દેવપૂજાના ઉપચારો

દેવપૂજાના ઉપચારો

ડૉ. પી. યુ. શાસ્ત્રી.

આપણે ઘેર લગ્નપ્રસંગ હોય કે નવા મકાનનું વાસ્તુ હોય, સત્યનારાયણની કથા હોય કે વેદપુરાણમાં કહેલા નાનામોટા યજ્ઞો હોય – પ્રત્યેક પ્રસંગે દેવની પૂજા તો એક આવશ્યક અંગ તરીકે આવવાની જ. આનું કારણ એ છે કે કોઈપણ કૌટુંબિક કે સામાજીક પ્રસંગે આપણે જેમ સગાંસંબંધી, પાડોશીઓ અને પરિચિતોને નિમંત્રણ આપીએ છીએ, આપણે ઘેર તેમનો સત્કાર કરી ભોજન કરાવીએ છીએ. એ જ રીતે પ્રત્યેક પ્રસંગે દેવોને પણ આપણે નિમંત્રીએ છીએ ને જુદી જુદી સામગ્રી વડે તેમનો સત્કાર કરીએ છીએ. આ સત્કારની ક્રિયાને આપણે દેવપૂજા એવા નામે પ્રાચીનકાળથી ઓળખીએ છીએ, ‘પૂજા’ શબ્દનો અર્થ આદરસત્કાર એવો અહીં થાય છે, એ ધ્યાનમાં રાખવું જોઈએ. પ્રાચીન ભારતના લોકોએ આદરણીય દેવો ને મનુષ્યોનો સત્કાર કઈ કઈ સામગ્રી વડે કરવો તેની સૂક્ષ્મ વિચારણા કરી છે, એ ભારતીય સંસ્કૃતિનું એક ઉજ્જવળ પાસું છે. માતા, પિતા, ગુરૂ, બ્રાહ્મણ, અતિથિ વગેરેને પણ દેવો માનતી આ સંસ્કૃતિએ આદરસત્કાર કરવાની ક્રિયાની સૂક્ષ્મ વિગતો ચોકસાઈથી નક્કી કરી છે, એ આપણે માટે ગૌરવ લેવા જેવી બાબત છે.

દેવની પૂજા કરવા માટે જે વસ્તુઓ કે સામગ્રી વપરાય તેને ‘ઉપચાર’ એવા શબ્દ વડે ઓળખવામાં આવે છે. ‘ઉપચાર’ શબ્દનો એક અર્થ ‘પૂજા’ એવો પણ છે. આમ પૂજા ને પૂજામાં વપરાતી સામગ્રી એ બંને માટે ઉપચાર શબ્દ પ્રયોજી શકાય. આમ છતાં મોટે ભાગે ઉપચાર શબ્દનો અર્થ પૂજાની સામગ્રી એવો જ કરવામાં આવે છે. કુલ ૨૪ ઉપચારો આદર્શ ઉપચારો ગણી શકાય. એ તમામ દેવોની પૂજા માટે ખપ લાગી શકે.

(૧) આવાહન અથવા સ્વાગત : પહેલો ઉપચાર આવાહન કે સ્વાગતનો છે. તેમાં જેની પૂજા કરવાની હોય તે દેવને પ્રેમથી બોલાવવામાં આવે છે. જેમ આપણે ઘેર કોઈ સામાજીક પ્રસંગ હોય તો તેમાં હાજર રહેવા અન્ય પરિચિતોને આપણે કંકોતરી વગેરે વડે નિમંત્રણ આપીએ છીએ તેમ, દેવને પણ એ પ્રસંગે તાત્કાલિક આવી પહોંચવા આપણે બોલાવીએ તેનું નામ આવાહન. જ્યારે ‘આપ આવ્યાં તે સારૂં કર્યું’ એમ કહીએ તેનું નામ સ્વાગત.

આ ઉપચારમાં દેવનું વર્ણન કરી, આવા દેવને હું બોલાવું છુંએમ કહેવામાં આવે છે અને તેમના સ્વાગત માટે આવાહનની મુદ્રા બતાવવામાં આવે છે.

(૨) આસન : બીજો ઉપચાર આસન આપવાનો છે. આપણા નિમંત્રણથી પધારેલા મહેમાનને આપ આવ્યા તે સારૂં કર્યું એટલું કહેવું બસ નથી. આવી પહોંચેલા મહેમાનને બેસવા માટે આસન આપવું જોઈએ. જગતના વ્યવહારમાં આપણે જેમ આપણી સંપત્તિને છાજે તેવું ખુરશી જેવું આસન મહેમાનને બેસવા આપીએ છીએ તેમ દેવો માટે પવિત્ર દર્ભ-ઘાસના આસનથી માંડીને સોનાચાંદીનાં રત્નજડિત આસન સુધી આપણને પોસાય તેવું આસન આપણે આપી શકીએ છીએ. અલબત્ત, દરેક જાતનાં આસનનું ફળ જુદું જુદું છે અને તે વિશે સૂક્ષ્મ વિચારણા શાસ્ત્રમાં કરવામાં આવી છે.

(૩) પાદ્ય : ત્રીજો ઉપચાર પાદ્ય એટલે પગ ધોવાનું પાણી આપવાનો છે. અતિથિ રસ્તા પર ચાલીને આવે એટલે પગ ધૂળવાળા થયા હોય તેથી તેમને ધૂળવાળા પગ સ્વચ્છ કરવા માટે આપણે પાણી આપીએ તે સ્વાભાવિક છે.

એવી રીતે દેવને પણ પગ પખાળવા પાણી આપીએ એ સ્પષ્ટ છે.

(૪) અર્ધ્ય : ચોથો ઉપચાર અર્ધ્ય આપવાનો છે. ઘેર આવીને બેઠેલા મહેમાન પ્રત્યે આદર બતાવવા આપણે જેમ મંગળ વસ્તુઓ આપીએ છીએ, તેમ પધારેલા દેવને પણ આદર આપવા માટે આઠ મંગળ વસ્તુઓ – પાણી, દૂધ, દહીં, ઘી, દર્ભ, ચોખા, જવ ને સરસવ આપવામાં આવે તેનું નામ અર્ધ્ય કે અર્ધમંગળ વસ્તુઓ આપીને આદર આપવાની ભાવના તેમાં રહેલી છે.

અહીં ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે સામવાદી બ્રાહ્મણો માટે અર્ધ્યમ્ એવો શબ્દ ને તે સિવાયના બધાએ અર્ધઃ એવો શબ્દ પ્રયોજવો જોઈએ એવો નિયમ શ્રૌતસૂત્રોમાં કહ્યો છે.

(૫) આચમનીય : પાંચમો ઉપચાર આચમનીય એટલે આચમન કરવા માટે પાણી આપવાનો છે. આ ઉપચારોમાં અર્ધ્ય, મધુપર્ક, સ્નાન , વસ્ત્ર ને નૈવેદ્યને અંતે મોં સાફ કરવા માટે પાણી આપવાનો શિરસ્તો છે. એમાં અર્ધ્ય, મધુપર્ક અને નૈવેદ્યમાં ખાવાપીવાની ક્રિયા હોવાથી તેને અંતે મોં સાફ કરવા પાણી આપવામાં આવે તે સમજાય એવું છે.

સ્નાન વડે આખા શરીરની શુદ્ધિ થાય તે પછી મુખની શુદ્ધિ આચમનથી થાય તે પણ મનમાં બેસે તેવી વાત છે. પરંતુ વસ્ત્ર ધારણ કરીને પણ મોંની શુદ્ધિ કરવાનું કારણ અપવિત્ર વસ્ત્ર પહેર્યું હોય તો તેને પવિત્ર બનાવવા માટે છે.

(૬) મધુપર્ક : છઠ્ઠો ઉપચાર મધુપર્કનો છે. મધુપર્ક એટલે મધ સાથેનું મિશ્રણ-મોંઘેરા મહેમાનના સત્કાર માટે તેના શરીરની શુદ્ધિ થાય અને રસ્તામાં ચાલીને થાકેલા મહેમાનનો થાક ઊતરી જાય એ કાજે મધ, દહીં, ઘી, સાકર, અને પાણી એ પાંચે વસ્તુનું મિશ્રણ અતિથિને આપવામાં આવે છે. સાકર કે ગોળ નાખેલું પાણી કે એકલી સાકર કે પતાસાં વહેંચવાનો રિવાજ આજે પણ આપણે ત્યાં પ્રચલિત છે. જ્યારે મધ, દહીં અને ઘી વગેરે શુકનવંતી અને શક્તિપ્રદ વસ્તુઓ થાક ઉતારી શરીરને તાજગી બક્ષે છે. આમ મધુપર્કનો ઉપચાર દૂરથી આવતા મહેમાનના થાકને દૂર કરનારો હોવાથી નજીકથી આવતા અતિથિ માટે આવશ્યક નથી.

(૭) આચમન : મધુપર્કને અંતે મુખશુદ્ધિ માટે સાતમો આચમનનો ઉપચાર કરવામાં આવે છે તે આપણે જોઈ ગયા.

(૮) સ્નાન : આઠમો ઉપચાર સ્નાનનો છે. દૂરથી આવીને બેઠેલા અને જરાક સ્વસ્થ થયેલા મહેમાનને શરીરશુદ્ધિ કરવા અને થાક ઉતારવા સ્નાનનો ઉપચાર જરૂરી છે તેમ દેવને પણ એ હેતુસર સ્નાન કરાવવામાં આવે છે. મોંઘેરા મહેમાન સમા દેવને દૂધ, દહી, ઘી, મધ ને સાકર એ પંચ-અમૃત વડે સ્નાન કરાવવામાં આવે છે. તદુપરાતં, સુગંધી પાણી અને અત્તર વગેરે સુગંધી દ્રવ્યો ચોળીને તે પછી શુદ્ધ પાણી વડે સ્નાન કરાવવામાં આવે છે અને તીર્થના પાણી વડે અભિષેક એટલે સતત સિંચન પણ કરવામાં આવે છે.

સ્નાનના ઉપચારથી અતિથિનો થાક ઉતરી તેને શરીરશુદ્ધિ અને તાજગી પ્રાપ્ત થાય છે. સ્નાનની સામગ્રી પ્રાચીન ભારતની સમૃદ્ધિનો ખ્યાલ આપે છે.

(૯) વસ્ત્રોપવસ્ત્રોપવીત : નવમો ઉપચાર વસ્ત્ર વગેરેનો છે. તેમાં અતિથિને સ્નાન પછી શરીરને ચોક્ખા કપડાથી સાફ કરી, તેમને પહેરવા માટે પીતાંબર વગેરે વસ્ત્ર અને ઓઢવા માટે વળી ઉપરણા જેવું ઉપવસ્ત્ર આપવામાં આવે છે. રસ્તામાં મલિન અને દૂષિત થયેલી જનોઈને દૂર કરી, નવી જનોઈ પહેરાવવામાં આવે છે.

મહેમાનની જેમ દેવને પણ વસ્ત્ર વગેરે પહેરવા આપવામાં આવે છે.

એ નોંધવા જેવું છે કે મહેમાનને તો વસ્ત્ર વગેરે આપવાં જ પડે, જ્યારે દેવને વસ્ત્ર વગેરે ન હોય તો ચોખા ચઢાવીને એ ઉપચાર કર્યો છે એમ માનવાની સગવડ છે. વસ્ત્રની જેમ ભૂષણ અને રાજોપચારમાં પણ ફક્ત ચોખા ચઢાવીને એ ઉપચાર કરેલો માની શકાય.

આવી સગવડ મનુષ્ય અતિથિના સત્કારમાં નથી.

વસ્ત્ર શરીરને ટાઢ-તાપ વગેરેથી બચાવતાં હોઈ જરૂરી છે એ સ્પષ્ટ છે.

(૧૦) ભૂષણ : દેવપૂજાનો દસમો ઉપચાર ભૂષણ કે આભરણનો છે. તેમાં વસ્ત્ર વગેરે ધારણ કરેલા મહેમાનને ઘરેણાં પહેરાવાય છે. શરીરની શોભા માટે અતિથિની જેમ દેવને પણ તે પહેરાવાય છે. સોનાનાં આભૂષણ ઝળહળાં થતાં હોવાથી તે પ્રકાશ ને જ્ઞાનનાં પ્રતીક તો છે જ, પરંતુ સાથે સાથે શરીર પર પહેરવાથી શરીર સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ફાયદાકારક છે અને શોભાકારક તો છે જ.

(૧૧) ગંધ : દેવપૂજાનો અગિયારમો ઉપચાર ગંધ. એટલે ચંદન કે કંકુનું તિલક કરવાનો છે કે જેનાથી મુખશોભામાં વૃદ્ધિ થાય છે. ચંદન વગેરે સુગંધી પદાર્થોનું તિલક કપાળમાં કરવાથી મસ્તકને ઠંડક અને આહલાદ પ્રાપ્ત થાય છે, સાથે સાથે કંકુનો ચાંદલો કરવાથી એકલી ઠંડકને બદલે થોડીક ગરમી પણ મળે છે અને આજુબાજુની હવા પણ સુગંધિત બને છે. અતિથિની જેમ દેવને પણ આ સુગંધી દ્રવ્યો લગાડવાનો ઉપચાર કરવામાં આવે છે, જેથી શોભામાં વૃદ્ધિ અને વાતાવરણમાં પ્રસન્નતાનો અનુભવ થાય છે.

એવી જ રીતે અબીલ, ગુલાલ, સિંદૂર વગેરે સોભાગ્યદ્રવ્યોનો ઉપચાર પણ પુષ્પ પછી કરવાનું પ્રયોજન એ જ છે.

(૧૨) પુષ્પ : દેવપૂજાનો બારમો ઉપચાર પુષ્પ એટલે ફૂલો ચઢાવવાનો છે. સુગંધી દ્રવ્યોની જેમ જે તે ઋતુમાં થતાં ફૂલ વડે અતિથિના શરીરની શોભા વધારવામાં આવે છે. સાથે સાથે વાતાવરણ સુગંધિત ને પ્રસન્ન બને છે. એનાથી આપણું મન પણ તરબતર થાય છે. અતિથિની જેમ દેવને પણ આ શોભાકારક ઉપચાર કરી વાતાવરણ પ્રસન્ન બનાવવામાં આવે છે.

પ્રાચીન ભારતના લોકોનો ફૂલોનો શોખ આ ઉપચારના પાયામાં છે.

(૧૩) ધૂપ : દેવપૂજાનો તેરમો ઉપચાર ધૂપનો છે.

તેમાં અગરું વગેરે સુગંધી દ્રવ્યોના ધુમાડાથી વાતાવરણને સુગંધિત કરી અતિથિના મનની પ્રસન્નતા હાંસલ કરવામાં આવે છે.

અતિથિની જેમ દેવને પણ તે સુગંધી દ્રવ્યોના ધુમાડા વડે વાતાવરણની પ્રસન્નતા સંપન્ન થાય છે.

વાતાવરણની પ્રસન્નતા વડે મનની પ્રસન્નતા અનુભવાય છે.

આ ધૂપના ઉપચાર વડે હવાની શુદ્ધિ થતાં સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે.

(૧૪) દીપ : પૂજાનો ચૌદમો ઉપચાર દીપનો છે. તેમાં ઘી કે તેલનો દીવો પ્રગટાવવામાં આવે છે. ઘી કે તેલનો દીવો પેટાવવાથી હવાની શુદ્ધિ થઈ સ્વાસ્થ્ય જળવાય છે. વળી દીવો પ્રકાશ આપવાની સાથે જ્ઞાનનું પણ પ્રતીક છે. તેથી તે જાગતિક પદાર્થોનું જ્ઞાન પણ આપે છે. દીવાની જ્યોત આત્મજ્યોતના ભાન દ્વારા આત્માના સ્વરૂપનો બોધ પણ કરાવે છે, તેથી  આ ઉપચાર પણ મહત્વનો છે.

(૧૫) નૈવેદ્ય : દેવપૂજાનો પંદરમો ઉપચાર નૈવેદ્યનો છે. શરીરની શોભા મનની પ્રસન્નતા અને વાતાવરણની શુદ્ધિ થાય ત્યારે જ અતિથિ ભોજન લે તે યોગ્ય છે. આથી આ ઉપચારમાં અતિથિની જેમ દેવને પણ ભોજન આપવામાં આવે છે. નિમંત્રેલા અતિથિને ભોજનની વિવિધ વાનગીઓ વડે સંતોષ આપવો એ મહત્વનું છે. અતિથિ અને દેવને ભોજન આપવાનું કારણ એ છે કે, બીજી કોઈ ભૌતિક વસ્તુ આપવાથી લેનારને ક્યારેક સંપૂર્ણ સંતોષ થતો નથી. વધુ આપવામાં આવે તો લેનાર વ્યક્તિ ના પાડતી નથી. જ્યારે ભોજનની વાનગી વડે વ્યક્તિ ધરાઈ જાય છે, ને એથી વધુ આપો તો તે ના પાડે છે.

આ અન્ન જમ્યાનો સંતોષ અતિથિને આપવો એ ગૃહસ્થની આવશ્યક ફરજ છે. આ વાનગીઓમાં ભક્ષ્ય, ભોજ્ય, પેય, લેહ્ય ને ચોષ્ય એમ પાંચ પ્રકારની વાનગીઓનો સમાવેશ થાય છે. અતિથિ એ દેવ છે એમ માનનારી આ સંસ્કૃતિમાં અતિથિને ભોજન વડે તૃપ્ત કરવાનો ઉપચાર મહત્વનો છે. દેવની પાસે નૈવેદ્ય મૂકી ધેનુમુદ્રા બતાવી ભોજનને અમૃત બનાવી તે પછી તેને ગ્રાસમુદ્ર બતાવી છે. પાંચ પ્રાણોને તૃપ્ત કરવા પાંચ પાંચ કોળિયા બે વાર વચ્ચે અને અંતે પાણી સાથે આપવામાં આવે છે.

એ પછી હાથ ને મોં ધોવડાવી હાથને ચંદનચર્ચિત કરવામાં આવે છે.

(૧૬) આચમન : ભોજન પછી આગળ જણાવ્યા મુજબ પાણી વડે મુખશુદ્ધિ માટે આચમનનો સોળમો ઉપચાર આરોગ્યની દ્રષ્ટિએ પણ મહત્વનો છે.

(૧૭) તાંબુલ : દેવપૂજાનો સત્તરમો ઉપચાર તાંબૂલનો છે. ભોજન પછી મુખવાસ માટે અતિથિને જેમ પાનનું બીડું ધરવામાં આવે છે તેમ, દેવને પણ મુખવાસ માટે પાનસોપારી આપવામાં આવે છે. તેનાથી મુખની શુદ્ધિ, વાતાવરણની પ્રસન્નતા અને ભોજનનું સમ્યક પાચન એ ત્રણ કાર્યો થાય છે.

(૧૮) અર્ચન : દેવપૂજાનો અઢારમો ઉપચાર અર્ચનનો છે. તેમાં દેવની પ્રશંસા કરવાની સાથે તેમની સેવા કરવામાં આવે છે. ભોજન કરીને પાન ચાવી રહેલા અતિથિને માટે પ્રશંસાના ઉદગારો કાઢીને તે દ્વારા તેમની સેવા કે પૂજા કરવામાં આવે છે. અર્ચનના ઉપચાર વડે આપણું જે કંઈ અશુભ કે અનિષ્ટ થયું હોય તે નાશ પામે છે એમ શાસ્ત્ર કહે છે.

ધર્મશાસ્ત્રનો નિયમ એવો છે કે ગ્રહો, બ્રાહ્મણો અને દેવોની પૂજા કરવાથી તમામ પ્રકારનું અનિષ્ટ નાશ પામે છે. સાચા હ્રદયની પ્રશંસા વડે પૂજા કરવાથી સર્વજ્ઞ એવા દેવ પણ ખુશ થાય એ સ્વાભાવિક છે.

(૧૯) સ્તોત્ર : દેવપૂજાનો ઓગણીસમો ઉપચાર સ્તોત્રનો છે. તેમાં અર્ચનની જેમ જ દેવની સ્તુતિ કરવામાં આવે છે. દેવનું અને દેવના ગુણ અને પરાક્રમોનું વર્ણન કરી દેવને ખુશ કરવા તેનું નામસ્તોત્ર. તેમાં દેવની સ્તુતિ કરતા શ્લોકો બોલી દેવની કૃપા યાચવામાં આવે છે. અર્ચનમાં શારીરિક સેવાનો ભાવ કેન્દ્રમાં છે, જ્યારે સ્તોત્રમાં માનસિક શરણાગતિનો ભાવ મુખ્ય છે.

અતિથિને પણ આ રીતે ભોજન બાદ સેવા અને સ્તુતિ વડે ખુશ કરવામાં આવે તે કુદરતી છે.

(૨૦) તર્પણ : દેવપૂજાનો વીસમો ઉપચાર તર્પણનો છે. તેમાં પાણીનો પ્યાલો બલિ આપી દેવને ખુશ કરવામાં આવે છે. જાગતિક વ્યવહારમાં જેમ અતિથિ ને ભોજન ઉપર પાણી આવે છે. દેવ, પિતૃ, ઋષિ, મનુષ્ય વગેરેને પોતાના તમામ વસ્તુ આપવાના પ્રતીક તરીકે પાણી મૂકીને પોતાના સર્વસ્વના અર્પણની તૈયારીનો ભાવ બતાવી, આવી ઉદાત્ત ભાવના વડે તેમને ખુશ કરવા એ આ ઉપચારના કેન્દ્રમાં છે. વળી તેમાં આત્મનિવેદન પ્રકારની ભક્તિ પણ રહેલી છે. દેવ ભાવનાના ભૂખ્યા હોઈ, તેમની પ્રત્યે ભાવ પ્રદર્શિત કરવાથી જ તે ખુશ થઈ જાય છે તે આ ઉપચારના પાયામાં રહેલી વાત છે.

(૨૧) માલ્ય : દેવપૂજાનો એકવીસમો ઉપચાર માલ્ય એટલે ફૂલો અને ફૂલની માળા અર્પણ કરવાનો છે. તેને ‘પુષ્પાંજલિ’ એવા નામે પણ ઓળખે છે. નિમંત્રિત મહેમાનને ભોજન વગેરેથી ખુશ કરી છેવટે તેમને વિદાય આપતાં પહેલાં પોતાની ભાવનાના પ્રતીક તરીકે ફૂલો આપવામાં આવે કે ફૂલોની માળા પહેરાવવામાં આવે તે કુદરતી છે. તેનાથી દેવને પણ પોતાના મનમાં રહેલી ભાવના જણાવી વિદાયને માટે તૈયાર કરવામાં આવે છે.

(૨૨) અનુલેપન : દેવપૂજાનો બાવીસમો ઉપચાર અનુલેપનનો છે. તેમાં મહેમાનને વિદાય આપતાં પહેલાં ચંદન વગેરેનો લેપ કરવામાં આવે છે. આથી વાતાવરણ શુદ્ધ અને પ્રસન્ન બને છે. એ દ્વારા મહેમાનને પોતાના મનની ભાવનાનો ખ્યાલ આપી વિદાય માટે તૈયાર કરવામાં આવે છે.

આમ માલ્યની જેમ આ ઉપચાર પણ વિદાય માટે તૈયાર કરતો ઉપચાર છે.

(૨૩) નમસ્કાર : દેવપૂજાનો તેવીસમો ઉપચાર નમસ્કાર કે વંદનનો છે. તેમાં નિમંત્રિત મહેમાનને ભોજનાદિથી ખુશ કરી, અંતે મનના સારા ભાવથી વિદાય આપવા માટે બે હાથ જોડી પગે લાગવામાં આવે છે. દેવને પણ બે હાથ જોડી વિદાય આપવામાં આવે છે. આમાં દેવ તરફ વંદન વડે આદર તો બતાવવામાં આવે છે જ, પરંતુ સાથે સાથે આદરસત્કારમાં અજાણતાં કશી પણ ખામી આવી ગઈ હોય તો પોતાના મનનો ભાવ તેવો નથી એમ બતાવી તેને નિભાવી લેવા માટે ક્ષમા યાચવાનો ભાવ પણ બે હાથ જોડી વ્યક્ત કરવામાં આવે છે. પોતાનાથી કશું ન બને તો હાથ જોડી માફી માગવાનું બની શકે છે.  

(૨૪) વિસર્જન : દેવપૂજાનો અંતિમ ઉપચાર વિસર્જનનો છે. તેમાં મહેમાન અનેક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોવાથી તેમને અન્યત્ર જવા માટે વિદાય આપવામાં આવે છે. મહેમાનને શરીરથી ભલે બીજે જવા વિદાય આપી, પણ તેમનું સંભારણું તો મનમાં હંમેશ રહેલું છે. આથી તેમને મનથી વિદાય આપી નથી એ બતાવવા અન્યત્ર જવાનું તો કહેવામાં આવે છે જ, પરંતુ ‘ફરી અહીં પાછા આવવા માટે જજો’ એમ કહેવામાં આવે છે. ગુજરાતી ભાષામાં આપણે વિદાય થનારા મહેમાનને ‘જાઓ’ એમ નથી કહેતા, પણ ફરી આવવા માટે ‘આવજો’ એવો શબ્દ પ્રયોજીએ છીયે, એ આ ભાવને બરાબર વ્યક્ત કરે છે. દેવને પણ અનેક સ્થળો આવી જ પૂજા ગ્રહણ કરવા જવાનું હોવાથી ફરી વાર પોતે પૂજા માટે બોલાવે ત્યારે આવી પહોંચવાના ભાવ સાથે વિદાય આપવામાં આવે છે.

આ ઉપરાંત આરતી વગેરે સત્કારના ઉપચારો એટલે વિવેકો છે તે બધાને સૂક્ષ્મ રીતે જોતાં એ સ્પષ્ટ થાય છે કે, દેવપૂજાનો વિધિ અતિથિસત્કારના આપણા રોજિંદા વ્યવહાર જેવો છે. ઉપચાર એ શબ્દનો એક અર્થ ‘વિવેક’ એવો થાય છે તે પણ આ જ વાત સિદ્ધ કરે છે.

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s