ગીતાધ્વનિ

GITA-DHWANI

ગીતાધ્વનિ(ભગવદ્ ગીતાનો સમશ્લોકી અનુવાદ)/કિશોરલાલ મશરૂવાળા

અને અનાઅસક્તિયોગ/ગાંધીજીનો સંગમ

અધ્યાય 1 લો

અર્જુન-વિષાદ-યોગ// અર્જુનનો ખેદ-

 

 

સારું શું અને માઠું શું  એ જાણવાની ઇચ્છા સરખો જેના મનમાં ન થાય તેની પાસે ધર્મની વાતો શી? ધર્મજ્જ્ઞાસા વિના જ્ઞાન મળે નહીં. દુ:ખ વિના સુખ નથી. ધર્મવેદના, ધર્મસંકટ, હૃદયમંથન સહુ જિજ્ઞાસુને એક વખત થાય જ છે.

(1)

 

ધૃતરાષ્ટ્ર બોલ્યા

ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે યુદ્ધાર્થે એકઠા થઇ,

મારા ને પાંડુના પુત્રો વર્ત્યા શી રીતે, સંજય ?      1

ધૃતરાષ્ટ્ર બોલ્યા:

 

હે સંજય ! મને કહો, કે યુદ્ધ કરવાની ઇચ્છાથી ધર્મક્ષેત્રરૂપ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું?

નોંધ: કુરુક્ષેત્રની લડાઇ એનિમિત્ત માત્ર છે. અથવા ખરું કુરુક્ષેત્ર આપણું શરીર છે. પાપમાં તેની ઉત્પત્તિ છે અને પાપનું તે ભાજન થઇ રહે છે; તેથી તે કુરુક્ષેત્ર છે.

તે કુરુક્ષેત્ર છે તેમ જ ધર્મક્ષેત્ર પણ છે કેમ કે એ મોક્ષનું દ્કાર થૈ શકે છે.

જો તેને આપણે ઇશ્વરનું નિવાસસ્થાન માનીએ અને કરીએ તો તે ધર્મક્ષેત્ર છે.તે ક્ષેત્રમાં આપણી સામે રોજ કાંઇ ને કાંઇ લડાઇ હોય છે.

કૌરવ એટલે આસુરી વૃત્તો. પાંદુપુત્રો એટલે દૈવી વૃત્તિઓ. પ્રત્યેક શરીરમાં સારી અને નઠારી વૃત્તિઓ વચ્ચે યુદ્ધ ચાલ્યા જ કરે છે એમ કોણ નથી અનુભવતું? અને આવી ઘણીખરી લડાઇઓ તો આ મારુંને આ તારુંએમાંથી થાય છે. સ્વજન-પરજનના ભેદમાંથી આવી લડાઇ થાય છે.

 

સંજય બોલ્યા

દેખી પાંડવની સેના ઊભેલી વ્યૂહને રચી,

દ્રોણાચાર્ય કને પોંચી રાજા દુર્યોધને કહ્યું:           2

તે સમયે પાંડવોની સેનાને ગોઠવાયેલી

જોઇને રાજા દુર્યોધન આચાર્ય દ્રોણની પાસે જઇને બોલ્યા:

:દુર્યોધન બોલ્યા

જુઓ, આચાર્ય, આ મોટી સેનાઓ પાંડવો તણી,

જે તમ બુદ્ધિમાન્ શિષ્ય દ્રૌપદે વ્યૂહમાં રચી.         3

હે આચાર્ય! આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદપુત્ર ધૃષ્ટદ્યુમ્ને ગોઠવેલી આ મોટી સેના જુઓ. 3

 

અહીં શૂરા ધનુર્ધારી  ભીમ-અર્જુન શા રણે;

યુયુધાન, વિરાટેય, દ્રુપદેય મહારથી;                4

અહીં ભીમ અર્જુન જેવા લડવામાં શૂરવીર મહાધનુર્ધારીઓ, યુયુધાન(સાત્યકિ), વિરાટ, મહારથી દ્રુપદરાજા, ધૃષ્ટકેતુ, ચેકિતાન, રેજસ્વી કાશીરાજ, પુરુજિત કુંતિભોજ, અને મનુષ્યોમાં શ્રેષ્ઠ એવા શૈલ્યતેમ જ પરાક્રમી યુધામન્યુ, બળવાન ઉત્તમૌજા, સુભદ્રાપુત્ર (અભિમન્યુ) અને દ્રૌપદીના પુત્રો (દેખાય) છે. એ બધા જ મહારથી છે.   4-5-6

 

કાશી ને શિબિના શૂરા નરેન્દ્રો, ધૃષ્ટકેતુયે,

ચેકિતાન, તથા રાજા પુરુજિત કુંતિભોજનો:          5

કુંતિભોજ= ભૂરિશ્રવા, કુંતિભોજ એ કુળનું નામ છે.

પરાક્રમી યુધામન્યુ, ઉત્તમૌજા પ્રતાપ વાન્ ,         6

આપણા પક્ષના મુખ્ય, તેય, આચાર્ય ઓળખો;

જાણવા યોગ્ય જે મારા સેનાના નાયકો કહું :         7

હે બ્રાહ્મણશ્રેષ્ઠ !  હવે આપણા જે મુખ્ય યોદ્ધાઓ છે તેમને આપ જાણમાં લો. મારી સેનાના (એ) નાયકોનાં નામ હું આપના ધ્યાન ઉપર લાવવા સારુ કહું.    7

 

આપ, ભીષ્મ તથા કર્ણ, સંગ્રામવિજ્યી કૃપ,

અશ્વત્થામા, વિકર્ણેય, સોમદત્તતણો સુત.             8

એક તો આપ પોતે, [પછી] ભીષ્મ, કર્ણ, યુદ્ધમાં જયવાન એવા કૃપાચાર્ય, અશ્વત્થામા, વિકર્ણ, અને સોમદત્તના પુત્ર ભૂરિશ્રવા. એ ઉપરાંત બીજા પણ ઘણા શૂરાઓ મારે અર્થે પ્રાણ અર્પણ કરવાની તૈયારી સાથે ઊભેલા છે. તેઓ સઘળા વિવિધ પ્રકારનાં શસ્ત્રો વાપરનારા અને યુદ્ધમાં કુશળ છે.     8-9

 

બીજાયે બહુ છે શૂરા, હું-કાજે જીવ જે ત્યજે;

સર્વે યુદ્ધકળાપૂર્ણ, અસ્ત્રશસ્ત્રો વડે સજ્યા.            9

અગણ્ય આપની સેના, જેના રક્ષક ભીષ્મ છે;

ગણ્ય છે એમની સેના, જેનો રક્ષક ભીમ છે.        10

[છતાં] ભીષ્મે રક્ષેલી આપણીસેનાનું બળ અપૂર્ણ છે, જ્યારે ભીમથી રક્ષિત તેમની સેના પૂરી છે.   10

 

(અગણ્ય અને ગણ્ય .મૂળના અપર્યાપ્ત અને પર્યાપ્ત શબ્દોને બદલે વાપર્યા છે, અને તેની માફક જ દ્વિઅર્થી છે. એટલે કે અગણ્ય-(1) ગણાય નહીં એટલે અપાર, અથવા (2) ન ગણવા જેવી, નજીવી. ગણ્યતેથી ઊલટું. બંનેનોપહેલો અર્થ વધારે ઠીક લાગે છે, પણ ઘણા બીજો અર્થ કરે છે.)

 

જેને જે ભાગમાં રાખ્યા, તે તે સૌ મોરચે રહી;

ભીષ્મની સર્વ બાજુથી રક્ષા સૌ કરજો ભલી.        11

તેથી તમે બધા પોતપોતાને સ્થાનેથી બધે માર્ગે ભીષ્મ પિતામહને રક્ષા બરાબર કરજો.    11

[આમ દુર્યોધને કહ્યું પણ દ્રોણાચાર્યે જવાબમાં કશું જ કહ્યું નહીં]

તેથી સંજય બોલ્યા

તેનો વધારવા હર્ષ, કરીને સિંહનાદ ત્યાં

પ્રતાપી વૃદ્ધ દાદાએ બજાવ્યો શંખ જોરથી.         12

એવામાં, કુરૂઓના વડા પ્રતાપી ભીષ્મ પિતામહે  તેને હર્ષ પમાદવા, ઊંચે સ્વરે સિંહનાદ કરીને શંખ વગાડ્યો.    12

પછી તો શંખ, ભેરી ને નગારાં, રણશિંગડાં

વાગ્યાં સૌ સામટાં તેનો પ્રચંડ ધ્વનિ ઊપજ્યો.     13

એ ઉપરથી શંખો, નગારાં, ઢોલ, મૃદંગ અને રણશિંગો એકસાથે વાગી ઊઠ્યાં.એ અવાજ ઘનઘોર હતો.   13

 

તે પછી શ્વેત અશ્વોથી જોડાયેલા મહારથે

બેઠેલા માધવે-પાર્થે વગાડ્યા દિવ્ય શંખ બે.       14

એવે ટાણે, સફેદ ઘોડાવાળા મોટા રથમાં બેઠેલા શ્રીકૃષ્ણે અને અર્જુને પણ દિવ્ય શંખો વગાડ્યા.   14

પાંચજન્ય હૃષીકેશે, દેવદત્ત ધનંજયે,

વાયો પૌંડ્ર મહાશંખ ભીમકર્મા વૃકોદરે:            15

શ્રીકૃષ્ણે પાંચજન્ય શંખ વગાડ્યો. ધનંજય-અર્જુને દેવદત્ત શંખ વગાડ્યો. ભયાનક કર્મવાળા ભીમે પૌંડ્ર નામનો મહાશંક વગાડ્યો.     15

અનંતજયને રાજા કુંતીપુત્ર યુધિષ્ઠિરે,

નકુલે-સહદેવેયે, સુઘોષ-મણિપુષ્પક:             16

કુંતીપુત્ર રાજા યુધિષ્ઠિરે અનંતવિજય નામે શંખ વગાડ્યો ને નકુલે સુઘોષ તથા મણિપુષ્પક નામે શંખ વગાડ્યા.16

કાશીરાજા મહાધંવા ને શિખંડી મહારથી,

ધૃષ્ટદ્યુમ્ન, વિરાટેય, અપરાજિત સાત્યકિ;         17

તેમ જ, મોટા ધનુષવાળા કાશીરાજ, મહારથી શિખંડી, ધૃષ્ટદ્યુમ્ન, રાજા વિરાટ, અજિત સાત્યકિ,દ્રુપદરાજ, દ્રૌપદીના પુત્રો, સુભદ્રાપુત્ર મહાબાહુ અભિમન્યુ આ બધાએ, હે રાજન્  !પોતપોતાના જુદા જુદા શંખ વગાડ્યા.  17-18

દ્રુપદ, દ્રૌપદીપુત્રો, અભિમન્યુ મહાભુજા,

સહુએ સર્વ બાજુથી શંખો ફૂંક્યા જુદા જુદા.       18

તે ઘોષે કૌરવો કેરી છાતીના કટકા કર્યા,

અને આકાશ ને પૃથ્વી ભર્યા ગર્જી ભયંકર.      19

પૃથ્વી અને આકાશને ગજાવતા એ ભયંકર નાદે કૌરવોનાં હ્રદયોને જાને ચીરી નાખ્યાં. 19

ત્યાં શસ્ત્ર ચાલવા ટાણે કૌરવોને કપિધ્વજે

વ્યવસ્થાથી ખડા ભાળી ઉઠાવ્યું સ્વધનુષ્યને,    20

હવે, હે રાજન્  ! જેની ધજા પર હનુમાન છે એવા અર્જુને કૌરવોને ગોઠવાયેલા જોઇને, હથિયાર ચાલવાની તૈયારીને સમયે , પોતાનું ધનુષ ચડાવી હૃષીકેશને આ વચન કહ્યાં:  20

 

ને હૃશિકેશને આવું કહ્યું વેણ, મહીપતે:

અર્જુન બોલ્યા

બન્ને આ સૈન્યની મધ્યે લો મારો રથ, અચ્યુત,     21

હે અચ્યુત! મારા રથને (જરીક ) બે સેનાની વચ્ચે લઇને ઊભો રાખો; જેથી, યુદ્ધની કામનાથી ઊભેલાને હું નીરખું ને જાણું કે આ રણસંગ્રામમાં મારે કોની કોની સાથે લડવાનું છે. દુર્બુદ્ધિ દુર્યોધનનું લડાઇમાં પ્રિય કરવાની ઇચ્છાવાળા જે યોદ્ધાઓ એકઠા થયેલા છે તેમને જું જોઉં તો ખરો.’ 21-22-23

 

 

જ્યાં સુધી નીરખું કોણ ઊભા આ યુદ્ધ ઇચ્છતા,

ને લોણ મુજ સાથે આ રણસંગ્રામ ખેલશે.          22

અહીં ટોળે વળેલા આ યોદ્ધાઓ જોઉં તો જરા,

પ્રિય જે ઇચ્છતા યુદ્ધે દુરયોધન કુબુદ્ધિનું.           23

સંજય બોલ્યા

ગુડાકેશ તણા આવા વેણને માધવે સુણી

બે સૈન્યવચમાં ઊભો કીધો તે ઉત્તમ રથ;          24

 

હે રાજન્ !

જ્યારે અર્જુને આમ શ્રીકૃષ્ણને કહ્યું ત્યારે તેમણે બંને સેનાઓ વચ્ચે, બધા રાજાઓ તેમ જ ભીષ્મ-દ્રોણની સામે તે ઉત્તમ રથ ખડો કરીને કહ્યું:

હે પાર્થ ! એકઠા થયેલા આ કૌરવોને જો.’24-25

ભીષ્મ ને દ્રોણની સામે, ને સૌ રાજા ભણી ફરી,

બોલ્યા માધવ,”જો પાર્થ,કૌરવોના સમૂહ આ.”     25

(2)

 

ત્યાં દીઠા અર્જુને ઊભા બન્નેયે સૈન્યને વિશે

ગુરુઓ, બાપ, ને દાદા, મામાઓ, ભાઇઓ, સખા,  26

ત્યાં બંને સેનાઓમાં રહેલા વડીલો, પિતામહ, આચાર્ય, મામા, ભાઇઓ, પુત્રો, પૌત્રો, ગોઠિયાઓ, સસરાઓ અને સ્નેહીઓ આદિને અર્જુન ઊભેલા જોઇ ખેદ ઉતપન્ન થવાથી દીન બનેલા કુંતીપુત્ર આ પ્રમાને બોલ્યા: 26-27-28

સસરા, દીકરા, પોતા, સુહૃદો, સ્વજનો ઘણા :

અવા સ્ર્વે સગાવ્હાલા ઊભેલા જોઇ, અર્જુન,        27

અત્યંત રાંક ભાવે શું, બોલ્યો ગળગળો થઇ:

અર્જુન બોલ્યા

દેખી આ સ્વજનો સામે ઊભેલા યુદ્ધ ઇચ્છતા,       28

હે કૃષ્ણ ! લડવાને સારુ ઉત્સુક થઇ ભેળા થયેલા આ સગાં સ્નેહીઓને જોઇને મારાં ગાત્ર ઢીલાં થઇ જાય છે. મોઢું સુકાય છે, શરીરમાં ધ્રુજારી છૂટે છે અને રૂંવાં ઊભાં થાય છે. હાથમાંથી ગાંડીવ સરી જાઅય છે, ચામડી બહુ બળે છે. મારાથી ઊભા રહેવાતું નથી. કેમ કે મારું મગજ ફર્તું જેવું લાગે છે. 28-29-30

 

ગાત્રો ઢીલાં પદે મારાં, મોઢામાં શોષ ઊપજે;

કંપારી દેહમાં ઊઠે, રૂંવાડાં થાય છે ખડાં;           29

ગાંડીવ હાથથી છૂટે, વ્યાપે દાહ ત્વચા વિશે;

રહેવાય નહીં ઊભા, જાણે મારું ભમે મન.           30

ચિહ્ નોયે અવળાં  સર્વે, ને દેખાય, કેશવ;

જોઉં નહીં કંઇ શ્રેય હણીને સ્વજનો રણે.             31

વળી હે કેશવ ! હું અહીં વિપરીત અશુભ ચિહ્ નો જોઉં છું. યુદ્ધમાં સ્વજનોને મારીને હું કંઇ શ્રેય નથી

જોતો. 31

નથી હું ઇચ્છતો જીત, નહીં રાજ્ય, નહીં સુખો;

રાજ કે ભોગ કે જીવ્યું, અમારે કામનું કશું ?         32

હે કૃષ્ણ! તેમને મારીને હું નથી ઇચ્છતો વિજય, નથી માગતો રાજ્ય કે જાતજાતનાં સુખ; હે ગોવિન્દ! અમારે રાજ્ય કે ભોગોનો કે જીવતરનોયે શો ખપ ? 32

ઇચ્છીએ જેમને કાજે રાજ્ય કે ભોગ કે સુખો,

તે આ ઊભા રણે આવી ત્યજીને પ્રાણ-વૈભવો.       33

જેમને કાજે આપણે રાજ્ય, ભોગો અનેસુખ ઇચ્છ્યું તે આ આચાર્યો, વડીલ, પુત્રો, પૌત્રો,દાદા, મામા, સસરા, સાળા અને બીજા સંબંધીજન જીવવાની અને ધનની તમા છોડીને લડાઇને સારુ ઊભેલા.  33-34

ગુરુઓ, બાપ ને બેટા, દાદા-પોતા વળી ઘણા,

મામાઓ, સસરા, સાળા, સંબંધો, સ્વજનો બધા.      34

ન ઇચ્છુંહણવા આ સૌ, ભલે જાતે હણાઉં હું;

ત્રિલોક-રાજ્ય કાજેયે, પૃથ્વી કારણ કેમ તો ?        35

ભલે તેઓ મને મારી નાખે,પણ ત્રિલોકીના રાજ્ય સારુ પણ હે મધુસૂદન, હું તેમને હણવા નથી ઇચ્છતો, તો પચી આ ભૂમિ માટે કેમ જ હણું?.  35

હણીને કૌરવો સર્વે અમારું પ્રિય શું થશે?

અમને આતતાયીને હણ્યાનું પાપ કેવળ !            36

 

(આતતાયીશસ્ત્ર ઉગામનાર. આ કોણ?સાધારણ રીતે કૌરવો માટે સમજવામાં આવે છે, પણ મારો અભિપ્રાય તેને અમનેના વિશેષણ તરીકે લેવાનો છે.આ માટે કર્ણપર્વ 91-49, શલ્ય પર્વ 11-11 વગેરેમાં આધાર છે.ગમે તે અર્થ કરી શકાય એવી રચના રાખી છે.કિ.મ)

હે જનાર્દન ! ધૃતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને શો આનંદ થાય? આતતાયીઓને પણ હણીને અમને પાપ જ લાગે.  36

 

માટે ન હણવા યોગ્ય કૌરવો, અમ બંધુઓ;

સ્વજનોને હણી કેમ પામીએ સુખને અમે ?           37

તેથી હે માધવ ! અમારા પોતાના જ બાંધવ એવા ધૃતરાષ્ટ્રના પુત્રોને અમારે હણવા એ યોગ્ય નથી. સ્વજનોને હણીને અમે શું સુખી થઇશું ? 37

 

લોભથી વણસી બુદ્ધિ તેથી તે પેખતા નથી

કુળક્ષયે થતો દોષ મિત્રદ્રોહેય પાપ જે.               38

લોભથી ચિત્ત મલિન થયેલાં હોવાથી તેઓ ભલે કુળનાશથી થતા દોષને અને મિત્રદ્રોહના પાપને ન જોઇ શકે, પણ હે જનાર્દન ! કુળનશથી થતા દોષને સમજનારા અમને આ પાપમાંથી બચવાનું કેમ ન

સૂઝે ?38-39

વળવા પાપથી આવા અમે કાં ન વિચારવું,-

કુળક્ષયે થતો દોષ દેખતા સ્પષ્ટ જો અમે ?          39

કુળક્ષયે થતો નાશ કુળધર્મો સનાતન;

ધર્મનાશે કુળે આખે વર્તે આણ અધર્મની.             40

કુલનો નાશ થયો એટલે પરાપૂર્વથી ચાલતા અવેલા કુલધર્મોનો નાશ થાય, અને ધર્મનો નાશ થયો એટલે તો અધર્મ કુલ આખાને ડુબાવી દે છે. 40

 

અધર્મ વ્યાપતા લાજ લૂંટાય કુળનારની.,

કુળસ્ત્રીઓ થયે ભ્રષ્ટ વર્ણશંકર નીપજે.               41

હે કૃષ્ણ ! અધર્મની વૃદ્ધિ થવાથી કુલસ્ત્રીઓ દૂષિઅત થાય છે. અને તેમના દૂષિઅત થવાથી વર્ણનો સંકર થાય છે. 41

 

 

નરકે જ પડે તેથી કુળ ને કુળઘાતકો;

પિતરોયે પડે હેઠા ન મળ્યે પિંડતર્પણ.              42

 

આવો સંકર કુલઘાતકને અને તેના કુલને નરકમાં પહોંચાડે છે અને પિંડોદકની ક્રિયાથી વંચિત થવાથી તેના પિતરોની પણ અવગતિ થાય છે. 42

કુળઘાતકના આવા દોષે સંકરકારક

ઊખડે જાતિધર્મો ને કુળધર્મો સનાતન.              43

કુલઘાતક લોકોના આ વર્ણસંકરને-ઉત્પન્ન-કરનારા દોષોથી સનાતન કુલધર્મોનો અને જાતિધર્મોનો નાશ થાય છે. 43

ઊખડે જે મનુષ્યોના કુળના ધર્મ, તેમનો

સદાયે નરકે વાસએવું છે સાંભળ્યું અમે.          44

હે જનાર્દન ! જેમના કુલધર્મનો ઉચ્છેદ થયો છે એવા મનુષ્યોનો અવશ્ય નરકમાં વાસ થાય છે એવું આપણે સાંભળતા આવ્યા છીએ. 44

 

અહો કેવું મહાપાપ માંડ્યું આદરવા અમે !

કે રાજ્યસુખના લોભે નીકળ્યા હણવા સગા !        45

અરેરે ! કેવું મહાપાપ કરવાને અમે તૈયાર થયા છીએ કે રાજ્યસુખને લોભે સ્વજનોને હણવા તત્પર થયા ! 45

 

ન કરતાં પ્રતીકાર મને નિ:શસ્ત્રને હણે

રણમાં કૌરવો શસ્ત્રે, તેમાં ક્ષેમ મને વધુ.             46

ધૃતરાષ્ટ્રના શ્સ્ત્રધારી પુત્રો જો શસ્ત્ર વિનાના અને સામે ન થનારા મને રણમાં હણે તો તે મારે સારુ વધારે કલ્યાણકારક થાય. 46

 

 

સંજય બોલ્યા

આમ બોલી રણે પાર્થ ગયો બેસી રથાસને,

ધનુષ્યબાણને છોડી, શોકૌદ્વેગથી ભર્યો.               47

 

શોકથી વ્યગ્રચિત્ત થયેલા અર્જુન રણમધ્યે આમ બોલી ધનુષબાણને પડતાં મૂકી રથની બેઠકપર બેસી ગયા.

ૐ તત્સત્  .

જે બ્રહ્મવિદ્યા પણ અછે તેમ જ યોગશાસ્ત્ર પણ છે એવી આ શ્રીભગવાને ગાયેલી ઉપનિષદમાં આવેલા શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો અર્જુન-વિષાદ-યોગનામનો પહેલો અધ્યાય અત્રે પૂરો થાય છે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s