     
અધ્યાય પંદરમો
 પૂર્ણયોગ : સર્વત્ર પુરૂષોત્તમ-દર્શન
Page – 209 – અધ્યાય – ૧૫ – પ્રકરણ – ૮૨ – પ્રયત્નમાર્ગથી ભક્તિ જુદી નથી
અધ્યાય પંદરમો : પૂર્ણયોગ—સર્વત્ર પુરૂષોત્તમ-દર્શન -૨૦૯ – ૨૨૫
૮૨. પ્રયત્નોથી ભક્તિ જુદી નથી ૨૦૯

 (૮૨.) આજે એક રીતે આપણે ગીતાને છેડે આવી પહોંચ્યા છીએ. પંદરમા અધ્યાયમાં બધાયે વિચારોની પરિપૂરિણતા થયેલી છે. સોળમો અને સત્તરમો અધ્યાય પરિશિષ્ટરૂપ છે અને અઢારમો ઉપસંહાર છે. એથી આ અધ્યાયને છેડે ભગવાને આ અધ્યાયને શાસ્ત્ર એવું નામ આપ્યું છે.
इति गुह्यतमं शास्त्रमिदमुक्तं मयानध
અત્યંત ગૂઢ આ શાસ્ત્ર તને નિષ્પાપ મેં કહ્યું
 — એમ ભગવાન છેવટે કહે છે. આ છેવટનો અધ્યાય છે તેથી ભગવાને એમ કહ્યું છે એવું નથી, પણ અત્યાર સુધી જીવનનું જે શાસ્ત્ર કહ્યું, જીવનના જે સિદ્ધાંત કહ્યા તેમની પૂર્ણતા આ અધ્યાયમાં કરી છે તેથી કહ્યું છે.
Page – 210 – અધ્યાય – ૧૫ – પ્રકરણ – ૮૨ – પ્રયત્નમાર્ગથી ભક્તિ જુદી નથી

 આ અધ્યાયમાં પરમાર્થની વાત પૂરી થાય છે. વેદનો બધોયે સાર એમાં આવી જાય છે. પરમાર્થનું ભાન માણસને કરાવવું એ જ વેદનું કામ છે. તે આ અધ્યાયમાં છે અને તેથી ‘વેદોનો સાર ’ એવી ગૌરવભરી પદવી એને મળી છે.
 તેરમા અધ્યાયમાં આપણે દેહથી આત્માને અળગો કરવાની જરૂર શી છે તે જોયું. ચૌદમામાં તે બાબતનો થોડો પ્રયત્નવાદ આપણે તપાસ્યો. રજોગુણ અને તમોગુણનો નિગ્રહથી ત્યાગ કરવો, સત્વગુણનો વિકાસ કરી, તેની આસક્તિને જીતી લઈ, તેના ફળનો ત્યાગ કરવો, એ રીતે પ્રયત્ન ચલાવવા. એ પ્રયત્નો સંપૂર્ણપણે ફળદાયી થાય તેટલા માટે આત્મજ્ઞાનની આવશ્યકતા છે, એમ છેવટે કહ્યું. આત્મજ્ઞાન ભક્તિ વિના શક્ય નથી. 1. 2. પણ ભક્તિમાર્ગ પ્રયત્નમાર્ગથી જુદો નથી એ વાત સૂચવવાને આ પંદરમા અધ્યાયની શરૂઆતમાં જ સંસારને એક મહાન વૃક્ષની ઉપમા આપી છે. ત્રિગુણ વડે પોષાયેલી મોટી મોટી ડાળીઓ એ વૃક્ષને ફૂટેલી છે. અનાસક્તિ અને વૈરાગ્ય એ શસ્ત્ર વડે આ ઝાડને છેદી નાખવું એમ શરૂઆતમાં જ કહ્યું છે. પાછલા અધ્યાયમાં જે સાધનમાર્ગ બતાવ્યો તે જ અહીં આરંભમાં ફરીને કહ્યો છે એ સ્પષ્ટ છે. રજ-તમને મારવાના છે અને સત્વગુણનું પોષણ કરી તેની ખીલવણી કરવાની છે. એક વિનાશક અને બીજું વિધાયક કામ છે. બંને મળીને એક જ માર્ગ બને છે. ઘાસ નીંદી કાઢવું અને બી રોપવું એ બે કામ એક જ ક્રિયાનાં બે અંગો છે. તેવું જ  છે.
 3. રામાણમાં રાવણ, કુંભકર્ણ અને વિભીષણ એ ત્રણ ભાઈઓ છે. કુંભકર્ણ તમોગુણ છે, રાવણ રજોગુણ ચે અને વિભીષણ સત્વગુણ છે. આપણા શરીરમાં એ ત્રણનું રામાયણ રચાયા કરે છે. એ રામાયણમાં રાવણ-કુંભકર્ણનો નાશ જ વિહિત છે. ફક્ત વિભીષણતત્વ જો તે હરિશરણ થાય તો ઉન્નતિસાધક અને તેને પોષક થઈ શકે એવું હોવાથી સંઘરવા લાયક છે. ચૌદમા અધ્યાયમાં આપણે આ વાત જોઈ ગયા છીએ.
Page – 211 – અધ્યાય – ૧૫ – પ્રકરણ – ૮૨ – પ્રયત્નમાર્ગથી ભક્તિ જુદી નથી

 આ પંદરમા અધ્યાયના આરંભમાં ફરીને તે જ વાત કરવામાં આવી છે. સત્વ-રજ-તમથી ભરેલો સંસાર અસંગ શસ્ત્રથી છેદી નાખો. રજતમનો વિરોધ કરો. સત્વગુણનો વિકાસ કરી પવિત્ર થાઓ અને તેની આસક્તિને પણ જીતી લઈ અલિપ્ત રહો એવો કમળનો આદર્શ ભગવદગીતા રજૂ કરે છે.
 4. ભારતીય સંસ્કૃતિમાં જીવનમાંની આદર્શ વસ્તુઓને, ઉત્તમમાં ઉત્તમ વસ્તુઓને કમળની ઉપમા આપેલી છે. કમળ ભરતીય સંસ્કૃતિનું પ્રતિક છે. ઉત્તમમાં ઉત્તમ વિચાર પ્રગટ કરવાનું ચિહ્ન કમળ છે. કમળ સ્વચ્છ અને પવિત્ર હોય છે અને અલિપ્ત રહે છે. પવિત્રતાની અને અલિપ્તતાની એવી બેવડી શક્તિ કમળમાં રહેલી છે. ભગવાનના જુદા જુદા અવયવોને કમળની ઉપમા અપાય છે. જેમકે નેત્ર-કમળ, પદ-કમળ, કર-કમળ, મુખ-કમળ, નાભિ-કમળ, હ્રદય-કમળ, શિર-કમળ; બધેયે સૌંદર્ય અને પવિત્રતા છે, છતાં અલિપ્તતા પણ છે એ આ ઉપમાઓથી બતાવાય છે અને આપણા મન પર ઠસાવવામાં આવે છે.
 5. પાછલા અધ્યાયમાં બતાવેલી સાધનાની પૂર્ણતા કરવાને સારૂ આ અધ્યાય છે. પ્રયત્નમાં ભક્તિ અને આત્મજ્ઞાન ભળે એટલે આ પૂર્ણતા આવે છે. પ્રયત્નમાર્ગનો જ ભક્તિ પણ એક ભાગ છે. આત્મજ્ઞાન, ભક્તિ એ તે જ સાદનાનાં અંગો છે. વેદમાં ઋષિ કહે છે –
यो जागार तं ऋचः कामयन्ते
यो जागार तमु सामानि यान्ति
 — જે જાગ્રત હોય છે તેમના પર વેદો પ્રેમ રાખે છે; તેમને મળવાને તેઓ આવે છે. ’ એટલે કે જે જાગૃત છે તેના તરફ વેદનારાયણ આવે છે. તેની પાસે ભક્તિ આવે છે, જ્ઞાન આવે છે. પ્રયત્નમાર્ગથી ભક્તિ અને જ્ઞાન જુદાં નથી. પ્રયત્નમાં જ મીઠાશ પૂરનારાં એ તત્વો છે એવું આ અધ્યાયમાં કહેવાનું છે. એકાગ્ર ચિત્તથી ભક્તિ-જ્ઞાનનું એ સ્વરૂપ શ્રવણ કરો.
Page –212–અધ્યાય – ૧૫ – પ્રકરણ – ૮૩ – ભક્તિથી પ્રયત્ન સુતરો થાય છે
૮૩. ભક્તિથી પ્રયત્ન સુતરો થાય છે ૨૧૨
 
 (૮૩.) જીવનના કકડા હું કરી શકતો નથી. કર્મ, જ્ઞાન અને ભક્તિ એ ત્રણને મારાથી જુદાં પાડી શકાતાં નથી અને તે ત્રણે જુદાં પણ નથી. દાખલા તરીકે આ જેલમાંનું રસોઈનું કામ જુઓ. પાંચસોથી સાતસો માણસો માટેની રસોઈનું કામ આપણામાંથી થોડા લોકો મળીને પાર પાડે છે. જેને રસોઈનું પાકું જ્ઞાન નથી એવો માણસ આ કામમાં હશે તો રસોઈ બગાડી નાખશે. રોટલા કાચા રહેશે, નહીં તો બળીને રાખ થઈ જશે. પણ રસોઈનું બરાબર પાકું જ્ઞાન છે એમ માનીને આપણે ચાલીએ. એમ છતાં  માણસના દિલમાં તે કર્મને માટે પ્રેમ નહીં હોય, ભક્તિની ભાવના નહીં હોય, આ રોટલા મારા ભાઈઓને, એટલે કે નારાયણને ખાવાને માટે છે તે સારૂ તે મારે બરાબર કરવા જોઈએ, આ પ્રભુની સેવા છે, એવી ભાવના તેના દિલમાં નહીં હોય તો જ્ઞાન હોવા છતાં પણ તે માણસ એ કામને માટે લાયક ઠરતો નથી. એ રસોઈના કામમાં જ્ઞાન જોઈએ અને તે જ પ્રમાણે પ્રેમ પણ જોઈએ. ભક્તિતત્વનો રસ હ્રદયમા નહીં હોય તો રસોઈ સુરસ નહીં થાય. એથી તો મા વગર એ કામ થતું નથી. મા વગર  કામ પૂરી આસ્થાથી અને પૂરા પ્રેમથી કોણ કરશે ? વળી, એ કામને માટે તપસ્યા પણ જોઈએ. તાપ વેઠ્યા વગર, મહેનત કર્યા વગર, એ કામ થાય કેવી રીતે ? એટલે એક જ કાર્યમાં પ્રેમ, જ્ઞાન અને કર્મ એ ત્રણે ચીજોની જરૂર છે એમ સાફ દેખાઈ આવે છે. જીવનમાં થનારાં બધાંયે કર્મો આ ત્રણ ગુણ પર ઊભાં છે. ત્રિપાઈનો એક જ પાયો તૂટી જાય તો પણ તે ઊભી રહેતી નથી. ત્રણે પાયા જોઈએ. તેના નામમાં જ તેનું સ્વરૂપ સ્પષ્ટ થયેલું છે. જીવનનું પણ એવું જ છે. જ્ઞાન, ભક્તિ અને કર્મ એટલે શ્રમસાતત્ય એ જીવનના ત્રણ પાયા છે. એ ત્રણ થાંભલા પર જીવનની દ્વારકા ઊભી કરવાની છે. એ ત્રણે પાયા મળીને એક જ ચીજ બને છે. ત્રિપાઈનો દાખલો અક્ષરશઃ લાગુ પડે છે. તર્કથી તમે ભક્તિ, જ્ઞાન અને કર્મને ભલે એકબીજાથી અલગ માનો પણ પ્રત્યક્ષ તેમને અલગ પાડવાનું બને એવું નથી. ત્રણે મળીને એક જ વિશાળ વસ્તુ બને છે. 6.
Page –213–અધ્યાય – ૧૫ – પ્રકરણ – ૮૩ – ભક્તિથી પ્રયત્ન સુતરો થાય છે

 7. આમ હોવા છતાં ભક્તિનો વિશેષ એવો ગુણ નથી એવું નથી. કોઈ પણ કામમાં ભક્તિતત્વ દાખલ થાય તો તે સહેલું લાગે છે. સહેલું લાગે છે એટલે મહેનત નહીં પડે એવું ન સમજશો. પણ એ મહેનત મહેનત જેવી નહીં લાગે. મહેનત પણ આનંદરૂપ લાગશે. બધી મહેનત હલકી ફૂલ થઈ જશે. ભક્તિમાર્ગ સહેલો છે એ વાતમાંનો મુદ્દો શો છે ? તેનો મુદ્દો એ કે ભક્તિને લીધે કર્મનો ભાર લાગતો નથી. કર્મનું કઠણપણું જતું રહે છે.ગમે તેટલું કામ કરો તોયે કર્યા જેવું લાગતું નથી. ભગવાન ખ્રિસ્ત એક ઠેકાણે કહે છે, ‘ તું ઉપવાસ કરે તો તારો ચહેરો ઉપવાસ કર્યા જેવો દેખાવો ન જોઈએ. ગાલને સુગંધી પદાર્થ લગાડ્યો હોય તેવો તારો ચહેરો પ્રફુલ્લિત તેમ જ આનંદી દેખાવો જોઈએ. ઉપવાસ કરવામાં કષ્ટ પડે છે એવું દેખાય તે ન ચાલે. ’ ટૂંકમાં, વૃત્તિ એટલી ભક્તિમય થઈ જવી જોઈએ કે કરેલી મહેનત વિસારે પડી જાય. આપણે કહીએ છીએ ને કે શૂરો દેશભક્ત હસતો હસતો ફાંસીએ ચડયો. સુધન્વા ઊકળતા તેલની કડાઈમાં હસતો હતો. મોઢેથી કૃષ્ણ, વિષ્ણુ, હરિ, ગોવિંદ બોલતો હતો. આમ કહેવાનો અર્થ એટલો જ છે કે પાર વગરની પીડા થવા છતાં ભક્તિને લીધે તે તેને વરતાઈ નહોતી. પાણી પર તરતી હોડી ખેંચવી કઠણ નથી. પણ તેને જમીન પરથી, ખડક પરથી, પથરાળી ભોંય પરથી ખેંચીને લઈ જવાની હોય તો કેટલી બધી મહેનત પડે છે તે જોજો ! હોડીની નીચે પાણી હોય તો સહજતાથી આપણે તરી જઈએ છીએ. તે જ પ્રમાણે આપણી જીવનનૌકાની નીચે ભક્તિનું પાણી હશે તો તે હોડી આનંદથી હલેસાં મારીને આગળ લઈ જવાશે. પણ જીવન લૂખું હશે, સૂકું હશે, રસ્તામાં રણવગડો હશે, પથરા ને ખડક હશે, ખાંચા ને ખાડાટેકરા હશે તો એ હોડીને ખેંચીને લઈ જવાનું કામ ઘણું વિકટ થઈ જશે. ભક્તિતત્વ જીવનનૌકાને પાણીની માફક સરળપણું મેળવી આપે છે.
 ભક્તિમાર્ગથી સાધના સહેલી થાય છે પણ આત્મજ્ઞાન વગર ત્રિગુણોની પેલી પાર કાયમનું જવાય એવી આશા નથી. તો પછી આત્મજ્ઞાનને માટે સાધન કયું ?
Page –214–અધ્યાય – ૧૫ – પ્રકરણ – ૮૩ – ભક્તિથી પ્રયત્ન સુતરો થાય છે

 સત્વ-સાતત્યથી, સત્વગુણ પચાવી તેનો અહંકાર અને તેના ફળની આસક્તિને જીતી લેવાનો ભક્તિરૂપી પ્રયત્ન એ જ સાધન છે. આ સાધન વડે સતત અને અખંડ પ્રયત્ન કરતાં કરતાં એક દિવસ આત્મદર્શન થશે. ત્યાં સુધી પ્રયત્નને છેડો નથી. પરમપુરૂષાર્થની આ વાત છે. આત્મદર્શન એ બે ઘડી મૉજનો ખેલ નથી. સહેજે મોજથી આત્મદર્શન થઈ જાય, એવું નથી. તે માટે સતત પ્રયત્નધારા ચાલુ રહેવી જોઈએ. પરમાર્થને માર્ગે જવાની શરત જ મૂળમાં એ છે કે, ‘ હું એક ક્ષણ પણ નિરાશાને અવકાશ આપીશ નહીં. એક ક્ષણ પણ નિરાશ થઈને જંપીને નિરાંતે બેસીશ નહીં. ’ પરમાર્થનું બીજું સાધન નથી. કોઈ કોઈ વાર સાધકને થાક ચડે ને તેને મોંએથી,
तुम कारन तप संयम किरिया, कहो कहांलौ कीजे !
 — ‘ હે ઈશ્વર, ક્યાં સુધી તારે અર્થે આ તપસ્યા કરૂં ? ’ એવા ઉદ્ગાર નીકળી જાય છે. પણ એ ઉદ્ગાર ગૌણ છે. તપસ્યા અને સંયમનું જાતને એવું વળણ પડી જવા દો કે તે તમારો સ્વભાવ થઈ જાય. ક્યાં સુધી સાદના કરૂં ? આ વચન ભક્તિમાં શોભતું નથી. અધીરાઈ, નિરાશાની ભાવના એ બધું ભક્તિ કદી ઉત્પન્ન થવા નહીં દે. આવો કંટાળો કદી ન આવે, ભક્તિમાં ઉત્તરોત્તર, વધારે ને વધારે ઉલ્લાસ ને ઉત્સાહ આવે તે માટે ઘણો મજાનો વિચાર આ અધ્યાયમાં રજૂ કર્યો છે.
Page – 214 – અધ્યાય – ૧૫ – પ્રકરણ – ૮૪ –
સેવાની ત્રિપુટી : સેવ્ય, સેવક, સેવાનાં સાધન

૮૪. સેવાની ત્રિપુટી : સેવ્ય, સેવક, સેવાનાં સાધન ૨૧૪

 (૮૪.) આ વિશ્વમાં આપણને અનંત વસ્તુઓ દેખાય છે. એ બધી વસ્તોના ત્રણ ભાગ પાડવા. કોઈક ભક્ત સવારે ઊઠે છે ત્યારે ત્રણ જ ચીજ તેની નજરે પડે છે. પહેલું ધ્યાન ઈશ્વર તરફ જાય છે. પછી તે ઈશ્વરની પૂજાની તૈયારી કરે છે. હું સેવક, ભક્ત છું, તે સેવ્ય એવો ઈશ્વર, સ્વામી છે.
Page – 215 – અધ્યાય – ૧૫ – પ્રકરણ – ૮૪ –

સેવાની ત્રિપુટી : સેવ્ય, સેવક, સેવાનાં સાધન

 આ બંને વાતો તેની સામે હમેશ હાજર હોય છે. બાકી રહેલી આખી સૃષ્ટિ તે પૂજાનાં સાધનો છે. ફૂલ, ચંદન, ધૂપદીપ, એને માટે બધી સૃષ્ટિ છે. ત્રણ જ વસ્તુ છે. સેવક ભક્ત, સેવ્ય પરમાત્મા ને સેવાનાં સાધનો માટે આ સૃષ્ટિ. આ શીખ આ અધ્યાયમાં છે. પણ એકાદો, મૂર્તિની સેવાપૂજા કરવાવાળો જે સેવક છે તેને સૃષ્ટિમાંની બધી ચીજો પૂજાનાં સાધન લાગતી નથી. તે બગીચામાંથી ચારપાંચ ફૂલો તોડી લાવે છે, ક્યાંકથી ધૂપસળી લાવે છે, અને કંઈક ને કંઈક નૈવેદ્ય ધરાવે છે. તેને પસંદગી કરી કંઈ લેવાનું ને કંઈ છોડી દેવાનું મન થાય છે. પણ પંદરમા અધ્યાયમાં જે ઉદ્દાત્ત શીખ છે તેમાં પસંદગીની, કંઈ લેવાની ને કંઈ છોડી દેવાની વાત નથી. જે જે કંઈ તપસ્યાનાં સાધનો છે, કર્મનાં સાધનો છે, તે બધાંયે પરમેશ્વરની સેવાનાં સાધનો છે. તેમાંનાં થોડાંને નૈવેદ્ય ગણીને ચાલીશું. આમ યચ્ચયાવત્ એટલે કે જે છે તેટલાં બધાં કર્મોને પૂજાદ્રવ્યો બનાવવાં એવી  દ્રષ્ટિ છે. જગતમાં ફક્ત ત્રણ ચીજ છે. જે વૈરાગ્યમય સાધન-માર્ગ ગીતા આપણા મનમાં ઠસાવવા માગે છે તે માર્ગને ગીતા ભક્તિમય સ્વરૂપ આપે છે. તેમાંનું કર્મપણું તે કાઢી નાખે છે અને તેને લીધે તેમાં સુલભતા, સરળતા લાવી આપે છે.     8.
 9. આશ્રમમાં કોઈક એક જણને માથે ખૂબ કામ આવે છે ત્યારે ‘ મારે માથે જ વધારે કામ કેમ આવ્યું ? ’ એવો વિચાર તેના મનમાં ફરકતો નથી એ વાતનો ઊંડો સાર છે. પૂજા કરવાવાળાને બે કલાકને બદલે ચાર કલાક પૂજા કરવાની મળે તો ‘ અરે આ શું ? ’ આજે ચાર ચાર કલાક પૂજા કરવી પડશે ! ’ એવું કંટાળીને તે કહેશે ખરો કે ? ઊલટું, તેને એથી વધારે આનંદ થશે. આશ્રમમાં અમને આવો અનુભવ થાય છે. એવો અનુભવ આખાયે જીવનમાં બધે થવો જોઈએ. જીવન સેવાપરાયણ બનવું જોઈએ. સેવ્ય એવો જે પેલો પુરૂષોત્તમ છે તેની સેવાને માટે હમેશ ખડો રહેનારો હું અક્ષર પુરૂષ છું. અક્ષર પુરૂષ એટલે કદી પણ ન થાકનારો, ઠેઠ સૃષ્ટિના આરંભથી સેવા કરનારો, સનાતન સેવક. જાણે કે રામની સામે સદા હાથ જોડીને હનુમાન જ ઊભેલો છે. તેને આળસ શું તેની ખબર સરખી નથી. હનુમાનની માફક ચિરંજીવ એવો આ સેવક ખડો છે. 
Page – 216 – અધ્યાય – ૧૫ – પ્રકરણ – ૮૪ –
સેવાની ત્રિપુટી : સેવ્ય, સેવક, સેવાનાં સાધન

 આવો આજન્મ સેવક તે જ અક્ષર પુરૂષ છે. પરમાત્મા એ સંસ્થા જીવંત છે અને હું સેવક પણ કાયમનો છું. તે સેવા લેતો થાકે છે કે હું સેવા કરતો થાકું છું એ મોજ એક વાર જોઈ લેવી છે. તેણે દસ અવતાર લીધા તો મારા પણ દસ છે જ. તે રામ થયો તો હું હનુમાન થયો જ છું. તે કૃષ્ણ થયો તો હું ઉદ્ધવ થયો જ છું. જેટલા તેના અવતાર તેટલા મારા પણ છે જ. એવી મીઠી હરીફાઈ એક વાર થવા દે. એક પછી એક એમ બધાયે યુગોમાં, પરમેશ્વરની આવી સેવા કરવાવાળો, કદીયે નાશ ન પામનારો એવો આ જીવ તે આ અક્ષર પુરૂષ છે. પેલો પુરૂષોત્તમ સ્વામી અને હું તેનો સેવક, તેનો બંદો એવી ભાવના કાયમ હ્રદયમાં રાખવાની છે. અને આ હરઘડી બદલાતી જતી, અનંત વેશ લેનારી જે સૃષ્ટિ છે તે બધીને પૂજાનાં સાધનો, સેવાનાં સાધનો બનાવવાનાં છે. એકેએક ક્રિયા પુરૂષોત્તમની પૂજા છે.
 10. સેવ્ય આ પરમાત્મા પુરૂષોત્તમ અને સેવક જીવ  અક્ષર પુરૂષ છે. પણ આ સાધનરૂપ સૃષ્ટિ ક્ષર છે. તે ક્ષર હોવામાં ભારે અર્થ સમાયેલો છે. સૃષ્ટિનું એ દૂષણ નથી પણ ભૂષણ છે. તેને લીધે સૃષ્ટિમાં નિત્ય નવીનતા છે. ગઈ કાલનાં ફૂલો આજે કામ નહીં આવે. તે નિર્માલ્ય બન્યાં. સૃષ્ટિ નાશવંત છે એ માણસનું મોટું ભાગ્ય છે, એ સેવાનો વૈભવ છે. સેવાને માટે રોજ નવાં, તાજાં ફૂલ જોઈએ. તે જ પ્રમાણે આ શરીર પણ નવું નવું ધારણ કરી હું પરમેશ્વરની સેવા કરીશ. મારાં સાધનોને હું રોજ નવું સ્વરૂપ આપીશ અને તેમનાથી તેની પૂજા કરીશ. નાશવંતપણાને લીધે સૌંદર્ય છે.
 11. ચંદ્રની કળા આજે હોય છે તે કાલે હોતી નથી. ચંદ્રનું લાવણ્ય રોજ જુદું. બીજનો પેલો પાછળથી વધતો જનારો ચંદ્ર જોઈને કેટલો બધો આનંદ થાય છે ! શંકરના ભાલપ્રદેશ પર એ બીજની ચંદ્રશોભા પ્રગટ થયેલી છે. આઠમના ચંદ્રનું સૌંદર્ય વળી વિશેષ હોય છે.
Page – 217 – અધ્યાય – ૧૫ – પ્રકરણ – ૮૪ –
સેવાની ત્રિપુટી : સેવ્ય, સેવક, સેવાનાં સાધન

 આઠમના આકાશમાં વીણેલાં મોતી જોવાનાં મળે છે. પૂનમના ચંદ્રના તેજમાં તારા દેખાતા જ નથી. પૂર્ણિમાએ પરમેશ્વરના મુખચંદ્રનું દર્શન થાય છે. અમાસનો આનંદ વળી જુદો ને ઘણો ગંભીર હોય છે. અમાવાસ્યાની રાતે કેટલી બધી નિઃસ્તબ્ધ શાંતિ હોય છે ! ચંદ્રનો જુલમી પ્રકાશ ન હોવાથી નાનામોટા અગણિત તારાઓ પૂરી છૂટથી ચમકે છે. અમાસે સ્વતંત્રતાનો પૂરેપૂરો વિલાસ જોવાને મળે છે. પોતાના અજવાળાનો દમામ બતાવનારો ચંદ્ર આજે આકાશમાં નતી. પોતાને પ્રકાશ પનારા સૂર્યની સાથે આજે તે એકરૂપ થયેલો છે, પરમેશ્વરમાં સમાઈ ગયેલો હોય છે. જીવે સ્વાત્માર્પણ કરી પોતાને કારણે જગતને જરા સરખોયે ત્રાસ ન થવા દેવો એવું જાણે કે તે દિવસે તે બતાવી રહેલો છે. ચંદ્રનું સ્વરૂપ ક્ષર છે, બદલાયા કરે છે. પણ તે નિત્ય નવો આનંદ આપે છે.
 12. સૃષ્ટિનું નાશવંતપણું એ જ તેનું અમરપણું છે. સૃષ્ટિનું રૂપ ખળખળ વહ્યા કરે છે. એ રૂપગંગા વહેતી ન રહે તો તેનું ખાબોચિયું થઈ જાય. નદીનું પાણી એકધારૂં વહ્યા કરે છે. પાણી કાયમ બદલાયા કરે છે. આ એક ટીપું ગયું, પેલું બીજું આવ્યું ! એમ તે પાણી જીવતું રહે છે. વસ્તુમાંનો આનંદ નવીનતાને લીધે વરતાય છે. ઉનાળાની મોસમમાં ઈશ્વરને અમુક ફૂલ ચડાવવાનાં હોય છે. ચોમાસામાં પેલી લીલીછમ દરોઈ ચડાવવાની હોય છે. શરદઋતુમાં પેલાં રમણીય કમળો ચડાવવાનાં હોય છે. તત્ તત્ ઋતુકાલોદ્ભવ ફળફૂલો વડે ઈશ્વરની પૂજા કરવાની છે. એથી એ પૂજા તાજી, નિત્ય નવી લાગે છે અને તેનો કંટાળો આવતો નથી. નાનાં છોકરાંને પાટી પર ‘ ક ’ કાડી આપીને પછી આપણે કહીએ છીએ, “ આને ઘૂંટીને જાડો કર. ” એ ‘ ક ’ ચીતરવાની માથાફોડથી બાળકને કંટાળો આવે છે. અક્ષર ઘૂંટીને જાડો શા માટે કરવો તે તેને સમજાતું નથી. પેન આડી પકડીને તે ઝટઝટ અક્ષરને જાડો કરવાનું પતાવે છે. પણ પછી આગળ ઉપર તે નવા અક્ષરો જુએ છે, અક્ષરોના સમુદાય જુએ છે. નવાં નવાં પુસ્તકો તે વાંચતો થાય છે. સાહિત્યમાં નિર્માણ થયેલી જાતજાતની સુમનમાળાનો તે અનુભવ લેતો થાય છે. થી તેને અપાર આનંદ થાય છે. તેવું જ સેવાના ક્ષેત્રમાં છે. નવાં નવાં સાધનોને લીધે સેવા માટેની હોંશ વધ્યા કરે છે. અને સેવાવૃત્તિનો વિકાસ થાય છે.
Page – 218 – અધ્યાય – ૧૫ – પ્રકરણ – ૮૪ –
સેવાની ત્રિપુટી : સેવ્ય, સેવક, સેવાનાં સાધન

 સૃષ્ટિનું નાશવંતપણું રોજરોજ નવાં ફૂલો ખીલવતું રહે છે. ગામની પાસે સ્મશાન છે તેથી ગામ રળિયામણું છે. જૂનાં માણસો જાય છે ને નવાં બાળકો જન્મે છે. નવી સૃષ્ટિ વધતી જાય છે. બહારના પેલા મસાણનો નાશ કરશો તો તે ઘરમાં આવી અડ્ડો જમાવશે. તેનાં તે માણસોને કાયમ જોવાં પડશે એટલે તમે કંટાળી જશો. ઉનાળામાં ગરમી હોય છે. પૃથ્વી તપી જાય છે. પણ તેથી અકળાશો મા. એ રૂપ પલટાયા વગર રહેવાનું નથી. વરસાદનું સુખ અનુભવવાને માટે પહેલાં તાપ ખમવો જોઈએ. જમીન બરાબર તપી નહીં હોય તો વરસાદ પડતાંની સાથે એકલો કાદવ કાદવ થઈ રહેશે. જમીન ઘાસ અને ધાન્યની કૂંપળોથી છવાઈ નહીં જાય. એક વખત ઉનાળામાં હું ફરતો હતો. માથું તપતું હતું. તેથી મને આનંદ થતો હતો. મને એક મિત્રે કહ્યું, “ માથું તપી જશે, ઉકળાટ થશે. ” મેં કહ્યું, “ આ નીચેની માટી તપે છે. તો આ માટીના ગોળાને પણ થોડો તપવા દીધેલો સારો. ” માથું તપેલું હોય ને તેના પર પેલી વરસાદની ધાર પડે એટલે શું આનંદ થાય છે ! પણ જે તડકામાં બહાર નીકળી તપતો નથી, તે વરસાદ આવશે તોયે ચોપડીમાં માથું ઘાલીને બેઠો રહેશે. ઘરની ઓરડીમાં, એક કબરમાં પુરાઈ રહેશે. બહારના આ વિશાળ અભિષેકપાત્ર નીચે ઊભા રહી નાચવાનું તેના નસીબમાં નથી. પણ પેલો આપણો મહર્ષિ મનુ બહુ રસિક અને સૃષ્ટિપ્રેમી હતો. સ્મૃતિમાં તે લખે છે કે, “ વરસાદ પડવા માંડે એટલે રજા પાડવી. ” વરસાદ પડતો હોય ને આશ્રમમાં પાઠ ગોખતાં ગોંધાઈ રહેવાનું હોય ખરૂં કે ? વરસાદમાં નાચવું, ગાવું અને સૃષ્ટિ સાથે એકરૂપ થવું. ચોમાસામાં જમીન અને આસમાન એકબીજાને ભેટે છે. તે ભવ્ય દેખાવ કેવો આનંદ પનારો હોય છે ! સૃષ્ટિ જાતે આપણને કેળવણી આપી રહેલી છે.
 સારાંશ કે સૃષ્ટિનું ક્ષરપણું, નાશવંતપણું છે એટલે સાધનોની નવીનતા છે. એવી નવી નવી ચીજોને જન્મ આપનારી અને નવ નવાં સાધનો પૂરાં પાડનારી આ સૃષ્ટિ, કમર કસીને સેવાને માટે ખડો પેલો સનાતન સેવક, અને પેલો સેવ્ય પરમાત્મા ત્રણે સામે મોજૂદ છે.
Page – 219 – અધ્યાય – ૧૫ – પ્રકરણ – ૮૪ –
સેવાની ત્રિપુટી : સેવ્ય, સેવક, સેવાનાં સાધન

  હવે ચાલવા દો આખો ખેલ. પેલો પરમપુરૂષ પુરૂષોત્તમ જુદાં જુદાં સેવાસાધનો પૂરાં પાડી મારી પાસેથી પ્રેમમૂલક સેવા લઈ રહેલો છે. તરેહતરેહનાં સાધન આપીને તે મને રમાડી રહેલો છે. મારી પાસેથી તે જુદા જુદા પ્રયોગ કરાવે છે. આવી વૃત્તિ જીવનમાં કેળવાય તો કેટલો બધો આનંદ મળે ! 
Page – 219 – અધ્યાય – ૧૫ – પ્રકરણ – ૮૫ – અહંશૂન્ય સેવા તે જ ભક્તિ

૮૫. અહંશૂન્ય સેવા તે જ ભક્તિ ૨૧૯

 (૮૫.) આપણી એકેએક કૃતિ ભક્તિમય થાય વી ગીતાની ઈચ્છા છે. ઘડી અધઘડી પરમેશ્વરની પૂજા કરો છો તે સારૂં છે. સવારે ને સાંજે સૂર્યની સુંદર પ્રભા ફેલાયેલી હોય ત્યારે ચિત્ત સ્થિર કરી, કલાક અરધો કલાક સંસારને વિસારે પાડી અનંતનું ચિંતન કરવું એ વિચાર ઘણો સારો છે. એ સદાચાર આપણે કદી ન છોડીએ. પણ ગીતાને એટલાથી સંતોષ નથી. સવારથી માંડીને તે સાંજ સુધી જે જે બધી ક્રિયાઓ આપણે હાથે થાય તે બધીયે ભગવાનની પૂજાને નિમિત્તે થવી જોઈએ. સ્નાન કરતી વખતે, જમતી વખતે, કચરો વાળતી વખતે એમ હરેક વખતે તેનું સ્મરણ રહેવું જોઈએ. કચરો વાળતી વખતે આપણને એમ થવું જોઈએ કે હું મારા પ્રભુનું, મારા જીવન-રાજનું આંગણું વાળું છુ. બધાં કર્મો આ રીતે પૂજાનાં કર્મો થવાં જોઈએ. આ દ્રષ્ટિ આપણામાં કેળવાય તો આપણા વર્તનમાં કેવો ફરક પડી જાય છે તે જોજો. પૂજાને માટે આપણે કેટલી કાળજીથી ફૂલ વીણીએ છીએ, તેમને છાબડીમાં કેવાં બરાબર ગોઠવીએ છીએ, તે બધાં દબાઈને બગડી ન જાય તેની કેવી સંભાળ રાખીએ છીએ, તે મેલાં ન થાય તેટલા ખાતર નાકે લગાડી સૂંઘતા સુદ્ધાં નથી. તે જ પ્રમાણે જીવનમાં રોજેરોજ કરવાનાં કર્મોમાં પણ તેવી જ દ્રષ્ટિ રહેવી જોઈએ. આ મારૂં ગામ છે અને અહીં પડોશીના રૂપમાં મારો નારાયણ રહે છે. એ ગામને હું સ્વચ્છ કરીશ, નિર્મળ રાખીશ. ગીતા આપણામાં આવી દ્રષ્ટિ કેળવવા માગે છે. પ્રત્યેક કર્મ પ્રભુની પૂજા છે એવી ભાવના સૌ કોઈની થાય એવી ગીતાને હોંશ છે. ગીતા જેવા ગ્રંથરાજને ઘડી અધઘડીની પૂજાથી સમાધાન નથી. સમગ્ર જીવન હરિમય થાય, પૂજારૂપ થાય એવી ગીતાની ઉત્કટ ઈચ્છા છે. 13.
Page– 220 – અધ્યાય – ૧૫ – પ્રકરણ – ૮૫ – અહંશૂન્ય સેવા તે જ ભક્તિ

 14. પુરૂષોત્તમયોગ બતાવી ગીતા કર્મમય જીવનને પૂર્ણતા આપે છે. પેલો સેવ્ય પુરૂષોત્તમ, હું તેનો સેવક ને સેવાનાં સાધનો આ સૃષ્ટિ છે. આ વાતનું એકવાર દર્શન થાય પછી બીજું શું જોઈએ ? તુકારામ કહી રહ્યા છે,
झालिया दर्शन करीन मी सेवा । आणिक कांहीं देवा न लगे दुजें ।।
 — ‘ આવું દર્શન થયું એટલે તે મુજબ હું સેવા કરીશ; એ સિવાય હે ઈશ્વર, મારે બીજું કંઈ જોઈતું નથી. ’
 પછી આપણે હાથે અખંડ સેવા થતી રહેશે. ‘ હું ’ જેવું કંઈ રહેશે નહીં. હું-પણું, મારા-પણું, ભૂંસાઈ જશે. બધુંયે તે ભગવાનને સારૂ છે, એવી વૃત્તિ થશે. પરાર્થે ઘસાઈ જવા સિવાય બીજું કશું જ રહેશે નહીં. ‘ હું ’ કાઢી નાખી મારે મારૂં જીવન હરિપરાયણ કરવું, ભક્તિમય કરવું, એમ ગીતા ફરીફરીને કહે છે. સેવ્ય પરમાત્મા, હું સેવક અને સાધનરૂપ આ સૃષ્ટિ છે. આમ પરિગ્રહનું નામ સુદ્ધાં ભૂંસી નાખ્યું છે. પછી જીવનમાં બીજા કશાનીયે ફિકર જ રહેતી નથી.
Page – 220 – અધ્યાય – ૧૫ – પ્રકરણ – ૮૬ –
જ્ઞાનલક્ષણ : હું પુરૂષ, તે પુરૂષ, આ પણ પુરૂષ

૮૬. જ્ઞાનલક્ષણ : હું પુરૂષ, તે પુરૂષ, આ પણ પુરૂષ ૨૨૦

 (૮૬.) આ રીતે કર્મમાં ભક્તિને ભેળવવાની છે એ આપણે અત્યાર લગી જોયું. પરંતુ તેમાં જ્ઞાન પણ જોઈએ. એ વગર ગીતાને સમાધાન નથી. પણ આ વાતનો અર્થ એવો નથી કે એ બધી ચીજો જુદી જુદી છે. બોલવામાં આપણે જુદી જુદી ભાષાનો પ્રયોગ કરીએ છીએ એટલો જ એનો અર્થ છે. કર્મ એટલે જ ભક્તિ છે. ભક્તિ કંઈક જુદી વસ્તુ છે અને તેને કર્મમાં ભેળવવાની છે એવું નથી. એવી જ વાત જ્ઞાનની છે. એ જ્ઞાન કેમ મળે ? ગીતા કહે છે, ‘ સર્વત્ર પુરૂષ-દર્શનથી  જ્ઞાન મળશે. ’ તું સેવા કરનારો જે સનાતન સેવક છે તે તું સેવા-પુરૂષ છે; પેલો જે પુરૂષોત્તમ છે તે સેવ્ય-પુરૂષ છે; અને નાના રૂપ ધારણ કરવાવાળી, વિવિધ પ્રકારનાં સાધનો પૂરાં પાડનારી આ નિત્ય વહેતી સૃષ્ટિ તે પણ પુરૂષ છે. 15.
Page – 221 – અધ્યાય – ૧૫ – પ્રકરણ – ૮૬ –
જ્ઞાનલક્ષણ : હું પુરૂષ, તે પુરૂષ, આ પણ પુરૂષ

 16. આ દ્રષ્ટિ રાખવી એટલે શું કરવું ? બધે ઠેકાણે અવ્યંગ એટલે ખામી વગરનો પૂરેપૂરો સેવાભાવ રાખવો. તારા પગમાંની ચંપલ ચમચમ અવાજ કરે છે; તેને થોડું તેલ ચોપડ. ત્યાં પરમાત્માનો જ અંશ છે. એ ચંપલને બરાબર રાખ. પેલો સેવાનું સાધન એવો રેંટિયો છે. તેમાં તેલ પૂર. તે બૂમ પાડે છે, ‘ नेति नेति ’ – ‘ હું સૂતર કાંતવાનો નથી. ’ એ રેંટિયો, એ સેવાનું સાધન, એ પણ પુરૂષ જ છે. તેની માળ, તેની જનોઈ, તેને પણ બરાબર રાખ. આખી સૃષ્ટિને ચૈતન્યમય માન. તેને જડ ગણીશ મા. ૐકારનું સુંદર ગીત ગાનારો એ રેંટિયો શું જડ છે ? તે ખુદ પરમાત્માની મૂર્તિ છે. શ્રાવણની અમાસે આપણે पोळाનો ઉત્સવ ઉજવીએ છીએ. તે દિવસે અહંકાર છોડી આપણે બળદની પૂજા કરીએ છીએ. આ બહુ મોટી વાત છે. પોળાનો ખ્યાલ રોજ મનમાં રાખી, બળદની બરાબર માવજત કરી, તેની પાસેથી જે લાયક હોય તે કામ લો. પોળાને દિવસે જે ભક્તિ આપણે બતાવીએ છીએ તે, તે દહાડે જ પૂરી થઈ જાય એવું ન થવા દો. બળદ પણ પરમાત્માની જ મૂર્તિ છે. પેલું હળ, પેલાં ખેતીનાં બીજાં ઓજારો, એ બધાંને પણ બરાબર સંભાળો, સેવાનાં બધાંયે સાધનો પવિત્ર છે. આ દ્રષ્ટિ કેટલી વિશાળ છે તેનો ખ્યાલ કરો ! પૂજા કરવી એટલે ગુલાલ, કંકુ, ગંધ, ચોખા અને ફૂલો ચડાવવાં એટલું જ નથી. પેલાં વાસણોને માંજીને અરીસા જેવાં ચકચકતાં રાખવાં એ વાસણોની પૂજા થઈ. ફાનસને બરાબર લૂછીને સાફ રાખવું એ તેની પૂજા છે. દાતરડાની ધાર કાઢી ખેતીના કામને માટે હમેશ તૈયાર રાખવું એ તેની પૂજા છે. બારણાનું મિજાગરૂં કાટ ખાઈ ગયું છે. તેને તેલ મૂકીને સંતોષવું એ તેની પૂજા છે. જીવનમાં બધે આ દ્રષ્ટિ લાવવી, કેળવવી. સેવાદ્રવ્યને ઉત્તમ સ્થિતિમાં અને ચોખ્ખું, નિર્મળ રાખવું. ટૂંકમાં, હું અક્ષર પુરૂષ, પેલો પુરૂષોત્તમ અને આ સાધનરૂપ સૃષ્ટિ બધાંયે પુરૂષ છે, પરમાત્મા છે. સર્વત્ર, એક જ ચૈતન્ય ખેલી રહ્યું છે. આ દ્રષ્ટિ આવી એટલે આપણા કર્મમાં જ્ઞાન પણ આવ્યું જાણવું.
Page – 222 – અધ્યાય – ૧૫ – પ્રકરણ – ૮૬ –
જ્ઞાનલક્ષણ : હું પુરૂષ, તે પુરૂષ, આ પણ પુરૂષ

 17. કર્મમાં ભક્તિ રેડી, અને હવે જ્ઞાન પણ રેડ્યું અને અપૂર્વ એવું જીવનનું દિવ્ય રસાયણ બનાવ્યું. છેવટે ગીતાએ અદ્વૈતમય સેવાના માર્ગ પર આપણને લાવી મૂક્યા. આખી સૃષ્ટિમાં ત્રણ પુરૂષો ઊભા છે. એક જ પુરૂષોત્તમે એ ત્રણે રૂપો લીધાં છે. ત્રણે મળીને એક જ પુરૂષ છે. કેવળ અદ્વૈત છે. ગીતાએ ઊંચામાં ઊંચા, પરમોચ્ચ શિખર પર અહીં આણીને આપણને મૂકી દીધા. કર્મ, ભક્તિ અને જ્ઞાન એકરૂપ થયાં. જીવ, શિવ અને સૃષ્ટિ એકરૂપ થયાં. કર્મ, ભક્તિ અને જ્ઞાન એ ત્રણેમાં કશો વિરોધ ન રહ્યો.
 18. જ્ઞાનદેવે अमृतानुभवમાં મહારાષ્ટ્રને ગમતો દાખલો આપ્યો છે,
देव देऊळ परिवारु । कीजे कोरूनि डोंगरु ।
तैसा भक्तिचा वेव्हारु । कां न होआवा ।।
 — ‘ દેવ, મંદિર અને પરિવાર, એ બધાંને ડુંગર કોરીને બનાવ્યાં. ભક્તિનો એવો વહેવાર કેમ ન થાય ? ’ એક જ પથ્થરને કોર્યો, ત્યાં પથ્થરનું જ મંદિર, તે મંદિરમાં પથ્થરમાંથી જ કોરી કાઢેલો દેવ બેસાડ્યો, અને દેવની સામે પથ્થરનો જ એક ભક્ત, અને તેની પાસે પથ્થરમાંથી જ કોરી કાઢેલાં ફૂલો. આ બધો શણગાર જેમ પેલા એક જ પથ્થરના ખડકમાંથી બનાવે છે, એક જ અખંડ પથ્થર ત્યાં બધાં રૂપોમાં જુદા જુદા વેશ લઈને ઊભો હોય છે, તેવું ભક્તિના વહેવારમાં પણ કેમ ન થાય ? સ્વામી-સેવક સંબંધ કાયમ રહે છતાં એકતા કેમ ન થાય ? આ બાહ્યસૃષ્ટિ, આ પૂજાદ્રવ્ય અલગ હોવા છતાં પણ આત્મરૂપ શા સારૂ ન બને ? ત્રણે પુરૂષ એક જ છે. જ્ઞાન, કર્મ અને ભક્તિ એ ત્રણે મળીને એક વિશાળ જીવન-પ્રવાહ નિર્માણ કરવાનો છે. આવો આ પરિપૂર્ણ પુરૂષોત્તમયોગ છે. સેવક, સ્વામી અને સેવાદ્રવ્ય એકરૂપ હોઈ ને ભક્તિ-પ્રેમની રમત રમવાની છે.
 19. આવો આ પુરૂષોત્તમયોગ જેના હ્રદયમાં પાકો ઠસી ગયો છે તે જ સાચી ભક્તિ કરે છે.
स सर्वविद् भजति मां सर्वभावे भारत
‘ તે સર્વ સારનો જ્ઞાની સર્વભાવે મને ભજે ’
 — આવો પુરૂષ જ્ઞાની હોવા છતાં સંપૂર્ણ ભક્ત હોય છે. જેનામાં જ્ઞાન છે તેનામાં પ્રેમ પણ છે જ.
Page – 223 – અધ્યાય – ૧૫ – પ્રકરણ – ૮૬ –
જ્ઞાનલક્ષણ : હું પુરૂષ, તે પુરૂષ, આ પણ પુરૂષ

 પરમેશ્વરનું જ્ઞાન અને પરમેશ્વરનો પ્રેમ એ બે જુદી ચીજો નથી. ‘ કારેલું કડવું ’ એવું જ્ઞાન ઉત્પન્ન થાય તો પ્રેમ ઉત્પન્ન થતો નથી. કોઈક અપવાદ હોય એમ બને. પણ કડવાશ જણાઈ કે તેનો અણગમો થયા વગર રહેતો નથી. પણ સાકરનું જ્ઞાન થતાંની સાથે તે ઓગળવા માંડે છે. એકદમ પ્રેમનો ઝરો ઉત્પન્ન થાય છે. પરમેશ્વરની બાબતમાં જ્ઞાન થવું અને પ્રેમ ઉત્પન્ન થવો  એ બંને વાતો એકરૂપ છે. પરમેશ્વરના રૂપની જે મીઠાશ છે તેને શું આ રદ્દી સાકરની ઉપમા આપવી ? તે મધુર પરમાત્માનું જ્ઞાન થતાંની સાથે તાબડતોબ પ્રેમભાવ પણ ઉત્પન્ન થશે. જ્ઞાન થવું અને પ્રેમ થવો એ બે ક્રિયા જાણે કે ભિન્ન ક્રિયા જ રહેતી નથી. અદ્વૈતમાં ભક્તિ છે કે નથી એ વાદાવાદ છોડો. જ્ઞાનદેવે કહ્યું છે કે,
हें चि भक्ति हें चि ज्ञान । एक विठ्ठल चि जाण ।।
 — ‘ એ જ ભક્તિ, એ જ જ્ઞાન, એક વિઠ્ઠલને જ જાણ. ’ ભક્તિ અને જ્ઞાન એક જ ચીજનાં બે નામ છે.
 20. પરમભક્તિ જીવનમાં આવે એટલે તે પછી થતું કર્મ, ભક્તિ તેમ જ જ્ઞાનથી જુદું હોતું નથી. કર્મ, ભક્તિ અને જ્ઞાન મળીને એક જ રમણીય, રૂડું રૂપાળું રૂપ બને છે. આ રમણીય રૂપમાંથી અદભૂત પ્રેમમય, જ્ઞાનમય સેવા સહેજે નિર્માણ થાય છે. મા પર મારો પ્રેમ છે પણ તે પ્રેમ કર્મમાં પ્રગટ થવો જોઈએ. પ્રેમ હંમેશાં મહેનત કરે છે, સેવામાં પ્રગટ થાય છે. પ્રેમનું બાહ્ય રૂપ તે જ સેવા છે. પ્રેમ અનંત સ્વા કર્મોનો વેશ લી નાચે છે. પ્રેમ હોય ત્યાં જ્ઞાન પણ આવે છે. જેની સેવા કરવાની છે તેને કઈ સેવા ગમશે એ વાતનું મને જ્ઞાન હોવું જોઈએ. નહીં તો સેવા કુસેવા ગણાશે. સેવ્ય વસ્તુનું જ્ઞાન પ્રેમને હોવું જોઈએ. પ્રેમનો પ્રભાવ કાર્ય મારફતે ફેલાય તેટલા ખાતર જ્ઞાનની જરૂર છે. પણ મૂળમાં પ્રેમ જોઈએ. તે ન હોય તો જ્ઞાન નિરૂપયોગી છે. પ્રેમથી થનારૂં કર્મ સાદા કર્મથી જુદું હોય છે. ખેતરમાં કામ કરી ઘેર આવેલા દીકરા તરફ ઘરડી મા પ્રેમથી જુએ છે અને ‘ થાક્યો છે બેટા ! ’ એમ કહે છે. પણ એ નાના સરખા કર્મમાં કેટલું બધું સામર્થ્ય હોય છે ! જીવનનાં સર્વ કર્મોમાં જ્ઞાન અને ભક્તિ રેડો. એને જ પુરૂષોત્તમયોગ કહે છે.
Page – 224 – અધ્યાય – ૧૫ – પ્રકરણ – ૮૭ –
સર્વ વેદનો સાર મારા જ હાથમાં છે

૮૭. સર્વ વેદનો સાર મારા જ હાથમાં છે ૨૨૪

 (૮૭.) આ સર્વ વેદનો સાર છે. વેદ અનંત છે. પણ અનંત વેદનો ટૂંકમાં ચોખ્ખોચટ સાર આ પુરૂષોત્તમયોગ છે. આ વેદ ક્યાં છે ? વેદની બડી ખૂબી છે. વેદનો સાર ક્યાં છે ? અધ્યાયના આરંભમાં જ કહ્યું છે,
“ छंदांसि यस्य पर्णानि ” — “ શ્રુતિઓ પાંદડાં કહ્યાં. ”
 અરે, એ વેદ આ સંસાર વૃક્ષને પાંદડે પાંદડે ભરેલો છે. વેદ પેલી સંહિતામાં, તારી પોથીમાં લપાયેલો નથી. તે વિશ્વમાં બધે ફેલાયેલો છે. પેલો અંગ્રેજ કવિ શેકસપિયર કહી રહ્યો છે કે, ‘ વહેતાં ઝરણાંઓમાં સદગ્રંથ મળે છે, પથ્થરોમાંથી પ્રવચનો સંભળાય છે. ’ ટુંકમાં વેદ સંસ્કૃતમાં નથી, સંહિતામાં નથી. તે સૃષ્ટિમાં છે. સેવા કરશો એટલે નજરે પડશે. 21.
 22. प्रभाते करदर्शनम् । સવારે ઊઠતાંની સાથે પહેલી આપણી હથેળી જોવી. બધા વેદ એ હાથમાં છે. “ સેવા કર ” એમ તે વેદ તને કહે છે. ગઈ કાલે હાથ થાક્યા હતા કે નહીં, આજે મહેનત કરીને થાકવાને તૈયાર છે કે નથી, તેને આંટણ પડ્યાં છે કે નથી એ જુઓ. સેવા કરતાં કરતાં હાથ ઘસાય છે ત્યારે બ્રહ્મલિખિત ખુલ્લું થાય છે એવો प्रभाते करदर्शनम् । નો અર્થ છે.
 23. કહે છે, વેદ ક્યાં છે ? અરે, તે તારી પાસે જ છે ! તમને ને અમને, આ વેદ જન્મથી જ આવી મળેલો છે. હું જ જીવંત વેદ છું. અત્યાર સુધીની આખીયે પરંપરા મને પચી ગઈ છે. હું તે પરંપરાનું ફળ છું.  વેદબીજનું જે ફળ તે જ હું છું. મારા એ ફળમાં અનંત વેદોનું બીજ મેં સંઘરેલું છે. મારા પેટમાં વેદ પાંચપચાસગણો મોટો થયો છે.
 24. ટૂંકમાં વેદનો સાર આપણા હાથમાં છે. સેવા, પ્રેમ અને જ્ઞાન પર જીવનની રચના કરવાની છે. એટલું કરો કે વેદ હાથમાં જ છે. હું જે અર્થ કરીશ તે જ વેદ છે. વેદ ક્યાંયે બહાર નથી. वेदांचा तो अर्थ आम्हांस्त्री च ठावा – વેદના તે અર્થને અમે જ જાણીએ છીએ એમ સેવામૂર્તિ સંતો કહે છે.
Page – 225 – અધ્યાય – ૧૫ – પ્રકરણ – ૮૭ –
જ્ઞાનલક્ષણ : હું પુરૂષ, તે પુરૂષ, આ પણ પુરૂષ

 “ સર્વ વેદો મને જ એકને જાણે છે, ઓળખે છે. હું જ બધા વેદનો સાર પુરૂષોત્તમ છું.” એમ ભગવાન કહી રહ્યા છે. આવો આ વેદનો સાર, આ પુરૂષોત્તમયોગ આપણે જીવનમાં પચાવી શકીએ તો કેટલો બધો આનંદ ઊપજે ! પછી તે પુરૂષ જે જે કંઈ કરે છે, તેમાથી વેદ પ્રગટ થાય છે એમ ગીતા સૂચવી રહી છે. આ અધ્યાયમાં આખીયે ગીતાનો સાર છે. ગીતાની શીખ અહીં પૂર્ણપણે પ્રગટ થઈ છે. તેને જીવનમાં ઉતારવાને સારૂ સૌ કોઈએ રાત ને દિવસ મથ્યા કરવું, બીજું શું ?

     

Advertisements