ગીતાધ્વનિ

અધ્યાય 2 જો

જ્ઞાન અને યોગનું તત્ત્વ

2.સાંખ્ય—યોગ

 

મોહને વશ થઇ મનુષ્ય અધર્મ ધર્મ માને છે,મોહને લીધે પોતીકા અને પારકા એવો ભેદ અર્જુને કર્યો. એ ભેદ મિથ્યા છે એમ સમજાવતાં શ્રીકૃષ્ણ પ્રથમ દેહ અને આત્માની ભિન્નતા બતાવે છે, દેહની અનિત્યતા અને પૃથક્તા તથા આત્માની નિત્યતા અને તેનીએકતા બતાવેછે.

પછી સમજાવેછે કે મનુષ્ય કેવળપુરુષાર્થનો અધિકારી છે, પરિણામોનો નથી. તેથી તેણે કર્તવ્યનો નિશ્ચ્ય કરી, નિશ્ચિંત રહી તેને વિશે પરાયણ રહેવું જોઇએ. એવી પરાયણતાથી તે મોક્ષને સાધી શકે છે.

સંજય બોલ્યા–

આમ તે રાંકભાવે ને આંસુએ વ્યગ્ર દૃષ્ટિથી

શોચતા પાર્થને આવાં વચનો માધવે કહ્યાં–         1

આમ કરુણાથી ઘેરાયેલા અને અશ્રુપૂર્ણ વ્યાકુળ નેત્રોવાળા દુ:ખી અર્જુન પ્રત્યે મધુસૂદને આ વચન કહ્યાં :

શ્રી ભગવાન બોલ્યા–

ક્યાંથી મોહ તને આવો ઊપજ્યો વસમી પળે

નહીં જે આર્યને શોભે, સ્વર્ગ ને યશ જે હરે ?         2

હે અર્જુન ! શ્રેષ્ઠ પુરુષોને અયોગ્ય, સ્વર્ગથી વિમુખ રાખનાર અને અપજશ દેનાર એવો આ મોહ તને આવી વિષમ ઘડીએ ક્યાંથી થઇ આવ્યો ?

 

મા તું કાયર થા, પાર્થ, તને આ ઘટતું નથી;

હૈયાના દૂબળા ભાવ છોડી ઊઠ, પરંતપ.             3

હે પાર્થ ! તું નામર્દ ન થા. આ તને ન શોભે. હ્રદયની નિર્બળતાનો ત્યાગ કરીહે પરંતપ ! તું ઊઠ.

3

અર્જુન બોલ્યા–

મારે જે પૂજવા યોગ્ય ભીષ્મ ને દ્રોણ, તે પ્રતિ

કેમ હું રણસંગ્રામે બાણોથી યુદ્ધ આદરું?              4

હે મધુસૂદન ! રણભૂમિમાં બાણો વડે હું ભીષ્મ અને દ્રોણની સામે કેમ લડું ? હે અરિસૂદન ! એઓ તો પૂજનીય છે.  4

 

વિના હણીને ગુરુઓ મહાત્મ

ભિક્ષા વડે જીવવું તેય સારું;

હણી અમે તો ગુરુ અર્થવાંછુ

લોહીભર્યા માણશું ભોગ લોકે !                       5

મહાનુભાવ ગુરુજનોને ન મારતાં આ લોકમાં મારે ભિક્ષાથી નિર્વાહ કરવો એ પણ વધારે સારું છે, કેમ કે ગુરુજનોને મારીને તો મારે લોહીથી ખરડાયેલા અર્થ અને કામરૂપી ભોગો જ ભોગવવા રહ્યા.  5

 

થાયે  અમારો જય તેમનો વા–

શામાં અમારું હિત તે ન સૂઝે;

જેને હણી જીવવુંયે ગમે ના,

સામા ખડા તે ધૃતરાષ્ટ્ર-પુત્રો.                        6

 

જું જાનતો નથી કે બે માંથી શું સારું ગણાય, અમે જીતીએ એ?કે તેઓ અમને જીતે એ ? જેમનેમારીને અમે જીવવાયે ન ઇચ્છીએ તે જ ધૃતરાષ્ટ્રના પુત્રો આ સામે ઊભા છે.   6

સ્વભાવ મેટ્યો મુજ રાંકભાવે,

ન ધર્મ સૂઝે, તમને હું પૂછું;

બોધો મ’ંર નિશ્ચિત શ્રેય જેમાં,

છું શિષ્ય, આવ્યો શરણે તમારે.                      7

 

દીનતાને કારણે મારો મૂલ સ્વભાવ હણાઇ ગયો છે. કર્તવ્ય વિશે હું મૂંઝવણમાં પડ્યો છું. તતેથી જેમાં મારું હિત હોય તે મને નિશ્ચયપૂર્વક કહેવા તમને વીનવું છું. હું તમારો શિષ્ય છું. તમારે શરણે આવ્યો છું. મને દોરો.

 

સમૃદ્ધ ને શત્રુ વિનાનું રાજ્ય

મળે જગે કે સુરલોકમાંયે;

તોયે ન દેખું કંઇ શોક ટાળે

મારી બધી ઇન્દ્રિય તાવનારો.                      8

 

આ લોકમાં ધનધાન્યસંપન્ન નિષ્કંટક રાજ્ય મળે તો તેથીયે, ઇન્દ્રિયોને ચૂસી લેનારા આ મારા શોકને ટાળી શકે એવું કશું હું જોતો નથી.  8

સંજય બોલ્યા–

પરંતપ, ગુડાકેશે આમ ગોવિંદને કહી,

”હું તો નહીં લડું’ એવું બોલી મૌન ધર્યું પછી.       9

હે રાજન્ !

હ્રષિકેશ ગોવિંદને ઉપર પ્રમાને કહી, શત્રુને અકળાવનાર તરીકે જેની નામના છે એવા ગુડાકેશ અર્જુન ‘નથી લડવાનો’ એમ બોલી ચૂપ થયા.   9

 

આમ બે સૈન્યની વચ્ચે ખેદે વ્યાપેલ પાર્થને

હસતા-શું હૃષીકેશે આવાં ત્યાં વચનો કહ્યાં–       10

હે ભારત ! બંને સેના વચ્ચે આમ ઉદાસ થઇ બેઠેલા એ અર્જુનને હસતા નહીં હોય તેમ હૃષીકેશે આ વચન કહ્યાં:  10

શ્રીભગવાન બોલ્યા–

ન ઘટે ત્યાં કરે શોક,ને વાતોજ્ઞાનની વદે !

પ્રાણો ગયા-રહ્યા તેનો જ્ઞાનીઓ શોક ના કરે.       11

શોક ન કરવા યોગ્યનો તું શોક કરે છે, અને પંડિતાઇના બોલ બોલે છે, પણ પંડિતો તો મૂઆજીવતાની પાછળ શોક નથી કરતા.   11

હું તું કે આ મહીપાળો, પૂર્વે ક્યરે હતા નહીં,

ન હઇશું ભવિષ્યેયે એમ તું જાણતો રખે.            12

કેમ કે ખરું જોતાં હું, તું કે આ રાજાઓ કોઇ કાળમાં નહોતા અથવા હવે પછી નહીં હોઇએ એવું છે જ નહીં   12

 

દેહીને દેહમાં આવે બાળ, જોબનને જરા,

તેમ આવે નવો દેહ, તેમાં મૂંઝાય ધીર ના.          13

દેહધારીને જેમ આ દેહને વિશે કૌમાર, યૌવન અને જરાની પ્રાપ્તિ થાય છે તેમ જ અન્ય દેહની પ્રાપ્તિ પન થાય છે. તી વિશે બુદ્ધિમાન પુરુષ અકળાતો નથી.   13

સ્પર્શાદિ વિષયો જાણ, શીતોષ્ણ-સુખદુ:ખદા,

અનિત્ય, જાય ને આવે, તેને, અર્જુન, લે સહી.        14

હે કૌંતેય ! ઇન્દ્રિયોના વિષયો જોડેના સ્પર્શો ઠંડી, ગરમી, સુખ અને દુ:ખ દેનારા હોય છે. તે અનિત્ય હોઇ, આવે છે ને અલોપ થાય છે. હે ભારત ! તેમને તું સહન કરી છૂટ  14

તે પીડી ન શકે જેને, સમ જે સુખદુ:ખમાં,

તે ધીર માનવી થાય પામવા યોગ્ય મોક્ષને.          15

હે પુરુષશ્રેષ્ઠ ! સુખદુ:ખમાં વ્યાકુળ નથી કરતા તે મોક્ષને યોગ્ય બને છે.  15

અસત્યને ન અસ્તિત્વ, નથી નાશેય સત્યનો;

નિહાળ્યો તે તત્ત્વદર્શીએ આવો સિદ્ધાંત બેઉનો.       16

અસત્ ની હસ્તી નથી, ને સત્ય નો નાશ નથી. આ બંનેનો નિર્ણય જ્ઞાનીઓએ જાણ્યો છે.   16

જાણજે અવિનાશી તે જેથી વિસ્તર્યું આ બધું;

તે અવ્યય તણો નાશ કોઇયે ના કરી શકે.            17

જે વડે આ અખિલ જગત વ્યાપ્ત છે તેને તું અવિનાશી જાણજે. આ અવ્યયનો વિનાશ કરવા કોઇ પણ સમર્થ નથી.  17

અવિનાશી, પ્રમાતીત, નિત્ય દેહીતણાં કહ્યાં

શરીરો અંતવાળાં આ તેથી તું ઝૂઝ, અર્જુન.          18

નિત્ય રહેનારા તેમ જ મન અને ઇન્દ્રિયોની સમજમાં ન આવનારા એવા અવિનાશી દેહી (આત્મા)ના આ દેહો નાશવંત કહ્યા છે, તેથી હે ભારત ! તું યુદ્ધ કર.   18

જે માને કે હણે છે તે, જે માને તે હણાય છ,

બંનેયે તત્ત્વ જાણે ના, હણે ના તે હણાય ના.         19

જે આને હણનાર તરીકે માને છે તેમ જ જે આને હણાયેલો માને છે એ બંને કંઇ જાણતા નથી. આ (આત્મા) નથી હણતો, નથી હણાતો.     19

ન જન્મ પામે, ન કદાપિ મૃત્યુ,

ન્હોતો ન તે કે ન હશે ન પાછો :

અજન્મ, તે નિત્ય, સદા, પુરાણ,

હણ્યે શરીરે ન હણાય તે તો.                         20

 

આ કદી જન્મતો નથી, કે મરતો નથી; આ હતો કે હવે થવાનો નથી એવુંયે નથી; તેથી તે અજન્મા છે. નિત્ય છે, શાસ્વત છે, પુરાતન છે; શરીર હણાયાથી તે હણાતો નથી.    20

જે એને જાણતો નિત્ય, અનાશી, અજ, અવ્યય,

તે નર કેમ ને કોને હણાવે અથવા હણે?              21

હે પાર્થ ! જે પુરુષ, આત્માને અવિનાશી, નિત્ય, અજન્મા અને અવ્યય માને છે તે કેવી રીતે કોઇને હણાવે કે કોઇને હણે ?    21

ત્યજી દઇ જીર્ણ થયેલ વસ્ત્રો,

લે છે નવાં જેમ મનુષ્ય બીજાં;

ત્યજી દઇ જીર્ણ શરીર તેમ,

પામે નવાં અન્ય શરીર દેહી.                        22

 

મનુષ્ય જેમ જૂનાં વસ્ત્રો નાખી દઇ બીજાં નવાં ધારણ કરે છે, તેમ દેહધારી જીવ જીર્ણ થઇ ગયેલા દેહને છોડી બીજા ન્વા દેહને પામે છે.  22

ન તેને છેદતાં શસ્ત્રો, ન તેને અગ્નિ બાલતો,

ન તેને ભીંજવે પાણી, ન તેને વાયુ સૂકવે.          23

એ (આત્મા) ને શસ્ત્રો છેદતાં નથી, અગ્નિ બાળતો નથી, પાણી પળાળતું નથી, વાયુ સુકવતો નથી.   23

 

છેદાય ના, બળે ના તે, ન ભીંજાય, સુકાય ના :

સર્વવ્યાપક તે નિત્ય,સ્થિર, નિશ્ચળ, શાશ્વત.          24

આ છેદી શકાતો નથી, બાળી શકાતો નથી, પલાળી શકાતો નથી કે સૂકવી  શકાતો નથી. આ નિત્ય છે, સર્વગત છે,સ્થિર છે, અચળ છે, અને સનાતન છે.  24

તેને અચિંત્ય, અવ્યક્ત, નિર્વિકાર કહે વળી;

તેથી એવો પિછાણી તે, તને શોક ઘટે નહીં.          25

વળી એ ઇન્દ્રિયોને અને મનને અગમ્ય છે, વિકારરહિત કહેવાયો છે, માટે એને તેવો જાણીને તારે એનો શોક કરવો ઉચિત નથી.   25

ને જો માને તું આત્માનાં જન્મ-મૃત્યુ ક્ષણે ક્ષણે,

તોયે તારે, મહાબાહુ, આવો શોક ઘટે નહીં.           26

 

અથવા જો તું આને નિત્ય જન્મવાવાળો અને નિત્ય મરવાવાળો માને તોયે હે મહાબાહો ! તારે એને વિશે શોક કરવો ઉચિત નથી.   26

જન્મ્યાનું નિશ્ચયે મૃત્યુ, મૂઆનો જન્મ નિશ્ચયે;

માટે જે ન ટળે તેમાં તને શોક ઘટે નહીં.             27

જન્મેલાને મૃત્યુ અને મરેલાને જન્મ અનિવાર્ય છે. તેથી જે અનિવાર્ય છે તેનો શોક કરવો તને યોગ્ય

નથી.  27

અવ્યક્ત આદિ ભૂતોનું, મધ્યમાં વ્યક્ત ભાસતું;

વળી, અવ્યક્ત છે અંત, તેમાં ઉદ્વેગ જોગ શું ?       28

હે ભારત ! ભૂતમાત્રની જન્મ પૂર્વેની અને મરણ પછીની સ્થિતિ જોઇ શકાતી નથી; તે અવ્યક્ત છે, વચ્ચેની સ્થિતિ જ વ્યક્ત એટલે કે પ્રગટ થાઅય છે. આમાં ચિંતાને અવકાશ ક્યાં છે ?   28

 

નોંધ : ભૂત એટલે સ્થાવર-જંગમ તમામ સૃષ્ટિ.

આશ્ચર્ય-શું કોઇ નિહાલતું એ,

આશ્ચર્ય-શું તેમ વદે, વળી, કો,  

આશ્ચર્ય-શું અન્ય સુણેય કોઇ,

સુણ્યા છતાં કો સમજ ન તેને.                         29

કોઇ આ (આત્મા) ને આશ્ચર્ય સરખો જુએ છે, બીજો તેને આશ્ચર્ય સરખો વર્ણવે છે; વળી બીજા તેને આશ્ચર્ય સરખો વર્ણવાયેલો સાંભળે છે, અને સાંભળવા છતાં કોઇ તેને જાણતું નથી.  29

સદા અવધ્ય તે દેહી સઘળાના શરીરમાં;

કોઇયે ભૂતનો તેથી તને શોક ઘટે નહીં                 30

હે ભારત! બધાના દેહમાં રહેલો આ દેહધારી આત્મા નિત્ય અને અવધ્ય છે; તેથી તારે ભૂતમાત્રને વિશે શોકકરવો ઘટતો નથી.   30

નોંધ : આટલે લગી શ્રીકૃષ્ણે બુદ્ધિપ્રયોગથી આત્માનુંનિત્યત્વ અને દેહનું અનિત્યત્વ બતાવી સૂચવ્યું કે જો કોઇ સ્થિતિમાં દેહનો નાશ કરવો યોગ્ય ગણાય, તો સ્વજન પરજનનો ભેદ કરી કૌરવ સગા છે તેથી તેમને કેમ હણાય એ વિચાર મોહજન્ય છે.

હવે અર્જુનને ક્ષત્રિયધર્મ શો છે તે બતાવે છે.

                                5

 

 

વળી, સ્વધર્મ જોતાંયે ન તારે ડરવું ઘટે;

ધર્મયુદ્ધ થકી બીજું શ્રેય ક્ષત્રિયને નથી.                31

સ્વધર્મનો વિચાર કરીને પણ તારે અચકાવું ઉચિત નથી, કારણકે ધર્મયુદ્ધ કરતાં ક્ષત્રિયને માટે બીજું કંઇ વધારે શ્રેયસ્કર હોય નહીં.   31

અનાયાસે ઉઘાડું જ સ્વર્ગનું દ્વાર સાંપડ્યું;

ક્ષરૈયો ભાગ્યશાળી જે તે પામે યુદ્ધ આ સમું.      32

હે પાર્થ ! આમ પોતાની મેળે પ્રાપ્ત થયેલું, ને જાને સ્વર્ગદ્વાર જ ખૂલ્યું નહીં હોય એવું યુદ્ધ તો ભાગ્યશાળી ક્ષત્રિયોને જ મળે છે.  32

માટે આ ધર્મસંગ્રામ આવો જો ન કરીશ તું,

તો તું સ્વધર્મ ને કીર્તિ છાંડી પામીશ પાપને.               33

જો તું આ ધર્મપ્રાત સંગ્રામ નહીં કરે તો સ્વધર્મ અને કીર્તિ બંને ખોઇ પાપ વહોરી લઇશ. 33

અખંડ કરશે વાતો લોકો તારી અકીર્તિની;

માની પુરુષને કાજે અકીર્તિ મૃત્યુથી વધુ,                   34

 

બધા લોકો તારી નિંદા નરંતર કર્યા કરશે. અને માન પામેલાને માટે અપકીર્તિ એ મરણ કરતાં પણ બૂરી વસ્તુ છે.  34

 

ડરીને રણ તેં ટાળ્યું માનશે સૌ મહારથી;

રહ્યો સ્ન્માન્ય જેઓમાં તુચ્છ તેને જ તું થશે.           35

જે મહારથીઓમાં તું માન પામ્યો તેઓ તને ભયને લીધે રણમાંથી નાઠેલો માનશે અને તેમની વચ્ચે તારો દરજ્જો ઊતરી જશે.   35

ન બોલ્યાના ઘણા બોલ બોલશે તુજ શત્રુઓ;

નિંદશે તુજ સામર્થ્ય, તેથી દુ:ખ કયું વધું?             36

અને તારા શત્રુઓ તારા બળને નિંદતાનિંદતા ન બોલવાના અનેક બોલ બોલશે, આથી વધારે દુ:ખ કર બીજું શું હોઇ શકે ?   36

હણાયે પામશે સ્વર્ગ, જીત્યે ભોગવશે મહી;

માટે, પાર્થ, ખડો થા તું, યુદ્ધાર્થે દૃઢનિશ્ચયે.             37

જો તું હણાઇશ તો તને સ્વર્ગ મળશે. જો જીતીશ તો તું પૃથ્વી ભોગવશે. તેથી હે કૌંતેય ! લડવાનો નિશ્ચય કરીને તું ઊભો થા.   37

 

નોંધ :ભગવાને પ્રથમ આત્માનું નિત્યત્વ અને દેહનું અનિત્યત્વ બતાવ્યું. ત્યાર પછી સહજપ્રાપ્ત યુદ્ધ કરવામાં ક્ષત્રિયને ધર્મનો બાધ હોય નહીં એમ પણ બતાવ્યું.એટલે 31મા શ્લોકથી ભગવાને પરમાર્થની સાથે ઉપયોગનો [લાભહાનિની વ્યવહાર દૃષ્ટિનો ] મેળ સાધ્યો.

લાભ-હાનિ, સુખો-દુ:ખો, હાર-જીત કરી સમ,

પછી યુદ્ધાર્થે થા સજ્જ, તો ના પાપ થશે તને.         38

ભગવાન હવે, ગીતાની મુખ્ય બોધનો પ્રવેશ એક શ્લોકમાં કરાવે છે.

સુખ અને દુ:ખ, લાભ અને હાનિ, જય અને પરાજયસરખાં માની લડવા સારુ તત્પર થા. એમ કરવાથી તને પાપ નહીં લાગે.   38

કહી આ સાંખ્યની બુદ્ધિ, હવે સાંભળ યોગની;

જે બુદ્ધિથી થયે યુક્ત તોડીશ કર્મબંધન.                   39

હવે યોગવાદ પ્રમાણે સમજ પાડું છું તે સાંભળ. એનો આશ્રય લેવાથી તું કર્મનાં બંધનો તોડી શકીશ.    39

 

આદર્યં વણસે ના ને વિઘ્ન ના ઊપજે અહીં;

સ્વલ્પેઆ ધર્મનો અંશ ઉગારે ભયથી વડા.             40

આ નિષ્ઠાથી થયેલા આરંભનો નાશ થતો નથી, એમાં વિપરીત પરિણામ પણ આવતું નથી. આ ધર્મનું યત્કિંચિત પાલન પણ મહાભયમાંથી ઉગારી લે છે.  40

એમાં મનુષ્યની બુદ્ધિ એક નિશ્ચયમાં રહે;

અનંત, બહુશાખાળી બુદ્ધિ બુદ્ધિ નિશ્ચયહીનની.           41

હે કુરુનંદન ! (યોગવાદીની)નિશ્ચયાત્મક બુદ્ધિ એકરૂપ હોય છે, જ્યારેઅનિશ્ચયવાળાની બુદ્ધિઓ એટલે કે વાસનાઓ બહુ શાખાવાળી અને અનંત હોય છે.   41

નોંધ: બુદ્ધિ એક મટી અનેક (બુદ્ધિઓ) થાય છે ત્યારે તે બુદ્ધિ મટી વાસનાનું રૂપ લે છે તેથી બુદ્ધિઓ એટલે વાસના.

અલ્પબુદ્ધિજનો, પાર્થ કાઅમ-સ્વર્ગ-પરાયણ,

વેદવાદ વિશે મગ્ન, આવી જે કર્મકાંડની                   42

અજ્ઞાની વેદિયા, ‘આ સિવાય બીજું કંઇ નથી’ એવું બોલનારા, કામનાવાળા, અને સ્વર્ગને જ શ્રેષ્ઠમાનનારા લોકો જન્મમરણરૂપી કર્મનાં ફળો દેનારી, ભોગ અને ઐશ્વર્યને વિશે આસક્ત થયેલા તેમની તે બુદ્ધિ મરાઇ જાય છે; તેમની બુદ્ધિ નથી નિશ્ચયવાળી હોતી, અને નથી સમાધિને વિશે સ્થિર થઇ શકતી.   42-43-44.

નોંધ :યોગવાદની વિરુદ્ધ કર્મકાંદનું એટલું જ વેદવાદનું વર્ણનૌપલા ત્રણ શ્લોકમાં આવ્યું. કર્મકાંદ અથવા વેદવાદ એટલે ફળ ઉપજાવવા મથનારી અસંખ્ય ક્રિયાઓ. આ ક્રિયાઓ વેદાંતથી એટલે કે વેદના રહસ્યથી, અલગ અને અલ્પ પરિણામવાળી હોવાથી નિરર્થક છે.

 

 

જન્મ-કર્મ- ફળો દેતી, ભોગ-ઐશ્વર્ય સાધતી

વાણીને ખીલવી બોલે,”આથી અન્ય કશું નથી.”            43

ભોગ-ઐશ્વર્યમાં ચોંટ્યા, હરાઇ બુદ્ધિ તે વડે,–

તેમની બુદ્ધિની નિષ્ઠા ઠરે નહીં સમાધિમાં.          44

ત્રિગુણાત્મક વેદાર્થો, થા ગુણાતીત, આત્મવાન્ .

નિશ્ચિંત યોગ ને ક્ષેમે, નિર્દ્વંદ, નિત્ય-સત્ત્વવાન્ .        45

 

હે અર્જુન! જે ત્રણ ગુણો વેદનો વિષય છે તેમનાથી તું અલિપ્ત રહે. સુખદુ:ખાદિ દ્વંદ્વોથી છૂટો થા. નિત્ય સત્ય વસ્તુ કિશે સ્થિત રહે. કંઇ વસ્તુ મેલવવા –સાચવવાની ભાંજગડમાંથી મુક્ત રહે, અને આત્મપરાયણ થા.    45

 

નીર-ભરેલ સર્વત્ર તળાવે કામ જેટલું,

તેટલું સર્વ વેદોમાં વિજ્ઞાની બ્રહ્મનિષ્ઠને.                    46

 

જે અર્થ કૂવાથી સરે છે તે બધો બધી રીતે સરોવરમાંથી જેમ સરે છે, તેમ જ જે કાંઇ બધા વેદમાં છે તે જ્ઞાનવાન બ્રહ્મપરાયણને આત્માનુભવમાંથી મળી રહે છે.     46

કર્મે જ અધિકારી તું, ક્યારેય ફળનો નહીં,

મા હો કર્મફળે દૃષ્ટિ , મા હો રાગ અકર્મમાં.            47

કર્મને વિશે જ તને અધિકાર (કાબૂ) છે, તેમાંથી નીપજતાં અનેક ફળોને વિશે કદી નહીં. કર્મનું ફળ તારો હેતુ ન હજો. કર્મ ન કરવા વિશે પણ તને આગ્રહ ન હજો.   47

કર યોગે રહી કર્મ, તેમાં આસક્તિને ત્યજી;

યશાયશ સમા માની –સમતા તે જ યોગ છે.       48

 

હે ધનંજય! આસક્ત છોડી યોગસ્થ રહી એટલે કે સફળતા- નિષ્ફળતા વિશે સમાઅન ભાવ રાખી તું કર્મ કર. સમતા એ જ યોગ કહેવાય છે.   48

અત્યંત હીન તો કર્મ બુદ્ધિયોગ થકી ખરે;

શરણું બુદ્ધિમાં શોધ, રાંક જે ફળ વાંછતાં.                   49

હે ધનંજય ! સમત્વબુદ્ધિ સાથે સરખાવતાં કેવળ કર્મ ઘણું તુચ્છ છે. તું સમત્વબુદ્ધિનો આશ્રય લે. ફળની લાલસા રાખનારા પામરો દયાપાત્ર છે.   49

બુદ્ધિયોગી અહીં છોડે પાપ ને પુણ્ય બેઉયે;

માટે થા યોગમાં યુક્ત, કર્મે કૌશલ્ય યોગ છે.       50

 

બુદ્ધિયુક્ત એટલે સમતાવાળો પુરુષ અહીં જ પાપપુણ્યનો સ્પર્શ થવા દેતો નથી; તેથી તું સમત્વને સારુ પ્રયત્ન કર. સમતા એ જ કાર્યકુષળતા છે.  50

બુદ્ધિયોગી વિવેકી તે, ત્યાગીને કર્મનાં ફળો,

જન્મબંધનથી છૂટી પોં’ચે નિર્દોષ ધામને.                   51

કેમ કે સમત્વબુદ્ધિવાળા મુનિઓ કર્મથી ઉત્પન્ન થતાં ફળનો ત્યાગ કરીને જન્મબંધનમાંથી મુક્ત થઇ નિષ્કલંક એવા મોક્ષપદને પામે છે.   51

મોહનાં કળણો જ્યારે તારી બુદ્ધિ તરી જશે;

સુણ્યું ને સુણવું બાકી બેએ નિર્વેદ આવશે.              52

 

જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી કીચડને પાર ઊતરી જશે ત્યારે તને સાંભળેલાને વિશે તેમ જ સાંભળવાનું બાકી હશે તેને વિશે ઉદાસીનતા પ્રાપ્ત થશે.   52

બહુ સુણી ગૂંચાયેલી તારી બુદ્ધિ થશે સ્થિર,

અચંચળ, સમાધિસ્થ, ત્યારે તું યોગ પામશે.        53

અનેક પ્રકારના સિદ્ધાંતો સાંભળવાથી વ્યગ્ર થઇ ગયેલી તારી બુદ્ધિ જ્યારે સમાધિમાં સ્થિર થશે ત્યારે જ તું સમત્વને એટલે કે યોગને પામીશ.    53

સ્થિતપ્રજ્ઞના લક્ષણો

શ્રીમદ્  ભગવદ્  ગીતા—અધ્યાય બીજો/શ્લોક:54 થી 72

 

નોંધ:-

સમગેય ગુજરાતી પદ્ય ભાષાંતર “ગીતા ધ્વનિ”/કિશોરલાલ મશરૂવાળાનું છે.

ગદ્ય સમજૂતિ ગાંધીજીના “અનાસક્તિયોગ” માંથી છે.

 

 

અર્જુન બોલ્યા:

સમાધિમાં સ્થિતપ્રજ્ઞ જાણવો કેમ કેશવ?

બોલે, રહે, ફરે કેમ, મુનિ જે સ્થિરબુધ્ધિનો?…54

 

અર્જુન બોલ્યા:

હે કેશવ !સ્થિતપ્રજ્ઞનાં એટલે કે સમાધિસ્થનાં શાં ચિહ્ન હોય?સ્થિતપ્રજ્ઞ કેવી રીતે બોલે, બેસે ને ચાલે?…..54

 

 

શ્રીભગવાન બોલ્યા–

મનની કામના સર્વે છોડીને, આત્મમાં જ જે

રહે સંતુષ્ટ આત્માથી, તે સ્થિતપ્રજ્ઞ જાણવો….55

 

શ્રીભગવાન બોલ્યા–

હે પાર્થ !જ્યારે મનમાં ઊઠતી બધી કામનાઓ મનુષ્ય ત્યાગ કરે છે અને આત્મમાં આત્મા વડે જ સંતુષ્ટ રહે છે ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે….55

નોંધ:

આત્મામાં આત્મા વડે  જ સંતુષ્ટ રહેવું એટલે આત્માનો આનન્દ અંદરથી શોધવો,

સુખદુ:ખ દેનારી બહારની વસ્તુઓ ઉપર આનંદનો આધાર ન રાખવો.

આનંદ એ સુખથી નોખી વસ્તુ છે એ ધ્યાનમાં રાખવું ઘટે. મને પૈસા મળે તેમાં  હું સુખ માનું એ મોહ. હું ભિખારી હોઉં, ભૂખનું દુ;ખ હોય છતાં હું ચોરીની કે બીજી લાલચમાં ન પડું તેમાં જે વસ્તુ રહેલ છે તે આનંદ આપે છે, તેને આત્મસંતોષ કહી શકાય.

 

દુ:ખે ઉદ્વેગ ના ચિત્તે,સુખોની ઝંખના ગઇ;

ગયા રાગ-ભય-ક્રોધ, મુનિ તે સ્થિરબુધ્ધિનો…56

દુ:ખોથી જે દુ:ખી ન થાય, સુખોની ઇચ્છા ન રાખે અને જે રાગ,ભય અને ક્રોધથી રહિત હોય તે મુનિ સ્થિરબુધ્ધિ કહેવાય છે….56

 

આસક્ત નહીં જે ક્યાંય, મળ્યે કાંઇ શુભાશુભ;

ન કરે હર્ષ કે દ્વેષ તેની પ્રજ્ઞા  થઇ સ્થિર….57

 

 

જે બધે રાગ રહિત છે અને શુભ પામતાં તેને નથી આવકાર આપતો અથવા અશુભ પામીને નથી અકળાતો તેની બુધ્ધિ સ્થિર છે…..57

 

કાચબો જેમ અંગોને, તેમ જે વિષયોથકી

સંકેલે ઇન્દ્રિયો પૂર્ણ, તેની પ્રજ્ઞા થઇ સ્થિર….58

કાચબો સર્વ કોરથી અંગો સમેટી લે તેમ આ પુરુષજ્યારે ઇન્દ્રિયોને તેમના વિષયોમાંથી સમેટી લે છે ત્યારે તેની બુધ્ધિ સ્થિર થઇ છે એમ કહેવાય..58

નિરાહારી શરીરીના ટળે છે વિષયો છતાં,

રસ રહી જતો તેમાં, તે ટળે પેખતાં પરં…59

દેહધારી જ્યારે નિરાહારી રહે છે ત્યારે તેના વિષયો મોળા પડે છે જરૂર; પણ (વિષય પરત્વેનો) એનો રસ નથી જતો;તે રસ તો પરવસ્તુના દર્શનથી,પરમાત્માનો સાક્ષાત્કારથવાથી શમે છે…..59

 

નોંધ:

આ શ્લોક ઉપવાસાદિનો નિષેધનથી કરતો પણ તેની મર્યાદા સૂચવે છે.વિષયોને શાંત કરવા સારુ ઉપવાસાદિ આવશ્યક છે,પણ તેમની જડ એટલે તેમને વિશે ર્હેલોરસ તો કેવળ ઇશ્વરની ઝાંખી થયે જ શમે.ઇશ્વરસાક્ષાત્કારનો જેને રસ લાગ્યો તે બીજા રસોને ભૂલી જ જાય….

 

 

પ્રયત્નમાં રહે તોયે શાણાયે નરના હરે

 

મનને ઇન્દ્રિયો મસ્ત વેગથી વિષયો ભણી….60

 

હે કૌંતેય! ડાહ્યો પુરુષ યત્ન કરતો હોય છતાં ઇન્દ્રિયો એવી તો વલોવી નાખનારી છે કે તેનું મન બળાત્કારે હરી લે છે….60

 

યોગથી તે વશે રાખી રહેવું મત્પરાયણ,

ઇન્દ્રિયો સંયમે જેની, તેની પ્રજ્ઞા સ્થિર….61

 

એ  બધી ઇન્દ્રિયોને વશમાં રાખી યોગીએ મારામાં તન્મય થઇ રહેવું જોઇએ,કેમ કે પોતાની ઇંદ્રિયો જેના વશમાં છે તેની જ બુધ્ધિ સ્થિર રહે છે….61

નોંધ:

એટલે કે ભક્તિ વિના-ઇશ્વરની સહાય વિના, પુરુષ-પ્રયત્ન મિથ્યા છે.

 

વિષયોનું રહે ધ્યાન તેમાં આસક્તિ ઊપજે,

જન્મે આસક્તિથી કામ, કામથી ક્રોધ નીપજે….62

 

 

વિષયોનું ચિંતવન કરનાર પુરુષના મનમાં તેમને વિશે આસક્તિ ઉત્પન્ન થાય છે.આસક્તિમાંથી કામના થાય છે અને કામનામાંથી ક્રોધ ઉત્પન્ન થાય છે….62

 

નોંધ:

 

કામનાવાળાને ક્રોધ અનિવાર્ય છે, કેમ કે કામ કોઇ દિવસ તૃપ્ત થતો જ નથી.

 

 

ક્રોધથી મૂઢતા આવે, મૂઢતા સ્મૃતિને હરે;

સ્મૃતિલોપે બુધ્ધિનાશ, બુધ્ધિનાશે વિનાશ છે….63

ક્રોધમાંથી મૂઢતા પેદા થાય છે, મૂઢતામાંથી ભાન ભુલાય છે ને ભાન જવાથી જ્ઞાનનો નાશ થાય છે અને જેના જ્ઞાનનો નાશ થયો તે જાતે જ નાશ પામે છે.(તેની સર્વે પ્રકારે અધોગતિ થાય છે.)…63

રાગ ને દ્વેષ છૂટેલીઇન્દ્રિયે વિષયો ગ્રહે

વશેન્દ્રિય સ્થિરાત્મા જે, તે પામે છે પ્રસન્નતા….64

પણ જેનું મન પોતાના કાબૂમાં છે અને જે રાગદ્વેષરહિત એવી તથા પોતાને વશ વર્તનારી ઇન્દ્રિયોથી (ઘટતા) વિષયોનું ગ્રહણ કરે છે તે પુરુષ ચિત્તની પ્રસન્નતા મેળવે છે….64

પામ્યે પ્રસન્નતા તેનાં દુ:ખો સૌ નાશ પામતા;

પામ્યો પ્રસન્નતાતેની બુધ્ધિ શીઘ્ર બને સ્થિર…65

ચિત્તની પ્રસન્નતાથી એનાં બધાં દુ:ખો ટળે છે અને પ્રસન્નતા પામેલાની બુધ્ધિ તરત જ સ્થિર થાય છે…65

 

અયોગીને નથી બુધ્ધિ, અયોગીને ન ભાવના;

ન ભાવહીનને શાંતિ,સુખ ક્યાંથી અશાંતને?….66

જેને સમત્વ નથી તેને વિવેક નથી, ભક્તિ નથી. અને જેને ભક્તિ નથી તેને શાંતિ નથી. હવે જ્યાં શાંતિ નથી ત્યાં સુખ ક્યાંથી હોય?…..66

ઇન્દ્રિયો વિષયે દોડે, તે પૂઠે જે વહે મન,

દેહીની તે હરે બુધ્ધિ, જેમ વા નાવને જળે….67

વિષયોમાં ભટકતી ઇન્દ્રિયોની પાછળ જેનું મન દોડી જાય છે તેનું એ મન –વાયુ જેમ પાણીમાં નૌકાને તાણી લઇ જાય છે તેમ—તેની બુધ્ધિને ગમે ત્યાં તાણી લઇ જાય છે….67

તેથી જેણે બધી રીતે રક્ષેલી વિષયોથકી

ઇન્દ્રિયો નિગ્રહે રાખી, તેની પ્રજ્ઞા થઇ સ્થિર….68

તેથી હે મહાબાહો !જેની ઇન્દ્રિયો ચોમેર વિષયોમાંથી નીકળીને પોતાના વશમાં આવી ગયેલી હોય છે તેની બુધ્ધિ સ્થિર થાય છે…68

 

નિશા જે સર્વ ભૂતોની, તેમાં જાગ્રત સંયમી,

જેમાં જાગે બધાં ભૂતો, તે જ્ઞાની મુનિની નિશા….69

જે ટાણે સર્વ પ્રાણી સૂતાં હોય છે તે ટાણે સંયમી જાગતો હોય છેઅને જેમાં (જ્યારે) લોકો જાગતા હોય છે તેમાં(ત્યારે) જ્ઞાનવાન મુનિ સૂતો હોય છે…69

નોંધ:

ભોગી મનુષ્યો રાત્રિના બારએક વાગ્યા સુધી નાચ, રંગ, ખાનપાનાદિમાં પોતાનો સમય ગાળે છે ને પછી સવારના સાતાઅઠ વાગ્યા સુધી સૂએ છે.સંયમી રાત્રિના સાતઆઠ વાગ્યે સૂઇ મધરાતે ઊઠી ઇશ્વરનું ધ્યાન ધરે છે.

વળી જ્યાં ભોગી સંસારનો પ્રપંચ વધારે છે ને ઇશ્વરને ભૂલે છે ત્યાં સંયમી સંસારી પ્રપંચથી અણજાણ રહે છે ને ઇશ્વરનો સાક્ષાત્કાર કરે છે એમ બંનેના પંથ ન્યારા છે એમ આ શ્લોકમાં ભગવાને સૂચવ્યું છે…

 

સદા ભરાતા અચલપ્રતિષ્ઠ

   સમુદ્રમાં નીર બધાં પ્રવેશે;

જેમાં પ્રવેશે સહુ કામ તેમ,

તે શાંતિ પામે નહીં કામકામી…70

 

બધેથી સતત  ભરાતાં છતાં જેની મર્યાદા અચળ રહે છે  એવા સમુદ્રમાં જેમ પાણી સમાઇ જાય છે તેમ જે મનુષ્યને વિશે સંસારના ભોગો શમી જાય છે તે જ શાંતિ પામે છે, નહીં કે કામનાવાળો મનુષ્ય….70

 

છોડીને કામના સર્વે ફરે જે નર નિસ્પૃહ,

અહંતા—મમતા મૂકી, તે પામે શાંતિ, ભારત…71

બધી કામનાઓને છોડી જે પુરુષ ઇચ્છા, મમતા અને અહંકારરહિત થઇ વિચરે છે તે જ શાંતિ પામે છે….71

 

આ છે બ્રહ્મદશા, એને પામ્યે ના મોહમાં પડે;

અંતકાળેય તે રાખી બ્રહ્મનિરવાણ મેળવે….72

હે પાર્થ ! ઇશ્વરને ઓળખનારની સ્થિતિ આવી વર્તે છે. તે પામ્યા પછી તે મોહને વશ નથી થતો, અને મરણકાળે પણ આવી જ સ્થિતિ નભે એટલે તે બ્રહ્મનિર્વાણ પામે છે..72

                               ૐ તત્સત્

જે બ્રહ્મવિદ્યા પણ છે તેમ જ યોગશાસ્ત્ર પણ છે એવી આ શ્રીભગવાને ગાયેલી  ઉપનિષદમાં આવેલા શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો’સાંખ્ય-યોગ’ નામનો બીજો અધ્યાય અત્રે પૂરો થાય છે.   

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s