અધ્યાય સત્તરમો

     

અધ્યાય સત્તરમો
૯૪. સુબદ્ધ વર્તનથી વૃત્તિ મોકળી રહે છે ૨૪૧
પરિશિષ્ટ ૨ — સાધકનો કાર્યક્રમ -૨૪૧ – ૨૫૯
Page – 241 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૪ –
પરિશિષ્ટ ૨ — સાધકનો કાર્યક્રમ

 (૯૪.) આપણે ધીરે ધીરે છેડે પહોંચતા જઈએ છીએ. પંદરમા અધ્યાયમાં આપણે જીવનનું સંપૂર્ણ શાસ્ત્ર જોયું. સોળમા અધ્યાયમાં એક પરિશિષ્ટ જોયું. માણસના મનમાં અને તેના મનનું પ્રતિબિંબ એવો જે સમાજ છે તે સમાજમાં બે વૃત્તિઓનો અથવા બે સંસ્કૃતિઓનો, અથવા બે સંપત્તિઓનો ઝઘડો ચાલી રહેલો છે. તે પૈકી દૈવી સંપત્તિનો વિકાસ કરવાની શીખ સોળમા અધ્યાયના પરિશિષ્ટમાં આપણને મળી. આજે સત્તરમા અધ્યાયમાં બીજું પરિશિષ્ટ જોવાનું છે. આ અધ્યાયમાં કાર્યક્રમ-યોગ બતાવ્યો છે એમ એક રીતે કહી શકાશે. ગીતા આ અધ્યાયમાં રોજને માટે કાર્યક્રમ સૂચવે છે. નિત્ય ક્રિયાઓ આજના અધ્યાયમાં આપણે જોવાની છે. 1.  
 2. આપણી વૃત્તિ પ્રસન્ન તેમ જ મોકળી રહે એમ આપણે ઈચ્છતા હોઈએ તો આપણે આપણા વર્તનને બાંધી લેવું જોઈએ. આપણો નિત્ય કાર્યક્રમ કોઈ પણ એક ચોક્કસ નક્કી કરેલી ભૂમિકા પરથી ચાલવો જોઈએ. તે મર્યાદામાં રહીને, તે એક ચોક્કસ કરેલી નિયમિત રીતથી આપણું જીવન ચાલે તો જ મન મોકળું રહી શકે. નદી છૂટથી, મોકળાશથી વહે છે પણ તેનો પ્રવાહ બંધાયેલો છે. બંધાયેલો ન હોય તો તે મોકળાપણું, તેની સ્વતંત્રતા એળે જાય. જ્ઞાની પુરૂષના દાખલા પર આપણે નજર નાખી જઈએ. સૂર્ય જ્ઞાની પુરૂષોનો આચાર્ય છે. ભગવાને સૌથી પહેલાં કર્મયોગ સૂરજને શીખવ્યો, પછી સૂર્ય પાસેથી મનુને એટલે વિચાર કરવાવાળા એવા માણસને મળ્યો. સૂર્ય સ્વતંત્ર અને મોકળો છે. તે નિયમિત છે એ હકીકતમાં જ તેની સ્વતંત્રતાનો સાર છે. ઠરાવેલે ચોક્કસ રસ્તે ફરવા જવાની આપણને ટેવ પડી હોય તો રસ્તા તરફ ધ્યાન ન આપવા છતાં મનમાં વિચાર કરતાં કરતાં આપણે ફરી શકીએ છીએ એ આપણા અનુભવની વાત છે. ફરવાને માટે આપણે રોજ નવો નવો રસ્તો લઈએ તો બધું ધ્યાન તે રસ્તા તરફ રોકવું પડે છે. મનને પછી છૂટ રહેતી નથી. સારાંશ, જીવન બોજારૂપ ન લાગતાં જીવનમાં આનંદ લાગે તેટલા સારૂ આપણે આપમા વહેવારને બાંધી લેવો જોઈએ.
Page – 242 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૪ –
પરિશિષ્ટ ૨ — સાધકનો કાર્યક્રમ

 3. આને સારૂ આ ધ્યાયમાં ભગવાન કાર્યક્રમ બતાવી રહ્યા છે. આપણે જન્મીએ છીએ ત્યારે ત્રણ સંસ્થાઓ સાથે લઈને જન્મીએ છીએ. એ ત્રણ સંસ્થાઓનું કામ સારામાં સારી રીતે ચલાવી સંસાર આપણે સુખમય કરીએ તેટલા ખાતર ગીતા કાર્યક્રમ બતાવે છે. એ ત્રણ સંસ્થા કઈ ? આપણી આજુબાજુ વીંટળાયેલું શરીર એ એક સંસ્થા; આપણી આસપાસ ફેલાયેલું આ વિશાળ બ્રહ્માંડ, આ અપાર સૃષ્ટિ, જેના આપણે એક અંશ છીએ તે બીજી સંસ્થા; અને જે સમાજમાં આપણે જન્મ્યા તે સમાજ, આપણા જન્મની વાટ જોઈ રહેલાં આપણાં માબાપ, આપણાં ભાઈબહેન, આપણી આસપાસનાં આપણાં આડોશીપાડોશી એ ત્રીજી સંસ્થા છે. આ ત્રણે સંસ્થાઓને આપણે રોજ વાપરીએ છીએ અને તેમને ઘસારો પહોંચાડીએ છીએ. ગીતાની એવી ઈચ્છા છે કે આ સંસ્થાઓ આપણે માટે જે ઘસારો વેઠે છે તે ઘસારો ભરી કાઢવાને આપણે સતત પ્રયત્ન કરી આપણું જીવન સફળ કરીએ. અહંકારને અળગો રાખી આ સંસ્થાઓને લગતું જન્મથી આપણને જે કર્તવ્ય પ્રાપ્ત થયું છે તે આપણે અદા કરવું જોઈએ.
 આ કર્તવ્ય અદા કરવાનું છે એ વાત સાચી, પણ તે માટે યોજના શી ? યજ્ઞ, દાન અને તપ એ ત્રણ મળીને એ યોજના બને છે. આ શબ્દો પણા પરિચયના હોવા છતાં, તેમાં રહેલો અર્થ આપણે બરાબર સમજીએ છીએ એવું નથી. એ અર્થ બરાબર સમજી લેવાય અને એ ત્રણે વાતો જીવનમાં ભરેલી રહે તો ત્રણે સંસ્થા સાર્થક થાય અને આપણું જીવન પણ પ્રસન્ન તેમ જ મોકળું રહે.
૯૫. તે સારૂ ત્રિવિધ ક્રિયાયોગ ૨૪૩
Page – 243 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૫ – તે સારૂ ત્રિવિધ ક્રિયાયોગ

 (૯૫.) આ અર્થ સમજવાને સારૂ પહેલાં યજ્ઞ એટલે શું તે આપણે જોઈએ. સૃષ્ટિ-સંસ્થાને આપણે રોજ વાપરીએ છીએ. સો માણસ એક ઠેકાણે રહે તો બીજે દિવસે ત્યાંની સૃષ્ટિ બગડેલી દેખાય છે. ત્યાંની હવા આપણે બગાડીએ છીએ, ત્યાંની જગ્યા ગંદી કરી નાખીએ છીએ. અનાજ ખાઈએ છીએ અને સૃષ્ટિને ઘસારો પહોંચાડીએ છીએ. સૃષ્ટિ-સંસ્થાને પહોંચતો ઘસારો આપણે ભરી કાઢવો જોઈએ. એટલા ખાતર યજ્ઞ-સંસ્થા નિર્માણ થઈ. યજ્ઞનો ઉદ્દેશ શો છે ? સૃષ્ટિને જે ઘસારો વેઠવો પડે છે તે ભરી કાઢવો તેનું નામ યજ્ઞ છે. આજે હજારો વરસથી આપણે જમીન ખેડતા આવ્યા છીએ. એથી જમીનનો કસ ઓછો થતો જાય છે. આપણે તેને ઘસારો પહોંચાડીએ છીએ. યજ્ઞ કહે છે, ‘ પૃથ્વીનો કસ તેને પાછો મેળવી આપ. તેમાં ખેડ કર. સૂર્યની ગરમી તેમાં સંઘરાય એવો બંદોબસ્ત કર, તેમાં ખાતર પૂર.’ પહોંચેલો ઘસારો ભરી કાઢવો એ યજ્ઞનો એક હેતુ છે. બીજો હેતુ વાપરેલી ચીજનું શુદ્ધીકરણ કરવાનો છે. આપણે કૂવાનો ઉપયોગ કરીએ છીએ. તેથી તેની આજુબાજુ ગંદવાડ થાય છે. પાણી ભરાઈ રહે છે. કૂવાની પાસેની જે આ સૃષ્ટિ બગડી તેને શુદ્ધ કરવાની છે. ત્યાં ભરાયેલું પાણી ઉલેચી કાઢવાનું છે. કાદવ પડ્યો હોય તો સાફ કરવાનો છે. ઘસારો ભરી કાઢવો, શુદ્ધિ કરવી એ વાતોની સાથે પ્રત્યક્ષ કંઈક નિર્માણ કરવું એ ત્રીજી વાત પણ યજ્ઞમાં સમાયેલી છે. કપડું વાપર્યું તો રોજ ફરી સૂતર કાંતી તે પેદા કરવાનું છે. કપાસ પકવવો, અનાજ પેદા કરવું, સૂતર કાંતવું, એ બધી પણ યજ્ઞક્રિયાઓ જ છે. યજ્ઞમાં જે પેદા કરીએ તે સ્વાર્થને ખાતર પેદા કરવાનું નથી. આપણે જે ઘસારો પહોંચાડયો, તે ભરી કાઢવાની કર્તવ્યભાવના એમાં હોવી જોઈએ. આ કંઈ પરોપકાર નથી. આપણે આગળથી જ દેવાદાર છીએ. જન્મથી દેવું માથે લઈને આપણે આવ્યા છીએ. એ દેવું ફેડવાને સારૂ જે નવું પેદા કરવાનું છે, જે નિર્મિતિ કરવાની છે તે યજ્ઞ એટલે સેવા છે, પરોપકાર નથી. એ સેવા મારફતે ઋણ ફેડવાનું છે. ડગલે ને પગલે સૃષ્ટિ-સંસ્થાને આપણે વાપરીએ છીએ. તેને વેઠવો પડતો ઘસારો ભરી કાઢવાને ખાતર, તેની શુદ્ધિ કરવાને સારૂ અને નવું પેદા કરવાને માટે યજ્ઞ કરવાનો છે.  4.
Page – 244 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૫ – તે સારૂ ત્રિવિધ ક્રિયાયોગ

 5. બીજી સંસ્થા માણસનો સમાજ છે. માબાપ, ગુરૂ, મિત્ર એ બધાં આપણે માટે મહેનત કરે છે. એ સમાજનું રૂણ ફેડવાને માટે દાન બતાવ્યું છે. સમાજનું ઋણ ચૂકવવાને કરેલો પ્રયોગ તે દાન છે, દાન એટલે પરોપકાર નથી. સમાજ પાસેથી પાર વગરની સેવા મેં લીધી છે. હું આ જગતમાં અસહાય અને દૂબળો હતો. આ સમાજે મને નાનેથી મોટો કર્યો. એટલા ખાતર મારે સમાજની સેવા કરવાની છે, કરવી જોઈએ. સામા પાસેથી કશું ન લેતાં તેની હું જે સેવા કરૂં તે પરોપકાર છે. પણ અહીં તો સમાજ પાસેથી આગળથી ભરપૂર લીધેલું છે. સમાજના આ ઋણમાંથી છૂટવાને માટે જે સેવા કરવાની છે તે દાન છે. મનુષ્યસમાજને આગળ જવાને માટે જે મદદ કરવાની છે તે દાન છે. સૃષ્ટિને પહોંચેલો ઘસારો ભરી કાઢવાને કરેલી મહેનત તે યજ્ઞ છે. સમાજનું ચડેલું ઋણ ફેડવાને શરીરથી, ધનથી અથવા બીજાં સાધનથી કરેલી મદદ તે દાન છે.
 6. આ ઉપરાંત ત્રીજી એક સંસ્થા છે. તે આ શરીર. શરીર પણ રોજરોજ ઘસાય છે. આપણે મન, બુદ્ધિ, ઈંદ્રિય એ બધાંને વાપરીએ છીએ અને તેમને ઘસારો પહોંચાડીએ છીએ. આ શરીરરૂપી સંસ્થામાં જે વિકાર, જે દોષ પેદા થાય તેમની શુદ્ધિને માટે તપ કહ્યું છે.
 7. આમ સૃષ્ટિ, સમાજ અને શરીર એ ત્રણે સંસ્થાનું કામ સારામાં સારી રીતે ચાલે એ રીતે વર્તવાની આપણી ફરજ છે. આપણે યોગ્ય અથવા અયોગ્ય અનેક સંસ્થા ઊભી કરીએ છીએ. પણ આ ત્રણ સંસ્થા આપણી ઊભી કરેલી નથી. તે સ્વભાવતઃ આપણને આવી મળી છે. એ સંસ્થાઓ કૃત્રિમ નથી. એવી એ ત્રણ સંસ્થાઓને લાગેલો ઘસારો યજ્ઞ, દાન અને તપ એ સાધન વડે ભરી કાઢવાનો મારો સ્વભાવપ્રાપ્ત ધર્મ છે. આ પ્રમાણે આપણે વર્તવું હોય તો આપણી જે હશે તે બધીયે શક્તિની એમાં જરૂર પડશે.
Page – 245 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૫ – તે સારૂ ત્રિવિધ ક્રિયાયોગ

 બીજી વાતો કરવાની વધારાની શક્તિ આપણી પાસે ફાજલ નહીં રહે. આ ત્રણે સંસ્થા સુંદર રીતે ચાલે તેટલા ખાતર આપણી બધીયે શક્તિ વાપરવી પડશે. કબીરની માફક પણે પણ જો કહી શકીએ કે “ હે ઈશ્વર ! તેં મને જે ચાદર આપી હતી તે જેવી ને તેવી પાછી આપી, આ હું ચાલ્યો. એ તારી ચાદર બરાબર તપાસી લે, ” તો કેવડી મોટી સફળતા ગણાય ! પણ એવી સફળતા મળે તે માટે યજ્ઞ, દાન અને તપનો ત્રિવિધ કાર્યક્રમ અમલમાં મૂકવો જોઈએ.
 યજ્ઞ, દાન અને તપ એ ત્રણેમાં આપણે ભેદ જોયો, પણ ખરૂં જોતાં ભેદ નથી. કારણકે સૃષ્ટિ, સમાજ અને શરીર એ પણ તદ્દન જુદી સંસ્થાઓ નથી. આ સમાજ સૃષ્ટિની બહાર નથી. આ શરીર પણ સૃષ્ટિની બહાર નથી. ત્રણે મળીને એક જ ભવ્ય સૃષ્ટિ-સંસ્થા બને છે. તેથી જે ઉત્પાદક શ્રમ કરવાનો છે, જે દાન કરવાનું છે, અને જે તપ આચરવાનું છે તે બધાંયને વ્યાપક અર્થમાં યજ્ઞ જ કહી શકાશે. ગીતાએ ચોથા અધ્યાયમાં દ્રવ્યયજ્ઞ, તપોયજ્ઞ વગેરે યજ્ઞો કહ્યા છે. ગીતાએ યજ્ઞનો વિશાળ અર્થ કર્યો છે.
 આ ત્રણે સંસ્થાને માટે જે જે સેવા આપણે કરીશું તે સેવા યજ્ઞરૂપ જ હશે. માત્ર એ સેવા નિરપેક્ષ હોય એટલે થયું. આ સેવામાં ફળની અપેક્ષા રાખી શકાશે જ નહીં, કેમકે ફળ આપણે આગળથી લઈ લીધેલું છે. પહેલાંનું દેવું માથે છે. જે લીધું છે તે પાછું આપવાનું છે. યજ્ઞથી સૃષ્ટિ-સંસ્થામાં સામ્યાવસ્થા પ્રાપ્ત થાય છે, દાનથી સમાજમાં સામ્યાવસ્થા પ્રાપ્ત થાય છે અને તપથી શરીરમાં સામ્યાવસ્થા રહે છે. આમ આ ત્રણ સંસ્થાઓમાં સામય્વસ્થા રાખવાને માટેનો આ કાર્યક્રમ છે. એથી શુદ્ધિ થશે, દૂષિત ભાવ નીકળી જશે.
 8. આ જે સેવા કરવાની છે તે માટે કંઈક ભોગ પણ લેવો પડશે. ભોગ એ પણ યજ્ઞનું જ એક અંગ છે. આ ભોગને ગીતાએ आहार કહ્યો છે. આ શરીરરૂપી યંત્રને ખોરાકરૂપી કોલસો પૂરો પાડવો જરૂરી છે. એ આહાર પોતે યજ્ઞ નહીં હોય, તો પણ યજ્ઞ પાર પાડવાની ક્રિયાનું એક અંગ છે. તેથી उदरभरण नोहे जाणिजे यज्ञकर्म – ‘ આ ખાલી પેટ ભરવાપણું નથી, એને યજ્ઞકર્મ જાણ ’ એમ આપણે કહીએ છીએ.
Page – 246 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૫ – તે સારૂ ત્રિવિધ ક્રિયાયોગ

 બગીચામાંથી ફૂલ વીણી આણી ઈશ્વરને માથે ચડાવ્યાં તે પૂજા થઈ. પણ ફૂલ ઉગાડવાને માટે બગીચામાં જે મહેનત કરી છે તે પણ પૂજા જ છે. યજ્ઞ પૂરો પાર પાડવાને જે જે ક્રિયા કરવી જરૂરી છે તે એક પ્રકારની પૂજા જ છે. દેહને આહાર આપીએ તો જ તે કામ આપે. યજ્ઞનાં સાધનરૂપ થનારાં કર્મો તે બધાં પણ યજ્ઞ જ છે. ગીતા એ કર્મને तदर्थीय कर्म, યથાર્થ કર્મ એવું નામ આપે છે. આ શરીર સેવાને માટે હંમેશ ખડું રહે તે માટે તેને હું જે આહુતિ આપું છું તે આહુતિ યજ્ઞરૂપ છે. સેવાર્થે કરેલો હાર પવિત્ર છે.
 9. આ બધી વાતોના મૂળમાં વળી શ્રદ્ધા જોઈએ. સર્વ સેવા પરમેશ્વરને અર્પણ કરવાની છે એવો ભાવ જોઈએ. આ ઘણી જ મહત્વની વાત છે. ઈશ્વરાર્પણ બુદ્ધિ સિવાય સેવામયતા આવી શકતી નથી. ઈશ્વરાર્પણતાની આ પ્રધાન વસ્તુને વીસર્યે ચાલે એમ નથી.
૯૬. સાધનાનું સાત્ત્વિકીકરણ ૨૪૬
Page – 246 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૬ – સાધનાનું સાત્ત્વિકીકરણ

 (૯૬.) પણ આપણી ક્રિયાઓ આપણે ઈશ્વરને ક્યારે અર્પણ કરી શકીએ ? તે સાત્વિક થાય ત્યારે. આપણાં બધાં કર્મો જ્યારે સાત્વિક થાય ત્યારે તે ઈશ્વરને ર્પણ કરી શકાય. યજ્ઞ, દાન, તપ બધું સાત્વિક થવું જોઈએ. ક્રિયાઓને સાત્વિક કેમ કરવી તેનું રહસ્ય આપણે ચૌદમા અધ્યાયમાં જોયું. આ અધ્યાયમાં ગીતા તે તત્વનો અમલ શી રીતે કરવો તે બતાવે છે. 10.
 11. આ સાત્વિકતાની યજના કરવામાં ગીતાનો બેવડો ઉદ્દેશ છે. બહારથી યજ્ઞ-દાન-તપની મારી જે વિશ્વસેવા ચાલે છે તેને જ અંદરની આધ્યાત્મિક સાધનાનું નામ આપી શકાય. સૃષ્ટિની સેવા અને સાધના એ બંનેને માટે બે જુદા જુદા કાર્યક્રમની જરૂર નથી. સાધના અને સેવા મૂળમાં બે જુદી જુદી વસ્તુઓ જ નથી. બંનેને માટે ક જ પ્રયત્ન, એક જ કર્મ છે. એવું જે કર્મ કર્યું હોય તે આખરે ઈશ્વરને અર્પણ કરવાનું છે. સેવા+સાધના+ઈશ્વરાર્પણતા એ યોગ ક જ ક્રિયાથી સધાવો જોઈએ.
Page – 247 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૬ – સાધનાનું સાત્ત્વિકીકરણ

 12. યજ્ઞ સાત્વિક થાય તે માટે બે વસ્તુની જરૂર છે. નિષ્ફળતાપણાનો અભાવ અને સકામપણાનો અભાવ એ બે બાબતો યજ્ઞમાં હોવી જોઈએ. યજ્ઞમાં સકામપણું હોય તો તે રાજસ યજ્ઞ થાય. નિષ્ફળપણું હોય તો તે તામસ યજ્ઞ થાય.
 સૂતર કાંતવું એ યજ્ઞ છે કાંતતાં કાંતતાં તેમાં આત્મા રેડયો ન હોય, ચિત્તની એકાગ્રતા ન હોય તો તે સૂત્રયજ્ઞ બોજારૂપ થશે. બહારથી કામ ચાલતું હોય ત્યારે અંદરથી મનનો મેળ ન હોય તો તે આખી ક્રિયા વિધિહીન થાય. વિધિહીન કર્મ બોજારૂપ થાય છે. વિધિહીન ક્રિયામાં તમોગુણ દાખલ થાય છે. તે ક્રિયા સારામાં સારી પેદાશ આપી શકાતી નથી. તેમાંથી ફળ નીપજતું નથી. યજ્ઞમાં સકામપણું ન હોય પણ તેમાંથી કારામાં સારૂં ફળ મળવું જોઈએ. કર્મમાં મન ન હોય, તેમાં આત્મા ન હોય તો તે બોજારૂપ થાય છે. પછી તેમાંથી સારામાં સારૂં ફળ મેળવવાની વાત કેવી ? બહારનું કામ બગડયું તો અંદર મનનો મેળ નહોતો એમ ચોક્કસ જાણવું. કર્મમાં આત્મા રેડો. અંદરથી મેળ રાખો. સૃષ્ટિ-સંસ્થાનું ઋણ ફેડવાને માટે આપણે ફળની સારામાં સારી પેદાશ કરવી જોઈએ. કર્મમાં ફળહીનતા ન આવે તેટલા સારૂ આંતરિક મેળનું આ વિધિયુક્તપણું હોવું જોઈએ.
 13. આ રીતે નિષ્કામતા કેળવાશે એટલે આપણે હાથે વિધિયુક્ત સફળ કર્મ થશે અને ત્યારે જ ચિત્તશુદ્ધિ થવા માંડશે. ચિત્તશુદ્ધિની કસોટી શી છે ? બહારનું કામ તપાસી જોવું. તે નિર્મળ અને સુંદર નહીં હોય તો ચિત્તને મલિન માનવામાં વાંધો નથી. કર્મમાં સૌંદર્ય ક્યારે ઉત્પન્ન થાય ? ચિત્તશુદ્ધિપૂર્વક અને પરિશ્રમપૂર્વક કરેલા કર્મ પર પરમેશ્વર પોતાની પસંદગીની, પોતાની પ્રસન્નતાની મહોર મારે; પ્રસન્ન પરમેશ્વર કર્મના વાંસા પર પ્રેમથી હાથ ફેરવે, એટલે તેમાં સૌંદર્ય ઉત્પન્ન થાય છે. સૌંદર્ય એટલે પવિત્ર પરિશ્રમને મળેલો ઈશ્વરી પ્રસાદ. મૂર્તિ ઘડનારા શિલ્પીને એવો અનુભવ થવા માંડે છે કે આ સુંદર મૂર્તિ મારે હાથે બની નથી. મૂર્તિનો આકાર ઘડતાં ઘડતાં છેવટની ઘડીએ, છેલ્લી ક્ષણે ક્યાંકથી આપોઆપ સૌંદર્ય તેમાં આવીને ઊભું રહે છે.
 ચિત્તશુદ્ધિ વગર આ ઈશ્વરી કળા પ્રગટ થાય ખરી કે ? મૂર્તિનું બધુંયે સ્વારસ્ય જ એ છે કે આપણા અંતઃકરણમાં રહેલું સૌંદર્ય તેમાં રેડાયેલું હોય છે. મૂર્તિ આપણા ચિત્તની પ્રતિમા છે. આપણાં બધાંયે કર્મો આપણા મનની મૂર્તિઓ હોય છે. મન સુંદર હશે તો એ કર્મમય મૂર્તિઓ પણ સુંદર થશે. બહારના કર્મની શુદ્ધિનો મનની શુદ્ધિ પરથી અને મનની શુદ્ધિનો બહારના કર્મ પરથી તાળો મેળવી લેવો.
Page – 248 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૬ – સાધનાનું સાત્ત્વિકીકરણ

 14. હજી એક વાત કહેવાની રહી છે. તે આ છે. આ બધાંયે કર્મોમાં મંત્ર પણ જોઈએ. મંત્રહીન કર્મ વ્યર્થ છે. સૂતર કાંતતી વખતે આ સૂતર વડે હું ગરીબ જનતાની સાથે જોડાઉં છું એ મંત્ર અંદર હોવો જોઈએ. આ મંત્ર હ્રદયમાં ન હોય ને કલાકોના કલાકો સુધી ક્રિયા કરી હોય છતાં તે વ્યર્થ છે. એ ક્રિયા ચિત્તને શુદ્ધ નહીં કરે. પેલી રૂની પૂણીમાં રહેલો અવ્યક્ત પરમાત્મા સૂતરને રૂપે પ્રગટ થાય છે એવો મંત્ર તે ક્રિયામાં રેડીને તે ક્રિયા તરફ જુઓ. એ ક્રિયા અત્યંત સાત્વિક અને સુંદર થશે. તે ક્રિયા પૂજા થશે, યજ્ઞરૂપ સેવા બનશે. એ નાનકડા કાચા સૂતરને તાંતણે તમે સમાજ સાથે, જનતાની સાથે અને ખુદ જગદીશ્વર સાથે બંધાશો. બાળકૃષ્ણના નાનકડા મોઢામાં જસોદામાને આખું વિશ્વ દેખાયું. તમારા એ મંત્રમય સૂતરના દોરામાં પણ તમને વિશાળ વિશ્વ દેખાવા માંડશે.
૯૭. આહારશુદ્ધિ ૨૪૮
Page – 248 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૭ – આહારશુદ્ધિ

 (૯૭.) આવી સેવા આપણે હાથે થાય માટે આહારશુદ્ધિ પણ જોઈએ. જેવો આહાર તેવું મન. આહાર પરિમિત, માપસરનો હોવો જોઈએ. આહાર કયો અને કેવો હોવો જોઈએ તેના કરતાંયે તે કેટલો હોવો જોઈએ એ વાત વધારે મહત્વની છે. ખોરાકની પસંદગીની વાત મહત્વની નથી એવું નથી. પણ આપણે જે ખોરાક લઈએ તે પ્રમાણમાં લઈએ છીએ કે નહીં એ સવાલ વધારે મહત્વનો છે. 15.
 16. આપણે જે કંઈ ખીએ છીએ તેની અસર થયા વગર રહેતી નથી. આપણે શા સારૂ ખાઈએ છીએ ? આપણે હાથે સારામાં સારી સેવા થાય તે માટે. આહાર પણ યજ્ઞનું અંગ છે.
Page – 249 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૭ – આહારશુદ્ધિ

 સેવારૂપ યજ્ઞ ફળદાયી થાય માટે આહાર છે. આહાર તરફ આવી ભાવનાથી જોવાનું રાખો. તે સ્વચ્છ અને શુદ્ધ હોવો જોઈએ. વ્યક્તિ પોતાના જીવનમાં આહારશુદ્ધિ કેટલી કરે એ વાતને મર્યાદા જ નથી આપણા સમાજે આહારશુદ્ધિને માટે તપસ્યા કરેલી છે. આહારશુદ્ધિને માટે હિંદુસ્તાનમાં બહોળા પ્રયત્ન થયા છે. એ પ્રયોગમાં હજારો વર્ષ ગયાં. એ અખતરાઓમાં કેટલી તપસ્યા થઈ હશે તે કહેવું મુશ્કેલ છે. દુનિયાના પડ પર એક હિંદુસ્તાન દેશ જ એવો છે કે જ્યાં આખી જાતિની જાતિઓ માંસાહારમુક્ત છે. જે જાતિઓ માંસાહાર કરે છે તેમના આહારમાં પણ માંસનો ખોરાક હંમેશનો મુખ્ય હોય છે એવું નથી. અને જે માંસ ખાય છે તેમને પણ પોતે કંઈ બહુ સારૂં કરે છે એમ લાગતું નથી. મનથી તેમણે માંસ છોડી દીધું હોય છે. માંસાશન પર અંકુશ મૂકવાને ખાતર યજ્ઞ રૂઢ થયો. અને તેટલા જ ખાતર યજ્ઞ બંધ પણ થયો. શ્રીકૃષ્ણ ભગવાને તો યજ્ઞની વ્યાખ્યા જ પલટી નાખી. કૃષ્ણે દૂધનો મહિમા વધાર્યો. કૃષ્ણે અસામાન્ય વાતો કંઈ ઓછી કરી બતાવી નથી. પણ હિંદી પ્રજાને કયા કૃષ્ણનું ઘેલું લાગ્યું હતું ? ‘ ગોપાળકૃષ્ણ, ગોપાળકૃષ્ણ ’ એ જ નામ હિંદી જનતાને વહાલું છે. પેલો કૃષ્ણ, તેની પાસે બેઠેલી પેલી ગાય, પેલી અધર પર વિરાજતી મોરલી, એવા  ગાયની સેવા કરવાવાળા ગોપાળકૃષ્ણને જ નાનાં બાળકોથી માંડીને ઘરડાં સુધી સૌ ઓળખે છે. ગૌરક્ષાનો મોટામાં મોટો ઉપયોગ માંસાહાર બંધ પાડવામાં થયો. ગાયના દૂધનો મહિમા વધ્યો અને માંસાશન ઓછું થયું.
 17. તો પણ આહારશુદ્ધિ પૂરેપૂરી થઈ ગઈ છે એવું ન સમજશો. આપણે તેને આગળ લઈ જવાની છે. બંગાળી લોકો મચ્છી ખાય છે તેની કેટલાક લોકોને નવાઈ લાગે છે. પણ તે માટે તેમનો વાંક કાઢવો બરાબર નથી. બંગાળમાં ખોરાકમાં એકલો ભાત હોય છે. તેનાથી શરીરને પૂરેપૂરૂં પોષણ મળતું નથી. એને માટે પ્રયોગો કરવા પડશે. મચ્છી ન ખાતાં કઈ વનસ્પતિ ખાવાથી તેવી ને તેટલી પુષ્ટિ મળે એ બાબતનો વિચાર શરૂ થશે.
Page – 250 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૭ – આહારશુદ્ધિ

 અસામાન્ય ત્યાગ કરવાવાળી વ્યક્તિઓ નીકળશે અને આવા એક પછી એક અખતરા થતા જશે. આવી વ્યક્તિઓ જ સમાજને આગળ લઈ જાય છે. સૂર્ય જાતે બળે છે. ત્યારે માંડ જીવવા પૂરતી અઠ્ઠાણુ ડિગ્રી ગરમી આપણા શરીરમાં રહે છે. સમાજમાં વૈરાગ્યના ધગધગતા સૂર્ય જ્યારે નિર્માણ થાય છે, શ્રદ્ધાથી પરિસ્થિતિને હઠાવી દઈ વગર પાંખે તેઓ ધ્યેયાકાશમાં ઊંચે ને ઊંચે ઊડે છે, ત્યારે માંડ સંસારને ઉપયોગી એવો થોડો સરખો વૈરાગ્ય આપણામાં આવે છે. માંસાહાર બંધ કરવાને ઋષિઓને કેટકેટલી તપસ્યા કરવી પડી હશે, કેવાં કેવાં પ્રાણાર્પણ કરવા પડયાં હશે તેનો આવે વખતે મને વિચાર આવે છે.
 18. સારાંશ કે આજે આપણી સામુદાયિક આહારશુદ્ધિ આટલે સુધી થઈ છે. અનંત ત્યાગ કરી પૂર્વજોએ કરેલી એ કમાણી ગુમાવશો મા. ભારતીય સંસ્કૃતિમાં રહેલી આ વસ્તુ ડુબાવી મારશો મા. આપણે ફાવે તેમ જીવવું નથી. જેને ફાવે તેમ જીવવું છે તેનું કામ સહેલું છે. પશુઓ પણ ફાવે તેમ તો જીવે છે. પણ જેવા પશું તેવા જ શું આપણે છીએ ? જાનવરો અને આપણી વચ્ચે ફેર છે. એ ફેરને વધારતા રહેવું એને જ સંસ્કૃતિવર્ધન કહે છે. આપણા રાષ્ટ્રે માંસાહારત્યાગનો મોટો અખતરો કરી બતાવ્યો. તેને આગળ વધારો. કંઈ નહીં તો જે ભૂમિકા પર છો ત્યાંથી પાછા હઠશો મા.
 આ સૂચના કરવાનું કારણ છે. હમણાં હમણાં કેટલાક લોકોને માંસાહારમાં ઈષ્ટતા દેખાવા માંડી છે, માંસાહાર કરવો જોઈએ એવું લાગવા માંડયું છે. આજે પૌરસ્ત્ય અને પાશ્ચાત્ય સંસ્કૃતિની પરસ્પર અસર પડે છે. એમાંથી છેવટે ભલું જ થવાનું છે એવી મને શ્રદ્ધા છે. પાશ્ચાત્ય સંસ્કૃતિની અસરથી આપણામાં રહેલી જડ શ્રદ્ધા ડગવા માંડી છે. અંધશ્રદ્ધા ડગી જાય તેથી કશુંયે નુકસાન નથી. સારૂં હશે તે ટકશે. ખરાબ બળી જશે. પણ અંધશ્રદ્ધા જાય તેની જગ્યાએ અંધ અશ્રદ્ધા પેદા થાય તે ન ચાલે. એકલી શ્રદ્ધા આંધળી હોય છે એવું ન માનશો. અંધ વિશેષણનો ઈજારો એકલી શ્રદ્ધાએ રાખ્યો નથી. અશ્રદ્ધા પણ આંધળી હોઈ શકે.
Page – 251 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૭ – આહારશુદ્ધિ

 માંસાહરાની બાબતમાં આજે ફરી વિચાર શરૂ થયો છે. એ જે હોય તે ખરું, પરંતુ  કોઈ પણ નવો વિચાર નીકળે છે એટલે મને આનંદ થાય છે. લોકો જાગતા છે, જૂની વાતોને ધક્કો દેતા થયા છે એટલું એથી ખસૂસ જણાય છે. જાગ્રૃતિનાં લક્ષણ જોવાનાં મળે તેથી સારૂં લાગે છે. પણ જાગ્યા પછી આંખ ચોળતા ચોળતા ચાલવા જઈશું તો પડી જવાય એવો સંભવ છે. તેથી પૂરેપૂરી જાગૃતિ આવે ત્યાં સુધી, પૂરૂં ચોખ્ખું દેખાય એટલા જાગતા થાઓ ત્યાં સુધી હાથપગને મર્યાદામાં રાખવા સારા. ખૂબ વિચાર કરો, વાંકાચૂકા ચારે બાજુથી વિચાર કરો. ધર્મ પર વિચારની કાતર ચલાવો. આ વિચાર રૂપ કાતરથી જેટલો ધર્મ કપાઈ જશે તે નકામો હતો એમ સમજવું જોઈએ. જે ટુકડા એમ તૂટી પડે તેને જવા દો. તારી કાતરથી જે તૂટે નહીં, ઊલટું તારી કાતર જ જ્યાં તૂટી જાય તે જ ધર્મ ખરો. ધર્મને વિચારનો ડર નથી. વિચાર જરૂર કરો પણ કૃતિ એકદમ કરશો મા. અરધીપરધી જાગૃતિમાં કૃતિ કરવા જશો તો અથડાઈ પડશો. વિચારો જોરથી ભલે ચાલે પણ હાલ તુરત આચાર સંભાળો, કૃતિ પર સંયમ રાખો. પહેલાંની પુણ્યની કમાણી ગુમાવી બેસશો મા.
૯૮. અવિરોધી જીવનની ગીતાની યોજના ૨૫૧
Page – 251 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૮ –
અવિરોધી જીવનની ગીતાની યોજના 

 (૯૮.) આહારશુદ્ધિથી ચિત્તશુદ્ધિ કાયમ રહેશે. શરીરમાં તાકાત આવશે. સમાજસેવા સારી રીતે કરી શકાશે. ચિત્તમાં સંતોષ રહેશે. સમાજમાં સંતોષ ફેલાશે. જે સમાજમાં યજ્ઞ-દાન-તપની ક્રિયાઓ વિધિયુક્ત તેમ જ મંત્રસહિત ચાલે છે તે સમાજમાં વિરોધ જોવાનો નહીં મળે. જેમ અરીસા સામસામે મૂક્યા હોય તો આમાંનું તેમાં દેખાય છે અને તેમાંનું આમાં દેખાય છે, તેમ વ્યક્તિ અને સમાજ એ બંનેમાં બિંબ-પ્રતિબિંબ-ન્યાયે સંતોષ પ્રગટ થશે. મારો સંતોષ તે સમાજનો અને સમાજનો તે મારો છે. બંને સંતોષનો તાળો મેળવી શકાશે અને તે બંને એકરૂપ છે એવું દેખાઈ આવશે. સર્વત્ર અદ્વૈતનો અનુભવ થશે. દ્વૈત અને દ્રોહ આથમી જશે. જેનાથી આવી સુવ્યવસ્થા સમાજમાં રહી શકે તેવી યોજના ગીતા રજૂ કરે છે. આપણો રોજેરોજનો કાર્યક્રમ ગીતાની યોજના પ્રમાણે આપણે રચીએ તો કેવું સારૂં ! 19.
Page – 252 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૮ –
અવિરોધી જીવનની ગીતાની યોજના 

 20. પણ આજે વ્યક્તિનું જીવન અને સામાજિક જીવન એ બંને વચ્ચે ઝઘડો છે. આ ઝઘડો કેમ ટાળી શકાય એની ચર્ચા આજે બધે ચાલી રહેલી છે. વ્યક્તિ અને સમાજ એમની મર્યાદા કઈ કઈ ? વ્યક્તિ ગૌણ કે સમાજ ગૌણ ? ચડિયાતું કોણ ? વ્યક્તિવાદના કોઈ કોઈ હિમાયતી સમાજને જડ માને છે. સેનાપતિની પાસે એકાદ સિપાઈ આવે છે ત્યારે તેની સાથે વાત કરવામાં સેનાપતિ સૌમ્ય ભાષા વાપરે છે. તેને ‘ તું ’ કારથી બોલાવવાને બદલે ‘ તમે ’ કહીને વાત કરે છે. પણ લશ્કર પર તે ફાવે તેવા હુકમો છોડશે. લશ્કર અચેતન, જાણે પથરો જ! તેને આમથી તેમ ને તેમથી આમ ગબડાવી શકાય. વ્યક્તિ ચૈતન્યમય છે. સમાજ જડ છે. એ વાતનો અનુભવ અહીં પણ થાય છે. મારી સામે બસો ત્રણસો લોકો છે, પણ તેમને ગમે કે ન ગમે તોયે હું બોલ્યા કરૂં છું. મને જ સૂઝે તે હું કહેતો જાઉં છું. જાણે તમે બધા જડ ન હો ! પણ મારી સામે એક વ્યક્તિ આવે તો તે વ્યક્તિનું મારે સાંભળવું પડે અને તેને વિચારપૂર્વક જવાબ આપવો પડે. અહીં જો કે તમને કલાક – કલાક થોભાવી રાખ્યા છે.
 સમાજ જડ છે અને વ્યક્તિ ચૈતન્યમય છે એવા વ્યક્તિ-ચૈતન્યવાદનું કોઈ કોઈ પ્રતિપાદન કરે છે, તો બીજા વળી સમુદાયને મહત્વ આપે છે. મારા વાળ ખરી જાય, હાથ તૂટી જાય, એક આંખ જાય, દાંત પડી જાય એટલું જ નહીં, એક ફેફસું પણ જતું રહે તોયે હું જીવતો રહું છું. એક એક છૂટો અવયવ જડ છે. તેમાંના એકાદ અવયવના નાશથી સર્વનાશ થતો નથી, સામુદાયિક શરીર ચાલ્યા કરે છે. આવી આ બે પરસ્પર વિરૂદ્ધ વિચારસરણી છે. જેવી દ્રષ્ટિથી તમે જોશો તેવું અનુમાન કાઢશો. જે રંગનાં ચશ્માં તે રંગની સૃષ્ટિ દેખાય છે.
 21. કોઈ વ્યક્તિને મહત્વ આપે છે, કોઈ સમાજને આપે છે. આનું કારણ એ છે કે સમાજમાં જીવનને માટેના કલહનો ખ્યાલ ફેલાયેલો છે. પણ જીવન શું કલહને માટે છે ?
Page – 253 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૮ –
અવિરોધી જીવનની ગીતાની યોજના 
 
 તેના કરતાં મરી કેમ નથી જતા ? કલહ એ મરવાને માટે છે. એથી જ સ્વાર્થ અને પરમાર્થ વચ્ચે આપણે ભેદ પાડીએ છીએ. સ્વાર્થ અને પરમાર્થ વચ્ચે ભેદ છે એ ખ્યાલ જે માણસે પહેલવહેલો ઊભો કર્યો તેની બલિહારી છે ! જે ચીજની મૂળમાં હયાતી જ નથી, તેની હયાતીનો ભાસ ઊભો કરવાનું સામર્થ્ય જેની અક્કલમાં હતું  તેની કદર કરવાનું મન થાય છે. જે ભેદ નથી તે તેણે ઊભો કર્યો અને જનતાને શીખવ્યો એ વાતની ખરેખર નવાઈ થાય છે. ચીનની પેલી જાણીતી દીવાલના જેવી આ વાત થઈ. ક્ષિતિજની હદ બાંધી લેવી અને તેની પેલી પાર કશું નથી એમ માનવું તેના જેવી એ વાત થઈ. એ બધાનું કારણ આજે યજ્ઞમય જીવનનો અભાવ છે તે છે. તેને લીધે વ્યક્તિ અને સમાજ વચ્ચે ભેદ પડયા છે.
 વ્યક્તિ અને સમાજ એ બેની વચ્ચે વાસ્તવિક રીતે ભેદ પાડી શકાય એમ નથી. એકાદ ઓરડીના બે ભાગ કરવાને પડદો ટાંગ્યો હોય અને તે પડદો પવનથી આઘોપાછો થાય તેથી કોઈક વાર આ ભાગ મોટો ને કોઈક વાર પેલો મોટો એવું લાગે છે. પવનની લહેર પર તે ઓરડીના ભાગનાં કદ આધાર રાખે છે. તે ભાગ પાકા નથી. ગીતા આ ઝઘડા જાણતી નથી. એ કાલ્પનિક ઝઘડા છે. અંતઃશુદ્ધિનો કાનૂન પાળો એમ ગીતા કહે છે. પછી વ્યક્તિહિત અને સમાજહિતની વચ્ચે વિરોધ પેદા નહીં થાય, એકબીજાના હિતને બાધા નહીં આવે. આ બાધા દૂર કરવામાં, આ વિરોધ દૂર કરવામાં તો ગીતાની ખૂબી છે. ગીતાનો આ કાનૂન અમલમાં મૂકનારી એક વ્યક્તિ પણ નીકળે તો તેને લીધે રાષ્ટ્ર સંપન્ન થાય. રાષ્ટ્ર એટલે રાષ્ટ્રમાંની વ્યક્તિઓ. જે રાષ્ટ્રમાં આવી જ્ઞાનસંપન્ન તેમજ આચારસંપન્ન વ્યક્તિઓ નથી તેને રાષ્ટ્ર કેવી રીતે માનવું ? હિંદુસ્તાન એટલે શું ? હિંદુસ્તાન એટલે રવીન્દ્રનાથ, હિંદુસ્તાન એટલે ગાંધીજી અથવા એવાં જ બીજાં પાંચદસ નામો. બહારની દુનિયા હિંદુસ્તાનનો ખ્યાલ આ પાંચદસ વ્યક્તિ પરથી જ બાંધે છે. પ્રાચીન જમાનાની બેચાર, મધ્યકાળમાંની ચારપાંચ આજની વ્યક્તિ લીધી અને તેમાં હિમાલય અને ગંગાને ઉમેરી આપ્યાં એટલે થયું હિંદુસ્તાન.
Page – 254 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૮ –
અવિરોધી જીવનની ગીતાની યોજના 

 આ હિંદુસ્તાનની વ્યાખ્યા થઈ. બાકી બધું આ વ્યાખ્યા પરનું ભાષ્ય છે. ભાષ્ય એટલે સૂત્રનો વિસ્તાર. દૂધનું દહીં, અને દહીંના છાશ-માખણ. દૂધ, દહીં, છાશ, માખણ એમની વચ્ચે ઝઘડો નથી. દૂધનો કસ તેમાં માખણ જેટલું હોય તેના પરથી કાઢે છે. તે જ પ્રમાણે સમાજનો કસ વ્યક્તિ પરથી મપાય છે. વ્યક્તિ અને સમાજ એ બે વિરોધ નથી. વિરોધ હોય ક્યાંથી ? વ્યક્તિ વ્યક્તિ વચ્ચે પણ વિરોધ ન હોવો જોઈએ. એક વ્યક્તિના કરતાં બીજી વ્યક્તિ વધારે સંપન્ન હોય તોયે બગડયું શું ? કોઈ પણ વિપન્ન અવસ્થામાં ન હોય અને સંપત્તિવાનની સંપત્તિ સમાજને માટે વપરાય એટલે થયું. તેથી મારા જમણા ખીસામાં પૈસા હોય તોયે શું ને ડાબા ખીસામાં હોય તોયે શું, બંને ખીસાં મારાં જ છે. કોઈ પણ વ્યક્તિ સંપન્ન થાય એટલે તેને લીધે હું સંપન્ન થાઉં, રાષ્ટ્ર સંપન્ન થાય એવી યુક્તિ સાધી શકાય છે.
 પણ આપણે ભેદ કરીએ છીએ. ધડ ને માથાં જુદાં થશે તો બંને મરશે. વ્યક્તિ અને સમાજ એ બે વચ્ચે ભેદ ન કરશો. એક જ ક્રિયાને સ્વાર્થ તેમ જ પરમાર્થને અવિરોધી કેમ કરવી તે ગીતા શીખવે છે. મારી ઓરડીમાંની હવા અને બહારની અનંત હવા એ બે વચ્ચે વિરોધ નથી. વિરોધ કલ્પીને ઓરડી બંધ રાખીશ તો હું માત્ર ગૂંગળાઈને મરી જઈશ. અવિરોધ કલ્પીને હું ઓરડી ખુલ્લી મૂકીશ એટલે અનંત હવા અંદર આવશે. જે ક્ષણે હું પોતાની જમીન, પોતાનો ઘરનો ટુકડો જુદો કરૂં છું તે જ ક્ષણે હું અનંત સંપત્તિથી અળગો થાઉં છું. મારૂં પેલું નાનું સરખું ઘર બળી જાય, પડી જાય એટલે મારૂં સર્વસ્વ ગયું એમ કહીને હું રડવા બેસું છું. પણ એમ કહેવું શા સારૂ ને રડવું શા સારૂ ? સાંકડી કલ્પના કરવી ને પછી રડવું ! આ પાંચસો રૂપિયા મેં મારા કહ્યા એટલે સૃષ્ટિમાંની પાર વગરની સંપત્તિથી હું અળગો થયો. આ બે ભાઈ મારા એવો ખ્યાલ કર્યો કે અસંખ્ય ભાઈઓ દૂર ગયા, એ વાતનું આપણને ભાન રહેતું નથી. માણસ આ પોતાનો કેટલો બધો સંકોચ કરે છે ! માણસનો સ્વાર્થ તે જ પરાર્થ હોવો જોઈએ. વ્યક્તિ અને સમાજ વચ્ચે જેનાથી ઉત્તમ સહકાર સધાય એવો સાદો સુંદર રસ્તો ગીતા બતાવે છે.
Page – 255 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૮ –
અવિરોધી જીવનની ગીતાની યોજના 

 22. જીભ અને પેટ વચ્ચે શું વિરોધ છે ? પેટને જોઈએ તેટલો જ ખોરાક જીભે આપવો જોઈએ. પેટ બસ કહે એટલે જીભે બંધ કરવું જોઈએ. પેટ એક સંસ્થા છે, જીભ એક સંસ્થા છે. એ બધી સંસ્થાઓનો હું સમ્રાટ છું. એ સર્વ સંસ્થાઓમાં અદ્વૈત જ છે. ક્યાંથી આણ્યો છે આ અક્કરમી વિરોધ ! એક જ દેહમાંની આ સંસ્થાઓ વચ્ચે જેમ વાસ્તવિક વિરોધ ન હોઈ સહકાર છે તેવું જ સમાજનું છે. સમાજમાં એ સહકાર વધે તેટલા માટે ગીતા ચિત્તશુદ્ધિપૂર્વક યજ્ઞ-દાન-તપ-ક્રિયા બતાવે છે. એવા કર્મથી વ્યક્તિ અને સમાજ બંનેનું કલ્યાણ સાધી શકાશે.
 જેનું જીવન યજ્ઞમય હોય છે તે સર્વનો થાય છે. માનો પ્રેમ મારા પર છે એમ તેના હરેક દીકરાને લાગે છે. તે પ્રમાણે આવો પુરૂષ સૌ કોઈને પોતીકો લાગે ચે. આખી દુનિયાને તે જોઈતો હોય છે. આવો પુરૂષ આપણો પ્રાણ છે, મિત્ર છે, સખા છે એમ સૌ કોઈને લાગે છે.
ऐसा पुरूष तो पहावा । जनांस वाटे हा असावा ।।
 — આવા પુરૂષનાં દર્શન કરવાં. લોકોને થાય છે કે આ હોવો જોઈએ. એમ સમર્થે કહ્યું છે. જીવનને એવું કરવાની યુક્તિ ગીતાએ આપી છે.
૯૯. સમર્પણનો મંત્ર ૨૫૫
Page – 255 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૯ – સમર્પણનો મંત્ર

 (૯૯.) યજ્ઞમય જીવન કરી તે પાછું આખુંયે ઈશ્વરાર્પણ કરવું એવું ગીતા વધારામાં કહે છે. જીવન સેવામય હોય પછી વળી ઈશ્વરાર્પણતા શાને સારૂ ? આખુંયે જીવન સેવામય થાય એ વાત ઝટ લઈને આપણે બોલી નાખીએ છીએ ખરા પણ થવી બહુ કઠણ છે. અનેક જન્મ પછી એ થોડુંઘણું સધાય. વળી, બધાંયે કર્મ સેવામય, અક્ષરશઃ સેવામય થાય તોયે તે પૂજામય થાય જ એવું નથી. તેથી ‘ ૐ तत् सत् ’ એ મંત્રથી બધું કર્મ ઈશ્વરાર્પણ કરવું.
 સેવાકર્મ પૂરેપૂરૂં સેવામય થવું કઠણ છે. પરાર્થમાં સ્વાર્થ પેઠા વગર રહેતો નથી. કેવળ પરાર્થ સંભવતો નથી. લેશમાત્ર પણ મારો સ્વાર્થ જેમાં ન હોય એવું કામ કરી જ શકાતું નથી. તેથી દિવસે દિવસે વધારે ને વધારે નિષ્કામ, વધારે ને વધારે નિઃસ્વાર્થ સેવા આપણે હાથે થાઓ એવું ઈચ્છતા જવું. સેવા ઉત્તરોત્તર વધારે શુદ્ધ થાય એવી ઈચ્છા હોય તો ક્રિયામાત્ર ઈશ્વરાર્પણ કરો.
Page – 256 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૯ – સમર્પણનો મંત્ર

 જ્ઞાનદેવે કહ્યું છે —
नामामृत गोडी वैष्णवां लाधली । योगियां साधली जीवनकळा ।।
 — ‘ નામામૃતની મીઠાશ વૈષ્ણવોને મળી અને યોગીઓએ જીવનની કળા હાથ કરી. ’ નામામૃતમાં રહેલી મીઠાશ અને જીવનકળા એ બે જુદાં નથી. નામનો આંતરિક ઘોષ, તેનું અંતરમાં ચાલતું રટણ અને બહારની જીવનકળા, બંને વચ્ચે મેળ છે. યોગી અને વૈષ્ણવ એટલે કે ભક્ત એક જ છે. ક્રિયામાત્ર પરમેશ્વરને અર્પવાથી સ્વાર્થ, પરાર્થ અને પરમાર્થ એ ત્રણે એકરૂપ થશે. પહેલાં હું ને તમે અલગ અલગ છીએ તેમને એકરૂપ કરવા. तमे અને हुं મળીને आपणे થાય. હવે आपणे અને ते એ બંનેને એક કરવાના છે. પહેલો મારો સૃષ્ટિ સાથે મેળ બેસાડવાનો છે. અને પછી પરમાત્માની સાથે બેસાડવાનો છે. એવું ‘  ૐ तत् सत् ’ એ મંત્રથી સૂચવ્યું છે. 23,
 24. પરમાત્માનાં પાર વગરનાં નામો છે. તેનાં નામોનું વ્યાસે વિષ્ણુસહસ્રનામ રચ્યું. જે જે નામ કલ્પો તે તેનું નામ છે. જે નામ મનમાં ધારીએ તેના અર્થ પ્રમાણે સૃષ્ટિમાં નીરખવું અને તેને અનુરૂપ જીવન રચવું. પરમેશ્વરના નામની મનમાં ભાવના કરવી, તેને સૃષ્ટિમાં જોવું અને આપણે તેવા થવું એને હું ત્રિપદા ગાયત્રી કહું છું. દાખલા તરીકે પરમેશ્વરનું दयामयનામ લીધું, તે રહીમ છે એમ માન્યું એટલે તે દયાળુ ઈશ્વરને હવે આંખો ઉઘાડી રાકી આ સૃષ્ટિમાં જોવાનો છે. પરમેશ્વરે દરેકેદરેક બચ્ચાને તેની સેવાને માટે માતા આપેલી છે, તેને જીવવાને માટે હવા આપેલી છે. આમ તે દયામયની સૃષ્ટિમાં વ્યાપેલી દયાની યોજના નીરખવી અને આપણું જીવન પણ દયામય કરવું. ભગવદગીતાના જમાનામાં પરમેશ્વરનું જે નામ પ્રસિદ્ધ હતું તે તેણે સૂચવ્યું છે. એ નામ ‘  ૐ तत् सत् ’ છે.
Page – 257 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૯ – સમર્પણનો મંત્ર

 25. ૐ એટલે हा. પરમાત્મા છે, આ વીસમી સદીમાં પણ પરમેશ્વર છે. स एव अद्य स उ श्वः, તે જ આજે છે, તે જ કાલે હતો, તે જ આવતી કાલે હશે. તે કાયમનો છે, સૃષ્ટિ કાયમની છે, અને કમર કસીને સાધના કરવાને હું પણ તૈયાર છું. હું સાધક છું, પેલો ઈશ્વર છે અને આ સૃષ્ટિ પૂજાદ્રવ્ય, પૂજાનું સાધન છે. આવી ભાવના મારા હ્રદયમાં ઉભરાશે ત્યારે ૐ એ અક્ષર ગળે ઊતર્યો જાણવો. તે છે, હું છું અને મારી સાધના પણ છે. આવો આ ઓંકારભાવ અંતરમાં પચવો જોઈએ, સાધનામાં ઊતરવો જોઈએ. સૂર્યને ગમે ત્યારે નિહાળો, તે કિરણો સાથે હોય છે. કિરણો અળગાં રાખી તે કદી હોતો નથી. તે કિરણોને વીસરતો નથી. તે મુજબ સાધના કોઈ પણ ઘડીએ જુઓ તોયે આપણામાં દેખાવી જોઈએ. એવું થાય ત્યારે જ ૐ અક્ષર આપણે પચાવ્યો છે એમ કહી શકાશે.
 પછી सत्. પરમેશ્વર सत् છે, એટલે કે શુભ છે, મંગળ છે. આ ભાવના મનમાં આણી તેનું માંગલ્ય સૃષ્ટિમાં અનુભવો. પેલી પાણીની સપાટી જોઈ છે ? પાણીમાંથી એક પોરો ભરી લો. ત્યાં પડેલી ખાધ જોતજોતામાં ભરાઈ જાય છે. કેવું માંગલ્ય ! કેટલી બધી પ્રીતિ ! નદી ખાડા, ખાધ સહન કરતી નથી. ખાડા ભરવાને ધસી જાય છે. नदी वेगेन शुद्ध्यति. સૃષ્ટિરૂપી નદી વેગથી શુદ્ધ થાય છે. તેથી આખીયે સૃષ્ટિ શુભ અને મંગળ છે. મારૂં કર્મ પણ તેવું જ થાઓ. પરમેશ્વરનું આ सत् નામ પચાવવાને આપણી બધી ક્રિયાઓ નિર્મળ તેમ જ ભક્તિમય હોવી જોઈએ. સોમરસને જેમ પવિત્રકો વડે ગાળી લેતા તે પ્રમાણે બધાંયે કર્મોનું, આપણી સાધનાનું હમેશ પરીક્ષણ કરતા રહી તેમાંના બધા દોષ કાઢી નાખવા.
 રહ્યું तत्. तत् એટલે તે, કંઈ જુદું, આ સૃષ્ટિથી અલિપ્ત. પરમાત્મા આ સૃષ્ટિથી નિરાળો છે, એટલે કે અલિપ્ત છે. સૂર્ય ઊગે છે એટલે કમળો ખીલે છે, પંખીઓ ઊડવા માંડે છે, અંધારૂં જતું રહે છે. પણ પેલો સૂર્ય ક્યાંયે દૂર હોય છે. તે બધાંયે પરિણામોથી તે વેગળો રહે છે. આપણાં કર્મોમાં અનાસક્તિ રાખીએ, અલિપ્તતા આણીએ એટલે પેલું तत् નામ જીવનમાં ઊતર્યું જાણવું.
Page – 258 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૯ – સમર્પણનો મંત્ર
 26. આમ ૐ तत् सत् એ વૈદિક નામ લઈ ગીતાએ બધી ક્રિયાઓ પરમેશ્વરને અર્પણ કરવાનું શીખવ્યું છે. સર્વ કર્મો ઈશ્વરાર્પણ કરવાનો વિચાર નવમા અધ્યાયમાં આવ્યો છે. यत्करो, यदश्नासि એ શ્લોકમાં એ જ કહ્યું છે. તે જ વાતનું સત્તરમા અધ્યાયમાં વિવરણ કર્યું છે. પરમેશ્વરને અર્પણ કરવાની ક્રિયા સાત્વિક હોવી જોઈએ, અને તો જ તે પરમેશ્વરને અર્પણ કરી શકાય, એ અહીં વિશેષતઃ કહ્યું છે.
૧૦૦. પાપાપહારી હરિનામ ૨૫૮
Page – 258 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૧૦૦ – પાપાપહારી હરિનામ

 (૧૦૦.) આ બધું તો ખરૂં. પણ એક સવાલ છે. ૐ तत् सत् એ નામ પવિત્ર પુરૂષને પચે. પાપી પુરૂષે કેમ કરવું ? પાપીના મોંમાં શોભે એવું એકાદ નામ છે કે નહીં. ૐ तत् सत् નામમાં એ શક્તિ પણ છે. ઈશ્વરના કોઈ પણ નામમાં અસત્યમાંથી સત્ય તરફ લઈ જવાની શક્તિ હોય છે. પાપમાંથી નિષ્પાપતા તરફ તે લઈ જઈ શકે છે. જીવનની આસ્તે આસ્તે શુદ્ધિ કરવી જોઈએ. પરમાત્મા જરૂર મદદ કરશે, તારી નિર્બળતામાં તે હાથ પકડશે. 27.
 28. એક બાજુ પુણ્યમય પણ અહંકારી જીવન અને બીજી બાજુ પાપમય પણ નમ્ર જીવન, એ બેમાંથી એકની પસંદગી કરી લે એમ કોઈ કહે તો હું જો કે મોઢેથી બોલી નહીં શકું તોયે અંતઃકરણમાં કહીશ, “ જે પાપને લીધે પરમેશ્વરનું સ્મરણ મને રહેતું હોય તે પાપ મને ભલે મળતું. ” પુણ્યમય જીવનને લીધે પરમેશ્વરની વિસ્મૃતિ થવાની હોય તો જે પાપમય જીવનથી તે યાદ આવે તે જ જીવન લે એમ મારૂં મન કહેશે. આનો અર્થ એવો ન કરશો કે પાપમય જીવનનું હું સમર્થન કરૂં છું. પણ પાપ એટલું પાપ નથી જેટલું પુણ્યનું અભિમાન પાપરૂપ છે.
बहु भितों जाणपणा । आड न यो नारायणा ।।
 — ‘ જાણપણાથી, પુણ્યના ભાનથી હું બહુ ડરૂં છું. રખેને તે ક્યાંક મારી ને નારાયણની વચ્ચે આવે ’ – એમ તુકારામ મહારાજે કહ્યું છે. પેલી મોટાઈ મારે નથી જોઈતી. તેના કરતાં પાપી, દુઃખી હોઉં તોયે સારો.
Page – 259 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૧૦૦ – પાપાપહારી હરિનામ

जाणतें लेंकरूं । माता लागे दूरी धरूं ।।
 — ભાનવાળાં, જાણકાર થયેલા બાળકને મા દૂર રાખે છે, પણ અજાણ બાળકને મા છાતીએ વળગાડે છે. સ્વવલંબી પુણ્યવાન થવાનું મારે નથી જોઈતું. પરમેશ્વરાલંબી પાપી હોવું એ જ મને પ્રિય છે. પરમાત્માની પવિત્રતા મારા પાપને પહોંચી વળીને વધે તેવી છે. પાપોને ટાળવાનો આપણે પ્રયત્ન કરીએ. તે ટાળવાનું નહીં બને તો હ્રદય રડશે, મન તરફડશે અને પછી પરમેશ્વરની યાદ આવશે. તે કૌતુક જોતો ઊભો છે. તેને કહો, “ હું પાપી છું અને તેથી તારે બારણે આવ્યો છું. ” પુણ્યવાનને ઈશ્વરસ્મરણનો અધિકાર છે, કેમકે તે પુણ્યવાન છે. પાપીને ઈશ્વરસ્મરણનો અધિકાર છે કેમકે તે પાપી છે.

     

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s