કબીર ભજનાવલી… 1

કબીર ભજનાવલી… 2

મો કો કહાઁ ઢૂંઢે બન્દે, મૈં તો તેરે પાસમેં. 2

 કબીર ભજનાવલી

શ્રી કબીર સાહેબ જેવા મહાન સંત પુરૂષે તેમની અમૃતમય વાણી દ્વારા આ દેહની અસારતા બતાવી, રામને ઓળખવાની, પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવાની તથા સાક્ષાતકાર કરવાની ચાવી બતાવી છે. જો સમર્થ ગુરૂ દ્વારા આવા મહાન સંતપુરૂષની વાણીને શ્રવણ કર્યા બાદ તેનું રાત દિવસ મનન, ચિંતન, નિદિધ્યાસન કરી અનુભવ કરવામાં આવે તો આ જીવન ધન્ય બની જાય.

…………………………

શ્રી સદગુરૂ કબીર સાહેબની વાણી મુખ્યત્વે ત્રણ ગ્રંથોમાં ઉપલબ્ધ છે. (૧) બીજક ગ્રંથ. (૨) શબ્દાવલી અને (૩) સાખી ગ્રંથ… મૂળ બીજક ગ્રંથની રચના શ્રી કબીર સાહેબે સ્વહસ્તે હિન્દી ભાષામાં ઉપનિષદ્ રૂપે કરેલી છે. જેની અંદર કુલ અગિયાર પ્રકરણ છે. (૧) રમૈની, (૨) શબ્દ, (3) કહરા, (૪) વિપ્રમતીસી, (૫) હિંદોલા, (૬) વસંત, (૭) ચાંચર, (૮) જ્ઞાન ચૌતીસી, (૯) બેલી, (૧૦) બિરહુલી અને (૧૧) સાખી…

શબ્દાવલી અને સાખી ગ્રંથોમાં જે જે સમયે શ્રી કબીર સાહેબે જન સમાજને ભજનો તથા સાખીઓ દ્વારા ઉપદેશ કરેલો, તેનો અનુયાયીઓ દ્વારા સંગ્રહ કરવામાં આવ્યો છે. અહીં શ્રી કબીર સાહેબનાં ૫૦ પદોનો સરળ ગુજરાતી અર્થ, પ.પૂ. અનન્ત શ્રી સદગુરૂદેવ સ્વામી બ્રહ્મવિદ્વરિષ્ઠ શ્રી હનુમાનદાસજી સાહેબ, ષટ્શાસ્ત્રીજીએ કરેલ બીજક ગ્રંથ તથા શબ્દાવલીની વ્યાખ્યાના આધારે પ્રકટ કરેલ છે. શ્રી કબીર સાહેબે ભજનો દ્વારા સાક્ષી સ્વરૂપ, આત્માનો ઉપદેશ કરેલો છે. તેમાં વિવેક, વૈરાગ્ય, શમ, દમ, શ્રધ્ધા, સમાધાન, ઉપરતિ, તિતિક્ષા, શ્રવણ, મનન, નિદિધ્યાસન, યમ, નિયમ આદિનું સ્પષ્ટ વર્ણન કર્યું છે. જે દરેક જણ સમજી, વિચારી, અપરોક્ષ આત્માનુભવ માટે પ્રેરિત થાય એવી અભ્યર્થના…

વડોદરા — તા. ૨૫-૫-૧૯૯૬…

શરદ ચંદ્રકાંત મહેતા — અશોક ચંદ્રકાંત મહેતા…

…………………..

 

કબીર ભજનાવલી।। ૐ રામ ।।

શ્રી સદગુરૂ ચરણ કમલેભ્યો નમઃ

 

(૧.)

મો કો કહાઁ ઢૂંઢે બન્દે, મૈં તો તેરે પાસમેં.

મો કો કહાઁ ઢૂંઢે બન્દે, મૈં તો તેરે પાસમેં.

ના તીરથ મેં ના મૂરત મેં, ના એકાન્ત નિવાસ મેં,

ના મન્દિર મેં ના મસ્જિદ મેં. ના કાશી કૈલાસ મેં…

ના મૈં જપ મેં ના મૈં તપ મેં, ના મૈં બરત ઉપાસ મેં,

ન મૈં ક્રિયા કર્મ મેં રહતા, નહીં યોગ સન્યાસ મેં…

નહીં પ્રાણ મેં નહીં પિણ્ડ મેં, ન બ્રહ્માણ્ડ અકાશ મેં,

ના મૈં ભ્રુકુટી ભઁવરગુફા મેં, સબ શ્વાસન કી શ્વાસ મેં…

ખોજી હોય તુરત મિલિ જાઉઁ, એક પલ કી હિ તલાસ મેં,

કહહિં કબીર સુનો ભાઈ સાધો, મૈં તો હુઁ વિશ્વાસ મેં…

એક જ રામ સર્વના હ્રદયમાં વસે છે, એ જ રામ જીવનું વાસ્તવિક સ્વરૂપ છે. એ રામમાં જ માયાથી આ સંપૂર્ણ સંસાર સિધ્ધ થયેલો છે. તેથી શ્રી કબીર સાહેબ કહે છે કે “મો” એટલે કે સદગુરૂ સર્વાત્મા ઈશ્વરને તું ક્યાં શોધે છે ! “મૈં” ( સર્વાત્મા ઈશ્વર) તો તારી પાસે જ છે. સાક્ષી સ્વરૂપે તારા હ્રદયમાં જ બેઠેલા છે. એ રામ તીર્થ સ્થાનોમાં નથી કે બહુ તીર્થોમાં ફરવાથી મળતા નથી; મૂર્તિમાં નથી; એકાન્તમાં નથી કે બહુ એકાન્ત વાસ કરનારને મળતા નથી; મંદિરમાં નથી, મસ્જિદમાં નથી; કાશીમાં નથી કે કૈલાસ પર્વત ઉપર પણ નથી; આ આત્મા બહુ જપ કરનારને, બહુ તપ કરનારને, બહુ ઉપવાસ કરનારને પ્રાપ્ત થતો નથી; લૌકિક વ્યવહાર કે શાસ્ત્રીય શ્રૌત કે સ્માર્ત કર્મ કરવાથી કે બહુ યજ્ઞો કરવાથી પણ આ આત્મા મળતો નથી; કેવળ યોગ કરવાથી કે કેવળ સન્યાસ લેવાથી પણ (સ્વરૂપની પ્રાપ્તિ વગર, અનુભવ થયા વગર) એ પ્રાપ્ત થતો નથી; વળી આ આત્મા પ્રાણમાં, પિંડમાં, બ્રહ્માંડમાં કે આકાશમાં પણ નથી; તથા “ભ્રુકુટી” એટલે કે બે આંખની વચ્ચે નાકના ઉપર બે ભ્રમરની વચ્ચે નાકના ઉપર બે ભ્રમરની વચ્ચે પણ આવેલો નથી. પરંતુ તે સાક્ષી સ્વરૂપે દરેકના શ્વાસમાં (હ્રદયરૂપી ગુફામાં) બિરાજમાન છે, અને આપણા દરેક કર્મોનો સાક્ષી છે તે અકર્તા છે. તે રૂપ, રસ, ગંધ, શબ્દ, સ્પર્શથી રહિત, નિરવયવ, નિર્લેપ, નિરાકાર, વિભુ, સર્વનો પ્રકાશક, શાશ્વત છે, જેને વેદ પણ “નેતિ નેતિ” કહીને જ લક્ષિત કરે છે, તેને “આ આત્મા છે” એમ કોઈ કહી શકતું નથી. તેથી તે નામ રહિત છે. તો તે આત્મા, રામને શોધવો કઈ રીતે ? પામવા કઈ રીતે? તેથી શ્રી કબીર સાહેબ કહે છે કે ખોજ (શોધ) કરવાવાળો હોય તો તેને હું તરત જ એક પળ, ક્ષણભરની તલાશમાં જ મળી શકું, કારણ કે તે આત્મા મારૂં જ સ્વરૂપ છે અને તે વિશ્વાસમાં છે તેથી શ્રધ્ધા અને વિશ્વાસ ગ્રહણ કરી, વેદ તથા ઉપનિષદાદિમાં શબ્દ દ્વારા લક્ષિત એ આત્માનું સમર્થ ગુરૂ પાસે શ્રવણ કરી, મનન અને નિદિધ્યાસન દ્વારા સર્વાત્મા સ્વરૂપ રામને વિવેક વિચારાદિ દ્વારા તમારામાં જ શોધો, તેને પોતાનું જ સ્વરૂપ જાણી સાક્ષાત્કાર કરો જેથી કલ્યાણ થાય…

ૐૐૐ

(૨)

 

Advertisements