………….

(૭)

હીરા સે જન્મ ગમાયો રે,

હીરા સે જન્મ ગમાયો રે, ભજન બિનુ બાવરે.

ના સંગતિ સાધુન કે કીના, ના ગુરૂ દ્વારે આયો રે,

બહિ વહિ મરે બૈલ કી નાઈ, જો નિરેવોસો ખાયો રે…

યહ સંસાર હાટ બનિયાં કે, સબ જગ સૌદે આયો રે,

કાહુન કીના દામ ચૌગુને, કાહુન મૂલ ગમાયો રે…

યહ સંસાર કૂલ સેમર કા, લાલી દેખ લુભાયો રે,

મારે ચોંચ રૂઆ જબ નિકસ્યો, શિર ધુનિ કે પછતાયો રે…

તું બન્દે માયા કે લોભિ, મમતા મહલ ચિનાયો રે,

કહહીં કબીર એક રામ ભજે બિનુ, અન્ત સમય દુઃખ પાયો રે…

…………

હે બાવરા ! હે જીવ ! ભજન વિના આ હીરા તુલ્ય પ્રકાશમય જન્મ (દેહ) વ્યર્થ વ્યતીત થઈ રહ્યો છે. વિચારાદિ નહિં કરવાથી તથા રક્ષક ગુરૂ અને બ્રહ્માત્માની પ્રાપ્તિ નહિં થવાથી તું ઘાણીના બળદ સમાન થઈ ગયો છે. અર્થાત તેલીનો બળદ જેમ આંખ બંધ હોવાથી આજુબાજુ કાંઈ ન જોતાં એક જ સ્થાનમાં વારંવાર ફરીને ભાર ખેંચવાનું દુઃખ પોતાના પ્રયોજન વગર જ સહ્યા કરે છે, તેમ સાધુની સંગતિ નહિં કરવાથી અને ગુરૂના દ્વારે નહિં જવાથી તારા જ્ઞાન વિવેક રૂપી નેત્રો બંધ થઈ ગયાં છે. તેથી વિભુ આત્મતત્વને જાણતો નથી અને સ્વર્ગલોક, મૃત્યુલોક વિગેરેની કલ્પના કરીને તેમાં ઘાણીના બળદની માફક વારંવાર ફર્યા કરે છે. અને બળદ જેમ ભાર ખેંચવાનું દુઃખ પોતાના પ્રયોજન વગર ભોગવે છે તેમ તું પણ અનેક યોનિઓમાં જન્મ મરણ રૂપ દુઃખ પોતાના પ્રયોજન વગર ભોગવે છે. તેથી શ્રી કબીર સાહેબ કહે છે કે ઉપર બતાવેલા દુઃખની નિવૃત્તિ માટે સાધુ, મહાત્મા, ગુરૂની સંગતિમાં બેસ કે જેથી તારૂં કલ્યાણ થાય. આ સંસાર વાણિયાના વ્યવહાર જેવો છે. વાણિયો જેમ વ્યવહારમાં વસ્તુઓનો સોદો કરે છે તેમ તું પણ કર્મ બંધનમાં પડી જગતની વસ્તુઓનો સોદો કરે છે. પણ જન્મ મળ્યા પછી પરમાત્માની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતો નથી. કોઈક વાણિયો વ્યવહારમાં પૈસા કમાઈ તેને ચાર ગણા કરે છે અને કોઈક મૂળ મુડી પણ ખોઈ બેસે છે, તેમ તેં પણ વિચારાદિ વિના, સ્વાત્માનુભૂતિ વિના આ મનુષ્ય જન્મ વ્યર્થ ખોઈ નાંખ્યો છે. આ સંસાર સેમરના ફૂલ જેવો છે. સેમરના ઝાડ ઉપર કેટલાય ચાતકાદિ પક્ષીઓ સુંદર ફળની પ્રાપ્તિની આશાએ બેસે છે. પરંતુ તેમાં પક્ષી જ્યારે ચાંચ મારે છે ત્યારે તેમાંથી રૂ ઉડે છે અને તેમાં પાંખો લપટાઈ જાય છે. આમ તેમાંથી સુંદર ફળ રૂપ સાર મળતો નથી. તેથી સેવન કર્યા પછી પસ્તાય છે, અને માથું પટકે છે. તેમ હે વંશાભિમાની મનુષ્યો! તમે પણ આ સંસરમાં સુખ ચાહો છો. ધન, દૌલત, સ્ત્રી, પુત્ર, રાજ, પાટ, વિગેરેનો લોભ હોવાથી મમતા રૂપી મહેલ પણ તમેજ આ સંસારમાં ઉભો કરો છો. બધા જ લોકો તેનાથી સુખ ચાહે છે પણ સુખ પામી શકતા નથી. તો સુખી થવાનો ઉપાય શું છે? શ્રી કબીર સાહેબ કહે છે કે રામનું સ્મરણ કરો, તો અંત સમયે ઘણું દુઃખ પડશે. આ જીવ બંધનમાં પડશે અને મુક્તિ તો ઘણી દૂર રહેશે.

………………..

…………..

(૮)

Advertisements