વિવેક ચૂડામણિ

નિવેદન
શ્રીમત્ શંકરાચાર્યે દસ મુખ્ય ઉપનિષદો ઉપર તેમ જ ભગવદ્ ગીતા ઉપર વિસ્તૃત વિવેચનરૂપ ભાષ્ય લખ્યું છે તથા વેદવ્યાસનાં બ્રહ્મસૂત્રો ઉપરનું તેમનું ભાષ્ય તો તત્ત્વજ્ઞાનના સાહિત્યમાં જગવિખ્યાત છે. આ ભાષ્યોમાં તેમણે અદ્વૈતસિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું છે. આ વિસ્તૃત ભાષ્યોમાં તાર્કિક પરિભાષાઓમાં વણાયેલા એ અદ્વૈતસિદ્ધાંતના મુખ્ય મુદ્દદાઓને સામાન્ય અભ્યાસી-જિજ્ઞાસુ પણ સરળતાથી સમજી શકે એ રીતે આ ગ્રંથમાં રજૂ કર્યા છે. આમાં ઘણા શ્લોકો સરળ, હ્રદયંગમ અને મુખપાઠ કરી શકાય એવા છે. એથી અદ્વૈત સિદ્ધાંતના અભ્યાસીઓમાં આ ગ્રંથ ખૂબ પ્રિય બનેલો અને પ્રસિદ્ધિ પામેલો છે.
વલ્લભવિદ્યાનગર – તા. – ૨૫ – ૦૮ – ૧૯૭૪.
‘સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ’ ના ટ્રસ્ટીઓ વતી
એચ. એમ. પટેલ (પ્રમુખ)
……………………………………..

શ્રીમત્ શંકરાચાર્ય વિરચિત
વિવેક ચૂડામણિ

જાણવા અશક્ય છતાં જેમને સર્વ વેદાંતના સિદ્ધાંતથી જાણી શકાય છે, એ પરમ આનંદસ્વરૂપ સદ્ ગુરૂ શ્રી ગોવિંદને હું પ્રણામ કરૂં છું. ।। ૧ ।।
આત્મજ્ઞાનનું મહત્વ – Page – 5
પ્રાણીઓને પહેલાં તો મનુષ્યજન્મ દુર્લભ છે; તેમાંય પુરૂષ થવું અને પછી બ્રાહ્મણપણું મેળવવું મુશ્કેલ છે; બ્રાહ્મણ થયા પછી વેદધર્મને અનુસરવું અને પછી વિદ્વાન થવું કઠિન છે. તે પછી પણ આત્મા અને અનાત્માનું પૃથક્કરણ, કરો અનુભવ, આત્મા પોતે બ્રહ્મરૂપ છે એ સમજ્યા પછીની સ્થિતિ અને મુક્તિ-એ તો કરોડો જન્મોનાં પુણ્યો વિના મળતાં નથી. ।। ૨ ।।
Page – 6
ભગવાની કૃપા જ જેમાં કારણ છે, એ મનુષ્યજન્મ, સંસારમાંથી મુક્ત થવાની ઈચ્છા અને મહાપુરૂષોનો સમાગમ – આ ત્રણ દુર્લભ જ છે. ।। ૩ ।।
કેમે કરીને દુર્લભ મનુષ્યજન્મ મેળવીને અને તેમાં પણ વેદાંતના સિદ્ધાંતનું જ્ઞાન થઈ શકે એવું પુરૂષત્વ પામીને પણ જે મૂઢ બુદ્ધિવાળો મનુષ્ય આત્માની મુક્તિ માટે પ્રયત્ન કરતો નથી, એ આત્મઘાતક જ છે; અને એ સત્ – દેહ વગેરે વસ્તુઓ ઉપર આસક્તિ ધરાવવાથી પોતે જ પોતાને હણે છે. ।। ૪ ।।
દુર્લભ મનુષ્યદેહ અને તેમાં પણ પુરૂષત્વ પામ્યા છતાં જે માણસ તત્વજ્ઞાનરૂપી સ્વાર્થ સાધવામાં આળસ કરે છે, એનાથી મૂર્ખ બીજો કોણ શકે ? ।। ૫ ।।
ભલે કોઈ માણસ શાસ્ત્ર સમજે-સમજાવે, દેવોની પૂજા કરે, અનેક (શુભ) કર્મ કરે અથવા દેવોને ભજે, તોપણ ‘બ્રહ્મ અને આત્મા એક જ છે’ એવા જ્ઞાન વિના સો બ્રહ્મા થઈ જાય તેટલા કાળે પણ (તેની) મુક્તિ થતી નથી. ।। ૬ ।।
Page – 7
કારણ કે ‘ધનથી અમર થવાની આશા નથી’ એમ કહેનાર વેદ જ ચોખ્ખું કહે છે કે, ‘કર્મ મુક્તિનું કારણ નથી.’ ।। ૭ ।।
જ્ઞાન મેળવવાના ઉપાય
માટે વિદ્વાન માણસે બાહ્ય વિષયોનાં સુખની ઈચ્છાનો ત્યાગ કરી, મહા સંત ગુરૂદેવને શરણે જઈ એમના ઉપદેશને બરાબર સમજીને મુક્તિ માટે પ્રયત્ન કરવો. ।। ૮ ।।
સત્ય આત્મજ્ઞાન પર શ્રદ્ધા રાખી યોગમાર્ગે જઈને, સંસારરૂપી સમુદ્રમાં ડૂબેલા આત્માનો પોતે જ ઉદ્ધાર કરવો. ।। ૯ ।।
આત્મજ્ઞાનના અભ્યાસમાં તત્પર ધીર વિદ્વાનોએ સર્વ કર્મોનો ત્યાગ કરી સંસારરૂપી બંધનથી છૂટવા માટે પ્રયત્ન કરવા. ।। ૧૦ ।।
કર્મ ચિત્તની શુદ્ધિ માટે જ છે, તત્ત્વજ્ઞાન માટે નથી. તત્વજ્ઞાન તો વિચારથી જ થાય છે; કરોડો કર્મોથી કાંઈ થતું નથી. ।। ૧૧ ।।
(અધારામાં પડેલા) દોરડાને જ્યારે ભ્રમથી સર્પ માનવામાં આવે, ત્યારે તે ભ્રાંતિથી માનેલા-સર્પના ડરથી જે દુઃખ થાય છે તેને, બરાબર વિચાર કર્યા પછી ‘આ તો દોરડું છે, આવો નિશ્ચય જ દૂર કરે છે. ।। ૧૨ ।।
Page – 8
(મહાત્માઓનાં) હિતકારક વચનોનો વિચાર કરવાથી જ (આત્મારૂપ) વસ્તુનો નિશ્ચય થાય છે; પણ સ્નાન, દાન અથવા સેંકડો પ્રાણાયામથી થતો નથી. ।। ૧૩ ।।
આત્મજ્ઞાનના અધિકારી – Page – 8
ફળસિદ્ધિ અધિકારીને ખાસ કરી ઉપદેશ દે છે; અને એમાં દેશ, કાલ વગેરે ઉપાયો પણ સહાયક બને જ છે. ।। ૧૪ ।।
આથી બ્રહ્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ, દયાસાગર ઉત્તમ ગુરૂના શરણે જઈ જિજ્ઞાસુએ આત્મતત્ત્વનો વિચાર કરવો. ।। ૧૫ ।।
ઉપર કહેલાં લક્ષણોવાળો બુદ્ધિમાન, વિદ્વાન અને તર્કવિતર્કમાં ચતુર મનુષ્ય આત્મવિદ્યામાં અધિકારી છે. ।। ૧૬ ।।
જેને સદ્ અને અસદ્ નું જ્ઞાન હોય, જે વૈરાગ્યવાન, શમ-દમ વગેરે ષટ્સંપત્તિવાળો હોય અને જે મુમુક્ષુ હોય, એની જ બ્રહ્મજિજ્ઞાસા માં યોગ્યતા માની છે. ।। ૧૭ ।।
ચાર સાધન – Page – 9
વિદ્વાનોએ બ્રહ્મજિજ્ઞાસામાં ચાર સાદન કહ્યાં છે. એ (સાધન) હોય, તો જ સત્ય વસ્તુ-આત્મા ઉપર શ્રદ્ધા થાય છે; એ વિના ન થાય. ।। ૧૮ ।।
પહેલું સાધન – ‘નિત્યાનિત્યવસ્તુવિવેક’ કહેવાય છે;
બીજું સાધન – ‘આ લોકના અને પરલોકના સુખ-ભોગ પર ‘વૈરાગ્ય’ છે;’
ત્રીજું સાધન – શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન – આ ષટ્સંપત્તિ છે; અને
ચોથું સાધન – ‘મુમુક્ષુપણું’ છે.
‘બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે’ એવો જે નિશ્ચય, એ ‘નિત્યાનિત્યવસ્તુવિવેક’ છે.।। ૧૯ – ૨૦ ।।
Page – 10
(જગતનું તુચ્છપણું નજરે) જોવાથી અને સાંભળવા વગેરેથી આ દેહથી માંડી બ્રહ્મલોક સુધીના બધા અનિત્ય ભોગ્ય પદાર્થોને તજી દેવાની જે ઈચ્છા એ જ ‘વૈરાગ્ય’ છે. ।। ૨૧ ।।
વારંવાર દોષદ્રષ્ટિ કરીને, વિષયોના સમૂહથી વૈરાગ્ય પામી, મનની પોતાના લક્ષ્યમાં જ સ્થિર અવસ્થા, એ ‘શમ’ કહેવાય છે. કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય બંનેને તેમના વિષયો તરફથી વાલીને પોતપોતાના સ્થાનમાં જ સ્થિર કરવી, એ ‘દમ’ કહેવાય છે, અને (ચિત્તની) વૃત્તિ બહારના વિષયો ઉપર ન ભટકે, એ જ ઉત્તમ ‘ઉપરતિ’ છે. ।। ૨૨ – ૨૩ – ૨૪ ।।
ચિંતા અને શોક વિના સર્વ દુઃખોને ઉપાય કર્યા વગર સહી લેવાં, એ ‘તિતિક્ષા’ કહેવાય છે. ।। ૨૫ ।।
શાસ્ત્રનાં અને ગુરૂદેવનાં વચનોને સત્ય બુદ્ધિથી ગ્રહણ કરવાં, એ ‘શ્રદ્ધા’ કહેવાય છે; જેથી વસ્તુ મેળવી શકાય છે. ।। ૨૬ ।।
Page – 11
બુદ્ધિને હમેશાં શુદ્ધ બ્રહ્મમાં જ સ્થિર કરવી, એ ‘સમાધાન’ કહેવાય છે; ચિત્તને સ્વેચ્છાચારી કરવું, એ ‘સમાધાન’ નથી.।। ૨૭ ।।
અહંકારથી માંડી દેહ સુધીનાં જેટલાં અજ્ઞાનકલ્પિત બંધનો છે, તેમાંથી પોતાના આત્મસ્વરૂપના જ્ઞાન દ્વારા છૂટવાની ઈચ્છા એ ‘મુમુક્ષુપણું’ છે.।। ૨૮ ।।
મુમુક્ષુપણું મંદ અથવા મધ્યમ હોય, તોપણ વૈરાગ્યથી, શમ વગેરે ષટ્સંપત્તિથી અને ગુરૂની કૃપાથી વદીને સફળ થાય છે. ।। ૨૯ ।।
જેનામાં વૈરાગ્ય અને મુમુક્ષુપણું – બંને તીવ્ર હોય, તેમાં જ ‘શમ વગેરે ષટ્સંપત્તિ’ સાર્થક અને સફળ થાય છે. ।। ૩૦ ।।
પણ જેનામાં વૈરાગ્ય અને મુમુક્ષુપણું બંને મંદ હોય, તેમાં રહેલી ‘શમ વગેરે ષટ્સંપત્તિ’ મરૂસ્થળ ના જળની પેઠે માત્ર દેખાવની જ બને છે ।। ૩૧ ।।
Page – 12
મુક્તિનાં કારણોની સામગ્રીમાં ભક્તિ જ સૌથી શ્રેષ્ઠ છે. પોતાના સ્વરૂપનું મનન કરવું, એ જ ‘ભક્તિ’ કહેવાય છે. કેટલાક વિદ્વાનો કહે છે કે ‘પોતાના આત્મત્વનું મનન એ જ ભક્તિ છે.’
ઉપર જણાવેલાં ચાર સાધનવાળા અને આત્મતત્વને જાણવા ઈચ્છતા પુરૂષે પ્રાજ્ઞ-સ્થિતપ્રજ્ઞ પાસે જવું, કે જેથી સંસારરૂપ બંધન છૂટે. જે શ્રોત્રિય અને પાપરહિત હોય, વિષય-વાસનાને વશ ન હોય, બ્રહ્મવેત્તાઓમાં શ્રેષ્ઠ હોય. બ્રહ્મજ્ઞાનમાં અગ્રેસર હોય, ઈંધણાં વગરના અગ્નિ જેવો શાંત હોય, કારણ વિના દયાનો સમુદ્ર હોય ને શરણે આવેલાનો બંધુ હોય, એવા ગુરૂને વિનય, નમ્રતા અને સેવાથી ભક્તિપૂર્વક સેવીને તે પ્રસન્ન થાય ત્યારે પાસે જઈ પોતાને જાણવું હોય તે આમ પૂછવુઃ ।। ૩૨ – ૩૩ – ૩૪ – ૩૫ – ૩૬ ।।
Page – 13
શરણે આવેલા લોકના બંધુ અને દયાના સાગર, હે ગુરૂદેવ ! પ્રભુ ! હું આપને નમસ્કાર કરૂં છું. સંસારરૂપીસમુદ્રમાં પડેલા મારો, અતિ કરૂણારૂપી અમૃત વરસતી આપની સરળ કટાક્ષદ્રષ્ટિથી આપ ઉદ્ધાર કરો. ।। ૩૭ ।।
રોકવો મુશ્કેલ એવા સંસારરૂપી દાવાનળથી હું દાઝેલો છું અને દુર્ભાગ્યરૂપી આંધીથી અતિશય થરથરૂં છું અને ડરૂં છું; તેથી હું આપને શરણે આવ્યો છું. આપ મૃત્યુથી મને બચાવો. આપ શિવાય બીજાને શરણ લેવા યોગ્ય હું નથી માનતો. ।। ૩૮ ।।
આ ભયંકર સંસારરૂપી સમુદ્રને પોતાની મેળે જ તરી ગયેલા, બીજાઓને પણ તારનારા અને વસંતઋતુની પેઠે પ્રાણીમાત્રનું હિત કરનારા (આપ જેવા) શાંત સત્પુરૂષો (આ દુનિયામાં) વસે છે. ।। ૩૯ ।।
પોતાની મેળે જ બીજાનાં દુઃખો દૂર કરવા તત્પર રહેવું, એ મહાત્માઓનો સ્વભાવ છે; જેમ સૂર્યના આકરા તપથી તપેલી પૃથ્વીને આ ચંદ્રદેવ પોતાની મેળે જ શાંત કરે છે. ।। ૪૦ ।।
Page – 14
હે પ્રભુ ! સંસારરૂપ દાવાનળની ઝાળથી દાઝેલા અને આપને શરણે આવેલા આ-મને, આપ બ્રહ્માનંદના રસાનુભવવાળાં, પવિત્ર, અતિ શિતળતાવાળાં, આપના મુખરૂપી સુવર્ણકળશથી ઝરેલાં અને કાનને સુખ આપનારાં વચનરૂપ અમૃતથી સિંચો. જેઓ એક ક્ષણ પણ આપની (કૃપા) દ્રષ્ટિના પાત્ર બન્યા છે અને જેમને આપે પોતાના તરીકે સ્વીકાર્યા છે, તેમને ધન્ય છે. ।। ૪૧ ।।
હું આ સંસારરૂપી સમુદ્ર કેવી રીતે તરૂં ? મારી શી ગતિ થશે ? કયો ઉપાય છે ? એ કાંઈ હું જાણતો નથી. પ્રભુ ! કૃપા કરી મને બચાવો. અને મારા સંસારરૂપી દુઃખનો નાશ કરો.’।। ૪૨ ।।
ગુરૂ તરફથી અભયદાન – Page – 14
એમ કહેતા, પોતાના શરણે આવેલા અને સંસારરૂપી દાવાનળના તાપથી દાઝેલા એ શિષ્યને જોઈ મહાત્મા ગુરૂએ તરત જ પોતાના કરૂણારસથી વ્યાપ્ત દ્રષ્ટિથી તેને અભયદાન આપવું.
શરણે આવેલા, મુમુક્ષુ, આજ્ઞા પ્રમામે સારી રીતે વર્તનાર, શાંત ચિત્તવાળા અને ષટ્સંપત્તિયુક્ત એ શિષ્યને ગુરૂએ કૃપાથી (આ પ્રમાણે) તત્ત્વોપદેશ કરવોઃ ।। ૪૩ – ૪૪ ।।
Page – 15
ગુરૂઃ ‘હે વિદ્વાન ! તું ડર મા. તારો નાશ નહિ થાય. સંસારસાગરને તરવાનો ઉપાય છે. જે માર્ગે યોગીઓ આ સંસારસાગરનો પાર પામ્યા છે, એ જ માર્ગ હું તને બતાવું છું. ।। ૪૫ ।।
સંસારના ભયનો નાશ કરનાર કોઈ મોટો ઉપાય છે; એ ઉપાયથી તું સંસારસાગર તરીને પરમાનંદ પામીશ. ।। ૪૬ ।।
વેદાંતના અર્થનો વિચાર કરવાથી ઉત્તમ જ્ઞાન થાય છે; અને પછી તેનાથી સંસારના દુઃખનો અત્યંત નાશ થાય છે. ।। ૪૭ ।। શ્રદ્ધા, ભક્તિ, ધ્યાન અને યોગ-આ ચાર મુમુક્ષુ માણસની મુક્તિના ઉપાય છે, એમ વેદની વાણી કહે છે. જે માણસ આ ઉપાયોને વળગી રહે છે. તેનો અજ્ઞાનથી ઊપજેલા દેહબંધનથી છુટકારો થાય છે. ।। ૪૮ ।।
Page – 16
તું પરમાત્મા છે, છતાં અજ્ઞાનને કારણે જ તારે અનાત્મારૂપ દેહના બંધનમાં બંધાવું પડ્યું છે; અને એથી જ તને સંસાર વળગ્યો છે. આત્મા અને અનાત્મા ના વિવેકથી ઊપજેલો જ્ઞાનરૂપી અગ્નિ અજ્ઞાનના કાર્ય-સંસારને મૂળમાંથી બાળી નાખશે. ।। ૪૯ ।।
શિષ્યઃ ‘હે પ્રભુ ! કૃપા કરી આપ સાંભળો. હું પ્રશ્ન કરૂં છું. એનો જવાબ આપના મુખથી સાંબળીને હું કૃતાર્થ થઈશ.।। ૫૦ ।। બંધન કયું છે, એ કેમ આવ્યું, એની સ્થિતિ કેવી છે, અને એમાંથી કેવી રીતે છૂટી શકાય ? વળી અનાત્મા એ કોણ છે, પરમાત્મા કોણ, પોતાનો આત્મા કોણ, અને એ બંન્નેનું જ્ઞાન કેવી રીતે થાય, એ આપ કહો.’ ।। ૫૧ ।।
ગુરૂઃ ‘તને ધન્ય છે. કરવાનાં બધાં કામ તું કરી ચૂક્યો છે. તેં તારા કુળને પવિત્ર કર્યું છે; કારણ કે તું અજ્ઞાનરૂપ બંધનમાંથી છૂટી બ્રહ્મરૂપ થવા ઈચ્છે છે. ।। ૫૨ ।।
પોતે જ પ્રયત્નો કરવાની જરૂર – Page – 17
પુત્રો વગેરે પિતાના ઋણ થી (પોતાનો) છુટકારો કરનારા થઈ શકે; પણ આ સંસારરૂપ બંધનમાંથી પોતાને છોડાવનાર પોતાથી બીજો કોઈ નથી. ।। ૫૩ ।।
જેમ પોતાના માથા ઉપર ઉપડેલા ભારનું દુઃખ બીજા દૂર કરી શકે છે; પણ ભૂખ વગેરે દુઃખ તો પોતાના સિવાય બીજા કોઈથી દૂર કરી શકાતું નથી. ।। ૫૪ ।।
જે રોગી હોય તે જો પરેજી પાળે અને દવા લે, તો જ તેને આરોગ્ય પ્રાપ્ત થાય; પણ બીજી કોઈ ક્રિયાથી તેની આરોગ્યસિદ્ધિ થતી નથી. ।। ૫૫ ।।
(જેમ) વિવેકી પુરૂષે વસ્તુનું સ્વરૂપ પોતાની મેળે જ પોતાના જ્ઞાનરૂપી નેત્રથી સમજવું જોઈએ. (કોઈ બીજાથી તે ન સમજાય.) ચંદ્રનું સ્વરૂપ પોતાની જ આંખથી જાણી શકાય; બીજાઓથી શું તે જણાય ? ।। ૫૬ ।।
અજ્ઞાન, વિષયની ઈચ્છા અને કર્મ વગેરેના પાશરૂપ બંધન છોડવાને સો કરોડ કલ્પો સુધી પણ પોતાના સિવાય બીજો કોણ સમર્થ થઈ શકે ? ।। ૫૭ ।।
આત્મજ્ઞાનની મહત્તા – Page – 18
યોગથી, સાંખ્યથી, કર્મથી કે વિદ્યાથી મોક્ષ થતો નથી, એ તો માત્ર બ્રહ્મ અને આત્માની એકતાના જ્ઞાનથી જ થઈ શકે છે, બીજી કોઈ રીતે નહિ. ।। ૫૮ ।।
જેમ વીણાનું રૂપ, એની સુંદરતા અને એને બજાવવાની મનોહર રીત માણસને માત્ર ખુશ કરે છે, પણ એથી કાંઈ સામ્રાજ્ય મળી શકે નહિ; એમ વિદ્વાનોની ભાષાની ચતુરાઈ, શબ્દોની ઝડી, શાસ્ત્રોનાં વ્યાખ્યાનની કુશળતા અને વિદ્વતા-એ બધું માત્ર ભોગ માટે છે. મોક્ષ માટે નથી. ।। ૫૯-૬૦ ।।
આત્મતત્વ ન સમજાયું, તો શાસ્ત્રનું ભણતર નિષ્ફળ છે, તેમ જ આત્મતત્વ સમજાઈ ગયું, તોપણ શાસ્ત્રનું ભણતર નિષ્ફળ છે. ।। ૬૧ ।।
Page – 19
શબ્દજાળ એ તો ચિત્તને ભટકાવનારૂ મોટું જંગલ છે, માટે (શબ્દજાળમાં ફસાવાને બદલે કોઈ) તત્વજ્ઞાની પાસેથી પ્રયત્નપૂર્વક આત્માનું તત્વ સમજવું જોઈએ. ।। ૬૨ ।।
અજ્ઞાનરૂપી સાપ જેને કરડ્યો છે, તેને બ્રહ્મજ્ઞાનરૂપી ઔષધ વિના વેદો, શાસ્ત્રો, મંત્રો કે બીજાં ઔષધોથી શું થવાનું છે ? ।। ૬૩ ।।
જાતઅનુભવની જરૂર – Page – 19
જેમ દવા પીધા વિના માત્ર દવાના નામથી જ રોગ જતો નથી, તેમ પોતાના જાતઅનુભવ વિના માત્ર વેદના શબ્દોથી મુક્તિ થતી નથી. ।। ૬૪ ।।
‘આ દેખાતું જગત છે જ નહિ’ એવું સમજ્યા વિના અને આત્મતત્વને જાણ્યા વિના માત્ર બોલવારૂપ ફળવાળા બહારના શબ્દોથી મનુષ્યોની મુક્તિ ક્યાંથી થાય? ।। ૬૫ ।।
શત્રુઓનો નાશ કર્યા વિના અને આખી પૃથ્વીની લક્ષ્મી મેળવ્યા વિના ‘હું રાજા છું’ એમ કહેવાથી કોઈ રાજા થવાને યોગ્ય થતો નથી. ।। ૬૬ ।।
Page – 20
જેમ પૃથ્વીમાં દાટેલું ધન મેળવવું હોય, તો પહેલાં કોઈ જાણકાર વિશ્વાસુ માણસ તરફથી માહિતી મેળવવી પડે, ને પછી જમીન ખોદી, કાંકરા-પથરા ખસેડી ધનને બહાર કાઢવા સુધીની મહેનત કરવી પડે, માત્ર ઉપલક વાતો કરવાથી એ ધન બહાર નીકળતું નથી; એ જ રીતે નિર્મળ આત્મતત્વ પણ માયાના કાર્યથી ઢંકાયેલું હોઈ બ્રહ્મજ્ઞાની ગુરૂના ઉપદેશથી, તેના મનન થી તથા નિદિધ્યાસન વગેરેથી સમજી શકાય છે, દુષ્ટ યુક્તિઓથી નહિ. ।। ૬૭ ।।
માટે રોગની જેમ સંસારબંધનમાંથી છૂટવા સારૂ વિદ્વાનોએ પોતાની બધી શક્તિથી જાતે જ પ્રયત્ન કરવો જોઈએ. ।। ૬૮ ।।
પ્રશ્નવિચાર – Page – 20
આજે તેં જે પ્રશ્ન કર્યો છે, એ શાસ્ત્રવેત્તાઓને માન્ય અને બહુ શ્રેષ્ઠ છે. આ પ્રશ્ન સૂત્ર જેવો ટૂંકો છે, પણ એમાં ગંભીર અર્થ સમાયેલો છે, અને મુમુક્ષુઓને એ સમજવા જેવો છે. ।। ૬૯ ।।
હે વિદ્વાન ! હુંજે કહું, તે બરાબર ધ્યાન દઈ સાંભળ એ સાંભળવાથી ખરેખર તું સંસારબંધનમાંથી છૂટીશ. ।। ૭૦ ।।
Page – 21
અનિત્ય વસ્તુઓ ઉપર અત્યંત વૈરાગ્ય થવો, એ મોક્ષનું પ્રથમ કારણ કહેવાય છે. પછી શમ, દમ, તિતિક્ષા અને મોહ-મમતાવાળાં બધાં કામોનો અત્યંત ત્યાગ થવો જોઈએ. તે પછી વેદાંતનું શ્રવણ, તેનું મનન અને લાંબા વખત સુધી હમેશાં નિરંતર આત્મતત્વનું ધ્યાન કરવું જોઈએ. એથી વિદ્વાન નિર્વિકલ્પ પરમાત્માને પામી મોક્ષનું સુખ મેળવે છે. ।। ૭૧ – ૭૨ ।।
હવે આત્મા અને અનાત્માનો જાણવા યોગ્ય વિવેક તને હું કહું છું; એને બરાબર સાંભળી ચિત્તમાં તું સ્થિર કર. ।। ૭૩ ।।
સ્થૂળ શરીરનું વર્ણન – Page – 21
મજ્જા, અસ્થિ, મેદ, માંસ, લોહી, ચર્મ અને ત્વચા આ સાત ધાતુઓથી આ દેહ ભરેલો છે, તથા પગ, સાથળો, છાતી, હાથ, પીઠ અને માથું વગેરે એનાં અંગોપાંગ છે. મોહનું સ્થાન અને ‘હું અને મારૂં’ એમ કહેવાતા આ દેહને જ વિદ્વાનો ‘સ્થુળ શરીર’ કહે છે. આકાશ, પવન, તેજ, પાણી અને પૃથ્વી એ (પાંચ) ભૂતો (પ્રથમ) સૂક્ષ્મરૂપે હોય છે; પછી એકબીજાના અંશોથી મળેલાં તે ભૂતો સ્થૂળ બની શરીરનાં કારણ બને છે. એ ભૂતોની જ તન્માત્રાઓ જીવના વિષયભોગના સુખ માટે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ-એ નામે પાંચ વિષયો બને છે.
જે મૂઢ લોકો એ વિષયોમાં મોહરૂપી વિશાળ અને મજબૂત બંધનથી બંધાય છે, તેઓને એમનાં પોતાનાં કર્મોરૂપી દૂતો વેગથી ઘસડી જાય છે; તેથી અનેક ઊંચી-નીચી જાતિમાં (જન્મ લેવા) આવે છે અને પાછા ત્યાંથી નીકળે છે.
।। ૭૪ – ૭૫ – ૭૬ – ૭૭ ।।
વિષયનિંદા – Page – 22
શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ વગેરે પાંચ વિષયોમાંથી માત્ર એક એક વિષયથી જ પોતપોતાના સ્વભાવ પ્રમાણે બંધાયેલાં હરણ, હાથી, પતંગિયું, માછલી અને ભમરો મરણ પામે છે, તો એ પાંચેય વિષયોથી બંધાયેલો મનુષ્ય મરે, એમાં શું કહેવું? ।। ૭૮ ।।
Page – 23
વિષયો કાળા સાપના ઝેર કરતાં પણ વધારે તીવ્ર છે, કારણ કે ઝેર તો માત્ર ખાનારને જ મારે છે; પણ વિષય તો નજરે જોનારને પણ મારી નાખે છે. ।। ૭૯ ।।
જે માણસ વિષયોની આશારૂપી અતિ દુરૂત્યજ મહાપાશથી છૂટ્યો હોય, તે જ મોક્ષ મેળવવા સમર્થ થાય છે. બીજો છયે દર્શન (ન્યાય, વેશેષિક, સાખ્ય, યોગ, પૂર્વમિમાંસા અને ઉત્તરમિમાંસા ) ને જાણનારો હોય તોપણ નહિ. ।। ૮૦ ।।
સંસારરૂપી સાગરનો પાર પામવા તૈયાર થયેલા ઉપલક વૈરાગ્યવાળા મુમુક્ષુઓને આશારૂપી ઝૂડ વેગથી પાછો ફરી ગળું પકડીને વચ્ચે જ ડુબાડી દે છે. ।। ૮૧ ।।
જેણે ઉત્તમ વૈરાગ્યરૂપી તલવારથી વિષયની ઈચ્છારૂપી ઝૂડને મારી નાખ્યો હોય, તે જ માણસ નિર્વિગ્ને સંસારસમુદ્રનો પાર પામે છે. ।। ૮૨ ।।
Page – 24
વિષયરૂપી વિકટ માર્ગે જનાર મલિન બુદ્ધિવાળા માણસને ડગલે ડગલે મૃત્યુ સામે જ આવતું રહે છે, એમ તારે સમજવું; અને આ પણ સત્ય જ માનજે કે હિતેચ્છુ, સજ્જન અથવા ગુરૂની આજ્ઞા પ્રમાણે ચાલનાર માણસને પોતાની યુક્તિથી મોક્ષરૂપી ફળની સિદ્ધિ સારી રીતે થાય છે. ।। ૮૩ ।।
જો તને મોક્ષની ઈચ્છા છે, તો વિષયને ઝેરની પેઠે અતિ દૂરથી જ છોડી દે; અને સંતોષ, દયા, ક્ષમા, સરળતા, શમ અને દમનું અમૃતની પેઠે નિત્ય આદરથી સેવન કર. ।। ૮૪ ।।
દેહ ઉપર મોહ ન રાખવો – Page – 24
અનાદિથી અજ્ઞાનથી ઉપજેલાં બંધનમાંથી છૂટવાનું કામ પ્રતિક્ષણ કરવાનું છે; તેને છોડી જે મનુષ્ય કેવળ પરાયા આ દેહનું જ પોષણ કરવામાં લાગ્યો રહે છે, તે એ દેહ વડે પોતાનો જ નાશ કરે છે. ।। ૮૫ ।।
જે માણસ દેહના જ પોષણની ઈચ્છાવાળો હોય, છતાં આત્મતત્વને સમજવા ઈચ્છે, તે નદીમાં રહેલાં ઝૂડને લાકડું સમજીને તેને પકડીને નદી તરવા જાય છે. ।। ૮૬ ।।
Page – 25
શરીર વગેરે પદાર્થો ઉપર મોહ રાખવો, એ મુમુક્ષુનું મોટું મરણ છે; જેણે મોહને જીત્યો હોય, તે જ મોક્ષપદને યોગ્ય છે. ।। ૮૭ ।।
દેહ, સ્ત્રી અને પુત્ર વગેરે ઉપરના મોહનો તું નાશ કર. એ મોહ જ મહામૃત્યુ છે. એને જીતીને મુનિઓ ભગવાનના પ્રસિદ્ધ પરમ પદને પામે છે. ।। ૮૮ ।।
સ્થૂળ શરીરની નિંદા – Page – 25
ચામડી, માંસ, લોહી, નસો, મેદ, મજ્જા અને હાડકાંથી વ્યાપ્ત તથા મળમૂત્રથી ભરેલો આ સ્થૂળ દેહ નિંદાને જ પાત્ર છે. ।। ૮૯ ।।
આ સ્થૂળ દેહ, પૂર્વજન્મનાં કર્મથી એકઠાં કરેલાં પાંચ તત્ત્વો (આકાશ, પવન, તેજ, પાણી અને પૃથ્વીમાં ) થી ઊપજેલો છે અને એ જ આત્માનું ભોગસ્થાન છે. એની અવસ્થા જાગ્રત છે; કારણ કે એથી સ્થૂળ પદાર્થોનો એનુભવ થાય છે. ।। ૯૦ ।।
Page – 26
‘આ દેહ છે એ જ હું છું’ એમ સમજીને ફૂલોની માળા, ચંદન વગેરે અનેક રૂપોવાળા સ્થૂળ પદાર્થોને બાહ્ય ઈંદ્રિયોથી ભોગવે છે; આથી જાગ્રત અવસ્થામાં આ સ્થૂળ દેહનું મુખ્યપણું છે. ।। ૯૧ ।।
જેનો લેવાથી જીવને આખું બાહ્ય જગત દેખાય છે, એ શરીરને જ ગૃહસ્થના ઘર જેવો સ્થૂલદેહ સમજવો. ।। ૯૨ ।।
જન્મ, ઘડપણ, મરણ, સ્થૂળતા વગેરે સ્થૂળ દેહના અનેક ધર્મો છે. બાળપણ વગેરે એની અવસ્થાઓ છે; વર્ણ, આશ્રમ વગેરે અનેક જાતના એના નિયમો છે. તથા માન, અપમાન વગેરે અનેક જાતની એની ખાસિયત છે. ।। ૯૩ ।।
દશ ઈંદ્રિયો – Page – 26
કાન, ત્વચા (ચામડી), આંખ, નાક, જીભ-આ પાંચ જ્ઞાનેન્દ્રિયો છે; કારણ કે એનાથી ( શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એમ અનુક્રમે પાંચ ) વિષયોનું જ્ઞાન થાય છે; વાણી, પગ, હાથ, ગુદા અને ઉપસ્થ-એ પાંચ કર્મેંન્દ્રિયો છે; કારણ કે એ ઈંદ્રિયો જુદાંજુદાં કામો તરફ વળે છે. ।। ૯૪ ।।
અંતઃકરણના પ્રકાર – Page – 27
પોતાની વૃત્તિઓના કારણે અંતઃકરણ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર-એમ ચાર પ્રકારનું કહેવાય છે. સંકલ્પ-વિકલ્પ (વિચાર ) કરે છે તેથી મન, નિશ્ચય કરે છે તેથી બુદ્ધિ, ‘હું’ એવું જ્ઞાન થાય છે તેથી અહંકાર અને ઈચ્છેલી વસ્તુનું ચિંતન કરે છે તેથી ચિત્ત નામે તે છે. ।। ૯૫ ।।
પાંચ પ્રાણ – Page – 27
જેમ સોનાના જુદા જુદા આકાર ( નાં ઘરેણાં ) બનવાથી તેનાં જુદાં જુદાં નામ પડે છે અને જેમ પાણીની જુદી જુદી અવસ્થામાં તેનાં જુદાં જુદાં નામ પડે છે, તેમ પ્રાણનાં પણ જુદા જુદા વ્યાપારોના કારણે પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન એવાં નામ છે. ।। ૯૬ ।।
સૂક્ષ્મ શરીર – Page – 27
( ૧ ) વાણી વગેરે પાંચ કર્મેંદ્રિયો, ( ૨ ) કાન વગેરે પાંચ જ્ઞાનેંદ્રિયો, ( ૩ ) પાંચ પ્રાણો, ( ૪ ) આકાશ વગેરે પાંચ ભૂત,( ૫ ) બુદ્ધિ વગેરે ચાર અંતઃકરણ, ( ૬ ) અજ્ઞાન, ( ૭ ) ઈચ્છા અને ( ૮ ) કર્મ – આ આઠના સમૂહને સૂક્ષ્મ શરીર કહે છે. ।। ૯૭ ।। સૂક્ષ્મ શરીરનું નામ ‘લિંગ શરીર’ પણ છે. અને અપંચીકૃત ( ભેગાં નહિ થયેલાં – સૂક્ષ્મ ) ભૂતો ( આકાશ, પવન, તેજ પાણી અને પૃથ્વી ) માંથી ઊપજ્યું છે, વાસનાવાળું છે અને જીવને કર્મનું ફળ ભોગવાવે છે; અને આત્માને પોતાના સ્વરૂપનું જ્ઞાન હોતું નથી, તેથી એ આત્માને અનાદિ કાળના ઉપાધિરૂપ છે.।। ૯૮ ।।
Page – 28
એની જુદી અવસ્થા સ્વપ્ન છે, જેમાં માત્ર પોતે બાકી રહેલ તરીકે ભાસે છે; અને એ વખતે બુદ્ધિ પોતે જ જાગ્રત અવસ્થાની અનેક પ્રકારની વાસનાઓથી કર્તાપણું વગેરે સ્વીકારીને જણાય છે, આત્મા તો સર્વનો સાક્ષી છે, બુદ્ધિ જ એને માત્ર ઉપાધિરૂપ છે, આથી બુદ્ધિએ કરેલા કર્મોથી એ જરા પણ બંધાતો નથી; કારણ તે આત્મા અસંગ છે ( એને કોઈનો સંગ જ નથી. ) આથી જ બુદ્ધિએ કરેલાં કર્મોના નાશથી પણ એ લેપાતો નથી. ।। ૯૯ – ૧૦૦ ।।
એ લિંગ દેહ ચૈતન્યરૂપ આત્માને દરેક કામમાં સાધનરૂપ છે-જેમ સુતારનું સાધન વાંસલો વગેરે છે ( એટલે કે બધાં કામો લિંગ દેહથી જ થાય છે. ) અને તેથી આત્મા પોતે અસંગ છે. ।। ૧૦૧ ।।
માણસ દેખતો કે આંધળો, બહેરો કે મૂંગો, મૂર્ખ કે વિદ્વાન વગેરે ધર્મવાળો કહેવાય છે, તે તેની આંખ, કાન વગેરે ઈંદ્રિયોને કારણે જ કહેવાય છે. એ બધા ધર્મ સર્વસાક્ષી આત્માના નથી, ઈંદ્રિયોના છે. ।। ૧૦૨ ।।
પ્રાણના ધર્મ – Page – 29
શ્વાસ, ઉચ્છવાસ, બગાસુ, ચીંક, મળમૂત્રને બહાર કાઢવાં, એક શરીરમાંથી લિંગ દેહને મૃત્યુ વખતે બીજા શરીરમાં લઈ જવો વગેરે ક્રિયાઓ પણ પ્રાણની જ છે; એમ તત્તવને જાણનારાઓ કહે છે; તેમ જ ભૂખ અને તરશ પણ પ્રાણના જ ધર્મ છે. ( આત્માના નહિ ). ।। ૧૦૩ ।।
અહંકાર – Page – 29
શરીરમાં જે આંખ વગેરે ઈંદ્રિયો છે, તેમાં અંતઃકરણ ચિદાત્માના તેજ સાથે ‘હું છું’ એવા અભિમાનથી રહે છે. ।। ૧૦૪ ।।
એને જ અહંકાર જાણવો. એ જ કરનાર, ભોગવનાર અને અભિમાન કરનાર છે, અને એ જ સત્વ, રજસ અને તમસ એ ત્રણ ગુણોના સંબંધથી જુદી જુદી ત્રણ અવસ્થા – ( જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ) ને પામે છે. ।। ૧૦૫ ।।
વિષયોની અનુકૂળતા હોય, તો તે અહંકાર પોતાને સુખી માને છે; અને વિષયોની અનુકૂળતા ન હોય તો દુઃખી થાય છે. આ રીતે સુખ અને દુઃખ અહંકારના જ ધર્મો છે, નિત્ય આનંદરૂપ આત્માના નહિ. ।। ૧૦૬ ।।
આત્મા સૌને પ્રિય છે – Page – 30
વિષયો પોતાની મેળે કોઈને ગમતા નથી, પણ આત્માને માટે જ ગમે છે; કારણ કે સૌને પોતાની મેળે જ અતિશય પ્રિય માત્ર આત્મા જ છે. ।। ૧૦૭ ।।
આથી જ આત્મા સદા આનંદરૂપ છે. એને ક્યારેય દુઃખ નથી, કારણ કે સુષુપ્તિ અવસ્થામાં વિષયો હોતા નથી, છતાં આત્માનો આનંદ અનુભવાય છે, આ બાબતમાં વેદ, પ્રત્યક્ષ, ઈતિહાસ અને અનુમાન પ્રમાણ છે. ।। ૧૦૮ ।।
માયાનું સ્વરૂપ – Page – 30
જેનું નામ ‘અવ્યક્ત’ છે, ( સત્વ, રજસ્ અને તમસ્ ) ત્રણ જેના ગુણો છે અને જે પરમાત્માની શક્તિ છે, એ જ ‘અનાદિ અવિદ્યા’ અથવા ‘માયા’ કહેવાય છે. એનાથી જ આ આખું જગત ઉત્પન્ન થાય છે. ( એ દેખાતી નથી, પણ ) બુદ્ધિમાન માણસ એના કામ ઉપરથી એનું અનુમાન કરે છે. ।। ૧૦૯ ।।
Page – 31
એ માયા સત્ કે અસત્ નથી, તેમ જ ( સદ્સત્ ) બેય પ્રકારની પણ નથી. વળી જુદી, ભેગી કે ( ભિન્નાભિન્ન ) બેય પ્રકારની પણ નથી. વળી અંગવાળી કે અંગ વગરની નથી; તેમ જ ( સાંગ – અનંગ ) બેય પ્રકારની પણ નથી; છતાં અત્યંત ચકિત કરે એવી અને ( અનિર્વચનીય ) વર્ણન કરવાને અશક્ય સ્વરૂપવાળી છે. ।। ૧૧૦ ।।
જેમ દોરડાંને જાણવાથી સાપનો ભ્રમ ભાંગી જાય છે, તેમ શુદ્ધ અદ્વૈત બ્રહ્મનું જ્ઞાન થવાથી એ માયાનો નાશ કરી શકાય છે, પોતપોતાનાં પ્રસિદ્ધ કામો ઉપરથી જ જણાતાં સત્વ, રજસ્ અને તમસ્-આ તે માયાના ગુણો છે. ।। ૧૧૧ ।।
રજોગુણ – Page – 31
રજોગુણની ‘વિક્ષેપ’ નામની શક્તિ ક્રિયારૂપ છે. એને લીધે જ જૂના કાળની પ્રવૃત્તિ પ્રસરી છે. વળી એથી જ સૌને મનના વિકારરૂપ રાગાદિ તથા દુઃખ વગેરે નિત્ય થાય છે. ।। ૧૧૨ ।।
કામ, ક્રોધ, લોભ, દંભ વગેરે અસૂયા ( બીજાના ગુણોમાં દોષનો આરોપ ), અભિમાન, ઈર્ષ્યા અને મત્સર ( દ્વેષ ) વગેરે –આ ભયંકર ધર્મો રજોગુણના છે, જેથી જીવની પ્રવૃત્તિ થાય છે, માટે રજોગુણ આત્માને બંધનનું કારણ છે. ।। ૧૧૩ ।।
તમોગુણ – Page – 32
જે ચીજ જેવી હોય તેના કરતાં બીજે જ રૂપે દેખાય એ તમોગુણની ‘આવરણ’ નામની શક્તિ છે. જીવના સંસારનું પહેલું કારણ આ જ છે, અને રજોગુણની ‘વિક્ષેપ’ શક્તિના ફેલાવાનું કારણ પણ આ જ છે. ।। ૧૧૪ ।।
માણસ બુદ્ધિમાન, વિદ્વાન, ચતુર અને અત્યંત સૂક્ષ્મ આત્મદ્રષ્ટિવાળો હોય, તોપણ તે તમોગુણથી વ્યાપ્ત થયો હોય ત્યારે અનેક રીતે ખરી વાત સમજાવ્યા છતાં સમજતો નથી, અને ભ્રમને કારણે જૂઠા પદાર્થોને પણ સાચા માને છે અને તેના ગુણો ગ્રહણ કરે છે. અહો ! જેનું પરિણામ ખરાબ છે એવા તમોગુણની એ આવરણશક્તિ મહા પ્રબળ છે ! ।। ૧૧૫ ।।
એ શક્તિના સંબંધમાં આવેલાને ( ઈશ્વર કે બ્રહ્મ છે જ નહિ, આવી ) અભાવના, ( શરીર જ આત્મા છે, એવી ) વિપરીત ભાવના, ( મોક્ષ વગેરે કાંઈ સંભવતું નથી, આવી ) સંભાવના તથા ( શાસત્રમાં કહેલી વાતો સાચી હશે કે કેમ ? આવી ) વિપ્રતિપત્તિ ખરેખર છોડતી નથી; તેમ જ વિક્ષેપશક્તિ તેનો નિરંતર નાશ કરે છે. ।। ૧૧૬ ।।
Page – 33
અજ્ઞાન, આળસ, જડપણું, નિદ્રા, પ્રમાદ, મૂર્ખતા વગેરે દુર્ગુણો તમોગુણના છે, આથી ઘેરાયેલો માણસ કાંઈ સમજી શકતો નથી. એ તો ઊંઘણશી અને થાંભલા જેવો જ ( જડ ) રહે છે. ।। ૧૧૭ ।।
સત્વગુણ – Page – 33
સત્વગુણ પાણીના જેવો ઘણો પવિત્ર છે, તોપણ એ રજોગુણ અને તમોગુણ સાથે ભળી જઈને માણસને સંસારનું કારણ જ બને છે. એ સત્વગુણમાં પ્રતિબિંબ ( ઓછાયો ) પડેલું આત્માનું બિંબ ( સ્વરૂપ ) સૂર્યની જેમ સર્વ પદાર્થોને બતાવે છે. ।। ૧૧૮ ।।
નિરહંકારપણું, યમ, નિયમ, શ્રદ્ધા, ભક્તિ, મોક્ષની ઈચ્છા, દૈવી સંપત્તિ, અને જૂઠા પદાર્થોનો ત્યાગ-આ મિશ્ર ( રજોગુણથી અને તમોગુણથી દબાયેલા ) સત્ત્વગુણના ધર્મો છે. ।। ૧૧૯ ।।
Page – 34
અંતઃકરણની પ્રસન્નતા, પોતાના આત્માનો અનુભવ ( વિષયસુખ વિના ) પરમ શાંતિ, તૃપ્તિ ( સંતોષ ), અતિશય આનંદ અને પરમાત્મા ઉપર શ્રદ્ધા-એ શુદ્ધ સત્વગુણના ધર્મ છે. આનાથી મુમુક્ષુ સદા આનંદરસ પામે છે. ।। ૧૨૦ ।।
કારણ – શરીર – Page – 34
આ ત્રણે ગુણોથી જોડાયેલી માયા એ જ આ જીવનું ‘કારણ’ નામે શરીર છે. એની સુષુપ્તિ ( ગાઢ નિદ્રા ) નામની જુદી અવસ્થા છે, જેમાં સર્વ ઈંદ્રિયો અને બુદ્ધિની વૃત્તિઓ અત્યંત લય પામેલી છે. ।। ૧૨૧ ।।
જ્યાં બધી જાતનું જ્ઞાન શમી જાય છે અને બુદ્ધિ માત્ર બીજરૂપે રહે છે એ સુષુપ્તિ અવસ્થા છે. માણસ સુષુપ્તિ અવસ્થામાં જાગીને કહે છે, કે ‘મને કાંઈ ખબર નહોતી’ –આ જ આ ( અવસ્થામાં કેવળ એક જ વસ્તુરૂપે રહેલા આત્માની ) ખાતરી છે. ।। ૧૨૨ ।।
જડ તત્વ – Page – 34
દેહ, ઈંદ્રિય, પ્રાણ, મન અને અહંકાર વગેરે બધા વિકાર, સુખ-દુઃખ વગેરે વિષય, આકાશ વગેરે પાંચ ભૂત અને માયા સુધીનું આખું જગત-આ બધું આત્મા નથી-‘જડ’ છે. ।। ૧૨૩ ।।
Page – 35
માયા અને મહત્તત્વથી માંડી દેહ સુધીનાં બધાં માયાનાં કાર્યને તું ઝાંઝવાનાં પાણી જેવાં અસત્ ( મિથ્યા ) અને જડ જાણ. ।। ૧૨૪ ।।
આત્માનું સ્વરૂપ – Page – 35
હવે હું તને પરમાત્માનું સ્વરૂપ કહું છું, જેને જાણી માણસ બંધનમાંથી છૂટી મોક્ષ પામે છે. ।। ૧૨૫ ।।
‘હું છું’ એવું જે જ્ઞાન થાય છે, એ જ્ઞાનનો નિત્ય આધાર પોતે જરૂર કોઈ છે, અને એ જ ‘આત્મા’ છે. એ ત્રણેય અવસ્થા ( જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ) નો સાક્ષી છે અને પંચકોશથી ( અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય એ પાંચ કોશ છે. એ માટે જુઓ શ્લોક ૧૫૬ થી આગળ ) જુદો છે. ।। ૧૨૬ ।।
જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ-એ ત્રણેય અવસ્થામાં આત્મા બુદ્ધિને, એની વૃત્તિઓને તથા વૃત્તિઓના અભાવને ‘આ હું’ એમ જાણે છે. ।। ૧૨૭ ।।
Page – 36
આત્મા પોતે બધાને જુએ છે, પણ એને કોઈ જોતું નથી, એ પોતે બુદ્ધિ વગેરેને સતેજ કરે છે, પણ બુદ્ધિ વગેરે એને સતેજ કરી શકતાં નથી. ।। ૧૨૮ ।।
એનાથી આખું જગત વ્યાપ્ત છે, પણ એને કોઈ વ્યાપી શક્તું નથી. એ પ્રકાશે છે, તેથી તેની પાછળ આભાસ ( છાયા ) રૂપે આ બધું પ્રકાશે છે. ।। ૧૨૯ ।।
એના માત્ર સામીપ્યથી દેહ, ઈંદ્રિય, મન અને બુદ્ધિ પોતપોતાના વિષયોમાં જાણે પ્રેરણા પામ્યાં હોય તેમ વર્તે છે. ।। ૧૩૦ ।। નિત્ય જ્ઞાનસ્વરૂપ એ આત્માના હોવાથી જ અહંકારથી માંડી દેહ સુધીના પદાર્થો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ વગેરે વિષયો અને સુખ વગેરે અનુભવાય છે તેમ. ।। ૧૩૧ ।।
આ અંતરાત્મા નિરંતર અખંડ સુખના અનુભવરૂપ અને પુરાણ ( અનાદિ ) પુરૂષ છે, જે હમેશાં એકરૂપ અને માત્ર જ્ઞાનસ્વરૂપ છે, એની જ પ્રેરણા પામેલી ઈંદ્રિયો અને પ્રાણ ચાલે છે. ।। ૧૩૨ ।।
Page – 37
સત્વગુણવાળા અંતઃકરણની અંદર ‘કારણ શરીર’ માં સ્વયંપ્રકાશરૂપ ચેતન આકાશ છે, એ જ આત્મા છે એ ઊંચે આકાશમાં રહેલા સૂર્યની જેમ પોતાના તેજથી આખા જગતને અજવાળતો પ્રકાશે છે. ।। ૧૩૩ ।।
એ આત્મા મન અને અહંકારરૂપ વિકારને તથા દેહ, ઈંદ્રિય અને પ્રાણની ક્રિયાઓને જાણે છે. તપાવેલા લોઢાના ગોળામાં રહેલો અગ્નિ જેમ કાંઈ પણ ક્રિયા કરતો નથી, તેમ આત્મા પણ એ બધામાં રહ્યો હોવા છતાં પોતે કાંઈ કરતો નથી તેમ વિકાર પણ પામતો નથી. ।। ૧૩૪ ।।
આત્મા જન્મતો નથી કે મરતો નથી, વધતો નથી કે ઘટતો નથી; એ નિત્ય છે, તેથી વિકાર પામતો નથી. આ દેહ નાશ પામે છે ત્યારે પણ ઘડો ફૂટતાં એની અંદર રહેલા આકાશની પેઠે આત્મા નાશ પામતો નથી. ।। ૧૩૫ ।।
પ્રકૃતિ – માયા અને એના વિકારથી જુદો, શુદ્ધ જ્ઞાનરૂપ તથા રૂપ અને ( આકાર વગેરે ) વિશેષોથી રહિત, એ પરમાત્મા, સત્ અને અસત્ આ સર્વને પ્રકાશિત કરે છે અને જાગ્રત વગેરે ત્રણેય અવસ્થામાં બુદ્ધિના સાક્ષીરૂપે રહીને ‘હું’ રૂપે સાક્ષાત્ પ્રકાશે છે. ।। ૧૩૬ ।।
Page – 38
ચિત્ત ઠેકાણે રાખીને, બુદ્ધિ નિર્મળ બનાવીને, ‘હું’ એમ કહેનાર, પોતાના અંતરમાં રહેલ એ આત્માને તું સાક્ષાત્ જાણી લે; પછી જન્મ-મરણરૂપ તરંગવાળા આ અપાર સંસારસાગરને તરી જા અને બ્રહ્મસ્વરૂપ બની કૃતાર્થ થા. ।। ૧૩૭ ।।
સંસારબંધન – Page – 38
માણસને દેહ વગેરે જડ વસ્તોમાં ‘આ હું છું’ એવી બુદ્ધિ થાય છે, એ જ જન્મ-મરણરૂપ દુઃખ આવવાનું કારણ અને અજ્ઞાનથી ઊપજેલું બંધન છે; એના કારણે જ આ જીવ આ અસત્ શરીરને સત્ય માનીને એને જ આત્મા માને છે; અને જેમ રેશમનો કીડો કોશેટાને તારથી વધારતો જાય છે, તેમ વિષયોથી દેહને પોષે છે, સીંચે છે ને રક્ષે છે. ।। ૧૩૮ ।।
અજ્ઞાનને કારણે જ મૂઢ માણસને અવસ્તુમાં વસ્તુ-બુદ્ધિ થાય છે. જેમ અજ્ઞાનને કારણે જ દોરડામાં સાપની બુદ્ધિ થાય છે, એવી ( ભ્રમિત બુદ્ધિથી ) વસ્તુ ગ્રહણ કરનારને તે જ કારણે અનેક અનર્થો પ્રાપ્ત થાય છે; માટે હે મિત્ર સાંભળ; તેવી બુદ્ધિથી અસત્યને સત્ય માની લેવું એ જ બંધન છે. ।। ૧૩૯ ।।
Page – 39
જેમ સૂર્યના બિંબને રાહુ ઢાંકી દે છે, તેમ અખંડ નિત્ય અને એક જ જ્ઞાનશક્તિથી પ્રકાશતા અનંતવૈભવવાળા આત્મતત્વને આ તમોગુણની ‘આવરણશક્તિ’ ઢાંકી દે છે. ।। ૧૪૦ ।।
અતિ નિર્મળ તેજવાળું આત્મતત્વ ઢંકાઈ જાય છે, ત્યારે મોહને કારણે જીવ, જડ દેહને જ ‘આ હું છું’ એમ માને છે અને તેથી રજોગુણની ‘વિક્ષેપ’ નામની મહાન શક્તિ, કામ-ક્રોધ વગેરે પોતાના બંધનકારક ગુણોથી એને હેરાન કરે છે. ।। ૧૪૧ ।। પછી હલકી ગતિવાળો થયેલો કુબુદ્ધિ આ જીવ, વિષયરૂપી ઝેરથી ભરેલા અપાર સંસારસમુદ્રમાં ગળકાં ખાઈને મહામોહરૂપી ઝૂડે ગળવાથી આત્મજ્ઞાનથી ભ્રષ્ટ થાય છે, અને બુદ્ધિની અનેક અવસ્થાઓને તેના ગુણો તરીકે પોતે જ દેખાવ કરતો ભમ્યા કરે છે. ।। ૧૪૨ ।।
Page – 40
જેમ સૂર્યના તેજથી ઊપજેલાં વાદળાં સૂર્યને જ ઢાંકીને પોતે વિશેષ જણાય છે, તેમ આત્માથી ઊપજેલો અહંકાર આત્માને જ ઢાંકીને પોતે વિશેષ જણાય છે. ।। ૧૪૩ ।।
‘આવરણશક્તિ’ અને વિક્ષેપ-શક્તિ – Page – 40
જેમ ચોમાસામાં ઘાટાં વાદળાંથી સૂર્ય ઢંકાઈ જાય છે. ત્યારે ઉગ્ર ઠંડો વંટોળિયો આ લોકોને હેરાન કરે છે, તેમ ગાઢ તમોગુણથી ( એટલે તેની આવરણશક્તિથી ) આત્મા ઢંકાઈ જાય છે ત્યારે મૂઢબુદ્ધિ માણસને ( રજોગુણની ) ‘વિક્ષેપ’ શક્તિ અનેક દુઃખોથી હેરાન કરે છે. ।। ૧૪૪ ।।
સંસારસ્વરૂપ – Page – 40
આ બંને શક્તિથી જ જીવને બંધન આવ્યું છે અને એ બેથી જ મોહિત થઈ દેહને આત્મા માની સંસારચક્રમાં તે ભમ્યા કરે છે. ।। ૧૪૫ ।।
Page – 41
‘અજ્ઞાન’ સંસારરૂપી વૃક્ષનું બીજ છે, ‘દેહને આત્મા માનવો’ એ તેનો ફણગો છે, ‘મોહ’ એ તે વૃક્ષનાં પાંદડાં છે, ‘કર્મ’ એ (વૃક્ષને પોષણ આપનારૂં) પાણી છે, ‘શરીર’ એનું થડ છે, ‘પ્રાણો’ એ એની ડાળીઓ છે, ‘ઈંદ્રિયોનો સમુદાય’ એ તેની અણીઓ છે, ‘વિષયો’ એ એનાં ફૂલ છે, ‘અનેક કર્મોથી ઊપજતાં દુઃખ’ એ એનાં અનેક જાતનાં ફળ છે, અને એ ફળને એ ઝાડ ઉપર રહેલું જીવરૂપી પક્ષી ખાય છે. ।। ૧૪૬ ।।
અજ્ઞાનરૂપ મૂળવાળું આ સંસારબંધન સ્વાભાવિક, અનાદિ અને અનંત કહેવાય છે; અને એ જ જીવને જન્મ, મરણ, વ્યાધિ અને ઘડપણ વગેરે દુઃખના પ્રવાહમાં નાખે છે. ।। ૧૪૭ ।।
આત્મા અને દેહના ભેદજ્ઞાનની જરૂર – Page – 41
વિધાતાની કૃપાથી ઉજ્જવળ એને સુંદર મોટી તલવાર વિના કોઈ અસ્ત્રથી, શસ્ત્ર ( હથિયાર ) થી કે પવન અથવા અગ્નિથી અને કરોડો ઉપાયોથી પણ એ બંધન કાપી શકાતું નથી. ।। ૧૪૮ ।।
વેદનાં પ્રમાણોમાં જે બુદ્ધિવાળાને પોતાના ધર્મમાં શ્રદ્ધા ઊપજે છે, અને એથી જ એનું ચિત્ત શુદ્ધ થયું હોય, એને જ પરમાત્માનું જ્ઞાન થાય છે અને એથી જ સંસારનો મૂળ સાથે નાશ થાય છે. ।। ૧૪૯ ।।
Page – 42
જેમ પાણીમાંથી ઊપજેલી શેવાળથી જ વાવનું પાણી ઢંકાઈને દેખાતું નથી, તેમ પોતાની શક્તિથી જ ઊપજેલા ‘અન્નમય’ વગેરે પાંચ કોશોથી ઢંકાયેલો આત્મા દેખાતો નથી. ।। ૧૫૦ ।।
જેમ શેવાળ દૂર કરતાં માણસની તરસને તથા તાપને દૂર કરનારૂં અને તરત જ સુખ આપનારૂં શુદ્ધ પાણી સારી રીતે દેખાય છે, તેમ એ પાંચેય કોશોનો ભ્રમ દૂર થતાં શુદ્ધ, નિત્ય, આનંદરૂપ એક રસવાળો અંતર્યામી, સ્વયંપ્રકાશ પરમાત્મા દેખાય છે. ।। ૧૫૧ – ૧૫૨ ।।
સંસાર-બંધનથી છૂટવા માટે વિદ્વાને ‘આત્મા જડ દેહથી જુદો છે’ એમ સમજવું જોઈએ; કોમ કે એથી જ પોતાને સત્, ચિત્ત અને આનંદ ( સચ્ચિદાનંદ ) રૂપ સમજીને આનંદી થાય છે. ।। ૧૫૩ ।।
મુક્ત કોણ ? – Page – 42
જે માણસ પ્રત્યેકમાં રહેલ છતાં અસંગ અને નિષ્ક્રિય આત્માને, જેમ મુંજની સળીને મુંજથી જુદી સમજે, તેમ દેખાતા સર્વ પદાર્થોથી જુદો સમજી બધી વસ્તુઓને આત્મામાં જ લય પમાડી પોતે તે આત્મારૂપે જ રહે છે, એ મુક્ત છે. ।। ૧૫૪ ।।
અન્નમયકોશ – Page – 43
અન્નથી ઊપજનારો આ દેહ જ ‘અન્નમયકોશ’ છે; કારણ કે એ અન્નથી જ જીવે છે અને અન્ન વિના નાશ પામે છે. ત્વચા, ચામડી, માંસ, લોહી, હાડકાં અને મળ વગેરેનો સમૂહ આ દેહ પોતે નિત્ય શુદ્ધ આત્મા તરીકે થવાને યોગ્ય નથી. ।। ૧૫૫ ।।
આ અન્નમયકોશ અથવા દેહ જનામ પહેલાં અને મૃત્યુ પછી હોતો નથી; ક્ષણમાં જન્મ્યો છે, એના ગુણો પણ ક્ષણિક છે અને ઘડાની પેઠે દ્રશ્ય પદાર્થ છે; તેથી એ દેહ ભાવો અને વિકારોને જાણનારો પોતાનો આત્મા કેમ હોઈ શકે ? ।। ૧૫૬ ।।
હાથ, પગ વગેરે અંગોવાળું આ શરીર આત્મા નથી; કારણ કે તેનું કોઈ અંગ ઓછું થાય છે, તોપણ તે જીવે છે, અને તેની શક્તિનો નાશ થતો નથી. વળી તે આત્માના હુકમ પ્રમાણે ચાલે છે; તેથી એ પોતે હુકમ કરનાર ( આત્મા ) કેમ થઈ શકે ? ।। ૧૫૭ ।।
Page – 44
દેહ, એના ધર્મ, એનાં કર્મ તથા એની અવસ્થાઓ વગેરેના સાક્ષી આત્માની એ બધાંથી વિલક્ષણતા પોતાથી જ સ્વતઃસિદ્ધ છે. ।। ૧૫૮ ।।
હાડકાંના ઢગ જેવો, માંસથી લીંપેલો, મળમૂત્રથી ભરેલો અને અતિશય ગંદો આ દેહ આત્મા કેમ બની શકે ? કારણ કે આત્મા પોતે એ દેહથી જુદાં જ લક્ષણવાળો છે. ।। ૧૫૯ ।।
ત્વચા, માંસ, મેદ, હાડકાં અને મળમૂત્રના ઢગલા જેવા આ દેહમાં મૂઢ માણસ જ ‘અહં’ ભાવ કરે છે. વિચારશીલ માણસ તો પોતાનું ખરૂં સ્વરૂપ એનાથી જુદું જ સમજે છે. ।। ૧૬૦ ।।
‘આ દેહ એ જ હું છું’ એવી બુદ્ધિ જડની હોય છે. વિદ્વાન માણસની બુદ્ધિ દેહ તથા જીવ એ બંનેમાં ‘અહં’ ભાવવાળી હોય છે; પણ વિવેક – જ્ઞાનવાળા મહાત્માની બુદ્ધિ તો ‘હું બ્રહ્મ છું’ એમ સદા આત્મામાં જ હોય છે. ।। ૧૬૧ ।।
Page – 45
અરે મૂર્ખ ! ચામડી, માંસ, મેદ, હાડકાં અને મળમૂત્રના ઢગલારૂપ આ દેહમાં તું આત્મબુદ્ધિ તજી દે; અને દરેકના આત્મારૂપ નિર્વિકલ્પ બ્રહ્મમાં જ આત્મબિદ્ધિ કર અને પરમ શાંતિ પામ. ।। ૧૬૨ ।।
વિદ્વાન, આ અસત્ દેહ અને ઈંદ્રિયો વગેરેમાં જ્યાં સુધી ‘અહંતા’ છોડતો નથી, ત્યાં સુધી એ વેદાંત શાસ્ત્રના પારને પામ્યો હોય છતાં એના મોક્ષની વાત પણ સંભવતી નથી. ।। ૧૬૩ ।।
જેમ છાયા, પ્રતિબિંબ, સ્વપ્ન અને મનમાં જોયેલા શરીરમાં કોઈ પ્રકારે તને આત્મબુદ્ધિ થતી નથી, એ જ રીતે આ જીવતા શરીરમાં પણ તને આત્મબુદ્ધિ ન થાઓ. ।। ૧૬૪ ।।
દેહમાં આત્મબુદ્ધિ એ જ દુષ્ટ બુદ્ધિવાળા મનુષ્યોને જન્માદિ દુઃખોનું કારણ – આ સંસારનું બીજ બને છે; માટે એ બુદ્ધિને તું પ્રયત્નથી તજી દે; કેમ કે ચિત્તમાં એનો ત્યાગ થતાં ફરી જન્મની આશા નહિ રહે. ।। ૧૬૫ ।।
પ્રાણમયકોશ – Page – 45
પાંચ કર્મેંદ્રિયો સહિત આ પ્રાણ એ જ ‘પ્રાણમય કોશ’ છે. આ અન્નમય કોશ ( દેહ ) એ પ્રાણમયકોશ સાથે જોડાઈ જીવયુક્ત થઈ અન્નપૂર્ણ બની અને દરેક ક્રિયોમાં પ્રવર્તે છે. ।। ૧૬૬ ।।
એ ‘પ્રાણમયકોશ’ પણ આત્મા નથી, કારણ કે એ તો પવનનો વિકાર છે અને પવનની જેમ જ શરીરની અંદર અને બહાર જાય-આવે છે. વળી એ નિત્ય પરતંત્ર છે અને હિત-અહિત, પોતાનું કે પારકું એવું કાંઈ જાણતો નથી. ।। ૧૬૭ ।।
મનોમયકોશ – Page – 46

પાંચ જ્ઞાનેંદ્રિયો અને મન મળી ‘મનોમય કોશ’ બને છે. ‘આ હું અને મારૂં’ એવી વસ્તુના વિચારનું કારણ મનોમયકોશ જ છે. દરેક વસ્તુઓનાં નામ વગેરે ભેદની કલ્પના પણ એ જ કરે છે. ઉપર જણાવેલા બન્ને કોશને આ વશ રાખે છે, તેથી વધારે બળવાન છે; તથા પ્રાણમયકોશની અંદર રહી પ્રકાશે છે. ।। ૧૬૮ ।।
આ મનોમય કોશ જાણે કે એક અગ્નિ છે; પાંચ જ્ઞાનેંદ્રિયો એ અગ્નિમાં હોમ કરનાર છે; પાંચ વિષયો એ હોમવાનું ઘી છે અને વાસનાઓ એ ઈંધણાં છે. એ ઈંધણાંથી એ અગ્નિ વધારે સળગે છે અને આખા સંસારને બાળી મૂકે છે. (અર્થાત્ જ્યારે ઈંદ્રિયો પોતે વાસનારૂપી ઈંધણાંથી સળગાવેલા મનોમય અગ્નિમાં વિષયોરૂપી ઘી હોમે છે, ત્યારે એ મનોમય અગ્નિ આખા સંસારમાં ભભૂકી ઊઠે છે. ) ।। ૧૬૯ ।।
Page – 47
અવિદ્યા એ મનથી જુદી નથી, મન એ જ સંસાર-બંધનનું કારણ અવિદ્યા છે. એ મન નાશ પામ્યું હોય, તો બધું નાશ પામ્યું જ છે, પણ એ જો ભાસે છે, તો આ બધું ભાસે જ છે. ।। ૧૭૦ ।।
સ્વપ્ન એ સત્ય નથી, છતાં મન એ સ્વપ્નમાં પોતાની શક્તિથી ભોક્તા વગેરે બધું જગત બનાવે છે. એ જ રીતે જાગ્રત અવસ્થામાં પણ ખરી રીતે કાંઈ છે જ નહિ. આ બધું જે દેખાય છે, એ માત્ર મનનો જ વિલાસ છે. ।। ૧૭૧ ।।
સુષુપ્તિના સમયે મન જ્યારે લીન થઈ જાય છે, ત્યારે કાંઈ હોતું જ નથી, આ વાત સર્વ લોકમાં પ્રસિદ્ધ છે; માટે આ જીવને જે સંસાર જણાય છે, તે મનની જ કલ્પેલી વસ્તુ છે, કરી રીતે કાંઈ છે જ નહિ. ।। ૧૭૨ ।।
વાદળાં વાયુથી જ લઈ જવાય છે અને પાછાં લઈ અવાય છે; એ જ રીતે મનથી જ સંસારરૂપ બંધન રચાય છે, અને તેનાથી જ મોક્ષ કલ્પાય છે. ।। ૧૭૩ ।।
Page – 48
જેમ દોરડાંથી પશુને બાંદે, તેમ આ મન જ દેહ વગેરે સર્વ વસ્તુઓમાં મોહ ઉપજાવી એનાથી જીવને ( પ્રથમ ) બાંધે છે; અને પછી ઝેર જેવા આ વિષયોમાં વિરાગ ( અભાવો ) ઉપજાવી એ બંધનથી એને છોડાવે છે. ।। ૧૭૪ ।।
માટે મન જ આ જીવને બંધન અને મોક્ષ કરવામાં કારણ છે. જ્યારે રજોગુણથી મેલું હોય ત્યારે જીવને બંધનું કારણ થાય છે. અને રજોગુણ તથા તમોગુણથી રહિત થઈ શુદ્ધ બન્યું હોય, ત્યારે જીવને મોક્ષનું કારણ થાય છે. ।। ૧૭૫ ।।
વિવેક અને વૈરાગ્ય ગુણના વધવાથી મન શુદ્ધિ પામીને મુક્તિ માટે થાય છે. માટે બુદ્ધિમાન મુમુક્ષુના એ બે ગુણો જ પ્રથમ દ્રઢ થવા જોઈએ. ।। ૧૭૬ ।।
પાંચ વિષય ( શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ ) એ એક વન છે. તેમાં ‘મન’ નામનો વાઘ ફર્યા કરે છે, માટે મુમુક્ષુ સજ્જનોએ તે વનમાં ન જવું. ।। ૧૭૭ ।।
Page – 49
નાનામોટા દરેક વિષયોને તથા આ શરીર, વર્ણ-બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર; આશ્રમ-બ્રહ્મચર્ય, ગૃહસ્થ,વાનપ્રસ્થ અને સંન્યસ્ત; જાતિ વગેરે ભેદો અને ગુણ, ક્રિયા, કારણ તથા ક્રિયાનાં ફળ વગેરેને મન જ ભોક્ત (જીવ) માટે નિત્ય સર્જે છે. ।। ૧૭૮ ।।
ચેતન આ આત્મા તો સંગરહિત જ છે, છતાં તેને મોહિત કરી દેહ, ઈંદ્રિય, પ્રાણ વગેરે ગુણોથી ‘ હું અને મારૂં ’ એમ તેમાં બાંધી આ મન જ પોતે ઊભાં કરેલાં કામો માટે તથા તેનાં ફળ ભોગવવા માટે નિરંતર ભમાવે છે. ।। ૧૭૯ ।।
ભ્રમના દોષથી જ આત્માને સંસાર લાગુ થાય છે, અને એ ભ્રમરૂપ બંધન મને જ કલ્પેલું છે; રજોગુણ અને તમોગુણના દોષવાળા અવિવેકી જીવને જન્મ વગેરે દુઃખનું મૂળ કારણ આ જ છે. ।। ૧૮૦ ।।
આથી તત્તવને સમજનારા વિદ્વાનો મનને જ અવિદ્યા કહે છે. જેમ પવન વાદળાંને આમતેમ ભમાવે છે, એમ મન જ જગતને ભમાવે છે. ।। ૧૮૧ ।।
Page – 50
માટે મુમુક્ષુએ મનને જ પ્રયત્નથી શુદ્ધ કરવું જોઈએ. એ શુદ્ધ થતાં મુક્તિ હાથમાં આવી પડેલા ફળ જેવી છે. ।। ૧૮૨ ।।
જે માણસ મોક્ષમાં જ કેવળ આસક્તિ કરી, વિષયો પરના રાગને નિર્મૂળ કરી, સર્વ કર્મો ત્યજીને શુદ્ધ શ્રદ્ધાથી સાસ્ત્રનું શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરે છે, તે બુદ્ધિનો રજોગુણી સ્વભાવ દૂર કરે છે ( અને એની બુદ્ધિ સ્થિર થાય છે ). ।। ૧૮૩ ।।
આ ‘મનોમયકોશ’ પણ ાદિ-અંતવાળો, પરિણામી સ્વભાવનો, દુઃખમય અને વિષયરૂપ હોવાથી આત્મા હોઈ શકે નહિ, કારણ કે જે દ્ષ્ટા ( જોનાર ) હોય તેને દ્રસ્ય ( જોવાની ) વસ્તુરૂપે કોઈએ જોયો નથી. ।। ૧૮૪ ।।
વિજ્ઞાનમયકોશ – Page – 50
જ્ઞાનેંદ્રિયોની સાથે પોતાની વૃત્તિઓ સહિત જોડાયેલી બુદ્ધિ એ જ ‘વિજ્ઞાનમયકોશ’ છે. એ દરેક કામનો કર્તા પોતે જ છે, એમ માને છે અને જીવને સંસારનું કારણ થાય છે. ।। ૧૮૫ ।।
Page – 51
એ ‘વિજ્ઞાનમયકોશ’માં ચેતનની પ્રતિબિમ્બ-શક્તિ રહેલી જણાય છે, માયાનું જ એ કાર્ય છે તથા ‘હું જ્ઞાનવાળો અને ક્રિયાવાળો છું’ એમ દેહ તથા ઈંદ્રિયો વગેરે પર તે ઘણું જ અભિમાન કરે છે. ।। ૧૮૬ ।।
આ ‘વિજ્ઞાનમયકોશ’ નો સ્વભાવ અહંકાર કરવાનો છે અને એ અનાદિ કાળનો હોઈ જીવરૂપ થઈને સમગ્ર વ્યવહારને ઉઠાવી લે છે એ પૂર્વની વાસનાથી યુક્ત થઈ પાપ અને પુણ્ય કર્મ કરે છે અને તેના ફળો ભોગવે છે; વળી તે જુદી જુદી જાતની યોનિઓ-જુદા જુદા જન્મોમાં ભમતો ક્યારેક નીચે આવે છે અને ક્યારેક ઉપર જાય છે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ-ત્રણેય અવસ્થાઓ, સુખ-દુઃખ વગેરે ભોગ, દેહ સાથે સંબંધ ધરાવતા આશ્રમો વગેરેનાં ધર્મ, કર્મ, ગુણ વગેરેનું અભિમાન અને સદાની મમતા-એ બધું આ ‘વિજ્ઞાનમયકોશ’નું જ છે. આ કોશ શ્રેષ્ઠ આત્માની પાસે જ હોવાથી અતિ પ્રકાશવાળો છે તથા આત્માને ઉપાધિરૂપ છે; એના પર જે આત્મબુદ્ધિ કરે છે, તે એ ભ્રમને લીધે સંસારને પામ્યા કરે છે. ।। ૧૮૭ ।। ।। ૧૮૮ ।। ।। ૧૮૯ ।। ।। ૧૯૦ ।।
આત્મા કોણ છે ?– Page – 52
સ્વયંપ્રકાશ, વિજ્ઞાનમય તથા હ્રદયની અંદર પ્રાણોમાં જે પ્રકાશે છે, તે આત્મા છે. એ નિર્વિકાર ( વિકાર વગરનો ) હોવા છતાં ઉપાધિમાં રહેલો હોઈ કર્તા અને ભોક્તા ( કર્મ કરનાર અને તેનાં ફળ ભોગવનાર ) બને છે, ।। ૧૯૧ ।।
એ પરમ આત્મા મિથ્યા બુદ્ધિથી ભમીને ‘એ પોતે જ છે’ એમ માનવાને કારણે પોતે સર્વાત્મા ( સર્વરૂપ ) હોવા છતાં જેમ માટીથી ઘડા જુદા જુએ, તેમ પોતાનાથી બધું જુદું દેખે છે. ।। ૧૯૨ ।।
એ પરમ આત્મા સ્વભાવે તો એક જ રૂપે છે, તોપણ ઉપાધિના સંબંધને વશ થવાથી ‘એના ગુણો એ પોતાના જ ગુણો છે’ એમ માનીને એના ધર્મો (ઈચ્છા વગેરે) વાળો દેખાય છે. ‘જેમ લોઢાની બનેલી તપાવેલી કોઈ ચીજમાં વ્યાપેલો અવિકારી અગ્નિ, એ ચીજના આકારવાળો દેખાય છે તેમ.’ ।। ૧૯૩ ।।
મુક્તિ કેવી રીતે ? – Page – 52
શિષ્ય પૂછે છેઃ ‘હે ગુરૂદેવ ! ભ્રમને કારણે હો કે કોઈ બીજું કારણ હો, પણ પરમ આત્માને જ ‘જીવ’ બનવું પડ્યું છે, એ તો ખરી વાત; પણ એ ઉપાધિ તો અનાદિ કાળની છે, અને જે અનાદિ હોય તેનો નાશ થઈ શકે નહિ.’ ।। ૧૯૪ ।।
‘આથી આત્માને નિત્ય જીવરૂપે જ રહેવું પડે અને એનો સંસાર પણ નિત્ય હોઈ કદી દૂર ન થાય; તો હે ગુરૂદેવ ! એનો મોક્ષ કેવી રીતે થાય, એ મને કહો.’ ।। ૧૯૫ ।।
આત્માના જ્ઞાનથી જ મુક્તિ – Page – 53
ગુરૂદેવે કહ્યું : ‘હે વિદ્વાન ! તેં ઠીક પૂછ્યું. હવે સાવધાન થઈને તે સાંભળ : ભ્રમને લીધે ઊપજેલી મોહયુક્ત કલ્પના પ્રમાણભૂત હોતી નથી. ।। ૧૯૬ ।।
જેમ આકાશનો વાદળી રંગ દેખાય છે, એ માત્ર ભ્રમ જ છે, તેમ સંગ વગરના, ક્રિયા વિનાના અને આકારરહિત આત્માને કોઈ પણ પદાર્થો ( વિષયો ) સાથેનો સંબંધ ભ્રમ વિના ઘટતો જ નથી. ।। ૧૯૭ ।।
સર્વનો સાક્ષી, માયાના ગુણથી રહિત, અક્રિય ( કોઈ પણ જાતની ક્રિયા નહિ કરનાર ) અને વ્યાપક જ્ઞાન તથા આનંદસ્વરૂપ આત્માને બુદ્ધિના ભ્રમથી જે જીવપણું આવ્યું છે એ ખરૂં નથી; કારણ કે સ્વભાવથી જ એ કાંઈ વસ્તુ નથી, તેથી મોહ દૂર થતાં એ કાંઈ છે જ નહિ. ।। ૧૯૮ ।।
Page – 54
જ્યાં સુધી ભ્રમ હોય, ત્યાં સુધી જ દોરડામાં સાપ દેખાય છે, ભ્રમનો નાશ થયે સાપ છે જ નહિ; તેમ પ્રમાદને લીધે જ્યાં સુધી ભ્રમ છે, ત્યાં સુધી જ આત્માને મિથ્યાજ્ઞાનથી પ્રકટેલું જીવપણું છે. ( ભ્રમ દૂર થતાં આત્માને જીવપણું છે જ નહિ. ) ।। ૧૯૯ ।।
માયા અને એનાં કાર્યોનું અનાદિપણું જોકે મનાય છે, પણ જેમ જાગ્યા પછી સ્વપ્ન મૂળમાંથી નાશ પામે છે, તેમ જ્ઞાન થયા પછી અવિદ્યાથી ઊપજેલું તેનું કાર્ય અનાદિ છતાં નાશ પામે છે. આ અવિદ્યાકાર્ય અનાદિ કાળનું છે, છતાં ‘પ્રાગભાવ’ ની પેઠે નિત્ય નથી એ ચોક્કસ છે. ‘પ્રાગભાવ’ અનાદિ છે, છતાં તેનો નાશ દેખાય છે. ।। ૨૦૦ ।। ।। ૨૦૧ ।।
Page – 55
કારણ કે બુદ્ધિરૂપ ઉપાધિના સંબંધથી જ આત્મામાં જીવપણાની કલ્પના થઈ છે, તે સિવાય બીજું કોઈ કારણ જ નથી; કેમ કે જીવ પોતે સ્વરૂપથી વિલક્ષણ જ છે. મિથ્યાજ્ઞાનને લીધે જ પોતાના આત્માનો બુદ્ધિ સાથે સંબંધ થયો છે. ઉત્તમ પ્રકારના જ્ઞાનથી તે સંબંધ દૂર થઈ શકે છે. બીજી કોઈ રીતે નહિ. બ્રહ્મ અને આત્મા એ બંને જુદા નથી, એક જ છે-આવું જ્ઞાન એ જ ઉત્તમ જ્ઞાન છે. આમ વેદનું માનવું છે. ( ‘હું બ્રહ્મ જ છું,’ એવું જ્ઞાન થાય છે, ત્યારે જીવપણું નાશ પામે છે. અને પછી પોતે શુદ્ધ આત્મારૂપે પ્રકાશે છે. ) ।। ૨૦૨ ।। ।। ૨૦૩ ।। ।। ૨૦૪ ।।
એ જ્ઞાન આત્મા તથા અનાત્માનો સારી રીતે વિવેક ( પૃથક્કરણ ) કરવાથી જ સિદ્ધ થાય છે; માટે એ વિવેક કરવો જોઈએ, જેથી આત્મા અને બ્રહ્મ એક જ છે, એમ સમજાય છે. ।। ૨૦૫ ।।
કાદવવાળું પાણી કાદવ દૂર થતાં જેમ ચોખ્ખું થઈ જાય છે, તેમ માયારૂપ દોષ દૂર થતાં આત્મા સ્ફુટ પ્રભાવાળો થઈ પ્રકાશે છે. ।। ૨૦૬।।
Page – 56
( જ્ઞાન દ્વારા ) અસત્ માયાની નિવૃત્તિ થાય છે, ત્યારે અંતરમાં રહેલા જીવાત્માનું પરમાત્મારૂપે સ્પષ્ટ જ્ઞાન થાય છે. માટે અહંકાર વગેરે વસ્તુને સત્-આત્મામાંથી સારી રીતે દૂર કરવી જ જોઈએ. ।। ૨૦૭ ।।
ઉપર કહેલો ‘વિજ્ઞાનમયકોશ’ પણ વિકારવાળો, જડ, અમુક માપમાં જ રહેલો, આત્મા જેને જુએ છે એવો ( દ્રશ્ય ), તથા સુષુપ્તિ અવસ્થામાં નહિ જણાતો ( વ્યભિચારી ) હોવાથી આત્મા નથી. ( કારણ કે એ અનિત્ય છે. ) અનિત્ય વસ્તુ નિત્ય હોય જ નહિ. ।। ૨૦૮ ।।
આનંદમયકોશ અનુભવાય છે ક્યારે ? – Page – 56
( અજ્ઞાનથી ઢંકાયેલા ) આ આનંદરૂપ આત્માનું જેમાં પ્રતિબિંબ પડે છે, એવી તમો ગુણવાળી વૃત્તિ એ જ ‘આનંદમયકોશ’ છે. એ પ્રિય, આનંદ અને અતિ આનંદ એવા ત્રણ ગુણવાળો છે. જ્યારે પોતાને વહાલી વસ્તુ મળી આવે, ત્યારે એ પ્રકટે છે. પોતાનાં પુણ્યકર્મનો અનુભવ થાય છે, ત્યારે પુણ્યશાળી માણસોને પોતાની મેળે જ એ ‘આનંદમયકોશ’ જણાય છે. જેમાં પ્રાણીમાત્ર પોતે આનંદરૂપ થઈ પ્રયત્ન વગર જ અતિ આનંદી બને છે. ।। ૨૦૯ ।।
Page – 57
‘આનંદમયકોશ’ નો ઉત્કટ પ્રકાશ તો સુષુપ્તિ વખતે જ હોય છે, છતાં જાગ્રત અને સ્વપ્ન અવસ્થામાં પણ પોતાને વહાલી વસ્તુ મળતાં એનો કાંઈક પ્રકાશ થાય છે. ।। ૨૧૦ ।।
એ ‘આનંદમયકોશ’ પણ સર્વશ્રેષ્ટ આત્મા નથી; કારણ કે એ ઉપાધિવાળો, માયાથી ઊપજેલો, શુભ કર્મોનાં ફળરૂપ અને આ દેહને આશરે રહેલો છે. ।। ૨૧૧ ।।
વેદશાસ્ત્રની યુક્તિઓથી એ પાંચેય કોશોનો નિષેધ થયા પછી ( ‘नेति नेति – એ નહિ, એ નહિ‘ ) એ નિષેધની હદરૂપે જ્ઞાનસ્વરૂપ સાક્ષી આત્મા જ બાકી રહે છે. ।। ૨૧૨ ।।
જે આ સ્વયંપ્રકાશ, ‘અન્નમય’ વગેરે પાંચેય કોશોથી જુદો અને જાગૃતિ વગેરે ત્રણેય અવસ્થાનો જોનાર છતાં વિકાર વગરનો, નિર્લેપ અને નિત્ય આનંદરૂપ છે, એને જ વિદ્વાન માણસે પોતાનો શુદ્ધ આત્મા સમજવો. ।। ૨૧૩ ।।
આત્માનાં સ્વરૂપ વિષે શંકા – Page – 58
शिष्य उवाच ।
શિષ્યઃ ‘હે ગુરૂદેવ ! આ પાંચેય કોશ મિથ્યા હોવાથી આત્મા નથી એમ નિષેધ કરતાં શૂન્ય સિવાય કંઈ પણ મને દેખાતું નથી; તો બુદ્ધિમાન માણસે આ જગતમાં કઈ વસ્તુને પોતાના આત્મા તરીકે જાણવી ?’।। ૨૧૪ ।।
આત્માનું ખરૂં સ્વરૂપ – Page – 58
श्रीगुरूउवाच ।
ગુરૂઃ ‘હે વિદ્વાન ! તેં કહ્યું. વિચાર કરવામાં તું ઘણો ચતુર છે. અહંકાર વગેરે જે વિકારો છે, તે અને એનો અભાવ એ બધું જેને લીધે જાણી શકાય છે અને જે પોતે બીજા કોઈથી જાણી શકાતો નથી, એ સૌને જાણનાર આત્માને તું અતિ સૂક્ષ્મ બુદ્ધિથી જાણ.’ ।। ૨૧૫ ।। ।। ૨૧૬ ।।
જે કોઈ વસ્તુ જે કોઈ વડે અનુભવાય છે, તેનું જ સાક્ષાત્ હોવાપણું હોઈ શકે, પણ કોઈએ નહિ અનુભવેલી વસ્તુ ( શૂન્ય ) નું સાક્ષાત્ હોવાપણું ઘટી શકે નહિ. ।। ૨૧૭ ।।
આત્મા તો પોતાની જ સાક્ષીવાળો પદાર્થ છે; કારણ કે તે પોતા વડે જ અનુભવાય છે; માટે સર્વથી પર એવો પોતે જ સાક્ષાત્ આત્મા છે, બીજો કોઈ નહિ.।। ૨૧૮ ।।
Page – 59
જાગૃતિ, સ્વપ્ન અને સુષુપ્તિ-એ ત્રણ અવસ્થામાં જે આ અતિ સ્પષ્ટ પ્રકાશે છે, જે અંતઃકરણમાં ‘હું-હું’ એમ એક જ અંતરાત્મારૂપે સદા જણાય છે તથા જે અહંકારથી માંડી માયાના અનેક આકારવાળા વિકારોને સાક્ષીરૂપે જોતો હમેશાં સત્, ચિત્ અને આનંદરૂપી હ્રદયમાં અનુભવાય છે, એને જ તું પોતાનો આત્મા જાણ. ।। ૨૧૯ ।।
ઘડાના પાણીમાં સૂર્યનું પ્રતિબિંબ જોઈને મૂઢ માણસ એને જ સૂર્ય સમજે છે, તેમ અવિવેકી ( આત્મા – અનાત્માનો ભેદ નહિ પારખનાર માણસ ) બુદ્ધિરૂપ ઉપાધિમાં રહેલા ચેતન આત્માના પ્રતિબિંબને જ ભ્રમથી એ જ ‘હું આત્મા છું’ એમ માની લે છે. ।। ૨૨૦ ।।
પણ વિદ્વાન પુરૂષ જેમ ઘડો, તેમાં ભરેલું પાણી અને એમાં પડેલું સૂર્યનું પ્રતિબિંબ ( ઓછાયો ) – એ ત્રણેયને છોડી તટસ્થ, તેઓના પ્રકાશક અને સ્વયંપ્રકાશ પોતાની મેળે પ્રકાશતા સુર્યને જુદો જ જુએ છે, તેમ આ દેહ, તેમાં રહેલી બુદ્ધિ અને તેમાં પડતું ચેતન – આત્માનું પ્રતિબિંબ ( ચિદાભાસ ) – એ ત્રણેયને છોડી તટસ્થ, તેઓનો પ્રકાશક, બુદ્ધિરૂપ ગુફામાં રહેલ, સ્વયંપ્રકાશ, સૌના દ્રષ્ટા, અખંડ જ્ઞાનવાળા, નિત્ય, દરેક ઠેકાણે રહેલા વિભુ, અતિ સૂક્ષ્મ તથા અંદર અને બહાર એવા ભેદ વગરનો આત્મા પોતાથી જુદો નથી, પણ પોતાનું જ સ્વરૂપ છે, એમ બરાબર જાણીને પુરૂષ પાપરહિત, નિર્મળ અને અમર બને છે. ।। ૨૨૧ ।। ।। ૨૨૨ ।। ।। ૨૨૩ ।।
Page – 60
જ્ઞાની પોતે કોઈ પણ હોય છતાં શોકરહિત અને આનંદસ્વરૂપ બની કોઈથીય ડરતો નથી. આમ મુમુક્ષુ માટે આત્મતત્તવનાં જ્ઞાન સિવાય આ સંસારનાં બંધનમાંથી છૂટવાનો બીજો કોઈ માર્ગ નથી. ।। ૨૨૪ ।।
‘બ્રહ્મા અને આત્મા એક જ છે’ એવું જ્ઞાન જ સંસારના બંધનથી છૂટવાનાં કારણ છે, જેથી વિદ્વાનો અદ્વિતીય આનંદસ્વરૂપ બ્રહ્મને પામે છે. ।। ૨૨૫ ।।
બ્રહ્મસ્વરૂપ થયેલો વિદ્વાન ફરી જન્મ-મરણરૂપ આ સંસારમાં આવતો નથી; માટે ‘આત્મા’ની બ્રહ્મા સાથેની એકતા સારી રીતે સમજવી. ।। ૨૨૬ ।।
બ્રહ્મ સત્ય, જ્ઞાનરૂપ અને અનંત ( અવિનાશી ) છે તથા શુદ્ધ, શ્રેષ્ઠ અને પોતાની મેળે જ સિદ્ધ છે. ( એના અસ્તિત્ત્વ વિષે એના વિના બીજા કોઈ પ્રમાણની જરૂર નથી ); તેમ જ નિત્ય, માત્ર આનંદરૂપ રસવાળું, સૌની અંદર રહેલ અને સૌથી અભિન્ન ( જુદું નહિ એવું ) તે નિરંતર સર્વોત્કૃષ્ટ છે. ।। ૨૨૭ ।।
બ્રહ્મ અને જગતની એકતા – Page – 61
આ વિશ્વ એક જ વસ્તુ બ્રહ્મરૂપ છે. કેમ કે આત્મસ્વરૂપ એ સિવાય બીજી કોઈ વસ્તુ જ નથી; આ ‘અદ્વૈત’ ખરી વસ્તુનું બરાબર જ્ઞાન થતાં ( આત્મતત્ત્વ-બ્રહ્મ સિવાય ) બીજું કાંઈ રહેતું જ નથી. ।। ૨૨૮ ।।
આ આખું જગત અનેક જુદાં જુદાં રૂપ-રંગવાળું દેખાય છે, એનું કારણ અજ્ઞાન છે. ખરી રીતે તો એ બધું સમગ્ર ભાવનારૂપ દોષ વિનાનું ( નિર્વિકલ્પ ) બ્રહ્મ જ છે. ।। ૨૨૯ ।।
ઘડો માટીમાંથી બને છે, છતાં માટીથી જુદો નથી; કારણ કે એ આખોય માટીરૂપ જ છે. ‘ઘડો’ એ શબ્દ તો માટીમાં ખોટી રીતે કલ્પેલું નામમાત્ર જ છે; તેનું રૂપ માટીથી જુદું નથી. ।। ૨૩૦ ।।
ઘડાનું સ્વરૂપ માટીથી જુદું કોઈ બતાવી શકે નહિ; માટે ‘ઘડો’ માત્ર મોહથી જ માની લીધેલો છે; ખરી રીતે તો એ માટી જ છે. ।। ૨૩૧ ।।
Page – 62
( એવી રીતે ) સત્યસ્વરૂપ બ્રહ્મથી ઊપજેલું સમગ્ર જગત માત્ર બ્રહ્મરૂપ જ છે, એથી જુદું કાઈ પણ નથી; છતાં જે એમ કહે કે, એના સિવાય એનાથી જુદું પણ કાંઈક છે. તેનો મોહ હજી ગયો નથી. એની એ વાત, ઊંઘતા માણસના બકવાદ જેવી છે. ।। ૨૩૨ ।।
‘આ આખું જગત બ્રહ્મ જ છે.’ એમ અથર્વવેદની અતિ શ્રેષ્ઠ વાણી કહે છે. માટે આ જગત માત્ર બ્રહ્મ જ છે. કારણ કે જેમાં જે વસ્તુ માત્ર માની લીધેલી હોય, તે તેનાથી જુદી હોતી જ નથી. ।। ૨૩૩ ।।
જો આ જગત સત્ય હોય, તો સત્ય વસ્તુનો તો કદી નાશ જ ન હોય; આથી જગતનો પણ અંત નહિ આવે; અને ( વેદ-ઉપનિષદ તો એમ જ કહે છે કે, ‘બ્રહ્મ સત્ય છે ને જગત મિથ્યા છે’ એવી ) ઉપનિષદની વાત અપ્રમાણ ઠરશે; વળી વેદ કે જે ઈશ્વરની જ વાણી છે એ અપ્રમાણ ઠરતાં ઈશ્વર પોતે અસત્યવાદી ઠરશે. આમ જગતને સત્ય માનવાથી ત્રણ દોષ ( વાંધા ) આવે છે, એ મહાપુરુષો માટે સારા કે હિતકારક નથી. ।। ૨૩૪ ।।
Page – 63
વળી વસ્તુના તત્ત્વને સમજનારા ભગવાન કૃષ્મચંદ્રે આમ ચોખ્ખેચોખ્ખું કહ્યું છે કે, ‘હું આ જગતના પદાર્થોમાં રહ્યો નથી; તેમ જ એ બધા પદાર્થો મારામાં રહ્યા નથી.’ ( જો આ જગત સત્ય હોય, તો ઈશ્વરની આ વાણી ખોટી પડે. ) ।। ૨૩૫ ।।
જો આ જગત સત્ય હોત, તો સુષુપ્તિ અવસ્થામાં પણ જણાત, પણ સુષુપ્તિમાં તો કંઈ જણાતું નથી; માટે આ જગત ખોટા સ્વપ્ન જેવું મિથ્યા છે. ।। ૨૩૬ ।।
આથી જગત પરમાત્માથી જુદું નથી; છતાં જુદું જણાય છે, તે જેમ ગુણવાનથી ગુણ જુદા જેવા જણાય છે, તેમ મિથ્યા જ છે. જે વસ્તુની બીજી વસ્તુમાં માત્ર કલ્પના જ થઈ હોય, એવી ( આરોપિત ) વસ્તુનું ખરું અસ્તિત્વ શું હોય ? એ રીતે આ અધિષ્ઠાન ( જેમાં જગતની કલ્પના જ થઈ છે, તે મૂળ વસ્તુ બ્રહ્મ જ ) ભ્રમથી જગતરૂપે દેખાય છે. ।। ૨૩૭ ।।
જેમ છીપમાં ભ્રમથી દેખાતી ચાંદી છે જ નહિ, ખરી રીતે એ છીપ જ છે; તેમ ભ્રાંતિ પામેલા અજ્ઞાનીને ભ્રમરૂપ અજ્ઞાનને લીધે જે જે દેખાય છે, એ બધું બ્રહ્મ જ છે. ‘આ જગત છે’ એ વાક્યમાં ‘આ’ શબ્દ જેને લાગુ પડે છે, એ બ્રહ્મ જ છે, એ બ્રહ્મમાં જગતનો માત્ર આરોપ જ થયો છે – માત્ર કલ્પનાથી જ માની લીધેલ છે, અને તે નામ માત્ર જ છે.।। ૨૩૮ ।।
બ્રહ્માનું સ્વરૂપ – Page – 64
આથી પરબ્રહ્મ સત્, એક જ અત્યંત શુદ્ધ, જ્ઞાનમય, નિર્લેપ, અતિ શાંત, આદિ-અંત વગરનું, ક્રિયા વિનાનું અને નિરંતર આનંદસ્વરૂપ છે. ।। ૨૩૯ ।।
એ માયાના કલ્પિત સર્વ ભેદ વિનાનું, નિત્ય, સુખરૂપ, અવયવો વગરનું, પ્રમાણોથી જાણવું અશક્ય, રૂપ વિનાનું ઈંદ્રિયોથી જાણી ન શકાય એવું, નામરહિત તથા અવિનાશી તેજસ્વરૂપ છે; અને તે પોતે જ ‘આ કંઈક છે’ એમ પ્રકાશે છે. ।। ૨૪૦ ।।
ડાહ્યા માણસો, એ પરમ તત્ત્વને જ્ઞાતા ( જાણનાર ), જ્ઞેય ( જાણવાનું ) અને જ્ઞાન ( જાણવું ) – એ ત્રણે ય ભેદથી રહિત, અવિનાશી, માયાના ગુણો વગરનું અને કેવળ અખંડ ચેતન માત્ર સમજે છે. ।। ૨૪૧ ।।
‘બ્રહ્મ’ એ ‘હું’ એમ સૌનું પોતાનું જ સ્વરૂપ હોવાથી છોડી શકાય કે લઈ શકાય એવું નથી; એને મન અને વાણી સમજી કે કહી શકતાં નથી, તથા માપમાં ન આવે એવું, આદિ કે અંત વગરનું, સર્વમાં રહેલું એ મહાન તેજરૂપ છે. ।। ૨૪૨ ।।
‘મહાવાક્ય’ નો વિચાર – Page – 65

છાંદોગ્ય ઉપનિષદે ‘તે તું છે’ એ વાક્યના ‘તે’ અને ‘તું’ એ બે શબ્દથી કહેલા ‘ઈશ્વર’ અને ‘જીવ’ જ્યારે ઉપાધિરહિત બને છે, ત્યારે એ બંને એક જ છે, એમ વારંવાર સિદ્ધ કર્યું છે. ।। ૨૪૩ ।।
સૂર્ય અને પતંગિયું; રાજા અને સેવક; સમુદ્ર અને કૂવો; મેરુ અને પરમાણુ- એ બધા જેમ એકબીજાથી જુદા છે, તેમ પરસ્પર વિરૂદ્ધ ધર્મવાળા ઈશ્વર અને જીવ બંને વાચ્ય અર્થમાં તો જુદા જ છે- પણ એ બંનેનો જે લક્ષ્ય અર્થ (ઉપાધિ વિનાનું શુદ્ધ બ્રહ્મસ્વરૂપ ) છે; તે જોતાં તો બંને એક જ છે. ।। ૨૪૪ ।।
જીવ અને ઈશ્વરમાં જે વિરોધ છે એ ઉપાધિને લીધે જ છે, અને એ ઉપાધિ તો કલ્પનામાત્ર છે. ખરી રીતે છે જ નહિ. ઈશ્વરની માયા મહતત્ત્વ વગેરેનું કારણ છે અને પાંચ કોશ એ જીવનું કાર્ય છે, અર્થાત્ બ્રહ્મ પોતે જ્યારે માયાથી સૃ,ષ્ટિ રચવા ઈચ્છે છે, ત્યારે એ બ્રહ્મનું નામ ‘ઈશ્વર’ છે અને જ્યારે ‘પાંચ કોશ’રૂપી ઉપાધિમાં પડે છે, ત્યારે એ ‘જીવ’ કહેવાય છે. ।। ૨૪૫ ।।
Page – 66
માયા અને પંચકોશ એ બે ઈશ્વર અને જીવની ઉપાધિ છે, તે સારી રીતે દૂર થતાં ઈશ્વર નથી કે જીવ પણ નથી. જેમ રાજ્ય એ રાજાની ઉપાધિ છે અને ઢાલ એ લડવૈયાની ઉપાધિ છે, એ બંને દૂર થતાં કોઈ રાજા નથી કે લડવૈયો નથી. ।। ૨૪૬ ।।
‘अर्थात आदेशः’ ( बृहदारण्यक २-३-६) આ વેદ પોતે કહે છે કે, આ બ્રહ્મ ‘કાર્ય’ નથી અને ‘કારણ’ પણ નથી એમ માયા અને પંચકોશ એ બંને બ્રહ્મમાં કલ્પિત હોઈને છે જ નહિ, માટે વેદના પ્રમાણથી ગ્રહણ કરેલા જ્ઞાન વડે એ બંને છે જ નહિ, એમ તેને દૂર કરવા જ જોઈએ. ।। ૨૪૭ ।।
આ જગત નથી, નથી જ, તે કલ્પિત છે; તેથી દોરડામાં દેખાતા સાપની માફક અને સ્વપ્નની જેમ સત્ય નથી. આમ દ્રશ્ય-જગતને ઉત્તમ યુક્તિથી દૂર કરીને પછી જીવ અને ઈશ્વરની જે એકતા છે, તે સમજવી. ।। ૨૪૮ ।।
Page – 67
માટે જીવ અને ઈશ્વરને એ લક્ષણા નામની શબ્દશક્તિથી સારી પેઠે જાણવા. એ બંને એક જ અને આનંદરૂપ જ છે, એમ સિદ્ધ કરવા માટે ( ‘તે તું છે’ એ ઉપનિષદના મહાવાક્યમાં ) ‘જહતી લક્ષણા’ થી કે ‘અજહતી લક્ષણા’થી ચાલતું નથી; પણ ‘જહત્યજહતી’ નામની બેય લક્ષણા હોવી જોઈએ ( તે નીચે પ્રમાણે છે ). ।। ૨૪૯ ।।
Page – 68
‘એ દેવદત્ત આ છે.’ આ વાક્યમાં ‘એ’ અને ‘આ’ એ બેય શબ્દો જુદા જુદા હોય એમ ( ઉપર ઉપરથી ) લાગે છે છતાં બંને શબ્દના અર્થની ‘દેવદત્ત’માં જ એકતા કહેવાય છે, તેમ ‘तत् त्वम् असि – તે તું છે’ એ વાક્યમાં પણ ‘તે’ અને ‘તું’ એ બંને જુદા જુદા હોય એમ પહેલાં લાગે છે, છતાં ‘તે’ એટલે ઈશ્વર અને ‘તું’ એટલે જીવ – એ બંનેમાં રહેલી ઉપાધિરૂપ ધર્મના વિરુદ્ધ અંશ – ( સર્વજ્ઞપણું અને અલ્પજ્ઞપણું ) નો ત્યાગ કરી ચેનરૂપે બંનેની એકતા કહી છે. ।। ૨૫૦ ।।
આમ ‘ तत् त्वम् असि ’ એ વાક્યમાં ‘ લક્ષણા ’ નામની શબ્દશક્તિથી જીવાત્મા અને પરમાત્માને માત્ર ચેતનરૂપ જાણીને બુદ્ધિમાનો ‘બ્રહ્મ અખંડ છે ’ એમ સમજે છે, અને આવાં સેંકડો વાક્યોથી બ્રહ્મ અને આત્માની એકતા શાસ્ત્રોમાં કહી છે. ।। ૨૫૧ ।।
બ્રહ્મભાવના – Page – 68
જે મોટું નથી, નાનું નથી; ટૂંકું નથી, લાંબું નથી. વગેરે વેદવાક્યથી, આત્મામાં નાના – મોટાં વગેરેની અસત્ કલ્પના તજીને આકાશની જેમ બધે રહેનાર છતાં વિચારમાં આવી ન શકે એવું એ આત્મતત્ત્વ પોતાની મેળે જ સિદ્ધ થાય છે; માટે આત્મારૂપે સ્વીકારેલા આ દેહ વગેરે બધા પદાર્થો જૂઠા છે, એમ સમજી એ બધાને હવે તું આત્મા માનીશ નહિ, અને ‘હું બ્રહ્મ છું’ એમ અતિ શુદ્ધ બુદ્ધિથી સમજીને પોતાના આત્માને અખંડ જ્ઞાનસ્વરૂપ તું જાણ. ।। ૨૫૨ ।।
Page – 69
જેમ માટીમાંથી બનેલ ઘડો વગેરે કાર્ય સદાકાળ અને ચારે બાજુ માટી જ છે, તેમ સત્ થી ઊપજેલું અને સત્ રૂપ આ આખું જગત સત જ છે, કારણ કે સત્ સિવાય બીજું કાંઈ છે જ નહિ; એ જ સત્ય છે અને એ પોતે જ આત્મા છે, માટે શાંત, નિર્મળ અને એક જ જે પરબ્રહ્મ છે એ જ તું છે. ।। ૨૫૩ ।।
જેમ સ્વપ્નમાં ઊંઘને કારણે કલ્પિત દેશ, કાળ, પદાર્થો અને એ બધાંને જાણનાર – એ બધું મિથ્યા છે; એમ જાગ્રત અવસ્થામાં પણ આ જગત પોતાના અજ્ઞાનનું જ કાર્ય હોવાથી મિથ્યા જ છે. આ રીતે આ શરીર, ઈંદ્રિયો, પ્રાણ અને અહંકાર વગેરે બધું અસત્ય છે; અને તું તો શાંત, નિર્મળ અને અદ્વૈત માત્ર પરબ્રહ્મ જ છે. ।। ૨૫૪ ।।
Page – 70
જે બ્રહ્મ જાતિ, નીતિ, કુળ કે ગોત્રથી રહિત છે, નામ, રૂપ, ગુણ કે દોષ વિનાનું છે, અને દેશ, કાળ તથા વિષયથી પણ અલગ છે, તે જ તું છે – આમ તું ચિત્તમાં વિચાર કર. ।। ૨૫૫ ।।
જે માયાથી અલગ છે, જે સકળ વાણીનો વિષય નથી, પણ માત્ર નિર્મળ જ્ઞાનરૂપી આંખથી જ જેને જોઈ શકાય છે; અને જે શુદ્ધ ચેતનમય અનાદિ વસ્તુ છે, એ જ ‘બ્રહ્મ તું છે’ એમ ચિત્તમાં તું વિચાર કર. ।। ૨૫૬ ।।
ઘડપણ, મરણ વગેરે છ ( ઉર્મિઓ ) ની અસરથી રહિત, યોગીઓએ પણ હ્રદયમાં ધ્યાન કરેલું; ઈંદ્રિયોથી નહિ જણાયેલું, બુદ્ધિથી જાણવું અશક્ય અને નિર્દોષ ઐશ્વર્યવાળું જે બ્રહ્મ છે, તે તું છે, એમ મનમાં તું ધ્યાન કર. ।। ૨૫૭ ।।
ભ્રાંતિથી કલ્પેલા જગતરૂપ અંશનો આધાર, પોતે જ પોતાના આધારવાળું, સત્ અને અસત્ બંનેથી અલગ, અવયવ વિનાનું, ઉપમા વગરનું ( કોઈના જેવું નથી તે ) અને પરમ સમૃદ્ધિવાળું, જે બ્રહ્મ છે, તે જ તું છે, એમ તું મનમાં વિચાર કર. ।। ૨૫૮ ।।
Page – 71
જે જન્મવું, વધવું, બદલાવું, ઘટવું, રોગી થવું અને વિનાશ પામવું – આ જાતના વિકારોથી રહિત છે, અવિનાશી છે તથા જગતની સૃષ્ટિ, રક્ષણ તથા નાશનું જે કારણ છે, એ જ બ્રહ્મ તું છે, એમ તું મનમાં વિચાર કર. ।। ૨૫૯ ।।
જેમાં ભેદ નથી અને કોઈ રક્ષણ નથી; જેમાં મોજાં ન ઊછળતાં હોય એવા જળાશય જેવું જે અચળ છે અને જે સદા મુક્ત છે તથા મૂર્તિવિભાગથી રહિત છે, એ જ બ્રહ્મ તું છે, એમ મનમાં ધ્યાન કર. ।। ૨૬૦ ।।
જે પોતે એક જ છે, છતાં અનેક પદાર્થોનું કારણ છે, અને જેને એમ કહી શકાય કે એના સિવાય જગતનું બીજું કોઈ કારણ જ નથી, છતાં જે કાર્ય અને કારણપણાથી અલગ, એ જ બ્રહ્મ તું છે, એમ મનમાં તું ધ્યાન કર. ।। ૨૬૧ ।।
જે નિશ્ચયરૂપ, માપી ન શકાય એવું, અવિનાશી, શરીર અને જીવથી વિલક્ષણ, પર, નિત્ય, અવિકારી, આનંદસ્વરૂપ તથા નિર્લેપ છે, એ જ બ્રહ્મ તું છે, એમ મનમાં તું ધ્યાન કર. ।। ૨૬૨ ।।
જે પોતે હમેશાં સત્ તથા સોનાની જેમ વિકાર વગરનું છે, તેપણ ભ્રમને કારણે નામ, રૂપ, ગુણ અને વિકારરૂપે અનેક પ્રકારે દેખાય છે, એ જ બ્રહ્મ તું છે, એમ મનમાં તું ધ્યાન કર. ।। ૨૬૩ ।।
Page – 72
જેનાથી વધી જાય એવું કોઈ નથી; જે માયાથી પર-શ્રેષ્ઠ છે, તથા જે પ્રત્યેકમાં રહેલ, એકરસ અને સૌનો આત્મા છે; તથા સત્, ચિત્, આનંદરૂપ, અનંત અને અવિકારી છે; એ જ બ્રહ્મ તું છે, એમ મનમાં તું ધ્યાન કર. ।। ૨૬૪ ।।
ઉપર કહેલી વાતને તું તારી બુદ્ધિ પ્રમાણે પ્રસિદ્ધ યુક્તિઓથી મનમાં વિચાર્યા કર, તેથી તને હથેળીમાં રહેલા જળની પેઠે શંકા અને ભ્રમ વગરનું તત્ત્વજ્ઞાન થશે. ।। ૨૬૫ ।।
લશ્કરની વચ્ચે રહેલા રાજાની જેમ પાંચ ભૂતો ( પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને આકાશ ) ના સમૂહરૂપે શરીરની અંદર રહેલા સ્વયંજ્ઞાનરૂપ શુદ્ધ આત્મતત્ત્વને સમજીને હમેશાં તું પોતે પોતાના એ આત્મસ્વરૂપમાં સ્થિર થા અને આખા જગતને આ બ્રહ્મમાં સમાવી દે. ।। ૨૬૬ ।।
જે સત્ નથી અને અસત્ પણ નથી; તે અદ્વિતીય સત્ય પરબ્રહ્મ બુદ્ધિરૂપ ગુફામાં બિરાજે છે, જે માણસ એ આત્માની સાથે એક જ બની દેહરૂપ ગુફામાં રહે છે, તેનો ફરી શરીરરૂપી ગુફામાં પ્રવેશ થતો નથી ( એને ફરી સંસારમાં જન્મ લેવો પડતો નથી. ) ।। ૨૬૭ ।।
વાસનાના ત્યાગની જરૂર – Page – 73
આત્મારૂપ વસ્તુ જાણ્યા પછી પણ, અનાદિ કાળની અતિ બળવાન વાસના રહી જાય તો એ વાસના જ ‘હું કર્તા છું’ અને ‘હું જ ફળ ભોગવનાર છું’ આવા ભ્રમરૂપે મજબૂત થઈ જીવને સંસારનું કારણ બને છે; માટે આત્મદ્રષ્ટિથી આત્માનું ધ્યાન કરતાં મનુષ્યે એ વાસનાનો પ્રયત્નથી ત્યાગ કરવો જોઈએ; કેમ કે મુનિઓ કહે છે કે, ‘વાસનાનો ત્યાગ એ જ મોક્ષ છે.’ ।। ૨૬૮ ।।
દેહ, ઈંદ્રિય વગેરે પદાર્થો ઉપર જીવને ‘હું અને મારું’ એવો જે ભાવ છે, એ જ ‘અધ્યાસ’ કહેવાય છે. આત્મામાં સ્થિતિ કરીને વિદ્વાન માણસે એને દૂર કરવો. ।। ૨૬૯ ।।
પ્રત્યેકમાં રહેલા પોતાના આત્માને બુદ્ધિ અને એની વૃ્ત્તિઓનો સાક્ષી સમજી ‘તે જ હું છું’ એવી સત્ય જ્ઞાનરૂપ વૃત્તિ વડે જડ પદાર્થો ઉપર થયેલી આત્મબુદ્ધિનો તું ત્યાગ કર. ।। ૨૭૦ ।।
Page – 74
લોકોને અનુસરવાનું છોડી;શરીરને અનુસરવાનું તજી, શાસ્ત્રોને અનુસરવાનું પણ છોડીને પછી દેહ વગેરે જડ પદાર્થો ઉપર ‘હુંપણું, મારાપણું’ એવું જે મિથ્યા જ્ઞાન છે, તેને દૂર કર. ।। ૨૭૧ ।।
લોકો પરની, શાસ્ત્રો પરની તથા દેહ પરની વાસનાથી જીવને સત્ય જ્ઞાન થતું જ નથી. ।। ૨૭૨ ।।
જે માણસ આ સંસારરૂપી કેદમાંથી છૂટવા ઈચ્છે છે, તેને ઉપર કહેલી ત્રણ વાસનાઓ પગમાં બાંધેલી લોઢાની સાંકળ જેવી છે. એમ બ્રહ્મને જાણનારા કહે છે. જે મનુષ્ય એ ત્રણે વાસનાઓથી છૂટે છે તે મુક્તિ પામે છે. ।। ૨૭૩ ।।
જેમ સુખડ ઉપર જળ વગેરેના સંબંધથી ઉત્પન્ન થયેલી દુર્ગંધથી તેની દિવ્ય સુગંધ આવતી નથી, પણ જ્યારે એ સુખડને ખૂબ ઘસીને બહારની દુર્ગંધને સારી રીતે દૂર કરવામાં આવે છે, ત્યારે જ સુગંધ આવવા લાગે છે; તેમ અંતરમાં રહેલા પરમાત્મા પરની વાસના, હ્રદયમાં રહેલી અનંત દુરંત વાસનાઓરૂપી ધૂળથી દટાઈ ગઈ છે; તેને ઉત્કૃષ્ટ જ્ઞાનરૂપી ઘર્ષણથી જ્યારે સારી રીતે દૂર કરવામાં આવે છે, ત્યારે પેલા ચંદનની સુગંધની પેઠે સ્પષ્ટ સ્વરૂપે તે જણાય છે.।। ૨૭૪ ।। ।। ૨૭૫ ।।
Page – 75
જડ પદાર્થો પરની વાસનાઓનાં જાળાંથી આત્મા પરની વાસના ઢંકાઈ ગઈ છે; માટે હમેશાં આત્માનું ચિંતન કરવાથી તે વાસનાઓનો નાશ થતાં આત્મા ઉપરની વાસના પોતાની મેળે સ્પષ્ટ પ્રકટે છે. ।। ૨૭૬ ।।
જેમ જેમ મન આત્માના ધ્યાનમાં સ્થિર થાય છે, તેમ તેમ બહારના પદાર્થોની વાસનાને તે છોડતું જાય છે. અને પછી બધી વાસનાઓ છૂટી જાય છે, ત્યારે આત્માનો અસ્ખલિત અનુભવ થવા લાગે છે. ।। ૨૭૭ ।।
ભ્રમના ત્યાગની જરૂર – Page – 75
આત્માના સ્વરૂપમાં જ સદા સ્થિર થવાથી યોગનું મન નાશ પામે છે અને વાસનાઓનો પણ નાશ થાય છે; માટે તું તારા દેહ ઉપરની ‘હું’ પણાની ભ્રાંતિને દૂર કર. ।। ૨૭૮ ।।
રજોગુણ અને સત્વગુણથી તમોગુણ નાશ પામે છે; સત્વગુણથી રજોગુણ નાશ પામે છે; તથા શુદ્ધ સત્વગુણથી ( મિશ્ર ) સત્વગુણ નાશ પામે છે; માટે શુદ્ધ સત્વગુણનો આશ્રય કરી તારા ભ્રમને તું દૂર કર. ।। ૨૭૯ ।।
Page – 76
પ્રારબ્ધકર્મ જ શરીરનું પોષણ કરે છે, એમ નિશ્ચય કરી સ્થિર થઈ ધીરજ ધરીને યત્નપૂર્વક પોતાના ભ્રમને તું દૂર કર. ।। ૨૮૦ ।।
‘હું જીવ નથી પણ શુદ્ધ બ્રહ્મ જ છું’ એમ પ્રથમ પોતાના જીવભાવને દૂર કર્યા પછી વાસનાના વેગથી ઊપજેલા પોતાના ભ્રમને તું દૂર કર. ।। ૨૮૧ ।।
‘सर्वं खल्विदं ब्रह्म – આ બધું બ્રહ્મ છે’ આવાં વેદવાક્યથી, યુક્તિથી અને પોતાના અનુભવથી ‘આત્મા જ સર્વસ્વરૂપ છે’ એમ સમજીને દેહાદિ પરના મિથ્યાભાસથી કોઈ કાળે ઊપજેલી તારી ભ્રાંતિને તું દૂર કર. ।। ૨૮૨ ।।
આત્મજ્ઞાની માટે કોઈ પણ વસ્તુ લેવાથી કે છોડી દેવાથી લગારે ક્રિયા રહેતી નથી; માટે હમેશાં આત્મા ઉપર જ શ્રદ્ધા કરીને પોતાનો ભ્રમ તું દૂર કર. ।। ૨૮૩ ।।
‘तत्वमसि – તે તું છે’ વગેરે મહાવાક્યોથી ઊપજેલા આત્મા અને બ્રહ્મના એકપણાના જ્ઞાનથી બ્રહ્મમાં જ આત્માપણું દ્રઢ કરવાને તું તારી ભ્રાંતિને દૂર કર. ।। ૨૮૪ ।।
Page – 77
‘આ દેહ છે એ જ હું છું’ એવી જાતનું દેહ ઉપર રહેલું ‘હુંપણું’ સંપૂર્ણ નાશ પામે, ત્યાં સુધી સાવધાન થઈ ચિત્તને સ્થિર કરી તારી ભ્રાંતિને તું દૂર કર. ।। ૨૮૫ ।।
હે વિદ્વાન ! જ્યાં સુધી આ જીવ અને જગત સ્વપ્નની જેમ તને જણાયા કરે, ત્યાં સુધી તું નિરંતર એ ભ્રમને દૂર કર્યા કર. ।। ૨૮૬ ।।
ઊંઘમાં, વાતચીતમાં, શબ્દ, સ્પર્શ, રૂપ રસ, ગંધ વગેરે વિષયોના અનુભવમાં અને આત્માના વિસ્મરણમાં કદી સમય ગાળ્યા વિના હ્રદયમાં તું આત્માનું જ ચિંતન કર્યા કર. ।। ૨૮૭ ।।
માતા અને પિતાના ( રજ અને વીર્યરૂપ ) મેલથી ઊપજેલું શરીર મળ-માંસથી ભરેલું છે, તેને ચાંડાલની પેઠે દૂર તજી-એના ઉપરનું ‘હુંપણું’ છોડી, બ્રહ્મસ્વરૂપ થઈ તું કૃતાર્થ થા. ।। ૨૮૮ ।।
હે વિચાર કરનાર વિદ્વાન ! ઘડો ફૂટી જવાથી જેમ ઘડાની અંદર રહેલું આકાશ, બહારના આકાશમાં મળી જાય છે, તેમ તું તારા આત્માને પરમાત્મામાં અખંડપણે એક કરી દઈ સદાને માટે શાંત થા. ।। ૨૮૧ ।।
Page – 78
સ્વયંપ્રકાશ અને સર્વનું મૂળસ્થાન જે બ્રહ્મ છે, તે રૂપે, તું પોતે જ સદા થઈને, પછી શરીરને તથા બ્રહ્માંડને પણ કચરાના ટોપલાની માફક ફેંકી દે-એના ઉપરનો મોહ દૂર કર. ।। ૨૯૦ ।।
દેહ ઉપર જે હુંપણાની બુદ્ધિ રૂઢ થઈ છે, તેને સદા આનંદ અને ચેતનરૂપ આત્મા ઉપર સ્થાપીને તથા ‘સૂક્ષ્મ શરીર’નો પણ ત્યાગ કરી તું કેવળ બ્રહ્મરૂપે જ સદા રહે. ।। ૨૯૧ ।।
જેમ દર્પણમાં પ્રતિબિંબરૂપે દેખાતું નગર માત્ર આભાસ જ છે, તેમ બ્રહ્મમાં દેખાતું આ જગત માત્ર આભાસ જ છે, એમ સમજીને તું કૃતાર્થ થઈશ. ।। ૨૯૨ ।।
જે સત્યસ્વરૂપ, ચેતન, માત્ર એક જ, આનંદરૂપ અને ક્રિયા વગરનું છે, એ બ્રહ્મ જ પોતાનું મૂળસ્વરૂપ છે, એમ તે સ્વરૂપ થઈ, જેમ નાટક કરનારો માણસ પોતાનો બનાવટી વેશ છોડી દે છે, તેમ તું આ મિથ્યા દેહને તજી દે અર્થાત્ તેના પરના અભિમાનને છોડી દે. ।। ૨૯૩ ।।
‘હું’ શબ્દનો અર્થ – Page – 79
આ જે દેખાય છે, તે જગત ( તથા શરીર વગેરે ) મિથ્યા ભ્રમ જ છે તથા ક્ષણિક છે; ક્ષણે ક્ષણે બદલાયા કરે છે; એથી એ (શરીર વગેરે) ‘હું’ શબ્દનો અર્થ હોઈ શકે નહિ; કારણ કે અહંકાર વગેરે ક્ષણિક તત્ત્વોને ‘હું બધું જણું છું’ એવું જ્ઞાન કેમ થઈ શકે ? ।। ૨૯૪ ।।
જે અહંકાર વગેરેનો પણ સાક્ષી (જોનાર) છે, એ જ ‘હું’ શબ્દનો અર્થ (આત્મા ) છે; કારણ કે સુષુપ્તિ અવસ્થામાં પણ નિત્ય એની હયાતી હોય છે. વેદ પોતે પણ એને ‘अजो नित्यः शाश्वतोयम्- જેનો જન્મ જ નથી, જે અનાદિ કાળથી છે તથા નિત્ય છે’ એમ કહે છે; માટે અંતરાત્મા કાર્ય તથા કારણથી જુદો છે. ।। ૨૯૫ ।।
એ આત્મા, વિકારી વસ્તુના સર્વ વિકારને જાણનાર, નિત્ય અને વિકાર વગરનો હોવો જોઈએ. આ શરીર તથા અહંકાર બન્ને મનના વિચારો વખતે, સ્વપ્નમાં અને સુષુપ્તિના વખતે વારંવાર સ્પષ્ટ દેખાતા જ નથી, (એથી એને આત્મા કેમ કહેવાય ? ) ।। ૨૯૬ ।।
માટે માંસના પિંડારૂપ આ શરીર વિષે તથા એના અભિમાની બુદ્ધિકલ્પિત અહંકાર વગેરે ઉપર ‘હું’પણાનું અભિમાન તું છોડી દે; અને પોતાના આત્માને (ભૂત, વર્તમાન તથા ભવિષ્ય) ત્રણે કાળમાં રહેનાર અને અખંડ જ્ઞાનસ્વરૂપ સમજી શાંતિ પામ. ।। ૨૯૭ ।।
Page – 80
કુળ, ગોત્ર, નામ, રૂપ અને આશ્રમ – એ બધાંનું અભિમાન તું છોડી દે, કારણ કે એ તો તરતના મુડદા જેવા શરીરને જ આધારે રહેલાં છે; તેમ જ કર્તાપણું અને ભોક્તાપણું વગેરે જે લિંગશરીરના ધર્મો છે એને પણ છોડીને અખંડ સુખસ્વરૂપ થા. ।। ૨૯૮ ।।
અહંકાર સંસારનું મૂળ છે – Page – 80
માણસને સંસારનાં કારણ। બીજાં અનેક બંધનો જોવામાં આવ્યાં છે, એ બધાંનું એક મૂળ પહેલો વિકાર અહંકાર જ છે (કારણ કે ‘હુંપણું’ આવવાથી જ અજ્ઞાનનું જોર વધે છે. ) ।। ૨૯૯ ।।
જ્યાં સુધી દુષ્ટ અહંકારનો આત્માને સંબંધ છે, ત્યાં સુધી મુક્તિની અદભુત વાત લેશમાત્ર પણ સંભવતી નથી. ।। ૩૦૦ ।।
આત્મારૂપી ચંદ્રને અહંકારરૂપી રાહુએ ઘેરી લીધો છે; એનાથી છૂટ્યા પછી તે, ચંદ્રની જેમ નિર્મળ, પરિપૂર્ણ, નિત્ય, આનંદસ્વરૂપ અને સ્વયંપ્રકાશ થઈ પોતાનું સ્વરૂપ પામે છે. ।। ૩૦૧ ।।
Page – 81
તમોગુણથી અતિ મૂઢ બનેલી બુદ્ધિએ જ કલ્પેલું ‘હુપણું’ આ શરીર પર જણાય છે; અને એ જ અહંકાર છે; તેનો સંપૂર્ણ નાશ થાય, ત્યારે જ ‘બ્રહ્મ એ આત્મા જ છે’ એમ અખંડ જ્ઞાન થાય છે. ।। ૩૦૨ ।।
બ્રહ્મનો આનંદ એ એક ખજાનો છે, પણ મહાબળવાન અને ભયંકર અહંકારરૂપી સર્પ, ત્રણ ગુણરૂપી ઉગ્ર પોતાનાં મસ્તકો વડે એ ખજાનાને વીંટાઈ વળીને પોતામાં રાખી બેઠો છે; પણ જ્યારે ધીર પુરૂષ અનુભવજ્ઞારૂપી મોટી તીક્ષ્ણ તલવારથી એ ત્રણેય માથાંને કાપી નાખી એ સાપનો નાશ કરે છે, ત્યારે જ પરમ સુખકારક એ ધનભંડારને ભોગવી શકે છે. ।। ૩૦૩ ।।
જ્યાં સુધી શરીરમાં થોડું પણ ઝેર રહી ગયું હોય ત્યાં સુધી આરોગ્ય કેવી રીતે થાય ? એમ થોડો પણ અહંકાર રહી ગયો હોય, ત્યાં સુધી યોગીની મુક્તિ કેમ થાય ? ।। ૩૦૪ ।।
Page – 82
અહંકાર અત્યંત દૂર થાય, ત્યારે જ એનાથી ઊપજેલા અનેક તર્કવિતર્કો નાશ પામે છે; અને પછી આત્મતત્વનું જ્ઞાન થવાથી ‘ આ આત્મા તે જ હું છું ’ એમ તત્વ સમજે છે. ।। ૩૦૫ ।।
અહંબાવ કરનાર, વિકારરૂપ, આત્માના પ્રતિબિંબવાળો અને આત્માનું સ્વરૂપ ચોરી લેનારા આ અહંકાર ઉપરની ‘ હું ’ પણાની બુદ્ધિને તરત તું તજી દે; કેમ કે એ ઉપરના ‘ હું ’ પણાના ભ્રમથી જ તને જન્મ-મરણ અને ઘડપણનાં દુઃખથી ભરેલો આ સંસાર પ્રાપ્ત થયો છે; કારણ કે તું તો ચૈતન્યમૂર્તિ આનંદરૂપ અંતરાત્મા જ છે. ।। ૩૦૬ ।।
જો એ અહંકાર ઉપરનો અહંભાવરૂપ ભ્રમ ન હોય તો સદા એકરૂપ, ચેતન, બધે ઠેકાણે રહેનાર, આનંદરૂપ, નિર્દોષ કીર્તિવાળા અને અવિકારી તને-આત્માને સંસાર કદી હોય જ નહિ. ।। ૩૦૭ ।।
માટે જમવા બેઠેલા માણસના ગળામાં જેમ કાંટો ખટકે તેમ ખટકતા આ અહંકારરૂપી પોતાના શત્રુને અનુભવરૂપી મોટી તલવારથી કાપી નાખી આત્માના સામ્રાજ્યનું ખુલ્લું સુખ તું ઈચ્છા પ્રમાણે ભોગવ. ।। ૩૦૮ ।।
Page – 83
પછી અહંકાર વગેરેની ( કર્તાપણું-ભોગવનારપણું ) વગેરે વૃત્તિઓને દૂર કરી, બ્રહ્મજ્ઞાનરૂપ પરમ વસ્તુનો લાભ થવાથી વિષયોની પ્રીતિ તજીને, આત્મસુખના અનુભવથી તર્ક વિતર્ક ચોડી મૌન રહીને પૂર્ણ સ્વરૂપે બ્રહ્મમાં જ સ્થિતિ કર. ।। ૩૦૯ ।।
આ મહાન અહંકાર મૂળમાંથી ઊખડી ગયો હોય, તોપણ ચિત્ત દ્વારા જો ક્ષણવાર પણ પ્રેરણા પામે, તો ફરી જીવતો થઈને જેમ ચોમાસામાં પવનથી પ્રેરણા પામેલાં વાદળાં અનેક જાતનું નુકસાન કરે છે, તેમ સેંકડો વિક્ષેપ કરે છે-સાધકને અનેક પ્રકારે ભમાવી દે છે. ।। ૩૧૦ ।।
માટે એ અહંકારરૂપ શત્રુને બરાબર વશ કર્યા પછી ફરી વિષયોના ચિંતન દ્વારા કદી એને તક જ ન આપવી; કારણ કે જેમ સુકાઈ ગયેલા બિજોરાના ઝાડને પાણી ફરી તાજું કરે છે, તેમ એ રીતે આપેલી તક જ આપણને ફરી તાજો કરે છે. ।। ૩૧૧ ।।
ક્રિયા, વિષયચિંતન અને વાસનાનો ત્યાગ – Page – 83
જે માણસ દેહને જ આત્મા માની બેઠો છે, એને જ અનેક પ્રકારની ઈચ્છાઓ થાય છે; પણ જેને દેહની સાથે સંબંધ જ ન હોય, તેને વિષયની ઈચ્છા કેમ થાય ? (આત્મા સિવાય બીજી વસ્તુઓ પણ જગતમાં છે, એવી ) ભેદબુદ્ધિથી જ વિષયનું ચિંતન થાય છે અને એ જ સંસારબંધનનું કારણ છે. ।। ૩૧૨ ।।
Page – 84
કાર્યોને વધાર્યે જવાથી જ તેનાં બીજની પણ વૃદ્ધિ દેખાય છે; ( જેમ વૃક્ષોનો વધારો થાય તેમ તેનાં બીજ પણ વધે જ ) અને કાર્યોનો નાશ કરવાથી તેઓનાં બીજ પણ નાશ પામે છે; માટે ( સૌની પહેલાં ) કાર્યો જ બંધ કરી દેવાં. ।। ૩૧૩ ।।
વળી વાસના વધવાથી જ કાર્યો વધે છે અને કાર્યો વધવાથી વાસના વધે છે; આમ થતાં મનુષ્યનો સંસાર સર્વ પ્રકારે વધે જ છે; પણ અટકતો નથી. ।। ૩૧૪ ।।
માટે સંયમી માણસે સંસારરૂપી બંધનને કાપવા માટે વાસના અને કાર્ય એ બન્નેને બાળી નાખવાં જોઈએ; કેમ કે મનના વિચાર અને બહારની ક્રિયા, એ બન્નેથી જ ( વિષયોની ) વાસના વધે છે. ।। ૩૧૫ ।।
( એમ ) એ બન્નેથી વધતી તે વાસના આત્માને સંસાર ઉત્પન્ન કરે છે, માટે હરકોઈ અવસ્થામાં ( વિષયવાસના, વિષયોનો વિચાર અને વિષયો માટેની બહારની ક્રિયા ) એ ત્રણેનો નાશ કરવાનો આ ઉપાય હમેશાં કરવો જોઈએ. દરેક ઠેકાણે, દરેક રીતે, માત્ર બ્રહ્મરૂપે જોવું, એ બ્રહ્મવાસના છે; એ બ્રહ્મવાસના દ્રઢ થવાથી ઉપર જણાવેલી ત્રણે વસ્તુ નાશ પામે છે. ।। ૩૧૬ ।। ।। ૩૧૭ ।।
Page – 85
ક્રિયાઓનો નાશ થયાં વિષયના ચિંતનનો નાશ થાય છે અને એ વિષયચિંતનનો નાશ થતાં વાસના પણ નાશ પામે છે, એમ વાસનાનો જે નાશ, એ જ મોક્ષ છે; અને એ જ જીવનમુક્તિ કહેવાય છે. ।। ૩૧૮ ।।
અરૂણનું અજવાળું થતાં જ જેમ રત્ન વિના ઘોર અંધારી રાતનો સારી રીતે નાશ થાય છે, તેમ બ્રહ્મવાસના પ્રકટ થતાં જ મોટામાં મોટી પણ અહંકાર વગેરેની વાસના નાશ પામે છે. ।। ૩૧૯ ।।
જેમ સૂર્ય ઊગ્યા પછી અંધારૂં કે અંધારામાં થતા ‘ચોરી’ વગેરે અનર્થ દેખાતા જ નથી, તેમ અદ્વૈતઆત્માના આનંદનો રસ અનુભવ્યા પછી સંસારરૂપ બંધન કે દુઃખની ગંધ પણ રહેતાં નથી જ. ।। ૩૨૦ ।।
તારૂં પ્રારબ્ધ ( કરેલાં ) કર્મરૂપ બંધન હજી જો બાકી હોય તો દેખાતા આ જગતને બ્રહ્મની અંદર સમાવવાનો પ્રયત્ન કર; તથા બહાર અને ચિત્તની અંદર સાવધાન રહી પોતાના આનંદમય સ્વરૂપનું ચિંતન કરતો સમય વિતાવ. ।। ૩૨૧ ।।
પ્રમાદના ત્યાગની જરૂર – Page – 86
બ્રહ્મ વિષે સ્થિતિ કરવામાં ક્યારેય ભૂલ ન કરવી; કારણ કે બ્રહ્માના પુત્ર ભગવાન સનત્કુમારે કહ્યું છે કે, ‘ભૂલ એ મરણ જ છે.’ ।। ૩૨૨ ।।
સમજુ માણસે બ્રહ્મચિંતનમાં ભૂલ કરવી; એનાથી બીજું કોઈ નુકસાન નથી; કારણ કે એથી મોહ ઊપજે છે; મોહથી બુદ્ધિ અહંકારયુક્ત થાય છે; તેથી બંધન અને તેથી દુઃખ થાય છે. ।। ૩૨૩ ।।
જેમ કોઈ કુલટા સ્ત્રી તેના જાર પુરૂષને બુદ્ધિના દોષને લીધે ભમાવી મૂકે છે, તેમ માણસ વિદ્વાન હોય, તોપણ જો વિષયોમાં જોડાય, તો તેને આત્માની વિસ્મૃતિ, બુદ્ધિના દોષોને લીધે ભમાવી મૂકે છે. ।। ૩૨૪ ।।
જેમ પાણી ઉપરની ઘણી શેવાળ ક્ષણ વાર પણ દૂર થતી નથી, પરંતુ પથરાઈને પાણીને ઢાંકી દે છે તેમ આત્માનો વિચાર ન કરનાર માણસ વિદ્વાન હોય તોપણ માયા એને ઘેરી લે છે. ।। ૩૨૫ ।।
Page – 87
જેમ હાથમાંથી છૂટી પડેલો રમવાનો દડો સીડી ઉપર પડતાં એક પછી એક પગથિયાં ઊતરતો ઠેઠ નીચે પડે છે, તેમ ચિત્ત પ્રમાદને લીધે આત્મચિંતનથી ચૂકીને લગાર પણ વિષયોમાં પડી જાય, તો ત્યાંથી પડતું પડતું છેક અધોગતિએ પહોંચે છે. ।। ૩૨૬ ।।
વિષયોમાં પેસતું ચિત્ત એના ગુણોનો જ વિચાર કરે છે; અને એમ નિરંતર ચિંતન કરવાથી એ વિષયોની ઈચ્છા કરે છે; અને પછી એ ઈચ્છા પૂરી કરવા માટે માણસ પ્રવૃત્તિ કરે છે. ।। ૩૨૭ ।।
પછી માણસ આત્માનું સ્વરૂપ ચૂકે છે અને એમ ચૂકેલો તે અધઃપતન પામે છે. એ રીતે પડેલા તે માણસનો નાશ થયા વિના ફરી તેનું ઉપર ચઢવું દેખાતું નથી; માટે દરેક અનર્થનું કારણ સંકલ્પ ( વિષયોના વિચાર ) નો ત્યાગ કરવો. ।। ૩૨૮ ।।
માટે વિવેકી અને બ્રહ્મજ્ઞાની માણસને આત્માના ચિંતનમાં પ્રમાદ ( આળસ – આત્મચિંતનનું વિસ્મરણ ) વિના બીજું કોઈ મરણ નથી – પ્રમાદ એ જ તેનું મરણ છે, ચિત્તને આત્મચિંતનમાં જોડનાર માણસ જ મુક્તિને પામે છે; માટે તું સાવધાન બની ચિત્તને આત્મામાં જ લગાડી દે. ।। ૩૨૯ ।।
ભેદદ્રષ્ટિનો ત્યાગ – Page – 88
જેની જીવતાં જ મુક્તિ થઈ હોય, તે જ દેહ પડ્યા પછી શુદ્ધ બ્રહ્મસ્વરૂપ થાય છે; માટે જીવતાં જે થોડો પણ બ્રહ્મ વિષે ભેદ ( બ્રહ્મ સિવાય પણ બીજું કાંઈ છે, એમ ) જુએ છે, તેને ફરી જન્મ – મરણનો ભય છે જ, એમ યજુર્વેદ કહે છે. ।। ૩૩૦ ।।
હરકોઈ સમયે એ જ્ઞાની અનંત બ્રહ્મમાં જરા પણ ભેદ જુએ છે, એટલે તે જ વખતે તેને સંસારનો ભય પ્રાપ્ત થાય જ છે; કારણ કે પ્રમાદથી ભેદદ્રષ્ટિ થવાને લીધે જ સંસારનો ભય દેખાય છે. ।। ૩૩૧ ।।
વેદ, સ્મૃતિ અને સેંકડો યુક્તિઓથી આ દેખાતું જગત મિથ્યા કહેવાયું છે; છતાં દેહ વગેરે પદાર્થો ઉપર જે આત્મબુદ્ધિ કરે છે, તે ન કરવાનું કરનાર ચોરની પેઠે ઉપરાઉપરી દુઃખો પામે છે. ।। ૩૩૨ ।।
જે માણસ સત્ય-બ્રહ્મનું જ ચિંતન કરે છે, એ મુક્ત થઈને સદાકાળની પોતાની મોટાઈને પામે છે; પણ જે મિથ્યા જગતનું જ ચિંતન કરે છે, તે નાશ પામે છે; આ વસ્તુ સજ્જન અને ચોરમાં દેખાય છે. ( સજ્જન માણસ સાચું જ વિચારે છે, બોલે છે અને આચરે છે; તેથી લોકમાં પ્રમાણિક મનાઈને આનંદ કરે છે; પણ ચોર ખોટું ને ખરાબ જ વિચારે છે, બોલે છે ને આચરે છે; તેથી જેલ ભેગો થઈ દુઃખી થાય છે. ) ।। ૩૩૩ ।।
Page – 89
માટે જીતેન્દ્રિય મનુષ્યે સંસારબંધનનું કારણ ખોટા સંકલ્પો અને ભેદદ્રષ્ટિ તજીને ‘ હું સાક્ષાત્ બ્રહ્મ જ છું ’ એમ આત્મદ્રષ્ટિ કરીને જ રહેવું જોઈએ; કરાણ કે પોતાના અનુભવથી થયેલો બ્રહ્મ વિષેનો પ્રેમ સુખ આપે છે અને માયાના પ્રપંચથી ઊપજેલાં જાણીતાં દુઃખ દૂર કરે છે. ।। ૩૩૪ ।।
દુનિયાના વિષયનું ચિંતન, દુષ્ટ વાસનારૂપ ફળને અધિકાધિક વધાર્યે જાય છે; માટે વિવેકજ્ઞાનથી આત્માનું સ્વરૂપ સમજીને દુનિયાના પદાર્થો છોડી હમેશાં પોતાના આત્માનું જ ધ્યાન કરવું. ।। ૩૩૫ ।।
બહારના વિષયો ત્યજતાં મન નિર્મળ થાય છે અને મન શુદ્ધ થતાં પરમાત્માનું દર્શન થાય છે; અને તે પરમાત્માનું દર્શન સારી રીતે થયા પછી સંસારરૂપ બંધન નાશ પામે છે; આમ બહારના વિષયો છોડવા એ જ મુક્તિનો માર્ગ છે. ।। ૩૩૬ ।।
Page – 90
કયો બુદ્ધિમાન સત્ – અસત્ પદાર્થોને સમજતો હોય, વેદનાં વચનોને માનતો હોય, પરમ સત્ય આત્મતત્ત્વને જોતો હોય અને મુક્તિને ઈચ્છતો હોય, છતાં જાણી જોઈને બાળકની પેઠે પોતાના પતન માટે મિથ્યા પદાર્થોમાં ફસાય ? ।। ૩૩૭ ।।
જેને દેહ વગેરે જડ પદાર્થો ઉપર મોહ હોય, તેની મુક્તિ થતી નથી; અને જે જીવતાં જ મુક્તિ પામ્યો હોય, તેની દેહ વગેરે પદાર્થો ઉપર ‘હું પણું’ થતું નથી; જેમ ઊંઘતા માણસને જાગ્રત અવસ્થાની ખબર હોતી નથી; અને જે જાગે છે, તેને સ્વપ્ન આવતાં નથી; કારણ કે એ બેય અવસ્થાઓ ( બંધ-મોક્ષ તથા સ્વપ્ન-જાગ્રત ) જુદા જુદા ગુણવાળી છે. ।। ૩૩૮ ।।
જીવનમુક્ત કોણ ? – Page – 90
સ્થાવર અને જંગમ દરેક પદાર્થમાં અંદર અને બહાર પોતાને જ જ્ઞાનસ્વરૂપે તથા આધારરૂપે રહેલો જે જુએ છે અને દરેક ઉપાધિ છોડી અખંડ અને પરિપૂર્ણ આત્મારૂપે જે રહ્યો હોય, એ જીવતાં જ મુક્ત છે. ।। ૩૩૯ ।।
આત્મપ્રેમ – Page – 90
દરેક ઉપર આત્મદ્રષ્ટિ કરવી, એ જ સંસારબંધનથી છૂટવામાં કારણ છે; આ સર્વત્મભાવથી બીજો કોઈ ઉપાય નથી; અને દરેક ઉપરની એ આત્મદ્રષ્ટિ દેખાતા પદાર્થોનું ગ્રહણ ન થાય; પણ હમેશાં આત્મામાં જ સ્થિતિ કરવામાં આવે ત્યારે થાય છે. ।। ૩૪૦ ।।
Page – 91
જે માણસ દેહને જ આત્મા માને અને દુનિયાના પદાર્થોનો અનુભવ કરવામાં જ આસક્ત મનવાળો રહી તે તે ક્રિયા કર્યા કરે, તેને ‘આ સંસાર છે જ નહિ’ એમ ક્યાંથી સમજાય ? માટે નિત્ય આનંદને ઈચ્છતા તત્ત્વવેત્તાઓએ દરેક ધર્મ., કર્મ અને વિષયોનો ત્યાગ કરી નિરંતર આત્મા ઉપર જ પ્રેમ કરવો અને આત્માની અંદર દેખાતું આ જગત યત્નથી ગ્રહણ ન કરવું. ।। ૩૪૧ ।।
જેણે વેદાંતશ્રવણ કર્યું હોય, એવા સંન્યાસીને દરેક ઉપર આત્મદ્રષ્ટિ થવા માટે વેદ આવી સમાધિ શીખવે છે. કે તેણે શમ, દમ અને ઉપરતિવાળા થવું. ( એટલે ચિત્તને શાંત કરવું, ઇંદ્રિયોને વિષયોથી રોકવી, ચિત્તની વૃત્તિને સ્થિર કરવી; તેમ જ સહન કરતાં શીખવું અને મનને સ્થિર કરી અંતઃકરણમાં જ આત્માને જોવો. ) ।। ૩૪૨ ।।
‘અહંકારનો ત્યાગ’ ઘણો જ મુશ્કેલ છે – Page – 91
જેની શક્તિ જામેલી છે, એવા અહંકારનો એકદમ નાશ કરવો તે પંડિતો માટે પણ શક્ય નથી; કેમ કે જેઓ નિર્વિકલ્પ સમાધિમાં નિશ્ચળ થયા હોય છે, તેવા પુરૂષોને પણ અનંત જન્મોની વાસનાઓ વચ્ચે વચ્ચે આવી જાય છે. ।। ૩૪૩ ।।
‘ વિક્ષેપશક્તિ ‘ નું બળ – Page – 92
રજોગુણની ‘વિક્ષેપ’ શક્તિ તમોગુણની ‘આવરણ’ શક્તિના બળથી માણસને મોહ પમાડનારી અહંકારબુદ્ધિ સાથે જોડી દઈ તેના ગુણોથી ભમાવે છે. ।। ૩૪૪ ।।
‘ આવરણશક્તિ ‘ નું બળ – Page – 92
‘આવરણ’ શક્તિને સંપૂર્ણ દૂર કર્યા વગર ‘વિક્ષેપ’ શક્તિને જીતવી કઠણ છે. જેમ દૂધ અને પાણી એ જુદી જુદી વસ્તુ છે, તેમ આત્મા અને જગત એ બંને જુદી જુદી વસ્તુ છે, એવું સ્પષ્ટ જ્ઞાન થયા પછી આત્મા ઉપર જામેલી ‘આવરણ’ શક્તિ પોતાની મેળે જ નાશ પામે છે. પછી જૂઠા સાંસારિક પદાર્થો ઉપર મોહ ન ઊપજે, તો અવશ્ય સંસારરૂપ બંધનથી રહિત થાય છે. ।। ૩૪૫ ।।
વિવેકથી મુક્તિ – Page – 93
આ આત્મા એ દ્રષ્ટા ( જગતને જોનાર ) છે અને આ જડ પદાર્થો એ દ્રશ્ય છે – આ વિભાગ કરી સ્પષ્ટ જ્ઞાનથી ઊપજેલો ઉત્તમ વિવેક માયાએ કરેલું મોહબંધન કાપી નાખે છે, જેથી મુક્ત થયેલા માણસને ફરી સંસાર પ્રાપ્ત થતો નથી. ।। ૩૪૬ ।।
સત્ય જ્ઞાન – Page – 93
બ્રહ્મ અને આત્મા એક જ છે, એ જ્ઞાનરૂપ અગ્નિ માયારૂપી વનને સંપૂર્ણ બાળી નાખે છે; પછી એ અદ્વૈત ( આત્મા અને બ્રહ્મની એકતા ) ભાવને પામેલા જીવમાં ફરી સંસારનું બીજ શું થાય છે ? ( નથી જ થતું. ) ।। ૩૪૭ ।।
આત્મારૂપ ઉત્તમ પદાર્થના દર્શનથી ( માયાનું ) આવરણ દૂર થાય છે, એથી મિથ્યાજ્ઞાનનો નાશ થાય છે અને ‘વિક્ષેપ’ શક્તિથી ઊપજતું દુઃખ અટકી જાય છે. ।। ૩૪૮ ।।
માણસ જ્યારે સમજે છે કે, હું જેને સાપ માનતો હતો, તે સાપ ન હતો, પણ દોરડું જ હતું, ત્યારે દોરડાનું અજ્ઞાન ( આવરણ ), સર્પનો ભ્રમ ( મિથ્યાજ્ઞાન ) અને સર્પથી બીક ( વિક્ષેપ ) – એ ત્રણેનો નાશ દેખાય છે; માટે આ સંસારબંધનથી છૂટવા સારૂ વિદ્વાને આત્મવસ્તુના રહસ્યને જાણવું જોઈએ. ।। ૩૪૯ ।।
Page – 94
જેમ અગ્નિના સંબંધથી ( તપેલું ) લોઢું અગ્નિ જેવું જ દેખાય છે, તેમ આત્માના સંબંધથી જ બુદ્ધિ આત્માના ધર્મવાળી ( દ્રષ્ટા, દર્શન અને દ્રશ્યરૂપે ) દેખાય છે; પણ ભ્રાંતિ, સ્વપ્ન અને મનના વિચારો વખતે બુદ્ધિનું જ્ઞાન ખોટું જ દેખાય છે, તેથી સાબિત થાય છે કે બુદ્ધિનું કાર્ય ( એ દ્રષ્ટા આદિ ત્રણે ) ખોટું છે. ।। ૩૫૦ ।।
માટે અહંકારથી માંડી દેહ સુધીના માયાના સર્વ વિકારો અને વિષયો ક્ષણે ક્ષણે બદલાતા હોવાથી જૂઠા છે અને આત્મા કદી બદલાતો નથી; માટે એ સત્ય છે. ।। ૩૫૧ ।।
‘હું’ એમ કહેવાથી જે સમજાય છે, એ આનંદ સ્વરૂપ પરમાત્મા તો સદા એક અખંડ, ચેતન એક જ રૂપવાળો, બુદ્ધિ વગેરેનો સાક્ષી, સત્-અસતથી જુદો, દરેકમાં વ્યાપ્ત અને સદા આનંદપૂર્ણ છે. ।। ૩૫૨ ।।
આમ વિદ્વાન માણસ સત્ અને અસતનો ભેદ સમજી પોતાની જ્ઞાનદ્રષ્ટિથી તત્વવસ્તુનો નિશ્ચય કરી પોતાના આત્માને અખંડ જ્ઞાનસ્વરૂપ જાણી માયાના પદાર્થોથી છૂટો થાય છે અને પોતાની મેળે જ શાંત થાય છે. ।। ૩૫૩ ।।
અજ્ઞાનનો નાશ ક્યારે ? – Page – 95
જ્યારે નિર્વિકલ્પ સમાધિથી અદ્વૈત આત્મસ્વરૂપનું દર્શન થાય છે, ત્યારે અજ્ઞાનરૂપી હ્રદયની ગાંઠનો સંપૂર્ણ નાશ થાય છે. ।। ૩૫૪ ।।
સમાધિની જરૂર – Page – 95
એક જ અને વિશેષ – નામરૂપ વગરના પરમાત્મામાં બુદ્ધિના દોષથી જ ‘હું, તું આ દુનિયા’ વગેરે કલ્પના થાય છે; પરંતુ એ સર્વ વિકલ્પ સમાધિમાં આત્મતત્વનો નિશ્ચય થવાથી નાશ પામે છે. ।। ૩૫૫ ।।
સંયમી પુરૂષ ચિત્તની શાંતિ રાખે છે, ઈંદ્રિયોને વશ કરે છે; વિષયોથી દૂર રહે છે, સૌની ઉપર ક્ષમા રાખે છે અને સમાધિનો નિરંતર અભ્યાસ કરે છે; તેથી ‘બધું આત્મારૂપ જ છે’ એમ સમજે છે અને તે દ્વારા માયાના અધકારથી ઊપજેલા તર્ક – વિતર્કને દૂર કરી ક્રિયારહિત અને સંશયરહિત થઈ સુખપૂર્વક બ્રહ્મરૂપે રહે છે. ।। ૩૫૬ ।।
Page – 96
જેઓ બહારની ઈંદ્રિયોને, ચિત્તને અને પોતાના અહંકારને ચેતન આત્માની અંદર સમાવી દઈ સમાધિમાં રહે છે, તેઓ જ સંસારરૂપ પાશના બંધનમાંથી છૂટી ગયેલા છે; પણ બીજા ઉપર ઉપરની વાતો જ કરનારા સંસારથી છૂટતા નથી. ।। ૩૫૭ ।।
અંતઃકરણ વગેરે ઉપાધિના ભેદથી જ આત્મામાં ભેદ જણાય છે; પણ ઉપાધિઓ દૂર થતાં પોતાની મેળે જ આત્મા એકલો થઈ રહે છે; માટે ઉપાધિઓનો નાશ કરવા સારૂ વિદ્વાને હમેશાં દરેક વિચાર છોડી ( નિર્વિકલ્પ ) સમાધિમાં જ રહેવું. ।। ૩૫૮ ।।
એકનિષ્ઠાથી હમેશાં બ્રહ્મનું જ ધ્યાન કરતો માણસ બ્રહ્મસ્વરૂપ થાય છે; જેમ કીડો ( પોતાને પકડીને મારી નાખનાર ) ભમરીનું ધ્યાન કરતો ભમરી બની જાય છે. ।। ૩૫૯ ।।
જેમ બીજી ક્રિયાઓ છોડી માત્ર ભમરીનું જ ધ્યાન કરતો કીડો ભમરી બની જાય છે, તેમ યોગી પરમાત્મારૂપ તત્ત્વનું ધ્યાન કરી તેમાં જ સ્થિતિ કરવાથી તેમને જ પામે છે. ।। ૩૬૦ ।।
Page – 97
પરમાત્મારૂપ તત્ત્વ અતિશય સૂક્ષ્મ છે, તેથી સ્થૂળ બુદ્ધિથી તે સમજી શકાતું નથી; આથી અતિ પવિત્ર બુદ્ધિવાળા ઉત્તમ માણસોએ એ તત્ત્વને સમાધિ દ્વારા અતિશય સૂક્ષ્મ બુદ્ધિથી સમજવું જોઈએ. ।। ૩૬૧ ।।
જેમ કોડિયામાં નાખી અગ્નિમાં શુદ્ધ કરેલુ સોનું કચરો દૂર કરી પોતાના મૂળ ગુણને પામે છે, તેમ મન પણ ધ્યાન દ્વારા તત્ત્વ, રજ અને તમરૂપી મેલને તજી આત્મતત્ત્વને પામે છે. ।। ૩૬૨ ।।
નિરંતરના અભ્યાસથી જ્યારે મન બ્રહ્મમાં જ લીન થાય છે, ત્યારે પોતાની મેળે જ બ્રહ્માનંદના રસનો અનુભવ કરાવનારી નિર્વિકલ્પ ( બીજા વિચારો વિનાની ) સમાધિ સિદ્ધ થાય છે. ।। ૩૬૩ ।।
એ નિર્વિકલ્પ સમાધિથી સર્વે વાસનારૂપ ગાંઠ છૂટી જાય છે અને બધાં કર્મોનો નાસ થાય છે. પચી બહાર અને અંદર – બધે વિના પ્રયત્ને સર્વદા આત્મસ્વરૂપનો પ્રકાશ થાય છે. ।। ૩૬૪ ।।
વેદાન્તશાસ્ત્ર સાંભળવા કરતાં એનું મનન-ચિંતન સોગણું ઉત્તમ છે; અને તેના કરતાં પણ નિદિધ્યાસન ( આત્મભાવનાને ચિત્તમાં વારંવાર સ્થિર કરવી તે ) લાખગણું ઉત્તમ છે; અને એનાથી પણ નિર્વિકલ્પ ( કોઈ પણ જાતના વિચાર વિનાની ) સમાધિ અનંતગણી ઉત્તમ છે ( કારણ કે એ સમાધિ પ્રાપ્ત થતાં ચિત્ત કદી ચંચળ થતું નથી ). ।। ૩૬૫ ।।
Page – 98
નિર્વિકલ્પ સમાધિથી ચોક્કસ બ્રહ્મતત્ત્વનું સ્પષ્ટ જ્ઞાન થાય છે; બીજી કોઈ રીતે એવું જ્ઞાન થતું નથી; કારણ કે સમાધિ સિવાય બીજી અવસ્થામાં ચિત્તની ગતિ ચંચળ રહેવાથી તે બીજા વિચારોથી મિશ્ર રહે છે. ।। ૩૬૬ ।।
માટે નિરંતર ઈંદ્રિયોને વશ કરી, શાંત મનવાળો થઈ અંતરાત્મામાં ચિત્ત સ્થિર કર; અને બ્રહ્મમાં આત્માની એકતા જોઈને અનાદિ માયાથી ઊપજેલા અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કર. ।। ૩૬૭ ।।
યોગનો પહેલો દરવાજો – Page – 98
વાણીને નિયમમાં રાખવી, કોઈ વસ્તુનો સંગ્રહ ન કરવો, આશારહિત થવું, સર્વ ઈચ્છાનો ત્યાગ કરવો અને હમેશાં એકાંતમાં રહેવું – એ યોગનું પહેલું દ્વાર છે. ।। ૩૬૮ ।।
Page – 99
એકાંતમાં રહેવું, તે ઈંદ્રિયો વશ થવામાં કારણ છે; તે વશ થવાથી મન વશ થાય છે; મન વશ થવાથી અહંકારની વાસના નાશ પામે છે અને વાસનાનો નાશ થતાં બ્રહ્માનંદના રસનો અચળ અનુભવ યોગીને સદા થાય છે; માટે મનનશીલ મનુષ્યે હમેશાં ચિત્તને વશ કરવામાં જ પ્રયત્ન કરવો. ।। ૩૬૯ ।।
તું વાણીને મનમાં, મનને બુદ્ધિમાં અને બુદ્ધિને તેના સાક્ષી આત્મામાં લીન કરી દે; અને પછી તેનો પણ નિર્વિકલ્પ બ્રહ્મમાં લય કરી પરમ શાંતિને પામ. ।। ૩૭૦ ।।
શરીર, પ્રાણ, ઈંદ્રિય, મન, બુદ્ધિ વગેરે જે જે ઉપાધિઓ સાથે ચિત્તની વૃત્તિ જોડાય છે, તે તે ભાવ યોગીને થાય છે ( તેથી આત્મસ્વરૂપનું વિસ્મરણ થાય છે. ) ।। ૩૭૧ ।।
માટે એ બધી ઉપાધિઓથી ચિત્તવૃત્તિને રોકવાથી જ યોગીને પૂર્ણ શાંતિનું સુખ બરાબર દેખાય છે અને સદા બ્રહ્માનંદના રસના અનુભવથી પોતે તરબોળ બને છે. ।। ૩૭૨ ।।
વૈરાગ્ય – Page – 99
જેને વૈરાગ્ય ઊપજ્યો હોય, તે જ અંદરના વિષયોની વાસનાઓનો અને બહારના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ વગરે વિષયોનો ત્યાગ કરી શકે છે; કારણ કે એવો વિરક્ત જ મુક્તિની ઈચ્છાથી અંદરના તથા બહારના વિષયોનો સંગ તજે છે. ।। ૩૭૩ ।।
Page – 100
વળી બ્રહ્મમાં સ્થિર થયેલો વિરક્ત જ બહારના વિષયોનો અને અંદરના અહંકાર વગેરેનો સંગ તજવા સમર્થ થાય છે.
।। ૩૭૪ ।।
હે વિદ્વાન ! જેમ પક્ષીને બે પાંખો હોય છે, તેમ માણસને પણ વૈરાગ્ય અને જ્ઞાન બે પાંખો જેવાં તું જાણ; કારણ કે એ વિના બીજા કોઈ પણ સાધનથી મુક્તિરૂપી મહેલના છેક ઉપરના માળે ચઢવું બની શકતું નથી. ।। ૩૭૫ ।।
જેનો વૈરાગ્ય દ્રઢ – સ્થિર હોય, તેને જ સમાધિ થાય છે; જેને સમાધિ થતી હોય, તેને જ દ્રઢ જ્ઞાન થાય છે; જેણે એ જ્ઞાનથી તત્ત્વ જાણ્યું હોય, તે જ સંસારરૂપ બંધનમાંથી છૂટે છે; અને જે એ બંધનમાંથી છૂટ્યો હોય, તેને જ નિત્યસુખનો અનુભવ થાય છે. ।। ૩૭૬ ।।
જેણે મન જીત્યું હોય, તેને વૈરાગ્યથી બીજું સુખકારક હું દેખતો નથી; અને તે પણ અતિ શુદ્ધ આત્મજ્ઞાનવાળું જો થયું હોય, તો સ્વર્ગના સામ્રાજ્યનું સુખ આપે છે. મુક્તિરૂપી યુવતીનું બારણું આ જ છે; માટે હે વત્સ ! કલ્યાણ સારૂ તું બધે નિઃસ્પૃહ થઈ સદા સત્ – આત્મામાં જ બુદ્ધિ કર. ।। ૩૭૭ ।।
Page – 101
ઝેરના જેવા વિષયોની આશા તું છોડી દે; કારણ કે એ જ મૃત્યુનો માર્ગ છે; અને જાતિ, કુળ તથા આશ્રમ વગેરેનું અભિમાન છોડી દરેક ક્રિયાઓને અતિ દૂરથી જ તજી દે; દેહ વગેરે મિથ્યા પદાર્થો ઉપરની આત્મબુદ્ધિ દૂર કર અને આત્મામાં જ બુદ્ધિ કર; કારણ કે ખરી રીતે તું પોતે જ આ બધા પદાર્થોનો દ્રષ્ટા, નિર્મળ અને એક જ પરબ્રહ્મ છે. ।। ૩૭૮ ।।
ધ્યાનની રીત – 101
ચિત્તને બ્રહ્મરૂપ લક્ષ્યમાં જ અતિ દ્રઢ સ્થાપી, કર્મેંદ્રિયોને તેના વિષયોથી ખેંચી લઈ, પોતપોતાને ઠેકાણે જ સ્થિર કર; શરીરને સ્થિર રાખી એની સ્થિતિ તરફ ધ્યન ન દે; આમ બ્રહ્મ અને આત્માની એકતા પામીને નિરંતર તન્મય થઈ આત્મામાં જ અખંડ વૃ્ત્તિ વડે આનંદથી બ્રહ્મનો આનંદરસ પી; બીજી નકામી ભ્રમણાઓથી શું ફળ છે ? ।। ૩૭૯ ।।
Page – 102
જગતના વિષયોનું ચિંતન કરવું, એ જ દુઃખનું કારણ મોહ છે; માટે તેને તજી આનંદસ્વરૂપ આત્માનું ધ્યાન કર; કેમ કે એ જ મુક્તિનું કારણ બનશે. ।। ૩૮૦ ।।
આ સ્વયંપ્રકાશ અને સૌનો સાક્ષી આત્મા વિજ્ઞાનમય કોશમાં નિરંતર વિશેષ પ્રકાશે છે; તે અનિત્ય પદાર્થોથી જુદો છે; એને જ ધ્યાનનું લક્ષ્ય બનાવી અખંડ વૃત્તિથી આત્મારૂપે તું ચિંતવ. ।। ૩૮૧ ।।
બીજા બધા વિચારો વિનાની અખંડ વૃત્તિથી, એ એક જ આત્માનું ચિંતન કરતાં કરતાં, એને જ પોતાનું સ્પષ્ટ સ્વરૂપ સમજવું. ।। ૩૮૨ ।।
અહંકાર વગેરે ઉપર આત્મબુદ્ધિ તજી દઈ એ આત્મા ઉપર જ આત્મબુદ્ધિને સ્થિર કરી ઘડો, કપડાં વગેરે બીજા ( જડ ) પદાર્થોની જેમ એ અહંકાર વગેરે તરફ ઉદાસીનપણે રહેવું. ।। ૩૮૩ ।।
આત્મદ્રષ્ટિ – Page – 102
સાક્ષી અને જ્ઞાનસ્વરૂપ આત્મામાં જ શુદ્ધ અંતઃકરણ લગાડીને ધીરે ધીરે સ્થિર કરી, છેવટે પોતાને જ પૂર્ણ સ્વરૂપે જોવો. ।। ૩૮૪ ।।
Page – 103
માત્ર અજ્ઞાનને લીધે જ જણાતા દેહ, ઈંદ્રિય, પ્રાણ, મન અને અહંકાર વગેરે બધી ઉપાધિઓથી રહિત, અખંડ અને પૂર્ણ આત્મતત્વને જ આકાશની પેઠે બધે રહેલું જોવું. ।। ૩૮૫ ।।
જેમ આકાશ લોટામાં, ઘડામાં, કોઠીમા, સોયના નાકામાં વગેરે દરેક ઠેકાણે રહ્યું છે, છતાં તે તે ઉપાધિઓથી રહિત હોઈ એક જ છે – તે અનેક પ્રકારનું થતું નથી જ, તેમ અહંકાર, દેહ વગેરે ઉપાધિઓથી રહિત શુદ્ધ આત્મા એક જ છે – તે અનેક પ્રકારનો કદી થતો જ નથી. ।। ૩૮૬ ।।
બ્રહ્માથી માંડી ઘાસના થૂમડા સુધીની દરેક ઉપાધિ ખોટી જ છે; માટે પોતાના આત્માને પૂર્ણ એક જ સ્વરૂપે રહેલો જોવો. ।। ૩૮૭ ।।
જે વસ્તુમાં ભ્રાંતિથી બીજી કલ્પિત વસ્તુ જણાઈ હોય તે મૂળ વસ્તુનું જ્ઞાન થતાં પેલી ભ્રમથી ઊપજેલી કલ્પિત વસ્તુ તેથી જુદી હતી જ નહિ – માત્ર મૂળ વસ્તુ જ હતી, એમ સમજાય છે. જેમ ભ્રાંતિ નાશ પામ્યા પછી દોરડામાં દેખાયેલો સર્પ માત્ર દોરડી રૂપે જ દેખાય છે, તેમ અજ્ઞાન નાશ પામ્યા પછી આત્માની અંદર દેખાયેલું કલ્પિત જગત માત્ર આત્મતત્વરૂપે જ જણાય છે. ।। ૩૮૮ ।।
Page – 104
પોતે જ બ્રહ્મા છે, પોતે જ વિષ્ણુ છે, પોતે જ ઈંદ્ર છે, પોતે જ શિવ છે, પોતે જ આખું વિશ્વ છે; પોતાથી જુદું કાંઈ છે જ નહિ. ।। ૩૮૯ ।।
પોતે જ અંદર છે, પોતે જ બહાર છે, પોતે જ આગળ છે, પોતે જ પાછળ છે; પોતે જ જમણી તરફ છે, પોતે જ ડાબી તરફ છે, પોતે જ ઊંચે છે અને પોતે જ નિચે છે. ।। ૩૯૦ ।।
જેમ પાણીનાં મોજાં, ફીણ, ( તેમાં પડતી ) ઘૂઘરી, પરપોટા વગેરે બધું સ્વરૂપે તો પાણી જ છે, તેમ દેહથી માંડી અહંકાર સુધીનું આ આખું જગત કેવળ ચેતનરૂપ રસવાળું શુદ્ધ ચેતનરૂપ રસવાળું શુદ્ધ ચેતન જ છે. ।। ૩૯૧ ।।
મન અને વાણીથી અનુભવાતું આ આખું જગત સત્ – સ્વરૂપ જ છે. જે મનુષ્ય માયાથી પર રહેલા આત્માના સ્વરૂપમાં જ સ્થિત થયો હોય, તેની દ્રષ્ટિએ સત્ સિવાય બીજું કંઈ છે જ નહિ. કલશ, ઘડો, કુંભ આદિ નામોથી જણાયેલું રૂપ માટીથી જુદું શું છે ? કંઈ જ નથી. જે મનુષ્ય માયારૂપી મદિરાથી ભમી ગયો હોય, તે જ ‘હું’ અને ‘તું’ એવી ( ભેદવાળી ) વાણી બોલે છે. ।। ૩૯૨ ।।
Page – 105
‘આ જગત’ અને ‘આ બ્રહ્મ’ એવો ભેદ છે જ નહિ – એ બન્ને એક જ છે. આ રીતે વેદ પોતે એ ખોટો ભ્રમ દૂર કરવા માટે વારંવાર કહે છે. ।। ૩૯૩ ।।
આકાશ જેવું નિર્મળ, કોઈ પણ જાતના ભેદ વગરનું, સીમા વગરનું, અચળ, વિકાર વગરનું, અંદર અને બહાર એવા ભાગ વગરનું, સર્વના આત્મારૂપ અને એક પોતે જ બ્રહ્મ છે; એથી બીજું શું જાણવા જેવું છે ? (કંઈ જ નથી.) ।। ૩૯૪ ।।
આ બાબતમાં વધારે શું કહેવાનું છે ? જીવ પોતે બ્રહ્મ જ છે, અને એ બ્રહ્મ જ જગતરૂપે ફેલાયેલું છે; કારણ કે વેદ પણ કહે છે કે, ‘બ્રહ્મ અદ્વિતીય છે’ – બ્રહ્મ સિવાય બીજું કાંઈ છે જ નહિ. વળી આ ખુલ્લું છે કે, ‘હું બ્રહ્મ છું’ એવા જ્ઞાનને પામેલી બુદ્ધિવાળા પુરૂષો ઈંદ્રિયોના વિષયોને તજી બ્રહ્મરૂપ થઈને સદા – સત્ – ચિત્ – આનંદ – સ્વરૂપે જ રહે છે. ।। ૩૯૫ ।।
Page – 106
કચરાથી ભરેલા આ સ્થૂળ શરીર ઉપર અહંબુદ્ધિથી ઊપજેલી આશાને તું છોડી દે; પછી લગભગ વાયુ જેવા સૂક્ષ્મ શરીર ઉપરની પણ આશા તું છોડી દે; તે પછી વેદ પણ જેની કીર્તિ ગાય છે, એવું આનંદસ્વરૂપ બ્રહ્મ ‘હું પોતે જ છું’ એમ સમજીને બ્રહ્મરૂપે રહે. ।। ૩૯૬ ।।
વેદ પણ એ જ કહે છે કે, ‘ જ્યાં સુધી માણસ મુડદા જેવો પોતાના શરીરને મારૂં માની વળગી રહ્યો છે, ત્યાં સુધી એ અપવિત્ર છે; અને ત્યાં સુધી જન્મ, મરણ તથા રોગોનું ઘર બનેલા તેને બીજાઓથી દુઃખ થાય છે; પણ જ્યારે પોતાને કલ્યાણસ્વરૂપ, અચળ અને શુદ્ધ તરીકે ઓળખે છે, ત્યારે એ બધાંમાંથી છૂટે છે. ’।। ૩૯૭ ।।
પોતાના આત્મામાં માત્ર કલ્પનાથી જણાયેલા બધા આભાસરૂપ પદાર્થોને ત્યજવાથી જીવ પોતે જ એક, અક્રિય અને પરિપૂર્ણ બ્રહ્મ તરીકે રહે છે. ।। ૩૯૮ ।।
જગત છે જ નહિ – Page – 107
જો કોઈ જાતનો ભેદ છે જ નહિ એવા પરમાત્મા પરબ્રહ્મમાં ચિત્તની વૃત્તિ સ્થિર થાય, તો આ કલ્પનારૂપ મિથ્યા જગત દેખાતું જ નથી; અને પછી માત્ર બકવાદરૂપે જ બાકી રહે છે – ખોટું જણાય છે. ।। ૩૯૯ ।।
માત્ર એક જ વસ્તુ બ્રહ્મમાં આ આખું જગત મિથ્યા-કલ્પનારૂપ જ છે; કેમ કે વિકાર, આકાર તથા વિશેષણ વગરના બ્રહ્મમાં જગતરૂપ ભેદ ક્યાંથી હોઈ શકે ! ।। ૪૦૦ ।।
બ્રહ્મરૂપ એક જ વસ્તુ દ્રષ્ટા, દર્શન અને દ્રશ્ય આદિ ભાવથી રહિત છે; તેમ જ વિકાર, આકાર અને વિશેષ ધર્મોથી પણ રહિત છે; તો તેમાં જગતરૂપ ભેદ હોય જ ક્યાંથી ? ।। ૪૦૧ ।।
પ્રલય વખતનો સમુદ્ર જેમ છલોછલ ભરેલો હોય છે, તેમ અત્યંત પરિપૂર્ણ એક જ વસ્તુરૂપ વિકાર, આકાર અને વિશેષ ધર્મોથી રહિત બ્રહ્મમાં જગતરૂપ ભેદ ક્યાંથી હોઈ શકે ? ।। ૪૦૨ ।।
જેમ તેજમાં અંધારૂં નાશ પામે છે, તેમ જ બ્રહ્મમાં ભ્રમનું કારણ – અજ્ઞાન નાશ પામે છે; એ એક જ વિશેષરહિત બ્રહ્મમાં જગતરૂપ ભેદ ક્યાંથી હોય ? ।। ૪૦૩ ।।
Page – 108
વિશેષરહિત એક જ પરમ તત્વમાં ભેદની વાત જ કેમ રહે ? માત્ર સુખરૂપ સુષુપ્તિ અવસ્થામાં ભેદ કોણે જોયો છે ? ( કોઈએ નહિ. ) ।। ૪૦૪ ।।
પરમ તત્વનું જ્ઞાન થયા પછી સત્ સ્વરૂપ અને નિર્વિકલ્પભેદરહિત પરબ્રહ્મમાં આ જગત છે જ નહિ. ભૂત, વર્તમાન અને ભવિષ્ય, ત્રણે કાળે દોરડામાં કોઈએ સર્પ જોયો નથી; અને ઝાંઝવાના જળમાં પાણીનું ટીપું પણ હોતું જ નથી. ।। ૪૦૫ ।।
વેદ પણ કહે છે કે, આ દેખાતો જગતરૂપ ભેદ માત્ર માયા જ છે; ખરી રીતે અદ્વૈત-બ્રહ્મ જ છે. આ વસ્તુ સુષુપ્તિમાં સાક્ષાત્ અનુભવાય છે. ।। ૪૦૬ ।।
દોરડું અને સર્પ વગેરેમાં બુદ્ધિશાળી માણસોએ જોયું છે કે ભ્રાંતિથી દેખાયેલો સર્પ વગેરે દોરડાં વગેરેથી જુદા હોતા નથી ( આ જ રીતે બ્રહ્મમાં જણાતું જગત બ્રહ્મથી જુદું નથી જ ) ભેદનું જીવન ભ્રાંતિ જ છે – ભ્રમ વિના ભેદ ઊપજતો જ નથી. ।। ૪૦૭ ।।
આત્માનું ચિંતન – Page – 109
આ ભેદ દેખાય છે, તે ચિત્તને કારણે જ છે. ચિત્ત ન હોય તો કંઈ જ નથી; માટે પહેલાં ચિત્તને અંતરાત્મા બ્રહ્મમાં સ્થિર કર. ।। ૪૦૮ ।।
વિદ્વાન માણસ નિત્ય જ્ઞાનસ્વરૂપ, કેવળ આનંદરૂપ, ઉપમારહિત, કાળથી પણ નહિ મપાયેલ, સદામુક્ત, ક્રિયા વગરનું, આકાશની પેઠે સીમા વિનાનું, અવયવરહિત વિશેષ ( ભેદ ) રહિત અને પરિપૂર્ણ બ્રહ્મને સમાધિમાં હ્રદય વિષે અનુભવે છે. ।। ૪૦૯ ।।
પ્રકૃતિના વિકારોથી રહિત, કલ્પનાથી રહિત સ્વભાવવાળા, એકરસ, અખંડ, ઉપમારહિત, પ્રમાણો ના અવિષય, વેદનાં વચનોથી સાબિત થયેલ, નિત્ય અને ‘ હું ’ રૂપે પ્રસિદ્ધ પરિપૂર્ણ બ્રહ્મને વિદ્વાન માણસ સમાધિમાં હ્રદય વિષે અનુભવે છે. ।। ૪૧૦ ।।
Page – 110
અજર ( ઘડપણ વિનાનું ), અમર ( નાશરહિત ) આભાસ વસ્તુના જેવા સ્વરૂપ વિનાનું ( સત્ય ), અચળ સમુદ્ર જેવું, નામ – રૂપ વગરનું, ત્રણેય ગુણોના વિકાર વગરનું નિત્ય, શાંત અને એક જ પૂર્ણ બ્રહ્મને વિદ્વાન મનુષ્ય સમાધિમાં હ્રદય વિષે અનુભવે છે. ।। ૪૧૧ ।।
પોતાના સ્વરૂપમાં અંતઃકરણને સ્થિર કરી અખંડ વૈભવવાળા આત્માનો તું અનુભવ કર; સંસારની ગંધથી ગંધાતા બંધનને કાપી નાખ; અને પ્રયત્ન કરી મનુષ્યજન્મને સફળ કર. ।। ૪૧૨ ।।
દરેક ઉપાધિથી રહિત, એક જ, સચ્ચિદાનંદરૂપ અને પોતાના અંતરમાં જ રહેલા આત્માનું તું ચિંતન કર; તેથી ફરી સંસારના માર્ગમાં તું નહિ આવે. ।। ૪૧૩ ।।
દ્રષ્યનો ત્યાગ – Page – 110
આ શરીર પોતાની છાયા જેવું માત્ર આભાસરૂપે જ દેખાય છે; મહાત્મા પુરૂષ મુડદાની પેઠે એક વાર એને ત્યજીને ફરી તેનો વિચાર પણ કરતો નથી. ।। ૪૧૪ ।।
Page – 111
નિરંતર નિર્મળ જ્ઞાન અને આનંદસ્વરૂપ આત્માને સમજ્યા પછી મળરૂપ આ જડ ઉપાધિનો દૂરથી જ ત્યાગ કર અને ફરી એને યાદ પણ ન કર; કારણ કે ઓકી કાઢેલી વસ્તુ ફરી યાદ કરી હોય, તો તે નિંદાનું જ કારણ બને. ।। ૪૧૫ ।।
વિદ્વાનોમાં શ્રેષ્ઠ ગણાતો પુરૂષ આ જગતને એના મૂળ કારણ ( માયા ) સાથે નિર્વિકલ્પ સત્ સ્વરૂપ બ્રહ્મરૂપ અગ્નિમાં બાળી નાખીને પછી પોતે નિત્ય અને વિશુદ્ધ જ્ઞાનાનંદરૂપે રહે છે. ।। ૪૧૬ ।।
જેમ ગાય પોતાના ગળામાં પહેરાવેલી માળા રહે કે જાય તેના તરફ ધ્યાન દેતી નથી, તેમ આનંદરૂપ બ્રહ્મમાં મગ્ન વૃત્તિવાળો તત્વજ્ઞાની પ્રારબ્ધકર્મરૂપી દોરીમાં પરોવાયેલું આ શરીર રહે કે પડી જાય, એની ચિંતા ફરી કરતો નથી. ।। ૪૧૭ ।।
અખંડ આનંદરૂપ આત્માને એના મૂળ સ્વરૂપે સમજી લીધા પછી કઈ ઈચ્છાથી અથવા કયા કારણથી તત્વજ્ઞાની શરીરનું પોષણ કરે ? ।। ૪૧૮ ।।
આત્મજ્ઞાનનું ફળ – Page – 112
જીવનમુક્ત યોગીને સારી રીતે મળેલા આત્મજ્ઞાનનું ફળ આ છે, કે એ નિરંતર પોતાના આત્મામાં જ અંદર અને બહાર સદા આનંદરસનો સ્વાદ અનુભવ્યા કરે છે. ।। ૪૧૯ ।।
વૈરાગ્યનું ફળ જ્ઞાન છે; જ્ઞાનનું ફળ ઉપરતિ ( વિષયોથી અટકવું તે ) છે; અને ઉપરતિનું ફળ એ જ છે કે, આત્માનંદના અનુભવથી શાંતિ થાય. ।। ૪૨૦ ।।
ઉપર જણાવ્યા પ્રમાણે જો પછી પછીનું ન હોય, તો પૂર્વ પૂર્વનું નિષ્ફળ છે ( એટલે કે આત્મશાંતિ વિના ઉપરતિ, ઉપરતિ વિના જ્ઞાન અને જ્ઞાન વિના વૈરાગ્ય નિષ્ફળ છે ). વિષયોથી પોતે અટકવું એ જ પરમ તૃપ્તિ છે અને એ જ અનુપમ આનંદ છે. ।। ૪૨૧ ।।
( પ્રારબ્ધકર્મથી આવી પડેલાં ) દુષ્ટ દુઃખોથી હારી ન જવું, એ જ આત્મજ્ઞાનનું ચાલુ ફળ છે; કારણ કે ભ્રાંતિના સમયે જે અનેક પ્રકારનાં નિંદ્ય કર્મો કર્યાં હતાં, તેને જ્ઞાન થયા પછી પણ મનુષ્ય કરે, તે શું યોગ્ય છે ? ।। ૪૨૨ ।।
અસત્ – મિથ્યા પદાર્થોથી અટકવું, એ જ જ્ઞાનનું ફળ છે અને મિથ્યા પદાર્થો માટે પ્રવૃત્તિ કરવી, એ જ અજ્ઞાનનું ફળ છે. એ બંનેનાં ફળ જ્ઞાની અને અજ્ઞાનીને મળતાં સૌએ જોયાં છે : ઝાંઝવાના પાણીમાં જ્ઞાની ફસાતો નથી અને અજ્ઞાની ફસાય છે; એમ ઉપર કહેલું જ્ઞાનનું ફળ જો ન મળ્યું હોય, તો જ્ઞાનીને તેનું બીજું પ્રત્યક્ષ ફળ શું મળવાનું છે? ( સંસારનિવૃત્તિ વિના બીજું જ્ઞાનનું ફળ જ નથી. ) ।। ૪૨૩ ।।
Page – 113
હ્રદયની અજ્ઞાનરૂપી ગાંઠનો જો સંપૂર્ણ નાશ થયો હોય, તો વિષયોને નહિ ઈચ્છનાર એ માણસને વિષયો પોતે જ પોતામાં પ્રવૃત્તિ કરાવવાનું કારણ શું થાય ? ।। ૪૨૪ ।।
ભોગવવા જેવી વસ્તુને ભોગવવા માટે વાસના પણ ન થાય, એ વૈરાગ્યની છેલ્લી હદ છે; અને નાશ પામેલી ચિત્તની વૃત્તિઓ ફરી જન્મે નહિ, એ ઉપરતિની છેલ્લી હદ છે. ।। ૪૨૫ ।।
ધન્ય એ પુરૂષને ! – Page – 113
હમેશાં બ્રહ્મરૂપે જ રહેવાને લીધે જેની બુદ્ધિએ સંસારના વિષયો છોડ્યા હોય, અને જે ઊંઘમાં માણસની જેમ અથવા બાળકની જેમ બીજાએ આપેલી ચીજોનો જ ઉપભોગ કરે, અને કોઈ વેળા બુદ્ધિ વિષય તરફ વળે ત્યારે જ આ સંસારને સ્વપ્નમાં જોયેલા લોક જેવો જ જોતો રહે, એવો અનંત પુણ્યોના ફળને ભોગવનાર કોઈ જ્ઞાની ધન્ય છે અને તે જ પૃથ્વી પર માન આપવા યોગ્ય છે. ।। ૪૨૬ ।।
સ્થિતપ્રજ્ઞ કોણ ? – Page – 114
જે યોગી પરબ્રહ્મમાં ચિત્તને લગાડી દઈ વિકાર તથા કર્મોથી રહિત થઈને સદા આનંદ અનુભવે છે, એ ‘ સ્થિતપ્રજ્ઞ ’ કહેવાય છે. ।। ૪૨૭ ।।
સારી રીતે જાણેલા બ્રહ્મ અને આત્માના એકપણાને સમજનારી, તર્ક-વિતર્ક વગરની અને માત્ર ચૈતન્યરૂપ બનેલી વૃત્તિને ‘ પ્રજ્ઞા ’ કહેવાય છે; અને જેનામાં એ પ્રજ્ઞા સર્વકાળે રહી હોય, એ સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. ।। ૪૨૮ ।।
જીવન્મુક્ત કોણ ? – Page – 114
જેની પ્રજ્ઞા સ્થિર હોય, જેને હમેશાં આત્માનંદનો અનુભવ હોય, અને આ જગતરૂપ પ્રપંચ જેને લગભગ ભુલાઈ ગયો હોય, એ ‘ જીવન્મુક્ત ’ કહેવાય છે. ।। ૪૨૯ ।।
જેની બુદ્ધિ બ્રહ્મમાં જ લીન હોય, છતાં જે જાગે છે – જાગતાની પેઠે બધું સમજે છે, પણ જાગ્રત અવસ્થાના ધર્મોથી રહિત હોય છે, અને જેનું જ્ઞાન વાસના વગરનું હોય છે, એ ‘ જીવન્મુક્ત ’ કહેવાય છે. ।। ૪૩૦ ।।
Page – 115
જેની સંસારની વાસના શમી ગઈ હોય, જે વ્યવહારમાં હોવાથી વિકારવાળો દેખાય, છતાં જેનામાં વિકાર નથી; અને જે ચિત્તવાળો હોવા છતાં પણ નિશ્ચિંત છે, એ ‘ જીવન્મુક્ત ’ મનાય છે. ।। ૪૩૧ ।।
( પ્રારબ્ધકર્મ હોય ત્યાં સુધી ) છાયાની જેમ પોતાની સાથે જ રહેતું શરીર હયાત છતાં જેને એના પર ‘ હું અને મારૂં ’ એવી ભાવના ન હોય, એ જીવન્મુક્તનું લક્ષણ છે. ।। ૪૩૨ ।।
જે થઈ ગયું હોય એને યાદ ન કરવું, જે થવાનું હોય એની ચિંતા ન કરવી અને ( ચાલુ ) જે આવી મળ્યું હોય તે તરફ પણ ઉદાસીન રહેવું, એ જીવન્મુક્તનું લક્ષણ છે.।। ૪૩૩ ।।
ગુણ – દોષવાળા અને સ્વભાવથી જ વિલક્ષણ આ સંસારમાં સૌ ઉપર સમાન દ્રષ્ટિ રાખવી, એ જીવન્મુક્તનું લક્ષણ છે. ।। ૪૩૪ ।।
Page – 116
પોતાને ઈષ્ટ કે અનિષ્ટ વસ્તુ મળે, તોપણ એ બંને ઉપર મનમાં સમાન ભાવ હોવાથી જેને વિકાર ન થાય, એ જીવન્મુક્તનું લક્ષણ છે. ।। ૪૩૫ ।।
બ્રહ્મના આનંદરસનો સ્વાદ લેવામાં જ ચિત્ત લાગેલું હોવાથી મનમાં કે બહાર કોઈ પણ વસ્તુ પર ધ્યાન ન જાય, એ જીવન્મુક્ત લક્ષણ છે. ।। ૪૩૬ ।।
દેહ, ઇંદ્રિયો વગેરે અને કરવાનાં કામકાજ ઉપર મમતા અને અહંકાર વિનાનો જે ઉદાસીન ભાવે જ રહે, એ જીવન્મુક્ત કહેવાય છે. ।। ૪૩૭ ।।
જેણે વેદના બળથી ‘ પોતાનો આત્મા બ્રહ્મ જ છે ’ એમ સમજી લીધું હોય અને જે સંસારરૂપ બંધનમાંથી છૂટી ગયો હોય, એ જીવન્મુક્ત છે. ।। ૪૩૮ ।।
જેને દેહ તથા ઈંદ્રિયો ઉપર ‘ હું ’ પણું હોતું નથી; તેમ જ દુનિયાના પદાર્થો પર જેને ‘ આ ’ પણું હોતું નથી, એ જીવન્મુક્ત મનાય છે. ।। ૪૩૯ ।।
જે પોતાના આત્મામાં અને બ્રહ્મમાં તથા બ્રહ્મમાં અને સંસારમાં બુદ્ધિથી કદી ભેદ જાણતો નથી, એ જીવન્મુક્ત છે. ।। ૪૪૦ ।।
Page – 117
આ શરીરનો સારા માણસો સત્કાર કરે અથવા દુર્જનો તેને દુઃખ દે, તોપણ જેને સૌ ઉપર સમાન ભાવ રહે, એ જીવન્મુક્ત મનાય છે. ।। ૪૪૧ ।।
જેમ નદીના પ્રવાહો સમુદ્રમાં ભળીને તે રૂપ બની જાય છે, તેમ જેમાં બીજા માણસો દ્વારા પ્રાપ્ત થયેલા વિષયો બ્રહ્મરૂપે જ લીન થઈ જાય છે, પણ વિકાર ઉત્પન્ન કરતા નથી, તે જિતેંદ્રિય પુરૂષ જીવન્મુક્ત છે. ।। ૪૪૨ ।।
જેણે બ્રહ્મનું તત્વ બરાબર જાણ્યું હોય તેની દ્રષ્ટિએ સંસાર પહેલાંના જેવો રહેતો જ નથી. છતાં જો એવો ને એવો રહે તો સમજવું કે એ સંસારી જ છે – એણે બ્રહ્મતત્વ જાણ્યું જ નથી. ।। ૪૪૩ ।।
કદાચ કોઈ કહે કે, પૂર્વની વાસનાના વેગથી એ સંસારનાં કામોમાં વર્તે છે, તો એ ખોટું છે; કારણ કે એક બ્રહ્મ જ સત્ય છે, એવું જ્ઞાન થયા પછી વાસના ઓછી થઈ જાય છે. ।। ૪૪૪ ।।
Page – 118
પુરૂષ ઘણો જ કામી હોય, છતાં તેની વૃત્તિ માતામાં ( વિષયભોગ માટે ) અટકે છે; તે જ પ્રમાણે પૂર્ણ આનંદ સ્વરૂપ બ્રહ્મનું જ્ઞાન થયા પછી જ્ઞાનીની વૃત્તિ સંસારથી અટકે છે. ।। ૪૪૫ ।।
પ્રારબ્ધ – Page – 118
જે હમેશાં આત્માના ચિંતનમાં જ લાગ્યો રહે છે, તેને પણ ( ક્યારેક ) બહારના ( જગતના ) પદાર્થોનું ભાન થાય છે; એ રૂપી ફળ દેખવાથી વેદ કહે છે કે, ‘ એ એનું પ્રારબ્ધ છે. ’ ।। ૪૪૬ ।।
જ્યાં સુધી સુખ – દુઃખનો અનુભવ થાય છે, ત્યાં સુધી પ્રારબ્ધ માનવું પડે છે, કારણ કે હરકોઈ ફળની પ્રાપ્તિ પૂર્વના કર્મને લીધે જ થાય છે, કર્મ વગર ક્યાંય ફળ ઊપજે નહિ. ।। ૪૪૭ ।।
ઊંઘમાંથી જાગ્યા પછી સ્વપ્નની ક્રિયા જેમ નાશ પામે છે, તેમ ‘ હું બ્રહ્મ છું ’ એવું જ્ઞાન થવાથી કરોડો કલ્પોનાં સંચિત કર્મો નાશ પામે છે. ।। ૪૪૮ ।।
સ્વપ્ન વખતે જે મોટામાં મોટાં પુણ્ય કે પાપ કર્યાં હોય, તેનું ફળ ( જાગ્યા પછી ) સ્વર્ગ કે નરકરૂપે શું મળે છે ? ( નથી જ મળતું; એવી જ રીતે અજ્ઞાન અવસ્થામાં કરેલાં કર્મોનું ફળ જ્ઞાન થયા પછી ભોગવવું પડતું નથી. ) ।। ૪૪૯ ।।
Page – 119
પોતાના આત્માને આકાશની જેમ સંગ વગરનો તથા સૌથી અળગો જાણીને જિતેંદ્રિય મનુષ્ય ભવિષ્યનાં કર્મથી પણ કદી લેપાતો નથી. ।। ૪૫૦ ।।
જેમ આકાશ ઘડાથી કે ઘડામાં રહેલા દારૂની ગંધથી લેપાતું જ નથી, તેમ આત્મા ઉપાધિનો સંબંધ હોય, છતાં તેના ધર્મોથી લેપાતો જ નથી. ।। ૪૫૧ ।।
જ્ઞાન થયા પહેલાં કરેલાં ( પ્રારબ્ધ ) કર્મ જ્ઞાન થયા પછી પણ નાશ પામતાં નથી.
જેમ નિશાન તરફ બરાબર ફેંકેલું બાણ નિશાન વીંધ્યા વિના રહેતું નથી. તેમ એ પ્રારબ્ધકર્મ પણ ફળ આપ્યા વિના રહેતાં નથી. જેમ સામે વાઘ ઊભો છે, એમ ધારીને છોડેલું બાણ તેને છોડ્યા પછી ‘ એ તો ગાય છે ’ એમ પાછળથી જણાયા છતાં અટકતું નથી; પણ વેગથી નિશીનને સંપૂર્ણ વીંધે જ છે ( તેમ પ્રારબ્ધકર્મ પણ જ્ઞાન થયા છતાં ફળ આપે જ છે. ) ।। ૪૫૨ ।। ।। ૪૫૩ ।।
Page – 120
જ્ઞાનીઓનાં પ્રારબ્ધકર્મ વધારે બળવાન હોય છે; એનાં ફળ ભોગવ્યાથી જ એનો નાશ થાય છે; પણ પૂર્વનાં સંચિત કર્મો અને ભવિષ્યનાં કર્મોનો તે તત્વજ્ઞાનરૂપ અગ્નિથી સંપૂર્ણ નાશ થાય જ છે. જેઓ બ્રહ્મ અને આત્મા એક જ છે એમ સમજીને બ્રહ્મરૂપે જ રહે છે, તેઓની દ્રષ્ટિએ તો ( પ્રારબ્ધ, સંચિત અને ભવિષ્યનાં ) ત્રણેય પ્રકારનાં કર્મ કદી છે જ નહિ; તેઓ તો નિર્ગુણ ( માયાના ગુણરહિત ) બ્રહ્મ જ થયા છે. ।। ૪૫૪ ।।
જે મનનશીલ પુરૂષ ઉપાધિમાં આત્મબુદ્ધિ ત્યજીને કેવળ બ્રહ્મસ્વરૂપે આત્મામાં જ સ્થિર થયો હોય, તેને માટે સ્વપ્નમાં જોયેલા પદાર્થના સંબંધની વાત જેમ જાગતા માણસને ઘટે નહિ, તેમ પ્રારબ્ધકર્મની હયાતિની વાત ( પણ ) ઘટતી જ નથી. ।। ૪૫૫ ।।
ઊંઘમાંથી જાગેલો માણસ સ્વપ્નમાં જોયેલાં ખોટાં શરીર ઉપર તથા દેહને ઉપયોગી બીજા પદાર્થો ઉપર અહંતામમતા ( શરીર ઉપર ‘ હું ’ પણું અને બીજી ચીજો ઉપર ‘ મારા ’ પણું ) કરતો નથી, પણ ( એ બધું મિથ્યા માની ) જાગ્રત અવસ્થામાં જ રહે છે. ।। ૪૫૬ ।।
Page – 121
જાગેલા તેને સ્વપ્નાની બધી ચીજો ખોટી હતી, એમ સાબિત કરવાની ઈચ્છા પણ થતી નથી. ( કારણ કે એ મિથ્યા જ છે; એને સાબિત કરવાની જરૂર જ ક્યાં છે ? ) વળી સ્વપ્નમાં જોયેલા મિથ્યા જગતનો સંગ્રહ પણ એની પાસે દેખાતો નથી. છતાં એ મિથ્યા પદાર્થો ઉપર એનો મોહ હજી રહ્યો હોય, તો જરૂર સમજવું કે હજી એની ઊંઘ બરાબર ઊડી નથી. ।। ૪૫૭ ।।
એવી જ રીતે સદા પરબ્રહ્મમાં રહેતો પુરૂષ સદા આત્મારૂપે જ રહે છે; તે બીજું જોતો નથી. જેમ સ્વપ્નામાં જોયેલા પદાર્થોનું સ્મરણ રહે છે, તેમ બ્રહ્મજ્ઞાનીને પણ ખાવા – પીવાની અને લેવા – મૂકવાની ક્રિયાઓનું સ્મરણ તો રહે જ છે. ।। ૪૫૮ ।।
દેહ કર્મને કારણે જ બન્યો છે, માટે પ્રારબ્ધ પણ એનું જ સમજવું જોઈએ, પણ અનાદિ આત્માનું માનવું તે ઠીક નથી, કારણ કે આત્મા કર્મોથી બનેલો નથી. ।। ૪૫૯ ।।
‘ अजो नित्यः- આત્મા જન્મતો નથી; એ તો અનાદિ અને નિત્ય છે ’ એમ સત્ય વાણીવાળો કહે છે; માટે આત્મસ્વરૂપે જ રહેનાર એ માણસનું પ્રારબ્ધકર્મ બાકી હોય, એમ કલ્પના પણ ક્યાંથી થાય ? ।। ૪૬૦ ।।
Page – 122
જો દેહરૂપે સ્થિતિ હોય, તો જ પ્રારબ્ધકર્મ સિદ્ધ થાય; પણ દેહને આત્મા માનવો, એ જ્ઞાનીને તો ઈષ્ટ જ નથી; માટે પ્રારબ્ધનું અસ્તિત્વ છોડવું જ જોઈએ. ।। ૪૬૧ ।।
ખરી રીતે દેહનાં પ્રારબ્ધકર્મો માનવાં એ પણ ભ્રમ જ છે; કારણ કે દેહ પોતે જ ભ્રમથી કલ્પાયેલો છે, તો તેની હયાતી જ ક્યાં છે ? અને જેની હયાતી જ નથી, એનો જન્મ પણ ક્યાંથી હોય ? અને જે જન્મ્યો જ નથી, એનો નાશ પણ કેવી રીતે થાય ? આમ દેહ છે જ નહિ; તેથી એનું પ્રારબ્ધ પણ ક્યાંથી હોય ? ।। ૪૬૨ ।।
કોઈ જડ માણસોને એવી શંકા થાય કે, ‘ જો જ્ઞાનથી અજ્ઞાન અને તેના કાર્યનો સમૂળગો નાશ થતો હોય, તો માણસને જ્ઞાન ઊપજ્યા પછી અજ્ઞાનનું કાર્ય આ દેહ કેમ રહે છે ? ’ આવી શંકા કરનારાઓનું સમાધાન કરવા માટે વેદ ‘ પ્રારબ્ધ દેહનું કારણ છે ’ એમ ઉપલક દ્રષ્ટિથી બતાવે છે, પણ સમજુ માણસોને ‘ દેહ વગેરે સત્ય છે ’ એમ જણાવવા વેદે એવું કહ્યું નથી; કરાણ કે સત્ય એક પરબ્રહ્મનું જ વર્ણન કરવાનો વેદનો અભિપ્રાય છે. ।। ૪૬૩ ।। ।। ૪૬૪ ।।
ભેદનો નિષેધ – Page – 123
વેદ કહે છે કે, ‘ દરેક ઠેકાણે પરિપૂર્ણ, અનાદિ, અંતવગરનું, સમજી ન શકાય એવું અને વિકાર વગરનું એક જ અદ્વૈત બ્રહ્મ છે; એ બ્રહ્મમાં જુદું જુદું કંઈ છે જ નહિ. ’ ।। ૪૬૫ ।।
જે કેવળ સત્, ચિત્ અને આનંદમય છે, એ નિત્ય ક્રિયા વગરનું અને એક જ બ્રહ્મ છે; એ બ્રહ્મમાં જુદું જુદું કંઈ છે જ નહિ. ।। ૪૬૬ ।।
જે અંતરાત્મા એકરસ, પરિપૂર્ણ, અનંત અને સર્વવ્યાપક છે, તે એક જ અદ્વૈત બ્રહ્મ છે; એમાં જુદું જુદું કંઈ છે જ નહિ. ।। ૪૬૭ ।।
જે તજી શકાય કે લઈ શકાય એવું નથી, જે ગ્રહણ કરાતું નથી અને આશ્રય વિનાનું છે, તે એક જ અદ્વૈત બ્રહ્મ છે; એમાં જુદું જુદું કંઈ છે જ નહિ. ।। ૪૬૮ ।।
જે ગુણ અને વિભાગ વગરનું છે; સૂક્ષ્મ ( ઝીણામાં ઝીણું ), નિર્વિકલ્પ ( ભેદ વગરનું ) તથા નિર્મળ છે, એવું એક જ અદ્વૈત બ્રહ્મ છે; એમાં જુદું જુદું કંઈ છે જ નહિ. ।। ૪૬૯ ।।
Page – 124
જે સ્વરૂપનું વર્ણન થઈ શકતું નથી, જેને મન અને વાણી પહોંચી શકતાં નથી, એવું એક જ અદ્વૈત બ્રહ્મ છે; એમાં જુદું જુદું કંઈ છે જ નહિ. ।। ૪૭૦ ।।
જે સત્ય, વૈભવવાળું, પોતાની મેળે જ સિદ્ધ, શુદ્ધ, જ્ઞાનસ્વરૂપ તથા ઉપમા વિનાનું છે. તે એક જ અદ્વૈત બ્રહ્મ છે; એમાં જુદું જુદું કંઈ છે જ નહિ. ।। ૪૭૧ ।।
આત્મજ્ઞાનથી શાંતિ – Page – 124
જે મહાન યોગીઓ મોહ અને ભોગો તજી શાંત અને જિતેંદ્રિય થયા હોય છે, તેઓ છેવટે આત્મા સાથેના સંબંધથી જ એ પરમ તત્વને જાણી પરમ શાંતિ પામ્યા છે. ।। ૪૭૨ ।।
આત્મજ્ઞાનનો ઉપદેશ – Page – 124
માટે તું પણ આત્માના સ્વરૂપને પરમ તત્વરૂપ અને આનંદપૂર્ણ વિચારીને પોતાના મનથી કલ્પેલો મોહ છોડી દઈ મુક્ત થા અને ઉત્તમ પ્રકારે બોધ પામી કૃતાર્થ થા. ।। ૪૭૩ ।।
Page – 125
સમાધિથી ચિત્તને સારી રીતે સ્થિર કરી સ્પષ્ટ જ્ઞાનચક્ષુથી આત્મતત્વને જો; કારણ કે સાંભળેલી વસ્તુને સારી રીતે શંકા વગર નજરે જોઈ હોય, તો જ ફરી એમાં સંદેહ થતો નથી. ।। ૪૭૪ ।।
પોતાના અજ્ઞાનરૂપ બંધનનો સંબંધ છૂટી જવાથી સત્ – ચિત્ – આનંદરૂપ આત્માની પ્રાપ્તિ થાય છે; તેમાં શાસ્ત્રયુક્તિ અને ગુરૂનું વાક્ય પ્રમાણ છે; તેમ જ અંતરથી નક્કી કરેલો પોતાનો અનુભવ પ્રમાણ છે. ।। ૪૭૫ ।।
બંધન, મોક્ષ, સંતોષ, ચિંતા, તંદુરસ્તી, ભૂખ અને તરસ વગેરેને પોતે જ જાણી શકે છે; બીજાને તો અનુમાનથી જ તેની ખબર પડે છે. ।। ૪૭૬ ।।
વેદની જેમ ગુરૂઓ પણ માત્ર તટસ્થ રહીને જ જ્ઞાન આપે છે; માટે સમજુ માણસે ઈશ્વરે કૃપા કરેલી બુદ્ધિથી જ ( આત્મતત્વનો અનુભવ કરી ) સંસારસાગર તરી જવો. ।। ૪૭૭ ।।
પોતાના અનુભવથી પોતાની મેળે જ પોતાને અખંડ આત્મસ્વરૂપ સમજી પૂર્ણતા પામેલો માણસ નિઃસંશય સ્વરૂપે આત્મામાં જ સ્થિતિ કરે. ।। ૪૭૮ ।।
Page – 126
વેદાંતનું સિદ્ધાંતરૂપે કહેવું આ છે કે, ‘ જીવ અને આ આખું જગત બ્રહ્મ જ છે; અને બ્રહ્મમાં અખંડ – એકરૂપે રહેવું એ જ મોક્ષ છે. ’ બ્રહ્મ એક જ છે, એ બાબતમાં વેદના મંત્રો પ્રમાણ છે. ।। ૪૭૯ ।।
જ્ઞાનની પ્રાપ્તિ – Page – 126
એ પ્રમાણે વેદના પ્રમાણવાળાં ગુરૂનાં વચનથી અને પોતાના અનુભવથી પરમાત્મતત્વને સમજીને એ શિષ્ય ચિત્તને એકાગ્ર અને ઈંદ્રિયોને શાંત કરી કોઈ સ્થળે વૃત્તિથી ( રહી ) આત્મસ્વરૂપમાં સ્થિરતાવાળો થયો. ।। ૪૮૦ ।।
એમ કેટલાક કાળ સુધી પરબ્રહ્મમાં ચિત્તને એકાગ્ર કર્યા પછી સમાધિમાંથી ઊઠી પરમ આનંદથી આ પ્રમાણે એ કહેવા લાગ્યોઃ ।। ૪૮૧ ।।
અહો ! બ્રહ્મ અને આત્મા એક જ છે, એવું જાણ્યા પછી મારી બુદ્ધિ ( ની વૃત્તિ ) તો એકદમ નાશ જ પામી ગઈ અને પ્રવૃત્તિ જતી રહી. હવે હું ‘ આ પદાર્થ છે ’ એમ જાણતો નથી કે ‘ આ પદાર્થ નથી ’ એમ પણ જાણતો નથી; આ બ્રહ્મસુખ કેવું ને કેટલું અપાર છે ? ।। ૪૮૨ ।।
Page – 127
જેમ ચોમાસાના કરા સમુદ્રમાં પડી ગળી જઈ તદ્રુપ થાય છે, એમ મારૂં મન પણ બ્રહ્માનંદરૂપી અમૃતના સમુદ્રમાં તેના એક અંશના પણ અંશમાં ડૂબી તદ્રુપ બની લીન થયું છે; અને હવે આનંદસ્વરૂપ થઈ શાંતિ પામ્યું છે. એ આત્માનંદના અમૃતના પૂરથી ભરેલો પરબ્રહ્મરૂપી સમુદ્રનો વૈભવ વાણીથી કહેવો અશક્ય છે અને મનથી વિચારી શકાતો પણ નથી. ।। ૪૮૩ ।।
પેલો સંસાર ક્યાં ગયો ? તેને કોણ લઈ ગયું ? એ ક્યાં ડૂબી ગયો ? અહો ! મોટું આશ્ચર્ય કે, જે સંસારને મેં હમણાં જ જોયો હતો, એ શું નથી ? ।। ૪૮૪ ।।
અખંડ આનંદરૂપ અમૃતથી ભરેલા બ્રહ્મસમુદ્રમાં કઈ વસ્તુ લેવા જેવી અને કઈ છોડવા જેવી છે ? કઈ ચીજ જુદી છે અને કઈ જુદા લક્ષણવાળી છે ? ( કોઈ જ નહિ. ) ।। ૪૮૫ ।।
અહીં બ્રહ્મ સિવાય હું કાંઈ જોતો નથી, સાંભળતો નથી કે જાણતો નથી. હું તો પોતાના આત્મારૂપે જ નિત્ય આનંદસ્વરૂપ બની પહેલાં કરતાં જુદો જ બની ગયો છું. ।। ૪૮૬ ।।
Page – 128
જેમના કટાક્ષરૂપી ઘાટી ચાંદની પડતાં જ સંસારનો બધો સંતાપ દૂર થવાથી મને ક્ષણવારમાં અખંડ સંપત્તિ અને આનંદરૂપ અવિનાશી આત્મપદ મળ્યું છે, એ સંગરહિત, સંતોમાં ઉત્તમ, નિત્ય, એક જ, આનંદરસ-સ્વરૂપ, અતિ મોટા તથા સદા અપાર દયાના સાગર મહાત્મા ગુરૂદેવને વારંવાર નમસ્કાર હો ! ।। ૪૮૭ ।। ।। ૪૮૮ ।।
મને ધન્ય છે; મારાં દરેક કામ પૂરાં થયાં છે; એ શ્રી ગુરૂદેવની કૃપાથી સંસારરૂપ કેદખાનામાંથી હું છૂટ્યો છું, અને નિત્ય આનંદરૂપ તથા પરિપૂર્ણ થયો છું. ।। ૪૮૯ ।।
હું સંગ વગરનો, શરીર વગરનો, ચિહ્ન વિનાનો, અવિનાશી, અત્યંત શાંત, અનંત ( અંતવગરનો ) ક્રિયા વિનાનો તથા નિર્વિકાર છું. ।। ૪૯૦ ।।
હું અકર્તા ( કોઈ પણ કાર્ય નહિ કરનારો ) છું; અભોક્તા ( કોઈ પણ જાતના ભોગ ભોગવનારો ) નથી; અવિકારી – વિકાર વિનાનો, ક્રિયા વગરનો, શુદ્ધ જ્ઞાનસ્વરૂપ, એક જ અને સદા કલ્યાણરૂપ છું. ।। ૪૯૧ ।।
Page – 129
જોનાર, સાંભળનાર, બોલનાર, કરનાર અને ભોગવનાર એ બધાથી હું જુદો જ છું. હું તો નિત્ય, અંતર વિનાનો, ક્રિયા વિનાનો, હદ વગરનો, સંગ વિનાનો અને પૂર્ણ જ્ઞાનરૂપ છું. ।। ૪૯૨ ।।
હું આ નથી કે પેલું નથી; પણ એ બંને ( સ્થૂળ અને સૂક્ષ્મ ) ને પ્રકાશ આપનાર, અંદર અને બહાર એવા ભેદ વિનાનો, પૂર્ણ, એક જ અને શુદ્ધ પરબ્રહ્મ છું. ।। ૪૯૩ ।।
ઉપમારહિત જે અનાદિ તત્વ છે, અને જે ‘ તું, હું, આ, તે ’ વગેરે કલ્પનાથી દૂર, નિત્ય આનંદના જ રસરૂપ, સત્ય અને એક જ છે, તે બ્રહ્મ હું છું. ।। ૪૯૪ ।।
નરકાસુરને મારનાર નારાયણ હું છું; ત્રિપુરાસુરનો નાશ કરનાર શંકર હું છું; હું પરમ પુરૂષ છું અને હું જ ઈશ્વર છું. હું અખંડ જ્ઞાનસ્વરૂપ, સૌનો સાક્ષી, સ્વતંત્ર અને અહંતા-મમતા વગરનો છું. ।। ૪૯૫ ।।
હું જ આશ્રયરૂપ હોઈ દરેક પ્રાણીમાં અંદર અને બહાર રહેલો છું; પહેલાં જે જે પદાર્થો જુદા જુદા રૂપે દેખાતા હતા. એ સર્વરૂપે હું પોતે જ છું. હું જ ભોગવનાર અને ભોગવવાના પદાર્થરૂપ છું. ।। ૪૯૬ ।।
અખંડ સુખના સમુદ્ર મારામાં માયારૂપી વાયુના ભમવાથી જગતરૂપી અનેક જાતના તરંગો ઊછળે છે અને શમે છે. ।। ૪૯૭ ।।
Page – 130
જેમ અવયવો અને કલ્પના વગરના કાળમાં ખરી રીતે કલ્પ, વર્ષ, અયન, ઋતુ, માસ, દિવસ વગેરે વિભાગની કલ્પના સાચી નથી, એમ મારામાં માણસોએ માત્ર ભ્રમને કારણે જ સ્થુલ, સૂક્ષ્મ વગેરે ભાવો માત્ર આભાસરૂપે જ કલ્પેલા છે. ।। ૪૯૮ ।।
બુદ્ધિના દોષથી દૂષિત અજ્ઞાની માણસોએ કોઈ વસ્તુંમાં કોઈ વસ્તુનો આરોપ કર્યો હોય ( માત્ર માની જ લીધી હોય ), તો તેથી તે મૂળ વસ્તુ દોષિત ઠરતી નથી જેમ ઝાંઝવાનાં પાણીનો મોટો પ્રવાહ ત્યાંની ખારી જમીનના ભાગને ભીની કરતો નથી. ।। ૪૯૯ ।।
હું આકાશની જેમ નિર્લેપ છું, સૂર્યની જેમ પ્રકાશ કરાતી વસ્તુઓથી જુદો છું, પર્વતની જેમ સદા અચળ છું; અને સમુદ્રની જેમ પાર વગરનો છું. ।। ૫૦૦ ।।
Page – 131
જેમ આકાશને વાદળાંનો સંબંધ નથી, તેમ મારે શરીર સાથે સંબંધ નથી, આથી એ શરીરના જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ વગેરે ધર્મો મારામાં ક્યાંથી હોય ? ।। ૫૦૧ ।।
ઉપાધિ જ આવે છે અને જાય છે; તેમ જ કર્મો કરે છે અને તેનાં ફળ પણ એ જ ભોગવે છે; વળી એ જ ઘડપણ આવતાં મરે છે. હું તો મોટા પર્વતની જેમ સદા અચળ જ રહું છું. ।। ૫૦૨ ।।
હું તો સદા એકરસ અને અવયવો વિનાનો છું, તેથી હું કોઈ કામ શરૂ કરતો નથી કે છોડી દેતો નથી. અરે ! જે હમેશાં એક જ વ્યાપક અને આકાશની જેમ દરેક ઠેકાણે ખીચોખીચ ભરેલો છે, તે કોઈ જાતની ક્રિયા કેવી રીતે કરે ? ।। ૫૦૩ ।।
હું તો ઈંદ્રિય, ચિત્ત, વિકાર અને આકાર વગરનો છું; તેમ જ મારૂં સ્વરૂપ અખંડ આનંદરૂપ છે; તો મને પાપ અને પુણ્ય કેમ હોઈ શકે ? વેદ પણ ‘ આત્માને પુણ્ય કે પાપ સાથે સંબંધ નથી ’ એમ જ કહે છે. ।। ૫૦૪ ।।
Page – 132
માણસનો પડછાયો ઊની-ટાઢી, સારી-નરસી કોઈ પણ ચીજને અડી જાય, તેથી માણસને પોતાને તેનો જરા પણ સ્પર્શ થતો નથી; કારણ કે માણસ પોતે પડછાયાથી જુદો જ છે અને વિલક્ષણ સાક્ષીને સાક્ષ્ય દેહાદિથી ધર્મો સ્પર્શ કરતા નથી, જેમ ઘરના ધર્મો દીવાને અડતા નથી. તેમ શરીર, ઈંદ્રિયો અને મનના ધર્મો આત્માને અડતા નથી; કારણ કે આત્મા એ પદાર્થોથી અલગ અને વિકાર વગરનો છે. ।। ૫૦૫ ।। ।। ૫૦૬ ।।
જેમ સૂર્ય કર્મનો સાક્ષી છે, લોઢામાં અગ્નિનું જ દાહકપણું છે અને દોરીને કલ્પિત સાપ વગેરેનો જેવો સંબંધ છે; તેમ જ મારા અવિકારી ચેતન આત્માનો વિષયો સાથે કલ્પિત સંબંધ છે. ।। ૫૦૭ ।।
હું કામ કરનાર કે કરાવનાર નથી, ભોગવનાર કે ભોગવાવનાર પણ નથી અને જોનાર કે બતાવનાર પણ નથી. હું તો તેવા ધર્મોથી રહિત સ્વયંપ્રકાશ આત્મા છું. ।। ૫૦૮ ।।
જેવી રીતે પાણી વગેરેના ચાલવા કે ધ્રુજવાથી તેમાં પડેલું સૂર્ય વગેરેનું બિંબ ( ઓછાયો ) પણ ચાલે છે, તેથી મૂઢ બુદ્ધિવાળાઓ માને છે કે, સૂર્ય વગેરે ચાલે છે કે ધ્રુજે છે, એ રીતે સૂર્યની પેઠે ક્રિયા વગરના આત્માને ‘ હું કરનાર છું, હું ભોગવનાર છું; અરે ! હું મરી જાઉં છું ’ એમ અજ્ઞાનીઓ જ માને છે. ।। ૫૦૯ ।।
Page – 133
જેમ ઘડાના ધર્મથી આકાશ લેપાતું નથી, તેમ આ જડ દેહ પાણીમાં કે જમીન ઉપર ગમે ત્યાં આળોટે, તોપણ હું તેના ધર્મથી લેપાતો નથી. ।। ૫૧૦ ।।
કર્તાપણું, ભોક્તાપણું, દુષ્તતા, ગાંડપણ, મૂર્ખતા, બંધન, મોક્ષ વગેરે બુદ્ધિની જ કલ્પનાઓ છે – ખરી રીતે માયાથી રહિત આત્મામાં એ કંઈ છે જ નહિ; કારણ કે એ તો એક જ માત્ર બ્રહ્મસ્વરૂપ જ છે. ।। ૫૧૧ ।।
માયાના દસ જાતના, સો જાતના કે હજાર જાતના વિકારો ભલે થાય; પણ મને-અસંગ ચેતન આત્માને એનો શો સંબંધ છે ? વાદળાં આકાશને ક્યાંય અડી શક્તાં નથી. ।। ૫૧૨ ।।
માયાથી માંડી સ્થૂળ દેહ સુધીનું આ આખું જગત જેની અંદર માત્ર ખોટા દેખાવરૂપે જ ભાસે છે, એ આકાશ જેવું સૂક્ષ્મ તથા આદિ-અંત વગરનું જે બ્રહ્મ છે, તે જ હું છું. ।। ૫૧૩ ।।
Page – 134
સૌનો આધાર, દરેક વસ્તુને પ્રકાશ આપનાર, સર્વરૂપ, બધે ઠેકાણે રહેનાર, દરેક વસ્તુથી અળગું, નિત્ય, શુદ્ધ, અચળ અને ભેદ વગરનું જે એક જ બ્રહ્મ છે, તે જ હું છું. ।। ૫૧૪ ।।
જેમાંથી માયાના દરેક ભેદો દૂર થાય છે, જે અંતરાત્મારૂપ બુદ્ધિથી સમજી ન શકાય એવું સત્યસ્વરૂપ, અનંત, એક અને આનંદરૂપ છે, તે જ બ્રહ્મ હું છું. ।। ૫૧૫ ।।
હું ક્રિયા વગરનો, વિકાર વગરનો, વિભાગ વગરનો, આકાર વગરનો, ભેદ વગરનો, નિત્ય, આશ્રમ વિનાનો અને એક જ છું. ।। ૫૧૬ ।।
હું સૌનો આત્મા, સર્વરૂપ, સૌથી જુદો અને એક જ છું તેમ જ હું માત્ર અખંડ જ્ઞાનરૂપ, સદા આનંદરૂપ અને અંતર વિનાનો છું. ।। ૫૧૭ ।।
હે ગુરૂદેવ ! આપની તથા ઈશ્વરની કૃપાથી મને આ સ્વરાજ્ય અને સામ્રાજ્યની સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. આપ મહાત્માને મારા વારંવાર નમસ્કાર હો ! ।। ૫૧૮ ।।
Page – 135
હું માયાએ કરેલાં જન્મ, ઘડપણ અને મરણથી અત્યંત બિહામણા મોટા સ્વપ્નમાં ભટકીને અનેક પ્રકારનાં દુઃખથી હમેશાં હેરાન થતો હતો તથા અહંકારરૂપી વાઘથી બહુ જ ત્રાસ પામ્યો હતો; હે ગુરૂદેવ ! આપે મને-દીનને મોટી ઊંઘમાંથી જગાડી સારી રીતે બચાવ્યો છે. ।। ૫૧૯ ।।
હે ગુરૂરાજ ! આપના એ અવર્ણ્ય તેજને હું નમસ્કાર કરૂં છું, જે સતરૂપ તથા એક જ છે; છતાં આ વિશ્વરૂપે શોભી રહ્યું છે. ।। ૫૨૦ ।।
છેવટનો ઉપદેશ – Page – 135
એમ આત્માનું સુખ તથા તત્વનું જ્ઞાન પામેલા એ ઉત્તમ શિષ્યને પ્રણામ કરતો જોઈ તે મહાત્મા ગુરૂદેવે અત્યંત હર્ષિત હ્રદયથી ફરી આ શ્રેષ્ઠ વચન કહ્યું : ।। ૫૨૧ ।।
તું આત્મા ઉપર જ દ્રષ્ટિ રાખી અત્યંત શાંત મનથી દરેક અવસ્થામાં સંસારને માત્ર બ્રહ્મજ્ઞાનનો જ પ્રવાહ માન; અને બધું સત્યરૂપ બ્રહ્મમાં જ છે, એમ જો. આંખવાળાઓને રૂપ સિવાય બીજી કઈ વસ્તુ જોયેલી દેખાય છે ? એવી જ રીતે બ્રહ્મજ્ઞાનીની બુદ્ધિને બ્રહ્મ સિવાય બીજી કોઈ વસ્તુ વિહારનું સ્થાન છે ? ।। ૫૨૨ ।।
Page – 136
એ પરમ આનંદરસના અનુભવને તજી કયો સમજુ માણસ બીજી શૂન્ય વસ્તુઓમાં આનંદ પામે ? અત્યંત આનંદ દેનાર ચંદ્ર પ્રકાશતો હોય, ત્યારે કયો માણસ ચિત્રમાં ચીતરેલા ચંદ્રને જોવા ઈચ્છે ? ।। ૫૨૩ ।।
અસત્-મિથ્યા પદાર્થોના અનુભવ વડે જરા પણ તૃપ્તિ થતી નથી અને દુઃખનો નાશ પણ થતો નથી; માટે તું એ એક જ બ્રહ્મના આનંદરસનો અનુભવ કરી તૃપ્ત થઈને સદા આત્મામાં જ સ્થિતિ કરી સુખી રહે. ।। ૫૨૪ ।।
હે મહાબુદ્ધિમાન ! ચારેય તરફ તું પોતાને જ જોતો, પોતાને જ એક જ માનતો અને પોતાના જ આનંદને ભોગવતો સમય વિતાવ. ।। ૫૨૫ ।।
અખંડ જ્ઞાનરૂપ અને ભેદ વિનાના આત્મામાં કોઈ પણ જાતનો ભેદ કલ્પવો એ આકાશમાં શહેરની કલ્પના કરવા જેવી વાત છે. માટે એક આનંદમય આત્મા વડે સદા પરમ શાંતિ પામીને મૌન સેવ. ।। ૫૨૬ ।।
Page – 137
જૂઠા તર્ક-વિતર્ક કરનાર બુદ્ધિની જે મૌન સ્થિતિ એ પરમ શાંતિ છે; જેમાં બ્રહ્મજ્ઞાની મહાત્માને નિરંતર બ્રહ્મરૂપે અદ્વૈત-આનંદસુખનો અનુભવ થાય છે. ।। ૫૨૭ ।।
જેણે આત્માનું સ્વરૂપ જાણ્યું છે અને આત્માનંદનો રસ અનુભવ્યો છે, તેને માટે વાસનારહિત મૌનાવસ્થા સિવાય બીજું કંઈ પણ સુખકારક અને ઉત્તમ નથી. ।। ૫૨૮ ।।
વિચારશીલ વિદ્વાને ચાલતાં-ફરતાં, બેસતાં-ઊઠતાં, સૂતાં કે જાગતાં, ઈચ્છા પ્રમાણે સદા આત્મામાં રમણ કરતા રહેવું. ।। ૫૨૯ ।।
જેની વૃત્તિ હમેશાં આત્મસ્વરૂપમાં જ લાગી રહેતી હોય અને જેણે આત્મતત્વ બરાબર સમજી લીધું હોય, એવા મહાપુરૂષને દેશ, કાળ, આસન, દિશા, યમ, નિયમ વગેરે અથવા કોઈ લક્ષ્ય વગેરેની જરૂર નથી; કારણ કે આત્મસ્વરૂપને સમજી લીધા પછી નિયમ વગેરેની શી જરૂર છે ? ।। ૫૩૦ ।।
આ ઘડો છે એમ સમજવા માટે જેનાથી પદાર્થનું જ્ઞાન થાય છે, એવાં ઉત્તમ પ્રમાણ સિવાય કયા નિયમની જરૂર રહે છે ? ।। ૫૩૧ ।।
Page – 138
એ રીતે પ્રમાણ હોય, તો આ નિત્યસિદ્ધ આત્મા જાણી શકાય છે. તે દેશ, કાળ કે શુદ્ધિની જરૂર ધરાવતો નથી. ।। ૫૩૨ ।।
જેમ ‘ હું દેવદત્ત છું ’ એમ સમજવા માટે કોઈની જરૂર નથી, તેમ બ્રહ્મજ્ઞાનીને ‘ હું બ્રહ્મ છું ’ એમ સમજવા માટે પણ કશાની જરૂર નથી. ।। ૫૩૩ ।।
જેમ સૂર્યથી સર્વ જગત પ્રકાશે છે, તેમ જેના પ્રકાશથી જડ, જૂઠું અને તુચ્છ છતાં બધું પ્રકાશે છે, એને પ્રકાશ કરનાર ( એના પોતાના સિવાય ) બીજું શું હોઈ શકે ? ।। ૫૩૪ ।।
વેદ, શાસ્ત્ર, પુરાણ અને દરેક ભૂત ( પૃથ્વી, તેજ, પાણી, વાયું, આકાશ ) એ બધાં જેને લીધે જ સાર્થક છે; એ સંપૂર્ણ જાણનાર પરમાત્માને બીજું કોણ પ્રકાશિત કરે ? ।। ૫૩૫ ।।
આ આત્મા સ્વયંપ્રકાશ ( પોતાની મેળે જ પ્રકાશનાર ) અનંત શક્તિવાળો, માપી ન શકાય એવો અને સૌના અનુભવમાં આવી શકે એવો છે; એને જ બરાબર જાણી લઈ બ્રહ્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ બનેલો આ પુરૂષ સંસારરૂપ બંધનમાંથી છૂટી જઈ સર્વોત્કૃષ્ટ બને છે. ।। ૫૩૬ ।।
Page – 139
એ મહાત્મા વિષયોથી આનંદ પામતો નથી કે ખેદ પામતો નથી; તેઓમાં આસક્ત થતો નથી કે તેઓથી કંટાળતો નથી; એ તો હમેશાં આત્મામાં જ રમે છે, આનંદ પામે છે અને નિરંતર આનંદરસથી તૃપ્ત રહે છે. ।। ૫૩૭ ।।
જેમ બાળક ભૂખ અને શરીરનું દુઃખ ભૂલી જઈ રમવાની વસ્તુમાં રમે છે, એમ જ્ઞાની અહંકાર અને મમતાથી રહિત તથા સુખી થઈને આત્મામાં જ રમણ કરે છે. ।। ૫૩૮ ।।
બ્રહ્મજ્ઞાનીઓનું ભોજન ચિંતા અને દીનતા વગરનું ભિક્ષાનું અન્ન જ હોય છે; તેઓ નદીઓનાં પાણી પીએ છે, સ્વતંત્ર રીતે કોઈની રોકટોક વિના ગમે ત્યાં રહે છે; એમને કોઈ પણ જાતની બીક હોતી નથી; જંગલમાં કે સ્મશાનમાં તેઓ ઊંઘે છે; તેઓનાં કપડાં ધોવા-સૂકવવાની જરૂર વિનાનાં ઝાડની છાલો જ હોય છે, દિશાઓ એમનું ઘર છે, જમીન શય્યા છે, વેદાંતરૂપી ગલીઓમાં તેઓ ફરે છે અને માત્ર પરબ્રહ્મમાં જ તેઓની રમત હોય છે. ।। ૫૩૯ ।।
જે આત્મજ્ઞાની હોય, તે અભિમાનરહિત શરીરનો આશ્રય કરી બાળકની જેમ બીજાઓની ઈચ્છાથી મળેલા વિષયોને ભોગવે છે; એનાં કોઈ જાતના પ્રકટ ચિહનો હોતાં નથી અને બહારના પદાર્થો ઉપર તે આસક્ત હોતો નથી. ।। ૫૪૦ ।।
Page – 140
ચેતનરૂપ વસ્ત્રને જ ધારણ કરતો એ પુરૂષ ( કોઈ વેળા ) દિગંબર, વસ્ત્રધારી અથવા વલ્કલધારી પણ હોય; એ તો ઉન્મત્તની પેઠે અથવા બાળકની પેઠે અથવા ભુત-પ્રેતની પેઠે પૃથ્વી પર ફરે છે. ।। ૫૪૧ ।।
સર્વના આત્મારૂપે રહેલો તે મુનિ સદા પોતાના આત્માથી જ સંતોષી રહી પોતે એકલો ફરે છે અને નિષ્કામ સ્વરૂપે વિષયોને ભોગવે છે. ।। ૫૪૨ ।।
એ બ્રહ્મજ્ઞાની ક્યારેક મૂર્ખ, ક્યારેક વિદ્વાન, ક્યારેક મહારાજાના ઠાઠવાળો, ક્યારેક ભ્રાંતિવાળો, ક્યારેક શાંત, ક્યારેક અજગર જેવા આચારવાળો, ક્યારેક પાત્ર જેવો જણાતો, ક્યારેક અપમાન પામેલો અને ક્યારેક અજાણ્યો રહે છે. એમ નિત્ય પરમ આનંદથી સુખી થઈ ફર્યા કરે છે. ।। ૫૪૩ ।।
એ મહાત્મા નિર્ધન હોય તોપણ સદા સંતોષી હોય છે; સહાય વિનાનો હોય છતાં મહાબળવાન હોય છે; જમે નહિ છતાં નિત્ય તૃપ્ત રહે છે અને પોતે અતુલ્ય હોય-સર્વથી શ્રેષ્ઠ હોય છતાં સૌ ઉપર સમાન દ્રષ્ટિવાળો હોય છે. ।। ૫૪૪ ।।
Page – 141
એ બધાં કામો કરે છતાં કાંઈ કરતો નથી; અનેક જાતનાં ફળ ભોગવે છતાં ભોકતા ( ભોગવનાર ) નથી; શરીરધારી હોય છતાં શરીર વગરનો છે; અને થોડી જગ્યામાં રહે છતાં દરેક ઠેકાણે રહેનાર છે. ।। ૫૪૫ ।।
હમેશાં શરીરના અભિમાન વિનાના એ ઉત્તમ બ્રહ્મજ્ઞાનીને પ્રિય કે અપ્રિયનો તથા શુભ કે અશુભનો ક્યાંય સંબંધ થતો જ નથી. ।। ૫૪૬ ।।
જેને સ્થૂળ તથા સૂક્ષ્મ દેહનો સંબંધ હોય અને તેના પર હુંપણાનું અભિમાન હોય, એને જ સુખ-દુઃખ અને શુભ કે અશુભ જણાય છે; પણ જેનાં દેહબંધન નાશ પામ્યાં હોય, અને જે સદા આત્મારૂપે સ્થિતિ કરતો હોય એવા મુનિને શુભ કે અશુભ ફળ શાથી જણાય ? ।। ૫૪૭ ।।
વસ્તુસ્વરૂપ નહિ સમજીને જેમ માણસો ભ્રાંતિથી જ રાહુએ નહિ ગળેલા સૂર્યને પણ ગળેલો કહે છે; તેમ બ્રહ્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ પુરૂષ દેહાદિના બંધનથી મુક્ત જ થયો હોય, તોપણ તેના માત્ર આભાસરૂપ શરીરને જોવાથી અજ્ઞાનીઓ એને દેહધારી જેવો જુએ છે. ।। ૫૪૮ ।। ।। ૫૪૯ ।।
Page – 142
જેમ સાપ કાંચળી ઉતારીને અલગ રહે છે, તેમ બ્રહ્મજ્ઞાની પણ પોતાના શરીર ઉપરની અહંતા-મમતા તજીને તેથી અલગ રહે છે. માત્ર તેનું શરીર પ્રાણવાયુથી આમતેમ લગાર હરતુંફરતું જણાય છે. ।। ૫૫૦ ।।
જેમ પાણીનો પ્રવાહ લાકડાને ઊંચે-નીચે ઠેકાણે લઈ જાય છે, એમ તે જ્ઞાનીના શરીરને દૈવ જ વખતસર ખાવુ-પીવું વગેરે ભોગો તરફ લઈ જાય છે. ।। ૫૫૧ ।।
ઉપરના અહંભાવથી મુક્ત થયેલો તે પુરૂષ પ્રારબ્ધકર્મથી કલ્પાયેલી વાસનાઓથી સંસારી પુરૂષની જેમ અનેક ભોગો ભોગવે છે; છતાં એ સિદ્ધ પુરૂષ ચાકડાના મૂળની પેઠે પોતે વિતર્ક વગરનો થઈ સાક્ષીની પેઠે ચૂપચાપ આ લોકમાં રહે છે. ।। ૫૫૨ ।।
Page – 143
એ બ્રહ્મજ્ઞાની, આત્માનંદના ઘાટા રસનું પાન કરવાથી જાણે અતિ મદયુક્ત ચિત્તવાળો હોય એવો બની સાક્ષીના જેવાં લક્ષણોમાં રહી ઈંદ્રિયોને વિષયોમાં જોડતો નથી; તેમ જ વિષયોથી તેમને રોકતો નથી. વળી તે પોતાના કર્મનાં ફળ તરફ તો લેશમાત્ર પણ જોતો જ નથી. ।। ૫૫૩ ।।
જણાતી અને નહિ જણાતી વસ્તુનો વિચાર છોડી દઈ જે માત્ર આત્મારૂપે જ રહે છે, એ બ્રહ્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ છે; અને તે સાક્ષાત્ શિવ પોતે જ છે. ।। ૫૫૪ ।।
એવો ઉત્તમ બ્રહ્મજ્ઞાની જીવતાં જ સદા મુક્ત છે; એણે પોતાનાં બધાં કામ પૂરાં કર્યાં છે; અને શરીર નાશ પામ્યા પછી પણ એ બ્રહ્મરૂપે જ થઈને અદ્વૈત બ્રહ્મમાં મળી જાય છે. ।। ૫૫૫ ।।
જેમ નટ વેશ પહેર્યો હોય કે ન પહેર્યો હોય તોપણ માત્ર માણસ જ છે, તે જ શ્રેષ્ઠ બ્રહ્મજ્ઞાની પણ ઉપાધિવાળો હોય કે ન હોય તોપણ સદા બ્રહ્મ જ છે, બીજો કોઈ નથી. ।। ૫૫૬ ।।
બ્રહ્મરૂપ થયેલા યોગીનું શરીર ઝાડનાં ખરી પડેલાં પાંદડાંની પેઠે ગમે ત્યાં પડે તેની તેને પરવા નથી; કારણ કે એ શરીર તો અગાઉથી જ ચેતનરૂપ અગ્નિમાં બળેલું હોય છે. ।। ૫૫૭ ।।
Page – 144
આત્મારૂપ બ્રહ્મમાં હમેશાં પૂર્ણ અને અદ્વૈત આનંદ રસરૂપે જ રહેતા એ મહાત્માને ચામડી, માંસ અને મળમૂત્રના પિંડા જેવું આ શરીર છોડવા માટે યોગ્ય દેશકાળની રાહ જોવાની જરૂર નથી. ।। ૫૫૮ ।।
કારણ કે હ્રદયની અજ્ઞાનરૂપી ગાંઠ છૂટી જાય, એ જ મોક્ષ છે; શરીર કે દંડ-કમંડળનો ત્યાગ એ મોક્ષ નથી. ।। ૫૫૯ ।।
ઝાડનું પાન નદીમાં, નાળાંમાં, મંદિરમાં કે ચૌટામાં પડે તેથી ઝાડને કયો લાભ કે નુકસાન છે ? ।। ૫૬૦ ।।
જેમ ઝાડનાં પાન, ફૂલ અને ફળ ખરી પડે છે, તેમ જીવનાં દેહ, ઈંદ્રિયો, પ્રાણ અને બુદ્ધિ વગેરેનો નાશ થાય છે; પણ સદા આનંદરૂપ આત્માનો પોતાનો ક્યારેય નાશ થતો જ નથી. એ તો ઝાડની પેઠે નાશ નહિ પામેલો જ રહે છે. ।। ૫૬૧ ।।
આત્મા જ્ઞાનરૂપ છે, એ જ એનું અવિનાશીપણું સૂચવતું લક્ષણ છે; એમ કહીને જ્ઞાનીઓ ઉપાધિવાળી વસ્તુનો જ નાશ જણાવે છે. ।। ૫૬૨ ।।
Page – 145
‘ અરે ! આ આત્મા અવિનાશી છે ’ આમ કહીને વેદ જણાવે છે કે, વિકારવાળા પદાર્થો નાશ પામે છે તોપણ આત્મા ( અવિકારી હોવાથી ) નાશ પામતો નથી. ।। ૫૬૩ ।।
જેમ પથ્થર, ઝાડ, ઘાસ, અનાજ, સાદડી અને કપડાં વગેરે બળી જાય તો તેની માટી ( રાખ ) જ થાય છે ; તેમ દેહ, ઈંદ્રિય, પ્રાણ અને મન વગેરે દરેક દ્રશ્ય પદાર્થો, જ્ઞાનરૂપી અગ્નિથી બાળીને પરમાત્મારૂપ જ બની જાય છે. ।। ૫૬૪ ।।
જેમ સૂર્યનો પ્રકાશ થતાં એનાથી ઊલટા સ્વભાવનું અંધારૂં એમાં જ લય પામે છે ( જાણે એમાં ડૂબી ગયું હોય એમ લાગે છે ), તેમ ( જ્ઞાન થયા પછી ) આ આખું દ્રશ્ય જગત બ્રહ્મમાં જ લય પામે છે-તે સ્વરૂપ જણાઈ અદ્રશ્ય થાય છે. ।। ૫૬૫ ।।
જેમ ઘડો ફૂટી જતાં એમાં રહેલું આકાશ મોટા આકાશરૂપ જ થઈ જાય છે, તેમ શરીરરૂપ ઊપાધિનો નાશ થતાં બ્રહ્મવેત્તા પુરૂષ પોતાની મેળે જ બ્રહ્મરૂપ થઈ જાય છે. ।। ૫૬૬ ।।
Page – 146
જેમ દૂધમાં નાખેલું દૂધ, તેલમાં નાખેલું તેલ અને પાણીમાં નાખેલું પાણી મળીને એક થઈ જાય છે, તેમ બ્રહ્મજ્ઞાની મહાત્મા આત્મામાં મળીને એકરૂપ થઈ જાય છે. ।। ૫૬૭ ।।
એમ કેવળ અખંડ બ્રહ્મરૂપે જ થવું એ ‘ વિદેહ કૈવલ્ય – વિદેહમુક્તિ – દેહત્યાગ પછીની મુક્તિ ’ છે એ રીતે બ્રહ્મપણાને પામીને યોગી ફરી સંસારમાં પાછો આવતો નથી. ।। ૫૬૮ ।।
‘ બ્રહ્મ અને આત્મા એક જ છે ’ એવા જ્ઞાનરૂપ અગ્નિથી અવિદ્યા આદિના કારણે ઊપજેલી શરીરરૂપ ઉપાધિ જેની બળી ગઈ હોય છે એવો બ્રહ્મજ્ઞાની બ્રહ્મરૂપ જ થયો હોય છે; તેથી એ બ્રહ્મનો જન્મ ક્યાંથી હોય ? ।। ૫૬૯ ।।
માયાથી કલ્પાયેલાં બંધન અને મોક્ષ ખરી રીતે આત્મામાં છે જ નહિ – જેમ ક્રિયા વગરના દોરડામાં ( ભ્રમથી ) સાપનું દેખાવું અને નહિ દેખાવું છે જ નહિ. ।। ૫૭૦ ।।
જ્યાં સુધી આવરણશક્તિ હોય ત્યાં સુધી સંસારનું બંધન છે એને જ્યારે એ શક્તિ જ્ઞાનથી નાશ પામે ત્યારે મોક્ષ થાય છે, એમ કહી શકાય; પણ બ્રહ્મને તો કોઈ આવરણ ( ઢાંકનાર ) છે જ નહિ; કારણ કે બ્રહ્મ સિવાય બીજી કોઈ વસ્તુ જ નથી તેથી બ્રહ્મ, કોઈ બીજી વસ્તુથી ઢંકાઈ જતું નથી; છતાં તેને આવરણ છે એમ માનીએ તો ‘ બ્રહ્મ એક જ છે ’ એમ તેનું અદ્વૈતપણું સાબિત થતું નથી; અને વેદ તો દ્વૈત વસ્તુ સહન કરતો જ નથી, અર્થાત્ બ્રહ્મ સિવાય બીજી કોઈ વસ્તુ જ નથી એમ વેદ કહે છે. ।। ૫૭૧ ।।
Page – 147
બંધન અને મોક્ષ એ બુદ્ધિના જ ગુણ છે; તેને અજ્ઞાનીઓ આત્મારૂપ વસ્તુમાં ખોટા જ કલ્પી લે છે. – જેમ વાદળાં આપણી જ નજરને ઢાંકે છે, છતાં અણસમજુ લોકો માને છે કે, ‘ સૂર્ય ઢંકાઈ ગયો. ’ ( પણ એવું માનવું ભૂલભરેલું છે; કારણ કે ) બ્રહ્મ તો અદ્વૈત, અસંગ, ચૈતન્યરૂપ, એક અવિનાશી છે. ।। ૫૭૨ ।।
કોઈ વસ્તુમાં ‘ તે છે અને નથી ’ એવું જે સમજાય છે, તે બુદ્ધિના જ ગુણ છે, નિત્ય વસ્તુ ( આત્મા ) ના ગુણ નથી. ।। ૫૭૩ ।।
માટે બંધ અને મોક્ષ એ બંને માયાથી જ કલ્પાય છે, ( પણ ) આત્મામાં છે જ નહિ; કારણ કે આકાશની જેમ અવયવ વગરના, ક્રિયાવગરના, શાંત, નિર્મળ, નિર્લેપ અને એક જ પરમ તત્વમાં એની કલ્પના ક્યાંથી થાય ? ।। ૫૭૪ ।।
Page – 148
માટે ખરી વાત તો એ જ છે કે કોઈ ચીજનો નાશ કે ઉત્પત્તિ નથી, કોઈ બંધાતું નથી કે કોઈ સાધક નથી, કોઈ મુક્તિની ઈચ્છાવાળું નથી કે કોઈ મુક્ત નથી. ।। ૫૭૫ ।।
( હે વત્સ ! ) તને કલિયુગના દોષ વગરનો વિષયોની ઈચ્છારહિત બુદ્ધિવાળો અને મુક્તિની ઈચ્છાવાળો જાણી પોતાના પુત્ર જેવો માનીને મેં દરેક ઉપનિષદોના રહસ્ય ( સિદ્ધાંત ) રૂપ આ અતિ ગુપ્ત જ્ઞાન આજે તને વારંવાર બતાવ્યું છે. ।। ૫૭૬ ।।
શિષ્યની વિદાય – Page – 148
શ્રી ગુરૂદેવનાં એ વચન સાંભળી શિષ્યે શ્રી ગુરૂદેવના ચરણોમાં વિનયથી પ્રણામ કર્યા; અને સંસારના બંધનમાંથી છૂટી તેમની આજ્ઞા મેળવી ત્યાંથી તે ચાલ્યો ગયો. ।। ૫૭૭ ।।
અને ગુરૂદેવ પણ હમેશાં એમ સત્ – ચિત્ – આનંદના સમુદ્રમાં મગ્ન મનવાળા થઈ આખી પૃથ્વીને પવિત્ર કરતા ફરવા લાગ્યા. ।। ૫૭૮ ।।
Page – 149
એમ ગુરૂ અને શિષ્યના સંવાદરૂપે મુમુક્ષુઓને સહેલાઈથી જ્ઞાન થવા માટે આત્મજ્ઞાન જણાવ્યું છે. ।। ૫૭૯ ।।
વેદોક્ત કર્મો કરવાથી જેમના ચિત્તના બધા દોષ દૂર થયા હોય, જેઓ સંસારનાં સુખથી અટક્યા હોય, શાંત ચિત્તવાળા હોય, વેદના ઉપદેશમાં રસ લેતા હોય અને મોક્ષને ઈચ્છતા હોય, તેવા સંયમી મનુષ્યો આ હિતકારક ઉપદેશને સ્વીકારો. ।। ૫૮૦ ।।
સંસારરૂપી માર્ગમાં ( આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક એ ત્રણ ) તાપરૂપી સૂર્યનાં કિરણોથી ઊપજતા દાહની પીડાથી ગભરાઈને થાકને લીધે નિર્જળ ( જ્ઞાનરૂપ જળ વિનાના પ્રદેશમાં ) પાણીની ઈચ્છાથી ભટકતાં માણસો માટે અદ્વૈત બ્રહ્મરૂપી અત્યંત આનંદ દેનાર, અતિ નજીકમાં અમૃતનો સમુદ્ર બતાવતી શ્રીસંકરાચાર્યની આ પરમ શાંતિ આપનારી વાણી સર્વોત્કૃષ્ટ છે. ।। ૫૮૧ ।।

………………………………………………………………………………………………

શ્રીમત્ પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રીગોવિંદ ભગવાનના શિષ્ય શ્રીમતશંકરાચાર્ય ભગવાને રચેલું ‘ વિવેકચૂડામણિ ’ સમાપ્ત.

……………………………………………………………………………………………………….
નિદિધ્યાસન ( આત્મભાવનાને ચિત્તમાં વારંવાર સ્થિર કરવી તે ) લાખગણું ઉત્તમ છે; અને એનાથી પણ
નિર્વિકલ્પ ( કોઈ પણ જાતના વિચાર વિનાની ) સમાધિ અનંતગણી ઉત્તમ છે.
ઉપરતિ ( વિષયોથી અટકવું તે )
જે યોગી પરબ્રહ્મમાં ચિત્તને લગાડી દઈ વિકાર તથા કર્મોથી રહિત થઈને સદા આનંદ અનુભવે છે, એ ‘ સ્થિતપ્રજ્ઞ ’ કહેવાય છે.
સારી રીતે જાણેલા બ્રહ્મ અને આત્માના એકપણાને સમજનારી, તર્ક-વિતર્ક વગરની અને માત્ર ચૈતન્યરૂપ બનેલી વૃત્તિને ‘ પ્રજ્ઞા ’ કહેવાય છે; અને જેનામાં એ પ્રજ્ઞા સર્વકાળે રહી હોય, એ સ્થિતપ્રજ્ઞ કહેવાય છે.

……………………………………………………………………………………………………….

Advertisements

3 thoughts on “વિવેક ચૂડામણિ

  1. શ્રી ડો.ચંદ્રવદનભાઈ, ગુજરાતી માટે મને ગર્વ છે અને કમ્પયુટર પર લખવાની પ્રેક્ટીસ કરવા મનગમતું પુસ્તક ઉતારી વેબસાઈટ પર મુકું છું. આપ જેવા સાક્ષરો પાસે ઘણું જાણવા, શીખવા મળે છે.
   સૌનો આભાર.
   કાંતિલાલ પરમાર
   હીચીન

 1. Sir, yours is a greatest work, I enjoyed your heart-soul touching critics and I loved reading by my spirit, really I loved it. Now my beliefe, I love Lord Jesus, since last four years, basically, I am gujarati Hindu, from Mumbai, but, I come to realise that all the qualities described in Vivek Chudamani, Yogsutra, Brahm Sutra, Geeta or Veda, Upnishada etc. regarding the super man is I found only in Lord Jesus Christ and I earnestly urge, if you have not read character of Jesus Christ, please read the book of New Testaments till end, but before that you will require Holy spirit then only you will have heavenly wisdom from Lord Jesus Christ and ALMIGHTY FATHER GOD ‘Jehowa” Father GOD of Jesus and all Jews and Father GOD of all religion on the earth.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s