Contents

નિવેદન… 6

અનુક્રમ.. 7

મનચકોર. 9

આશ્ચર્ય.. 10

શરદની એક રાત્રી… 11

સંયોગભાવ.. 11

ત્રિરંગ.. 12

અજંપો… 14

મન – મગતરું. 15

વિમુક્ત માનવી… 15

ઘેરી રહે તો… 16

જીવનમૃત્યુ… 16

કોણ ?. 17

હા, નિશા… 18

કૃષ્ણત્રયી… 19

દારોગા… 25

સ્પૃહા.. 29

માનવતા… 29

બાળક. 30

કવિ… 31

વિધિકાંકરા.. 31

હસ્તાક્ષર. 32

પહાડીના ફૂલને.. 34

મારી કેડીમાં… 35

આરજૂ.. 36

મૃત્યુની ગાંઠ. 37

ઝાકળ.. 37

ઈશુનું સ્મિત.. 38

શબ્દ હેં ?. 40

પરિસંખ્યા….. 41

કાલ ને આજ.. 42

પલ્લું…. 43

એક દર્શન.. 43

દેહને.. 44

રોમેન્ટિસિઝમ.. 44

ખરી ગોળી છૂટે. 45

કષ્ટાતું સૌન્દર્ય.. 46

લઈ લે આંખો… 47

દીઠાં.. 48

ઘોડાલિયું.. 49

સૌન્દર્ય.. 50

(૨). 51

પૂજારી ને પ્રભુ.. 52

તર્પણ.. 52

બંધન.. 53

મગફળી… 57

હું+એ.. 58

કાશ્મીર. 59

સૉનેટ ૧ લું. 59

સૉનેટ ૨ જું. 60

સૉનેટ ૩ જું. 61

સૉનેટ ૪ થું. 62

સોનેટ ૫ મું.. 63

સોનેટ ૬ ઠ્ઠું. 63

આકર્ષણ.. 64

પતન પ્રેમ.. 65

કાળ.. 65

જૂનુંનવું.. 66

આજ, સખી… 69

સ્મરણાંજલિ… 70

અમદાવાદને.. 72

કાળકોતરમાં… 75

નોરતાં… 76

ગુરૂશિષ્ય… 78

આકર્ષણ.. 78

લુસાકા.. 80

ભોજન.. 82

સ્પુટનિકને.. 83

૩૦મી જાન્યુઆરી ૧૯૫૮.. 84

ખેલદિલી… 85

ત્યાં…. 86

ગોકળ કાના… 87

ચન્દ્રમાને.. 88

શી યાત્રા… 89

શ્રેયશત્રુ.. 90

હરિહંસ.. 90

અમે તો… 91

પારણું.. 91

સુખોદ્ ગમ.. 92

દુઃખોદ્ ગમ.. 93

ખેડૂત.. 93

મધ્યમવર્ગ.. 94

શહેરી.. 95

ચાસ.. 96

કલા દર્શન.. 97

તો ઘણું.. 97

સંગતિ… 98

મજૂર. 98

પુનરાવર્તન.. 99

અનુયાયી… 99

મારા શહેરે. 104

લાલબત્તી… 106

આગાહી.. 106

હાથને શું.. 107

નારિયેળી… 107

જાગૃતિ… 110

પુરદેવતા… 111

तददूरे तदन्तिके.. 116

આવનજાવન.. 141

 

લહરી

ચીમનલાલ લ. વ્યાસ

ˈનિશાકરˈ

મુખ્ય વિક્રેતા.

ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય – પ્રકાશક તથા વિક્રેતા – ગાંધી રસ્તો – અમદાવાદ.

પ્રકાશક – ચીમનલાલ લ. વ્યાસ – પો. બૉક્ષ – ૧૫૪૭ – લુસાકા – (ઉત્તર રહોડેશિયા)

પ્રથમ આવૃત્તિ ː ૧૯૬૩

કિંમત . રૂ।. ૨-૫૦ ન. પૈ.

મુદ્રક

ગોવિંદલાલ જગશીભાઈ શાહ – શારદા મુદ્રણાલય – પાનકોર નાકા – અમદાવાદ.

અર્પણ…

આચાર્યશ્રી રામપ્રસાદ પ્રેમશંકર બક્ષીને…

અપંખાળું પંખી તવ નયનનો નેહ મળતાં,

નિકુંજે કિલ્લોલ કવિતવનની મસ્ત મનડે…

નિવેદન…

જીવનના પરમ રહસ્યના નિતાન્ત રમણીય અણસારાનું કોક વાર અલ્પ વિચાર-પુદગલ ઊગે ને અદ્રશ્ય થઈ જાય છે તેમાંનું ઝીલી શકાયું તેટલાનો કલાવ્યાપાર માંડી આ ˈલહરીˈનું સર્જન કર્યું છે. ભાવબ્રહ્મના ઝગારાને સાકાર કરવાની ઘેલછા ક્યાંથી જાગી તે જાણતો નથી. સૌન્દર્યની ભાવનાને કેટલે અંશે મૂર્ત કરી શક્યો છું તેનીય ખબર નથી; કદાચ ઘેરનો ઘેર પણ હોઉં. શાંતિ અને માંગલ્યની વિશ્વઝંખનામાં ˈલહરીˈ અત્યાલ્પ પણ સાદ પૂરાવી શકશે? આ જ પ્રશ્ન આજે તો હું મને પૂછી રહ્યો છું. લેખન પાછળની મારી આંતરિક વૃત્તિ પર વિવિધ વ્યક્તિઓ, વાચન, સ્વ-પરાનુભવ, આદિની અનેકમુખી અસર થઈ જ હશે.

આમાંનાં કેટલાંક કાવ્યોને પ્રગટ કરનાર સામયિકો તેમજ કવિતા પ્રવૃત્તિને પોષવામાં સહાયભૂત થતા મુરબ્બીઓ ને સ્નેહીઓ પ્રત્યે આભારની લાગણી અનુભવું છું.

ચીમન લ. વ્યાસ – પો. બૉક્ષ – ૧૫૪૭ – લુસાકા – (ઉત્તર રહોડેશિયા).

આવકાર

પૂરાં એકવીસ વર્ષ પહેલાં કવિમિત્ર ચીમન વ્યાસનો મને પરિચય થયો. અલ્પ દિવસોનો એ સંબંધ સમયના માપથી કાર્લાર્ણવ ઉપર સરેલ કોઈ લહરી જેવો જ હતો.

દશેક વર્ષ પછી ફરીને અમે મળ્યા. ત્યારે શ્રી વ્યાસ મુંબઈની એક કોલેજમાં ગુજરાતી ભાષા અને સાહિત્યનું અધ્યાપન કરતા હતા.

વળી દશેક વર્ષે અમદાવાદ આવીને મને તેઓ મળ્યા, ત્યારે જાણ્યું કે દૂર રહોડેશિયામાં તેમણે વસવાટ સ્વીકાર્યો છે, લુસાકા નગરમાં. આ વખતે અંતરિયાળ સમયની ભેટ જેવો એક સંગ્રહ તેઓ આપી ગયા. અધ્યયન અને અધ્યાપનના એમના જીવનકાળમાં યૌવનસુલભ પ્રવૃત્તિ તરીકે એમણે જે દુઃસાહસ કર્યું, તે હતું ચિદાર્ણવમાં પ્રતિ પળ ઉઠતી લહરીઓને શબ્દોની ચાળણીમાં ઉલેચવાનું દુષ્કર કાર્ય.

સહેલું ગણાય ત્યારે પણ લેખન ઝાઝેરા મંથન પછીનું નવનીત હોય છે. ભાષામાં કાવ્યનું અવતરણ સર્વ અર્થમાં ધન્ય પ્રસંગ બને છે, જો કવિને કાવ્ય સિદ્ધ થાય તો. એટલે જ કાવ્યની ખોજમાં વર્ષો અર્પનાર કવિજન સમાજને ઉપકારક લેખાય છે. કાવ્યવ્યાપાર માનવે વેઠેલ યાતનાઓમાં સહુથી નિર્દોષ વ્યાપાર ઠર્યો છે. એ એવો સોદો છે જેમાં બધી ચિંતા અને બધી ખોટ કવિને માથે, અને નફામાં રહ્યું તે સમાજને સમર્પિત.

ˈલહરીˈ આવા પ્રકારની ભેટ હોવાથી હું આદરપૂર્વક તેને સત્કારૂં છું. દૂર આફ્રિકામાં વસીને યોગક્ષેમની પ્રવૃત્તિમાં રચ્યા રહેવું પડે ત્યારે પણ સ્વભાવમાં હૈયાસંપત સાચવીને લેખન કરી રહેલા આ કવિમિત્રના સૌજન્યે મને ઋણી બનાવ્યો છે.

અમદાવાદ                                                       સં. ર. ભટ્ટ

૩-૭-૧૯૬૨

અનુક્રમ

અનુક્રમ નામ પાનું અનુક્રમ નામ પાનું
મનચકોર 3 ૧૮ બાળક 27
આશ્ચર્ય ૧૯ કવિ ૨૮
શરદની એક રાત્રી ૨૦ વિધિકાંકરા ૨૯
સંયોગભાવ ૨૧ હસ્તાક્ષર ૩૦
ત્રિરંગ ૨૨ ભૂલી પડેલી હંસીને ૩૧
અજંપો ૨૩ પહાડીના ફૂલને ૩૨
મન-મગતરૂં ૧૦ ૨૪ મારી કેડીમાં ૩૩
વિમુક્ત માનવી ૧૧ ૨૫ આરજૂ ૩૪
ઘેરી રહે તો ૧૨ ૨૬ મૃત્યુની ગાંઠ ૩૫
૧૦ જીવનમૃત્યુ ૧૩ ૨૭ ઝાકળ ૩૬
૧૧ કોણ? ૧૪ ૨૮ ઈશુનું સ્મિત ૩૭
૧૨ હા, નિશા ૧૫ ૨૯ શબ્દ હેં? ૩૯
૧૩ કૃષ્ણત્રયી ૧૬ ૩૦ પરિસંખ્યા ૪૦
૧૪ દારોગા ૨૨ ૩૧ કાલ ને આજ ૪૧
૧૫ એક નજરે ૨૪ ૩૨ પલ્લું ૪૨
૧૬ સ્પૃહા ૨૫ ૩૩ એક દર્શન ૪૩
૧૭ માનવતા ૨૬ ૩૪ દેહને ૪૪
૩૫ રોમેન્ટિસિઝમ ૪૫ ૬૪ ત્યાં ૯૦
૩૬ ખરી ગોળી છૂટે ૪૬ ૬૫ ગોકળ કાના ૯૧
૩૭ કષ્ટાતું સૌન્દર્ય ૪૮ ૬૬ ચન્દ્રમાન ૯૨
૩૮ લઈ લે આંખો ૪૯ ૬૭ શી યાત્રા ૯૪
૩૯ દીઠાં ૫૦ ૬૮ શ્રેયશત્રુ ૯૫
૪૦ ઘોડાલિયું ૫૧ ૬૯ હરિહંસ ૯૬
૪૧ સૌન્દર્ય ૫૨ ૭૦ અમે તો ૯૭
૪૨ પૂજારી ને પ્રભુ ૫૪ ૭૧ પારણું ૯૮
૪૩ તર્પણ ૫૫ ૭૨ સુખોદગમ ૯૯
૪૪ બંધન ૫૬ ૭૩ દુઃખોદગમ ૧૦૦
૪૫ મગફળી ૫૯ ૭૪ ખેડુત ૧૦૧
૪૬ હું + એ ૬૧ ૭૫ મધ્યમવર્ગ ૧૦૨
૪૭ કાશ્મીર ૬૨ ૭૬ શહેરી ૧૦૩
૪૮ આકર્ષણ ૬૬ ૭૭ ચાસ ૧૦૪
૪૯ પતનપ્રેમ ૬૭ ૭૮ કલાદર્શન ૧૦૫
૫૦ કાળ ૬૮ ૭૯ તો ઘણું ૧૦૬
૫૧ જૂનું નવું ૬૯ ૮૦ સંગતિ ૧૦૭
૫૨ આજ, સખી ૭૨ ૮૧ મજૂર ૧૦૮
૫૩ સ્મરણાંજલિ ૭૩ ૮૨ પુનરાવર્તન ૧૦૯
૫૪ અમદાવાદને ૭૫ ૮૩ અનુયાયી ૧૧૦
૫૫ કાળકોતરમાં ૭૭ ૮૪ મારા શહેરે ૧૧૪
૫૬ નોરતાં ૭૮ ૮૫ લાલ બત્તી ૧૧૫
૫૭ ગુરૂ શિષ્ય ૮૦ ૮૬ અગાહી ૧૧૬
૫૮ આકર્ષણ ૮૧ ૮૭ હાથને શું ૧૧૭
૫૯ લુસાકા ૮૩ ૮૮ નારિયેળી ૧૧૮
૬૦ ભોજન ૮૫ ૮૯ જાગૃતિ ૧૨૦
૬૧ સ્પુટનિકને ૮૬ ૯૦ પુરદેવતા ૧૨૧
૬૨ ૩૦ મી જાન્યુઆરી ૧૯૫૮ ૮૭ ૯૧ तद्तूरे तद्न्तिके ૧૨૫
૬૩ ખેલદિલી ૮૯ ૯૨ આવનજાવન ૧૪૪

 

મનચકોર

મનચકોર ! ક્યાં તું ફરે ?

તૃપ્તિ કાજે સ્થૂળ દેહની આતમ શીદને હરે ?

પ્રેમજ્યોતને પડખે મૂકી પંકમહીં ડગ ભરે ?

મનચકોર ! આ શું કરે ?

ભોજનથાળ ભર્યો હડસેલી સમણાંમાં કાં સરે ?

ગંગાજમના નીર તજી રેતીમાં કૂવા કરે ?

મનચકોર ! અવળું ફરે ?

વિશ્વાસફૂલેલી વિશ્વવાડીમાં શંકાસર્પથી ડરે ?

તુષાર ટીપે તરસ છીપશે ? શાને વલખાં કરે ?

મનચકોર ! શાંતા હરે ?

સ્નેહ છલોછલ સરોવર ભરિયું, મૃગજળ પૂંઠે મરે ?

તર્કતંતુની જાળ રચીને જાતે સપડાઈ મરે ?

મનચકોર ! પાછું ફરે ?

૧૮-૭-૫૨.

આશ્ચર્ય

આકાશ કેરી ધરતી તપાવી,

શુક્રર્ષિ નંદી હળિયે નિયોજી,

તેજોન્ન વાવે વર રોજ ખેડી…

નીંદી કરે તે ય મઘામજૂર,

આછોરતું ને મસ તૂલ ફુલ્લ…

પેખી પ્રમોદે મુનિ નેત્ર ઢાળી,

હસંત ગાંડું ચિર કાળ, કન્યા,

ચારી જતી ત્યાં મૃગલું નિરાંતે…

૬-૭-૫૪.

શરદની એક રાત્રી

સજી શ્વેત સાડી સરી શ્યામરંગી,

નભે વાદળી તે રસી વાડકાંટા,

ભળી ચંદ્રમાં, જ્યાં અબોલા રસંતું,

હતું મોલ ઓઠે કૃષિપ્રીતયુગ્મ…

રમે બાળ શેˈરી, શરીરે સફેદ,

ખરી તેમ તારા ય છૂટા પડેલ.

નવોઢા સુચંપી કરી સાસુકેરી,

જતાં નાથ પાસે થઈ દેર તેથી,

ગયો નિંદરુંમાં લપેટાઈ તેને,

જગાડંત પ્રેમે ભરી ચીમટીને…

મને જાગતાને જગાડી ય તેમ,

નિશા એક આવી જતી શારદી રૈ…

૬-૨-૫૫.

સંયોગભાવ

આછું કેવું હસે છે, શશિયર રવિનું તેજ પામી હસે ને !

અંગાંગે યજ્ઞ યોજી, ધવલ કિરણનો પ્રાણ હોંશે પખાળી…

શાતા સંભાવ્ય ઢોળી, અકલિત ઉરની માંડવીમાં સુવાડી,

મારૂં હૈયું રસે છે, સતત અનિલ જે ગોષ્ઠિદા પુષ્પ ચાહે…

શુકલા રાત્રી ઉતારી સ્વજનસુખ વડાં વસ્ત્ર તારાજડેલાં,

ગાળી વર્ષા વહાવી અનિમિષ નયને રૂપ ચૂમંત તારૂં…

ઘેલી સંયોગદાત્રી રજનિરતિભલી આપણી લગ્નકુંજે,

કેવું ચાહે પ્રભાત શતદલ સબળું રોપવા, શારદા ! તું ?

૩૦-૧૨-૫૪.

ત્રિરંગ

સહું સતત બાળતા પ્રખર વાયરા ગ્રીષ્મના,

વિદગ્ધ ઉરપદ્મના રસપરાગને શોષતા…

તણાય અતિ વૃષ્ટિમાં નવલ અંકુરાદર્શ સૌ,

નવાણસહ હું ધરું ગગનકાલિમા અંતરે…

તળાવ મુજ બુદ્ધિનું મલિનતા ઉઘાડી કરી,

ગ્રહે શરદ સાથમાં અવનિકીટના બિંબને…

સદોષ હિમકાળમાં પ્રણયનીર થીજી જતાં,

બચેલ હરિયાળી તે ધવલતા અકારી ધરે…

અને શિશિર ડારતી અડગ ઊર્મિઓ તે છતાં,

વહું જિવિતભાર કાં વજનમાં વધે જાય જે ?

કહું, શરમ આવતી તદપિ ? આટલી ખેવના ː

વસંતરસ માહરે વહવવા થવું કોકિલા…

(૨) વસંતરસ માહરે વહવવા થવું કોકિલા…

ન શક્ય યદિ એ બને, તદપિ ના બનું ગ્રીષ્મ હું…

પિડાય ધરણી બધી પ્રબળ ઝાળમાં વેરની,

ઉમેરણ ન હું કરું શરણકુંજને બાળવા…

વિષૈલ જગજીભને ઉરસુધારસે સીંચવા,

બનું સફળ તો ભલે, વિષમ વાત ના ઉચ્ચરું…

ધરી જગત સામને ગણિત આત્મસૌન્દર્યનું,

ન વા શિવ સુભાવના જનનનો બનું જ્યોતિષી…

નહીં નયન આકળાં અધિક ઓશિયાળાં કરું,

ન તો વ્યથિત વિશ્વને વ્યથિત ભાર મારે કરું…

થવું પ્રણયપંથનું કુસુમ, કંટકો તીક્ષ્ણ ના,

ઉરે, જગત સુન્દરોત્તર બને, ભરી ઝંખના…

(૩) ઉરે, જગત સુન્દરોત્તર બને, ભરી ઝંખના,

કશુંક વિપરીત હાં, હ્રદયખેતરે જો રહે…

ઉબાણ મસ ખેડવું, અધિક ક્ષારને એહના,

ઉભાણ સડવા દઈ ઉર મહીં જ સૌ દાટવું…

થશે મધુર મોલ શો શિવતણા રસે ઓપતો,

સદા મનુજ માત્રને ધવલ પંથ નિર્દેશતો !

હતાં સકલ લોક જે પ્રથમ પેખતાં વ્યંગમાં,

હવે નિજ કરાંગુલી મુખમહીં ગ્રહી ન્યાળશે…

વળી, સભર આગ્રહે ધન બધું મને વ્હેંચતો,

લહી કવણ ભાવથી મન મહીં ભલા બોધશે !

પરંતુ વિધિ ! ના ગમે અગર આ ય તો એહવું,

દઈ મરણ રાચજે જિવિતથી ચડે સોગણું…    ૮-૧૦-૫૩.

અજંપો

આશા શોધે સુખ હૈયાસાગરમાં,

મનની મીઠાશ હાથ નાˈવી જી રે…

સ્વાતિના મોતીને શોધે સાગરમાં,

મોટાં મોજાં ઉથલાવી જી રે…

ઢાળેલી છીપલીમાં સૂતેલી વેદના,

ઉડીને ચિત્તડે ચોંટી જી રે…

ફેડી ફીટે ન એવી વિરહની વેદના,

રૂંધીને કંઠ નેન ચૂતી જી રે…

તનના તરંગને મનના ઉમંગને,

વીંખીપીંખીને વિષ વામે જી રે…

ઘેલી આ જોવનાઈ કરી અપંગ ને,

વામણી વિરાટ બની ઘૂમે જી રે…

આતમના અજવાળે આંજીને વેદના,

હૈયામાં ઠાલવું ચેતના જી રે…

વાधे ઝાઝી તેમ અંતરની ખેવના,

જાગે મિલન કેરી ઝંખના જી રે…

૧૯-૫-૫૪.

૧૦

મન – મગતરું

છંછેડેલા મણિધર સમું ઓકતું ઝેર શાને,

નાનું શું આ મન-મગતરું માનવીનું સદાય ?

ના કોˈ છેડે તદપિ ? ઉરથી વ્યાપતી પ્રીત રૂંધી,

દેવા ગુસ્સો અતિ વિવશ થૈ આમ ખાલી કરે છે ?

તો નક્કી છે વિજય ઉરનો તેટલો ભવ્ય સદ્ય…

૩૦-૮-૫૩.

૧૧

વિમુક્ત માનવી

ઉષોદય સુકાળની ગણતરીતણો જ્યારથી

થયો, મનુજ ઝૂઝતો રિપુવિમુક્ત થૈ મહાલવા…

હણી હ્રદયસત્ત્વને, રૂધિરઆજ્ય હોમ્યે જતાં,

અનંત વરસો પછી ˮ રિપુ અઠંગ છે માનવી…

સ્વયં નિજ જમાતનો,ˮ સમજ આટલી ઊતરી !

હજી સમય કેટલો વિફલ ઝૂરવું મુક્તિને ?

ચઢી, નિસરણીવડે વિમલ આત્મની, જાતથી,

ઘણા ઉપર ને પછી મલિન લોભઈર્ષ્યા-જડી…

કમાન કડવીતણો કડડ તોડતો સેતુ તે,

વિમુક્ત બસ માનવી, અવર સર્વ બંદી-જનો…

૩૦-૬-૫૪.

૧૨

ઘેરી રહે તો

શકે ન જીવી જન વર્તમાને,

ધારેલ રીતે, ન ભવિષ્ય ખેડે.

વિચાર ભૂતોસમ ભૂતકેરા,

ઘેરી રહે જો મનને સદાય…

૨-૭-૫૪.

૧૩

જીવનમૃત્યુ

મસ્તિષ્કે જે યુદ્ધ જામે ક્ષણાર્ધ,

ઊર્મિપ્રોર્યું શ્રેયનું કલ્પનોત્થ.

લાધે ત્યારે જે અજંપો અદીર્ઘ,

ને આનંદે પ્રાણપાંખો જરાક.

ત્યારે જીવ્યા તેટલી જિંદગાની,

બાકી તો સૌ મોત જીવ્યા કરે છે…

૨૦-૧૦-૫૪.

૧૪

કોણ ?

સૂતાં સંધ્યા, ચોથનો ચન્દ્રમા ને,

પારેવાં સૌ, કોણ જાગે હજી છે ?

સ્વપ્નાં કેરી સૃષ્ટિમાં સ્વાતિ સાથે,

હાથાબેલી માણવી રાત આખી.

તેવો લ્હાવો છોડનારો અભાગી,

આકાશે તે કોણ તાકી રહે છે ?

પૃથ્વી કેરી રસસરિતને તીર ઊભો છતાં ય,

હૈયાઘાવો ગગનસરમાં કોણ ધોવા ચહે છે ?

શ્રદ્ધા છાંડી વનિ પરના ન્યાયના આસનેથી,

તારા ભોમે નિજ વિતકની કોણ ગાથા રડે છે ?

રાત્રી અંતે છે કશું ના બનેલું,

એવી રીતે કોણ ઉલ્લાસઘેલો.

દાબીને સૌ દર્દ ચીત્કાર, ડૂબે,

સૂર્યોત્સાહે કાર્ય અર્ધાં રહેલે ?

કોણે એનું ચિત્ત આવું ઘડીને,

શાને, કેવો વિશ્વવિશ્રમ્ભ યોજ્યો ?

૨૮-૧૧-૫૪.

૧૫

હા, નિશા

કરૂં સ્મરણ તાહરૂં સતત, શર્વરી શામળી !

ન તે તિમિરમાં બધાં દિવસપાપને ભારવા.

ન વા શ્રમ શરીરનો શયનમાં વહી શામવા,

નહીં વિષયની મઝા તવ કને સરી માણવી…

ન રૂદ્ર તવ રૂપથી, ભયકરા ! ડરૂં હું જરી,

કદી અરવ નાદથી ભડકતો નથી તાહરા.

ચહું ન લવ સાધના તવ કુતત્ત્વની હ્રેયના,

ગ્રહી શરણ તાહરૂં મલિનતા ન સંતાડવી.

સદા સ્મિત મુખે ધરી ફલદશા વહું કર્મની,

રહું સબળ ઉદ્યમી વિષયવાસના ત્યાગવા.

ન બીક પરવા કશી તિમિરતેજની કારમા,

ન દીન પણ હું, રખે સદય નેત્રથી દર્શતી.

અદીઠ રવિપુંજની કિરણરેખ કોˈ લાધશે,

લહી, સ્તવન આદરૂં સુભગ શાન્તિદા, ઓ નિશા !

૧૯-૬-૫૪.

૧૬

કૃષ્ણત્રયી

શ્રીકૃષ્ણ રાણીસહ એક રાત્રે,

સૂતેલાˈતા દ્વારિકામાં પ્રમોદે,

ત્યાં શબ્દ આવ્યો ˮ પ્રિય રાધિકા, ઓ !

ઓ રાધિકા રે ! વ્રજની નિવાસી ! ˮ

નિદ્રા નાઠી. સર્વ ઊઠ્યાં. જગાડ્યા,

પાસે આવી પ્રેમથી નાથને ય,

રાણીઓએ.

છતાં ˮ ના થયું છે કશું,ˮ એમ બોલી,

ખરો ભાવ ઢાંક્યો. ગયા તુર્ત ઊંઘી,

જગાડી મહેચ્છા ઘટસ્ફોટકેરી,

બધાં ય રાણી ઉરમાં સમાન.

કરી આમ ચર્ચા સવારે બધી એ ː

૧ લી રાણી — ˮ ક્યમ સહન થવું આ ? ક્યાં લગી આમ રˈશે ?ˮ

૨ જી રાણી — ˮ સકલ કુલવડેરી, રૂપ ને શીલપૂર્ણા,

વહુઅર સજવે છે મ્હેલ, તો યે ન જાણે,

નટવર નવ છોડે નામ રાધાતણું કાં ?ˮ

૩ જી રાણી — ˮ નિદ્રામહીં સ્મરણ જે રમણીતણું છે,

ચાલ્યા કરે, અવલ કાં નવ હોય રૂપે !ˮ

૪ થી રાણી — ˮ શ્રી પ્રાણનાથ સમરે પણ જે પુકારે,

તે શીલરૂપમય રે ! નહિ આપણે કે ?

બધી– ˮ સવારે પૂછશું આ સૌ રોહિણીમાતને નકી.ˮ

સવારે ના,

બપોરે ના ફાવ્યું પ્રિયતમતણાં કાર્ય કરવે.

જરી સંધ્યા પ્હેલાં સકલ મહિષી આતુર મુખે,

ગઈ માતા પાસે,

ધીરેથી ઘનરાધિકા મિલનનો વૃત્તાન્ત છે છેડિયો.

૧૭

રોહિણી— અધિક વસતાં કૃષ્ણકાજે વ્રજે મેં,

જે જોયું છે, મુજ મનમહીં ખૂબ વાગોળિયું છે.

કહેવામાં એ હરકત નથી. જા, સુભદ્રા ! અહીંથી,

દ્વારે ચોકી સરસસ કરજે, આવવા ના દઈશ

કોˈ દેહીને.

આવે ને જો કૃષ્ણ તેને ય ના જ

ક્હેવી તારે.

  • 0

સુભદ્રા ગઈ કે બધી કાન માંડી,

સરી માત પાસે. થઈ વાત ચાલુ.

વાતોની અસરે કરી નટવર ક્ષુબ્ધાત્મ થાતા ગયા,

બેઠેલા નવકુંજમાં તદપિ, તે અંતઃપુરે આવિયા.

સુભદ્રાએ કરી આડા હાથ ને અટકાવિયા.

ઊભા ઊભા પરમ ગરવી રાસલીલાકથાને,

સૂણી આંખે અમિત વહવી સ્વર્ગગંગાદ્વિધારા.

દેખી અવસ્થા ઘનનેહયુક્ત,

સુભદ્રા ય પામી મહાભાવ એવા.

૧૮

સંવેદનોત્થ સબળી સ્થિતિ પામવાથી,

વૃન્દાવનેશ્વરમહીં સઘળી સમાઈ,

રાણી રૂડા શ્રવણથી ઉરભાવ પોષી.

અદ્વૈત રાધાસહ કૃષ્ણ સાથે સાધી થઈ સૌ સર્વાત્મરૂપ.

(૨)

એકદા યમુનાતીર્થે સ્નાનાર્થે રાધિકા ગઈ,

યોગાનુયોગ એવો, ત્યાં રાણીઓ યાદવી હતી.

પછી કાં કૃષ્ણ ના તહીં ?

આ આરે જવ રાધિકા જલમહીં ક્રીડા કરે એકલી,

પેલે આરે રાજવીવંશ આખો.

વચ્ચે ખેલે નટવર ધરી બંસરી જિંદગીની.

ભાળી રાધા જે કિનારે, બધીએ,

પ્હોંચી રાણી,

સૂણેલું બહુ વાર નામ ગરવું રાધાતણું એટલે,

આજે આવો મજાનો અવસર મળિયો તે જતો કેમ થાય ?

તેથી –

રાધા ઘણી ખુશ થઈ સઘળાં નિહાળી,

કૃષ્ણાત્મનાં પ્રિયજનો નિજનાં ગણીને.

રાધા કેરાં શીલ, સૌન્દર્યકેરો,

રાણીઓ પે ખૂબ પડ્યો પ્રભાવ.

તેથી લાવી દૂધ, આપ્યું. દુલારી,

રાજી થાતી પી ગઈ પ્રીતરૂપ.

પછી ઘરે ગૈ પ્રભુ વંદતાંક…

૧૯

રાત્રે નટવર અને રૂકિમણી પાસપાસા,

ત્યારે ભાળ્યાં વિભુવરતણાં પાદપાની બળેલાં.

બોલાવી સઘળી નિવાસરમણી.

શોધ્યું, થયું આમ કાં ?

લાધ્યું કારણ ના કશું.

નટવરે આંખો ઉઘાડી તહીં.

પૂછ્યું ː ˮ દાઝ્યા ક્યારે પગે આ ?

ક્યમ નવ અમને જાણ કીધી જરાય ?ˮ

જરા વાર તો ના કશું કૃષ્ણ બોલ્યા.

થતાં સબળ આગ્રહ સ્વર કરી ઘણો મીઠડો,

વદ્યા ː ˮ સરલ રાધિકા ઉરમહીં વસે પાય આ,

સદા. પળ થતા નથી અલગ. બંધને રાચતા.

અને ગરમ દૂધ સૌ સ્વજનશાં તમે આપિયું,

ગણી તવ કૃપા બધું ગટગટાવિયું પ્રેમથી.

ગયું જઠરમાં તહીં ચરણ દાઝિયા સ્હેજ છે. ˮ

0

તરત સમજી રાણીઓ પ્રેમમૂલ્ય.

ચલિત મન થયાં ત્યાં સ્થિર ને નાદયુક્ત.

ભવન વિમલમાંહે રાસ જામ્યો અગમ્ય.

( ૩)

ગોપી કેરાં નામ સૂણે તહીં છે,

બંસીધારી સર્વ વેઠે વિકાર,

એક્કી સાથે. એટલે ખૂબ ઈર્ષ્યા

રાણીઓને થાય. લીલા નટેશે,

તેથી માંડી, ને થયા ખૂબ માંદા.

૨૦

વૈદ્યે આવી, ˮ ઔષધી આપવામાં.ˮ

ઉચ્ચાર્યું છે, ˮ પાદરેણુ જરૂરી. ˮ

ˮ આપે છે એ કોણ ? ˮ પૂછ્યું સભામાં,

શેˈરે, ગામેગામ, તો યે ન લાધી.

રાણીઓ તો પૂજ્યભાવે નિહાળે,

સ્વામી, તેથી સાવ મૂંગી રહી જ.

આવે, જતા અનુચરો, પણ હાથ ખાલી.

0          0

તદા વિકલ કૃષ્ણની વિપત ટાળવા ઓધવ,

ગયા વ્રજ ભણી.

ગોપી ઘેલી કૃષ્ણની માંદગીની,

વાતો સૂણી કંપવા ખૂબ માંડી.

માગી જ્યારે પદરજ દવા સાથ પાવા લગાર,

સૌને માથે મરણવસમી વિજળીઓ પડી ત્યાં.

ત્યાં તો રાધા છટાથી ચરણ કમલને આપતી હર્ષઘેલી,

બોલી : ” લે લો. અમારે કઠિન ન કશું નાથ કાજે જરીય. ”

” હાં, હાં, ગાંડી ! શું કરે આ ? ન ભાન ? ”

બોલી ગોપી એક સાથે બધી જ.

ઓધવે ય પડી પાછા આટલું ઉચ્ચારિયું :

” રાધા આજે પતનફલને આમ કાં આવકારે ? ”

૨૧

રાધા – પતન મળતાં નાથ જો સ્વસ્થ થાય,

મારે માટે પતન, સુરની ભોમકાથી સવાયુ.

ઓધવે પ્રેમધારથી શુદ્ધ કાયા કરી અને

મસળી મસ લૈ રજને ડિલ પે.

રહી શેષ તેની કરી પોટલી ને,

ગયા કૃષ્ણ પાસે.

0          0

ગયો ગર્વ ને મોહ રાણી તણો ન,

વહી પ્રીત ગંગા યમુના સમેત.

૩-૫-૫૭.

૨૨

દારોગા

જોતરી હળ, પરોણીઆરે,

‘ હાલો મારા બાપા ‘ લલકારી,

ડુંડાંનું હાલરૂં ઘવરાવી,

હોજરી જગની ધરપાવી,

જીવ્યા કરે તેમાં ઊગે શી ચતુરાઈ ચાલાક શહેરની ?

ચાસનાં ચીતરામણ,

ચવડાની ચોખ્ખાઈ,

પાણતની પ્રીત,

ક્યાંથી વરે કોઈ ફિલ્મી ગીત ?

સુથાર સઘળા એને જ કાજ,

કારીગરીના પલટે સાજ સોળે કળાએ.

હોંશે હળ, ગાલ્લા ને ધૂંસરીની,

કરતા કાયાપલટ.

કોસના ચાકળાના ડામરાની સર્જે ભાત નવનવલી.

ઘણ ને એરણ, લોઢું લાલ,

ધમણતાલે ગજવે કોઢ,

ગાળે લુહાર હાડ ને માંસ ચાર ને છની એ ઓરડીમાં,

ભારેલી ભઠ્ઠીની ગરમી પડકારતો,

ઘડ્યે જતો કોશ, કોદાળી, પાવડા,

દાતરડાંને કકરાવતો,

ખેડુને પડખે ખડે પગે શિયાળે, ઉનાળે, ચોમાસે.

૨૩

કુંભાર વિશ્વકર્માનો ચોથો અવતાર,

ઘડે છે માટલાં, રામથાળી ટપલાથી,

ચાકે ચડાવે માટીના પિંડ એકેકથી ચડિયાતા.

ખળામાં એ આવે, ન આવે તો ય,

અબોટ સુખડી પામે છે પ્રેમથી.

ગામડિયા આ કરે પતીજ પોતાના કામની, ન અન્યની.

સાવધાન રહીને કર્મ માનીને ધર્મ પાળે પોતાનું,

ન ઓતરે કોઈનું.

ઝળાંઝળાં, રચ્યાંપચ્યાં નિજ રૂપમાં ખૂબ,

નગરો આપણાં કર્યાં તે એમણે.

ચડતીપડતીના પછડાટ, ઈચ્છા ઘરના અદના વાસ,

કદી ન ચાહે મૂંગા પ્રાણ એ મૂર્તિના.

એમને ન જાહેર સભાનો મોહ.

પદવી, ખુરશીથી રહેતા દૂર,

કાયદાની ગૂંચમાં પડતા ના. કાજીના ન્યાયને સમજે ના,

કોઈના ય કાજી થતાં ગભરાય, ડરતા એકલા ભગવાનથી,

દુનિયાની દાનતતે ચોખ્ખી રાખવા મથતા.

આવકાર્યા ના હોય તો આજ,

ચાલો ઉમંગે ઉરને ઠામ,

વસાવી એમને અર્ચવા મથીએ,

ગામઠી ભાષાના ભાવ, મીઠાં મજૂરીનાં રોટલા-છાશ.

૧૯-૫-૫૭.

૨૪

એક નજરે

મળેલા તે દા’ડે નટવર ! તમે, છે સ્મરણમાં :

ન બોલ્યા કે ચાલ્યા, નયન પણ નો’તાં નચવિયાં.

કરેલું મેં નક્કી : બસ, અવ તમારી નજરથી,

રહી છેટે મારે તવ હ્રદયઉન્માદ વધતો,

વધારી જોવું છે દ્રઢ મન કરી ગોકુલતણી,

ગલીમાં સંતાઈ. તદપિ,

થતાં ચારે નેત્રો મિલનરસરંગે ચમકતાં,

ધસી આવ્યું હોઠે દરશન કરીને મરકતાં,

થઈ હૈયું પાણી,

રિસાયેલું પેલું મન તરત દોડ્યું રઢ કરી,

રચી દેહે લીલા પ્રિય ભુજતણા સ્વસ્તિકમહીં.

બધી બાજી મારી વિફલ બસ આ એક નજરે !

૨૩-૫-૫૪.

૨૫

સ્પૃહા

મારાં સુંદર શમણાંના ઓરતા શરમાવશો ના પળવાર.

મારાં બુદ્ધિ ને બળનો બકવા મન ધરશો ના પળવાર.

વેગ આકાર ને રંગની લીલા આશાભરી મબલખ,

તેને તજાવી અસંતોષ વરવા ભેરવો ના ભયખખ, રે. – મારાં.

પંખીને ભાવે કભાવે મળી તેથી પાંખો તે ઊડે રોજ,

સુંદરવરની વિશ્રામડાળની નિત્ય કર્યા કરે ખોજ, રે. – મારાં.

મહિમા પરોઢની સુંદરતાનો, કોકિલ કલશોર,

બળબળતા બપોરના હૈયે સત્વ ભરો કંઈ ઓર, રે. – મારાં.

૨૦-૫-૫૭.

૨૬

માનવતા

બેઠી સુવિદ્યારસશારદા ત્યાં,

દવાતણી લે દિલડાક્ટોરી,

કૃષ્ણોર્મિકેરાં મૃદુ હેતવારિ,

કરંત આઘી મુજ માંદગીને,

હંસાત્મભાવે મનમૌક્તિકો સૌ,

આરોગ્યકેરાં વહતાં હતાં જ.

દામોદરે સૌ ઉપચાર કીધા.

ન માંદગી એ : સ્થિતિ નેહકરી.

0                      0

આજે અહીં હું બહુ દૂર આવી,

દવા-ઘરે જ્યાં મસ રંગભેદ,

શય્યામહીં છું તવ યાદ આવ્યે,

નિદ્રા પખાળું મનચિત્ર જોતો,

ચૂમ્યો કહીને : ” ક્યમ ? હું અહીં ના ?

સાજો કરીને જ ઠરીશ, જોજે. ”

0                      0

ભાળ્યાં વિભેદે હસતાં અભેદ,

શ્વેતાંગ ભૂરાં નયનો મહીં મેં,

દામોદરી ને ત્રણ હેતરૂપ.

કદી ન ભૂલું મનુરૂપ આ તો.

૧૦-૧૦-૫૪.

૨૭

બાળક

તા તા, પા પા, મ મા મા કલરવ કરતું ઘૂંટણે જિંદગીની,

ખૂંદે તાજી તળેટી, લઘુ ખગનયને શૃંગ પે મીટ માંડે,

નાના દેહે લળીને મૃદુ ખગુણ વિમુક્તાત્મ ભાવે વિલોકે,

દૂધાધારી વહંતી હ્રદયમધુરતા ઓસમાં ચાટવાને,

અંગાંગે ઠેકનારૂં, લ લ લ લ લવતી જીભ વાગોળનારૂં,

” પૃથ્વી નાની ઘણી, છું સમયબલધણી ” એહવો શ્વાસ લેતું.

છો ને મોટાં થયાં તો, પતન પણ ભલે આપણું થાય અદ્ય,

ઊંચે વા ખીણમાંહે ટમ ટમ ટમતા પ્રાણના દીપ બૂઝે.

કાલે મોટું થવાનું જિવિત શિશુમહીં આપણું જે રમે છે,

પાછું પ્હાડી ચડીને શિખર પર ધજા કો’પળે રોપવાનું.

૧૨-૧-૫૫.

૨૮

કવિ

વિરાટ દર્શનાત્મના અધીર શુક્રતેજમાં,

કષાય કલ્પના ભરી કરંત શબ્દમાંડણી,

મહીં સ્વરૂપદ્રદર્શનાર્થ વિશ્વ અંડસારની,

ભરંત ઊર્મિ ઉષ્ણ, મસ્ત, કર્મસંનિકર્ષની.

સમાય અર્થ શબ્દમાં પ્રાણ, અંગ, ચિત્ત લૈ,

અવર્ણ્ય ખેળ મેળવી વણંત કાવ્યબાંધણી.

૧૧-૧-૫૫.

૨૯

વિધિકાંકરા

નાખી પા’ણા કૌતુકે શાંત નીરે,

ઊઠન્તા સૌ બુદબુદો નીરખું છું.

ન્યાળે તેવી રીતથી ત્યાં વિધાતા,

ફેંકી તૃષ્ણાકાંકરા જિંદગીમાં.

૧૫-૯-૫૨.

૩૦

હસ્તાક્ષર

વાયુએ ઉરાડી વેળુમાં,

ભથવારીના પાલવમાં,

કન્યાકેરા કુંતલમાં,

મુગ્ધાકેરા મૌનમહીં,

કવિઓની, ગીતોની, નર્તકીની ન્યાતમાં,

ઘરડા ગાલની કરચલીઓમાં,

સીમંતિનીના સેંથામાં,

દરિયાના ઓટલે ઓટની જમાતમાં,

પંખીની પાંખે, પશુની આંખે,

ખરતાં પાંદડાંની વાટમાં,

ગોવાળિયાની ગદતી ડાંગે,

નાનેરાં બાળના સુંવાળા વાને,

સંતાકૂકડી રમતા પ્રેમે,

અવધૂતકેરા કેશમહીં,

ફૂલમહીં, ફળબીજમહીં,

આમ અહીં, વળી તેમ તહીં,

નજરે નજરે, પગલે પગલે,

સઘળે પ્રભુ તેં સહી કીધ ખરી,

નવ ઝાંખી થતી , ન ભૂંસાય કદી,

નહિ એવી કરી શક્યું કોઈ હજી.

૨૧-૫-૫૭.

૩૧

ભૂલી પડેલી હંસીને

મ્હેંક પદ્મપરાગ મસૃણ પગે, મોંમાં મૃણાલાંકુર,

ચાલે તે યે વિવેક તાલસર, છે નેત્રાંબુજો કામણાં.

ગ્રીવા માનસકેલિયોગ્ય નમણી, વાણી મધુસ્વાદિની,

અંગાંગે નવલી છટા, ધવલતા બાહ્યાંતરે વ્યાપતી.

એવી લૈ કમનીયતા વરસતી દેહાત્મના ઐક્યની,

હંસી ! શેં બકરાજમાં અવતરી ? એમાં જ શું જીવશે ?

તારાં શીલ સુભાવની કદર શું એ તુચ્છબુદ્ધિ કરે !

ના, ના. જા, કલરાજ હંસકુલના સાન્નિધ્યમાં, માનસી !

૧૪-૮-૫૩.

૩૨

પહાડીના ફૂલને

ઓ પહાડીના ફૂલ,

કંટાળા ને કલાર વચ્ચે ઊગ્યું, કોની ભૂલ ?

કાંટાળા પથરાળી ભોમે મઘમઘતા મસ ફૂલ !

રૂપરસેલા  ફૂલ !

પહાડી કેરી કરાડ કોરી ઘાલ્યાં ઊંડે મૂળ,

નાચે નિત્યે નમણું ગાંડી માથે ઘાલી ધૂળ.

કર્મકળેલા ફૂલ !

શૂળો વીંધી અંગો ત્યારે અંતરમાં મશગૂલ,

વાંકુંચૂંકું વધતું જાતું કરી શૂળશું સૂલ.

એકલવાયા ફૂલ !

પા’ણે દીધા તાતા ઘાએ છુંદાતું આમૂલ,

હોંશે તો યે વહેંચ્યે જાતું પ્રેમપદારથતૂલ.

ત્યાગ રળેલા ફૂલ !

કામણકોર્યું જીવન તારૂં, સુંદર આ તો ભૂલ !

મનડું મહાલે ધરતીઢાળે, આકાશે દિલ ડૂલ.

ઓ ધરતીના ફૂલ !

૯-૧૧-૫૪.

૩૩

મારી કેડીમાં

મારા કેડીમાં જાળાં, ઝાંખરાં, કાંટા, કાંકરા ખૂબ,

જાનારાં ધોરી વાટનાં બધાં તેથી ચઢી છે ઊબ,

જતો મને એકલો જોતાં, મુસાફર ભાળી રહેતાં.

વાવ, કૂવાનું નામ ન મળે, વડ, આંબાવણ વાટ,

આરામ ઈચ્છે ન આંતરડી ય, તાપ પડે છો અઘાટ,

લાગે મને સીધું જાતો, લોકજીભે છું ‘પાગલ’ હું તો.

ડાહ્યા થઈને કામ જ શું છે ? ડાહ્યાપણું છે જૂઠ,

વરતે કાળો કેર જગે તો ય ડાહ્યા ન વાળે પૂંઠ,

ભળું શીદ એ વણઝારે ? અનાવિલ અરમાન મારે.

ભાથું મારા જીવનું બાંધ્યું, ભોમિયો કેવળ આંખ,

દેહની ટેકણ લાકડી લીધી ભલે થવાતું ખાખ,

એવું ધારી ધસતો જાતો, મઝા એની હું જ કમાતો.

ધોરી વાટતણો મોહ નહીં ને ત્યાગવું એ જ સબબ,

હૈયાને ચીંથરે મનનાં મોતીનો બાંધેલ છે અસબાબ,

લુંટાવાનું ગમતું મને, ખુમારી વાટની છે ને ?

આયખું છોને ઉતરડાતું, વાટ પૂરી છો ન થાય,

તો  ય ન મારે પાછા વળવું, ચાહે જનાવર ખાય,

તે દિ’ એની ભૂખ ધરાશે, અવરને જીવ ન લેશે.

૨૮-૫-૫૪.

૩૪

આરજૂ

ભલા દિનકરે તજી ક્ષિતિજ, શર્વરી ગોદમાં,

લઈ સકલ સૃષ્ટિને વિલસતી મહા મોદમાં,

કરી વિવિધ ગેલ ને હરણ, મેષ, કન્યા, બધાં,

પડે ગગન બાગનાં કુસુમ સૂંઘતાં ગંગમાં.

ઈશારત કરી મને તરત નિંદરાદેશમાં,

નિશા નિરવ લે ગઈ, બહવ મંડળો ઘેનમાં,

અદીઠ અતિ રમ્ય ને અધિક ભવ્ય સ્વપ્નોતણાં,

તહીં અતિથિશા મને અગણ ભાવથી ભેટિયાં.

નિરાશ નહિ ઊર્મિ કો’, વિરહનાં નહીં ખોરડાં,

ન વા નયન શુષ્ક, ના દમન, દાનવી દ્વેષ ના,

અભૂતસહ ભૂતનાં સ્મરણ હર્ષથી ભેટતાં,

બધાં અકલ વાદને મન સુષુપ્તમાં નાચતાં.

હરો રજનિ ! આજનાં અમિત કષ્ટ, ને કાલની,

ભરો સહનશીલતા અગમ દેશમાં ફેરવી.

૨૪-૬-૫૪.

૩૫

મૃત્યુની ગાંઠ

ઝંખાતી કો’ ઝંખના પોષવાને,

સૌન્દર્યોની આદરી ખોજ મેં તે,

જે જે ભાળું શબ્દ સાજે સજાવી,

ગાયે રાખું સર્વમાં સુન્દરાત્મ,

પેખી, માણું સર્જનાનંદ સખ્ય.

વૈરાયેલા કાવ્યમાં શબ્દ જેમ,

સંઘર્ષોની જીવતો જિંદગાની,

માંહે રેડી દ્રષ્ટિનું પૂત રૂપ,

માણું તેવું, આજ સૌન્દર્યમાંહે,

સત્યાત્માના ભર્ગની ભવ્ય રેખા,

કેવી છે તે માણવા કર્મ માંડ્યાં.

સ્વર્ગે જાવા સદ્ય ના ચાહતો હું.

જાવા દા’ડે યે કરી ગાંઠ જાવું,

પૃથ્વીકેરા રૂપને વેરવા ત્યાં.

૩-૨-૫૬.

૩૬

ઝાકળ

ઝાકળના બિંદુમાં સૂતેલાં શમણાં,

ઉષા ઊગી ને મેં દીઠાં નવાં.

એવાં અજાણ્યાં, નાનાં ને નિર્દોષ,

જૂની કથાનાં પાસાં નવાં.

ઘાસની જાજમ ઘેરીમાં કાળું,

પંકી પીળી ચાંચે ચૂગે.

આકાશી નૂરને અવનિવાળું,

સોનુંરૂપું શી રીતે પૂગે ?

સૂનેરી કૂંજે અરૂણઘોડલા,

આવીને મૂંગા હણહણ્યા.

નીચાં નમીને ફૂલ તાળીઓ લેતાં,

ક્યારાને માંડવે માવજી જડ્યા.

પહેલા ખોળાનું આકાશી વહાણું,

ભાળીને મનડું ભાન ભૂલ્યું.

અંતરના પાઠ એના વાંચીને જીવતર,

ઊંડા અજાણ્યા દેશે ડૂલ્યું.

૨૧-૫-૫૭.

૩૭ – ૩૮

ઈશુનું સ્મિત

તજીને હિંદની માયા, કુટુંબ વિશ્વને ગણી,

વસંતાં ટ્રાન્સવાલે બે કુટુંબો કૈંક વર્ષથી.

સજાવી જંગલે કુંજ પ્રકૃતિજન્ય સ્નાનના,

આગારોની સમીપે, ત્યાં યાત્રીઓ શાંતિ પામતા.

છવાયાં રંગભેદનાં ઝાંખરાં બળતાં છતાં,

અભેદે પ્રીતથી માલ દુકાને વેચતાં હતાં.

પ્રવાસી સર્વ દેશોના પ્રશંસા કરતા જતા,

હિન્દીના ભાવ હૈયાના-માલના સરખાવતા.

અદેખા શ્વેતવર્ણોએ ઠરાવ્યું તો ય ઠાઠથી :

“જશો ના એ દુકાને” કહે. દુકાનો ગોઠવી નવી.

પરંતુ પ્રીતનાં ભૂખ્યાં માનવી માનવી ચહે,

માલના ભાવ છે ગૌણ, પ્રીત તો પ્રીતમાં વહે.

સત્તાના તોરમાં આવી દુકાનો નજદીકનો,

કુંડનો માર્ગ રૂંધીને લાંબો અન્ય ઉઘાડિયો.

નવા રસ્તે ઘણા વાંકે નાશ છે જાનમાલનો,

કાયદો કરનારાંને સ્પર્શ સંહારનો થતો ?

અંતરાયો છતાં સૌએ ઘરાકો ત્રાસ વેઠતાં,

હિન્દીઓની દુકાનેથી ખરીદી ખૂબ રાચતાં.

ખમાયું આય ના તેથી દુકાનો ઘેરતી ઘણી,

તારની વાડ બાંધીને મનાઈ સખ્ત છે કરી.

છતાં વેપાર તો ચાલે, સત્તાધારી વિમાસતા,

પ્રજાના સુખને બ્હાને રંગનો ભેદ રંગતા.

ચણી દિવાલ મોટી ને ખાઈ ચોમેરથી કરી,

લગાવ્યું પાટિયું : સૌના ભલાને કાજ આ બધું.

ભલાં જે રંગમાં લાગે, ભલાં હોયે ન સૌ જનો,

ખુદાના નૂરનાં જાયાં ખુદાઈથી જ શોભતાં.

હતું છેટું છસો વાર, દોઢ ગાઉ થયું છતાં,

સજ્જનો સર્વ આવે છે, ભીંતથી બૂમ મારતાં.

હિન્દીઓ માલ વેચે છે તારથી દેહ વીંધતા,

સીડીને ભીંત પે માંડી ખાઈથી દૂર ફેંકતા.

મઝા એમાં ઘરાકોને અનેરી આવતી હશે,

સેવા-પ્રેમતણો ભૂખ્યો ઈશુ યે હસતો હશે.

૮-૫-૫૫.

૩૯

શબ્દ હેં ?

સુવર્ણ રંગ પુષ્પનો, સુરાગકંઠ કોકિલ-

-તણો ગ્રહી વિશિષ્ટ જન્મ ધારતો તું, ગર્વિલા !

અખંડ જન્મચક્રનું ભરેલ કાવ્ય હાર્દમાં,

ઉમંગવસ્ત્રથી સજે વિચાર દેહ વ્યંગમાં.

વિલાય નિત્ય તું મરી, તુરંત જન્મતો ફરી,

સિવાય જન્મ મોત તેં ન વાત દૂસરી કરી.

અનંત કાળ પૂર્વથી અનંગ જિંદગીતણી,

અભંગ આભલે ભરી અમંદ રેખને ગણી.

લસંત ઓઠ ઓઠ યે વિસ્મત તંતુવાદ્યશો,

ભરંત ગીત વિશ્વમાં અભીષ્ટ મીષ્ટ દેવશો.

કરંત કન્યકાતણો અદીઠ નેહ વ્યક્ત તું,

મહાનુભૂતિજન્ય બોધ આપતો વિદૂર તું.

અભેદવાદનું રહસ્ય ખોલતો કદીક તે,

વહંત નેહ અર્પવા ધરાતણો મનુષ્યને.

લડાવતો કદીક અન્ય જીભથી અરિષ્ટ થૈ,

વિષણ્ણ તેમ શાંતિકાજ માનવો લડંત કૈં.

અજંપ ઊર્મિબંધુ ! તું અભદ્ર જીવ અંતરે,

પડેલ ભદ્રભાવના જગાડશે ન, શબ્દ, હેં ?

૨૯-૫-૫૪.

૪૦

પરિસંખ્યા

કહો જી, મારે ક્યાં જઈ ને રહેવું ?

કાનાને તમે કેમ ન કહેતાં કાંઈ હોય જે કહેવું ?

શાને મારે માથે નાખો ના સહેવાનું સહેવું ? – કહોજી.

ઘરમાં તો એ સૌનો પ્યારો, શી રીતે કહું “જા, રે” ?

બહાર તો બહાવરી ગોપીઓને ગાયોની જેમ ચારે. – કહોજી.

ઊંચે જોઉં તો આકાશેથી વેણુ બજાવે વહાલો,

નીચે જોતાં સઘળે પ્રીતમ પ્રગટે છે મતવાલો. – કહોજી.

નાઠી નાઠી જમના ઝીલું, થાતો એ આરે ચાવો,

કદંબ ઓઠે એકલી રોતાં સાદ પુરાવે માવો. – કહોજી.

હું જ્યાં હોઉં ત્યાં એ મદારી માંકડાં પકડી લાવે,

જેમ હું થાવા દૂર મથુંને, રમાં ધૂન મચાવે. – કહોજી.

રોકો જી એને તો જરા મારે જોવું.

૨૧-૫-૫૭.

૪૧

કાલ ને આજ

જ્યારે હતાં ને સઘળાં કિશોર,

માંદા પડીને મરતાં વિશેષ,

નિર્માલ્ય ને ભૂખડી બારસોશાં,

ના જીવવા ચાહતાં’તાં અશક્ત.

આજે જુવાની સુખથી ભરેલી,

આવી મળી છે, બહુ ડૉક્ટરોને,

રોગો, દવા છે, અતિ જ્ઞાન લાધ્યું,

તેથી પથારીવશ કેમ થાવું,

લેવી દવા શી, દરદી બનીને,

જીવ્યે જવાનું બહુ આવડે છે,

ને જે મરે તે વણ-માંદગીએ,

યુદ્ધે નહીં તો ઉરભગ્ન થાતાં.

૧૨-૭-૫૭.

૪૨

પલ્લું

નાણાંપ્રધાન — મારૂં ખાતું ખૂબ પૈસા કમાતું,

તોયે ખાદ્યે સર્વ ખર્ચાય સાથે.

ખોરાકપ્રધાન — જે ઊગે તે સર્વ પૈસો બને છે,

તેથી મારે માગવા અન્નભીખ,

ખાતું મૂકી દૂર જાવું પડે છે.

હું – બન્ને સાચા. હાલ મારા ગવાહી,

પૂરે તેની. વાંક મારો, પ્રજા હું.

૧૫-૭-૫૭.

૪૩-૪૪-૪૫

એક દર્શન

ભિન્નત્વમાં પણ અભિન્ન લસે કશુંક,

ને એકમાં વસત ભાવ અનેક સાથે.

આ વાતને સમજવી અઘરી પડી તે,

નિત્યે વિચાર કરતો મનખાં ચહું, ત્યાં,

સૌન્દર્ય, સ્નેહ, નમણી ગતિ સાંપડી, ને,

ભાળી શકુન્તલ ગુણો ત્રણની બનેલી.

૧૦-૬-૫૭.

૪૪

દેહને

અરે પ્યારી માયા ! તવ ઉરમહીં કો’ દિન થતું :

તને ચાહી ખૂંદી અતિ મૃદુ કરે સૌ જન સદા ?

૧૫-૬-૫૭.

૪૫

રોમેન્ટિસિઝમ

  1. – આવાં તે શાં જગ લજવતાં ચિત્ર આ ચીતરે છે ?
  2. – પૈસા માટે ઉર વહવવું શક્ય શાનું બને રે !

નિત્યે એ તો ત્રણ ડઝનની નેમ પૂરી કરે છે !

  1. – ચાલો ત્યારે ગૃહ સજવતાં જીવતાં ચિત્ર જોવા.

૨૯-૬-૫૭.

૪૬ – ૪૭

ખરી ગોળી છૂટે

ખરી ગોળી છૂટે,

બધાં હૈયાં વીંધે,

મહા અંધાપાળી યુગયુગતણા,

મહાકાળી જાણે રસકસવણી તપ્ત ધરણી,

હથોડે ઠોકેલી ઈશુઉરપરે ચૂંકસમ, ને,

હજી આજે જાણે સનનન કરંતી સરકતી,

પિતાહૈયે પેઠી, જગતિમિર જેવી,

બધે તેવી છૂટે.

હજી ગોળી છૂટે,

હથોડાના સૂરો હ્રદયધબકારામહીં બજે,

હજી એવી ગોળીઅસર જગમાં, અંધ જનને,

વધારે સંતાપે રવિકિરણઉષ્મા તેમ જ, પિતા !

અમારે યે થ્યું’તું તવ પદરવ થતાં,

પછી કાં ના છૂટે ?

ઘણી ગોળી છૂટે.

હણી ગ્રીકોએ રે ! સ્વજન નિજ, ફીણ્યું નવ કશું.

કશું વીંધી કૃષ્ણ પ્રથિત યદુવંશે ય લણિયું ?

વધારામાં ખોયું જિવિત, બળ, ચરિત્ર્ય, સઘળું.

અને માથે લાદી,

મહાત્મા એવાની પ્રસવકર પીડા અવનિને,

વકાસે મોં આજે.

છતાં ગોળી છૂટે.

બધે ગોળી છૂટે,

નહીં તો યે લેશે રૂધિરતરસી રેત પલળે,

ન તો શાતા પામે મનુજમન દંભી લડકણાં,

નવા એકે માંડી કદમ પણ પૃથ્વી રજ બઢે.

હતી ત્યાં ને ત્યાં છે.

હતી જેવી, તેવી.

ભલે ગોળી છૂટે,

ભલે પાપે રેડ્યું રૂધિર વહતું સૌ અનઘનું.

મરે છે તેને તો અનલ હકની રિદ્ધિ વરતી.

સદા તેથી ગૂંજે સ્વર ગગનભેદી રૂધિરનો :

ચહું વ્હેવા નિત્યે પલપલ તવાર્થે, પ્રિયતમ !

અને ગોળી છૂટે.

૧-૮-૫૫.

૪૮

કષ્ટાતું સૌન્દર્ય

હું જાણે કે વિશ્વવેત્તા ન હોઉં,

શોધ્યે જાતો ટેકરીપે ભમંતો,

મૂલ્યો મોંઘાં માણસાઈતણાં, ત્યાં,

દીઠો મારો ભોમિયો શીર્ણ જોડા,

દાબી બેઠો.

જીંદગીના ઝગારા

અંગેઠીમાં ઊઠતા તાકતો જૈ

શેક્યે જાતો રોટલા વેદનાના,

પાસું એકે ના રહે ક્યાંય કાચું,

એવી રીતે, શંકરાચાર્યકેરી,

ગાદી સામે હાથ લાંબા કરંતો,

દાઝ્યે જાતો (ના હતી તાવડી તે).

દીઠું આ જ્યાં દ્રષ્ય, ઉદ્વેગ જાગ્યો.

ઉર્મિ મારી સ્વર્ગથી ઊતરીને,

પેઠી પૃથ્વીકદર્મે સોંસરી, ને,

ચોંકી ઊઠ્યા પ્રાણ, કાશ્મીર આ રે !

૨૦-૮-૫૫.

૪૯

લઈ લે આંખો

પ્રભો ! શાને દીધાં નયન ભમરાળાં મનુજને ?

ઉમેરી દ્રશ્યોમાં અધિક અમદીઠેલ નિજનું,

કરીને મૂક્યું છે જગત અતિ જૂઠું મફતનું !

અને દીધાં તો કાં ચટક ચણિયાળે મગજને ?

સવાયાં છે બન્ને, શરમ ન અડે, દ્વેષ જ કરે,

અને તેથી લૂખ્ખાં તરકટતણો બોજ વહતું,

સદા હાંફે હૈયું, જિવિત પણ ભારે બહુ મરે.

મળે જો કો’ પ્રેમી ઉભય વણ કામે વિફરતાં.

ગલી કૂંચી કેરૂં, કુટિર, ભવને ક્ષુબ્ધ ઉર તે,

ચહે પ્રીતિપ્રોર્યું જગત જડતા ઔષધ વડું.

પરિંદું કો’ આવી ઉરવિટપડાળે વિકસતું,

પ્રસારે પાંખો તો નયન મન તે તત્ક્ષણ હણે.

અરે ! લૈ લે આંખો સકલ જગસંઘર્ષ જણતી,

અને ના, તો મારા હ્રદય પર ઉષ્માળ જડવી.

૨૩-૨-૫૫.

૫૦

દીઠાં

દવ લાગેલાં ડુંગરિયે મેં કેસૂડાં દીઠાં.

લળી લળીને ગીતો ગાતાં,

બળતાં તો યે બળ પાતાં.

હૈયે જીવન છલકાતાં,

નયણે નૂર મદમાતાં.

ખ્વાબ ખુદાઈ ખાખના મેં ખોળિયે દીઠાં.

ડાળે ડાળે દેવ પ્રગટતા,

રૂંવે રૂંવે રામ રમંતા.

દુઃખિયારી આ દુનિયા માથે,

શોભા સઘળી એકલ હાથે,

રોપી ઊભા રૂદ્રતણાં મેં શમણાં દીઠાં.

ઝાંઝવાનાં જળથી રમતાં ઝરણાં દીઠાં.

૨૩-૨-૫૭.

૫૧

ઘોડાલિયું

કોણે કીધું આ વાસનું જાદુ ? ઘોડાલિયું ઘમકે છે.

જોવનાઈજગતનું પ્યાદું, ઘોડાલિયું ઘમકે છે.

એને ઘમકે મેળા ભરાતા, ઘોડાલિયું ઘમકે છે.

ગાગરમાં સાગર સમાતા, ઘોડાલિયું ઘમકે છે.

એમાં મર્માળાં મહેણાં ગવાતાં, ઘોડાલિયું ઘમકે છે.

જીવતરનાં લહાણાં લૂંટાતાં, ઘોડાલિયું ઘમકે છે.

રામવાડી ફાગણશી ફાલે, ઘોડાલિયું ઘમકે છે.

ફળ વહેંચીને ખાય તેમહાલે, ઘોડાલિયું ઘમકે છે.

જેનાં હૈયાં ના રાધા હુલાવે, ઘોડાલિયું ઘમકે છે.

તેને કાનો શી રીતે રમાડે ? ઘોડાલિયું ઘમકે છે.

મન માણે ના આભની માયા, ઘોડાલિયું ઘમકે છે.

(તો) શેં ગાશે અગમ ગીત કાયા ? ઘોડાલિયું ઘમકે છે.

૧૬-૩-૫૭.

૫૨

સૌન્દર્ય

” અંગાંગના ગઠનની રચનાકલામાં,

સૌન્દર્ય,” કૈંક વદતાં. પણ હું ન માનું.

જો એમ હોય, રચના રમણીય લાગે,

જે કોકને, નવ ગમે લવ કોકને કાં ?

કાલે હતું મનમહીં નવ આજ ભાવે,

એવું ય કાં અનુભવે જગ રોજ રોજ ?

પ્રેમીજનો ઘડપણે પણ રૂપ ભાળે,

પ્રેમીમહીં, વિજનમાં ખગ જેમ ગાય.

હૈયાતણો ઉમળકો અનુરૂપ થાતાં,

સૌન્દર્ય સૌ અનુભવે, નવ હોય તો ય.

જ્યારે હતી મનુકુળે સમભાવવૃત્તિ,

સૌ માણતાં મધુરતા જડચેતનત્વે.

સૌન્દર્યવૃત્તિ જગની અવ ગૂંગળાતાં,

પેખે અસુંદરપણું જન કુંઠિતાત્મ.

નેત્રોતણાં પડળ આ અળગાં થતાં જ,

નક્કી બધે વિલસશે કમનીયતા, ને,

અસ્વચ્છ બાળ રમતું તરણે નિહાળી,

આનંદપ્રફુલ્લ મનડાં બસ નાચવાનાં.

૨૭-૫-૫૫.

૫૩

(૨)

સૌન્દર્યનાં અમલ ને રસપૂર્ણ નામ ?

શું નામ છે નભતણી રમણીયતાનું ?

પાણીતણી ? ખગતણી ? વનની રતીનું ?

નેત્રોતણા ગણિતથી પર સર્વ રૂપ.

નામીથકી ય વડિયાં વસતાં અનામી,

રૂપો સદા નયનનાં અભિસાર વાંછે.

છે હાર ને વિજયમાં સમભાવનાદે,

સૌન્દર્યનું કટક તો કરતું ઉજાણી.

જે મોક્ષમાં વિલસતી કમનીય રેખ,

બંદીમહીં ય હસતી વિકસંત સૂની.

ના દેશ ને સમયની પણ લેશ જાણી.

એણે કશી વિષમતા, અભિરામ નિત્ય.

તું આવતાં જગતને પણ એક ઓર,

સૌન્દર્યના શિખરનું જડશે નિશાન.

૨૫-૭-૫૭.

૫૪

પૂજારી ને પ્રભુ

પ્રભુપૂજનમાં મશગૂલ રહી,

કરવા સરખાં પણ કાર્ય તજી,

જપ, યજ્ઞતણા અવધૂતતણું,

ધરણીપર જીવન પૂર્ણ થતાં,

પ્રભુ નર્કમહીં નજરે પડતા,

નિત દર્શન દૈ નમણું હસતા.

૨૯-૭-૫૭.

૫૫

તર્પણ

જ્યારે ભણી સમજણો રજ હું થયો કે,

મેં આદરી વિષમતારણ ખેપ નાની.

કેડી, પિતા ! નવ જડી તવ અર્ધખેડી,

આયુષ્યની અબુધતા સમજાવનારી.

જીવ્યા ઘણું. શિશિરના દિન તો ય મારે,

મધ્યાહનને પલટતા ઢળતી નિશામાં.

સદ્ય શ્વસી સ્વજન કાં સઘળાં વિસાર્યાં ?

મારે હવે ક્યમ કરી સ્મરવા સવારે ?

બંસી હવે નવ રહી, પણ સૂર ગૂંજે.

પૂરા થયા જિવિતના અવ નૃત્ય—તાલ,

હૈયે ઠરી વિવિધતા પ્રગટાવનાર.

જાગ્યો તહીં જ શમણું તવ નેહ ભાસે.

સંસ્કાર જે રૂધિરને કસતા નિહાળું,

તેની હવે તવ છબી રચતો રમું છું.

૨૫-૭-૫૭.

૫૬

બંધન

આ દેહ નમણી નમણી. અંગ નાજુક : આંખ નાનીમાં,

ભરેલાં કૈંક મોતી,

હાથ કેરો સ્પર્શ અદભુત,

ઉર શ્વાસોચ્છવાસથી જીવન શરૂ થઈ આવિયું,

પડદા પછાડીથી, છતું થઈ નાચિયું, નચવ્યો મને.

માહરાં આ દેહની, આ જીભ, ને આ શબ્દની,

કાયાપલટ આશ્ચર્યકારક,

માહરી પત્નીદ્વારા સાંપડી સંતાનમાં.

ત્રિલોકની અગાધતાના અંશનો પામિયો પરચો હવે.

શી રીતથી હું હર્ષ, અશ્રુ, હોઠ, મારી પેનને રોકી શકું,

જ્યાં માહરો ભેદી ખજાનો, સૌ ખજાનાથી સવાયો,

આજ સામે આવિયો ?

હર્ષ કેવો થાય ઝાંખો જાણિયું મેં,

અશ્રુ આગળ હેતનાં રળિયામણાં.

આજ ઉત્સવ માહરાં અંગાંગ માણે એહના,

નરમાશવાળા સ્પર્શમાં.

સાંધે સાંધામાં, મધુરી રક્તવાહિની મહીં,

બુદ્ધિ, હૈયે, અસ્થિમાં કુબેરના ભંડારથી ય,

બેવડી દોલતભરી તેની પ્રતીતિકાજ ઊગી ઝંખના,

શૂન્યમાં છે સૃષ્ટિ સઘળી જેમ,

સાંકડી થઈને પડી.

૫૭

કાંઈ જ્યાં નહોતું તહીંથી અવતરીને,

ભેટિયું ભગવાન કેરૂં ગીતડું,

પૃથ્વી, પાણી, તેજછાયા, વાયુની વિચારધારા,

આજ જાણે માહરી થઈ માહરે ચરણે ઢળી,

હું અજાણ્યો એહને,

એ અજાણ્યું મુજને,

તો ય કેવી ભાવના ભરતી ચડે છે બેઉમાં નેત્રો મળ્યે,

આમ નાની માહરી દુનિયામહીં જાદુ થયું.

પણ જાદુના કરનારને તે શું કહું હું શબ્દમાં !

છે કહેવું માહરે તે કર્મથી,

રૂપ બીજું માહરૂં આ કાલ કહેશે.

પત્ની છૂટી માહરી તે વારથી,

બંધને બંધાઈ ચૂક્યો દેવનાં દર્શનતણા રહસ્યના,

માનવીનાં સોણલામાં દુનિયા દુનિયા રહેતી નથી.

આજ દુઃખ દૂર થયાં,

વેર ને ઝેર વેગળાં થયાં.

દેવથી ય ડરવું ના રહ્યું.

એટલે વિનવું દેવસમ તુજને :

ગાગરના સાગર ઓ !

સદ્સંકલ્પ,

તાહરા મૃત્યુનો કરવા માંડજે આજથી,

જીવજે દુનિયાના દવમાં સોણલાં રચતું,

ઘડજે પ્લાન ઈષ્ટાપત્તિના,

દેહદર્શી ના થતું કદી.

૫૮

બંધનથી નાસતું ના, મુક્તિનાં એ તો એંધાણ.

દ્વેષથી ડરતું ના, પ્રીતિનું એ છે પ્રમાણ.

તાહરા જન્મથી ભાન મને થાય છે :

માહરે જન્મવું મરવું જ પડશે.

કલ્પના કર્મ વા ધર્મમાં કરેલી ભૂલ,

કરૂણામય તાહરે રૂદને સમાઈ ગઈ,

અંતરના ઊંડાણે અજવાળું દઈ ગઈ.

ચંદ્ર જેમ હૂંફ કાજ સૂર્યની પ્રદક્ષિણા,

પૃથ્વીને વળગી ફરતો,

ફરતાં’તાં આજવેળ હું ને જનેતા તારી,

પૃથ્વીના પંકે રાખીને પાય તાહરા ‘કર્ષણે,

તેના પરિપાકરૂપે હૂંફાળું તેજ તું,

આવીને રમતું થયું અમારે અંક.

પ્રીત ગંભીર ના તત્ત્વટૂંપણાથી લેશ,

બલ્કે વધારે હોય એવું આજ લાગે છે.

કોણ પૂરે સાખ એની ?

સત્ય એકલું જ, ભાઈ ! જાણે જૂઠાણું આંહીં ચાલે છે કેટલું,

એવો આ ઘાટ ને ઘટનો ખેલ છે.

૩-૧૧-૫૭.

૫૯

મગફળી

શિવને પૂજવા રાતે કમલપૂજાથી,

એટલે દહાડે ઉપવાસ.

વડા પ્રધાનને મળવું હોય તો,

વડા પ્રધાન જેવા થવું પડે, કપડે, વાતે, છટામાં,

ને જુઓ મુલાકાત થાય ના તો.

એવું મનાય છે દેવદરબારમાં ય,

માટે આજે ઉપવાસ.

ફળાહાર કાજે આણી જે મગફળી,

તાકી રહી એનાં શેકનારને ખાનારને.

ઊગે બધે. ખાતાં બધાં.

મેનિયા ભોજ્ય ને ભોક્તાનો,

જોઈને ત્રાસે ન થાળીઓ ?

શેકાયાં શીંગનાં નાનડાં ડિલ, દિલ ને પ્રાણ,

કરે અદેખાઈ અગ્નિની, તુલસીની.

ઘૃણાથી જોતાં દીવનખંડ, ફૂલોની શોભા શરમાળ.

“આપણે અચાનક લોહીમાંથી જાગી,

માગશું આપણી શાયબી,

સહ્યે જવાની પાછી,

મનસાવાચાકર્મણા.

અન્યના અપકાર આપણી જેમ સહીને,

આદરશે ઉપકાર આપણાથી પોષાતાં માનવી,

ત્યારે જરૂર,

૬૦

અવનીનૂર પલટાશે, ત્રેવડાશે ને હરખાશે,”

એવા વિચારે નાચ્યો ફળાહાર,

તાવડીમાં તડ તડ થાતો.

૯-૧૦-૫૭.

૬૧

હું+એ

મળી. ભળી ઊંઘમાં સોણલાશી !

હસી હસી પીરસી જિંદગાની,

સ્વપ્નીલ આ જન્મની સ્વસ્થતાની,

કાયાતણી ચંદની તેં રચી શી !

આત્મોર્મિના તેજછાયા વણાટે,

શી ઉર્વિની ભાત છાપી અભંગે !

પાઈ મુદાખેળ વણાટ ઘટ્ટ,

કીધું, ખમે ઘર્ષણરાસ એવું.

અને હવે પુખ્ત જૂના વિભાવે,

પ્રસાદથી અંતરમાળિયું આ,

કિલ્લોલતું થાય તે કાજ હોંશે,

વસંતાઆરે ગરવું વિચાર્યું.

ઊંડાં થયાં નીર. વહી અમે ” એક ”

થયાં. ભલેને ” ત્રણ ” લોક નોંધે.

૩-૧૧-૫૭.

૬૨

કાશ્મીર

સૉનેટ ૧ લું.

ઈંગ્લેન્ડની સહચરી ધરણી અહીંની,

શોભામહીં ય ટપતી સ્વિસ ભોમકાને,

પૂર્વાર્ધની કુદરતી રમણીયતાએ,

આંહીં વસી વિવિધતા રસળી અનેરી.

સ્વપ્નાંતણી શરબતી રચના વડેરી,

સત્યાત્મ અંગ વસતી અનિબદ્ધ શબ્દે.

વાસ્તવ્ય મૌન હસતા મસ માનવીએ,

આ સ્થાનમાં પ્રણયની ભરતી વહાવી.

બુદ્ધિ પ્રમાણઅદકી અહીં દેવદીધી,

ખીલી સમસ્ત જગને બિરદાવવાને,

સંગીત, શાસ્ત્ર, કવિતા પણ સૌ કળાએ,

વ્યાપ્યાં પુરા વિશદતા નિજની જમાવી,

ત્યાં કાલ ! ખેલ અખમો હિમ ઉષ્ણતાનો,

ઝાઝા ઝરા, ઝરણનો ક્યમ છે રચાવ્યો ?

૬૩

સૉનેટ ૨ જું.

કાશ્મીર કાવ્ય જગનું. ચિર સ્વર્ગ સ્થિર,

છાયા બની વિલસતું વિપદા વચાળે.

મિથ્યા ન સૃષ્ટિ, સબળી યુગ કૈંક સાથે,

આંહી બની મધુરતા કમનીય ધીર.

ખીલંત પુષ્પ રસ આ ધરતી ધનાઢ્ય-

કેરો મળે સુરતણા રસધામબાગે,

દેવોતણી મદદ આ ધરણી સપુતે,

સત્કાલમાં વિમલતા વહવી કરેલ.

માનવ્ય ભાવ સુરતામય લીન આત્મ,

પ્રસ્થાન નિત્ય કરતો ભ્રમણા તજીને,

આજે વિભિન્ન અવની સુરલોકથી છે.

ને સ્વર્ગ પૂર્ણ નિજના સ્વરમાં પ્રચૂર,

બેરાન દેવ ! કરવું નવ હોય કાંઈ,

પ્રેમામૃતા અવનિને કરજો રસાળી.

૬૩

સૉનેટ ૩ જું.

સૌન્દર્ય સદ્ય સઘળે નજરે પડે જ,

આબાલવૃદ્ધ જન ને તરુ, પુષ્પ સંધાં,

સ્વર્ગાંકની સ્મૃતિસમાં નમણાં નિહાળ્યાં,

સંસ્કાર દેશ બહુના, બહુરૂપ રત્ન—

પાસા વિશિષ્ટ ચળકે, મહીં ઘાટ ભિન્ન,

સ્રોતાત્મ ને સરતણા, હિમ ભાવ શૃંગે,

ગૂંથાઈ ને – પથિકને નરમાશ અર્પે,

આનંદની અવધિ આ જગપે અબોટ.

જ્યાં કેશરે જિવિતને રસગંધપૂર્ણ,

કીધું, અને સરસ રેશમ ઊન આપ્યાં,

ઊગે અનાજ સઘળું, તહીં કેમ ભૂખ્યાં,

વસ્રોવણાં, રસવણાં જન આમ રુગ્ણ ?

છે આજ ધામ સુરને નરના વિસામા,

આહીં ન પ્લાન રચવા તવ કાં અનોખા ?

૬૪

સૉનેટ ૪ થું.

ઐશ્વર્ય સર્વ જગનું સઘળું હરીને,

એકાકી સ્વર્ગ કરિયું શીદ દેવ ! આમ ?

વિચ્છેદ વ્યષ્ટિ કરતાં જ સમાજ સાથે,

ઉચ્છિષ્ટ સર્વ કરતી, વિપદા જ આણે.

પોતે જ ભાર બનતું નિજનો સદાય,

ક્ષુદ્રાત્મથી જવ થતું મહત્તત્ત્વ દૂર.

નૃદેવભેદ વરવા કરવા થકી ન,

આનંદ લેશ નજરે પડતો કહીં ય.

માટીમહીં ભળી જતો મનુવંશ એવો,

શ્રદ્ધા જતાં બળતણી નિજના નિદાન,

યુદ્ધો થતાં અવનવાં, નહિ મુક્ત જીવ,

શ્થુલોપભોગમયતાધ્વજ ઠેર રોપ્યો.

ઝંખંત ઐક્ય અદનું, સુર ! આમ આવી,

સાધો મનુષ્યસહ સૌ મમતા સજાવી.

૬૫

સોનેટ ૫ મું

પૃથ્વી હજી સુરતણા સ્મરતી રહી છે,

જન્મો. અસંભવતણી ચિર આશમાંહી,

શક્તિ પ્રશેષ સઘળી સુરયોગ કેરી,

આગે કરી અદયતા સઘળી હણે છે,

શ્યામા કૃશાંગ સઘળાં ઢળતાં ડરીને,

ઔત્સુક્યથી વ્યથિત થૈ સુરભાવધાર—

કાજે તૃર્ષાર્ત ભમતી રવિ આસપાસ,

સૌ હારમાં વિજયનો વર હાર ગૂંથે.

અજ્ઞાનમાં નિહિત છે ઉરનો ઉજાશ,

પાપીમહીં અનઘનાં ઝરણાં નિગૂઢ,

જીર્ણાત્મમાં જગતનો સઘળો પ્રભાવ,

નારાયણો વિપતનો ગિરિ ઝીલતા જ.

ઓ મા ! ન દેવ અવ છે રજ દેવ જેવા,

ચાલો, હવે નિજતણી કરીએ જ સેવા.

૬૫

સોનેટ ૬ ઠ્ઠું

ઊઠો, હવે ન કરવી રજ વાર વા’લા !

હાર્યા તહીં જ રચવા જય-થાંભલાઓ,

આ ભોમ તો સુરતણી શત સાધનાનો,

આવાસ છે. નવ ઘટે પુરૂષાર્થહીણા,

થાવું અને કરગરી બનવું નમાલા.

છો દેવ દુર્ગમ કરે શુચિતાવિચાર,

ને એમ નાશ નિજનો કરતા અમાપ,

બાળંત નંદનવને સુરગંગઆરા.

વૈકુંઠ અંગ જનની જવ આપણી છે,

લીલા અખંડ નવ કાં રચવી હવે તો ?

ના દેવને ગરજ છે લવ આપણી, તો,

માટીપ્રદીપ ન હવે મળશે ય એને.

જાશે સુવાસ સુરતાપુરમાં સફાળી,

ઉત્થાનશાંતિ વરશે તવ દેવદેવી.

૩૧-૫-1957.

૬૬

આકર્ષણ

પોદળો તો ઊખડે છે ધૂળ લેતો,

ધૂળ સાથે એહને સંબંધ જૂનો.

માહરે સંબંધ શ્રેયો ભાવ સાથે,

પ્રેમ સાથે, જિંદગી દેનાર સાથે,

એટલે તો ઊતરી આવ્યો ધરાપે,

પ્રેમભાવે ઈશ્વરી ફાલી રહેલી,

સ્પર્શવાનો હાર્દ એનું જીવવાનો.

પામવાનો હું ય મારી નેમધૂળ.

૬-૧૧-૫૭.

૬૭

પતન પ્રેમ

આ જિંદગીની ટોચ ઊંચી ખૂબ, આંબે વીરલા.

સ્હેલાઈથી સૌ ગર્તમાં જાતા પડે છે જીવડા.

ઉત્ત્થાન કેરી આશ મારી થાય પૂરી તૂર્ત ના,

એ હું ય જાણું તે નિપાતે રાચવા મંથ્યા કરૂં.

જો હારવાનું છે, ફરી પ્રસ્થાન કાજે ઝઝવું,

કાં પાંદડાના જેહવી ના જિંદગાની જીવવી,

છાંયો પ્રસારી યાત્રિકોપે, મોત આવ્યે મોદથી,

દોડી ધરાને ભેટવી યે વ્હાલથી નાચી જરી.

૬-૧૧-૫૭.

૬૮

કાળ

હૈયું રતુમડું તડબૂચ જેવું થાતું કદીક,

સ્મૃતિ રેલે આકાશ ભૂરૂં ત્યારે,

શ્રાવણિયો તડકો તૂલે તરપાય ને,

પોયણાં, પંખી, તારલિયાતેજ શીતળ,

ઘર્ષણ કેડે જતાં અચૂક ક્યાંક તેની,

ડુંગરને ડહેલે ઊગેલ ઘાસમાંથી,

ભૂત ને ભવિષ્ય મૌનવાતે વળગાડી,

કહેતા તે કદી ન કહી શકું હું.

અનુભવ કોઈનો કહી શકે ન કોઈ પૂરો.

વીતી ને આવતી કાલના વીરલા,

ક્ષિતિજપાળે ઊભા છે સાથમાં,

એક ભૂલવા ને બીજો આરંભવા જાદુ જીવનનો.

પૂછે એ કાંઈ, સમજું છું કાંઈ,

મથું સમજવા સાર અમારા ત્રણનો તંઈ,

ભૂતકાળ ભરખ્યે જાતો મને,

વર્તમાન રખડી જાતો, અને,

ભાવિ વિમાસે વાટડી જોઈ,

જાતો હું કાળનો કાળ ક્યાં તે જાણું ન હું ય.

૯-૧૦-૫૭.

૬૯

જૂનુંનવું

“જૂનું તે સોનું ના બધું,” એમ કહી,

અપનાવીએ નવીનતા,

ન સમજાય તો ય.

ઓ કુતુબમિનાર !

ઓ સોમનાથ ! રૂદ્રમાળ ! સાંચી !

નાલંદા ! સ્વર્ગાશ્રમ ! બોલબાલા,

તમારી ય હતી એક વાર.

અંચળો રોજરોજ અવનિ બદલ્યે જાય.

એવો ન દહાડો એક, આંતરે ન અચંબો ક્યાંક.

જેમનો તેમ હોય તો એકલો ધર્મ.

તે ય પાળે તેનો.

આજના પ્રચારકો ને પૂજારીઓ છે વેપારીઓ વ્યવહારૂ,

ડાબી જમણીનો ફેર રાખતા જાય.

મંદિર, મસ્જીદ, ગિરજાઘર,

આજની વાર્તાના અકોડા સાંધી આપતાં,

યાત્રાધામ કવિતા કરૂણ પૂરી પાડતાં,

ભજવે ધર્મ નાટક નવલાં.

વંટોળિયારૂપ આ યુગનો,

અદનો અંશ હું માનવ,

નવીનતાનો અવતાર અગિયારમો.

એકવાર નીકળ્યો નાવીન્ય માણવા,

ગામડે ગામડાં જોઈ,

૭૦

નગરે નગરોથી અંજાઈ,

દેશે દેશથી ડરતો જઈ,

માનવી માથે છોગું આવતો’તો પાછો.

ભૂલી ગયો છું નામ,

(નામ છે સઘળાં સરખાં પણા યુગમાં)

તે ચૌટાની આડ-ગલીમાં,

આભડછેટ તડકાની ન અભડાવે ત્યાં,

શેઠ, કારીગર, ગુમાસ્તા,

કારકૂન, શૉર્ટહેન્ડ ટાઈપિસ્ટ,

કરતા કામ કૂડાં માળા !

તીડનાં ટોળાં જેમ ફરતા ભાળ્યા ખાતા જૂના ખમીરને.

ટકોરે ટાવરના સાબદી થાતી,

પ્રજાસેવકની ઝોળી નાણે નખરાળી.

ચૂંટણીની થાતી ચકચાર,

છાપાંની સરવાણી ફૂટ્યા કરી પાતી પાણી ગંધાતાં,

બધાયમાં એક જ પ્રાણ રમતા,

વેરકપટકેરા.

ડરી જઈ જોઈ જમાત આ,

રહીસહી જૂનવાણી ભાવના,

ઘસડી ગઈ મંદિરે મહાદેવના.

ત્યાં જઈ જોયું તો ખાલી આસન !

ધર્મે ધાડ પડી પછી વિચારવાનું રહ્યું જ શું ?

રાતથી ઝાઝો દહાડે એટલે,

ચોરથી ડરતો જાઉં છું નવલા.

૭૧

સાચવવા નાનડી ભાવના જૂની દેહના દરવાડે દોહ્યલી,

શ્રદ્ધા-બાજી ખેલતો જાઉં,

હસતો જાઉં મનના ભયને મારતો.

૧૦-૧૦-૫૭.

૭૨

આજ, સખી

આજ, સખી ! મને કા’ન મળ્યો’તો,

પલભર દર્શન પામી.

નેનનો નિર્મળ રાસ રચ્યો’તો,

દુર્ગમ દુગ્ધા વામી. – આજ.

મોરી મન તડપન,

મસ તનની જલન,

ઉરપયનું વહન,

પ્રાણચિત્તનું ગગન,

(તે) શાંત સુધામય એ ગયો કરતો,

હર્ષની હેલી જામી. – આજ.

અંગઅંગ અમડાઈ,

સાચી શમણાં વધાઈ,

અણદીઠ કો ‘ સગાઈ,

જાગી, ગઈ છે જુદાઈ,

(તે) પળનો ન મનમાં કશો ઓરતો,

કૃષ્ણલીલા હું કામી. – આજ.

૩-૧૨-૫૭.

૭૩

સ્મરણાંજલિ

ચાલો આજે યાદ તાજી કરીએ,

માતાકેરા પ્રાણ ને દેહધારી,

માતાકેરા મુક્તિયજ્ઞે સિધાવ્યા,

તે વીરોની.

લાઠી ખાધી, જેલ વેઠી, વિસામો,

લીધો લેશે ના, અને મુક્તિ પામ્યા,

તેથી વ્રેહે એમનાં ગીત ગાવાં,

આંસું માંહે એમના ભાવ જોવા.

ગાતા દોલાં ગીત યુદ્ધે ચઢેલા,

તારૂણ્યેથી સત્યથી નેત્ર આંજી,

સ્નાયુકેરા દોરને તંગ બાંધી,

આઝાદીની ઊર્મિનાં આયુધો લૈ,

હાર્યું કેવું મૃત્યુ યે એમનાથી !

વૃદ્ધાવસ્થા ના નડી ક્યાંય પંગુ !

હાર્યા ના એ હારથી, બેવડાવી,

જુસ્સો ઝૂઝ્યા વિઘ્ન વચ્ચે વિજેતા.

પ્રાતઃકાળે વંદવું, સાંજ ટાણે,

ગાથા ગાવી એમની આરતીમાં,

કાલાત્માએ પ્રાણમોંઘા ગણીને,

કંડાર્યા છે સર્વ યુગાંગ ફુલ્લ.

આવી વચ્ચે આપણી એ હવે ના,

ઊભા રહેશે, તો ય જાણે સદા ય,

૭૪

આશાઓના આપણી અંકુરો એ,

થૈને કેવા દ્રષ્ટિપુણ્યે વસે છે !

શોધી કાઢે બાળ માતા તુરન્ત,

તેવી રીતે નિત્ય પ્રત્યક્ષ થાતા,

જીવ્યે જાશે આપણા પૂર્વજો એ,

તર્પ્યે જાતા આપણી ઝંખનાને.

વ્હેતાં તોડે નીર બેફામ બંધ,

ખર્યે જાતા તારલા પંથ ચીંધે,

નાની તો યે વીજ અજ્ઞાન વીંધે,

તેવા વંદું વીર ! દોરંત અંધ,

હિન્દોર્સ્તાના.

વૃક્ષોકેરાં પર્ણની જેમ જેણે,

જીવી જાણ્યું ને ખરી સૌ પ્રમાણ્યું.

૨૪-૧૨-૫૭.

૭૫

અમદાવાદને

સૌન્દર્ય જે કુદરતી વિલસી રહેલું,

તેમાં હતું મનુકુળે નિજ રૂપ રોપ્યું.

શિલ્પિ, મજૂર, કડિયે, ધનિકે, ગરીબે,

રાજા, નવાબ રસિયે, વર ઊર્મિશાહે,

રેડી કરેલ નમણું સઘળું સ્વરાગે.

ત્યાં આજ છે વ્હિસલના ભણકારરૂક્ષ.

છે માનવી મનુજનું બસ મુખ્ય ભક્ષ્ય,

તું કાળની સદયતા અવહેલનારી.

પૃથ્વીપરે સુરતણી નગરી સમાન,

કંડારવા, સજવવા, ઉર કોડ સેવ્યા,

કો’ દેશભક્તનયને, જિન, ઓલિયાએ,

તે સર્વ યંત્રગતિમાં ગરકી ગયું છે.

હૉટેલમાં ખણણતા કપતાસકોના,

ટંકાર, તેલ કકળે તળતું મજૂરી,

ખતાં મનુષ્ય હરખે ભજીયાય વાસી.

રિક્ષામહીં રખડતાં યુગલો અનાડી.

સંતૃપ્ત છે ગતિ ઘણી તવ તો ય તારો,

નર્કે સડે વિમલતામય પૂર્ણ ખોળો.

ભઠ્ઠી ગણી ભજન તું ભડકે બળે છે,

સ્વપ્નો ભરી હ્રદયમાં શત યંત્રકેરાં.

વસ્ત્રો વણે વિષમતા કરવા સુદૂર,

ઉત્થાનની, તદપિ છે તવ દેહ નગ્ન.

૭૬

સોદાગરી ઝળકતી તવ અંગ અંગે,

રૂંવે બધે તદપિ છે સળગંત આગ.

રાત્રે ન નિંદ, પડખું દિનમાં ન વાળે,

ઊજાગરા મલખના નળનીર ખાળે,

બે વાર ભોજન નહિ તવ ભાગ્યમાં છે.

લાગે મહા લખપતિ. પણ રંક રૂગ્ણ.

એકાગ્રતા અવતરી મસ સાબરેથી,

વિદ્યા વિહાર કરતી વરસો થયાંથી,

ઝંડો સદા ફરકતો તપવૃત્તિકેરો,

શૌર્યે અહીં થકવિયાં અઘ સૃષ્ટિકેરાં,

તો,

સાચું કહે કબ લગી પ્રતિભાપ્રકાશ,

ઢાંકી અને વણસવું નિર્મ્યું અહીં છે ?

ઉદ્વેગને પ્રશમતો તવ શક્તિકેરો,

ક્યારે થશે સભર કૈ ઉપયોગ આર્ષ ?

૨૫-૧૨-૫૭.

૭૭

કાળકોતરમાં

કાળના કોતરમાં આજ પગ મૂક્યો,

તો મૂકી જાણજો, ભાઈ,

એની ધારેથી અંદર જોયું,

તો જોઈ જીણજો, બાઈ,

એના ઊંડાણને તાગવા ન વાંસ કોઈ,

એના પોલાણને પામ્યા ન પીર કોઈ,

ક્યાંક લાદે શમણાંનો સથવારો,

તો કરી જાણજો, ભાઈ !

કોઈ ખરે ને તપનો તારો,

તો ઝીલી જાણજો, બાઈ !

શિયાળુ ઉનાળુ વાયરાની ઝાળો,

તેજ ને અંધારાં કેરો અંગારો,

તેમાં મરકીને ભરી બે ફાળો,

તો ભરી જાણજો, ભાઈ !

મધમાખી થઈ મધ ચાખો,

તો ચાખી જાણજો, બાઈ !

ભૂલેચૂકે આતમને ભાળો,

તો ભાળી જાણજો, ભાઈ !

પેલા જોબનનાં રૂપરંગ પામ્યાં,

તો પામી જાણજો, બાઈ !

૨૫-૧૨-૫૭.

૭૮

નોરતાં

આછાં આછાં તેજ ને વળી રંગે હૂંફે પૂર,

નવ નવરાતલડી.

શત શત શગની દીવડી કાંઈ પારે શત શતઝલ,

માની માંડવડી.

ગરબે ઘૂમે રોજ તે નરનારી જીવે શૂર,

નવ નવરાતલડી.

રાસ રચે રળિયામણા તેનાં વિકસે બન્ને કુલ,

માની માંડવડી.

દહાડે પાડે તેલ, રાતે મંગલ છેડે સૂર,

નવ નવરાતલડી.

શિવ ઉમા અરમાન ભરતાં એ ધરતીને ધૂળ,

માની માંડવડી.

ધરતીધાવણજોમ જેણે દાખવિયું ભરપૂર,

નવ નવરાતલડી.

ચાચરમાં તે ખૂબ રમઝટ પાડે છે રસ મૂલ,

માની માંડવડી.

પંખી મેળો ઉમટ્યો, કાંઈ રંગત જામી રાત,

નવ નવરાતલડી.

વાયરો, વાદળ જંપિયાં, દિન આવે ને દિન જાય,

માની માંડવડી.

ગાણું છેલ્લું ઊપડ્યું ભવ ભવની ગાતું રીત,

નવ નવરાતલડી.

૭૯

ઝીલો એની ઝાંય કે પરભવની પીડા જાય,

માની માંડવડી.

રાસયુગલ રમણીય પરથમકેરી ગાતું પ્રીત,

નવ નવરાતલડી.

કેવળ એક આનંદ અગોચર ગરબામાં કોરાય.

માની માંડવડી.

રમઝટ લોપે સીમ ત્યારે મોત રડે ચોધાર,

નવ નવરાતલડી.

દહાડો રેણુ દળ્યા કરે પરકમ્પાનો પરિવાર,

માની માંડવડી.

૩૦-૧૨-૫૭.

૮૦

ગુરૂશિષ્ય

સૃષ્ટિ પ્રબુદ્ધ ચલવે જગની નિશાળ,

પંખી, પશુ, વિવિધ સૌ તરૂ, શિષ્યમાળ.

છૂટ્ટી નહિ દિવસ બે ત્રણની ય તો ય,

થાકે નહિ, નવ રજા પણ પાડતું કો’.

શિક્ષા ન, પુસ્તક કશાં, નહિ કો’ પરીક્ષા,

થાતી, ન ગોખણપટી કવિતાતણી ય.

ઉલ્લાસભેર હસવું, રમવું ગમે તે,

ને માણવું, અનુભવે ભણવું રસાળ.

ત્યાં માનવી પણ નહીં ભણવા જ આવ્યો,

શાળા મહીં ઉપજિયા સઘળા સવાલ :

શી રીતથી ? ક્યમ થયું ? બસ, આમ કેમ ?

રે પ્રેમ, સંપ, જગની સ્થિર શાંતિ લુપ્ત !

આધી દિલે મનના ચિર આંચકા ને,

શાળાતણો ગુરૂ બની પજવે બધાંને.

૧૦-૧-૫૮.

૮૧

આકર્ષણ

માતા દીઠી એક મેં ગામ મારે.

ચોર્યું એના એકના એક પુત્રે,

પેટીમાંથી બાપનું કૈંક નાણું,

તેથી માર્યો તે તજી ગામ નાઠો.

ભૂખ્યો પ્યાસો ટ્રેનમાં ખૂબ દૂર,

પ્હોંચ્યો. ઝૂર્યો. તો ય ના ઘેર આવ્યો.

કેવું ઝૂઝે, શું કરે, ક્યાં હશે એ,

ના જાણે કૈં માત તો ય સ્મરે છે,

તેનો જાયો, વત્સલાં અશ્રુ સારે.

તેની યાદે વર્ષ સો-ની થઈ છે,

તો યે ઠેલે મોતને રોજ આઘું.

સ્વર્ગે પ્હોંચ્યો બાપ તો ક્યારનો ય.

જાણે લેશે કે જગો આ સ્થળે છે,

કો’ સ્નેહીને સદ્ય એ પત્ર નાખે,

ને આનંદે, ચંદ દા’ડા વિચારે,

એના કાઢે, અન્ન સારૂં રસેળે.

કો’ કન્યાના બાપને કાન શબ્દ,

નાખે ખાસ્સો લગ્નકેરો જગાના.

દેખી નાનાં બાળને કલ્પનામાં,

પૌત્રોસૂના પારણે એ હુલાવે.

માંદી થાતાં સો અને સાત કેડે,

પાણી કેરૂં બુંદ કંઠે ન જાય,

૮૨

અંત:કાળે યે જગો યાદ આવ્યો,

ને બોલી, “એ આવતાં દેહ છૂટે.”

શી લોહીની હા ! સગાઈ ઘડી છે !

આવ્યો ઓચિંતો જગો સાઠ વર્ષે,

પુત્રો, પુત્રી ને વધુ દખ્ખણી લૈ,

પેઠો જેવો ઉંબરે, દેહ છૂટ્યો.

મેના માની દેહરી આજ ઊભી,

ચીંધે માતા પુત્રને પ્રેમઅક્ય.

માનેને કો’ દીવડા, પુત્ર થાય.

એને પારે જે ગયાં બાળ, જીવે.

૭-૧-૫૮.

૮૩

લુસાકા

પ્રભા મોડી ઊગે,

લુસાકામાં રોજે,

ફરી પૂર્વે પાસું પ્રબળ બનતું આ નગર છે,

ગણે કાફૂયેનાં કળણ ન જરી તેજ રવિનાં,

હજી કાલે આ તો વડ-નગર ઈલ્કાબ વરિયું,

અને પેલે દા’ડે અભય વર પામ્યું પશુતણો.

“લુસાકા” શબ્દે છે,

“મહા કાંટા કેરા અમિત વન”નો અર્થ ભરિયો.

બધાં યુદ્ધે એણે નિજ રૂધિર રેડ્યું બળ કરી,

છતાં આઝાદી ના તનિક પણ પામ્યું અબ લગ.

દિવાલો બોધે છે સ્મરણ, ઈતિહાસો કલુષિત,

વિભેદો રંગોના પથ પથતણા પથ્થર વદે,

નથી ભૂલ્યા ગોરા પ્રથમ વસવાટી વિષમતા,

છતાં તેમાં રેડે દમન વરવાં નિત્ય નવલાં,

સદા અર્પે તાંબું, નવ નગર એણે વસવિયાં,

નહીં તો યે પામે કણ, વસન પૂરાં જન કદી.

લસે શે’રોમાંહે વિભવ મસ સામ્રાજ્યશમણાં,

તહીં ચારેકોરે અણઘડ હજી જીવ વસતા.

વસે છે તેવા એ,

“સદા રાખે ના તો અવર ગણની આણ ન ગણે,”

વિચારી અંગ્રેજે નિજ જનવડે ખંડ ભરિયો,

કહેવા : આ લોકો અનહદ ઉપકારો વનપરે,

૮૪

કરંતા આવ્યા છે.

હવે ઝંડો ગોરો લવ નવ ખસે અંગ પરથી.

પછી ક્યાંથી ઊગે,

પ્રભા પે’લી આંહીં ?

ભલે ઊગે મોડી, મસ સમય આ ભોમ ઉપરે,

રહેશે રેલંતી નિજ કિરણ. આઝાદ વન આ,

થશે મોડું તેવું અખિલ જગની મુક્તિ વરશે.

૫-૧-૫૮.

૮૫

ભોજન

જે છાળીમાં જમણ થાતું તે હતી એક વાર,

પૃથ્વીકેરા અભણ તત્વે ઐક્યની એક રેખા,

ને મિષ્ટાન્ન પ્રથમ નો’તાં આહવાં: ડોલતાં’તાં,

ક્ષેત્રે. વાડે રસ ભરેલાં નર્તતાં શાક મંદ.

ખોદી કાઢી રસ ઢળાવ્યો તે થયું પાત્ર ગોળ,

કાપી તોડી પતન કીધું શાક ને ધાન્ય કેરૂં,

ત્યારે આવો ચળકતો છે થાળ મિષ્ટાન્નવાળો,

પાણી આણે મસ મજાની વાનગી મોં મહીં છે.

હિંસા આવી ખચિત થાતી, કિંતુ સંભાળ રાખી,

ખાવું મારે કસર કેરો ખ્યાલ રાખી ઉરે કે,

એંઠું છાંડી અધિક ઊંડા ગર્તમાં ના પડું હું,

થાળી ફોડી અધિક હૈયાં તાવવાં ખાણમાં ના.

ઉત્થાને ને પવનમાંહે સર્વનો ખ્યાલ રાખી,

જીવું ત્યારે જિવિત થાશે સુન્દરાનંદકારી.

૯-૩-૫૮.

૮૬

સ્પુટનિકને

જેહાદ તું જગવતો અવકાશમાંહે,

વિજ્ઞાનમૂલ્ય બદલી સઘળાં જ નાંખી,

યુદ્ધોતણી ય પલટી પરિપૂર્ણ કાયા,

ફેરા ફરે અવનિના, શનિ સોમ ડારે.

સ્વાતંત્ર્ય-ધર્મ સબળી સરસાઈનો તું,

ઠેકો બની પરિબળો પણ ડારતો સૌ,

પૃથ્વી પટે પ્રતિપળે તવ વર્તમાન,

નોંધાય તેમ નવલા પડકાર જાગે.

આહવાન આજ મમ તું અવહેલતો ના :

છે શ્વાસ અદ્ધર થયો જગનો તું જન્મ્યે,

તેનું રહસ્ય પરખી ઈતિહાસપાને,

આંકી જજે અગમની શિવપંથરેખા.

આ ના બને તવથકી, નવ હું નમું, જા.

જોશું જ વાટ જગના નવચંદ્રકેરી.

૧૦-૨-૫૮.

૮૭

૩૦મી જાન્યુઆરી ૧૯૫૮

તારી હસ્તી,

ઈશ્વરી શક્તિકેરી,

હસ્તી માટે પૂરતું જે પ્રમાણ,

ત્યાગી અસ્થિ વ્યક્તિનાં આજ ફાલી,

વ્યાપી બેઠી,

સર્વ આત્મામહીં તે,

પામી કાયા વિશ્વથી ય વિરાટ.

સૂર્યાસ્તે ના સૂર્ય છે અસ્ત થાતો.

એ તો જાતો,

ઊગવા ક્યાંક દૂર.

માટીમાંહે બીજ જાતું ભળી તે,

મોટું થાવા વૃક્ષ બીજે રસાળી,

એવો આતો,

ઘાટ તારો અગમ્ય.

શબ્દે ઝીલી ના શક્યો ભાવ તું ય,

પૂરા, શબ્દો કર્મમાં ના સમાણા,

તેથી ” શબ્દો,

ગૌણ ને ભાવ મુખ્ય,”

એવું બોધી તું કસોટી કરાવે,

તારી, સૌની, ભાવ ને શબ્દકેરી.

પ્રાર્થું : તારી,

ભાવના કાળરેલે,

૮૮

વ્હેતી રાખી જીવવા ઝંખનારા,

ધ્યેયાત્માને દોરજે પૂર્ણ ભાવે.

૩૦-૧-૫૮.

૮૯

ખેલદિલી

થાકી ભૂમિપરે રમી તનતણી પ્રત્યક્ષ તાકાતથી,

ઑલિમ્પીક રમે નવી જગતના બે દેશ આકાશમાં.

તાકી કૈંક રહે જનો વિષમતા વાતો મહીં રેડતા,

જીતે કોણ, અશક્ય સૌ કવિજનો કહેવા. નિહાળી રહી,

માને અંતરનાદમાં મનુજ જે પ્રાર્થે પ્રભુ મૌનથી,

ટોળાં સ્વાર્થતણાં સદા નિજ રચે એલાયદા પેતરા.

એમાંથી ક્યમ સાંપડે અવનિને પ્રીતિપ્રમોદાર્થના,

તત્ત્વે પાંગરતાં અમી અકલ તે? કષ્ટાય પૃથ્વી બધી.

આવો, ઓ રશિયા, અમેરિકન, સૌ ! ત્યાગી મહા તાવણી,

હોયે માનવભાવના હ્રદયમાં. ઉન્માદનાં આંગણાં,

ખૂંદ્યાં ખૂબ. પ્રશાંત તત્વ વરિયાં તે સર્વ વિજ્ઞાનનાં,

આજે ભોગ ધરી ગરીબગુરબાં વસ્ત્રો નિવાસોવણાં,

પૂજો પ્રીત કરી, અદ્રષ્ટ વિભુયે માફી હસી આપશે.

ધર્મી ખેલતણા પછી નટ બનો, ઉત્તાપ સૌ શામશે.

૨૭-૩-૫૮.

૯૦

ત્યાં

જ્યાં ના ઉષા ફરકતી નયનો-પછી તે,

ઊભો હસે અરૂણનો રથ સપ્ત અશ્વે,

જ્યાં સૂર્યનો કર ફરે નવ હૂંફવાળી,

આત્માવડે તિમિરનો પડદો ખસે છે.

સંધ્યા ન રંગ વહવે તવ તેજ ગુપ્ત,

સંકેરતું તરૂણના તળ ભાવ ખંતે,

જ્યાં પ્હાડ ભવ્ય ન મળે, ગુરૂ જીવ પોતે.

જ્યાં ના સમુદ્ર લસતો, તન-રક્ત નાચે.

વિજ્ઞાનદીપ ગરવો નવ દોરતો ત્યાં,

હૈયાતણી ઉકલતે સઘળું પ્રબુદ્ધ.

પૃથ્વીતણી ગહનતા તનમાં સમાય,

આકાશની અકલતા વચને વસે છે.

આ વિશ્વથી ય વડિયાં તનવિશ્વ ભાસે.

બાહ્યાંતરે વિવિધતા અતિ મુક્ત નાચે.

૧૭-૨-૫૮.

૯૧

ગોકળ કાના

અમારા ગામનો ગોકળ કાનો ખેતી કરે ખૂબ ખંતે જી રે,

મહેનતનો બદલો મળતો ના તો ય થાતો નિરાશ ના અંતે જી રે.

ગાયો બેચાર ને વાછરડા વીસને હોડે વાદળના વાડે જી રે,

ભૂલ્યો ભૂલાય શેં આદમી એ ક્યાંય આવે ન કોઈની આડે જી રે.

ક્યારામાં પાણત વલોવ્યે જાતો, પોદળે ઉકરડો પાતો જી રે,

નાનેરા ડિલને વાવતો જાતો, ઊપણી આયુને ગાતો જી રે.

માર માર કરતા દહાડા જતા ને વનવન રાતડી વીતે જી રે,

મનના ખાલી ખોખાના ખૂણે પાવા વગાડતો પ્રીતે જી રે.

પોતડી એની પરસેવે ખાટી, પગે બપોર બળબળતા જી રે,

ટાઢમાં કોકવાર ફાટતાં ઓઠ સૌ આછું હસી દાંત દળતા જી રે.

હરાયા ઢોર શો હારે ન કોઈથી જીતને ય જીતે એવો જી રે,

દોઢાવે જોવનાઈ, મોતને મૂંઝવે માતાના પીંપળા જેવો જી રે.

આછેરા તારલા ઓઢીને ઊંઘતો ઋતુએ ઋતુને પાળતો જી રે,

જાગે ત્યાં તૂલ સૌ વાયરો ઢોળતાં, હોંશે ઉન્માદને ટાળતો જી રે.

૨૬-૯-૫૮.

૯૨

ચન્દ્રમાને

ઓ ચન્દ્રમા !

ખૂબ સુન્દર, તેજ કેરો શાંતિદૂત !

ખૂબ વર્ષોથી વધાવ્યો પ્રેમીએ, કવિએ બધા,

સજાવ્યો તું છે તેથી ય ઝાઝો સર્વદા,

ગામડાની કન્યાને શહેરીઓ સજવી શરમાવતા,

તેમ તને ય સઘળી દંતકથા ગણીને નાર લટકાં કરતી,

શરમાવે નરરૂપ તું તો ય.

સંતોષ ને સુખચેનના અવતારરૂપે પૂજતાં,

એક નહિ તો અન્ય તારા રૂપને માનવી,

પુનરપિ સ્થાપવા આશા અને વિશ્વાસને આસને તારા.

જુવાન તારામાં સદા પ્રેમતણી નિષ્ફળ હવા,

છૂપાવતા, મન મનાવતા.

ને બાળકો ?

નાનડી, નાજુકડી ઈચ્છાતણાં પુષ્પોવડે,

પૂજી પદારથ અર્પતાં’તાં તુજને આજવેળ.

આજ તારૂં માપ લેવા ને વજન આકારવા,

તારા ઉત્કર્ષને નાનો કરી દેખાડવા,

પૃથ્વી પર કાબુ જમાવી તાહરા વર્તુલના પરીઘના કો’બિંદુને,

ખોળે ખસીને સર્વ જગ ધમકાવવા,

થઈ ખડા વૈજ્ઞાનિકો વિચારતા, પડકારતા પ્રકૃતિ,

ત્યાં મને છે થાય :

પૃથ્વી પરનાં માનવીઓ,

૯૩

માનવીજાયાં પરે ના અંકુશ રાખી શકે,

એ તાહરા ઓઠાતળે તો શું મધુફળ ચાખશે ?

૪-૪-૫૮

૯૪

શી યાત્રા

કરોડોતણી ભૂખ ભાંગી શકાતી,

નથી, ને નવસ્ત્રાં ય છે તેટલાં જ,

વળી, રોગ ઝાઝાતણી યાતનાઓ,

વધે છે, ફરે છે બધે દાનપેટી,

તહીં કલ્પનાને ચગાવ્યા કરે તે ,

ગમે માંડવી કાં કહો, ચંદ્રયાત્રા ?

૨૬-૧૦-૫૮.

૯૫

શ્રેયશત્રુ

જે જિંદગી સામે જગાવે છે સદા જેહાદ તે,

જિંદગીના પ્રેમને પંપાળનારો જીવડો.

૬-૧૧-૫૮.

૯૬

હરિહંસ

હરિના ઓ હંસલા ! તું હરિ, હરિ ગા,

તારા ગરવા ગીતમાં ગુણ હરિકેરા ગા.—હરિના.

તારૂં સર ના એકલાનું, પારકું પરાયું ના,

કરતાં કામણકેલી સંઘે શરમા ના.—હરિના.

મોતીનો ચારો તારો ચણજે જરૂર,

અવગણતો જોજે તું અળખી ખજૂર.—હરિના.

હરિનો તું થાશે ત્યારે હરિ તારો છે,

ફેરના ફેરામાં પડે તો તો મારો છે.—હરિના.

૨૯-૧૧-૫૮.

૯૭

અમે તો

અમે તો આજના પર્વે રોજની એકતામહીં,

મેળવી શમતા સૌની વંદીએ વિશ્વદેવતા.

આપની ભાવના ઉચ્ચ સ્નેહથી અપનાવવા,

કર્મનો યોગ માંડીને લોકનું ક્ષેમ ચાહતા.

બધાંનું શ્રેયકારી હો ધ્યેય કલ્યાણરાજ્ય હો,

એટમો શાન્તિના દૂત બનીને ઘૂમતા રહો.

૨૨-૧૦-૫૭.

૯૮

પારણું

એની દોરી ખેંચે દરિયાવદિલ મા,

પારણું ઓરૂં આવે, ઓરૂં જાય.

ધીમે વીંઝણો વાયુનો વાજે, સમા !

પારણું ઓરૂં આવે, ઓરૂં જાય.

આંખે અનાવિલ નેહ નીતરતો,

ઓઠે આનંદ અરમાનિયો ઝૂલતો,

વાંકડિયા વાળમાં અમૃતની આંગળી,

ઉઘાડે માયાના માળિયાની આંગળી.

એને જાગ્યે જગતના પાવા વાય,

પારણું ઓરૂં આવે, ઓરૂં જાય.

એના જીવનની આછેરી ભરતી,

રસળે સઘળી અમારી ધરતી,

અજાણ્યા ભાવ ન અબોલી વાતો,

હૈયાનો સાંધે છે તાંતેતાંતો.

એને જોતાં ઉમંગ ઓરતા લહેરાય,

પારણું ઓરૂં આવે, ઓરૂં જાય.

૧-૧૦-૫૮

૯૯

સુખોદ્ ગમ

જન્મી ગરીબ ઘરમાં શિશુકાળથી હું,

આયુષ્યની અદયતા નિત આંબવાને.

ઘૂમું ઘણું, જગતકે સબ રંગ દેખૂં,

મિત્રો અનેક કરતો કરવા જ જેવા.

ઉદ્વેગ આગમનને હરખે વધાવું,

ભૂલો કરી ફળતણી કડવાશ ચાવું.

માણું મિજાજવરવી ગરવી ઉપેક્ષા,

સ્વાનુભવો પતનના કરતા તમાશા.

ને તો ય ના જગ કદી લવ તુચ્છકારૂં,

વા, માનવી પર નહીં મુજ દોષ ઢોળું.

આનંદથી વિહરતો લવતો જવાનો :

“સંજોગમાં નવ વસે, સુખ તો ઉરે છે.”

૬-૪-૫૮.

૧૦૦

દુઃખોદ્ ગમ

દૂભાય માનવ કરી પળ ભૂલ જાતે.

એથી ય કૈંક અદકું મન દુઃખ આણે.

જ્યારે ઠરે જગતની નજરે નકામો,

લોકો સદા અવગણે અવળે સ્વભાવે.

૬-૪-૫૮.

૧૦૧

ખેડૂત

તાપ ને ટાઢ ડારતા રેલા પસીનાના,

નિમાળા ખેરવે.

તેમ તેમ ખોપરી ખૂબ ચળક્યે જાય,

ખંખેરીને ખભેથી ધૂંસરી સાંજને પોર.

સેવવા ઓસડ સંધ્યાનું.

ગાતો આવે,

ધણનાં શ્વાસ વાદળ સાથે,

વાયુને વરસાવ્યે જાય.

શિશિર સુંદરતા,

વસંત વરણાગી,

ઉનાળાના આળસદિન,

સઘળું તેને છે સરખું.

કંટાળો ના દહાડો રાત.

ઊંડી આંખમહીં વરતાય કાળતણાં કામણની વાત,

ગાલતણી કરચલીએ ખંત, ધીરજ ને ધરણીસંતોષ,

છો ને સિક્કા ગીત ન ગાય એના ગજવે ફાટેલા.

સંસ્કૃતિ શું, ના સમજે તો ય ખરા એ ખમીરમાં,

ફરકે છે ઝંડા ઝાઝા,

ખેતર, ઘર, નિજ પશુતણો,

જીવ છતાં છે જીવનનો,

ધરતી પરનો ઘડવૈયો.

૨૬-૯-૫૮.

૧૦૨

મધ્યમવર્ગ

માધ્યમ મોટું રંક ને રાયકેરૂં,

લાડ લડાવીને બધાં ખાય ફોલી.

ના સુખ એવું કે બધી વાત નાની,

દુઃખ ન એવું કે રડે બોર આંસુ.

“શું અપનાવી જીવવું ?” પ્શ્ન એને,

“પુસ્તક લેવાં, કે નવાં વસ્ત્ર ? યાત્રા.

યા ઘર ? એવા ખ્યાલ વીંટંત ઝીણા.

બુદ્ધિ કસંતો મધ્ય માર્ગે પડે છે.

સંસ્કરણાત્મે વિશ્વને ખીલવીને,

એ જ ચડાવે છે ધજા ધર્મકેરી.

કર્મ, વિચારે જિંદગીતથ્ય નાણી,

સર્વ મહીં કૈં પ્રાણ ચૈતન્ય આણે.

કેળવણીની સર્વ શાખા, ગુરોચ્ચ,

રાજ્યતણો છે મુખ્ય આધાર એ જ.

૧૭-૬-૫૮.

૧૦૩

શહેરી

વાંકડિયા વાળ એના ગુંચળાઈ રહેતા,

તેમ તેનાં શમણાંય લૂખાંસૂકાં,

અવનિનો ભાર એ આકાશ ઊંચકી,

ચાલતો હોય એમ હાંફ્યા કરે.

મિલનાં ભૂંગળાંના ગોટામાં ગૂંગળાઈ,

અંતર આળું થતું જતું,

ઊપટી જાય તે રંગે દરવાડું,

મનના મોરલા માર્યે જતો.

જોવનાઈકેરા જુગારમાંહે,

હારી જતાં પરબારો જતો.

દેવને દરબાર.

દેવ પણ પૂછે કે જીવ્યો તે જિંદગી,

કેવી હતી,

ત્યારે ય આંખો ચોળ્યા કરે.

૨૬-૯-૫૮.

૧૦૪

ચાસ

ખેડી પાડે ખેતરે ચાસ સીધા,

તે ખેડૂતે ક્યાં, કહો, જ્ઞાન લીધું ?

શીખ્યો છું હું પેન ને ચાપડાથી,

સીધી લીટી દોરતાં, સાવ સીધી,

તો યે શાને ના પડે ચાસ એવા,

ક્યાં યે – હૈયે, જિંદગી ખેતરે ય ?

૨૬-૯-૫૮.

૧૦૫

કલા દર્શન

મિત્ર – ચિત્રો કલાકાર બધાતણાંથી,

ભીંતો સજાવી ઘરની, ન ભાળું,

તેમાં કદી કેમ કલા તમારી ?

ગમે નહીં શું નિજની જ પીછી ?

ચિત્રકાર – ચાહું સદા સર્વથકી વિશેષ,

મારી કરેલી રચના બધી ય.

ભારે પડે કિન્તુ મને જ એ જો,

રાખ્યા કરૂં ભીંત પરે મઢાવી.

૨૦-૬-૫૮.

૧૦૬

તો ઘણું

પૂર્વે કરેલ તપ જો ફળવા ચહે છે,

અન્યાય સર્વ જગના મુજપે થતા તે,

ભૂલી જવાય મુજથી. હસતે ચહેરે,

ચાહ્યા કરૂં જગતને, બસ તો ઘણું છે.

૧૮-૬-૫૮.

૧૦૭

સંગતિ

કોણે તને, ફળ ! કહે, તરૂપે ઉગાડ્યું ?

મોટું કરી, રસ ભરી જગમાં પકાવ્યું ?

છે માનવી મન કરી તવ જિંદગીને,

ચૂસી સદા સજવતો નિજની અજાણી.

” લાવણ્ય જે મધુર ગંધતણું ગુલાબે,

હોંશે ભરી કઠિન કંટકથી સુરક્ષે,

તેણે જ તો, ” અનિલની પખવાજ સાથે,

ઉચ્ચારતાં સદયતા શરમાળ નાચી.

૨૯-૯-૫૮.

૧૦૮

મજૂર

વરતાયે વર્ષો એનાં ના.

કાયમ ચહેરો એવો તંગ,

પથ્થરમાં ને એમાં ફેર લાગે ક્યારે યે ના લેશ.

ખાણ મહીં, ખેતર, ઘરમાં, યંત્ર સમીપ, ગમે ત્યાં હો.

ફીક્કી આંખમહીં પરખાય અતરની લગની આળી.

ખખડી ચૂક્યા તરૂ પરે હિમ પડે તેવી છે પીઠ.

શ્રમની કૂખે સળવળતા રોટીબાળતણો એ બાપ.

૨૬-૯-૫૮.

૧૦૯

પુનરાવર્તન

વિચાર નવ આણીએ : જગત આપણું ત્રસ્ત છે.

અનેક દમને ભર્યું, કલહટાંકણે કૂબડું.

હતું અદય આજથી અધિક કાલનું ટાંકણું,

છતાં જિસસ, ગાંધીએ સદયતા ભરી માનસે.

ભલે મનુજ આજનાં સમજતાં નહીં એહને,

ભલે અધિક જૂલ્મને અખિલ વિશ્વ વાગોળતું,

લડાયક ઝનૂનથી વિમલ સત્યને ડારતું.

થશે વિજય અંતમાં અનઘ-પ્યારનો દ્વેષપે.

જતો દિવસ ઊગતા રવિતણા રૂડા ખ્યાલને,

ઉદાર દિલથી નિશામય કરે, તદા આવતું,

મને અદલ શાંતિનું વરદ સોણલું કૃષ્ણનું,

વિમુક્ત મન માહરૂં છલકતું પ્રભાભાજને.

અખંડ ઈતિહાસ તો મનુસદાશની લેખિની,

અસત્ય પર સત્યનો વિજયલેખ આકારતી.

૧૭-૬-૫૮.

૧૧૦

અનુયાયી

કોકે પૂછ્યું :

” શું, ખરેખર જીવો છો ?”

આંખ મારા અંતરની ઊઘડી તુર્ત,

કાન વળ્યા આતમની સંજ્ઞા સૂણવા.

મનડાએ પૂછ્યું પોતાની જાતને :

” તારો આ માલિક જીવે છે ?

જીવે તો કેવું ? ક્યારે ? શા માટે ?”

ઉત્તર તો અટવાઈ ગયો આ પ્રશ્નોમાં.

રેડિયે પડોશના પડકાર્યું :

” ચોવીસમો એટમ-અખતરો,

અમેરિકાએ પૂરો કર્યો.”

“પશ્ચિમ એશિયાના પ્યાદે રમે છે,

પોતાના હિતમાં પારકાંને પજવી, ઠંડા યુદ્ધે ધકેલી.”

“કાશ્મીર કોનું તે કાશ્મીરમાં ના,

યુનોની ઑફિસે દૂર નક્કી કરવા મથે બીનકાશ્મીરીઓ”

“પાછા ફરે જો દુનિયાના દેશ પોતાના અવળા પંથેથી,

ચીનગારી ચાંપીને ક્યાંક,

પાટો બાંધીને જ્યાં દુઃખતું હોય ના.”

“રશિયા અમેરિકા મણને માથે સવાશેર,

શોધે છે બન્ને શસ્ત્રો જૂજવાં,

ફરતા કરે છે ઉપગ્રહ આગવા,

ડલેસ આંતરદેશીય અંકુશ શોધે છે એટલે.

૧૧૧

નાટો, સીટો ને બગદાદ પેક્ટ કરનાર અટવાય,

અંધારે નિજના, અંજાઈ અજવાળે પારકા.”

મળી ગયો જવાબ ઝટ :

” જીવું છું ? હા. જીવું છું.

ગૂંગળાવનારા, ઘૂરકાવનારા હરાયા યુગે.

ફજેતીના ફાળકા થાય,

ચાલાકી વાપરે ના તેના ચોમેરથી,

માટે જણાવું માથું હલાવી :

હૈયા આકરાના તેલે તળાતો,

દુનિયાના ડાકલે તો ય મજાનો નાચતો ગાતો,

જીવી રહ્યો છું, ન જાણું શા માટે.

હસવું આવેને સાંભળી વાત,

મારી આ, હસવું ખાળતા ના.

હસ્યે જજો.

ન સાંભળો જ્યાં વેળ,

સમાચાર ભયથી ભારે.

પંખીની પાંખે,

પ્રાણીના પેટે,

રણછાંયડે,

બેસીને આજ મૂંગા રહેવાય ના. સહેવાય ના.

દાવાદાર દોસ્તી દવે બળે,

દુઃખીયાંનો કોઈ ના દાતા બને,

છો ને વિસાત હોય પૈસા ચારની, વા,

રેખ રોટલી યા ચીંથરાની.

૧૧૨

ખરી કમાઈનો રોટલો ખાઉં છું,

એવું કહી ન છેતરૂં તમને, જાતને.

એ તો અકસ્માત,

ધરતીકંપ થાતાં,

ઊઘડે સોનાની ખાણ રવ રવ કરતાં પગલાં પાસ,

એવો થયો છે ઘાટ રોટલો મળે છે તે તો.

બાકી કરૂં જે કાંઈ તેથી ન ભોજનપાણીનો હક,

મળે મને.

કરૂં છું કામ તેથી સવાયું ખાઉં અનાજ.

વિધિ જો વિફરે થઈ રહ્યું !

‘ ખાઓ, પીઓ ને મઝા કરો, હવે છે આપણું રાજ,’

માનતાં લોક મથે મનાવવા.

(પણ) તમે જ કહોને,

શી રીતે ખાઉં સુખે ભોજન ?

શી રીતે શરબત પીધું પચે ?

ભૂખ્યાં પાસેથી અન્ન ઝૂંટવાય રોજ,

વિવિધ રીતે,

તેમાંનો હિસ્સો મળે મને,

તરસે તરફડી મરે ઘણાં, પીણાં ઉડાવીએ આપણે,

તેમના  લોહીનાં.

કાળ એનું કામ કર્યે જવાનો,

પાપીમાં પુણ્ય પ્રગટે ત્યાંવેળ.

ઘર્ષણ ખોટું તજીને દુનિયા,

જીવે છે કોકવાર પળ બે પળ નિર્ભય થઈ ને જીવ્યાસમું,

૧૧૩

હિંસાની મોટી હોળી કરી,

અન્યાય અળગો કરી, ધર્મથી ધરણી ભરી,

તૃષ્ણા તૃપ્ત ન થતી કદી,

જેમ જેમ ભોગવો તેમ તેમ દવની જેમ વધ્યે જતી,

એ સમજાતાં ભૂલી જશે વેર ને ઝેર દુનિયા.

ભલેને આજે હરાયા યુગે હું ય હરાયો થઈ ફરૂં,

વિશ્વાસ પૂરો છે ઉરમાં :

હું અનુયાયી—અનુગામી હનુમાનનો, લક્ષ્મણનો,

બુદ્ધ, ઈશુ ને ગાંધીનો, જરા ન હંગામી, પૂરો હામી.

અવનિ જેમ ભ્રમણ કરતી,

સુધર્યે જાય છે જરી જરી.

ધીરે ધીરે તજી બધી આસુરી વૃત્તિ,

સાત્વિક થાશું,

ભજીશું પ્રેમસુરતા સઘળી.

૮-૧૦-૫૭.

૧૧૪

મારા શહેરે

રાત્રે જાગું એક વાગ્યે કદી હું,

ભાળું શાન્તિ શે’રને શૃંગ નાચી,

લેતી થોડું વાયુની વક્ષપીઠે.

શ્વાનો જૂના માલિકો ફૂટપાથી,

ટાંકીકેરાં નીર દેનાર તાલ.

જોતાં ઊંચા માળની હાર દીર્ઘ,

તારા, ચંદા ને વળી શ્વાસ રૂગ્ણ,

ચોરોકેરી ચાતુરી, કોક યજ્ઞ.

ત્યારે પેસી મિત્રનેત્રે તૃતીય,

એ હૈયાંનો તાગ લેવા મથું છું.

ફિક્કો મારો ચંદ્ર ઉદ્વેગકેરો,

લીલા પેખી એમના વજ્રજેવા,

ભાવોવાળી સ્નેહનો સૂર્ય થાતો.

ત્યાં વાગે છે પાંચ ને મીલકેરાં,

ચીત્કારે છે ભૂંગળાં, ટ્રામ, ગાડી,

પંખી નાસે. નૃત્યનો નાશ થાય.

ઓળા ઝીણા મોતના મુક્તિ રૂંધી,

મિત્રોકેરી માહરા ભક્ષ્ય માગે.

મારૂં લોહી વ્યર્થ ઊનું થતું, ને,

ટાઢું થાતું આપમેળે નકામું.

મત્રીકાજે હું ય દા’ડે મથું છું,

આંખો પામે સ્થૈર્ય ના રાતના ય.

૪-૧-૫૮.

૧૧૫

લાલબત્તી

અણુઅખતરા આકાશે વા જલે, અનિલે કરી,

અરૂણરથને રૂંધે સત્તા મદે ચકચૂર તે.

વિષમય કરી પૃથ્વી નાંખે હરી અભયામૃત,

વિજયહસનો યોજી પાડે પ્રભાવ વિનાશથી,

પણ ભય જ વણે જીવાદોરી. જનો, જગધર્મ, ને,

પ્રજનન, સુરતા, ધાન્ય, પ્રાણી અનંગ કરી રહે.

અવનિપદમાં ધ્રૂજે, કલ્પે જનો કરૂણસ્થિતિ,

મરણચરણો ચાંપે ગેસ પ્રચંડ નિરંતર.

ચડસ-મરણિયા મોટી સત્તા ! પસંદ કરો તમે,

તવ વિભવબળે બ્હીતો ફીક્કો પ્રજાદલવારસો ?

૧૦-૧-૫૮.

૧૧૬

આગાહી

જ્યારે મને નહિ રહે રસ માનવીમાં,

કે સૃષ્ટિમાં પળપળે રસળી રહેલ,

માનીશ કે સ-રસતા મુજ જિંદગીથી,

છૂટા પડી. મરણ હું તવ નોતરીશ.

૩-૪-૫૮.

૧૧૭

હાથને શું

હૈયે વાગે હાથથી જે કરો તે,

આંસુ પાડે આંખ, મોં મ્લાન થાતું,

લેવાદેવા ના કશી છે પગોને,

તો યેવાગે નેવળો, ફેફસાંમાં,

વ્હેવા માંડે રક્ત ઝાઝું ઝપાટે,

માથું ભારે થાય, ને માનસીમાં,

સર્વે ખાતાં તંગ થાતાં જરામાં,

નિદ્રા થાતી વૈરિણી, પ્રેમ ફીક્કો,

લક્ષ્મી લાગે તુચ્છ, ઉલ્લાસ ઊણો,

વ્હાલાં થાતાં વેર, સંતોષ નાસે,

ખાવાનું ના ભાવતું, કોઈ પીણું,

મીઠું લાગે ના, બધે કૈંક થાતું.

ધ્રૂજારી આવે છતાં સાવ ઠંડા,

હાથોને શું પાપ કીધા પછીથી ?

૧૯-૨-૫૮.

૧૧૮

નારિયેળી

” લાંબી ઊંચી તાડની જાત, કિંવા,

સોપારીની છે સગી ” એમ છોને,

લોકો બોલે, ” નારિયેળી ” જુહૂની.

એને એના આગવા છે વિભાવ.

પ્હોળા હાથે એ લખે આભલે શું ?

ભાષા એની જાણનારા, કહો, છે ?

એના શબ્દે સૌ રસો એક સાથે,

નાચી ઊઠે સૌ ભરી અર્થપાક.

રાખી પૃથ્વીપે સદા પાય કૂણા,

માણે મુક્તિ પ્રાણની આભલાના.

ગન્ધર્વોની સૌ કળા નર્તકી એ,

શીખી કેવું મૌન સેવી રહી છે !

મૂંગી મૂંગા જીવની જેમ એ છે,

અર્પ્યેજાતી કૈં રહસ્યો અનામી.

શા શબ્દોમાં વર્ણવું શીલ તારૂં ?

પ્રજ્ઞામેદા વામણી તું – સમીપ.

પીતા નિત્યે શેઠિયા પુણ્ય તારૂં,

ઉદ્ધારીને આંગણે હાર મોટી.

પામ્યા છે ના ભેદ તારો હજી એ,

પામે ક્યાંથી તો પછી અન્ય મર્મી.

લાંબી દેહે ડોક ને યાદ, જીહવા,

લાંબાં તો યે ખંજરીતાલ માત્ર,

૧૧૯

તું અર્પે છે સૃષ્ટિવાદ્યે, સુપાત્ર !

તારો હિસ્સો વિશ્વસંગીતસત્રે.

સ્નાયુપ્રોયી શૃંખલાબદ્ધ તારાં,

અંગે ભંગી ભાવની બ્રહ્મકેરા.

શ્રદ્ધાકેરી સિદ્ધિ જેવાં ફળોના,

ગર્ભે કેવી તેં ભરી શ્વેત ભક્તિ !

ઝાંખી ઘીની માંડવીશી ઝગે તું,

છાયા ઢાળી માણસાઈ ભરેલી,

હાલે ધીમું જ્વારભાટા સમાન,

યોગી જાણે ડોલતો આત્મલીન.

એકાકી છો એ જ સારૂં થયું છે.

પાસે પાસે માનવીએ વસીને,

વિજ્ઞાને છે ત્યાં વધારો કરીને,

વાવ્યું એવું યુદ્ધ કે નિત્ય ચાલુ.

હું માનું છું : માનવી જે મરે છે,

મોટાં મોટાં તે તણી જિંદગીનાં,

જાદુમાંથી આપની જાત જન્મી,

તેથી અંગાંગોતણાં સ્વાર્પણોથી,

પોષ્યે જાતી જિંદગી સાધનોને,

અર્પી સાચાં, ત્યાગનો ધર્મ બોધી,

કલ્યાણી આ વિશ્વની નારિયેળી,

જોતી જીવે કાળની પૂરવૃત્તિ.

૩૧-૧૨-૫૭.

૧૨૦

જાગૃતિ

આજ લોક જાગિયાં છે જાગવા જેહવું,

ત્યાગવા ય માંડિયાં છે ત્યાગથી ત્રેવડું.

શસ્ત્ર, અસ્ત્ર, એટમોના સાધનાત્રાસથી,

થાકવા ય લાગિયાં તે ચેતના ચેતવે.

ચાહતાં ન આજ કોઈ યુદ્ધ અડ્ડા કહીં,

ભાવતાં ન ભોજનો જ્ઞાનનાં આકરાં.

એક સૂર ઊઠતો આજ ચોખંડથી :

રાજ્ય સર્વ સાથમાં સંપની વાતડી,

માંડતાંક હેતથી ભેટવા માંડશો,

તો જ ભાઈ ! જીરવી એટમો જીવશો.

ભાવનાર્ક જિંદગી ધ્યાનમાં રાખતાં,

વાસ્તવાર્થ માનવી આજનાં શોધતાં.

મૃત્યુધામ દેખતાં ગાવડાં નાસતાં,

કત્લકાજ હોડવાં શક્ય ના સર્વ એ.

૨૨-૨-૫૮.

૧૨૧

પુરદેવતા

નમન માહરાં,

નગર નમણા ! તારાં અંગને,

સકલ રસની લીલા એકત્વસુન્દરતા વરે.

બધાં અંગ એકેકના રૂપમાંહીં,

વહી રૂપ પોતાતણું ને સજાવી,

તને બ્રહ્માપુત્ર પ્રમાણી વસે છે,

ગણી સાસરૂં સૌ રસે તૃપ્ત થાતાં.

પણે એક કોરે ધને ગર્વઘેલો,

વસી માનવીને દબાવી હસે છે.

જુઓ, દક્ષિણે છે મજુરો દળંતા,

બધું દેહ અન્ન, પ્રસૂનો મરંતા.

માળા મહાકાશવડે પ્રભાવિત,

આકાશનો ગર્વ ઉતારવા ઘણા,

રચી કરી તેં ધરણી વિષાદથી,

ભરેલ તેને બહુરૂપિણી અહીં.

સંધો ભરેલો બહુ જાદુથી આ,

સંસાર કેવો ઝટ સાંગરે છે !

પાપો દેખી ના રહેવાય તેથી,

પુણ્યાત્માઓ ક્યાંક ઓઢી પછેડી,

દેવોના ઓ દેવ ! પ્રાર્થે તને છે.

આ સંસારે તું જ છે મુક્તિદાતા,

તેથી પ્હોંચી ઉમ્રના દાદરેથી,

૧૨૨

વ્હેલા માળે, દેહને ઝંપલા’વા.

ઈતિહાસે ભરે તારા માનવી અભિલાષ સૌ,

ભૂલો, શંકા, સમાધાને સ્વાર્થની સિદ્ધિ હેળવી.

રેસ્ટોરાં ઉભરાય માનવતણા નિઃશ્વાસથી પ્યારથી,

જૂઠ્ઠા, સાચવડે કદી વિલસતી. કંકાસથી છૂટવા,

ઝંખે તે જનથી. વડો જુગટિયા અડ્ડો અહીં જામતો.

યોજે રંક દળો પથે વિવિધતા ભિક્ષાતણી યુક્તિની.

શ્રેય ને પ્રેયનો હ્રાસ સમાન ભાવથી થતો,

પત્ની ને પ્રેયસી બન્ને રાતના રડતાં રહે.

તારાં યંત્રે, સાધને, હ્રેય તત્વે,

હાંકી મૂક્યાં ટાઢ ને તાપ આઘે,

તેથી બ્હીને આવતી ના વસંત,

તારે ખોઆવતી તો વહેલી,

નાસી જાતી જિંદગી ધન્યતાળી.

દા’ડો વીતે ઘર્ષણે, જૂઠ, લોભે,

ભૂખ્યો પ્યાસો વા કદી માર ખાઈ.

રાત્રી ફિલ્મી નાટકી કર્ષણોમાં,

ખૂપી લ્હાવો માણતી ચોરકાર્યે.

સ્નેહીકેરી તું સગાઈ રમાડે,

વેરીકેરા દ્વેષને યે ગમાડે,

ભક્તિપ્રોયા ભાવને કોક ખૂણે,

ગાતો રાખી ચેન ચોર્યા કરે છે.

૧૨૩

વિદ્યુત તેજલ પંથ પરે ય,

જીવનજાજમ રોજ બળે છે.

અંધાર ઢાંકે અરમાન રૂપલાં,

ત્યક્તા પ્રજાળે નવરક્ત જે સમે.

ખંડેરમાં મલકંત પથ્થરે,

છે આરસીમાં ઈતિહાસઈંગિત,

તેના પ્રયોગો વદ, આજવેળ ના,

પૂરા થયા તે કલહે કાળ જોતરે ?

મિલ વણે વસન ક્ષણબુદ્ધિનાં,

કડક, ને ખુરશી, જિવિતાર્ધને.

કરૂણતા કપરી ચરતાં દિસે,

પશુ, જનો, સઘળાં શ્રમઐક્યમાં.

તદપિ તું ગગને અજવાળિયું,

કરત તે કૃષિકો ય નિહાળતાં,

નજર ને ઉરમાં ભજતા તને,

ઋતુ, કૃષી વિસરી ઘર છાંડતા,

બળ કરી તુજને શણગારતા.

બલિ બની નિજને જ વધેરતા.

વાસી શાક અહીં મળે,

પાણી દૂધમહીં ભળે.

રોગો રોજ નવા ગ્રસે, નગરની લીલા છતાં પાંગરે.

વેપારી, વરણાગિયા વિવિધતામાંહે વધારો કરે.

કૉલેજો ધન દેશનું ખરચતી પ્રીતિ રમાડ્યા કરે,

બ્હેકાવે યુવકો અસંખ્ય યુવતી.

૧૨૪

રાષ્ટ્રોત્થાનતણું ખમીર વણસી,

કૉર્ટે જાય સદા, વકીલ વળગી ચૂસે જળો જેમ જ.

ક્લાર્કો, પેપર ને બજાર વરવાં, ટ્રામો અને ટ્રેનના,

ઘોંઘાટે ચડતાં અવાજ કરતાં ઉચ્ચાધિકારી મહી,

લેવા લાંચ ઘણા પ્રયોગ કરતા, અન્યાયનાં કાટલાં,

તોળ્યે જાય બધો જ માલ, વચમાં કો’ સત્યવાદી મરે.

ધૂમાડો ને ધૂળ હૈયે જતાંક,

ધૂણી ધખાવે ક્ષય રાજસીની.

ફીક્કાં નાનાં બાળને, ચંડ નાથ !

અંધાધૂંધી તાહરી ના ડસેને,

તો માનું કે છે બધી ક્રૂરતામાં,

તારે હૈયે સાત્વિક શ્વેત ઠંડી.

બજાવે જીવવીણા તું તારની અનુરાગના,

મંદિરે, ક્ષૂદ્ર સંગીતે ખેલતાં ધૃષ્ટ તત્વ સૌ.

બ્યુગલો તાહરાં ક્ષેમ સૂચવી સર્વ કાળનું,

છેતરી માનવીકેરી હેરતાં આત્મશક્તિને !

નેત્રના દર્શને યોગ મનઃચક્ષુતણો થતાં,

કલાવ્યાપારનો યોગ માણવા મળતો નકી.

વિલસે કાવ્યો પ્રાણ માનવી સર્વમાં ખરે,

કવિ જ છે રચી જાણે કવિતા શબ્દ કેળવી.

કહે, અવ્યક્ત તત્વો તું કેળવી રેડવા મથે,

વિશ્વના સંગીતે કેવી, સમાલોચક ! રાગિણી ?

૯-૧-૫૮.

૧૨૫

तददूरे तदन्तिके

(૧)

જ્યોત્સ્નાપોષી પૂર્ણતાને રજોટી,

વસ્ત્રો પ્હેરી કાલનાં અન્ય રીતે,

રસ્તે ઊગ્યા રંગ જોતો રૂપાળા,

પૃથ્વીતાવ્યા સત્વને શક્તિ અર્પી,

રૂપેરી તેજે ભરી અર્થમૌન,

આંબીજાવા પંથ પશ્ચિમનેસે,

ગાયો હાંકી પૂર્વની કોઢમાંથી,

જાતો જોવા સૂર્યને બ્રાહ્મકાળે,

દા’ડો આખો નાચવાથી નિશાનો,

ખોળો ખૂંદી ચેતના અર્થ સુપ્ત,

સ્ફૂરી ગૂંજે પ્રાણના ગીતમાંહે,

સૌન્દર્યોના સ્વર્ગની એષણાઓ,

ત્યારે આવે સૂર : ” જાગો તમે કે ?”

” હા, ઊભાં રો’,” બારણું જ્યાં ઉઘાડું,

ભાળું ઝાંખી તેજછાયા પ્રશિષ્ટ.

સાડી કાળી, પોલકે શ્વેતવર્ણી,

સંતાડીને બ્રહ્મ ઊભેલ લજ્જા.

તારૂણ્યેથી ઊગતી ભાવનાની,

ડોલે જાણે મૂર્તિમંતોર્મિ ઘેલી.

આંખો ચોળી આવકારાર્થ પાસે,

જાતાં ભાળું હું મને એકલો જ !

મ્હેંકી ઊઠે ફૂલડે રાતરાણી.

૧૨૬

માથે ઓઢી બંધ આંખે નિહાળું,

લાવણ્યોનું આવલીઐક્ય દિવ્ય.

ભાગ્યે જાતી રાત મારી, ન જોઉં,

આ શીલાને શામળી આત્મધૂપે,

ને ઊઠું જો હું નહીં કો’ નિશાયે,

પાછો આવે બોલ : ઊઠો જરાક.

સૂતો હોઉં ટ્રેનમાં, ઘેર, ક્યાં ય,

પત્ની સાથે કે પછી એકલો જ,

આજે તો છું આટલે દૂર દેશ,

તો યે તેનો તે જ રામાયણાન્ત,

જોતો જાણે કાવ્યકેરો ઝગારો,

ને પાછો હું થૈ જતો સાવ ઠાલો,

ઊઠી નિત્યે બારણું ખોલવાનું,

તેવું પાછું એકલે વાસવાનું.

વાસી, સૂતાં તેજની સેર ભાળું,

શય્યા માથે ઘૂમતી લુપ્ત થાતી.

ગાયત્રીનો મંત્ર ઉચ્ચારતો હું :

સૂર્યસંગી ગોપભાવો જગાડું.

(૨)

” જાગો છો કે ? ” હા, ” કહી દ્વાર ખોલી,

ખુલ્લાં રાખી ખૂબ વ્યાકૂળ થૈને,

ઘોળી ઝાઝી કલ્પના, કાવ્ય ઊર્મિ,

ઘૂંટે તેવી. સર્વ મસ્તિષ્કરેષા,

થાકી સૂતી ખંડમાં તેજ તેજ.

૧૨૭

કૂણા હાથે કોણ મારે શરીરે,

શાતા ઢોળી માતની હૂંફકેરી,

નાના હૈયે ઝંખના દીર્ઘ રોપે ?

જાગી આંખો, લોપ થૈ મૂર્તિ . તુર્ત,

જાગી મોંઘી કલ્પનાતીત વૃત્તિ,

સૈકાઓથી નિત્ય તાદાત્મ્યદોરે,

બ્રહ્મોત્પન્ના ભાવના મોક્તિકોને,

સાંધી રાખી સૃષ્ટિ વિસ્તારનારી.

તાલાવેલી જેટલી દર્શનાર્થ,

આભાસી આ સુંદરીકાજ જાગી,

કો ‘ કાજે ના કલ્પનામાં ય સેવી.

અવ્યુત્પન્ના ખંજરી આમ વાગી,

નિદ્રા છાની ચિત્ત ચોરંત ભાગી.

વિશ્વે ચીજો ચાહવા, મુશ્કરાવા,

રોવા, ધોવા એમ કલ્માષ જૂનો,

આવી સ્પર્શે મસૃણ પ્રીત માંડી,

એકાકી ના જીરવી એ શકે તે,

ઝંખે, શોધે એકતાપૂર્ણ હાર્દ,

પામ્યો છું હું સુન્દરી કલ્પનાની,

આવી તો યે ઐક્ય છે કેમ દૂર ?

શાને ના તું સત્વરે વ્યક્ત થાતી ?

આળી થાતાં ઊર્મિઓ તું જ રોશે.

ચંદાકાજે સાગરી ઓટ રોતી.

યોગી રોતો યોગને વેડફીને.

૧૨૮

( ૩)

પૃથ્વીકેરા જીવને સ્વપ્નબંકો,

રાચી પૃથ્વીપારની વાત માંડી,

આંસુકેરા તોરણે મોદકન્યા,

સાથે ઊણા ભાવને દીર્ઘ ઊંડા,

હૈયે ઠેલી લગ્નને માણવાને,

ઊભો તેવી છે દશા આવ મારી,

તેથી છે મેંઆમ કીધો વિચાર :

છોને આવે, બારણું ના ઉઘાડું,

બારીમાંથી તૃપ્ત થાતાં સુધી હું,

નેત્રો દ્વારા રૂપ પીધા કરીશ,

શીળી હૂંફે શબ્દ ઘૂંટ્યા કરીશ.

( ૪)

” જાગો. ઊઠો. બારણું તો ઉઘાડો. ”

ઊઠ્યો. બારી પાસ ઊભો લપાઈ.

દીઠી ત્યારે રમ્યતા જિંદગીની,

સ્વર્ગંગાના સ્રોતની ચેતનાશી.

કાળી સાડી વેલબુટ્ટે ભરેલી,

ઢાંક્યું હૈયું પોલકે ભાવિસંચ્યા.

હોઠે આવ્યા લાસ્યથી નેત્ર ખેલે,

ખેલે જેવી પુષ્પથી સૂર્યલાલી.

આકાશે કો ‘ પૂર્ણિમાના પ્રદેશે,

૧૨૯

અંધારામાં, બીજના ચંદ્રચાકે,

અભ્રોત્પન્ના, સ્વપ્નમાં, કલ્પનામાં,

પૃથ્વીકેરે ખોળલે, ક્યાં ય આવી,

શોભાકેરી ઝાંય ના વ્યક્ત દીઠી,

હૈયે જાગે કાવ્યના ભાવ તેવી.

ઓજે ઢાળ્યું દ્રૌપદી અંગ જાણે,

સીતાકેરી સૌમ્યતા, પ્રેમમીરાં,

સાવિત્રીની શીલનિષ્ઠા સચોટ,

આવી ઊભી બારણે ઢૂકડી જ.

ક્યાંથી થાયે તૃપ્તિ તે માત્ર જોયે,

મારે હૈયે વામણું પોમલું જે ?

ખોલી નાખ્યાં દ્વાર, આલિંગનાર્થ,

લાંબા થ્યા બે હાથ ઉન્માદદોર્યા.

ઊડ્યા ભાળ્યા કેશ ગૂંથેલ તેજે,

ખીલન્તાં બે ફૂલશા ગાલ લાલ,

અભ્રો નાચે વાયુલીલાર્દ્ર જેમ.

ગાયા પૂર્વે સૂર અદ્રશ્ય થાય,

તેવી રીતે શૂન્યતા વાપરી ત્યાં,

શોકાનંદે એક સાથે ધકેલી.

દુષ્યન્તોનાં રાગરોપ્યાં અધીરાં,

રામે રોપ્યાં સ્નેહકર્તવ્ય જન્મ્યાં,

અંબા-રાધા-દેવયાની ઉરોનાં,

યુદ્ધો જાગ્યાં વિશ્વનાં થાય તેથી,

ઝાઝાં લાંબાં. દેહનું સ્થૈર્ય ખૂટ્યું.

સ્વપ્ને દીઠું સત્ય ? કે સ્વપ્ન સત્યે ?

૧૩૦

વા એ બેનાં મિશ્રણે આંખ આંજી ?

અદ્વૈતેથી ઊતરી દ્વૈત આવ્યું ?

( ૫)

કાલે મૂક્યાં દ્વાર ખૂલ્લાં. સુવાડી,

સંતાપોમાં ઊર્મિમાળા તપેલી.

ચૂમી નિદ્રા વાગતાં ચાર સુધી,

આવી ત્યારે ઉર્વશી ? ના. ઉમા તો ?

નામો આપ્યે ન્યાય સંવેદ પામે,

એવી સંજ્ઞા એ નથી. નામપાર.

પ્રજ્ઞારૂપી સંહિતાહસ્ત ભાલે,

મૂકી ઋગ્વેદી કરે હાથ મારો,

પંપાળંતી બેસતાં ઈસકોરે,

ઓશિકાથી ઉચ્ચરી આટલું એ :

” જાણું વ્હાલા, ઝંખતો નિત્ય ભેટ,

એ યે જાણું, તાહરૂં વ્યગ્ર ચિત્ત.

તો યે આવી હું સરી સદ્ય જાતી,

ઉત્તાપોનો આંકડો જોડતાંક,

જેને લીધે તાહરે દુઃખ દુઃખી,

પત્ની તારી ખૂબ રીતે રિઝાવે,

દા’ડો આખો, રાતના ઊંઘ છાંડી,

ત્યારે ઓછો રંજ થાતો જરાક.

એ યે જાણું કે નથી ઝંખનામાં,

તારી લેશ પ્રેયનો અંશ તુચ્છ.

પ્રેય – શ્રેયે દુન્યવી યુગ્મ તારૂં

૧૩૧

ના ઊણું છે, ઊર્ધ્વતા પોષનારૂં.

તારે તો છે માત્ર સર્વાત્મભાવે,

મારી સાથે એકતા સાધવાની,

ઉત્કંઠા, જે વિશ્વનાં દ્વન્દ્વમાંહે,

રેલે જૂનું કાંક સંગીત સૂક્ષ્મ,

તો તું નાચે, ને બધાં સૃષ્ટિતત્વો,

પૃથ્વીપીઠે પ્રેમનું ધામ બાંધે.

મારી તારી કાળજૂની સગાઈ,

ખાવી મારે તે હતી છે વધાઈ.

માટે તારે ઝંખનાવ્યસ્ત રે’વું.

તારે હૈયે નિત્યરૂપે વસું છું.

મારી ઈચ્છા જે સમે પૂર્ણ થાશે,

નક્કી થાશે આપણું દ્વૈત દૂર,

માની લીધું તે હજી જ્ઞાન તારૂં,

માયામાંહે માહરી લિપ્ત તેથી.

ગાજે ભાવો જૂજવે રૂપ દા’ડો,

આવે એવો ત્યાં સુધી એકતાનો.

બેઠી થાતાં પ્રાણની પાંખડીઓ,

ચૂવા કાજે સિદ્ધિનો સ્વપ્નઅંશ,

ચૂમ્યાં હેતે હાથ, બે ગાલ, ભાલ,

તે માણ્યું મેં તે ક્ષણે લોપ મુદ્રા.

શાતા લાધી સ્વલ્પ આ બોલમાંથી,

તેને લીધે કર્મમાં વ્યસ્ત થાતો,

જીવ્યે રાખું જીવવા જેહવું, ને,

૧૩૨

માણું દોલું હેતથી વિશ્વ સર્વ.

શ્રદ્ધામાં છે સાન્ત્વના, ભવ્યતા. જે,

ઝંખ્યે રાખે માનવી, પામશે જ.

સ્વેચ્છાથી જે આદરે આત્મખોજ,

નક્કી થાતી પુષ્ટિ તેની અનલ્પ.

(૬)

એ આવે કે જાય છે શાંતિ મારી,

હાંક્યે રાખ્યું આજ શય્યામહીંથી :

” છો આવી તો. હું નહીં ખોલનારો.

( વાસી ન્હોતી દ્વારની સાંકળી મેં,

મોઢે આવી ‘ ના ‘ છતાં ‘ હા ‘ દિલે તે ! )

જાણે છે તું વ્રેહસંતાપ મારો,

તાવે તો યે માહરી પ્રીત રોજ !

કો ‘ સ્ત્રી આવી હોય, સૂણ્યું નથી મેં,

માગે પ્હેલું માન તે હું ય જાણું.

પામ્યે જોતી ના કદી પૂંઠ વાળી.

સ્ત્રીચારિત્ર્યે હોય ના સ્થૈર્ય આવું.

તું તો જાણે પૌરૂષ વૃત્તિવાળી.

મૂકી મર્યાદા બધી મેં છતાં ય,

તેં તો તારી રીત ચાલુ જ રાખી. ”

ખૂલ્યાં દ્વારો. આંખ મેં અર્ધ મીંચી,

મારી આશા આવતી જ્યાં નિહાળી.

જાગી સર્વે ઊર્મિ ઉલ્લાસબાગે,

માઝા મૂકી નાચિયાં અંગ મારાં.

૧૩૩

ગૂંજ્યો સારો ખંડ ખદ્યોતહાસ્યે,

આંજી દીધી ઈન્દ્રિયો સ્થૂળસૂક્ષ્મ.

ના રે’વાતાં સાબદાં પંચતત્વ,

થૈ ને દોડ્યાં માણવા સ્પર્શ સદ્ય.

ગન્ધર્વોની ભોમથી ઊતરેલી,

શ્યામા ઊભી સ્નેહશાતાસવાઈ.

સૂર્યોત્કંઠી ઓસના બિંદુ જેમ,

ચૂમી દેતી ક્યાં ય પાછી સરી ગૈ.

હેમન્તોની હાર કૂણી વસંતે,

જાતી વાગી બેતમા હાસ્ય અંતે.

ને હું બોલ્યો મૌન તોડી મદીલ :

” જોજે ને તું, આજ કેડે ન બોલું.

તું આવે છે. હું નથી ખોળતો ને ?

સંકોરીને ઈન્દ્રિયો, પ્રાણ, ચિત્ત,

સંવર્ધીને શક્તિ, સંકલ્પ સાધી,

જીવું એવું કે રહે મૃત્યુ દૂર.

ભેટું એવું મોત તે જન્મ પામું,

ત્યારે થાઉં પૂર્ણ હું નંદલાલો.

ઘેલી રાધાનો તને જન્મ આપું.

મારી પ્રીતિ નેન તારે જડેલી,

ચાહે હોંશે ગોપ, ગોપી, યશોદા.

હૈયે તારો જાપ ચાલ્યા કરે ને,

તો યે વાળી પૂંઠ બંસી બજાવું.

આવે પાસે તો હઠી દૂર જાઉં,

૧૩૪

આકર્ષન્તા પ્રાણ તારા ટગાવું,

કાલિન્દીને તીર નાચું, નચાવું.

હૈયું તારૂં મુગ્ધ ચોળી પલાળે,

તો યે તારી પાસ ના લેશ આવું,

ત્યારે થાશે ભાન કે થાય શું છે !

સ્ત્રીઓ ઝાઝી પ્રેમપૂર્ણા નથી જ,

એવું હું યે, બોલ, શંકા કરૂં કે ?

કે તું સાચી, હું ઠરૂં સાવ જૂઠ ?

મારે હૈયે તું વસે તેમ હું ય,

તારામાં છું. જાણતો સર્વ ભેદ,

તેં સંબોધ્યો એટલે, તો ય શું છે ?

જાશે ક્યાં તું ? જીત મારી થવાની. ”

ભીડ્યાં પાછાં દ્વાર, હૈયાતણાં ય.

સૌ નારી છે બોલકી, સર્વ જાણે.

ના હોયે જ્યાં વાત, એ વાત માંડે.

મારે માટે કેમ ના સત્ય એ છે ?

બોલ્યે રાખું એકલો હું મતીલો.

મિથ્યા માનું ના કદી શબ્દ એક, ”

(૭)

” માન્યું તું મેં, આવશે તું જ પાછી.

લોકો બોલે : સ્ત્રી કદી એમ ના’વે,

ને કો’ વીરો આમ ઘેલો બને ના.

મેણાં મારે લોક છો ને સદાય.

૧૩૫

જોવા જેવો યોગ છે આપણો તો.

હું ત્યાગું તો તું નથી છોડવાની,

કેડો મારો, તાહરા દૂર થાતાં,

પૂંઠે દોહી હું નકી આવવાનો.

દેહે છૂટાં તો ય શું ? પ્રાણ એક.

જન્મીને તેં પ્રીત મારી ઉપાસી,

ત્યાગ્યા કીધી સૌ યુગે મેં ઉદાસી,

તેથી આજે આપણે બેઉ ઘેલાં.

દેહી કેરે અંતરે પ્રીત જન્મી,

પ્હેલી, ત્યાંથી કલેશમાં પક્વ થાતી,

ઊંચે, નીચે ને વળી છેક નીચે,

પ્હોંચી, ઝાઝી ઊર્ધ્વગામી બનીને,

વિશ્વે વ્યાપી, બ્રહ્મ છે પ્રીતકૂખે,

જન્મ્યે જાતું પૂર્ણમાંથી ય પૂર્ણ.

હું ને તું તો એહના અલ્પ અંશ.

હું હારૂં ત્યાં જીત તારી થવાની,

તારે હાર્યે હું નકી જીતવાનો.

આરંભે તું પ્રીત ત્યાં અંત મારો,

થાતો, તારા અંતમાં બીજ મારૂં.

આરંભાન્તે ના દશા અન્ય પામ્યાં.

નારી તો ના એકની એક વાતે,

કંટાળે. કો’ આદમીને ગમે ના,

વારે વારે વાત વાગોળવાનું,

મંડાયે તો. ના દિવાસ્વપ્ન ચાહે.

૧૩૬

હું યે હ્યાં તો તાહરી કો ‘ સખી તે,

રાચું નિત્યે આપણાં દર્શનાન્તે.

ધીરે ધીરે પ્રેમ થાતો પ્રશાંત,

ઊંડો, ઘેરો, તો પછી આપણે કાં,

એ સિદ્ધાન્તે શાંત થાતાં નથી જ ?

પ્રાપ્તિપ્રોયી શાંતિની રાહ જોતાં ? ”

આવે છે એ રોજ. ઊઠું ય હું છું.

સ્પર્શી એની તીવ્રતા ના વલોતો,

સ્પર્શે એ તો ના નથી પાડતો ય.

ના સ્પર્શે તો રંજ થાતો ન એનો.

( ૮ )

” આવી પાછી કાવ્યઋચા બનીને ?

સંઘર્ષાતી જિંદગીની મિઠાશ,

દેવે દીધી તો ન કાં આવકારૂં ?

ખૂલ્યે જાતાં ભાગ્યનાં દ્વાર મારાં.

છો ને પૈસે ના સુખી, નંદમસ્ત,

છો ને મિત્રો પ્યાદુ માની રમંતા.

તારો થાતાં વ્રેહ અંગાંગ ચૂતાં.

પંપાળી ચૂમી જતી એ ન ઓછું.

રીઝેલી ઉલ્લાસિકા ! દાન આપે,

તેને માથાવાઢ છે ભીખવું તો.

છૂપો જેવો અગ્નિ છે કાષ્ટ હૈયે,

પૂષ્પે છૂપી ગંધ, સંગીત તારે,

દેહે દેહે પ્રાણના દીપ છૂપા,

૧૩૭

તેવી રીતે તું ય અદ્વૈતભાવે,

સંતાપેલી માહરે બ્રહ્મરન્ધ્રે.

અવ્યક્તા ! તું એકની બે બને છે,

પત્નીમાં યે નીરખું કૈંક વાર.

આવે રાતે પ્રેયસીરૂપ ધારી.

બન્ને પાઠો પૂર્ણ ભાવે કરે છે,

પુણ્યાપૃથ્વીમંચપે નાટ્ય મારે.

ને ત્રીજો છે પાઠ તારો અનંત :

વ્યાપી બેઠી શક્તિ થૈ વિશ્વતત્વે.

તું છે પાસે એહવું ભાન થાતાં,

આવે ગુસ્સો, કાં કસી તું રહી છે ?

ને થાતાં તું લુપ્ત હું નિઃસહાય.

બેચેની તો બેઉ રીતે કસે છે.

જ્ઞાનીઓનાં જ્ઞાન ખોટાં પડે ને,

તેવી આ તો સ્નેહસૌન્દર્યજુક્તિ.

ઝાંખી ઝાઝી ને ઝગંતી વિશેષ.

ભાલે તારે રંગ સંધ્યાઉષાના.

છે તેજસ્વી મધ્યકાલીનસૂર્યા,

હોઠે નિત્યે હાસ્ય ચંપાકળીનું.

પાસે તો યે દૂર. સાન્નિધ્યશંકા.

આવ્યે જાતું ધૈર્ય. છું ભક્તિભૂખ્યો.

જાતાં જામે સ્થૈર્ય, શ્રદ્ધાન્વિતાત્મ.

મારે માટે મૃત્યુ ના વ્રહજાયું,

મોટું, હું તો જિંદગીમાં જ માનું.

૧૩૮

કીર્તિચ્છાયું મોત ના જિંદગીની,

તોલે આવે કષ્ટથી શુદ્ધ થાતી,

માટે સાથે જિંદગી ધોધમાર,

લાવી, જાતાં મૂકતી સર્વ જાજે.

વ્હેલી આવે ચારથી તો ય વાંધો,

મારે છે ના. ઊંઘવા કાળ દીર્ઘ.

જાગી મારે માણવો વર્તમાન.

તું તો મારી પુણ્યખીલી વનશ્રી,

હું છું તારો પૂર્ણિમાચંદ્ર મુગ્ધ.

દ્રષ્ટા હું, તો દ્રશ્ય તું : બે વસંત :

તોફાની તો યે અવસ્થા તુરીય.

સાહી, મૂડી, આદિ વાદે વિતપ્ત,

આ લોકે તો માંડવો પ્રેમવાદ,

સંબંધોને પોષનારો સહિષ્ણુ,

જૂના લાંબા ને નવા યુદ્ધ માથે.

આઝાદી ને બંધન ભ્રાન્તિ, તેમ,

ભેટો હો વા એકલા ઝરવાનું.

બન્નેમાં છે રૂપ તો જિંદગીનું :

એકે છૂપું ઐક્યમાં વ્યક્ત, એ જ.

બેઠી જાણે કાવ્યશબ્દાર્થ હોઠે,

આવી બેઠા ધ્રુવતારા સ્વરૂપ.

આત્માકેરાં ગીતડાં ગૂંજવાં છે,

સંઘર્ષે ભાલાતણી નોક થૈને.

બોલ્યે જાતો હું ઘણું, તું ન બોલે,

૧૩૯

તો યે તારાં નેણમાંથી જવાબ,

આવ્યે જાતા ઊંઘમાં ખ્વાબ જેમ.

ઊગ્યો દા’ડો. જા. બધું એક મારે.

સન્નારી તો મંદ સંધી જ વાતે,

આ તો હું યે એટલો મંદ ધીર.

તારે કાજે ના કરૂં યત્ન મોટા,

જોતો તારી વાટ, હા, એટલું છે.

ભોળી તું ના, એટલે છે પતીજ,

કે મારી તું, છો ન પાસે વસંતી.”

( ૯ )

” સંધ્યા જાતાં તુર્ત આવી પ્રિયા ! તું ?

બંદી પ્રેમી કાળનાં હોય શાનાં ?

સાથે લાવી વીજળી મેઘવાળી ?

હાં, તું આવી તેતણે સ્કંધ બેસી.

પંકે ઊગે પોયણું, તેમ તું ય,

ઊગી હૈયે મેલખાયા મવાલ.

ઊગી પાછું પોયણું પંક થાતું,

વૈદોની વાણી સમી તું અનંત.

એ વાણીના અર્થને પામવાને,

યોગી પ્રસ્વેદે ઝરે, અલ્પ પામે.

પામ્યો ખાસ્સો યોગ-સંસાર-મર્મ,

હૂંફાળા હૈયાતળે, પારનો ય.

રાત્રીદા’ડો સૂર્યના અસ્ત ઊગ્યે,

થાતાં, મારાં રાતદા’ડો બધું તું.

૧૪૦

નંદા ! હેતે હેળવી સર્વ ઋતુ,

ઊગે સાથે ઓરડે માહરે તું.

વિશ્વાત્માનું તેજ લાવી બની છે,

આંગી મારી જિંદગીની જઘન્ય.

ભોગી હીંચે ભોજ્યના દેહકેરે,

હિંડોળે ભૂલી બધું ભાન, તેવું,

મારે થ્યું છે સ્પર્શથી દૂર તો ય.

તારાં નેત્રે જ્યારથી ઓળખીને,

પોતાનો કીધો, ગયો ગર્વ મારો.

રંગો કેરા સ્વંગ જામે ભરીને,

પાયે જાતી ઘૂંટડા જિંદગીના,

પીતાં પામું પ્રેરણા સર્જનોની,

તે માંડીને કાવ્યમાં હું વિભિન્ન,

ઉદબોધું છું સ્નેહભીની ખુશાલ,

સ્વપ્ને ફાલ્યા બાગમાં ઊભરાતી,

તારી લીલા ખૂબ વૈવિધ્યવાળી.

ઈચ્છીને કૈં પૂર્ણતા તાહરી ના,

પીંખી નાખી માહરે માણવી છે,

તારા સાન્નિધ્યે જડી મૂર્તિ તારી.

ચાહું આવે જાય તું તે જ રૂપે.

પૂજારી ના પાર્થિવ સ્થાપનાનો,

શ્વાસોચ્છવાસે તું હસે એ જ ઈચ્છા.

વ્યાખ્યા શાને જિંદગી મધ્યાબીંદુ,

ને ઓછાયાશા ધરા મોત કેરી,

૧૪૧

માંડું ? આશાકૂપના દેડકાઓ,

ઊંચાનીચા થાય થાવું હશે તો.

મારૂં ભૂલ્યો જે હતો મૂળરૂપ,

તારામાં દીઠું, થયો ભૂપભાવ.

ઉત્થાને યા ગર્તમાં જાય જીવ,

ત્યારે દેતાં ચાર આ નિત્ય યારી,

તત્વો : ઊંડી પ્રેરણા, લાગણી, ને,

આચારે જે મૂર્ત થાતા વિચાર,

નારદજીનો ગાભ સર્વે દશામાં,

તે સૌ ભાળું તાહરાં દાસ, ને તું,

મારી, શાને ના વહું મુક્ત ભાવ ?

આમંત્રું ના દર્શને તાહરાં કાં,

સર્વે પ્રાણી પંચતત્વે પ્રફુલ્લ,

સંઘર્ષે છે તો ય પૂરાં જ વ્યસ્ત ? ”

( ૧૦ )

” ભાગીદારી સર્વતઃ લાભદાયી,

દેહે, પૃથ્વી પે અને પ્રાણમાંહે,

તેમાં હોયે ઐક્ય હયાતણું તો,

‘ સોહમ્, ‘ ‘ સોહમ્, ‘ શબ્દ ગૂંજી રહેતો.

વાતો માંડી કાપતાં વાટ, થાકી,

પ્રસ્થાને જ્યાં રાતવાસો રહીએ,

વારા કાઢી ઊંઘવા જાગવાથી,

યાત્રા લાંબી સંઘમાં થાય ટૂંકી,

એથી તારી હૂંફ મારે જરૂરી.

૧૪૨

પત્ની મારી ચાહતી આ જ માટે.

તારી વાતો, કાવ્યનું કોડિયું આ,

મંડાયું તેમાં ય છે લાબ સૌને.

શ્રદ્ધામાં, વ્યાસમાં, શારદામાં,

ચારેકોરે જે વસે તેહમાં છે.

વાટે, ઘાટે, ચોક ને ચોતરે તું,

દ્રષ્ટિક્ષેપે, ચાંદની, પંચતત્વે,

પંખી, પ્રાણી, વૃક્ષ, પુષ્પે, લતામાં,

નાનાં મોટાં સર્વમાં, માંદગીમાં,

આનંદે, ઉદ્વેગ, ને ગર્ત, ટૂકે,

વારૂણ્યેથી મસ્ત ઉલ્લાસ પાતી.

ધોળા વાને ખીલતી સર્વ શાને,

શાને માંડું માંડવી સ્થૂળ તારી.

અભ્રે છાયી ધૂળના, અગ્નિમાંહે,

તત્વોકેરી તાવણીના તવાતી,

જેને માથે હાક છે વારિકેરી,

વીંટાયેલી પ્રકૃતિ પ્રાણ સાથે.

પ્હાડો ઊભા થય છે, નાશ થાતા,

ત્યાં, તેમાંના કેટલા કંપતા, કો ‘

લાવાકેરા કષ્ટથી ધૂંધવાતા,

ચ્હેરો તેથી જેહનો નિત્ય ભિન્ન.

વર્ષા આણે, પ્રાણવાયુ પ્રસારે,

અદ્રષ્ટા તે છાજલી સર્વ માથે.

ઉત્ક્રાન્ત્યોત્થ જીવ પામી વિકાસ,

૧૪૩

લીલા માંડી રૂપ કોરે કસીને,

તેમાંથી સૌ હિંસ્ર ને બુદ્ધિશાળી,

પ્રાણી જન્મી સૃષ્ટિને છે નચાવે,

તે પૃથ્વી છે સર્વને રક્ષનારી,

વિશ્વે જૂના ઘર્ષણે જિંદગીને,

તેમાં જ્યારે આપણો યોગ જામ્યો,

છે આવો તો એ જ છે ઈષ્ટ મારે.

મારાં નેત્રે પેખવાને તને હું,

મારાં કૂડાં આભલાં કાં કહેવું ?

મેં ના લીધો ભાગ જે જિંદગીમાં,

તારી, ઈચ્છું રાચવા મુક્ત ભાવે,

તારા સંગે, તે ય ના ચાહતી તો,

આઝાદીને ગૂંગળાવું કદી ના.

બાંદી મારા દેહથી, પ્રામથી વ,

શ્રેયે મારે તાહરા હેતમાંહે,

મારા ફિક્કા ને પુરાણા પ્રદોષ,

જોઈ, ગાંડી ઊર્મિપાયા અવાજ,

સૂણી, ત્યાગી જિંદગીને રસાતી,

નિઃસારે તો ના પડું. વાત નક્કી. ૪૫૮.

૧૪૪

આવનજાવન

ઓ મુસાફિર ! આમ ન ચાલ્યો જા.

એક અનોખા તુજ પાવાએ મોર નચાવી જા. – ઓ મુસાફિર !

આવન તોરી અકળાયે ના,

જાવન તોરી જકડાયે ના,

દેહકી લકડી હળવે ટેકી,

એક નજર તું એવી ફેંકી,

ભરતી આવે ભારી એવું ગાતો ગીતડું જા. – ઓ મુસાફિર !

છો ને સફર નાનેરી તારી,

ચાહે ગાવા નર ને નારી,

એમ સજાવી આરત જગની,

તું ય કમાતો જાને લગની,

પ્રેમપુષ્પથી પગથી છાયી નેમ સજાવી જા. – ઓ મુસાફિર !

૬-૧૦-૫૮. સોમ.

Anitaben Chauhan

Balwantrai Chauhan

Bhavna Umeria

Bhupendra Parmar

Bina Parmar

Chandrakant Patel

Chetan Chauhan

Chetan Desai

Devendra Ram

Devvrat Desai – અદભૂત ગુજરાતી ભાષાનો શણગાર

Dhiraj M Vala

Dhiraj M Vala

Diwan Thakore – vah aa pan sundar.

Dr-Praful Purohit

Harendra Parmar

Haresh Balsara

Harnish Jani

Harshida Chauhan

Hasman Thokia

Hasmukh Champaneri

Hitesh Kumar Yashvantbhai Joshi

Hitesh Parmar

Jivan Kanzariya

Kailash R Waghel

Kanchen Satyakant Chauhan

Kantilal Parmar

Kaushal Parmar

Krunal Champaneri

Kshatriya Samaj

Lila Gohil

Madhu Champaneri

Mayuri Patel

Prakash Solanki

Pravin Umrawala

Prince Dipak

Purnima Devidas Kshatriya

Ramanbhai Surti

Ramesh  Champaneri   Rashik Bhundia

Rekha Parmar

Rohn Parmar

Sagar Desai

Urvi Parmar

Varsha Chauhan

Vasanti Khsatriya

Vasanti Parmar Solanki

Vibha Chauhan

Vikram Thokia

Vinay Champaneri

Vinod Chauhan-London

Vishwa Mochi Samaj

Yashashvi Kuntawala

ગટુ પરમાર

વલ્લભભાઈ પટેલ

 

 

Advertisements