અધ્યાય સાતમો : પ્રપત્તિ અથવા ઈશ્વરશરણતા    —૭૮ – ૯૧

Page – 78 – અધ્યાય – ૭ – પ્રકરણ – ૩૨ – ભક્તિનું ભવ્ય દર્શન

અધ્યાય સાતમો
પ્રપત્તિ અથવા ઈશ્વરશરણતા
૩૨. અર્જુનની સામે સ્વધર્મને વળગી રહેવાનો પ્રસંગ આવીને ઊભો રહેતાં પોતાનાં અને પારકાં એવા મોહમાં ફસાઈને તે સ્વધર્મનું આચરણ ટાળવા માગતો હતો. આ ખોટો મોહ પહેલા અધ્યાયમાં બતાવ્યો. તે મોહનું નિરસન કરવાને ખાતર બીજા અધ્યાયની શરૂઆત થઈ. અમર આત્મા બધે ભરેલો છે, દેહ નાશવંત છે અને સ્વધર્મ કદી ન છોડવો એ ત્રણ સિદ્ધાંતો ત્યાં રજૂ કર્યા છે અને એ સિદ્ધાંતોનો અમલ કેમ કરવો તે શિખવનારી કર્મફળત્યાગની યુક્તિ પણ બતાવી છે. આ કર્મયોગનું વિવરણ કરતાં તેમાંથી કર્મ, વિકર્મ ને અકર્મ એ ત્રણ બાબતો ઉત્પન્ન થઈ.
Page – 79 – અધ્યાય – ૭ – પ્રકરણ – ૩૨ – ભક્તિનું ભવ્ય દર્શન

કર્મવિકર્મના સંગમમાંથી પેદા થનારૂં બે પ્રકારનું અકર્મ આપણે પાંચમા અધ્યાયમાં જોયું. છઠ્ઠા અધ્યાયથી જુદાં જુદાં વિકર્મો સમજાવવાની શરૂઆત થઈ છે. ઉપરાંત, છઠ્ઠા અધ્યાયમાં સાધનાને માટે જરૂરી એકાગ્રતાની વાત કરી.
આજે હવે સાતમો અધ્યાય છે. આ અધ્યાયમાં વિકર્મનો એક નવો જ ભવ્ય ખંડ ઊઘડે છે. સૃષ્ટિદેવીના મંદિરમાં, એકાદ વિશાળ વનમાં જેમ તરેહતરેહના મનોહર દેખાવો આપણને જોવાના મળે છે તેવું જ આ ગીતા ગ્રંથનું છે. છઠ્ઠા અધ્યાયમાં આપણે એકાગ્રતાનો ખંડ  જોયો. હવે આપણે બીજા એક જુદા જ ખંડમાં દાખલ થઈએ.    1.
2. એ ખંડ ઊઘડે તે પહેલાં આ મોહ પમાડનારી જગતની રચનાનું રહસ્ય સમજાવ્યું છે. ચિત્રકાર એક જ પીંછીથી એક જ કાગળ પર જાતજાતનાં ચિત્રો કાઢે છે. સતારનો વગાડનારો સાત સૂરમાંથી જ એનેક રાગ રેલાવે છે. સાહિત્યમાં માત્ર બાવન અક્ષરોની મદદથી આપણે નાનાવિધ ભાવના તેમ જ વિચાર પ્રગટ કરીએ છીએ. એવું જ આ સૃષ્ટિમાં પણ છે. સૃષ્ટિમાં અનંત વસ્તુઓ અને અનંત વૃત્તિઓ દેખાય છે. પણ આ આખીયે અંતર્બાહ્ય સૃષ્ટિ એક જ એક અખંડ આત્માના અને એકની એક અષ્ટધા પ્રકૃતિના બેવડા મસાલામાંથી નિર્માણ થઈ છે. ક્રોધી માણસનો ક્રોધ, પ્રેમાળ માણસનો પ્રેમ, દુખિયાનાં રોદણાં, આનંદી માણસનો આનંદ, આળસુ કે એદીનું ઊંઘવાનું વલણ, ઉદ્યોગી માણસનું કર્મસ્ફુરણ એ બધાંયે એક જ ચૈતન્ય શક્તિના ખેલ છે. આ એકબીજાથી વિરોધી ભાવોના મૂળમાં એક જ ચૈતન્ય ભર્યું છે. અંદરનું ચૈતન્ય જેમ એક જ છે તેમ બહારના આવરણનું સ્વરૂપ પણ એક જ છે. ચૈતન્યમય આત્મા અને જડ પ્રકૃતિના આવા બેવડા મસાલામાંથી આખીયે સૃષ્ટિ જન્મી છે એવું શરૂઆતથી જ ભગવાન કહી રહ્યા છે.
3. આત્મા અને દેહ, પરા ને અપરા પ્રકૃતિ બધે એક જ છે. આમ હોવા છતાં માણસ મોહમાં કેમ પડે છે ? તેને ભેદ કેમ દેખાય છે ?
Page – 80 – અધ્યાય – ૭ – પ્રકરણ – ૩૨ – ભક્તિનું ભવ્ય દર્શન

પ્રેમાળ માણસનો ચહેરો મીઠો લાગે છે અને બીજાનો કંટાળો આપે છે. એકને મળવાનું ને બીજાને ટાળવાનું મન કેમ થાય છે ? કાગળ એક જ, પેન્સીલ એક જ અને ચિત્રકાર પણ એક જ હોવા છતાં તરેહતરેહનાં ચિત્રોથી તરેહતરેહના ભાવો ઉત્પન્ન થાય છે. એમાં જ ચિત્રકારની કુશળતા છે. ચિત્રકારની, પેલા સતારના બજવૈયાની આંગળીઓમાં એવું કાબેલપણું રહેલું છે કે તમને રડાવે છે અને હસાવે છે. તેમની એ આંગળીઓમાં જ બધી ખૂબી છે.
આ પાસે હોય, આ પાસે ન હોય, આ મારો છે, આ પારકો છે, એવા એવા જે વિચારો મનમાં આવે છે અને જેમને લીધે ઘણી વાર માણસ મોકા પર કર્તવ્યને પણ ટાળવા ચાહે છે તેનું કારણ મોહ છે. એ મોહ ટાળવો હોય તો સૃષ્ટિ નિર્માણ કરનારના હાથની આંગળીઓની કરામત ઓળખી લેવી જોઈએ. બૃહદારણ્યક ઉપનિષદમાં નગારાનું દ્રષ્ટાંત આપ્યું છે. એક જ નગારામાંથી જુદા જુદા નાદ નીકળે છે. તેમાંના કેટલાકથી હું ડરી જાઉં છું ને કેટલાક સાંભળીને હું નાચવા મંડી પડું છું. એ બધા જુદા જુદા ભાવને જીતવા હોય તો નગારાના વગાડનારને પકડવો જઓઈએ. તેને પકડી લીધો કે બધા અવાજો પકડાયા સમજો. ભગવાન એક જ વાક્યમાં કહે છે, ‘ જે માયાને તરી જવા માગે છે તેણે મારે શરણે આવવું, ’
येथ एक चि लीला तरले । जे सर्वभावें मज भजले
तयां ऐलीचि थडी सरलें । मायाजल
— અહીં તે એકલા જ લીલા તરી ગયા છે જેમણે સર્વભાવથી મને જ એકને ભજ્યો છે. તે બધાને માટે આ પાર જ માયાજળ ઓસરી ગયું છે. આ માયા એટલે શું ? માયા એટલે પરમેશ્વરની શક્તિ, તેની કળા, તેની કુશળતા. પ્રકૃતિ અને આત્માના અથવા જૈન પરિભાષામાં કહીએ તો જીવ અને અજીવના આ મસાલામાંથી જેણે આ અનંદ રંગોવાળી સૃષ્ટિ રચી છે, તેની જે શક્તિ અથવા કળા તે જ માયા છે. જેલમાં જેમ એક જ અનાજમાંથી બનાવેલો એક જ રોટલો અને એક જ સર્વરસવાળી દાળ હોય છે તે પ્રમાણે એક જ અખંડ આત્મા અને એક જ અષ્ટધા શરીરમાંથી પરમેશ્વર તરેહતરેહની વાનગીઓ બનાવ્યા કરે છે.
Page – 81 – અધ્યાય – ૭ – પ્રકરણ – ૩૨ – ભક્તિનું ભવ્ય દર્શન
એ વાનગીઓ જોઈ આપણે નાના પ્રકારના વિરોધી તેમ જ સારાનરસા ભાવ અનુભવીએ છીએ. એ ભાવોની પાર જઈ સાચી શાંતિ અનુભવવી હોય તો એ વાનગીઓના બનાવનારને પકડવો જોઈએ, તેને ઓળખવો જોઈએ. તે ઓળખાણ થાય તો જ ભેદજનક, આસક્તિજનક મોહ ટાળવાનું બની શકે.
4. એ પરમેશ્વરને બરાબર ઓળકવાને માટેનું મહાન સાધન, એક મહાન વિકર્મ સમજાવવાને માટે આ સાતમા અધ્યાયમાં ભક્તિનો ભવ્ય ખંડ ઉઘાડ્યો છે. ચિત્તશુદ્ધિને માટે યજ્ઞ-દાન, જપ-તપ, ધ્યાન-ધારણા વગેરે અનેક વિકર્મો બતાવવામાં આવે છે. એ સાધનોને હું સોડા, સાબુ ને અરીઠાંની ઉપમા આપીશ. પણ ભક્તિ એટલે પાણી છે. સોડા, સાબુ ને અરીઠાં સ્વચ્છતા આણે છે પણ પાણી વગર તેમનું કામ નહીં થાય. પાણી ન હોય તો એ બધાંને શું કરવાં છે ? પરંતુ સોડા, સાબુ ને અરીઠાં નહીં હોય તો પણ એકલું પાણી નિર્મળપણું આપી શકે છે. પાણીની સાથે એ બધાં આવે તો ‘ अधिकस्य अधिकं फलम् ’ જેવું થાય, દૂધમાં સાકર ભળે. યજ્ઞયાગ, ધ્યાન, તપ એ બધાંમાં ઊંડો ઉમળકો ન હોય તો ચિત્તશુદ્ધિ કેવી રીતે થાય ? આ ઊંડો ઉમળકો તે જ ભક્તિ.
બધા ઉપાયોમાં ભક્તિની જરૂર છે. ભક્તિ સાર્વભૌમ ઉપાય છે. સેવાનું આખું શાસ્ત્ર ભણેલો, ઉપચારોની બરાબર પૂરી માહિતીવાળો માણસ માંદાની સારવાર કરવા જાય ખરો પણ તેના મનમાં અનુકંપાની લાગણી નહીં હોય તો સાચી સેવા થશે ખરી કે ? બળદ જાડો, ખાસો જબરો છે. પણ તેને ગાડું ખેંચવાની ઈચ્છા જ નહીં હોય તો તે ગળિયો થઈને બેસશે, અરે અડિયલ થઈને ખાડામાં ગાડું લઈ જઈને નાખશે. દિલની ઊંડી લાગણી વગર કરેલા કર્મથી તુષ્ટિપુષ્ટિ થતી નથી.
Page – 81 – અધ્યાય – ૭ – પ્રકરણ – ૩૩ – ભક્તિ વડે થતો વિશુદ્ધ આનંદનો લાભ

૩૩. આવી ભક્તિ હશે તો તે મહાન ચિત્રકારની કળા જોવાની મળશે. તેના હાથમાં રહેલી તે પીંછી જોવાની મળશે. તે ઉગમનો ઝરો અને ત્યાંની અપૂર્વ મીઠાશ એક વાર ચાખ્યા પછી બાકીના બધા રસો તુચ્છ ને નિરસ લાગશે.
Page – 82 – અધ્યાય – ૭ – પ્રકરણ – ૩૩ – ભક્તિ વડે થતો વિશુદ્ધ આનંદનો લાભ

અસલ કેળું જેણે ખાધું છે તે લાકડાનું રંગીન કેળું ક્ષણભર હાથમાં લેશે, મજાનું છે એમ કહેશે અને બાજુએ મૂકી દેશે. ખરૂં કેળું ચાખેલું હોવાથી લાકડાના નકલી કેળા માટે તેને ઝાઝો ઉત્સાહ રહેતો નથી. તે જ પ્રમાણે મૂળના ઝરાની મીઠાશ જેણે એક વાર ચાખી છે તે બહારના મીઠાઈમેવા પર વારી નહીં જાય.    5.
6. એક તત્વજ્ઞાનીને એક વખત લોકોએ જઈને કહ્યું, “ ચાલો મહારાજ, શહેરમાં આજે મોટી રોશની છે. ” તે તત્વજ્ઞાનીએ કહ્યું, “ રોશની એટલે શું ? એક દીવો, તેની પછી બીજો, તેની પછી ત્રીજો, એ પ્રમાણે લાખ, દશ લાખ, કરોડ, જોઈએ તેટલા દીવા છે એમ માનો. મેં તમારી રોશની જોઈ લીધી. ” ગણિતની શ્રેણીમાં ૧+૨+૩ એમ અનંત સુધી સરવાળો મુકાય છે. બે સંખ્યા વચ્ચે રાખવાનું અંતર જાણ્યું ને સમજાયું પછી બધી સંખ્યા માંડી જવાની જરૂર રહેતી નથી. તેવી જ રીતે પેલા દીવા એક પછી એક મૂકી દીધા. પછી એમાં એટલું બધું તલ્લીન થઈ જવા જેવું છે શું ? પણ માણસને એવી જાતના આનંદ લેવાનું ગમે છે. તે લીંબુ લાવશે, ખાંડ લાવશે, બંનેને પાણીમાં ભેળવશે ને પછી લહેજતથી કહેશે, ‘ શું મજાનું શરબત છે ! ’ જીભને ચાખ ચાખ કર્યા વગર બીજો ધંધો નથી. આને તેમાં ભેળવો, તેને આમાં ભેળવો, આવી બધી સેળભેળ ખાવામાં જ બદું સુખ. નાનપણમાં એક વાર હું સિનેમા જોવા ગયો હતો. જતી વખતે સાથે ગૂણપાટ લેતો ગયો હતો. મારો આશય એ કે ઊંઘ આવે તો તેના પર સૂઈ જવું. પડદા પર આંખને આંજી નાખનારી આગ હું જોવા લાગ્યો. બેચાર મિનિટ સુધી તે ઝગઝગતી આગનાં ચિત્રો જોઈ મારી આંખો થાકી ગઈ. હું ગૂણપાટ પાથરીને સૂઈ ગયો ને મેં કહ્યું કે પૂરૂં થાય એટલે ઉઠાડજો. રાતને પહોરે ખુલ્લી હવામાં આકાશમાંના ચંદ્ર ને તારા વગેરે જોવાનું છોડીને, શાંત સૃષ્ટિમાંનો પવિત્ર આનંદ છોડીને એ બંધિયાર થિયેટરમાં આગનાં ઢીંગલાં નાચતાં જોઈને લોકો તાળીઓ પાડે છે. મને પોતાને એ કંઈ સમજાતું નથી.
Page – 83 – અધ્યાય – ૭ – પ્રકરણ – ૩૩ – ભક્તિ વડે થતો વિશુદ્ધ આનંદનો લાભ

7. માણસ આટલો નિરાનંદ કેમ ? પેલાં નિર્જીવ ઢીંગલાં જોઈ આખરે બિચારો બહુ તો ક્ષણભર આનંદ મેળવે છે. જીવનમાં આનંદ નથી એટલે પછી માણસો કૃત્રિમ આનંદ શોધતાં ફરે છે. એક વાર અમારી પડોશમાં થાળી વાગવાનો અવાજ શરૂ થયો. મેં પૂછયું, ‘ આ થાળી શેની વાગી? ’ મને કહેવામાં આવ્યું, ‘  છોકરો આવ્યો ! ’ અલ્યા ! દુનિયામાં તારા એકલાને ત્યાં જ છોકરો આવ્યો છે ? છતાં પણ થાળી વગાડીને દુનિયાને જાહેર કરે છે કે મારે ત્યાં છોકરો આવ્યો !  કૂદે છે, નાચે છે, ગીત ગાય છે ને ગવડાવે છે, શાં માટે ? તો કે છોકરો આવ્યો તેથી ! આવો આ નાદાનીનો ખેલ છે. આનંદનો જાણે કે દુકાળ છે. દુકાળમાં સપડાયેલા લોકો ક્યાંક ભાતના દાણા દીઠા કે ઝડપ મારે છે. તેમ છોકરો આવ્યો, સરકસ આવ્યું, સિનેમા આવ્યો કે આનંદના ભૂખ્યા આ લોકો કૂદકા મારી નાચવા મંડી પડે છે.
પણ આ ખરો આનંદ છે કે ? ગાયનના સૂરનાં મોજાં કાનમાં પેસી મગજને ધક્કો આપે છે. આંખમાં રૂપ દાખલ થવાથી મગજને ધક્કો લાગે છે. વા મગજને લાગતા ધક્કાઓમાં જ બિચારાઓનો આનંદ સમાયેલો છે. કોઈ તંબાકુ વાટીને નાકમાં ખોસે છે. કોઈ વળી તેની બીડી વાળી મોંમાં ખોસે છે. એ તપકીરનો કે બીડીના ધુમાડાનો આંચકો લાગતાંની સાથે એ લોકોને જાણે આનંદની થાપણ મળી જાય છે ! બીડીનું ઠૂંઠું મળતાં તેમના આનંદને જાણે સીમા રહેતી નથી. ટૉલ્સ્ટૉય લખે છે, ‘ એ બીડીના કેફમાં તે માણસ સહેજે કોઈકનું ખૂન પણ કરશે. ’ એક જાતનો નશો જ છે.
આવા આનંદમાં માણસ કેમ તલ્લીન થઈ જાય છે ? સાચા આનંદનો તેને પત્તો નથી તેથી. માણસ પડછાયાથી ભૂલીને તેની પાછળ પડયો છે. આજે પંચજ્ઞાનેન્દ્રિયોના આનંદનો જ તે ઉપભોગ કરે છે. જોવાની આંખની ઈન્દ્રિય ન હોત તો તે એમ માનત કે દુનિયામાં ઈન્દ્રિયોના ચાર જ આનંદ છે. કાલે મંગળના ગ્રહ પરથી છ જ્ઞાનેન્દ્રિયોવાળો મારણસ પૃથ્વી પર ઊતરે તો આ પાંચ જ્ઞાનેન્દ્રિયવાળાં દિલગીર થઈને રડતાં રડતાં કહેશે, ‘ અરે ! આને મુકાબલે આપણે કેટલા દૂબળા ! ’
Page – 84 – અધ્યાય – ૭ – પ્રકરણ – ૩૩ – ભક્તિ વડે થતો વિશુદ્ધ આનંદનો લાભ

સૃષ્ટિમાં રહેલો સંપૂર્ણ અર્થ પંચજ્ઞાનેન્દ્રિયોને ક્યાંથી સમજાશે ? તેમાંયે વળી પંચવિષયોમાંથી પોતાની ખાસ પસંદગી કરી માણસ બિચારો તેમાં રમમાણ થઈ જાય છે. ગધેડાનું ભૂંકેલું કાનમાં પેસે છે તો કહે છે, અશુભ કાનમાં પેઠું ! અને તારૂં દર્શન થવાથી તે ગધેડાનું કંઈ અશુભ નહીં થાય કે ? તને માત્ર નુકસાન થાય છે, તારે લીધે બીજાને નુકસાન થતું હોય કે ? માની લે છે કે ગધેડાનું ભૂંકેલું અશુભ છે ! એક વખત હું વડોદરાની કૉલેજમાં હતો ત્યારે યુરોપિયન ગવૈયા આવ્યા હતા. સારા ગાનારા હતા. પોતાની કળા બતાવવામાં કમાલ કરતા હતા. પણ હું ત્યાંથી ક્યારે નાસવાનું મળે તેની વાટ જોતો હતો ! તે ગાયન સાંભળવાની મને ટેવ નહોતી. એટલે તેમને મેં નાપાસ કરી નાખ્યા. આપણા ગવૈયા ત્યાં જાય તો કદાચ ત્યાં નાપાસ થાય. સંગીતથી એક જણને આનંદ થાય ચે ને બીજાને થતો નથી. એટલે એ સાચો આનંદ નથી. એ નકલી આનંદ છે. ખરા આનંદનું દર્શન નથી થયું ત્યાં સુધી આપણે એ છેતરનારા આનંદ પર ઝોલાં ખાતા રહીશું. સાચું દૂધ મળ્યું નહોતું ત્યાં સુધી અશ્વત્થામા પાણીમાં ભેળવેલો લોટ દૂધ સમજીને પી જતો. તે જ પ્રમાણે સાચું સ્વરૂપ તમે સમજશો, તેનો આનંદ એક વાર ચાખશો એટલે પછી બીજું બધું ફીકું લાગશે.
8. એ ખરા આનંદને શોધી કાઢવાનો ભક્તિ ઉત્તમમાં ઉત્તમ માર્ગ છે. એ રસ્તે આગળ જતાં જતાં પરમેશ્વરી કુશળતા સમજાશે. તે દિવ્ય કલ્પના આવ્યા પછી બાકીની બીજી બધી કલ્પનાઓ આપોઆપ ઓસરી જશે. પછી ક્ષુદ્ર આકર્ષણ રહેશે નહીં. પછી જગતમાં એક જ આનંદ ભરેલો દેખાશે. મીઠાઈની સેંકડો દુકાનો હોય છતાં મીઠાઈનો આકાર એકનો એક જ હોય છે. જ્યાં લગી સાચી વસ્તુ મળી નથી ત્યાં સુધી આપણે ચંચળ ચકલાંની માફક એક દાણો અહીંથી ખાશું, એક ત્યાંથી ખાશું, ને એમ ને એમ કરતા રહીશું. સવારે હું તુલસીરામાયણ વાંચતો હતો. દીવાની પાસે જીવડાં એકઠાં થયાં હતાં. ત્યાં પેલી ગરોળી આવી. મારા રામાયણનું તેને શું ? જીવડાં જોઈ તેના આનંદનો પાર નહોતો. તે જીવડું ઝડપી લેવા જતી હતી ત્યાં મેં જરા હાથ હલાવ્યો એટલે જતી રહી. પણ તેનું બધું ધ્યાન તે જીવડાંમાં ચોંટેલું હતું.
Page – 85 – અધ્યાય – ૭ – પ્રકરણ – ૩૩ – ભક્તિ વડે થતો વિશુદ્ધ આનંદનો લાભ

મેં મારી જાતને પૂછ્યું, અલ્યા, પેલું જીવડું ખાશે કે ? એને જોઈને તારા મોંમાં પાણી આવે છે કે ? મારા મોંમાં પાણી છૂટ્યું નહોતું. મને જે રસ હતો તેનો એ ગરોળીને થોડો જ ખ્યાલ હતો ? તેને રામાયણમાંનો રસ ચાખતાં આવડતું નહોતું. તે ગરોળીના જેવી આપણી દશા છે. તરેહતરેહના અનેક રસોમાં આપણે ડૂબેલા છીએ. પણ સાચો રસ મળે તો કેવી મજા આવે ?  એ સાચો રસ ચાખવાનો મળે તે માટેનું એક સાધન ભક્તિ છે. તે ભગવાન હવે બતાવે છે.
Page – 85 – અધ્યાય – ૭ – પ્રકરણ – ૩૪ – સકામ ભક્તિ પણ કીમતી છે

૩૪. ભગવાને ભક્તના ત્રણ પ્રકાર કહ્યા છેઃ ૧. સકામ ભક્તિ કરનારો, ૨. નિષ્કામ પણ એકાંગી ભક્તિ કરનારો અને ૩. જ્ઞાની એટલે સંપૂર્ણ ભક્તિ કરનારો. નિષ્કામ પણ એકાંગી ભક્તિ કરનારાઓમાં પાછા ત્રણ પ્રકાર છેઃ ૧. આર્ત, ૨. જિજ્ઞાસુ અને ૩. અર્થાર્થી. ભક્તિવૃક્ષની આવી જુદી જુદી શાખાઓ છે.
સકામ ભક્તિ કરનારો એટલે શું ? કંઈક ઈચ્છા મનમાં રાખી પરમેશ્વર પાસે જનારો. આ ભક્તિ ઊતરતા પ્રકારની છે એથી હું તેની નિંદા નહીં કરૂં. ઘણા લોકો માનઆબરૂ મળે એટલા સારૂ સાર્વજનિક સેવામાં જોડાય છે. તેમાં બગડ્યું શું ? તમે તેને માન આપો, સારૂં સરખું માન આપો. માન આપવાથી કંઈ બગડવાનું નથી. એવું માન મળતું રહેવાથી આગળ ઉપર એ લોકો સાર્વજનિક સેવામાં સ્થિર થઈ જશે. પછી એ કામમાં જ તેમને આનંદ પડવા માંડશે. માન મળવું જોઈએ એવું લાગે છે તેનો અર્થ શો ? એનો અર્થ એટલો કે આપણે જે કામ કરીએ છીએ તે સારામાં સારૂં છે એવી માન મળવાથી ખાતરી થાય છે. પોતાની સેવા સારી છે કે નરસી એ સમજવાને જેની પાસે અંદરનું સાધન નથી તેને આ બહારના સાધન પર ભરોસો રાખીને ચાલવું પડે છે. મા દીકરાને શાબાશી આપે છે એટલે તેને માનું વધારે કામ કરવાની લાગણી થાય છે.
Page – 86 – અધ્યાય – ૭ – પ્રકરણ – ૩૪ – સકામ ભક્તિ પણ કીમતી છે

સકામ ભક્તિનું એવું જ છે. સકામ ભક્ત સીધો ઈશ્વરને જઈને કહેશે, ‘ આપ. ’ ઈશ્વર પાસે જઈને બધું માગવું એ વાત સામાન્ય નથી. એ અસામાન્ય વાત છે. જ્ઞાનદેવે નામદેવને પૂછ્યું, ‘ જાત્રાએ આવે છે કે ? ’ નામદેવે પૂછ્યું, ‘ જાત્રા શા સારૂ ? ’ જ્ઞાનદેવે કહ્યું, ‘ સાધુસંતોને મળવાનું થશે. ’ નામદેવે કહ્યું, ‘ દેવને પૂછી આવું. ’ નામદેવ મંદિરમાં જઈ દેવની સામે ઊભો રહ્યો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં. દેવનાં બંને ચરણ તરફ તે તાકી રહ્યો. છેવટે  રડતાં રડતાં તેણે પૂછ્યું, ‘ દેવ, હું જાઉં ? ’ જ્ઞાનદેવ પાસે જ હતા. આ નામદેવને શું તમે ગાંડો કહેશો ? ઘેર સ્ત્રી ન હોય તેટલા માટે રડનારા કંઈ ઓછા નથી. પણ ઈશ્વરની પાસે જઈ રડનારો ભક્ત સકામ હશે તોયે તે અસામાન્ય છે. ખરેખર માગવા જેવી વસ્તુ તે માગતો નથી એ તેનું અજ્ઞાન છે. પણ તેથી તેની સકામ ભક્તિ ત્યાજ્ય સાબિત થતી નથી. 9.
10. સ્ત્રીઓ સવારે વહેલી ઊઠીને નાના પ્રકારનાં વ્રતો કરે છે, દીવો કરી આરતી ઉતારે છે, તુળસીની પ્રદક્ષિણા કરે છે. શાને સારૂ ? મરી ગયા પછી ઈશ્વર કૃપા કરે તે સારૂ. એમની  એ સમજ ગાંડીઘેલી હશે. પણ તેટલા ખાતર તે વ્રત, ઉપવાસ અને તપ વગેરે કરે છે. એવાં વ્રતશીલ કુળમાં મોટા પુરૂષો જન્મ લે છે. તુલસીદાસના કુળમાં રામતીર્થ જન્મ્યા. રામતીર્થ ફારસી ભાષાના વિદ્વાન હતા. કોઈએ કહ્યું, ‘ તુલસીદાસના કુળમાંના તમે અને તમને સંસ્કૃત ન આવડે એ કેવું ? ’ રામતીર્થના મન પર આ વચનની અસર થઈ. કુળની સ્મૃતિમાં એટલું સામર્થ્ય હતું. આગળ ઉપર રામતીર્થે એ પ્રેરણાથી સંસ્કૃતનો અભ્યાસ કર્યો. સ્ત્રીઓ જે ભક્તિ કરે છે તેની ઠેકડી ન ઉડાવીએ. ભક્તિના આવા કણકણનો જ્યાં સંઘરો થાય છે ત્યાં તેજસ્વી સંતતિ પેદા થાય છે. તેથી ભગવાન કહે છે, ‘ મારો ભક્ત સકામ હશે તો પણ હું તેની ભક્તિ દ્રઢ કરીશ. તેના મનમાં ગોટાળા પેદા નહીં કરૂં. હે ઈશ્વર ! મારો રોગ મટાડ એવું તે તાલાવેલીથી કહેશે તો તેની આરોગ્યની ભાવના કેળવીને હું તેનો રોગ મટાડીશ. ગમે તે મિષે તે મારી પાસે આવશે તોયે હું તેની પીઠ પર હાથ ફેરવી તેની કદર કરીશ. ’ ધ્રુવની વાત યાદ કરો.
Page – 87 – અધ્યાય – ૭ – પ્રકરણ – ૩૪ – સકામ ભક્તિ પણ કીમતી છે

બાપના ખોળામાં બેસવાનું મળ્યું નહીં એટલે તેની માએ તેને કહ્યું કે ‘ ઈશ્વર પાસે માગ. ’ તેણે ઉપાસના કરવા માંડી. ઈશ્વરે તેને અવિચળ પદવી આપી. મન નિષ્કામ નહીં હોય તોયે શું થયું ? માણસ કોની પાસે જાય છે ને કોની પાસે માગે છે એ વાત મહત્વની છે. દુનિયાની આગળ મોઢું લાચાર કરવાને બદલે ઈશ્વરને આજીજી કરવાની વૃત્તિ મહત્વની છે.
11. કોઈ પણ બહાને ભક્તિના મંદિરમાં એકવાર પગ મૂક એટલે પત્યું. શરૂઆતમાં કામનાના માર્યા આવશો તોયે આગળ ઉપર નિષ્કામ થયા વગર રહેશો નહીં. પ્રદર્શનમાં નમૂનાઓ ગોઠવીને સંચાલક કહે છે, ‘ અરે જરા આવીને જુઓ તો ખરા, કેવી મજાની ખાદી નીકળવા માંડી છે ! આ જુઓ જુદા જુદા નમૂના. ’ પછી માણસ ત્યાં જાય છે. તેના મન પર અસર થયા વગર રહેતી નથી. એવું જ ભક્તિનું છે. ભક્તિના મંદિરમાં એક વાર દાખલ થશો એટલે ત્યાંનું સૌંદર્ય અને સામર્થ્ય ઓળખવાનું મળશે. સ્વર્ગમાં જતી વખતે ધર્મરાજ યુધિષ્ઠિરની સાથે એકલો કૂતરો રહ્યો. ભીમ, અર્જુન બધાં રસ્તામાં ગળી પડ્યાં. સ્વર્ગને બારણે પહોંચતાં ધર્મને કહેવામાં આવ્યું, “ તને દાખલ થવા દેવાશે, કૂતરાને મનાઈ છે.” ધર્મે કહ્યું, “ મારા કૂતરાને દાખલ થવાનું નહીં મળતું હોય તો મારેયે દાખલ થવું નથી. ” અનન્ય સેવા કરનારો ભલે કૂતરો કેમ ન હોય પણ બીજા મૂછ પર લીંબુ ઠેરવનારા કરતાં ચડિયાતો છે. તે કૂતરો ભીમ ને અર્જુન કરતાં પણ ચડિયાતો સાબિત થયો. પરમેશ્વરની પાસે જનારૂં જીવડું કેમ ન હોય પણ તે તેની પાસે ન જનારા ભલભલા મોટાઓ કરતાં પણ મોટું છે. મંદિરમાં પેસતાં જ જોશો તો કાચબો બેસાડેલો હોય છે, પોઠિયો હોય છે. પણ સૌ કોઈ નમસ્કાર કરે છે. તે સામાન્ય બળદ નથી. તે ઈશ્વરની સામે બેસનારો છે. બળદ હશે તોયે તે ઈવરનો છે એ વાત ભૂલી નહીં શકાય. ભલભલા અક્કલવાળા ડાહ્યા કરતાં તે ચડિયાતો છે. ઈસ્વરનું સ્મરણ કરનારો મૂરખ જીવ વિશ્વને વંદન કરવા લાયક બને છે.
12. એક વખત હું રેલવે ગાડીમાં જતો હતો. ગાડી જમનાના પુલ પર આવી. મારી પાસે બેઠેલા ઉતારૂએ દિલમાં ઉમળકો આવ્યો એટલે એક પૈસો નદીમાં નાખ્યો.
Page – 88 – અધ્યાય – ૭ – પ્રકરણ – ૩૪ – સકામ ભક્તિ પણ કીમતી છે

પાસે બીજા એક ચીકણા ટીકાખોર ગૃહસ્થ બેઠા હતા. તે બોલ્યા, “ મૂળમાં દેશ આપણો ગરીબ અને આવા લોકો નકામા પૈસા ફેંકી દે છે. ” મેં તેમને કહ્યું, “ તમે એ ભાઈનો હેતુ સમજ્યા નથી. જે ભાવનાથી તેણે એ પૈસો ફેંક્યો તેની કિંમત બેચાર પૈસા ખરી કે નહીં ? બીજા સારા કામમાં એ પૈસા તેણે વાપર્યા હોત તો વધારે સારૂં દાન થાત. પણ એ બધી વાત પછી. પરંતુ આ નદી એટલે જાણે કે ઈશ્વરની કરૂણા વહી રહી છે એમ માની એ ભાવિકના મનમાં કંઈક ભાવના ઉત્પન્ન થઈ અને તેણે ત્યાગ કર્યો. એ ભાવનાને તમારા અર્થશાસ્ત્રમાં કંઈ સ્થાન ખરૂં કે ? પોતાના મુલકની એક નદીના દર્શનથી તેનું દિલ પીગળ્યું. એ ભાવના તમને સમજાશે પછી હું તમારી દેશભક્તિની પરખ કરીશ. ” દેશભક્તિ એટલે શું કેવળ રોટલો ? દેશની એક મહાન નદી જોઈને લાવ બધી સંપત્તિ તેમાં ડુબાવી દઉં, તેના ચરણમાં અર્પણ કરૂં એવું મનમાં થાય એ કેવડી મોટી દેશભક્તિ છે ! એ બધાયે પૈસા, પેલા ધોળા, લાલ ને પીળા પથરા, પેલા દરિયાના જીવોની વિષ્ટામાંથી બનેલાં મોતી ને પરવાળાં, એ બધાંયની પાણીમાં ડુબાડવા જેટલી જ કિંમત છે. પરમેશ્વરના ચરણ પાસે એ બધી ધૂળને તુચ્છ લેખજો. તમે કહેશો, નદીનો ને ઈશ્વરના ચરણનો આ સંબંધ વળી ક્યાંથી લાવ્યા ? તમારી સૃષ્ટિમાં ઈશ્વરનો સંબંધ ક્યાંય છે ખરો કે ? નદી એટલે શું ?  ઑક્સિજન અને હાઈડ્રોજન. સૂર્ય એટલે કિટસનની ઘણી મોટી બત્તીનો એક નમૂનો. તેને નમસ્કાર કેવા કરવાના ? નમસ્કાર એક તમારા રોટલાને. તો પછી તમારા એ રોટલામાંયે શું છે ? એ રોટલો એટલે પણ આખરે એક ધોળી માટી જ ને ? તેને માટે શા સારૂ મોંમાં પાણી આણો છો ? આવડો મોટો આ સૂર્ય ઊગ્યો છે, આવી આ સુંદર નદી દેખાય છે, એમાં પરમેશ્વરનો અનુભવ નહીં થાય તો ક્યાં થશે ? પેલો અંગ્રેજ કવિ વર્ડઝવર્થ દુઃખી દિલથી ગાય છે, ‘ પહેલાં હું મેઘધનુષ જોતો તેયારે નાચી ઊઠતો. મારા દિલમાં ઉમળકો આવતો. આજે હવે હું કેમ નાચી ઊઠતો નથી ? પહેલાંના જીવનની માધુરી ખોઈને હું જડ પથરો તો નથી બની ગયો ? ’
Page – 89 – અધ્યાય – ૭ – પ્રકરણ – ૩૪ – સકામ ભક્તિ પણ કીમતી છે

ટુંકમાં, સકામ ભક્તિ અથવા અણઘડ માણસની ભાવનાનું પણ ઘણું મહત્વ છે. સરવાળે તેમાંથી મહાન સામર્થ્ય નીપજે છે. જીવ ગમે તે હોય ને ગમે તેવડો હોય પણ પરમેશ્વરના દરબારમાં એક વાર પેઠો એટલે તે માન્ય થયો. અગ્નિમાં ગમે તેવું લાકડું નાખશો પણ તે સળગી ઊઠ્યા વગર નહીં રહે. પરમેશ્વરની ભક્તિ એ અપૂર્વ સાધના છે. સકામ ભક્તિની પણ ઈશ્વર કદર કર્યા વગર રહેતો નથી. આગળ ઉપર તે જ ભક્તિ નિષ્કામ થઈને પૂર્ણતા તરફ જશે.
Page – 89 – અધ્યાય – ૭ – પ્રકરણ – ૩૫ – નિષ્કામ ભક્તિના પ્રકાર અને પૂર્ણતા

૩૫. સકામ ભક્ત એ એક પ્રકાર થયો. હવે નિષ્કામ ભક્તિ કરનારાને જોઈએ. એમાં વળી એકાંગી ને પૂર્ણ એવા બે પ્રકાર છે. અને એકાંગીમાં પાછી ત્રણ જાત છે. પહેલી જાત આર્ત ભક્તોની. આર્ત એટલે ભીનાશ જોનારો, ઈશ્વરને માટે રડનારો, વિહવળ થનારો, જેવા કે નામદેવ. એ ઈશ્વરનો પ્રેમ ક્યારે મળે, તેને ગળે વળગીને ક્યારે ભેટું, તેના પગમાં ક્યારે જડાઈ જાઉં, એવી તાલાવેલીવાળો છે. હરેક કાર્યમાં આ ભક્ત લાગણી છે કે નહીં, પ્રેમ છે કે નહીં એવી ભાવનાથી જોશે.    13.
14. બીજી જાત છે જિજ્ઞાસુની. આ જાતના નમૂના હાલમાં આપણા મુલકમાં ઝાઝા જોવાના મળતા નથી. એમાંના કોઈ ગૌરીશંકર ફરી ફરીને ચડશે ને તેમાં ખપી જશે. બીજા વળી ઉત્તર ધ્રુવની શોધને માટે નીકળશે અને પછી પોતાની શોધનું બ્યાન કાગળ પર નોંધી તે કાગળ શીશીમાં ઘાલી તેને પાણીમાં તરતી છોડી મરી જશે. કોઈ વળી જ્વાળામુખીની અંદર ઊતરશે. હિંદુસ્તાનમાં લોકોને મરણ એટલે જાણે મોટો હાઉ એવું થઈ ગયું છે. પોતાના કુટુંબનું ભરણપોષણ કરવું એ વગર બીજો કોઈ પુરૂષાર્થ જાણે એ લોકોને માટે રહ્યો નથી ! જિજ્ઞાસુ ભક્તની પાસે અદમ્ય જિજ્ઞાસા હોય છે. તે હરેક વસ્તુના ગુણધર્મની ખોજમાં રહે છે. માણસ નદીમુખેથી સાગરને મળે છે તેમ આ જિજ્ઞાસુ પણ છેવટે પરમેશ્વરને મળશે.
15. ત્રીજી જાત રહી અર્થાર્થીની. અર્થાર્થી એટલે હરેકહરેક વાતમાં અર્થ જોનારો. અર્થ એટલે પૈસો નહીં. અર્થ એટલે હિત, કલ્યાણ. દરેક બાબતની પરીક્ષા કરતી વખતે ‘ આનાથી સમાજનું કલ્યાણ શું થશે ? ’ એ કસોટી તે રાખશે. મારૂં લખાણ, મારૂં ભાષણ, મારૂં બધુંયે કર્મ જગતના માંગલ્ય અર્થે છે કે નથી એ વાત તે જોશે.
Page – 90 – અધ્યાય – ૭ – પ્રકરણ – ૩૫ – નિષ્કામ ભક્તિના પ્રકાર અને પૂર્ણતા

નિરૂપયોગી, અહિતકર ક્રિયા તેને પસંદ નથી. જગતના હીતની ફિકર રાખનારો આ કેવો મોટો મહાત્મા છે ! જગતનું કલ્યાણ એ જ તેનો આનંદ છે. બધી ક્રિયાઓ તરફ પ્રેમની દ્રષ્ટિથી જોનારો તે આર્ત, જ્ઞાનની દ્રષ્ટિથી જોનારો તે જિજ્ઞાસુ અને સર્વના કલ્યાણની દ્રષ્ટિથી જોનારો તે અર્થાર્થી છે.
16. આ ત્રણે જાતના ભક્તો નિષ્કામ ખરા પણ એકાંગી છે. એક કર્મ મારફતે, બીજો હ્રદય મારફતે ને ત્રીજો બુદ્ધિ મારફતે ઈશ્વરની પાસે પહોંચે છે. હવે રહ્યો તે પ્રકાર પૂર્ણ ભક્તનો. એને જ જ્ઞાની ભક્ત કહી શકાય. એ ભક્તને જે દેખાશે તે બધુંયે ઈશ્વરનું સ્વરૂપ હશે. કુરૂપ-સુરૂપ, રાવ-રંક, સ્ત્રી-પુરૂષ, પશુ-પક્ષી બધાંમાં તેને પરમાત્માનું પાવન દર્શન થાય છે.
‘ नर नारी बाळें अवधा नारायण । ऐसें माझें मन करीं देवा । ’
— નર, નારી, બાળ બધાંયે નારાયણ છે એવું હે પ્રભુ ! મારૂં મન બનાવી દે. આવી તુકારામ મહારાજની પ્રાર્થના છે. નાગની પૂજા, હાથીના મોઢાવાળા દેવની પૂજા, ઝાડની પૂજા એવા એવા પાગલપણાના જે નમૂના હિંદુધર્મમાં છે તેના કરતાંયે આ જ્ઞાની ભક્તમાં પાગલપણાની કમાલ થયેલી જોવાની મળે છે. તેને ગમે તે મળો, કીડીમકોડીથી માંડીને તે ચંદ્રસૂર્ય સુધી, સર્વત્ર તેને એક જ પરમાત્મા દેખાય છે ને તેનું દિલ આનંદથી ઊભરાય છે. –
‘ मग तया सुखा अंत नाहीं पार । आनंदें सागर हेलावती ।। ’
— પછી તેને પાર વગરનું સુખ મળે છે, આનંદથી તેના હ્રદયનો સાગર હિલોળે ચડે છે. આવું આ જે દિવ્ય અને ભવ્ય દર્શન છે તેને જોઈએ તો ભ્રમ કહો, પણ એ ભ્રમ સુખનો રાશિ છે, આનંદનો અપાર સંઘરો છે. ગંભીર સાગરમાં એને ઈશ્વરનો વિલાસ દેખાય છે. ગાયમાં તેને ઈશ્વરની વત્સલતાનો અનુભવ થાય છે, પૃથ્વીમાં તેને તેની ક્ષમતાનું દર્શન થાય છે, નિરભ્ર આકાશમાં તે તેની નિર્મળતા જુએ છે, રવિચંદ્રતારામાં તેને તેનું તેજ ને ભવ્યતા દેખાય છે, ફૂલોમાં તે તેની કોમળતાનો અનુભવ કરે છે, અને દુર્જનમાં તે પોતાની કસોટી કરનારા ઈશ્વરનું દર્શન કરે છે. આમ એક પરમાત્મા સર્વત્ર રમી રહ્યો છે એમ જોવાનો જ્ઞાની ભક્તનો અભ્યાસ કાયમ ચાલુ રહે છે. એવો અભ્યાસ કરતો કરતો એક દિવસ તે ઈશ્વરમાં મળી જાય છે.
                

Advertisements