Page – 201 – અધ્યાય – ૧૪ – પ્રકરણ – ૭૯ –
સ્વધર્મ કેવી રીતે નક્કી કરવો
૭૯. સ્વધર્મ  કેવી રીતે નક્કી કરવો ૨૦૧

 (૭૯.) આ સ્વધર્મ નક્કી કેવી રીતે કરવો એવો કોઈ સવાલ કરે તો તેનો જવાબ એટલો એક જ છે કે, ‘ તે સ્વાભાવિક હોય છે. ’ સ્વધર્મ સહજ હોય છે. તેને શોધવાનો ખ્યાલ જ વિચિત્ર લાગે છે. માણસ જન્મે છે તે જ વખતે તેની સાથે તેનો સ્વધર્મ પણ જન્મે છે. છોકરાને મા જેમ શોધવી પડતી નથી તે જ પ્રમાણે સ્વધર્મ પણ શોધવાનો રહેતો નથી. તે આગળથી આવી મળેલો હોય છે. આપણા જન્મ પહેલાં આ દુનિયા હતી, અને આપણી પાછળ પણ રહેવાની છે. આપણી પાછળ મોટો પ્રવાહ હતો. આગળ પણ તે જ વહે છે. આવા ચાલુ પ્રવાહમાં આપણે જન્મ લઈએ છીએ. જે માબાપને પેટે જન્મ થયો તેમની સેવા, જે આડોશી-પાડોશીની વચ્ચે જન્મ્યો તેમની સેવા, એ વાતો કુદરતી રીતે જ મને આવી મળેલ છે. વળી, મારી પોતાની વૃત્તિઓ તો મારા અનુભવની જ છે ને ? મને ભૂખ લાગે છે, તરસ લાગે છે, એટલે ભૂખ્યાંને ખવડાવવું, તરસ્યાંને પાણી પાવું એ ધર્મ મને સ્વાભાવિક રીતે ચાલુ પ્રવાહમાંથી આવી મળ્યો છે. આવી જાતનો આ સેવારૂપ, ભૂતદયારૂપ સ્વધર્મ આપણે શોધવો પડતો નથી. જ્યાં સ્વધર્મની શોધ ચાલે છે ત્યાં કંઈક પરધર્મ અથવા અધર્મ ચાલે છે એમ ચોક્કસ જાણવું.
 સેવકને સેવા ઢૂંઢવી પડતી નથી, તે તેની મેળે તેની પાસે આવીને ઊભી રહે છે. પણ એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે અનાયાસે આવી મળેલું કર્મ હમેશ ધર્મ્ય જ હોય છે એવું નથી. કોઈક ખેડૂત રાતના આવીને મને કહે કે, ‘ ચાલો, પેલી વાડ આપણે ચારપાંચ હાથ આગળ ખસેડીએ. મારૂં ખેતર એટલું વધશે. વગર ધાંધલે ચૂપચાપ કામ થઈ જશે. ’ આવું કામ પડોશી મને બતાવે છે, તે કુદરતી રીતે મને આવી મળતું દેખાય છે તો પણ અસત્ય, ખોટું હોવાથી મારૂં કર્તવ્ય બનતું નથી. 17.
 18. ચાતુર્વર્ણ્યની વ્યવસ્થા મને રૂડી લાગે છે તેનું કારણ એ છે કે તેમાં સ્વાભાવિકતા અને ધર્મ છે. એ સ્વધર્મ ટાળ્યે ચાલે એવું નથી. જે માબાપ મને મળ્યાં તે જ મારાં માબાપ છે. તે મને ગમતાં નથી એમ કહ્યે કેમ ચાલશે ? માબાપનો ધંધો સ્વભાવથી જ છોકરાને પ્રાપ્ત થાય છે.
Page – 202 – અધ્યાય – ૧૪ – પ્રકરણ – ૭૯ –
સ્વધર્મ કેવી રીતે નક્કી કરવો

  જે ધંધો પરાપૂર્વથી ચાલતો આવેલો છે તે નીતિવિરૂદ્ધ ન હોય તો કરવો, તે જ ઉદ્યોગ આગળ ચાલુ રાખવો એ ચાતુર્વર્ણ્યની વ્યવસ્થામાં રહેલી એક મોટી વિશેષતા છે. ચાતુર્વર્ણ્યની વ્યવસ્થા જે બગડી ગઈ છે, તેનો અમલ કરવો અઘરો થઈ ગયો છે. પણ તેની વ્યવસ્થા બરાબર ઊભી કરી શકાય, તેની ગડી બરાબર બેસાડી શકાય તો બહુ સારું થાય એમ છે.નહી તો આજે માણસનાં શરૂઆતનાં પચ્ચીસ ત્રીસ વરસ નવો ધંધો શીખવામાં જાય છે. ધંધો શીખી લીધા પછી માણસ સેવાનાં, કર્મનાં ક્ષેત્ર ઢૂંઢવા નીકળે છે. આમ તે જિંદગીનાં શરૂઆતનાં પચ્ચીસ વરસ શીખતો જ રહે છે. આ શીખવાની વાતનો જીવન સાથે જરાયે સંબંધ નથી. કહે છે, આગળ જીવવા માટેની તે તૈયારી કરે છે ! એટલે સરવાળે શીખે છે ત્યારે જીવતો નથી હોતો એમ ને ? જીવવાનું પછી એમ ને ? કહે છે,પહેલાં એક વાર બધું બરાબર શીખી લેવું. તે પછી જીવવું. જીવવાનું અને શીખવાનું એ બે વાતો જાણે કે જુદી પાડી નાખવામાં આવી છે ! પણ જ્યાં જીવવાની વાતનો સંબંધ નથી તે મરણ કે બીજું કંઈ ? હિંદુસ્તાનમાં માણસની સરેરાશ આવરદા તેવીસ વરસ ગણાય છે. અને આ તો પચ્ચીસ વરસ તૈયારી કરવામાંથી પરવારતો નથી ! આમ પહેલાં નવો ધંધો શીખવામાં દિવસો નીકળી જાય છે. પછી ક્યાંક ધંધો શરૂ કરવાની વાત ! આને લીધે ઉમેદનાં, મહત્વનાં વરસો ફોગટ જાય છે. જે ઉત્સાહ, જે ઉમેદ, જે હોંસ જનસેવામાં ખરચી આ દેહનું સાર્થક કરવાનું છે તે બધાં આમ નકામાં જાય છે. જીવન એ કંઈ રમત નથી; પણ જીવનને માટે ધંધો ઢૂંઢવામાં જ શરૂઆતનું કીમતી આયુષ્ય વહી જાય છે એ દુઃખની વાત છે. હિંદુધર્મે આટલા જ ખાતર વર્ણધર્મની વ્યવસ્થાની યુક્તિ કાઢી હતી.
 19. પણ ચાતુર્વર્ણ્યની કલ્પના એક વાર બાજુએ રાખીએ તોયે બધાં રાષ્ટ્રોમાં બધે ઠેકાણે, જ્યાં ચાતુર્વર્ણ્ય નથી ત્યાં પણ સ્વધર્મ સૌ કોઈને પ્રાપ્ત થયેલો છે. આપણે સૌ એક પ્રવાહમાં કોઈક એક પરિસ્થિતિ સાથે લઈને જન્મ્યા હોવાથી સ્વધર્માચરણરૂપ કર્તવ્ય આપણને સૌને આપોઆપ પ્રાપ્ત થયેલું હોય છે.
Page – 203 – અધ્યાય – ૧૪ – પ્રકરણ – ૭૯ –
સ્વધર્મ કેવી રીતે નક્કી કરવો

તેથી દૂરનાં કર્તવ્યો, જેમને નામનાં જ કર્તવ્ય કહી શકાય, તે ગમે તેટલાં રૂડાંરૂપાળાં દેખાતાં હોય તો પણ માથે લેવાં એ બરાબર નથી. ઘણી વાર આઘેનું સારૂં દેખાય છે. ડુંગરા દૂરથી રળિયામણા. માણસ આઘેનું જોઈને ભુલાવામાં પડે છે. માણસ ઊભો હોય છે ત્યાં પણ ધૂમસ ઘાડું હોય છે. પણ પાસેનું તેને દેખાતું નથી અને તે આઘે આંગળી બતાવીને કહે છે, ‘ ત્યાં પણે ધૂમસ ઘાડું છે. ’ ત્યાં આઘે જે માણસ ઊભો હોય છે તે આના તરફ આંગળી બતાવીને કહે છે, ‘ ત્યાં પણે ધૂમસ ઘાડું છે. ’ ધૂમસ તો બધે છે. પણ પાસેનું નજરમાં આવતું નથી. માણસને હંમેશ દૂરનું આકર્ષણ રહે છે. પાસેનું ખૂણામાં રહે છે અને આઘેનું સમણામાં દેખાય છે ! પણ એ મોહ છે. એને ટાળવો જ જોઈએ. પ્રાપ્ત એટલે કે આવી મળેલો સ્વધર્મ સાદો હોય, ઓછો લાગે, નીરસ ભાસે, તોયે મને જે સહેજે આવી મળ્યો છે તે જ સારો, તે જ સુંદર છે. દરિયામાં ડૂબતા માણસને ધારો કે એકાદ ગડગૂમડિયો લાકડાનો ટોલો મળ્યો; પાલીસ કરેલો, સુંવાળો, સુંદર નહીં હોય તો પણ તે જ તેને તારશે. સુથારના કારખાનામાં ઘણા સફાઈદાર, સુંવાળા, નકસીદાર લાકડાના ટોલા પડયા હશે. પણ તે બધા રહ્યા કારખાનામાં ને આ તો અહીં દરિયામાં ડૂબવા બેઠો છે. એને માટે પેલો ગડગૂમડિયો ટોલો જેમ તારનારો નીવડે છે, તેને જ તેણે વળગવું જોઈએ, તેમ જે સેવા મને પ્રાપ્ત થઈ છે તે ઊતરતી લાગતી હોય તો પણ તે જ મારે સારૂ ઉપયોગી છે. તેમાં જ મશગૂલ થઈ રહેવાનું મને શોભે. તેમાં જ મારો ઉદ્ધાર છે. બીજી સેવા ઢૂંઢવા નીકળું તો આ હાથમાં છે તે જાય અને પેલી પણ જાય. આમ કરવા જતાં સેવાવૃત્તિને જ હું ગુમાવી બેસું છું. એથી માણસે સ્વધર્મરૂપી કર્તવ્યમાં મશગૂલ રહેવું જોઈએ.
 20. સ્વધર્મમાં મગ્ન રહેવાથી રજોગુણ ફીકો પડી જાય છે કારણકે ચિત્ત એકાગ્ર થાય છે. સ્વધર્મ છોડીને તે બીજે ક્યાંક ભટકવા નીકળતું નથી. તેથી ચંચળ રજોગુણનું બધુંયે જોર ગળી જાય છે.
 Page – 204 – અધ્યાય – ૧૪ – પ્રકરણ – ૭૯ –
સ્વધર્મ કેવી રીતે નક્કી કરવો

 નદી શાંત અને ઊંડી હોય તો ગમે તેટલું પાણી આવે તેને પોતાના ઉદરમાં સમાવી લે છે. સ્વધર્મની નદી માણસનું બધુંયે બળ, તેનો બધોયે વેગ, તેની બધી શક્તિ પોતાનામાં સમાવી શકે છે. સ્વધર્મમાં જેટલી શક્તિ ખરચો તેટલી ઓછી છે. સ્વધર્મમાં બધી શક્તિ રેડો એટલે રજોગુણની દોડધામ કરવાની વૃત્તિ નાબૂદ થશે. ચંચળપણું ચાલ્યું જશે. આ રીતે રજોગુણને જીતવો જોઈએ.
Page – 204 – અધ્યાય – ૧૪ – પ્રકરણ – ૮૦ – સત્વગુણ અને તેનો ઈલાજ
૮૦. સત્વગુણ અને તેનો ઈલાજ ૨૦૪

 (૮૦) હવે રહ્યો સત્વગુણ. એની સાથે સાવધ રહીને કામ લેવું જોઈએ. એનાથી આત્માને અળગો કેવી રીતે પાડવો ? આ વાત સૂક્ષ્મ વિચારની છે. સત્વગુણનો છેક નિકાલ લાવવાનો નથી. રજ-તમનો છેક ઉચ્છેદ કરવો પડે છે. પણ સત્વગુણની ભૂમિકા જરા જુદી છે. માણસોનું મોટું ટોળું એકઠું મળ્યું હોય અને તેને વિખેરી નાખવું હોય તો ‘ કમ્મપની ઉપર ગોળી ન છોડતાં નીચે પગ તરફ ગોળી છોડો, ’ એવો હુકમ સિપાઈઓને આપવામાં આવે છે. એથી માણસ મરતો નથી પણ ઘાયલ થાય છે. તે પ્રમાણે સત્વગુણને ઘાયલ કરવાનો છે, ઠાર મારવાનો નથી. રજોગુણ અને તમોગુણ જતા રહ્યા પછી શુદ્ધ સત્વગુણ બાકી રહે છે. શરીર છે ત્યાં સુધી કોઈ ને કોઈ ભૂમિકા પર રહેવું જ પડે છે. રજ-તમ જતા રહે પછી જે સત્વગુણ રહે છે તેનાથી અળગા થવું એટલે શું ?
 સત્વગુણનું અભિમાન ઘર કરી જાય છે. તે અભિમાન આત્માને તેના શુદ્ધ સ્વરૂપ પરથી નીચો પાડે છે. ધારો કે ફાનસ બળે છે. તેની જ્યોતનું અજવાળું સ્વચ્છ, ચોખ્ખું  બહાર પડે તેટલા ખાતર અંદરની મેસ બરાબર લૂછીને સાફ કરવી પડે છે. અંદરથી મેસ તો લૂછી કાઢી પણ કાચની ચીમની પર બહાર ધૂળ લાગી હોય તેને પણ લૂછી નાખવી પડે છે. તેવી જ રીતે આત્માની પ્રભાની ફરતે તમોગુણની જે મેસ ચડી હોય તેને ઘસીને લૂછી સાફ કરવી જ જોઈએ. પછી રજોગુણની ધૂળ પણ બરાબર લૂછી નાખવી જોઈએ. તમોગુણને ધોઈ કાઢયો અને રજોગુણને સાફ કર્યો. હવે શુદ્ધ સત્વગુમની ચીમની રહી. એ સત્વગુણને પણ દૂર કરવો જોઈએ. એટલે શું પેલી કાચની ચીમની પણ ફોડી નાખવી ? ના.
Page – 205 – અધ્યાય – ૧૪ – પ્રકરણ – ૮૦ – સત્વગુણ અને તેનો ઈલાજ

 ચીમની ફોડી નાખવાથી દીવાનું કામ થતું નથી. જ્યોતનું અજવાળું ફેલાય તે માટે ચીમનીની જરૂર રહે જ છે. એ શુદ્ધ, ચકચકતા કાચને ફોડી ન નાખતાં આંખ તેને લીધે અંજાઈ ન જાય તેટલા ખાતર નાનોસરખો કાગળનો કકડો આડો રાખવો. આંખને અંજાવા દેવી નથી. સત્વગુણને જીતવો એટલે તેને માટેનું અભિમાન, તેને વિષેની આસક્તિ દૂર કરવી. સત્વગુણ પાસેથી કામ લેવું જ છે. પણ સાવધ રહીને, યુક્તિથી લેવું છે. સત્વગુણને નિરહંકારી કરવો છે. 21.
 22. સત્વગુણના આ અહંકારને કેવી રીતે જીતવો ? એ માટે એક ઉપાય છે. સત્વગુણને આપણામાં સ્થિર કરવો. સત્વગુણનું અભિમાન સાતત્યથી જાય છે. સત્વગુણનાં કર્મો એકધારાં કરતા રહી તેને આપણો સ્વભાવ બનાવવો. સત્વગુણ જાણે ઘડીભર આપણે ત્યાં પરોણો આવ્યો હોય એવી સ્થિતિ રહેવા ન દેતાં, તેને આપણા ઘરનો બનાવી દેવો. જે ક્રિયા કોઈ કોઈ વાર આપણે હાથે થાય છે તેનું આપમને અભિમાન આવે છે.પણે રોજ ઊંઘીએ છીએ તેની વાત બીજાને કહેવા દોડતા નથી. પણ કોઈ માંદા માણસને પંદર દહાડા સુધી ઊંઘ ન વી હોય અને પછી જો થોડી આવી ગઈ તો તે સૌ કોઈને કહેતો ફરે છે કે, ‘ કાલ તો ભાઈ થોડી ઊંઘ આવી ! ’ તેને તે વાત ઘણી મહત્વની લાગે છે અથવા  એથીયે વધારે સારો દાખલો લેવો હોય તો શ્વાસોચ્છવાસનો લઈ શકાય. ચોવીસ કલાક એકધારો શ્વાસોચ્છવાસ ચાલ્યા કરે છે. પણ આપણે આવતા જતા સૌને તેની વાત કહેવા બેસતા નથી. ‘ હું શ્વાસોચ્છવાસ કરનારો મહાન જીવ છું, ’ એવી બડાઈ કોઈ મારતું નથી. હરિદ્વાર આગળ ગંગામાં છોડી દીધેલી સળી કલકત્તા સુધી પંદરસો માઈલ વહેતી વહેતી જાય છે પણ તે તેની બડાઈ મારવા બેસતી નથી. તે સહેજે પ્રવાહની સાથે વહેતી વહેતી આવે છે. પણ કોઈ માણસ ભર રેલમાં પાણીના પ્રવાહની સામે દસ હાથ તરીને જાય તો કેવી બડાઈ મારશે ? સારાંશ કે જે સ્વાભાવિક વસ્તુ છે તેનો અહંકાર થતો નથી.
Page – 206 – અધ્યાય – ૧૪ – પ્રકરણ – ૮૦ – સત્વગુણ અને તેનો ઈલાજ

 23. એકાદું સારૂં કામ આપણે હાથે થાય છે તો તેનું આપણને અભિમાન ચડે છે. શાથી ? કારણ તે વાત સહેજે બની નથી, તેથી. છોકરાને હાથે કંઈક એકાદ સારૂં કામ થાય છે ત્યારે મા તેના વાંસા પર હાથ ફેરવે છે. નહીં તો સાધારણ રીતે તેની પીઠ પર માની સોટી જ ફરતી હોય છે. રાતના ઘાડા અંધારામાં એકાદ આગિયો ચમકારા મારતો હશે તો તેની એંટ કેવી હોય તે પૂછશો મા. પોતાનો બધો ચમકારો તે એકી વખતે બતાવી દેતો નથી. વચ્ચે ટમટમે છે ને પાછો અટકી જાય છે. વળી ટમટમે છે. અજવાળાની તે ઉઘાડઢાંક કર્યા કરે છે. તેનો પ્રકાશ એકધારો રહે તો તેનું તેને અભિમાન નહીં રહે. સાતત્યમાં ખાસ લાગવાપણું રહેતું નથી. તે જ પ્રમાણે સત્વગુણ આપણી ક્રિયાઓમાં સતત પ્રગટ થતો રહેતો હોય તો પછી તે આપણો સ્વભાવ બની જશે. સિંહને શૌર્યનું અભિમાન હોતું નથી, તેનું તેને ભાન સરખું હોતું નથી. તે પ્રમાણે સાત્વિક વૃત્તિ એટલી સહજ થવા દો કે આપણે સાત્વિક છીએ એનું આપણને સ્મરણ સરખું ન રહે. અજવાળું આપવાની સૂરજની નૈસર્ગિક ક્રિયા છે. તેનું તેને અભિમાન થતું નથી. એ માટે સૂર્યને માનપત્ર આપવા જશો તો તે કહેશે, ‘ હું પ્રકાશ આપું છું એટલે શું કરૂં છું ? પ્રકાશ આપવો એ જ મારી હયાતી છે. અજવાળું ન આપું તો હું મરી જાઉં. મને એ સિવાય બીજી વાતની ખબર જ નથી. ’ આ જેવું સૂર્યનું છે, તેવું સાત્વિક માણસનું થવું જોઈએ. સત્વગુણ રોમેરોમમાં ઊતરી જવો જોઈએ. સત્વગુણનો આવો સ્વભાવ બની જશે પછી તેનું અભિમાન નહીં ચડે. સત્વગુણને ફીકો પાડવાની, તેને જીતવાની આ એક યુક્તિ થઈ.
 24. હવે બીજી યુક્તિ સત્વગુણની આસક્તિ સુદ્ધાં છોડી દેવી તે છે.અહંકાર અને આસક્તિ એ બંને જુદી જુદી ચીજો છે. આ થોડો સૂક્ષ્મ વિચાર છે. દાખલાથી ઝટ સમજાશે. સત્વગુણનો અહંકાર ગયો હોવા છતાં આસક્તિ રહી જાય છે. શ્વાસોચ્છવાસનો જ દાખલો લઈએ. શ્વાસોચ્છવાસનું આપણને અભિમાન થતું નથી, પણ તેમાં આસક્તિ ઘણી હોય છે.
Page – 207 – અધ્યાય – ૧૪ – પ્રકરણ – ૮૦ – સત્વગુણ અને તેનો ઈલાજ

 પાંચ મિનિટ શ્વસોચ્છવાસ ચલાવશો નહીં એમ કોઈ કહે તો તે બની શકતું નથી. નાકને શ્વાસોચ્છવાસનું અભિમાન નહીં હોય પણ હવા તે એકધારી લેતું રહે છે. પેલી સૉક્રેટિસની મજાક જાણો છો ને ? સૉક્રેટિસનું નાક હતું ચીબું. લોકો તેને હસતા. પણ રમૂજી સૉક્રેટિસ કહેતો, ‘ મારૂં જ નાક સુંદર છે. મોટાં નસકોરાંવાળું નાક અંદર ભરપૂર હવા ખેંચે છે માટે તે જ સુંદર છે. તાત્પર્ય કે નાકને શ્વાસોચ્છવાસનો અહંકાર નથી પણ આસક્તિ છે. સત્વગુણની પણ એવી જ આસક્તિ થાય છે. દાખલા તરીકે ભૂતદયાની વાત લો. આ ગુણ અત્યંત ઉપયોગી છે. પણ તેની આસક્તિથીયે અળગા થતાં આવડવું જોઈએ. ભૂતદયા જોઈએ પણ આસક્તિ ન જોઈએ.
 સંતો સત્વગુણને લીધે બીજાં લોકોને માર્ગદર્શક થાય છે. તેમનો દેહ ભૂતદયાને લીધે સાર્વજનિક બને છે. માખીઓ જેમ ગોળને ઢાંકી દે છે તેમ આખી દુનિયા સંતોને પ્રેમના આવરણમાં વીંટી લે છે. સંતોમાં પ્રેમનો એટલો બધો પ્રકર્ષ થાય છે કે આખુંયે વિશ્વ તેમના પર પ્રેમ રાખે છે. સંતો પોતાના દેહની આસક્તિ છોડી દે છે. પણ આખા જગતની આસક્તિ તેમને વળગે છે. આખું જગત તેમનો દેહ સંભાળવા મંડે છે. પરંતુ એ આસક્તિ પણ સંતોએ દૂર કરવી જોઈએ. જગતનો આ જે પ્રેમ છે, આ જે મોટું ફળ છે તેનાથી પણ આત્માને અળગો પાડવો જોઈએ. હું કંઈક વિશેષ છું, એવું કદી લાગવું ન જોઈએ. આ રીતે સત્વગુણને પોતાનામાં પચાવવો જોઈએ.
 25. પહેલાં અભિમાન જીતી લેવું ને પછી આસક્તિને જીતવી. સાતત્યવડે અહંકારને જીતી શકાશે. ફળની આસક્તિ છોડી, સત્વગુણને લીધે મળનારૂં ફળ પણ ઈશ્વરને અર્પણ કરી આસક્તિ જીતી લેવી. જીવનમાં સત્વગુણને સ્થિર કરી લીધા પછી કોઈક વાર સિદ્ધિના રૂપમાં તો કોઈક વાર કિર્તિના રૂપમાં ફળ સામું આવી ઊભું રહે છે. પણ તે ફળનેયે તુચ્છ લેખજો. ફળ ગમે તેવું મોહક હોય, રસાળ હોય તોયે આંબાનું ઝાડ પોતાનું એક પણ ફળ જાતે ખાતું નથી. એ ફળ ખાવા કરતાં ન ખાવામાં જ તેને વધારે મીઠાશ લાગે છે. ઉપભોગના કરતાં ત્યાગ મીઠો છે.
Page – 208 – અધ્યાય – ૧૪ – પ્રકરણ – ૮૦ – સત્વગુણ અને તેનો ઈલાજ

 26. જીવનનાં બધાંયે પુણ્યના પ્રતાપે મળનારા પેલા સ્વર્ગસુખના મોટા ફળનેયે ધર્મરાજાએ છેવટે લાત મારી. જીવનમાં કરેલા બધા ત્યાગો પર તેમણે આ કામથી કળશ ચડાવ્યો. સ્વર્ગનાં પેલાં મીઠાં ફળ ચાખવાનો તેમને હક હતો. પણ એ ફળ તે ચાખવા બેઠા હોત તો બધું પુણ્ય પરવારી જાત.
क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति
— પુણ્યો ખૂટ્યે મર્ત્ય વિષે પ્રવેશે
 એ ચકરાવો પાછો તેમની પાછળ પડયો હોત. ધર્મરાજાનો આ કેવડો મોટો ત્યાગ ! તે હંમેશ મારી નજર આગળ તર્યા કરે છે. આવી રીતે સત્વગુણના આચરણમાં એકધારા મંડયા રહી અહંકારને જીતી લેવો. તટસ્થ રહી સર્વ ફળો ઈશ્વરને અર્પી તેની આસક્તિને પણ જીતી લેવી એટલે સત્વગુણને જીતી લીધો જાણવો.
Page – 208 – અધ્યાય – ૧૪ – પ્રકરણ – ૮૧ –
છેવટની વાત : આત્મજ્ઞાન અને ભક્તિનો આશ્રય

૮૧. છેવટની વાત : આત્મજ્ઞાન અને ભક્તિનો આશ્રય ૨૦૮
 (૮૧.) હવે એક ચેવટની વાત કરી લઈએ. તમે સત્વગુણી બનો, અહંકારને જીતી લો, ફળની આસક્તિ પણ છોડી દો, છતાં જ્યાં લગી આ દેહ વળગેલો છે ત્યાં લગી વચ્ચે વચ્ચે પેલા રજ-તમના હુમલા થયા વગર રહેતા નથી. એ ગુણોને જીતી લીધા છે એવું ઘડીભર લાગશેયે ખરૂં. પણ તે પાછા જોર કરીને આવ્યા વિના રહેતા નથી. સતત જાગ્રત રહેવું જોઈએ. સમુદ્રનું પાણી જમીનમાં જોરથી દાખલ થવાથી જેમ અખાતો નિર્માણ થાય છે, તેમ રજ-તમના જોરાવર પ્રવાહો મનોભૂમિમાં પેસી જઈને અખાતો નિર્માણ કરે છે. તેથી જરાયે છિદ્ર રહેવા ન દેશો. કડક પહેરો રાખજો. અને ગમે તેટલા ખબરદાર રહેશો તોયે જ્યાં સુધી આત્મજ્ઞાન નથી, આત્મદર્શન નથી, ત્યાં સુધી જોખમ છે જ એમ જાણજો. એટલે ગમે તે કરો પણ એ આત્મજ્ઞાન મેળવ્યા વિના જંપશો નહીં.
 28. કેવળ જાગૃતિની કસરતથી પણ એ બને એવું નથી. તો કેવી રીતે બનશે ? અભ્યાસથી થશે ? ના. એક જ ઉપાય છે.તે ઉપાય ‘ હ્રદયની અત્યંત ઊંડી લાગણીથી, ખૂબ તાલાવેલીથી ભગવાનની ભક્તિ કરવાનો ’ એ છે.
Page – 209 – અધ્યાય – ૧૪ – પ્રકરણ – ૮૧ –
છેવટની વાત : આત્મજ્ઞાન અને ભક્તિનો આશ્રય

 રજ-તમ-ગુણોને જીતી લેશો, સત્વગુણને સ્થિર કરી તેના ફળની આસક્તિને પણ એક વાર જીતી લેશો છતાં તેટલાથીયે કામ સરવાનું નથી. જ્યાં સુધી આત્મજ્ઞાન નથી ત્યાં સુધી કાયમ ટકી રહો એ બનવાનું નથી. છેવટે તે માટે પરમેશ્વરની કૃપા જોઈએ. તેની કૃપાને માટે અંતરની ઊંડી લાગણીવાળી ભક્તિથી પાત્ર બનવું જોઈએ. એ વિના બીજો ઉપાય મને દેખાતો નથી. આ અધ્યાયને છેડે અર્જુને ભગવાનને એ સવાલ પૂછ્યો અને ભગવાને જવાબ આપ્યો કે, ‘ અત્યંત એકાગ્ર મનથી નિષ્કામપણે મારી ભક્તિ કર, મારી સેવા કર. જે એવી સેવા કરે છે તે આ માયાને પેલે પાર જઈ શકે છે. એ વિના આ ગહન માયા તરી જવાનું બને એમ નથી. ’ ભક્તિનો આ સહેલો ઉપાય છે. આ એક જ માર્ગ છે.

     

Advertisements