     

અધ્યાય સોળમો
પરિશિષ્ટ ૧ – દૈવી અને આસુરી વૃત્તિઓનો ઝઘડો
અધ્યાય સોળમો : પરિશિષ્ટ ૧ — દૈવી અને આસુરી વૃત્તિઓનો ઝઘડો -૨૨૫ – ૨૪૦
૮૮. પુરૂષોત્તમયોગની પૂર્વપ્રભા : દૈવી સંપત્તિ ૨૨૫
Page – 225 – અધ્યાય – ૧૬ – પ્રકરણ – ૮૮ –
પુરૂષોત્તમયોગની પૂર્વપ્રભા : દૈવી સંપત્તિ

 (૮૮.) ગીતાના પહેલા અધ્યાયમાં જીવનની એકંદર યોજના કેવી છે ને આપણો જન્મ કેમ સફળ થાય તે આપણે જોયું. ત્યાર બાદ છઠ્ઠા અધ્યાયથી માંડીને અગિયારમા અધ્યાય સુધી આપણે ભક્તિનો જુદી જુદી રીતે વિચાર કર્યો. અગિયારમા અધ્યાયમાં આપણને ભક્તિનું દર્શન થયું. બારમા અધ્યાયમાં સગુણભક્તિ અને નિર્ગુણભક્તિ એ બંનેની તુલના કરી ભક્તનાં મહાન લક્ષણ આપણે જોયાં. બારમા અધ્યાયના અંત સુધીમાં કર્મ અને ભક્તિ એ બે તત્વો તપાસાઈ ગયાં. ત્રિજો જ્ઞાનનો વિભાગ બાકી રહ્યો હતો તે આપણે તેરમા, ચૌદમા અને પંદરમા અધ્યાયમાં જોયો. આત્માને દેહથી જુદો પાડવો, તેમ કરવાને ત્રણે ગુણોને જીતી લેવાના છે અને છેવટે પ્રભુને જોવાનો છે. પંદરમા અધ્યાયમાં આપણે જીવનનું સંપૂર્ણ શાસ્ત્ર જોયું. પુરૂષોત્તમયોગમાં જીવનની પરિપૂર્ણતા થાય છે. તે પછી કશું બાકી રહેતું નથી.  1.
Page – 226 – અધ્યાય – ૧૬ – પ્રકરણ – ૮૮ –
પુરૂષોત્તમયોગની પૂર્વપ્રભા : દૈવી સંપત્તિ

 2. કર્મ, જ્ઞાન અને ભક્તિ એ ત્રણને એકબીજાંથી જુદાં પાડવાની વાત મારાથી સહન થતી નથી. કેટલાક સાધકોની નિષ્ઠા એવી હોય છે કે તેમને ફક્ત કર્મ સૂઝે છે. કોઈ વળી ભક્તિનો સ્વતંત્ર માર્ગ કલ્પે છે અને તેના પર બધો ભાર દે છે. કેટલાકનું વલણ જ્ઞાન એવો કેવળવાદ હું માનવા ઈચ્છતો નથી. એથી ઊલટું કર્મ, ભક્તિ અને જ્ઞાન એ ત્રણનો સરવાળો કરવાનો સમુચ્ચયવાદ પણ હું માનતો નથી. થોડી ભક્તિ, થોટું જ્ઞાન અને થોડું કર્મ એવો ઉપયોગિતાવાદ પણ મારે ગળે ઉતરતો નથી. પહેલું કર્મ, પછી ભક્તિ અને તે પછી જ્ઞાન એવો ક્રમવાદ પણ હું સ્વીકારતો નથી. ત્રણે વસ્તુઓનો મેળ બેસાડવાનો સામંજસ્યવાદ પણ મને પસંદ નથી. કર્મ તે જ ભક્તિ અને તે જ જ્ઞાન એવો મને અનુભવ થાય એમ હું ઈચ્છું છું. બરફીના ચોસલામાં રહેલી મીઠાશ, તેનો ઘાટ અને તેનું વજન એ ત્રણ વાતો જુદી જુદી નથી. જે ક્ષણે બરફીનો કકડો હું મોંમાં મૂકું છું તે જ ક્ષણે એકી વખતે તેનો આકાર હું ખાઉં છું, તેનું વજન પણ હું પચાવી લઉં છું અને તેની મીઠાશ પણ હું ચાખું છું. ત્રણે ચીજો એક જ ઠેકાણે છે. બરફીના એકેએક કણમાં તેનો આકાર, વજન અને મીઠાશ છે. તેના અમુક એક કકડામાં માત્ર આકાર છે, અમુક એક કકડામાં ફક્ત મીઠાશ છે અને અમુક એક કકડામાં એકલું વજન છે એવું નથી. તે જ રીતે જીવનમાં થતી એકેએક ક્રિયામાં પરમાર્થ ભરેલો હોય, હરેક કૃત્ય સેવામય, પ્રેમમય અને જ્ઞાનમય થાય, જીવનનાં બધાંયે અંગપ્રત્યાંગમાં કર્મ, ભક્તિ અને જ્ઞાન ભરેલાં હોય, એને જ પુરૂષોત્તમયોગ કહે છે. આખુંયે જીવન કેવળ પરમાર્થમય કરવું એ વાત બોલવી સહેલી છે. પણ એના ઉચ્ચારમાં જે ભાવ છે, તેનો જરા વિચાર કરવા બેસીએ છીએ ત્યારે કેવળ નિર્મળ એવી સેવા આપણે હાથે થાય તેટલા સારૂ અંતઃકરણમાં શુદ્ધ જ્ઞાન-ભક્તિની ઊંડી લાગણી ધારી લેવી પડે છે. એથી કર્મ, ભક્તિ અને જ્ઞાન અક્ષરશઃ એકરૂપ હોય એવી પરમદશાને પુરૂષોત્તમયોગ કહે છે. જીવનની અંતિમ સીમા ત્યાં આવી ગઈ.
Page – 227 – અધ્યાય – ૧૬ – પ્રકરણ – ૮૮ –
પુરૂષોત્તમયોગની પૂર્વપ્રભા : દૈવી સંપત્તિ

 3. હવે આજે આ સોળમા અધ્યાયમાં શું કહ્યું છે ? સૂર્યોદય થવાનો હોય છે ને જેમ પહેલાં તેની પ્રભા ફેલાય છે તેમ જીવનમાં કર્મ, ભક્તિ અને જ્ઞાન એ ત્રણેથી પૂર્ણ એવો પુરૂષોત્તમયોગ ઉદય પામે તે પહેલાં સદગુણોની પ્રભા બહાર ફેલાવા માંડે છે. પરિપૂર્ણ જીવનની આગળથી આવનારી આ જે પ્રભા છે તેનું વર્ણન આ સોળમા અધ્યાયમાં કર્યું છે. જે અંધારાની સામે ઝઘડીને એ પ્રભા પ્રગટ થાય છે તે અંધારાનું વર્ણન પણ અહીં કર્યું છે. કોઈક વાતની સાબિતીને માટે કંઈક વસ્તુ પ્રત્યક્ષ પુરાવા તરીકે આપણે જોવાને માગીએ છીએ. સેવા, ભક્તિ અને જ્ઞાન જીવનમાં ઊતર્યાં છે એ શેના પરથી જાણવું ? આપણે ખેતરમાં મહેનત કરીએ છીએ અને છેવટે અનાજનો ઢગલો તોળી લઈએ છીએ. તેવી રીતે આપણે જે સાધના કરીએ છીએ તેમાંથી આપણને શો અનુભવ થયો, સદ્વૃત્તિ કેટલી ઊંડી ઊતરી, કેટલા સદ્ગુણ આપણામાં કેળવાયા, જીવન ખરેખર સેવામય કેટલું બન્યું, તે બધું તપાસી જવાને આ અધ્યાય કહે છે. જીવનની કળા કેટલી ખીલી તે જોવાનું આ અધ્યાય કહે છે. જીવનની આ ચડતી કળાને ગીતા દૈવી સંપત્તિ નામ આપે છે. એની વિરૂદ્ધની જે વૃત્તિઓ છે તેમને આસુરી કહીને ઓળખાવી છે. સોળમા અધ્યાયમાં દૈવી અને આસુરી સંપત્તિનો જઘડો વર્ણવી બતાવ્યો છે.
૮૯. અહિંસાની અને હિંસાની સેના ૨૨૭
Page–227–અધ્યાય – ૧૬ – પ્રકરણ – ૮૯ – અહિંસાની અને હિંસાની સેના

 (૮૯.) પહેલા અધ્યાયમાં જેમ એક બાજુ કૌરવોને અને બીજી બાજુ પાંડવોને સામસામા ખડા કર્યા છે, તે પ્રમાણે સદ્ગુણોની દૈવી સેના અને દુર્ગુણોના આસુરી લશ્કરને અહીં સામસામાં ખડાં કર્યાં છે. માનવી મનમાં સત્ પ્રવૃત્તિઓનો અને અસત્ પ્રવૃત્તિઓનો જે ઝઘડો ચાલ્યા કરે છે તેનું રૂપકાત્મક વર્ણન કરવાનો ઘણા પ્રાચીન કાળથી રિવાજ પડયો છે. વેદમાં ઈંદ્ર ને વૃત્રનો, પુરાણમાં દેવ ને દાનવનો, તે જ પ્રમાણે રામ ને રાવણનો, પારસીઓના ધર્મગ્રંથમાં આહુરમઝદ ને અહરિમાનનો, ખ્રિસ્તી ધર્મમાં પ્રભુ ને સેતાનનો, મુસલમાની ધર્મમાં પરમેશ્વર ને ઈબ્લિસનો, એવી જાતના ઝઘડા બધા ધર્મોમાં છે. કવિતામાં સ્થૂળ વિષયોનું વર્ણન સૂક્ષ્મ વસ્તુઓનાં રૂપકથી કરવામાં આવે છે તો ધર્મગ્રંથોમાં સૂક્ષ્મ મનોભાવોને ભરાઉ, સ્થૂળ રૂપ આપીને વર્ણવે છે.
Page–228–અધ્યાય – ૧૬ – પ્રકરણ – ૮૯ – અહિંસાની અને હિંસાની સેના

 કાવ્યમાં સ્થૂળનું સૂક્ષ્મ વર્ણન તો અહીં સૂક્ષ્મનું સ્થૂળ વર્ણન થાય છે. આમ કહીને એવું સૂચવવાનો આશય નથી કે ગીતાની શરૂઆતમાં જે યુદ્ધનું વર્ણન છે તે કેવળ કાલ્પનિક છે. તે ઈતિહાસમાં બનેલી ઘટના હોય પણ ખરી; પરંતુ કવિ એ ઘટનાનો પોતાના ઈષ્ટ હેતુને ખાતર ઉપયોગ કરી લે છે. કર્તવ્યની બાબતમાં મોહ થાય ત્યારે કેમ વર્તવું એ વાત યુદ્ધનું રૂપક આપીને રજૂ કરી છે. આ સોળમા અધ્યાયમાં સારાનો ને નરસાનો ઝઘડો બતાવ્યો છે. ગીતામાં યુદ્ધનું રૂપક પણ છે. 4. 5. કુરૂક્ષેત્ર બહાર છે અને આપણા મનમાં પણ છે. સૂક્ષ્મ રીતે જોઈશું તો જણાશે કે જે ઝઘડો અંદર મનમાં ચાલે છે તે જ આપણને બહાર મૂર્તિમંત થયેલો જોવાનો મળે છે. બહાર જે શત્રુ ઊભો છે તે મારા જ મનમાં રહેલો વિકાર સાકાર થઈ ખડો થયો છે. આરસીમાં જેમ મારૂં પોતાનું સારૂં કે નરસું પ્રતિબિંબ દેખાય છે તેમ મારા મનમાં ઊઠતા સારાનરસા વિચાર મને બહાર શત્રુ કે મિત્રરૂપે દેખાય છે. જેમ હું જાગૃતિમાંનું સ્વપ્નામાં જોઉં છું તેમ મનમાંનું બહાર જોઉં છું. અંદરનું યુદ્ધ અને બહારનું યુદ્ધ એ બંનેની વચ્ચે જરાયે ફેર નથી. જે ખરું યુદ્ધ છે, તે અંદર જ છે.
 6. આપણા અંતઃકરણમાં એક બાજુ સદગુણ ને બીજી બાજુ દુર્ગુણો ઊભા છે. બંનેએ પોતપોતાની વ્યવસ્થા બરાબર ગોઠવી છે. લશ્કરમાં જેમ સેનાપતિ જોઈએ છે તેમ અહીં પણ સદ્ગુણોએ પોતાનો સેનાપતિ નીમ્યો છે. એ સેનાપતિનું નામ છે – अभय. આ અધ્યાયમાં અભયને પહેલું સ્થાન આપ્યું છે. આ વાત અમસ્તી, સહેજે બની નથી. હેતુપુરઃસર અભય શબ્દ પહેલો યોજ્યો હોવો જોઈએ. અભય વિના કોઈ પણ ગુણ વધતો નથી. ખરાપણા વગર સદ્ગુણની કિંમત નથી. અને ખરાપણાને નિર્ભયતાની જરૂર રહે છે. ભયભીત વાતાવરણમાં સદ્ગુણો ખીલતા નથી. ભયભીત વાતાવરણમાં સદ્ગુણ પણ દુર્ગુણ બની બેસે છે, સત્ પ્રવૃત્તિ પણ દૂબળી પડી જાય છે. નિર્ભયતા સર્વ સદ્ગુણોનો નાયક છે. પણ લશ્કરને આગળની ને પાછળની બંને બાજુ સંભાળવી પડે છે.
Page–229–અધ્યાય – ૧૬ – પ્રકરણ – ૮૯ – અહિંસાની અને હિંસાની સેના

  સીધો હુમલો સામેથી આવે છે પણ પાછલી બાજુથી છૂપો હુમલો થવાનો સંભવ રહે છે. સદ્ગુણોને આગળને મોખરે निर्भयता પોતાનું થાણું જમાવી ખડી છે અને પાછળનો મોરચો नम्रता સાચવે છે. આવી આ બહુ સુંદર રચના કરેલી છે. એકંદરે બધા મળીને છવ્વીસ ગુણો અહીં ગણાવ્યા છે. એમાંના પચ્ચીસ ગુણ આપણામાં બરાબર કેળવાયા હોય પણ તે વાતનો અહંકાર વળગ્યો તો એકદમ પાછળથી હલ્લો આવ્યો જાણવો અને મેળવેલું બધું એળે ગયું જાણવું. તેથી પાછળની બાજુએ नम्रता એ સદ્ગુણને રાખ્યો છે. નમ્રતા નહીં હોય તો જીત હારમાં ક્યારે પલટાઈ જાય છે તેની ખબર સરખી પડતી નથી. આમ આગળ निर्भयता અને પાછળ नम्रता રાખી બધા સદ્ગુણોનો વિકાસ કરી શકાય છે. આ બે ગુણોની વચ્ચે જે ચોવીસ ગુણો છે તે ઘણુંખરૂં અહિંસાના જ પર્યાય છે એમ કહીએ તો પણ ચાલશે. ભૂતદયા, માર્દવ, ક્ષમા, શાંતિ, અક્રોધ, અહિંસા, અદ્રોહ, એ બધા અહિંસાના જ જુદા જુદા પર્યાયી શબ્દો છે. અહિંસા ને સત્ય એ બે ગુણોમાં બધા ગુણ સમાઈ જાય છે. સર્વ સદ્ગુણનો સંક્ષેપ કરીએ તો છેવટે અહિંસા અને સત્ય બે જ વસ્તુ રહેશે. તે બંનેના પેટમાં બાકીના બધા સદ્ગુણો આવી જાય છે. પણ નિર્ભયતા અને નમ્રતા એ બેની વાત જુદી છે. નિર્ભયતાથી પ્રગતિ થઈ શકે છે, અને નમ્રતાથી બચાવ થાય છે. સત્ય અને અહિંસા એ બે ગુણોની મૂડી બાંધીને નિર્ભયપણે આગળ વધવું જોઈએ. જીવન વિશાળ છે. તેમાં અનિરૂદ્ધ, અટક્યા વગર આગળ સંચાર કરતા રહેવું જોઈએ. પગલું ચૂકી ન જવાય તેટલા ખાતર સાથમાં નમ્રતા હોય એટલે થયું. પછી સત્ય-અહિંસાના પ્રયોગો કરતાં કરતાં નિર્ભયપણે ખુશીથી આગળ ચાલો. તાત્પર્ય કે સત્ય ને અહિંસાનો વિકાસ નિર્ભયતા ને નમ્રતા એ બે વડે થાય છે.
 7. એક બાજુ સદ્ગુણોની સેના ઊભી છે તેવી જ અહીં દુર્ગુણોની ફોજ પણ ઊભી છે. દંભ, અજ્ઞાન વગેરે દુર્ગુણોની બાબતમાં ઝાઝું કહેવાની જરૂર નથી. એ વાતો આપણા પરિચયની ક્યાં નથી ? દંભ તો જાણે આપણામાં પચી ગયો છે.
Page–230–અધ્યાય – ૧૬ – પ્રકરણ – ૮૯ – અહિંસાની અને હિંસાની સેના

 આખુંયે જીવન દંભ પર ઊભું કર્યું હોય એવું થઈ ગયું છે. અજ્ઞાનની બાબતમાં કહેવાનું હોય તો એટલું કે એક રૂડારૂપાળા બહાના તરીકે આપણે અજ્ઞાનને હંમેશ ડગલે ને પગલે આગળ કરીએ છીએ. કેમ જાણે અજ્ઞાન એ કોઈ મોટો ગુનો જ નથી ! પણ ભગવાન કહે છે, “ અજ્ઞાન એ પાપ છે. ” સૉક્રેટિસે એથી ઊલટું કહ્યું છે. પોતાની સામે ચલાવવામાં આવેલા મુકદ્દમા વખતે તેણે કહ્યું હતું કે, “ જેને તમે પાપ સમજો છો તે અજ્ઞાન છે, અને અજ્ઞાન ક્ષમ્ય છે. અજ્ઞાન વગર પાપ સંભવે કેવી રીતે ? અને અજ્ઞાનને માટે સજા કેવી રીતે થાય ? ” પણ ભગવાન કહે છે, “ અજ્ઞાન એ પણ પાપ જ છે. ” કાયદાના અજ્ઞાનની વાત બચાવને માટે આગળ ધરી ન શકાય એમ કાયદામાં કહે છે. ઈશ્વરના કાનૂનનું અજ્ઞાન પણ બહુ મોટો ગુનો છે. ભગવાનનું જે કહેવું છે અને સૉક્રેટિસનું જે કહેવું છે તે બંનેનો ભાવાર્થ એક જ છે. પોતાના અજ્ઞાન તરફ કેવી દ્રષ્ટિથી જોવું તે ભગવાને બતાવ્યું છે અને બીજાના પાપ તરફ કેવી દ્રષ્ટિથી જોવું તે સૉક્રેટિસે કહ્યું છે. બીજાના પાપને માટે ક્ષમા કરવી. પણ પોતાના અજ્ઞાનને ક્ષમા કરવામાંયે પાપ છે. પોતાનું અજ્ઞાન બાકી રહેવા દેવાય જ નહીં.
Page – 230 – અધ્યાય – ૧૬ – પ્રકરણ – ૯૦ –
અહિંસાના વિકાસના ચાર તબક્કા

૯૦. અહિંસાના વિકાસના ચાર તબક્કા ૨૩૦

 ( ૯૦.) આમ એક બાજુ દૈવી સંપત્તિ અને બીજી બાજુ આસુરી સંપત્તિ એવાં બે લશ્કર ઊભાં છે. તેમાંની આસુરી સંપત્તિને ટાળવી, અળગી કરવી અને દૈવી સંપત્તિને પોતાની કરી તેને વળગવું. સત્ય અહિંસા વગેરે દૈવી ગુણોનો વિકાસ અનાદિ કાળથી થયા કરે છે. વચગાળામાં જે વખત ગયો તેમાં પણ ઘણો વિકાસ થયો છે. તોયે હજી વિકાસની મર્યાદા આવી ગઈ છે એવું નથી. જ્યાં સુધી આપણને સામાજીક શરીર છે ત્યાં સુધી વિકાસને પાર વગરનો અવકાશ છે. વ્યક્તિગત વિકાસ થયો હશે પણ સામાજિક, રાષ્ટ્રીય અને જાગતિક વિકાસ થવો બાકી છે. વ્યક્તિએ પોતાના વિકાસનું ખાતર પૂરી પછી સમાજ, રાષ્ટ્ર વગેરેમાં સમાતી લાખો વ્યક્તિઓના વિકાસની શરૂઆત કરવાની છે. દાખલા તરીકે માણસ અહિંસાનો વિકાસ અનાદિ કાળથી કરતો આવ્યો છે છતાં આજે પણ તે વિકાસ ચાલુ છે. 8.
Page – 231 – અધ્યાય – ૧૬ – પ્રકરણ – ૯૦ –
અહિંસાના વિકાસના ચાર તબક્કા

 9. અહિંસાનો વિકાસ કેમ થતો ગયો તે જોવા જેવું છે. તે પરથી પારમાર્થિક જીવનનો વિકાસ ઉત્તરોત્તર કેમ થતો જાય છે અને તેને હજી પૂરેપૂરો અવકાશ કઈ રીતે છે એ વાત સમજાશે. હિંસકોના હુમલાઓ સામે બચાવ કેવી રીતે કરવો એ બાબતનો અહિંસક માણસે વિચાર કરવા માંડ્યો. પહેલાં સમાજના રક્ષણને સારૂ ક્ષત્રિયવર્ગ રાખ્યો પણ પછી તે જ સમાજનું ભક્ષણ કરવા લાગ્યો. વાડે ચીભડાં ગળવા માંડ્યાં. ત્યારે હવે આ ઉન્મત્ત ક્ષત્રિયોથી સમાજનો બચાવ કેમ કરવો તેનો અહિંસક બ્રાહ્મણો વિચાર કરવા લાગ્યા. પરશુરામે જાતે અહિંસક હોવા છતાં હિંસાનો આધાર લીધો અને તે જાતે હિંસક બન્યો. આ પ્રયોગ અહિંસાનો હતો પમ તે સફળ ન થયો. એકવીસ એકવીસ વખત શ્રત્રિયોનો સંહાર કરવા છતાં તે બાકી રહ્યા જ. કારણ એ કે આ અખતરો મૂળમાં જ ભૂલભરેલો હતો. જે ક્ષત્રિયોનો સમૂળગો નાશ કરવાને ખાતર મેં તેમનામાં ઉમેરો કર્યો તે ક્ષત્રિયવર્ગનો નાશ થાય ક્યાંથી ? હું જાતે જ હિંસક ક્ષત્રિય બન્યો. એ બીજ કાયમ રહ્યું. બી રહેવા દઈને ઝાડો તોડી પાડનારને ફરી ફરી ઝાડ પેદા થયેલાં દેખાયા વગર કેમ રહે ? પરશુરામ સારો માણસ હતો. પણ પ્રયોગ ઘણો વિચિત્ર નીવડ્યો. પોતે ક્ષત્રિય બનીને તે પૃથ્વી નક્ષત્રિય કરવા માગતો હતો. ખરૂં જોતાં પોતાની જાતથી જ તેણે અખતરાની શરૂઆત કરવી જોઈતી હતી. પોતાનું માથું તેણે પહેલું ઉડાવવું જોઈતું હતું. પરશુરામના કરતાં હું ડાહ્યો છું એટલે તેની ભૂલ બતાવું છું એમ ન માનશો. હું બાળક છું, પણ તેના ખભા પર ઊભો છું. તેથી કુદરતી રીતે મને વધારે દેખાય છે. પરશુરામના પ્રયોગનો પાયો જ મૂળમાં ભૂલભરેલો હતો. હિંસામય થઈને હિંસાને દૂર કરવાનું બને નહીં. ઊલટું તેથી હિંસકોની સંખ્યામાં માત્ર વધારો થાય છે. પણ તે વખતે એ વસ્તુ ધ્યાનમાં ન આવી. તે જમાનાના ભલા માણસોએ, તે વખતની મહાન અહિંસામય વ્યક્તિઓએ જે વિચાર સૂઝ્યો તે પ્રમાણે પ્રયોગ કર્યા. પરશુરામ તે જમાનાનો મોટો અહિંસાવાદી હતો. હિંસાના ઉદ્દેશથી તેણે હિંસા કરી નહોતી. અહિંસાની સ્થાપનાને માટે એ હિંસા હતી.
Page – 232 – અધ્યાય – ૧૬ – પ્રકરણ – ૯૦ –
અહિંસાના વિકાસના ચાર તબક્કા

 10. એ અખતરો એળે ગયો. પછી રામનો જમાનો આવ્યો. તે વખતે ફરીથી બ્રાહ્મણોએ વિચાર શરૂ કર્યો. તેમણે હિંસા છોડી દીધી હતી. પોતે હિંસા ન જ કરવી એવું તેમણે નક્કી કર્યું હતું. પણ રાક્ષસોના હુમલા પાછા કેમ વાળવા ? તેમણે જોયું કે ક્ષત્રિયો તો હિંસા કરવાવાળા જ છે. તેમની પાસે બારોબાર રાક્ષસોનો સંહાર કરાવવો. કાંટાથી કાંટો કાઢવો. પોતે જાતે એમાંથી તદ્દન અળગા રહેવું. વિશ્વામિત્રે યજ્ઞના બચાવને સારૂ રામલક્ષ્મણને લઈ જઈ તેમને હાથે રાક્ષસોનો સંહાર કરાવ્યો. ‘ જે અહિંસા સ્વસંરક્ષિત નથી, જે અહિંસાને પોતાના પગ નથી, એવી લૂલી-પાંગળી અહિંસા ઊભી કેવી રીતે રહે ? ’ આવો વિચાર આજે આપણે કરીએ છીએ. પણ વસિષ્ઠ-વિશ્વામિત્ર સરખાને ક્ષત્રિયોના જોર પર પોતાનો બચાવ કરવામાં નાનમ લાગી નહોતી. પરંતુ રામ જેવો ક્ષત્રિય ન મળ્યો હોત તો ? તો વિશ્વામિત્ર કહેત કે, “ હું મરી જઈશ પણ હિંસા નહીં કરૂં. ” હિંસક બનીને હિંસા દૂર કરવાનો પ્રયોગ થઈ ચૂક્યો હતો. હવે પોતાની અહિંસા તો ન જ છોડાય ટલું નક્કી થઈ ગયું હતું. ક્ષત્રિય ન મળ્યો તો અહિંસક મરી જશે પણ હિંસા નહીં કરે એવી હવેની ભૂમિકા હતી. અરણ્યકાંડમાં એક પ્રસંગ છે. વિશ્વામિત્રની સાથે રામ જતા હતા. રામે પૂછ્યું, “ આ બધા ઢગલા શાના ? ” વિશ્વામિત્રે જવાબ આપ્યો, “ એ બ્રાહ્મણોનાં હાડકાંના ઢગલા છે. અહિંસ બ્રાહ્મણોએ પોતાના પર હલ્લો કરનારા હિંસક રાક્ષસોનો સામનો ન કર્યો. તે મરી ગયા. તેમનાં હાડકાંના એ ઢગલા છે. ” બ્રાહ્મણોની આ અહિંસામાં ત્યાગ હતો ને બીજા પાસે બચાવ કરાવવાની અપેક્ષા પણ હતી. આવી લાચારીથી અહિંસાની પૂર્ણતા ન થાય.
 11. સંતોએ પછી ત્રીજો અખતરો કર્યો. સંતોએ નક્કી કર્યું કે “ બીજાની મદદ માગવી જ નહીં. મારી અહિંસા જ મારો બચાવ કરશે. એમાં જે બચાવ થશે તે જ સાચો બચાવ છે.”
Page – 233 – અધ્યાય – ૧૬ – પ્રકરણ – ૯૦ –
અહિંસાના વિકાસના ચાર તબક્કા

 સંતોનો આ પ્રયોગ વ્યક્તિનિષ્ઠ હતો. આ વ્યક્તિગત પ્રયોગને તેઓ પૂર્ણત્વ સુધી લઈ ગયા. પણ એ પ્રયોગમાં વ્યક્તિગતપણું રહી ગયું. સમાજ પર હિંસકોનો હુમલો થયો હોત અને સમાજે આવીને સંતોને પૂછ્યું હોત કે “ અમારે શું કરવું ? ” તો એ સવાલનો ચોક્કસ જવાબ કદાચ સંતો ન આપી શક્યા હોત. વ્યક્તિગત જીવનમાં પરિપૂર્ણ અહિંસા ઉતરનારા સંતોએ સમાજને સલાહ આપતાં કહ્યું હોત કે “ અમે લાચાર છીએ. ” સંતોની હું ભૂલ કાઢવા બેઠો છું એ મારૂં બાળસાહસ છે. પણ હું તેમના ખભા પર ઊભો છું તેથી જે દેખાય છે તે કહું છું. તેઓ મને ક્ષમા કરશે. અને કેમ નહીં કરે ? તેમની ક્ષમા મોટી છે. અહિંસાના સાધન વડે સામુદાયિક અખતરાઓ કરવાનું સંતોને સૂઝ્યું નહીં હોય એવું નથી. પણ પરિસ્થિતિ તેમને એટલી અનુકૂળ ન લાગી. તેમને જાત પૂરતા છૂટા છૂટા પ્રયોગ કર્યા, પણ આમ છૂટા છૂટા થયેલા પ્રયોગોમાંથી જ શાસ્ત્ર રચાય છે. સંમિલિત અનુભવમાંથી શાસ્ત્ર બને છે.
 12. સંતોના પ્રયોગ પછીનો ચોથો પ્રયોગ આજે આપણે કરીએ છીએ. આખાયે સમાજે અહિંસાત્મક સાધનો વડે હિંસાનો પ્રતિકાર કરવાનો આજનો પ્રયોગ આપણે ચલાવીએ છીએ. આ રીતે ચાર અખતરાઓ આપણે જોયા. દરેક પ્રયોગમાં અપૂર્ણતા હતી અને છે. વિકાસક્રમમાં આ વાત અપરિહાર્ય છે. પણ તે તે જમાનામાં તે તે પ્રયોગો પૂર્ણ હતા એમ જ કહેવું જોઈએ. બીજાં દસ હજાર વરસ જશે પછી આજના આપણા અહિંસક યુદ્ધમાં પણ શોધનારને ઘણી હિંસા જડશે. શુદ્ધ અહિંસાના પ્રયોગ હજીયે બીજા થતા જશે. જ્ઞાન, કર્મ અને ભક્તિ એ ત્રણેનો જ નહીં, બધા સદ્ગુણોનો વિકાસ થઈ રહેલો છે. એક જ વસ્તુ પૂર્ણ છે. અને તે પરમાત્મા. ભગવદ્ ગીતામાં બતાવેલો પુરૂષોત્તમયોગ પૂર્ણ છે. પણ વ્યક્તિ અને સમુદાય એ બંનેના જીવનમાં તેનો પૂર્ણ વિકાસ હજી બાકી છે. વચનોનો પણ વિકાસ થાય છે. ઋષિઓને મંત્રના દ્રષ્ટા માનવામાં આવ્યા છે તે તેના કર્તા નથી. કેમકે તેમને મંત્રનો અર્થ દેખાયો. પણ તે જ એનો અર્થ છે એવું નથી.
Page – 234 – અધ્યાય – ૧૬ – પ્રકરણ – ૯૦ –
અહિંસાના વિકાસના ચાર તબક્કા

 ઋષિઓને એક દર્શન થયું. હવે પછી આપણને તેનો વધારે ખીલેલો અર્થ દેખાય એમ બને. તેમના કરતાં આપણને વધારે દેખાય છે એ કંઈ આપણી વિશેષતા નથી. તેમને જ આધારે આપણે આગળ જઈએ છીએ. હું અહીં એકલી અહિંસાના વિકાસ પર બોલું છું કેમકે બધા સદ્ગુણોનો સાર કાઢશો તો અહિંસા એ જ નીકળશે. અને તે યુદ્ધમાં આજે આપણે ઝુકાવ્યું છે યે ખરૂં. તેથી આ તત્વનો કેમ વિકાસ થતો જાય છે તે આપણે જોયું.
Page – 234 – અધ્યાય – ૧૬ – પ્રકરણ – ૯૧ –
અહિંસાનો એક મહાન પ્રયોગ : માંસાહારપરિત્યાગ

૯૧. અહિંસાનો એક મહાન પ્રયોગ : માંસાહારપરિત્યાગ ૨૩૪

 (૯૧.) હિંસકોનો હુમલો થાય ત્યારે અહિંસકોએ બચાવ કેમ કરવો એ અહિંસાનું એક પાસું આપણે જોયું. માણસ માણસ વચ્ચેના ઝઘડામાં અહિંસાનો વિકાસ કેવી રીતે થતો ગયો એ આપણે જોયું. પરંતુ માણસોનો અને જાનવરોનો ઝઘડો પણ છે. માણસે હજી પોતાના અંદરઅંદરના ઝઘડા શમાવ્યા નથી અને પોતાના પેટમાં જાનવરોને ઠાંસીને તે જીવે છે. માણસને હજી પોતાના ઝઘડા શમાવતાં આવડતું નથી અને પોતાનાથીયે દૂબળાં જે જાનવરો છે તેમને ખાધા વગર જીવતાંયે આવડતું નથી. હજારો વર્ષથી તે જીવતો આવ્યો છે પણ કેમ જીવવું જોઈએ તેનો વિચાર તેણે હજી કર્યો નથી. માણસને માણસની માફક જીવતાં આવડતું નથી. પણ આ વસ્તુઓનો વિકાસ થયા કરે છે. આદિમાનવ ઘણુંખરૂં કંદમૂલફલાહારી જ હશે. પરંતુ આગળ જતાં દુર્મતિવશ માનવસમાજનો મોટો ભાગ માંસાહારી બન્યો. ડાહ્યા ઉત્તમ માણસોને એ વાત ખપી નહીં. માંસ ખાવાનું જ થાય તો યજ્ઞમાં હલાલ કરેલાં પશુનું જ ખાવું એવું તેમણે બંધન મૂક્યું. આ બંધનનો હેતુ હિંસા પર અંકુશ મૂકવાનો હતો. કેટલાક લોકોએ તો માંસનો પૂરેપૂરો ત્યાગ કર્યો. પણ જેમનાથી પૂરેપૂરો ત્યાગ થઈ શકે એમ નહોતું તેમને યજ્ઞમાં પરમેશ્વરને અર્પણ કરી, કંઈક તપસ્યા કરી માંસ ખાવું એવી પરવાનગી મળી. યજ્ઞમાં જ માંસ ખાજો એમ કહેવાથી હિંસા પર અંકુશ આવશે એમ લાગતું હતું. પણ પછી તો યજ્ઞ પણ સામાન્ય વાત બની ગઈ.
Page – 235 – અધ્યાય – ૧૬ – પ્રકરણ – ૯૧ –
અહિંસાનો એક મહાન પ્રયોગ : માંસાહારપરિત્યાગ

 જેને ફાવે તે યજ્ઞ કરવા નીકળી પડે, યજ્ઞ કરે અને માંસ ખાય એવું ચાલવા માંડ્યું. એટલે ભગવાન બુદ્ધ આગળ આવ્યા. તેમણે કહ્યું, “ માંસ ખાવું હોય તો ભલે ખાઓ, પણ કંઈ નહીં તો ઈશ્વરને નામે ન ખાશો. ” એ બંને વચનોનો હેતુ એક જ હતો કે હિંસા પર અંકુશ આવે, ગાડું ગમે ત્યાંથી આખરે સંયમને રસ્તે ચડે. યજ્ઞયાગ કરો અગર ન કરો, બંનેમાંથી આપણે માંસ ખાવાનું છોડવાનું જ શીખ્યા છીએ. આમ ધીમે ધીમે આપણે માંસ ખાવાનું છોડતા ગયા. 13.
 14. જગતના ઈતિહાસમાં એકલા ભારતવર્ષમાં આ મોટો પ્રયોગ થયો. કરોડો લોકોએ માંસ ખાવાનું છોડયું. અને આજે આપણે માંસ ખાતા નથી એમાં આપણે ઝાઝું ફુલાવાનું નથી. પૂર્વજોના પુણ્યને પરિણામે આપણું વલણ એવું બંધાયું છે. પણ પહેલાંના ઋષિઓ માંસ ખાતા હતા એમ આપણે કહીએ કે વાંચીએ છીએ ત્યારે આપણને નવાઈ થાય છે ખરી. ઋષિ માંસ ખાય ? છટછટ, કંઈ ભળતી જ વાત છે ! પણ માંસાશન કરતાં કરતાં સંયમથી તેમણે તેનો ત્યાગ કર્યો એનું શ્રેય તેમને આપવું જોઈએ. એ મહેનત આપણે કરવી પડતી નથી. તેમનું પુણ્ય આપણને મફતમાં મળ્યું છે. પહેલાં એ લોકો માંસ ખાતા અને આજે આપણે ખાતા નથી એટલે તેમના કરતાં આપણે મોટા થઈ ગયા એવો અર્થ નથી. તેમના અનુભવોનો ફાયદો આપણને મફતમાં મળ્યો. તેમના અનુભવનો હવે આપણે આગળ વિકાસ કરવો જોઈએ. દૂધ છેક છોડી દેવાના પ્રયોગો પણ કરવા જોઈએ. માણસ બીજાં જાનવરોનું દૂધ પીએ એ વાત પણ ઊતરતા દરજ્જાની છે. દસ હજાર વરસ બાદ આવનારા લોકો આપણે વિષે કહેશે, “ શું એ લોકોને દૂધ ન પીવાનું પણ વ્રત લેવું પડતું હતું ? અરે બાપરે ! એ લોકો દૂધ કેવી રીતે પીતા હશે ? એવા કેવા જંગલી ! ” સારાંશ કે નિર્ભયતાથી અને નમ્રતાથી આપણે પ્રયોગ કરતાં કરતાં કાયમ આગળ વધવું જોઈએ. સત્યની ક્ષિતિજ આપણે વિશાળ કરતા જવું જોઈએ. વિકાસને માટે હજી ઘણો અવકાશ છે. કોઈ પણ ગુણનો પૂરેપૂરો વિકાસ હજી થયો નથી.
Page – 236 – અધ્યાય – ૧૬ – પ્રકરણ – ૯૨ –
આસુરી સંપત્તિની ત્રેવડી મહત્વાકાંક્ષા : સત્તા, સંસ્કૃતિ અને સંપત્તિ
૯૨. આસુરી સંપત્તિની ત્રેવડી મહત્વાકાંક્ષા : સત્તા, સંસ્કૃતિ અને સંપત્તિ ૨૩૬
 (૯૨.) દૈવી સંપત્તિનો વિકાસ કરવાનો છે અને આસુરી સંપત્તિથી અળગા રહેવાનું છે. આઘા રહી શકાય તેટલા ખાતર એ આસુરી સંપત્તિનું ભગવાન વર્ણન કરે છે.એ આસુરી સંપત્તિના વર્ણનમાં ત્રણ જ બાબતો મુખ્ય છે.અસુરોના ચરિત્રનો સાર ‘ સત્તા, સંસ્કૃતિ અને સંપત્તિ ’ એ ત્રણ વાતોમાં સમાઈ જાય છે.પોતાની જ સંસ્કૃતિ સૌથી ચડિયાતી છે અને તે જ આખી દુનિયા પર લદાય એવી તેમની મહત્વાકાંક્ષા છે. પોતાની સંસ્કૃતિ જ શા સારૂ આખી દુનિયા પર લદાવી જોઈએ ? તો કહે છે તે સારી છે. તે સારી સાથી ? તો કહે છે તે અમારી છે માટે. આસુરી વ્યક્તિ શું કે એવી વ્યક્તિઓનાં બનેલાં સામ્રાજ્યો શું, તેમને આ ત્રણ ચીજો જોઈએ છે. 15.  
 16. બ્રાહ્મણોને લાગે છે ને કે અમારી સંસ્કૃતિ સર્વશ્રેષ્ઠ છે ! તે લોકો માને છે કે બધુંયે જ્ઞાન અમારા વેદોમાં છે. વૈદિક સંસ્કૃતિનો વિજય દુનિયાભરમાં થવો જોઈએ.
अग्रश्चतुरो वेदान् पृष्ठतःसशरं धनुः
— આગળ ચાર વેદો ચાલે ને તેમની પાછળ બાણ ચડાવેલું ધનુષ ચાલે. એમ કરી આખી પૃથ્વી પર અમારે અમારી સંસ્કૃતિનો ઝંડો ફરકાવવો છે. પણ પાછળ सशरं धनुः, બાણ ; ચડાવેલું ધનુષ ચાલતું હોય ત્યાં આગળ ચાલનારા બિચારા વેદોનો નિકાલ થઈ ગયો જાણવો. મુસલમાનોને એમ લાગે છે કે કુરાનમાં જે કંઈ છે તેટલું જ સાચું. ઈશુ ખ્રિસ્તના અનુયાયીઓને પણ એવું જ લાગે છે. બીજા ધર્મનો માણસ ગમે તેટલો ઊંચો ચડયો હોય, પણ ઈશુ પર ભરોસો ન હોય તો તેને સ્વર્ગ ન મળે ! ઈશ્વરના ઘરને તેમણે એક જ બારણું મૂક્યું છે, અને તે છે ખ્રિસ્તનું ! લોકો પોતપોતાનાં ઘરોને ઘણાં બારણાં ને બારી મુકાવે છે. પણ બિચારા ઈશ્વરના ઘરને એક જ બારણું રાખે છે.
Page – 237 – અધ્યાય – ૧૬ – પ્રકરણ – ૯૨ –
આસુરી સંપત્તિની ત્રેવડી મહત્વાકાંક્ષા : સત્તા, સંસ્કૃતિ અને સંપત્તિ

 17. आढ्योभिजनवानस्मि कोन्योस्ति सदशो मया — ‘ હું છું કુલીન, શ્રીમંત, બીજો મારા સમાન ના, ’ એમ એ સૌ કોઈને લાગે છે. કહે છે, હું ભારદ્વાજ કુળમાંનો ! મારી એ પરંપરા અખંડ ઊતરી આવી છે. પશ્ચિમના લોકોમાં પણ એવું જ છે. કહે છે, અમારી નસોમાં નૉર્મન સરદારોનું લોહી વહે છે ! આપણા તરફ ગુરૂપરંપરા હોય છે ને ? મૂળ આદિ ગુરૂ એટલે શંકર. પછી બ્રહ્મદેવ અથવા એવા બીજા કોઈકને પકડવાનો. પછી નારદ, પછી વ્યાસ, પછી વળી એકાદો ઋષિ, પછી વળી વચ્ચે પાંચદસ લોકોને ઘુસાડી દેવાના, પછી પોતાના ગુરૂ ને પછી હું – એવી પરંપરા બતાવવામાં આવે છે. અમે મોટા, અમારી સંસ્કૃતિ સૌથી ચડિયાતી એવું બધું વંશાવળી આપીને સાબિત કરવામાં આવે છે. અલ્યા, તારી સંસ્કૃતિ ઉત્તમ હોય તો તે તારા કામોમાં દેખાવા દે ને ! તેની પ્રભા તારા આચરમમાં પ્રગટ થવા દે ને ! પણ એ નહીં. જે સંસ્કૃતિ પોતાના જીવનમાં નથી, પોતાના ઘરમાં નથી, તે દુનિયાભરમાં ફેલાવવાની હોંશ રાખવી એ વિચારસરણીને આસુરી કહે છે.
 18. જેમ મારી સંસ્કૃતિ સુંદર છે તેમ દુનિયામાંની બધીયે સંપત્તિ મેળવવાને લાયક પણ હું જ છું. બધીયે સંપત્તિ મારે જોઈએ અને હું તે મેળવીશ જ. એ બધી સંપત્તિ શા સારૂ મેળવવાની ? તો કહે છે બરાબર સરખી વહેંચણી કરવાને સારૂ ! એટલા માટે પોતાની જાતને સંપત્તિમાં દાટી દેવી એમ ને ? પેલો અકબર કહેતો હતો ને કે “ હજી રજપૂતો મારા સામ્રાજ્યમાં દાખલ કેમ થતા નથી ? એક સામ્રાજ્ય થશે ને બસ શાંતિ શાંતિ થઈ રહેશે ! ” અકબરને આમ પ્રમાણિકપણે લાગતું હતું. અત્યારના અસુરોને પણ એમ જ થાય છે કે બધી સંપત્તિ એક ઠેકાણે એકઠી કરવી. કેમ ? તો કહે છે, તેને ફરી પાછી વહેંચવા માટે.
 19. એ માટે મારે સત્તા જોઈએ. બધી સત્તા એક હાતમાં કેંદ્રિત થવી જોઈએ. આ તમામ દુનિયા મારા તંત્ર નીચે રહેવી જોઈએ; સ્વ-તંત્ર, મારા તંત્ર પ્રમાણે ચાલવી જોઈએ. મારા તાબામાં જે હશે, મારા તંત્ર પ્રમાણે જે ચાલશે તે જ સ્વતંત્ર. આમ સંસ્કૃતિ, સત્તા અને સંપત્તિ એ મુખ્ય ત્રણ બાબતો પર આસુરી સંપત્તિમાં ભાર દેવામાં આવે છે.
Page – 238 – અધ્યાય – ૧૬ – પ્રકરણ – ૯૨ –
આસુરી સંપત્તિની ત્રેવડી મહત્વાકાંક્ષા : સત્તા, સંસ્કૃતિ અને સંપત્તિ

 20. એક જમાનો એવો હતો કે જ્યારે સમાજ પર બ્રહ્મણોનું વર્ચસ્વ હતું. શાસ્ત્રો તે લોકો લખે, કાયદા તે લોકો કરે, રાજાઓ તેમને નમે. એ જમાનો આગળ જતાં ઓસરી ગયો. પછી ક્ષત્રિયોનો જમાનો આવ્યો. ઘોડા છોડી મૂકવાનું અને દિગ્વિજયો કરવાનું ચાલ્યું. એ ક્ષત્રિય સંસ્કૃતિ પણ આવી અને ગઈ. બ્રાહ્મણ કહેતો, “ હું શીખવનાર બીજા બધા શીખનારા. મારા સિવાય ગુરૂ કોણ ? ” બ્રાહ્મણોને સંસ્કૃતિનું અભિમાન હતું. ક્ષત્રિય સત્તા પર ભાર મૂકતા. “ આને મેં આજે માર્યો, પેલાને કાલે મારીશ, ” એ વાત પર તેમનું બધું જોર. પછી વૈશ્યોનો યુગ આવ્યો. “ પીઠ પર મારજો પણ પેટ પર મારશો મા, ” એ સિદ્ધાંતમાં વૈશ્યોનું બધુંયે તત્વજ્ઞાન સમાયેલું છે. બધું પેટનું ડહાપણ શીખવવાનું. “ આ ધન મારૂં છે, અને પેલું પણ મારૂં થશે, ” એ જ રટણ અને એ જ સંકલ્પ. અંગ્રેજો આપણને કહે છે ને કે “ સ્વરાજ્ય જોઈએ તો લો, માત્ર અમારો પાકો માલ અહીં ખપ્યા કરે એટલી સગવડ રાખજો એટલે થયું. પછી તમારી સંસ્કૃતિનો તમારે જોઈએ તેટલો અભ્યાસ કરજો. લંગોટી ચડાવજો ને તમારી સંસ્કૃતિને બરાબર સંભાળજો. ” આજકાલ થનારાં યુદ્ધો પણ વેપારી યુદ્ધો હોય છે. આ યુગ પણ જશે; જવાની શરૂઆત પણ થઈ ચૂકી છે. આવા આ બધા આસુરી સંપત્તિના પ્રકારો છે.

૯૩. કામ-ક્રોધ-લોભ, મુક્તિનો શાસ્ત્રીય સંયમ માર્ગ ૨૩૮
Page – 238 – અધ્યાય – ૧૬ – પ્રકરણ – ૯૩ –
કામ-ક્રોધ-લોભ, મુક્તિનો શાસ્ત્રીય સંયમ માર્ગ

 (૯૩.) આસુરી સંપત્તિને આઘી રાખવાની કોશિશ કરવી જોઈએ. આસુરી સંપત્તિ એટલે ટૂંકમાં કામ, ક્રોધ ને લોભ.આખાયે જગતને આ કામ-ક્રોધ-લોભ નચાવે છે. આ નાચ હવે બહુ થયા. એ છોડવા જ જોઈએ. ક્રોધ અને લોભ કામમાંથી ઉત્પન્ન થાય છે. કામને અનુકૂળ સંજોગો મળે એટલે લોભ પેદા થાય છે અને પરિસ્થિતિ પ્રતિકૂળ હોય તો ક્રોધ ઉત્પન્ન થાય છે. આ ત્રણેથી આઘા રહેજો એવું ગીતામાં ડગલે ને પગલે કહ્યું છે. સોળમા અધ્યાયને છેડે પણ એ જ કહ્યું. કામ, ક્રોધ અને લોભ એ નરકના ત્રણ ભવ્ય દરવાજા છે. એ દરવાજામાંથી પાર વગરની અવરજવર ચાલ્યા કરે છે. નરકનો રસ્તો ખાસો પહોળો છે. તેના પરથી મોટરો દોડે છે. રસ્તામાં ઘણા સોબતીઓ પણ મળી જાય છે. પણ સત્યનો રસ્તો સાંકડો છે.  21. 
Page – 239 – અધ્યાય – ૧૬ – પ્રકરણ – ૯૩ –
કામ-ક્રોધ-લોભ, મુક્તિનો શાસ્ત્રીય સંયમ માર્ગ

 22. આવા આ કામ-ક્રોધની સામે બચાવ કેવી રીતે કરવો ? સંયમનો માર્ગ સ્વીકારીને. શાસ્ત્રીય સંયમનો આધાર લેવો જોઈએ. સંતોનો જે અનુભવ છેતે જ શાસ્ત્ર છે. પ્રયોગો કરી કરીને સંતોને જે સિદ્ધાંતો જડ્યા તેમનું શાસ્ત્ર બને છે. આ સંયમના સિદ્ધાંતોનો આશરો લો. નાહકની શંકાઓ ઊભી કરવાનું છોડી દો. કામ-ક્રોધ જગતમાંથી જતા રહે તો જગતનું શું થશે, દુનિયા ચાલવી તો જોઈએ, થોડા પ્રમાણમાં પણ કામ-ક્રોધ રાખવા ન જોઈએ કે ? એવી એવી શંકા મહેરબાની કરી કાઢશો મા. કામ-ક્રોધ ભરપૂર છે, તમારે જોઈએ તેના કરતાંયે વધારે છે. નાહક બુદ્ધિભેદ શા સારૂ ઊભો કરો છો ? કામ-ક્રોધ-લોભ તમારી ઈચ્છા કરતાં થોડા વધારે જ છે. કામ મરી જાય તો સંતતિ કેમ પેદા થશે એવી ફિકર કરશો મા. ગમે તેટલી સંતતિ તમે પેદા કરો તો પણ એક દિવસ એવો ઊગવાનો છે કે જ્યારે માણસનું નામનિશાન પૃથ્વી પરથી સાફ ભૂંસાઈ જવાનું છે. વૈજ્ઞાનિકો આ વાત કહે છે. પૃથ્વી આસ્તે આસ્તે ઢંડી પડતી જાય છે. એક વખતે પૃથ્વી ખૂબ ઉષ્ણ હતી ત્યારે તેના પર જીવ નહોતો. એક કાળ એવો આવશે જ્યારે પૃથ્વી છેક ટાઢી પડી જશે અને બધી જીવસૃષ્ટિ લય પામશે. આને લાખો વરસો લાગશે. તમે સંતતિ ગમે તેટલી વધારો પણ છેવટે આ પ્રલય થયા વગર રહેવાનો નથી એ ચોક્કસ જાણજો. પરમેશ્વર અવતાર લે છે તે ધર્મના રક્ષણને સારૂ લે છે, સંખ્યાના રક્ષણને સારૂ નથી લેતો. ધર્મપરાયણ એવો એક પણ માણસ જ્યાં સુધી મોજૂદ હશે, જ્યાં સુધી એક પણ પાપભીરૂ તેમ જ સ્તયનિષ્ઠ માણસ હયાત હશે ત્યાં સુધી કશી ફિકર ન રાખશો. ઈશ્વરની તેના પર નજર રહેશે. જેમનો ધર્મ મરી પરવાર્યો છે એવા હજારો લોકો હોય તોયે શું ને ન હોય તોયે શું, બધું સરખું છે.
 23. આ બધી વાતો બરાબર ધ્યાનમાં લઈ આ સૃષ્ટિમાં મર્યાદા સાચવીને રહો, સંયમપૂર્વક વર્તો. ફાવે તેમ બેફામ વર્તશો મા.
Page – 240 – અધ્યાય – ૧૬ – પ્રકરણ – ૯૩ –
કામ-ક્રોધ-લોભ, મુક્તિનો શાસ્ત્રીય સંયમ માર્ગ

 લોકસંગ્રહ કરવો એનો અર્થ લોકો કહે તેમ ચાલવું એવો નથી. માણસોના સંઘ વધારવા, સંપત્તિના ઢગલા એકઠા કરવા એ સુધારો નથી. વિકાસ સંખ્યા પર આધાર રાખતો નથી. વસ્તી બેસુમાર વધશે તો માણસો એકબીજાનાં ખૂન કરશે. પહેલાં પશુપક્ષીઓને ખાઈને માણસોનો સમાજ માતશે. પછી પોતાનાં છૈયાંછોકરાંને કરડીને ખાવાનો વારો આવશે. કામ-ક્રોધમાં સાર છે એ કહેવું સ્વીકારીને ચાલીએ તો છેવટે માણસ માણસને ફાડીને ખાવા માંડશે એ બાબતમાં તલભાર શંકા ન રાખશો. એટલે સુંદર તેમ જ વિશુદ્ધ નીતિનો માર્ગ લોકોને બતાવવો તે. કામ-ક્રોધમાંથી મુક્ત થવાથી પૃથ્વી પરનો માણસ નાશ પામશે તો મંગળ પર ઉત્પન્ન થશે. એટલે તે વાતની ફિકર કરશો નહીં. અવ્યસ્ત પરમાત્મા સર્વત્ર વ્યાપેલો છે. તે તમારી સંભાળ રાખશે. પહેલો તું મુક્ત થા. આગળનું ઝાઝું જોવાની જરૂર નથી. સૃષ્ટિ અને માણસજાતની ફિકર કરવાની રહેવા દે. તારી નૈતિક શક્તિ વધાર. કામ-ક્રોધને ઝાડીને ખંખેરી નાખ. ‘ आपुला तुं गळाधेई उगबूनि ’ – ‘ પોતાની ગરદન તું પહેલી ઉગારી લે, તારૂં ગળું પકડાયું છે તેને પહેલું બચાવી લે. ’ આટલું કરશે તોયે બહુ થયું.
 24. સંસારસમુદ્રથી દૂર તેના તીર પર ઊભા રહી સમુદ્રની લીલા જોવામાં આનંદ છે. જે સમુદ્રમાં ડૂબકાં ખાય છે, જેના નાકમાં ને મોંમાં પાણી ભરાય છે, તેને સમુદ્રના આનંદનો અનુભવ ક્યાંથી મળે ? સંતો સમુદ્રને તીરે ઊભા રહી આનંદ લૂંટે છે. સંસારના સમુદ્રથી અલિપ્ત રહેવાની આ જે સંતોની વૃત્તિ છે તે બરાબર કેળવાઈને પચે નહીં ત્યાં સુધી આનંદ નથી. કમળના પાંદડાની માફક અલિપ્ત રહે. બુદ્ધે કહ્યું છે, “ સંતો ઊંચે પર્વતનાં શિખરો પર ઊભા રહી ત્યાંથી નીચે સંસાર તરફ જુએ છે. પછી એ સંસાર તેમને ક્ષુદ્ર દેખાય છે. ” તમે પણ ઉપર ચડીને જોતાં શીખો એટલે આ અફાટ ફેલાવો ક્ષુદ્ર લાગશે. પછી સંસારમાં ચિત્ત ચોંટશે નહીં.
 સારાંશ કે આસુરી સંપત્તિ દૂર રાખી દૈવી સંપત્તિને વળગવાનું આ અધ્યાયમાં ભગવાને ઊંડી લાગણીથી કહ્યું છે. તે પ્રમાણે યત્ન કરવો.

     

Advertisements