમાં તૃષ્ણાથી ધગી રહ્યા છે, તેમને માટે તો આ જગત વનના દાવાનળ જેવું છે.’
૧૦. વિદ્વત્સંન્યાસ
આગળ સ્વરૂપ, પ્રમાણ, સાધન અને પ્રયોજનોથી જીવનમુક્તિનું નિરૂપણ થયું છે. હવે જીવનમુક્તિને ઉપકારક એવા વિદ્વત્સંન્યાસનું નિરૂપણ કરીશું.
‘નારદે ભગવાન બ્રહ્માની પાસે જઈ પૂછ્યુઃ- ‘પછી પરમહંસ યોગીઓનો માર્ગ કયો છે? યોગીઓની સ્થિતિ શી છે?’ પરમહંસ તો તત્વના વિવેક વડે સિદ્ધિરૂપ ઐશ્વર્યોની અસારતાને જાણે છે અને તેથી વિરક્ત રહે છે. ‘ચિદાત્માની શક્તિઓ આ રીતે સ્ફુરી રહે છે, એમ જાણીને તેને ઐશ્વર્યોની જાળોને વિષે કુતુહલ ઉપડી આવતું નથી.’ ‘ત્રણ ગુણથી રહિત એવા પંથે વિચરનારાને વિધિ શી અને નિષેધ શો? શ્રદ્ધાળુ શિષ્ટો તેને પણ આ પ્રમાણે નિંદે છેઃ- ‘હે મૈત્રેય! જ્યારે કલિયુગ બેસશે, ત્યારે બધા જ લોકો બ્રહ્મની વાતો કરશે. છતાં તેઓ માત્ર જનનેંદ્રિય અને પેટ પૂરણમાં જ પરાયણ રહેશે અને કશી શુભ ક્રિયા કરશે નહિ.’
શ્રી રામ બોલ્યાઃ- ‘આમ છે, તોપણ હે ભગવાન! સન્મતિવાળા જીવનમુક્તમાં કોઈ અપૂર્વ અતિશયતા હોય છે, તો હે શ્રેષ્ઠ આત્મજ્ઞાની! તે શી છે?’
વસિષ્ઠ બોલ્યાઃ- ‘હે રામ! જ્ઞાનવાન પુરૂષની એ બુદ્ધિ કોઈ પણ શ્રેષ્ઠ વસ્તુમાં મોહ પામતી નથી. તે તો નિત્યતૃપ્ત હોય છે, પ્રશાંત મનવાળો હોય છે અને આત્મામાં જ રહેલો હોય છે. મંત્રસિદ્ધા, તપઃસિદ્ધા અને તંત્રસિદ્ધા આકાશગમન આદિ અનેક સિદ્ધિઓ મેળવે છે; પણ તેમાં અપૂર્વતા શી છે? જ્ઞાનીમાં એક જ વિશેષતા છે. તે એ કે તે મૂઢ બુદ્ધિવાળા જેવો નથી. તેનું મન રાગરહિત અને નિર્મળ છે. સંસાર વિશેનો ચિરકાલનો ભ્રમ દૂર થવાથી શાંત થયેલા અને ચિહ્નરહિત સ્વરૂપવાળા તે જ્ઞાનીનું આ આટલું જ ચિહ્ન છેઃ- કામ, ક્રોધ, વિષાદ, મોહ, લોભ તથા આપત્તિ વગેરેની તેનામાં રોજ રોજ અત્યંત ક્ષીણતા થાય છે.’
‘હજારો મનુષ્યોમાંથી કોઈક જ સિદ્ધિને માટે પ્રયત્ન કરે છે અને એવા પ્રયત્ન કરનારા સિદ્ધોમાં પણ કોઈક જ મને તત્વપૂર્વક જાણે છે.’
‘બ્રહ્મન્! જે દર્શન અને અદર્શન ત્યજીને પોતે કેવળ પોતાના સ્વરૂપમાં જ રહે છે, તે તો પોતે બ્રહ્મ જ છે. બ્રહ્મવેત્તા નથી.’
‘તે મહાપુરૂષ (યોગી) પોતાનું જે ચિત્ત છે, તેને સદા મારામાં જ સ્થાપે છે, તેથી હું પણ તેને વિષે જ રહ્યો છું.’
‘તે (યોગી પરમહંસ) પોતાના પુત્ર, મિત્ર, પત્નિ, બંધુઓ વગેરેને, શીખાને, યજ્ઞોપવિતને, સ્વાધ્યાયને અને સર્વ કર્મોને ત્યજી દે છે અને આ બ્રહ્માંડને પણ ત્યજી દે છે અને પોતાના શરીરના ઉપભોગને માટે તેમજ લોકોપકારને અર્થે જ તે કૌપીન દંડ અને આચ્છાદન (વસ્ત્ર) ને ગ્રહણ કરે છે.’
‘જ્ઞાનામૃતથી તૃપ્ત થયેલા કૃતકૃત્ય યોગીને કશું જ કર્તવ્ય નથી. તેને જો કંઈ કર્તવ્ય હોય, તો તે તત્વવેત્તા નથી.’
છ ઉર્મિઓ આ પ્રમાણે છેઃ- ભૂખ, તરસ, શોક, મોહ, જરા અ મરણ. આ બબ્બેને સાથે લઈએ તો ત્રણ દ્વંદ્વો (જોડકાં) થાય. ભૂખતરસનું જોડકું પ્રાણનો ધર્મ છે, શોક-મોહનું જોડકું મનનો ધર્મ છે અને જરા-મરણનું જોડકું દેહનો ધર્મ છે. આથી આત્મા તરફ મુખ રાખી રહેલા યોગીએ એ છ ઉર્મિઓનો ત્યાગ કરવો જોઈએ.
‘માખણ તો ગાયના શરીરમાં જ રહ્યું છે, છતાં તે ગાયનાં અંગોનું પોષણ કરતું નથી. એ જ માખણને વલોવવા વગેરે કર્મથી કાઢવામાં આવ્યું હોય છે, તો તે પાછું ગાયને જ ઓસડરૂપ થાય છે. એ જ પ્રમાણે પરમેશ્વર પણ માખણની જેમ સર્વ શરીરોમાં રહ્યો છે; પણ ઉપાસના વિના તે દેવ-મનુષ્યોનું હિત કરતો નથી.’
‘જે અન્યથા સ્વરૂપવાળા (અસંગ) આત્માને અન્યથારૂપ (કર્તાભોક્તારૂપ સંગવાળો) માને છે, તે આત્મઘાતી ચોરે કયું પાપ કર્યું નથી?’
‘પલકવારમાં જેના ભેદ અને અભેદ ઓગળી ગયા છે, પુણ્ય ને પાપ ચોરાઈ ગયાં છે, માયા ને મોહ મરી ગયાં છે. સંદેહની વૃત્તિ આથમી ગઈ છે અને શબ્દથી અતીત તથા ત્રિગુણથી રહિત એવા તત્વનું જેને જ્ઞાન થયું છે એવા ત્રિગુણાતીત માર્ગે વિચરનારાને વિધિ શો અને નિષેધ શો? આત્મજ્ઞાનમાં પરાયણ રહેનારા યોગીઓ, પાણીથી ભરેલાં તીર્થોને અને માટી તથા પથ્થરના બનેલા દેવોને શરણે જતા નથી. દ્વિજોનો દેવ અગ્નિ છે, મુનિઓનું દૈવત હ્રદયમાં છે, અલ્પ બુદ્ધિવાળાઓનો દેવ મૂર્તિ છે અને આત્મજ્ઞાનીઓનો દેવ સર્વત્ર છે.આંધળો માણસ ઉદય પામેલા સૂર્યને જોતો નથી, તેમ જે જ્ઞાનચક્ષુ વિનાનો છે તે સર્વત્ર રહેલા શાંત જનાર્દનને પામતો નથી.’
૧૧. સંન્યાસીઓના પ્રકાર
‘વેદો જેના નિઃશ્વાસરૂપ છે અને વેદોમાંથી જેણે અખિલ જગતને નિર્માણ કર્યું છે, તે વિદ્યાતીર્થ (સકળ, વિદ્યાઓને પાવન કરનારા) મહેશ્વરને હું વંદન કરૂં છું.’
‘વિવિદિષા સંન્યાસ (સાધક સંન્યાસ) અને વિદ્વત્સંન્યાસ (સિદ્ધ સંન્યાસ). વિવિદિષા સંન્યાસ વિદેહમુક્તિ (મૃત્યુ પછી મળતી મુક્તિ) નો હેતુ છે અને વિદ્વત્સંન્યાસ જીવનમુક્તિ (જીવતેજીવત મુક્તિ) નો હેતુ છે.’
‘સંન્યાસીઓ ચાર પ્રકારના છેઃ’-
૧. ”કુટિચક” સંન્યાસી યાત્રા આદિ કરવાને અશક્ત હોઈને કુટિ (ઝૂંપડી) બાંધીને રહે છે, રોજ બાર હજાર પ્રણવજાપ કરે છે અને યોગ્ય સમયે ભિક્ષા માંગી આવી પોતાના આશ્રમમાં રહી બ્રહ્મધ્યાન કરે છે.
૨. ”બહૂદક” તીર્થે તીર્થે યાત્રા કરનારો હોય છે.
૩. ”હંસ સંન્યાસી” હંસની જેમ સાતમા લોક સુધી ઊડે છે.
૪. ”પરમહંસ સંન્યાસી” આ જીવનમાં પણ મુક્તિનો આનંદ અનુભવે છે.
‘વૈરાગ્ય બે પ્રકારનો કહેવામાં આવ્યો છેઃ- એક તીવ્ર વૈરાગ્ય છે અને બીજો તીવ્રતર વૈરાગ્ય છે. તીવ્ર વૈરાગ્ય થતાં ‘કુટિચક’ સંન્યાસ લેવો, લેનાર શક્તિમાન હોય તો તેણે ‘બહૂદક’ સંન્યાસ લેવો. તીવ્રતર વૈરાગ્ય થતાં હંસ નામનો સંન્યાસ લેવો, એ તીવ્રતર વૈરાગ્યવાળો જો મુમુક્ષુ (મોક્ષની ઈચ્છાવાળો) હોય, તો તેણે આત્મજ્ઞાનના સાધનરૂપ એવો ‘પરમહંસ’ નામનો સંન્યાસ લેવો.’
‘કુટિચક અને બહૂદક એ બન્ને પ્રકારના સંન્યાસીઓ ત્રિદંડી હોય છે. આ સંન્યાસીઓ ત્રણ ગાંઠવાળો એક લાંબો વાંસનો દંડ રાખે છે. આ ત્રણ ગાંઠ તન, મન અને વાણી સાથે સંકળાયેલી સૌ કોઈ વસ્તુનો વિવિધ ત્યાગ સૂચવે છે અને એ ક્ષણથી પર એવા ‘તત્’ માં નિત્ય મગ્ન હોવાનું બતાવે છે.’
‘જેને કેવળ મોક્ષની જ ઈચ્છા છે, તેણે પરમહંસ નામનો સંન્યાસ ધારણ કરવો. તત્વને જાણનારો હંસ સંન્યાસી બ્રહ્મલોકમાં આત્મસાક્ષાત્કાર પામી મુક્તિ પામે છે અને પરમહંસ સંન્યાસી આ જ દેહે આત્મસાક્ષાત્કાર સાધે છે.’
‘પરમહંસ બે પ્રકારના મનાયા છેઃ- એક જિજ્ઞાસુ (જ્ઞાનની ઈચ્છાવાળો) છે અને બીજા જ્ઞાનવાન (સિદ્ધ) છે.’
‘લોક બે પ્રકારના છેઃ- એક આત્મલોક છે અને બીજો અનાત્મલોક છે. અનાત્મલોક ત્રણ પ્રકારના છે. મનુષ્યલોક, પિતૃલોક અને દેવલોક. મનુષ્યલોક તે પુત્રોત્પત્તિથી જ જીતાય છે. બીજો કોઈ કર્મથી જીતાતો જ નથી. પિતૃલોક તે (નિત્ય) કર્મથી જ જીતાય છે. દેવલોક તે (દહરાદિ) વિદ્યાથી જીતાય છે.’
આત્મલોક વિષે શ્રુતિ કહે છેઃ-
‘જો કોઈ પુરૂષ સ્વલોકને જાણ્યા વિના જ આ લોકમાંથી ચાલ્યો જાય છે, તો અજ્ઞાત આત્મારૂપ લોક તે પુરૂષ પામતો નથી.’ વળી ‘આત્મારૂપ લોકની જ ઉપાસના કરવી. જે કોઈ આત્મારૂપ લોકની જ ઉપાસના કરે છે, તેનું કર્મ ક્ષય પામતું જ નથી.’
‘અમારે માટે આ આત્મારૂપી લોક છે, તો પછી અમારે શા માટે અધ્યયન કરવું જોઈએ? શા પ્રયોજને અમારે યજન કરવું જોઈએ? અને પ્રજાને (સંતતિને) અમે કરીશું શું? જેઓ પ્રજાની ઈચ્છા રાખે છે, તેઓ સ્મશાનમાં સૂએ છે; અને જેમાં પ્રજાની ઈચ્છાનો ત્યાગ કરે છે, તેઓ અમૃતત્વ પામે છે.’
‘પરમહંસ સંન્યાસ બ્રહ્મના સાક્ષાત્કારરૂપી લાભને માટે છે. તેથી પરમહંસે શમ અને દમ આદિ સર્વ સાધનોથી યુક્ત હોવું જોઈએ.’
‘કર્મથી, પ્રજાથી અને ધનથી કોઈને અમૃતત્વ લાધ્યું નથી. કોઈને તે લાધ્યું હોય તો તે માત્ર ત્યાગથી.’
મૈત્રેયીનું વાક્ય દ્રષ્ટાંતરૂપે આપ્યું છેઃ- ‘જેના વડે હું અમરતા પામી ન શકું, તે (ધન) ને લઈને હું કરૂં શું? આથી હે ભગવન્! તમે જે જાણો છો, તે જ તમે મને કહો.’
‘બ્રહ્મચારીઓ, ગૃહસ્થીઓ અને વાનપ્રસ્થીઓમાંથી કોઈને કોઈ કારણસર સંન્યાસ આશ્રમ સ્વીકારવામાં કાંઈ વાંધો હોય, તોપણ તેઓ પોતપોતાના આશ્રમધર્મોનું પાલન કરતા રહીને પણ માનસસંન્યાસ લઈ શકે અને એ રીતે તત્વજ્ઞાન પામી શકે. આમાં કોઈ વિરોધ નથી. શ્રુતિ, સ્મૃતિ, ઈતિહાસ અને પુરાણોમાં તેમજ લોકમાં પણ એવા તત્વજ્ઞાનીઓનાં અનેક દ્રષ્ટાંતો મળી આવે છે. પરમહંસ આશ્રમ (વિવિદિષા સંન્યાસ) જ્ઞાન મેળવવાના સાધનરૂપ છે.’
શિષ્ય આરૂણિએ શિખા અને યજ્ઞોપવિત, સ્વાધ્યાય અને ગાયત્રીજપ આદિ સર્વ કર્મોના ત્યાગરૂપ સંન્યાસના સંબંધમાં પૂછ્યું હતું. ત્યારે ગુરૂ પ્રજાપતિએ કહ્યુઃ-
‘સવારે, બપોરે અને સાંજે સ્નાન કરવું, સંધિકાલે સમાધિમાં રહી આત્માનું અનુસંધાન કરવું અને સર્વ વેદોમાં આરણ્યક તથા ઉપનિષદનું ફરી ફરી અધ્યયન કરવું.’
‘પરમ વૈરાગ્યને પામેલા પુરૂષો સંસારને સાર વિનાનો જોઈને સાર (પરમાત્મત્વને) જોવાની ઈચ્છાએ લગ્ન કર્યા પહેલાં જ સંન્યાસ ધારણ કરે છે. કર્મયોગ પ્રવૃત્તિરૂપ છે અને જ્ઞાન સંન્યાસરૂપ છે; માટે બુદ્ધિમાન પુરૂષે જ્ઞાનને સૌથી આગળ રાખીને સંન્યાસ સ્વીકારવો.’
વિવિદિષા સંન્યાસ અને વિદ્વત્સંન્યાસ એ બન્નેમાં ‘વિવિદિષા’ અને ‘વિદ્વતા’નો પૂર્ણ અર્થ શો? આનો ઉત્તર આ પ્રમાણે છેઃ- જ્યારે કકડીને ભૂખ લાગી હોય છે, ત્યારે જમવા સિવાય બીજી કોઈ વાત ગમતી જ નથી. તેમજ જમવાની વાર થાય, તે પણ સહી જતી નથી. તે જ પ્રમાણે જન્મના કારણરૂપ કર્મોને વિષે અત્યંત અરૂચિ થાય અને જ્ઞાનના સાધનરૂપ શ્રવણ આદિ વિષે અતિશય ઉલટ થાય, એ વિવિદિષા સંન્યાસના હેતુરૂપ છે.
‘જેને અહંકારનો ભાવ નથી, અને જેની બુદ્ધિ લેપાતી નથી, તે આ લોકોને હણ્યા છતાં હત્યા કરતો નથી અને બંધનમાં બંધાતો નથી.’
‘વિવિદિષા સંન્યાસના ફળરૂપ તત્વજ્ઞાનથી જ ભાવિ જન્મ નિવારી શકાય; બીજી બાજુ વર્તમાન જન્મનાં શેષ કર્મો તો ભોગવ્યા વિના ટળે એમ જ નથી. તો પછી આ વિદ્વત્સંન્યાસને માટે શા માટે મહેનત લેવી? પણ આવી શંકા ન હો. વિદ્વત્સંન્યાસ તો જીવનમુક્તિરૂપી ફળને આપનારો છે. તેથી જેમ જ્ઞાનને માટે વિવિદિષા સંન્યાસ લેવો આવશ્યક છે, તેમ જીવનમુક્તિને માટે વિદ્વત્સંન્યાસ લેવો આવશ્યક છે.’
સાધનાલક્ષી વિવિધ
૧૨. સંનિપાત-ઉન્માદ-હિસ્ટિરિયા
આપણે સનેપાત (સંનિપાત) શબ્દ જાણીએ છીએ; એક પ્રકારના વિષમ જ્વર (ત્રિદોષ) માં એ ઉભરાય છે; એનું મુખ્ય લક્ષણ છે, ચિત્તના અને તેને અંગે, વાણી તથા અંગોના ઉત્પાતો, વિષમતા, અને બુદ્ધિની સમતુલાની અસ્તવ્યવસ્તતા. એ અત્યંત ખતરનાક સ્થિતિ ગણાય છે, અને એમાં ત્રણેય પ્રકૃતિ-ઘટકો બગડી જતાં હોવાથી, એ પ્રાયઃ અસાધ્ય છે. ઉન્માદનો એ એક પ્રકાર છે.
આપણને ભાન નથી હોતું, પણ ચિત્તના પ્રત્યેક આવેગ કે આવેશનો ઉદ્રેક અથવા અતિરેક, સનેપાતનો જ ચાળો હોય છે. લાગણીવેડારૂપી ચિત્તનો દોષ ઉપદ્રવ દાખવે નહિ, તોપણ મમતા-મોહને અવશ્ય પોષતો રહે. પરંતુ કોઈપણ કાલ્પનિક કે ગમે તેવા કહેવાતા કારણે બુદ્ધિનું નિયમન શિથિલ થાય ત્યારે લાગણીના ઉદ્રેકની સ્થિતિ થાય, અને તે, મગજના સમતોલપણાને હચમચાવીને અનેક અનર્થો ઉપજાવે. લાગણીવેડા, એ વસ્તુતઃ ભાવની સાત્વિકતાની જ એક વિકૃતિ છે. જે ગમ્યું તેના આકર્ષણની અતિશયતા; અને જે ન ગમ્યું, તેના પરત્વે પણ દ્વેષની અતિશયતા અથવા તેનો અતિરેક-એ તેનું સ્વરૂપ છે. માનવજીવનના જન્મ સિદ્ધ આનંદ-સુખભાવના હકને પીંખી નાખનારી એ જ વસ્તુ છે. એ કામ, ક્રોધ ઈત્યાદિને નામે ઓળખાય છે.
આ અતિરેકોને ભાવોદ્રેક કે ભાવાવેશનું રૂપાળું નામ આપીને, ધર્મો-પંથો અને સંપ્રદાયો તેના અતિરેકને ઉત્તેજે છે, બલકે તેને બહેલાવવામાં જ એ ધર્મભાવની સાર્થકતા બતાવે છે. પ્રત્યેક અતિરેક, દ્વેષી અધમ અતિરેકને જ નોતરે છે; પ્રત્યેક અતિરેક એટલે સ્વસ્થતાનો અભાવ; એટલે સુખભાવ કહેવાતી ચિત્તની સમતાની સ્થિતિનો નાશ; એટલે શાન્તિનો હ્રાસ. સુખ અને શાન્તિ એ પર્યાય છે અને સમતા તેનું અનિષ્ઠાન છે, ત્યાં ભગવાન, પ્રિયજન, પ્રિય પદાર્થ અથવા મનગમતી કોઈ કલ્પનાને નિમિત્તે અશાન્ત લાગણીવેડાના નશાનાં તોફાનો ઉપજાવવાં, એ કઈ રીતે સુખનો માર્ગ હોઈ શકે? અશાન્તને સુખ ક્યાંથી? સ્વસ્થતા સ્વસ્થતાને, અને ઉગ્રતા ઉગ્રતાને જ સામી ઉપજાવી શકે. એમાં ભક્તિને નામે ભાવાવેશો, નાચવા-કૂદવા, બરાડા પાડવા વગેરે પ્રસિદ્ધ સંનિપાત અથવા ઉન્માદનાં લક્ષણો ને ન હોય ત્યાંથી ઉભરાવવાં તેમજ થાકી જવું, પડી જવું, બેહોશ થઈજવું વગેરે ઉન્માદી વર્તુણુક ઈષ્ટ મનાય છે.
એક માત્ર વેદાંત જ, અને તેયે કેવલાદ્વૈત વેદાન્ત જ. સ્પષ્ટ બુદ્ધિપૂર્વક કહે છે, કે ભાવનાનો અતિરેક, તેના પ્રત્યેક રૂપમાં, આત્મઘાતક અને સુખશાન્તિનો સમૂલધ્વંસક છે. સ્થિતપ્રજ્ઞારૂપી સમતા જ બ્રહ્મનામક પરમસુખ છે. ચિત્તની વિવેકશીલ વિચાર (પ્રજ્ઞા) થી સંયુક્ત શાન્ત વિચારણાની તેલધારાની સ્થિતિ રહેવી, એ જ એક માત્ર સત્ય, સુખ તથા નિર્મળ પ્રસન્નતા છે; એ જ મોક્ષ, આત્માનંદ, સ્વરૂપાનુભવ, બ્રહ્મભાવ વગેરે નામે કહેવાતું બ્રહ્મત્વ છે.
લાગણીના ઉભરાને અવશ્ય કોઈ આધ્યાત્મિક ઉન્માદ જ્વરનું લક્ષણ જાણજો. વ્હાલાંઓ, કુણી લાગણીઓને રમાડવી, એને ભયંકર વિષધર સાથેની રમત સમજજો. ભાવનાવશતાને સારી વસ્તુ સમજનારા મંદમતિઓ, હાથે કરીને ત્રણેય પ્રકારના રોગોને નિમંત્રે છેઃ આધિ, વ્યાધિ, તેમજ ઉપાધિ, ટૂંકામાં કલેશને. તેથી વેદાન્તનું લક્ષણ એક છેઃ ઈશ્વર સમોવડો નિરપેક્ષ સાક્ષી, દ્રષ્ટાભાવ, કે જેમાં હર્ષશોકના હડસેલાને અવકાશ નથી, અને તે કારણે અસુખની વૃત્તિને સ્થાન નામેયે નથી. જ્યાં લાગણીવેડાનો સંચાર થયો, ત્યાં બીજે દ્વારેથી “નિરામય આત્યંતિક સુખ, ઈચ્છા નામેયે ન થવી, ગમતું-અણગમતું તથા નારાજીનું સદંતર પરવારી જવું,” – એવી જે આત્મનંદની વ્યાખ્યા છે, તેનો મોટામાં મોટો શત્રુ લાગણીવેડા છે, અને તેનો શ્રેષ્ઠ બંધુ સ્થિર સાક્ષીદ્રષ્ટાભાવ છે.
તેથી ધર્મ, ભક્તિ, પ્રેમલક્ષણા વગેરે અત્યંત ઠગારા એવા, “મુખે મધ અને બગલમાં છુરી” જેવા લોભામણા ભાવોથી ચેતીને ચાલજો. કેવળ સ્વરૂપમાં શાન્ત, નિતાંત સ્વસ્થ એવા તમારા એકલ અદ્વિતીય સાક્ષીદ્રષ્ટાપણાને હાલવા દેશો નહિ, નહિ તો સમગ્ર જીવનને અસાધ્ય એવા ત્રિદોષનો સંનિપાત લાગુ પડશે અને ત્રણેય ગુણો વિફરશે. કહેતાં તો મેં તમને કહી દીધું; હવે તમે જાણો!
પૂઃ બાપુજીએ સુરેશભાઈના ગયા પછી બીજે દિવસે તા. ૨-૮-૭૪ ના દિને લખેલી નીચેની બે પ્રેરક વિગતો અત્યંત મહત્વની છેઃ
૧. “મને વારે ઘડીએ આંગળી ચીંધીને કહેતો હતો, કે તમે જ આ બધું કરાવો છો, ને બેઠા બેઠા જુઓ છો-અમારૂં કલ્યાણ તમે જ ઈરાદાપૂર્વક કરાવો છો. અને મારે એ જ જોઈએ છે. એની વાતનો હું ઈનકાર પણ કેવી રીતે કરૂં? હું તો કશું ન હોતો કરતો, પણ નિમિત્ત બનવાનું આ શરીરના ભાગ્યમાં હતું. તે ભલે!”
૨. “ભાઈ ગયો તેના બે દિવસ પહેલાં એણે મારૂં કપડું માંગીને પહેરી લીધું હતું. તે પહેરીને એ ગયો. એ આતુર સંન્યાસી કહેવાય. ત્યારથી એ સુરેશચંદ્ર ન હતો, એ જ કહેતો હતો કે હવે હું સુરેશ નથી. જેણે શરીર છોડ્યું, તે તો સ્વામી સુરેશતીર્થ હતા. તમે ગુરૂ ભાંડુઓ બરોબર જાણજો અને સમજશો. સુરેશ સોલંકીએ તો તા. ૨૯-૭-૭૪ ના દિને વિદાય લીધી. સ્વામી સુરેશતીર્થે તા. ૧-૮-૭૪ની બપોરે શરીર છોડ્યું.”
૧૩. પૂ. બાપુજીના પત્રોમાંથી નોંધ
“મનમાં પરણવું ને મનમાં રંડાવું” – એવું આપણને શોભે?…. કલ્પનાઓને જો દોડાવવી હોય તો “હું બ્રહ્મ છું.” “બધું જ બ્રહ્મ છે.” એમાં દોડાવવી, – સુખદ્ ભાવોમાં લગાડવી ઘટે, દુઃખદ ભાવોથી તો છૂટવું છે; અને વળી અજાણતાં, તોયે કોઈનાયે વિષે અમૂક ભાવોનો “અધ્યારોપ” કરવો અને પછી તેનો “અપવાદ” ન કરવો, એ હવે, આનંદ-જ્ઞાન-બુદ્ધિમાર્ગના, મારા અનુયાયીને શોભે કે?
જે છે, જે તમે છો, જે આ બધાં છે,- એ બધું, બહુ જ સરસ છે; અને જે નથી તે યે એટલું જ સરસ છે, હોં!
જ્યાં સુધી પહોંચવાની મરજી હોય ત્યાં સુધી જરૂર પહોંચાય છે. પણ આપણે એની કીંમત ચૂકવવા માટે તન-મનથી ક્યારે તૈયાર હોઈએ છીએ? તોયે, વાંચ્યાના સંસ્કાર પડ્યા વિના તો ના જ રહે. અહીં આનંદ છે, બધેય આનંદ જ છે, પણ આપણને અમુક કારણોને લીધે ખબર પડતી નથી.
જે નિત્યપ્રસન્ન રહેવા નિત્યપ્રયત્નશીલ રહે છે તેને “અવકૃપા” માટે અવકાશ જ કેવી રીતે રહે? અને આશીર્વાદ સિવાય મારા જેવા પાસે આપવાનું હોય જ શું? એનો પ્રવાહ તો સહજપણે વહેતો રહે છે. જે ચાહે તે એમાં ડૂબકી મારી લે કે એમાં નિત્ય તરબોળ પણ રહે!
જેમ ચાલે છે તેમ ચાલવા દ્યો. ઈશ્વર જે સવડ આપે તેનો યોગ્ય ઉપયોગ કરવો અને જે સવડ આપણને જોઈતી હોય તે ન મળે તો જાણવું કે એ આપણા હકની નથી, તેથી ન મળી; નહિ તો કેમ ન મળે? પાછાં પગલાં ભરીએ તો આગળ મોટો કૂદકો મારવા માટે ભરીએ. હવે કૂદકાની તૈયારી કરો. ભણવું હોય તો સુખે ભણજો, પણ કામ કરો અને ભણો. લાખો છોકરા એવી રીતે જીવનમાં સફળ થયા છે. તો આપણે કેમ ન થઈએ?
મસ્ત રહો! તમે કોણ છો? સ્વયં બ્રહ્મ, સાક્ષી, સચ્ચિદાનંદ સ્વરૂપ, આપમે કેવા હોઈએ? “ભવિષ્યન્નાનું સંદ્યત્તે નાતીતં શોચયત્યમી, વર્તમાનનિમેષંતું હસન્નેવાનુવર્તતે.” ભવિષ્યની ભાજગડમાં જીવ ઘાલીએ નહિ; જે થઈ ગયું તેને યાદ પણ ન કરીએ અને વર્તમાન ક્ષણને પ્રસન્ન ચિત્તે અનુસરતા રહીએ! આપણને વળી કલેશ કેવા? ભાગેડુવેડા કેવા?…..
ગમે તે નામે અને ઠામે કરેલી બધી સ્તુતિઓ જાય છે કેવળ એક પરમેશ્વરમાં, કેમકે બ્રહ્માથી માંડીને બધા જ દેવો પોતે થઈ થઈને કંઈ જ નથી. કેવળ એક જ પરમેશ્વરની માયાનાં પાસાં છે. એટલે સ્તુતિમાં, સ્તુતિ કરનારના મનના ભાવનું મહત્વ છે. એક પરમેશ્વરને જ લક્ષ્યમાં રાખીને સ્તુતિ કરવી એ ઠીક છે. જેમાં કશી પણ દુનિયાદારીને લગતી માગણી હોય એવી પ્રાર્થનાઓ કરવી ઠીક નહિ.
જે પાઠપૂજા, દેવદર્શન વગેરે કરે છે તેનાથી માણસનો સમય નિર્દોષપણે જાય, અને મનમાં સંતોષ રહે કે હું ભક્તિભજન કરૂં છું બસ એટલું જ. પરંતુ જેને સુખશાન્તિ, સંતોષ, પ્રસન્નતા અને સંસારની ઘટનાઓ પ્રત્યે શાન્ત સાક્ષીભાવ તથા કલેશસંતાપથી મુક્ત કહે છે, તેની એટલામાં પ્રાપ્તિ નથી. એ શાસ્ત્ર અને એ કીમિયો અમારા જેવા પાસે છે, અને એના રાહ જરા જુદા છે. દરેકનો એ રસ્તો નથી, તેથી કોઈ એમ કહે કે ચિંતા કંઈ કરી થતી નથી તો એ બરાબર કહે છે. મારા જેવાનો માર્ગ, ચિંતા ફિકરની જડ કાપી નાખવાનો છે. મારી પાસે રહેલાંઓ એ શીખી ગયાં છે અથવા શીખે છે. ભક્તિભજન, પાઠપૂજા, જપજાપ, દેવદર્શન વગેરેમાં નિર્દોષ રીતે કાળનિર્ગમન થાય, તોયે ઘણું છે. ચંચળ મટીને શાંત થવું એ કંઈ સહેલું નથી. ઈશ્વરમાં સંપૂર્ણ ભરોસો મકીને, સર્વ પ્રકારના સંસારી ભાવો છોડીને જ શાન્ત થઈ શકાય, પણ એટલો ભરોસો ક્યાં છે? અમારી લાઈનવાળાઓને જ એ હોઈ શકે.
શરીરને જીવવાની એવી જીવલેણ આદત પડી ગઈ છે (“જીવન” એટલે આદતોની પરંપરા, એ સિવાય બીજું છે જ શું?) કે એ જીવતું રહેવા માટે જીવ પટકશે, પ્રાણ પટકશે – અને પટકે છે જ ને? પટકશે પણ સહજે છોડશે નહિ!
શાસ્ત્રોમાં કહ્યું છે કે કોઈ જોશી ગ્રહોનો વાંક કાઢે, કોઈ ભૂતવાદી ભૂતપ્રેતનું કારણ બતાવે, કોઈ વૈદ વાત પિત્ત કફનો વિકાર કહે. પણ સમજુ માણસ સારી પેઠે સમજે છે કે ત્યાં પ્રારબ્ધ સિવાય બીજું કશું જ બળવાન નથી, છતાં માણસે થાય તેટલા પ્રયત્ન કરવા જ રહ્યા.
આ કાળ જ એવો છે કે આવતી કાલ વિશે કશું ચોક્કસ કહી કે વિચારી પણ ન શકાય. જેમ પ્રત્યેક જણે, તેમ આપે પણ, જે પરિસ્થિતિ જે સમયે આવે તેનો તે સમયે તયાશક્તિમતિ મુકાબલો કરતા રહેવું રહ્યું. મારા સંસર્ગમાં આવીને આપને જે પ્રકારની ચિત્ત-સ્થિતિ કેળવવી ઈષ્ટ લાગી હોય, તેની દ્રઢતા સ્થાપવા પ્રયત્ન કર્યા કરશો. પ્રારબ્ધના ક્ષેત્રમાં, બુદ્ધિની દોડ કુંઠિત જ રહેવાની; પરંતુ આંતરિક ક્ષેત્રમાં એને સંપૂર્ણ અવકાશ છે – દુઃખી કેવી રીતે ન થવું – એ વિષયમાં!
૧૪. સાધન અને સાધ્ય
પ્રશ્નઃ- “બ્રહ્મને જાણવા માટે વિવેક, વૈરાગ્ય, શમદમાદિ ષટસંપત્તિ અને મુમુક્ષુતા, એ સાધન ચતુષ્ટ્ય કહ્યાં. તે જાણ્યા પછી કઈ રીતે આગળ ચાલવું?”
ઉત્તરઃ- એ જાણવાની બાબતો નથી; પાળવાની છે. એનું નિત્ય પાલન એ જ આગળ ચાલવું છે. એ “ચાર” નો હેતુ એક જ છે. શાન્તિ, સ્વસ્થતા, સંસારની તથા શરીરની પ્રત્યેક ઘટના, તથા ચિત્તના પ્રત્યેક સ્પંદન (વિચાર) નું તટસ્થભાવે નિરીક્ષણ, – એ સાધન ચતુષ્ટ્યનાં રૂપો છે. એનાં ફળ, એનાં પાલનમાં સહજપણે સિદ્ધ છે. આત્મમાર્ગમાં કશું પણ “કરવા” કે ચાલવાપણું, કે આગળ કે પાછળ, કે પછી…. એવું છે જ નહિ. એ ચારનું એવું નિત્ય, સભાન અને પ્રયત્નપૂર્વકનું, ખંતથી એવી રીતે પાલન કરવું કે જેની આપણને ખબરેય ન પડે. એવી વર્તણૂક આપણો સહજ સ્વભાવ બની જાય. ચાર સાધનને જાણે છે તો બધા, દુષ્ટમાં દુષ્ટ અને અધમમાં અધમ, પશુ જેવા જડ અને કસાઈ જેવા ક્રૂર માણસો પણ. એવી માત્ર જાણકારી તો અહં-ભાવવાળાઓને “હું તો જ્ઞાનનું ને આત્માનું બધું જાણું છું.” એવા મહાભયંકર અભિમાન તથા અહંકારને જ વધારી આપે અને તેનાથી સુખશાન્તિ વધારે વધારે વેગળા ભાગે.
આત્મમાર્ગમાં, આ “ચાર સાધન” નું દ્રઢ નિશ્ચય અને ખંતપૂર્વક તથા ગમે તે ભોગે પણ નિત્ય પાલન – એ એક જ “કરવા” નું છે. બીજું બધું, જેવાં કે સ્વસ્થતા તથા સુખચેનનો ભાવ, સર્વ કલેશોના એક માત્ર મૂળ રૂપ “મને, મારૂં, હું.” વગેરેના વળગાડનું જ ખરી પડવું વગેરે તો એ સાધનના પાલનનાં અચૂક પરિણામ છે. “આગળ ચાલવું” એટલે સુખભાવમાં અભિવૃદ્ધિ માટે શું કરવું એવું પૂછો છો ને? સુખભાવ સ્થિર છે; એમાં ઘટ કે વધને સ્થાન નથી, કેમકે આત્મસુખ એક જ છે; “આત્મસુખો” નથી, પણ એક અને અદ્વિતીય એવો એક જ સહજ પ્રસન્નતાનો ભાવ છે, કે જેને પોતાના નિભાવ માટે આ જગતના કે તેની બહારના કહેવાતા સ્વર્ગાદિ કે દેવ-દેવી કે ભગવાન જેવા કોઈપણ પદાર્થની ગરજ નથી, અને એની આડે બધો વ્યવહાર કરવાનો છે. તેથી ચાર સાધનના કોઈ કડક ગુરૂજનની નિર્દય દેખરેખ નીચે પ્રાણ સાટે પણ ચૂપચાપ નિત્ય પાલન કરવા સિવાયનું બીજું કશું કરવા કે ચાલવાની કલ્પના સરખી કરવી – એ તો, પાછું એનું જ. સુખી થવા માટે, “આ કરૂં” અને “તે કરૂં” ના ભયંકર કલેશના ભંડાર સમા ચક્કરને નોતરૂં થયું. આમાં કશું “કરવાનું” નું કે “ચાલવાનું” કે એવી કોઈ ક્રિયા નથી, તેથી જ કરૂં કરૂં સિવાય બીજું કશું જેણે ભવોભવ થયાં જાણ્યું નથી એવા જીવડાને મૂંઝવણ થાય છે, કે હવે શું કરવાનું? ‘કંઈ જ નહિ કરવાનું – એ જ ઘડ એને બેસતી નથી.’
જેને કશું પણ ન કરતાં આવડે તેને માટે સત્યસહજ સુખ છે, “કરૂં” વાળા માટે નહિ. સાધન અને સિદ્ધિ – એ એક જ કાગળના બે જેવા લાગતાં પાસાં છે. આ બધું ક્યાંકને ક્યાંક, ખૂબ વિગતે સમજાવેલું છે જ. તેથી કરવું એટલું જ કે સાધનના પાલન સિવાય બીજું કંઈ જ નહિ. આ માર્ગ અભેદનો છે, બીજા કશાનો નહિ. જેમ વૈદકમાં સાધનો છે, નિદાન અને ચિકિત્સા. રોગના નાશરૂપી સિદ્ધિ માટે એ બે સિવાય બીજું કશું “કરવા” કે “આગળ ચાલવાનું” નથી, કેમકે સિદ્ધિ તો એ ચૂપચાપ સાધનનું સહજ ફળ છે – જો એ બે બરોબર હોય, તો સિદ્ધિ આપ મેળે છે; તેમ આ માર્ગમાં સાધન શુદ્ધ હોય ને ચિત્ત નિર્મળ હોય તો સુખરૂપી સિદ્ધિને શોધવી રહેતી નથી. જો સુખને શોધવું પડે તો તેનો એક જ અર્થ થયો, કે સાધન (નિદાન, ચિકિત્સા, પરેજી વગેરે) બરોબર નથી પળાયાં! બાકીના બધાં બહાનાં.
તેથી, સાધન ઉપરાંત ઉધામાપૂર્વક કરવાનું કશું નથી અને જે થતું હોય તેને ઈશ્વરે (કે પ્રારબ્ધ) સમજીને થવા દેવાનું છે.
“કાળચક્ર અવિરત, નિરપેક્ષપણે ચાલ્યું જાય છે. માનવી એમાં પ્રારબ્ધને વશ, અસહાયપણે ખેંચાય છે. તેમાં એનો એકમાત્ર નિરાંતવરો આધ્યાત્મિક ક્ષેત્રે વિચારશીલ રહેવામાં છે.”
“જીવન, એટલે જ આશા તૃષ્ણાઓનો સમુદાય – એ ખરૂં, પરંતુ પ્રત્યેક ઈચ્છા કે આશા તૃષ્ણા જ નથી હોતી. જે સંસ્કારો લઈને જીવ અહીં આવેલો છે તેને અંગે ઈચ્છા કે આશા – ઉમેદ તો સહજપણે હોય. એ પ્રબળ થઈને કામના કે તૃષ્ણાનું રૂપ પકડે, ત્યારે જ એ દુઃખ દેવા સમર્થ થઈ શકે; અને પરમાર્થમાં કે વ્યવહારમાં “સારૂં થાય તો છીંક,” એ વૃત્તિમાં અજુકતું હોઈ જ શું શકે? “સારૂં ન થાય,” એ વૃત્તિ તો સ્વયં આત્માના સ્વભાવની વિરૂદ્ધની, અનાત્મ હોય.”
પૂ. બાપુજીનો અમદાવાદવાસી સાધકવૃંદને, તા. ૮મી જુલાઈ ૧૯૭૧ની ગુરૂપૂર્ણિમાના અધ્યાત્મપર્વે પાઠવેલ સંદેશઃ
વહાલાં આત્મસ્વરૂપો,
ગઈ સાલ આ દિવસે આપણે આ માંગલિક પર્વ ઉજવવા અમદાવાદમાં ભેગાં થયા હતાં ત્યારે કેટલો આનંદ આવ્યો હતો! આજે પણ એવું બની શક્યું હોત તો કેવું સારૂં થાત! – એ માનવજીવ તરીકેની સ્વાભાવિક ઈચ્છાવૃત્તિ થઈ. પરંતુ બધાં જ શરીરો પોતપોતાના પ્રારબ્ધને અનિવાર્ય રીતે આધીન છે અને આપણે તો, પ્રારબ્ધથી પર આત્મ-સ્વરૂપમાં સ્થિર થવાના ઉમેદવાર છીએ. તેથી પ્રારબ્ધને અને દેહોને તેમના કંટ્રાક્ટ પૂરા કરવા દઈને આપણે એક-આત્મસ્વરૂપે પોતાની અંદર જ સર્વ આધ્યાત્મિક સ્વજનોની તથા પરમાત્મારૂપી પરમગુરૂની હાજરી સમજીને પ્રેમથી ગુરૂપૂજન કરીએ.
પરમ કૃપાળુ પરમાત્મા આપ સર્વને, દેહના તથા સંસારના ભાગ્યાધિન પ્રિય-અપ્રિયોથી નિરપેક્ષ, એવા આંતરિક આત્મસુખભાવ પ્રાપ્ત કરવાના પ્રયત્નમાં સહાયક હો! અહીંનો પરિવાર આ પ્રસંગે આપ સર્વેને પ્રેમપુરઃસર ‘જય ગુરૂ ઓમ્’ કહાવે છે.
આપણે બધાંએ આ સંસારમં રામ રાખે તેમ રહેવું. સાથે સાધન-ભજન તથા આત્મસ્વરૂપનું કંઈક મનન ચિંતન પણ કરતા રહેવું રહ્યું કે જેથી સંસારની ઉપાધિઓનો ડંખ હળવો રહે. સર્વ કોઈએ સ્થળ, સમય અને સંજોગ મુજબ જ વર્તવું રહ્યું. મનનો ભાવ, એ મોટી વસ્તુ છે. પરમેશ્વર તમને સર્વપ્રકારે માંગલ્યપૂર્ણ રાખે! બધે તું જ અને તું જ વિલસે છે. સર્વત્ર તું અને તું જ છે; બહારનો પ્રારબ્ધ પ્રાપ્ત વ્યવહાર દુનિયાની રીતે, પરંતુ નિર્દોષપણે કરતા રહેવું અને મનમાં એ હકીકતનું ક્ષણ માટે પણ વિસ્મરણ ન થવા દેવું, કે એ બધું નાટક, કેવળ સ્વપ્નની જેમ તારા પોતાના સ્વરૂપમાં પાછલી અવિદ્યાએ ઊભી કરેલી કલ્પનાની ઘટના અનુસાર ભાસે છે, ખોટું ભાસે છે – અને એ સર્વમાં સત્ય એકમાત્ર તું એનો દ્રષ્ટા છે, અને અન્ય સર્વ જુઠી આળ-પંપાળ છે. તેથી સ્વરૂપમાં મસ્ત રહેવું. મારા આત્મસંતાનો એમ જ કરે, કદાપિ સ્વાનંદથી ચલિત ન થાય.
ચિન્તાથી છૂટવાની બે મુખ્ય પ્રક્રિયાઓ પ્રસિદ્ધ છેઃ- (૧) ભક્તિ અને (૨) આત્મવિવેક દ્વારા પ્રાપ્ય સાક્ષીભાવ. ભક્તિની પણ બે રીતો જાણીતી છેઃ (૧) માંજર બાલન્યાય અને (૨) વાનરબાલન્યાય. આપણા ઈશ્વરનિષ્ઠ સંતો, જે થઈ ગયા અને અત્યારે વિદ્યમાન છે તે પણ, લગભગ બધા, પ્રથમ કક્ષાના હતા અને છે. બિલાડીનું બચ્ચું, પોતાની જાતની તેમ અન્ય સર્વની પણ સલામતીની ચિન્તાનો ભાર પોતાની મા ઉપર છડીને ચૂપચાપ બેસી રહે છે. માને કરવું હોય તે કરે! “હું કરૂં” એવી અહંતા ત્યાં નથી હોતી. સ્વ-અર્થની કે પર-અર્થની, અરે, સર્વ “અર્થો” ની એ ચિંતા છોડીને નિરાંતે બેસી રહે છે. પરિણામે ‘મા’ ની પકડ છૂટી જાય અને બચ્ચું પડી જાય, એવું ભાગ્યે જ બને છે. પણ વાંદરીનું બચ્ચું પોતાના જોરે ‘મા’ ને વળગે છે, ને સ્વ-પરાક્રમનો ફાંકો રાખીને પોતાની સલામતી માટે પ્રયત્નશીલ રહે છે. તેથી, એની પકડ છૂટી જાય, એ પડી જાય, અને નાશ પણ પામે. એવું ઘણીએ વાર બને છે. “હું કરૂં,” “કર્મ કરૂં,” એવો આગ્રહ જ્યાં હોય ત્યાં તે સાથે અસંગતાનો પણ દાવો કરવો – એ માત્ર કહેવા પૂરતું હોઈ શકે. નહિ તો “હું કરૂં”ની હઠ હોઈ જ ન શકે.
આ બેમાંના પહેલા પ્રકારમાં, સ્વ કે પર, કોઈનાયે હિતની ચિંતાને સ્થાન નથી; અને એવો ભક્ત એકમાત્ર પરમ અર્થમાં જ સંલગ્નચિત્ત રહે છે! સ્વ કે પર – અર્થ, એને મન ઈશ્વરનું કાર્યક્ષેત્ર છે, જીવડાનું નહિ. એનું ઈશ્વર પ્રણિધાનત્વ, ઈશ્વરશરણ, પરિપૂર્ણ અને અમિશ્ર છે. બીજા પ્રકારમાં જ્યાં “જનસેવા” માં ઈશ્વરપ્રણિધાનની ઈતિશ્રી સમજનારા ભક્તો, પરના હિતની ચિંતાનો ભાર સ્વઈચ્છાથી વીંઢારતા ફરે છે, તે સાથે ચિંતાની ફરિયાદો પણ કરતા રહે છે! એમની ઈશ્વરનિષ્ઠામાં એટલી ઊણપ છે. કોઈનાયે શ્રેય-પ્રેયમાં જો મને નિમિત્ત બનાવવાની ઈશ્વરની ઈચ્છા હોય તો ભલે, પણ કોઈનુંયે “ભલું” કરવાની અહંતાનું દૂષણ હું હાથે કરીને શા માટે વહોરી લઉં? એવી નિરહંતા ત્યાં નથી. એકવાર ચિંતાને ચિત્તમાં જરા પણ સ્થાન આપ્યું પછી अघोड घो गङ्गेयं વાળું જ તો! ક્યાં રોકાઈ શકાવાનું? એટલે કે જ્યાં લોકનું ભલું કરવાની લગન હોય એ વૃત્તિનું જ્યાં પ્રાધાન્ય હોય, ત્યાં વાનરશિશુપણાનું જોખમ અવશ્ય રહેવાનું-જેવું કે ગાંધીજીને હિંદુ-મુસલમાનની એકતા સાધવાના પ્રયત્નો પરત્વે થયું હતું! ગાંધીજીમાં ઉભય ભક્તિ પ્રકાર હતા. તેથી એ ચિંતાથી મુક્ત રહી શક્તા નહોતા, પણ એમનામાં માંજરબાલભાવ પ્રબળ હતો અને વળી ઉપનિષદવાળી સ્થિતિ પ્રત્યે પણ એમને રૂચિ હતી. તેથી એ અન્યોની સરખામણીમાં અંદરથી સ્વસ્થ સાક્ષીત્વનો વધારે અનુભવ કરી શકતા હતા.
આત્મજ્ઞાનના સર્વાત્મભાવની તો વાત જ નિરાળી છે. તે ઉપરાંત, એયે આપણે ન ભૂલીએ કે માનવજીવ અહીં આવ્યો છે તે પ્રારબ્ધાનુસાર ચિંતા-ઉદ્વેગનો પોતે જાતે કમાયેલો મસાલો ભોગવવા માટે જ આવેલો છે. પરના હિતની ચિંતામાં જીવભાવથી આત્મભાવનો વિવેક કરવાની વૃત્તિ શિથિલ રહેતી હોવાથી એ બેની સેળભેળ થઈ જાય, કેમકે ત્યાં કુરૂ-વંશનું લક્ષણ જોરમાં હોય છે. પરાર્થની ફિકરમાં अभ्यास वैराग्याभ्याम् નું વિસ્મરણ સ્વાભાવિક છે. ઈશાવાસ્ય ઉપનિષદના બીજા મંત્ર પરત્વે પંડિતો દ્વારા જે નાનાવિધ અર્થાનર્થો થાય છે એમાં પરગજુપણાના આગ્રહની તથા પારમાર્થિક ભાવની વૃત્તિઓ વચ્ચેનો ફરક સ્પષ્ટ તરી આવે છે. પ્રારબ્ધ અનુસાર ચિંતાઉદ્વેગ સ્વરૂપ બનેલા જીવભાવનું પ્રાબલ્ય માનવચિત્તમાં એવું તો પ્રગાઢ બન્યું રહે છે, કે સંસારમાં ભક્ત કે જ્ઞાની, એવો ભાગ્યે જ કોઈ મનુષ્ય હશે કે જેનો સાક્ષીભાવ એની અસરથી સર્વદા અને સર્વથા મુક્ત રહેવા પામે. “मनुष्याणां सहस्त्रेषु” વાળું વચન સાચું છે.
નિરહં એવા પારમાર્થિક સર્વાત્મભાવ અર્થાત્ ઉપનિષદોએ બોધેલા અભ્યાસ વૈરાગ્યના ભાવની માત્રા ઉપર ચિંતામુક્તતાની સ્થિતિનો આધાર છે. મનુષ્ય કેવળ સુયોગ્ય વિચારણા વડે ચિંતાથી યથોચિત મુક્ત રહી શકે. – “બનત બનત બન જાઈ.”
સંસાર તો વૈરાગ્ય અને સત્ય વસ્તુને શીખવા માટેની કોલેજ છે. એ ભણવા અને સંસારના કલેશને મનોમન તરી જવા માટે જ ઈશ્વર જીવોને અહીં મોકલે છે. એનો જે યોગ્ય ઉપયોગ કરી જાણે, તેનો બેડો સહજપણે પાર છે! નહિ તો આ જન્મ મરણનું ચક્ર તો છે જ ને?
૧૫. ધ્યાન
(૧) ધ્યાન કરવા માટે ગમે તે સ્થાન ચાલે. બ્રહ્મરંધ્ર અને હ્રદય – એ બે સ્થાનો સામાન્ય સાધકને ધ્યાન કરવા માટે કોઈ ન બતાવે. ધ્યાન કરવું એટલે આંખને સ્થિર, દ્રષ્ટિને નિશ્ચલ રાખવી તે. તેને માટે ગીતા, નાસાગ્ર અને ભ્રુવો મધ્ય એમ બે સ્થાન બતાવે છે. એ અથવા સામે ‘ૐ’ કે કોઈ તેજસ્વી વસ્તુ જેવી કે સ્ફટિકનું શિવલિંગ કે કોઈ છબી, ગમે તે ચાલે. મુખ્ય વસ્તુ એ કે દ્રષ્ટિ ત્યાં ઠરી રહે ને આમ તેમ ફરતી ન રહે. નહિ તો એકાગ્રતા ન થઈ શકે.
(૨) બ્રહ્મરંધ્ર એટલે મસ્તક – Brain નો ઉપરનો ભાગ – Cerebral Cortex; એને આત્માનું, ચૈતન્યનું સ્થાન કહેવાય છે, કેમકે Brain દ્વારા જ બધી જાતની સમજણો અને વિચાર પણ થવા પામે છે. જીવ તેને જ અનુસરે છે તેથી તે ”બ્રહ્મ” કહેતાં પરમાત્માને વસવાની, ”રંધ્ર” કહેતાં પોલાણ અથવા ગુફા એમ કહેવાય છે. હ્રદય એટલે અંતઃકરણ; એટલે બ્રહ્મરંધ્ર જ (છાતીમાં ચાલતો લોહીનો પંપ નહિ). ત્યાં ચૈતન્ય વસે છે.
(૩) તત્વ એટલે સાર. કોઈ પણ વસ્તુ કે ઘટનાનો સાર એટલે તેનું તત્વ. તત્ તે. કોઈ પણ વસ્તુ – તેનું ‘ત્વ’ એટલે ‘પણું’, પાણીનું પાણીપણું અથવા પ્રવાહીતા તે એનું તત્વ. અગ્નિનું તત્વ ઉષ્ણતા ઈત્યાદિ. માણસનું તત્વ એની માણસાઈ. એનો સાર તે જીવનું તત્વ. એને પ્રવર્તાવનાર આત્મતત્વ. તેથી આધ્યાત્મિક ક્ષેત્રમાં તત્વજ્ઞાન એટલે આત્મજ્ઞાન, કેમકે સંપૂર્ણ જગતનો એકમાત્ર સાર-પરમેશ્વર છે અને તેના વિના કશું પણ હોઈ શકે નહિ. એમ આત્માનું જ્ઞાન એટલે પોતાના સ્વરૂપનું જ્ઞાન, જગતના સ્વરૂપનું જ્ઞાન, બ્રહ્મનું જ્ઞાન. એને તત્વદર્શન પણ કહેવાય છે. દર્શન એટલે સ્પષ્ટ સમજ, પ્રત્યક્ષ જેવી ચોખ્ખી સમજણ.
જ્યારે શરીરે સારૂં ન રહે, ત્યારે મન પણ સરખું ન રહે! તેવે સમયે જ વાંચ્યું-વિચાર્યું કામ લાગવું જોઈએ. બધું ઠીકઠાક હોય, ત્યારે તો મન પ્રસન્ન રહે જ. સાક્ષીભાવની કસોટી સંકટ કાળે છે. પંચદશી અને યોગવાશિષ્ઠ રામાયણમાં ડગલે ને પગલે આ વાત જ આવે છે. એનો જરા વિચાર કરીને મનના જે ઉછાળા આવે તેના લક્ષ્ય ન આપતાં, સાક્ષીભાવે તેની ખબર લેવી જોઈએ, કે એવું તે શું છે કે જેના તાપે મારે તપવું પડે? તું સ્વયં બ્રહ્મસ્વરૂપ છે, તો પછી તારૂં મન પણ બ્રહ્મસ્વરૂપ છે.
ધ્યાન સમયના દેખાવોઃ જપ કે ધ્યાન વખતે એવી રીતે અંતરિક્ષમાં એટલે કે નજર સામે, અજવાળા જેવું દેખાય એ સારૂં લક્ષણ છે. જેમ જેમ ચિત્ત બીજા વિચારોથી છૂટતું જાય તેમ એ જપ કે ધ્યાનમાં વધારે સ્થિર થતું જાય. તેવું થતું હોવાની એક નિશાની આ છે કે બંધ આંખની સામે પણ અજવાળા જેવું દેખાય. કોઈવાર ઉજળાધાબા જેવું, કોઈવાર ઝબકારા જેવું, કોઈવાર ઝગઝગાટ બિન્દુ જેવું, કોઈવાર નાનું કે મોટું એમ દેખાય. પણ એ બધાનો અર્થ એક જ કે ચિત્ત સ્થિર થવા માંડ્યું છે; અને તે સાથે મનમાં સ્વસ્થતા, શાન્તિ કે નિરાંતનો ભાવ પણ વધારે જણાય. શાન્તિ, સ્વસ્થતા, નિરાંત, એ બધાં વિચારો શાન્ત થવાનાં ફળ છે. જો મનને એક મંત્રના ઉચ્ચારમાં કે એક અમુક દ્રશ્યમાં – જેવા કે ૐ માં જોડવામાં આવે, અને જ્યારે જ્યારે ત્યાંથી મન ખસી જાય, ત્યારે ત્યારે એને ફરી ફરીને ત્યાં જોડતા રહેવાય તો મનની શાન્તિનો ભાવ જાગે અને એ જ આત્માનો આનંદ છે, કે જેને માટે કોઈ પણ કારણ નથી હોતું, જેવું કે મનને ગમે તેવું દ્રશ્ય કે કોઈના મીઠાબોલ કે ખાવા-પીવા વગેરે અંગેનો કોઈપણ બનાવ. તેવા કોઈ કારણસર જે સુખભાવ કે શાન્તિ જેવું લાગે, તે બધું માયાવી, ખોટું અને છેવટે દુઃખ દેનારૂં જ નીવડે; અને તેનું કારણ જવા સાથે એ સુખભાવ પણ ઊડી જાય, અને ચિત્ત વળી તેવાં બીજાં સુખભાવનાં સાધનો શોધવા નીકળી પડે, તેથી એવાં અજવાળાં વગેરે જ્યારે દેખાય ત્યારે રાજી થવું અને તેવું થયા કરે તે માટે પ્રયત્ન કરતા રહેવું- એમ કરતાં કરતાં, એવી સ્થિતિ વધારે ને વધારે લાંબો વખત ટકતી થઈ જાય, અને પછી એવી રીતે ચિત્તને ગમે તેવા સંજોગોમાં પણ પ્રસન્ન રહેવાની ટેવ પડતી જાય. એ અજવાળાં કંઈ આત્માનાં દર્શન નથી, પણ પોતાના ચિત્તની શાન્તિમાં દર્શન છે. એ જ વસ્તુ જેમ કાયમી થવા લાગે ત્યારે જે સ્થિર સુખભાવ રહે, એ પોતે આત્માનાં દર્શન છે, એ પ્રસન્નતા જ આનંદ છે, એવી રીતે જપ-ધ્યાન માણસને આત્મદર્શન તરફ લઈ જાય.
૧૬. હું કોણ?
જીવનના હરેક પ્રસંગે, નાના કે મોટા, સ્થૂળ કે સૂક્ષ્મ કે આધ્યાત્મિક, જો આપણે કોણ છીએ (“હું કોણ”) એની સ્મૃતિ સતત તાજી રહે તો આપણે ઘણા સંશયો, દુઃખો કે અનર્થોમાંથી બચવા પામીએ. એટલે કે પ્રારબ્ધવશાત સુખદુઃખનાં આંદોલનોનાં આવાગમન થતાં રહે તોયે મનોવ્યથામાંથી તો મુક્ત રહી શકીએ.
જેને આપણે “હું” કહીએ છીએ એનું ખરેખરૂં સ્વરૂપ તો વર્ણવવું શબ્દોમાં અશક્ય છે, કારણકે “હું” તત્વે કરીને આત્મા જ છે અને આત્માનું વર્ણન કઈ રીતે થઈ શકશે? તેમ છતાં આપણા વેદોએ અપાર કરૂણા કરી જીજ્ઞાસુ તેમજ સાધકોને આત્માની ઓળખ માટે અનેક યુક્તિઓ યોજી આપી છે, જેને “પ્રક્રિયા” કહેવાય છે. તેમાંથી એક પ્રક્રિયા એવી છે કે “હું કોણ” એનું સમર્થન (એટલે કે પુરવાર) કરવા કરતાં ‘હું શું નથી’ એનો વિચાર કરતાં જે શેષ તત્વ રહે કે જેનો છેદ ન ઉડાવી શકાય, તેને જ આત્મા જાણવો અને એ રીતે “હું” નું અંતિમ અને શાશ્વત સ્વરૂપ જાણી શકાય.
સામાન્ય જન પોતાનું સ્વરૂપ પોતાના ઈન્દ્રિયાદિ દેહને જ માનતો હોય છે અને એ રીતે દેહના સુખીદુઃખી થવાના ધર્મો સાથે પોતાને પણ તેમ થતો હોવાનું માને છે. પરંતુ વિચારવંત વ્યક્તિ માટે એ ભ્રમણા ટાળવાનું કાર્ય મુશ્કેલ નથી. વિચાર કરતાં સમજી શકાય છે કે શરીર તો વિકારશીલ – જન્મવું, થોડો સમય ટકવું અને નાશ પામવું વગેરે-તેમજ ક્ષણભંગુર છે, જ્યારે આત્મા નિત્ય અને અવિકારી છે. શરીરો આવે અને જાય, જ્યારે આત્મા એક અને વિભાજ્ય, જેમનો તેમ રહે છે. માટે દેહ આત્મા ન જ હોઈ શકે. એટલે કે દેહ “હું દેહ” ન જ હોઈ શકે. આમેય દેહને આપણે “મારો” કહેતા હોઈએ છીએને? “હું દેહ” એમ કોઈ કહેતું નથી; એટલે દેહ કોઈની માલિકીનો થયો; જેમકે પોતાની માલિકીવાળું એવું મારૂં ઘર હોઈ શકે, પણ પોતાના ઘરમાં નિત્યનિરંતર વાસ કરનારો હોવા છતાં કદીયે એમ ન જ કહે કે “હું ઘર”! આ પ્રમાણે ઘરમાં વસતો ઘરનો માલિક કોઈ માણસ હોઈ શકે, તેવી રીતે દેહઘરમાં વસતો પણ એનો માલિક આત્મા જ હોઈ શકે. ઘરનો માલિક જેવી રીતે પોતાના ઘરનું અંગ નથી બની જતો, પરંતુ સ્વેચ્છાએ ઘરમાંથી આવજા કરે છે અને ધારે તો સદાને માટે એક ઘર છોડીને બીજા ઘરમાં પણ વસવાટ કરી શકે છે, તેવું આત્માનું પણ શરીર વિશે જાણવું.
શરીર એ “હું” નથી એ સમજણનું પગથિયું વટાવ્યા બાદ જે બીજું પણ પગથિયું વટાવવાનું હોય છે તે મન છે. વ્યવહાર પક્ષે, આ જગતમાં મનથી વધીને બીજું કોઈ મોટું તત્વ નથી. મન જ સર્વ કંઈ છે! દેહ ઈંદ્રિયો સર્વ મનને જ વશ છે. પેટમાં કડકડતી ભૂખ લાગી હોય અને તે જ સમયે મન જો ખસીને કોઈ બીજી જ પ્રવૃત્તિમાં એકાગ્ર થઈ જાય તો એ ભૂખનીયે ખબર ક્યાં પડે છે? આ રીતે મનનું દેહાદિ ઉપર આધિપત્ય હોવાથી સામાન્યપણે મનને જ “હું” માની બેસાતું હોય છે. આમ છતાં ગાઢ નિદ્રામાં કે મૂર્છા અવસ્થામાં આવું જબરૂં લેખાતું મન પણ કેવું ગાયબ થઈ જાય છે! સામાન્ય વ્યવહારમાં પણ મનને મારૂં મન તરીકે સંબોધીએ છીએ. એ જ બતાવી આપે છે કે મન પણ કોઈકની માલિકીનું છે. આથી નક્કી થયું કે મન પણ મારી માલિકીની વસ્તુ – “મારૂં” થયું, પરંતુ એ “હું” પોતે તો ન જ હોઈ શકું.
તો પછી એ “હું” તે કયો? કોણ? અને ક્યાં છે? ગાઢ નિદ્રાની અવસ્થામાં કે જેમાં સ્વપ્નાં પણ દેખાતાં નથી, એટલે કે મનના વ્યવહારો પણ બંદ પડી ગયા છે, ત્યારે સામાન્ય રીતે એવું મનાય છે કે એ સ્થિતિમાં પણને કશું જ ભાન હોતું નથી. પરંતુ બીજે દિવસે સવારે ઉઠતાં આપણને તરત ભાન થાય છે કે ગઈ રાત્રે બહુ ગાઢ નિદ્રા આવી અને કશી પણ ખબર ન પડી! તો એ ખબર ન પડવારૂપી ખબર પડી કોને? ગાઢ નિદ્રાની સ્થિતિમાં જો ખરેખર બધું જ ઊંઘી ગયું હોય તો ખબર પડી કેવી રીતે કે “હું” ગાઢ નિદ્રાની સ્થિતિમાં હતો અને બહુ મજા પડી! આ દલીલ એક હકીકત ચોક્કસ પુરવાર કરે છે કે ગાઢ નિદ્રામાં એને જાણવા માટે ત્યાં કોઈ “સાક્ષી” હોવો જ જોઈએ. એ જ આત્મા, ખરો “હું” કે જે કદીયે ઊંઘતો નથી અને સદાસર્વદા જાગ્રત રહીને બધું સાક્ષીભાવે માત્ર જોતો જ હોય છે. એના જ્ઞાનરૂપી અજવાળામાં જ મન પણ પોતાનો વ્યવહાર કરતું હોય છે અને શરીર પણ કાર્ય કરતું હોય છે. પરંતુ આત્મતત્વ બધામાં એવું તો ઓતપ્રોત થઈને રહેલું હોય છે કે એ અલગ દેખી શકાતું નથી. તેથી ગાઢ નિદ્રામાં એ આત્મા જ મારો ખરો “હું” છે. તે શરીર તેમજ મનરૂપી ઉપાધિઓથી મુક્ત હોય છે ત્યારે આનંદ સ્વરૂપે એ દેખાઈ આવે છે, ઝળકી ઉઠે છે; પરંતુ આપણા ઘોર અજ્ઞાનને કારણે એ આનંદ સ્વરૂપને આત્મા તરીકે આપમે ઓળખી શકતા નથી. અરે! એનો વિચાર સુધ્ધાંયે નથી કરતા.
ધારો કે આટલો વિચાર કરતાં આપણને કદાચ એમ પ્રતીતિ થાય કે મારો ખરો “હું” તો હવે મને “જડ્યો”. મારા આત્માની હવે મને ઓળખાણ પડી – I have been introduced to “My self”! એ બધું ખરૂં, પરંતુ એથી મને ફાયદો શો? એ બધાનો અર્થ શો?
સૌથી મોટો ફાયદો – ટૂંકમાં દુઃખભાવમાંથી સદાને માટે છૂટકારો! આત્મા કે જે આનંદ અને પ્રેમસ્વરૂપ છે એ દુઃખનું નામેય જાણતો નથી અને આત્મા જ મારૂં ખરૂં સ્વરૂપ છે, તો મને દુઃખભાવ રહી જ કેમ શકે? દુઃખભાવમાંથી છૂટકારો એનું જ નામ બંધનમાંથી મુક્તિ, તે મોક્ષ કે જેને માટે મર્યા પછીના વાયદાની જરૂર નથી, પણ જીવતાંજીવત જ એનો એનુભવ કરી લેવાનો પડકાર છે. રોકડિયો હિસાબ છે.
“હું કોણ?” આ વિષયને સમજવામાં “શંકા સમાધાન” પુસ્તિકા વધારે ઉપયોગી થઈ પડશે – જુઓ પાનું ૪૧, ૪૨, અને ૪૮. તે ઉપરાંત “પંચદશી તાત્પર્ય” નો નિત્ય અભ્યાસ પણ ઘણો ઉપયોગી થઈ પડશે. જો કે આ માર્ગમાં સૌથી શ્રેષ્ઠ ઉપાય તો એક જ છે કોઈ સારા એવા બ્રહ્મનિષ્ઠ, શ્રોત્રિય જ્ઞાની ગુરૂનું શરણું લેવાનો. કારણકે “ગુરૂ વિના જ્ઞન નહિ” એ નિર્વિવાદ સત્ય છે. તથાસ્તુ.
માણસનો ભવ મળ્યો, પણ ગમે કૂતરાંની સોબત; જીવ બિલાડાં કૂતરાંમાં જાય. એનો અર્થ શું? કે છેલ્લો ભવ એનો હતો. તેની લત (સંસ્કાર) હજુ ચાલે છે. જનાવરોના શોખ હોવા, તેનો સંકેત એ જ હોય. માણસને, માણસની સોબત ખપવી ઘટે. કૂતરાં, બિલાડાં પાળવાના શોખ પશ્ચિમમાં આટલાબધા કેમ છે? આપણામાં તો એ અપવિત્ર છે અને પશ્ચિમની દેખાદેખી હવે ચાલે છે.
।। ૐ ।।
૧૭. ઈશાવાસ્ય ઉપનિષદનો શાંતિપાઠ
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात्पूर्णमुदच्यते ।
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ।।
ઓમકાર ઈશ્વરવાચક સંજ્ઞા, અને ઓંમનીયે પારના પરમ-પદારથના સંકેતરૂપે, બ્રહ્મનું પણ પ્રતીક છે. માંગલ્ય સૂચનરૂપે અભ્યાસ, પઠનપાઠન તેમજ નિત્ય-નૈમિત્તિક ધર્મક્રિયાના આરંભે એ બોલાય છે.
अदः = તે, સર્વ દ્રશ્યમાન કલ્પિત “આ” ની પારનું પરબ્રહ્મ, પરમાત્મા કે પરમેશ્વર કહેવાતું તત્વ; पूर्णम – (एस्ति) પૂર્ણ છે. એ પરમ પુરૂષ પૂર્ણ છે. એ તો તેવો છે જ, પરંતુ ઘણાને જાણીને નવાઈ લાગશે કે ईदं = જે નાશવંત તથા સતત પરિવર્તનશીલ હોવાનું પ્રત્યક્ષ અનુભવાય છે તેવું, ‘આ-આ-આ-આ’ એવી રીતે આંગળી ચીંધીને બતાવાઈ કે નિર્દેશાઈ શકાય તેવું ભૂત, ભવિષ્ય, વર્તમાન કાળો; જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિની અવસ્થાઓ; અને પૃથ્વી, અંતરિક્ષ તથા સ્વર્ગ કહેવાતા લોકો વગેરે ને સંપૂર્ણપણે આવરી લેતું ત્રિભુવન કે જે પૂર્ણ પરમેશ્વરનો જ એક અલ્પ, ઓછો-અધૂરો અંશમાત્ર છે તે પણ પૂર્ણ જ છે. દ્રષ્ટા પૂર્ણ છે અને એની જ મનોકલ્પનારૂપ ”આ” પૂર્ણ જ છે, કેમકેઃ
पूर्णात् पूर्णम् उदच्यते – ”તે” પૂર્ણમાંથી ”આ” પૂર્ણ उत् – ઉપર, બહાર, દ્રશ્યમાનરૂપે, अच्यते -(મનવડે) ઉપજાવાય છે. ”આ” મનના સંકલ્પનું કે સ્વપ્નનું જગત શેમાંથી ઊપસી આવે છે? જેમાંથી એ ઊપસી આવતું પ્રત્યક્ષ અનુભવાય છે, તે મન પણ, શેનામાં શેના વડે, અને શી રીતે સ્ફુરે છે? ”તે” પૂર્ણ પુરૂષમાંથી જ સ્ફુરે છે. એ તો જાણે સમજ્યા, પણ –
સર્જન કાળે, એમ पूर्णस्य पूर्णमादाय – પેલા પૂર્ણમાંથી ”આ” રૂપી પૂર્ણપણું, (-જાણે કે-) आदाय ઉપાડી લેવાય ત્યારે पूर्णम् एव – अवशिष्यते, પૂર્ણ, एव – જ, अवशिष्यते = શેષરૂપે, બાકી રૂપે રહે છે. અરે, એમ લઈ લેવાયેલું ”આ” પૂર્ણ પાછું ”તે” પૂર્ણમાં જ્યારે જ્ઞાનરૂપી અજ્ઞાન-પ્રલયકાળે કે પછી વેદ-પુરીણમાં કહેલા સ્થૂળ મહાપ્રલય ટાણે પાછું મેળવી દેવાય છે, ત્યારે પણ, નથી પહેલાં થઈ ઘટ, તેમ નથી હવે થતી વધ. ત્રણેય કાળમાં પૂર્ણત્વની પરિપૂર્ણતાને આંચ આવતી નથી.
પૂર્ણ તો એક જ હોય, બે નહિ. બે હોય ત્યાં બંને અધૂરાં થયાં, કેમકે પ્રત્યેકને બીજું તો બાકી જ રહ્યું ને! પણ આ પૂર્ણને બે, બીજું નથી. જે બીજા જેવું લાગે છે, તે માનવીની, તેના સંસ્કારોને કામ લાગે તેવી કલ્પનામાત્ર છે, જેને ईदम् કહ્યું. બાકી જે સત્ય એક પૂર્ણ છે, તેમાં કોઈ તરંગ કલ્પીને સાચા પૂર્ણમાંથી એ મનતરંગને ઉપાડી લેવાથી તેનામાં ખાંચો પડતો નથી, જેવો કે કાગળમાંથી કટકો કાઢી લેતાં તેમાં પડે. ”આ” રૂપી કલ્પનાનું અધિષ્ઠાન અથવા આધાર પણ એ અસલ પૂર્ણ જ હોવાથી અને તેનામાં જ એ કલ્પિત હોવાથી કાર્ય અને કારણ સ્વરૂપે, તત્વે કરીને એક જ છે.
આ જ્ઞાનસબર શાન્તિપાઠ-શિરોમણિ આટલા સંક્ષેપમાં શું શું સંકેતી જાય છે?
૧. બ્રહ્મનું એટલે કે ते નું પણ ત્વ, બ્રહ્મપણું, આવું નિઃસંદેહ છતાં બધા જ ન્યાય-તર્ક-લોજિકથી પર છે. તેથી વાણી તથા મન વડે પણ ઘાટઘૂટ, આકાર કે અંદાજના નિયંત્રણને વશ નથી, કેમકે એ સર્વ એ ते ની અંદર જ ઊપજે, વસે, ને લય પામે છે. એક પદાર્થની અંદર રહેલી મર્યાદિત વસ્તુ, એ પદાર્થના વિસ્તાર કે આકાર કે વિસ્તાર-આકારના ભાવ કે અભાવનેયે, કેમ કરીને જાણી શકવાની હતી?
૨. આખી સૃષ્ટિ, ગમે તેની કહો તોયે, માત્ર કલ્પના છે, અને વસ્તુતઃ તો, એ છે જ નહિ. જે સ્થૂળતઃ હોય તેમાં જ વધઘટ વગેરે વિકારો તથા અપૂર્ણ-અધૂરાપણું સંભવે. “आ”માં નથી પછી ते માં તો હોય જ શેનું?
૩. એવું ते બ્રહ્મ જો પૂર્ણ છે, અપરિચ્છિન્ન-એટલે કે કોઈ પણ પ્રકારની મર્યાદા કે આડ વિનાનું છે, તો એનો અર્થ એ થયો કે એની ઉપરનું, બહારનું કે એનાથી કોઈ પણ રીતેભિન્ન હોઈ શકે એવું કશું છે જ નહિ, કારણકે, અમર્યાદિત પદાર્થ ન્-એક, એકથી વધારે હોય જ નહિ. જ્યાં બે થાય ત્યાં બંનેને છેડા, અંત, મર્યાદા હોય જ હોય, એટલે કે ते અ-દ્વૈત છે, અને “પરમેશ્વર”, “હું” અને “જગત”, એવું બે કે ત્રણપણું, માણસના ક્ષુદ્ર મનની નિરાધાર કપોળ-કલ્પનાની બહાર, સાચેસાચ હોઈ શકે જ નહિ.
૪. એ કશાક બીજામાંથી “ઊપજેલું” પણ ન હોઈ શકે. તેથી એ નિષ્કારણ કારણરહિત છે. તેથી अज, “ઊપજેલું જ નથી”, એવું છે. એની ઉત્પત્તિ સંભવતી નથી.
૫. એ પોતે જ ઊપજ્યું નથી, તેમાંથી, જગત કહો કે ગમે તે કશું યે ઊપજી શકે જ કેવી રીતે? તેમ છતાં વ્યવહારમાં “આ” બધુંયે, ઊપજેલું ને ઊપજતું સ્પષ્ટ જણાય છે હકીકત છે.
૬. તો પછી આ વાત થતી-થયે જતી ઉત્પત્તિ કેવી હોઈ શકે? ખરેખરી, પારમાર્થિક તો નહિ જ. ત્યારે? “પૂર્ણમાંથી પૂર્ણ નીકળે અને તેમ છતાં એ કારણાત્મક પૂર્ણ પોતે તો પૂર્ણ જ રહે”, એના જેવી કાલ્પનિક જ! ખરેખરી નહિ, કારણકે પૂર્ણ કારણમાંથી જો પૂર્ણ ઊઠે, એટલે કે ખરેખર જન્મ પામે, તો એ પૂર્ણ કારણ પોતે જ પૂર્ણ કાર્ય બની રહે. એટલે કે કાર્યમાં પલટાઈ જાય. જેવું કે દૂધમાંથી દહીં બને ત્યારે એ દહીં, દૂધનું પરિણામ કહેવાય; દૂધ પોતે જ દહીં રૂપે બદલાઈ જાય, પછી ત્યાં દૂધ ન રહે.
૭. ગણિતશાસ્ત્રના નિયમ અનુસાર, કોઈ પણ પૂર્ણમાંથી પૂર્ણને ઊપાડી લેતાં, અવશેષ એટલે કે બાકી, કંઈ ન રહે. છતાં, વેદ જેવા વેદ કહે છે કે પૂર્ણમાંથી પૂર્ણ નીકળી પડે છે, ઊપજે છે, અને તોયે એ પૂર્ણ કારણ ઓછું-અધૂરૂં ન થતાં, પૂર્ણનું પૂર્ણ જ, અખંડિત રહે છે.
૮. વ્યવહારમાં સત્ય જ્ઞાન એટલે કે સાચી જાણકારી તરીકે સ્વીકારાયેલાં પ્રમાણ-પુરાવાના આધારે તો, જો પૂર્ણ આખુંયે કરાણ, સાચેસાચ સત્ય હોય, તો પછી તેનાથી જુદું એવું જે કોઈ કાર્ય હોય તે અસત્, ખોટું, બહુ બહુ તો માત્ર કહેવા પૂરતું જ હોઈ શકે, નહિ તો પેલી પૂર્ણ વસ્તુની પૂર્ણતા અધૂરી થઈ જાય.
મતલબ કે ‘आ’ બધું, જે કંઈ મન તથા ઈંદ્રિયો વડે વ્યવહારને યોગ્ય જણાતું જગત છે, તે ‘ते’ માં માત્ર ભાસમાન છે, કોઈ અગમ્ય કારણને લીધે કલ્પાયેલું છે; અને એ વ્યવહાર પોતે પણ કલ્પિત હોવાથી, જૂઠા સાથે જૂઠાની રમત જેવું, વ્યવહાર પૂરતું સત્ય છે, જેમ સ્વપ્નની દુનિયાના સ્વપ્ન પુરૂષ માટે સ્વપ્નની એ દુનિયા તથા તેના વ્યવહાર તે કાળ તથા તે સમય પૂરતાં સાચાં જ હોય છે, તેનાં જેવું તે છે. જેમ લોટાનું જળ, જે તળાવમાંથી એ ઊપાડાયું હોય તેના જળના જેવું જ પૂર્ણ જળ હોવા છતાં, વ્યવહારમાં લોટા (આ) નું જળ (તે) તળાવના જળથી ભિન્ન મનાય છે, તેમ ઉભય જળ ભેગાં થતાં પૂર્ણ જળ જ રહે છે.
आ તથા ते, ઉભયની પૂર્ણતા, ઉભયની તાત્વિક એક-અને-અદ્વિતીયતા, તાત્વિક એકતામાં સમાયેલી છે, નહિ કે તેનાં ભિન્ન નામ-રૂપોમાં. આ તાત્વિક અભેદ જેણે જાણ્યો; વ્યાવહારિક હું, વ્યવહારિક જગત અને પારમાર્થિક ते ની સળંગ એકતા જેણે અનુભવી, તે આ ઉખાણાનો ઉકેલ સમજી ગયો અને એને સ્વરૂપજ્ઞાનરૂપી ‘સોનાના પાયા’ મળી ગયા જાણો.
ઈશા વાસ્યમિદં સર્વં યત્કિંચિત્ જગત્યાં જગત્ ।
તેન ત્યક્તેન ભૂંજીથાઃ મા ગૃધઃ કસ્યસ્વિદ્ધનમ્ ।।
નિત્ય ચલાયમાન, ચંચળ, એવા જગતમાં જે (કંઈ) નાશવંત અને અસ્થિર ‘आ’ છે, તે બધું પરમેશ્વર વડે વાસિત છે. તેનો ઉપયોગ (“આ મારૂં નથી એવા મમતાના”) ત્યાગના ભાવપૂર્વક કરવો. લોભલાલસા કરશો મા. સંપત્તિ (આખરે) કોની છે?
આ પહેલા મંત્રના પહેલા બે શબ્દો ઉપરથી આ ઉપનિષદ ઈશાવાસ્ય ઉપનિષદ કહેવાય છે.
૧૮. મારૂં વિલ અને વસિયતનામુઃ
(ગુરૂ-પરિવારના સંમેલનમાં સંબોધનઃ તા. ૧-૯-૭૪.)
વહાલાંઓ! અહીં અત્યારે આપણે શોકસભા નથી ભરી રહ્યા,તેમ ઉત્સવ પણ નથી ઉજવી રહ્યા. પ્રસંગમાં નિમિત્ત બે હેતુ છેઃ
(૧) વાસી તો વાસી પણ તમારે આ સાલ પણ ગુરૂપૂર્ણિમા મારી હાજરીમાં કરવી છે, તે અને (૨) આપણા વિદેહમુક્ત “ભાઈ” ને અંતર્ચક્ષુ સમક્ષ પ્રત્યક્ષ રાખીને પોતપોતાના આધ્યાત્મિક પોતનું નિરીક્ષણ તથા પરીક્ષણ કરવા માટે આપણે આજે પોતાનાં દિલ ખોલવાં હતા અને ભીનું આત્મઋણ ફેડવાના નિશ્ચયનો અમલ શરૂ કરવો હતો. બંને હેતુઓ એક જ આત્મહેતુ બને છે.
આપણે બધાંએ પ્રેમથી સભર અને કૃતજ્ઞતાથી વિનમ્ર હ્રદયે ભાઈને ભાવાંજલિ આપી. તે આપણે કેવા ભાઈને આપી?
ભાઈ તો, આપણે બધાને કહીએ છીએ-ફલાણા ભાઈ, ઢીંકણા ભાઈ, વગેરે. પણ આપણે જ્યારે એકલો ભાઈ શબ્દ બોલીએ ત્યારે અંતરના ઉલલાસથી આપણે કોની વાત કરતા હોઈએ છીએ?…. એ ભાઈની અહીં વાત છે. એને કોઈ વિશેષણ કે વિશેષ નામની જરૂર નથી, ગુજર્યા નથી તેમ માત્ર “વિદેહ” થયા નથી, પણ “વિદેહમુક્ત” થયેલા છે. જીવનમુક્ત તો એ ૨-૩ વર્ષથી હતા. હવે દેહથી મુક્ત અને બ્રહ્મથી યુક્ત થઈને સ્વયં સ્વ-સ્વરૂપે એ સર્વત્ર સર્વમાં વિદ્યમાન છે. તે આ આપણો “ભાઈ” આપણે હવે જોઈશું કે સમય વહેતાં આજના આપણી ભાવનાના ઊભરાનું શું થાય છે તે?
તા. ૨૦ જુલાઈ, ૧૯૭૪ ના રોજ ભાઈને તેમના સ્થૂળ જીવનની ચેલ્લી મજલે આપણે અહીં લાવ્યા, ત્યારથી મને બધી વાતની સ્પષ્ટ જાણ હતી. એણે મારા ચિત્તને પણ એવો વળ આપ્યો કે એમાંથી, ભાઈએ પોતે જે પચાવ્યાં હતાં તે જીવન મૂલ્યોનો સાર, સહેજે ઈશારો થતાં કે તે વગર પણ, આપમેળે ઝરતાં રહે. મારાથી કહેવાઈ જતું કે લૂંટો, બેટા લૂંટો!… તમે જાણો છો એમ તૂટક તૂટક લખાયેલા ઘણા ટુકડા ભેગા થયા છે. તમે નિશ્ચય સમજજો કે ભાઈ મારી જીભ ઉપર બેસીને તમને પોતાનું જ રહસ્ય કહી રહેલા છે, તડ ને ફડ. તમારી આંખોમાં જાણે કે એને જ ભાળીને હું બોલું છું.
મારાં પ્રેમસંતાનો, એ ટુકડાને નર્યા ઉપનિષદો જાણજો. ઉપનિષદો એની રીતે જ પ્રકટેલાં છે. સંપૂર્ણ વેદાન્તનો એટલે કે મોક્ષશાસ્ત્રનો, અને રીતસર આચરવાનો એ નીચોડ છે, અર્ક છે. તમે ભલે કોઈ પ્રમાણભૂત ગ્રંથો નહિ ભણો કે કશું કંઠે નહિ કરો, પણ માત્ર મારાં પ્રેમથી તમને સંબોધેલાં કહેલાં-લખેલાંને જ વળગી રહેશે તો વગર વિદ્વતાએ તમારો તત્કાળ કલેશમોક્ષ સિદ્ધ થયો જાણજો.
“આ છેલ્લા મહિનાવાળા ટુકડાઓને તમે ભાઈનો અને મારો છેલ્લો સંદેશો જાણજો. એમાંના ૨-૪ ટુકડા રોજ બે-ચાર વાર વાંચીને જ તમારા દિવસનો આરંભ કરવાનો નિયમ રાખશો એવી મારી તમને ભલામણ છે.” આ દેહ જઉં-જઉં કરે છે પણ એની અંદર જે જીવડો ભરાણો છે, તેનો જીવ ચાલતો નથી. એને હજી કંઈ કામ બાકી હશે. જ્યાં સુધી એવું છે ત્યાં સુધી દેહને આપણે વાપરી લઈએ! એનો કસ કાઢીએ! મિથ્યાનોયે કસ કાઢવો કેમકે ત્યાંથીયે તમને મળશે તો નર્યું છેવટનું સત્ય જ, અને નહિ તો માલ વગર વાપર્યે વેડફાઈ જશે.
થોડા દિવસો ઉપર મોહનને મેં ઈશારો કર્યો હતો તેમ, જેમ જેમ શરીરના દિવસો ભરાતા જાય છે તેમ તેમ તમારા બધા ઉપરનો વહાલ વધતો જાય છે – જાણે કે બધાંને ગોદમાં લઈ લઉં! પરંતુ તે સાથે આ દેહ અન્ય દેહોને વહાલ કરે છે કે કરવા ઈચ્છે છે એવો સ્થૂલ ભાવથી યુક્ત ખ્યાલ પણ ઓછો થતો જાય છે. હું મને પોતાને જ મારે ગળે લપેટતો રહું છું, એ ભાવ પ્રબળ બનતો જાય છે. એ પ્યાર કે જેને કોઈ વિશેષનામ નથી, કોઈ વર્ણન નથી, કોઈ કારણ નથી, અને જે બસ થઈ જ જાય છે. મિથ્યા દેહોની મિથ્યા ભિન્નતા પણ એમાં વિક્ષેપ નાખી શકતી નથી. સ્વરૂપ પ્રેમ એવી વસ્તુ છે જેનો કોઈ હરીફ નથી, કેમકે એમાં કોઈ “બીજા” ને સ્થાન નથી. એક જ વસ્તુ પોતાને વડે, પોતાનાથી જ અળગી કેવી રીતે કરી કે જાણીયે શકે?
તમે બધા તમારા વ્યવહાર, વેદાન્તનિષ્ઠ વ્યવહારની રીતે કરતા હોવા છતાં, અંદરથી આ અદેખી રસધન આત્મ-ભાવનાને એવી તો વજ્રલેપ કરતા રહેજો કે અંતે એ એક જ શેષ રહે અને બીજું બધું લક્ષ્યમાંથી ખસી જાય.
ઓમ્ તત્ સત્
અણગમતું થાય અને ગમતું ન થાયઃ જીવનમાં માણસો વારંવાર ફરિયાદ કરતા ફરે છે કે જે ન જોઈતું હોય, જેનો ઘણો અણગમો હોય, તે જ હંમેશા સામું આવે છે અને ગમતું તથા ખપતું વેગળું રહે છે. એ બાબતનો કોને રંજ નથી હોતો? મને પણ એમ જ થતું રહે છે હોં!… અત્યારે જ જુઓઃ મને ગંદકીની ખીજ; અને મને રોગ એવો થયો કે તેમાં ગંદકી જ ગંદકી! મને ચીકટ નામે યે ન ગમે. અને ન ખમી શકું. તો તેલો ઘસાવવાના પ્રસંગો આવ્યા કરે છે, જેવું કે ઊંઘવાની દવા!
દયાળુ પ્રારબ્ધ સ્વામી ભગવાન માનવીમાં રહેલા ગમતું-અણગમતુંના, કલેશના ડુંગરા જેવા ભાવોને કેવી ખૂબીથી ખોદી ખોદીને કાઢવા મથે છે, ને દોઢ ડાહ્યો માનવી, તે માટે રાજી ન થતાં તેનો ખેદ કરે છે! ભગવાન એને છોડાવવા નિશદિન મથે છે અને એ તેની મહેનતને પૂળામાં મેળવવા કમર કસીને લાગ્યો રહે છે. કેવી કરૂણતા! ઈશ્વરનો જ અંશ માનવી; ઈશ્વરના, એને કલેશથી મુક્ત કરવાના સંકલ્પને ધૂળમાં મેળવવાના પ્રયત્નો સિવાય જીવનમાં બીજું કરે છે શું?… HE LAUGHS BEST WHO LAUGHS LAST – છેવટે જીત તો એની જ છે. એ મનુષ્ય જીવડાને અંતે પોતાના સમાન કર્યા વિના નહિ જંપે, તે નહિ જ જંપે, અને માનવીએ પરાણે સુખસ્વરૂપ થવું પડશે જ, જોગી હઠ આગળ તો બાળ હઠ પાણી ભરે હોં!
૧૯. એમાં મારો શો વાંક?
એ છોકરો, કંઈ નહોતો દેખતો એવું તો હતું જ નહિ. પ્રત્યેક સનેત્ર માનવીની જેમ જ, આંખે દેખાતું એ બધું દેખતો હતો હોશિયારીપૂર્વક.
પણ મેં એને જોતાં શીખવ્યું. એક નવી કૂંપળ, નવા તરણાનું સ્ફુરણ, ખીલતું ફૂલ, ઝાકળનું ટીપું, કોઈ કૂતરા-બિલાડાની ચાલ…. કોઈ કવિના હ્રદયનું કાવ્ય ઝરણું, કોઈ કલાકારની કૃતિ-રેનાલ્ડ્ઝ, ગેઈન્સવાશે, વાનગોધ, રૂબન્સ, એન્જેલા, દા વીન્ચી… ગમે તે કોઈ પણ ચેતન-મૂર્તિ કલાકારની કૃતિ-ચિત્ર કે શિલ્પની સામે ઊભો રાખીને મેં એનાં આત્મનિષ્ઠ વિશ્લેષણ કરી બતાવ્યાં. ના, પોતાની મેળે કદરપૂર્વક “જોતાં” શીખવ્યું; એક વેલીના વળાંકની લટક, “ગંદી” માખીની પાંખ, “ગંદા” મળનું રહસ્ય…. એને સમજીને કેમ જોવાય તે શીખવ્યું.
અને ત્યારથી એ છોકરાને નરી સુંદરતા, નર્યું શિવત્વ, માંગલ્ય, નર્યા પરમ સત્ય સિવાયનું કશુંયે, કશામાં દેખાતું બંધ થઈ ગયું; જ્યાં જ્યાં એની નજર ઠરે, ત્યાં ત્યાં તે સિવાયનું એને, તે પછી, દેખાય જ શું – સિવાય કે આનંદ, પ્રેમ, બ્રહ્મ સ્વયં પોતે! ભટકતી દ્રષ્ટિ એક-અગ્ર થઈ ગઈ. એને ઘડ બેસી ગઈ. તેમાં હું શું કરૂં?
મેં એ પ્રિય સ્વસંતાનને સાંભળતાં શીખવ્યું. એના સ્થૂળ કાન કંઈ ઓછા સરવા ન હોતા, તોયે, કંઈક બીજી રીતે, અવળી કે સવળી રીતે, અને-ત્યારથી એ ઘેલાને, કૂતરાંના ભસવામાં, બિલાડીના મ્યાઉંમાં, મેઘના ગગડાટમાં, બાળકના રૂદનમાં… સિંહની ગર્જનામાં, વાયુની ઝંઝાવાતમાં…. જળના વહનમાં… ઓમના રણકાર સિવાયનું કશું પણ ધ્યાનમાં ઊતરવું બંધ થયું. કજિયા તથા ક્રોધના ઉગ્ર સૂરોનું પણ, એવું. કલેશને કલેશરૂપે સમજવાની જીવડાની સ્વાભાવિક ટેવને પણ એ ભૂલી ગયો. કેવો ગજબ!…. પણ એમાં મારો શો વાંક? એ એવો થઈ ગયો.
મેં એને વિચારતાં શીખવ્યું. એની અક્કલ કંઈ ઓછી ન હોતી; બુદ્ધિની કુશાગ્રતા એને વરેલી હતી…. પણ મેં કંઈક બીજી રીત બતાવી.
અને ત્યારથી એ વિચારતો અને તે સાથે તેનો ભેદ પણ સમજતો થઈ ગયો. ક્યાંયે કોઈ પણ આંખમાં, પોતાના સિવાયનું એટલે કે પરમ પ્રેમસ્પંદતા સિવાયનું કશું પણ “બીજું” દેખવાની આવડતને એ ખોઈ બેઠો. તેથી એ “એકલો” છતાં “સર્વ” થઈ ગયો-વ્યવહારને બધી રીતે કરતો ભાસતો છતાં…. પછી ત્યાં શેના વડે, શું દેખે, સુણે, કહે, સ્પર્શે, સુંઘે-અરે વિચારે પણ કે સમજે પણ?
ત્યારે એ બધું જ થઈ ગયો – કેવળ પ્રેમસ્વરૂપ, સર્વસ્વરૂપ – તે પછી એ પ્રેમી, કરૂણાળુ, વહાલભર્યો ન રહેતાં સ્વયં પ્રેમ, સ્વયં કરૂણા, સ્વયં વહાલ બની ગયો, બની જ ગયો. ક્રોધ, કામ, મોહ વગેરે પણ સ્વ-રૂપ થઈ ગયાં. એમાં વાંક તો મારો જ ને! છતાં નહિ. એવું તો હજારો વર્ષોથી અનેક “બાવા” કરતા આવ્યા છે! પણ ચોટ તો જ્યાં લાગતી હોય ત્યાં જ લાગે ને! એમાં બાવાનો શો વાંક? એ બધું જ હતો. ત્યાં કોઈ શું કરે?
આ છોકરાનો મોટો દોષ એ હતો કે એ “પ્રેમઅંશ” અવતર્યો હતો. તેથી તેના ઉરમાં એ રસ જર્યો… તેમાં હું શું કરૂં? વાંક એનો પોતાનો, પોતાના પોતાનો જ. એમાં કોઈને શું? એ તો આ શરીર વગર પણ, ગમે ત્યાંથી, મારા વડે જ છતાં, મારા વગર પણ, એવો થયા વિના, થોડો જ રહેવાનો હતો?
એવું સહુનું થજો! (તા. ૬-૮-૭૪.)
૨૦. માયા અને તેનો સ્વામી
મન જોડીને, પરિણામની અપેક્ષાથી કરેલાં બધાં જ કર્મોના પ્રત્યાઘાતો આવવા અને તેવા ભાવથી કરેલી બધી વૃત્તિઓ-ઈચ્છાઓ અથવા સંકલ્પો, પૂરા થવા એ ટૂંકામાં, કર્મફળનો નિયમ છે. એ નિયમ અટલ છે અને તેને તદ્દન તટસ્થ, સાક્ષીભાવે જે નિભાવે છે, તે સત્વ અથવા PRINCIPLE, “ઈશ્વર” કહેવાય છે. પરંતુ એ “ઈશ્વર-તત્વ” માં એક એવું પણ લક્ષણ રહેલું છે કે જેના વડે ગમે તેવા ભયંકર પ્રત્યાઘાતો ભોગવતો હોવા છતાં જીવાત્મા હારી-થાકી ન જાય અને સ્થૂળ રીતે જીવતા રહેવાની તથા કર્મફળના ભોગને બરદાસ્ત કર્યા કરવાની એની વૃત્તિ પ્રબળ રહ્યા કરે છે. એ હેતુ પૂરો પાડવાની જે યોજના-તેને શાસ્ત્રો “ઈશ્વરીમાયા” કહે છે. એ વૃત્તિ તથા જિજિવિષાને, “મીઠાશ” મળતી રહે તે માટે, ઊર્મિલતા, ભાવનાશીલતા, કુણી કુણી “લાગણી”, પ્રેમ, ઉમળકો, Sentiment, pathos, sympathy, મમત્વ, “મારૂં”, “અમારૂં”, “આપણું” વગેરે નામો વડે ઓળખાતા “ભાવો” ની યોજના માનવચિત્તમાં કરાય છે. એ ભાવો, તે જ એ “માયા” છે કે જે સાચાંને જૂઠાં તથા જૂઠાંને સાચાં બતાવીને લાલચુ જીવને કર્મફળના મોહચક્રમાં રાજીખુશીથી રગડતો રાખે છે. એ યોજના જો પાકી ન હોય તો જીવને વિવેક-વૈરાગ્ય ઊપજી જાય, આત્માની ઓળખ તરફ એ ઢળે અને જીવને દુઃખભાવ ભોગવવાનો કર્મફળનો હેતુ સફળ ન થાય, બલકે માર્યો જાય.
એ માયાને “મોહ” પણ કહે છે. એનો ભેદ પામી જવો અને તેને છોડીને તેના પ્રયોજક “ઈશ્વર” અર્થાત્ પોતાની જ કામના વૃત્તિની જડને પકડવી એ સત્યદર્શન છે. ત્યાં માયા નિષ્ફળ જાય છે. એ “જીવતાં મોક્ષ” છે, કેમકે ત્યાં એ માયાના માલિક તરીકે જીવડો પોતાને પરખી કાઢીને એનો પણ ઉપયોગ જીવડો પોતના સ્વરૂપની સિદ્ધિમાં કરે છે અને છૂટી જાય છે. મોહમાયાની આ પકડનો ઉપાય એક જ છે – અસંગતાની વૃત્તિનો ઉગમ.
શરીર તથા મનના સંબંધો, સગપણ, સગાં-વહાલાંપણું, મૈત્રી, પ્રેમ વગેરે નામો વડે એ માયા ઓળખાય છે. તે ઋણ અથવા કર્મફળના નિયમના સંચાલન માટે સાવ ખોટે ખોટાં યોજાયેલાં છટકાં છે. તેને સાચાં તથા જીવનનો એકમાત્ર સાર સમજીને હૈયે વળગાડવાં એ, માયાનો જીવને કર્મફળના ભોગવટામાં સ્વેચ્છાપૂર્વક જોડવાનો મશગુલ કીમિયો છે. જે તેની પાછળ ડોકિયું કરે છે તેને એ રૂપાળી ચુડેલના વાંસામાં ધીખતી સગડી દેખાઈ જાય છે.
એ સમજી જાય છે કે “આ” બધું જ સ્થૂળ કે મનોમય, કેવળ મેં પોતે, મારી પોતાની વાસનાઓને પોષવા કરેલી કલ્પનાઓ છે, અને તેથી મારાં જ સંતાનો છે, બલકે ‘હું’ જ છું અને પોતાના ‘હું’ થી વધીને પ્યારૂં જગતમાં કે જગતની બહાર પણ કશું શું હોઈ શકે? બધું જ ગમતું, પોતાના આત્માની પ્રિયતાને પોષતું હોવાને લીધે જ ”ગમતું” છે ને એ પ્રિયતાને પોષતું જેનું બંધ થઈ જાય, તેનું ગમતાપણું તે જ ક્ષણે પરવારી જાય છે.
તે કારણે આ બધું, મને મારા જ સ્વરૂપરૂપે, પ્રિય નહિ તો બીજું કેવું હોઈ શકે?… પરંતુ લોક માયાના ફંદામાં એ પ્રિયત્વને આત્મભાવથી વિખૂટો પાડીને તેનાં સ્થૂળ રૂપોમાં ભાસતા તેના દેખાવોમાં જોડી દઈને દુઃખી થાય છે.
જ્યાં ‘હું’ જ ‘હું’ છું ત્યાં મને બધું, બધાં જ, કેવળ પ્યારાં-પ્યારાં જ લાગે, જાણે કે વહાલ કર્યા જ કરીએ…. પણ સ્થૂળ શરીરને, સ્થૂળ દુન્યવી નિયમો લાગું પડે, તેની મર્યાદાનો વ્યવહારમાં લોપ ન જ થાય. એ નિયમ ત્યાં કામ લાગે છે.
પરંતુ જ્યાં આ વહાલાઓમાં વહાલનું જે સાચું ‘મારા સ્વરૂપ’ પાત્ર છે તે, અને જે સ્થૂળ આકાર વ્યવહારમાં ભાસમાન થાય છે, — એ બે વચ્ચે ”જ્યાં” વિવેક જાગ્યો ત્યાં, NO PROBLEM !… આત્માનો પ્યાર, એ આત્માને ધારણ કરી રહેલા દેહમાં પણ પ્રવેશે જ; તેથી તે કારણે એ દેહો પણ પ્યારા કેમ ન હોય? પરંતુ છેવટનાં મૂલ્યોમાં વસ્તુ અને વસ્તુનું કામચલાઉ દેહરૂપી વાહન – અને બે વચ્ચેનો વિવેક વીસરાયતે આપણને ન પોસાય!… નાની સરખી વાત પણ કેવી વસમી! ભલભલા સાધકોને એ છક્કડ ખવરાવી દે છે.
તેથી વહાલાંઓ, તમે બધાં અત્યંત વહાલાં હોવા છતાં, ખૂબ સમજ્જો કે એ “વહાલ” કહેવાતું તત્વ સાચું છે અને તેને અંગે જે સ્થૂળ હોય તે, એ વહાલના વાહનરૂપે સત્ય ને પ્રિય છે, પરંતુ સ્થૂળરૂપે મિથ્યા છે, એ હકીકત પરત્વે મનમાં બાંધછોડના વેવલાવેડા કરવા આત્મઘાતક છે જ. મનોમન, પાકે પાયે ને મૂંગે મોઢે, એ હકીકતને મડામૂઠથી પકડી રાખવાની છે…. આવું આવું કેટલુંયે મનમાં સ્ફુર્યા કરવું જોઈએ. એ વેદાન્તભાવ છે.
આખરે ધર્મો, સંપ્રદાયો, ભગવાનો, દેવદેવીઓ વગેરેની કલ્પનાઓ, વિધિનિષેધો વગેરે, એક પણ અપવાદ વિના કેવળ “આત્માની પ્રિયતા” ને, સાવ અવળી સમજથી પણ, પોખવાનાં મિથ્યા ફાંફાં સિવાય બીજું છે શું? એ સર્વને તેવાં ફાંફાં રૂપે પરખી લીધા વિના, એને માયા જાળનાં જ અંગો તરીકે ઓળખી લીધા વિના, કલેશ ભાવથી છૂટવાનો અન્યકોઈ માર્ગ નથી. વેદાન્તની ઘોષણાનો એ મર્મ છે. એ રીતે “બ્રહ્મસત્ય અને જગત મિથ્યા” ના જબરજસ્ત રહસ્યની ઘડ બેસે તો બેસે, બાકીની બધી વાતો પોતાને છેતરવાની પોતાની જ રચેલી ઘડભાંજો જાણવી.
દયા, કરૂણા, કૃપા, MERCY એ બધાં એ લોભામણી ઈંદ્રજાળનાં પાસાં છે – જીવને સંસાર-ભ્રમણામાં, કર્મફળના ચક્રમાં રચ્યો-પચ્યો રાખનારી પ્રારબ્ધાનુસારિણી બુદ્ધિનાં એ પાસાં છે તેને માનવી દેખે છે. પ્રકૃતિ-માયાના નિરપેક્ષ નિયમને, કોઈ પારકું-પોતાનું નથી, “હ્રદય” જેવું એને કશું નથી. નિયમ તે નિયમ. પોતાની સર્વવ્યાપી કૂચમાં એ નિરપવાદ પ્રવર્તતે છે, IMPERSONALLY માણસ, પશુ, જડ, ચેતન…. એવા કાંઈ ભેદ એ નિયમને નથી. એ “ભાવો” કેવળ માનવીની ભ્રમજનિત, મોહમયી આશાલક્ષી કલ્પનાઓ છે. જ્યારે સવળું પડતું લાગે ત્યારે ઈતરજન એને કોઈકની, કશાકની કૃપા વગેરે માનીને રાજી થાય છે અને અવળું પડતું લાગે ત્યારે, “કોપ” માનીને આશ્વાસન લે છે; અને એ બધું જીવડો પોતે, પોતાને માટે કલ્પે, કરે, ભોગવે – અને સહર્ષ જખ મારે છે. કૃપા કે અવકૃપા, જો હોય, તો તે પોતાની જ હોય છે.
સાઈબરનેટિક્સના હિમાયતીઓનીયે કલ્પનામાં ન આવે તેવી હદે, તેવી રીતે આ સમગ્ર સંસાર ચક્ર સાઈબરનેટિક છે. માણસે એની ચૂડમાંથી છૂટવું હોય તો? તો એનો બેલી એકમાત્ર અસંગતા છે, વેદાન્ત નિષ્ઠતા છે કે જેના વડે યંત્રનું દેખાતું સંચાલન અસ્ખલિત ચાલતું હોવા છતાં, જીવાત્મા કલેશભાવની આપત્તિથી તો બચી શકે છે.
૨૧. સાવધાન!
તમારા સાચા સુખ માટે તમારા કાળજાં ઉપર એ હકીકત કોતરી રાખજો કે ટૂંકામાં માણસના બધા જ કલેશો, બધા જ કંકાસો, ઉદ્વેગો, સંતાપો, TENSIONS, મન દુઃખો અને લડાઈ-ઝઘડા કેવળ એક જ ગાંઠમાંથી નીસરે છે. એ PANDORA’S BOX છે. એ છે મોહગ્રસ્ત લાગણીવેડા – SENTIMENTALISM, ઊર્મિલતા. એ જ એક મહાગાંઠ છે અને એ જ વેદાન્તે કહેલી મોહમાયા છે.
છ “રિપુઓ” કહેવાય છે. જો એ વાસ્તવમાં ખુલ્લી અક્કલે અને તટસ્થ ભાવે વિચારવામાં આવે તો એ છયે વિવેકશીલ ઉપયોગ વડે માણસના ભવસાગરનું સુખસાગરમાં રૂપાન્તર કરવા સમર્થ છે. ઈશ્વરે પોતાની શુદ્ધ માયારૂપે એને કલ્પીને જીવાત્માને એની ભેટ આપી છે. પરંતુ મનુષ્યની પાતનાં “ગમે છે”, “જોઈએ છે”, “નથી જોઈતું”, વગેરે ANIMAL પાશવી ધૂનોના સંગમાં અમૃતનાં ઝેર થઈ જાય છે અને તારક વસ્તુ મારક બને છે.
એ લાગણીવેડાને જીવડો ગળે બાંધીને ફરે છે. કાળા નાગને છંછેડીને પછી છાતીએ લગાડે છે; સેન્ટીમેન્ટ, લાગણી, કામાંધતા, વેવલાવેડા (-કે જેને એ “પ્રેમ” કહે છે-) વગેરે પાછલી વાસનાઓનાં ભૂતોને એ પોતાનો ‘હું’ માનીને જાણે કે આખી સરજતનું એ કેન્દ્ર હોય, અને જગત એને કાજે જ ઊપજ્યું હોય એવી રીતે, પોતાની પશુવૃત્તિઓનો ભમાવ્યો મિથ્યાભિમાની જીવડો મારૂં તારૂં કરતો, જાતે દુઃખી થતો, અન્યોને પણ સુખી થવા દેતો નથી. કેવળ પ્રારબ્ધ કર્મના ઋણાનુબંધો પૂરા કરવા કલ્પાયેલા આ ભવના સગપણસંબંધોને તથા જૂઠી જવાબદારીઓને જ જીવડો દુઃખના દરિયા વલોવવા તથા બીજાઓ પાસે વલોવરાવવાની જાણે કે પ્રતિજ્ઞા લઈ બેસે છે. એ બધું ચપટી રાખથી યે વધારે નકામું અને તેનાથી પણ ઓછું ટકાઉ છે. એમાં ગમે તેટલો માર પડતો હોવા છતાં મોહ એની અક્કલને ઊઘડવા દેતો નથી.
જીવાત્માને જો એના વિવેકનો ઉગમ થયો તો જ એ સુખી થવાની પોતાની ભવોબવની આશા પાર પાડવાની ઉમેદ રાખી શકે. એનો અવિવેક જ પેલું સોનેરી ઢાંકણ છે કે જે એ મૂઢ માનવીને સત્યધર્મની ઝાંખી પણ થવા દેતો નથી. સત્યધર્મ નિર્મળ વિવેકને જ દર્શન દે છે, લાગણીવેડાને નહિ.
આ વાસનામય ઈંદ્રજાળની કર્મ-મોહીનીને વિવેકરૂપી અસંગતાની તરવારને એક જ ઝાટકે સમૂળ નષ્ટ કરી શકાય, એને પંપાળી-ફોસલાવીને નહિ, ડાળાં-પાંદડાં કાપ્યે એનો નાશ ન થાય. એને ઉપરથી જેમ છાંટતાં જાઓ, તેમ એની જડ વધારે ફેલાતી જવાની. તેની સાથે એવી છેડછાડ કરવી આપણને ન પાલવે. મનોમન કોશની એ રૂપાળી જક્ષિણી માનવીની બુદ્ધિનું દેવાળું કઢાવવામાં પૂરી પાવરધી છે. એને કંઠે બાંધવામાં ભવોભવનો ભય રહેલો છે.
સ્ત્રી, સંતાન, સગાંસંબંધી, ધનદોલત કે ગરીબી, પ્રોપર્ટી, મોજશોખનાં મળતાં કે ન મળતાં સાધનો, ટાપટીપ, વટ, ”હું જે માનું તે જ સાચું છે અને તેમ જ થવું જોઈએ” એવી મમત તથા તેનાં સાદનો વગેરે જે કંઈ પ્રાપ્ત હોય – તેમાંના એક એકને, ડાઈસેકશન ટેબલ ઉપર મૂકીને તટસ્થ સાક્ષી ભાવે તેની નસેનસને ખોલીને તપાસતા રહેજો. તમને ચોક્કસ ખાતરી થશે કે એ બધાં કેવળ ચાલુ પ્રારબ્ધ કર્મફળના વ્યવહાર અંગે ક્યાંકથી પૂરો પડાયેલો કામચલાઉ મસાલો છે, કાલ્પનિક માલસામાન છે. એ આ નાટકમાં પોતાનો પાર્ટ પૂરો થતાં અલોપ થઈને જીવડાને પાછો વિહવળ, જખ મારતો, એકલો પડતો મૂકવાનો છે. કર્મનો મોહ છૂટે નહિ ત્યાં સુધી ભવોભવ એ બિનજરૂરી દુઃખદર્શન થતું રહેવાનું છે.
આ બધા ગ્રહોનો મનોમન ત્યાગ કરી નાખજો હોં! નહીંમંગતા, બસ નહીં મંગતા! વ્યવહારમાં જે આવે તેનો વ્યવહારની રીતે વ્યવહાર અવશ્ય કરજો કેમકે તે વિના તમારો છૂટકારો નથી. પ્રારબ્ધ નામના આવી પડેલા કામચલાઉ શેઠની નોકરી રૂપે, પ્રસન્નતાથી છતાં પરાયું જાણીને એ કરજો.
ગાંઠોની ગાંઠ, ગાંઠોનો રાજા એક જ છે – મોહગાંઠ. એ એક છૂટી કે તરત જ ભવની લાખને લેખે લખાતી બધી ગાંઠો એનાં જ સંતાન હોવાથી, એના નાશ સાથે મૂળનો નાશ થયે તૂલના નાશની રીતે તે સર્વ આપમે છૂટી જવાની છે. વ્યવહારી જીવનમાં, સંસારમાં તમે જે સમસ્યાઓ –PROBLEMS અને TENSIONS- માનસિક તાણની ગાંઠો ભેગી કરો છો અને જેના નિવેડામાં અમુલખ માનવ-ભવને વેડફી નાંખો છો તે નરી બેવકૂફી છે. એ “પ્રોબ્લેમ્સ” છે જ નહિ, કેવળ પાછલી કરણીના એ પાઘડીને છેડે ભેગા થયેલા વળ છે. તમે તેના વિશે તનમન તોડશો કે પછી કંઈ જ નહિ કરો તોયે નો નિકાલ તો જે આવવાનો હશે તે રીતનો જ આવવાનો છે. વળી જે એકમાત્ર “કરવા” જેવું છે અને જે માણસથી અવશ્ય થઈ શકે તેવું છે તે તો રહી જ જવાનું! એ કરવા જેવું તે શું? નિત્ય પ્રસન્નતાની દ્રઢ સ્થાપના. એનું નામ છે વિવેકબુદ્ધિ. આપણને એ જ ખપે.
એ જ એક સત્ય છે અને અન્ય સર્વ અનેકો કેવળ અવિવેકરૂપી મોહની ઉપજાવેલી ભ્રમણાઓ છે. DON’T MISTAKE YOUR PRIORITIES. જે એકને જાણ્યે બધું જણાઈ જાય છે. જે એકને માણ્યે બધું મણાઈ જાય છે, તે એ છે અને અન્ય સર્વ, જીવે ઉપજાવેલી આળ-પંપાળની ઈંદ્રજાળ છે.
ઈશ્વરની “કૃપા” પણ શું વસ્તુ છે તે બરાબર સમજી લેજો. ઈશ્વર એટલે પ્રારબ્ધનો નિભાવ કરનારૂં પ્રાણતત્વ. એનો એક નિયમ છે જે અકાટ્ય છે. શરીર પ્રારબ્ધના હડસેલા ખાતાં તૂટી ન જાય અને શેષ પ્રારબ્ધને ભોગવતું રહી ટકી શકે એ જોવાનું પણ પ્રારબ્ધના નિયંતા તત્વની કામગીરીનો એક ભાગ હોવો જોઈએ. સંસારના વ્યવહારમાં અણીને ટાણે જે રાહતો, મદદો, કુમકો, વહારો વગેરે અનુભવાય છે, તે પણ એ રીતે પ્રારબ્ધનો જ એક ભાગ છે. એવી રાહતો ન આવવી, તે પણ એ જ ક્રમનું અંગ હોઈ શકે. જ્યારે એવી કુમકો આવે, ત્યારે એને ઈશ્વરની અપાર અને નિષ્કારણ કરૂણા લેખવાનું આપણને ઈશ્વરનિષ્ઠ ધર્મકર્મનો માર્ગ શીખવે છે, અને એવું ન થાય ત્યારે એને ‘ઈશ્વર રૂઠ્યો કે ભાગ્ય રૂઠ્યું’ એવું માનીને ઈશ્વરની રીસ મટાડવા તથા તેને પુનઃ રાજી કરવાના પ્રયોગો આપણે અજમાવીએ, ભયના માર્યા તા એની કૃપા સંપાદન કરવાની લાલચના માર્યા પણ. એ બધું સરસ છે, પરંતુ અંતે એ પોતાના જ સંકલ્પોનું અનુસરણ છે. પોતાના જ સંકલ્પોનું ફળ ”પ્રારબ્ધ” છે અને તેના સ્વરૂપના અજ્ઞાનને અંગે ધર્મકર્માદિની વૃત્તિ-પ્રવૃત્તિઓ પણ અવિદ્યામય સંકલ્પોનું જ સર્જન છે – બહુ તડ ને ફડ કહેવાઈ ગયું.
આજે કહ્યું તે ત્યારે જ લેખે લાગે કે જ્યારે મુમુક્ષુજન ધર્મ-કર્મના તત્વને ખૂબ જાણી તથા અનુભવીને આત્મનિઠાની તર્કશુદ્ધ સદગતિની પ્રાપ્તિ કરી શકે. ઈશ્વરનિષ્ઠાના દ્રઢ પાયા ઉપર જ આત્મનિષ્ઠાની સત્ય સ્થિતિ છે, કેમકે એ પ્રાણતત્વ બ્રહ્મ તત્વનું નિષ્કટતમ વ્યવહારોપયોગી સ્વરૂપ છે. બ્રહ્મતત્વ સ્વયં વ્યવહારથી પર છે. એ કેવળ અંતઃસ્ફુર્તિની વસ્તુ છે, આચરવાની કે વ્યવહારવાની નહિ, તેથી વ્યવહારમાં ઈશ્વર અને તેની ”કરૂણા”, નિષ્કારણ કૃપા વગેરેને ખૂબ માનભેર આપણે સલામ કરીએ. પરંતુ એ હકીકતને ઘડીભર પણ ન વિસરીએ કે ઈશ્વરની પ્રતિષ્ઠા એટલે સંસારની પ્રતિષ્ઠા. કેમકે સંસાર છે, તે તેનું ઈશન કરવાપણું છે. ઈશ્વર તથા સંસાર એ કલ્પિત માયાનો, પ્રકૃતિનો વિસ્તાર છે કે જેની પાર આપણે થઈ જવું છે. જીવનનું એ એક મહાધ્યેય છે. તેને માર્ગ કહે છે.
આ પરમ સત્યની ભૂમિકા ઉપર જ આપણે સર્વધર્મ, કર્મ, કાર્ય, કર્તવ્ય વગેરેનાં મૂલ્યાંકનો વિવેકથી મનોમન કરીએ અને જગતમાં, સંસારમાં વિચરણનો ખેલ બાહોશીથી ભજવવા રહીએ. વ્યવહારમાં જે કોઈ ”પ્રશ્ન” આવી પડે તેનો સાક્ષીવૃત્તિથી, જેમ કોઈ શેઠની આપણે નોકરી કરતા હોઈએ અને તેનાં કામો કશી પણ અંગત લાગતી-વળગતી વગર, રીતસર નિરપેક્ષ રીતે કરીએ, તેમ તમારો પ્રાપ્ત વ્યવહાર તમે પ્રસન્નતાથી કરજો. તેમ કરવું એયે પ્રારબ્ધનો એક ભાગ જ હોય છે. એમાં ટાળવાની ચતુરાઈ કરવી તે પણ ઈરાદાપૂર્વક કરેલું એક પાપ-કર્મ જ છે. તે નવું પ્રારબ્ધ, કષ્ટ, દુઃખ ભું કર્યા વિના ન રહે. ન કરવાની વૃત્તિ પણ ખતરનાક છે. મન જોડીને ઈરાદાપૂર્વક જાણીબૂજીને કરેલાં કર્મો જ દુઃખ દઈ શકે છે.
ગમે તેમ પણ તન કે મનના કોઈ પણ કામમાં કે મનની વૃત્તિમાં કદાપિ કોઈ કાળે લાગણીવેડાને ઘૂસવા દેશો નહિ, નહિ તો તમારી ખેર નથી. વ્યવહારમાં પ્રારબ્ધ પ્રમાણે વેલા સંબંધોને, મનમાં તેનાં સાચાં મૂલ્યાંકન કરીને પ્રેમથી, પ્રસન્નતાથી, બધો દેખાવ-વ્યવહાર, નાટકમાં પાર્ટ ભજવતાં કરીએ તેવો, તનમનથી પણ સાક્ષીભાવે કરજો-એવો સરસ, કે અંદરના એ પ્રસન્ન વિવેકસંપન્ન સાક્ષીપણાની કોઈને ગંધ સરખી ન આવે! એ રાજગુહ્ય, રાજવિદ્યા અત્યંત ગોપ્ય છે.
વ્હાલાંઓ, પાપ એક જ છે, બીજું નહિ. તેનું નામ છે લાગણીવેડા, SENTIMENRALISM, EMOTIONALITY, ”ભાવના”, મમતા (-એટલે, મમ=મારૂં, ને તા=પણું, મારાપણું). જીવનમાં એને ભૂલેચૂકે પણ પ્રાથમિકતા PRIORITY ન આપશો. બહારથી પ્રાયોરિટી જેવું બતાવતા છતાં અંદરથી સ્પષ્ટપણે એની INFERIORITY ના ભાવને મજબૂત રાખતા રહીને નટક ભજવતા રહેજો. દુનિયા ભલે જાણે કે આ પણ સાવ આપણા જેવો મામૂલી માનવી છે. ત્યાં તારનારી છે એકમાત્ર વિવેકબુદ્ધિ.
આ કહ્યું તે વહાલાંઓ, એક તરફી નથી, એ ટુ-વે-સ્ટ્રિટ છે. તમારાં સ્ત્રી-સંતાનો, સ્વજનો વગેરેમાંના પ્રત્યેકને એ તેટલું જ લાગુ પડે છે એ ભૂલશો નહિ. એમાંનું પ્રત્યેક, જીવાત્મા તરીકે એક, અલગ અને સ્વતંત્ર આત્મવ્યક્તિ છે કે જેના પ્રારબ્ધની લેણાદેણી અંગે આ ભવે વ્યાવહારિક ખટપટ જેવો આ દેખાવ થઈ જાય છે.
સંસાર જ સંન્યાસભાવનો ભેદ ખુલ્લો કરી આપે. વિવેકી જીવને સમજાય કે સંન્યાસથી ડરનારા પામર, પશુપ્રધાન જીવને માટે સંસાર સંન્યાસનો વિરોધી બનતાં હોય તો ભલે બને. પણ બુદ્ધિમાન માનવને છાજે તેવા વિવેકથી જીવનારા માટે તો એ ચોક્કસપણે સંન્યાસભાવની ઘડ બેસવાનું સાધન, મોક્ષમાર્ગનું દ્વાર થઈ શકે છે. અરે, એમ થવા માટે તો સંસારની આ અજબ સરખી યોજના થયેલી છે. જેને સંસારે સંન્યાસ શીખવ્યો, એનો સંસાર સફળ છે અને બીજાઓએ કેવળ જખમારી, આપણે જખ નથી મારવી!
૨૨. આધાર-ગજ
તને તો બેટા, મારે ખરેખરી મુદ્દાની જે એક વાત છે તે જ કહેવાની છે. એ સાંભળવી સહેલી છે અને માનવી તેનાથી પણ વધારે સહેલી છે, કેમકે વ્યવહારમાં-ઘરના, સમાજના, આજીવિકા કમાવવાના તેમજ પ્રત્યેક પ્રકારના પારસ્પરિક વ્યવહારમાં – એ સત્યની ભડકા જેવી પ્રતીતિ દરેક માનવીને થાય છે.
તે એ છે કે પોતાની સવડ કે પોતાના આંતરિક સુખ માટે કોઈની કે કશાની પણ જેટલી ગરજ રાખવામાં આવે, તેટલું કલેશ અને દુઃખભાવને માટે ક્ષેત્ર વધે છે. એને ગરજ, જરૂર, આવશ્યકતા, ટેકો, આલંબન, અવલંબન, આધાર – એવાં એવાં નામો અપાય છે અને એની અનિવાર્ય જરૂરીઆતનો સ્વીકાર પણ થાય છે. ખરી વાત તો એ છે કે જીવમાત્રનું વ્યાવહારિક જીવન, કોઈ પણ ક્ષેત્રમાં કશાના ને કશાના, કોઈના ને કોઈના ટેકા કે આલંબન વગર અશક્ય છે, પરંતુ જરા સાક્ષી દ્રષ્ટિ કેળવીને એવા આધારોની જરૂર જેટલા પ્રમાણમાં ઓછી કરી શકાય તેટલા પ્રમાણમાં, દુઃખ-કલેશને જીવને માથે ચઢી બેસવાનો અવકાશ ઓછો મળે.
સાચી વાત એ છે કે આધારની ટેવ ઓછી કરી નાખો. અમુક વ્યક્તિ કે વસ્તુ વગર ‘નહિ જ ચાલે’ એ ગાંઠ જ્યાં સુધી મનમાં દ્રઢ રહે ત્યાં સુધી કદાપિ સ્થાયી પ્રસન્નતાની આશા ન રાખવી.
તમે આ કબૂલ કરશો, પણ એક તો એ તમારાથી નહિ બને અને બીજું એવું ગરજાવપણું ઓછું કરવાનું તમને ગમશે પણ નહિ, કેમકે એમાં અમુક લાગણીવેડાનો ભાગ રહે છે. ”અમુકની મને ગરજ નથી કે એના આધાર વિના મને ચાલશે”, એવો વિચાર પણ પોતાને આઘાતજનક લાગે, કે હાય હાય, એ તો નઠોરતા, લાગણીશૂન્યતા કહેવાય.
પણ જેને સુખી થવું છે, સાક્ષીભાવની એક જ ગરજની સહાયથી અન્ય સર્વ ગરજોનો જેને નાશ જ કરવો છે તેને એવા સંસારી, અહંતા-મમતાના કલેશ ભરેલા લાગણીવેડા ન ખપે. ત્યાં માત્ર વિવેકશીલ વૈરાગ જ કામ લાગે. વેદો કહે છે કે ”દુઃખથી પાર થવાનો અન્ય કોઈ માર્ગ છે જ નહિ” તે આ; અને તેથી જ બેટા, જરૂરતો, આધારો, આલંબનો વગેરેને નામે ઓળખાતી ગરજથી મુક્ત થતા જાઓ. દિનરાત એવા ગરજવેડાના વિચારોને તપાસીને, પકડીને બુદ્ધિપૂર્વક તેનાથી છૂટતા રહો. પતિ, પિતા, પુત્ર, મિત્ર…. એમની સાથેના કર્મફળના ઋણાનુબંધો જ એ ગરજના ભાવોને ન હોય ત્યાંથી ઊભા કરીને પ્રારબ્ધના ગાડાને ગબડાવે છે. તેમાંનું એક પણ સાચું નથી. એવી સ્પષ્ટ દ્રષ્ટિ કેળવતા રહેવાનું અને (in the work-a-day world) વ્યવહારમાં કહેવાતા આધારો, ટેકાઓ, આલંબનો ખુશીથી બરોબર સાભાર સ્વીકાર કરતા રહેવા છતાં અંદરથી પોતાની નિરાલંબ એકલતાના છૂપા દ્રઢ નિશ્ચયની ખૂંટીને જરા પણ ન હાલવા દેવી એ આપણા સુરેશના માર્ગનો પાયો છે-એને સંભાળજે અને એને જ વધારે ને વધારે દ્રઢ કરતા રહીને સ્થૂળ જીવનના બધા જ આધારોની જડ સાક્ષી-દ્રષ્ટા-અસંગ ભાવ વડે કાપતી રહેજે. પરમાત્મા એ પરમાત્મા છે, કેમકે એ નિરાલંબ છે; અને પરમાત્મા ત્યારે જ જીવ બની જાય છે કે જ્યારે એ આલંબન, ગરજ અને ટેકાની ગરજ કરવા લાગે છે. વ્યવહારમાં પણ ગરજ રાખો ત્યારે સ્પષ્ટ સત્ય સમજીને સાખજો, વિવેકશૂન્ય નહિ.
એમુક વ્યક્તિ કે વસ્તુ વિના નહિ ચાલે એ ભાવથી મુક્ત થવાનો તારા શેષ જીવનમાં પુરૂષાર્થ કરતી રહેજે, નહિ તો જાણજે કે પતિ કે ભાઈ કે બાપુજી કે જો કોઈને તેં વહાલમાં વહાલું બનાવ્યું હશે, તેમાનું પ્રત્યેક, એ પ્રેમભાવની ભ્રાન્તિના દોષને લીધે તારા સુખ-ચેનનું વધારેમાં વધારે વિઘાતક બની રહેશે.
કઠણ છે, પણ કરવા જેવું એ એક જ છે.
ચેતવણીઃ- આવી આંતરિક સ્થિતિનો જો કોઈ અન્યને અણસારો પણ આવ્યો તો વ્યવહારમાં દુઃખના દહાડા જાણજો! આ ગુપ્તમાં ગુપ્ત, રાજવિદ્યા, રાજગુહ્ય છે.
૨૩. ખંખેરી, ઝાટકી નાખો!
બેટા, સુમતિ પોતાને ઘરે ગઈ. તને એનો ખેદ થયો, શોક થયો, તું ખૂબ રડી…. પણ વિચાર કર કે એ પાતને ઘરે ગઈ તે ૧૦૧ ટકા યોગ્ય-વાજબી જ હતું ને? તેનાથી જુદું કશું તમે પણ ઈચ્છત?…. તો પછી આ ખેદ, શોક, આંસુ શું વાજબી હતાં? કે ગેરવાજબી? ગેરવાજબી ખેદ, શોક કે આંસુ એ પાપ ન થયાં? વિચાર વડે એને જલદી ખંખેરી નાખો. જગત ને સંસાર બંનેનો અર્થ થાય છે, જવા-આવવાના વ્યવહાર.
તત્કાળ ખેદ થયો, શોક થયો, આંસુ પડ્યાં. ભલે, પણ બે મિનિટ પર પ્રમાણેનો ANTISEPTIC, પાપનાં જંતુઓનો નાશ કરનારો વિચાર કરીને પાપને ખંખેરી નાખો. ખંખેરી નાખીને પાછા સ્વસ્થ કૉમન સેન્સમાં આવી જાઓ-સ્વ-રૂપમાં, કેમકે એ જ તમારૂં સ્વાભાવિક ઘર છે અને તેમાં પડેલાં ખેદ-શોક-સુ એ બધાં પાપમય વિઘ્નો છે. ખેદ વગેરે જેને કારણે થવા પામે એ જ પાપ; અને જેનું ફળ ત્રણે કાળમાં પ્રસન્નતા રૂપે જ આવે, તેવા વાણી-વિચાર-વર્તન એ જ સત્ય-પુણ્ય છે, શ્રેષ્ઠ મેલનાશક સાબુ છે.
આપણે ક્યાંક ગયા કે કોઈ આવીને આપણને મળ્યા અને વાતે ચઢ્યા. સંસારી મોહમમતા, નિન્દાસ્તુતિ, અનેક વિષયોની ચર્ચા વગેરે થયાં…. બેટા, તરત જ પ્રસંગ પૂરો થતાં બાથરૂમમાં જઈને કપડાં ખંખેરી નાખો, મોં ધોઈને કોગળા કરી નાખો, કુવિચાર, સંસારી ભાવોના વાતાવરણથી તરબોળ થઈ ગયેલા વાતાવરણવાળાં કપડાં બદલો નહિ તો ખૂબ ખંખેરી કે તડકે નાખી આવો!
શોકનો વ્યાવહારિક પ્રસંગ આવ્યો-એ પાપનો જ પ્રસંગ છે. તમે તમારો અધ્યાય ૧૨ મો જાણો છો? અસ્તુ, તરત જ ખંખેરી નાખો, ખંખેરી નાખો, મોં હાથ ધુઓ, કોગળા કરી લ્યો, મનનાં અને તનનાં ટોકન-સ્નાન કરીને પાચા સ્વસ્થ થઈ જાઓ. એ સાચું શૌચ છે.
મનમાં વિષયી, સારોમાઠો, અમંગળ નબળો વિચાર આવ્યો; ચાર સાધનની લાઈનની બહારની કલ્પના થઈ, કોઈ બે શબ્દ બકી ગયું અને એ ન ગમ્યું, સામો દુર્ભાવ થયો તેને તરત જ ઉઠીને એને ખંખેરી નાખો, ખંખેરી નાખો અને પાછા પ્રસન્ન સ્વસ્થ થઈ જાઓ. એ શોક કે અમંગળતાનાં જંતુઓ તમારા તનમાં, મનમાં, વસ્ત્રોમાં અને વાતાવરણમાં જામીને દિલમાં ઘર કરી બેસે છે અને કાયમનું પાપગૂમડું ઊભું કરી જાય છે. તમને તેનો ખ્યાલ પણ ન આવે, કેમકે આ સ્થૂળ આંખે એ ઝીણું ઝેર દેખાતું નથી. અડધી માળા, હાથ-મોંનું ધોવણ, કોગળા, એક બે સ્તોત્રોનું સ્વસ્થપણે બેસીને રટણ-પઠન કરો; તરત જ DISINFECT થઈ જાઓ! એ પુણ્ય સાબુથી જ થઈ શકતાં સ્નાન છે. એમાંનું જે ઉપલબ્ધ હોય તે કરો, પણ પાપને ખંખેરી નાખો, વિચાર સુપડે ઝાટકી નાખો! જો એને જરા પણ મનમાં વસવા દીધું, સમસમવા દીધું, આશરો આપ્યો તો જાણજો કે સીધો ભાડૂત પેઠો-એ ચોંટ્યો! માત્ર લોહી નહિ પીએ, તમારૂં સઘળું શ્રેયસ હડપ કરી જશે. એને કેન્સર જાણજો. એ વધે પછી કદી મટે નહિ.
એમાં સામું માણસ પોતાનું વ્યાવહારિક, સંસારી કે દેહને બીજે કોઈ સંબંધે પ્રિયતમ છે કે સામાન્ય પિરચિત છે કે ગમતું-અણગમતું છે એ વિચાર સાવ અસ્થાને છે. ગમે તે હોય, શાશ્વતદેવ સ્વરૂપ, ભગવાન સ્વરૂપ હોય તોયે એ પાપનું નિમિત્ત થયું. એ પાપને ખંખેરી નાખો. એનું પ્રારબ્ધાવશાત્ જે નિમિત્ત થયું હોય તે વ્યક્તિને નહિ, કેમકે એ તો તમે જ છો! સાબદા, સાવધ થાઓ, હેત પ્રીતના વાઘા ધરીને આવતા પાપથી ચેતતા રહો. પાપ ગમે ત્યાંથી ગમે તે રૂપે આવે તોયે પાપ છે. ઝેર એ ઝેર જ છે, એ ન ખપે. એમાં લાગણીવેડા, Emotion, Sentiment, મમતાને રજ પણ સ્થાન નથી. આ મનોમન ગુપ્ત સ્થિતિ છે અને તે બતાવવાની નહિ, પણ છુપી રીતે સંઘરવાની, ચિત્તમાંથી ક્ષણ ભર પણ નહિ વિસરવાની તમારી આગવી ગુહ્યતમ મિલ્કત છે. રખે કોઈને એનો વહેમ પણ આવે. વહેવાર ભલે વહેવારની રીતે થતો, પણ દરની ખબર રખે કોઈને પડી જતી! એ તમારી શ્રેષ્ઠ સૂપડી છે, સાવરણી છે, પાપહરણી છે, શુદ્ધિકરણી છે. એના વડે, કશો જ અન્ય વિચાર કર્યા વિના, વિવેકપુરઃસર પાપને ખંખેરી નાખતા રહો, ખંખેરીને જ જંપો, ચૂપચાપ પણ ચોક્કસપણે, ચીવટપણે.
જીવનમાં તનમનથી, સાસારિક-વ્યાવહારિક પ્રસંગોમાં આ એક પ્રતિજ્ઞાને જાગ્રતપણે લગાડતા રહો. એમાં પ્રમાદ આળસ નહિ. ખંખેરો, ઝાટકો, રામનામ લેતા જાઓ, ખંખેરતા જાઓ અને કલેશ તથા આંતરિક ક્ષોભથી વિમુક્ત થતા જાઓ. આ સિવાય કલેશ પાર થવાનો કોઈ માર્ગ નથી.
શોક પ્રસંગ માટેના કાળા કે ધોળા યુનિફોર્મ રાખવા વગેરે રૂઢિ-રિવાજો તો કેવળ આડંબર છે, ડોળ છે; અને ડોળ તથા આડંબર જ મહાન પાપ છે. અમંગળ આચરણ સમયે જે વસ્ત્રો પહેરેલાં હોય તે અમંગળતાથી ભરાઈ જાય છે, સોગિયાં કપડાં કંઈ લગ નથી હોતાં. જે વસ્ત્ર પહેરેલાં હોય, તેમાં એ સૂક્ષ્મ પાપ-પરમાણુઓ ભરાઈ જાય. એને બને તો બદલી નાખો, નહિ તો ખંખેરી નાખો, કોઈ પણ રીતે એનાથી છૂટી જાઓ.
વિચાર કરો કે કયા વસ્ત્રોમાં આપણે પાપ નથી કરતા? શોક નથી કરતા? જેને લીધે વહેલા કે મોડા ખેદ અનુભવવો પડે એવાં વાણી-વિચાર-વર્તન નથી કરતા? પેલી કૈકેયીના શોકાગાર જેવી આ શોકયુનિફોર્મની રૂઢીએ ડોળદંભને કેટલું ઉત્તેજન આપ્યું છે? અસ્તુ. એ રિવાજ યોગ્ય પ્રસંગે પાળો તોયે તમે છેતરાશો નહિ. ગમે તે વસ્ત્રને – અમંગળ, અશુભ વિચાર કે વાણી વર્તન, પાપમય કરી શકે છે.
પાપને, અમંગળને, અશ્રેયને, તેના કોઈપણ રૂપમાં, બસ ખંખેરી નાખો, બીજી વાત નહિ!
તમે એટલાં બધાં આત્મવહાલાં થઈ પડ્યાં છો કે પૂછ્યે કે વગર પૂછ્યે પણ, મારાથી કહેવાઈ જ જાય છે! તા. ૨૭-૮-૭૪.
૨૪. “ગીતા”: જીવનનું અમૂલ્ય ગાન
“ગીતા” એટલે જીવનનું અમૂલ્ય ગાન, માટીમાંથી માનવ અને માનવમાંથી દેવ “બનવા” નો કીમિયો. ગીતાના વક્તવ્યનો સમ્યક્ સાર શો છે? તેનો મુખ્ય ઝોક શેના ઉપર છે? કોઈ કહે છે કે કર્મ ઉપર; કોઈ કહે છે કે ભક્તિ-ઉપાસના પર, સ્વામી સ્વક દ્વૈતભાવ કે પછી અદ્વૈતભાવ ઉપર. વળી કોઈ કહે છે કે નૈષ્કર્મ્યસિદ્ધિ જ્ઞાન ઉપર. ટિળકજીએ “ગીતા કર્મનો જ આગ્રહ રાખે છે” એવો મત આપ્યો છે. “ગીતા મુખ્યત્વે સગુણ-સાકાર કે સગુણ-નિરાકાર શ્વરભક્તિની જ સમર્થક છે અને કર્મ, જ્ઞાન ઈત્યાદિના તેમાં જે ઉલ્લેખો જોવામાં આવે છે તે તો ભક્તિનાં માત્ર ઉપકારક ઉપસ્કરો રૂપે જ છે.” એવી જોવામાં આવતી ગાંઠ થોડી વિચારણાની અપેક્ષા રાખે છે.
ગીતામાં કેટલાક શબ્દો વારંવાર જૂદા જુદા સંદર્ભોમાં દેખા દે છે. સંદર્ભાનુસાર તેવા પ્રત્યેક શબ્દના વિવિધ અર્થો થાય છે. મતલબ કે “કોઈપદનો, પ્રસિદ્ધ ઉપરાંતનો કોઈ અર્થ થતો હોય અને તે એ ઉક્તિના તાત્પર્યના વિરોધમાં ન જતો હોત તો તેને એ ઉક્તિના ઈષ્ટ અર્થમાં યોજાય; ઋષિઓએ મંત્રદર્શન કરાવ્યાં છે, તેમાં ઈષ્ય અર્થને તો બાધ ન જ કરે તેવા એમના અનેક અભિપ્રાયો સમાયેલા રહે છે, અને જે તે સ્થળે તેવા સમુચિત અર્થો અનેક પ્રકારે સુખે જાણવા.” જે ઉક્તિ વેદમંત્રો પરત્વે સાચી છે, તે ગીતા પરત્વે તેટલી જ સયુક્તિક કેમ ન હોય?
પરંતુ તે અર્થો તથા અર્થાન્તરોની જાણ કોઈ વિરલ પાઠકને હોય છે, તે કારણે સામાન્યતઃ જે તે શબ્દનો એકાદ પ્રચલિત વાચ્યાર્થ જ સર્વ સ્થળે ઘટાવવામાં આવે છે. પરિણામે, ગીતા જાણે કે પરસ્પરવિરોધી વિધાનોથી લદાયેલી હોય, તેવો મોહાભાસ પ્રકટે છે; ત્યાં મારી મચડીને પણ ધારેલા અર્થને બેસાડવાના પ્રયાસો થાય. તેમાં શું આશ્ચર્ય? ફલતઃ ગીતા યથાર્થ સમજાય નહિ અને તેથી તેના અખૂટ સામર્થ્યભંડારથી ઘણા સંનિષ્ઠ પાઠકો પણ વંચિત રહી જાય. પરંતુ થોડું કષ્ટ ઉઠાવીનેયે, જે તે શબ્દના પૂર્વાપર સંબંધોને પ્રત્યેક સ્થળે તટસ્થપણે તપાસી-વિચારીને, તેના અનેક સંભવિત અર્થોમાંના ઘટિત અર્થને જો બુદ્ધિપુરઃસર લક્ષમાં લેવામાં આવે, તો ગીતાનું સંવેદન શુદ્ધતર થવા પામે, તેની આંતરબાહ્ય અદભૂત એકરસતા, એકવાક્યતા તથા સળંગ નિરંતર શ્રેયસ્કરતા ઉપસી આવે, અને જીવનને એ સહજે ઉમંગથી ભરી દે. ભક્તિ, યોગ, સંન્યાસ, ધર્મ, યજ્ઞ, કર્મ, સિદ્ધિ, સંસિદ્ધિ વગેરે શબ્દો તે પૈકીના છે.
ખાસ કરીને ભક્તિ શબ્દ લઈએ. વૈષ્ણવી સંપ્રદાયોને અભિમત નવધાભક્તિ ઉપારાંત પૂર્વાપર સંબંધોને અનુલક્ષીને भज ધાતુના ઘણા વાચ્ય તથા સંકેતિ લક્ષ્યાર્થો થવા પામે છે, જેવાં કે, નીમવું, વહેંચવું, વહેંચી લેવું, વિચારવું, ઈચ્છવું, સ્મરવું, લક્ષ્યમાં રાખવું, સ્વીકારવું, આશ્રય લેવો, આચરવું, ઉપભોગ કરવો, ભોગવવું, અનુભવ કરવો, વર્તવું, પ્રતિવર્તાવ કરવો, સેવા-ખાતર-બરદાસ્ત કરવી, અનુસરવું, પૂજવું, ઉપાસવું, જ્ઞાનનિષ્ઠ ઉપાસના કરવી, સમજપૂર્વકની નિષ્ઠા રાખવી, પ્રીતિ કરવી-પામવી, ભાગ આપવો, ભેદ પાડવો, ભેદ જાણવો, આત્મા-પરમાત્માની ભિન્નતા જાણવી, ઈત્યાદિ.
શ્રી શંકરાચાર્યે જે લાખ વાતની એક વાત કરી નાખી છે કે मोक्षसाधनासामग्रयां भक्तिरेव गरीयसी મોક્ષનાં જે સાધનો, તેમાં ભક્તિ ઉત્તમ સામગ્રી છે. આ જો અભ્યાસકાળે લક્ષ્યમાં રહે તો ગીતાકથિત એ શબ્દના અનેકશઃ ઉપયોગોની સળંગ એકાગ્રતા સિદ્ધ થઈને તેના સુખભંડારના કમાડ અવશ્ય ખુલી જાય. स्वस्वरूपानुस्धानं भक्ति-रित्यभिधीयते! પરમાત્મા સાથેના અભેદનો અનુભવ, તેને ભક્તિ કહે છે, (-વિવેકચૂડામણી, ૩૧).
હવે, બહિર્મુખતાના રાજસી પાસવાળા કર્મરાગીઓના અભિપ્રાય પરત્વે નોંધ લેતા; શું ગીતા મનુષ્યને કર્મ કરતા રહેવાનું જ આદેશવા માંગે છે? આર્જુન આમ તો મહાબુદ્ધિશાળી અને વિચક્ષણ, પરંતુ સર્વ પ્રસંગોએ સૂક્ષ્મ આધ્યાત્મિક વિવેકવ્યવસાય યોજવાના મહાવરા વિનાનો હોવાથી વસમે અવસરે એ કિંકર્તવ્યમૂઢ થઈને નિષ્ક્રિયતાના સહેલા વિકલ્પમાં લપસી પણ પડે; એવી વસમી વિપત વેળાએ એવા શુદ્ધનિષ્ઠ અર્જુન- જીવાત્માને પુનઃ વ્યાવહારિક માણસાઈમાં પ્રતિષ્ઠાપિત કરવા માટે બુદ્ધિગુહાસ્થિત પરમાત્મા શ્રીકૃષ્ણ અમુક સ્થળોએ કર્મ કરતા રહેવાની મહત્તા ઉપર ખૂબ ભાર મૂકે છે, તે તે માર્ગે ઉદ્યુક્ત થવા એને ઉત્તેજે છે. પરંતુ તે સાથે એ પણ લક્ષ્યમાં રહેવું જોઈએ કે તેવા આગ્રહના પ્રાયઃપ્રત્યેક પ્રસંગે ભગવાન કૃષ્ણે “કર્મ” પરત્વે શરતો કેવી યોજી છે! પરંતુ ક્યારે, કેમ, કયા ભાવથી, કોણે, શા માટે અને કેવા પ્રકારના કર્મ કરવા ઉચિત છે- એ બાબત તરફ તો, આ જમાનાના રઘવાયા કર્મઘેલા બહિર્મુખ માનવીઓને દ્રષ્ટિ સરખી કરવાની વૃત્તિ જ ક્યાં છે! અથવા તો, એમ કરવાની એ ઉદ્યમીઓને ફુરસદ જ ક્યાં છે? અમુક અર્થ રૂચતો હતો અને તે કોઈએ કહી પણ આપ્યો, ભાવતું હતું અને તે વૈદે કહ્યું! ખરૂં જોતાં વૈદે જે કહ્યું, તે ભાવતું હતું તે કારણે જ કહ્યું; નહિ કે તેના તથ્યાતથ્યને કારણે! પરંતુ, તે રૂચિકર હોવાથી સાચું જ છે, એવું ઝટપટ માની લીધું, એટલે નિરાંત! મનમાની બહિર્મુખવૃત્તિ-પ્રવૃત્તિઓમાં ગીતાનો આધાર ટાંકવાનું સહેલું થઈ પડ્યું, ભગવાને જ કહ્યું છે ને કે કર્મમ્યેવાધિકારસ્તે! ઈસાવાસ્ય ઉપનિષદમાં પણ શું નથી લખ્યું કે કુર્વન્નેવેહ ઈત્યાદિ? એવું એવું, એના મર્મની કોને પડી છે? વર્તમાનકાળે સમયનું મુખ્ય વહેણ જ આ હોવાથી “આ કરૂં તે કરૂં” ની ધૂનમાં મોટે ભાગે મગ્ન રહેતા ઘણા વ્યાખ્યાતાઓ પણ ગીતાનો એવો ખંડસત્ય નિષ્કર્ષ બોધે છે. પરંતુ, જો જરા અ-પૂર્વગ્રહીત સ્વચ્છ નજર રાખવામાં આવે, તો એ હકીકત સામે આવીને ઊભી રહેશે કે, શ્રેયસ્કર કર્મનો મર્મ, દેહાધ્યાસી કર્માધિકારી જિજ્ઞાસુ માટે “કર્તવ્યભાવ” કઈ દ્રષ્ટિએ ઈષ્ટ છે તેની, ભગવાન કૃષ્ણે કુશળતાથી સ્પષ્ટતા કરી; અને તે સાથે જ વળી, “આ મૂંઝાયેલો ભલો ભાઈ, આ વાતને સર્વ સંજોગો માટે રખે વળગી પડે અને અનર્થ કરી બેસે” એવી સ્નેહજન્ય આશંકાથી ધીરજપૂર્વક જ્ઞાન તથા બુદ્ધિના “યોગ” નો જોગ વખાણીને, ભગવાન-ગુરૂ યજ્ઞભાવનું વિશદ નિરૂપણ કરે છે.
તેટલું કરવા છતાંયે મોહની માત્રા હજી પણ વિદ્યમાન હોવાથી અર્જુન દ્વિધાગ્રસ્ત રહે છે. આ સંસારમાં, સંનિષ્ઠ ચતાં ગૃહસ્થાશ્રમનાં દુષ્કર કર્તવ્યોમાં સુપ્રતિષ્ઠિત રહેતા, કયા સહ્રદય જિજ્ઞાસુને તેમ નથી થતું? જ્યાં જ્યાં કર્મનો આગ્રહ કરવામાં આવ્યો ત્યાં ત્યાં, તત્કાલ નૈષ્કર્મ્યભાવની પરમ ઈષ્ટતા કહેવામાં આવેલી છે; જાણે કે, “રાવણની ચિતા ઉપર હનુમાનજીની ચોકી!” અને તેવી વિવેકવૈરાગ્યલક્ષી ચિત્તસ્થિતિની સિદ્ધિ અર્થે તથા તે પૂરતો જ, કર્મકર્તવ્યભાવ આવશ્યક હોવાની સ્પષ્ટતા કરવાની ચતુર વક્તાએ સાવધાની રાખી છે.
વિવેકસંપન્ન મુમુક્ષુ જાણી લે કે, જ્ઞાનશિખરે વિરાજવાના ઈચ્છુક સંયમી જિજ્ઞાસુએ પ્રથમ શિસ્તરૂપે કર્મને આત્મશોધનનું સાધન બનાવવું આવશ્યક છે; પરંતુ એ જ પુરૂષ તે દ્વારા એકવાર ચિત્તશુદ્ધિની પ્રાપ્તિરૂપી યોગમાં સુસ્થિત થયો, પછી તો, નાનાવિધ કર્મ વૃત્તિઓનો વિવેકશીલ શમ-SUBLIMATION જ તેને માટે મોક્ષોપાય બની રહે છે. અન્યથા જ્ઞાનાધિકારના લેશથી રહિત પ્રાકૃત જનો તો વગર શાસ્ત્રબોધે પણ કર્મરત રહેતા આવ્યા છે અને સદાકાળ રહેશે, કારણકે એવો સામાન્ય જનસ્વભાવ છે.
ગીતાનું તાત્પર્ય હોઈ શકે પ્રાકૃત જનસુલભ કર્મભાવની મર્યાદા તથા તેનું લક્ષ્ય પ્રાપ્તવ્ય શોધીને, માનવીને શ્રેયોન્મુખ રાખવામાં. ભક્તિ પરત્વે પણ અધ્યાત્મશાસ્ત્રો “નાચણા, કૂદણા, તાળીકા ઠોકણા” ની કક્ષા કરતાં કંઈક ઉચ્ચતર ભૂમિકાની અપેક્ષા રાખે છે. જો તેમ ન હોય અને ગીતા “યાદશેતાદશે જને”, જેને અને તેને કહેવાની વસ્તુ હોય, તો વારંવાર તેમાં કહેલી વાત “ગુહ્યતમ” હોવાનું શા માટે ફરમાવત?
શા માટે અધ્યાય ૧૮ ના ૬૭ થી ૭૨ શ્લોકો વડે સંપૂર્ણ શાસ્ત્રનો ઉપસંહાર કરવાપણું રહેત? શ્રેયાર્થી તો સાધન સંશોધિત બુદ્ધિથી ગીતાને ઝીણી નજરે જોઈ-તપાસીને તેના મંત્રોના પૂર્વાપર સંબંધોની કલાભરી રચનાને-સત્યં, શિવં, સુન્દરમને –પ્રત્યક્ષ કરશે. બાકી મનગમતા શ્લોકટુકડા યથેચ્છ અહીંતહીંથી ઉઠાવીને પોતાના ધૂન-ખટારે ગીતાગાયને જોતરી દેવી, એ તો ગીતામાં પોતાને ઢાળવાપણું નહિ ને ગીતાનું શરણું લેવાપણું નહિ, પરંતુ ગીતાને પોતાના રાગદ્વેષોમાં ઢાળવાની એટલે કે ગીતાને રાગદ્વેષશરણાગત કરી મૂકવાની, મતલબ કે “ત્યાગભાવથી કર્મ”ની બાંગ પોકારને બહાને પણ પોતાની કર્મવૃત્તિને પોષ્યા-પંપાળ્યા કરવાની, અઘટિત ચેષ્ટા જેવું જાણવું.
કર્મ તેની શાસ્ત્રીય મર્યાદામાં શ્રેષ્ઠ છે. માનવ-જાતનો ઘણો મોટો ભાગ તેનો જ અધિકારી છે. જરાક વિચાર કરતાં જણાશે કે જગતનો પ્રત્યેક પદાર્થ સ્વક્ષેત્રે, પોતપોતાની મર્યાદામાં, “સ્વે સ્વે કર્મણિ, સ્વધર્મ”, સર્વશ્રેષ્ઠ હોય છે. કોહ્યલું કૂતરૂં પોતાની બોડમાં માલિક છે; વિષ્ટા પોતાના ખેડખાતર-ક્ષેત્રમાં સર્વોત્તમ ઉપકારક છે. પરંતુ વિચારવાની બાબત એ છે કે માનવજીવનની ઈતિશ્રી શું કર્મબ્રહ્મમાં જ છે? કે પછી કર્મબ્રહ્મથી વધારે બૃહત્ કોઈ પરતર બ્રહ્મ છે?…..
જે કર્મનિષ્ઠા પ્રેમપૂર્વક, કોમળતાથી, એ પદે ન લઈ જતી હોય, એટલે કે તેનં દ્વાર ન બનતી હોય, તે નિષ્ઠા “કર્મ” નહિ પરંતુ માત્ર કરમ છે, કૃમિ છે, દેવદુર્લભ માનવત્વ કોરી ખાઈ વેડફી નાખનારો કીટ છે. એ હકીકત મનોદ્રષ્ટિ સન્મુખ રાખીને, કર્માધિકારથી પર થઈ, જ્યાં “નિષ્ઠા જ્ઞાનસ્ય યા પરા” છે ત્યાં સત્વર પહોંચવાની તાલાવેલી અક્ષુણ્ણ રાખ્યા કરવી એમાં મનનશીલ માનવીની બુદ્ધિમતા છે.
ગ્રંથતાત્પર્યની નિર્ણાયક હોય છે ઉપક્રમોપસંહારની એકવાક્યતા. ‘પરમા નૈષ્કર્મ્યસિદ્ધિ’ થી માંડીને જે ભાવ કહ્યો છે, તે તેની પ્રાપ્તિના હેતુથી જ જીવનનાં સહજ-પ્રાપ્ત યુદ્ધો લડી લેવાની સલાહો અપાઈ છે. તેને જ ગીતાનો સળંગ સ્વ-રસ જાણવો. મુખ્યત્વે પણ ગીતા જાણે કે કર્મની જ લત લગાડવા અર્થે વદાઈ હોવાનો ખ્યાલ જો મનમાં હોય તો તેને વેગળો કરી, પ્રત્યેક કર્મબોધવચનના સંદર્ભને કાળજીથી તપાસીને વાચક, પોતાના પરમશ્રેયનો નિર્ણય જાતે જ કરે; તો જે ગીતા પઢી પરમાણ છે, પ્રથમ દ્રષ્ટિએ વિરોધાભાસથી ભરેલાં લાગતાં વચનો જ્ઞાનભઠ્ઠીમાં ઓગળી પીગળીને એક રસધન સુવર્ણ-ગઠ્ઠો થઈ જશે.
નાનાવિધ બુદ્ધિસંસ્કારોથી રંજિત થયેલાં તથા હજી પણ થયા કરતાં ગીતાનાં અર્થાન્વેષણો પરત્વે સર્વ કહેવાપણાનું તાત્પર્ય એટલે જ છે કે,”ગીતા અમુક જ કહે છે, બીજું નહિ”, અથવા “તે જે અમુક કહે છે, તે જ તેનું મુખ્ય કથન, ને અન્ય બધું તેમાં જ ગમે તેમ કરીને ઘટાડવાનું છે.” એમ કહેવું કે માનવું, એ વલણ સમુચિત નથી. ગીતા બધું જ કહે છે; અને બધું ન્યાયથી જ કહે છે; તેથી, તે બધું જ યુક્ત, ઉપયુક્ત, સયુક્તિત છે. એમાંથી અમુક અભ્યાસી પોતાની પ્રકૃતિને, એટલે કે પોતાના સ્વભાવગત સંસ્કારોને, જે પથ્ય હોય તે ઉપાડી લે, વિવેકપુરઃસર સ્વ અર્થે પસંદ કરી લે. એટલું જ નહિ, પરંતુ સમાન સંસ્કારયુક્ત અન્યોના ચિત્તમાં તે પ્રમાણે ઠસાવવા પ્રયત્ન પણ કરે, એ ન્યાયી છે. પરંતુ એ અભ્યાસી કરતાં ભિન્ન પ્રકારના સંસ્કારવાળો અન્ય કોઈ જિજ્ઞાસુ ગીતાની તે જ ઉક્તિમાંથી જે અન્ય સ્વાનુકૂળ અર્થ પ્રાપ્ત કરે, તેને ખોટો કહેવો, એ ગીતાને પોતાના સાંકડા ક્ષિતિજમાં સપડાવવાની વિપરીત ચેષ્ટા, – અલ્પત્વનું લક્ષણ છે. ગીતોપદેશના અનેક ઘટકો છે. પરંતુ તે સર્વનો જે મેળ છે, તે એ અવયવોનો સમૂહમાત્ર મિકેનિકલ મિક્ષ્ચર-નથી, કે જેમાંથી ગમે તે ઘટકને અન્ય ઘટકોથી નિરપેક્ષ રહીને યથેચ્છ મારી મચડી શકાય, અને તે છતાં એ સર્વ ઘટકોનો સરવાળો ગીતા તરીકે અક્ષુણ્ણ રહી શકે, એ છે કેમિકલ કૉમ્પાઉન્ડ – સર્વ ઘટકોનું પારસ્પરિક ઓતપ્રોતતાજન્ય જીવન રસાયણ, કે જે તેના પ્રત્યેક ઘટકથી યુક્ત છતાં પ્રત્યેકથી ન્યારૂં અને સર્વની સાર્થકતા કરનારૂં છે.
જે જમાનામાં જીવનકલાચક્રનેમિની સમતુલા હાલી જઈને, એક તરફ સમજ્યા વગરની અકર્મતા વધી ગઈ હતી, તથા બીજે પાસે વગરસમજની કરૂં-કરાવુંની ધમાલ વધી પડી હતી તેને પુનઃ સપ્રમાણ કરવાનું દુર્ઘટ પરાક્રમ ગીતા સાધે છે. તેથી તેને જો એ દ્રષ્ટિએ અભ્યાસાય, તો જ ધર્મ-જિજ્ઞાસા તથા બ્રહ્મજિજ્ઞાસા, વેદોની કર્મકાંડી મંત્રસંહિતાઓ, તથા દ્વૈત તથા અદ્વૈત, – એ સર્વ દ્વંદ્વાભાસોનો તાલમેલયુક્ત ગળે સહેલાઈથી ઊતરીને ધ્યાત્મ કલેવરને પોષે તેવો સમન્વય જામે; અને એ જ સાચો યથાર્થ “હિંદુ” ધર્મ છે; એ જ છે સર્વ આંતર વિવાદકલહોનું પરમ શ્રેયમાં ‘પયસામર્ણવ ઈવ’ પર્યવસન.
એક સુસંસ્કારી અધ્યાત્મજિજ્ઞાસુ જર્મન બાઈ હતી, તેની પાસે ગીતાના જર્મન ભાષાંતરનો માત્ર એક નાનકડો ગુટકો હતો. એ વારંવાર કહેતી કે ”આ ગીતામાંનું ઘણું હું સમજી શકી નથી; છતાં જે થોડુંક સમજું છું તે ઉપરથી મારો જીવનનિશ્ચય થઈ રહેલો છે કે જેની પાસે ગીતાનું એકપણ સરહસ્ય વચન વિદ્યમાન હોય, તેને જીવનમાં અસુખભાવનો લેશ પણ કેવી રીતે સ્પર્સી શકે!” એ ભાવમાં ગીતાનું સાર્થક્ય છે.
ૐ-પ્રેમ-આનંદ તા.-૨૧-૧૨-૭૪.
૨૫. કઠોપનિષદનું ઉદબોધન
“ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્નિબોધત ।
ક્ષુરસ્ય ધારા નિશિતા દુરાત્યાયા દુર્ગ પથસ્તત્કવયો વદન્તિ ।।”
(૧-૩-૧૪)
ઉત્તિષ્ઠત = (હે મનુષ્યો!) ઊઠો, જાગ્રત = જાગો (સાવધાન થઈ જાઓ અને), વરાન્ પ્રાપ્ય = શ્રેષ્ઠ મહાપુરૂષોને પામીને – તેમની પાસે જઈને (તેમના દ્વારા), નિબોધત = તે પરબ્રહ્મ પરમેશ્વરને જાણી લો; (કેમકે) કવયઃ = ત્રિલોકને જાણનારાઓ, તત્ પથઃ = તે તત્વજ્ઞાનના માર્ગને, ક્ષુરસ્ય = છરાની, નિશિતા દુરત્યયા = તીક્ષ્ણ કરેલી દુસ્તર, ધારા(ઈવ) = ધાર જેવો, દુર્ગમ, = દુર્ગમ (અત્યંત કઠણ), વદન્તિ = કહે છે.
અવિદ્યાથી ઘેરાયેલા હે મનુષ્યો! ઊઠો, (અજ્ઞાન નિદ્રામાંથી જાગો અને શ્રેષ્ઠ મહાપુરૂષોની સમીપ જઈ જ્ઞાન પ્રાપ્ત કરો. ‘પરબ્રહ્મ’ પરમેશ્વરને જાણી લો, કેમકે તત્વજ્ઞાનીઓ તે માર્ગને છરાની તીક્ષ્ણ કરેલી દુસ્તર ધાર જેવો ત્યંત દુર્ગમ હોવાનું કહે છે.
ભાષ્યઃ- અનાદિ અવિદ્યાથી સૂતેલા હે જીવો! ઊઠો, આત્મજ્ઞાન પ્રત્યે વળો અને ઘોરરૂપ અજ્ઞાન-નિદ્રામાંથી જાગો, સઘળા અનર્થોના કારણરૂપ તે અજ્ઞાન-નિદ્રાનો ક્ષય કરો.
ઉદ્દાલકના પુત્ર નચિકેતા અને યમરાજ વચ્ચેનો આ સંવાદ છે!
નચિકેતાએ યમ પાસેથી ત્રણ વરદાનો માંગ્યા હતા – એ ત્રણ વરદાનોમાં પહેલું વરદાન, નચિકેતાના પિતા ઉદ્દાલક, જે એમના પર રોષે ભરાયા હતા, તે શાંત થાય.
બીજું વરદાન – સ્વર્ગના સાધનરૂપ અગ્નિવિદ્યા, એટલે સ્વર્ગની પ્રાપ્તિ માટે સાધનરૂપ અગ્નિવિજ્ઞાન. એ વિદ્યાનું જ્ઞાન યમરાજાએ નચિકેતાને આપ્યું. આ જ્ઞાન દ્વારા અગ્નિદેવને જાણીને અને તેને અનુભવીને જન્મ મૃત્યુને તરી જાય છે.
ત્રીજું વરદાન – આત્મ રહસ્યનું છે. મરી ગયેલા માણસોના વિષયમાં જે એવો સંદેહ છે કે, કોઈ કહે કે મરણ પામ્યા બાદ આ આત્મા “રહે છે” ને કોઈ કહે છે કે, “નથી રહેતો”. તો સાચું શું છે એનો મને ઉપદેશ આપો. યમરાજ કહે છે કે, આ સૂક્ષ્મ ધર્મ સહેલાઈથી સમજાય તેવો નથી, માટે તું બીજું વરદાન માગી લે; નચિકેતા કહે છે કે આ આત્મ રહસ્યના વિષય સંબંધે કહેનારો આપના જેવો બીજો કોઈ મળે તેમ નથી. એટલા માટે મારી સમજ પ્રમાણે તો એના જેવું બીજું કોઈ પણ વરદાન નથી. યમરાજાએ એને બીજા સો વર્ષના આયુષ્યવાળા, વિશાળ ભૂમંડળનું સામ્રાજ્ય, ધનસંપત્તિ અને અંતકાળ સુધી રહેનારી આજીવિકા, મનુષ્યલોકમાં જે જે ભોગો દુર્લભ છે તે બધા જ ભોગો, કામિની અને કંચન એવા બધા જ ભૌતિક વૈભવો આપવાની ઘણી લાલચો આપીને મરણ સંબંધી પ્રશ્ન નહિ પૂછવા કહ્યું. નચિકેતાકહે છે, “હે યમરાજ! આ બધા ભોગ આવતી કાલે રહેશે કે નહિ, એવા અનિત્ય છે, જે ઈંદ્રિયોના સુખ માટે છે, એ બધું આત્માનું જ્યાં સુધી શાસન છે ત્યાં સુધી અમે અવશ્ય પામી શું જ, પણ મારે માંગવા લાયક વરદાન તો તે આત્મજ્ઞાન જ છે. આ મનુષ્ય જીર્ણ થનારો અને મરણ ધર્મા છે, એવા તત્વને સારી રીતે સમજનારો મનુષ્યલોકનો એવો કયો માણસ છે કે, જે આપના જેવા અજર અને અમર મહાત્માઓનો સંગ પામીને પણ સ્ત્રીઓનાં સૌંદર્ય, ક્રીડા અને આમોદપ્રમોદનું વારંવાર ચિંતન કરતો ઘણા સમય સુધી જીવિત રહેવામાં આનંદ માનશે? હે યમરાજ! જે આત્મતત્વ સંબંધી જ્ઞાનના વિષયમાં લોકો એવી શંકા કરે છે કે, મરણ પછી આત્માનું અસ્તિત્વ રહે છે કે નહિ; એ વિષે આપનું જે નિર્ણયાત્મક અનુભૂત જ્ઞાન હોય તેનો જ ઉપદેશ કૃપા કરીને મને કરો, આત્મતત્વ સંબંધી આ વરદાન અત્યંત ગહન છે એ વાત સાચી છે; પરંતુ આપનો શિષ્ય આ નચિકેતા એનાથી ભિન્ન બીજો કોઈ પણ વર મેળવવા ઈચ્છતો નથી, માટે આપવો હોય તો એ જ વર આપો.”
એ પર્માણે નચિકેતાની યમરાજે પરીક્ષા કરીને તેનામાં વિદ્યાગ્રહણ કરવાની યોગ્યતા જાણ્યા પછી કહ્યુઃ “શ્રેય (વિદ્યા) અને પ્રેય (અવિદ્યા) બન્ને ભિન્ન ભિન્ન ફળ આપનારાં હોવા છતાં પ્રેય મનુષ્યને બાંધે છે. મનુષ્યે પોતાના શ્રેય અને પ્રેયનો વિવેક કરવો જોઈએ, વિવેકી પુરૂષ પ્રેયથી, શ્રેયને શ્રેષ્ઠ માનીને તેને જ અપનાવી પોતાનું કલ્યાણ સાધી લે છે. પ્રેયરૂપી અવિદ્યામાં રહેનારા અનેક કુટિલ ગતિઓની ઈચ્છા કરતા રહીને ભટકતા ફરે છે. અભેદદર્શી કોઈ બીજા જ્ઞાની પુરૂષ આ આત્મતત્વ વિષે ઉપદેશ ન કરે તો આ વિષયમાં મનુષ્યનો પ્રવેશ થતો નથી, કેમકે આ અત્યંત સૂક્ષ્મ વસ્તુ છે, અને તે તર્કથી મળી શકતી નથી. ખરેખર! હે નચિકેતા! તમે ઉત્તમ ધૈર્યવાળા છો. અમને તમારા જેવા જ પ્રશ્ન પૂછનારા મળ્યા કરો.”
મનુષ્ય જ્યારે આ ધર્મમય ઉપદેશ સાંભળીને, સારી રીતે ગ્રહણ કરીને, અને તેના પર વિવેકપૂર્વક વિચાર કરીને આ સૂક્ષ્મ આત્મતત્વને જાણીને અનુભવ કરી લે છે, ત્યારે તે આનંદસ્વરૂપ પરબ્રહ્મ પુરૂષોત્તમને પામીને આનંદમાં જ મગ્ન થઈ જાય છે. એ પરમધામનાં દ્વાર તમારા જેવા અત્યંત જિજ્ઞાસુઓ માટે ઊઘડેલાં માનું છું. સર્વ વેદો જે પદનું વર્ણ કરે છે, જેની પ્રાપ્તિનાં વિવિધ સાધન કહેવામાં આવે છે, જેની ઈચ્છાથી મુમુક્ષુજન બ્રહ્મચર્યનું પાલન કરે છે, તે પદ હું તમને સંક્ષેપમાં કહું છું. આ ‘ૐ’ જ તે પદ છે. આ અક્ષર જ બ્રહ્મ છે, આ અક્ષર જ પર છે; આ ૐકાર જ પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિને માટે સર્વ પ્રકારનાં આલંબનોમાં સર્વથી શ્રેષ્ઠ આલંબન છે અને આ જ સર્વનો અંતિમ આશ્રય છે. એનાથી અન્ય કોઈ આલંબન નથી. આ રહસ્યને સારી પેઠે જાણીને સાધક શ્રદ્ધા અને પ્રેમથી એને આશ્રયે રહે છે, તે ખરેખર પરમાત્માની પ્રાપ્તિનું પરમ ગૌરવ પામે છે.
“આ મેઘાવી આત્મા ઉત્પન્ન થતો નથી તેમ મરતો પણ નથી, આ પોતે કોઈથી થયો નથી તેમ એનાથી કોઈ પણ થયું નથી – અર્થાત્ આ કોઈનું કાર્ય નથી તેમ કોઈનું કારણ નથી. અજન્મા, નિત્ય, હંમેશાં એક સરખો રહેનારો અને પુરાતન છે, ક્ષય અને વૃદ્ધિથી રહિત છે. શરીરનો નાશ થયા પછી પણ એનો નાશ કરી શકાતો નથી – એનો નાશ થતો નથી, કેમકે આત્મા કોઈને મારતો નથી તેમ તે કોઈથી મરાતો પણ નથી. કોઈ વિરલ પુરૂષ જ પરમેશ્વરની કૃપાથી પરમાત્માના તે મહિમાને જોવા પામે છે, તે મહાન સર્વવ્યાપી પરમાત્માને જાણીને બુદ્ધિમાન પુરૂષ કોઈ પણ કારણથી ક્યારેક શોક કરતો નથી. જે દુરાચરણથી અટક્યો નથી, જેની ઈંદ્રિયો શાંત થઈ નથી અને જેનું ચિત્ત શાંત નથી તે માણસ એને પ્રાપ્ત કરી શકતો નથી. હે નચિકેતા! તમે જીવાત્માને રથનો સ્વામી જાણો, શરીરને જ રથ માનો તથા બુદ્ધિને સારથિ જાણો અને મનને લગામ સમજો. જે કોઈ માણસ વિવેકશીલ બુદ્ધિરૂપ સારથિથી યુક્ત તથા મનને વશમાં રાખનારો હોય છે, તે સંસારમાર્ગને પાર કરીને તે વ્યાપક પરમાત્માના પરમ પદને પ્રાપ્ત કરે છે. ઈંદ્રિયોની અપેક્ષાએ વિષયો બળવાન છે, વિષયોથી મન બળવાન છે, મન કરતાં બુદ્ધિ બળવાન છે અને બુદ્ધિથી મહાન આત્મા અત્યંત શ્રેષ્ઠ અને બલવત્તમ છે. સર્વ ભૂતોમાં રહેતો હોવા છતાંય છુપાયેલો આ આત્મા પ્રત્યક્ષ જોઈ શકાતો નથી, એ તીવ્ર અને સૂક્ષ્મ બુદ્ધિથી જ જોઈ શકાય છે.”
બુદ્ધિમાન સાધકે વાણી વગેરે સર્વ ઈંદ્રિયોનો મનમાં નિરોધ કરવો. તેવા વશ કરેલા મનને જ્ઞાનસ્વરૂપ બુદ્ધિમાં વિલીન કરવું, બુદ્ધિને આત્મામાં લય કરવી અને આત્માને શાંત સ્વરૂપ પરમાત્મામાં નિયુક્ત કરવો. અહીં યમરાજા નચિકેતાને ઉદબોધન કરે છે, જે તેને સ્વામી વિવેકાનંદે પોતાનો ગુરૂમંત્ર બનાવી જગતને ઉપનિષદોની મહાનતાનો અવિચળ સંદેશ આપ્યો, તે આ જ મંત્ર “ઉત્તિષ્ઠત, જાગ્રત, પ્રાપ્ય વરાન્નિબોધત!” ઊઠો, જાગો, ધ્યેય સિદ્ધ ન થાય ત્યાં સુધી આ જ્ઞાનને પ્રાપ્ત કરવાના અવિરત પ્રયાસો કરો. Arise, Awake, stop not till the goal is reached. પરમાત્માને જાણીને માણસ મૃત્યુના મુખથી હંમેસને માટે છૂટી જાય છે. યમરાજ વડે કહેવામાં આવેલા અને નચિકેતા વડે પ્રાપ્ત કરાયેલા આ સનાતન ઉપાખ્યાનને કહીને, તેનું વર્ણન કરીને તથા તેનું શ્રવણ કરીને બુદ્ધિમાન બ્રહ્મલોકમાં પ્રતિષ્ઠિત થાય છે.
જો કોઈ સાધક આ મનુષ્યશરીરનો નાશ થતાં પહેલાં જ પરમેશ્વરને જાણી લે છે, તો તો તેનું જીવન સફળ થઈ જાય છે; અનાદિ કાળથી જન્મમૃત્યુના પ્રવાહમાં પડેલો તે જીવ છુટકારો પામી જાય છે; નહિ તો પછી તેને અનેક કલ્પો સુધી વિભિન્ન લોક અને યોનિઓમાં શરીર ધારણ કરવા માટે ફરજ પડે છે, આથી માણસે મરણ આવતાં પહેલાં જ પરમાત્માને જાણી લેવો જોઈએ. આ પરમપદની પ્રાપ્તિ માટે યોગાભ્યાસ કરતાં કરતાં મન સહિત પાંચે જ્ઞાનેંદ્રિયો સારી પેઠે સ્થિર થઈ જાય છે અને બુદ્ધિ પણ પરમાત્માનું જ્ઞાન થવાથી અન્ય કોઈ પણ ચેષ્ટા કરતી નથી; એવી સ્થિતિને યોગીઓ યોગની સર્વોત્તમ સ્થિતિ હોવાનું કહે છે. જ્યારે સાધકના હ્રદયની અહંતા-મમતારૂપ સમસ્ત અજ્ઞાન ગ્રંથીઓ સારી પેઠે કપાઈ જાય છે, તેના સર્વ પ્રકારના સંશયો સર્વથા નષ્ટ થઈ જાય છે ને ઉપર કહેલા ઉપદેશ પ્રમાણે તેને એવો દ્રઢ નિશ્ચય થઈ જાય છે કે, “પરબ્રહ્મ પરમેશ્વર અવશ્ય છે અને તેની પ્રાપ્તિ જરૂર થાય છે” ત્યારે એવા સાધકો આ જીવનમાં જ જીવતા જીવત પરમાત્માનો સાક્ષાત્કાર કરીને અમર થઈ જાય છે. આ વેદાંતનો સનાતન ઉપદેશ છે. યમરાજાએ કહેલી આ આત્મ રહસ્યની વિદ્યા અને યોગવિધિને પામીને નચિકેતા બ્રહ્મભાવને પ્રાપ્ત થઈને મૃત્યુ રહિત થઈ ગયો. કઠોપનિષદના યમ અને નચિકેતાના આ આત્મરહસ્યના સંવાદનું જો આપણે પણ વારંવાર નિષ્ઠાભર્યા પ્રયાસોથી શાંત અને એકાગ્ર ચિત્તે ચિંતન, મનન કરીશું તો અવશ્ય નિર્ભયતા પ્રાપ્ત કરી મૃત્યુરહિત બની શકીશું.
૨૬. ગીતાના આઠમા અધ્યાયનો અભેદભાવ
ગીતાનો આઠમો અધ્યાય અક્ષરબ્રહ્મ યોગ ખૂબ જ મહત્વનો છે. એમાં પરમાત્મા શું છે? એ બેની એકતા વડે ચિત્તની શાંતિ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? એ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે માણસે પોતાના ચિત્તની વૃત્તિને કેવા પ્રકારે કેળવવી જોઈએ? ચિત્તની વૃત્તિ ખોટી જગ્યાએ જતી હતી તેને આપણે સાચી દિશાએ વાળી લઈએ, કારણકે આપણને સુખ જોઈતું હતું, પણ જે જગ્યાએ સુખ છે એ દિશાએ ન જતાં કોઈકના ભરમાવ્યા આપણે ઊંધી દિશામાં જઈએ છીએ – એ ભરમાવનાર કોણ? એને જ કામના, વાસના કહે છે; એને જ માયા કહે છે.
હવે એ જૂની પડેલી ટેવને છોડી નવી દિશામાં જવાની ટેવ પાડવાની છે. અઘરૂં લાગે છે, અઘરૂં કશું જ નથી. ફક્ત એની પાછળ થોડી મહેનત કરવામાં આવે તો એની ટેવ પડી જાય.
જીવાત્મા એ ઈશ્વરનું જ સંતાન છે, ઈશ્વરનું જ વિસ્તરણ છે, extension એનું જ સ્વરૂપ છે. કારણકે જીવ ઈશ્વરનો અંશ છે એટલે એ ઈશ્વરનો જ વિસ્તાર છે. એક દાખલો લઈએ સમજાવવા માટે, સરખામણી કરવાની નથી. આ દેહ-શરીર છે. આ ધડ અને વચલા ભાગને આત્મા કહીએ છીએ. આ પાંચ કર્મેન્દ્રિયો-હાથ-પગ-કાન-નાક-જીભ વગેરે એ બધા દેહના જ વિસ્તારો છે. એના ઉપયોગ ખાતર આ હાથ છે, આ પગ છે વગેરે નામ પાડીએ છીએ, પણ એ બધા દેહથી જુદા નથી – એ દેહનો જ વિસ્તાર છે – દેહના જ સંતાનો છે.
દેહના આ ધડને સાચવવું તો આ અવયવો એની મેળે સચવાશે – દેહના કોઈ પણ અંગની ઉપેક્ષા કરવી એટલે સમગ્ર દેહની ઉપેક્ષા થઈ કહેવાય – એવી રીતે આ જીવાત્માઓ ઈશ્વરનાં જ સંતાનો હોવાથી જો એના મધ્યને, એના આત્માને જો ભૂલી જાય તો એનું શ્રેય કેવી રીતે થઈ શકે? અસલ રૂપી પરમાત્મા કે જેનાં આપણે બધાં અંગો છીએ, એને જો સાચવી લીધું હોય તો એની મેળે બધું સચવાઈ જશે.
જો માણસ સમજી જાય કે આ દેહ વગર આ શરીરનાં અંગો કંઈ જ કામનાં નથી તો એ દેહને પુષ્ટ કરવા એને સારી રીતે રાખવા એ હંમેશાં સજાગ રહે.
આપણે મૂલરૂપે એ સમજવાનું છે કે આપણને પરમાત્મામાં અને આપણામાં જે ભેદભાવ દેખાય છે એને જ અવિદ્યા, અજ્ઞાન, મેલ કહે છે. આપણા શુદ્ધ જ્ઞાન ઉપર ચઢી ગયેલો એ આવરણોરૂપી મેલ છે. આ જગતમાં લોકોને અનેક મૂંઝવણો થાય છે કે મારૂં કેમ ભલું નથી થતું, હું આનું શું કરૂં, તેનું શું કરૂં – એમ જાતજાતની મૂંઝવણો અનુભવે છે. એનું કારણ એક જ છે કે સ્વરૂપનું અજ્ઞાન, ‘હું’ કોણ છું એનું અજ્ઞાન. આ દુનિયામાં લોભ-મોહ-કલેશ-કંકાશ વગેરેથી આપણું જ્ઞાન ઢંકાઈ ગયેલ છે, એમને ખસેડવાના છે, ઐતરેય ઉપનિષદમાં કહ્યું છે કે ઈશ્વરે પોતે આ દેહ રચ્યો છે, એના અંદર એ પોતે પેઠો અને ઈંદ્રિયોની અંદર એ પોતે જ લપેટાઈ ગયો, અને કોઈ ગુરૂએ એને આવીને કહ્યું કે ભાઈ, આ તો બધી તારી જ રચના છે! એમ માણસને કોઈ ગુરૂ કહે કે ભાઈ, ઊભો રહે, તું આમ શીદને દુઃખી થાય છે? તું જો તો ખરો ‘તું’ કોણ છે – મમૈવાસો જીવલોકે – એ તો ઈશ્વરનો જ અંશ છે, એનો જ વિસ્તાર છે. જો હું ઈશ્વરનો જ અંશ છું તો શીદને આ બધી માથાકૂટ કરૂં? હું તો સર્વશક્તિમાન છું, સર્વજ્ઞ છું. ઝીણી ઝીણી બાબતોમાં પેસી જઈને પછી એને જ મારંસ કુંડાળું કરી લઉં – કૂવામાં કૂદકો મારીને, પછી હું તો કૂવાનું જ દેડકું બસ મને તો એ જ ફાવે, હવે તમે જો મને બહાર કાઢશો તો હું મૂંઝાઈને મરી જઈશ, એવું સાંકડાપણું આપણે શા માટે કરવું જોઈએ? એવી રીતે એ જ્ઞાન વડે એ અજ્ઞાનનો નાશ થાય છે. અનેક જન્મોનું અજ્ઞાન હોય તો પણ એક જ ક્ષણમાં એનો નાશ થઈ શકે છે.
ગુરૂ દ્રોણાચાર્યની મહાભારતમાં વાત છે. એમના પર એવો આક્ષેપ હતો કે એઓ પાંડવો અને કૌરવોના છોકરાઓને વિદ્યા શીખવતાં પક્ષપાત કરતા, પણ ત્યાં એવું સમજનારાઓની ભૂલ થાય છે. ગુરૂ તો જડ અને બુદ્ધિમાનને એક સરખી વિદ્યા આપે છે, પણ ગ્રહણ કરનારની બુદ્ધિ ઉપર બધો આધાર રહે છે. ગુરૂએ બે ઓરડા બનાવ્યા, બારી-બારણાં કંઈ ન મળે, ઓરડા ખાલી હતા. કૌરવો અને પાંડવોને બંનેને કહ્યું “તમે બધા ભાઈઓ, ભાઈઓ છો. તમને આ બે ઓરડાઓ આપવામાં આવે છે. એક ઓરડી કૌરવોની અને એક ઓરડી પાંડવોની. આ ઓરડીને જે સૌથી વહેલી ભરી દે તેને હું બુદ્ધિમાન ગણું.” કૌરવો દોડ્યા અને હલકામાં હલકી વસ્તુથી એ ઓરડો ભરી દેવા ઘાસ વગેરે લેવા દોડ્યા. બીજી બાજુ યુધિષ્ઠિર આદિ પાંચ ભાઈઓએ વિચાર કર્યો, ઓરડીની અંદર જઈને એક દીવો કરીને બેસી ગયા. એટલે દ્રોણાચાર્યે કહ્યું કે જુઓ પાંડવોએ ઓરડો પહેલો ભરી દીધો અને આ કૌરવો તો હજી ઘાસ શોધે છે. આવી રીતે બુદ્ધિનો ઉપયોગ થાય છે. એવી રીતે કાર્તિકેય સ્વામી અને ગણપતિનું પણ કહેવાય છે. કન્યા પરણવાનું આવ્યું ત્યારે આ પૃથ્વીને જે કોઈ પ્રદક્ષિણા કરીને પહેલો આવે તે કન્યાને પરણે. કાર્તિકેય સ્વામી તો પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળી પડ્યા. ગણપતિ બુદ્ધિમાન હતા, એ મા-બાપની પ્રદક્ષિણા કરીને બેસી ગયા. તેને કન્યા પરણાવી દીધી. કાર્તિકેય સ્વામી આવીને જુએ છે તો કન્યા તો ગણપતિને પરણી ગઈ. ત્યાં શાસ્ત્રોમાં કહ્યું છે કે મા-બાપની પ્રદક્ષિણા એ પૃથ્વીની પ્રદક્ષિણા સમાન જ છે. તેથી ગણપતિની પૂજા થાય છે. ગણપતિ એ મનનો દેવ છે. મનની પૂજા, બુદ્ધિની પૂજા પહેલી થાય છે – કોઈ પણ શુભ કાર્યના આરંભે. એવી રીતે જ્ઞાનની ચતુરાઈ એવી છે કે એના વડે મોટા મોટા પ્રશ્નો રમતમાં ઉકલી જાય. ભવોભવના આ અજ્ઞાનથી છૂટવા કશું જ ઉપદેશરૂપે કરવાનું નથી. કોઈ સદગુરૂ પાસેથી જ્ઞાનનો દીવો પ્રગટાવ્યાની સાથે જ ભવોભવનું એ અંધારૂં અદ્રશ્ય થઈ જાય.
આ બધા પ્રકૃતિના ખેલ છે, પ્રારબ્ધ પ્રમાણે બધું ચાલે છે. પ્રકૃતિના ગુણો જ ગુણો સાથે રમે છે. પ્ર-આરબ્ધ શરૂ થયું છે તો એના સમયે પૂરૂં થશે, થશે ને થશે જ. એમાં કોઈનું કશું જ ચાલવાનું નથી – એમ સમજીને શા માટે એ કામ ઈશ્વરને સોંપીને બેસી નથી જતા? શા માટે આપણે આપણા પુરૂષાર્થમાં ન લાગીએ? આ જ જ્ઞાન માર્ગ કહે છે. જેના હાથમાં એનો દોરી સંચાર છે તેને આ પ્રારબ્ધ સોંપી દઈને બેસી શા માટે ન જઈએ? એટલે સ્વરૂપના અજ્ઞાનનો મેલ એ અહંકારનો મેલ, હું-મારૂં-તારૂં, એને જ અવિદ્યા-મેલ કહે છે. એને કાઢવી એ જ ચિત્તની શુદ્ધિ. જ્યાં ચિત્તની શુદ્ધિરૂપી દીવો પ્રગટાવ્યો ત્યાં ઈશ્વરની હાજરી છે જ. પ્રકાશ એ જ ઈશ્વર છે – જ્યાં પ્રકાશ છે ત્યાં ઈશ્વરની હાજરી છે જ.
એનો અર્થ એવો કદી નહિ કરવાનો કે આ પૂજા-પાઠ, ધર્મ, કર્મ, યજ્ઞ-યાગ વગેરે ખોટા છે. એ ખોટા નથી. જેની દ્રષ્ટિ આ સ્થૂળ પદાર્થ કરફ હજી વિશેષ છે, જેમનો આત્માનો વિકાસ થયો નથી “ઈશ્વર એટલે શું, હું એટલે શું, જગત એટલે શું, જીવ એટલે શું, આ બધું શું છે” – એવો વિચાર કરવા સુધી જે હજી પહોંચ્યા નથી, જેને આ ઈંદ્રિયો વિશે હજી ખૂબ રસ છે, એવાઓને ચિત્તની શુદ્ધિ માટે, નિષ્કામપણું સાધવા માટે, ઈશ્વરને બધું સમર્પણ કરવાની વૃત્તિને ઉત્પન્ન કરવા માટે આ પૂજા-પાઠ, જપ-તપ-વગેરે બધું જ આવશ્યક છે. જગતનો મોટો ભાગ હજી એ જ સ્થિતિમાં છે, એટલે આચાર્યોએ આ બધું યોજ્યું છે. ધર્મ પ્રત્યેની ફરજરૂપે પણ તમે ભગવાનનું સ્મરણ કરો!
એમ જ્ઞાનના માર્ગની હજી જેને ગતાગમ નથી, એ કોઈ પણ રીતે ભજતા હોય તો એમાં ખોટું શું છે? આપણે અહીં જે વાત કરીએ છીએ એ તો જ્ઞાનમાર્ગના પ્રવાસીએ સમજી લેવા માટે છે, એ પ્રમાણે પોતાના ચિત્તની વૃત્તિને ઢાળવા માટે છે. રમણ મહર્ષિએ કહ્યું છે કે ઈશ્વરનું ધ્યાન કાયા-વાણી અને મન એ ત્રણ વડે કરવું જોઈએ. એ ક્રમ કેવો છેઃ- વાણી વડે જપ, મન વડે ચિંતન અને શરીર વડે પૂજન કરવું જોઈએ. ઈશ્વર મારો માલિક છે અને હું એનો સેવક છું – હું એની પૂજા અર્ચના કરીને એની કૃપા મેળવું — આવા ભાવથી કરવું જોઈએ.
એ બાપ છે, હું દીકરો છું. બાપને રાજી કરીને હું કંઈક લાભ કાઢું. એવો જેને ભેદભાવ હોય તેવાએ પોતાનાં તન-મન અને વાણીને પૂજન-જપ અને ચિંતનમાં રોકવા જોઈએ, પણ આત્માને પાવન કરનારી વસ્તુ તો એક જ છે અને તે અભેદભાવ. અભેદભાવ એ જ પાવન કરનારો છે. હું અને ઈશ્વર જુદા છીએ જ નહિ. હું એ જ ઈશ્વરનું સંતાન છું. એ વસ્તુની જેને ગમ પડી ગઈ એને માટે એ જપ-ચિંતન અને પૂજન, એ વસ્તુ ગૌણ બની જાય છે. અભેદભાવનું ચિંતન, કે જેને આત્મભાવ કહે છે એ મુખ્ય બની જાય છે.
જેમને આત્મકલ્યાણ સાધવું હોય એવા શુદ્ધ બુદ્ધિવાળા ગૃહસ્થીઓએ નિષ્કામ કર્મયોગની ભાવનાથી શરૂઆત કરવીએ પહેલું પગથિયું છે, એ પહેલું પગથિયું છે, એ પહેલું પગથિયું જો નહિ લો તો બાકી પગથિયાં તમે ચઢી શકવાના નથી.
આવી રીતે ધર્મ-કર્મ વગેરેને નંબર ટુ માનવીને, એને ગૌણપદ આપીને ‘મારો અને ઈશ્વરનો અભેદ છે.’ હું ઈશ્વર સ્વરૂપ છું. ઈશ્વર મારાથી ભિન્ન નથી – એવો ભાવ કેળવવો જોઈએ.
૨૭. માનવ શરીરનું મહત્વ
આ મનુષ્ય શરીર જે મળ્યું છે, એનું મહત્વ ખૂબ જાણવા જેવું છે. આપણાં શાસ્ત્રો કહે છે કે દેવલોક કે પશુલોક એ બંનેનો કદી પણ મોક્ષ નથી. મોક્ષ એકલા માણસના શરીરનો જ છે, કેમકે દેવ અને પશુ બંને ભોગ યોનીઓ છે. કર્મ કરવા અને ફળ ભોગવવા. સત્કર્મોનાં ફળ સ્વર્ગમાં જ મળે, સ્વર્ગમાં અક્કલ નથી, તેથી દેવોને પણ અક્કલ નથી. એ તો ભોગવી જાણે.
દેવો એટલે આ શરીરની ઈન્દ્રિયો અને એની શક્તિઓને અક્કલ નથી, એ અક્કલ વગર ભોગવી જાણે. પશુ કેવળ પાપનાં ફળ ભોગવી જાણે. વિવેકબુદ્ધિ કેવળ માણસના શરીરને જ પ્રાપ્ત થાય છે.
ઉંબરા ઉપર એક બાજુ દેવ અને એક બાજુ પશુ, એ બંને સરખા થાય, ચિત્તમાં પુણ્ય અને પાપ બંને સમાન સ્થિતિમાં આવે ત્યારે એને મનુષ્ય જન્મ મળે, ત્યારે જ એને ભગવાન પેલી અક્કલની પોટલી આપે છે, કે ભાઈ બુદ્ધિપૂર્વક આ વિવેકની, અક્કલની પોટલીને વાપર અને તારે જે થવું હોય તે થા. જો આ બંનેમાંથી એકેય ન ખપે તો બંનેને છોડ અને સીધો ચાલ મામાને ઘેર. મામાનું ઘર કેટલે! અક્કલનો દીવો બળે તેટલે! એનો અર્થ એ છે કે મા + મા = માયા, મતિમાન માયા જ છે. સકળ જગતમાં જેટલી મા છે, બધી જ માયા, એ ‘મા’ ના હાથે છોકરાનું હિત ભાગ્યે જ થાય. કોઈ અપવાદરૂપ હોય, બાકી અહિત જ થાય. એની પાર મુક્તિ અને જ્ઞાન છે. એટલે જ કહ્યું છે કે મામાનું ઘર કેટલે? તો આ જ્ઞાનનો દીવો બળે તેટલે.
અનાજ ખેતરમાં લીલુંછમ ઊગે છે, પાકી જાય છે, પછી રંધાય છે, ખવાય છે, અને એનો નાશ થાય છે, તેવી રીતે મનુષ્ય પણ અનાજની જેમ જન્મે છે, લીલોસટ લાગે છે, પાકે છે, અને મોત એને ખાઈ જાય છે, ખતમ થઈ જાય છે; પાછો જન્મે છે, પણ એનું મહત્વ અનાજ કરતાં ઘણું વધારે છે.
No traveller ever returned with the same body to the same people. અર્થ એ કે મૃત્યુ પછીતે જ શરીરે પાછું કોઈ આવતું નથી.
તેથી વેદાંત કહે છે કે આ મનુષ્ય દેહ વડે જ અહીંના અહીં, જીવતા જીવત અમરતા પ્રાપ્ત કરી લો. કીમતી સમયનો દૂરૂપયોગ ન કરો. અમરતા એટલે શું? અમરતા બે જાતની છે. એક અમરતા દેવોની કે જે સત્કર્મો કરી સ્વર્ગમાં જાય અને ત્યાં લાંબું જીવી, પરમીટ પૂરી થાય એટલે પાછા મનુષ્યલોકમાં જન્મવાનું. બીજી અમરતા જે સાચી અમરતા છે તે પોતાને પોતાના સાચા સ્વરૂપનું ભાન થવું, એ અમરતા નિત્યની છે. એમાં જન્મ-મરણના ફેરા મટી જાય છે.
જીવ પણ અમર છે, જીવ મરતો નથી, જ્યાં સુધી કામનાઓ છે, ત્યાં સુધી જીવ મરતો નથી, મરે છે કેવળ આ શરીર. જીવ અનંત છે, અનાદિ છે. જ્યાં સુધી જીવને વાસનાઓ છે ત્યાં સુધી શરીરો બદલે છે.
તેથી વેદાંતમાં આત્મજ્ઞાનીને અમર કહ્યો છે, શરીર હોવા છતાં એણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે. શરીર એનાં પ્રારબ્ધ કર્મો ભોગવે છે તેને આત્મજ્ઞાની સાક્ષીભાવે જોયા કરે છે.
જ્ઞાન થતાં જીવ મરી જાય છે, એટલે કે જીવભાવ એવા જ્ઞાનીને રહેતો નથી, સુખી-દુઃખી થવા પણું એને રહેતું જ નથી. સર્વત્ર થઈ રહેલ ઈશ્વરની માયાવી લીલાને એ સુખ-દુઃખના ભાવ વગર સાક્ષીભાવે જોય કરે છે. જે જીવને સુખી કે દુઃખી થવાની મનમાં ભાવના જ નથી એ જીવ અમર છે. એને સાપેક્ષ અમર કહે છે એટલે કે ‘વાસના અને જીવ એ બે નો સમન્વય સંબંધ છે.’
જીવનો નાશ એટલે વાસનાનો નાશ, વાસનાઓ એટલે મનમાં થતી અનેક કામનાઓ, ઈચ્છાઓ, આ જોઈએ તે જોઈએ ની દોડાદોડ. એ વાસનાનો નાશ એટલે બધા જ દુઃખોનો નાશ, અને જે જીવ સર્વ દુઃખભાવથી મુક્ત થયો એ સર્વત્ર ઈશ્વરની લીલા જુએ, તેમાં પરમ આનંદ જ અનુભવે છે. એવા પરમાનંદના સુખને જ બ્રહ્માનંદ, એટલે આનંદ સ્વરૂપ કહે છે. એવા આનંદ સ્વરૂપ જ અમર કહેવાય છે.
૨૮. તું કોણ?
શક્તિ એક ક્ષણભર માટે પણ સ્થિર રહી શકતી નથી. ધૂળથી અને એક ઘાસના તણખલાથી લઈને છેક ઈશ્વર સુધી તે કંપાયમાન છે, ચલાયમાન છે. કોઈ એક ક્ષણ રહે, કોઈ પાંચ ક્ષણ, કોઈ કલાક, કોઈ થોડા દિવસ, કોઈ થોડા વરસ, કોઈ પચ્ચીસ વર્ષ, પચાસ વર્ષ કે હજાર વર્ષ પણ જવાનું ચોક્કસ. એ ઊપજ્યું ક્યારે એની ખબર નથી પણ એનો છેડો તો ચોક્કસ છે જ. ઉત્પત્તિ ભલે ન જાણીએ પણ છેડો તો જાણીએ છીએ. એ બધી કંપાયમાન વસ્તુઓ છે.
આપણે જાણીએ છીએ કે પરમાત્મા ચંચળ નથી, પણ બીજું બધું ચંચળ છે. છતાં આપણા જીવનમાં પ્રારબ્ધવસાત્ એને મહત્વ આપીએ. પ્રારબ્ધ પ્રમાણે વ્યવહાર કરવો એટલે એ ચંચળતાને મહત્વ આપવું. એ બધાનો જે આધાર અને મારોય આધાર, મારા જીવનોય આધાર, મારા અભિમાનનોય આધાર, એનો ભાવ કેમ નથી પૂછતા?
મને કોઈ પૂછે કે ભાઈ, તું કોણ છે? તો તેને જવાબ આપીએ કે મારૂં નામ ફલાણું, હું ફલાણો, ફલાણો મારો બાપ, મારો દાદો, આખી વંશાવળી કહી દઈએ, પણ પોતે ખરેખરો જે છે તે નથી જાણતો; અને કોઈ બતાવવા માગે કે ભાઈ, તારો આત્મા, તારૂં સ્વરૂપ, તારૂં રૂપ જાણી લે, તો તે જાણવાનું તેને બહુ અઘરૂં લાગે છે. પોતાની જાતને જાણવાનું આપણને અઘરું કેમ પડે છે તે વિગતે જાણવું છે.
કોઈ ખાવાની વસ્તુ કરવી છે, તો એની એકેએક વિગત આપણે નોંધી લઈએ, કયા મસાલા અને તે કેટલા તે બધું નોંધી લઈએ. કોઈ કહે કે આ વસ્તુ આમ કરવાથી વધારે સારી થશે તો તે પણ નોંધી લઈએ, તેની કેટલી બધી કાળજી રાખીએ.
પણ હું કોણ છું, એનો પત્તો લગાડવાનું અઘરૂં પડે છે. જેટલી કાળજી રસોઈ, પહેરવા, ઓઢવા, ખાવા-પીવા અને કોઈપણ વસ્તુને જાણવામાં રાખીએ, એના અડધાં ભાગની કાળજી અને મહેનત પોતાની જાતને જાણવામાં રાખીએ, તો આત્મા તો છે જ, મારી જાત છે, એ તો તરત જ હાજર થઈ જાય અને એક જ મિનિટમાં બધો સંતાપ ટળી જાય, જગત પણ સુંદર લાગે. આપણને પેલો એકડો મળી ગયો, એટલે પેલા મીંડાનું મૂલ્ય કરોડગણું થઈ જાય. જે દુઃખભાવને લીધે લોકો કહે છે કે અમને માયાથી છોડાવો, સંસારથી છોડાવો, એ છોડાવવાનું કામ બની જાય છે. પણ એવું કોઈનું કરવું નથી.
બુદ્ધિ બે પ્રકારની કહી છેઃ-
૧. કર્માનુસારિણી બુદ્ધિઃ – દરેક પ્રાણી પોતાનાં કર્મ પૂરાં કરવા માટે કર્માનુસારિણી બુદ્ધિ ઉપર ભટકે છે. માણસ પણ બુદ્ધિમાં ગમ તેવો ચતુર કહેવાતો હોય, પણ જ્યારે એનું પ્રારબ્ધ જોર કરે ત્યારે છતી અક્કલે આંધળો થઈને એવાં કામ કરી બેસે કે માર ખાઈ જાય. કર્માનુસારિણી બુદ્ધિ પ્રમાણે આપણે આપણો સંસાર ચલાવીએ અને તે વડે કર્મફળ પૂરા કરવાનાં છે, પાચલી ઈચ્છાઓ અને વાસનાઓ જે કરેલી તે પૂરી કરવાની.
૨. વિવેક બુદ્ધિઃ— વિવેક બુદ્ધિ કેવળ માણસને જ મળેલી છે, અને એ બુદ્ધિના ઉપયોગ વડે આત્મકલ્યાણ સાધી લેવામાં આવે તો પછી સુખી-દુખી થવાપણું રહેતું નથી.
લોકો ધરમ-કરમ, સત્કર્મ, દુષ્ટકર્મ, દાન-પુણ્ય, યજ્ઞ-યાગ વગેરે શાને માટે કરે છે? મોતના ભયથી, મર્યા પછી મારૂં સું થશે, આશાના માર્યા કે અહીં દુઃખ ભોગવી બીજા ભવમાં સુખી થશું? બીજા ભવનું તો કોણે જાણ્યું? પણ આ ભવમાં દુઃખી થયા એ વાત ચોક્કસ. મર્યા પછી પણ જો સુખી થઈશું તો બહુ સરસ વાત છે, પણ અત્યારનું શું? માટે અત્યારની ક્ષણ જાળવી લો. પછી બધી ક્ષણો જળવાઈ જશે, આ એક જ ક્ષણને જાળવી જાણો.
આ જીવનમાં બે વસ્તુઓ છે, એક પ્રારબ્ધ અને બીજું કર્મફળ. એ બે વસ્તુઓને પૂરી કરવાની છે. ત્રીજું જેને મોક્ષ કહે છે ત્યાં તો પ્રારબ્ધ અને કર્મફળના પાશોમાંથી મુક્ત થયા વગર પ્રવેશ નથી. ત્યાં કોઈ પણ સામાન સાથે પ્રવેશ નથી. જેમ મંદિરમાં જઈએ તો જોડા અને છત્રી બહાર મૂકીને જવું જોઈએ એવી રીતે મોક્ષમાં કોઈ સામાન સાથે પ્રવેશ નથી.
જીવન એક સફારી છે, એ સફારીમાં આપણેને કર્મફળ અને વાસનાઓથી મુક્ત થઈને એ બધાનો નાશ કર્યા વગર મોક્ષમાં પ્રવેશ નથી. એવા મોક્ષ વડે જ સુખી થઈ શકાય છે. અહીં હું શિકારની સફરે આવ્યો છું. કોનો શિકાર કરવાનો છે? પોતાના અહંકારનો, જીવભાવનો, આ ‘હું’ છું! આ ‘હું’ કરૂં છું. એનો શિકાર.
માણસ સુખને શોધે છે, પણ અજ્ઞાનને લીધે એને ખબર નથી પડતી કે એ પોતે સુખસ્વરૂપ જ છે. જો મનમાં એવો નિર્ણય કરે તો એ પ્રમાણે એ જરૂર સુખી થાય. એને Familycois માં કહે છે.
લગભગ સોએક વર્ષ પર ફ્રાન્સમાં એક Familycois નામનો મોટો સાઈકોલોજીસ્ટ થઈ ગયો હતો. એનો એવો સિદ્ધાંત હતો, જે આપણા વેદાંતે હજારો વર્ષ પહેલાં કહેલો કે ”માણસ જેવો પોતાને માને એવો એ છે.” થઈ જશે એમ નહિ, પણ છે. એટલે મનથી તમે દ્રઢ નિર્ણય કરો કે હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, ભલે તમે બ્રહ્મ શું છે તે ન જાણતા હો, તોપણ તમે સમ્યકભાવ કેળવી, એક જ વસ્તુનું રટણ કરો કે “હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું” તો એ મનોવિદ્યાના નિયમ પ્રમાણે તમારૂં પરિવર્તન જરૂર થવાનું.
૨૯. શ્રેય અને પ્રેય
દરેક જીવ, પછી તે ભલે ચેતન હોય કે જડ હોય, એ બધા છેવટે શેને ઝંખે છે? ઈચ્છે છે? એ બધા શેને માટે પ્રયત્ન કરતા હોય છે? સુખને માટે! એ બધા સુખને માટે જ ફાંફાં મારે છે. સુખ જેવું લાગે છે અને થોડી વારમાં એ ચાલ્યું જાય છે. ગભરાઈને બધે શોધે છે, મળતું નથી, મળે ત્યારે ક્ષણમાં જતું રહે છે! એનો ડંખ મૂકી જાય છે.
જીવ સુખ શા માટે શોધે છે? એની પોતાને ખબર નથી. આત્માનો મૂળગત સ્વભાવ તો સુખસ્વરૂપ જ છે, એ સત્-ચિત્ત-આનંદ જ છે. પણ જ્યારે એમાં ડખલો થાય છે, વિક્ષેપ થાય છે તે એનાથી નખી ખમાતા, એટલે એનાથી બચવા માટે મહેનત કરે છે, પણ સુખ કદી આવતું નથી. સુખ તો છે જ, પણ આવે છે દુઃખ. માણસ સુખના રસ્તા શોધવાના નિમિત્તે દુઃખના રસ્તા ઊભા કરે છે; કેમકે સુખ શોધવાનું છે જ નહિ.
દુનિયાદારીનું એવું એકેય સુખ નથી કે જે દુઃખ સાતે સંકળાયેલું ન હોય! અજ્ઞાન અને મોહને કારણે માણસ ગમે તેવા સુખને માટે ફાંફાં મારે છે, ભાન ભૂલીને અથડાય છે અને કલેશ તથા સંતાપ પામે છે.
જ્ઞાનની સાત ભૂમિકાઓ કહી છે, એમાં છેલ્લી ‘તૃપ્તિ’ છે. જેને બધું મળ્યું હોય, તો તે પણ કદી તૃપ્ત થયો નથી. કાંઈ ને કાંઈ બાકી તો રહેલું લાગે જ છે! એનું કારણ શું? એનું કારણ જ્યાં સુધી વાસનાઓ અને ઈચ્છાઓ પ્રબળ હોય છે, ‘જોઈએ છે, જોઈએ છે’ ત્યાં સુધી તૃપ્તિ હોય જ નહિ. કદાપિ સંતોષ થયો નથી. શું જોઈએ છે, શું ખૂટે છે? તેની પણ ખબર તેને નથી, એટલે ફાંફાં માર્યા જ કરે છે, એ કારણે જનમ-મરણની ઘટમાળ ચાલ્યા કરે છે.
ખરેખર તો જીવને પોતાનું ખોવાયેલ આનંદસ્વરૂપ પાછું જોઈએ છે, પણ તે મેળવતાં નથી આવડતું, તેના જ ફાંફાં મારે છે, કર્મ કરે, એનાં ફળ ભોગવે. પાછો આવે, વાસનાઓ થાય, કર્મ કરે, ફળ ભોગવે અને એ રીતે એ જીવની જનમ-મરણની ઘટમાળ ચાલ્યા જ કરે છે. જોઈતી વસ્તુ જ્યાં સુધી નહિ મળે ત્યાં સુધી જનમ-મરણનું ચક્કર અતૃપ્તિને કારણે જ હોય છે.
એ તૃપ્તિ કઈ છે અને કેવી રીતે થાય? એને માટે યોગ્ય શાસ્ત્રીય ઉપાય શું છે? એની ખબર પડતાં તે જ ઘડીએ તૃપ્તિ થાય, કલેશ ટળી જાય; ન જોઈતું આવે અને જનમ-મરણ કપાઈ જાય, શાન્ત થઈ જાય, મરવાનીયે જરૂર નથી પડતી. એ વિદ્યાનો કોઈ જાણકાર મળે ત્યારે જ આ સમજાય છે.ખોટી જગ્યાએ ફાંફાં મારે તો ખોટી જ વસ્તુ મળે, પણ એની રીત પ્રમાણેના પ્રયત્નો હોય તો ત્યાં પૂર્ણમદઃ પૂર્મમિદમ્ થઈ જાય.
શ્રેય એને પ્રેય આ બે શબ્દોના અર્થ આપણે વિગતે સમજી લઈએ. માણસના જીવનની ચઢતી અને પડતીમાં આ શ્રેય અને પ્રેય ખૂબ મહત્વના કહ્યા છે. શ્રેય એટલે વિદ્યા અને પ્રેય એટલે અવિદ્યા. આ બંને જુદા જુદા ફળ આપનારા હોવા છતાં આ બન્ને સાધનો મનુષ્યને બાંધે છે, તેને પોતાના તરફ આકર્ષે છે. એ બંનેમાંથી શ્રેયને ગ્રહણ કરનારનું કલ્યાણ થાય છે, પરંતુ જે પ્રેયને અપનાવે છે તે વાસ્તવિક સુખથી પતિત થઈ જાય છે.
શ્રી શબ્દમાંથી શ્રેય શબ્દ થયો છે, શ્રી એટલે યશ, કીર્તિ, Prosperity, ઓજસ, પારમાર્થિક હિત, નિત્ય સુખની ખોજમાં, આત્માના કલ્યાણમાં જે સહાયક થાય તે. શ્રેયસ્કર અથવા શ્રેયસ, યશ, કીર્તિ અને સંપત્તિનું સાધન તે શ્રેય.ઈન્દ્રિયો કે સંસારના પદાર્થો જેવા કે પૈસો-ટકો, ધન-દૌલત કે જે લક્ષ્મી કહેવાય છે એની સાથે શ્રેયને કોઈ સંબંધ નથી. શ્રેય સાધવું હોય તો તેની સિદ્ધિ માટે દુન્યવી સ્થૂલ સાધનોની જરૂર નથી. મનને યોગ્ય ઘડતર દ્વારા તૈયાર કરવું એ જ એનાં મૂલ્યો છે. જેને મનન કહે છે તે બુદ્ધિના ઉપયોગ વડે જ મેળવવાની વસ્તુ છે અને તેના બદલામાં અખંડ સુખની પ્રાપ્તિ થાય છે. પ્રેય એટલે ઈન્દ્રિયોને જ કેન્દ્ર બનાવી તેમાં જ વૃત્તિઓનું પ્રવર્તવું. આ જગતના પદાર્થોમાં અને સાંસારિક ભાવોમાં મનનું પ્રવર્તવું. અધૂરી રહેલી અથવા નવી ઊભી કરેલી વાસનાઓની પુષ્ટિ, જે કદાપિ મનને કે જીવાત્માને તુષ્ટિ ન આપી શકે, એ જ એનો હેતુ છે. શ્રેયસમાં તુષ્ટિ છે અને પ્રેયસમાં પુષ્ટિ અને અતૃપ્તિ છે. શ્રેયસને માટે તતની અને મનની-સ્થૂલ અને માનસિક અત્યંત ખટપટ અને કષ્ટ અનિવાર્ય છે. તે વગર પ્રિય પદાર્થો કદી પ્રાપ્ત થતા નથી. એના આદિ, મધ્ય અને અંત ત્રણેમાં કષ્ટ જ રહેલું છે. એક તો મેળવવાનો પ્રયત્ન, બીજું સાચવવાની ચિંતા અને જતું રહે એનો ભય અને દુઃખ છે. પોતાની પ્રબળ વાસનાઓને લીધે કોઈ કબૂલ કરે યા ન કરે, પરંતુ સત્ય હકીકત આ જ છે.
શ્રેય એટલે પસંદ કરવા યોગ્ય, કલેશભાવથી છોડવનારૂં પરમ હિતકર. પ્રેય એટલે મનને ગમતું બધું જ સંસારી સુખ, તાત્કાલિક સારૂં લાગે અને રૂચે, પણ અંતે અહિતકર નીવડે, જીવનને કલેશમાં બાધનારૂં નીવડે. ઈન્દ્રિયોની પંપાળ એ બધું પ્રેયસ છે. એમ વસ્તુ એક જ પણ એના approaches અભિગમ સામસામા છે. બંને એક જ પાયા ઉપર છે, બંનેનો હેતુ એક છે. લોકો થોડું શ્રેય અને થોડું પ્રેય એમ બંનેનો તોડ કાઢ્યાનો સંતોષ માને છે, એ વાત ખોટી છે, એ બંને ભિન્નભિન્ન, સામસામા સ્વભાવવાળી છે.શ્રેયસ અને પ્રેયસ બંને થોડું થોડું કરવાની ઈચ્છા માણસથી સહજ સ્વભાવે થઈ જ જાય છે! પણ બન્ને સાથે નથી થતું! માણસને ધર્મ ખપે છે, ધર્મ પાળવો છે, પણ ધર્મ વિશેની વ્યખ્યાઓ જુદી જુદી છે. એક શ્રેયસનો ધર્મ છે અને બીજો પ્રેયસનો ધર્મ છે, બંને ધર્મ પાળે છે, બંનેમાંથી સુખ મેળવવું છે. એકમાં સંસારી જીવડાનો, આ મારૂં કર્તવ્ય છે, મારી ફરજ છે, આ કરવું, આ મેળવવું, આ ભોગવવું, અહીં દાન કરી પુણ્ય મેળવું, તીર્થ જાત્રા કરવી વગેરે. બીજામાં એ જ ધર્મ છે કે આ ફાંફાં છોડી દેવાં, કેવળ ભગવાનનું સ્મરણ કરીને છૂટી જવું. બંનેને ધર્મ કહ્યા; એક સંસારી જીવડાનો અને બીજો પારમાર્થિક કલ્યાણનો. બંને સુખ આપે છે. એક જ્ઞાન અને બીજું અજ્ઞાન.
દાખલા રૂપે, તમે એક તપેલીમાં મિઠાઈ ભરી, ઉપર ઢાંકણ વાસ્યું, હવે તપેલી અને ઢાંકણ બન્ને સુખરૂપી મિઠાઈને સાચવે છે. બંનેના ધર્મ જુદા છે, એક એને પકડી રાખે છે, બીજું એને બાંધી રાખે છે. એ બંને એક સાથે આચરાય નહિ, અને એવી રીતે આચરવાનો પ્રયત્ન કરે તો એ વધારે મોટો અપરાધ કરે છે, પોતાની જાતને છેતરવાનો. પોતાની જાત કોઈ દિવસ છેતરાવાની નથી. એટલે એ દુઃખને માર્ગે જાય છે અને આશા સુખની રાખે! એ બંને સાથે કેમ બને? માણસ બીજાને છેતરશે તો તે પોષાશે, પણ પોતાની જાતને છેતરવાના પ્રયત્નો એને કદી પોષાશે નહિ. દુનિયા તમને નથી જાણતી એટલે કદાચ છેતરાઈ જાય. પણ અંદર જે બેઠો છે – એ કદી છોડે નહિ.
બુદ્ધિમાન ઈશ્વરસ્વરૂપ માનવી પાસે જે બુદ્ધિ છે તે અન્ય કોઈ પ્રાણીમાં નથી. એ મનનશીલ છે, સારાસારનો વિચાર અને વિવેક કરવાની અક્કલવાળો છે. પરમેશ્વરની કૃપાથી કોઈ પ્રાણીને ન હોય એવી વિચારની અને કાર્ય કરવાની શક્તિઓ ભગવાને એને આપી છે. પોતાની બુદ્ધિ વડે અનેક પ્રકારનાં સાધનો ઉપજાવી શકે છે, તેમ છતાં કેમ આવી ભૂલ કરે છે? આ શ્રેય અને પ્રેયના સંબંધમાં કેમ ગરબડ કરી બેસે છે?
એક અંગ્રેજ લેખકે પોતાની મુસાફરીનું વર્ણન લખેલું છે, તેમાં કહે છે કેઃ- That Ass between two equal stacks of Hays will starve “ઘાસના બે સરખા પૂળા ગધેડાની બાજુમાં મૂકવામાં આવે તો એ ભૂખે મરે!” શા માટે? કારણકે એને ઘાસના પૂળા સરખા જ દેખાય, આ ખાઉં કે પેલું ખાઉં? એમ કરવામાં બંને બાજુ ઘાસ સરખું હોવા છતાં એ ભૂખે મરે! એ ગધેડો બે ઘાસના પૂળાઓ વચ્ચેનો ફેર, ગુણ અને અવગુણ કેટલા છે તેનો વિચાર કરી શકતો નથી. ભૂખનો માર્યો વિવેકશૂન્ય બને છે અને મૂંઝાય છે.
ભર્તુહરિનો એક પ્રસિદ્ધ શ્લોક છેઃ- “યાવત્ સ્વસ્થમીદમ્ શરીર યાવત્ જરા દુરતઃ યાવત્ ચેનદ્રિય શક્તિઃ અપર્નિહતા, યાવત્ ક્ષયો નાયુષઃ” (વૈરાગ્ય શતક ૮૬) હજી આયુષ્ય પૂરૂં થવાને વાર છે, હજુ ઘડપણે ગળચી પકડી નથી, હજુ ઈન્દ્રિયોની શક્તિ ચાલુ છે, તે દરમ્યાન આત્મહિતની પ્રવૃત્તિઓ શરૂ કરી દેવામાં આવે તો જ માણસે ઉગરવાની આશા રાખવી વાજબી છે; બાકી ઘરમાં આગ લાગ્યા પછી કૂવો ખોદવાનો વિચાર કરવા બેસવું-એવી બુદ્ધિને લોક કેવી કહે?
ૐૐૐૐૐ
૩૦. ૐની સ્પષ્ટતા
ઓમ્ એટલે આ સર્વ-કંઈનો સરવાળો, તેની ત્રણ માત્રાઓઃ
(૧) અ-કાર, વિશ્વ-વિરાટ, તેની અવસ્થા જાગ્રત, દેહ સ્થૂળ.
(૨) ઉ-કાર, સૂક્ષ્મ મનોમય વિચાર સૃષ્ટિ, અવસ્થા સ્વપ્ન, દેહ સૂક્ષ્મ અને
(૩) મ્-કાર અવસ્થા, અવ્યક્ત ‘કારણ’ દેહ, એ અવ્યક્ત પ્રારબ્ધ નામક સંસ્કાર-સમૂહ, એ નિદ્રાવસ્થામાં હ્રદયમાં ભૂમિમાં બીજની જેમ પડ્યો રહે છે. વિચાર વડે અસલ સ્વરૂપની ખોજ માટે; ‘અ’નું અસલ સ્વરૂપ ‘ઉ’ જાણીને સ્થૂળને સૂક્ષ્મમાં સમાવી દેવો; પછી તેનો લય, તેના કારણ ‘મ્’ માં કરી દેવો; એ ત્રણેયનો લય ત્રણેયના સરવાળારૂપ સંપૂર્ણ ૐકારસંજ્ઞક ‘સાક્ષી’ માં જાણવો; અને પછી સ્વાનુભવ સંપૂર્ણ થઈને તદ્દન અભેદ પ્રવર્તે, ત્યાં એ કલ્પિત સાક્ષ્ય પણ ન રહેતાં, સાક્ષીત્વ પણ ઊડી જતાં, જે કેવલત્વ શેષ રહે છે – તે છે મહાકાવ્યોનું લક્ષ્ય અને તારૂં તેમજ મારૂં અસલ સ્વ-સ્વરૂપ છે.
નિદ્રામાં અવ્યક્તપણે સીંચાયેલા સંસ્કારોનો પ્રાકટ્યકાળ આવતાં તે સરવળે, અને ‘પ્રપંચ’ જાગે. ‘જીવભાવની’ સ્થિતિ નિદ્રા અવસ્થાથી બળવાન થવા માંડે છે અને ત્યાં થાય છે, ‘ઉત્સર્ગનો કલ્પ-ક્રમ.’
માનવીના જેવા સંસ્કાર, તેવું તે વિચારે અને જેવું વિચારે તેવું એ વર્તે. તેથી બાહ્ય વર્તનનું સ્વ-રૂપ છે તેના સંસ્કાર. તેનો દ્રષ્ટા છે તે સંસ્કારોને સત્તા-સ્ફૂર્તિ આપનારો સાક્ષી આત્મા; અને જ્યારે પોતાને તે સર્વ સાક્ષ્યથી ભિન્ન અને કેવલ જાણે છે, ત્યારે તે નિષ્કલ કેવલ બ્રહ્મ છે. એ છે તું-હું અને સર્વ કોઈનું છેવટનું કારણ, અસલ પોત; તે સાચું અને બીજું બધું ‘ચલાચલીકા ખેલ’ છે.
‘સચ્ચિદાનંદ – અસ્તિ-ભાતિ-પ્રિયરૂપ જ સામાન્ય ચૈતન્યબ્રહ્મ’ આત્મા છે, તે જ મારૂં ખરૂં સ્વરૂપ છે, તે જ હું છું અને નામરૂપ તરીકે જગત મારામાં કલ્પિત છે એવી દ્રઢ પ્રતીતિ નિરંતર વૈરાગ્ય અને અભ્યાસ વડે કરવી.
અનર્થની સંપૂર્ણ નિવૃત્તિ અને પરમ આનંદની પ્રાપ્તિરૂપ મોક્ષની સિદ્ધિ તેનાથી થાય, પરંતુ એ સિદ્ધિ મહેનત માંગી લે છે. આવો નિશ્ચય વારંવાર વ્યવહારમાં ઉતાર્યા કરવાથી જ તે ફળે છે.
જેમને સાચું નિઃશ્રેયસ ફળ લેવું જ છે, તેમણે ખૂબ સમજી લેવું કે બ્રહ્મવિદ્યા માત્ર જાણવા કે બુદ્ધિ –તર્ક ના સર્કસખેલ કરવા માટે નથી, પરંતુ નિત્ય આચરવા માટે જ છે.
૩૧. અભ્યાસ અને વૈરાગ્ય
”બુદ્ધિની ભૂલો અભ્યાસથી સુધરે છે અને લાગણીની ભૂલો વૈરાગ્યથી સુધરે છે.”
સારૂં જીવન જીવવું; અને સારા જીવનનું પ્રમાણ શું છે? (પ્રમાણ એટલે measure, માપ, પરમાણું થાય છે, માયાનો અર્થ પણ પ્રમાણ થાય છે.) જેની ઈચ્છા સત્ય જાણવાની હોય તેમને માટે પ્રમાણનું સ્વરૂપ સમજવાની ખાસ જરૂર છે. મ. ગાંધીજી જેને સત્ય કહેતા હતા તે સત્ય હતું કે નહિ? અને તેનું પ્રમાણ શું? એવા વિચારમાં પ્રમાણનો વિચાર બહુ જ જરૂરી થઈ પડે છે.
જે કર્મથી યોગ પ્રાપ્ત થાય તેને કર્મયોગ કહે છે. યોગ એટલે જીવ અને બ્રહ્મની એકતા. તેથી જે કર્મ આત્મલક્ષી હોય અથવા જે કર્મથી ભગવાનને સંતોષ મળે તેવા કર્મથી કર્મયોગ સિદ્ધ થઈ શકે છે. ભગવાન તરફ અથવા આત્મા તરફ લઈ જનારી વિદ્યા જ સાચી વિદ્યા છે.
એ બાબતમાં ઘણા મત જોવામાં આવે છેઃ-
(૧) કોઈ કહે છે કે આત્મા એ એવી ઉપયોગી અને જરૂરી વસ્તુ છે કે બધું જીવન માત્ર તેને માટે જ અર્પણ કરવું જોઈએ. સાધુ-સંન્યાસીઓને આ મત ગમે છે.
(૨) કોઈ કહે છે કે કર્મ અને ઉપાસનાથી પહેલાં મનને શુદ્ધ કર્યા પછી આત્મજ્ઞાન તરફ વાળવું જોઈએ. આ મતને ક્રમસમુચ્ચય કહે છે. મનની અશુદ્ધિને રાગ કહીએ તો જ્યારે રાગ નીકળી જાય અને વૈરાગ્ય ઉત્પન્ન થાય ત્યારે મન શુદ્ધ થયું કહેવાય, માટે વૈરાગ્ય આવે એવાં કર્મ પહેલાં કરવાં જોઈએ અને પછી આત્મજ્ઞાન મેળવવું જોઈએ.
(૩) કોઈ કહે છે કે વ્યવહાર અને પરમાર્થ બંને નિત્ય સાથે રાખવાં જોઈએ. એટલે જીવનના છેડા સુધી બંને સાથે રહેવાં જોઈએ. આ મતને સમ-સમુચ્ચય કહે છે. આ મતવાળાની સંખ્યા ઘણી છે. ખાસ કરી નવી કેળવણીવાળા ઘણાંને આ મત ગમે છે.
(૪) કેટલાક એમ માને છે કે માત્ર સમાજસેવા અને દેશસેવાથી જ કર્મયોગ સિદ્ધ થઈ શકશે. આત્મજ્ઞાન મેળવી માત્ર પોતાનું ભલું કરવું એ એક પ્રકારનો સ્વાર્થ છે. તેથી બીજાનું ભલું કરવું એ જ ખરો કર્મયોગ છે. આ મતના કેટલાક માણસો ભલું કોને કહેવાય અને ખરૂં સુખ અને ખરૂં જ્ઞાન કોને કહેવાય તે જાણવાનો પ્રયત્ન કરતા નથી. કોઈ પણ રીતે બધાંને ઈશ્વર માની બધાંનું ભલું કરવું એ જ ઈશ્વરની સેવા છે એમ માને છે; પણ પોતાને ઈશ્વરરૂપે જ્યાં સુધી જાણી ન શકે ત્યાં સુધી બધાં ઈશ્વર થતાં નથી.
(૫) કેટલાક એમ કહે છે કે કર્મ ગમે તે થઈ શકે પણ તેની પાછળ ભાવના શુદ્ધ રાખવી જોઈએ.
(૬) વળી ઘણાં માણસો એવા કર્મમાં પડ્યા હોય છે કે તેઓ જીવનનો હેતુ શો છે તે જાણી શકતા નથી, અને જાણવાનો પ્રયત્ન પણ કરતા નથી. તેમની ઈચ્છા એવી હોય છે કે જેમ બીજા ચાલે છે એમ ચાલવું અને બધાંનું જે થશે તે આપણું થશે.
ઉપરના બધા મતમાં કયો મત સાચો છે? અને તેનું પ્રમાણ શું છે? એ જાણવાની ઘણાંને ઈચ્છા થયા કરે છે. આવી અઘરી બાબતમાં પ્રમાણનો વિચાર બહુ જરૂરી લાગે છે. કારણકે સાચું પ્રમાણ આપણને અબાધિત અર્થ તરફ લઈ જાય છે, એટલે કે આપણને અખંડ ચૈતન્ય તરફ લઈ જાય છે. ખોટું પ્રમાણ એવી વસ્તુ બતાવે છે કે જેનો તરત બાધ થઈ જાય છે.
છેલ્લા ૧૦૦ થી ૧૨૫ વર્ષોમાં સામાન્ય માણસને જે કેળવણી મળી છે તેમાં પ્રમાણનો વિચાર બહુ જણાતો નથી. માત્ર પાંચ ઈન્દ્રિયોથી જે જગતનો અનુભવ થાય છે તે જ સાચું છે, તે સિવાય બીજું કોઈ ઉત્તમ જીવન છે કે નહિ, હોય તો તેનું પ્રમાણ શું અને તે પ્રાપ્ત કરવાનું સાધન શું છે? એ બાબત ઉપર આજના આપણા કેળવણીકારોનું લક્ષ્ય ગયું નથી.
વિજ્ઞાનમાં જે જે વિદ્યાર્થીઓ અને શિક્ષકો પશ્ચિમના દેશોમાં થઈ ગયા તેમણે ૧૯મી સદી સુધી માત્ર બહારની વસ્તુઓનો એટલે પ્રમેયનો અભ્યાસ કર્યો. વીસમી સદીની શરૂઆતમાં તેમને ખબર પડી કે તેઓ બે હજાર વર્ષ સુધી ખોટી દિશામાં પ્રયોગ કરતા હતા. ચાલુ સદીમાં તેમના સમજવામાં આવ્યું કે પ્રમાણ (measure) જાણ્યા વગર પ્રમેય (જગત) ને જાણવું એ અંધારામાં ભટકવા જેવું છે. એટલું જ્ઞાન થયા પછી હવે આ બાબત ઉપર પશ્ચિમના દેશોમાં હજારો પુસ્તકો લખાવા માંડ્યાં છે.
જેમ કાયદામાં “Law of Evidence” એ પ્રમાણ માટે મુખ્યપુસ્તક મનાય છે, તેવી જ રીતે વ્યવહારમાં અને પરમાર્થમાં જે જે વિષય સમજવો હોય તેના પ્રમાણ માટે જે પુસ્તક હોય તેનો અભ્યાસ કરવો એ જરૂરનું છે. આપણામાં પ્રસ્થાનત્રયી એટલે ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્રને પ્રમાણનાં ગ્રંથ માની શકાય છે.
માણસના જીવનમાં પ્રમાણને સમજવું એ એક બહુ જ ઉપયોગી બાબત છે. તેનાથી કર્મયોગ, અને જ્ઞાનયોગ બધા સમજવા સહેલા પડે છે. માણસના જીવનમાં કેટલા પુરૂષાર્થ છે, ખરૂં સુખ શું છે, ખરૂં જ્ઞાન કોને કહેવું – એ બધી બાબત જાણવામાં ખરૂં પ્રમાણ જાણવાની જરૂર છે. વ્યવહારમાં ઘણીવાર એક માણસ બીજા માણસને કહે છે કે “તમે સાચા છો તેનું પ્રમાણ શું? જે માણસ સાચું પ્રમાણ સમજી શકે છે તે બીજાને પણ સાચે માર્ગે દોરી શકે છે. સામો માણસ કેવા પ્રમાણથી વાત કરે છે તે સમજીને શાંતિથી તેની ભૂલ બતાવી શકાય છે. દરજી અને મોચી પણ પહેલાં પ્રમાણ નક્કી કરે છે.
તેથી માત્ર જ્ઞાન મેળવવાથી અર્થની સિદ્ધિ થતી નથી. તે જ્ઞાન ઠીક છે કે નહિ તે જાણવાની જરૂર છે. માયાની રમત બહુ વિચિત્ર છે. સાધારણ વ્યવહારમાં આપણી પાંચ ઈન્દ્રિયોનું જ્ઞાન એ પ્રમાણ મનાય છે. તેમાં પણ આંખથી દેખાતાં રૂપ અને કાનથી સંભળાતા શબ્દ મન ઉપર વધારે અસર કરે છે. તેથી ઉપનિષદોમાં શાંતિપાઠમાં એવો મંત્ર શરૂઆતમાં ભણવામાં આવે છે કે “હે દેવો! અમે કાનથી કલ્યાણમય વચન સાંભળીએ, યજ્ઞકર્મમાં સમર્થ થઈને નેત્રોથી શુભ દર્શન કરીએ અને પોતાના સ્થિર અંગ અને શરીરથી સ્તુતિ કરતા અમે દેવોને માટે હિતકર આયુષ્ય ગાળીએ.” જો આંખ એને કાન બરાબર વાપરવામાં ન આવે તો માયાના શબ્દો કાનમાં જઈ મનને બગાડશે અને માયાનાં રૂપ આંખમાં જઈ મનને બગાડશે. પછી સાચું શું છે તેની ખબર પડશે નહિ અને કર્મયોગ સિદ્ધ થશે નહિ.
ગીતાના છઠ્ઠા અધ્યાયમાં ભગવાન પાસે અર્જુને એવો પ્રશ્ન મૂકેલો છે કે “આ ચંચળ મનને વશ કરવું એ બહુ મુશ્કેલ કામ છે.” તેના જવાબમાં ભગવાન કહે છેઃ- “એ વાત સાચી છે, છતાં અભ્યાસ અને વૈરાગ્યથી મન વશ કરી શકાય છે.” અહીં અભ્યાસ એટલે જે રીતે આત્મામાં પ્રીતિ વધે તેવું સાધન કરવું ને વૈરાગ્ય એટલે આ લોકનાં બધાં સુખ અને પરલોકનાં બધાં અનિત્ય સુખમાંથી પ્રીતિ હઠી જાય.”
શાસ્ત્રની ભાષામાં કહીએ તો અભ્યાસ એટલે સજાતીય પ્રવાહ વધારવો અને વૈરાગ્ય એટલે વિજાતીય પ્રવાહ ઘટાડવો. તેટલા માટે આપણી બધી પ્રવૃત્તિ સાત્વિક રાખવી જોઈએ. જે જ્ઞાન સાચું લાગે તે જ્ઞાન ટકે તેવું જીવન ગાળવું જોઈએ. જો જીવનમાં જ્ઞાન અને કર્મનો મેળ રહેશે નહિ તો સાંભળેલું જ્ઞાન ટકશે નહિ અને તેવું જ્ઞાન વ્યવહારમાં ઉપયોગી થશે નહિ. તેથી સારા જીવન માટે શાસ્ત્ર, તર્ક અથવા યુક્તિ અને અનુભવ એ ત્રણેની જરૂર છે.
આગળથી પસંદ કરેલી મનની કેટલીક ટેવ, કેટલાક વિચાર, કેટલાક વહેમ, કેટલીક આસક્તિ અને કેટલીક ઈચ્છાઓ જીવને છોડવી ગમતી નથી; એટલે દેહનું અભિમાન દૂર થતું નથી. તેથી જીવ એક પ્રકારના સ્થાનધર્મમાં ગૂંચવાઈ જાય છે.
સામાન્ય ઈન્દ્રિયોના વિષયોમાં જેને રાગ છે તેવા પુરૂષનો મોક્ષમાં અધિકાર નથી. તે બ્રહ્મજ્ઞાનનો અધિકારી થઈ શકતો નથી. રાત-દિવસ ભેદભાવથી જેઓનું અંતઃકરણ ભરાઈ ગયું હોય, ભેદ-વ્યવહાર વિના જેને માટે કશું કર્તવ્ય રહેલું ન હોય તે જીવ પ્રવૃત્તિમાં એટલો બધો ભળી ગયો હોય છે કે સાક્ષી તરીકે અથવા દ્રષ્ટા તરીકે અલગ રહીને પોતાના મનની અને પોતાની ઈન્દ્રિયોની ભૂલો પકડવાનું એ કામ તેને ઘણું મુશ્કેલ લાગે છે. જ્યારે શરીરમાં, ઈન્દ્રિયોમાં કે મનમાં દુઃખ ઉત્પન્ન થાય છે ત્યારે જ માણસ સચેત થવા માંડે છે, નવા વિચાર કરવા માંડે છે અને ત્યારે જ તેને તેના જીવનમાં ભૂલ હોય તેવું જણાય છે.
દરેક પ્રકારની પ્રવૃત્તિમાં કાંઈક માયાનો અંશ આવી જાય છે, “હું અને મારૂં” બોલ્યા વગર કોઈ કામ થતું નથી, પણ માયાના સુખમાં આસક્તિ વધી ન જાય તેવી રીતે રહેવું જોઈએ.
પ્રવૃત્તિની વચ્ચે રહીને માયાની ભૂલો વધી ન જાય તેટલા માટે ભગવાને અને વિદ્વાન પુરૂષોએ શાસ્ત્રમાં માયાના ત્રણ પ્રકાર બતાવીને સાત્વિક પ્રવૃત્તિ સારી છે અને રજોગુણી અને તમોગુણી પ્રવૃત્તિ ત્યાગ કરવા યોગ્ય છે એમ સમજાવેલ છે.
ગીતામાં ત્રણ પ્રકારના કર્તા, કર્મ, જ્ઞાન, સુખ, તપ, શ્રદ્ધા, આહાર અને ધીરજ બહુ સ્પષ્ટપણે સમજાવેલ છે. હાલની વિદ્યામાં એવો અભ્યાસ ઓછો થયો છે. બધા દેશમાં હાલની કેળવણી ઘણે ભાગે માત્ર ભૌતિક સુખ એટલે શરીર, પ્રાણ અને મનના સુખ સુધી વિદ્યાર્થીને લઈ જાય છે. તેને પરિણામે માણસ રજોગુણ અને તમોગુણના જીવનમાં અટકી જાય છે. તે સત્વગુણી થઈ શકતો નથી. તો પછી ગુણાતીત દશામાં તો ક્યાંથી આવી શકે?
સ્વશ્રયનો ખરો અર્થ એ છે કે સ્વ=એટલે આત્માને આશ્રયે રહેવું. વધારે જીવવું અને રહેવું. એ બધા જીવને ગમે છે અને મરવું ગમતું નથી. તો જે ચેતન નિત્ય રહે છે તે આત્માના આશ્રયે રહેવાથી જ સ્વાશ્રયપણું સિદ્ધ થઈ શકે તેવું છે. એવી રીતે રહેવાય તો કાયમ રહેવાનું અને કાયમ જીવવાનું બની શકે તેવું છે.
તેથી પ્રવૃત્તિ ઠીક કરવી હોય, કર્મયોગ બરાબર કરવો હોય, તો આપણા જીવનનો હેતુ સમજવો જોઈએ. જો જીવનનો હેતુ સુખ મેળવવાનો હોય તો સુખ કેટલા પ્રકારનાં છે તે પણ જાણવું જોઈએ અને તેમાં સાચું સુખ કોને કહેવું તે પણ જાણવું જોઈએ. બધી પ્રવૃત્તિ સારી હોતી નથી અને બધી નિવૃત્તિ પણ સારી હોતી નથી. સુખ એ માણસના જીવનમાં જરૂરી વસ્તુ હોવાથી સુખની વ્યાખ્યા ગીતામાં જે રીતે સમજાવેલી છે તે જાણી લેવી જરૂરી છે.
સાત્વિક સુખ અંતઃકરણની શુદ્ધિ વગર નથી મળતું. એવા સુખ માટે જે સાધનો ગીતામાં બતાવ્યાં છે, એ તરફ દ્રઢતાભરી શ્રદ્ધા રાખે તો અંતે સાચી દશાને પ્રાપ્ત થાય છે.
તેથી અભ્યાસ અને વૈરાગ્યની જરૂર પડે છે. હાલના માણસો અભ્યાસ માટે તૈયારી બતાવે છે, પણ વૈરાગ્ય માટે તૈયારી બતાવતા નથી. જેમનાં ચિત્તમાં રાગ વગેરે દોષો છે તે તત્વજ્ઞાની થઈ શકતા નથી. તેથી અંતઃકરણરૂપી અરીસાને અભ્યાસ અને વૈરાગ્યથી સાફ કરવાની જરૂર છે.
૩૨. આત્માનું દર્શન
શ્રી રમણ મહર્ષિના ‘સત્ દર્શન’ ભાષ્યમાં એક શ્લોક આવે છે – જેનો ભાવાર્થ છે કેઃ- વેદોમાં કહ્યું છે કે, આત્માનું દર્શન કરવું, આત્મા દ્રષ્ટવ્યા, શ્રોતવ્યા, એ સાક્ષાત્કાર કરવો પરમાત્માનો. એની અંદર ખરો ભાવ રહેલો છે, એ સમજવો બહુ મુશ્કેલ છે. તમે બધા પરમાત્માને ઓળખવા નીકળ્યા છો. તમારો પોતાનો જીવાત્મા, તેને તમે નથી જોઈ શકતા, તો પછી પરમાત્માને જોવાની તો વાત જ ક્યાં રહી? આત્માના દર્શન કરવાં, એનો સાક્ષાત્કાર થવો એટલે “પોતે પોતામાં ખોવાઈ જવું”. “એના વડે ખવાઈ જવું”. એવી તન અને મનની સાચી તાલાવેલી અને ઝંખના હોય તો પરમાત્માનું નિરીક્ષણ તેવાઓ માટે સહજ છે, બીજી કોઈ રીતે એ દેખાતો નથી.
હું પરમાત્મા સ્વરૂપ છું, હું બ્રહ્મ છું, એવી વાતો આપણે સહેલાઈથી કરીએ છીએ, એવી બધી વાતો સાચી છે. પણ અંદર રહેલી સંસારની અને તેના બધા વ્યવહારની વૃત્તિઓ એટલી બધી પ્રબળ છે કે જ્યારે પરમાત્માના દર્શન કરવાની કોઈ સદવૃત્તિ કોઈ કાળે થઈ આવે ત્યારે આપણે સહજ સ્વભાવે એ સદવૃત્તિને પાછી ઠેલી દઈ એવું વિચારતા થઈ જઈએ કે, મારે હજી ઘણાં કામો બાકી છે. આ શરીરની ઉપાધિઓના, પરિવારના, કુટુંબના, સમાજના, ધંધાના, એવા અનેક વ્યવહારોની પોતાના અહંકારને પોષવા માટે આ મને જ જે ઉપાધિઓ વહોરી લીધી હોય છે, એમાંથી છુટકારૌ કેમ થાય! કેવી રીતે શાંત અને સ્થિર થવાનો એને પત્તો લાગે! આ બધી ઉપાધિઓમાં યમરાજ એનો સમય થતાં દરવાજો ઠોકતો આવી પહોંચે છે, ત્યારે મન તેને આજીજી કરે છે કે ભાઈ! પાંચ મિનિટ થોભી જા, એક ખૂબ અગત્યની એપોઈન્ટમેન્ટ છે, તેટલી પૂરી કરી લેવા દે, પાંચ મિનિટ થોભી જા; યમરાજ શું કહે છે? ભાઈ, તારી એપોઈન્ટમેન્ટ સાચી, તારી એ છેલ્લી પાંચ મિનિટની એપોઈન્ટમેન્ટ હવે મારી સાથેની છે, એ પૂરી કરવા તો હું હીં આવ્યો છું! હવે તારી બીજી જે એપોઈન્ટમેન્ટ, તેં તારા સંસારના વ્યવહારનાં કામો પૂરા કરવા કરી હશે, એ હવે તારા મનની બધી ભ્રમણાઓ છે. તારા પાછલા ભવની વાસનાઓ અને અધૂરાં રહી ગયેલાં કર્મોનો આ ભવ પૂરો થયો. હવે આ ભવે જે કંઈ વાસનાઓ અધૂરી રહી ગઈ છે, એ પૂરી કરવા તને તારા કર્મ પ્રમાણે બીજો ભવ તારા માટે તૈયાર છે. તેમાં આનંદથી એ બધું તારે પૂરૂં કરવાનું છે. દયાળુ ભગવાને તારી એકે ઈચ્છા, તારા મનની વાસનાને પૂરી કરવા માટે ૮૪ લાખ યોનીઓનો સેટ આગળથી તૈયાર જ રાખેલો છે. એ પણ જો ઓછા પડે તો બીજા સેટ માટે જરા પણ મૂંઝવણ અનુભવીશ નહિ.
આમ આપણે જ, આપણા આત્મ વિકાસમાં મનની વાસનાઓને સતોષવા અંતરાયો ઊભા કરીએ છીએ. જે વાસનાઓ ક્ષણજીવી છે, એને કદાપિ કોઈ સંતોષી શક્યું નથી, એ માત્ર અંતે દુઃખ આપનારી જ છે, અને પછી કહીએ કે ભગવાનના દર્શન નથી થતા, એ તો બહુ મુશ્કેલ છે; આત્માના દર્શન કરવા જો મનને એ દિશાએ કામે લગાડી દઈએ, તો કોઈ મુશ્કેલી નથી.
ગીતાના ત્રીજા અધ્યાયનો ૪૨મો શ્લોક સુંદર રીતે કહી જાય છે કે “ઈન્દિયાણી પરાણ્યાહુઃ” “ઇન્દ્રિયેભ્યઃ પરં મનઃ મનસસ્તુ પરા બુદ્ધિઃ યો બુદ્ધેઃ પરતસ્તુ સઃ।।” “ઈન્દ્રિયો દેહની ઉપરી, ઈન્દ્રિયોનો ઉપરી મન; મનનો ઉપરી બુદ્ધિ; જે આત્મા, તે બુદ્ધિથી પર છે”. આ પાંચ મહાભૂતોનું શરીર ઈન્દ્રિયોનું ગુલામ છે; ઈન્દ્રિયો મનની ગુલામ છે; અને મન બુદ્ધિને તાબે છે, બુદ્ધિથી પર, જેને બુદ્ધિ નથી સમજી શકતી, બુદ્ધિ જેને વશ છે એ તારો આત્મા; એ પરમાત્મા જેના આપણે દર્સન કરવાના છે, ખરો એ છે, જે આ શરીરમાં ચેતન સ્વરૂપે સદા પ્રકાશમાન છે, એને આપણે પકડવાનો છે. જેઓએ એને પકડી પાડ્યો છે, તેવાઓ પોતાનું જીવતર ધન્ય કરી ગયા. તેમને પછી આ સંસારમાં, સંસારના કલેશ અને સંતાપના ડંખો લાગે તોયે શું, કેમકે એ સમજી ગયો છે.
આ બુદ્ધિ કોરે મૂકો, જે અહંકારમાં ખદબદે છે; હું આવો છું, હું તેવો છું, મને ગમે છે અને મને નથી ગમતું – એ તમારી વૃત્તિ કે જેના ઉપર તમે આટલું જોર કરો છો, એને કોરે મૂકશો તો આત્મા પ્રત્યક્ષ દેખાશે. એને શોધવા આપણે બધા નીકળ્યા છીએ. પણ એ તો ત્રણે ભુવનને ઢાંકી દઈને એનીયે પાર પ્રસરે છે; જ્યાં જશો ત્યાં એ હાજરનો હાજર છે. તો એને કેમ કરીને પકડવાના હતા? પણ નહિ! એ એક રીતે પકડાય છે. એને શોધવાનું છોડી દો. આત્માને શોધવાનું છોડી દેવાની જરૂર નથી, કેમકે એ તો તું જ છે, પણ એની આપણને ખબર નથી પડતી. કોઈ પણ વસ્તુને શોધવાનું છોડી દેશો, એટલે એ દેખાશે કે આ તો હું જ છું.
એક સંતે ખૂબ સરસ કહ્યું છેઃ-
“આ ‘હું’ છું એવું આત્માને વિષે પુરૂષ જો જાણે તો પછી, એવી તે એને કઈ ઈચ્છા, કઈ કામના રહી જાય કે જેને કાજે એ શરીરના તાપ વડે પરિતાપ પામવાનું પસંદ કરે? કહેવાનો મતલબ એ છે કે આત્મજ્ઞાનના પરમ સુખ વડે જે પારાવાર તૃપ્તિ એટલે કે સંતોષ થાય છે, તેને મુકાબલે બીજું બધું જ તુચ્છ અન ત્યાજ્ય છે.” અનેક જન્મોની ટેવોથી દ્રઢ થઈ ગયેલો દેહાધ્યાસ વારંવાર ઊભરાઈ આવે છે અને દેહ તથા જગતને સાચા બતાવવા એ મથ્યા કરે છે; પણ એકાગ્રપણે વિચાર કરવાથી એ વિપરીત ભાવનાનું નિવારણ થઈ શકે છે.
જ્યાં બધે તું જ, તું અને તું જ વિલસે છે, સર્વત્ર તું અને તું જ છે, ત્યાં બહારનો પ્રારબ્ધ પ્રાપ્ત વ્યવહાર દુનિયાની રીતે પણ નિર્દોષપણે કરતા રહેવું અને મનમાં એ હકીકતનું ક્ષણ માટે પણ વિસ્મરણ ન થવા દેવું કે એ બધું નાટક, કેવળ સ્વપ્નની જેમ, તારા પોતાના સ્વરૂપમાં, પાછલી અવિદ્યાએ ઊભી કરેલી કલ્પનાની ઘટના અનુસાર ખોટું ભાસે છે. તેથી સ્વરૂપમાં મસ્ત રહેવું અને કદાપિ સ્વાનંદથી ચલિત ન થવું.
૩૩. આત્માની પ્રાપ્તિના ઉપનિષદ દર્શિત માર્ગો
છાંદોગ્ય અને બૃહદ આરણ્યક ઉપનિષદોમાં કહેલું છે, કે જે લોકો આ જગતમાંથી પોતાના આત્માને જાણ્યા વગર આ શરીર છોડે છે એમનાં હજાર વર્ષનાં જપ, તપ, પૂજા, ધરમ-કરમ, દાન, પૂણ્ય બધાં વ્યર્થ જાય છે. પરંતુ જે કોઈ જીવાત્મા અહીંથી પોતાના આત્માને જાણી જાય છે, તેણે ભલે કોઈ પણ જપ, તપ, ધરમ-કરમ, પૂજા, દાન-પૂણ્ય એવાં કોઈ પણ પ્રકારનાં કર્મો ન કર્યાં હોય, તોય એ કૃતકૃત્ય થઈને અમર થઈ જાય છે.
ઈશાવાસ્ય ઉપનિષદનો ત્રીજો શ્લોક કર્મ અને જ્ઞાનનું મહત્વ સમજાવે છે. વેદાંતીઓએ ખાસ યાદ રાખવાનું છે, કે જેમ ધરમ-કરમમાં કોઈ દેવ દેવીને સિદ્ધ કરવાના હોય, પ્રસન્ન કરવા હોય, કોઈ બીજો સારો ભવ મેળવવાનો હોય અથવા સ્વર્ગની પ્રાપ્તિ કરવી હોય, એવું જ્ઞાનમાર્ગમાં કશું જ સિદ્ધ કરવાનું નથી. નથી કોઈને રાજી કરવાનો, નથી કીને પ્રસન્ન કરવાના, નથી કોઈ બીજો સારો ભવ મેળવવાનો, નથી કોઈ સ્વર્ગ મેળવવાનું. એમાં તો કેવળ પોતાનું જ સ્વરૂપ કે જે પહેલેથી છે જ, જેને આપણે આપણી કામનો અને વાસનાઓને લીધે દેખી શકતા નથી, જેને લીધે જીવનમાં અનેક કલેશભાવ રહે છે, એ કલેશભાવથી જીવતા જીવત છૂટી જવાની વાત છે; કંઈ પણ સિદ્ધ કરવાનું નથી; કેમકે જે સિદ્ધ છે જ, એને વળી સિદ્ધ શું કરવાનું હતું?
રમણ મહર્ષિ કહે છેઃ- “તમારે જો પરમાત્માને ઓળખવો હોય તો પહેલાં તમે તમારા જીવડાને ઓળખો! તમે જો તમારા જીવડાને પણ ઓળખવા સમર્થ નથી, તો પરમાત્મા તમને ક્યાંથી ઓળખશે? આત્મા કે પરમાત્માને આપણે નથી પચાવવાનો, પણ એના વડે આપણે પચાવાઈ જવાનું છે, તદ્રુપ થઈ જવાનું છે; એમ પોતે જ સુખસ્વરૂપ થઈ જવું એ જ પરમાત્માના દર્શન છે, એ દર્શન એવાં છે કે ત્યાં કોઈ દેવદેવીને તમારી મનગમતી આકૃતિરૂપે નથી જોવાનાં. એવાં દર્શન એમાં નથી. પ્રસન્નતા એ જ આત્મા અને અપ્રસન્નતા એ અનાત્મા.”
જ્ઞનમાર્ગમાં ચિત્તની આત્મામાં સ્થિતિ પ્રાપ્ત કરવાની છે.
આ જગતમાંથી જવાની બે રીતો છેઃ- પહેલી જ્ઞાન મેળવીને સમજીને જવાની છે; અને બીજી ઘોર અજ્ઞાનમાં, પોતાના સ્વરૂપનું ઘોર અજ્ઞાન, એવી અજ્ઞાન દશામાં જવાની છે. ઘોર અજ્ઞાનમાં એટલે શું? મારૂં શું થશે? મારા છોકરાઓનું શું થશે? હવે હું શું કરીશ? એવી ફિકર-ચિંતા પોતાને વિશે કરે. આ છોકરાંઓ છે, એ તો મારાં જ છે! એવો જે આગ્રહ રાખે એને વેદમાં આત્મહત્યારા કહ્યા છે, કેમકે એક જીવ વડે બીજા જીવનો છોકરો કેવો? બીજો જીવ છે જ ક્યાં? આપણી વાસનાને લીધે આ બધું જુદું જુદું દેખાય છે. વાસ્તવમાં કાંઈ જ નથી, કેમકે આજે છે અને કાલે નથી. આજે આવું છે, અને કાલે તે બદલાઈ જશે! એવું જે અનિત્ય છે, એ તમારૂં હોય જ નહિ. મારૂં છે એમ કહો ત્યાં તો તે ચાલી જાય છે. તો પછી તમારૂં શું છે? કોઈ જ નથી. આવું જે કહે કે માને, તે કોના જેવું કરે છે? ઘરના શેઠનો ઈનકાર કરીને નોકરચાકરને ઘરનો માલિક માને છે. એના જેવું છે! તો એવાની સ્થિતિને શેઠ કેવી કહે? શેઠનો તો તેને હિસાબ જ નથી? એ કેમ ચાલે? એનું નામ ઘોર અજ્ઞાન.
ત્રણ સ્વર્ગલોક કહ્યા છે. ક્યા, ક્યા? ચન્દ્રલોક, સૂર્યલોક અને ત્રીજો મનોમનલોક, જે અહીંનો અહીંજ, આપણી અંદર જ વસેલો છે! મનોમનલોકને મેળવવા માટે કશું જ જોઈતું નથી, કશું જ મેળવવાનું નથી, કોઈ ધાંધલ-ધમાલની ક્રિયાઓ આ શરીર દ્વારા કરવાની નથી! એને મનન અને ચિંતન દ્વારા શાંતિથી, સ્વસ્થતાથી ફક્ત ઓળખી કાઢવાનો છે. એ છે સુખભાવ, સંતોષભાવ, પ્રસન્નતાભર્યોભાવ – એ જ્ઞાનનો માર્ગ, જે સીધો અને સરળ છે; એ સરળ માર્ગે આપણે જવાનું છે. એકવાર તમે એ માર્ગે ચઢી ગયા પછી એમાંથી પાછા પડવાની કોઈ શક્યતાઓ રહેતી નથી. નિર્ભયતાનો એ માર્ગ, જ્ઞાનનો માર્ગ તે આ માર્ગ છે. વેદાંતીઓનો એ સાચો માર્ગ છે.
ઉપનિષદો અને વેદ સ્પષ્ટ કહે છે, કે જ્ઞાનમાર્ગની સીડી ચઢવા પહેલાં, કર્મમાર્ગનું આચરણ જરૂરી છે. કર્મમાર્ગ પણ અમુક બેકગ્રાઉન્ડ, મનમાં અમુક નિશ્ચયો કરીને જો આચરણમાં આવે તો એ ફાયદો કરે છે, નહિ તો એ બહુ જ ખરાબ દશા કરી મૂકે છે. જે કોઈ એમ માને કે તીર્થ, યાત્રા, દાન, પુણ્ય, યજ્ઞ યાગ કે દરરોજ ભગવાનની મૂર્તિ કે છબી આગળ-પૂજા-પાઠ અને ઘંટડી વગાડી આપણી વાસનાના દેવોને પ્રસન્ન કરવા, અને તેનાથી આપણું કામ સરે છે. અને ભગવાનની પૂજા કર્યાનો આત્મસંતોષ અનુભવે છે, એ લોકો આગળ વધવાને બદલે પાછા પડે છે.
કર્મ કરવાનો હેતુ કર્મને વળગી રહેવાનો નથી. સંસાર આપણને મળ્યો છે, તો તેને વળગી રહેવાને માટે નથી મળ્યો. પણ આપણને પ્રારબ્ધ અનુસાર આ સંસારનું જે ભૂત વળગ્યું છે, એને કાઢવાને માટે, આ સંસાર દ્વારા પ્રારબ્ધ પૂરા કરીને એના વડે છૂટા થઈ જવાનું છે. સાધન તરીકે આ સંસાર રૂડો છે, પણ એ સંસારમાં જ જનમ પૂરો ન કરવો, એ વસ્તુને કર્મ કરનારાઓએ સતત ધ્યાનમાં રાખવાનું છે. સત્કર્મો વડે, મનમાં રહેલા પાપી ભાવો, કે જે આપણું આધ્યાત્મિક રીતે અહિત કરે છે, અને જે આપણને દુઃખભાવમાં નીચે અને નીચે પાડતા જાય છે, એ દુઃખ આપનારા ભાવોથી છૂટવાનું છે. એટલા માટે જ સત્કર્મો કરવા રૂપી કર્મમાર્ગ કહ્યો છે.
મોટા મોટા ઋષિ-મુનિઓ પણ એજ ફરિયાદ કરે છે, કે મનને સુખ-ચેન નથી, લાખ સત્કર્મો કર્યા પણ મનને સુખ-ચેન નથી. તો પછી એ કર્મ કર્યાનો હેતુ શું છે? આટલાં બધાં સત્કર્મો કરૂં છું, દરરોજ ભગવાનની મૂર્તિ કે છબી આગળ સવાર સાંજ પૂજા-પાઠ કરી ઘંટડી વગાડું છું, યજ્ઞયાગ દાન-પુણ્ય વગેરે બધું જ કરૂં છું, છતાં મનને સુખ-ચેન કેમ નથી મળતાં? ત્યાં આ વેદાંત કહે છે, કે આ બધાં સત્કર્મો તમે જે કરો છો એને વળગી રહેવા માટે નહિ, પણ એ કર્મમાર્ગમાંથી ધીરે ધીરે નીકળી જ્ઞાનમાર્ગમાં પ્રવેશ કરીને, જગતના મિથ્યાપણાનું ભાન કરો, અને જ્ઞાન વડે કર્મનાં ભાવ છોડી દેવાનો છે. કર્મ કરવાનું કહ્યું છે, તે એ કર્મોને માટે વળગી રહેવા માટે નથી કહ્યું. કર્મમાંથી છૂટવાની એ એક યુક્તિ છે, જેમ કાંટા વડે કાંટો કાઢવાનો છે તેમ. જે કાંટા વડે કાંટો કાઢ્યો – તે કાંટાને છાતીએ વળગાડી રાખવાનો નથી. પેલા કાઢી નાંખેલા કાંટા સાથે એને પણ ફેંકી દેવાનો છે.
કર્મ કરવા પાછળથી મૂળભૂત હેતુઓને ખૂબ ધ્યાનપૂર્વક સમજી લેવાના છે. વેદાંતના જ્ઞાનમાર્ગ પર ચઢવાની આ સીડીનું પહેલું પગથિયું છે. એ પર ચઢવા પહેલાં કર્મભાવના હેતુઓને પૂરેપૂરા સમજી લેવાના છે, તો જ એસુખચેન આપનારૂં નીવડે. એમ જ્ઞાન વડે કર્મનો ગ્રાસ કરવાનો છે. કર્મનો નહિ, પણ કર્મની ભાવનાનો કે હું કરૂં છું, હું કરૂં છું! એ ભાવનાને ત્યજવાનું વેદ અને ઉપનિષદો કહે છે. જે કંઈ કર્મ કરીને એ જાણી સમજીને કરવાનાં છે. દેખા દેખીએ કરવું એ અજ્ઞાનતા, અવિદ્યા. બલિહારી તો સમજીને કર્યાની છે. એને જ જ્ઞાન માર્ગ કહે છે.
૩૪. શિવ વિષે
શંકર ભગવાનનું ખરૂં સ્વરૂપ લક્ષ્યમાં રાખીને સંયમ, તપ, ત્યાગ અને ઉદારતાપૂર્વક દાન વગેરે ધર્મને જીવનમાં ઉતારવો એ જ તેની ઉપાસના છે. ઉપરાંત તેનો દ્રઢ આશ્રય રાખી, દ્રઢ શ્રદ્ધા રાખી, “ગમે તેવા કપરા સંજોગોમાં પણ શંકર ભગવાન સારૂં કરશે” એમ બધી ચિંતા કે ભાર તેના પર નાખી રોજ નિયમિત રીતે તેનું ધ્યાન, મંત્ર, જાપ, સ્તોત્ર પાઠ વગેરે કરવાથી આ લોક અને પરલોકમાં મહાન કલ્યાણ છે. માણસ પોતાના કર્તવ્ય કર્મને છોડી દે તે પણ ભૂલ છે, કારણકે ક્રિયા વિનાની એકલી ભાવના ઘણીવાર પ્રગતિને બદવે જડતા, પ્રમાદ કે અવનતિ કરનારા થઈ પડે છે. શંકરના પૂજનમાં પણ બને તેટલી પવિત્રતા, નમ્રતા, અને નિષ્કામતા સાથે ભાવપ્રેમ, યોગ્ય વિધિ આદિ જોઈએ, નહિતર ક્રિયા જડરૂપ બની જાય છે. શંકરની આરાધના માટે મહામૃત્યુંજય મંત્ર તેનું રહસ્ય સમજીને જપવામાં આવે છે.
એ મંત્ર છેઃ-
“ૐ ત્રયમ્બકં યજામહે સુગંધિમ્ પુ,ટિવર્ધનામ્ ।
ઉર્વારૂકમિવ બંધનાત્ મૃત્યોઃ મુક્ષિય માં મ અમૃતાત્ ।।”
“જ્ઞાનરૂપી સુગંધવાળા તથા આત્મબળ વધારનાર એવા ત્રણ નેત્રવાળા શંકર ભગવાનનું હું આરાધન કરૂં છું, કે જેથી પાકેલું ફળ જેમ વેલમાંથી આપોઆપ ખરી પડે તેમ હું પણ જન્મ-મૃત્યુ આપનાર આ સંસારવૃક્ષથી આપોઆપ છૂટો થઈ જાઉં, પણ અજર અમર પરમાત્મ-સ્વરૂપથી અળગો ન પડું”.
શંકર ભગવાનનું સ્વરૂપ જ્ઞાન વૈરાગ્યમય છે, તેનો ખરો ખ્યાલ આવતાં જ સાચા જ્ઞાનીનો આનંદ અંતઃકરણમાં સ્ફુરી ઉઠે છે. તેના આરાધનથી પોતાના તેમજ પરમાત્માના અમૃત સ્વરૂપનું ભાન થતાં આત્મામાં જ પ્રસન્ન રહેવાનું બળ જીવાત્મા પામે છે. વિનાશી જગતથી આપોઆપ વૈરાગ આવી જતાં વિના કષ્ટે તે સહેજે સંસારથી છૂટી જાય છે. તેથી જ આ મંત્રની આરાધનાની મહત્તા પરાપૂર્વથી ચાલી આવે છે. આ મંત્રના ભાવનું રટણ અંતરમાં હરદમ જાગ્રત રહેવું જોઈએ.
શવ શબ્દનો અર્થઃ શિવ શબ્દનો આપણે અર્થ કરીએઃ શિવ એટલે માંગલ્ય, જેને આપણે પવિત્રતા કહીએ છીએ, જેને આપણે સુખ અને ચિત્તની શાંતિ કહીએ છીએ. એવું જે માંગલ્ય, સુખસ્વરૂપતા તે શિવ. શિવત્વ, માંગલ્ય તો સર્વત્ર વ્યાપે છે, એની આશાએ તો માણસ જીવે છે અને એની આશામાં મરે છે. શિવનાં બીજાં નામો આ રીતે છે, શંકરો ઈતિ શંકર. શાંતિપાઠમાં આપણે બોલીએ છીએ ‘શં નો મિત્રઃ શં વરૂણઃ’ શં એટલે શાન્તિ, સંપૂર્ણ શાંતિ, શં-કરોતિ, સંપૂર્ણ-સુખ શાંતિ આપે છે શંકર. શંભુ, શંમાંથી જે ઉદભવે છે, જેમાંથી શં કહેતાં સુખ ઉદભવે છે તે એક જ દેવ છે, તે શુભુ. એવી રીતે ”આશુતોષ,” આશુ એટલે જલ્દી અને તોષ એટલે પ્રસન્ન, જે સહેજમાં પ્રસન્ન થાય છે. જેને માટે કોઈ શણગાર કે છપ્પનભોગ કશું જોઈતું નથી, એવો ભાવગમ્ય તુર્ય, હ્રદયના ભાવથી જે પ્રસન્ન થાય છે, તે આશુતોષ. ”ભોળાનાથ,” સંસાર પરત્વે જેનું ભોળપણ છે અને મોક્ષ પરત્વે જે જ્ઞાની છે. એટલે જગત સંપૂર્ણ જ્ઞાનીને બેવકૂફ, મૂર્ખ, બાવા જ કહે છે, એવા જે સંસારની ખટપટમાં ભોળા અને મોક્ષના દેવ એટલે ભોળાનાથ. એવા ભોળાનો જે નાથ છે, તે ભોળાનાથ, એવી રીતે શિવજીના નામનો એ અર્થ થાય છે.
જેનામાં દુઃખરૂપી કલેશોનો જરાયે ભાગ નથી. કોઈ પણ કાળે એ સુખ નષ્ટ કે નાશ થતું નથી, અને જેને કોઈ પણ અભિભૂતભાવ, હરાવી કે ડરાવી શકતો નથી, એટલે જેમાંથી નિત્ય પ્રસન્નતા પ્રાપ્ત થાય છે તે; તે સુખ પોતાના હકનું જે પદ છે, એનું જે રહેઠાણ છે, એ જેમાં વસે છે, એટલે કે દરેક જણનું જે સત્ય સ્વરૂપ છે તે એવું સુખ, એ શિવજી. જેમાં કદી વધઘટ થતી નથી, જેનો કદી નાશ થતો નથી, કશાથી પણ એ સુખ દબાતું નથી, એવું જે નિત્ય નિર્મળ નિરંતર સુખ એ શિવજીનું સ્વરૂપ. એ જ મહાદેવ, બીજો કોઈ છે જ નહિ. દરેક જણ સુખ સિવાય કંઈ જ ઈચ્છતો નથી, જેમાં દુઃખનો ભાવ ન હોય એવું સુખ એ ઈચ્છે છે. જગતના સર્વ પદાર્થોમાંથી પ્રાપ્ત થતું સુખ, એ પદાર્થના નાશ સાથે નાશ પામે છે, પણ આ સુખ અંતરનું એવું છે કે જેને શિવત્વ કહે છે, એ સ્વરૂપનું સુખ તે શિવજી કહેવાય. ગમે તે દેવને ભજે પણ એમાંથી ઈચ્છે છે શિવત્વ, માંગલ્ય જ ઈચ્છે છે. તેથી એ મહાદેવ, બીજા કોઈને મહાદેવ ન કહેવાય.
પુરાણોમાં દેવદેવીઓનાં જે રૂપો કહ્યાં છે, એ દેવદેવીનાં બધાં રૂપો ઉપર આ બધાયે સંપ્રદાયો ચાલે છે. આપણે તો પૌરાણિક ધર્મ પાળીએ છીએ, વૈદિક પાળતા નથી. ૧૮ પુરાણો કહેવાય છે. એમાંથી ૧૦ મહાદેવજીને લગતા છે, ચાર વિષ્ણુને લગતા છે, અગ્નિને લગતું એક, બ્રહ્માને લગતું એક અને સૂર્યને લગતું એક-એ રીતે આ પુરાણો છે. બ્રહ્માની પૂજા ગઈ ત્યારે એની જગ્યા દેવીપૂજાએ લીધી છે. એટલે એનું કોઈ પ્રાચીન પુરાણ છે જ નહિ. એટલે દેવીપુરાણ અને દેવીભાગવત કહેવામાં આવે છે. એ પાછળથી બની છે, મુખ્ય પુરાણમાં એ આવતી નથી. આ રીતે આ પુરાણોમાં પણ શિવત્વનો મુખ્ય ભાગ છે, અને એ અઢારે પુરાણો દ્વારા કથન તો એકમાત્ર માંગલ્યનું, પરમસુખની પ્રાપ્તિનું, મહાદેવજીની જ પ્રાપ્તિનું થાય છે, ગમે તે દેવોનાં નામો લેવામાં આવે પણ પ્રાપ્તિ તો શિવત્વની જ, શંકરત્વની જ છે; બધાનો હેતુ તો એક જ છે.
આ બધાયે દેવદેવીઓમાં સળંગ ઓતપ્રોત સત્વ કયું છે? સુખની આકાંક્ષા, પરમરૂપની પ્રાપ્તિ, ઈશ્વરત્વની પ્રાપ્તિ, દરેક જણ ઈશ્વર થવા માગે છે, કોઈને કોઈ રીતે પોતાની સત્તા, પોતાનો અધિકાર, પોતાનું ચલણ દુનિયામાં ચાલે એ જ ઈચ્છે છે. ઈશ્વરનો અર્થ થાય છે, ઈશન કરનારાઓમાં શ્રેષ્ઠ, દુનિયાના બધા હાકેમોથી વધીને જે શ્રેષ્ઠ, એ જ ઈશ્વરનાં ત્રણ સ્વરૂપો કલ્પાયેલાં છે, એ આપણે જોયું. એ ઈશ્વરત્વનો જ ભાવ ત્રણેરૂપોમાં સમાન રીતે વ્યાપે છે. બ્રહ્મા વિષ્ણુ અને રૂદ્ર એમ ત્રણ ગણો તો એ ત્રણેની અંદર ઈશ્વરની વધારે નજીક તો મહાદેવજી છે, એ આપણે જોયું, કેમકે ત્રણેનો સરવાળો, મહાદેવજીમાં જ, શિવત્વમાં જ, માંગલ્યમાં જ આવે છે. એ રીતે પુરાવામાં કોઈવાર બ્રહ્માનાં વખાણો કરવામાં આવે છે, કોઈવાર વિષ્ણુના, અને કોઈવાર મહાદેવજીના, એટલે એ ઉપરથી એમ નથી સમજવાનું કે આમાં કોઈ ઉતરતો અને કોઈ મોટો છે. પુરાણોમાં એવું આવે છે કે વિષ્ણુનું પુરાણ હોય તો એમાં મહાદેવજીને વિષ્ણુના ભક્ત બતાવે, શિવનુંપુરાણ હોય તો વિષ્ણુને એના ભક્ત બતાવે, બ્રહ્માનું પુરાણ હોય તો બીજા બધા દેવોને એના ભક્તો બતાવે. આ એટલા માટે, કે જેને જેનામાં શ્રદ્ધા હોય, તેની શ્રદ્ધાને નહિ તૂટવા દેવી જોઈએ. આપણાં શાસ્ત્રો સ્પષ્ટ કહે છે કે તત્વે બધું એક જ છે-જેમ કે તમારે પાણી પીવું હોય તો તમે જળને નામે પીઓ, વોટરને નામે, નીરને નામે, કે આબને નામે પીઓ, પણ પીવું છે જળ. માટે આપણા સનાતન ધર્મની એવી ઉદારતા છે કે કોઈ પણ નામે કોઈ પણ વિષ્ણુને ભજે, તો એ ભજે છે ને? ત્યારે એને એમ ન જ કહેવાય કે તારા કરતાં મારો દેવ મોટો છે કે ઓછો છે. એ જે ઈષ્ટનાં એની આગળ વખાણ કરવાં, એને જ અર્થવાદ કહે છે, ત્યાં સુધી એના મનમાં જે ખાત્રી છે કે હું તો વિષ્ણુને ભજું છું, અને વિષ્ણુથી વધીને કોઈ નથી, ત્યારે એની વાતને આપણે પુષ્ટિ કરવાની, કે તારા વિષ્ણુથી વધીને કોઈ નથી. એની અંદર કોઈને ઉતારી પાડવાનો હેતુ નથી, પણ જેની જેવી શ્રદ્ધા હોય, તેની શ્રદ્ધાને અવિચળ રાખવાનો હેતુ છે.
ખાંડનાં રમકડાં ઊંટ, ઘોડો, પોપટ ગમે તે આકારનાં હોય-એને ગમે ત્યાંથી ચાખો પણ એ છે તો ખાંડને ખાંડ. છોકરાંઓ એને માટે ઝઘડો કરે, પણ સમજુ માણસ એને માટે ઝઘડો ન કરે, રમકડાંને નામે ખાવી છે તો ખાંડ જ, એવી રીતે આ દેવદેવીઓની લીલા સમજવાની. મૂળ વસ્તુ આ સુખસ્વરૂપ ખાંડ જે સૌ કોઈ ઈચ્છે છે, એને જ માંગલ્ય, એને જ શિવત્વ કહેવાય. એવી રીતે પાણીનું એક પાત્ર લીધું. એની અંદર મીઠાનો ગાંગડો નાખ્યો એટલે પાણી અને મીઠું એ બન્ને જુદી જુદી વસ્તુ છે, પછી તમે અંદર હાથ નાખીને તેમાંથી મીઠાનો ગાંગડો શોધવા જશો તો નહિ મળે, પણ એ પાણીને ઉપરથી કે વચમાંથી જ્યાંથી ચાખશો ત્યાંથી તમને મીઠું મળશે જ, એ નમક તમને મળવાનું જ છે; એ ગમે ત્યાંથી ચાખશો તો તમને મળશે જ, એવા ઉદારભાવથી પુરાણો બનેલાં છે, દેવોની જુદાઈ બતાવવા નહિ. માણસને કૂંડાળા પાડવાની એવી ટેવ પડી ગઈ છે, અને ભગવાનનાં કૂંડાળાં એવાં વાળી દીધાં છે કે નાનાં નાનાં નામોને માટે, અતિ ક્ષુદ્રતાને માટે તેઓ ઈશ્વરનો વિરોધ કરે છે, એકબીજાના ઈશ્વરની નિંદા અને સ્તુતિ કરે છે. ઈશ્વરને તમે ન માનતા હો તોયે સનાતન ધર્મનો વાંધો નથી, કેમકે તમે નાસ્તિક નહિ થઈ શકો, જેમ વિષ્ણુવાળો વિષ્ણુને માને, મહાદેવવાળો મહાદેવને માને અને દેવીવાળો દેવીને માને તેમ ઈશ્વર નથી એવું માનનારો, ઈશ્વર ન હોય એમ માને છે, એનો એટલો બધો આગ્રહ હોય છે કે એટલો વૈષ્ણવોને વિષ્ણુનો ન હોય, મહાદેવીયાને મહાદેવને ન હોય, એટલો નાસ્તિકને ઈશ્વર નથી એનો આગ્રહ હોય જ છે, એટલે એ જ એનો ઈશ્વર છે. જેવી રીતે રાવણ રામનો દ્વેષ કરતાં રામરૂપ થઈ ગયો હતો. ભગવાન નથી એ ભાવે પણ એનો તો મોક્ષ થવાનો જ છે. એવી રીતે પુરાણોની નજરે પણ ઝઘડા નથી કરવાના, પુરાણોની નજરે શિવનું એકત્વ સમજવાનું છે. માંગલ્ય સર્વની અંદર એકસમાન ઓતપ્રોત છે.
૩૫. ત્રણ દેવોની સમાનતા
એ ત્રણ દેવોની સમાનતા છે એટલું જ નહિ, પણ એ ત્રણેયની પત્નીઓની પણ સમાનતા છે. એ દેવ-દેવીઓની શક્તિ જુદી નથી, પણ આપણે તો બધું માણસના આકારે જોઈએ. આપણામાં ભાયડો અને બાઈડી હોય માટે ભગવાનને પણ ભાયડો અને એની પણ બાઈડી કરવી છે. ખરૂં જોતાં એવું નથી, એ તો એની શક્તિ છે. શક્તિ અને શક્તિમાન જુદા નથી , પરન્તુ આપણને જુદા ખપે છે.
એ કેવી રીતે છે? બ્રહ્મા એટલે વેદ અને સરસ્વતી એટલે વેદનું જ્ઞાન. વેદ એટલે એ પોતાની મેળે જે છે તે મૂળ વસ્તુ અને એને લાગુ પાડવું તે સરસ્વતી. વિષ્ણુ એટલે આ સર્વ ગતિ કરનાર રજોગુણ, પ્રવૃત્તિ તેમજ સંપત્તિ, અને એ સંપત્તિનો ઉપભોગ તે લક્ષ્મી. એ શક્તિ કહેવાય. એ બેયને તમે જુદા પૂજો, તો તે તમે જાણો! શિવ એટલે કેવળ જ્ઞાન. એ જ્ઞાનનો ઉપભોગ તે પાર્વતી, ગૌરી. કેન ઉપનિષદમાં એનું સુંદર પ્રકરણ છે, ઉમાએ ઈંદ્રને ઉપદેશ આપ્યો કે તેં જે યક્ષ જોયો એ તો બ્રહ્મ છે. એમ શિવત્વનું જ્ઞાન મેળવવાની શક્તિ એ ઉમા, પાર્વતી, ગૌરી જે કહો તે. એવી રીતે પુરાણોમાં વિષ્ણુનાં સહસ્ત્ર નામો છે એમાં શિવનાં નામો આવી જાય છે. શિવનાં સહસ્ત્ર નામો છે એમાં વિષ્ણુનાં નામો આવી જાય છે; અને માણસો લડી મરે છે!
એવી રીતે એમની પત્નીઓમાં જુઓ કેવી ગમ્મત છે! વાયુ-સંહિતામાં શિવની પત્નીનું વર્ણન કરે છે, સ્તુતિ કરે છે. મહાદેવજી તમારા પત્ની કોણ છે, તો કહે માહેશ્વરી લક્ષ્મી. લક્ષ્મીને મહેશ્વરની પત્ની કહી. જો તમે શિવને આકાર આપવા માંડો, અને એની પત્ની જો કલ્પો, તો એની જે પત્ની છે એ લક્ષ્મી છે. બાકી તો દેવ-દેવીની શક્તિમાં કોઈ પતિ-પત્ની નથી; જો કલ્પો તો માહેશ્વરી-લક્ષ્મી છે. એ માહેશ્વરી શિવજીના અંગમાં બિરાજે છે અને લોકો એને મહાલક્ષ્મી કહે છે, આપણે ભેળસેળ કરીને વિષ્ણુની સ્ત્રી આ, અને શિવની સ્ત્રી આ. શિવની સ્ત્રીઓમાં બ્રહ્માણી, ઈન્દ્રાણી અને રૂદ્રાણિ ત્રણે ગણાવી છે. બીજા પુરાણમાં મહાદેવજીની પત્નીને ‘શ્રી’ એટલે લક્ષ્મી કહી છે, બ્રહ્માણી પણ કહી છે અને અંબિકા પણ કહી છે. એ ત્રણે નામો શીવની પત્નીના છે-એવું આયુષ્યસૂત્ર નામના ગ્રંથમાં છે.
વિષ્ણુ મહાત્મ્યમાં જ્યાં શિવજીને ઓછા ગણેલા છે, ત્યાં શંકર જે છે તે, સ્વયં ભગવાન વિષ્ણુ છે, શ્રી અને ગૌરી એની પત્ની છે. તૈત્તિરીય આરણ્યકની અંદર કહે છે કે, હે ભગવાન મહાદેવ! તમારી ‘રિ’ એટલે સરસ્વતી અને ‘લક્ષ્મી’ તો પત્નીઓ છે, એટલે જુઓ કે આપણે કેટલા બધા અંધારામાં ગોથા ખાઈએ છીએ. એ બધી જ શિવની પત્નીઓ કહેવાઈ છે, કેમકે આદિ શક્તિ તો શિવશક્તિ જ કહેવાય છે, શિવ અને એની શક્તિ, એને જે દ્રષ્ટિએ જુઓ તે, જેમકે આ ઈલેકટ્રિસિટી. એને તમે પંખામાં લગાડો, સ્ટવમાં લગાડો, ફ્રીજમાં લગાડો તે પ્રમાણે એનાં નામ પડે છે, પણ ઈલેકટ્રિસિટીની શક્તિ એક જ છે. એવી રીતે ત્રણ શક્તિઓનાં નામ છે. એમ નવદુર્ગા નામ છે, કે જે દેવીના નામ લ્યો તે એક જ શક્તિને નામ લાગે છે. જેમકે, એક સ્ત્રી છે એ કોકની પત્ની છે, કોકની મા છે, કોકની દિકરી છે, કોકની માસી વગેરે છે. એને પચ્ચીસ માણસો એ નામે બોલાવે તેથી પચ્ચીસ સ્ત્રી નથી થતી.
એવી રીતે શક્તિ તો માહેશ્વરી જ છે. જે કાર્યમાં એનો ઉપયોગ થાય, એ નામે એ બોલાય છે, બાકી એમાં કોઈ જાતનો ભેદ નથી. દેવામાં ભેદ નથી અને એની શક્તિઓમાં પણ ભેદ નથી. શિવના સંબંધમાં જે કાંઈ અનુચિત બોલાય એ તો બધાને લાગે જ. એકલા શિવને ન લાગી શકે, કેમકે આ બીજાં બધાં સ્વરૂપો શિવનાં જ છે. એટલે કે જે અનુચિત કે અરૂચિકર કલ્પનાઓ કે અર્થો કરવામાં આવે, છે એ નિંદા કરનારાઓ પોતાના ઈષ્ટની જ નિંદા કરે છે, બીજા કોઈની કરતા જ નથી. જ્યારે જ્ઞાન વડે અજ્ઞાનનો નાશ થશે, ત્યારે જ્ઞાનનો સૂર્ય એની મેળે ઝળકશે. જેમ વાદળમાં ઢંકાયેલા સૂર્યને આપણે કહીએ કે સૂર્યને વાદળે ઢાંક્યો. અરે, સૂર્યને વાદળ શું ઢાંકતું હતું? એ તો આપણી આંખેથી પડળ ખસે ત્યારે સૂર્ય તો એવો ને એવો જ ભાસે છે. એમ દેવોના સંબંધમાં પણ પૂર્વગ્રહ અને સંપ્રદાયોના પડળો ખસે, ત્યારે જ્ઞાનરૂપી, ઈશ્વરરૂપી, પરમાત્મારૂપી સૂર્યનો ઝળહળાટ આપણી આંખોને આંજતો સામે ઊભો રહે છે.
વિષ્ણુ પુરાણની અંદર બ્રહ્મા અને નારાયણ મળીને શિવજીની સ્તુતિ કરી છે. ‘નમોસ્તુ લક્ષ્મી પતયે, શ્રી પતયે, રિ પતયે નમઃ’. વિષ્ણુ અને બ્રહ્મા બન્ને મહાદેવજીને કહે છે કે તમને નમસ્કાર. બન્ને કહે છે કે અમારી બાઈડીઓના પણ તમે જ પતિ છો. આ બધું કેવી રીતનું હશે? કોણે કોની સ્તુતિ કરી? કોણ કોની પત્ની? પોતે જ પોતાને કહે છે કે મારી પત્ની મારી જ છે! એના જેવું થયું. આવી રીતે બધે અભેદ છે.
૩૬. શિવલિંગઃ અર્થ અને સ્વરૂપ
શિવલિંગનો અર્થઃ જે વામ માર્ગ છે, એ દક્ષિણમાર્ગ નથી. વામ એટલે ઊલટો, દક્ષિણ એટલે સૂલટો. આર્યોના પહેલાં અમુક પ્રકારના લોકો મેલી વિદ્યાની અહીં પૂજા કરતા હતા; હલકી વર્ણ, જેને જંગલી લોકો કહીએ છીએ તેવા. ઉદાર હિંદુ સનાતન ધર્મ એને પણ હિન્દુત્વથી બાકાત ન રાખવા માટે, એમનામાં પણ કેટલીક એવી માન્યતાઓ હતી તેનો સ્વીકાર કરી લીધો અને એને લક્ષ્યાર્થમાં લેવાનું કહ્યું. આપણાં શાસ્ત્રોમાં કોઈ પણ જગ્યાએ લિંગનો જે અર્થ કરવામાં આવે છે એ સાચો નથી. એનો સાચો અર્થ ચિહ્ન થાય છે, જ્યારે લિંગનો અર્થ પુરૂષત્વનું ચિહ્ન છે.
આ છોકરો છે કે છોકરી છે એ જાણવાને માટે કયું ચિહ્ન માણસ જુએ? એવી રીતે અગ્નિને જાણવા માટે કયું ચિહ્ન માણસ જુએ? એમાં ગરમી છે કે નહિ, એ ગરમી એટલે એનું લિંગ. એ જ એનું ચિહ્ન. કયા ચિહ્ન વડે કરીને ગુણાતીત ને ઓળખી શકાય? ગુણાતીતનાં લક્ષણ કયાં, કયા સંકેતે, કયા લક્ષણે જણાય? ત્યારે શિવત્વને જાણવાનું ચિહ્ન કેવું છે? વિષ્ણુને જાણવાનું પ્રસિદ્ધ ચિહ્ન એની ચતુર્ભુજ મૂર્તિ. એના પ્રતીકનાં સ્થૂળ સ્વરૂપો જોશો તો એ વસ્તુ પકડાઈ જાય છે. વિષ્ણુ જે છે એ સંસારના પાલક. સંસાર ચાર વસ્તુથી ચાલે છેઃ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એ ચતુર્ભુજ, ચાર હાથ એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ; એ શંખ, ચક્ર, ગદા અને પદ્મ.
શંખ એ ધર્મની ઘોષણા છે અને ચક્રનો અર્થ દુનિયાની સંપત્તિ પ્રાપ્ત કરવાને માટે તેજસ્વીપણું જોઈએ તે. ગદા એટલે ઈચ્છિત વસ્તુઓ પ્રાપ્ત કરવાને માટે જે પરાક્રમ કરવાં જોઈએ તે. પદ્મ એટલે મોક્ષરૂપી સુખભાવ. એ ચાર અર્થ એ વિષ્ણુનું સ્વરૂપ, સંસારનું સ્વરૂપ. બ્રહ્મા અને વિષ્ણુની મૂર્તિ પૂજાય છે, પરંતુ મહાદેવની પૂજામાં કેવળ શિવલિંગ જ છે. શિવત્વ એક સિદ્ધાન્ત છે, સુખરૂપી એક ગુણ છે. એવા સુખની મૂર્તિ કેવી રીતે થાય? એટલે એ લિંગ એ જ શિવનો સંકેત, અર્થાત્ ચિહ્ન છે. મહાદેવજીનું ચિહ્ન કહેવાય.
લોક નજરે મહાદેવજીનાં અનેક દુષણો કહેવામાં આવે છે, પણ દરેક દુષણ, એ એનું મહાન ભૂષણ છે, અને બિલકુલ સ્થૂળ બુદ્ધિના અજ્ઞાની લોકોને મન એ દુષણ છે.
આપણામાં દીક્ષિત નામના એક મોટા પંડિત થઈ ગયા હતા, મહાન વિદ્વાન હતા, વેદાન્તના પંડિત હતા. કેવળ બ્રહ્મ સિવાય બીજું કશું હતું જ નહિ. બીજા સંપ્રદાયો તરફથી મહાદેવજી સંબંધે અત્યંત ખરાબ નિંદાઓ થતી હતી, તે એમનાથી સહન ન થઈ અને એમણે એક ગ્રંથ લખ્યો છે. એમણે લખ્યું છે કે “હું આ ગ્રંથ લખું છું, મહાદેવજીનું મહાત્મ્ય બતાવવા માટે. હું તો કેવળ એક અદ્વૈત બ્રહ્મમાં માનનારો છું, અને બધાયે ગ્રંથો એમ માને છે, અને જો વિષ્ણુ કે શિવ ગમે તે નામ લો એનો અર્થ જો પરમાત્મા જ થતો હોય તો અમારે કોઈ પણ નામનો વાંધો નથી.”
‘કર્પુર ગૌરં કરૂણાવતારમ્, સંસાર સારમ્ ભૂજગેન્દ્ર સારમ્
સદાવસંતં પદારવિંદે, ભવં ભવામિ સહિતમ્ નમામિ.’
કર્પુર ગૌરં છે, એને કાળો ચીતરે છે, શાસ્ત્રોમાં અનેક જગ્યાએ એનાં વખાણ લખ્યાં છે, પછી કેવી રીતે એને કાળો ચીતરો છો? કૈલાસ શિવજીની મૂર્તિ કહેવાય-ત્યાં ઝળહળતો બરફ છે સફેદ. એમાં કાળાશ ક્યાં આવી?
શિવને તમોગુણ કહ્યો છે. પુરાણોમાં કલ્પના એવી છે કે સત્વ,રજ અને તમ્ એ ત્રણ ગુણો એ આ ત્રણ દેવોની મૂર્તિ છે. એમાં શિવને તમોગુણ કહ્યો છે. બ્રહ્માનો અંતર-બાહ્ય રજોગુણ જ છે. વિષ્ણુ અંદરથી તમોગુણ અને બહારથી સત્વગુણ છે; અને શિવજીનું અંતરથી સત્વ અને બહારથી તમોગુણ છે. હવે અહીં બુદ્ધિ વાપરવાની આવે છે, રૂદ્રનો અંદરથી સત્વનો ભાગ એટલે જ્ઞાની માટે સત્વગુણ છે, કેમકે મોક્ષ આપે છે; સંસારના લોલુપોને માટે તમોગુણ છે, કેમકે શિવજી તો સંહાર કરે છે. સંહારનો અર્થ સંહરણ, પોતાની અંદર પાછું લઈ લેવું તે. શરીરનો નાશ થાય છે, પણ જીવાત્માનો તો મોક્ષ કરાવે છે. સંસારીઓને તો શરીર ખપે છે, મોક્ષ ખપતો નથી. એટલે શરીરનો નાશ થાય ત્યારે સંસારીઓ રડે છે, એટલે એવાઓને મહાદેવજી ભયંકર લાગે છે. સંહાર એટલે દુઃખનું હરણ કરે છે તેથી એનું નામ હર છે. એ અજ્ઞાનનો પ્રલય કરે છે, કે જે સંસારનું મૂળ છે. જેને શિવજી પ્રસન્ન થયા, એટલે જ્ઞાન લાધ્યું એને માટે સંસારનું અજ્ઞાન ટળી જાય છે. એ સંસારને મિથ્યા સમજવા માંડે છે, અને પોતાના સ્વરૂપને નિત્ય સમજતો થાય છે. એ અજ્ઞાનરૂપી સંસારના ભાવનો નાશ કરે છે. જ્ઞાનીઓને મન વહાલા લાગે એટલે એ સ્તવગુણ. વિષ્ણુ બહારની સંપત્તિ અને મોક્ષ આપે એટલે સંસારીઓને મન એ સત્વગુણ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ બહારનું સુખ આપનાર તે વિષ્ણુ, લક્ષ્મીનો પતિ. એટલે લોકને સુખ લાગે, માટે એ બહારનો સત્વગુણ. અંદરથી સંસારને ચલાવનારો, એક અનિત્ય સ્થૂળ સંસારને ચલાવનારો, માટે અંદરથી વિષ્ણુ તમોગુણી. બ્રહ્મા તો અંદર અને બહાર રજોગુણ જ છે. સંસારની ઉત્પત્તિનો દેવ. તેથી બ્રહ્માની પૂજા નહિ કરવી. એની પૂજાનો નિષેધ છે, પણ આપણને છોકરાં-છૈયાં વગેરેની લત છે. એટલે બ્રહ્માની પૂજા આજે માતાના રૂપમાં પલટાઈ ગઈ છે. જેને બાહ્ય સુખ જોઈએ એ વિષ્ણુને મોટો કહે, જેને આંતરિક સુખ જોઈ એ શિવ કે મહાદેવજીને મોટો કહે, સુખ તો બન્નેને જોઈએ છે, પણ ઝઘડા તો બન્નેના નામે થાય છે. એક અજ્ઞાન વડે સુખ માગે છે અને બીજો જ્ઞાન વડે. બસ, આટલો જ ફેર. પુરાણકાર વ્યાસજી કહે છે કે સુખ તો બધાને જોઈએ છે અને સુખનું નામ શિવ.
શિવલીંગનું સ્વરૂપઃ લિંગનો આકાર-ઊંધો વાટકો પાડ્યો હોય એવી રીતનો ગોળાકાર હોય છે. આકાશનો આકાર એવો જ છે. એટલે શિવલિંગ જે છે, એ વિશ્વનું ચિહ્ન છે. શિવજીને કોઈ મનુષ્યાકાર છે જ નહિ. શિવજી એટલે સુખત્વ, પૂર્ણત્વ, સંપૂર્ણત્વ, સમગ્ર સંસારને વ્યાપીને રહેલો સુખભાવ. એ વિશ્વનું રૂપ છે. પૃથ્વી ગોળ છે, બ્રહ્માંડ ગોળ છે. શિવલિંગ જેટલું બહાર છે એટલું નીચે પણ છે. અંડાકાર બ્રહ્માંડ એ જ શિવજીનો સંકેત, શિવજીને જાણવો હોય તો સમગ્ર વિશ્વને જોઈ લો. એ સમગ્ર વિશ્વને ન પૂજી શકીએ એટલે એની નાની સરખી આકૃતિ, શિવના ચિહ્નરૂપે આપણે મૂકીએ છીએ પણ પૂજીએ છીએ તો ભગવાનના દ્રશ્ય વિશ્વરૂપને જ. શિવલિંગમાં નીચે સ્થાણું હોય છે અને ઉપર લિંગ હોય છે. સ્થાણું એટલે પૃથ્વી અને ઉપર આકાશનો ભાગ દેખાય છે-એ શિવજીનું સ્વરૂપ. એને જ આપણે પૂજીએ છીએ. શિવજી ઉપર જે દૂધ ચઢાવવામાં આવે છે, એ તો સૂર્યનો જ ઉપરથી તાપ પડે છે, એ જ સુખ સ્વરૂપ છે. દૂધ સુખ સ્વરૂપ અને શાંતિ સ્વરૂપ છે. તેથી દૂધ ચઢાવવામાં આવે છે. દૂધને જવા માટે જે માર્ગરૂપી નીક કરવામાં આવે છે એ સ્થાણુંનો ઘાટ છે. એની બીજી કલ્પના કરવામાં આવે છે તો ખોટી છે. મહાદેવજીના લિંગને દૂધ વડે જે સ્નાન કરાવાય છે એ તો ત્રણે લોકને સ્નાન કરાવતી સ્વર્ગગંગા છે. રાત્રે આકાશમાં સ્વર્ગગંગા દેખાય છે એ જ દૂધનો અભિષેક. ત્રણે લોકમાં એને ઓળંગવાનું સામર્થ્ય કોઈનામાં નથી. તેથી શિવજીને સ્નાન કરાવેલા પાણીને ન ઓળંગાય.
પ્રાણીમાત્રમાં આ વિશ્વની અંદર જ વસે છે, અને એની અંદર જ એ નાશ પામે છે. તેથી એને લિંગ કહે છે. સર્વ એમાં મહાલે છે, અને સર્વ એમાં લય પામે છે, એની બહાર નહિ. તેથી લિંગનો અર્થ ‘આ સર્વનું રહેઠાણ’. સર્વ એમાં વસે છે. એ વિશ્વ શા માટે છે? તો કેવળ જીવ આનંદના ભાવમાંથી જન્મે છે. આનંદના ભાવમાં જીવે છે અને આનંદની આશામાં મરે છે. એટલે શિવલિંગ એ આનંદભાવનો સંકેત છે. શિવલિંગનો અર્થ આનંદ, પરમસુખ અને સંપૂર્ણ વિશ્વ. એનું જે પૂજન કરે એ કોઈ દેવનું પૂજન કરે છે એવું નથી, સચરાચર, સમગ્ર વિશ્વનું પૂજન થાય છે. શિવલિંગનો આવો સુંદર અર્થ છે.
આધ્યાત્મિક રીતે પણ એ શિવલિંગ, જે અમર આત્મા છે એનો પણ સંકેત છે. એમ બે રીતે એનો સંકેત થાય છે. ચિદાકાશમાં ભગવાન વસે છે, એમ જે આપણે કહીએ છીએ, એ કયો ભગવાન? સર્વ સૃષ્ટિની ઉત્પત્તિ ચિદાકાશમાંથી થાય છે, મન થાય ત્યારે માણસ પ્રવૃત્તિ કરે, એ પ્રવૃત્તિમાંથી બાળક જન્મે, અને જગત પ્રગટ થાય છે. મન હઠી ગયું તો જગત નથી, મનમાંથી આનંદ, ‘રસોવૈસહો’ એ રસ જતો રહ્યો તો માણસ આપઘાત કરીને મરી જાય . સનાતન ધર્મનો ભગવાન તે તો સચ્ચિદાનંદ છે.
ઉપનિષદોમાં કહ્યું છે કે પ્રાણીઓની આ જે ઉત્પત્તિ થાય છે એ કેવળ આનંદના ભાવમાંથી જ થાય છે, એક જાતનો અનિષ્ટ પ્રકારનો આનંદ. એને લીધે સ્ત્રીપુરૂષનો સંયોગ થાય છે, જેને આપણે લૌકિક રીતે પ્રેમ કહીએ છીએ. એમાંથી સર્વ પ્રાણીઓ જન્મે છે અને એ જીવનમાં રસ રહે છે, એ રસમાં જ જીવે છે; અને જ્યારે જાય છે, ત્યારે આનંદના ભાવથી, બીજા ભવમાં આનંદ મેળવવાની આશાથી જ જાય છે. એ રીતે આનંદમાં જન્મવું, આનંદમાં જીવવું અને આનંદમાં જવું. એ આનંદ નામની જે વસ્તુ છે, એ જ શિવલિંગ, એ પરમ આનંદ, એ જ શિવની મૂર્તિ, એવો સંકેત છે.
૩૭. મહાદેવના સંબંધમાં માન્યતાઓ
પ્રસાદઃ મહાદેવજીના સંબંધમાં માન્યતા છે કે મહાદેવજીને ધરાવેલ વસ્તુ કોઈથી ખવાય નહિ. એમાં પણ શિવજીનો ભાવ એટલો બધો ઊંચો છે, કે સામાન્ય માણસ એને ગ્રહણ ન કરી શકે. સંસારની લોલુપતા હોય એ ગ્રહણ ન કરી શકે. માટે લોકો શિવજીને ન સમજે એમાં નવાઈ નહિ. શિવજી જ્ઞાનીઓ માટે છે, શિવજી ત્યાગની મૂર્તિ છે. શિવજીનું મહાત્મ્ય એવું છે કે શિવજીને ધરાવેલું કશું લેવાય નહિ.
શિવજીને ધરાવેલ ન ખવાય એ વાત સાચી. એનું કારણ શું? એનું કારણ એ છે, કે શિવજી ત્યાગ, વૈરાગ્ય અને જ્ઞાનના દેવ, સાધુ-સંતોના દેવ છે. દેવને જે ધરાવીએ, એનું વાતાવરણ એ પ્રસાદમાં, એ નૈવેદ્યમાં આવે. આ એણે સ્વીકારેલું છે, એનું તત્વ એમાં આવ્યું છે, બધા થોડું થોડું લે એટલે તમારામાં એ તત્વ ઊતરે, તેથી પ્રસાદ બધે વહેંચવામાં આવે. એ પ્રસાદમાં જ, ઈશ્વરની પ્રસન્નતા ઓતપ્રોત હોય, એ મારામાં આવે, મારા અંગે-અંગમાં ફેલાય, એવી ભાવના. પણ શિવજીને ધરાવેલું હોય, એમાં તો ત્યાગ, વૈરાગ્ય આવે. એ ખાઈએ તો બાવા બની જવાય. એ તો લક્ષ્મીનારાયણને ધરાવેલું ખવાય, જેથી પૈસોટકો અને સંપત્તિનો ભાવ આવે, ત્યાં વિષ્ણુનો પ્રસાદ લેવાય, શિવજીનો ન લેવાય!
ભગવાનને ધરાવવા માટે રાખેલું, ભગવાનને અર્પણ થયેલું, એ ભગવાનની મિલકત ગણાય. એકવાર દેવને જે ધરાવાઈ ચૂક્યું હોય, એ વસ્તુ તો સૌને ખાવી જોઈએ, કેમકે સર્વ પાપને હરણ કરના પરમ વસ્તુ છે. એ દરેક દેવને માટે એવું છે. ભગવાનને ધરાવેલું, ભગવાને ખાધું છે, એ ભાવ કરીને સૌએ એ ખાવું જોઈએ, કેમકે ભગવાનની પવિત્રતાનો ભાવ આપણામાં આવે.
શિવજીનું તો શિવજીના ભક્ત સિવાય કોઈને ન ખપે, કેમકે ખાય તો સંસારમાંથી રસ ઊડી જાય, વૈરાગ્ય આવી જાય, ત્યાગ આવી જાય તો ભોગ લાગ્યા તેના! સંસાર નષ્ટ થઈ જાય! નિર્મલ શબ્દ ઉપરથી નિર્માલ્ય શબ્દ થયો છે. એ નિર્મલ છે તેથી નિર્માલ્ય કહેવાય છે, નિર્માલ્ય તો પવિત્ર શબ્દ છે.
જેને આતરિક શુદ્ધિ અને આંતરિક શાંતિ જોઈતી હોય, એ શિવજીનું ખાય, જેને રજોગુણ અને દુનિયાની ધમાલ જોઈતી હોય, તેને શિવજીનો પ્રસાદ ન ખપે. આવી રીતે જે દુષણ ગણાવાય છે એ તો શિવજીનું ભૂષણ છે, એ તો સાધુ-સંતને જ હજમ થાય, મામુલીને હજમ ન જ થાય.
શિવજીનો થાળ તપોધન બ્રાહ્મણ ખાય, બ્રાહ્મણમાં હલકામાં હલકો તપોધન છે, તપ જ જેનું ધન છે. તપોધન એ શબ્દ તો ઋષિઓ માટે વપરાતો હતો, પણ આજે ઋષિ કોઈને ખપતા નથી, ઋષિનો તો ત્યાગ, વૈરાગ્ય આવે. તપોધન બ્રાહ્મણને અધમમાં અધમ બ્રાહ્મણ ગણવામાં આવે છે. એ તો જમાનાનું લક્ષણ છે. તપોધનનો અર્થ જ એ છે કે ઋષિમુનિઓ સિવાય શિવજીનું બીજું કોઈ ખાઈ ન શકે. વિચારોની કેટલી બધી વિકૃતિ થઈ ગઈ!
આકડો, ધંતુરો, અને રૂદ્રાક્ષ, એવી બધી જંગલની વસ્તુઓ શિવજીને ખપે. એટલે ન સમજનારાઓ પણ માને છે કે બીજાં ફૂલ ન હોય તો આકડો, ધંતુરો ગમે તે ચઢે. એવું નથી. શિવજીની તો કમળથી પૂજા કરાય – શિવજીની પૂજાનો થાળ એ કમળ છે, કે જે બ્રહ્મા, વિષ્ણુ ને લક્ષ્મીનું આસન છે, એ જ શિવજીને ધરાવાય. આંકડો અને ધંતૂરા પાછળ common sense બુદ્ધિ હતી. જે સાધુને આંગણે આકડો અને ધંતૂરો હોય એને દુનિયાની પરવા નથી, કેમકે શરીરના બધા જ રોગોનો આ ત્રણની અંદર ઈલાજ છે, ઉત્તમમાં ઉત્તમ ઈલાજ છે ચામડી અને પેટના દર્દ માટે ધંતૂરો છે. આકડો શબ્દનો અર્થ અર્ક, સૂર્ય કહેવાય. એટલી બધી એ તેજસ્વી વસ્તુ છે. ચામડીના સર્વ રોગોનો નાશ કરે છે. રૂદ્રાક્ષની માળા જે પહેરી રાખે એને છાતીના રોગ કદી ન થાય. સાધુ સંતો રૂદ્રાક્ષની માળાને રાત્રે સૂતી વખતે પોતાના કમંડળમાં પાણીમાં નાખી સૂઈ જાય અને સવારના પહોરમાં એ પાણી પી જાય. એને કોઈ રોગ ન થાય. ભસ્મ જો શરીર પર ઘસે તો ચામડીના કોઈ રોગ ન થાય. એટલે બ્રાહ્મણોએ આ બધું સમજીને કર્યું હતું. તપ કરનારા સાધુ સંતો આ ચાર વસ્તુ રાખે છે કારણકે એ શિવજીને ખપે છે.
શિવજી તો ત્યાગી છે, દીનદયાળ છે. એને ભોગની કોઈ વસ્તુ જોઈતી નથી. એ રીતે વિષ્ણુને માટે તુલસીનું કહ્યું છે, કેમકે એ ગુણકારી છે. આ બધી વસ્તુઓ ગુણકારી, કલ્યાણકારી હોવાને કારણે શિવજીને માટે પથ્ય કહી છે.ધંતૂરાનું કનડ નામ છે ‘નીલકંઠ’. કોઈપણ દેવ જ્યારે ઝેરને ન જેરવી શક્યા, ત્યારે મહાદેવજી પાસે ગયા કે અમને બચાવો ત્યારે મહાદેવજી ગટ ગટ પી ગયા. એ હલાહલ ઝેર કંઠમાં રાખ્યું પણ હ્રદયમાં ન ઉતરવા દીધું. એ ઝેરથી કંઠ બળી ને કાળો થઈ ગયો. એ નીલકંઠ કહેવાય છે, પણ એ દુષણ છે કે ભૂષણ છે? એ કયું હલાહલ ઝેર? સમુદ્રમાંથી જે સંસાર નીકળ્યો, એ સંસારના કલેશરૂપી દુઃખ જેને ભવદુઃખ કહીએ છીએ, એ હલાહલ ઝેર છે. એને કોઈ જગતમાં જીરવી શક્યું છે? હજી સુધી કોઈ જીરવી શક્યું નથી, એકમાત્ર મહાદેવ – ત્યાગ, વૈરાગ્યરૂપી જે મૂર્તિ, એટલે જ્ઞાની, જે સંસારનાં બધાં જ ઝેર ઘોળી દોળીને પી જાય છે, અને સ્વસ્થ બેસે છે, એને હજમ થાય છે, બીજા કોઈને નહિ. ગમે તેટલા કલેશ કંકાસ હોય, એનાથી જ્ઞાનીની સ્વસ્થતા ચળતી નથી.
સત્યમ્-શિવમ્-સુંદરમઃ આપણામાં બ્રહ્મનાં ત્રણ સ્વરૂપ કહ્યાં છે, વસ્તુ એક જ, પણ ત્રણ Aspects છે. એક સત્ય – Absolute Truth કે જે કદી પણ અસત્ય ન બની શકે. બીજું શિવમ્ એટલે કલ્યાણકારી, માંગલ્યકારી હોવું જોઈએ, અને સુંદરમ્, રૂપાળું લાગવું જોઈએ, આ ત્રણે એક જ વસ્તુ છે. જે સત્ય હોય એ જ શિવ અને સુંદર, જે માંગલ્યકારી હોય એ જ શિવ અને સુંદર હોય, સુંદર એને જ કહેવાય કે જે સાચેસાચ સત્ય અને કલ્યાણકારી પણ હોય. સત્યને તો સ્વયં પરમાત્મા કહ્યો છે. શિવની મૂર્તિ દિગંબર હોય છે, પારસનાથ જુઓ તો એમની મૂર્તિઓ દિગંબર હોય છે. ત્યાગ, વૈરાગ્યનો ભાવ એટલે ઓમને શિવ બહુ જ ઈષ્ટ હોય છે. ઘણી જગ્યાએ એનાં વર્ણનો આવે છે તે લગભગ શિવજીના જેવાં જ હોય છે. જૈનના પરમ આચાર્ય – એમનું સ્વરૂપ પણ આ પ્રમાણે જ હોય છે, કે જેને એ લોકો ભગવાન કહે છે. એવી રીતે સિવજી નગ્ન સ્વરૂપે સત્ય છે, અને ઢાંકવાનું ક્યાં હોય કે જ્યાં શરમાવા જેવું હોય ત્યાં, શિવજીમાં શરમાવા જેવું ક્યાંયે નથી. ને બધું સમાન છે. ત્યાગ અને વૈરાગ્ય જેનામાં હોય એજ દિગંબર થઈ શકે, બીજો કોઈ નહિ.
ગંગાજીની ધારા એમના માથામાંથી નીકળ્યા કરે છે, એ શું છે? શિવની કોઈ માનુષ મૂર્તિ નથી, શિવ તો જ્ઞાનનું સ્વરૂપ છે, એ ‘ગંગા, ગચ્છતિ, ગમયતિચ’. જે પ્રભુ પ્રતિ પોતે જાય છે અને બીજાને લઈ પણ જાય છે, એ જ જ્ઞાનગંગા. નિત્ય જ્ઞાનમય પ્રવાહ જેના મસ્તકમાંથી નિકળે છે, એ નિત્ય નિરંતર જ્ઞાનનું જ સ્વરૂપ છે.
પુરાણોમાં જ્યાં કંઈપણ જ્ઞાન આપવું હોય, ત્યાં હંમેશાં શિવજી પાર્વતિને કહે છે, એ રીતે જ અપાય છે, શિવજી એટલે જ્ઞાન અને પાર્વતિજી એટલે જ્ઞાન શીખવવાની શક્તિ. જ્ઞાન પર્વતમાં જ રહે, અને જેને જ્ઞાન જોઈતું હોય, એ પર્વતમાં, હિમાલયમાં તપ કરવા જાય. એ શા માટે? પાર્વતીજી શિવને પરણ્યા છે એમ કેમ કહ્યું? એ તો પર્વતમાં જઈને એકાંતમાં જઈને તપ કરવા વડે કરીને જ જ્ઞાનશક્તિ પ્રાપ્ત થાય. એટલે પાર્વતીજી પ્રાપ્ત થાય. હિમાલય-હિમ એટલે શીતળતા, શીતળ એકાંત સ્થાનમાં જઈને તપ કરીને જ જ્ઞાનની સિદ્ધિ થઈ શકે, તેથી શિવજીનું સ્થાન હિમાલય, અને પાર્વતી હિમાલયની પુત્રી.
ભૂતડાઃ- એ કયાં ભૂતડાં? એમાં એક શ્લોક છે. “નાચે માયા અચરાચર, સૌ ભૂતનાં વૃંદ નાચે, ને તે મધ્યે શિવ સ્ફટીક શા ગૌર ને સ્વસ્થ રાજે, દગ્પાતે એ ત્રિગુણ પ્રભૂવે રક્ત, ને શ્વેત, શ્યામ, ને દ્રગ્પાતે શબલ શમવે ૐ ગુરૂ બ્રહ્મનામ!” આ પાંચ ભૂતોની બનેલી સૃષ્ટિ, એ આ પાંચ મહાભૂત એ જ આ ભૂતડાં. આ સમગ્ર જગત આ પાંચ ભૂતમાંથી ઉત્પન્ન થયેલું છે, એ પાંચ ભૂતોનો જે નાથ, તે એ ભૂતનાથ, જેમાંથી સમગ્ર સૃષ્ટિ પ્રગટેલી છે, એ પાંચે ભૂતોનો નાથ. એ ગૌર અને સ્વસ્થ રાજે છે, અને આ જગતરૂપી ભૂતડાંનો ચારે બાજુ નાચ છે. એ શાંત અને સ્વસ્થ રીતે, સાક્ષીભાવે જોયા કરે છે, એક જ દ્રગપાતે એ પાંચે ભૂતડાંને ઉત્પન્ન કરે છે, અને જ્યારે એને કહે છે કે બસ, ત્યારે એ માયાને શાંત પણ કરી નાખે છે. એ પાંચ મહાભૂતો, એના સેવકો થઈને નાચે છે.
વૃષભ વાહન, ત્યાં કૈલાસમાં વાહનનું એક જ સાધન તે બળદ. ત્યાં ચક્ર કે જેને પૈડું કહીએ છીએ તે ન મળે, ત્યાં યાક્ કહે છે એ આખલા ઉપર જ બધો સરસામાન લઈ જવાનો, અને એ જ બેસવાનું વાહન પણ છે. બધાનાં વાહન એ વૃષભ જ હતાં, ત્યાં ઘોડા કે બીજા પ્રાણીઓ નહિ, શિવજીનું વાહન વૃષભ એ કારણથી કહેવાય છે. વૃષભ એટલે બળદ પણ કહેવાય છે. પુરૂષર્ભ એટલે બળ, સાંઢ, મજબૂત કહેવાય. એટલે શિવજીની સંજ્ઞા બળ છે. વાહન કહેવામાં આવે છે, એટલે તેના ઉપર બેસીને દેવો ફરે છે તેમ નહિ, પણ વાહનનો અર્થ થાય છે Flag. જેમ ભારતનો Flag કહ્યો છે, એ પ્રમાણે વિષ્ણુનું ગરૂડ કહેવાય, ગરૂડ ઉપર બેસીને ફરતા હતા, એમ નહિ. ગરૂડ ઉપર બેસીને આવ્યા એટલે કે એમના રથ પર ગરુડનું ચિહ્ન છે. એવી રીતે શિવજીનું ચિહ્ન વૃષભ, બળ, તાકાત. જેમ કાર્તિકેયનો ઉત્કૂટક, એવી રીતે એનું એ ચિહ્ન હતું. એવી રીતે આનો અર્થ સમજવાનો છે.
ભસ્મ એટલેઃ- બ્રાહ્મણ જ્યારે સંધ્યા કરવા બેસે ત્યારે સંધ્યાનો મંત્ર છે. ત્રણે વર્ણો-બધા સવારમાં સંધ્યા કરીને બહાર નીકળે, એ શ્વર જેવા સ્વયં અજેય થઈ જાય, એને કદી દુઃખસુખનો ભાવ લાગે નહિ, નિત્ય પ્રસન્ન થઈને જગતનો માલિક થઈને ફરે, એ કોઈનો લાચાર ન થાય. એ ભસ્મ લઈને એમાં પાણી ઉમેરે કેમકે, સૃષ્ટિ જળમાંથી જ ઉત્પન્ન થઈ છે, પશ્ચિમનું શાસ્ત્ર પણ હવે એમ માનતું થયું છે કે સમુદ્રમાંથી જ જીવનસૃષ્ટિ ઉત્પન્ન થઈ છે.
જલ શબ્દનો અર્થ – જલ વગર ન ચાલે, જલ તો પ્રાણસ્વરૂપ છે, ‘જ’ એટલે જન્મનું અને ‘લ’ એટલે લય, જેમાંથી બધું જન્મ્યું છે અને જેમાં બધું જવાનું છે જલ. વેદોમાં ‘ઈતિ તદ્જલાદ વિશાંત ઉપાસત’ કહેલું છે, આ સમગ્ર સૃષ્ટિને જલ કહેજો. એમાં બધું આવી જાય છે. એટલે ભસ્મ જેનો અંત કહેવાય, ભસ્મ અને જલ મળે છે, એ બેને ભેગાં કરી એના ઉપર હાથ રાકી ‘ૐ અગ્નિ ઈતિ ભસ્મ, ૐ વાયુ ઈતિ ભસ્મ, ૐ જલ ઈતિ ભસ્મ, ૐ સ્થલ ઈતિ ભસ્મ, ૐ વ્યોમ્ ઈતિ ભસ્મ’. આ બધું જે કાંઈ કહો તે જલ, સ્થલ, પાંચે ભૂતો, સમગ્ર સૃષ્ટિ, અરે, આ મન અને બધી ઈન્દ્રિયો, એ આખરે કાંઈ જ નથી, બધું ભસ્મ જ છે. એ ભસ્મ કપાળ ઉપર ચોપડે. આ નાશવંત જગતમાં એ મસ્તીથી એ ફરે છે.
સ્મશાન એટલે આ બધું જે જીવતું દેખાય છે, એ બધું મોત છે, જીવન નથી. એ જીવે છે એ અકસ્માત છે, એ મરશે એ વાત ચોક્કસ છે. આ બધું નાશ પામશે એ ચોક્કસ છે. ત્યારે દેખાય છે જીવતું પણ બધું મરેલું પડેલું છે. ઉપનિષદમાં એક જગ્યાએ લખેલું છે કે શરૂઆતમાં આ સૃષ્ટિમાં કંઈ જ ન હતું. ફક્ત મોત જ હતું. એ મોતનું નામ ભૂખ અને તરસ. એમાંથી શિવસૃષ્ટિ ઉત્પન્ન થઈ છે, મોત જ એને ભરખે છે અને મોતમાંથી જ એ ઉત્પન્ન થઈ છે. ભસ્મ એટલે ભાવ નિત્ય નિરંતર હોવો, એ ભાવ જેને હોય તેને સુખદુઃખનું શું કારણ હોય? એમ સંસારની અનિત્યતા અને જ્ઞાન-વૈરાગ્યનો નિરંતર ભાવ રહેવો, એ શિવત્વ કહેવાય છે.
ત્રિશૂળ ધારણ કરવુઃ- ત્રિશૂળ એટલે આધિ-વ્યાધિ અને ઉપાધિ. આ ત્રણ જાતના શૂળ સમગ્ર સૃષ્ટિને સતાવે છે. શિવજીનું આ એવું શસ્ત્ર છે કે જે આ ત્રણે અસુરોનો નાશ કરે છે. ત્રણ પ્રકારનાં જે દુઃખો છે, એનો શિવજી ત્યાગ અને વૈરાગ્ય વડે નાશ કરે છે. ત્રણ લોકની આપત્તોને મારનારૂં શૂળ એ શિવરૂપી જ્ઞાન છે, એ જ ત્રિશૂળનો ભાવ છે. ત્રણે શૂળોનું નાશ કરનારૂં પ્રતિશૂળ એવું એ ત્રિશૂળ છે.
સ્થાણું – એટલે શિવજીને જોશો તો એ હંમેશાં બેઠેલા. વિષ્ણુ ભગવાન સૂતેલા, અથવા તો ઊભા પણ કદી બેઠેલા ન હોય, કેમકે એને તો સંસારને નિભાવવા માટે દોડાદોડ કરવાની, અવતારો લેવાના. સ્થાણું એટલે ઝાડનું ઠૂંઠૂં કહે છેએ સ્થાણું કહેવાય, પર્વત પણ સ્થાણું કહેવાય છે, અવિચળ છે. બધા જ દેવોની મૂર્તિઓ ચળ હોય છે, શિવજીની અવિચળ છે, કેમકે જેયલો બહાર એટલો જ નીચે પણ હોય છે. એટલે શિવજીનું સ્થાન, અવિચળ, અચંચળ, સ્થિર અને દ્રઢ, એવું એ સ્થાન છે, એ ઝાડનું ઠુંઠું નથી. જેમ ઝાડ હરતું ફરતું નથી એમ શિવભાવ હરતો ફરતો નથી.
કપાલ – શિવજી પાસે પાત્રમાં માથામાં ખોપરી છે, એ તો ભયંકર લાગે, દરેક મનુષ્ય પોતાની બુદ્ધિ ઉપર જે દાર-મદાર કરે છે. અંદર તો હાડકાંની ખોપરી જ સત્ય છે, બાકી મસ્તક તો જૂઠૂં છે. જ્ઞાનીને એની ખબર હોય છે કે છેવટે આ ખોપરી જ રહેવાની છે, જ્ઞાનીને શું ખોપરી કે શું આ પાત્ર બધું સમાન છે, એ સમાનભાવ દર્શાવવાને માટે, એ પોતાનું ભોજન પણ ખોપરીમાં જ ખુશીથી લે છે. એ ભોજન ખાઓ, ન ખાઓ, છેવટે તો આ મૃત્યુ જ છે. સોલોમન પોતાના તંબુ આગળ એક ખોપરી અને બે હાડકાંના ક્રોસની સંજ્ઞા રાખતો હતો. સોલોમન જાણતો હતો કે સાચું તો મોત જ છે. જીવન ખોટું છે. મારી પાસે જે કોઈ આવે તે આ સંજ્ઞાને યાદ કરીને આવે.
આપણામાં ખોપરી એ ભાવ બતાવે છે કે સર્વત્ર સમાનભાવ, ઊંચ-નીચ, એવો જરાપણ ભેદભાવ નહિ. શું માટી કે શું સોનું – એ વેદનો જે ભાવ છે, એ કપાલનો ભાવ છે.
શિવજીની આઠ મુર્તિઓ કહેવાય છે, શિવાજીના આઠ દ્રશ્યસ્વરૂપો કહેવાય છે. શિવ અને વિષ્ણુ માટે આ આઠેય સમાનરૂપે કહેવાય છે. ‘મહિમ્ન સ્તોત્ર’ માં શિવજીનાં એ આઠ સ્વરૂપો શ્લોક ૨૬માં બહુ સુંદર રીતે કહેવાયેલાં છે. ”ત્વમર્કસ્ત્વંસોમસ્ત્વમસિ પવનસ્ત્વં હુતવહઃ ત્વમાપસ્ત્વં વ્યોમસ્ત્વમુ ધરણિરાત્મા ત્વમિતિચ, પરિચ્છિન્નામેવં ત્વયિ પરિણતાઃ બિભ્રતુ ગિરં, ન વિદમસ્તતત્વં વયમિહ તું યત્વં ન ભવસિ ।। ”
એનાં રૂપો ક્યાં ક્યાં છે? એક તો આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, સૂર્ય, ચંદ્ર અને આત્મા, એ આઠ રૂપ. શિવજીનાં એ પ્રત્યક્ષ રૂપો છે, એ નિશાનીએ શિવજીને જાણવા. આબુમાં શિવજીનું જે લિંગ છે એ આકાશરૂપે છે. તેમાં અંદર પોલાણ છે અને નીચે ખડખડ પાણી વહેતું રહે છે, જે દેખાતું નથી. પંજાબમાં જ્વાળામુખીનો પર્વત છે ત્યાં નિત્ય નિરંતર અંદરથી અગ્નિના ભડકા નીકળે છે, એ પણ શિવજીનું રૂપ કહેવાય છે. એવી રીતે શિવજી આઠે પ્રકારે પૂજાય છે.
ત્રિમૂર્તિઃ- ત્રણ દેવો કહેવાય છે. એ ઈશ્વરનાં ત્રણ પાસાં છે. લોકોને સમજાવવાની મુશ્કેલ પડે છે એટલે આ ત્રણ દેવોની કલ્પના કરી છે, પરંતુ વાસ્તવમાં કોઈ દેવ નથી, કોઈ દેવી નથી. ઈશ્વરનાં જુદાં જુદાં રૂપે ગુણ અને શક્તિઓ દેખાવી એ જ આ ત્રણ દેવો. જેમ એક સ્ત્રી હોય, કોઈક એને ‘મા’ કહેતું હોય, કોઈ એને પત્ની કહેતું હોય, કોઈ એને દીકરી કહેતું હોય, કોઈ એને મામી, માસી કહેતું હોય, પણ સ્ત્રી તો એક જ છે. એમ ઈશ્વર એક જ છે, એની જુદી જુદી શક્તિઓના આવિર્ભાવ થાય છે; એને દેવદેવીનાં નામો આપ્યા છે. બાકી સનાતન ધર્મમાં વાસ્તવિક રીતે કોઈ દેવદેવીઓ છે જ નહિ. એટલે આ ત્રણ દેવોના છેલ્લા સરવાળારૂપે શિવ, કલ્યાણ, સુખ પરમાત્મામાં જ છે.
સાંખ્ય શાસ્ત્ર કહે છે કે દરેક શરીરે પુરૂષ અને પ્રકૃતિ છે. એ પ્રકૃતિ શક્તિ અને પુરૂષ એ શક્તિનો દેનારો. માયા એ જ પ્રકૃતિ, માયા આ બધો ખેલ કરે છે અને પુરૂષને ભ્રમણાઓમાં નાખે છે, કે હું તો સંસારી છું. એ બધું માયા શું કરવા કરે છે? ભોગ વડે પુરૂષનો અપવર્ગ કરવા માટે. આ ભોગો ભોગવીભોગવીને, એક દિવસ આ પુરૂષ વિચારે છે કે વગર કારણે ભવમાં દુઃખી શું કરવા થાઉં છું, આ બધું શું કરવા કરતો હોઈશ? ત્યારે એને કોઈ ગુરૂ મળે અને કહે કે, બેવકૂફ તું તો અંદર બેઠેલો ચેતન પરમાત્મા છે, અને આવી ઈચ્છા તને કેમ થાય છે? તારી ઈચ્છા એ જ તારી પ્રકૃતિ, તું નથી કરતો. ત્યારે એને ભાન થાય છે કે અરેરે, કરે છે બધું માયા, અને હું કરૂં છું એ કેવી ભ્રમણા? તે જ ક્ષણે મોક્ષ.
વિષ્ણુનું નામ જનાર્દન-જનનું અર્દન કરનાર. જન એટલે જન્મ અને મરણની પરંપરા, એ જન્મનો નાશ કરવા માટે. માટે એનું નામ જનાર્દન છે; શિવનું નામ પણ એ જ છે સંહાર. શિવ સંહારક છે. સંહાર એટલે સમ્યક પ્રકારે સંહરણ કરવું તે. જેને આપણે ઉપસંહાર કહીએ છીએ, એટલે બધું દુઃખ ગયા પછી એનો સાર જે કહેવો તે ઉપસંહાર. જગતનો સાર તે સંહાર. જગતનો સાર ઈશ્વર છે, પરમાત્મા છે, જ્ઞાન છે. જ્ઞાન વડે જ સંસારીભાવનો સંહાર કરે છે. શિવજી ક્યાંએ આગ ચાંપતા નથી, પણ આ અજ્ઞાનમાં આગ ચાંપે છે. તે અજ્ઞાનરૂપી સંસારના ભાવનો સંહાર કરે છે, એ સંહારક શિવજીનું રૂદ્રસ્વરૂપ લોકોને ભયંકર લાગે છે.
ઉત્પત્તિ, સ્થિતિ અને લયની જે શક્તિઓ કહી છે, એ ઈલેક્ટ્રિસિટીની શક્તિની જેમ એક પાવર છે. એમ શિવની શક્તિ, માંગલ્યની શક્તિ એક જ છે. એટલે આદ્ય શક્તિ, માતાજી તરીકે જેની પૂજાઓ થાય છે, અંબાજી, ભદ્રકાળી વગેરે એ એક જ શિવની માંગલ્ય શક્તિ છે, અને ત્રણ રૂપે વર્તાય છે, એટલે એ ત્રણ રૂપે કહેવામાં આવે છે. એ જ માયા, એનો માલિક પરમ શિવ છે અને આપણે જેને નમીએ, એ શિવને જ નમન છે; સંસારને પૂજે છે એ શિવને જ પૂજે છે, કેમકે શિવજીની જ આદ્યશક્તિ અને માયા છે.
‘ૐ તત્ સત્’.
૩૮. સંસ્કાર-બીજની માવજત
મહાન પુણ્યના સંચયથી જ આપણને માનવશરીર મળેલું છે, તેમાં પણ તે જો સ્વસ્થ અને તંદુરસ્તીથી યુક્ત હોય તો એ પુણ્યની એક વિશેષતા ગણાય છે. વળી, પૂર્વજન્મના શુભાશુભ સંસ્કારો આપણા સાંપ્રત જીવનમાં પણ મહત્વનો ભાગ ભજવતા હોય છે. જેમ પુણ્યકર્મના ઉદયથી સુખ-સગવડનાં સાધનો પ્રાપ્ત થાય છે, તેમ શુભ સંસ્કારના ઉદયથી સાત્વિક ભાવના ઊપજે છે અને સત્સંગનો પ્રસંગ સાંપડે છે. કેટલાક માણસને સત્સંગ સભામાં ઊંઘ આવી જાય છે અથવા તો કોઈ નજીવા નિમિત્તથી ત્યાંથી ખસી જાય છે, તો તે શુભ સંસ્કારની અવધિ સૂચવે છે. સત્સંગનો લાભ મળ્યા પછી ધગશ રાખીને પ્રયત્ન કરવામાં આવે તો જ શમ-દમને આચરણમાં મૂકી શકાય છે; એના પરિણામે ઈશ્વરના કૃપાપાત્ર થવાય છે. એ રીતે શુભ સંસ્કાર, પોતાનો પુરૂષાર્થ અને પ્રભુની કૃપા એ ત્રણેના સુમેળથી આ જન્મમાં આધ્યાત્મિક ઉન્નતિમાં આગળ વધી શકાય છે.
આમ પૂર્વના શુભ સંસ્કારનું બીજ આ જન્મમાં વૃક્ષનું સ્વરૂપ લે છે ખરૂં, પરંતુ એક વાત યાદ રાખવા જેવી છે કે એકલું બી મળી જાય તો તેટલાથી મોઢામાં ફળનો સ્વાદ નથી આવી જતો પણ તેની પાછળ ભારે જહેમત ઉઠાવવી પડે છે. જેમકે કોઈ શુભેચ્છક આપણને સારી જાતની પાપડીનું બી આપે તો તેટલાથી કંઈ શાક નથી રંધાતું પણ તે વાલને તેની મોસમ સુધી સાચવી રાખીને ચોક્કસ ઋતુમાં જમીનને ગોડી, થાણું કરીને તેમાં તે બી રોપી, ઉપર માટી ઢાંકી દઈને પાણી રેડવું પડે છે. ફણગો બહાર નીકળ્યા પછી તેના પર રોજ જળ સીંચવું પડે છે. વેલો થાય ત્યારે ઊંચે ચઢવા માટે ટેકો આપવો પડે છે અને ઢોરોથી રક્ષણ કરવા તેની ફરતે વાડ કરવી પડે છે. આમ સતત માવજત કરવા પછી જ પાપડી બેસે છે અને શાક ખાવાનો લાભ મળે છે.
એવી જ રીતે આપણને શુભ સંસ્કારના ઉદયથી સત્શાસ્ત્ર અને સંતજનોનાં દર્શન-મિલનની તક મળે ત્યારે સાંભળેલા સુબોધને મનનથી દ્રઢ કરીને, આંતર ક્ષેત્રને શમદમાદિના પાલનથી ચોખ્ખું કરવું પડે છે. ભક્તિભાવના સલિલથી હ્રદયભૂમિને ભીની રાખવી પડે છે. વ્યાવહારિક ફરજો બજાવવા સાથે પ્રભુ પ્રીત્યર્થે સત્કર્મો કરાય તેમાં હું કરૂં, મેં કર્યું, એવું અભિમાન ન રાખતાં પ્રભુએ પ્રેરણાથી કરાવ્યું એમ માનવું. ભગવાન શ્રી કૃષ્ણે ઉદ્ધવજીને કહ્યું હતું કે,
“મલ્લક્ષ-મિમંકાયં લબ્ધ્વા મદ્ધર્મ અસ્થિતઃ ।
આનન્દં પરમાત્માન માત્માસ્થં સમુપૈતિ મામ્ ।।”
જેના વડે મારૂં સ્વરૂપ જાણવામાં વે એવી મનુષ્યની કાયા પામીને, મારા ભક્તિરૂપી ધર્મમાં જે રહે છે, તે આત્મામાં નિયંતારૂપે રહેલા મને પરમાનંદરૂપ પરમાત્માને પામે છે. એ મુજબ પરમાત્માને પામવાનું ધ્યેય રાખવાથી જ પેલા પૂર્વના શુભ સંસ્કારોની સાર્થકતા થઈ શકે છે. પોતાના આત્માના ઉદ્ધાર માટે દરેક મનુષ્યે યથામતિ પ્રયાસ કરવો જોઈએ. સ્વામી વિવેકાનંદના ગુરૂબંધુ સ્વામી બ્રહ્માનંદજીએ સાધકને કહ્યું હતું કે, “How blessed is the human birth ! Man alone can find God. To realize Him must be man’s only purpose. Strive hard to reach him and be free in this very life.”
“માનવજન્મ કેટલો બધો આશીર્વાદરૂપ છે! માનવી જ ઈશ્વરને મેળવી શકે છે. તેનો સાક્ષાત્કાર કરવો એ જ એકમાત્ર તેનું ધ્યેય હોવું જોઈએ. તેને મેળવવા અથાગ પરિશ્રમ કરી, ને આ જન્મમાં જ મુક્તિ મેળવો.” મનની શુદ્ધિ કેટલી બધી લાભદાયક છે તેની પ્રશંસા કરતાં બાઈબલમાં કહ્યું છે કે “Blessed are the pure in heart for they shall see God.” અર્થાત્ “જેનું હ્રદય શુદ્ધ છે તે ભાગ્યશાળી છે, કારણકે તે જ ઈશ્વરનો સાક્ષાત્કાર કરી શકશે.” આમાં આપણા મનને કેળવવાની જ ખટપટ કરવી પડે છે, કેમકે મન જ બંધન અને મોક્ષનું કારણ મનાયેલું છે. સ્વચ્છંદી મન અધોગતિમાં નાંખે છે અને સંયમી મન જીવાત્માને ઊર્ધ્વગામી બનાવે છે. શાસ્ત્રી શ્રી ડોંગરેજીએ ‘ભાગવત્ રસામૃતમાં’ મનને કાબૂમાં લાવવા માટે બકરાનું એક સચોટ ઉદાહરણ આપ્યું છે.
વાત એમ છે કે એક રાજાને ત્યાં ખાઉધરા સ્વભાવનો એક બકરો હતો. તેણે તેને ઠેકાણે લાવવાના હેતુથી જાહેરાત કરી કે, જે કોઈ એ બકરાને પેટભર ચરાવી લાવશે તેને ઈનામ આપીશ. પરંતુ બકરાનું પેટ ભરાયું છે કે નહિ તેની પરીક્ષા હું પોતે જ કરીશ. એક માણસે વિચાર્યું કે એમાં શી મોટી વાત છે? તે રાજા પાસેથી બકરાને લઈને વગડામાં ખંતથી ચરાવવા લાગ્યો. તેણે જોયું કે બકરાએ ખૂબ ખાધું છે, જેથી સાંજે બકરા સાથે રાજા સમક્ષ ખડો થયો; એટલે રાજાએ પોતાની પાસે રાખી મૂકેલી લીલી ચાર હાથમાં લઈ બકરાના મોઢા આગળ ધરી, એટલે તે ખાવા લાગ્યો ત્યારે રાજાએ માણસને કહ્યુઃ “તેં એને બરાબર નથી ચારવ્યો. એ તો ભૂખ્યો જ છે. ધરાયેલો હોત તો આ ચાર ખાત?” ચરાવનાર ચૂપ બની ચાલ્યો ગયો. આમ ઘણા માણસ ઈનામની લાલચે બકરાને ચારવા લઈ ગયા અને ઘાસચારો ચરાવે પણ જ્યારે રાજાની પાસે આવે ત્યારે રાજાની ચાર ખાવા મંડી જાય એટલે વીલે મોઢે પાછા ફરે.
એક સમજુ મનુષ્યને લાગ્યું કે, રાજાની આ તરકીબ પાછળ કંઈક રહસ્ય રહેલું હશે. તેણે વિચાર કરીને એક યુક્તિ અજમાવી જોવાનો નિશ્ચય કર્યો અને તે બકરાને લઈ જંગલ તરફ ગયો. ત્યાં એક હાથમાં બકરાના ગળે બાંધેલું દોરડું પકડ્યું, અને બીજા હાથમાં લાકડી. જ્યાં બકરાએ ચાર ચરવા માટે ડોકી નીચી કરી કે તરત મોઢા પર લાકડીનો ફટકો લગાવ્યો. આમ તે બકરાએ જેટલી વાર ચાર ખાવાનો પ્રયત્ન કર્યો તેટલી વાર ફટકા માર્યા કીધા. તેથી સાંજ સુધીમાં બકરાને એમ ઠસી ગયું કે માર ખાવા કરતાં ચાર ન ખાવી એ જ ઠીક છે. સાંજે બકરાને લઈને તે રાજા પાસે આવ્યો. રાજાએ રાબેતા મુજબ બકરાના મુખ આગળ ચાર ધરી પણ તે ખાવાની તેણે જરાયે ઈંતેજારી ન બતાવી. એથી વિસ્મય પામી રાજાએ તે માણસને પૂછ્યું કે આજે આ ચાર કેમ નથી ખાતો? જવાબમાં તેણે જે યુક્તિ કરેલી તે કહીને જણાવ્યું કે, હવે એનો સ્વભાવ બદલાઈ ગયો છે. રાજાએ ખુશી થઈ ઈનામ આપ્યું.
આ દ્રષ્ટાંત ઉપરથી આપણે એ સમજવાનું છે કે આમાં બકરો તે ‘મન’ છે, ચારનાર તે ‘જીવ’ છે, રાજા તે ‘ઈશ્વર’ છે. માણસનું મન કશાથી તૃપ્ત નથી થતું. એક માત્ર સંયમથી જ એને વશ કરી શકાય છે. નીતિ, નિયમ, જપ, તપ, અને સંયમના મહાવરાથી એનો સ્વભાવ બદલાય છે. વાસ્તવમાં જેનું મન સુધર્યું તેનું જીવન સુધરી જાય છે, એમાં જરાય અતિશયોક્તિ નથી. આ જગતમાં તમારૂં બધું લૂંટાઈ જતું હોય તો ભલે લૂંટાવા દેજો, બધું ભલે બગડે પણ મન એટલે ‘ભાવના’ ન બગડે, એ ભાવનાને કદી બગડવા દેશો નહિ.
શાસ્ત્રો અને સંતો મન પર શુભ સંસ્કારના બીજની માવજત સંબંધે ખૂબ જ મહત્વ આપવા અનેક યુક્તિ અને પ્રયુક્તિઓ દ્વારા આપણને સુંદર બોધ આપે છે. સંસ્કાર એટલે નવા ઈષ્ટ તત્વનો પ્રવેશ, છાપ, અથવા અસર, સંસ્કાર બે પ્રકારે સુધરે છેઃ એક મલિન વૃત્તિ નિવારણ દ્વારા; જેમકે કપડું ધોવાની ક્રિયા, જેના વડે તે કપડાંનો મેલ દૂર થવારૂપી સફાઈ થાય છે. તેવું ચિત્ત પણ નિષ્કામ કર્મ દ્વારા સાફ થાય છે; એ સંસ્કારનું નિષેધમૂળ પાસું કહેવાય. અને બીજું પાસું છે, ગુણાધાન દ્વારા; ધોઈને સ્વચ્છ કરેલા નિર્મળ કપડા ઉપર જ રંગ ચડાવવાથી તે કપડાનો રંગ રોચક થાય, મેલા ઉપર ચડાવવાથી નહિ; તે રીતે સ્વચ્છ ચિત્ત ઉપર દૈવી સંપત્તિઓની છાપરૂપી સંસ્કાર પાડવા. એને ગુણનું ઉમેરણ પણ કહેવાય.
૩૯. આત્મકલ્યાણ માટે ચાર કૃપાઓ
અધ્યાત્મ જ્ઞાનના જીજ્ઞાસુઓ ઉચ્ચ પ્રકારની સુખદ ચિત્ત-સ્થિતિ પ્રાપ્ત કરવા જીવાત્માને જ્ઞાન વડે આગળ વધારવા આચાર્યમુખે મહાવાક્યનું સરહસ્ય સાંભળીને, તેનું મનન તથા નિદિધ્યાસન કરીને ઉત્તમ જ્ઞાન મેળવી પૂર્ણત્વ તરફ નિઃસંશય આગળ વધી શકે છે. એવા અધ્યાત્મ વિકાસની પ્રાપ્તિ અર્થે આપણાં શાસ્ત્રોએ ચાર કૃપાઓ કહી છે, જે દરેક જીવમાં મુક્ય ભાગ ભજવે છે. એ કૃપાઓ કઈ છે?-
૧. ઈશ્વર કૃપાઃ- એટલે આ મનુષ્ય દેહ મળવો, સદગુરૂ દ્વારા આત્માની ઉત્ક્રાંતિ માટેની ઉત્તમ સામગ્રી મળવી, એ ઈશ્વરકૃપા વગર નથી મળતી.
૨. વેદકૃપાઃ- શાસ્ત્રોના અર્થોને સમજીને ધારણ કરી શકવા એ વેદકૃપા.
૩. ગુરૂકૃપાઃ- શાસ્ત્ર અને સ્વાનુભવ પ્રમાણે યથાર્થ ઉપદેશ મળવો, અધ્યાત્મ જ્ઞાનની ઘડ બેસવી, શંકા-કુશંકાઓનું યથાર્થ નિવરણ થવું, એ માર્ગે આપણી પ્રકૃતિ અનુસાર યોગ્ય માર્ગદર્શન મળવું – આ બધું ગુરૂ સિવાય બીજું કોઈ જ કરવા સમર્થ નથી. એને ગુરૂકૃપા કહે છે.
૪. આત્મકૃપાઃ- શાસ્ત્ર અને ગુરૂનાં વચનો અનુસાર તેની સમજ પડવી, એ વચનો પર શ્રદ્ધા રાખી પ્રયત્ન પૂર્વક સાધન-સંપન્ન થઈ શકવું – એ આપણી પોતાની જાતમહેનત વગર નથી થઈ શકતું. એવી ઉત્સાહભરી પ્રેરણા ને શક્તિ મળવી એને આત્મકૃપા કહે છે.
આ ચાર કૃપાઓ મેળવીને અનુકૂળતાઓ તથા પુરૂષાર્થના સંયોગવડે, આત્મા અને અનાત્માનું સાવ તાત્વિક જુદાપણું બુદ્ધિપૂર્વક સમજવા માટે મનની મહેનત કરવી તેનું નામ ‘વિચાર’ છે. આ જીવને (૧) હું કોણ છું?(૨) બ્રહ્મ શું છે? (૩) આ બધું, દેહ-જગત્ વગેરે સકલ ભાસમાન પ્રપંચ શું છે? આ ત્રણ બાબતોનો મુખ્યત્વે વિચાર કરવાનો છે. હું ખરેખર કોણ છું? આ જગત શું છે? દુનિયાનો શો અર્થ? આ બધું શા માટે હશે? આ સુખ અને દુઃખ નામની પ્રાણીમાત્રને ઊંચા નીચા કર્યા કરતી વસ્તુઓ શું છે? મારો આ સંસાર સાથે તેમજ બ્રહ્મ સાથે કેવા પ્રકારનો સંબંધ છે, અને કેવા પ્રકારનો હોવો જોઈએ? આહાર-નિદ્રા-ભય-મૈથુનરૂપી પશુ અને મનુષ્યના સામાન્ય એવા પશુધર્મચતુષ્ટયના આંખ મીંચીને કરાતા અનુશીલનનો માર ખાઈને અથવા અન્ય કોઈ પણ નિમિત્તે તેમાંથી જાગીને, જ્યારે મનુષ્યના ચિત્તમાં આ બધા ધરમૂળ પાયાના પ્રશ્નોના ખુલાસા મેળવવા તીવ્ર જિજ્ઞાસા પ્રકટ થવા પામે, અને તે જાણ્યા વગર એ બેચેન બની રહે, ત્યારે તેની સ્થિતિ મહાયોગ-વાસિષ્ઠ રામાયણના પ્રથમ પ્રકરણમાં વર્ણવેલી શ્રી રામચંદ્રજીની સ્થિતિ જેવી થાય. તેવા ચેતેલા પુરૂષ માટે સંમોહપૂર્વક બુદ્ધિહીન પશુવત્ પ્રવૃત્તિમાં રસ રહેવો સંભવે નહિ. ખરેખરો અંતરનો રસ આ જગતના ક્ષણભંગુર પદાર્થોમાં નહિ, પરંતુ સ્વરૂપના તત્વ વિચારમાં જાગે ત્યારે ખરા સુખની ઝાંખી તેને ત્યાં જ થાય.
અધિકાર વિના આત્મવિદ્યામાં કે કોઈ પણ લૌકિક વિદ્યામાં પણ, કોઈનો સફળ પ્રવેશ નથી થઈ શકતો. કોઈ મામૂલી લૌકિક વિદ્યાની પ્રાપ્તિ માટેપણ શિસ્ત પ્રાપ્ત કરેલી હોવી જોઈએ છે. આ વિષયમાં પણ એ જ ધોરણ પ્રવર્તે છે. એમાં ચિત્તવૃત્તિ તથા ઈન્દ્રિયસમૂહના નિયમનની પ્રથમ આવશ્યકતા છે. ચિત્તની શુદ્ધિ, વૃત્તિઓનું શમન અને ઈન્દ્રિયગ્રામના કાબૂ વગર અહં ટળે નહિ. અહંકારથી ભરેલા ચિત્તમાં જ્ઞાન કાંતો પેસે નહિ અને પેસે તો તેના સંગથી એ ભ્રષ્ટ અનર્થકારક બન્યા વગર રહે નહિ. નિત્યાનિત્ય-સારાસારનો વિવેક પ્રકટ્યા વિના આમાંનું કશું ન બને, અને તે માટે ખૂબ બુદ્ધિ કૌશલપૂર્વકનું ચિંતન જોઈએ. વિવેક જાગતાં એની મેળે ચિત્ત વૃત્તિઓ ઉપરામ થવા માંડે, તિતિક્ષા આપોઆપ થાય, શ્રદ્ધા વધે અને ચિત્તમાં જ્ઞાન માટેની રાગદ્વેષથી મુક્ત ભૂમિકા સ્થિર થવા લાગે. તેથી બુદ્ધિમાન, આત્મલક્ષી, શ્રેયસાધકે શાસ્ત્રોક્ત સાધનને માર્ગે ધૈર્યપૂર્વક વિવેકપુરઃસર ચાલવું ઘટે છે. પદ્ધતિપુરઃસર કરેલું કાર્ય જ યોગ્ય ફળ આપે, તે વિનાનું નહિ.
સદગુરૂના સાન્નિધ્ય વગર આ આત્મલક્ષી ધ્યેયને પ્રાપ્ત કરવું કઠિન જ નહિ પરંતુ અશક્ય છે. અધ્યાત્મ જ્ઞાનની પ્રાપ્તિ અર્થે ગુરૂ આવશ્યક છે અને એવા સદગુરૂની પ્રાપ્તિ થવી એ પણ ઈશ્વરકૃપા અને પૂર્વના શુભ સંસ્કારના ઉદય વગર નથી બનતું. ગુરૂતત્વની મહત્તા ગાતું ભગવાન શ્રી શંકરાચાર્ય રચિત ફક્ત દશ જ શ્લોકનું એક સ્તોત્ર છે, જે “શ્રી દક્ષિણામૂર્તિ સ્તોત્ર” ના નામથી પ્રસિદ્ધ છે. ભગવાન શ્રી શંકરાચાર્યે આ દશ જ શ્લોકમાં સમગ્ર વેદાંત, સમગ્ર આત્મવિદ્યા કહી નાખી છે. આ દશ શ્લોકોને કંઠસ્થ કરી એના ભાવાર્થનું ચિંતન, મનન દરરોજ સવારે પ્રાર્થના સમયે જો કરી શકો તો, તમારો આખો દિવસ, સંસારની ખદબદ ખદબદ કરતી આધિ (માનસિક) વ્યાધિ (શારીરિક), અને ઉપાધિ એટલે વગર નોતરે બહારથી આવી પડેલી – એ ત્રણે આપત્તિઓ હોવા છતાં તમારો આખો દિવસ કોઈ અનેરી પ્રસન્નતાથી પસાર થશે.
સદગુરૂની અસીમ કૃપા વડે, ગુરૂતત્વની મહત્તા સમજાવતું ગુજરાતીમાં લખેલું ૩૧ શ્લોકનું એક સ્તોત્ર છે. તે વેદાન્તની ફિલસૂફી સુંદર રીતે, સમજાઈ જાય એ રીતે કહેવાયું છે.
૪૦. સાચો ગુરૂ અને સાચો શિષ્ય કોણ?
સાચો ગુરૂ તું કોને માનીશ? આ બહારથી દેખાય છે તે તો સ્થૂળ દેહ છે; અને એ તો મોતથી ભરખાયેલો જ છે, કાળે કરીને પડવાનો જ છે. તેથી જેનો અમુક સમય પછી વિયોગ થવાનો છે તે ગુરૂથી આપણું કાર્ય ન સધાય, ત્યારે દેહ સાથે ઈંદ્રિયો છે તે પણ રહેવાની નથી. તે પછી મન જુઓ, તો તે ઘડી ઘડીમાં બદલાયા કરે છે. આજે એને અમુક વિચાર સાચો લાગે તો કાલે વળી એ વિચાર યોગ્ય ન લાગે અને બીજો વિચાર યોગ્ય લાગે, એટલે એ સંકલ્પ કરનારૂં અને વિકારી સ્વભાવવાળું છે. તેથી એ પણ ગુરૂસ્થાને ન શોભે. બુદ્ધિની પણ એ જ દશા છે. તો હવે એવાં તત્વોનો વિચાર કરવો રહ્યો કે જેમાંથી શક્તિ મેળવી મન, બુદ્ધિ, ઈન્દ્રિયો, દેહ વગેરે પોતાનાં કાર્ય કરે છે. એ જ ગુરૂસ્થાને શોભે એવું અધિકારી, અવિનાશી તત્વ છે. સર્વ પ્રાણી અને પદાર્થમાં આ તત્વ ઓતપ્રોત થઈ રહ્યું છે. સ્થૂળ સૂક્ષ્મ જે કંઈ છે તેમાં એ તત્વ પૂર્ણપણે વસી રહ્યું છે. એ તત્વ જ સાચો ગુરૂ છે અને એ જ આત્મા-પરમાત્મા સત્, ચિત્, આનંદબ્રહ્મ-પરબ્રહ્મ છે. એ સદગુરૂ છે અને એનો સંગ એ જ સાચો “સત્સંગ” છે.
એ સદગુરૂ મારામાં અને સર્વ કોઈમાં છે, તો પછી એને તારામાં જ જો. એ જ તારૂં સાચું સ્વરૂપ છે. પરંતુ ઘણા કાળથી તારૂં મન એ વાત ભૂલી ગયું છે, તેથી તું પોતે આત્મસ્વરૂપે ગુરૂ થઈ મનને શિષ્ય બનાવી સમજાવ અને સાચો આનંદ, કે જે તારૂં પોતાનું સ્વરૂપ હોઈ તારી પોતાની અંદર જ છે, તેનો અનુભવ કર. સંસારની ધમાલમાં પડી પોતાને જ આપણે ભૂલી ગયા છીએ, અને પછી પોતાને શોધવા બહાર ફાંફાં માર્યા કરીએ છીએ અને એ શોધમાં રસ્તો બતાવનાર ગુરૂ શોધીએ છીએ. તમે એને તમારી અંદર જ જુઓ તો એ બેઠેલા જ છે. તમે પોતે એ સ્વરૂપ જ છો. આત્મસ્વરૂપે તું પૂર્ણ હોવાથી તારે પોતાને તો કંઈ જાણવાનું છે જ નહિ. જાણવું ન જાણવું એ મનનો ધર્મ છે, તો એને સમજાવ. એટલી વાત ઠીક છે કે આ સત્ય સમજાવનાર માટે આપણા મનમાં માન અને સદભાવ રહે એ સ્વાભાવિક છે.
જ્યારે આપણે સુવર્ણના અલંકાર જોઈએ છીએ ત્યારે સુવર્ણ અને આકાર બંને જોઈએ છીએ, છતાં કેવળ અલંકારનું નામ જ બોલીએ છીએ; તેમ માટીનો ઘડો જોઈએ છીએ, ત્યારે માટી અને ઘડાનો આકાર બંને જોઈએ છીએ, છતાં “ઘડો” એમ જ બોલીએ છીએ. સુવર્ણ અને માટી જ અલંકાર અને ઘડારૂપે બની ગયા છે. બંને જુદા છે જ નહિ, તેવી જ રીતે પરમાત્મા જ જગતરૂપે બની રહ્યા છે. જગતમાં જે કંઈ આપણે દેખીએ છીએ તે બનાવીને પરમાત્મા જુદા રહી એક બાજુએ નથી બેઠા, તે સર્વત્ર સર્વમાં ઓતપ્રોત છે. વળી જુઓ, જ્યારે આપણે ચિત્ર જોઈએ છીએ ત્યારે કાગળને પણ જોઈએ જ છીએ, છતાં ચિત્રનો ઉલ્લેખ કરીએ છીએ. તેનો અર્થ કાગળ નથી કે નથી જોયો એમ નથી, વ્યવહારમાં સુવર્ણ, માટી, કાગળ એ બોલાતાં નથી એટલું જ; બાકી અલંકાર, ઘડો અને ચિત્ર જોતાં તેમના આધાર સુવર્ણ, માટી અને કાગળ પણ જોઈએ જ છીએ. આપણી આંખ કોઈ પણ વસ્તુ જુએ છે ત્યારે તે વસ્તુના મૂળ આધારરૂપ પરમાત્માતત્વને તો જરૂર જુએ છે. તે પ્રમાણે ઈન્દ્રિયો જ્યારે વિષયને ગ્રહણ કરે છે ત્યારે તે વિષયના અધિષ્ઠાન રૂપ પરમાત્મતત્વને જ ગ્રહણ કરે છે, પરંતુ, ઘણા કાળથી અવળું જ્ઞાન ઘૂટ્યા કર્યું છે તેથી આપણે આપણા અસલ સ્વરૂપ એ પરમાત્મતત્વને ભૂલી ગયા છીએ. માટે એકવાર આપણું સર્વને જે સત્ય સ્વરૂપ છે તે બરાબર સમજી લેવું અને પછી દ્રઢતા લાવવા સતત પ્રયત્ન કરવો.
(૧) “ઘણીવાર મનમાં એમ થઈ જાય છે કે ઘર છોડ્યા વિના માયા નહિ છોડાય અને પૂર્ણતા પણ નહિ પમાય તો?” તો “ઘરકોણ છોડશે?” તું જંગલમાં નાસી જઈશ તેથી તારા કુટુંબથી તું વિખૂટો પડીશ એ વાત ખરી, પણ સંસાર તો કુટુંબથી નથી પણ મનમાં છે. જો આ જગતમાં આટલા મનુષ્યો છે, તેમાંથી કોઈ જન્મે છે અને કોઈ મરે છે, પણ તેથી તને હર્ષ કે શોક થતો નથી. પરંતુ તારા સગાં-સંબંધીમાં જ્યારે તેવા પ્રસંગ આવે છે ત્યારે તને હર્ષશોક વગેરે થાય છે, તેનું કારણ શું? કારણ એ જ કે તું તારા મનથી અમુકને જ પોતાના માની બેઠો છે. તેથી તેમના ઉપરની મમતા તને બાંધી લે છે; અમુકને જ પોતાના કુટુંબી ન ગણી વિશાળ કુટુંબ બનાવ અને દરેક ઉપર સમભાવ રાખ, તેથી શાંતિ અને આનંદનો જ અનુભવ રહેશે. “કુટુંબ ઉપરની મમતાને વિસ્તારી આખા જગતરૂપ કરી મૂક એટલે બ્રહ્મનું વ્યક્ત સ્વરૂપ જણાશે, એ વ્યક્તમાં (જેમ અલંકાર માં સુવર્ણ રહ્યું છે તેમ) અવ્યક્ત બ્રહ્મ પણ જણાઈ રહેશે. સર્વમાં પૂર્ણ પ્રેમરૂપ (તું) થઈ રહે કે જે પ્રેમની સામે દ્વેષનો અંશ નથી, જેમ સૂર્યમાં રાત્રિ નથી તેમ.”
(૨) “વળી જંગલમાં જઈશ તો મનમાં ઘર કરી બેઠેલા રાગદ્વેષ તથા છ શત્રુઓ એમના એમ છૂપાયેલા રહી જશે અને તેમની અનુકૂળતાએ બહાર આવી તને સતાવશે. જ્યારે સંસારમાં દરેક પળે તે તારી સામે આવશે તેથી તને ખબર પડશે કે તેઓ નાબૂદ થયા કે નહિ. તેથી મનને મનાવતો જા, તેને તૈયાર કરતો જા, અને સંસારમાંથી આનંદ લૂટતો જા. સંસારનું સત્ય સ્વરૂપ જાણીશ એટલે મોહને બદલે પ્રેમરૂપ થઈ રહેશે. પછી દુઃખ ક્યાં રહ્યું?”
(૩) અનિષ્ટ કાર્યમાં પહેલેથી જ પ્રવૃત્તિ ન કરવી; બાકી દરેક કાર્ય કરતાં પહેલાં અને કર્યા પછી “કાર્ય કોણે કર્યું અને હું કોણ?” એવો પ્રશ્ન વિચારી જોવો એટલે અંદરથી જ જવાબ મળશે કે, “મને શરીર દ્વારા કાર્ય કર્યું અને હું તો સાક્ષીસ્વરૂપ છું.” આમ કર્યેથી અહમ્ નહિ રહે. હાલ અહમ્ સંસારમાં છે. તેને ત્યાંથી ખસેડીને આત્મામાં રાખ અને મનને આત્મવિચાર આપ એટલે ચોવાસે કલાક ચિંતન થયા કરશે.”
મોટા ગણાવા પ્રયત્ન ન કરવો, નાના થવામાં જ મજા છે. એકવાર સમુદ્રનું મોજું એક પરપોટાની ક્ષુદ્રતા ઉપર તિરસ્કાર ભરી હાંસી કરવા લાગ્યું. ત્યારે પરપોટો કહે, “મોજાભાઈ, હું તો નાનો છું પણ તેમાં ઘણું સુખ છે. હમણાં થોડા જ સમયમાં આ મારો દેહ ફૂટી જશે અને હું જળ ભેગો ભળી જઈશ. મારો છૂટકારો ઘણો સહેલો છે, પરંતુ તમારી તો દયામણી સ્થિતિ છે. તમે તો આવડા મોટા રહ્યા તેથી તમારો પાર એમ જલદી નહિ આવે. તમે તો સામેથી ભેખડ સામે સતત અથડાયા કરશો અને બીજાં નાનાં મોજાંનાં રૂપ લેશો, પછી મારા જેવા અનેક પરપોટારૂપ બનશો; અને એ સર્વ એક પછી એક ફૂટશે ત્યાર પછી જ તમારો છૂટકારો થશે.” પરપોટો થવું, મોજું નહિ, નાના થવામાં મજા છે.
(૫) “કોઈ સંત વિરલે જાણીયું, કોઈ નરે જવલ્લે જાણીયું,
એ વાતું છે ઝીણીયું રે જી.
ખાંડ વેરાણી રેતમાં, જ્યમ વીણી લાવે કીડીયું રે જી;… એ વાતું છે..
પાણી માંગી દૂધ ભેલાણું, પામી જાશે હંસીયું રે જી;… એ વાતું છે..
મોટા કુહાડા કાંઈ ના કાપે લોઢું, કાપે છીણીયું રે જી;… એ વાતું છે..
માન બડાઈઓ મેલી દેજો, એરે કરણીઓ એવી રે જી;… એ વાતું છે..
કહત કબીરા સુનો ભાઈ સાધો, અમરપુરની વાણીયું રે જી;… એ વાતું છે..
૪૧. સત્સંગ
સત્સંગમાં કોઈ પણ અન્ય વ્યક્તિની સોબત જોઈએ, સત્ પુરૂષનો સંગ જોઈએ, સત્સંગમાં સંતોનો સમાગમ, સત્ પુરૂષોનો સંગ, સત્ પદાર્થની પ્રાપ્તિ માટે છે, એ દ્વારા માનસિક એકતા સધાય. બીજાની પાસે જે વસ્તુ છે તે મેળવવા માટે તેનો સંગ કરવો પડે, એના શરીરની લત નહિ પણ એનામાં રહેલી સત્ વસ્તુ છે તે મારે મેળવવી છે. એના મન સાથે મારા મનનો મેળ મેળવવાનો છે.
સત્ વસ્તુ સમજવા અને એને પ્રાપ્ત કરવા માટે પહેલાં તો બન્નેમાં પરસ્પર સતભાવ થવો જોઈએ. એક મેકના મનની સંવાદિત પ્રાપ્ત કરવાની હોય છે. એટલે આ માનસિક સતસંગ દ્વારા આપણે મનમાં જે અનેક કલેશો ઉત્પન્ન થાય છે તેનો નાશ કરવાનો છે.
ભેદભાવ શેમાંથી ઉત્પન્ન થાય છે? અજ્ઞાન, અવિદ્યા, ખોટી સમજ, સાચી વસ્તુનું જ્ઞાન, નહિ જાણવાપણું, એમાંથી ભેદભાવ ઉત્પન્ન થાય છે; એને મૂલા વિદ્યા કહે છે. શાસ્ત્રોમાં અવિદ્યાના બે પ્રકાર કહ્યા છે. એક મૂલા વિદ્યા અને બીજી તુલા વિદ્યા. એક પાયાની અવિદ્યા, મૂળમાં જ અવિદ્યા, અને બીજી એમાંથી ઊપજતી અન્ય હજારો અવિદ્યાઓ. જેમ સત્ એક છે, તેમ અવિદ્યા પણ એક જ છે. પણ એમાંથી ઉત્પન્ન થતાં અજ્ઞાનો કરોડો છે, એને જ મૂલા વિદ્યા કહી છે. જેમાંથી અનેક અવિદ્યાઓ ઊપજે છે. ઝાડના હજારો ડાળખાં અને પાંદડાં છે, પણ એનું મૂળ જે દટાયેલું છે, જે દેખાતું નથી, તે એક જ છે. એમ અવિદ્યા મૂળે જામેલી છે જે દેખાતી નથી. તેના સંસ્કારમાં એ અવિદ્યા ઢંકાયેલી છે. બહાર સંસારરૂપી વૃક્ષ દેખાય છે. ઝાડનાં પાંદડાં ગણી શકાય પણ સંસારના સુખ દુઃખ અને વાસનાઓ નથી ગણી શકાતી. એ જ તુલા વિદ્યા. એનાં તુલ એ જ ઝાડનાં પાંદડાં, ફૂલ, ફળ વગેરે. આપણે એમાં ખોવાઈ જઈએ છીએ.
ત્યાં આપણું આ વેદાંત કહે છે કે ભાઈ! ખોવાઈ જશો નહિ! મૂળને પકડો! તમારી જાતને ખોદો! જરૂર તમને મૂળ જડશે જ. એ મૂળ ખોદવાની ક્રિયાને શું કહે છે? સાધન ચતુષ્ઠય. ચાર સાધનો-વિવેક, વૈરાગ્ય, ષટસંપત્તિ અને મુમુક્ષુતા. આ સાધન વડે જ એ અવિદ્યાને આપણે કાઢવાની છે. ડાળાં, પાંખડાં-પાંદડાંને નથી અડવું, કેમકે એને કાપવાના જેટલા પ્રયત્નો કરશો તેટલા એ ડબલ વધશે. આ અવિદ્યા અને અજ્ઞાનનું મૂળ પકડાતાં અભેદભાવ થશે. એ અભેદભાવ, અને મનની એકતા સાધવા માટે એક સત્સંગ જ મુખ્ય સાધન છે.
સત્સંગ કરનારા શું શોધે છે? અભેદને! માત્ર અભેદને જ નહિ, પણ અભેદના અનુભવને, કે મને એનો અનુભવ થવો જોઈએ. પોતાના સ્વરૂપ સાથેનો પોતાનો અભેદ બધા શોધે છે. અભેદ કેમ પકડાય? ભેદ એટલે? મારૂં અને તારૂં. ભેદનું કારણ અજ્ઞાન; શેનું અજ્ઞાન? પોતાના સ્વરૂપનું, કેમકે પોતાનું સ્વરૂપ એ જ બધાનું છે. પોતાના સ્વરૂપને જેણે જાણ્યું એણે સ્થૂળ, સુક્ષ્મ, જડ, ચેતન, દ્રશ્ય, અદ્રશ્ય, બધાંનું સ્વરૂપ જાણ્યું. એવો એકતાનો ભાવ સત્સંગ દ્વારા કેળવવાનો છે.
આનંદ તો આપણું સ્વરૂપ છે. ખાંડને આપણે કહીએ કે તું ગળી થા! પણ એ પોતે જ ગળપણ છે તો એ કેવી રીતે ગળી થાય? ખાંડ બીજાને ગળ્યું કરે, કેમકે ખાંડને ગળપણ શું તેની ખબર નથી, એ જ રીતે આનંદને પણ, પોતે આનંદ છે તેની ખબર નથી. જ્યારે આપણું શરીર અને મન સ્વસ્થ હોય, ત્યારે શરીરની કે મનની આપણને ખબરેય નથી પડતી, તેનો વિચાર પણ નથી આવતો, પણ જ્યાં એમાં વાંધો પડ્યો, પેટમાં દુખ્યું! કે માથું દુખ્યું! કોઈ કડવી ચીજ ગળપણને બદલે ખવાઈ ગઈ, કે કોઈકે કડવું વેણ કહ્યું, ત્યાં એ સુખમાં, એ આનંદમાં ખાંચો પડ્યો. પણ જ્યાં એમાં ખાંચો પડ્યો ત્યાં આપણે બૂમા બૂમ કરી નાખીએ. સ્વરૂપ પોતે આત્મા, આનંદ સ્વરૂપ છે, આનંદ મારો જન્મસિદ્ધ હક છે. આ જ્ઞાનને આપણે સત્સંગ દ્વારા સમજવાની મહેનત કરવાની છે.
આપણા સંસારમાં, ઈલેક્ટ્રિસિટિની જેમ પોઝિટિવ અને નેગેટિવ એવા બે કરંટ ચાલે છે. તે વગર સંસાર નથી. કેવી રીતે? સુખ-દુઃખ, ટાઢું-ઊનું, ગમતું-અણગમતું, એ પ્રમાણે જ્યાં લગી આ બેની જોડી છે ત્યાં લગી સુખ કદી થવાનું નથી. પુરાણોમાં એને જ દેવ અને અસુર કહ્યા છે. મહાભારતના યુદ્ધમાં પાંડવો પાંચ હતા, અને કૌરવો સો હતા! એટલે એનો અર્થ કે સદગુણો તો હંમેશા ઓછા જ હોય.
વેદાંત એનો કીમિયો બતાવે છે, કે આપણે મનોમન, સમતાની દ્રષ્ટિ કરીએ. અભેદનો ભાવ કેળવી પ્રેમની નજરે બધાંને જોઈએ, એવી પ્રીતિ ઉત્પન્ન કરીએ. મનમાં એવી મજબૂત ગાંઠ બાંધીએ કે, આ તો બધા પ્રારબ્ધના ખેલ છે, પ્રારબ્ધવસાત્ એ ભલે આવે ને જાય, આપણે તો એના સાક્ષી ચીએ, એના ફક્ત સાક્ષી થઈને જ રહીએ. બધી જુદાઈઓ દેખાશે, કારણકે એ જ માયા છે, પ્રારબ્ધ છે! એ રમે છે! અને તેનો હું દ્રષ્ટા છું. આ રીતે મનનો ભાવ કેળવવો એ જ વેદાંતનો કીમિયો છે.
બધીએ દોડાદોડ આજે કરીએ છીએ સત્સંગને નામે કે ગમે તે નામે, તે શેના માટે? શાંતિ મેળવવા માટે જ છે ને? જેમ સમુદ્રમાં મોજાં ઉછળે અને તોફાનો થાય, તે શેને લીધે થાય છે? વાયરાને લીધે, હવે એવા વાયરા બહુ વધી ગયા એટલે ચિત્તની ઊથલ પાથલ પણ અત્યંત વધી ગઈ. એટલી બધી કે પહેલાંના આપણા પ્રોબ્લેમ્સ જે હતા, તેનો તો આજે કોઈ હિસાબ જ નથી! પણ એટલું તો ચોક્કસ યાદ રાખીએ કે સમુદ્રનાં મોજાંની બધી ધમાલ હોય છે, પણ છેવટે એનું પરિણામ શું હોય છે? એક જ કે પાણીમાં પાછાં સમીને શાંત થઈ જાય. આપણને પણ આ સંસાર મળ્યો છે, અને એની આટલી બધી ધમાલો વધી છે, તો એ ધમાલ ને શાંત કરીને સમુદ્ર સ્વરૂપ શાંત અને સ્વસ્થ થઈ જઈએ.
તમે ગમે તે કરો, પ્રારબ્ધ બળે તોફાનો તો જીવનમાં થવાનાં જ, સારા અને ખરાબ, ગમતા અને અણગમતા પ્રસંગો તો જીવનમાં આવ્યા જ કરવાના. દરિયામાં તોફાનો થાય, અને ઘણાને નુકસાન થાય, પણ દરિયાને કંઈજ નુકસાન થતું નથી. એ તો એ નો એ જ. એ જ પ્રમાણે આપણે પણ સમજવાનું એ છે કે પ્રારબ્ધાવસાત્ જાત જાતનાં તોફાનો થાય, જાત જાતનાં પ્રસંગો આવે તેથી મારૂં શું જવાનું છે? જેમ દરિયાનો વાંકો વાળ નથી થતો, તો મારો પણ આ બધી ધમાલથી શા માટે થાય? એ ભલે થાય? વ્યાવહારિક રીતે, સૂક્ષ્મ રીતે કે પારમાર્થિક રીતે, જે પૂર્ણ છે એમાં ફેરફાર થતો નથી. પરમાત્મા જે મારૂં સ્વરૂપ છે, એ તો એક જ છે. એમાં કોઈ વધઘટ થતી નથી. એ બદલાતું લાગે છે, એ તો એક આકારમાંથી બીજા આકારમાં માત્ર પરિવર્તન જ થાય છે. પણ વસ્તુનો નથી નાશ થતો કે કંઈ નવું બનતું. સમગ્ર કદી પણ બદલાતો નથી. એ જ આપણું વેદાંત દર્શન. અધ્યાત્મ ફિલોસોફી માટે સત્સંગનો મહિમા કહેવાયો છે.
ૐ તત્ સત્ !
૪૨. પંચ મહાભૂત વિવેક અને ભાગવતધર્મો
પંચ મહાભૂતોઃ
આ સ્થૂળ શરીરથી આત્મા જુદો છે, કારણકે સ્થૂળ શરીર પાંચ ભૂતોનું બનેલું છે.
૧. આકાશ (અવકાશ) : કામ, ક્રોધ, દુઃખ, લોભ અને ભય – ૫. ધર્મો.
૨. વાયુ (ગતિ) : હલન-ચલન, સ્થિરતા, ફૂલવું અને સંકોચાવું – ૫. ધર્મો.
૩. અગ્નિ-તેજ (ઉષ્ણતા) : ભૂખ, તરસ, આળસ, નિદ્રા અને મૈથુન – ૫. ધર્મો.
૪. જળ (પ્રવાહીપણું) : લાળ, મૂત્ર, લોહી, ચરબી અને વિર્ય – ૫. ધર્મો.
૫. પૃથ્વી (કઠણતા) : વાળ, ત્વચા, નાડી, માંસ અને હાડ – ૫. ધર્મો.
શરીર બદલાયા કરે છેઃ છ રીતેઃ
જન્મવું, જીવવું, – વધવું – બદલાવું – ઘરડું થવું અને મરણ પામવું.
૧. અનુભવવાના વિષયો પાંચ છે :- શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ.
૨. પાંચ જ્ઞાનેન્દ્રિયો છે : શ્રવણ (કાન), ત્વચા (ચામડી), નેત્ર (આંખ), રસના (જીભ), ઘ્રાણ (નાક).
૩. પાંચ કર્મેન્દ્રિયો છે : વાણી, હાથ, પગ, તથા મળત્યાગની બે.
૪. પ્રાણ પાંચ પ્રકારે પ્રવર્તે છે : પ્રાણ, અપાન, ઉદાન, વ્યાન અને સમાન.
૫. આ આત્માના પાંચ કોશો (આવરણો) : અન્નમય – પ્રાણમય – મનોમય – વિજ્ઞાનમય અને આનંદમય એમ પાંચ કોશો છે.
૬. ત્રણ ગુણો : સત્વ – રજસ અને તમસ.
૭. જ્ઞાન બે પ્રકારના : પરોક્ષજ્ઞાન અને અપરોક્ષજ્ઞાન.
આત્મજ્ઞાન, ગુરૂવચન તથા શાસ્ત્રના શબ્દ વડે જાણવામાં આવ્યું હોય તે પરોક્ષજ્ઞાન કહેવાય. પરંતુ સમાધિ વડે પ્રતીતિ થયેલું અનુભવસિદ્ધ જ્ઞાન એ અપરોક્ષજ્ઞાન. તે મનોમય સંસાર માત્રને ભસ્મ કરી નાખે છે.
૮. આપણાં શાસ્ત્રોએ ચાર મહાવાક્યો આપેલાં છેઃ-
પ્રજ્ઞાનંબ્રહ્મ – અહંબ્રહ્માસ્મિ – તત્વમસિ – અયમાત્મા બ્રહ્મ.
આ મહાવાક્યો વડે મુમુક્ષુને બ્રહ્મ અને આત્માની એકતાનું જ્ઞાન થાય છે.
૯. આકાશ ચાર પ્રકારનાં કહેવાય છેઃ- ઘટાકાશ, મહાકાશ, જલાકાશ અને મેઘાકાશ.
૧૦. ચેતન એક જ હોવા છતાં તે ચાર પ્રકારે પ્રતીત થાય છેઃ-
કૂટસ્થ – બ્રહ્મ – જીવ અને ઈશ.
૧૧. સાધન ચાર પ્રકારનાં કહ્યાં છે :- વિવેક, વૈરાગ્ય, ષટસંપત્તિ અને મુમુક્ષુતા.
૧૨. પ્રારબ્ધ ત્રણ પ્રકારનું :- ઈચ્છા, અનિચ્છા, અને અન્યની ઈચ્છાવાળું.
ઈચ્છા પ્રકટાવીને ભોગ આપનારૂં, અનિચ્છા છતાં ભોગ આપનારૂં અને પોતાની ઈચ્છા કે અનિચ્છા ન હોય છતાં અન્યની ઈચ્છાથી ભોગ આપનારૂં.
૧૩. આનંદ ત્રણ પ્રકારના :- બ્રહ્માનંદ, વાસનાનંદ અને વિષયાનંદ.
૧૪. આત્માના ત્રણ ભેદ છે :- ગૌણ, મિથ્યા અને મુખ્ય.
૧૫. મનની ત્રણ પ્રકારની વૃત્તિઓ કહી છે :- શાન્ત, ઘોર અને મૂઢ.
૧૬. જીવની ત્રણ અવસ્થાઓ :- જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ.
૧૭. વાસના ત્રણ પ્રકારની :- લોકવાસના, શાસ્ત્રવાસના અને દેહવાસના.
૧૮. કલેશ પાંચ પ્રકારના :- અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ.
૧૯. ઈશ્વરનાં સાક્ષાત, સગી આંખે જો દર્શન કરવાં હોય તો તેના આઠ પ્રકારો શાસ્ત્રોએ વર્ણવેલા છે :- સૂર્ય, ચંદ્ર, પવન (હવા એટલે શ્વાસ પ્રાણ), અગ્નિ (પ્રકાશ, કે જે આ દેહમાં હોય ત્યાં લગી જ માણસ જીવતો કહેવાય છે), પૃથ્વી (સર્વને ધારણ કરનારી) જળતત્વ (રસતત્વ એ છઠ્ઠું રૂપ છે), આકાશ (આકાશરૂપે સંપૂર્ણ સૃષ્ટિને પોતાની અંદર સમાવનારી વ્યાપકતા). આ સાતેયનો સ્વામી જીવાત્મા છે અને તે ઈશ્વરનો અંશ છે. ઈશ્વરના આ મુખ્ય આઠ પ્રકારો છે.
૨૦. માણસને બે મુખ્ય વૃત્તિઓ હોય છે :- એક વિષ્ણુવૃત્તિ એટલે ભોગ ભોગવવાની અને બીજી, શિવવૃત્તિ છે, તેને વૈરાગ્યની ને મોક્ષની વૃત્તિ પણ કહે છે.
૨૧. આ જગત ત્રણ-ત્રણની ગાંઠોનું જાળું છે. સ્વભાવના ત્રણ ગુણ; જીવની ત્રણ અવસ્થાઓ; માણસના ત્રણ દેહો; જીવનના વ્યવહારમાં પણ દ્રષ્ટા, દર્શન અને દ્રષ્ય; ખાવું, ખાવાનો પદાર્થ અને ખાવાની ક્રિયા; એમ ત્રણ ત્રણ રમત જ દેખાશે.
ભાગવત ધર્મો :-
ભગવાન સાથે એકતાનતા સાધવા ઈચ્છનારે તેર ભગવાન – વિષયક ધર્મો કેળવવા જોઈએ.
૧. સકામ કર્મનાં ફળ અનર્થકારી જાણવાં.
૨. ધન-પરિવારને દુઃખદાયક તથા નશ્વર માનવા.
૩. સ્વર્ગ વગેરે પરલોકને નાશવંત સમજવા.
૪. ઓંમકાર સ્વરૂપ શબ્દબ્રહ્મ તથા પરબ્રહ્મની પ્રાપ્તિ માટે સુયોગ્ય ગુરૂનું શરણ લેવું.
૫. ગુરૂ પ્રત્યે ઈશ્વરભાવ અને તેમની નિષ્કપટ સેવા કરતા રહેવું.
૬. જે કંઈ કરવું-ધરવું તે બધું ઈશ્વર પ્રીત્યર્થે.
૭. ભક્તિ, વૈરાગ્ય સહિત પોતાના અસલ રૂપનો અનુભવ કરવો અને સંતસમાગમ કરવો.
૮. શૌચ, તપ, તિતિક્ષા, મૌન, વિવેક, વૈરાગ્ય, ષટસંપત્તિ અને મુમુક્ષુતા – આ બધાં ધારણ કરવાં.
૯. સ્વાધ્યાય, આર્જવ (સ્વભાવની સરલતા), બ્રહ્મચર્ય, અહિંસા તથા દ્વંદ્વસમત્વ (શીતોષ્ણા વગેરે વિરોધી બાબતોને સહન કરવાનો-સ્વભાવ) ઘારણ કરવો.
૧૦. બધે જ સર્વ-વ્યાપી આત્મારૂપ ઈશ્વરનું દર્શન થવું.
૧૧. કૈવલ્ય (એકલા રહેવું), અનિકેત (પોતાની માલિકી માનીને મકાન બાંધ્યા વગર રહેવું), સાંધેલા વસ્ત્ર પહેરવાં તથા સંતોષ રાખવો.
૧૨. પ્રાણી માત્રણાં ભગવાનનાં અને ભગવાનમાં પ્રાણી માત્રનાં દર્શન થવાં.
૧૩. ફળ, કરમ, વર્ણ, આશ્રમ વગેરે દેહને લગતી બાબતોમાં નિરભિમાન રહીને પારકું-પોતાનુંની ભાવનાનો અભાવ સિદ્ધ કરવો.
૪૩. સ્વામી રામતીર્થઃ પરિચય અને બોધવચનો
૧૯ મી સદીમાં ભારત અનેક સંપ્રદાયો, ધર્મની વાડાબંધી અને ધર્મને નામે અનેક ભ્રષ્ટાચારોમાં ખદબદી રહ્યું હતું; ન્યાત, જાત, પંથ અને જુથબંધીના દુષણો ઘર કરી ગયા હતા, પશ્ચિમનો ભૌતિકવાદ ભારતીય સંસ્કૃતિને અભડાવી રહ્યો હતો. એવા સમયે ૧૮૭૩ ના ઓક્ટોબરની ૨૨ મી તારીખે સંવત ૧૯૩૦ ની દિવાળીના દિવસે, પંજાબના ગુજરાનવાલા ડિસ્ટ્રીક્ટના મુરારીવાલા ગામે હિરાનંદ ગૌસ્વામી નામના એક બ્રાહ્મણ, જેઓ રાવલપીંડી અને પેશાવરના હિન્દુઓના યજમાનપદે રહી પોતાનો નિર્વાહ કરતા હતા, એમને ત્યાં તીર્થરામનો જન્મ થયો હતો. તીર્થરામ એક વર્ષના હતા ત્યારે એમના માતુશ્રી અવસાન પામ્યા. તે સમયના હિન્દુ રિવાજો પ્રમાણે ૧૦ વર્ષની નાની ઉંમરે સુશીલાદેવી સાથે તેમનાં લગ્ન કરી નાખવામાં આવ્યાં.
પ્રાથમિક અભ્યાસ ગામની શાળામાં પૂરો કરી વધુ અભ્યાસ અર્થે એઓ ગુજરાનવાલા આવ્યા. ત્યાં એક ધન્નારામ નામના પ્રખર વેદાંતી ભક્ત હતા, જેઓ તીર્થરામના બાપુજીના ખાસ સ્નેહી હતા. ૧૦ વર્ષની નાની ઉંમરે એમની છત્રછાયા નીચે ભણતર ચાલુ રાખી, ૧૮૯૫ માં મેથેમેટિક્સ સાથે પ્રથમ વર્ગમાં M.A. થયા અને ૧૮૯૬ ના એપ્રિલમાં લાહોરની F.C. કોલેજમાં મેથેમેટીક્સના પ્રોફેસર તરીકે નીમાયા. એ નોકરી દરમ્યાન એઓ આધ્યાત્મિકતા તરફ વળી ગયા હતા અને અનેક સાધુ-સંતોના સમાગમમાં રસ લઈ વેદાંતનું અધ્યયન કરવા લાગ્યા.
૧૮૯૭ માં સ્વામી વિવેકાનંદ લાહોર પધાર્યા. તીર્થરામે તેમની વ્યાખ્યાન માળા ગોઠવી અને પોતાને ઘેર ભિક્ષાનો પ્રબંધ કર્યો. તે સમયથી તીર્થરામમાં અમેરિકા જવાની મહત્વાકાંક્ષાનાં બીજ રોપાયાં. સ્વામી વિવેકાનંદનાં ભાષણોની ઊંડી અસર થઈ. અલીફ નામનું માસિક શરૂ કર્યું અને વેદાંતની ગહન વાતોને સરળતાથી એ માસિક દ્વારા પ્રગટ કરી. ૧૮૯૭ માં દિવાળીના દિવસે સંન્યસ્ત લઈ તેઓ સ્વામી રામતીર્થ બન્યા.
૧૯૦૨ માં ટિહરીના મહારાજા કીર્તિ સાહેબ સ્વામીજીના પ્રતિભાશાળી વ્યક્તિત્વથી પ્રભાવિત થયા. એમણે એમને ભારતના એક પ્રતિનિધિ તરીકે જાપાનમાં ભરાનાર સર્વધર્મ પરિષદમાં મોકલ્યા. રામતીર્થ કલકત્તાથી સ્ટીમર માર્ગે જાપાનના યોકોહામા બંદરે ઊતર્યા. ત્યાંથી તેઓ ટોકિયો ગયા. ટોકિયો પહોંચતા સમાચાર મળ્યા કે જાપાનમાં સર્વધર્મ પરિષદ મળવાની નથી. આ સાંભળી રામબાદશાહ ખડખડાટ હસી પડ્યા, બોલ્યા, “રામને એકાંતવાસમાંથી બહાર લાવવા માટે ઈશ્વરે કેવી સરસ યુક્તિ અજમાવી! ખોટા સમાચારો પણ કોઈવાર સારૂં પરિણામ લાવે છે.” જાપાનમાં સ્વામીજીની વ્યાખ્યાનમાળા ચાલી, તેમાં “સફળતાનું રહસ્ય” ખૂબ પ્રશંસા પામ્યું. બે અઠવાડિયામાં સ્વામીજીએ જાપાનના ઉદ્યમી અને બહાદુર લોકો ઉપર હિંદુ ધર્મની ભારે ઊંડી અસર પાડી અને ત્યાંથી અમેરિકા જવા ઉપડી ગયા.
સ્વામી રામતીર્થ પોતાની કાયાને વેદાંતના પ્રબળ રંગે રંગી નાખી એક અનોખું પ્રેરણા ભર્યું જીવન જીવી ગયા. તેથી તેઓ પોતાને રામ બાદશાહ કહેતા. “ચાહ ગઈ, ચિંતા ગઈ, મનવા બે પરવાહ, જિસકો કુછ ચાહિયે વહી શહનકાશાહ.” ફકીરમાં અમીરી જેવું દિવ્ય જીવન રામ બાદશાહ જ જીવી શકે, એવું એમનું રહસ્યપૂર્ણ જીવન હતું. આ સમગ્ર જગત, અને જગતમાં વસતી હરેક ચીજોમાં ઈશ્વરના દર્શન સિવાય બીજું એ પ્રેમમૂર્તિને કશું જ દેખાતું નહિ – એવા તેઓ ઈશ્વરમાં નિત્ય, નિરંતર તરબોળ રહેતા. હરેક અવાજમાં ૐ ના ધ્વનિ સિવાય બીજું કશું જ એમને સંભળાતું નહિ. “શિવોહમ્ – હું ઈશ્વર છું.” આ એકમાત્ર એમનું રટણ હતું. મુખ પર સદા પ્રસન્નતા, પ્રેમ ભરી દ્રષ્ટિ, અને સદા આનંદની મસ્તીમાં રાચતા આ ભડવીર દિવ્ય આત્મા જગતગુરૂ શંકરાચાર્યના અનન્ય ભક્ત હતા.
સ્વામી રામતીર્થે કોઈ સંપ્રદાય કે કોઈ આશ્રમો સ્થાપ્યા ન હતા. એમના શિષ્ય સ્વામી શ્રીમન્નારાયણતીર્થ, તેમના શિષ્ય સ્વામી સ્વયંજ્યોતિતીર્થ, એમના શિષ્ય એ સ્વામીશ્રી પ્રણવતીર્થ, પ્રણવતીર્થના શિષ્ય સ્વામી ચિદાનંદતીર્થ એક અંગ્રેજ છે. તેમણે વેદાંતને લગતા સંસ્કૃતના લગભગ બે હજાર શબ્દોના અર્થો અનેક પુસ્તકોની સહાય વડે અંગ્રેજીમાં તૈયાર કર્યા છે, અને હજી બીજા શબ્દોના અર્થો લખી રહ્યા છે. આ પુસ્તક ખૂબ જ ઉપયોગી બનશે. આવું અદભૂત કાર્ય સ્વામી ચિદાનંદતીર્થજી પૂરા ખંતથી પાર પાડવા નિશ્ચયી બન્યા છે.
૧૮૯૩ માં શીકાગોમાં ભરાઈ ગયેલ સર્વ-ધર્મ-સંમેલનથી વિશ્વને એક સુપ્રસિદ્ધ વ્યક્તિની જાણકારી થઈ. જેમાં ઉચ્ચ કોટિના મહાપુરૂષોમાં સ્વામી વિવેકાનંદ, લંકાનિવાસી શ્રી અંગારિક ધર્મપાલ, જાપાનના શ્રી કંજો હિરાઈ અને જેશિરો નગુચી વિખ્યાત હતા. આ પરિષદની સફળતાથી સૌને આવા પ્રકારનું બીજું સંમેલન આંતરરાષ્ટ્રીય ધોરણે યોજવાની આશા હતી.
સ્વામી રામતીર્થ એ સમયે ૧૯૦૨ માં ટેહરી-ગઢવાલની આસપાસ રહેતા હતા, રાત અને દિવસ ધ્યાનમાં મગ્ન રહેતા હતા. એમની મોટા ભાગની કવિતાઓ એ અરસામાં લખાઈ હતી, પરંતુ સર્વોત્તમ કવિતા તો એ પોતે જ હતા. લોકો આનંદથી એમની પાસે આવતા. આનંદને તેઓ પોતે શોધતા નહિ પરંતુ આનંદ સ્વામીજીને શોધતો, એમના સહચર્યની પ્રાર્થના કરતો, તેઓ આનંદમાં તરબોળ રહેતા, એ આનંદનો સંદેશ દુનિયાને આપવા માંગતા હતા. સત્યની લગન લાગી હતી, એમના હ્રદયના ઊંડાણમાં એ લગન ધડકી રહી હતી. એ સમયે ૧૯૦૨ માં ટેહરીના રાજા સાહેબ સ્વામીજીની પાસે ગયા અને સમાચાર આપ્યા કે ટોકિયોમાં સર્વ-ધર્મ સંમેલનમાં જગતભરના અનેક ધર્મોની એક વ્યાપક સભા ભરાનાર છે . તેમાં સ્વામીજીને હાજરી આપવા વિનંતી કરી. સ્ટીમર માર્ગે એમના શિષ્ય સ્વામી શ્રીમન્નારાયણતીર્થ સાથે ટોકિયો ગયા.
સરદાર પૂરનસિંહ તે સમયે ત્યાં હતા અને પાછળથી સ્વામીજીના અનન્ય ભક્ત થયા. અંગ્રેજીમાં એમના જીવનચરિત્રનું પુસ્તક “The Story of Swami Rama” પુરનસિંહે લખેલું. એમને પ્રશ્ન કર્યો કે તમો કયા દેશના નિવાસી છો? સ્વામીજીએ એમને ઉત્તર આપ્યો કે “આ સમગ્ર સંસાર મારૂં ઘર છે, ભલાઈ કરવી એ મારો ધર્મ છે.”
“સફળતાનું રહસ્ય” એ વિષય પર સ્વામીજીએ પ્રવચન કરેલું. પ્રથમ પ્રશ્ન ચોગરદમ ઘેરીને બેઠેલી પ્રકૃતિને કરવાનો છે. નિત્ય, નિરંતર કલ-કલ ધ્વનિ કરતી સરિતાનું મોતી જેવું સ્વચ્છ, તાજું અને નિર્મળ જળ કેવું? બીજું, સ્થાનબદ્ધ તળાવનું જળ કેવું? આ બન્ને ભાષા દ્વારા આપણને હંમેશાં એક જ સંદેશ આપતું આવ્યું છે કે નિરંતર કામ કરો, અહર્નિશ કામ કરો. ઉદાહરણરૂપ, બત્તીનો ગોળો જે પ્રકાશ આપી રહેલ છે, એનું રહસ્ય શું છે? એ કદી પણ પોતાનો બચાવ કરતો નથી. એ સ્વયં પ્રકાશ આપવામાં જ પોતાનું શ્રેય સમજે છે. તમે તમારો બચાવ કરો એટલે ત્યાં તમારો નાશ થશે. તમે તમારા શરીર માટે સુખ અને આરામ ચાહો, તમે સઘળો સમય, ભોગ-વિલાસ અને ઈન્દ્રિય સુખો પાછળ વ્યય કરશો, તો એ શરીરની કોઈ આશા નથી. બીજા અર્થમાં અકર્મણ્યતા એ મૃત્યુ છે. કેવળ કામ અને ક્રિયા એ જ જીવન અને પ્રાણ છે. નદી અને તળાવનો દાખલો લેતાં જો તમારે સફળતાની ટોચે પહોંચવું હોય તો નદીની જેમ સદા કાર્ય દ્વારા એનું અનુસરણ કરો; દીપકનું તેલ અને તેના પ્રકાસનો ઉપયોગ ન કરો તો એ દીપકનો કોઈ અર્થ નથી.
આત્મ-ત્યાગઃ- બધા રંગોમાં સફેદ રંગ સહુને રૂચિકર બને છે, એ પ્રકૃતિનો નિયમ છે. કાળા રંગની ઘૃણા થાય છે, એ રંગ તુચ્છ મનાયો છે. આ એક તથ્ય છે. આ પાછળનાં કારણો આપણે શોધવાં જોઈએ. પ્રકૃતિ-વિજ્ઞાન રંગોના પ્રદર્શનનું રહસ્ય બતાવે છે, લાલ-લાલ નથી – પીળું પીળું નથી – કાળું કાળું નથી. વ્સતુતઃ આપણે જે જોઈએ છીએ તે તે નથી. ગુલાબના ફૂલનો લાલ રંગ, એ લાલિમા ક્યાંથી આવી? એ સ્વયં પોતાનો રંગ છે, સૂર્યનાં કિરણોએ પોતાના અંતર્ગત બધા જ રંગો પચાવી લીધા હોય છે. ગુલાબ દ્વારા પચેલા આ રંગની જાણ કોઈને થતી નથી. કાળા રંગનો એ સ્વભાવ છે કે બીજા બધા સંગોને એ ખાઈ જાય છે. અન્ય કોઈ પ્રકાશિત રંગનું નામ નિશાન રાખતો નથી. એ રંગમાં આત્મ-ત્યાગની ભાવના નથી રહેતી. રંગ અને પ્રકાશનું આ વૈજ્ઞાનિક સત્ય આપણને એ સંદેશો આપે છે જે પોતાનામાંથી એક રતીભાર પણ બીજાને નથી આપી શક્તા એની દશા કાળા રંગ જેવી છે. સફળતા જોઈતી હોય તો સફેદ રંગનું અનુકરણ કરો. સ્વચ્છ દર્પણ, સ્વચ્છ મોતી, સફેદ-સ્વચ્છ હિમ – એ બધા ચિહ્નો પવિત્રતા અને સચ્ચાઈ તરફ લઈ જનારા પથપ્રદર્શક છે. એના અનુસરણ દ્વારા આત્મ-ત્યાગની ઉચ્ચ ભાવનાની સિદ્ધિ પ્રાપ્ત કરો. જે કંઈ બીજા પાસેથી લીધું છે તે બીજાઓને માટે ખર્ચો – સ્વાર્થને છોડશો એટલે આપો આપ સ્વચ્છ બની જશો. એક બીજને જો ફૂલવું-ફાલવું હશે તો પોતે, પોતાની જાતને માટીમાં એકરૂપ કરવી પડશે. પૂર્ણ આત્મબલિદાન જ સફળતાને લાવે છે. કાર્ય દ્વારા લોકહિત માટે જેટલું વિતરણ કરશું, તેટલું અને તેથી વિશેષ મેળવવાના આપણે અધિકારી બનશું.
આત્મ-વિસ્મૃતિઃ- કોઈ ભાષણ કરતી વ્યક્તિ, પોતે એમ સમજે કે “હું ભાષણ કરૂં છું” તો એનું ભાષણ ફીકું પડી જશે. કામ કરતે સમયે આ ક્ષુદ્ર આત્માને ભૂલી જાઓ અને એ કાર્યમાં ડૂબી જાઓ. કંઈક વિચારતા હોય તો એ વિચાર-મય બની જાઓ, કોઈ કામ કરતા હોય તો તમે તમારી જાતને સ્વયં કામરૂપ બનાવી દો, તો જ સફળતા મળશે. “હું ક્યારે સ્વતંત્ર બનીશ? જ્યારે મારાપણું મટી જશે ત્યારે.” બે રાજપુત યુવાનો અકબર બાદશાહના દરબારમાં પહોંચ્યા અને બાદશાહને અરજ ગુજારી કે અમારે નોકરી જોઈએ છે. એ બન્ને યુવાનોને પોતાની યોગ્યતા વિષે પૂછપરછ કરી. બન્ને યુવાનોએ પોતે શુરવીરો છે એમ કહ્યું. બાદશાહે પ્રમાણ માગ્યું. બન્ને યુવાનોએ તરત પોતાના મ્યાનમાંથી તલવાર વિજળીની વેગે કાઢી. ઘડીભર બાદશાહના દરબારમાં વીજળી પણ થોભી ગઈ, શુરવીરતાના સૂચકરૂપે બન્ને યુવાનોએ પોત પોતાની તલવારોને એક મેકની છાતીમાં શાન્તિથી ઘુસાડી દીધી અને બન્ને શરીરો એક થઈ ગયાં. શુરવીરતાનું પ્રમાણ આપી દીધું – બન્ને આત્મા એક થઈ ગયા. દરબાર ચકિત થઈ ગયો. કથાનો સાર એ છે કે આપણા ક્ષુદ્ર અહમનો ત્યાગ કરો, સફળતા તમારી આગળ હાથ જોડતી ઊભી રહેશે. કાર્ય કરતાં કરતાં સફળતા ઉભરાઈ જશે અને સફળતા તમારી સમક્ષ ઊભી થઈ જશે.
સાર્વભોમિક પ્રેમઃ- “પ્રેમ” એ સફળતાના સિદ્ધાંતનું એક અવનવું પાસું છે. તમે પ્રેમ કરો તો લોકો તમને પ્રેમની નજરે જોશે. બસ આ જ એનું લક્ષ્ય છે. શરીરનો દાખલો લઈએ તો દરેક અંગ પોતપોતાનાં આવશ્યક કામો પ્રેમથી એક મેકના ભલા માટે જ કરે છે. એમાં કોઈ અંગને અહમ્ આવી જાય કે હું આ કામ શા માટે કરૂં – તો અંતે એમાં એનું જ અહિત થઈને રહે છે. પ્રેમનું બાહ્ય રૂપાંતર એટલે સહયોગ. જે વેપારી ગ્રાહકોના લાભમાં પોતાનો લાભ નથી જોતો એ સફળતાને વરી શક્તો નથી. પોતાની સિદ્ધિ માટે એણે ગ્રાહકો સાથે પ્રેમ કરવો જ પડશે, પોતાના ભલા માટે એણે અન્યના ભલા માટે ધ્યાન રાખવું પડશે.
પ્રસન્નતાઃ- સફળતાના પથ પર બીજી એક મહત્વપૂર્ણ હકીકત જો કાર્ય કરતી હોય તો તે “પ્રસન્નતા” ની. પરિશ્રમ ભરેલાં કાર્યોનાં ફળની ચિંતા છોડો. ભવિષ્યની ચિંતા છોડો. ભયને હ્રદયમાં સ્થાન ન આપો. સફળતા અને અસફળતાની વાતોને છોડો. કામ કરવા ખાતર કામ કરો. કાર્યને પોતાનું આભૂષણ બનાવો. ભૂતકાળ પાછળની ઉદાસીનતાને છોડો, ભવિષ્યની ચિંતા છોડો, વર્તમાનના કાર્યને લક્ષ્ય બનાવો અને રાતદિવસ કામ કરો. આ પ્રકારની સેવેલી ભાવનાઓથી જ પ્રસન્નતા પ્રાપ્ત થશે. એક બીજ જેને માટીમાં નાખ્યું છે તેને પ્રકૃતિના નિયમાનુસાર વાયુ-જળ-તેજ અને પ્રકાશ મળી જ રહે છે. એ જ રીતે એક પ્રસન્નચિત્ત કાર્યકરને પ્રકૃતિના બધા ગુણો આગળથી કુદરતે આપી જ રાખેલા છે; આગળનો માર્ગ એને આપો આપ સૂઝતો જાય છે. યથાર્થસ્વરૂપે તેટલું એ પ્રાપ્ત કરે જ છે. માનવી પોતાની છાયાને આગળ પકડવા ભલેને ગમે તેવા પ્રયત્નો કરશે તોપણ છાયાને એ કદાપિ પકડી શકવાનો નથી. એકવાર છાયાથી પોતાનું મુખ ફેરવી લેશે અને સૂર્યાભિમુખ બની જશે તો એ જ છાયા એની પાછળ દોડતી આવશે. સફળતાની ચિંતાથી તમો મુક્ત બની જાઓ, એનાં ફળ પ્રાપ્તિની ચિંતાથી મુક્ત બની જાઓ, વર્તમાન કાર્ય પાછળ સમગ્ર શક્તિને કેન્દ્રિત કરો. બસ તે જ ક્ષણે સફળતા તમારી પાછળ દોડતી આવશે. સફળતાનો પીછો છોડો – સફળતાને તમારૂં ધ્યેય ન બનાવો, બસ તે જ ક્ષણે સફળતા તમને શોધતી આવશે. પૂર્ણ પ્રસન્નતાથી તમારા કાર્ય પાછળ લાગી જાઓ. એ લક્ષ્યને વીંધી નાખો એટલે સફળતા ખુદ આવી મળશે.
નિર્ભયતાઃ- નિર્ભયભરી દ્રષ્ટિથી સામે ઊભેલા જંગલી વાઘ કે અન્ય પ્રાણીને પણ વશ કરી શકાય છે. સ્વામી રામનો આ જાત અનુભવ છે, હિમાલયના પહાડોમાં પાગલની જેમ એ નિર્ભયતાથી ફરતા, અનેક જંગલી પ્રાણીઓનો એમને સામનો કરવો પડતો, પરંતુ પોતાની વેધક નિર્ભય દ્રષ્ટિથી એ પ્રાણીઓ એમને કશી હાનિ પહોંચાડ્યા વિના ચાલી જતાં – નિર્ભય દ્રષ્ટિમાં આવી મહાન શક્તિ ભરેલી છે. કબુતર બિલાડીની સામે આંખ બંધ કરીને બેસી રહે – એ એમ સમજે કે હું બિલાડીને નથી જોતું એટલે બિલાડી મને પણ નથી જોતી – પરંતુ થાય છે શું? બિલાડીનો એ ખોરાક બની જાય છે. કંપતા હાથથી તમે કોઈ પણ વસ્તુને સ્થિર રાખી શકો નહિ, એક નિર્ભય હાથ જ કોઈ પણ વસ્તુને સ્થિર રાખવા શક્તિમાન છે. પ્રકૃતિ સ્વયં આપણને આ નિર્ભયતાનો સંદેશ ક્ષણે ક્ષણે કહી જાય છે.
એક પંજાબી સિપાઈ કોઈ એક જહાજ પર મુસાફરી કરતો હતો. એ અચાનક ગંભીર માંદગીમાં પટકાઈ પડ્યો. ડોક્ટરે હુકમ કર્યો કે એને દરિયામાં ફેંકી દો. એ જીવે એમ નથી. ડોક્ટરો પણ આવી કડક સજા ઘણીવાર દરદીઓને ઠોકી બેસાડે છે. સિપાઈને એ વાતની ખબર પડી. સાધારણ માનવીને પણ મૃત્યુ સામે નિર્ભયતાની ઝલક દેખાય છે. આ સિપાઈએ પોતાની બધી જ શક્તિથી ઊઠી એકદમ નિર્ભય બની ગયો. એ ડૉક્ટર પાસે પહોંચી ગયો. તેની સામે પિસ્તોલ તાકીને ઊભો રહ્યો અને બૂમો પાડી ડૉક્ટરને પૂછે છે કે બોલ, “હું બીમાર છું? સાચું બોલ નહિ તો આ પિસ્તોલની ગોળીથી તને અહીં જ વીંધી નાખીશ.” તરત જ ડૉક્ટરે એને તું સારો છે એવું પ્રમાણપત્ર આપી દીધું. નિરાશા એ કમજોરીની નિશાની છે, એનાથી બચો. નિર્ભયતા જ સર્વશક્તિપૂંજ છે. નિર્ભય બનો!
આત્મા-નિર્ભરતા-આત્મ વિશ્વાસઃ- નૈસર્ગિક સફળ જીવનનો એક મહત્વપૂર્ણ સિદ્ધાંત અને સફળતાની એક પ્રાણસમી ચાવી એનો આત્મવિશ્વાસ છે. આત્મ જ્ઞાન મેળવી તમે તમારી પોતાની જાતને ઓળખો. માનવી પોતે પોતાને સહાયરૂપ બને તો જ ઈશ્વર પણ તેને સહાયરૂપ થાય છે. અરે! ખુદ ઈશ્વર તેને સહાયરૂપ થવા કટિબદ્ધ થાય છે. આ સત્યને સિદ્ધ કરી શકાય છે. તમારો આત્મા, એ સર્વશક્તિ સંપન્ન ઈશ્વર પોતે જ છે. આ સત્યને તમો પ્રયોગ કરી એની સત્યતાની ઝાંખી કરી શકો છો.
સિંહ જંગલનો રાજા છે, એ સ્વયં પોતાની શક્તિ પર નિર્ભર રહે છે. કોઈ પણ શક્તિ એના માર્ગમાં આડે આવી શક્તી નથી. કારણકે એને પોતામાં પૂર્ણ વિશ્વાસ છે. બીજી તરફ તમે હાથીઓને જુઓ. એને વિશાળ કાયા મળેલી છે. એ કારણે પહેલાં યુનાનીઓએ જ્યારે આ વિશાળ મહાકાય પ્રાણીને જોયું ત્યારે એને “ચાલતો ફરતો પહાડ” એ નામથી એનું સંબોધન કરતા. આ મહાકાય હાથીઓ સર્વથા ટોળામાં જ ફરતા દેખાશે, પોતાની શક્તિ પ્રત્યે હંમેશાં શંકા રાખતા, રાત્રે સૂતી વખતે એ ઝુંડમાં જ ભેગા થઈ આરામ કરશે અને ચારે તરફ પોતાના ચોકીદારો ગોઠવી લેશે. કોઈ પોતાના પર નિર્ભર ન રહીને, પોતામાં રહેલી મહાન શક્તિનો અનુભવ ન કરીને, પોતાને શક્તિહીન સમજી બેઠા છે. એક સિંહને જોતાં બધું ઝુંડ નાશ ભાગ કરશે, આ ચાલતો ફરતો પહાડ ધારે તો એવા વીસ સિંહોને પોતાના બળથી મહાત કરવાની એનામાં શક્તિ છે – પરંતુ એ શક્તિ પ્રત્યેનો વિશ્વાસ નથી.
બે ભાઈઓની કથા છે – બન્ને ભાઈઓ બાપુકી મિલકતના સમાન ભાગીદાર હતા. સમય જતાં એક દરિદ્ર બન્યો અને બીજાએ એ સંપત્તિમાં દશ ઘણો વધારો કર્યો. પ્રશ્ન થયો કે આનો ભેદ શો? ઉત્તર મળ્યો કે એક ભાઈ સદા કહેતો કે જાઓ, જાઓ; અને બીજો કહેતો કે આવો, આવો. એનો અર્થ કે નોકર ચાકર સાથે કામ લેવામાં નોકરોને જાઓ, જાઓ કહી કામ સોંપી દેતો, પોતાની ગાદી પરથી ઉઠવાની જરાયે તકલીફ લેતો નહિ; જ્યારે બીજો ભાઈ “આવો-આવો” આ કામ આપણે જાતે જ બધા સાથે મળી કરી નાખીએ, પોતાની શક્તિ પર નિર્ભર રહી નોકરોની શક્તિનો સંપૂર્ણ ઉપયોગ કરી સફળતાની ટોચે પહોંચ્યો. આ એનું રહસ્ય છે. આત્મ-નિર્ભરતા અને આત્મ-વિશ્વાસ સાથે જે કાર્યોમાં પ્રાણ રેડે છે તે કદાપિ નિષ્ફળતાને સમજતા નથી – એવા આત્માની ઉન્નતિ અવશ્ય છે.
“માનવનું પ્રથમ કર્તવ્ય એ છે કે એણે હર સમયે શાન્ત, સ્થિર અને આત્મનિષ્ઠ રહેવું જોઈએ. જે કોઈ એવા બનાવો નજરે ભાસે છે, કે જે ઘણીવાર આપણા વિચારોની વિરૂદ્ધ હોય અને મનને અશાંત કરનારા હોય, તે વાસ્તવમાં એવા આડે આવતા અવરોધો આપણી આંતરિક શક્તિ અને પવિત્રતાને વેગ પનારા હોય છે. પ્રકૃતિ-વિજ્ઞાનના વિસારદોએ એવાં મંતવ્યો રજૂ કર્યાં છે કે હરેક કાર્યોમાં સંઘર્ષ અને વિરોધ ન હોય તો વિકાસ અથવા ઉન્નતિનું કદીયે નામ નિશાન ન રહે.”
પૂજ્ય સ્વામીના દરેક પત્રોમાં નીચેનો સૂર હમેશાં નીકળતો.
“તુચ્છ સ્વાર્થ, ક્ષુદ્ર અહમ્ કી કેંચૂલી ઉતાર ફેંકો ઔર વેદાન્ત કે ધરાતલ પર નિજાત્મા પરમાત્મા મેં નિવાસ કરો.”
“જે રીતે સૂર્ય પૂર્ણ નિર્ભય, પ્રતિઉપકારની આશાઓથી રહિત, સેવક, હ્રદયપૂર્વક સર્વત્ર પ્રકાશ અને જીવન આપનાર છે એ જ રીતે પ્રભુની અપાર કૃપાથી તમે સૂર્યની જેમ ખીલી ઉઠો. આપણું અહીં કશું ક્યાંયે છે જ નહિ. અહંકાર પણ આપણો નથી. સર્વથા સ્વાર્થશૂન્ય થાઓ! બસ એ જ મોક્ષ છે, અને એ જ જીવન ઉદ્ધારનો પરમ માર્ગ છે.”
ધર્મલાપમાંથીઃ- જનક રાજાએ શુકદેવજીને ઉપદેશ કર્યો હતોઃ “આ દુષ્ટ તથા સારહીન સંસાર અંતઃકરણથી ઉત્પન્ન થયો છે અને અંતઃકરણનો નાશ થવાથી તે નાશ પામે છે. આમ તત્વવેત્તાઓએ નિશ્ચય કર્યો છે. અખંડ ચૈતન્ય આત્મા એક જ છે અને એ પોતે સંકલ્પોનો ત્યાગ કરે છે ત્યારે મુક્ત થાય છે.”
ૐ જાગ્રત-સ્વપ્ન-સુષુપ્તિઃ- તનની ચેષ્ટા એ જાગ્રત; મનની ચેષ્ટા એ સ્વપ્ન; અને તન તથા મન બન્નેની ચેષ્ટાઓ જ્યારે બંધ થાય ત્યારે એ સુષુપ્તિ. એ ત્રણેનો સરવાળો એ સાક્ષી-પરમેશ્વર. કેવી રીતે? માણસ જાગે છે, ઊંઘે છે અને સ્વપ્નાં સેવે છે. એ જાગે છે ત્યારે એને ખબર હોય છે કે ‘હું જાગું છું’, તો એ કોને ખબર હોય છે? સ્વપ્નમાં, સ્વપ્ન આવી ગયાની ખબર પડી, ‘મને સ્વપ્નું આવ્યું’ તો એ સ્વપ્ન આવ્યાની કોને ખબર પડી? શંકરાચાર્ય એને સૂત્રાત્મા કહે છે. જાગ્રત-સ્વપ્ન અને સુષુપ્તિ – આ ત્રણ મણકારૂપી માળાને એ સૂત્રાત્મા જોડે છે. એ સૂત્રાત્મા છે ૐની ત્રણ સાક્ષી સ્વરૂપ માત્રાઓ. તેને જાણવાનો છે, એ જ સુખસ્વરૂપતા તું પોતે જ છે. એ જ પરમાત્માની પ્રાપ્તિ.
ઉપાસનાઃ- પહેલી દેવ-દેવીઓની ઉપાસના; પછી એનાથી શ્રેષ્ઠ વિષ્ણુ-મહેશ્વરની અને એનાથી શ્રેષ્ઠ ૐ ની છે. છેલ્લે અહંગ્રહની ઉપાસના કહેવાય છે કે જે પરાસ્થિતિ છે. ૐ ની ઉપાસના એટલે ૐ નામનો ઈશ્વર છે તેની હું ઉપાસના કરૂં છું. અહંગ્રહ ઉપાસના એટલે ‘અહંબ્રહ્માસ્મિ’ એ હું જ છું. ચિત્તમાં એનું નિત્ય ચિંતન કરવું.
વેદોમાં કહેલું છે કે આ જગતના જૂઠા પદાર્થો પણ એનું નિત્ય સતત સરખી રીતે ધ્યાન કરવાથી પ્રાપ્ત થાય છે. તો પછી જે નિત્ય આપ્તબ્રહ્મ છે, કે જે તમારૂં પોતાનું સ્વરૂપ છે-એ કેમ પ્રાપ્ત ન થાય? તો પછી બ્રહ્મ શું છે એ ભલે તમે ન જાણો તોપણ એનું નિત્ય ચિંતન તમે કરજો. કેમકે એવા ચિંતન દ્વારા કોઈક દિવસ એનો ઉકેલ જરૂર આવશે. શ્રેષ્ઠ વસ્તુ જ ઈચ્છો, શ્રેષ્ઠ વસ્તુમાં જ ચિત્ત જોડો, કારણકે જેવી ભાવના કરશો તે નિશ્ચય પામશો. માણસ શ્રદ્ધાનું જ પુતળું છે; જેવી એની શ્રદ્ધા એવો જ એ છે.
હું ઈશ્વરનું જ સંતાન છું; સંતાનનો અર્થ પેટનું છોકરૂં નહિ પણ એ ઈશ્વરનું જ વિસ્તરણ. માણસ-જીવાત્મા એ માત્ર ઈશ્વરનું Extension છે, જેવી રીતે અગ્નિમાંથી નીકળતા તણખા એ માત્ર અગ્નિનું Extension છે. જ્ઞાનમાર્ગમાં જેને સિદ્ધ થવું છે તે અહંગ્રહની ઉપાસના કરે.
સિદ્ધિમાં સિદ્ધિ એક જ છે કે જે પોતાની જાતને ઈશ્વરના બાળ તરીકે સિદ્ધ કરી શકે, એ જ સાચી સિદ્ધિ છે. ‘તાલમેં તાલ ભોપાલ તાલ ઔર સબ તલૈયા; ગઢમેં ગઢ તો ચિત્તોડગઢ ઔર સબ ગઢૈયા; સિદ્ધિમેં સિદ્ધિ તો યહી સિદ્ધિ ઔર સબ અસિદ્ધયાઁ.’ ચમત્કારોમાં ફાંફાં મારવા કરતાં એ ચમત્કારોના સ્વામીને જ પ્રાપ્ત કરી લો તો બધા ચમત્કારો એમાં જ છે. આપણે જીવીએ છીએ એ જ મોટો ચમત્કાર છે.
ચિત્તશુદ્ધિઃ- એટલે, આ અહંકારનું પૂતળું જે માથું ઊંચુ રાખીને ફરે છે, એને નમાવવાનું – એ જે વિનમ્રતા, અહંકારનો અભાવ, એનું જવું – એને જ સંસિદ્ધિ કહે છે, એ જ ચિત્તશુદ્ધિ. આ નાશવંત, દુઃખાગાર સંસાર ખરેખર સુખથી ભરેલો હોય, તો તમે સા માટે કથા-વાર્તા કે સાધુ-સંતને સાંભળવા જાઓ છો, કે જેની અંદર વૈરાગ્યની જ વાતો હોય છે. ગમે તેટલો સંસાર સુખી લાગતો હોય, કોઈ કાળે એવું કોઈ માનવી જન્મ્યું છે કે જેને મનમાં અસંતોષ રહેતો હોય કે આ બધું પૂરતું નથી; આના સિવાય બીજું કંઈક છે કે જે મારે પામવું જોઈએ. ત્રણ લોકનાં રાજ્ય પણ જેણે જીત્યાં છે, તેને પણ ચિત્તમાં શાંતિ નથી. એનો અર્થ એ કે આની બહાર પણ એવી વસ્તુ છે કે જે પામ્યા વગર ચિત્તની શાંતિ પ્રાપ્ત ન જ થાય. એવી ચિત્તની શાંતિ સૌ કોઈ ઝંખે છે.
દેવ-દેવીઓની પૂજા, જાત્રા વગેરે જે કંઈ કરો છો, એ તો ફક્ત ચિત્તની શુદ્ધિને અર્થે જ હોય છે, અભિમાનને ટાળવા માટે જ, મારૂં તારૂં છોડવાની કસરત માટે જ છે. એનાથી સ્વર્ગનું વિમાન આવે કે મોક્ષ થઈ જાય, એ વાત જ ખોટી છે. સાચું તો આ સાધન દ્વારા આગળ જવાનું છે એમ સમજવાનું છે, નહિ તો એ ચક્કરમાંથી બીજું કોઈ ફળ મળનાર નથી. એનાથી ચિત્તશુદ્ધિ નથી, ફક્ત અહંકાર વધે છે. અહો હો! હું કેવો ભક્ત છું. મેં કેટલી બધી જાત્રાઓ કરી, છાપામાં એની જાહેરાત કરાવે, એનાથી તો અહંકાર જ વધે, ગર્વ વધે છે. જેને આપણે ધર્મ કહીએ છીએ એ આપણો ઉદ્ધાર કરવાને બદલે એ અધોગતિ જ કરે છે.
અશાંતિ વડે શાંતિ મળતી નથી. માટે એક ચિત્તે બેસી મનન ચિંતન વડે જ શાંતિ મળે છે.
સંવત ૧૯૦૬ માં દિવાળીના દિવસે સ્વામી રામતીર્થ વિદેહમુક્ત થઈ બ્રહ્મલીન થયા.
૪૪. અનિર્વચનિય માયા
પ્રશ્નઃ- માયાને અનિર્વચનિય કેમ કહી છે?
જવાબઃ- માયાને આપણે કેમ નથી સમજી શકતા? બધા કહે છે કે આ સ્ત્રીઓ નથી સમજાતી, ઘડીમાં તો પ્રસન્ન-પ્રસન્ન, સુખ-સુખના અંબાર! અને ઘડીમાં તો છેક નીચે નરકની ખાડમાં યે નાખી દે! ક્યારે રાજી થાય અને ક્યારે નારાજ થાય? આવાં સારાં બૈરાં છે.એના વિશે આપણે આટલું બધું મૂંઝાઈએ છીએ તો ભગવાનની માયા વિશે મૂંઝાઈએ તો એમાં નવાઈ શું? કેમકે આખરે આ બધી જોગમાયાઓ એના જ પડછાયા છે ને? કેમકે સંસારનાં બધાં સગપણો ક્યાંથી આવે છે? એમનામાંથી જ ને? નહિ તો સગપણ શેનું? અને કોનું? પણ એ તો શરીરે કરીને બૈરાં છે. બાકી એના જીવ તો નથી સ્ત્રી, નથી પુરૂષ કે નથી નપુંસક, એને જાતિ જ નથી. માયાને આપણે સ્ત્રી સંજ્ઞારૂપી જાતિ આપી, એ તો વ્યવહાર અને બોલવાની સવડ ખાતર, બાકી માયા એટલે સ્ત્રી એવું માનવાનું કોઈ કારણ નથી, માયાને સ્ત્રીપણું કે પુરૂષપણું એવું જાતિપણું છે જ નહિ. માયાને સ્ત્રી કહીને શક્તિપણું આપીએ છીએ. એને તાકાત-બળ કહીએ છીએ. પરંતુ આપણા જ્ઞાનીઓ એવા હતા કે નર, નારી અને નાન્યતર ત્રણે જાતિ સ્ત્રીને પણ લાગુ પડે છે અને પુરૂષને પણ લાગુ પડે છે. સંસ્કૃતમાં ત્રણે પ્રકારના શબ્દો છે. એને સંકલ્પ કહો તો નર છે, ઈચ્છા કહો તો નારી છે.
અનિર્વચનીયમાં, જેનું નિર્વાચન ન થઈ શકે તે, વાચન એટલે સ્પષ્ટ રીતે વાંચીને સમજવું તે, ‘નિર્વાચન’ એટલે ચોખ્ખે ચોખ્ખી રીતે સમજણ પડવી તે, ‘અનિર્વાચન’ એટલે ‘આ એમ જ છે’, કે ‘આ આમ નથી જ’ એમ જેના વિશે સ્પષ્ટ ન કહી શકાય તેને અનિર્વચનીય કહેવાય. માયા શું શું બતાવે છે? જે વસ્તુ નથી એ બતાવે, જગતમાં સુખ નથી, ત્યાં સુખ બતાવે, અને જ્યાં સુખ છે ત્યાં કષ્ટ બતાવે. પરમ સુખની પ્રાપ્તિ, એ સંસારીઓને કષ્ટરૂપ લાગે, પરમસુખની પ્રાપ્તિ એ તો મારો સહેલામાં સહેલો સ્વભાવ છે. માયાના જોરે કરીને જેમાં પરમસુખ છે, એમાં કષ્ટ બતાવે છે, અને જેમાં પરમ કષ્ટ છે એમાં સુખ બતાવે છે – એ માયાની ખૂબી.
આપણો પોતાનો સ્વભાવ, આપણી જ પ્રકૃતિ, આપણી જ માયા, જે બધી આવે છે તો પરમાત્મામાંથી જ. તેથી આ જગત ઈશ્વરની માયા કહેવાય, કેમકે તમારી માયાને પૂર્ણ કરવાનાં સાધનો બધાં ઈશ્વર તરફથી આ જગતરૂપે આપણને પ્રાપ્ત થાય છે. ઈશ્વરની માયા અને આપણી માયામાં ફેર શો? આપણે મરજી કરીએ કે કાલે આપણે ફલાણી જગ્યાએ જવું છે; હવે એમને એમ બેસી રહો તો કંઈ જ નથી. પણ જવું છે, એ ઈચ્છા કરી એટલે માયા ઉપજાવી! તો એ માયારૂપી ઈચ્છામાંથી શું શું ઊપજે છે? એ કે ચાલો ત્યારે કાલે આપણે શું શું તૈયારી કરીશું? શું વાહન લઈશું? તમે શું બનાવીને લાવશો? હું શું બનાવીને લાવીશ? જો જો ડબલ ન થઈ જાય. છોકરાઓ જોડે આવવાના છે કે નહિ? કેમેરો લઈશું કે શું લઈશું? કઈ જગ્યાઓ જઈશું?…… કેટલું ચાલ્યું? એનો પાર નહિ! તમે જે ઈચ્છા કરી, એ તમે તમારી માયા બનાવી, તમે ઈચ્છા કરી એટલે પરમાત્માનું કર્તવ્ય છે કે તમારી ઈચ્છાઓને પૂરી કરે. ભગવાનની ચીજોને શોધવા તમારી અંદરના એક શેતાનને સળવળાવ્યો અને બહારની ભગવાનની ચીજો માગી-માગીને લઈ જાઓ છો. પારકાની ચીજો ઉપર તાગડધિન્ના કરવા છે! મરજીઓ તમારે કરવી છે, અને નચાવવા છે બીજાને! પણ નાચીએ છીએ આપણે ને આપણે જ, બીજા કોઈ નાચતા નથી.
માયાનો આ અર્થ, કે જ્યાં કાંઈ ન હતું, ત્યાં આટલી બધી પીડા ઊભી કરી. એની અંદર ખૂબ મજા પડી, એનો આપણને આનંદ આવ્યો, એટલે કે રજોગુણને આપણે સંતોષ્યો! એના દ્વારા આનંદરૂપી સત્વગુણ થોડો મેળવ્યો. એ, તમે કરેલા ઉધામાઓ જેટલા નિર્દોષ, એટલો તમારો આનંદ પણ નિર્દોષ. પૈસા માટે કાળા ધોળા કરતાં હું પાછળ નહિ જોઉં! એ પૈસો આવે ખરો પણ એ પૈસો સુખ દેનારો નહિ નીવડે. નિર્દોષ માર્ગે એ માયા ફેલાવી ન હતી. માયા તો નિર્દોષ અને સદોષ હોય – એ આપણી માયા.
ઈશ્વરની માયા તો સદૈવ નિર્દોષ છે. એ માયા એણે પોતાને કાજે નથી સરજાવી, તમારે માટે સરજાવી છે. એટલે ઈશ્વરની માયા અને તમારી માયામાં ફેર એટલો, કે આપણી માયા અવિદ્યા, અજ્ઞાનમાંથી જાગે છે; જ્યાં સુખ નથી ત્યાં શોધે છે. ભગવાને પોતે પોતાની માયા સમજાવી છે અને એ જાણે છે કે એમાં શો કસ છે. એ પોતાની ઈચ્છાને આધીન નથી થતો, એ તો એનો માલિક જ રહે છે, એમાં ફેરફારો કરી શકે છે, પોતે એનો કાન ઝાલીને એને વશમાં રાખનાર છે. જ્યારે આપણે આપણી અવિદ્યાના ગુલામ બનીને લોભ અને મોહને તાલે નાચીએ છીએ. જેના વિશે ‘આ નથી’ એમ ન કહી શકાય અને ‘આ છે’ એમ પણ ન કહી શકાય; ‘નથી અને છે’, બ્ને પણ ન કહી શકાય, ક્મકે અત્યારે અંધારૂં અને અજવાળું બન્ને ન કહી શકાય, કેમકે અજવાળું હોય તો અંધારૂં ન હોય, અને અંધારૂં હોય તો જવાળું ન હોય – એવું જેને માટે ન કહી શકાય એ વસ્તુને ‘અનિર્વચનીય’ માયા કહેવાય.
માયાની ખૂબીઓ જુઓ, કે આ વસ્તુ, જે આપણને દેખાય છે, માટે નથી એમ ન કહી શકાય, પણ એ ગઈ કાલે ન હતી અને થોડા વખત પછી ન હોય, માટે એ મિથ્યા છે. તેથી એને છે પણ ન કહી શકાય; એટલે જેને માટે નથી કહેવું પડે, ન હતી કહેવું પડે, એ વસ્તુ બધી મિથ્યા કહેવાય, કારણકે એ તો દગો દેનારી વસ્તુઓ છે. જેને માટે ‘છે કે નથી’ એમ સ્પષ્ટપણે ન કહી શકાય, એ અનિર્વચનીય. આ જગતના દરેક પદાર્થો એવા છે, કે જે એક વખતે ન હતા અને કોઈ કાળે ન પણ હોય. માટે એ બધું અનિર્વચનીય છે. માટે એ બધી માયા છે; એ બધી જુઠ્ઠી ચીજો છે, એ મિથ્યા છે, એના મોહમાં ન પડશો. સ્પષ્ટપણે કોનું નિર્વાચન કરી શકાય? દુનિયામાં કોઈ પણ વસ્તુને સાચી કે ખોટી કહેનાર ‘હું’ એ નિત્ય. ‘હું’, એકવાર ન હતો એમ ન કહી શકાય. ‘હું’, ભવિષ્યમાં ન હોઉં એમ ન કહી શકાય, કેમકે ‘હું’ એકવાર ન હતો એમ કહેનારો પણ ‘હું’ જ, અને ભવિષ્યમાં ન હોઈશ કહેનાર પણ ‘હું’ જ, તો નહિ હોય એમ ‘હું’ મને પોતાને વિશે કેવી રીતે કહી શકું? તેથી સહુને છે કે નથી કહેનારો ‘હું’ એ જ તમારી નિત્ય વસ્તુ છે, એને વળગી રહો અને આ જે અનિર્વચનીય વસ્તુ છે, એનાથી છૂટા રહો. એ તમને દગો દેશે, પણ ‘હું’ મને દગો નહિ દઉં, જે મારૂં નિજ સ્વરૂપ છે. સ્મૃતિ એ પણ મારામાંથી જ છે, જ્ઞાન પણ મારામાંથી જ છે અને સ્મૃતિ અને જ્ઞાન બંનેનો નાશ થવો એ પણ મારામાંથી જ છે. તો ‘હું’ ન હતો એમ કેવી રીતે કહી શકું? એ પરમાત્મા સ્વરૂપ ‘હું’ પુરૂષોત્તમ યોગમાં કહ્યો છે તે સર્વત્ર ‘હું’ પ્રકાશ છું. દસમા અધ્યાયમાં કહ્યું છે કે આ બધી ચીજોનું જે સત્વ છે તે ‘હું’ છું, એ જે મારૂં અવિનાશી સ્વરૂપ છે – એને સમજીને બેસો.
આ માયા માટે સાચી હકીકત છે કે એ દગાખોર છે, એ કાલે હતી અને આજે ન પણ હોય, એ તમને કદી વફાદાર ન રહે, દગો દેશે અને દુઃખ ઊભું કરશે. માટે પેલી સાધુની ગાય જેવો હિસાબ રાખવો, કે આવે તો સારૂં અને જાય તોયે સારૂં! આ બંનેનો જાણનારો અને કહેનારો એવો ‘હું’ જે નિત્ય, નિર્વચનીય, એક જ સાચો અને બીજું બધું મિથ્યા.
અનિર્વચનીય માયાને તુચ્છ પણ કહેવામાં આવે છે. એ તુચ્છ છે, આપણા કામની નથી, દગો દેનારી છે. તમે કોડે કરીને કાર વસાવો અને કાલ ઉઠીને એક્ષીડન્ટમાં તૂટી જાય અને ભેગા તમને યે લેતી જાય. એટલું જ એનું મૂલ્ય છે. એ તો તુચ્છ છે, બે કોડીની દાસી છે, વાપરી લો, એનો ઉપયોગ તમારા શ્રેય માટે કરી લો. સત્યને જાણવા માટે ઈશ્વરે એની માયા પ્રસરાવી છે, એ જાણીને મુક્ત થવા માટે એ અનિર્વચનીય છે, એ તુચ્છ છે એ પ્રમાણે આપણે જાણવું જોઈએ.
માયા જાણીને છોડવા માટે છે. શું છોડવાનું? ‘કામએષ’, ”જહિ શત્રુ મહાબાહો, કામરૂપં દુરાસદમ્”. દરેક જાતની માયા, દરેક જાતની મોહ-મમતા એ શેમાંથી પ્રકટે છે? કેવળ પોતાના સ્વરૂપના અજ્ઞાનમાંથી. એ અજ્ઞાનમાંથી સું ઉપજે છે? કામના, વાસના, ઈચ્છા, એ જ કામના છે; એમાંથી જ – કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર ઉપજે ચે. એમાં સૌથી પહેલો કામ કહ્યો છે. એ જ આદિ સંતાન છે, એની અંદરથી જ મોહ વગેરે ઉપજે છે. માટે માયાનો ટૂંકામાં સરવાળો કરીએ તો કામના. એમાંથી છૂટવું હોય તો “જહિ શત્રું મહાબાહો, કામરૂપં દુરાસદમ્”; એને સ્વભાવ કહો, એને સંસારીપણું કહો, એને જે કાંઈ કહો, તે એક જ વસ્તુનાં નામ છે. અને એ વસ્તુનું એક જ નામ છે – ‘કામ’. એવી રીતે આ અનિર્વચનીય માયામાંથી ઉપજતાં સંસારનાં સુખદુઃખ એ બધાં, કામનાની અંદર સમાઈ જાય છે. માટે કામના શેની કરવી? ભાગવતમાં કહ્યું છે કે પ્રભુની પ્રસન્નતા મેળવવી, મોક્ષની ઈચ્છા કરવી, સત્સંગની ઈચ્છા કરવી – એ બધી ઈચ્છાઓને કામનાઓ ન કહેવાય. એ માયા પ્રભુને રસ્તે પહોંચાડનારી પ્રભુની પ્રાપ્તિ કરાવનારી વસ્તુ બની જાય છે. એ જ એનું સાચું સ્વરૂપ છે.
ૐ તત્ સત્ ।
૪૫. રવિવારની પ્રાર્થના
ચિત્તને સ્થિર કરવાને માટે અને ચિત્તની વૃત્તિઓ જોડાઈ ગયેલી હોય, એને એકધારી કરવાને માટે આપણે બે મિનિટ મૌન રહેવું, અથવા તો આ પ્રમાણેની ભાવના કરવી. મૌન રહેવાનું બધાને આવડતું નથી. મૌન રહેવું એ ઘણી અઘરી વસ્તુ છે. એટલે મૌનમાં આપણી એ બે મિનિટ નકામી જાય. એના કરતાં સૌથી પહેલાં આ પ્રાર્થના કરવાની કેઃ- ‘હે પરમ કૃપાળુ પરમેશ્વર! અમે અત્યારે તારૂં સ્મરણ કરવા ઈચ્છીએ છીએ. તે સમયે, અમારા દેહ તથા ઈન્દ્રિયોને, સ્થિર તથા સ્વસ્થ રાખજે. અમારી વૃત્તિઓને શાન્ત તથા ચિત્તને માત્ર તારા સ્મરણમાં એકાગ્ર કરજે, અમારૂં રક્ષણ કરજે, અમને ત્રણે પ્રકારની શાંતિ હોજો.’
જે ઉપનિષદ અને વેદના શાંતિ પાઠો છે, એમાં છ શાંતિ પાઠો છે, તે બધાનો થોડો ઘણો સાર આ પ્રાર્થનામાં અંદર આવી જાય છે. હવે પછીની પ્રાર્થના પ્રમાણે છેઃ-
૧. ” નમસ્તે સતે તે જગત્કારણાય, નમસ્તે ચિત્તે સર્વ લોકાશ્રયાય;
નમો દ્વૈતતત્વાય મુક્તિપ્રદાય, નમો બ્રહ્મણે વ્યાપિને શાશ્વતાય.”
૨. ”ત્વમેકં શરણ્યં ત્વમેકં વરેણ્યં, ત્વમેકં જગત્પાલકં સ્વપ્રકાશમ્;
ત્વમેકં જગત્કર્તૃ-પ્રાર્તૃ-પ્રહર્તૃ, ત્વમેકં પરં નિષ્કલં નિર્વિકલ્પમ્.”
૩. ”ભયાનાં ભયં ભીષણં ભીષણાનાં, ગતિઃ પ્રાણિનાં પાવનં પાવનાનામ્;
મહોચ્ચૈઃ પદાનાં નિયંતૃ ત્વમેકં, પરેશાં પરં રક્ષકં રક્ષકાનામઃ”
૪. ”વયં ત્વાં સ્મરામો વયં ત્વાં ભજામો, વયં ત્વાં જગત્સાક્ષીરૂપં નમામ;
સદેકં નિધાનં નિરાલંબમીશં, ભવામ્ભોધિપોતં શરણ્યં વ્રજામઃ”
આ શ્લોકો આપણે સંસ્કૃતમાં બોલ્યા, એ બરાબર સમજી લઈએ, બુદ્ધિપૂર્વક સમજીને કરવું, એ મારો આગ્રહ છે. ખરેખરી રીતે તો જે પ્રાર્થના કરીએ, એનું ફળ જો પૂરેપુરૂં મેળવવું હોય તો સમજીને કરીએ.
૧. ”હે ઈશ્વર! તું કે જે સર્વ સત્યોનું પણ સત્ય, તથા જગતનું કારણ છે, તેને અમારા નમસ્કાર. તું કે જે સર્વ ચિત્તોનું ચેતન તથા સર્વ લોકોનો આધાર છે, તેને અમારા નમસ્કાર. અભેદનું તું સ્વરૂપ છે, મુક્તિનો તું દેનારો છે એવા તને અમારા નમસ્કાર. સર્વવ્યાપી તથા નિત્ય નિરંજન એવા તને પરમાત્માને અમારા નમસ્કાર.”
૨. ”શરણ લેવા યોગ્ય તથા પસંદ કરવા યોગ્ય, જગતમાં એક માત્ર તું જ છે. જગતનો પાલક,તું એક જ સ્વયં-પ્રકાશ છે. જગતનો કર્તા, ભર્તા અને સંહર્તા એકમાત્ર તું જ છે. જેમાં કદી પણ વધઘટ થતી નથી, એવો પરમ અદ્વિતીય, તું એક જ ભગવાન છે.”
૩. ”ભયોનો પણ ભય, ભયંકરોનો પણ ભયંકર, પ્રાણીઓનો છેવટનો આશ્રય; પાવન કરનારાઓનો પણ પાવનકારી, સ્વર્ગ તથા મોક્ષ જેવાં મહા ઉચ્ચ પદોનો પણ નિયામક તું એક જ છે. સર્વની ઉપર, સર્વ રક્ષકોનો પણ રક્ષક તું એક જ છે.”
૪. ”અમે તારૂં સ્મરણ કરીએ; અમે તને ભજીએ; જગતના સાક્ષી સેવા તને અમે પગે લાગીએ. જેને કશાનો પણ આશ્રય નથી, પરંતુ જે પ્રાણીમાત્રનો સદાનો એકમાત્ર આશરો છે; જે ભવસાગર પાર કરવાની શરણ લેવા યોગ્ય નૌકા છે એવા ઈશ્વરમાં જ…… અમારી ગતિ હોજો!”
ૐ શાંતિઃ શાંતિઃ શાતિઃ ।।
ત્રણ પ્રકારની શાંતિ જોઈએ છે. શાંતિનો ભંગ કરનાર, કલેશના દેનાર, એવા ત્રણ માર્ગો છે કે જેના દ્વારા કલેશ થાય છે. દુનિયામાં અન્ય પ્રાણીઓ અથવા તો પદાર્થો પાંચ ભૂતોના જ બનેલા છે, એમના તરફથી પણ ઉપદ્રવ થવાનો સંભવ છે. તેથી કહેવાનું કે હે ભગવાન, પહેલી શાંતિ આધિભૌતિક ઉપદ્રવ ન થજો. બીજો ઉપદ્રવ ગ્રહોની ગતિ, અદ્રશ્ય શક્તિઓ તરફથી આવતા પ્રવાહો, પ્રારબ્ધના પણ માર, જેને આપણે દેખી શકતા નથી, એવી અદ્રશ્ય શક્તિઓ તરફથી જે કંઈ ઉપદ્રવ થતો હોય તે અમને ન થજો – એ બીજી શાંતિ તે આધિદૈવિક. ત્રીજા પ્રકારનો જે ઉપદ્રવ થાય છે તે આપણા પોતાના તરફથી, તબિયત બગડવી, કંઈ વાગવું, ઈજા થવી, અને અનેક જાતના રોગ થવા, એ બધા શરીરમાંથી જ ઉત્પન્ન થતા ઉપદ્રવો છે, એને આધ્યાત્મિક શાંતિ કહેવાય. એ આધ્યાત્મિક શાંતિ પણ અમને હોજો, એનો ઉપદ્રવ ન થજો. આવી રીતે ત્રણવાર શાંતિ બોલવાનું આ કારણ છે. બધા જ પ્રકારની શાંતિ આપણે જ્ઞાનપૂર્વક માંગી લીધી. થોડો વખત નિરાંતે જીવ રહે એને શાંતિ કહે છે, પરન્તુ ઉપદ્રવોના વવાના તો હજારો રસ્તા છે, પણ આ ત્રણની અંદર આધિભૌતિક, આધિદૈવિક, અને આધ્યાત્મિક – આ ત્રણ સિવાય ચોથો માર્ગ કોઈ પણ ઉપદ્રવોનો રહેતો જ નથી. એટલે વેદના માંગનારાઓને સુંદર માંગતાં આવડ્યું છે. પછી ગીતાપાઠ કરવાનો.
ગીતા પાઠ અધ્યાય – ૧૫
ઉર્ધ્વમૂલમધઃ શાખમશ્વત્થં પ્રાહુરવ્યયમ્ ।
છન્દાંસિ યસ્ય પર્ણાનિયસ્તં વેદ સ વેદવેત્ ।। ૧ ।।
”ઊંચે (ઈશરૂપી) મૂળ, (બ્રહ્મા) શાખા ઢળી નીચે,
એવો (સંસાર) પીપળ આ અવિનાશી જણાય છે.”
વેદ મંત્રો રૂપી શોભે પાંદડાંથી; રહસ્ય આ
(ભેદનું) જાણનારો જે, તે વેદજ્ઞ યથાર્થ છે.
”મૂળ ઊંચે, ઉગ્યું ડાળું નીચે, છે પીપળો અખૂટ કહ્યો,
મંત્રો કહ્યા પર્ણો; પરખે એ, તે જ વેદવિત્.”
અધશ્ચોર્ધ્વં પ્રસૃતાસ્તસ્ય શાખા ગુણપ્રવૃદ્ધા વિષયપ્રવાલા ।
અધશ્ચ મૂલાન્યનુસંતતાનિ કર્માનુબન્ધીનિ મનુષ્યલોકે ।। ૨ ।।
”ઊંચે-નીચે વિસ્તરી તેની ડાળીઓ (ઘણેરી ફાંફાંરૂપ, કર્મજન્યા)
વધે જતી પ્રકૃતિના ગુણોથી (શબ્દાદિ નામે) વિષયાંકુરોથી;
જડો (ફલાસક્તિસ્વરૂપી) ફાલે મનુષ્ય લોકે, જકડી જ કર્મે.”
”ઊંચે-નીચે વિસ્તરી તેની ડાળીઓ, વધે ગુણોથી, વિષયોથી ફણગે;
તળે જડોનાં વધતાં જ જાળાં, કર્મો વડે બાંધી મનુષ્ય લોકે.”
ન રૂપમસ્યેહ તથોપલભ્યતે નાન્તો ન ચાદિર્ન ચ સંપ્રતિષ્ઠા ।
અશ્વત્થનં સુવિરૂઢમૂલમસઙ્ગશસ્ત્રેણ દ્રઢેન છિત્વા ।। ૩।।
તતઃ પદં તત્પરિમાર્ગિતવ્યં યસ્મિન્ગતા ન નિવર્તન્તિ ભૂયઃ ।
તમેવ ચાદ્યં પુરૂષં પ્રપદ્યે યતઃ પ્રવૃત્તિઃ પ્રસૃતા પુરાણી ।। ૪ ।।
“આ રૂપ તેનું ન જણાતું તત્વતઃ (સિવાય વિજ્ઞાન તણી જ દ્રષ્ટિએ),
ન અંત-આદિ, ન દ્રઢ સ્થિતિ કશી (આ સંસારતાની), તેથી
(સંસારતૃષ્ણારૂપી) પીપળો આ ફાલ્યો ઘમાં મૂળથી સાવ સજ્જડ,
સુદ્રઢ નાસક્તિરૂપી અમોઘે શસ્ત્રે કરી છેદી (સમૂલ) નાખી,
જ્યાં જઈ વળી પાછું ન આવવાનું, તે ખોજવી ખૂબ સ્થિતિ વિચારી.”
“પ્રાચીન આ જન્મી પ્રવૃત્તિ જ્યાંથી, તે આદિ નરનું શરણું ગ્રહુ હું”
“અહીં ન દીસે ખરૂં રૂપ એનું; ન આદિ કે અન્ત, ન સ્થૈર્ય ભાસે,
ઉચ્છેદી એ પીપળ મૂલજાળો, અસંગતિરૂપ અમોઘ શસ્ત્રે.”
જ્યાં જઈ ફરી આવવાનું રહે નહિ, તે ખોજવી ખૂબ સ્થિતિ વિચારી;
પ્રાચીન આ જ્યાંથી સ્ફુરી પ્રવૃત્તિ, તે આદિ નરને શરણે જાઉં હું!”
નિર્માનમોહા જિતસઙ્ગદોષા અધ્યાત્મનિત્યા વિનિવૃત્તમાકામાઃ ।
દ્વન્દ્વૈર્વિમુક્તાઃ સુખદુઃખસંજ્ઞૈર્ગચ્છન્ત્યમૂઢાઃ પદમવ્યયં તત્ ।। ૫ ।।
“ન માન કે મોહ, ન સંગતિદોષો, દ્રઢ આત્મનિષ્ઠા, નહિ કામ-તૃષ્ણા,
દ્વંદ્વોથી છૂટ્યો સુખદુઃખસંજ્ઞક, કમાય જ્ઞાની પદ તે અનાશી.”
“નિર્માન મોહી, નહિ સંગદોષો, અધ્યાત્મમાં નિષ્ઠ, ન કોઈ તૃષ્ણા,
દ્વંદ્વથી છૂટ્યા સુખદુઃખસંજ્ઞક, કમાયે પદતે અનાશી.”
ન તદ્ ભાસયતે સૂર્યો ન શશાઙ્ કો ન પાવકઃ ।
યદ્ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ ।। ૬ ।।
“શકે ન દાખવી તેને સૂર્ય, કે ચન્દ્ર, અગ્નિ કે,
જ્યાં ગયો ન ફરી જન્મે, તે મારૂં શ્રેષ્ઠ છે સ્વધામ!”
“શકે ન દાખવી એને સૂર્ય, કે ચન્દ્ર, અગ્નિ કે,
જ્યાં ગયો ન વળે પાછો, મારૂં એ ધામ શ્રેષ્ઠ છે.
મમૈવાંશો જીવલોકે જીવભૂતઃ સનાતનઃ ।
મનઃષષ્ઠાનીન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાનિ કર્ષતિ ।। ૭ ।।
“અંશ મારો જ લોકે, થઈ સનાતન જીવરૂપ,
લે ખેંચી પ્રકૃતિની સાથી છઠ્ઠા મન સહ ઈંદ્રિયો.”
“અંશ મારો સનાતન, થૈ લોકે જીવ, જીવત્વ લૈ,
મનસહ ઈન્દ્રિયો ખેંચે, જે છે પ્રકૃતિમાં રહી.”
શરીરં યદવાપ્નોતિ યચ્ચાપ્યુત્ક્રામતીશ્વરઃ ।
ગૃહીત્વૈતાનિ સંયાતિ વાયુર્ગન્ધાનિવાશયાત્ ।। ૮ ।।
“આવવું ને જવું દેહે કરે, જે જીવ જાય છે,
ગ્રહી આ સર્વ તે, વાયુ જેમ કોષેથી ગંધને.”
“આવાગમન કરે દેહે, જે સમર્થ કરે જ તે,
ગ્રહી આ સર્વને, વાયુ કોષેથી જ્યમ વાસને.”
શ્રોત્રં ચક્ષુઃ સ્પર્શનં ચ રસનં ઘ્રાણમેવ ચ ।
અધિષ્ઠાય મનશ્ચાયં વિષયાનુપસેવતે ।। ૯ ।।
“શ્રોત્ર-ચક્ષુ-ત્વચા-રસના-ઘ્રાણ, ને મન-છયે ઉપર,
સ્થાપી સ્વામિત્વ જીવાત્માં, ભોગવે છે બધા વિષય.”
“શ્રોત્ર, દર્શન, સ્પર્શ, રસના, ઘ્રાણ, ને મન-છયે તણો,
અધિષ્ઠાતા બનીને એ વિષયો ભોગવ્યા કરે.”
ઉત્ક્રામન્તં સ્થિતં વાપી ભુંજાનં વા ગુણાન્વિતમ્ ।
વિમૂઢા નાનુપશ્યન્તિ પશ્યન્તિ જ્ઞાનચક્ષુઃ ।। ૧૦ ।।
“તેને રે’તા, જતા, ભોક્તા કે ગુણાન્ધ થયેલને,
શકે પરખી ન અજ્ઞાની; જ્ઞેય તે જ્ઞાનનેત્રથી.”
“વસતો કે જતો રે’તો, ભોગવતો કે ગુણાન્ધ હો,
ન એને ઓળખે મૂઢો; પ્રીછાયે જ્ઞાનનેત્રથી.”
યતન્તો યોગિનશ્ચેનં પશ્યન્ત્યામન્યવસ્થિતમ્ ।
યતન્તોપ્યકૃતાત્માનો નૈનં પશ્યન્ત્યચેતસઃ ।। ૧૧ ।।
“મથતા યોગીઓ એને, જાણે છે બુદ્ધિમાં વસ્યો,
મથે તોયે અશુદ્ધાત્મા, ન પ્રીછે અજ્ઞતા મિષે.”
“સંયમી યોગીઓ એને દેખે છે બુદ્ધિમાં વસ્યો,
મથે તોયે, અયુક્તાત્મા ન્યુનબુદ્ધિ ન દેખતા.”
યદાદિત્યગતં તેજો જગત્ભાસયતેખિલમ્ ।
યચ્ચન્દ્રમસિ યચ્ચાગ્નૌ તત્તેજો વિદ્ધિ મામકમ્ ।। ૧૨ ।।
“પ્રકાશી પૂર્ણ જગને જે, ભાનુમાં તેજ છે રહ્યું,
ચંદ્રમાં, અગ્નિમાંયે જે, જાણ મારૂં જ તેજ તે.”
“પ્રકાશી પૂર્ણ જગને જે, ભાનુમાં તેજ છે વસ્યું,
ચંદ્રમાં, અગ્નિમાંયે જે, જાણ મારૂં જ તેજ તે.”
ગામાવિશ્ય ચ ભૂતાનિ ધારયામ્યહમોજસા ।
પુષ્ણામિ ચૌષધીઃ સર્વાઃ સોમો ભૂત્વા રસાત્મકઃ ।। ૧૩ ।।
“ને વ્યાપી પૃથ્વી, હું ધારૂં ઓજસે ભૂતસંઘને,
રસ-સ્વરૂપ થઈ ચંદ્ર, પોષું સર્વે વનસ્પતિ.”
“વ્યાપીને પૃથ્વીને, ધારૂં ઓજસે પ્રાણીમાત્રને,
બનીને ચંદ્રમા રસમય, પો, હું સર્વ ઔષધી.”
અહંવૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનાં દેહમાશ્રિતઃ ।
પ્રાણાપાન સમાયુક્તઃપચામ્યન્નં ચતુર્વિધમ્ ।। ૧૪ ।।
“વસી પ્રાણી-શરીરોમાં, હું વૈશ્વાનર રૂપથી,
પચાવું ચારવિધ અન્ન, પ્રાણાપાનથી યુક્ત થઈ.”
“વસું પ્રાણી શરીરોમાં, વૈશ્વાનર સ્વરૂપ લૈ,
પચાવું ચાર વિધ અન્નો, પ્રાણાપાનથી યુક્ત થૈ.”
સર્વસ્ય ચાહં હ્રદિ સંનિવિષ્ટો, મત્તઃ સ્મૃતિર્જ્ઞાનમપોહનં ચ ।
વેદૈશ્ચ સર્વૈરહમેવ વેદ્યો, વેદાન્ત કૃદ્વેદવિદેવ ચાહમ્ ।। ૧૫ ।।
“વળી બધાને હ્રદયે વસ્યો હું, હુંથી જ થાયે સ્મૃતિ જાણકારી,
સંશય સમાધાન, વેદોથી ગમ્ય હું, છું હું વેદાન્તકર્તા, હું જ્ઞાતા.”
“સદા બધાને હ્રદયે વસ્યો છું, હુંથી જ થાયે સ્મૃતિ, જાણકારી,
ને વિસ્મૃતિ, હું છું વેદોથી ગમ્ય, વેદાન્તને હું રચું, જાણું યે હું.”
દ્વાવિમૌ પુરૂષૌ લોકે, ક્ષરશ્ચાક્ષર એવ ચ ।
ક્ષરઃસર્વાણિ ભૂતાનિ કૂટસ્થોશ્રર ઉચ્યતે ।। ૧૬ ।।
“સંસારે આ “પુરૂષ” બે છે, નાશવંત-અનાશવંત,
વિનાશી સર્વભૂતો, ને શાશ્વત કૂટસ્થને કહ્યો.”
“આ સંસારે પુરૂષ બે છે, ક્ષર ને અક્ષર નામના,
ક્ષર તે સર્વ ભૂતો, ને અક્ષર કૂટસ્થને કહ્યો.”
ઉત્તમઃ પુરૂષસ્ત્વન્યઃ પરમાત્મૈત્યુદાહ્રતઃ ।
યો લોકત્રયમાવિશ્ય વિભર્ત્યવ્યય ઈશ્વરઃ ।। ૧૭ ।।
“તે થકી ઉત્તમ છે અન્ય, પુરૂષ પરમાત્મ નામનો,
ત્રિલોકી પોષતો વ્યાપી, તે ઈશ્વર અવિનાશી છે.”
“તે બેથી ઉચ્ચતમ અન્ય, પુરૂષ પરમાત્મ સંજ્ઞક,
વ્યાપી ત્રિલોકી પોષે જે, તે ઈશ્વર અવિનાશી છે.”
યસ્માતશ્ચરમતતીતોહમક્ષરાદપિ ચોત્તમઃ ।
અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરૂષોત્તમઃ ।। ૧૮ ।।
“વિનાશીથી પરો છું, ને અનાશીથીય ઉપરો,
લોકો અને વેદમાં તેથી, કહેવાયો પુરૂષોત્તમ.”
“ક્ષરથી હું પરો છું, ને છું અક્ષર થકી ઉપરો,
લોકો ને વેદમાં તેથી, કહેવાયો પુરૂષોત્તમ.”
યો મામેવમસંમૂઢો જાનાતિ પુરૂષોત્તમમ્ ।
સ સર્વવિદ્ ભજતિ માં સર્વભાવેન ભારત ।। ૧૯ ।।
“મને એવો કળે તત્વે, પુરૂષોત્તમ જ્ઞાની જે,
સર્વભાવે ભજે, અર્જુન! સર્વવિત્ થઈ મને જ તે.”
“મને તત્વે કળે એવો પુરૂષોત્તમ, જ્ઞાની તે,
સર્વભાવે ભજે, અર્જુન! સર્વવિત્ થૈ ખરો, મને.”
ઈતિ ગુહ્યતમં શાસ્ત્રમિદંઉક્તં મયાનઘ ।
એતદ્ બુધ્વા બુદ્ધિમાન્સ્યાત્કૃત્યશ્ચ ભારત ।। ૨૦ ।।
“અપાપી! આ કહ્યું શાસ્ત્ર, તને ગુહ્ય અતીવ જે,
જાણતાં થાય જ્ઞાની, અને કૃતકૃત્ય જ ભારત.”
ગીતામાં કહેલું છે કે ‘યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ’ બધા જ યજ્ઞો ને હોમહવનમાં ઉચ્ચ પ્રકારનો યજ્ઞ, એ જપ યજ્ઞ છે. ભગવાનના નામનો જપ કરવો તે છે. ‘ૐ નમઃ શિવાય’ ની એક માળા કરવાની. તેથી ચિત્તને એકાગ્ર કરીને, ‘ૐ નમઃ શિવાય’ માળા કરવામાં, ‘ૐ નમઃ શિવાય’ એક શ્વાસે એકવાર બોલાય. જો બધા સાથે બોલશો તો વધારે એકાગ્રતા થશે, નહિતર તો અંદરથી તો ચિત્ત કોઈ બીજી જગ્યાએ જશે. એનાથી બચવાને માટે બધા સાથે બોલો તો એની ટેવ થોડા વખતમાં પડી જશે. એ ૧૦૮ વાર બોલતાં બધાની માળા પૂરી થાય. જો મૌનમાં બોલશો તો કોઈકની વહેલી અને કોઈકની મોડી થશે. એમાં એકતાનતા ન સચવાય.
”ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ,
ત્વમેવ વિદ્યા દ્રવિણમ્ ત્વમેવ, ત્વમેવ સર્વં મમ્ દેવ દેવ.”
પછી એક સુંદર ભજન ગાવાનું છે.
હે ગોવિંદ, રાખો શરણ! અબ તો જીવન હારે….. હે ગોવિંદ…
નીર પીવન હેત ગયો, સિન્ધુ કે કિનારે,
સિન્ધુ બીચ બસત ગ્રાસ, ચરન ધરી પછારે…..હે ગોવિંદ….
ચાર પ્રહર યુદ્ધ ભયો, લે ગયો મઝધારે,
નાક-કાન ડૂબન લગે, નાથ કો પુકારે…..હે ગોવિંદ….
દ્વારકામેં શબ્દ ભયો, ગરૂડે ચઢી સિધારે,
ચક્રસે હિનાક્ર મારે, હસ્તી કો ઉગારે…..હે ગોવિંદ….
આ ભજનનો બહુ ઊંડો આધ્યાત્મિક અર્થ થાય છે. તે પછી સાંતિ પાઠ કરીને સૌને નમસ્કાર કરી, પ્રાર્થના વિધિ પૂરો થાય છે.
માણસ પોતાના હ્રદયના જોમથી, પોતાની આંખોના બળથી, આંખની ચેષ્ટાથી અને ભાવનાથી જે કરે એ સામાને એ જ રીતે પ્રાપ્ત થાય. જડ છે તે ચેતન બને. આ જડ કાગળ ઉપર જડ શાહીથી છાપેલું જડ લાગે, માટે પણાં શાસ્ત્રો, આચાર્ય મૂખેથી શીખવાનું કહે છે. કારણકે લખેલું એ વધારે સારૂં, પણ સમજણ પેલામાં વધારે હોય છે. પ્રાર્થના સમાજના સ્થાપક ભોળાનાથ સારાભાઈનાં ભજનો ભાવભર્યાં છે, એ ભજનો બોલવાં. આશ્રમ ભજનાવલીમાંથી મીરાં અને નરસિંહનાં ભજનો પણ મળી રહેશે. એમાં સુંદર ભજનો અને સુંદર સ્તોત્રો અર્થ સાથે આપેલાં છે. પ્રાતઃ અને સાયં કાળ માટેની ઉત્તમ પ્રાર્થનાઓ ભગવાન શંકરાચાર્યની પણ છે.
૪૬.કર્મની ગહન ગતિ
સંસાર ચલાવતાં ચલાવતાં સારૂં કે ખોટું કર્મ કરીને જીવવાવાળાઓ માટે આપણા વેદોએ બે માર્ગો કહેલા છે. એક કર્મકાંડનો માર્ગ અને બીજો જ્ઞાનનો માર્ગ. એકને અવિદ્યા કહી છે અને બીજાને વિદ્યા કહી છે. અવિદ્યા એટલે સ્વરૂપનું અજ્ઞાન, અને વિદ્યા એ સ્વરૂપનું ભાન.
કોઈ પણ કાળે કર્મકાંડનું ભલું કરવાનું ફળ મોક્ષ નથી, પણ વધારે સારો ભવ કે અમુક વખત સ્વર્ગમાં રહેવાની પરવાનગી, વીઝા મળે એટલું જ. એટલે જ વેદોમાં કર્મકાંડ અને ધરમ-કરમને અવિદ્યા કહી છે. એ અવિદ્યામાં જે રહેવાનું પસંદ કરે તેની આગળ બે વિકલ્પો છે. એક તો કર્મ કરો, તે સમજીને-વિચારીને કરવાનું, અને બીજું વગર સમજ્યે યંત્રવત્ કર્યે જવું.
પોતાના સ્વરૂપનું અજ્ઞાન, સંસારના સ્વરૂપનું અજ્ઞાન, ઈશ્વરના સ્વરૂપનું અજ્ઞાન-એના ઉપર જ કર્મકાંડના અને જ્ઞાનના માર્ગનો આધાર છે. તે કદાપિ મોક્ષમાં લઈ જનારી વસ્તુ નહિ હોવાથી, મોક્ષથી જીવડાને વેગળો રાખનારી હોવાથી એને વેદોમાં અવિદ્યા કહી છે. એમ અજ્ઞાન ઉપર જ બધા સંસારના વહેવારનો અને કર્મકાંડનો આધાર હોવાથી એને અવિદ્યા જ કહેવાય છે.
વેદમાં સોએ ૮૦ મંત્રો કર્મકાંડના છે, ૧૬ મંત્રો ઉપાસનાના છે અને કેવળ ચાર જ જ્ઞાનના છે, કારણકે મોટા ભાગના લોકસમૂહને સંસાર ચલાવવાનો છે. સંસારના અનેક પદાર્થો એને જોઈએ છે – છોકરાં, છૈયાં, મોટો પરિવાર, સમૃદ્દિ, કીર્તિ, યશ એવા હજારો પદાર્થો એને જોઈએ છે. એને કોઈ ને કોઈ કલ્પિત કુદરતની શક્તિઓની હંમેશાં ગરજ હોય છે. મોક્ષ તો એને જોઈતો નથી, એટલે બ્રહ્મની વાત તો બાજુએ રહી, ઈશ્વરમાં પણ એની કલ્પનાઓ જુદી જુદી રીતની હોય છે. જેવી જરૂરિયાત તેવો ઈશ્વર! ત્યાં પણ એ વેપારી બુદ્ધિ જ વાપરે છે.
પરંતુ વેદોની રચના એવી ગજબની છે, કે કર્મકાંડના એકેએક મંત્રોને જો યોગ્ય રીતે સમજવામાં આવે તો તેની લક્ષણામાં આત્મા જ આવે, જે જ્ઞાન તરફ જ લઈ જાય છે.
મોટા ભાગના લોકસમૂહ સંસારના અધિકારીઓ રહ્યા. આપણી લાખો વાસનાઓ અને તૃષ્ણાઓરૂપી જરૂરતો રહી. આપણી એ તૃષ્ણાઓ અને વાસનાઓને પૂરી કરવા તેટલી જ વિધિઓ અને નિષેધો કર્મકાંડરૂપે રહ્યા. એટલે એના ઉપાયો પણ લાખો. એટલે જ કર્મકાંડના સોએ ૮૦ મંત્રો કહ્યા છે. ઉપાસનાઓ પણ ઘણી કેમકે વાસનાઓ પણ ઘણા પ્રકારની હોય છે. એટલે ઉપાસનાના સોએ ૧૬ મંત્રો અને જ્ઞાનમાં તો એક જ સ્વરૂપ, એ જ રીતે ઉપાસના કરવાની, એમાં ઝાઝું કહેવાનું કે કરવાનું હોય જ નહિ. એટલે સોએ ફક્ત ચાર જ મંત્રો. આ રીતે આપણા વેદ કેટલા બધા દયાળુ કે બધાની ઈચ્છા પૂરી કરે છે.
કોઈ પણ કામ બે રીતે કરી શકાય છે – એક સમજીને, અને બીજું વગર સમજ્યો; કરવાનું છે એટલે કરીએ છીએ, ‘પીછે સે ચલી આયી, લકીરના ફકીર.’ મોટર બે રીતે હંકારાયા છે, એક તો સ્ટીયરીંગ જાણો, અને બીજું એનું મીકેનિઝમ જાણો, એના ગતિનો સિદ્ધાંત જાણો, એ બધું ખબર હોય તો કેટલો ફેર પડી જાય.
આગળ કહ્યું તેમ વેદોએ આપણી સમક્ષ ત્રણ દ્રષ્ટિઓ મૂકી છે – લૌકિક, વ્યાવહારિક અને આધ્યાત્મિક. લૌકિક વ્યવહારને લગતી તે દેવ-દેવીની, પાપ-પુણ્યની, સ્વર્ગ-નરકની. જેને હજી સંસારીભાવ છૂટ્યો નથી, કરૂં, કરૂં અહંકાર કર્તા ભોક્તા તરીકેનો છે. કરૂં એનાં ફળ ભોગવું, અને ફળ મળવા જ જોઈએ, કર્મ કરૂં અને ફળ મળે, એવી વૃત્તિથી જેનો હજી છૂટકારો થયો નથી, એવી વૃત્તિને રાજસિક, ઘોર વૃત્તિ કહી છે.
ત્રણ ગુણો – સત્વ, રજસ અને તમસ એમાં રાજસિક વૃત્તિને ભયંકર કહી છે. ક્રોધ, લોભ, મોહ એ રજોગુણમાંથી નીકળે છે. આજે આપણી ચારે તરફ જે સંહાર, અને ક્રૂરતા છે એ રજોગુણનાં સંતાનો છે. જેટલી કામના પ્રબળ તેટલા એનાં કર્મો પણ ક્રૂર અને ઘાતકી.
એમાં કોઈનો વાંક નથી, કારણકે ઈશ્વરે જ પહેલી કામના કરી કે ચાલો સૃષ્ટિ રચું, અને ત્યાંથી રજોગુણ ચાલ્યો. એ જ ગુણ વારસામાં ઊતરી આવેલો છે. બધાને બ્રહ્મ જ થવું છે, વિષ્ણુ જ થવું છે. મહાદેવ તો કોઈને નથી થવું, કેમકે ત્યાં તો ચુપચાપ બેસીને, આત્મસ્વરૂપનો વિચાર કરીને સુખી થઈ જવાનું છે; પણ એ તો કોઈને ખપતું નથી. આપણી દોડ રજોગુણમાં જ છે ત્યાં સુધી રજોગુણ અને તમોગુણથી આપણે કદી મુક્ત થઈ શકશું નહિ. જેને સ્તવમાં જવું હોય, તેને પેલી પાર જવું જ પડે. ત્યાં જ શાંતિ, સ્વસ્થતા, અને પ્રસન્નતા છે.
માણસ ત્રણ કક્ષામાંથી પસાર થાય છે. પહેલી કક્ષા સાવ પશુ કોટિની. પશુ સાટેના ચાર ધર્મો – આહાર, નિદ્રા, ભય અને પ્રજા ઉત્પત્તિ. મોટો સમૂહ આ ચારમાં જ પોતાના જીવનની ઈતિશ્રી સમજે છે. એથી આગળનો વિચાર એને નથી આવતો.
બીજી કક્ષામાં – એવું વિચારે છે કે સંસારની આ બધી ઉપાધિઓ વડે હું હાય-વોય કરૂં છું, તો આખરે હું કોણ છું? હું મરી જાઉં છું અને બીજો ભવ આવે છે, ત્રીજો ભવ આવે છે, એ ઘટમાળ ચાલ્યા જ કરે છે, તો ખરી રીતે મરી કોણ જાય છે? આ શરીર મરે છે, જન્મે છે. વાસ્તવમાં એ શરીર તો હું નથી જ. જ્યાં એની વૃત્તિ સાત્વિક ગુણ તરફ વળી, ત્યાં એને પોતાના સાચા સ્વરૂપનો ખ્યાલ આવે છે.
મહિમ્ન સ્તોત્રમાં એને ત્રયી વૃત્તિ કહે છે, એ ત્રણે ગુણો હું જ છું. આ શરીરથી ઉપર ગયો તેને વેદાંતે ઈશ્વર કહ્યો છે. કેમકે પ્રાણ જગતનું સંચાલન કરે છે – એનર્જી એનું નામ. ઈસન કરનારાઓમાં, સંસારમાં મોટામાં મોટો બાદશાહ એ જ છે. જડ, ચેતન બધા જ પ્રાણ વડે નભે છે. અને અહીં જ સવિતા દેવની પૂજા આવી. સવિતાનો અર્થ સ્તવન, પ્રસવ કરે તે, કોણ પ્રસવ કરે છે? સૂર્ય, સૂર્યમાંથી એનર્જી. એ જ બધું પ્રસવ કરે છે, એ જ ઈશ્વરનું દ્રશ્યસ્વરૂપ, પ્રાણરૂપે સવિતા કહ્યું. સવિતા નારી શબ્દ નથી. સવિતૃ પુરૂષવાચક છે. છોકરીઓનાં નામ સવિતા પાડે છે, જે ખોટું છે. સવિતા પુરૂષ છે. સાવિત્રી નારી શબ્દ છે. સવિતાની પ્રસવવાની શક્તિ એ સાવિત્રી. ખરું નામ સવિતૃ છે.
વેદોમાં કર્મકાંડનો માર્ગ અને જ્ઞાનનો માર્ગ છે. સમજીને કરવું કે વગર સમજ્યે? ગતાનુગતિ લોકો કરે છે. માટે આપણે પણ કરવુંજ જોઈએ. આ બે વચ્ચેનો ભેદ વિવેકપુરઃસર, બુદ્ધિપૂર્વક જો સમજવામાં આવે તો અનેક ઉપાધિઓમાંથી માનવી મુક્ત થઈ, પોતાના આત્માનું કલ્યાણ સાધી જન્મ-મરણના ચક્કરમાંથી મુક્ત થઈ શકે.
પ્રશ્નઃ- કર્મ કરતાં કરતાં જ્ઞાન થાય, જ્યારે કર્મની ગતિ તો ગહન છે. તો કર્મ કેવી રીતે કરવું?
જવાબઃ- નિષ્કામભાવે કર્મ કરવાની ટેવ પાડવી હોય, ચિત્તને શુદ્ધ કરવું હોય, તો ત્યાં એક જ વસ્તુ કરવાની રહે છે, કે કર્મ કરતે મનની અંદર એવો સંકલ્પ કરવો કે આ કર્મ હું કરૂં છું તેની સાથે મારે એ યાદ રાખવાનું છે કે એના ફળની ચિંતા મારે નથી કરવાની. એવો અભ્યાસ કરવો.
તે સાથે વૈરાગ્યનો ભાવ રાખવો કે શેને માટે આશા રાખીને આ જગતમાં કર્મ કરવું? ફળ મેળવીને કોણ સુખી થયું છે? હરિનું સ્મરણ, ધર્મનું પાલન એ સિવાય બીજું કોઈ જ ફળ મેળવવાનું નથી, એ જ મારૂં સાચું કર્તવ્ય છે. માટે કર્મ કરતી વખતે સતત આ ભાવ રહેવો જોઈએ, કે મારે આ માર્ગે આગળ ચાલવું છે. મારે અત્યારે કર્મના ફળનો ત્યાગ કરવો છે, કર્મના ફળનો વિચાર કર્યા વગર કેવળ મારૂં કર્તવ્ય સમજીને કરવું છે. ફળ તો જે આવે તે, ઈશ્વરની ઈચ્છા અને પ્રારબ્ધપ્રમાણે થશે, પણ મારે નવું કર્મ બંધન કરવું નથી. તેથી મારે ફળની ઈચ્છા રાખવી નથી, એવો જેને સતત ભાવ રહે તેને કર્મ કરતાં કરતાં કર્મયોગ પ્રાપ્ત થાય.
કરમયોગ પ્રાપ્ત થતાં એને પછી આગળ વિચાર આવે કે કર્મ કરનાર હું કોણ? હવે તો હું સમજી ગયો કે આ તો ઈન્દ્રિયો, ઈન્દ્રિયોની અંદર વર્તે છે, અને એને ધક્કો મારનાર તો પ્રારબ્ધ છે, કારણકે કર્મનાં ફળ તો પ્રારબ્ધ પ્રમાણે જ આવવાનાં છે, માટે કર્મનો કર્તા કે કારવતા હું કોઈ નથી. આ તો દેહ આપ્યો છે. એ એનું કામ પૂરૂં કરીને એક દિવસ પડવાનો છે. એવો ભાવ જેને થયો તેને જ યોગ પ્રાપ્ત થાય છે. એને જ કર્મનો મર્મ કહે છે, એટલે કે મનની અંદર સાથેસાથે પોતાનો જે નિશ્ચય, એ કદી પણ શિથિલ ન થવો જોઈએ.
પ્રશ્નઃ- કોઈ પણ કર્મ કરતાં જો એની સાથે મન જોડ્યું હોય તો તે કર્મ સારૂં થાય કે નબળું થાય?
જબાબઃ- મનના અર્થમાં આપણે ગૂંચવાઈએ છીએ. મન એટલે જે સંકલ્પ-વિકલ્પ કરે એ – જેમ કે મારે ફલાણું કામ કરવું છે અથવા નથી કરવું. એનો પહેલાં વિચાર કરે, મન એનો વિચાર કરે. પછી બુદ્ધિ એનો નિર્ણય કરે કે કરવું કે નહિ કરવું, એટલે મનનું કામ ત્યાં પૂરૂં થાય છે. મનનો અર્થ અહીં ચિત્ત, અહંકાર અને બૂદ્ધિ પણ થાય. અહીં આ પ્રશ્નમાં મનનો અર્થ એવો થાય કે કોઈ કામ ઉપર ‘જાણે કે મારાં સુખ કે દુઃખનો આધાર હોય, એવી રીતે ચિંતાપૂર્વક એ કાર્ય પાછળ લાગવું’, આવી રીતે કોઈ પણ કામ પરત્વે મન ન જોડવું. અંગ્રેજીમાં કહે છે કે કોઈ પણ એવા કામ પાછળ, To be interested but not concerned, એ કામ સારામાં સારી રીતે થાય, એમાં મને રસ ખરો પણ એનું પરિણામ શું આવશે, એની મને ચિંતા નહિ.
એટલે કામ પાછળ મન જોડવું એટલે બુદ્ધિ જોડવી, પોતાની આવડત જોડવી. એટલે કામ કરતી વેળાએ એવા વિચારો ન હોવા જોઈએ કે આ તો મારાં સુખદુઃખનો પ્રશ્ન છે. બલકે ઈશ્વરાર્પણ બુદ્ધિથી કરવાનાં છે અથવા તો પોતાના આત્માની ઉત્ક્રાંતિ, વિકાસ માટે કરવાનું છે. એથી વધારે બીજો હેતુ નથી. એટલે કામ સારામાં સારી રીતે બને એ રીતે મન જોડવાનું – પણ આ કામમાં મારૂં સુખદુઃખ સમાયેલું છે અથવા તો આ કામમાંથી મને અમુક મળવું જ જોઈએ એવો આગ્રહ, એ પ્રકારનું મન એટલે કામના. એ કામના નહિ જોડવાની. કોઈ પણ કામ સાથે જીવડો જોડવો નહિ; તે કામ માટે રસ લેવો પણ ચિંતા કરવી નહિ, એના પરિણામનો વિચાર કે ચિંતા કરવી નહિ.
” કર્મણો હ્યપિ બોદ્ધવ્યં બોદ્ધવ્યં ચ વિકર્મણઃ ।
અકર્મણશ્ચ બોદ્ધવ્યં ગહના કર્મણો ગતિઃ”
(ગીતા અધ્યાય ૪-૧૭)
”કરવું” શું, ”ન કરવું” શું? ”કરવું જે ખોટું” તેય શું?
સ્વરૂપો જાણવાં તેનાં; કર્મની ગૂઢ છે ગતિ.”
કર્મનું તત્વ જાણવું જોઈએ; અકર્મનું તત્વ જાણવું જોઈએ; અને વિકર્મનું તત્વ પણ જાણવું જોઈએ, કેમકે કર્મની ગતિ ગહન છે.
કર્મ શું એ જાણવું, આપણે જે કામ કરીએ છીએ એ શું કામ કરૂં છું; કેવી રીતે કરૂં છું; કેવી રીતે કરવું જોઈએ, એનાં ફળ સંબંધમાં શું વિચાર કરવો જોઈએ, ફળ ઉપર મારો અધિકાર ખરો કે નહિ, કર્મનું ફળ મને મળવું જ જોઈએ એવો મારે આગ્રહ રાખવો કે નહિ, કર્મ કરવા પહેલાં આ બધા વિચારો જો કરવામાં આવે તો એમાં ગોથું ખાવાનો પ્રશ્ન રહેશે નહિ.
હવે કર્મ જો ઈચ્છાપૂર્વક કરે તો કર્મ થાય; ફળની આશા રાખીને કર્મ કરે તો એનું બંધન રહે. કેટલીક વાર એવું બને છે કે કર્મ કરતાં પહેલાં જો પૂરતો વિચાર ન કર્યો હોય તો ભૂલમાં ખરાબ અને અહિતકર કર્મને પણ ”સારૂં છે” એમ સમજીને કરે છે – જેમકે ભૂત-પ્રેત, મેલી વિદ્યાઓનો ઉપયોગ કરવો. એ બધાં ખરાબ કર્મ છે એ નથી જાણતા. સ્વાર્થના માર્યા કે કંઈ વાંધો નહિ, ભગવાન બધું જાણે છે, પણ આપણે તો આમ કરવું જ જોઈએ. એમ વિવેક વિના કર્મ કરે છે. એવાં કર્મો કરતી વખતે વિચારવું જોઈએ કે હું ‘ભગવાનને આધારે આ કર્મો કરૂં છું, ભગવાન કરે છે એ બરોબર છે, અને એનું ધાર્યું થાય છે. એનું હું ભક્તિ ભજન કરૂં છું, અને એના પ્રમાણે ચાલવું એ મારી ફરજ છે’. છતાં અમુક પોતાનો સ્વાર્થ આવે, અમુક આપત્તિમાંથી ઊગરવું હોય, તો ભગવાનની મરજીએ મરજીએ હું ચાલવા તૈયાર નથી. ભગવાન કરતાં વધારે બળવાન એવી મેલી વિદ્યા વડે ભગવાનની સામે હોડ બાંધવી એ જ એનો અર્થ થયો.
પ્રારબ્ધની વિરૂદ્ધ આવાં કર્મો જ્યારે થાય છે ત્યારે પ્રારબ્ધ એનો એવો બદલો લે છે કે જેની કલ્પના પણ થઈ શકે નહિ. પ્રારબ્ધ એટલે કે ઈશ્વરની ગતિની વિરૂદ્ધ કોઈ જશે તો કદાચ ઊગરી જવા જેવું લાગશે, પણ પ્રારબ્ધ બીજી જગ્યાએ એવું દુઃખ ગોઠવી દેશે, કે તેં જે લાભ લીધો, એયે નાશ પામશે, તારો જે સીધો રસ્તો હતો એયે જશે, અને તેની ઉપર પાછી નધારાની સજા. માટે કોઈ પણ કર્મ કરતાં પહેલાં વિચારવું જોઈએ કે સારૂં કર્મ કયું, ખોટું કર્મ કયું અને વિકર્મ કયું? સત્કર્મો કરશે તો એને ભોગવવા માટે પણ જનમ લેવો પડશે, ખરાબ કર્મ કરશે તો એને ભોગવવા માટે પણ જનમ લેવો પડશે, એક સોનાની બેડી અને બીજી લોખંડની બેડી. જનમ લીધા પછી તમે બીજે કેટલા દૂર દોરવાઈ જશો એ કોણે જાણ્યું?
માટે હે ભગવાન! મારે તો ‘સત્કર્મ ન જોઈએ, દુષ્ટ કર્મ ન જોઈએ;’ માત્ર કર્મનાં બંધન કાપતા જવું છે, અને છેવટે પૂર્ણમાં, કે મોક્ષમાં મારે જવું છે. મારે તો પ્રભુના માર્ગે સીધા ચાલ્યા જવું છે. સુખ અને દુઃખ અ બધાં દ્વંદ્વો છે. એ કશા જોડે મારે નિસ્બત નથી.
આ કર્મયોગને બુદ્ધિયોગ પણ કહ્યો છે, જેને પ્રાપ્ત કર્યા પછી બીજું કશું પ્રાપ્ત કરવાનું રહેતું નથી. હે અર્જુન, તું જો થોડી બુદ્ધિ વાપરીશ તો મોટી મોટી આફતોમાંથી ઊગરી જઈશ. માટે બુદ્ધિ વાપરી તું નિર્ભય થઈ જા. વિકર્મનો આવો અર્થ થાય છે.
૪૭. ઈશ ઉપનિષદ મંત્ર – ૧
”ઈશા વાસ્યમિદં સર્વં યત્કિંચ જગત્યાં જગત્ ।
તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃધઃ કસ્ય સ્વિદ્ ધનમ્ ।।”
આ વેદમંત્ર ઈશ ઉપનિષદનો પહેલો મંત્ર છે. આ મંત્ર બહુ જ મહત્વનો છે. આપણાં બધાં શાસ્ત્રો, વેદ ઉપનિષદ બધાંનો નાશ થઈ જાય ત્યારે આ એ ક જ મંત્ર આપણી પાસે બચ્યો હશે, તો બીજું બધું જ આમાંથી નિરાંતે ઊભું થઈ શકશે. એટલો બધો મહત્વનો આ બીજમંત્ર છે. આપણી આખી ભારતીય સંસ્કૃતિ કહો કે ધર્મ કહો, એનો આ મંત્ર છે.
એમાં કહે છે કે ‘ઈશા વાસ્યમ્ ઈદં સર્વમ્ યત્ કિંચ્ચ જગત્યામ્ જગત’ ઈશ એટલે ઈશ્વર, વાસ્ય એટલે એના વડે વસાયેલું, એના વડે ઢંકાયેલું, એના વડે છવાયેલું. એના વડે ઓતપ્રોત થયેલું શું? ‘ઈદમ્ સર્વં’ એટલે જેના તરફ આંગળી ચીંધીને, એમ કહી શકાય કે આ, આ, આ, એવું બધું આ સમગ્ર દ્રશ્યમાન વિશ્વના બધા ગ્રહો, તારા, સૂર્ય, નક્ષત્ર, પૃથ્વી, પૃથ્વીના પદાર્થો, બધુંયે એમાં આવી ગયું. એટલે કે આ સમસ્ત સંસાર છે તે. ‘યત્ કિંચ’ યત્ એટલે જે; કિંચ એટલે જે કંઈ; ‘જગત્યાં જગત’; જગત કેવું છે? ગતિમાન છે. એટલે આ ગતિમાન જગતની અંદર બધી જ વસ્તુઓ અને બધા જ પદાર્થો ઈશ વડે ઓતપ્રોત છે. જગતની વ્યાખ્યા પણ સમજી લેવી જોઈએ; જગત નિત્ય ગતિમાન છે, જે એક સ્કન્ડને માટે પણ સ્થિર નથી. એ જગતની અંદરના બધા જ પદાર્થો ઈશ્વર વડે ઓતપ્રોત છે. એ કેવી રીતે ઓતપ્રોત છે? ધારો કે તમે કોઈ કંદોઈની દુકાને ગયા, ત્યાં જુદી જુદી મીઠાઈઓના થાળ છે; એ બધાને આપણે મીઠાઈ કહીએ છીએ. બધી જુદી જુદી મીઠાઈઓની અંદર એક વસ્તુ સામાન્ય રીતે કઈ છે? એ મીઠાઈઓ શેના વડે ઓતપ્રોત છે? ગળપણ વડે. એ બધી મીઠાઈઓમાં ગળપણ ઓતપ્રોત છે. તમે ખાંડની સાથે આટો ભેળવો, તો તેને ચૂરમું કહેશો, ચણાનો આટો ભેળવો ત્યારે મગજ કહેશો. માવો ભેળવો તો બરફી-પેંડો કહેશો. એ બધી મીઠાઈઓમાંથી ફક્ત ગળપણ લઈ લો તો શું રહેશે? કાંઈ જ નહિ એને પછી તમે ગમે તે કહો, પણ મીઠાઈ તો નહિ જ. જાતજાતના આટા અને ઘી, પણ મીઠાઈ તો નહિ જ.
એવી રીતે આ જગતની અંદર બધા પદાર્થો અલગ અલગ લાગે છે. આને ખુરસી કહેશો, આને ટેબલ કહેશો આને ટી.વી. કહેશો, આને માણસ કહેશો કે આ એનો છોકરો કહેશો વગેરે બધું જ કહેશો. એ બધા શેને આધારે વિદ્યમાન છે? બધા કેવળ ઈશ્વર વડે જ ઓતપ્રોત છે, ચેતન વડે ઓતપ્રોત છે. ચેતન કેવી રીતે? આપણે કહીએ કે આ ખુરસી જડ છે અને હું ચેતન છું. જીવતાં પ્રાણી એ ચેતન કહેવાય અને જીવતાં નથી એ જડ કહેવાય. પણ એ વ્યાખ્યા સાચી નથી. એ વ્યાખ્યા તો કામચલાઉ છે. આપણા વ્યવહાર પૂરતી. આપમે એમ માનીએ છીએ કે પથરો, ઝાડ, કે ઠુંઠું, કોઈ પણ વસ્તુ ચેતન વગરની નથી. એની વ્યાખ્યા જરા મોટી થાય છે, પણ આ તો ઉપનિષદનું વાક્ય છે, એટલે ગહન છે. ગહન સમજીને છોડી દઈએ, તો પછી આપણી મનુષ્યની બુદ્ધિ લાજે, એટલે આપણે એને સમજવું જોઈએ.
ચેતન એટલે જ્ઞાન, જાણવું તે, જેના ઉપરથી ચિત્ત શબ્દ થયો છે, જેના વડે આપણે બધું જાણી શકીએ છીએ. હવે એ ચિત્ત બે રીતે કામ કરે છે. સત્ ચિત્ અને આનંદ એ ભગવાનનું નામ છે. સત્ એટલે હોવું, ચિત્ એટલે જાણવું અને આનંદ એટલે એનો ઉપયોગ હોવો. એ ત્રણ ચીજો દરેક વસ્તુમાં છે. એ જેમાં ન હોય, એ વસ્તુની હયાતી ન હોય. સત્ એટલે જ હોવું, અને હોય તો જ આપણે જાણીએ. ન હોય તેને કેવી રીતે જાણી શકીએ? એટલે જાણવું અને હોવું એક જ વસ્તુ છે. જો એ વસ્તુ આપણને ઉપયોગી ન હોય તો આપણે તેને હોવાની કે જાણવાની પરવા ન કરીએ. એ ત્રણની સાથે નામ અને રૂપ ઉમેરીએ તો પાંચ વસ્તુઓ દરેક પદાર્થમાં છે.
હવે નામ અને રૂપ એ બે બદલાતી વસ્તુ છે. રૂપ એટલે આકાર, આપણે આને ખુરસી કહીએ છીએ, બીજા કોઈ ચેર કહે, ત્રીજો ચોકી કહે. એટલે નામ તો બદલાયા કરે છે. રૂપ એટલે એનો આકાર છે. થોડા દિવસ પછી એના આકારમાં ફેર પડવાનો, અને થોડા વખત પછી એનો નાશ થશે. એટલે દરેક વસ્તુ જેને નામ અને આકાર છે, એ બધી બદલાતી નાશવંત છે. એની અંદર જે બીજી ત્રણ વસ્તુઓ છે, સત્-ચિત્-આનંદ; અસ્તિ, ભાતિ, પ્રિય. અસ્તિ એટલે છે, ભાતિ એટલે દેખાય છે, અને પ્રિય એટલે ઉપયોગી છે; એ ત્રણ વસ્તુઓ દરેકની અંદર ઓતપ્રોત છે. નામ અને રૂપમાં ફેરફારો થયા કરે; પણ હોવું, જણાવું અને ઉપયોગ હોવો એ દરેકની અંદર ઓતપ્રોત છે. કેટલીક વસ્તુઓ આપણે ન જાણતા હોઈએ, પણ કોઈકને ઉપયોગી છે.
એક દાખલો લઈએ. આપણે મિષ્ટાન્નનો ઉપયોગ જાણીએ છીએ. એ મિષ્ટાન્ન છે. એ મિષ્ટાન્ન આપણે જાણ્યું, અને એ આપણને ભાવે છે. કોને ન ભાવે? સૌને ભાવે છે. હવે બીજી વસ્તુ લઈએ કે વિષ્ટા, તો વિષ્ટા છે ખરી, એને જાણી તો ખરી, પણ એ ઉપયોગી નથી. પણ એવું નથી. આપણને, આપણી રીતે એ ઉપયોગી નથી લાગતી, પણ એ જ વસ્તુ ખેતરમાં ખાતર તરીકે જાય, એમાંથી અનાજ ઊપજે, એ આપણે ખાઈએ, એની પાછી વિષ્ટા થાય. એ રીતે એનો ઉપયોગ તો છે જ. ખાતર વગર અનાજ ન થાય. આપણને એ વિષ્ટા ગમતી ન હોય, પણ એની અંદર જે કીડો થાય છે, એને તો ગમે જ છે. એટલે ત્રણ વસ્તુ – હોવું, જણાવું અને ઉપયોગી હોવું એ જગતના દરેક પદાર્થમાં સમાન છે. નામ અને રૂપ, એ સમાન નથી રહેતાં, એ બદલાયા કરે છે, એનો ભરોસો ન થાય. એટલે આ ત્રણ પદાર્થો બધાની અંદર ઓતપ્રોત છે. કોઈ પણ ચીજમાંથી આ ત્રણ પદાર્થો જો કાઢી લો તો એની હયાતી નથી. હોવાપણું, જણાવું અને ઉપયોગીપણું એ નિત્ય છે. એને જ ભગવાન કે પરમાત્મા કહેવાય. સત્ ચિત્ આનંદનો આ સાદો સીધો અર્થ છે.
હવે એ દરેક વસ્તુમાં છે. માટે દરેક વસ્તુમાં ભગવાન છે. એ ત્રણ ચીજો કાઢી લો તો એ વસ્તુ નથી. એટલે એ ત્રણ વસ્તુ એ જ ઈશ્વર, એના વડે દરેક વસ્તુ છવાયેલી ઓતપ્રોત છે. બધી મીઠાઈઓ ગળપણ વડે છવાયેલી છે; એમાંથી ગળપણ કાઢી લો તો કોઈ મીઠાઈ નથી. તેમ જગતનો કોઈ પણ દ્રશ્ય પદાર્થ – એમાંથી હોવાપણું, એનું જણાવાપણું અને ગમવાપણું – એ ત્રણ ચીજ કાઢી લો તો કંઈ જ નથી. તેથી કહે છે કે આ સમગ્ર જગતના બધા પદાર્થો, ઈશ્વર વડે છવાયેલા છે. જે વસ્તુ જેના વડે છવાયેલી હોય, એ વસ્તુ એની કહેવાય. કોઈ પણ મીઠાઈને લો, તે ગળપણથી છવાયેલી છે એટલે એ વસ્તુને આપણે ગળી કહીએ. કારણકે એ ગળપણની વસ્તુ છે. એ વાત તો ચોક્કસ. જેમાં ખારા-ખાટાપણું હોય, જેમાં મીઠું-મરચું હોય, એ વસ્તુનો માલિક મીઠું-મરચું ગળી, ચીજોનો માલિક ગળપણ.
એવી રીતે આ જગતના બધા પદાર્થો, ઈશ્વરથી, અસ્તિ, ભાતિ, પ્રિય વડે છવાયેલા છે. ‘તેન ત્યક્તેન ભુંજિથાઃ’, એ વસ્તુ તમને ઈશ્વરે આપેલી હોય, તો એને ત્યાગભાવથી ભોગવો, એટલે કે, આ ચીજ મારી નથી, આ તો ઈશ્વરની છે. એ વસ્તુ મારી છે, એમ કરીને જો હું ભોગવું તો હું ઈશ્વરનો ચોર થાઉં, કેમકે દેખીતી રીતે વસ્તુ તો ઈશ્વરની છે. હું જો મારી કહું, તો પારકી મિલકત પચાવી પાડવા જેવું થયું ને? એ તો ચોરી કહેવાય. ગીતામાં પણ કહ્યું છે ”યજ્ઞશિષ્ટામૃતભુજો યાન્તિ બ્રહ્મ સનાતનમ્” (અધ્યાય ૪-૩૧). જે કંઈ જગતના પદાર્થો આવે, એ પહેલાં ઈશ્વરને સમર્પણ કરીને જેનો જેનો હક હોય એને પહેલાં આપીને, શેષ રહે તે જે ખાય, એ અમૃત ખાય છે. આ તો મારૂં છે એમ કરીને જે ખાય, એ અતિ મૂઢ છે, એ પાપી છે, અને પાપ જ ખાય છે. આ તો પ્રભુની આપેલી ચીજ છે. એ લઈને આપણે નથી જન્મ્યા. એ મુઠ્ઠીમાં લઈને નહોતા આવ્યા. પ્રારબ્ધ પ્રમાણે પ્રભુએ આપેલી છે. પ્રભુની ચીજ સમજીને ખાવા માટે તો ખાઉં છું, પણ મારી નથી. એટલે મારી મિલકત, મારી ચીજ, મારી વસ્તુ, મારૂં સગું-વહાલું, એમ કરીને જે વસ્તુનો ભોગ ભોગવે, એ દુઃખી થવાનો; કેમકે, એ વસ્તુ નહિ હોય, અથવા તો જતી રહી, ત્યારે લાગશે કે હાય, હાય મારી ચીજ ગઈ. પણ જો કોઈ કહેશે કે કોના બાપની? મારી તો છે જ નહિ, ભગવાનની છે, ભગવાને આપી તે ભોગવી, અને ભગવાને લઈ લીધી, તો એની હતી તે લઈ લીધી. એમાં મારે કશું કહેવાપણું હોય જ શેનું?
એટલે એ વસ્તુઓને ત્યાગભાવથી ભોગવો ખરા. ત્યાગભાવથી ભોગવો તો તે ભોગવી જાણ્યું, એમાંથી જ સુખ મળશે, કોઈ દિવસ દુઃખ નહિ હશે.
જે ચીજ મારી હોય, એ કોઈ દિવસ જાય નહિ, અને જે જાય તે મારી નહિ. એ તો આપણે વ્યવહારમાં સમજીએ છીએ. તેથી કહે છે કે આ બધું જ ઈશ્વરથી ઓતપ્રોત, ઈશ્વરની માલિકીનું છે, મારૂં નથી એમ સમજીને જગતમાં જે કંઈ પ્રાપ્ત થાય, એ સુખેથી ભોગવો કેમકે ભગવાનની આપેલી ચીજ છે એનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ.
‘તેન ત્યક્તેન ભુંજિથા’ – એને. મારૂં નથી, મારાપણું છોડી દઈને, એનો તું ઉપયોગ કર ‘મા ગૃધઃ’ નો લોભ ન કરીશ કે આ તો સારી ચીજ છે, એ તો મારી છે, મારે જોઈએ ‘ગૃધઃ’ એટલે ગીધની જેમ એના ઉપર લાલસાથી તૂટી પડવું; ‘કસ્યસ્વિદ ધનમ્’ સ્વિદ્ એટલે ખરેખર, આ ધન સંપત્તિ જ કંઈ છે, એ કોની છે? તારી તો નથી જ, કેમકે એ જો તારી હોય તો, તું જ્યારે મરી જાય, ત્યારે એ તારી જોડે આવવી જોઈએ ને? તું આવ્યો ત્યારે તારી જોડે જો લઈને આવ્યો હોય તો તે તારૂં કહેવાય. તું તો ”બંધ મૂઠી આયા હૈ, પસાર હાથ જાયેગા.” માટે આમાંની કોઈ પણ ચીજનો લોભ ન કરીશ કે એ મારી થાય. ધનમ્ કસ્યસ્વિદ્-હે મનુષ્ય, તું ખરેખર જરા વિચાર તો કર કે આ ધન સંપત્તિ કોની છે? એ મારી નથી.
આ પ્રમાણે સમજીને માણસે જીવવું જોઈએ એ આ મંત્રનો અર્થ છે. આ મંત્રને જે સમજીને જ નિત્ય પોતાની દ્રષ્ટિ સમક્ષ રાખે, તો એને દુઃખી થવાનો પ્રસંગ નહિ આવે, એ હંમેશાં પ્રસન્ન જ રહે. ગીતામાં આ મંત્રના અર્થને અનાસક્તિયોગ કહ્યો છે. કોઈ પણ વસ્તુ મારી છે, એવી કોઈ દિવસ આસક્તિ નહિ રાખવી આ મંત્રનું બીજ છે. ત્યાગના ભાવથી રહેશો તો દુનિયામાં સુખી થશો, ભોગના ભાવથી રહેશો તો દુઃખી થશો, શાસ્ત્રો એમ કહે છે. એનો સાર પણ આ જ છે. આ મંત્ર હંમેશાં ધ્યાનમાં રાખવો જોઈએ. આ મંત્રને જો નિત્ય લક્ષ્યમાં રાખે તો જિંદગી જીતી જાય.
૪૮. અદ્વૈતાનંદ
વિદ્યમાનતા એટલે હયાતી.
અનિર્વચનીયઃ- ઘડો કેવી રીતે અનિર્વચનીય છે? ઘડો અત્યારે છે એટલે કહેવું પડે છે, કે ઘડો છે. પહેલાં નહોતો ત્યારે કહેવું પડે છે કે નથી. થોડો વખત પછી ઘડો ફૂટી જશે ત્યારે કહેવું પડશે કે ઘડો નથી, એટલે ઘડો છે એમ કહેવાય જ નહિ. પણ બે વિરોધી એક સાથે તો હોઈ શકે જ નહિ. છે અને નથી સાથે કેમ હોય?
જગતના બધા જ પદાર્થો અનિર્વચનીય છે, એનું નિર્વચન-નક્કીપણું ‘છે એમ’ કહી શકાય જ નહિ. તમે પાછા ફરીને જુઓ તો ન પણ હોય, એવું જગતમાં બધું છે. એવી જ રીતે માયા અનિર્વચનીય છે. પ્રકૃતિ અને પરમાત્મા નથી એમ કહી શકો નહિ, કેમકે એને લીધે જીવો છે, સચ્ચિદાનંદ છે, છતા છે પણ કહી શકાય નહિ, કેમકે દેખાતો નથી. એને આંગળી બતાવી શકાતી નથી, ત્યારે છે યે ખરો અને નથી યે ખરો. એવી રીતે એ પણ અનિર્વચનીય છે, ત્યારે સાચો કોણ? ”સાચો હું”. કે જે બધી જ સ્થિતિઓને જાણું છું – પરમાત્માની અનિર્વચનીયતાની મને ખબર છે, સંસારની અનિર્વચનીયતાની – આ બધું મિથ્યા છે તેની પણ મને ખબર છે. હું એ જ એ પરબ્રહ્મ, ચુપચાપ પોતાનું સાક્ષીપણું જાણવું કે હું સચ્ચિદાનંદ છું – એ જે છે એનો ઈનકાર કોઈ ન કરી શકે – માણસ પોતાની જાણવાની શક્તિનો ઈનકાર પોતે કેવી રીતે કરે? આ એક નિરપેક્ષ સત્ય તરી આવે છે. એ નિરપેક્ષ એટલે બીજા બધાં સાપેક્ષ. આ ટેબલ કહ્યું – કોની અપેક્ષાએ? આ ઘર, ખાટલો, દીવો વગેરે છે તેની અપેક્ષાએ ટેબલ કહ્યું – એ ટેબલ એકલું જ હોય તો એનું નામ ટેબલ પાડવાની શી જરૂર? ટેબલ નામ જ જોઈએ નહિ, કેમ કે બીજું છે જ નહિ. એટલા માટે જ તમારા ધર્મને કોઈ નામ નથી.
આપણા ધર્મનું નામ નથી – તો કયું નામ છે? નામ છે જ નહિ! કેમ? જ્યારે હતો ત્યારે બીજો કોઈ ધર્મ નહોતો, હતો તે એક જ. તેનું નામ શું પાડવાનું હોય? ત્યારે શું રસ્તો કાઢ્યો? સનાતન ધર્મ કહો. હિંદુ ધર્મને સમય નથી. દુનિયામાં એ એક જ ધર્મ છે કે જેને નામ જ નથી. કારણકે એ સૌથી પહેલાંનો. ત્યારે બીજો કોઈ ધર્મ નહોતો. તેવી રીતે કહે છે કે નિરપેક્ષ સત્ય તે “તું” – “તત્વમસિ” – એ નિરપેક્ષ સત્ય.
જગત એટલે ગતિ-શક્તિ- બીજું કંઈ નહિ. તમે કોઈ પણ વસ્તુ લો, એ શું છે? ગતિ-એટમ-Molecules ની માંય ચક્કર ચક્કર ફરે – એને આપણે પદાર્થ કહીએ છીએ. ગતિ બંધ પડી તો પદાર્થ નથી. એ ગતિ ચાલે છે તેથી પદાર્થ છે – એને જ માયા કહે છે, એ જ પ્રકૃતિ, ઈશ્વરની શક્તિ, જે કહો તે એ જ છે. એને જાણીને સમજી લેવું કે ગતિ સિવાય કંઈ જ નથી. એ ગતિનો સ્વામી કોણ? “હું”. મારી વાસના ખાતર, મારા પ્રારબ્ધની ખાતર, આ બધી દોડાદોડ – પરમાણુઓ અને અણુઓની ચાલે છે. જ્યાં એમાંથી મારો હિતસંબંધ ગયો, ત્યાં એમાં કંઈ નથી. જ્યાં ગતિ છે ત્યાં કષ્ટ છે. ગતિમાં કષ્ટ હોય જ ને? નિરાંતે બેઠા હોય અને દોડાદોડ કરતા કરતા હોય; બેઠેલાને કષ્ટ નથી – દોડદોડ કરે તેને કષ્ટ છે. “શાંતિ એટલે ગતિનો વિરામ”. મનની ગતિને શું કહીએ છીએ? વૃત્તિઓ. મનની દોડાદોડ એ પણ વૃત્તિઓ છે, વૃત્તિઓ નથી તો મન છે જ નહિ. વૃત્તિઓ એટલે જ મન. વૃત્તિઓની દોડાદોડ એ જ મન; એ દોડાદોડ બંધ થઈ તો મન નથી. મન નથી તો કંઈ નથી. ત્યારે શું છે? “મોક્ષ”.
આ બધું દેખાય છે એ ત્રિવૃત્તિકરણ – ત્રણ કલ્પનાનો ગોળો, એનાં મિશ્રણ દેખાય છે – એને એ બધાંયે શું છે? કેવળ સચ્ચિદાનન્દ, એમાં થતા આભાસ છે. એમ આ બધા પદાર્થોમાં માટી સાચી. “તત્વમસિ” એ માટી તે “તું” છે. જગત કે સંસારમાં જે ચૈતન્ય દેખાય છે તે ‘તું’ છે. જગત તું નથી. આ બધા વિકાર છે, એમાં કસ કંઈ નથી, વ્યવહારમાં બોલવા માટે છે. માટે માટી સાચી છે, બાકી બધા એના આકારો મિથ્યા છે.
મૂળ માટી હશે તો બધુંય હશે; બધું ન હોય તોપણ એ તો હશે જ. જ્યાં નજર પડે ત્યાં પહેલું એની પાછળ સત્ તત્વ જ દેખાય. પછી એ વસ્તુ દેખાય. એવી આપણે ટેવ પાડીએ તો ઘડ બેસી જાય. ફૂલમાં ૐ પહેલો દેખાય. પછી એની પાછળ ઓમ્ દેખાય, કે એ ઓમ્ સાચો છે, ફૂલ તો કાલે કરમાઈને ઊડી જશે, પણ એનું સત્-ચિત્તપણું એ તો રહે છે જ. એની જગ્યાએ બીજા ગુલાબ છે, એમાં પણ એ જ સત્-ચિત્તપણું. જેમ રાણાને બધે જ મીરાં દેખાતી હતી. એમ આપણને બધે ૐ દેખાવો જોઈએ, જ્યાં નજર પડે ત્યાં ૐ દેખાય – એ કસરત કરવાથી એની મેળે જ ચિત્તની બધી વૃત્તિઓ શાંત થઈ જાય, કે આ તો એક જ છે. આમાં શેનો લોભ કરીએ – અને શેનો ન કરીએ, એ તો હું જ છું – અને આ બધું હું જ છું. એવી રીતે ચિત્તની વૃત્તિઓને થાળે પાડવામાં આવે તો ચિત્તની શાંતિ કામની.
માટીના હજારો પદાર્થો પાછળ થઈ ગયા અને હવે પછી થતા રહેશે, પદાર્થો નાશ પામતાં નામશેષ રહી જશે, પણ માટીનું સ્વરૂપ તો એ જ રહેશે – એની હયાતીનો નાશ કદી પણ નથી. માટીને જાણી તો માટીના બધા પદાર્થોને જાણ્યા. એમ પોતાની જાતને જાણી તો સ્વરૂપને જાણ્યું, તો જગતનાં બધાં સ્વરૂપને જાણ્યાં. બધાયે એ એક જ બ્રહ્મના વિવર્ત છે. સતરૂપી હું છું તો બધું જ સતરૂપી છે. ત્યારે સમજણ પડી જાય કે આમાં કંઈ નથી. પછી એ દેખાયા કરે તો શું? આપણે એમાં લલચાવાનું-લોભાવાનું શું?
પ્રારબ્ધ પ્રમાણે ભલે બધું રહ્યું; પણ મેં મારૂં મન ઉઠાવી લીધું. પછી-રાજી-નારાજી-માન-અપમાન-નો પ્રસંગ જ ન આવે. મન ઉઠાવી લીધું પછી આપણને એનું મહત્વ નહિ રહે. મારી કોઈ માફી માંગે, બીજાને ધમકાવું એ બધું શા કારણથી છે? એમાં મન છે તેથી. એને અંગે સુખ-દુઃખ થાય છે. જેણે મન ઉઠાડી લીધું એને કંઈ પંચાત નથી. એ તો એમ જ હોય – ચલાચલીનો ખેલ છે. વ્યવહારથી એનો નિકાલ કરે પણ કલેશ-કંકાસ નામેય ન હોય. બધામાંથી મન ઉઠાવી લેવાનું. વ્યવહાર કરો પણ મન ઉઠાવી લેવાનું. નહિ તો ત્યાં સુધી સુખી નહિ જ થાઓ.
માણસે આ દુનિયામાં સમજી લેવું જોઈએ કે, માન-અપમાન-સારૂં-ખોટું-એ બધાં મનના ખેલ છે. માયામાં ઊભા એટલે એ બધું દેખાય. પણ આપણે સમજી ગયેલ કે ભલે ને દેખાય? મારૂં અભિમાન આવે તો મને ઊંધું જ દેખાય. મને ખબર હોય કે આ તો મારૂં અભિમાન કામ કરે છે તો આપણે એ અવળી સ્થિતિ તરફ ધ્યાન ન આપીએ અને સવળું જ દેખીએ. સાચા માણસનો સવળો જ અર્થ કરીએ પછી ધીરે ધીરે એવી ટેવ પડી જાય.
અહંકારરૂપી ઉપાધિ છે ત્યાં સુધી અવળું દેખાવાનું જ, સત્ય નહિ દેખાય. જ્યાં એ અહંકાર છૂટ્યો ત્યાં એને અવળું દેખાય તોયે આપણે જાણીએ કે ના, ના કંઈ નથી, સવળું જ છે, એ મારા અહંકારને લીધે અવળું લાગ્યું હતું. આ બધું વાસના અને પ્રારબ્ધ પ્રમાણે, પાછલી લેણા-દેણી પ્રમાણે જ દેખાય છે. ભલે ને દેખાય, પણ મને સત્ય સમજાઈ ગયું – કે મારૂં અપમાન કોઈ કરતું નથી. ત્યારે એમાં થયું શું – લેણાદેણીઓ પૂરી થાય છે – એમાં આ કચ-કચ શી? સારાં માઠાં લાગવાં શાં? એમ જેને ધડ બેસી ગઈ, એ સમજે છે કે આમાં કંઈ નથી – એનો જે ઈલાજ થતો હોય તે પ્રેમથી કરાય.
કરવું બહું અઘરૂં છે, પણ જો સુખી થવું છે, બીજાને સુખી કરવા છે તો આ કરવું પડે જ, નહિ તો આપણે દુઃખી થઈએ, બીજાને કલેશ કરાવીએ માટે આપણી ટેવ-જૂની હોય કે નવી હોય, આપણે બદલવી જ જોઈએ. એવું કર્તવ્ય થઈ પડે છે અને એ બની શકે છે. એથી ફેર તો ચોક્કસ પડે જ છે. યાદ આવી જાય. અપમાન શું? માઠું શું? બધું ખોટું છે. આ તો બધા માયાના ખેલ, પ્રારબ્ધના ખેલ ચલ હટ! નહિ જોઈએ! શાંત થઈ જા પાછળથી તો ખબર પડવી જ જોઈએ કે આમાં મારા અહંકાર સિવાય બીજું હતું શું? એ ખોટું થયું એમ ખબર તો પડવી જ જોઈએ.
દ્રષ્ટાદ્રષ્ટ એ ભાવ ક્યારે હોય છે? જ્યારે એ વસ્તુમાં મન ઊભેલું હોય ત્યારે ને? એ દ્રષ્ટ હોય કે ન હોય, મારે તો સરખું જ છે. પણ આતો આવી વસ્તુ છે, એવું ભાન રહે ત્યાં સુધી એને અંગેનો હર્ષ-શોક રહેવાનો જ. જ્યારે એ બધાનું મિથ્યાપણું એક સરખી રીતે સમજાઈ જાય ત્યારે એ છૂટ્ટો. આ બધું જ જૂઠું, આ બધા જ ખેલ છે, તો પછી એને હર્ષ-શોક ન થાય, એનાથી એ પર થઈ જાય.
“એણે પોતાની અસલ જાત ન ભૂલવી જોઈએ. એક ઘડો પણ માટીને છોડતો નથી. આપણે-બ્રહ્મસ્વરૂપ સ્વયં-ઈશ્વર સમાન છીએ છતાં ગફલતમાં પશુ સમાન થઈ જઈએ! આપણો સાક્ષીભાવ આપણે ખોઈ નાખીએ એમ ન થવું જોઈએ – આપણે એ એક ઘડાથી અને એક પશુથી પણ ગયા?”
પરિણામવાદ – એટલે જગત શું છે, ઈશ્વરનું રચેલું – કેવી રીતે? ઈશ્વર પોતે જ જગતરૂપે થઈ ગયો, જેમ દૂધનું દહીં થઈ ગયું તેવું ઈશ્વર જગતરૂપે થઈ ગયો. પાછો બ્રહ્મ ન થઈ શકે, દહીંનું દહીં – એટલે ઈશ્વર નાશવંત થયો, કેમકે ઈશ્વર જગતરૂપે થયો. જગત નાશવંત. ઈશ્વરનો નાશ થાય એ કેમ ચાલે? અહીં કહે છે, ઈશ્વર આખો બ્રહ્મ નહિ, એનો એક ભાગ. એનો અર્થ એ થયો કે બ્રહ્મમાં ભાગલ છે. આપણે તો એકરસ કહીએ છીએ, એમાં તો ભાગ ન હોય, એનો કટકો ન પડે, તો એ ઈશ્વર ન હોય જે ખંડિત થાય. આપણે જાણીએ છીએ કે મંદિરમાં મૂર્તિ ખંડિત થાય તો તરત બદલી નાખે, એ મૂર્તિ ન રખાય, તો ઈશ્વર ખંડિત થયો કહેવાય ને? એવી રીતે એ ઈશ્વર નાશવંત થયો એટલે પરિણામવાદ ઊભો ન રહે. કેમકે આ વેદાંતવાળાઓ એને કહે કે તમારો ઈશ્વર તો આવો કબૂલ હોય તમને? ખંડિત થાય. નાશ પામે, પરિવર્તન પણ પામે, દૂધનું દહીં પણ થઈ જાય; એવું ઈશ્વરનું જગત થઈ જાય? તો અમારે એવો બ્રહ્મ, એવો ઇશ્વર નથી જોઈતો. એમ પરિમામવાદનું ખંડન થાય.
દૂધનું દહીં આપમેળે કોઈ કાળે ન થાય. દૂધ બગડી જાય, સડી જાય પણ દહીં ન થાય. ફાટી જાય – પણ એમાંથી શ્રીખંડ કે કઢી ન બને. ફાટી જાય, એ વાત ખોટી – તો એમ ઈશ્વર ફાટી જાય, અને ઈશ્વર જગતરૂપે ફના થઈ જાય, તો એ ઈશ્વર કેવો? એમ આપણી વેદાંતની દલીલ છે કે એ ઈશ્વર પરિણામ ન હોઈ શકે. પરિણામ ખરૂં પણ તમ જેમ કહો છો તેવું નહિ, દેખાવમાં ફેર – વસ્તુમાં ફેર નહિ. આ માટી ઘડો દેખાય, કોડિયું દેખાય પણ માટી તો રહી. માટીપણું ન ગયું – કોડિયું પણ જાય, ઘડાપણું જાય, માટીપણું નહિ, તો એ વિવર્ત થયું. ત્યાં બ્રહ્મ સૃષ્ટિ તરીકે બે આકારે દેખાયો પણ એમાં બ્રહ્મનું બ્રહ્મપણું એવું ને એવું રહ્યું. સૃષ્ટિપણું નાશ પામશે, તો યે બ્રહ્મપણું રહેશે જ. એને વિવર્ત કહે. એ વેદાંતનો આપણો વાદ કે બ્રહ્મમાં વિકાર, હોય જ નહિ.
જેમ પરિણામવાદ છે તેમ આરંભવાદ છે. કોઈકે આ જગતનો આરંભ કરેલો છે, કેમકે જગતમાં એવો કોઈ પણ પદાર્થ નથી કે જેને કોઈએ ઉપજાવ્યો ન હોય. તેથી સૃષ્ટિનો આરંભ થયેલો છે. આપણે જે સૃષ્ટિને નિત્ય કહીએ છીએ તે સૃષ્ટિ ત્યારે નહોતી. એ નહોતી ત્યારે જોવાવાળું કોણ હતું? આ ન હતી તો એ ક્યાંથી ઊપજી – કોણે આરંભી? આરંભમાં શું બને? કોઈ પણ વસ્તુ બનાવવી હોય, તો એમાં કારણો જોઈએ ને? કઈ જાતનાં કારણો તે બતાવે! કારણમાં સમવાયી છે એટલે તેનાથી અલગ ન થઈ શકે. અગ્નિ અને ઉષ્ણતા એ સમવાયી છે. અગ્નિ અને એની ગરમી કોઈ કાળે જુદા ન થઈ શકે. એટલે ધર્મ અને ધર્મી એ બે કદી નોખાં ન થઈ શકે. ત્યાં સમવાયી સંબંધ કહેવાય. બીજું અસમવાયી એટલે તટસ્થ લક્ષણ. સ્વરૂપ લક્ષણ એટલે સમવાયી – એ બ્રહ્મના સત્-ચિત્-આનંદ-સમવાયી લક્ષણો છે. અસમવાયી – એટલે જે કોઈ વાર હોય અને કોઈ વાર ન હોય. બ્રહ્મનાં અસમવાયી લક્ષણો ક્યાં? જગતનો કર્તા, હર્તા અને સંહર્તા, એ અસમવાયી છે. કેમકે પ્રલય થાય પછી એ તો જગતનું શાસનપણું, જગતનો કર્તા, રક્ષક અને ભક્ષક ક્યાંથી? જગત ન હોય તો એ પણ શેનો હોય? માટે એ બ્રહ્મનાં અસમવાયી લક્ષણો થયાં. એ શું છે? પૃથ્વીની ગંધ. એ ખરૂં પણ એ સમવાયી નથી – કોઈવાર વાસ વગરની માટી હોય. વરસાદ પડે, તડકો પડે, બાકી માટીની વાસ ન આવે, ત્યારે એ અસમવાય. બીજું જેને કારણે જે સાધનો વડે વસ્તુ ઉત્પન્ન થઈ, કુંભારનો ઘડો, ચાકડો, દોરી વગેરે, એ નિમિત્ત કારણ. એમ ત્રણે પ્રકારનાં કારણોથી અલગ; એવી રીતે ઉત્પન્ન થયેલ, જેમાં કોઈ સમવાય કારણ નથી – અસમવાય અને નિમિત્ત પણ નથી. એમના મત પ્રમાણે આ સમવાય, અસમવાય અને નિમિત્ત એમ ત્રણેથી કારણો ભિન્ન હોય છે. બીજો મત એવો છે કાર્ય અને કારણ એક જ હોય. બાપ તેવા બેટા અવી રીતે, કાર્ય હોય તેમાં કારણ પ્રવેશ કરે છે. એના વગર કાર્ય બનતું નથી. એમ સામસામી અભિપ્રાયો છે.
આ પ્રમાણે એક કારણમાંથી જે કાર્ય ઊપજે, તે એના કારણથી જ સમવાય ન હોય, અસમવાય ન હોય, અને નિમિત્ત પણ ન હોય – એમ સાવ જુદી જ વસ્તુ હોય. જગત કાર્ય કારણનું જ રૂપાંતર છે અને કાર્ય વગર કારણ ન હોય – એટલે સમવાયી છે.
જે રૂપે પરિણામ પામે છે, એ રૂપે કારણ પોતે પરિણામ પામે છે. એને જગત ક્યાંથી ઊપજ્યું અને કેમ ઉપજ્યું એની કાંઈ નથી પડી. જગત છે, આપણે ભોગવવું છે, બીજી લપ નથી. એ લૌકિક અભિપ્રાય, કે આપણે જુદાં, એ ફોડનારા ફોડશે. રોટલો આવ્યો છે તો ખાઈ લો, એના જેવું વ્યાવહારિક.
વ્યાવહારિક જે બને છે એને મહત્વ નથી. પણ મૂળ જે વસ્તુ છે, એને સમજાવવા માટે દાખલા આપેલા છે – એ દાખલાને આપણે માટી અને ઘડો, સોનું અને ઘરેણાં, એને જ છેલ્લી વસ્તુ માનીને ચોંટી પડવાનું નથી. એ તો સમજાવવા પૂરતાં જ, તમે એની દલીલ ન કરશો. આપણે દ્રષ્ટાંત જ્યારે આપીએ ત્યારે શું સમજવાનું? એની મર્યાદામાં એનો ઉપયોગ કરવાનો – બધે સર્વાંગે કોઈ પણ દ્રષ્ટાંત, મળશે નહિ, મુદ્દો પકડી લો કે શું કહે છે? જેમ ઘડા, કોડિયામાં માટી, ઘરેણામાં સોનું – એવી રીતે આ બધા સસાંરમાં, જે બધું રહેલું છે તે બ્રહ્મ – તે તું છે. શ્વેત કેતુને નવ વખત દાખલા આપ્યા છે. શ્વેતકેતુને “તત્વમસિ” આઠ વખત કહ્યું – છતાં કહે છે, બાપા-ફરીથી કહો. છતાં ઘડ ન બેઠી. બીજો દાખલો, અખરોટનું બીજ-વડનો ટેટો, એનું બીજ. એમ બધા દાખલા આપ્યા – પછી એ ચૂપ થઈ ગયો. છેવટે ૧૫ ઉપવાસ કરાવ્યા ત્યારે શ્વેતકેતુને લાગ્યું કે, ડોસો કોણ જાણે શું યે કરશે. તે પછી એને સમજાઈ ગયું.
બ્રહ્મમાં માયા રહેલી હોવાનું કહેવામાં આવે છે એનું કારણ? બ્રહ્મમાં માયા ક્યાંથી હોય? બ્રહ્મ તો શુદ્ધ છે, ત્યારે સમજવું શું? આપણે એવા અજ્ઞાની મૂઢ થઈ ગયા છીએ કે સમજણ નથી પડતી કે “માયાનો ખરો અર્થ પોતાની જાતને ઠગવાનીકળા.” માયાની ઘણી વ્યાખ્યાઓ થાય છે, તેમાં આ પણ એક છે, બીજાને ઠગવામાં તમે શું ઠગતા હતા? આ માયાનો ખાડો એવો છે કે એને તળિયું નથી – Bottomless છે. ઈશ્વરથી લઈને ઠેઠ સુધી. આપણામાં અને ઈશ્વરમાં ફેર એ છે કે ઈશ્વર માયાને પોતાનાથી અલગ રાખે છે અને આપમે માયાના ઓજાર બનીએ છીએ. માયા આપણને નચાવે છે.
માયા તો છે જ નહિ, અને છતાં આકાશથી શરૂ કરીને બધું એ જ છે – Completely, એના સિવાય કંઈ જ નથી. બૌદ્ધો શૂન્ય કરે છે એમની નજરમાં કલેશ, સંતાપ મોટી વસ્તુ હતી. એ કલેશ જ્યાં નથી તે આ ‘શૂન્ય’ નામ એમને ગમે છે. આપણને બ્રહ્મ નામ ગમે છે, કે જ્યાં કલેશ નથી. એ લોકો નિર્વાણ કહે છે, આપણે લોકો કહીએ કે શૂન્ય એક જ હોય; બ્રહ્મ એક જ હોય; આત્મા એક જ હોય, આપણે એને અદ્વૈત કહ્યું, એ ભલે શૂન્ય કહેતા. આપણે એને બ્રહ્મ કહીશું – સુખનામની Positive વસ્તુ છે. દુઃખનો અભાવ એ જ સુખ છે એમ નથી. એ લોકોને દુઃખનો અભાવ એ જ સુખ કે મોક્ષ હતો. દુઃખનો અભાવ અને ભાનપૂર્વકનો સુખનો અનુભવ એમ બન્ને આપમે કહીએ છીએ – એ ફેર.
૪૯. ચિત્ત શુદ્ધિ
વ્યવહારમાં નિમિત્ત-કારણ જેટલાં ઓછાં તેટલા સંસારમાં સુખી થશો. વચમાં કોઈનો પણ ટેકો લગાડો તો તેનું પરિણામ કલેશમાં આવે જ. વ્યવહારમાં આ વાત સમજીને વ્યવહાર સાચવી લેવો જોઈએ. વ્યવહારમાં ચૂપચાપ જે કરવું હોય તે કરો પણ વચમાં કોઈનું ડહાપણ ન જોઈએ.
“જેમ સ્વપ્નના જ્ઞાનથી સ્વપ્નનો દેહ ટળી જાય છે, તેમ વાસનાઓ ઘટવાથી જાગ્રતનો દેહ પણ ટળી જાય છે.” કારણ કે વાસનાઓ નિમિત્ત છે. નિમિત્ત ભાવો જેમ ઓછા થાય તેમ દેહભાવ ઓછો થાય જ. વાસનાઓને લીધે જ શરીરની આટલી બધી ખેવના હોય છે. શરીર તરફ લક્ષ્ય જેટલું ઓછું રહે, તેટલા પ્રમાણમાં મનને સુખ વધારે રહે. જેટલું ધ્યાન શરીર અને શરીરની કહેવાતી જરૂર તો ઉપર આપીએ તેટલું આધ્યાત્મિક અધઃપતન થાય જ, સ્વરૂપથી ચિત્ત ખસી જાય; અને દુનિયાના પદાર્થોમાં વધારે લપેટાઈએ, એવા દેહભાવના વિચાર કરવાની ટેવ છોડી દો.
કામ ન હોય તો માળા લઈને બેસી જાઓ, પણ મનને વિચારે ચઢવા દેશો નહિ, કોઈ કાળે ચઢવા દેશો નહિ, તો ઘણું કર્યું કહેવાશે, નહિ તો નિમિત્ત-કારણો જે પળ જેવી બાબત છે, એ થતા જ રહેશે. મારી આંખ સહજભાવે, સામે બગીચો છે, ત્યાં એક ફૂલ ઉપર પડી, ત્યાં જ એનો ખ્યાલ આવે છે – ફૂલ, બગીચો, માળી લોન. કામ ઉપર આજે નથી આવ્યો, ફૂલ ઝાડને પાણી કોણ પાસે?…. ચાલ્યું! ફૂલ ઝાડને લગતી દુનિયા ચાલી! પણ જો મનને એ ફૂલ ઉપર જવા ન દીધું હોય, માળા લઈને બેસી ગયા હોય તો કેટલી આપત્તિમાંથી બચી જઈએ છીએ, એવો વિચાર કરવો જોઈએ. “જેવી રીતે સ્વપ્નના કે સંકલ્પના દેહનો અંત થાય, ત્યારે આ સ્થૂળ દેહ ઉદય પામે છે, તેવી રીતે જાગ્રતના સ્થૂળ દેહના અહંભાવનો અંત થાય, ત્યારે મનોમય દેહ ઉદય પામે છે.”
ઉપનિષદમાં કહ્યું છે કેઃ- “આ બધી ઈન્દ્રિયોના ગોખલા, એનાં મોં, ભગવાને બહાર પડતાં કર્યાં છે, તેથી ઈન્દ્રિયો તો બહારનું જ જોશે, અંદરનું નહિ જુએ. ઈન્દ્રિયો જે જોશે, તેનો મન વિચાર કરશે, બીજો નહિ કરે. કોઈ બુદ્ધિમાન હોય તો તે આ હકીકત સમજી જાય, અથવા તેને એવી બુદ્ધિથી કંઈક જોવું છે, તો તે આ ઈન્દ્રિયોના બહારના ગોખલાને બંધ કરી દે, એટલે એની મેળે જ એનાં મોં અંદર વળે, કેમકે ઈન્દ્રિયો બહારનું જોતી નથી; આપણે પણ એવા પ્રયત્નો કરવા જોઈએ.”
જીવનમુક્તિનો અર્થ જ વાસનામુક્તિ થાય છે. જીવનમાં મુક્ત થવાનું શું છે? કે બંધાવાનું પણ શું છે? વાસનામુક્તિ એ જ જીવનમુક્તિ, વિચારોથી મુક્તિ, મનનું ભટકવું બંધ થવું. બાબરાભૂતની માફક મનને એક જ કામમાં જોડી રાખવું, નિસરણી આપી દીધી – ચડ ઉતર કર્યા કરો. તેમ આ નિસરણી મનરૂપી બાબરાભૂતને પકડાવી દીધી. મન નવરૂં પડે કે નિસરણી – ચડ ઉતર કર્યા કરો! પાર આવી જશે!
પંચદશીમાં સુંદર કહ્યું છે, કે પહેલાં મન જ હતું. મન એટલે વાસના. એને લીધે બંધન અને મોક્ષ – એવા ખ્યાલ ઉત્પન્ન થયા. હવે એ ખ્યાલને પોષવાને માટે, આ સંસારનો પ્રપંચ ઊભો થયો. આ બધું કેવળ એક વાસનામાંથી ઊભું થયું. ખરૂં જોતાં તો મૂળમાં ખાટલે પાયો જ નથી, પણ નાનપણથી સાંભળતા આવ્યા, એટલે એક બનાવટી વાત મનમાં ચોંટી ગઈ તે મોટા થયા તોયે એનું એ જ માન્યા કરીએ છીએ, કે ‘સંસાર રચાયો, માણસ રચાયો, સુખ છે, દુઃખ છે’ વગેરે.
૫૦. ઉપશમ પ્રકરણઃ
(યોગવાસિષ્ઠ મહારામાયણના આધારે)
શુક્રાચાર્યે બિલરાજાને કહ્યુઃ- “આ સઘળું જગત ચૈતન્યનું જ દ્રષ્ય છે, અને તેની સિદ્ધિ (અસ્તિત્વ, હોવાપણું) પણ ચૈતન્યને જ આધીન છે. વિષયસુખ ચૈતન્યમાં કલ્પિત છે.”
આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે વિષયસુખ કે કોઈ પણ સુખ, છેવટે એનો પાયો તો એક જ છે. આપમે એને સારૂં-ખોટું, વિષયસુખ, ફલાણું સુખ એવાં જે નામો આપીએ છીએ તેને ચૈતન્ય સાથે કંઈ જ નિસ્બત નથી. આપણને આપણી વાસના પ્રમાણે એ વિવર્ત દેખાય છે. સિનેમાના પડદા ઉપર Tragedy આવે કે Comedy પણ છે તો પડદો જ. પણે જે જોવું છે તે દેખાય છે.
આપણે જેને વિષયસુખ કહીએ છીએ, એ ‘વિષયસુખ’ શા માટે છે? કારણકે આપણને એવિષયની વાસના છે. જેને વિષયની વાસના નથી તેને વિષયસુખ છે જ નહિં. એટલે આ બધાં સાપેક્ષ નામો છે. આ ભજનનું સુખ, કીર્તનનું સુખ, સત્સંગનું સુખ, વિષયનું સુખ, એ બધું છેવટ છે તો ચૈતન્યમય જ. એટલે જ્યારે આપણે એમ કહીએ કે આ તો ખરાબ છે, ત્યારે આપમે સમજવું જોઈએ કે એ ખરાબ નથી. પણ મારી વાસના ખરાબ હતી તેથી મને એ ખરાબ દેખાયું.
ખરાબી એ દેખાવમાં હું જોઉં છું, પણ તે વસ્તુમાં ખરાબી નથી. એમાં એમ ન કહેવાય કે આવી ગંદી વસ્તુ બ્રહ્મરૂપ કેમ હોચ, ચેતનની છે જ નહિં. ગંદુ મારૂં મન છે. મારી ગંદી વાસનાનો પડછાયો મને એમાં દેખાયો. જેને વાસના નથી તેને માટે એ ગંદુ છે જ નહિ. માટે જ્યાં ખરાબ કે સારૂં હોય ત્યાં તરત જ પોતાની વાસનાને Refer કરવું, કે આ મારામાં ભર્યું હતું, તે મને દેખાયું. આ Background મનમાં બરાબર રાખવું જોઈએ.
હવે અહીંથી શુક્રાચાર્ય અને બલિરાજાનું ઉપાખ્યાન આવે છે. યોગવાસિષ્ટ મહારામાયણનું પુસ્તક એ બતાવવા માગે છે કે દેવ-દાનવ-માનવ બધા જ આ ચૈતન્ય-આત્મસ્વરૂપ છે. એવા જ્ઞાનની એકસરખી જરૂર છે. એમ નથી સમજવાનું કે માણસને જરૂર છે અને દેવોને જરૂર નથી, કે અસુરોને જરૂર નથી, એની જરૂર બધાને એકસરખી છે. દાનવપણું, માનવપણું, અસુરપણું, સુરપણું એ તો સૌ સૌના સંસ્કારની ભૂમિકા છે; પણ એ બધામાં ચૈતન્ય એકસરખું પ્રસ્તુત જ છે. દેવ-દાનવ-માનવ દરેકનું સ્વરૂપ એક જ છે.
ઈશ્વરને એ જ્ઞાન છે જ, અને આપમે માયા વગેરે જે કહીએ, એ તો એણે સ્વેચ્છાથી ઓઢી લીધી છે. જેમકે અમુક નાટકમાં મારે પાર્ટ લેવો છે, અમુક પાત્ર હું સ્વેચ્છાથી સ્વીકારૂં છું, અને પાઠ જવતે પણ મને ખબર છે કે હું કોણ છું, અને શા માટે આ પાઠ ભજવું છું. એમાં દુઃખી કોણ થાય છે? પાઠ ભજવનાર. પોતે ખરેખર રાજા છે, એવી ભ્રમણા થાય ત્યારે દુઃખ થાય. એ રીતે આપણે પણ, ‘હું સ્વયં બ્રહ્મ છું’ એજ મારૂં સ્વરૂપ છે, હું આ પાર્ટ ભજવું છું – એની જોડે મારે કંઈ સંબંધ નથી. એ રીતે આ જગતમાં જે કોઈ જીવે છે તે માનવ-દાનવ કે દેવરૂપે છે છતાં એને કાંઈ કષ્ટ નથી. એ જ સુખી છે. ‘હું તો પાઠ ભજવું છું.’ કે જે મેં ગમે તે કારણે માગી લીધો હતો. હવે પ્રેમથી ભજવું છું. સારામાં સારી રીતે ભજવી લેવો છે. માટે દરેકને એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, ‘સ્વરૂપનું ભાન’.
જ્યારે રાક્ષસ કે અસુર એમ જ સમજે કે હું અસુર જ છું, તો એ દુઃખી જ છે, માણસ એમ સમજે કે હું તો મનુષ્ય જ છું, તો એ પણ દુઃખી જ છે. આ બતાવવા માટે બધી કક્ષાનાં સત્વો આ ઉપાખ્યાનમાં ઉપયોગમાં લીધાં છે.
તમારે જો બ્રહ્મને જાણવો હોય, સ્વરૂપને જાણવું હોય તો ટૂંકામાં કહી દઉં, દ્રષ્ટા, દ્રશ્ય અને દર્શન. આ ત્રણની વચમાંનું જે છે, તેને તમે જાણી લો એ બ્રહ્મ. જાણનાર, જાણવું અને જાણવાની વસ્તુ – એમાં જાણવું જે વચમાં છે, એ બ્રહ્મ. જાણનારો ખોટો છે, તે નથી. એ જાણવાની વસ્તુ પણ નથી. પણ જાણવું એ જ બ્રહ્મ, એ જ સત્.
”જેમ એક માણસના ડાબા હાથમાં રહેલા ધનને તે જ માણસનો જમણો હાથ લઈ લે, હરી લે કે પાછું આપે, તોપણ તે માણસને કશી હાનિ થતી નથી, તેમ મારામાં કલ્પાયેલા પદાર્થોમાં પરસ્પર ગમે તેવી ગરબડ થાય તેથી મને કશી હાની નથી.”
વ્યવહારમાં આ કેમ ચાલે? પણ વ્યવહાર તો જૂઠાની દુનિયાનો છે, એ ભલે ચાલે, પણ અંદરથી તો કાંઈ થતું નથી, કોઈએ લીધું નથી, કોઈએ આપ્યું નથી; એવી આંતરિક સ્થિતિ હોય તો ગમે તેટલી આફતો આવે તો એ આફતો નથી. ફતો જીવભાવને છે, મને નથી. આમ સમજવું એ એક જ સુખનો ઉપાય છે. તેથી ગમે તે બને તોયે મારી સ્વસ્થતામાં જરાયે ખાંચો નહિ પડે.
કોઈ પ્રકારનો અનુભવ થાય, તે સારો કે માઠો છે જ નહિ. સારૂં-માઠું કે ખરાબ એ મારી કરામત છે. માટે એટલું ધ્યાનમાં રાખવું કે આ અનુભવ થયો, તો એ બ્રહ્મ જ છે. સારૂં-માઠું મેં કહ્યું એ તો મેં મારી વાસનાઓને લીધે કહ્યું, પણ વાસ્તવમાં એ છે જ નહિ. જ્યાં સારૂં-માઠું લાગ્યું તો ત્યાં સમજી લેવાનું કે ક્યાંક ગરબડ છે, એ ગરબડ મારામાં જ છે; એ ગરબડ મારે શોધી કાઢવી જોઈએ, એનો મારે ઈલાજ કરવો જોઈએ. એનો વિચાર કરવો જોઈએ કે મને કેમ આ સારૂં લાગ્યું અને મને કેમ આ ખોટું લાગ્યું? એની પાછળ જોવામાં આવે તો આપણને ખ્યાલ આવશે કે આ પાછલો સંસ્કાર છે, જ્યારે એ સંસ્કાર પડ્યો ત્યારે એનો કંઈક અર્થ હતો. હવે આજે એનું શું કામ છે? એ પાછલા ભૂત આજે મને ખાવા આવે છે. પણ હવે એ નહિ બને, ભૂતકાળ તો ગયો! Gone is gone and by gone is by gone. અનુભવને જે સ્વીકારે, તે સારીં-માઠાંને છોડી દે છે. એ અનુભવ એ જ જાણવાપણું એ જ ચિત્ત.
આપણે કહીએ છીએ કે આ બધું મિથ્યા છે, નકામું છે. Positive કે Negative જુઓ તો બધું જ બ્રહ્મ સ્વરૂપ છે. નકામું કંઈ જ નથી. બધું મારૂં જ સ્વરૂપ છે અને પ્રત્યેક વસ્તુ બ્રહ્મ જ છે એટલે બધુ બ્રહ્મ થઈ ગયું. અધ્યારોપ એટલે છે, છે, છે. શું છે? બ્રહ્મ છે. નથી શું? નામ-રૂપ વગેરે નથી, એમ વિવેકથી અપવાદ અને અધ્યારોપ દ્રષ્ટિથી જોવાની વાત કરે છે.
દેવોની હયાતી કોને લીધે છે? મારે લીધે છે, હું માનું તો એ દેવ છે, નહિ તો નથી. આત્મા પરોક્ષ રીતે છે. આપણી જેમ સીધેસીધો નથી. આપણે માયાનાં પૂતળાં છીએ, આપણી કલ્પના એ, માયાનાં પૂતળાં-દેવો છે. આ મારા મનની બધી કલ્પનાઓ હતી, અને મારૂં મન થઈ ગયું શાન્ત, એટલે કલ્પનાઓ કોણ કરે? કલ્પનાઓ નથી ત્યાં મન પણ નથી, ત્યાં પછી કોણ રહ્યું? હું, કેવળ હું બ્રહ્મસ્વરૂપ.
પ્રમાણો જે કહેવાયા છે – પ્રત્યક્ષ, અનુમાન વગેરે, એ કઈ બાબતમાં કામ લાગે છે? દુનિયાના સાક્ષેપ સ્થૂળ પદાર્થોમાં. એ absolute નિરપેક્ષમાં નહિ. આત્માને પુરવાર કરવામાં આ પ્રમાણને નહિ લગાડી શકો. એ તો પ્રમાણોથી પર છે. દુનિયાના વિષયોમાં પ્રમાણોનો ઉપયોગ થાય, પ્રત્યક્ષ, અનુમાન વગેરે, પણ એમાંનું કોઈ પણ પ્રમાણ આત્મામાં નથી ખપતું. પ્રમાણોથી પર છે, પ્રમાણો પણ એને લીધે છે.
ઉપનિષદમાં કહ્યું છે કે દ્રષ્ટાની દ્રષ્ટિનું જે ‘જોવાપણું છે’. એનું પ્રમાણ કોણ આપે? પ્રમાણને પણ એ જ જુએ છે અને પુરવાર કરે છે. પ્રમાણ એને કેવી રીતે પુરવાર કરી શકે? બ્રહ્મને પુરવાર કરવામાં કોઈ પ્રમાણ કામ લાગે છે?
ત્યારે એ પ્રમાણો શું કામનાં? પ્રમાણો એટલા માટે કામનાં છે કે, આ સાપેક્ષ જગતનાં જે પ્રમાણો પુરવાર થાય છે, એને હું બરાબર જોઈ લઉં અને ખાતરી કરી લઉં કે મારે જે જોઈએ છે તે, એ એકેય નથી. પછી એવી કઈ વસ્તુ છે કે જેમાં પ્રમાણો અને તર્કની પહોંચ નથી? ”તે હું છું”, દાખલા તરીકે – તું અમુક છે, તું માણસ છે, એ વસ્તુને પુરવાર કરવા કોઈ પ્રમાણ જોઈએ? ત્યાં કોઈ પ્રમાણ કામ ન લાગે, કારણકે મારા વડે પ્રમાણની સિદ્દિ પુરવાર થાય છે; તેમ હું બ્રહ્મ છું, આ બધું બ્રહ્મ છે, એમાં કયો પુરાવો આપો? પોતાનો અનુભવ. પ્રત્યક્ષથી પણ ઊંચો જે દેખાતો નથી, છતાં અનુભવ થયો છે. માટે પ્રમાણો લૌકિક પદાર્થોમાં લાગુ પડે અને તેની બહાર છે તે ”હું”, તે બ્રહ્મ, તે પરમાત્મા. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની.
તમારાં પ્રમાણોમાં પરમાત્મા નહિ આવે. આ Physics એ બધું Science ની Test Tube માં Formula દ્વારા પુરવાર કરે. એ રીતે વૈજ્ઞાનિકો ક્યાં સુધી પહોંચ્યા? – શક્તિ, સુધી એમને દેખાયું. ખરા Waves એ શેનાં Waves જાણકારીનાં? કોની જાણકારીનાં? જાણકારી કોઈની ને કોઈની હોય – એકલી જાણકારી અલગ વસ્તુ નથી. ત્યારે એ Formula માં કેમ આવી? Test Tube માં કેમ આવી? તેથી Physics ત્યાં અટકી ગયું છે કે આ તો Waves છે. સ્પંદન શેનું? શક્તિનું, જેને આપણે પ્રાણ કહીએ છીએ તે Energy નું. એ Energy કોની? એ બધું Energy થી શરૂ થયું છે. એ Materialism એ જ ભૌતિકવાદ છે. એની આરપાર નથી દેખાતું; ત્યાંથી ટક્યું, આગળ નથી. “જ્યાં પ્રમાણો અટકે ત્યાં પરમાત્મા શરૂ થાય.” ત્યાં સુધી ગડમથલ કર્યા કરો! ચંદ્રમામાં જાઓ, સૂર્યમાં જાઓ, ગમે ત્યાં જાઓ, પણ છેલ્લી વસ્તુ કદી હાથ નહિ આવે. ગમે તે કરો. એ બધી રમત સ્થૂળ પદાર્થો સાથે છે. પાછળ કહ્યું તેમ ઈન્દ્રિયોની રમત છે, તેની પાછળ રહેલાની ખબર નથી.
સર્ગ ૫૧ મોઃ- ઉદ્દાલકે વિચાર કર્યોઃ- “હે મૂર્ખ મન! મૃગ, ભ્રમર, પતંગિયું, હાથી અને મત્સ્ય તો એક એક વિષયની લાલચરૂપી અનર્થોથી માર્યા જાય છે, ત્યારે તું કે જે સઘળા વિષયોના લાલચરૂપી સર્વ અનર્થોથી વ્યાપ્ત છે, તેને ક્યાંથી સુખ મળે?” બધાં પ્રાણીઓ પોતાની ખાસ એક જ ઈન્દ્રિયની લતને લીધે નાશ પામે છે, ત્યારે માણસને તો બધીયે ઈન્દ્રિયોની એક સરખી લત છે, તેનું શું થાય?
“હે ચિત્ત! હું તને શિખામણ નહિ દેતાં તારો ત્યાગ કરું છું, કેમકે જેનો ત્યાગ કરવો હોય તેને શિખામણ દેવી એ મોટી મૂર્ખતા જ કહેવાય….” જેને તેને આપણે બોધ આપતા જઈએ તે યોગ્ય નથી. મૂળશંકર બ્રાહ્મણે જેમ નદીમાં મડદું તણાતું આવ્યું, તેને ચીરીને તપાસ કરી કે યોગી લોકો જે “છ ચક્રો કહે છે” તે ક્યાં છે? એવી તપાસ કરનારની અક્કલને શું કહેવું? પછી એણે શોધ કરી, તે ચક્રો છે જ નહિ, એટલે યોગ આખો જૂઠો છે. એ રીતે શિવલિંગ પરથી ઉંદરડી ચાલી ગઈ અને ભગવાન તેને હટાવી નહિ શક્યા, એટલે હિંદુ ધર્મ આખો જૂઠો છે અને મૂર્તિઓનો ભંગ કરવા નીકળી પડ્યો…. એના જેવી આ વાત છે કે કણ કણ કરીને મેં તપાસ કરી પણ “હું” ન જડ્યો.
સર્ગ ૫૩મોઃ- ઉદ્દાલકે વિચાર કર્યોઃ- “જેને જીવનનું પ્રયોજન હોય તેને જ મરણનો ભય લાગે છે. પણ ચૈતન્યને જીવનનું પ્રયોજન નથી. માટે એને મરણનો ભય કેમ હોય? જેમ પથરો, લોઢું અને સળી એક સ્થળમાં પડ્યાં હોય તોપણ તેઓને એકબીજાની સાથે કશું લાગતું વળગતું નથી; તેમ દેહ, ઈન્દ્રિયો, મન અને ચૈતન્ય એક સ્થળમાં જોવામાં આવે છે તોપણ તેઓને એક બીજાની સાથે કશું લાગતું વળગતું નથી.” આપણે એમ માની લઈએ કે આ ત્રણ સાથે ભેગારહે છે, માટે એક બીજાથી સંબંધવાળા છે, એ જ એની ભૂલ છે. એમ આ ઈન્દ્રિય, જીવ, આત્મા બધા ભેગા છે, માટે એક બીજા જોડે સંબંધ છે – એમ કેમ માની લો છો? એમ માનવાની કંઈ જરૂર નથી. એનું કારણ એક જ છે કે પેલી જડ ચીજોમાં અહંકાર નથી. એમને પોતાના અસ્તિત્વની ખબર નથી: તેને લીધે એ ચોખ્ખા રહે છે અને આ બધું હું છું એવી પ્રતીતિ નથી થતી, પણ માણસ તો વિચાર કરનારૂં પ્રાણી, એટલે અક્કલ ચલાવે, કે આ બધું ભેગું છે, માટે એક જ છે. એક બીજાથી સંકળાયેલાં છે, એ અક્કલની બલિહારી! “અહંકાર ક્ષીણ થઈ જાય તો સંસારરૂપી વૃક્ષ રસ વિનાનું થઈ સુકાઈને પથરા જેવું થઈ જવાને લીધે ફરીવાર અંકુરને ઉત્પન્ન કરી શકતું જ નથી.”
માણસને પોતાના સ્વરૂપમાં આ ખોટી ખોટી વાતો સૂઝે છે, અને કંઈક ઝાઝા સંબંધો કલ્પે છે, પાછા જતા રહે છે, વળી પાછા કલ્પે છે, એનું કારણ શું? મારામાં એવું કંઈક તત્વ દાખલ થઈ જાય છે કે મારી સમતાને હલાવીને જાતજાતના દેખાવો ઊભા કરે છે. જો એ ખસી જાય તો જેમ સૂર્યનું પાણીમાં બિંબ પડે તેનું પ્રતિબિંબ સ્થિર દેખાય, પણ જો અંદર પથરો, કાંકરો, કચરો કે પવન લાગે, તો જ એ પાણી મેલું, હાલતું વગેરે જાતજાતના દેખાવો જોવામાં આવે. એવી રીતે સ્વાભાવિક માણસનું ચિત્ત સાત્વિક, શુદ્ધ, સ્વચ્છ છે, પણ એમાં પાપ પડે છે તેને લીધે આ શુદ્ધ બ્રહ્મમાં જાતજાતના દેખાવો આપણને લાગે છે. ઘડીમાં લાગે, ઘડીમાં જતા રહે, એક જ વસ્તુ ઘડીમાં સારી, ઘડીમાં ખરાબ. એનું કારણ અહંકાર, મમતા, મારૂં-તારૂં-એ કચરો. એ બધું હોવાને લીધે પણને ચિત્રવિચિત્ર ડહોળાયેલું અને કષ્ટ દેનારૂં થઈ પડે છે. એ ન હોય તો કોણ શેને માટે આગ્રહ કરે?
બ્રહ્માકાર વૃત્તિ થઈ ગઈ તોપણ, પ્રારબ્ધના ભોગ ભોગવતે પાછું મન લપેટાઈ જાય, એટલે એમ નહિ કે એકવાર બ્રહ્માકારની સ્થિતિ થઈ ગઈ એટલે હવે શું વાંધો છે? માટે ગમે તેમ કરો. એવું નથી. પ્રારબ્ધના ભોગ જ્યાં લગી બાકી છે, ત્યાં સુધી લપસી પડવાનો સંભવ હંમેશાં રહેવાનો. લપસી પડીશ તોયે એકવાર એમાં હું આવી ગયો છું. એટલે પાછો જો આમાં પડીશ તોયે જીવનમુક્તપણાની મારા ચિત્તની જે સ્થિતિ છે, એને તો વાંધો નહિ આવે. આ બધા ગુણો જે કહ્યા એની ઘડ પડવી જ જોઈએ. એ ગુણો મારી વૃત્તિને હેરાન નહિ કરે.
બેસત્તાઓ – એક સામાન્ય અને બીજી વિશેષ. વિશેષ એટલે આ છે, આ છે, ફલાણું છે વગેરે. સામાન્ય સત્તા એટલે છે, એટલું જ. એકને સમષ્ટિનિષ્ટ કહેવાય, અને બીજીને વ્યક્તિનિષ્ટ; અનુભવની વાત કહે છે. પોતાનો અનુભવ એ જ બ્રહ્મ. આ વસ્તુ છે, આ ફલાણી વસ્તુ છે, એ બ્રહ્મ નહિ. પણ ‘છે’ એ બ્રહ્મ છે. વિવેકાનંદને એકવાર કોઈ બંગાળી પંડિતે પૂછ્યું કે તમે દ્વૈતમાં કે અદ્વૈતમાં માનો છો? ત્યારે વિવેકાનંદે જવાબ આપ્યો કે જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી દ્વૈત, અને શરીર નહિ હોય ત્યારે અદ્વૈત. પંડિત વિચારમાં પડ્યો કે આનો અર્થ શો? ધીરે રહીને કહે છે કે ત્યારે તો તમે અદ્વૈત જ છો. પંડિતજી સમજી ગયા કે વ્યવહારમાં દ્વૈત હોય. મર્યા પછી વ્યવહારનો ભાવ ન હોય ત્યાં મનોમન બધો વખત તો આપણે અદ્વૈત જ છીએ. વ્યવહારમાં તો કહેવું પડે કે આ-આ. એવી રીતે અહીં પણ એ જ વાત કહે છે, કે વ્યવહારમાં આપણે આ particularize કર્યું એટલે દ્વૈત થઈ ગયું. સામાન્યને General ‘એકલું’ કહ્યું ત્યારે અદ્વૈત થઈ ગયું. પણ ‘મનમાં સમજીએ કે particularize કહ્યું તો એ દ્વૈત. એ “છે” કહ્યું,એનો ‘છે’ ભાગ તો અદ્વૈત જ છે. પેલું બીજું કહ્યું તે વ્યવહાર પૂરતું, પાંચ મિનિટ પછી એની જરૂરત નહિ રહે. પણ ‘છે’ ની જરૂર તો રહેવાની જ છે. માટે મનમાં સમજવાનું કે આ દ્વૈત જીવતાં સુધી, શરીર છે ત્યાં લગી, શરીરને લગતું જે હોય તેમાં દ્વૈત છે બાકી મારે મન તો અદ્વૈત જ છે. એટલે આપણે જ્યારે ચૂંથણા ચૂંથીએ ત્યારે એમાં ખોવાઈ નહિ જવાનું, કે ” આ દ્વૈત” અને ”આ અદ્વૈત”, એમ છે જ નહિ, દ્વૈત પણ અદ્વૈત છે. એમ વિચાર કરી મોજ કરવાની.
પોતાનો આત્મા જે ક્ષણભંગુર દેહની સાથે મિશ્રિત જેવો થઈ ગયો છે, તેને દેહથી જુદો પાડીને સ્વસ્થ થાઓ, વિલંબ કરો નહિ…… જેમ કાદવ આદિ પદાર્થો સોનાની સાથે સંબંધ પામ્યા છતાં પણ જુદા જ રહે છે અને સોનારૂપે પરિણામ પામતા નથી, તેમ જડ દેહ, આત્માની સાથે સંબંધ પામ્યા છતાં પણ જુદો જ રહે છે, અને આત્મારૂપે પરિણામ પામતો નથી. ”સુખ-દુઃખાદિનો અનુભવ કરનાર આત્મા છે” એમ સમજવું એ મૂઢપણું છે……. આત્મામાં સુખ-દુઃખાદિનો સંબંધ છે જ નહિ. સુખ તથા દુઃખ દેહને પણ નથી, અને સર્વથી ન્યારા આત્માને પણ નથી, પરંતુ અજ્ઞાનને જ છે. અજ્ઞાન નષ્ટ થાય, તો સુખ કે દુઃખ કોઈને નથી. અને આત્મા એજ કહેવા માંગે છે.
જીવ ગયો એમ આપણે કહીએ છીએ એ ભૂલ છે.જીવ તો જતો જ નથી, શરીર ગયું કહેવાય. જીવ બીજું શરીર લઈને આવે છે. આપણે બોલવામાં કેટલું અવળું બોલીએ છીએ. દાખલા તરીકે સૂરજ ઉગ્યો કે આથમ્યો એમ આપણે કહીએ, તેમ જીવ જન્મ્યો કે મરી ગયો, એવું બોલવું સાવ ખોટું છે. પણ શરીર ગયું, ‘શરીર આવ્યું એમ કહેવાય’.
”આ સઘળા વ્યવહારને હું કરતો નથી પણ મારા સામીપ્ય માત્રથી તે ચાલ્યા કરે છે.” એવી રીતે કર્તાપણાના અભિમાનથી રહિત થઈને જે પુરૂષ વ્યવહારમાં પ્રવર્તે છે તે મુક્ત જ છે. રજોગુણ-મિશ્રિત સાત્વિક જન્મવાળો થયો હોય તે પુરૂષ સત્સંગ આદિના પ્રભાવથી બ્રહ્મવિદ્યાને પ્રાપ્ત થઈને આ જન્મમાં જ મુક્ત થાય છે. એ પુરૂષ વિચારથી શાંત થયેલા ચિત્ત વડે અનુભવ કરવા પ્રથમ મનની અંદર મનન કરે છે.”
ગમે તેવો સંસારી હોય એને કરૂં, કરૂં તો હોય જ. કુટુંબ, કબીલો, પૈસો-ટકો, નોકરી-ચાકરી, એટલે રજોગુણ ખૂબ જ હોય છે. સત્તવ ગુણ મિશ્રિત ભજન તરફની સાત્વિક વૃત્તિવાળો આત્મા વિચાર કરે. એ બધું કરતો હોય, પણ એને કલેશ ન હોય, પણ મારૂં-તારૂં તો હોય જ, એટલે એને મોક્ષ નથી. કારણકે જ્યાં મારૂં અને તારૂં હોય, ત્યાં વાસના રહી જ, વાસના વગર મારૂં-તારૂં શી રીતે હોય? આ કથન અથવા વર્ણન આપણને બધાને લાગુ પડે છે.
સુખઃ- સુખ ઉત્પન્ન નથી કરવાનું – સુખ તો છે જ. માત્ર દુઃખ ઉત્પન્ન કરવાનું માંડી વાળો એટલે સુખ જ સુખ.
”માણસ જે જે પદાર્થોમાં આસ્થા બાંધે છે, તે તે પદાર્થોમાં તેને અત્યંત દુઃખનો પ્રાદુર્ભાવ થતો જ જોવામાં આવે છે.” મતલબ કે જેટલા વિષયો ઓછા, તેટલું દુઃખ ઓછું, માટે માયાને બહુ વિસ્તારવી નહિ – જેટલી પીડા છે એ બહુ છે, નવા ક્ષેત્રો ઊભા ન કરવાં. જેમાં ને તેમાં જીવ ઘાલવાનું છોડી દેવાનું, એટલે દુઃખનો Scope ઓછો થઈ ગયો.
જેમાં મન જોડેલું હોય, તે કૃત્ય જ કર્મ કહેવાય, બાકી કર્મ નથી. મન જોડ્યા વગરનું કરેલું કર્મ, કર્મ નથી. જોઈએ છે, જોઈએ છે એ મન કરે છે, અને એનો અમલ ઈન્દ્રિયો કરે છે. આ ઈન્દ્રિયો પરોક્ષ શત્રુ છે, પ્રત્યક્ષ નહિ. પ્રત્યક્ષ શત્રુ મન છે, અને ઈન્દ્રિયો તેનું હથિયાર છે. ઈન્દ્રિયોને પોતાના કૃત્યોમાંથી રોકવી હોય તો મનને જ શાંત કરવું પડે, જો મન શાંત પડે તો પછી કોઈ બાબતનું દુઃખ નથી.
શમ અને દમની વાતો કરીએ છીએ, અને મનને એ દ્વારા કાબૂમાં લીધું એટલે ઈન્દ્રિયો વશમાં આવી ગઈ એમ આપણે માનીએ છીએ, પણ એમ નથી. ઈન્દ્રિયોને અમુક ટેવ પડી ગયેલી હોવાને લીધે એ પોતાનું ધાર્યું કરે જ; અને મન તેની પાછળ ખેંચાય, કારણકે ઈન્દ્રિયોને ટેવ પડી ગયેલી હોવાથી મન કરવાની પણ જરૂર નથી રહેતી. આપણા વ્યવહારમાં જરા વિચાર કરશું તો એની ખબર પડશે, કે મુક વસ્તુ રાંધી ત્યારે મન ન હોય, તો પણ મોઢામાં પાણી આવે, અને ત્યાર પછી મન ખેંચાય. આંખો જુએ, કારણકે આંખને એવી ટેવ પડી ગયેલી છે, એટલે મન થાય.
ઈન્દ્રિયો પરાણે મનને ખેંચી જાય છે, એ Two-way Traffic છે, ઈન્દ્રિયો મનને ખેંચે છે, અને મન ઈન્દ્રિયોને ખેંચે છે, નહિ તો શમ અને દમ એ બન્ને કહેવાની શી જરૂર? એટલે પ્રથમ તો ઈન્દ્રિયોને રોકવી, એને પડેલી ટેવો ભૂલવવી. પડેલી ટેવ જાય.
૫૧. ઉત્પત્તિ પ્રકરણ
(યોગવાસિષ્ઠ મહારામાયણના આધારે)
મન નામની કોઈ વસ્તુ નથી – એને કોઈ આકાર નથી, કલ્પના થઈ એ જ મન. જે વિચાર આવ્યો તે જ મન. વિચાર કરવા જેવી વાત છે. જેની મા જૂઠી છે, એના છોકરાં કેવાં હોય? જૂઠાનાં છોકરાં જૂઠાં. કલ્પનાઓ કરીને સુખી-દુઃખી થાઉં છું, હાય-વોય કરીને સુખીદુઃખી થાઉં છું.
“જીવ પોતે ચેતનાશક્તિવાળો હોવાથી, અનર્થરૂપી મનને જાગ્રત કરી મનરૂપ થઈને રહે છે. માટે દુઃખના પાત્રરૂપ જ છે.”
અર્થઃ- જીવ ચેતનાશક્તિવાળો કેવી રીતે? જીવ તો જડ છે; વાસનાઓ વગેરે, અંતઃકરણમાં હોય છે. અંતઃકરણમાં ચૈતન્યનું પ્રતિબિંબ પડે તેને લીધે એ પોતે જીવવાળું હોય તેવો આભાસ થાય, એને જ ચિદાભાસ કહે છે. મન એટલે પ્રારબ્ધ, વાસનાઓ જે કાંઈ અધૂરૂં રહેલું હોય તે; તૃષ્ણાઓનું જાળું – એ બધું મનરૂપ જ છે; એટલે એનું નામ જ જીવ છે. વાસનાઓ પૂરી કરવા માટે જ એ જન્મ લે છે, શરીર લે છે. એ બધો પ્રારબ્ધનો સામાન અનર્થરૂપ જ છે, કેમકે પાછલાં કર્મોનાં ફળ ભોગવવાનાં છે, એમાંથી કોઈનો ઉગારો નથી થવાનો. જ્યારે કરવાનો કે ભોગવવાનો ભાવ છોડી દે, ત્યારે જ એનો ઉગારો થાય. તોપણ પ્રારબ્ધ તો પૂરૂં કરવાનું જ છે. એ બધો વખત જે થાય તેનો સાક્ષીભાવ ધારણ કરીને, પોતે કર્તા ભોક્તા નથી, એવો નિર્ણય કરીને, સાક્ષીભાવથી વર્તતો થઈ જાય, તો કલેશથી છૂટે, નહિ તો બધું અનર્થકારી છે. જેમાં જીવ પરોવ્યો એમાં અનર્થ જ છે, કેમકે એમાંથી નવાં પ્રારબ્ધ ઊભાં થાય. તેથી અહીં કહે છે કે જીવ પોતે જ અનર્થરૂપ છે, કેમકે કોઈ ફરજ કરવા નથી આવ્યો, પણ અનર્થો જ કરવા આવેલો છે. લેણા-દેણીની રમત પૂરી કરવા આ જીવ આવેલો છે. એટલે જીવ પોતે જ એ પાશોથી બંધાયેલો છે તો સુખની આશા કેમ રાખી શકો?
કહે છે કે મારા જીવને સુખ નથી. સુખ એટલે જ દુઃખ, જીવ એટલે જ દુઃખ; એમાં ક્યાંથી સુખ હોય? તેથી અહીં કહે છે કે મન દુઃખ સ્વરૂપ જ છે, કેમકે જીવ સ્વરૂપ છે. જીવ દુઃખસ્વરૂપ છે, કેમકે મન દુઃખરૂપ છે. મન એટલે જ જાતજાતનાં ભાગ્યો અને પ્રારબ્ધો.
“બ્રહ્મ સત્ય જગત મિથ્યાઃ- “જેવી રીતે પ્રકાશને તેજથી જુદો ગણીએ, તો તે અસત્ય છે, અને તેમ ન ગણીએ તો સત્ય છે, તેવી રીતે જગત બ્રહ્મથી જુદું ગણીએ તો અસત્ય છે, નહિ તો સત્ય છે.”
સર્ગ ૬૧ મોઃ- પ્રકાશ અને તેજ બંનેને જુદા ગણવા હોય તો ગણાય ખરા. દીવો અને એની જ્યોત – એનો પ્રકાશ જે ફેલાય છે એ – તેનું તેજ છે, એ જ્યોત જ ફેલાય છે. હવે એને જુદા ગણો તો એ વાત ખોટી છે, કેમકે દીવાને હોલવી નાખો તો જ્યોત નથી. એને “સમન્વય-સંબંધ” કહેવાય, નિત્ય સંબંધ- “સમન્વય”.
એવી રીતે બ્રહ્મ અને જગત એ બ્રહ્મનો જ વિસ્તાર છે. જો બ્રહ્મ નથી તો જગત નથી. છતાં, જગત નથી તો બ્રહ્મ નથી એમ નહિ કહેવાય. એટલે એને જ અન્વય-વ્યતિરેક સંબંધ કહે છે. બ્રહ્મ તો બધી વખત છે જ, જગત હોય કે ન હોય, તેથી જગત ખોટું, બ્રહ્મ સાચું.
આ દેહને કર્મ જ બંધનરૂપ છે, એમાં બંધાય છે કોણ? ચિત્ત, ચિદાત્મા નથી બંધાતો. ચિત્ત બંધાય છે. કર્મ પોતે જ બંધન છે; કર્મની વૃત્તિ રહે ત્યાં સુધી ચિત્તને બંધન પેદા કરે. કર્મમાં આત્માને બંધન જ નથી. આ એક દીવો છે – તમે ગમે તે કર્મ કરો, તો એની અસર તમારા મન ઉપર થાય, દીવા ઉપર ન થાય. એમ ચિદાત્માને કોઈ કર્મ કે કોઈ બંધન નથી.
મનની ગડમથલ એ જ બધા સંતાપનું મૂળ છે, જેટલા પ્રમાણમાં ચિત્તને આપણે સ્વસ્થ રાખીએ, એનું સ્પંદન થવા ન દઈએ, સંકલ્પ પણ ન થવા દઈએ-એટલા પ્રમાણમાં ઉપાધિઓ બેસી જાય.
જ્યારે પોતાને પ્રતીતિ થઈ જાય, કે હું ચિદાત્મા છું, જીવ નથી, હું કંઈજ કરતો નથી, કરાવતો નથી, જે થાય છે તે પ્રારબ્ધને યોગે થાય છે, સંસ્કારને યોગે થાય છે, અને હું તો માત્ર એનો સાક્ષી છું. તો એના ચિત્તને કર્મનું બંધન નહિ થાય, કેમકે એણે ચિત્તને કોરે મૂક્યું, પ્રારબ્ધને સોંપી દીધું, મારે ચિત્તની કોઈ જરૂર નથી, ચિત્ત જે કરે છે એનો હું સાક્ષી છું, તો એને કોઈ જાતનું બંધન નથી રહેતું, કેમકે એ પોતાને આત્મ-સ્વરૂપ જ જાણે છે.
“પદાર્થ ઉત્પન્ન થવાનું મૂળ કારણ સંકલ્પ છે. તે સંકલ્પરૂપી જીવ ઉત્પન્ન થયા પછી, જે પ્રમાણે જીવ કર્મ કરે છે તે પ્રમાણે બંધન વગેરે થાય છે. ચિત્તના સ્પંદનને લીધે કર્મ થાય છે, તેથી જન્મ થાય છે. પછી ઊંચા અથવા નીચા લોકની પ્રાપ્તિ થાય છે.” ચિત્ત એ જ જાણવાપણું છે. એ સ્થિર રહે, એમાં સ્પંદનને થાય, તો વૃત્તિઓ ન થાય. જ્યારે સ્પંદન થાય ત્યારે એ ચિત્ત કહેવાય છે. ત્યાં સુધી એ ચિત્ત છે જ નહિ, કેવળ શુદ્ધ સંવિદ છે.
એ શા કારણે થાય છે? પ્રકૃતિના ત્રણ ગુણો છે. એ ત્રણ ગુણો મહાલવાથી ત્યાં ચિત્ત નામની વસ્તુ ઊભી થાય છે,જેને આપણે મન કહીએ છીએ, સંકલ્પ કહીએ, અંતઃકરણ કહીએ, તે ઊભું થાય. માટે વિચારો કરવાની કે ગડમથલ કરવાની મનની ટેવ, બને એટલી ઓછી કરો, તો તેટલા પ્રમાણમાં કલેશભાવ ઓછો થઈ જાય. આવી રીતે ચૈતન્યની સ્ફુરણાથી કર્મ થાય છે. કર્મ એ જ દૈવ છે તથા દૈવ એ જ ચિત્ત છે. ચિત્તથી શુભ-અશુભ કર્મ થાય છે. બીજમાંથી અંકુર થયા પછી વૃક્ષની શાખા તથા પુષ્પ વગેરે જેમ વારંવાર થયા કરે છે, તેમ આદિકારણ બ્રહ્મમાંથી ચૈતન્યની સ્ફુરણાથી શુભ-અશુભ કર્મને લીધે અનેક પ્રકારનાં જગત તથા ભુવન ઉત્પન્ન થાય છે. ચૈતન્યમાં સ્ફુરણા થાય છે આપણી વાસનાથી. જો એ સ્ફુરણાઓ, વાસનાઓ ન હોય તો શાંત અને સ્વસ્થ ચિત્તમાં કોઈ જાતનો વિકાર-કલેશ-પુનર્જન્મ થાય નહિ.
“વૃક્ષમાંથી જેમ પલ્લવ ઉત્પન્ન થાય છે તેમ ‘શું કરવું, એને શું ન કરવું’ તેની સમજણ ન પડવી, દેશ તથા કાળ એ સઘળું ચિત્તમાંથી ઉત્પન્ન થાય છે. કર્તા, કર્મ અને કરણ; ભોક્તા, ભોગ્ય અને ભોગ; દ્રષ્ટા, દર્શન અને દ્રશ્ય – એ નવ પ્રકારનો સંસાર ચિત્તરૂપ જ છે.”
આ ત્રણમાં જગત સમાઈ ગયું; એ ત્રણનો ભાવ જતો રહ્યા પછી જગત ભલે હોય, એ આપણને કષ્ટ ન આપી શકે.
ચિદાકાશ એટલે ચિત્તરૂપી આકાશ, સંવિત્, ચૈતન્યરૂપી આકાશ. આ જગતના બધા પદાર્થો શેને લીધે છે? શેમાં છે? એ બધા આ આકાશમાં છે. અવકાશને લીધે છે, નહિ તો નથી. એવી રીતે સંપૂર્ણ જગત-સૂક્ષ્મ, આંતરિક, અને બાહ્ય બધું જ ચૈતન્યમાં જ દેખાય છે, બીજા કશામાં છે જ નહિ. એ બધાનો સાક્ષી છે અને બધાને પ્રકાશ આપે છે.
“સર્વ ભૂત-પ્રાણી માત્રના સર્વ વ્યવહારમાં હેતુપણાથી જે હિતકર છે, સર્વ કાર્યકારણના નિયંતાપણાથી જે શ્રેષ્ઠ છે, અને જેણેપોતાની કલ્પનાથી આ જગતનો વિસ્તાર કરેલો છે, તેને ચિત્તાકાશ કહે છે. એમાં અનેક આકાશ ભરેલાં પડેલાં છે, જેટલાં કલ્પો એટલાં ઓછાં! ચૈતન્યરૂપી આકાશમાં ચિત્તાકાશ રહે છે. સ્વયં ચિત્ત પણ જેમાં રહે એ ચિદાકાશ. સ્થૂળ અને સૂક્ષ્મ જગતના પદાર્થો સાથે એ ચૈતન્ય જ્યારે સંબંધ કરે ત્યારે એ જ ચિત્તાકાશ કહેવાય.
કાર્ય-કારણના નિયંતાપણાથી શ્રેષ્ઠ છે, એટલે તમે જુઓ તો આખું જગત કાર્ય કારણની પરંપરા જ છે, Cause-Effect એની સાંકળ છે. એ Cause અને Effect ક્યાંથી શરૂ થઈ? જ્યાંથી કલ્પના જીવની થઈ, આકાશની કલ્પના થઈ, ત્યાંથી.
જેનું અવિચ્છિન્ન શરીર છે તથા મેઘ વગેરેના જે આશ્રયભૂત છે, તેને ભૂતાકાશ કહે છે. ભૂતાકાશ તથા ચિત્તાકાશ એ બન્ને ચિદાકાશના બળથી ઉત્પન્ન થયેલાં છે; અને ચૈતન્ય સર્વનું કારણ છે.” આ બધું જે દેખાય છે તે, એ કેવું છે? મનની કલ્પના ભેગી કરીને બનેલું આકાશ એક જ છે, પણ આપણે આપણા વ્યવહાર પૂરતા ભાગલા પાડીએ એ તો બધી કલ્પનાના છે. જેની ઉપર પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ કંઈ જ નથી; પણ એ અવિચ્છિન્ન એક જ શરીર છે. એ મેઘ વગેરેના આશ્રયભૂત છે – તે ભૂતાકાશ. મૂળ એક જ વસ્તુ છે – ચૈતન્ય. એ જ આ બધા આકારો અને દેખાવો ધારણ કરે છે, એ આ બધાનો સાર.
સર્ગ – ૧૯૦ મોઃ- “આત્માની મનન કરવાની શક્તિને મન કહે છે. અજ્ઞાનથી વીંટાયેલા ચિત્તને જીવ કહે છે. પોતાનો બંધુ હોય તેને પણ, જ્યાં સુધી જાણ્યો નથી ત્યાં સુધી તો એ અબંધુ છે. અજ્ઞાની માણસને બંધનમોક્ષનો મોહ થાય છે, પણ જ્ઞાનીને નથી થતો.”
આપણો કોઈ હિતૈષી હોય, પણ આપણે ઓળખતા ન હોય, ત્યાં સુધી આપણને આપણો હિતૈષી જેવો ન લાગે. એવી રીતે માણસને પણ પોતાનું મન હિતૈષી છે કે દુશમન છે, એનો પત્તો ક્યારે લાગે? એને ભાન આવે ત્યારે.
સર્ગ – ૧૧૧ મોઃ- “પ્રિય વસ્તુના ત્યાગરૂપી પુરૂષાર્થથી મનની શાંતિ સાધ્ય છે.” આપણે એમ સમજીએ કે પ્રેમ વસ્તુ મળ્યાથી શાંતિ થાય છે, પણ એ વાત ખોટી છે, ભોગ વસ્તુ એવી છે કે ભોગવવાથી અગ્નિની જેમ વધે છે; લાલસા ઓછી નથી થતી, પણ વધ્યા કરે છે, અને ત્યાગ કર્યાનો જે સંતોષ છે, એ સંતોષનું સુખ એવું મોટું છે, કે માણસ રાજી રાજી રહે, કે મેં ફલાણી વસ્તુ છોડી દીધી, અને એની અંદર મારૂં મન જતું નથી, એનો સંતોષ એ ખરો સંતોષ છે. કોઈ માણસ, કે કોઈ પદાર્થ જ્યારે આપણને અત્યંત ગમે, ત્યારે જાણવું કે એ કુદરત તરફથી આપણને એક નોટિસ છે, ત્યાંથી ચોક્કસ એક દુઃખ આવવાનું છે. માટે એનાથી સંભાળીને ચાલજો અને પ્રીતિ મર્યાદામાં પાળજો. જ્યારે મન બહુ ખેંચાય, ત્યારે એમાં મળવાનું નિમંત્રણ નથી, પણ એની સામે ચેતવણી છે.
અનુદ્વેગથી મનનો જય થાય છે. એ જયથી ત્રૈયલોક્યનો વિજય પણ તૃણરૂપ છે. માણસો ભાઈનું અથવા કોઈ સંબંધીનું મરણ થવાથી વૃથા કરેશ કરે છે, તે પણ ચૈતન્યની બહિર્ભુખ આત્માવાળી ચિત્તની વૃત્તિ જ છે. વૃત્તિઓ દરેક પ્રકારની હોય, બહિર્મુખ અને અંતર્મુખ. બહિર્મુખવૃત્તિ જે થાય છે, એ ચિત્તમાં જ થાય છે. એ ચિત્ જ બંન્ને પ્રકારનું કામ કરે છે. જ્યારે વૃત્તિઓ બહિર્મુખ હોય, વારંવાર પદાર્થો તરફ મન ખેંચાય, ત્યારે દુઃખ દે છે, અને અંતર્મુખ હોય ત્યારે સુખ આપે.
“ઈચ્છા છે તે જ અવિદ્યા છે, તથા ઈચ્છાનો નાશ મોક્ષ છે. કાંઈજ કરવાનું નથી. મારે મુક્ત થવું છે, તે પણ વિચાર કરવાની જરૂર નથી. કશાની ઈચ્છા ન કરે એ મુક્ત જ છે. મોક્ષની ઈચ્છાના માર્યા પણ લોકો કેટલી દોડાદોડ કરે છે. એમાંથી મોક્ષ તો કોણ જાણે પણ ઉલટી ઉપાધિઓ ન હોય ત્યાંથી ઉભી થાય છે.
“જે માણસનું નિરંતર ધ્યાનમાં જ ચિત્ત છે તેને દિવસ પણ નથી થતાં રાત્રિ પણ નથી; પદાર્થ પણ નથી અને જગત પણ નથી.” એના મનથી એનો બોધ થઈ ગયો છે.
પ્રારબ્ધ પ્રમાણે આપણને પહેલેથી ઘડેલા પ્લાન પ્રમાણે જ દેખાયા કરશે. જ્યારે એ ખોટું છે એવું જાણ્યું તો પછી એમાં મન જોડી વ્યવહાર ન કરવો જોઈએ. વ્યવહાર સ્થૂળનો કરે, પણ મન જોડીને નહિ એટલે ત્યાંથી વિસ્તાર અટક્યો, આપણે જાગીએ, સૂઈએ, બધું કરીએ, પણ શેનો દિવસ? શેની રાત? આપણે કહીએ છીએ કે આ પૃથ્વી ફરે છે, સ્થૂળ જ ફરે છે, પણ કોણ ફરે છે? બધાં અટકળો જ કરે છે, કોઈને ખાતરી નથી. હજી કોણ, કોની પાછળ ફરે છે એની કોઈને ખાતરી નથી. ને કોણ નથી ફરતું? એનો પત્તો જ નથી. સાયન્ટિસ્ટો અનેક અટકળો કરે છે.
“શુદ્ધ સંવિદમાં સંવેદનરૂપી નદી રહેલી છે, તેમાં જગતની સ્ફૂરણા થાય છે. માટે સંવેદનનો વિરોધ કરવાથી દ્રશ્ય ભ્રમનો નાશ થઈ જાય છે.” સંવેદન એટલે મારે આ જાણવું છે, પેલું જામવું છે, ફલાણું કરવું છે, ઢીંકણું કરવું છે; એ બધાંને સંવેદનો કહે છે. જેમ એ ઊભરાય તેમ જગત વિસ્તરે, પ્રવૃત્તિ વિસ્તરે, મનમાં એ વધતાંને વધતાં જાય, એ જાણવાપણાનું જે કુતૂહલ, જે વૃત્તિ- એ વૃત્તિને બંધ કરો, તો સંસૃતિ (સંસાર) પણ એની મેળે જ કરમાય જાય, દુનિયા વિસરતી અટકી જાય, એની મેળે જ, કેમકે આપણે જ એનો વિસ્તાર કરીએ છીએ. નવાં નવાં સંવેદનો ન હોય ત્યાંથી શોધી શોધીને ઊભાં કરે છે, જેને કુતૂહલ કહે છે. બધાં કલેશનું મૂળ એ કુતૂહલ જ છે. એને ઓછું કરી નાખો તો સંસાર અને કલેશ બન્ને વધતાં અટકી જ જાય.
વડોદરા રાજ્યના દિવાન કૃષ્ણમાચારી હતા, તેઓ પોતાનો અનુભવ કહેતા કે ઓછામાં ઓછું લખો, ઓછામાં ઓછું બોલો. જ્યાં બે શબ્દથી ચાલે ત્યાં ત્રણ ન વાપરશો, કારણકે તમે જેટલું બોલો અને લખો છો, એટલું બીજાઓના આક્રમણ માટે અવકાશ વધારે રહે છે. જેટલું ઓછું બોલશો તેટલો આક્રમણ માટે અવકાશ ઓછો રહે છે.
એ જ પ્રમાણે અહીં પણ જેટલી વૃત્તિઓ વધારે કરીએ તેટલો જ દુઃખ માટે અવકાશ વધારે ઊભો થાય છે. જેટલી વૃત્તિઓ ઓછી, એટલો સ્કોપ કલેશને ઓછો રહે.
સુખભાવઃ- “અગ્નિ અને ઉષ્ણતા જેમ સાથે રહે છે, તેમ ચિત્ત અને કર્મ સાથે જ રહે છે, અને બેમાંથી એકનો નાશ થવાથી તે બંન્નેનો નાશ થાય છે.”
આ વાક્ય મનન કરવા જેવું છે. માટે દશ મિનિટ બેસીને વિચાર કરવાનો કે ચિત્ત અને કર્મ ક્યાંથી ઉત્પન્ન થાય છે? આપણે એક વસ્તુને દેખી એટલે તેનું આકર્ષણ થયું, “ધ્યાય તો વિષયાન પુંસઃ”, એ રાહે વિચાર કરવાનો. ચિત્તે વિચાર કર્યો, વિચાર કર્યા પ્રમાણે ઈચ્છા કરી, ઈચ્છા કર્યા પ્રમાણે વૃત્તિ કરી, વૃત્તિ કર્યા પ્રમાણે કર્મ કર્યું, કર્મ કર્યા પ્રમાણે ફળ મળ્યું. એ ફળ મળ્યું એટલે એમાંથી પાછી ઈચ્છા ઊભી થઈ. એમ ચક્ર ચાલે છે, એ ચક્રનો નાશ ન થાય ત્યાં સુધી, જેને મોક્ષ કહે છે, એ સુખભાવ અશક્ય છે.
તો પછી કરવાનું શું? આ Circle – ચક્રને કોઈ જગ્યાએ કાપવાનું. ક્યાં કપાય એ આપણને આ પુસ્તકો કહે છે. તમે કર્મને કાપશો, તો જ્યાં સુધી ચિત્ત છે, ત્યાં સુધી નવાં કર્મો ઊભા થશે જ. માટે એને કાપવાની જગ્યા ક્યાં છે? ચિત્તમાં પણ ચિત્તને કાપી નથી શકાતું, ત્યારે ચિત્તમાં જે કાંઈ બને છે તેનું મૂળ ક્યાં છે? અજ્ઞાનમાં; અજ્ઞાનમાંથી વાસના, વાસનામાંથી ઈચ્છા, ઈચ્છામાંથી કર્મ એમ ચક્ર ચાલે છે. પણ જ્યાં સ્વરૂપનું જ્ઞાન થયું ત્યાં જડ કપાઈ ગઈ, અજ્ઞારૂપી જડ કપાઈ જાય. સંસારનું આ ચક્ર જ ચાલે છે, એને કાપવાનો એક જ રસ્તો છે.
“અવં બુદ્ધેઃ પરં બુદ્ધ્વા સંસ્ત્ભ્યાત્માનમાત્મના ।
જહિ શત્રું મહાબાહો કામરૂપં દુરાસદમ્ ।।”
(ગીતા અધ્યાય ૩-૪૩).
“આ પ્રકારે તે કામને બુદ્ધિથી પર જાણીને અને બુદ્ધિથી પોતાના મનને વશ કરીને મહા અનર્થકારી કામરૂપ શત્રુને મારી નાખ.”
“કામ એષ, ક્રોધ એષ” “ધ્યાય તો વિષયાન પુંસઃ” આ પદાર્થોનો વિચાર કરીએ તો કામનાથી જ બધું ઉત્પન્ન થાય છે. સ્વરૂપનું અજ્ઞાન ન જાય ત્યાં સુધી આ ચક્ર ન જાય. એની જડ આ અજ્ઞાનમાં જ છે. એ અજ્ઞાન આ વિચાર કરવાથી જ જાય. જે ચિત્તનો આપણે નાશ કરવાનો છે, તે ચિત્તનો ઉપયોગ કરીને જ ચિત્તનો અજ્ઞાનનો નાશ થઈ શકે છે, બીજી રીતે નહિ.
એવી રીતે જો વિચાર બંધ થાય તો કર્મ બંધ થાય, કર્મ બંધ થાય તો વિચાર બંધ થાય. એ બધું હોવા છતાંયે સ્વરૂપનું અજ્ઞાન હોય ત્યાં સુધી એ બધાં પાછાં આવતાં જ જાય. જો એનું મનન કરાય તો ઘડ બેસી જાય.
“પ્રકાશ છે એ જ રૂપનું કારણ છે, તેવી જ રીતે મન છે તે જ પદાર્થોનું કારણ છે. જે માણસનું મન વાસનાથી બંધાયું છે તેને બંધન થાય છે, તથા જેનું મન વાસનામુક્ત છે તેની મુક્તિ થાય છે. ચિત્ત વિના જગત છે જ નહિ, કારણકે ચિત્તનો લય થવાથી સર્વ જગતનો લય થાય છે.”
આપણે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ કહીએ છીએ, તો એમાં રૂપનો પ્રકાર કયો? તેજ, પ્રકાશ; જો પ્રકાશ ન હોય તો આકાર નથી, કેમકે પ્રકાશ વગર આકાર દેખાતો નથી. એટલે આકાર દેખાય છે, એ પ્રકાશનું જ રૂપાંતર છે, સ્વતંત્ર વસ્તુ નથી. માણસ જ્યારે બેભાન થઈ જાય છે, ત્યારે એને ક્યાં જગત છે? આપમે ઊંઘી જઈ ત્યારે ક્યાં જગત છે? મન છે તો જગત છે, મન નથી તો જગત નથી. માટે મનને આપણે એવો ઘાટ આપીએ કે જેથી એ અનેક પદાર્થો જોતું હોવા છતાં ન જુએ, અને સાંભળતું હોવા છતાં ન સાંભળે.
ૐૐૐૐૐૐૐ ૐૐૐૐૐૐૐ ૐૐૐૐૐૐૐ ૐૐૐૐૐૐૐ
શાશ્વત શાંતિ

एको वशी सर्वभूतान्तरात्मा
एकं रूपं बहुधा यः करोति ।
नित्यो नित्यानां चेतनश्चेतनाना
मेको बहुनां यो विदधाति कामान् ।
तमात्मस्थं येनुपश्यन्ति धीरा-
स्तेषा शान्तिः शाश्वती नेतरेषाम् ।।
(कठोपनिषद् २-२-१२, १३)

જે સર્વ પ્રાણીઓના અંતર્યામી, અદ્વિતીય અને બધાંનું નિયંત્રણ કરનારા પરમાત્મા પોતાના એક જ રૂપને બહુ પ્રકારનું બનાવી દે છે; અને જે નિત્યોના પણ નિત્ય છે, ચેતનોનું પણ ચેતન છે તથા જે એકલા જ અનેક જીવોના કર્મફળોના ભોગનું વિધાન કરે છે – તે પોતાની અંદર રહેલા પુરૂષોત્તમને જે ધીર-જ્ઞાની પુરૂષો નિરંતર દેખતો રહે છે તેમને શાશ્વત શાન્તિ મળે છે, બીજાઓને નહિ.
શાંતિ પાઠ

ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते ।
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ।।
ॐ शान्तिः शान्तिः शान्तिः ।
(बरृहतारण्यक उपनिषद् ५-१-१ पूर्वार्ध)

તે સચ્ચિદાનંદ ઘન પરમાત્મા સર્વ પ્રકારે પૂર્ણ છે, આ જગત પણ પૂર્ણ જ છે, કારણકે એ પૂર્ણ બ્રહ્મથી આ પૂર્ણ ઉત્પન્ન થયું છે; પૂર્ણના પૂર્ણને લઈ લેવાતાં પૂર્ણ જ બાકી રહે છે.
અમારા ત્રિવિધ તાપથી શાંતિ થાઓ.
સમાપ્ત.

LIKES

Abubakkar Shaikh

Amit Chauhan

Amit Udvadia
Anam Cara Rames

Anil Chauhan
Anil Parmar
Anila Chauhan
Anitaben Chauhan

Ansuya Hindocha
Arvind Parmar
Aryan Ajugia

Atul Chauhan

Ayush Bharatbhai Parmar
Balubhai Champaneri

Bhanumati Parmar
Bhavik Arya

Bhavna Umeria
bhumika Bhumika
Bhupendra Chauhan

Bhupendra Parmar
Chetan Bhagat
Chetan Champaneri
Damodar Joshi Devanshu
Damyanti Parmar
Deep Chauhan
Devvrat C. Desai
Diwan Thakore

Dr-Praful Purohit

Er Shikha Tailor

Gamanlal Chauhan
Gita Chauhan
Harendra Parmar
Haresh Balsara
Harish Khatri
Harnish Jani

Harnish Khatri
Hemant Solanki
Hiten Kuntawala
Hiteshkumar Y Joshi
Illa Dewshi

Indra Patel

Ishvarlal Champaneri

Jagdish Patel

Jagdish Shah
Jash Parmar

Jay Pratima Mavjee

Jayesh Chauhan
Jitu Pardiwala

Kalakruti Trophy Shop
Kalpesh Parmar
Kanak Champaneri
Kantilal Parmar
Kanubhai Chauhan
Kastendieck Elbert

Kaushik M Champaneri
Kiran Amliwala

Kiran Sadhu

Kishor P Gohil

Krishnakant Chauhan
Krutika Parmar

Madhu Chapaneri

Mahendra Parmar
Mahendra Solanki

Manilal Par

Manish Kumar Bulsara

Manish N Parmar
Manish Parmar
Mayank Parmar
Milind Parmar
Minaxi Chauhan
Natwarlal Amliwala
Nayana Chavda

Nilam Kuntawala

Nilesh Chauhan
Niru Chavda
Parasram Parmar
Prakash Solanki

Pratap Parmar
Pravin Thakkar
Pravin Umrawala
Purushottam Patel
Radhika Joshi
Rajan Devchandani

Rajesh K Parmar
Raman Parmar
Ramanbhai Parmar
Ramanbhai Surti

Ramesh Champaneri

Ramesh Chauhan
Rameshchandra Parmar

Ramniklal Waghela
Rita Chapaneri

Sanjay Parmar
Sanjay Patel
Sasikant Nagar

Shaileshbhai Upadhyay
Sharda Patel Bhula

Shirish Dave

SurajBhan
Suresh Chawda
Thakorbhai Chauhan
Vallabhbhai Degama

Vasantbhai Champaneri
Vibha Chauhan

Vipul Vaghela
Viral Mayngar

Vishal Dhavan

Vrajlal Parmar
Yogesh Parmar
Yogesh Parmar
yogesh Swaminarayan

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s