………..

(૪)

સન્તન કે સંગ લાગ રે, તેરી અચ્છી બનેગી.

સન્તન કે સંગ લાગ રે, તેરી અચ્છી બનેગી.

હંસન કી ગતિ હંસહી જાને, ક્યા જાને કોઈ કાગ રે,

સન્તન કે સંગ પૂર્ણ કમાઈ, હોય બડો તેરો ભાગ રે…

ધ્રુવ કી બની, પ્રહલાદ કી બન ગઈ, હરિ સુમિરન વૈરાગ રે,

કહત કબીરા સુનો ભાઈ સાધો, રામ ભજન કો લાગ રે…

………..

વાસ્તવિક તત્ત્વજ્ઞાન, સત્સંગ, સત્શાસ્ત્રાદિનો વિચાર, વૈરાગ્યાભ્યાસ અને સદગુરૂની સેવા, ગુરૂના ઉપદેશ દ્વારા જ થાય છે. તેથી શ્રી કબીર સાહેબ જિજ્ઞાસુઓ પ્રતિઉપદેશ કરે છે કે સંતનો સંગ કરશો તો તમારૂં જીવન સફળ થઈ જશે. સાંસારિક વિષયોની આસક્તિને ત્યાગીને ગુરૂની શરણમાં પ્રાપ્ત થઈ ગુરૂનાં વચનોને માની વિચારાદિ કરો, કારણકે સાધુ, સન્ત, પરોપકારી શુદ્ધ હ્રદયવાળા મહાત્મા જ તને વિવેકજ્ઞાન દ્રષ્ટિ આપી સંસારના આદિ અન્ત તથા ઉત્પત્તિ પ્રલયનો અનુભવ કરાવી દેશે, અને નિરવચ્છિન્ન સુખ આપી પાપનું નિવારણ પણ કરાવી દેશે. જેમ હંસની ગતિને હંસ જ જાણી શકે છે, એટલે કે હંસ દૂધ અને પાણીને જુદા (વિવેક) કરી સાર ગ્રહણ કરે છે, તેની કાગડાને શું ખબર પડે? કારણકે કાગડો અવિવેકી છે; તેમ આ હંસ રૂપી સંતનો સંગ કરવાથી (આત્મા અનાત્માનો વિવેક કરવાથી), રાગ રહિત, પુરૂષ કર્મ બંધનથી મુક્ત થઈ શકે છે. તેની કાગ તુલ્ય અજ્ઞાની (અવિવેકી) ને શું ખબર પડે ! પૂર્વ જન્મના જો પૂર્ણ સંસ્કાર અને ભાગ્ય હોય તો જ આ જન્મમાં સંતનો સંગ થાય અને “પૂર્ણ કમાઈ” થાય એટલે કે સમર્થ ગુરૂ, સંત આ જન્મ મરણના ફેરામાંથી છૂટવા માટેનું જ્ઞાન રૂપી પૂર્ણ ધન કમાવી આપે. શ્રી કબીર સાહેબ કહે છે કે હરિ સુમિરણ અને વૈરાગ્ય દ્વારા ધ્રુવ અને પ્રહલાદ ભગવાનને જાણી શક્યા, પ્રાપ્ત કરી શક્યા તેથી તું પણ આ જન્મમાં રામનું ભજન, સ્મરણ કર જેથી જ્ઞાન દ્વારા તને પણ મોક્ષની સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે…

……………..

…………

(૫)

Advertisements