?????? ????? : ????-??????? ?????-??? – ??? <l >

અધ્યાય બારમો

સગુણ-નિર્ગુણ ભક્તિ

Page – 151 – અધ્યાય – ૧૧ – પ્રકરણ – ૫૯ – સર્વાર્થસાર
અધ્યાય છથી  અગિયાર : એકાગ્રતામાંથી સમગ્રતા

૫૯. ગંગાનો પ્રવાહ બધે પાવન ને પવિત્ર છે. પણ તેમાંયે હરિદ્વાર, કાશી, પ્રયાગ, એવાં સ્થળો વધારે પવિત્ર છે. તેમણે આખાયે સંસારને પાવન કરેલો છે. ભગવદગીતાની સ્થિતિ એવી જ છે. આરંભથી અંત સુધી ભગવદગીતા આખી પવિત્ર છે. પણ વચલા કેટલાક અધ્યાયો તીર્થરૂપ બન્યા છે. જે અધ્યાયની બાબતમાં આજે કહેવાનું છે તે ખૂબ પાવન તીર્થ બનેલો છે. ખુદ ભગવાને આ અધ્યાયને અમૃતધાર કહ્યો છે : ये तु धर्म्यामृतमिदं यथोकं पर्युपासते — ‘ આ ધર્મામૃતને સેવે શ્રદ્ધાથી  જેમ મેં કહ્યું.’ આ નાનકડો વીસ જ શ્લોકનો અધ્યાય છે, પણ ખરેખર અમૃતની ધાર છે. અમૃત જેવો મીઠો છે, સંજીવન છે. આ અધ્યાયમાં ભગવાનને મોઢે ભક્તિરસના મહિમાનું તત્વ ગવાયેલું છે.    1.
Page – 152 – અધ્યાય – ૧૧ – પ્રકરણ – ૫૯ – સર્વાર્થસાર
અધ્યાય છથી  અગિયાર : એકાગ્રતામાંથી સમગ્રતા

2. ખરૂં જોતાં છઠ્ઠા અધ્યાયથી માંડીને ભક્તિરસના તત્વનો પ્રારંભ થયો છે. પાંચમા અધ્યાયની સમાપ્તિ સુધી જીવનનું શાસ્ત્ર જોયું. સ્વધર્માચરણનું કર્મ, તેને મદદ કરનારૂં એવું માનસિક સાધનારૂપ વિકર્મ, આ બેની સાધના વડે કર્મને પૂરેપૂરૂં ભસ્મ કરનારી છેવટની અકર્મની ભૂમિકા, આ બધી વાતોનો પહેલા પાંચ અધ્યાય સુધી વિચાર થયો. અહીં જીવનનું શાસ્ત્ર પૂરૂં થયું. પછીથી એક રીતે જોઈએ તો છઠ્ઠા અધ્યાયથી માંડીને અગિયારમા અધ્યાયના છેવટ સુધી ભક્તિતત્વનો જ વિચાર થયો છે. શરૂઆત એકાગ્રતાની વાતથી થઈ. ચિત્તની એકાગ્રતા કેમ થાય, તેનાં સાધનો કયાં, ચિત્તની એકાગ્રતાની આવશ્યક્તા શા માટે છે, એ બધું છઠ્ઠા અધ્યાયમાં કહ્યું છે. અગિયારમા અધ્યાયમાં સમગ્રતાની વાત કહી. એકાગ્રતાથી માંડીને સમગ્રતા સુધીની આવડી મોટી મજલ આપણે કેમ પૂરી કરી તે જોઈ જવું જોઈએ.
ચિત્તની એકાગ્રતાથી શરૂઆત થઈ. એ એકાગ્રતા થયા પછી માણસ ગમે તે વિષય પર ચર્ચા કરી શકે. મારા મનગમતા વિષયની વાત કરૂં તો ચિત્તની એકાગ્રતાનો ઉપયોગ ગણિતના અભ્યાસને સારૂ થઈ શકે. એમાં રૂડું ફળ મળ્યા વગર નહીં રહે. પણ ચિત્તની એકાગ્રતાનું એ સર્વોત્તમ સાધ્ય નથી. ગણિતના અભ્યાસથી ચિત્તની એકાગ્રતાની પૂરી કસોટી થતી નથી. ગણિતમાં અથવા એવા બીજા એકાદ જ્ઞાનના પ્રાંતમાં ચિત્તની એકાગ્રતાથી સફળતા મળશે, પણ એ તેની ખરી પરીક્ષા નથી. તેથી સાતમા અધ્યાયમાં કહ્યું કે એકાગ્ર થયેલી નજર ઈશ્વરના ચરણ પર રાખવી જોઈએ. આઠમા અધ્યાયમાં કહ્યું કે ઈશ્વરને ચરણે એકધારી એકાગ્રતા રહે તેટલા ખાતર અને વાણી, કાન, આંખ કાયમ ત્યાં રહે તેટલા ખાતર, મરણ સુધી પ્રયત્ન ચાલુ રાખવા. આપણી બધી ઈન્દ્રિયોને એનો પાકો મહાવરો બેસવો જોઈએ.
पडिलें वळण ईन्द्रियां सकळां । भाव तो निराळा नाहीं दुजा ।।
બધી ઈન્દ્રિયોને પાકું વળણ પડી ગયું અને તે વિના બીજે ભાવ રહ્યો નથી એવું થવું જોઈએ. બધી ઈન્દ્રિયોને ભગવાનનું ઘેલું લાગવું જોઈએ. પાસે કોઈ વિલાપ કરતું હોય અગર ભજન કરતું હોય, કોઈ વાસનાની જાળ ગૂંથતું હોય અગર વિરક્ત એવા સજ્જનોનો, સંતોનો સમાગમ હોય, સૂર્ય હોય કે અંધારૂં હોય, ગમે તે હોય પણ મરણ વખતે ચિત્તની સામે પરમેશ્વર આવીને ખડો રહે એ રીતે આખી જિંદગી બધી ઈન્દ્રિયોને વળણ પાડવું એવી સાતત્યની શીખ આઠમા અધ્યાયમાં આપી છે.
Page – 153 – અધ્યાય – ૧૧ – પ્રકરણ – ૫૯ – સર્વાર્થસાર
અધ્યાય છથી  અગિયાર : એકાગ્રતામાંથી સમગ્રતા

છઠ્ઠા અધ્યાયમાં એકાગ્રતા, સાતમામાં ઈશ્વરાભિમુખ એકાગ્રતા એટલે કે પ્રપત્તિ, આઠમામાં સાતત્યયોગ અને નવમામાં સમર્પણતા શીખવી છે. દસમા અધ્યાયમાં ક્રમિકતા બતાવી છે. એક પછી એક પગથિયું ચઢીને ઈશ્વરનું રૂપ ચિત્તમાં કેમ ઊંડું ઉતારવું, કીડીથી માંડીને બ્રહ્મદેવ સુધી સર્વત્ર ભરેલો પરમાત્મા ધીમે ધીમે કેવી રીતે પચાવવો તેની વાત કરી છે. અગિયારમા અધ્યાયમાં સમગ્રતા કહી છે. વિસ્વરૂપદર્શનને જ હું સમગ્રતાયોગ કહું છું. વિશ્વરૂપદર્શન એટલે એકાદ નજીવી ધૂળની રજકણમાં પણ આખું વિશ્વ ભરેલું છે એ વાતનો અનુભવ કરવો તે. એ જ વિરાટ દર્શન છે આવી છઠ્ઠા અધ્યાયથી માંડીને અગિયારમા અધ્યાય સુધી ભક્તિરસની જુદી જુદી રીતે કરેલી છણાવટ છે.
Page – 153 – અધ્યાય – ૧૨ – પ્રકરણ – ૬૦ –
સગુણ ઉપાસક અને નિર્ગુણઉપાસક – માના બે દીકરા

૬૦. બારમા અધ્યાયમાં ભક્તિતત્વની સમાપ્તિ કરવાની છે. સમાપ્તિનો સવાલ અર્જુને પૂછ્યો. પાંચમા અધ્યાયમાંના જીવનના આખાયે શાસ્ત્રનો વિચાર પૂરો થતાં જેવો સવાલ અર્જુને પૂછ્યો હતો તેવો જ તેણે અહીં પણ પૂછ્યો છે. અર્જુન પ્રશ્ન પૂછે છે કે ‘ કેટલાક સગુણનું ભજન કરે છે ને કેટલાક નિર્ગુણની ઉપાસના કરે છે, તો એ બંનેમાંથી હે ભગવાન, તને કયો ભક્ત પ્રિય છે ? ‘    3.
4. ભગવાન શો જવાબ આપે ? કોઈ મા હોય અને તેના બે દીકરાની બાબતમાં કોઈ સવાલ પૂછે તેવું જ આ થયું. માનો એક દીકરો નાનો હોય. તે માને ખૂબ પ્રેમ ને લાડથી વળગતો હોય. માને જોતાંની સાથે તે હરખાઈ જાય. મા જરા આઘીપાછી નજર બહાર જાય એટલે તે બેબાકળો થઈ જાય. માથી આઘો તે જઈ જ શકતો નથી. તેને જરાયે છોડી શક્તો નથી. માનો વિયોગ એ નાના દીકરાથી સહેવાતો નથી. માની હાજરી ન હોય તો આખો સંસાર તેને સારૂ શૂન્ય જેવો થઈ જાય છે. આવો એ માનો એક નાનો બાળક છે.
Page – 154 – અધ્યાય – ૧૨ – પ્રકરણ – ૬૦ –
સગુણ ઉપાસક અને નિર્ગુણઉપાસક – માના બે દીકરા

બીજો મોટો દીકરો છે. તેના દિલમાં પણ માને સારૂ પાર વગરનો પ્રેમ ભરેલો છે. પણ તે સમજણો થયો છે. માથી તે આઘો રહી શકે છે. વરસ કે છ મહિના સુધી માને મળવાનું કે તેનું દર્શન કરવાનું ન થાય તોયે તેને ચાલે છે. તે માની સેવા કરવાવાળો છે. બધી જવાબદારીનો ભાર માથે લઈ તે કામ કરે છે. ઉદ્યોગમાં ગૂંથાયેલો હોવાથી માનો વિયોગ તે સહન કરી શકે છે. લોકોમાં તે માન્ય થયેલો છે. અને બધે ઠેકાણે તેની ખ્યાતિ થયેલી સાંભળીને માને સુખ થાય છે. આવો એ માનો બીજો દીકરો છે. આવા આ બે દીકરાની માને તમે સવાલ પૂછો તો તે શો જવાબ દેશે ? તેને તમે કહો, ‘ હે મા, આ બે દીકરામાંથી એક જ અમે તને આપવાના છીએ. પસંદ કરી લે. ‘ મા શો જવાબ આપશે ? કયા દીકરાને તે સ્વીકારશે ? ત્રાજવાનાં બે પલ્લાંમાં બંન્ને બેસાડી તે શું તેમને તોળવા બેસશે ? આ માની ભૂમિકા તમે ધ્યાનમાં લો. કુદરતી રીતે તે શો જવાબ આપશે ? તે બિચારી મા કહેશે, ‘ વિયોગ થવાનો જ હોય તો મોટા દીકરાનો વેઠીશ. ‘ નાનાને તેણે છાતીએ વળગાડેલો છે. તેને તે દૂર કરી શકતી નથી. નાનનું વધારે ખેંચાણ ધ્યાનમાં રાખી મોટો આઘો થાય તો ચાલશે એવો કંઈક જવાબ તે આપી છૂટશે. પણ માને વધારે વહાલો કયો એ સવાલનો આ જવાબ નહીં ગણી શકાય. કંઈક કહેવું જોઈએ એટલા ખાતર આટલા ચાર શબ્દ તેણે કહ્યા. પણ એ શબ્દોને ફોડી ફોડીને તેમાંથી અર્થ કાઢવાનું બરાબર નહીં થાય.
5. પેલા સવાલનો જવાબ આપતાં પેલી માને મૂઝવણ થાય તેવી જ આબેહૂબ મૂંઝવણ ભગવાનના મનમાં થઈ છે. અર્જુન કહે છે ‘ હે ભગવાન, એક તારા પર અત્યંત પ્રેમ રાખનારો, તારૂં સતત સ્મરણ કરનારો છે. તેની આંખોને તારી ભૂખ છે, પોતાના કાનથી તને પીવાની તેને તરસ છે, હાથપગ વડે તે તારી સેવા કરે છે, તારી પૂજા કરે છે; આવો એક આ તારો ભક્ત છે. બીજો સ્વાવલંબી, સતત ઈન્દ્રિયનિગ્રહ કરવાવાળો, સર્વ ભૂતહિતમાં મશગૂલ, રાત ને દહાડો સમાજની નિષ્કામ સેવા કરવામાં તારૂં પરમેશ્વરનું જાણે કે તેને સ્મરણ પણ થતું નથી; આવો અદ્વૈતમય થયેલો તારો આ બીજો ભક્ત છે.
Page – 155 – અધ્યાય – ૧૨ – પ્રકરણ – ૬૦ –
સગુણ ઉપાસક અને નિર્ગુણઉપાસક – માના બે દીકરા

આ બેમાંથી તને કયો પ્રિય છે તે મને કહે.’ પેલી માએ જેવો જવાબ આપ્યો હતો તેવો જ આબેહૂબ જવાબ ભગવાને આપ્યો છે. પેલો સગુણ ભક્ત મને વહાલો છે અને પેલો બીજો પણ મારો જ છે. ભગવાન જવાબ આપતાં મૂંઝાય છે. જવાબ આપવાને ખાતર તેઓ આપી છૂટ્યા છે.
6. અને ખરેખર વસ્તુસ્થિતિ એવી જ છે. અક્ષરશઃ બંને ભકતો એકરૂપ છે. બંન્ની યોગ્યતા સરખી છે. તેમની સરખામણી કરવી એ મર્યાદાનું ઉલ્લંઘન કરવા જેવું છે. પાંચમા અધ્યાયમાં કર્મની બાબતમાં જે અર્જુનનો સવાલ છે તે જ અહીં ભક્તિની બાબતમાં તેણે પૂછ્યો છે. પાંચમા અધ્યાયમાં કર્મ અને વિકર્મ બંનેની સહાયથી માણસ અકર્મની ભૂમિકાએ પહોંચે છે. એ અકર્મ દશા બે રૂપે પ્રગટ થાય છે. એક રાત ને દિવસ અખંડ કામ કરતો છતો લેશમાત્ર કર્મ ન કરનારો એવો કર્મયોગી અને બીજો ચોવીસ કલાકમાં એક પણ કર્મ ન કરતો છતો આખા વિશ્વની ઊથલપાથલ કરનારો એવો સંન્યાસી, એમ બે રૂપે અકર્મદશા પ્રગટ થાય છે. એ બેની તુલના કેવી રીતે કરવી ? વર્તુળની એક બાજુ સાથે બીજીની સરખામણી કરી જુઓ. બંને એક જ વર્તુળની બાજુ છે. એની તુલના કેવી રીતે થાય ? બંને બાજુ સરખી લાયકાતવાળી છે, એકરૂપ છે. અકર્મ ભૂમિકાના વિવેચનમાં ભગવાને એકને સંન્યાસ અને બીજાને યોગ નામ આપ્યું છે. શબ્દ બે છે પણ બંનેનો અર્થ એક જ છે. સંન્યાસ અને યોગ એ બે વચ્ચેનો સવાલ આખરે સહેલાપણાના મુદ્દા પર ઉકેલ્યો છે.
7. સગુણ – નિર્ગુણનો સવાલ પણ એવો જ છે. એક જે સગુણભક્ત છે તે ઈન્દ્રિયો દ્વારા પરમેશ્વરની સેવા કરે છે. બીજો જે નિર્ગુણભક્ત છે તે મનથી વિશ્વનું  હિત ચિંતે છે. પહેલો છે તે બહારની સેવામાં મશગૂલ દેખાય છે પણ અંદરથી એકસરખું ચિંતન કરે છે. બીજો છે તે પ્રત્યક્ષ કંઈ સેવા કરતો દેખાતો નથી પણ અંદરથી મહાસેવા કાયમ ચાલુ રાખે છે. આ પ્રકારના બે ભક્તોમાંથી ચડિયાતો કયો ? રાત ને દિવસ કર્મ કરતો હોવા છતાં પણ લેશમાત્ર કર્મ ન કરનારો તે સગુણ ભક્ત છે. નિર્ગુણ ઉપાસક અંદરથી સર્વના હિતનું ચિંતન કરે છે, સર્વના હિતની ફિકર રાખે છે. આ બંને ભક્તો અંદરથી એકરૂપ જ છે. બહારથી કદાચ જુદા દેખાતા હોય એમ બને. તે બંને સરખા છે. પરમેશ્વરના લાડકા છે. પણ સગુણભક્તિ વધારે સુલભ છે. જે જવાબ પાંચમા અધ્યાયમાં આપ્યો છે તે જ અહીં પણ આપ્યો છે.
Page – 156 – અધ્યાય – ૧૨ – પ્રકરણ – ૬૧ – સગુણ સહેલું ને સલામત

૬૧. સગુણ ભક્તિયોગમાં ઈન્દ્રિયો પાસેથી પ્રત્યક્ષ કામ લઈ શકાય છે. ઈન્દ્રિય સાધન છે, વિઘ્નો છે અથવા ઉભયરૂપ છે, તે મારનારી છે કે તારનારી છે તે જોનારની દ્રષ્ટિ પર અવલંબે છે. ધારો કે કોઈક માણસની મા મરણપથારીએ પડી છે અને તેને માને મળવા જવું છે. વચ્ચે પંદર માઈલનો રસ્તો છે. એ રસ્તો મોટર જાય એવો નથી. ગમે તેવી ભાંગીતૂટી પગદંડી છે. આવે વખતે આ પગદંડી સાધન છે કે વિઘ્ન છે ? કોઈ કહેશે, ‘ શા સારૂ આ ભૂંડો રસ્તો આડો આવ્યો ? આ અંતર ને આવો રસ્તો ન હોત તો તાબડતોબ માને જઈને મળ્યો હોત. ‘ એવા માણસને માટે તે રસ્તો દુશ્મન છે. રસ્તો ખૂંદતો ખૂંદતો તે જાય છે. તેને રસ્તા પર ગુસ્સો ચડ્યો છે. છતાં ગમે તેમ તોયે માને મળવાને ઝટ ઝટ પગ ઉપાડી તેને મા પાસે પહોંચ્યા વગર છૂટકો નથી. રસ્તો દુશ્મન છે એમ કહી તે ત્યાં જ માથે હાથ દઈને બેસી જાય તો દુશ્મન જેવો લાગનારો તે રસ્તો તેને જીતી ગયો જાણવો. ઝટ ઝટ ચાલવામાં તે મંડ્યો રહેશે તો એ દુશ્મનને તે જીતી જશે. બીજો માણસ કહેશે, ‘ આ જંગલ છે. પણ ચાલીને જવાને આટલોયે રસ્તો છે. આ રસ્તો છે તે ઘણું છે.  મને માની પાસે પહોંચાડશે. આ રસ્તો ન હોત તો હું આ વગડામાંથી શી રીતે આગળ જાત ? ‘ આવુ કહી એ પગદંડીને સાધન ગણી તે ઝટ ઝટ પગ ઉપાડતો ચાલ્યો જાય છે. તે રસ્તાને માટે તેના મનમાં પ્રેમની લાગણી થશે, તેને તે પોતાનો મિત્ર માનશે. રસ્તાને દુશ્મન ગણો કે દોસ્ત ગણો, અંતર વધારનારો ગણો કે અંતર ઘટાડનારો ગણો, ઝટ ઝટ પગ ઉપાડવાનું કામ કર્યા વગર છૂટકો નથી. રસ્તો વિઘ્નરૂપ છે કે સાધનરૂપ તે માણસના ચિત્તની જે ભૂમિકા, તેની જે દ્રષ્ટિ તના પર આધાર રાખે છે. ઈન્દ્રિયોનું એવું જ છે. તે વિઘ્નરૂપ છે કે સાધનરૂપ તે તમારી દ્રષ્ટિ પર આધાર રાખે છે.     8.
Page – 157 – અધ્યાય – ૧૨ – પ્રકરણ – ૬૧ – સગુણ સહેલું ને સલામત

9. સગુણ ઉપાસકને સારૂ ઈન્દ્રિયો સાધનરૂપ છે. ઈન્દ્રિયો  ફૂલ છે. તે ફૂલ પરમાત્માને ચડાવવાનાં છે. આંખોથી હરિરૂપ જોવું, કાનોથી હરિકથા સાંભળવી, જીભથી નામ ઉચ્ચારવું, પગ વડે તીર્થયાત્રા કરવી, અને હાથ વડે સેવા-પૂજા કરવી. આમ તે બધી ઈન્દ્રિયો પરમેશ્વરને ચડાવે છે. પછી તે ઈન્દ્રિયો ભોગને માટે રહેતી નથી. ફૂલ દેવને ચડાવવાને માટે હોય છે. ફૂલની માળા પોતાના ગળામાં પહેરવાની હોતી નથી. તે જ પ્રમાણે ઈન્દ્રિયોનો ઉપયોગ ઈશ્વરની સેવામાં કરવાનો છે. આ છે સગુણોપાસકની દ્રષ્ટિ. પણ નિર્ગુણોપાસકને ઈન્દ્રિયો વિઘ્નરૂપ લાગે છે. તે તેમને સંયમમાં રાખે છે, પૂરી રાખે છે. ઈન્દ્રિયોનો આહાર તે તોડી નાખે છે. ઈન્દ્રિયો પર તે ચોકી રાખે છે. સગુણોપાસકને એવું કરવું પડતું નથી. તે બધી ઈન્દ્રિયોને હરિચરણે અર્પણ કરે છે. બંને રીત ઈન્દ્રિયનિગ્રહની છે. ઈન્દ્રિયદમનના એ બંને પ્રકાર છે. ગમે તેમ માનો પણ ઈન્દ્રિયોને તાબામાં રાખો. ધ્યેય એક જ છે. તેમને વિષયોમાં ભટકવા દેવી નહીં. એક રીત સુલભ છે. બીજી કઠણ છે.
10. નિર્ગુણ ઉપાસક સર્વભૂતરહિત હોય છે. એ વાત સામાન્ય નથી. આખાયે વિશ્વનું કલ્યાણ કરવાની વાત બોલવામાં સહેલી દેખાય છે, પણ કરવી ઘણી કઠણ છે. જેને સમગ્ર વિશ્વના કલ્યાણની ચિંતા છે, તેનાથી તેના ચિંતન સિવાય બીજું કશું થઈ નહીં શકે. તેથી નિર્ગુણ ઉપાસના અઘરી છે. સગુણ ઉપાસના અનેક રીતે પોતપોતાની શક્તિ પ્રમાણે સૌ કરી શકે. જ્યાં આપણો જન્મ થયો હોય તે નાનકડા ગામની સેવા કરવી અથવા માબાપની સેવા કરવી એ સગુણ પૂજા છે. એ તમારી સેવા આખા જગતના હિતથી વિરોદી ન હોય એટલે થયું. ગમે તેટલા નાના પ્રમાણમાં સેવા કરો અને તે બીજાના હિતની આડે આવતી ન હોય તો અવશ્ય ભક્તિને દરજ્જે પહોંચે છે. એમ નહીં હોય તો તે સેવા આસક્તિ થાય. મા, બાપ, આપણા મિત્રો, આપણા દુઃખી બંધુઓ, સંતો એ બધાંને પરમેશ્વર માનીને એમની સેવા કરવાની છે. એ બધે ઠેકાણે પરમેશ્વરની મૂર્તિની કલ્પના કરવાની છે અને તેમાં સંતોષ માનવાનો છે. આ સગુણપૂજા સહેલી છે, નિર્ગુણપૂજા અઘરી છે. બાકી બંનેનો અર્થ એક જ છે. સૌલભ્યથી, સહેજે થઈ શકે એ દ્રષ્ટિથી સગુણ શ્રેયસ્કર છે એટલું જ.
Page – 158 – અધ્યાય – ૧૨ – પ્રકરણ – ૬૧ – સગુણ સહેલું ને સલામત

11. સુલભતાનો એક મુદ્દો થયો. એવો જ બીજો પણ એક મુદ્દો છે. નિર્ગુણમાં જોખમ છે. નિર્ગુણ જ્ઞાનમય છે. સગુણ પ્રેમમય, ભાવનામય છે. સગુણમાં લાગણીની ભીનાશ છે. તેમાં ભક્ત વધારે સલામત છે. નિર્ગુણમાં જરા જોખમ છે. એક વખત એવો હતો કે જ્યારે જ્ઞાન પર મારો ખૂબ મદાર હતો. પણ કેવળ જ્ઞાનથી મારૂં કામ પાર પડે એવું નથી એવો મને અનુભવ થયો છે. જ્ઞાન વડે મનના સ્થૂળ મળ બળીને ખાક થઈ જાય છે. પણ મનના સૂક્ષ્મ મળને ધોવાનું સામર્થ્ય તેમાં નથી. સ્વાવલંબન, વિચાર, વિવેક, અભ્યાસ, વૈરાગ્ય, એ બધાંયે સાધનો લઈએ તો પણ તેમનાથી મનના સૂક્ષ્મ મળ ભૂંસી શકાતા નથી. ભક્તિના પાણી વગર એ મળ ધોવાતા નથી. ભક્તિના પાણીમાં એ શક્તિ છે. આને જોઈએ તો તમે પરાવલંબન કહો. પણ परनुं એટલે पारकानुं એવો અર્થ ન કરતાં ते श्रेष्ठ परमात्मानुं અવલંબન એવો અર્થ કરો. પરમાત્માનો આધાર લીધા વગર ચિત્તના મળનો નાશ થતો નથી.
12. કોઈ કહેશે, ‘ અહીં જ્ઞાન શબ્દનો અર્થ ઓછો કર્યો છે; જ્ઞાનથી જો ચિત્તના મળ ન ધોવાતા  હોય તો જ્ઞાન ઓછા દરજ્જાનું છે એવું સાબિત થાય છે. ‘ આ આક્ષેપ હું સ્વીકારૂં છું. પણ મારૂં કહેવું એવું છે કે આ માટીના પૂતળામાં શુદ્ધ જ્ઞાન થવું કઠણ છે. આ દેહમાં રહીને ઉત્પન્ન થયેલું જ્ઞાન ગમે તેવું શુદ્ધરૂપ હશે તોયે તે અસલ કરતાં થોડું ઓછું જ ઊતરવાનું. આ દેહમાં ઉત્પન્ન થનારા જ્ઞાનની શક્તિ મર્યાદિત હોય છે. શુદ્ધ જ્ઞાન નિર્માણ થાય તો તે ચિત્તના બધાયે મળને બાળીને ખાક કર્યા વગર ન રહે એમાં મને જરાયે શક નથી. ચિત્ત સમેત બધાયે મળને બાળી નાખવાનું સામર્થ્ય જ્ઞાનમાં છે. પણ આ વિકારી દેહમાં જ્ઞાનનું બળ ટૂંકું પડે છે. તેથી તેનાથી સૂક્ષ્મ મળ ધોવાતા નથી. ભક્તિનો આસરો લીધા સિવાય સૂક્ષ્મ મળ ભૂંસી શકાતા નથી. એથી ભક્તિમાં માણસ વધારે સલામત છે. वधारे એ મારો પોતાનો ગાઠનો શબ્દ છે એમ ગણજો. સગુણ ભક્તિ સુલભ છે. એમાં પરમેશ્વરાવલંબન છે. નિર્ગુણમાં સ્વવલંબન છે. એમાંના स्वનો અર્થ પણ આખરે શો છે ? સ્વાવલંબન એટલે પોતાના અંતઃકરણમાંના પરમેશ્વરનું અવલંબન એટલે કે પરમેશ્વરનો આધાર એ જ ત્યાં પણ અર્થ છે. કેવળ બુદ્ધિને આધારે શુદ્ધ થયેલો એવો કોઈ મળશે નહીં. સ્વાવલંબનથી એટલે કે અંતઃકરણમાંના આત્મજ્ઞાનથી શુદ્ધ જ્ઞાન મળશે. સારાંશ કે નિર્ગુણ ભક્તિના સ્વવલંબનમાં પણ આત્મા એ જ આધાર છે.
Page-159-અધ્યાય – ૧૨ – પ્રકરણ – ૬૨ – નિર્ગુણ વગર સગુણ પણ ખામી ભરેલું

૬૨. સગુણ ઉપાસનાના પલ્લામાં સહેલાપણું અને સલામતી એ બે વજન મેં મૂક્યાં તેવી જ રીતે નિર્ગુણના પલ્લામાં પણ બીજાં વજન હું મૂકી શકું એમ છું. નિર્ગુણમાં મર્યાદા જળવાય છે. દાખલા તરીકે જુદાં જુદાં કામો કરવાને મટે, સેવાને માટે આપણે સંસ્થાઓ કાઢીએ છીએ. સંસ્થા સ્થાપન થાય છે તે શરૂઆતમાં વ્યક્તિને લીધે થાય છે. તે વ્યક્તિતેનો મુખ્ય આધાર હોય છે. સંસ્થા શરૂઆતમાં વ્યક્તિનિષ્ઠ હોય છે. પણ જેમ જેમ સંસ્થાનો વિકાસ થતો જાય તેમ તેમ તે વ્યક્તિનિષ્ઠ ન રહેતાં તત્વનિષ્ઠ થવી જોઈએ. આવી તત્વનિષ્ઠા ઉત્પન્ન ન થાય તો પેલી પ્રેરણા આપનારી વ્યક્તિ દૂર થતાં તે સંસ્થામાં અંધારૂં ફેલાય છે. મને ગમતો દાખલો આપું. રેંટિયાની માળ તૂટી જતાંની સાથે કાતવાની વાત તો આઘી રહી, કંતાયેલું સૂતર વીંટવાનું પણ બની શકતું નથી. તેવી જ પેલી વ્યક્તિનો આધાર ખસી જતાં સંસ્થાની દશા થાય છે. તે સંસ્થા માબાપ વગરના બાળક જેવી અનાથ થઈ જાય છે. વ્યક્તિનિષ્ઠામાંથી તત્વનિષ્ઠા પેદા થાય તો એવું ન થાય.    13.
14. સગુણને નિર્ગુણની મદદ જોઈએ. ગમે ત્યારે પણ વ્યક્તિમાંથી, આકારમાંથી બહાર નીકળવાનું, છૂટવાનું શીખવું જોઈએ. ગંગા હિમાલયમાંથી, શંકરના જટાજૂટમાંથી નીકળી, પણ ત્યાં જ રહી નથી. એ જટાજૂટ છોડી, હિમાલયનાં પેલાં ખીણો ને કોતરો છોડી, જંગલ ને વન છોડી સપાટ મેદાન પર ખળખળ વહેતી થઈ ત્યારે વિશ્વજનને ઉપયોગી થઈ શકી. એ જ પ્રમાણે વ્યક્તિનો આધાર છૂટી જાય તો પણ તત્વના પાકા મજબૂત આધાર પર ઊભી રહેવાને સંસ્થા તૈયાર થવી જોઈએ. કમાન બાંધતી વખતે તેને આધાર આપવામાં આવે છે. પણ તે આધાર પાછળથી, કમાન પૂરી બંધાઈ ગયા પછી કાઢી લેવાનો હોય છે.
Page-160-અધ્યાય – ૧૨ – પ્રકરણ – ૬૨ – નિર્ગુણ વગર સગુણ પણ ખામી ભરેલું

આધાર કાઢી લીધા પછી કમાન સાબૂત ટકી રહે તો જાણવું કે પહેલાં ગોઠવેલો આધાર સાચો હતો. શરૂમાં પ્રેરણાનો ઝરો સગુણમાંથી ફૂટ્યો એ સાચું; પણ છેવટે પરિપૂર્ણતા તત્વનિષ્ઠામાં, નિર્ગુણમાં થવી જોઈએ. ભક્તિની અંદરથી જ્ઞાન પેદા થવું જોઈએ. ભક્તિની વેલને જ્ઞાનનાં ફૂલ બેસવાં જોઈએ.
15. બુદ્ધદેવે આ વાત બરાબર ઓળખી હતી. તેથી તેમણે ત્રણ પ્રકારની નિષ્ઠા કહી છે. શરૂઆતમાં વ્યક્તિનિષ્ઠા હોય તો પણ તેમાંથી તત્વનિષ્ઠા અને એકદમ તત્વનિષ્ઠા નહીં તોયે ઓછામાં ઓછી સંઘનિષ્ઠા કેળવાવી જોઈએ. એક વ્યક્તિને માટે જે અંદરની લાગણી હતી તે દસપંદર વ્યક્તિઓને માટે થવી જોઈએ. સંઘને માટે સામુદાયિક પ્રેમ નહીં હોય તો અંદરઅંદર અણબનાવ થશે અને પછી ટંટા જાગશે. વ્યક્તિશરણતા છૂટી જવી જોઈએ ને તેને ઠેકાણે સંઘશરણતા નિર્માણ થવી જોઈએ, અને તે પછી સિદ્ધાંતશરણતા આવવી જોઈએ. તેથી બૌદ્ધોમાં बुद्धं शरणं गच्छामि, संघं शरणं गच्छामि, धर्मं शरणं गच्छामि – બુદ્ધને શરણે જાઉં છું, સંઘને શરણે જાઉં છું, ધર્મને શરણે જાઉં છું એવી ત્રણ પ્રકારની શરણઆગતિ કહી છે. પહેલાં વ્યક્તિને માટે પ્રેમ, પછી સંઘને માટે પ્રેમ. એ બંને નિષ્ઠા પણ જો કે આખરે ડગી જનારી છે. છેવટે સિદ્ધાંતનિષ્ઠા પેદા થાય તો જ સંસ્થા લાભદાયી થાય. પ્રેરણાનું ઝરણું સગુણમાંથી નિર્માણ થાય પણ છેવટે તે નિર્ગુણના સાગરમાં જઈને મળવું જોઈએ. નિર્ગુણને અભાવે સગુણ સદોષ થાય છે, નિર્ગુણ વગર સગુણમાં ખામી પેસી જાય છે. નિર્ગુણની મર્યાદા સગુણને સમતોલ રાખે છે અને તે માટે સગુણ નિર્ગુણનું આભારી છે.
16. હિંદુ, ખ્રિસ્તી, ઈસ્લામ વગેરે બધાયે ધર્મોમાં કોઈને કોઈ પ્રકારની મૂર્તિપૂજા છે. મૂર્તિપૂજા ઊતરતા દરજ્જાની ગણાય તો પણ તે માન્ય થયેલી છે, શ્રેષ્ઠ છે. જ્યાં લગી મુર્તિપૂજાને નિર્ગુણની મર્યાદા હોય છે ત્યાં લગી તે નિર્દોષ રહે છે. પણ એ મર્યાદા છૂટી જતાંની સાથે સગુણ સદોષ થાય છે. બધા ધર્મોમાંનું સગુણ, નિર્ગુણની મર્યાદાને અભાવે અવનત દશાએ પહોંચ્યું છે. પહેલાં યજ્ઞયાગમાં જાનવરોની હત્યા થતી. આજે પણ શક્તિદેવીને ભોગ ધરાય છે. મૂર્તિપૂજાનો આ અત્યાચાર થયો. મર્યાદા છોડી મૂર્તિપૂજા આડે રસ્તે ચડી ગઈ. નિર્ગુણનિષ્ઠાની મર્યાદા હોય તો આ ધાસ્તી રહેતી નથી.
Page – 161 – અધ્યાય – ૧૨ – પ્રકરણ – ૬3 –
બંને એકબીજાનાં પૂરક – રામચરિત્રમાંથી દાખલો

૬૩. સગુણ સુલભ અને સલામત છે. પણ સગુણને નિર્ગુણની જરૂર છે. સગુણ જોમથી વધતું જાય તેની સાથે તેને નિર્ગુણનો, તત્વનિષ્ઠાનાં ફૂલનો ગુચ્છો ફૂટવો જોઈએ. નિર્ગુણ અને સગુણ એકબીજાનાં પૂરક છે. એકબીજાનાં વિરોધી નથી. સગુણમાંથી શરૂ કરીને તેની મારફતે નિર્ગુણ સુધીના મુકામ પર પહોંચવું જોઈએ અને ચિત્તના સૂક્ષ્મ મળ ધોવાને પણ સગુણની ભીનાશ જોઈએ. બંનેને એકબીજાથી શોભા મળે છે.    17.
18. આ બંને પ્રકારની ભક્તિ રામાયણમાં બહુ સુંદર રીતે બતાવી છે. અયોધ્યા-કાંડમાં ભક્તિના એ બંને પ્રકાર જોવાના મળે છે. અને એ જ બે ભક્તિનો આગળ ઉપર રામાયણમાં વિસ્તાર કરેલો છે. પહેલો પ્રકાર ભરતની ભક્તિનો અને બીજો લક્ષ્મણની ભક્તિનો છે. સગુણ ભક્તિ અને નિર્ગુણ ભક્તિ એ બંનેનું સ્વરૂપ આ દાખલાઓ પરથી બરાબર સમજાશે.
19. રામ વનમાં જવાને નીકળ્યા ત્યારે લક્ષ્મણને સાથે લઈ જવાને તૈયાર નહોતા. રામને લાગ્યું કે લક્ષ્મણને સાથે લઈ જવાનું કંઈ કારણ નથી. તેમણે લક્ષ્મણને કહ્યું, ‘ લક્ષ્મણ, હું વનમાં જાઉં છું. મને પિતાની આજ્ઞા થઈ છે. તું અહીં ઘરે રહી જા. મારી સાથે આવી આપણાં દુઃખી માતાપિતાને વધારે દુઃખી કરીશ મા. મા-બાપની અને પ્રજાની સેવા કરજે. તું તેમની પાસે હશે તો પછી મને ફિકર નહીં થાય. મારો પ્રતિનિધિ થઈને તું રહે. હું વનમાં જાઉં છું તે કંઈ સંકટમાં જતો નથી. હું ઋષિઓના આશ્રમમાં જાઉં છું. આમ રામચંદ્ર લક્ષ્મણને સમજાવતા હતા. પણ લક્ષ્મણે રામની બધી વાત એકી તડાકે, એક જ બોલથી વાળી કાઢી; એક ઘા ને બે કટકા કર્યા. તુલસીદાસે આ ચિત્ર ખૂબ મજાનું રંગ્યું છે. લક્ષ્મણે કહ્યું, ‘ તમે મને ઉત્તમ પ્રકારની નિગમનીતિનો ઉપદેશ કરો છો. ખરૂં જોતાં એ નીતિ મારે પાળવી જોઈએ. પણ મારાથી રાજનીતિનો આ બધો ભાર સહેવાશે નહીં. તમારા પ્રતિનિધિ થવાનું બળ મારામાં નથી. હું તો નાદાન બાળક છું. ‘
Page – 162 – અધ્યાય – ૧૨ – પ્રકરણ – ૬3 –
બંને એકબીજાનાં પૂરક – રામચરિત્રમાંથી દાખલો

दीन्हि मोहि सिख नीकि गुसांई । लागि अगम अपनी कदराई
नरवर धीर धरमधुरधारी । निगम-नीतिके ते अधिकारी
मैं शिशु प्रभुसनेह प्रतिपाला । मंदरमेरू कि लेहिं मराला ।।
” હંસ પક્ષી મેરૂમંદરનો ભાર ઊંચકી શકશે કે ? રામચંદ્ર, હું તમારા પ્રેમ પર પોસાયો છું. તમારી આ રાજનીતિ બીજાને બતાવો. હું નાનું બાળક છું. ” આમ કહીને લક્ષ્મણે તે આખી વાત એકી તડાકે ઉડાવી દીધી.
20. માછલી જેમ પાણીથી અળગી રહી શક્તી નથી તેવું જ લક્ષ્મણનું હતું. રામથી અળગા રહેવાની તેનામાં શક્તિ નહોતી. તેના રોમેરોમમાં સહાનુભૂતિ ભરેલી હતી. રામ સૂતા હોય ત્યારે પોતે જાગતા રહી તેમની સેવા કરવામાં જ તેનો બધો આનંદ સમાયેલો હતો. આપણી આંખને તાકીને કોઈ આપણા પર પથરો ફેંકે ત્યારે હાથ આગળ પડીને જેમ તે પથ્થરનો ઘા ઝીલી લે છે તેવી રીતે લક્ષ્મણ રામનો હાથ બન્યો હતો. રામ પર થનારો ઘા આગળ પડીને લક્ષ્મણ ઝીલી લે. તુલસીદાસે લક્ષ્મણને માટે બહુ મજાનો દાખલો આપ્યો છે. પેલો ઝંડો ઊંચે ફરકે છે, બધાં ગીત તે ઝંડાનાં ગવાય છે. તેનો રંગ, તેનો આકાર, એ બધાનું વર્ણન કરવામાં આવે છે. પણ સીધી, ટટાર ઊભી રહેનારી ઝંડાની કાંઠીની વાત કોઈ કરે છે કે? રામના યશની એ પતાકા ફરકતી હતી તેનો લક્ષ્મણ ધ્વજના દંડાની માફક આધાર હતો. તે કાયમ સીધો, ટટાર ઊભો હતો. ધ્વજનો દંડ જેમ વાંકો વળતો નથી તેમ રામના યશની પતાકા બરાબર ફરકતી રહે તે સારૂ લક્ષ્મણ હંમેશ ટટાર રહ્યો છે, કદી વાંકો વળ્યો નથી. યશ કોનો ? તો કે રામનો. દુનિયાની પતાકા દેખાય છે. દંડ વિસારે પડે છે. શિખર પરનો કળશ દેખાય છે, નીચેનો પાયો નજરે પડતો નથી. રામનો યશ ફરકી રહ્યો છે, લક્ષ્મણનો ક્યાંયે પત્તો નથી. ચૌદ ચૌદ વરસ સુધી આ દંડ જરાયે વાંકો થયો નથી. પોતે પાછળ રહી, અણછતા રહીરામનો યશ તેણે ફરકાવ્યો. રામ કઠણમાં કઠણ એવાં કામો લક્ષ્મણ પાસે કરાવે. સીતાને વનમાં મૂકી આવવાનું કામ પણ છેવટે તેમણે લક્ષ્મણને જ સોંપ્યું. લક્ષ્મણ બિચારો સીતાને વનમાં મૂકી આવ્યો. લક્ષ્મણની પોતાની એવી હયાતી જ રહી નહોતી. તે રામની આંખ, રામનો હાથ, રામનું મન બન્યો હતો. નદી સમુદ્રમાં મળી જાય તેમ લક્ષ્મણની સેવા રામમાં મળી ગી હતી. તે રામની છાયા બન્યો હતો. લક્ષ્મણની સગુણ-ભક્તિ હતી.
Page – 163 – અધ્યાય – ૧૨ – પ્રકરણ – ૬3 –
બંને એકબીજાનાં પૂરક – રામચરિત્રમાંથી દાખલો

21. ભરત નિર્ગુણ-ભક્તિ કરનારો હતો. તેનું ચિત્ર પણ તુલસીદાસજીએ મજાનું રંગ્યું છે. રામચંદ્ર વનમાં ગયા ત્યારે ભરત અયોધ્યામાં નહોતો. ભરત પાછો આવ્યો ત્યારે દશરથનું અવસાન થયું હતું. વસિષ્ઠગુરૂ તેને રાજ્ય કરવાને કહેતા હતા. ભરતે કહ્યું, ‘ મારે રામને મળવું જોઈએ. ‘ રામને મળવાની તેના અંતરમાં તાલાવેલી થતી હતી. પણ રાજનો બંદોબસ્ત તે ગોઠવતો જતો હતો. આ રાજ રામનું છે અને તેની વ્યવસ્થા કરવી એ રામનું જ કામ છે એવી તેની ભાવના હતી. બધી સંપત્તિ સ્વામીની હતી અને તેની વ્યવસ્થા કરવાનું તેને પોતાનું કર્તવ્ય લાગ્યું. લક્ષ્મણની માફક ભરતથી માથા પરનો ભાર ફેંકી દઈ છૂટા થવાય તેવું નહોતું. આવી ભરતની ભૂમિકા હતી. રામની ભક્તિ એટલે કે રામનું કામ કરવું જોઈએ; નહીં તો તે ભક્તિ શા કામની ? બધો બંદોબસ્ત બરાબર ગોઠવીને ભરત વનમાં રામને મળવાને આવ્યો છે. ‘ હે રામ, તમારૂં આ રાજ્ય છે. તમે… ‘ એટલું તે બોલે છે ત્યાં જ રામે વચ્ચે પડીને તેને કહ્યું, ‘ ભરત, તું જ રાજ ચલાવ ‘. ભરત સંકોચથી ઊભો રહે છે ને કહે છે, ‘ તમારી આજ્ઞા મને પ્રમાણ છે. ‘ રામ કહે તે પ્રમાણ. તેણે બધું જ રામને સોંપી દીધું હતું.
22. પછી તે ગયો ને રાજ ચલાવવા લાગ્યો. પણ હવે આ વાતમાંની મજા જુઓ. અયોધ્યાથી બે માઈલ પર તે તપ કરતો રહેવા લાગ્યો. તપસ્વી રહીને તેણે રાજ ચલાવ્યું. આખરે રામ જ્યારે ભરતને મળ્યા ત્યારે વનમાં ગયેલો અસલ તપસ્વી કયો એ ઓળખવાનું બને તેવું નહોતું. બંનેના ચહેરા સરખા, થોડી ઉંમરનો ફેર, તપનું તેજ પણ સરખું, બેમાંથી રામ કયા ને ભરત કયો તે ઓળખાતું પણ નથી, એવું ચિત્ર કોઈ દોરે તો બહુ પાવન ચિત્ર થાય. મ ભરત દેહથી રામથી આઘો હતો પણ મનથી તે રામથી ક્ષણભર પણ અળગો થયો નહોતો. એક બાજુથી તે રાજ ચલાવતો હતો તો પણ મનથી તે રામની પાસે હતો. નિર્ગુણમાંસગુણ-ભક્તિ ઠાંસીને ભરેલી હોય છે. ત્યાં વિયોગની ભાષા શી બોલવી ? તેથી ભરતને વિયોગ લાગતો નહોતો. ઈશ્વરનું કામ તે કરતો હતો.
Page – 164 – અધ્યાય – ૧૨ – પ્રકરણ – ૬3 –
બંને એકબીજાનાં પૂરક – રામચરિત્રમાંથી દાખલો

23. ‘ રામનું નામ, રામની ભક્તિ, રામની ઉપાસના, એ બધું અમે કંઈ ન સમજીએ; અમે તો ઈશ્વરનું કામ કરીશું; ‘ એમ આજકાલના જુવાન કહે છે. ઈશ્વરનુંકામ કેમ કરવું તે ભરત બતાવે છે. ઈશ્વરનું કામ કરીને ભરતે વિયોગ બરાબર મનમાં સમાવી દીધો છે.ભગવાનનું કામ કરતાં કરતાં તેના વિયોગનું ભાન થાય એટલો વખત પણ ન મળે એ વાત જુદી છે ને ભગવાન શું છે ને કોણ છે તેની જેને જાણ સરખી નથી, તેનું બોલવાનું જુદું છે. ઈશ્વરનું કામ કરતાં કરતાં સંયમી જીવન ગાળવું એ બહુ દુર્લભ વસ્તુ છે. ભરતની આ વૃત્તિ નિર્ગુણ કાર્ય કરતા રહેવાની હતી. છતાં સગુણનો આધાર ત્યાં તૂટી ગયો નથી. ‘ હે રામ, તમારો શબ્દ મને પ્રમાણ છે. તમે જે કહેશો તેમાં મને જરાયે શંકા નથી, ‘ આમ કહીને ભરત અયોધ્યા જવાને નીકળ્યો તો પણ તે જરા આગળ જઈને પાછો ફર્યો અને રામને કહેવા લાગ્યો, ‘ રામ, સમાધાન થતું નથી. મનમાં કંઈક ગડમથલ થયા કરે છે. ‘ રામ સમજી ગયા અને તેમણે કહ્યું, ‘ આ પાદુકા લઈ જા. ‘ આમ સગુણ માટેનો આદર આખરે તો રહ્યો જ. નિર્ગુણને સગુણે છેવટે પલાળ્યું તો ખરૂં જ. લક્ષ્મણને પેલી પાદુકાથી સમાધાન થયું ન હોત. તેની નજરે તે દૂધની ભૂખ છાશથી ભાંગવા જેવું થાત. ભરતની ભૂમિકા જુદી હતી. બહારથી તે દૂર રહીને કર્મ કરતો દેખાતો હતો પણ મનથી રામમય હતો. ભરત કર્તવ્ય બજાવવામાં રામભક્તિ માનતો હતો, તો પણ પાદુકાની જરૂર તેને લાગ્યા વગર ન રહી. એ પાદુકા વગર તે રાજકારભારનું ગાડું હાંકી શક્યો ન હોત. પેલી પાદુકાની આજ્ઞા સમજીને તે પોતાની ફરજ અદા કરતો રહ્યો. લક્ષ્મણ જેવો રામનો ભક્ત છે તેવો જ ભરત પણ છે. બંનેની ભૂમિકા બહારથી, દેખાવમાં જુદી છે. ભરત કર્તવ્યનિષ્ઠ હતો, તત્વનિષ્ઠ હતો, છતાં તેની તત્વનિષ્ઠાને પણ પાદુકાની ભીનાશની જરૂર લાગી હતી.
Page – 165 – અધ્યાય – ૧૨ – પ્રકરણ – ૬૪ –
બંને એકબીજાનાં પૂરક – કૃષ્ણચરિત્રમાંથી દાખલો

૬૪. હરિભક્તિની લાગણીની ભીનાશ અવશ્ય જરૂરી છે. તેટલા ખાતર અર્જુનને પણ मय्यासक्तमनाः पार्थ – અર્જુન મારામાં આસક્ત રહે, મારે માટે ભાવભીનો રહે, અને પછી કર્મ કર એમ ભગવાને ફરી ફરીને કહ્યું છે. જે ભગવદગીતાને આસક્તિ શબ્દ સૂઝતો નથી, રૂચતો નથી; જે ભગવદગીતામાં અનાસક્ત રહીને કર્મ કર, રાગદ્વેષ છોડીને કર્મ કર, નિરપેક્ષ કર્મ કર એમ ફરી ફરીને કહેવામાં આવ્યું છે; અનાસક્તિ, નિઃસંગપણું, એ જેનું ધ્રુપદ તેમ જ પાલુપદ એકસરખું બોલાયા કરે છે; તે ભગવદગીતા પણ કહે છે કે, ‘ અર્જુન, મારી આસક્તિ રાખ. ‘ પણ અહીં કદી ન વિસરાવું જોઈએ કે ભગવાન પરની આસક્તિ બહુ ઊંચી વસ્તુ છે. એ આસક્તિ કોઈક પાર્થિવ વસ્તુ માટેની થોડી જ છે ? સગુણ અને નિર્ગુણ બંને એકબીજામાં ગૂંથાઈ રહેલાં છે. સગુણ ને નિર્ગુણનો આધાર સમૂળગો તોડી નાખવાનું પરવડે એવું નથી અને નિર્ગુણને સગુણમાં રહેલી હ્રદયમાં રહેલી ભીનાશની જરૂર છે. હરહમેશ કર્તવ્યકર્મ કરવાવાળો કર્મરૂપે પૂજા જ કરે છે. પણ પૂજાની સાથે લાગણીની ભીનાશ જોઈએ. मामनुस्मर युध्य च  – મારૂં સ્મરણ રાખીને કર્મ કર. કર્મ પોતે એક પૂજા છે. પણ અંતરંગમાં ભાવના જીવંત હોવી જોઈએ. ખાલી ફૂલ માથે ચડાવ્યાં એ કંઈ પૂજા નથી. તે ભાવના જોઈએ. માથે ફૂલ ચડાવવાં એ પૂજાનો એક અને સત્કર્મો વડે પૂજા કરવી એ બીજો પ્રકાર છે. પણ બંનેમાં ભાવની ભીનાશ જોઈએ. ફૂલ ચડાવીએ છતાં ભાવ ન હોય તો તે પથ્થર પર ફેંકી દીધાં જાણવાં. એટલે આ સવાલ ભાવનાનો છે. સગુણ અને નિર્ગુણ, કર્મ અને પ્રીતિ, જ્ઞાન અને ભક્તિ, એ બધી વસ્તુઓ એકરૂપ છે. બંનેનો અંતિમ અનુભવ એક જ છે.     24.
25. અર્જુન અને ઉદ્ધવ એ બંનેની વાત જુઓ. રામાયણ પરથી કૂદકો મારીને હું મહાભારત પર ચાલ્યો. પણ એવા કૂદકો મારવાનો મને અધિકાર છે. કારણ રામ અને કૃષ્ણ બંને એકરૂપ છે. જેવી ભરત અને લક્ષ્મણની જોડી છે તેવી જ ઉદ્ધવ ને અર્જુનની છે. જ્યાં કૃષ્ણ હોય ત્યાં ઉદ્ધવ હોય જ. ઉદ્ધવથી કૃષ્ણનો વિયોગ ક્ષણભર પણ સહન ન થાય. હંમેશ તે કૃષ્ણની પાસે રહે ને સેવા કરે. કૃષ્ણ વગરનો આખો સંસાર તેને ફીકો લાગે છે. અર્જુન પણ કૃષ્ણનો સખા, મિત્ર હતો. પણ તે આઘે દિલ્હીમાં રહેતો. અર્જુન કૃષ્ણનું કામ કરવાવાળો હતો પણ કૃષ્ણ દ્વારકામાં તો અર્જુન હસ્તિનાપુરમાં એવું બંનેનું ચાલતું હતું.
Page – 166 – અધ્યાય – ૧૨ – પ્રકરણ – ૬૪ –
બંને એકબીજાનાં પૂરક – કૃષ્ણચરિત્રમાંથી દાખલો

26. ભગવાનને જ્યારે દેહ છોડવાની જરૂર જણાઈ ત્યારે તેમણે ઉદ્ધવને બોલાવીને કહ્યું, ‘ ઉદ્ધવ, હવે હું જાઉં છું. ‘ ઉદ્ધવે કહ્યું, ‘ મને સાથે કેમ નથી લઈ જતા ? આપણે સાથે જ જઈએ ! ‘ પણ ભગવાને કહ્યું, ‘ એ મને પસંદ નથી. સૂર્ય પોતાનું તેજ અગ્નિમાં મૂકીને જાય છે તેમ મારી જ્યોત તારામાં મૂકીને હું જવાનો છું. ‘ આવી છેવટની સોંપણનોંધણ કરૂ કૃષ્ણે જ્ઞાન આપીને ઉદ્ધવને વિદાય કર્યો. પાછળથી મુસાફરીમાં મૈત્રેય ઋષિ તરફથી ઉદ્ધવને ખબર પડી કે ભગવાન નિજધામ પધાર્યા છે. એ ખબરની તેના મન પર જરા સરખી અસર ન થઈ. કેમ જાણે કશું જ બન્યું નથી ! – मरका गुरू, रडका चेला, दोहींचा बोध वाया गेला – ગુરૂ મૂઓ ને ચેલો રડ્યો બંનેનો બોધ ફોગટ ગયો, એવું આ નહોતું. જાણે કે વિયોગ થયો જ નથી ! ઉદ્ધવે જન્મભર સગુણ ઉપાસના કરી હતી; તે પરમેશ્વરની નજીક હતો. હવે તેને નિર્ગુણમાં આનંદ લાગવા માંડ્યો. નિર્ગુણ સુધી તેને પહોંચવું પડ્યું. સગુણ પહેલાં પણ નિર્ગુણ તેની પાછળ આવવું જ જોઈએ. એ વગર પરિપૂર્ણતા નથી.
27. અર્જુનનું આથી ઊલટું થયું. કૃષ્ણે તેને શું કરવાનું કહ્યું હતું ? પોતાની પાચળ બધી સ્ત્રીઓના સંરક્ષણનું કામ તેમણે અર્જુનને ભાળવ્યું હતું. અર્જુન દિલ્હીથી આવ્યો અને દ્વારકાથી શ્રીકૃષ્ણની ઘરની સ્ત્રીઓને લઈને નીકળ્યો. રસ્તામાં હિસાર પાસે પંજાબમાંના ચોરોએ તેને લૂંટી લીધો. તે જમાનામાં જે એકમાત્ર નર તરીકે, સર્વોત્તમ વીર તરીકે પ્રસિદ્ધ હતો; પરાજય શું તે જાણતો ન હોવાથી જેની ‘ જય ‘ નામથી ખ્યાતિ ચાલતી હતી; ખુદ શંકર સાથે ટક્કર લઈ જેણે તેમને પણ નમાવ્યા હતા; એવા એ અર્જુનને અજમેર પાસે નાસતાં નાસતાં ભોય ભારે પડી ને તે માંડ બચી ગયો. કૃષ્ણ જતા રહ્યા તેની તેના મન પર બહુ મોટી અસર થઈ હતી. જાણે તેનામાંથી જીવ નીકળી ગયો હતો ને તેનું નિસ્ત્રાણ ને નિષ્પ્રાણ ખોળિયું માત્ર રહી ગયું હતું. સારાંશ કે, સદોદિત કર્મ કરનારા, કૃષ્ણથી દૂર રહેનારા નિર્ગુણ ઉપાસક અર્જુનને વિયોગ છેવટે ખૂબ વરતાયો. તેનું નિર્ગુણ આખરે નકામું ગયું. તેનું બધું કર્મ જાણે કે પૂરૂં થયું. તેના નિર્ગુણને છેવટે સગુણનો અનુભવ થયો. ટૂંકમાં સગુણને નિર્ગુણમાં જવું પડે છે, નિર્ગુણને સગુણમાં આવવું પડે છે. એકબીજાથી એકબીજામાં પરિપૂર્ણતા આવે છે.
Page – 167 – અધ્યાય – ૧૨ – પ્રકરણ – ૬૫ –
સગુણ – નિર્ગુણ એકરૂપ : સ્વાનુભવકથન

૬૫. એટલે સગુણ ઉપાસક અને નિર્ગુણ ઉપાસક બંને વચ્ચે ફેર શો છે તે કહેવા જઈએ તો ભાષા કુંઠિત થઈ જાય છે. સગુણ અને નિર્ગુણ છેવટે એક ઠેકાણે ભેગાં થાય છે. ભક્તિનું ઝરણું શરૂઆતમાં સગુણમાંથી ફૂટે છે તોયે તે નિર્ગુણ સુધી પહોંચી તેને મળે છે. પહેલાં હું વાયકમનો સત્યાગ્રહ જોવાને ગયો હતો. મલબારના કિનારા પર શંકરાચાર્યનું જન્મસ્થાન છે એ ભૂગોળમાંથી જાણીને મેં યાદ રાખ્યું હતું. હું જતો હતો ત્યાંથી નજીક જ પેલું ભગવાન શંકરાચાર્યનું કાલડી ગામ હશે એમ મને લાગ્યું અને તેથી એ વિષે મારા સાથી મલયાળી ગૃહસ્થને મેં પૂછ્યું. તેમણે જવાબ આપતાં કહ્યું, ‘ તે ગામ અહીંથી દસબાર માઈલ પર જ છે. તમારે ત્યાં જવું છે ? ‘ મેં ના પાડી. હું સત્યાગ્રહ જોવાને ત્યાં ગયો હતો. તેથી રસ્તે બીજે ક્યાંક જવાને ફંટાવાનું મને ઠીક ન લાગ્યું અને તે વખતે તે ગામ જોવાને હું ન ગયો. એ મેં બરાબર કર્યું હતું વું હજી મને લાગે છે. પણ રાત્રે ઊંઘવાને આડો પડું એટલે તે કાલડી ગામ અને શંકરાચાર્યની મૂર્તિ મારી નજર સામે આવીને ઊભાં રહે. મને ઊંઘ ન આવે. એ અનુભવ મને હજી કાલે થયો હોય તેવો તાજો લાગે છે. શંકરાચાર્યના જ્ઞાનનો પ્રભાવ, તેમની દિવ્ય અદ્વૈતનિષ્ઠા, સામે ફેલાયેલી દુનિયાને રદ્દી, નકામી સાબિત કરી આપનારૂં તેમનું અલૌકિક અને ધગધગતું વૈરાગ્ય, તેમની ગંભીર ભાષા, અને મારા પર થયેલા તેમના અનંત ઉપકાર, એ બધી વાતના ખ્યાલ મારા મનમાં ઊભરાતા. રાત્રે એ બધા ભાવ પ્રગટ થાય. પ્રત્યક્ષ મુલાકાતમાં પણ એટલો પ્રેમ નથી. નિર્ગુણમાં પણ સગુણનો પરમોત્કર્ષ ઠાંસીને ભરેલો છે. હું કુશળ સમાચારના કાગળો વગેરે ઝાઝા લખતો નથી. પણ એકાદ મિત્રને પત્ર ન લખાય તો અંદરથી આખો વખત તેનું સ્મરણ થયા કરે છે. પત્ર ન લખવા છતાં મનમાં યાદ ભરપૂર રહે છે. નિર્ગુણમાં આ પ્રમાણે સગુણ છુપાયેલું હોય છે. સગુણ અને નિર્ગુણ બંને એકરૂપ જ છે. પ્રત્યક્ષ મૂર્તિ લઈ તેની પૂજા કરવી, પ્રગટ સેવા કરવી, અને અંદરથી એકસરખું જગતના કલ્યાણનું ચિંતન ચાલતું હોવા છતાં બહાર પૂજા ન દેખાય એ બંને વસ્તુ સરખી કિંમતની ને સરખી લાયકાતવાળી છે.     28.
Page – 168 – અધ્યાય – ૧૨ – પ્રકરણ – ૬ ૬ –
સગુણ – નિર્ગુણ કેવળ દ્રષ્ટિભેદ, માટે ભક્તલક્ષણો પચાવવાં

૬૬. છેવટે મારે વળી કહેવાનું છે કે સગુણ કયું અને નિર્ગુણ કયું એ ચોક્કસ નક્કી કરવું પણ સહેલું નથી. એક દ્રષ્ટિથી જે સગુણ છે તે બીજી દ્રષ્ટિથી નિર્ગુણ સાબિત થઈ શકે. સગુણની સેવા કરવાની હોય ત્યારે પથરો લઈને કરવામાં આવે છે. તે પથ્થરમાં પરમાત્મા કલ્પી લેવાય છે. પણ માતામાં અને સંતોમાં પ્રત્યક્ષ ચૈતન્ય પ્રગટ થયેલું હોય છે. ત્યાં જ્ઞાન, પ્રેમ, અંતરની ઊંડી મમતા પ્રગટ છે, ખુલ્લાં છે. છતાં ત્યાં પરમાત્મા નીરખીને પૂજા કરવામાં નથી આવતી. ચૈતન્યમય એવાં આ લોકો સૌ કોઈને દેખાય છે. તેમની સેવા કરવાને બદલે, તેમનામાં સગુણ પરમાત્મા જોવાને  બદલે પથ્થરમાં પરમાત્મા જોવાય છે ! હવે પથ્થરમાં ઈશ્વરને જોવો એ એક રીતે જોઈએ તો નિર્ગુણની પરાકાષ્ઠા છે. સંત, માબાપ, પડોશી એ બધાંમાં જ્ઞાન, પ્રેમ, ઉપકારબુદ્ધિ વગેરે પ્રગટ થયેલાં છે. તેમનામાં ઈશ્વરને માનવાનું સહેલું છે. પથ્થરમાં ઈશ્વર માની લેવો અઘરો છે. પેલા નર્મદામાંથી નીકળતા પથ્થરને ગણપતિ માની દેવ ગણવામાં આવે છે. આ નિર્ગુણ પૂજા નથી કે ?     29.
30. એથી ઊલટું એમ લાગે છે કે પથ્થરમાં ઈશ્વર ન માનવો તો બીજે ક્યાં માનવો ? ઈશ્વરની મૂર્તિ થવાને પેલો પથ્થર જ લાયક છે. તે નિર્વિકાર છે, શાંત છે. અંધારૂં હોય કે અજવાળું હોય, તાપ હોય કે ટાઢ હોય, એ પથ્થર તેવો ને તેવો રહે છે. આવો આ નિર્વિકારી પથ્થર જ પરમેશ્વરનું પ્રતીક બનવાને લાયક છે. માબાપ, જનતા, અડોશીપડશી એ બધાં વિકારોથી ભરેલાં છે. એટલે કે તે બધાંમાં કંઈ ને કંઈ વિકાર જોવાને મળ્યા વગર રહે નહીં. તેથી પથ્થરની પૂજા કરવા કરતાં એ બધાંની સેવા કરવાનું એક રીતે જોઈએ તો અઘરૂં છે.
Page – 169 – અધ્યાય – ૧૨ – પ્રકરણ – ૬ ૬ –
સગુણ – નિર્ગુણ કેવળ દ્રષ્ટિભેદ, માટે ભક્તલક્ષણો પચાવવાં

31. ટૂંકમાં, સગુણ અને નિર્ગુણ એકબીજાનાં પૂરક છે. સગુણ સુલભ છે, નિર્ગુણ અઘરૂં છે. પરંતુ સગુણ પણ અઘરૂં છે અને નિર્ગુણ પણ સહેલું છે. બંને વડે પ્રાપ્ત થનારૂં ધ્યેય એક જ છે. પાંચમા અધ્યાયમાં જેમ કહ્યું છે કે ચોવીસે કલાક કર્મ કરવા છતાં લેશમાત્ર કર્મ ન કરનારા યોગીઓ અને ચોવીસ કલાકમાં જરા સરખું કર્મ ન કરવા છતાં બધાંયે કર્મ કરનારા સંન્યાસીઓ એકરૂપ જ છે તેવું જ અહીં પણ છે. સગુણ કર્મદશા અને નિર્ગુણ સંન્યાસયોગ એકરૂપ જ છે. સંન્યાસ ચડે કે યોગ એ સવાલનો જવાબ આપવામાં જેવી ભગવાનને મુશ્કેલી પડી હતી તેવી જ તેમને અહીં પણ પડી છે. છેવટે સહેલાપણું અને અઘરાપણું, વધારે ને ઓછું શામાં એ વાત ધ્યાનમાં રાખી તેમણે જવાબ આપ્યો છે. બાકી યોગ ને સંન્યાસ અને સગુણ ને નિર્ગુણ  બધાં એકરૂપ જ છે.
32. છેવટે ભગવાન કહે છે, ‘ હે અર્જુન, તું સગુણ હો કે નિર્ગુણ હો પણ ભક્ત થા એટલે થયું. કોરો પથરા જેવો રહીશ મા. ‘ આટલું કહીને છેવટે ભગવાને ભક્તોનાં લક્ષણો ગણાવ્યાં છે. અમૃત મીઠું છે પણ તેની મીઠાશ આપણે ચાખી નથી. આ લક્ષણો પ્રત્યક્ષ મદુર છે. અહીં કલ્પનાની જરૂર નથી. એ લક્ષણોનો જાતે અનુભવ કરવો. બારમા અધ્યાયમાં ગણાવેલાં આ ભક્ત-લક્ષણોનું સ્થિતપ્રજ્ઞનાં લક્ષણોની માફક આપણે રોજ સેવન કરીએ, તેમનું રોજ મનન કરીએ અને તેમાંનાં થોડાં થોડાં આપણા આચરણમાં ઉતારી પુષ્ટિ મેળવીએ; અને એ રીતે ધીમે ધીમે આપણે આપણું જીવન પરમેશ્વર તરફ લઈ જઈએ.

l            l        l

Advertisements