અધ્યાય પાંચમો : બેવડી અકર્મ અવસ્થા : યોગ અને સંન્યાસ –૪૩ – ૬૨
Page – 43 – અધ્યાય – ૫ – પ્રકરણ – ૧૭ – મનની આરસી – બાહ્યકર્મ

અધ્યાય પાંચમો

બેવડી અકર્મ અવસ્થા : યોગ અને સંન્યાસ

૧૭. સંસાર બહુ ભયાનક ચીજ છે. ઘણી વાર તેને સમુદ્રની ઉપમા આપવામાં આવી છે. સમુદ્રમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાય છે. સંસારનું પણ એવું જ છે. સંસાર બધે ઠેકાણે ભરેલો છે. કોઈ એક જણ ઘરબાર છોડી જાહેર કામમાં પડે છે તો ત્યાં પણ સંસાર તેના મનમાં અડ્ડો જમાવીને બેઠેલો જ હોય છે. બીજો કોઈ વળી ગુફામાં જઈ બેસે છે તો ત્યાં પણ તેની વેંતભર લંગોટીમાં સંસાર ભારોભાર ભરેલો હોય છે. પેલી લંગોટી તેની માયામમતાનું સારસર્વસ્વ થઈ બેસે છે. નાની સરખી નોટમાં જેમ હજાર રૂપિયા ભરેલા હોય છે તેમ એ નાનકડી લંગોટીમાં પણ પાર વગરની આસક્તિ ભરેલી હોય છે. વિસ્તાર છોડો, ફેલાવો ઓછો કરો તેટલાથી સંસાર ઓછો થતો નથી. દસપચીસાંશ શું કે બેપંચમાંશ શું, બંનેનો અર્થ એક જ છે. ઘરમાં બેસો કે વનમાં બેસો, આસક્તિ કેડો છોડતી નથી, પાસે ને પાસે રહે છે. સંસાર લેશમાત્ર ઓછો થતો નથી. બે યોગી હિમાલયની ગુફામાં જીને બેસે છતાં ત્યાંયે એકબીજાની કીર્તિ કાને પડતાંવેંત બળી ઊઠે છે. સાર્વજનિક સેવામાં પણ આવું જ જોવાનું મળે છે.        1.
Page – 44 – અધ્યાય–૫– પ્રકરણ–૧૭– મનની આરસી – બાહ્યકર્મ
2. સંસાર આમ ખાઈપીને આપણી પાછળ પડેલ હોવાથી આપણે આપણી જાત પર સ્વધર્માચરણની મર્યાદા મૂકી હોય છતાં ત્યાંયે સંસાર છૂટતો નથી. અનેક ઊથલપાથલ કરવાનું છોડી, બીજો વિસ્તાર ઘટાડી પોતાનો સંસાર આપણે ટૂંકો કરીએ છતાં ત્યાંયે બધી માયામમતા ભરાઈ રહે છે. રાક્ષસ જેમ નાના થઈ જતા ને વળી મોટી થતા તેવું સંસારનું છે. નાના થાય કે મોટા થાય પણ આખરે રાક્ષસ તે રાક્ષસ. સંસારનું દુર્નિવારપણું હવેલીમાં કે ઝૂંપડીમાં સરખું છે. સ્વધર્મનું ધન મૂકી સંસાર પ્રમાણસરનો કરવા છતાં ત્યાંયે અનેક ઝઘડા ઊભા થયા વગર રહેતા નથી, અને તમને થઈ જાય છે કે હવો આ નથી જોઈતું. ત્યાં પણ અનેક વ્યક્તિઓ ને અનેક સંસ્થાઓ સાથે સંબંધમાં આવવું પડે છે અને તમે ત્રાસી જાઓ છો. તમને થાય છે કે આ હવે બહુ થયું. હવે નહીં જોઈએ. પણ તમારા મનની કસોટી એ વખતે થાય છે. સ્વધર્મનું આચરણ કરવા માંડવામાત્રથી અલિપ્તતા કેળવાઈ જતી નથી. કર્મનો પસારો ઘટાડ્યો એટલે ચાલો અલિપ્ત થઈ ગયા, એવું નથી.
3. ત્યારે અલિપ્તપણું મેળવવું કેવી રીતે ? તે માટે મનોમય પ્રયત્નની જરૂર છે. મનના સહકાર વગર કોઈ વાત પાર પડતી નથી. માબાપ કોઈક સંસ્થામાં પોતાના છોકરાને મૂકી આવે છે. ત્યાં તે પો ફાટતાં ઊઠે છે, સૂર્યનમસ્કારની કસરત કરે છે, અને ચા પીતો નથી. પણ ઘેર આવી બે દિવસમાં તે એ બધું છોડી દે છે એવો એનુભવ થાય છે. માણસ કંઈ માટીનો પિંડો નથી. જે ઘાટ તેના મનને આપવા ધારો તે તેના મનમાં પહેલાં ઊતરવો જોઈએ ખરો કે નહીં ? મન તે ઘાટમાં બેસે નહીં તો બહારની પેલી બધી તાલીમ નકામી ગઈ એમ કહેવું જોઈએ. એટલા સારૂ સાધનામાં માનસિક સહકારની ખૂબ જરૂર રહે છે.
Page – 45 – અધ્યાય–૫– પ્રકરણ–૧૭– મનની આરસી – બાહ્યકર્મ

4. સાધન માટે બાહ્ય સ્વધર્માચરણ અને અંદરથી મનનું વિકર્મ બંને જોઈએ. બાહ્ય કર્મની પણ જરૂર છે. કર્મ કર્યા વગર મનની પરીક્ષા થતી નથી. સવારના પ્રશાંત પહોરે આપણું મન અત્યંત શાંત હોય એમ લાગે છે. પણ છોકરૂં જરા રડ્યું કે પછી મનની એ શાંતિની કિંમત કેટલી તે પરખાઈ જશે. બાહ્ય કર્મો ટાળવાથી કશો અર્થ સરતો નથી. બાહ્ય કર્મોમાં આપણા મનનું સ્વરૂપ ખુલ્લું થાય છે. ખાબોચિયાનું પાણી ઉપરથી નિર્મળ દેખાય છે. પણ અંદર પથરો નાખો. નાખતાંવેંત ગંદવાડ ઉપર તરી આવશે. આપણા મનનું પણ એવું છે. મનના અંતઃસરોવરમાં ઢગલેઢગલા ગંદવાડ સંઘરાયેલો પડેલો હોય છે. બહારની વસ્તુ સાથે સંબંદમાં આવતાંની સાથે એ ગંદવાડ ઉઘાડો દેખાઈ આવે છે. આપણે કહીએ છીએ કે ફલાણાને ગુસ્સો આવ્યો. એ ગુસ્સો શું બહારથી આવ્યો ? તે મૂળે અંદર જ હતો. મનમાં ન હોત તો બહાર દેખાત ક્યાંથી ?
લોકો કહે છે કે, ‘ અમારે સફેદ ખાદી નથી જોઈતી. તે મેલી થાય છે. રંગીન ખાદી મેલી નથી થતી. ’ રંગીન પણ મેલી થાય છે પણ તેવી દેખાતી નથી. ધોળી ખાદી મેલી થયેલી વરતાઈ આવે છે. તે બોલે છે, ‘ હું મેલી થઈ છું. મને ધુઓ. ’ આવી આ બોલકી ખાદી માણસને ગમતી નથી. એવી જ રીતે આપણું કર્મ પણ બોલે છે. તમે મિજાજી હો કે સ્વાર્થી હો કે બીજું ગમે તે હો, તે બધુંયે તમારૂં કર્મ ખુલ્લું કરી દેખાડે છે. કર્મ આપણું અસલ સ્વરૂપ દેખાડનારી આરસી છે. એ સારૂ કર્મનો આભાર માનવો જોઈએ. આરસીમાં મોઢું મેલું દેખાય તેથી શું આપણે આરસી ફોડી નાખીશું ? ના. ઊલટું તે આરસીનો આભાર માનીશું. પછી મોઢું ચોખ્ખું કરી પાછું તેમાં જોઈશું. તે પ્રમાણે આપણા મનમાંનો મળ કર્મ વડે બહાર આવે છે તેથી શું તેને ટાળવાનું હોય ? એ કર્મ ટાળવાથી, તેનાથી અળગા રહેવાથી મન નિર્મળ થવાનું છે ? એથી કર્મ કરતાં રહેવું જોઈએ અને નિર્મળ થાય તે માટેની કોશિશમાં મંડ્યા રહેવું જોઈએ.
5. કોઈક માણસ ગુફામાં જઈને બેસે છે. ત્યાં તેને કોઈનાયે સંબંધમાં આવવું પડતું નથી. તેને થાય છે, ચાલો આપણે તદ્દન શાંતમતિ થયા. એને ગુફા છેડી કોઈક ઘેર ભિક્ષા માગવાને જવા દો પછી જુઓ શું થાય છે તે.
Page – 46 – અધ્યાય–૫– પ્રકરણ–૧૭– મનની આરસી – બાહ્યકર્મ

ત્યાં એકાદ રમતિયાળ છોકરૂં બારણાની સાંકળ ખખડાવીને રમે છે. તે બાળબ્રહ્મ નાદબ્રહ્મમાં લીન છે. પણ એ નિષ્પાપ બાળકની સાંકળ ખખડાવવાની ક્રિયા પેલા યોગીથી સહેવાતી નથી. તે કહે છે, ‘ આ છોકરો કેવી ગરબડ મચાવે છે ! ’ ગુફામાં રહીને તેણે પોતાનું મન એટલું બધું નબળું પાડી દીધું છે કે જરા સરખો ધક્કો તેનાથી સહેવાતો નથી. જરા સાંકળ ખખડી કે ખલાસ, તેની શાંતિની બેટક તૂટી જાય છે. આવી દૂબળી સ્થિતિ કંઈ સારી નથી.
6. ટૂંકમાં, આપણા મનનું સ્વરૂપ સમજાય તે સારૂ કર્મ ઘણું ઉપયોગી છે. દોષ દેખાય તો તેને કાઢવાનું બની શકે. દોષ માલૂમ ન પડે તો પ્રગતિ અટકી જાય, વિકાસ થંભી જાય. કર્મ કરતાં દોષ દેખાશે. તેમને કાઢવાને વિકર્મની યોજના કરવી. અંદર આવી વિકર્મની કોશિશ રાતદિવસ ચાલુ રહે પછી કાળાંતરે સ્વધર્મનું આચરણ કરતાં કરતાં અલિપ્ત કેમ રહેવું, કામક્રોધાતીત, લોભમોહાતીત કેમ થવું એ બધું સમજાશે ને આવડશે. કર્મ નિર્મળ કરવાના એકધારા પ્રયાસમાં મંડ્યા રહેવાથી પછી તમારે હાથે નિર્મળ કર્મ સહેજે થવા માંડશે. નિર્વિકાર કર્મ આપમેળે સહજપણે થવા માંડશે એટલે પછી કર્મ ક્યારે થયું તેનો ખ્યાલ સરખો નહીં રહે. કર્મ સહજ થવાથી તેનું અકર્મ બને છે. સહજ કર્મને જ અકર્મ કહે છે એ આપણે ચોથા અધ્યાયમાં જોયું. કર્મનું અકર્મ કેવી રીતે બને છે તે વાત સંતોના ચરણ સેવવાથી સમજાય છે, એમ પણ ભગવાને ચોથા અધ્યાયને છેડે કહ્યું. આ અકર્માવસ્થાનું વર્ણન કરવાને વાણી અધૂરી પડે છે.
૧૮ . કર્મની સહજતા સમજવાને માટે એક જાણીતો દાખલો લઈએ. નાનું છોકરૂં પહેલવહેલું ચાલતાં શીખે છે તે વખતે તેને કેટલું કષ્ટ પડે છે ! તે ચાલે છે તેનું આપણે પણ કૌતુક કરીએ છીએ. આપણે કહીએ છીએ કે ભાઈ ચાલતો થયો ! પણ પછી તેનું ચાલવાનું સહજ થઈ જાય છે. એક તરફ ચાલે છે ને સાથે બીજી તરફથી વાતો કરતો જાય છે. ચાલવા તરફ તેને ધ્યાન સરખું રાખવું પડતું નથી. એવું જ ખાવાનું છે. નાના છોકરાને માટે આપણે પહેલું ખાતાં શીખવવાને અબોટણું એટલે અન્નપ્રાશન નામનો સંસ્કાર પણ કરીએ છીએ.
Page – 47 – અધ્યાય – ૫ – પ્રકરણ – ૧૮ – અકર્મદશાનું સ્વરૂપ

કેમ જાણે ખાવાનું એ કોઈ મોટું કામ ન હોય ! પણ પછી એ ખાવાની ક્રિયા સહજ કર્મ બની જાય છે. માણસ તરતાં શીખે છે ત્યારે તેને કેટલી મહેનત પડે છે ? શરૂઆતમાં તરતાં તરતાં તે થાકી જાય છે. પણ પાછળથી બીજી મહેનત કરીને થાકે છે ત્યારે કહે છે, ચાલો જરા તરવા જઈએ તો થાક ઊતરશે ને સારૂં લાગશે. પછી તે તરવાનું કાર્ય મહેનતનું લાગતું નથી. શરીર સહેજે પાણી પર તરે છે. થાકવાનો ધર્મ મનનો છે. મન જે તે કામમાં ગૂંથાયેલું હોય ત્યારે તેનો થાક ચડે છે. પમ કર્મો સહજ થવા લાગે છે ત્યારે તેનો ભાર લાગતો નથી. કર્મ જાણે કે અકર્મ બને છે. કર્મ આનંદમય બની જાય છે.    7.
8. કર્મનું અકર્મ બને એ આપણું ધ્યેય છે. એ ધ્યેય હાંસલ કરવાને સારૂ સ્વધર્માચરણરૂપી કર્મ કરવાનાં હોય છે. એ કર્મ કરતાં કરતાં દોષ દેખાય તે દૂર કરવાને વિકર્મને વળગી રહેવાનું છે. અને આવો અભ્યાસ પાડતાં પાડતાં મનની એક એવી બેઠક બંધાઈ જાય છે કે કર્મનો જરાસરકો ત્રાસ પડતો નથી. આપણે હાથે હજારો કર્મો થાય છતાં મન નિર્મળ, શાંત રહે છે. તમે આકાશને પૂછો, ‘ અરે ભાઈ આકાશ ! તું તડકાથી ચીમળાઈ જતું હશે ! ’ આકાશ શું કહેશે ? તે કહેશે, ‘ મને શું શું થતું હશે તે તમે જ નક્કી કરો. મને કશી ખબર નથી. ’
‘ पिसें नेसलें कीं नागवें । लोकीं येउन जाणावें । ’
— ગાંડાએ પહેરેલું છે કે નાગો છે તે લોકોએ આવીને જાણવું. ગાંડા માણસે લૂગડું ઓઢ્યું છે કે નાગો છે તે લોકોએ નક્કી કરવું. ગાંડાને તેનું ભાન હોતું નથી.
આખી વાતનો ભાવાર્થ એટલો કે સ્વધર્માચરણનાં કર્મો વિકર્મની સહાયથી નિર્વિકાર કરવાની ટેવ કેળવાતાં તે બધાં સ્વાભાવિક થઈ જાય છે. મોટા મોટા પ્રસંગો પણ પછી કઠણ લાગતા નથી. કર્મયોગની આવી આ કૂંચી છે. કૂંચી નહીં હોય તો તાળું તોડતાં હાથે ફોલ્લા ઊઠ્યા વગર નહીં રહે. પણ કૂંચી જડી કે એક ક્ષણમાં કામ ખલાસ ! કર્મયોગની આ કૂંચીને લીધે બધાં કર્મો નિરૂપદ્રવી લાગે છે.
Page – 48 – અધ્યાય – ૫ – પ્રકરણ – ૧૮ – અકર્મદશાનું સ્વરૂપ

આ કૂંચી મનને જીતવાથી મળે છે. મનોજયને સારૂ એકધારી ને ચીવટથી કોશિશ કરવી જોઈએ. કર્મ આચરતાં આચરતાં મનના જે મેલ દેખાય તે બધા ધોઈ કાઢવાના પ્રયત્નમાં મંડ્યા રહેવું જોઈએ. એ પછી બાહ્ય કર્મો ત્રાસરૂપ લાગતાં નથી. કર્મનો અહંકાર ખુદ નાબૂદ થાય છે. કામક્રોદના વેગ નાશ પામે છે. કલેશનો ખ્યાલ સરખો રહેતો નથી. અરે, ખુદ કર્મ કર્યાનો ખ્યાલ પણ બાકી રહેતો નથી.
9. એક વાર મને એક ભલા માણસે કાગળ લખ્યો કે, ‘ અમુક આટલા રામનામના જપ કરવાના છે. તમે પણ તેમાં ભાગ લેજો અને રોજ કેટલા જપ કરશો તે તજણાવજો. ’ તે ભાઈ પોતાની સમજ મુજબ આ બધી મહેનત કરતા હતા. હું આ તેનો દોષ કાઢવાને નથી કહેતો. પણ રામનામ કંઈ ગણવાની ચીજ નથી. મા પોતાના બાળકની સેવા કરે છે. તે શું તેનો રિપોર્ટ પ્રસિદ્ધ કરે છે ? રિપોર્ટ પ્રસિદ્ધ કરે તો ‘ थेँक यू ’ કહીને તેના ઋણમાંથી તાબડતોબ છૂટા થવાય. પણ મા પોતાની સેવાનો રિપોર્ટ આપતી નથી. તે કહે છે, ‘ મેં શું કર્યું ? મેં કંઈ કર્યું નથી. મેં કર્યું તેનો શું મને કંઈ ભાર લાગ્યો ? ’ વિકર્મની મદદથી મન પરોવીને, હ્રદય રેડીને માણસ કર્મ કરે છે ત્યારે તે કર્મ જ રહેતું નથી. તે અકર્મ બને છે. પછી તેમાં કલેશ, કષ્ટ, વાંકુંચૂકું કશું રહેતું નથી.
10. આવી સ્થિતિનું વર્ણન કર્યું કરાય તેવું નથી. એ સ્થિતિની બહુ તો ઝાંખી કલ્પના આપી શકાય. સૂર્ય ઊગે છે. પણ હવે હું અંધારૂં દૂર કરીશ, પંખીઓને ઊડતાં કરીશ, લોકોને કામ કરવામાં પ્રવૃત્ત કરીશ, એવું બધું તેના મનમાં હોય છે ખરૂં કે ? તે ઊગે છે ને ત્યાં સામો આવીને ઊભો રહે છે. તેનું એ અસ્તિત્વ વિશ્વને ચાલના આપે છે. પણ સૂર્યને તેનું ભાન સરખું નથી. તમે સૂર્યને કહેશો કે, “ અરે સૂરજ, તારા ઉપકારનો પાર નથી. તેં કેટલું બધું અંધારૂં દૂર કર્યું ? ” તો તેથી સૂર્ય મૂંઝાશે. તે કહેશે, “ ચપટીભર અંધારૂં મને લાવીને બતાવો. પછી તેટલું જો હું દૂર કરી શકું તો કહું કે એમાં મેં કંઈક કર્યું છે. ” અંધારાને સૂર્યની પાસે લઈ જઈ શકાય ખરૂં કે ? સૂર્યની હયાતીથી અંધારૂં દૂર થતું હે, તેના અજવાળામાં કોઈ સદ્ગ્રંથ વાચતા હશે તો બીજા વળી કોઈ અસદ્ગ્રંથ પણ વાચતા હશે. કોઈ આગ લગાડતા હશે તો બીજા કોઈ વળી પરોપકારનાં કામો કરતા હશે.
Page – 49 – અધ્યાય – ૫ – પ્રકરણ – ૧૮ – અકર્મદશાનું સ્વરૂપ

પણ એ બધાં પાપ પુણ્યની જવાબદારી સૂરજની નથી. સૂર્ય કહે છે, “ પ્રકાશ મારો સહજ ધર્મ છે. મારી પાસે પ્રકાશ નહીં હોય તો બીજું શું હોય ? હું પ્રકાશ આપું છું તેની મને ખબર નથી. મારૂં હોવું તેનું જ નામ પ્રકાશ છે. પ્રકાશ આપવાની ક્રિયાની મહેનત મેં જાણી નથી. હું કંઈક કરૂં છું એમ મને લાગતું નથી. ”
સૂર્યનું આ પ્રકાશ આપવાપણું સ્વાભાવિક છે તેવું જ સંતોનું છે. તેમનું જીવવું એ જ પ્રકાશ આપવાપણું છે. તમે જ્ઞાની પુરૂષને જઈને કહેશો કે, ‘ તમે મહાત્મા, સત્યવાદી છો, ’ તો તે કહેશે, ‘ હું સત્યથી ન ચાલું તો બીજું શું કરૂં છું ? ’ જ્ઞાની પુરૂષમાં અસત્યપણું સંભવતું જ નથી.
11. અકર્મની આ આવી ભૂમિકા છે. સાધન એટલા નૈસર્ગિક તેમ જ સ્વાભાવિક બની જાય છે કે તે નીપજ્યાં ને ગયાં એનો ખ્યાલ પણ રહેતો નથી. ઈન્દ્રિયોને એવું સહજ વલણ પડી જાય છે, सहज बोलणें हित उपदेश – જે સહેજે બોલે તે હિતોપદેશ, એવું બને છે. આવી સ્થિતિ પ્રાપ્ત થાય છે ત્યારે કર્મ અકર્મ બને છે. જ્ઞાની પુરૂષને સત્કર્મો સહજ થઈ જાય છે. કિલબિલ કિલબિલ કરવું એ પંખીઓનો સહજ ધર્મ છે, માની યાદ આવવી એ બચ્ચાંનો સહજ ધર્મ છે, તે જ પ્રમાણે ઈશ્વરનું સ્મરણ થવું એ સંતોનો સહજ ધર્મ બની જાય છે. પરોઢિયે કૂકરે કૂક કરવાનો કૂકડાનો સહજ ધર્મ છે. સ્વરોની સમજ આપતાં ભગવાન પાણિનિએ કૂકડાના બોલવાનો દાખલો આપ્યો છે. પાણિનિના જમાનાથી આજ સુધી કૂકડો પરોઢિયે બોલતો આવ્યો છે તેટલા સારૂ તેને શું કોઈએ માનપત્ર આપ્યું છે ? કૂકડાનો એ સહજ ધર્મ છે. એવી જ રીતે સાચું બોલવું, ભૂતમાત્ર પર દયા રાખવી, કોઈની ખામી ન જોવી, સર્વની સેવાચાકરી કરવી વગેરે સત્પુરૂષનું કર્મ સહજ ચાલ્યા કરે છે. તે કર્યા વગર તેનાથી જિવાશે નહીં. કોઈ જમે તેટલા સારૂ આપણે તેનું ગૌરવ કરીએ છીએ કે ?
Page – 50 – અધ્યાય – ૫ – પ્રકરણ – ૧૮ – અકર્મદશાનું સ્વરૂપ

ખાવું, પીવું ઊંઘવું એ બધાં સંસારી માણસોનાં સહજ કર્મો છે. તેવાં જ સેવાકર્મો જ્ઞાનીનાં સહજ કર્મો છે. ઉપકાર કરવાનો તેનો સ્વભાવ થઈ જાય છે. હું ઉપકાર નહીં કરૂં એવું તે કહે તો પણ એ તેના માટે અશક્ય છે. એવા જ્ઞાની પુરૂષનું એ કર્મ અકર્મ દશાએ પહોંચ્યું છે એમ સમજવું. આ દશાને જ સંન્યાસી એવી અત્યંત પવિત્ર પદવી આપવામાં આવી છે. સંન્યાસ આવી પરમ ધન્ય અકર્મ સ્થિતિ છે. એ દશાને જ કર્મયોગ પણ કહેવો. કર્મ કરવાનું ચાલુ હોય છે માટે તે યોગ છે. પણ કરવા છતાં કરૂં છું એમ કરનારને લાગતું નથી. એટલે તે સંન્યાસ છે. તે કંઈક એવી તરકીબથી કર્મ કરે છે કે તેનાથી તે લેપાતો નથી માટે તે યોગ છે અને કરવા છતાં તેણે કંઈ કર્યું ન હોવાથીતે સંન્યાસ છે.
Page– 50 – અધ્યાય – ૫ – પ્રકરણ – ૧૯ – અકર્મની એક બાજુ – સંન્યાસ

૧૯.સંન્યાસની કલ્પના શી છે ? કેટલાંક કર્મો કરવાનાં છોડી દેવાં ને કેટલાંક કર્મો કરવાં એવી એ કલ્પના છે કે ? સંન્યાસનો ખ્યાલ એવો નથી. સંન્યાસની વ્યાખ્યા મૂળમાં એવી છે કે બધાં કર્મો છોડી દેવાં. સર્વ કર્મોમાંથી મુક્ત થવું, કર્મો બિલકુલ ન કરવાં તેનું નામ સંન્યાસ છે. પણ કર્મ ન કરવું એટલે શું ? કર્મ બહુ ચમત્કારિક છે. સર્વકર્મસંન્યાસ થાય કેવી રીતે ? આગળ-પાછળ, સર્વત્ર કર્મ વ્યાપીને રહેલું છે. અરે બેસી રહો તો પણ તે એક ક્રિયા થઈ. બેસવું એ ક્રિયાપદ છે. કેવળ વ્યાકરણની દ્રષ્ટિથી એ ક્રિયા છે એવું નથી, સૃષ્ટિશાસ્ત્રમાં પણ બેસવું એ ક્રિયા જ છે. બેટાં બેઠાં જાંઘ દુખવા માંડે છે. બેસવામાં પણ મહેનત છે. ન કરવું એ સુધ્ધાં ક્રિયા ઠરે છે ત્યાં કર્મસંન્યાસ થાય કેવી રીતે ? ભગવાને અર્જુનને વિશ્વરૂપ બતાવ્યું. ચારે બાજુ ફેલાઈ રહેલા વિવરૂપને જોઈ અર્જુન બીધો ને ગભરાટના માર્યા તેણે આંખ મીંચી દીધી. પણ આંખ બંધ કરીને જુએ છે તો અંદર દેખાવા લાગ્યું. આંખ બંધ કરવા છતાં જે દેખાય તેનાથી અળગા રહેવું કેવી રીતે ? ન કરવાથી પણ જે થઈને ઊભું રહે છે તેને ટાળવું કેમ ?    12.
13. એક માણસની વાત છે. તેની પાસે સોનાના મોટા મોટા કીમતી દાગીના હતા. તે બધા તેણે એક મોટી પેટીમાં બંધ કરીને રાખવા હતા.
Page– 51 – અધ્યાય – ૫ – પ્રકરણ – ૧૯ – અકર્મની એક બાજુ – સંન્યાસ

નોકર એક ખાસી મોટી લોઢાની પેટી કરાવી લાવ્યો. તે જોઈને દાગીનાના ધણીએ કહ્યું,
“ કેવો મૂરખ છે ! અરે અજાગળ, તને સૌંદર્યનો કંઈ ખ્યાલ છે કે નહીં ? આવા સુંદર કીમતી દાગીના તે આવી ભૂંડી લોઢાની પેટીમાં મૂકવાના હોય ? જા, મજાની સોનાની પેટી કરાવી લાવ. ” નોકર સોનાની પેટી કરાવી લાવ્યો. “ હવે એનું તાળું, તે પણ સોનાનું લાવ. સોનાની પેટીને સોનાનું તાળું જ શોભે. ” પેલો ભાઈ દાગીના સંતાડવા ગયો, સોનું ઢાંકવા ગયો. પણ તે સોનું ઢંકાયું કે ઉઘાડું પડ્યું ? ચોરને દાગીના શોધવાની માથાફોડ જ રહી નહીં ! પેટી જ આખી ઉઠાવી કે કામ પત્યું. સારાંશ કે કર્મ ન કરવું એ પણ કર્મનો જ એક પ્રકાર છે. આવું ને આટલું જે વ્યાપક કર્મ, તેનો સંન્યાસ કઈ રીતે થાય ?
14. આવા આ કર્મનો સંન્યાસ કરવાની રીત જ એ છે કે જેટલાં જેટલાં કર્મો કરવાનાં હોય તે બધાંયે કરતા રહેવા છતાં તે બધાં ખરી જાય એવી તરકીબ સાધવી. એવું થાય ત્યારે જ સંન્યાસ સધાયો જાણવો. કર્મો કરવા છતાં તે બધાંયે ખરી જાય એ વાત કોના જેવી છે ? સૂર્યના જેવી છે. સૂર્ય રાત ને દિવસ કર્મમાં મંડ્યો રહે છે. રાત્રે પણ તેનું કર્મ ચાલુ હોય છે. તેનો પ્રકાશ બીજા ગોળાર્ધમાં પોતાનું કામ કરે છે. પણ આટલાં બધાં કર્મો કરતો હોવા છતાં તે કંઈ જ કરતો નથી એમ પણ આટલાં બધાં કર્મો કરતો હોવા છતાં તે કંઈ જ કરતો નથી એમ પણ કહી શકાય. એથી તો ચોથા અધ્યાયમાં ભગવાન કહે છે, “ મેં આ યોગ પહેલાં સૂર્યને બતાવ્યો. અને પછી વિચાર કરનારો, મનન કરનારો મનુ સૂર્ય પાસેથી તે યોગ શીખ્યો. ” ચોવીસ કલાક કર્મ કરવામાં મંડ્યો રહેવા છતાં સૂર્ય લેશમાત્ર કર્મ આચરતો નથી. ખરેખર આ સ્થિતિ અદ્ભૂત છે એમાં જરાયે શક નથી.
Page – 51 – અધ્યાય – ૫ – પ્રકરણ – ૨૦ – અકર્મની બીજી બાજુ – યોગ

૨૦. પણ સંન્યાસનો આ માત્ર એક પ્રકાર થયો. સંન્યાસી કર્મ કરવા છતાં કરતો નથી એવી સ્થિતિનું જેમ વર્ણન કર્યું તેવો તેનો બીજો પ્રકાર પણ છે. તે કોઈ પણ કર્મ કરતો નથી છતાં આખી દુનિયા પાસે કર્મ કરાવે છે. એ તેની બીજી બાજુ છે. તેનામાં પાર વગરની પ્રેરક શક્તિ છે. અકર્મની એ જ ખૂબી છે. અનંત કાર્યને સારૂ જરૂરી શક્તિ અકર્મમાં ભરેલી હોય છે. વરાળનું એવું નથી કે ?
Page – 52 – અધ્યાય – ૫ – પ્રકરણ – ૨૦ – અકર્મની બીજી બાજુ – યોગ

વરાળને પૂરી રાખો તો પ્રચંડ કામ કરે છે. એ પૂરી રાખેલી વરાળમાં અપરંપાર શક્તિ પેદા થાય છે. મોટી મોટી આગગાડી તે સહેજે રમતમાં ખેંચી જાય છે. સૂર્યનું પણ એવું જ છે. તે લેશમાત્ર કર્મ કરતો નથી. અને છતાં ચોવીસે કલાક કાર્યમાં મંડ્યો રહે છે. તેને પૂછશો તો તે કહેશે કે, ‘ હું કંઈ કરતો નથી. ’ રાત ને દિવસ કર્મ કરવા છતાં કંઈ ન કરવું એ જેવી સૂર્યની એક રીત છે તેવી જ કશું ન કરવા છતાં રાતદિવસ અનંત કર્મો કરવાં એ બીજી રીત છે. સંન્યાસનાં આવાં બે પાસાં છે.
બંને અસામાન્ય છે. એક પ્રકારમાં કર્મ ખુલ્લું દેખાય છે અને અકર્માવસ્થા ગુપ્ત હોય છે. બીજામાં અકર્માવસ્થા ખુલ્લી દેખાય છે, પણ તેને લીધે અનંત કર્મોનો વહેવાર ચાલે છે. આ અવસ્થામાં અકર્મમાં કર્મ ઠાંસીને ભરેલું હોવાથી પ્રચંડ કાર્ય પાર પડે છે. જેને આવી અવસ્થા સિદ્ધ થઈ હોય તેની અને આળસુ માણસની વચ્ચે બહુ મોટો ફેર છે. આળસુ માણસ થાકી જશે, કંટાળી જશે. આ અકર્મી સંન્યાસી કર્મશક્તિને પૂરી રાખે છે. જરા સરખું કર્મ તે આચરતો નથી. હાથપગ કે ઈન્દ્રિયો વડે તે કંઈ કર્મ કરતો નથી. પણ કશું ન કરવા છતાં તે અનંત કર્મો કરે છે.     15.
16. કોઈક માણસ ગુસ્સે થાય છે. આપણી ભૂલને લીધે તે ગુસ્સે થયો હોય તો આપણે તેની પાસે જઈએ છીએ. પણ તે બોલવાનું જ બંધ કરે છે. તેના ન બોલવાની, તેના એ કર્મત્યાગની કેટલી બધી અસર થાય છે ! તેની એ કર્મત્યાગની કેટલી બધી અસર થાય છે ! તેની જગ્યાએ બીજો હશે તે તડાતડ બોલી નાખશે. બંને ગુસ્સે થયેલા છે. પણ એક મૂંગો રહે છે ને બીજો બોલે છે. બંને ગુસ્સો બતાવવાની રીત છે. ન બોલવું એ પણ ગુસ્સે થવાની રીત છે. એ રીતે પણ કામ થાય છે. બાપ કે મા છોકરાં સાથે બોલવાનું બંધ કરે છે ત્યારે કેટલી ભારે અસર થાય છે ! બોલવાનું એ કર્મ છોડી દેવું, તે કર્મ ન કરવું, એથી પ્રત્યક્ષ કર્મ કર્યું હોત તોયે ન નીપજે એટલી બધી એસર નીપજે છે. એ અબોલાની જે અસર થઈ તે બોલવાની ન થઈ હોત. જ્ઞાની પુરૂષનું એવું જ છે. તેનું અકર્મ, તેનું શાંત રહેવું પ્રચંડ કર્મ કરે છે. પ્રચંડ સામર્થ્ય ઉત્પન્ન કરે છે.
Page – 53 – અધ્યાય – ૫ – પ્રકરણ – ૨૦ – અકર્મની બીજી બાજુ – યોગ

અકર્મી રહીને તે એટલું બધું કર્મ કરે છે કે તેટલું ક્રિયાથી કદી પ્રગટ ન થાત. આવો એ સંન્યાસનો બીજો પ્રકાર છે.
આવા સંન્યાસીની બધી પ્રવૃત્તિ, તેનો સર્વ ઉદ્યોગ, એક આસન પર આવીને બેસી જાય છે.
‘ उद्योगाची धांव बैसली आसनीं, पडिले नारायणीं मोटळें हें ।
सकळ निश्चिंती जाली हा भरंवसा, नाहीं गर्भवासा येणें ऐसा ।।
आपुलिये सत्ते नाहीं आम्हां जिणें, अभिमान तेणें नेला देवें ।
तुका म्हणे चळे एकाचिये सत्ते, आपुले मी रितेपणे असें ।।’

— ઉદ્યોગની, પ્રવૃત્તિની બધી દોડાદોડ એક આસને થંભી ગઈ છે. આ પોટલું નારાયણમાં જઈને પડ્યું છે. બધી નિરાંત થઈ ગઈ છે ને ફરી ગર્ભવાસમાં જવાનું નથી એવો ભરોસો પડ્યો છે. હવે અમારે અમારી સત્તાથી જીવવાનું નથી. તે અભિમાન દેવે હરી લીધું. તુકો કહે છે કે હવે બધું એક પરમાત્માની જ સત્તાથી ચાલે છે અને હું ખાલી કોથળો થઈને પડ્યો છું.
તુકારામ મહારાજ કહે છે કે, “ હવે હું મોકળો છું. કોથળો તઈને પડ્યો છું, બધી પ્રવૃત્તિ પૂરી થઈ. ” તુકારામ કોથળો થઈને પડ્યા પણ એ ખાલી કોથળામાં પ્રચંડ પ્રેરક શક્તિ છે. સૂર્ય જાતે કશા હોકારા કરતો નથી. પણ તેને જોતાંની સાથે પંખીઓ ઊડવા માંડે છે, ઘેટાંબકરાંનાં બચ્ચાં નાચવા માંડે છે, ગાયો વગડામાં ચરવાને નીકળે છે, વેપારીઓ દુકાન ઉઘાડે છે, ખેડૂતો ખેતરે જાય છે, અને એમ જગતના જાતજાતના વહેવારો ચાલુ થાય છે. સૂર્ય કેવળ હોય છે. તે હોય એટલું જ પૂરતું છે. એટલાથી જ અનંત કર્મો ચાલુ થાય છે. આ અકર્માવસ્થામાં અનંત કર્મોની પ્રેરણા ભરેલી છે. જેમાં ઠાંસીને સામર્થ્ય ભર્યું છે એવો સંન્યાસનો આ બીજો અદ્ભુત પ્રકાર છે.
Page–53–અધ્યાય–૫– પ્રકરણ – ૨૧ – બંનેની સરખામણી શબ્દોની પેલે પાર

૨૧. પાંચમા અધ્યાયમાં સંન્યાસના બે પ્રકારની તુલના કરી છે. એકમાં કર્મ કરનારો ચોવીસે કલાક કર્મમાં મચ્યો રહે છે છતાં કશું કરતો નથી અને બીજામાં ક્ષણભર પણ કર્મ ન કરવા છતાં સર્વ કંઈ કરે છે. એક બોલવા છતાં ન બોલવાની રીત છે અને બીજી ન બોલવા છતાં બોલવાની રીત છે.
Page–54–અધ્યાય–૫– પ્રકરણ – ૨૧ – બંનેની સરખામણી શબ્દોની પેલે પાર

આવા આ બે પ્રકારની અહીં હવે સરખામણી કરવામાં આવી છે. આ જે બે દિવ્ય પ્રકારો છે તેમનું અવલોકન કરવામાં, તેમનો વિચાર કરવામાં, મનન કરવામાં અપૂર્વ આનંદ છે.    17.
18. આ વિષય જ અપૂર્વ ને ઉદ્દાત્ત છે. ખરેખર, સંન્યાસની આ કલ્પના ઘણી પવિત્ર તેમ જ ભવ્ય છે. આ વિચાર, આ કલ્પના જેણે પહેલવહેલી શોધી કાઢી તેને જેટલો ધન્યવાદ આપીએ તેટલો ઓછો છે. એ કલ્પના અત્યંત ઉજ્જવળ છે. આજ સુધીમાં માણસની બુદ્ધિએ, માણસના વિચારે જે જે ઊંચા કૂદકા માર્યા છે તેમાંનો સૌથી ઊંચો કૂદકો  સંન્યાસ સુધી પહોંચ્યો છે. એનાથી ઊંચે હજી કોઈએ કૂદકો માર્યો નથી. આવા કૂદકા મારવાનું હજીયે ચાલ્યા કરે છે. પણ વિચારનો તેમ જ અનુભવનો આવો ઊંચો કૂદકો કોઈએ માર્યાની મને માહિતી નથી. આ બે પ્રકારે યુક્ત એવા સંન્યાસીની માત્ર કલ્પના પણ નજર સામે લાવવામાં આનંદ, અપૂર્વ આનંદ છે. ભાષાની અને વહેવારની દુનિયામાં ઊતરવાથી એ આનંદ ઓછો થઈ જાય છે. જાણે કંઈ નીચા ઊતરી પડ્યા હોઈએ એવું લાગે છે. મારા મિત્રો સાથે આ બાબતની હું હમેશ વાતો કરૂં છું. આજે કેટલાંયે વર્ષોથી આ દિવ્ય વિચારનું હું મનન કરતો આવ્યો છું. અહીં ભાષાનું સાધન અધૂરૂં પટે છે. શબ્દોની કક્ષામાં આ વિષય સમાય એવો નથી.
19. ન કરવા છતાં બધું કરવું અને બધું કરતા રહેવા છતાં લેશમાત્ર કરવું નહીં. આ કેટલી ઉદાત્ત, રસમય અને કાવ્યમય કલ્પના છે ! આથી વધારે કાવ્ય બીજું કયું રહ્યું ? કાવ્ય કાવ્ય કહીને જેની વાતો થાય છે તે આ કાવ્યની આગળ ફીકું પડી જાય છે. આ કલ્પનામાં જે આનંદ, જે ઉત્સાહ, જે સ્ફૂર્તિ, અને જે દિવ્યતા છે તે કોઈ પણ કાવ્યમાં નથી. આવો આ પાંચમો અધ્યાય ખૂબ જ ઊંચી એવી ભૂમિકા પર બેસાડેલો છે. ચોથા અધ્યાય સુધી કર્મ ને વિકર્મની વાત કરી અહીં ખૂબ ઊંચો કૂદકો માર્યો છે. અહીં અકર્મ અવસ્થાના બે પ્રકારોની સીધી સરખામણી કરી છે. અહીં ભાષા લથડી પડે છે.
Page–55–અધ્યાય–૫– પ્રકરણ – ૨૧ – બંનેની સરખામણી શબ્દોની પેલે પાર

કર્મયોગી ચડે કે કર્મસંન્યાસી ચડે ? કોણ કર્મ વધારે કરે છે એ કહી જ શકાતું નથી. બધું કરવું ને છતાં કશું ન કરવું તે છતાં બધુંયે કરવું, બંને યોગ જ છે. પણ સરખામણી કરવા પૂરતો એકને યોગ કહ્યો છે ને બીજાને સંન્યાસ કહ્યો છે.
Page–55–અધ્યાય–૫– પ્રકરણ – ૨૨ – ભૂમિતિનું અને મીમાંસકોનું દ્રષ્ટાંત

૨૨. હવે આ બેની તુલના કેવી રીતે કરવી ? કોઈક દાખલો આપીને જ તે કરવી પડશે. દાખલા આપી વાત સમજાવતાં કંઈક નીચે ઊતર્યા જેવું લાગે છે. પણ નીચે ઊતર્યા વગર છૂટકો નથી. સાચું જોવા જઈએ તો પૂર્ણ કર્મસંન્યાસ અથવા પૂર્ણ કર્મયોગ એ બંને કલ્પનાઓ આ દેહમાં સમાઈ શકે એવી નથી. એ કલ્પનાઓ આ દેહને ફોડી નાખે એવી છે. પણ એ કલ્પનાઓની નજીકમાં નજીક પહોંચી ગયેલા મહાપુરૂષોના દાખલા લઈને આપણે આગળ ચાલવું પડશે. દાખલા મૂળ વાતના કરતાં કંઈક અધૂરા જ રહેવાના. પણ તે પૂર્ણ છે એવું ઘડીભર માની લઈએ.     20.
21. ભૂમિતિમાં નથી કહેતા કે अ ब क એક ત્રિકોણ છે એમ ‘ ધારો ’ ધારો શા સારૂ ? ધારવાનું એટલા માટે કે એ ત્રિકોણમાંની રેખાઓ યથાર્થ રેખા નથી. મૂળમાં રેખાની વ્યાખ્યા જ એ છે કે તેને લંબાઈ હોય છે પણ પહોળાઈ નથી. પણ પહોળાઈ વગરની એવી લીટી પાટિયા પર દોરવી કેવી રીતે ? લંબાઈની સાથે પહોળાઈ આવ્યા વગર રહે કેમ ? જે રેખા દોરો તેની થોડી સરખી પહોળાઈ તો હશે જ. એથી ભૂમિતિશાસ્ત્રમાં રેખા मानी लीधा વગર ચાલતું નથી. ભક્તિશાસ્ત્રમાં પણ એવું નથી કે ? તેમાં પણ ભક્ત કહે છે કે આ નાનકડા શાલિંગ્રામના પિંડમાં સર્વ બ્રહ્માંડનો ધણી છે એમ मानो. કોઈ પૂછે કે આ શું ગાંડપણ માંડ્યું છે ? તો તેને કહો કે તારૂં આ ભૂમિતિનું શું ગાંડપણ છે ? ખાસી જાડી પહોળી લીટી દેખાય છે ને કહે છે, ‘ આ પહોળાઈ વગરની છે એમ માનો ! ’ એ શું ગાંડપણ લઈ બેઠા છો ? સૂક્ષ્મદર્શક કાચમાંથી જોઈએ તો ખાસી અરધો ઈંચ પહોળી દેખાશે.
22. જેમ તમે તમારા ભૂમિતિશાસ્ત્રમાં માની લો છો તેવી જ રીતે ભક્તિશાસ્ત્ર કહે છે કે માનો, આ શાલિગ્રામમાં પરમેશ્વર છે એવું માનો. ‘ પરમેશ્વર તો તૂટતો નથી, ફૂટતો નથી. તમારા શાલિગ્રામના કકડા ઊડી જશે. ઉપર કરૂં ઘા ? ’
Page–56–અધ્યાય–૫– પ્રકરણ – ૨૨ – ભૂમિતિનું અને મીમાંસકોનું દ્રષ્ટાંત

એવું કોઈ કહે તો તે વિચારવાળું નહીં કહેવાય. ભૂમિતિમાં मानो ચાલે તો ભક્તિશાસ્ત્રમાં કેમ નહીં ? કહે છે બિંદુ છે એમ માનો. પછી પાટિયા પર બિંદુ કાઢે છે. અરે, બિંદુ શાનું, ખાસું વર્તુળ હોય છે ! બિંદુની વ્યાખ્યા એટલે બ્રહ્મની જ વ્યાખ્યા સમજી લેવી. બિંદુને નથી જાડાઈ, નથી લંબાઈ, નથી પહોળી, કંઈ જ નથી. પણ વ્યાખ્યા આવી કર્યા પછી પાટિયા પર કાઢ્યા વગર રહેતા નથી. બિંદુ કેવળ અસ્તિત્વ માત્ર છે. તે ત્રિપરિમાણ વગરનું છે. સારાંશ, સાચો ત્રિકોણ, સાચું બિંદુ વ્યાખ્યામાં જ છે. પણ આપણે માનીને ચાલવું પડે છે. ભક્તિશાસ્ત્રમાં ન ફૂટનારો સર્વવ્યાપી ઈશ્વર માનીને ચાલવું પડે છે. આપણે પણ એવા જ કાલ્પનિક દાખલાઓ લઈ સરખામણી કરવાની છે.
23. મીમાંસકોએ તો વળી જબરી મજા કરી છે. ઈશ્વર ક્યાં છે એ વાતની મીમાંસા કરતાં એ લોકોએ મજાનું વિવરણ કર્યું છે. વેદમાં ઈંદ્ર, અગ્નિ, વરૂણ વગેરે દેવો છે. આ દેવોની બાબતમાં મીમાંસામાં વિચાર થાય છે ત્યારે એક સવાલ એવો પૂછવામાં આવે છે કે, ‘ આ ઈંદ્ર કેવો છે, તેનું રૂપ કેવું છે અને તે રહે છે ક્યાં ? ’ મીમાંસકો જવાબ આપે છે, ईंद्र શબ્દ એ જ ઈંદ્રનું રૂપ. ईंद्र શબ્દમાં જ તે રહે છે. ई ને તેના પર અનુસ્વાર અને પછી द्र એ ઈંદ્રનું સ્વરૂપ છે. એ જ તેની મૂર્તિ છે, એ જ પ્રમાણ છે. વરૂણ દેવ કેવો ? એવો જ. પહેલો व પછી रू પછી ण. વ-રૂ-ણ એ વરૂણનું રૂપ. એ પ્રમાણે અગ્નિ વગેરે દેવોનું સમજવું. એ સર્વ દેવો અક્ષરરૂપધારી છે. દેવ બધાયે, અક્ષરમૂર્તિ છે એ કલ્પનામાં, એ વિચારમાં ખૂબ મીઠાશ છે. દેવ એ કલ્પના છે. એ વસ્તુ કોઈ આકારમાં સમાઈ શકે એવી નથી. તે કલ્પના બતાવવાને અક્ષર જેટલી ને જેવડી જ નિશાની પૂરતી છે. ઈશ્વર કેવો છે ? તો કહે છે પહેલાં ई પછી श्व અને પછી र પછી ± એ તો હદ કરી. ± એ એક અક્ષર એટલે જ ઈશ્વર. ઈશ્વરને એક સંજ્ઞા જ કરી આપી. આવી સંજ્ઞાઓ નિર્માણ કરવી પડે છે. મૂર્તિમાં, આકારમાં, આ વિશાળ કલ્પનાઓ માતી નથી. પણ માણસની ઈચ્છા બહુ જોરાવર છે. તે આ કલ્પનાઓને મૂર્તિમાં બેસાડવાની કોશિશ કર્યા વગર રહેતો નથી.
Page–57–અધ્યાય–૫–પ્રકરણ–૨૩–સંન્યાસી અને યોગી બંને એક જ છેઃ શુક-જનકની જેમ

૨૩. સંન્યાસ અને યોગ એ બે બહુ જ ઊંચા કૂદકા છે. પૂર્ણ સંન્યાસ અને પૂર્ણ યોગ એ બે કલ્પનાઓ આ દેહમાં સમાય એવી નથી. દેહમાં એ ધ્યેય સમાય એવાં નહીં હોય તોયે વિચારમાં સમાય એવાં છે. પૂર્ણ યોગી ને પૂર્ણ સંન્યાસી વ્યાખ્યામાં જ રહેવાના, ધ્યેયભૂત અને અપ્રાપ્ય જ રહેવાના. પણ દાખલા લેખે એ કલ્પનાઓની નજીકમાં નજીક પહોંચેલી વ્યક્તિઓને લઈ ભૂમિતિમાં કહીએ છીએ તેમ કહીશું કે અમુકને પૂર્ણ સંન્યાસી અને અમુકને પૂર્ણ યોગી માનો. સંન્યાસીનો દાખલો આપતાં શુક-યાજ્ઞવલ્ક્યનાં નામ લેવામાં આવે છે. જનક-શ્રીકૃષ્ણ એ કર્મયોગી છે એમ ખુદ ભગવદગીતામાં કહ્યું છે. લોકમાન્યે તો गीतारहस्य માં એક આખી યાદી આપી છે. ‘ જનક, શ્રીકૃષ્ણ વગેરે આ રસ્તે ગયા. શુક, યાજ્ઞવલ્ક્ય વગેરે આ રસ્તે ગયા. ’ પણ થોડો વિચાર કરતાં માલૂમ પડશે કે પાટી પર લખેલું જેમ ભીનો હાથ ફેરવીને ભૂંસી નાખી શકાય તેમ આ યાદીઓ ભૂંસી શકાય તેવી છે. યાજ્ઞવલ્ક્ય સંન્યાસી હતો અને જનક કર્મયોગી હતો. એટલે સંન્યાસી યાજ્ઞવલ્ક્યનો કર્મયોગી જનક શિષ્ય હતો. પણ એ જ જનકનો શિષ્ય શુકદેવ સંન્યાસી નીકળ્યો, યાજ્ઞવલ્ક્યનો શિષ્ય જનક અને જનકનો શિષ્ય શુકદેવ. સંન્યાસી, કર્મયોગી, સંન્યાસી એવી એ માળા છે. એનો અર્થ એટલો કે યોગ અને સંન્યાસ એક જ પરંપરામાં આવે છે.     24.
25. શુકદેવને વ્યાસે કહ્યું, “ અલ્યા શુક, તું જ્ઞાની છે. પણ ગુરૂની છાપ તને મળી નથી. તું જનક પાસે જા.” શુકદેવ નીકળ્યા. જનક ત્રીજે માળે દીવનખાનામાં હતા. શુક વનના રહેનારા તે નગર જોતા જોતા ચાલ્યા. જનકે શુકદેવને પૂછ્યું, ‘ કેમ આવ્યો ? ’ શુકે કહ્યું, ‘ જ્ઞાન માટે. ’ ‘ કોણે મોકલ્યો ? ’ ‘ વ્યાસે.’ ‘ ક્યાંથી આવ્યો ? ’ ‘ આશ્રમમાંથી. ’ ‘ આશ્રમમાંથી આવતાં આવતાં અહીં બજારમાં શું જોયું ? ’ ‘ જ્યાં ત્યાં બસ ખાંડની મીઠાઈ માંડી રાખેલી જોવાની મળી.’ ‘ બીજું શું ? ’ ‘ બોલતાંચાલતાં ખાંડનાં પૂતળાં દીઠાં. ’ ‘ પછી આગળ શું જોયું ? ’ ‘ અહીં આવતાં ખાંડનાં કઠણ પગથિયાં ચડીને આવ્યો.  ’ ‘ આગળ શું ? ’ ‘ ખાંનાં ચિત્રો અહીં પણ બધે જોયાં. ’ ‘ હવે શું જુએ છે ? ’ ‘ એક ખાંડનું પૂતળું ખાંડના બીજા પૂતળા સાથે વાત કરે છે.’
Page–58–અધ્યાય–૫–પ્રકરણ–૨૩–સંન્યાસી અને યોગી બંને એક જ છેઃ શુક-જનકની જેમ

જનકે કહ્યું, ‘ જાઓ, તમને બધું જ્ઞાન મળી ગયું છે. ’ જનકની સહીનું પ્રમાણપત્ર જોઈતું હતું તે મળી ગયું. વાતનો મુદ્દો એટલો કે કર્મયોગી જનકે સંન્યાસી શુકદેવને શિષ્ય તરીકે સફળ ગણ્યો. શુકદેવ સંન્યાસી, પણ બીજી આ પ્રસંગની ખૂબી જુઓ. પરીક્ષિતને શાપ મળ્યો કે, ‘ તું સાત દિવસ રહીને મરી જશે. ’ પરીક્ષિતને મરણની તૈયારી કરવી હતી. કેમ મરવું એ બતાવનારો ગુરૂ તેને જોઈતો હતો. તેમે શુકદેવની માગણી કરી. શુકદેવ આવીને બેઠા. અને ૨૪ x ૭ = ૧૬૮ કલાક સુધી એકી પલાંઠીએ બેસીને ભાગવત સંભળાવ્યું. તેણે પોતાની પલાંઠી છોડી નહીં. એકધારી કથા કહેતા હતા. આમાં ખાસ શું છે ? એટલું કે સાત દિવસ તેમની પાસેથી એકધારી મહેનત લીધી છતાં તેમને તેનું કશું લાગ્યું નહીં. સતત એકધારૂં કર્મ કર્યું હોવા છતાં તે કર્મ જાણે કે પોતે કરતા જ નહોતા. થાક કે મહેનતની લાગણી ત્યાં નહોતી. સારાંશ, સંન્યાસ અને કર્મયોગ જુદા છે જ નહીં.
26. તેથી ભગવાન કહે છે, ‘ एकं सांख्यं च योगं च यः पश्यति स पश्यति ’ – સંન્યાસ અને યોગ બંનેમાં જે એકરૂપતા જોશે તેને જ સાચું રહસ્ય સમજ્યો જાણવો. એક ન કરતો છતો કરે છે અને એક કરતો છતો કરતો નથી. જે સાચો મહાન સંન્યાસી છે, જેની સદા સમાધિ લાગી રહી છે, જે કેવળ નિર્વિકાર છે એવો સંન્યાસી પુરૂષ દસ દિવસ આપણી વચ્ચે આવીને રહે પછી શું થાય તે જોજો. તે કેટલો પ્રકાશ, કેટલી સ્ફૂર્તિ આપશે ! વરસો સુધી ઢગલેઢગલા કામ કરવા છતાં જે પાર પડ્યું નહીં હોય તે તેના માત્ર દર્શનથી, તેના કેવળ અસ્તિત્વથી પાર પડશે. માત્ર ફોટો જોવાથી મનમાં પાવનતા ઉત્પન્ન થાય છે, મરણ પામેલા લોકોનાં ચિત્રોથી ભક્તિ, પ્રેમ, પવિત્રતા હ્રદયમાં પેદા થાય છે, તો પછી જીવંત સંન્યાસીના દર્શનથી કેટલી બધી પ્રેરણા મળે !
27. સંન્યાસી અને યોગી બંને લોકસંગ્રહ કરે છે. એકનામાં બહારથી કર્મનો ત્યાગ દેખાતો હોવા છતાં એ કર્મત્યાગમાં ઠાંસીને કર્મ ભરેલું હોય છે. તેમાં પાર વગરની, અનંત સ્ફૂર્તિ ભરેલી છે. જ્ઞાની સંન્યાસી અને જ્ઞાની કર્મયોગી બંને એક જ સિંહાસન ઉપર બેસવાવાળો છે. સંજ્ઞા જુદી જુદી હોવા છતાં અર્થ એક છે, એક જ તત્વના એ બે પ્રકાર છે.
Page–59–અધ્યાય–૫–પ્રકરણ–૨૩–સંન્યાસી અને યોગી બંને એક જ છેઃ શુક-જનકની જેમ

યંત્રનું પૈડું જોરથી ફરે છે ત્યારે ફરતું નહીં પણ સ્થિર ઊભું હોય એવું દેખાય છે. જે સંન્યાસી છે તેનું પણ એવું જ હોય છે. તેની શાંતિમાંથી, સ્થિરતામાંથી અનંત શક્તિ, અપાર પ્રેરણા બહાર પડે છે. મહાવીર, બુદ્ધ, નિવૃત્તિનાથ એ બધા એવી વિભૂતિઓ હતા. સંનાયાસીની બધી મહેનત એક આસન પર સ્થિર થયેલી હોવા છતાં તે પ્રચંડ કર્મ આચરે છે. સારાંશ, યોગી એટલે સંન્યાસી અને સંન્યાસી એટલે યોગી. બંને વચ્ચે જરા સરખો ફેર નથી. શબ્દ જુદા પણ અર્થ એક જ છે. જેમ પાણો એટલે પથ્થર અને પથ્થર એટલે પાણો તેમ કર્મયોગી એટલે સંન્યાસી અને સંન્યાસી એટલે કર્મયોગી.
Page – 59 – અધ્યાય – ૫ – પ્રકરણ – ૨૪ – બેમાંહી કર્મનો યોગ, કર્મસંન્યાસથી ચડે

૨૪. આમ હોવા છતાં ભગવાને ઉપર એક ટપકું મૂકી રાખ્યું છે. સંન્યાસ કરતાં કર્મયોગ ચડિયાતો છે એમ ભગવાન કહે છે. બંને સરખા છે, તો પછી ભગવાન આમ કેમ કહે છે ? આ વળી બીજી શી ગંમત છે ? કર્મયોગને ભગવાન ચડિયાતો કહે છે ત્યારે તેઓ સાધકની દ્રષ્ટિથી એમ કહે છે. જરાયે કર્મ ન કરવા છતાં સર્વ કર્મ કરવાનો પ્રકાર એકલા સિદ્ધને માટે શક્ય છે, સાધકને માટે શક્ય નથી. પણ સર્વ કર્મો કરતા રહેવા છતાં કશું ન  કરવું એ પ્રકારનું થોડું સરખું અનુકરણ થઈ શકે એવું છે. પહેલો પ્રકાર સાધકને માટે શક્ય નથી, ફક્ત સિદ્ધને માટે પમ વત્તાઓછા પ્રમાણમાં શક્ય છે. જરાયે કર્મ ન કરવા છતાં કર્મ કેવી રીતે કરવું એ સાધકને ગૂઢ લાગશે, સમજાશે નહીં. સાધકને માટે કર્મયોગ રસ્તો છે તેમ મુકામ પણ છે, પણ સંન્યાસ મુકામ ઉપરની સ્થિતિ છે, રસ્તામાંની નથી. એથી સાધકની દ્રષ્ટિએ સંન્યાસ કરતાં કર્મયોગ ચડિયાતો છે.    28.
29. આ જ ન્યાયે આગળ ઉપર બારમા અધ્યાયમાં ભગવાને નિર્ગુણ કરતાં સગુણને વિશેષ માન્યું છે. સગુણમાં બધી ઈન્દ્રિયોને કામો મળી રહે છે. નિર્ગુણમાં એવું નથી. નિર્ગુણમાં હાથ નકામા, પગ નકામા, ને આંખ પણ નકામી. બધી ઈન્દ્રિયો કામ વગરની રહે છે. સાધકથી એ બની શકતું નથી. પણ સગુણમાં એવું નથી. આંખથી રૂપ નીરખી શકાય છે, કાનથી ભજન કીર્તન સાંભળી શકાય છે.
Page – 60 – અધ્યાય – ૫ – પ્રકરણ – ૨૪ – બેમાંહી કર્મનો યોગ, કર્મસંન્યાસથી ચડે

હાથ વડે પૂજા થઈ શકે છે, લોકોની સેવા થઈ શકે છે અને પગ વડે તીર્થયાત્રા થાય છે. આમ બધી ઈન્દ્રિયોને કામ આપી, જેનું તેનું કામ જેની તેની પાસે કરાવતાં કરાવતાં આસ્તે આસ્તે કેળવી તેમને હરિમય બનાવવાનું સગુણમાં બની શકે છે. પણ નિર્ગુણમાં બધુંયે બંધ. જીભ બંધ, કાન બંધ, હાથપગ બંધ. આ બધી બંધી જોઈ સાધક ગભરાઈ જાય. તેના ચિત્તમાં નિર્ગુણ ઠસે કેવી રીતે ? કંઈ પણ કર્યા વગર હાથપગ જોડી બેસી રહેવા જાય તો તેના ચિત્તમાં ભળતા જ વિચારો રમવા માંડશે. ઈન્દ્રિયોનો સ્વભાવ એવો છે કે આ કરશો નહીં એમ તેમને ફરમાવો એટલે અચૂક તે જ કરે. જાહેરખબરનો આપણને એવો એનુભવ નથી કે ? ઉપર લખે છે, ‘ વાંચશો નહીં. ’ એટલે વાચક અચૂક મનમાં કહે છે, “ આ શું વાંચવાનું નથી ? તો એ જ પહેલું વાંચી લઈએ. ” પેલું ‘ વાંચશો નહીં ’ છાપેલું હોય છે તે વાંચનાર નીચેનું વાંચે એ જ ઉદ્દેશથી છાપેલું છે. માણસ જે ન વાંચવાનું કહ્યું હોય તે જ અચૂક કાળજીથી વાંચી જાય છે. નિર્ગુણમાં મન ભટકતું રહેશે. સગુણભક્તિમાં એવું નથી. તેમાં આરતી છે, પૂજા છે, સેવા છે, ભૂતદયા છે. ઈન્દ્રિયોને ત્યાં પૂરતું કામ મળી રહે છે. એ બધી ઈન્દ્રિયોને બરાબર કામે વળગાડી પછી મનને કહો, ‘ હવે જા તારે જવું હોય ત્યાં, ’ પણ પછી મન નહીં જાય. તેમાં જ રમમાણ થઈ જશે, ખબર ન પડે તેમ એકાગ્ર થશે. પણ મનને ખાસ જાણીબૂઝીને એક ઠેકાણે બેસાડવા જશો તો તે અચૂક ભટકવા નાસી ગયું જાણો. જુદી જુદી ઈન્દ્રિયોને સારામાં સારા સુંદર વ્યવસાયોમાં રોકો ને પછી મનને કહો હવે ખુશીથી જ્યાં ભટકવું હોય ત્યાં જા. પણ તે નહીં જાય. જવાની સદર પરવાનગી મળશે ત્યારે તે કહેશે, ‘ આ આપણે બેઠા. ’ ‘ ગુપચૂપ બેસ, ’ એવો હુકમ તેને કરશો તો લાગલું કહેશે, ‘ હું ઊઠી જઈશ. ’
30. દેહધારી માણસને સારૂ સુલભપણાની દ્રષ્ટિથી નિર્ગુણના કરતાં સગુણ સારૂં છે. કર્મ કરતા રહેવા છતાં તેને ઉડાવી દેવાની યુક્તિ કર્મ ન કરવા છતાં કરતા રહેવાની વાતથી ચડિયાતી છે. કેમકે તેમાં સહેલાપણું છે. કર્મયોગમાં પ્રયત્ન, અભ્યાસ એ બધાંને અવકાશ છે. બધી ઈન્દ્રિયોને તાબામાં રાખી આસ્તે આસ્તે બધી પ્રવૃત્તિમાંથી મનને કાઢી લેવાનો મહાવરો કર્મયોગમાં થઈ શકે છે.
Page – 61 – અધ્યાય – ૫ – પ્રકરણ – ૨૪ – બેમાંહી કર્મનો યોગ, કર્મસંન્યાસથી ચડે

આ યુક્તિ તાબડતોબ હાથમાં ન આવે એમ બને, પણ હાથમાં આવે એવી છે. કર્મયોગ અનુકરણસુલભ છે. એ સંન્યાસની સરખામણીમાં તેની ખૂબી છે. પણ પૂર્ણાવસ્થામાં કર્મયોગ અને સંન્યાસ બંને સરખા છે. પૂર્ણ સંન્યાસ અને પૂર્ણ કર્મયોગ બંને એક જ વસ્તુ છે. નામ બે, દેખાવે જુદા, પણ બંને એક જ છે. એક પ્રકારમાં કર્મનું ભૂત બહાર નાચતું દેખાય છે પણ અંદર શાંતિ છે. બીજા પ્રકારમાં કશું ન કરવા છતાં ત્રિભુવનને હલાવવાની શક્તિ છે. જેવું દેખાય તેવું ન હોવું એ બંનેનું સ્વરૂપ છે. પૂર્ણ કર્મયોગ એ સંન્યાસ છે તો પૂર્ણ સંન્યાસ કર્મયોગ છે. જરાયે ફેર નથી. પણ સાધકની દ્રષ્ટિએ કર્મયોગ સુલભ છે. પૂર્ણાવસ્થામાં બંને એક જ છે.
31. જ્ઞાનદેવને ચાંગદેવે એક પત્ર મોકલ્યો. એ પત્ર કોરો કાગળ હતો. ચાંગદેવ કરતાં જ્ઞાનદેવ ઉંમરે નાના હતા. चिरंजीवी લખવા જાય તો બીજી બાજુથી જ્ઞાનદેવ જ્ઞાનમાં મોટા હતા. तीर्थस्वरूपલખવા જાય તો ઉંમરમાં નાના હતા. સંબોધન કેમ કરવું તે નક્કી ન થાય. એટલે ચાંગદેવે કોરો કાગળ પત્રરૂપે મોકલ્યો. એ કાગળ પહેલો નિવૃત્તિનાથના હાથમાં આવ્યો. તેમણે તે કોરો કાગળ વાંચીને જ્ઞાનદેવના હાથમાં મૂક્યો. જ્ઞાનદેવે વાંચીને મુક્તાબાઈને આપ્યો. મુક્તાબાઈએ એ વાંચીને કહ્યું, ‘ અલ્યા ચાંગા, આવડો મોટો થયો તોયે હજી કોરો જ રહેયો ! ’ નિવૃત્તિનાથના વાંચવામાં જુદો અર્થ આવ્યો હતો. તેમણે કહ્યું, ‘ ચાંગદેવ કોરો છે, શુદ્ધ છે, નિર્મળ છે અને ઉપદેશ આપવાને લાયક છે. ’ એવું કહીને તેમણે જ્ઞાનદેવને જવાબ લખવાને જણાવ્યું. જ્ઞાનદેવે પાંસઠ ઓવીનો કાગળ મોકલ્યો. તેને चांगदेव पासष्टी કહે છે. આવી એ પત્રની ગંમતભરેલી હકીકત છે. લખેલું વાંચવું સહેલું છે પણ ન લખેલું વાંચવું અઘરૂં છે. તેમાંનું વાંચવાનું પુરૂં થતું નથી. એ પ્રમાણે સંન્યાસી ખાલી, કોરો દેખાય તો પણ અપરંપાર કર્મ તેનામાં ભરેલું હોય છે.
32. સંન્યાસ અને કર્મયોગ, પૂર્ણ રૂપમાં બંનેની કિંમત સરખી છે, પણ કર્મયોગની એ ઉપરાંત વહેવારૂ કિંમત છે. ચલણની એકાદ નોટની પાંચ રૂપિયા કિંમત હોય છે. પાંચ રૂપિયાનું રોકડ નાણું પણ હોય છે.
Page – 62 – અધ્યાય – ૫ – પ્રકરણ – ૨૪ – બેમાંહી કર્મનો યોગ, કર્મસંન્યાસથી ચડે

સરકાર જ્યાં સુધી સ્થિર હોય ત્યાં સુધી બંનેની કિંમત સરખી રહે છે. પણ સરકાર પલટાઈ જાય તો વહેવારમાં તે નોટની કિંમત એક પાઈ પણ નહીં રહે. સોનાના નાણાની અલબત્ત કંઈક ને કંઈક કિંમત ઊપજ્યા વગર નહીં રહે કારણકે તે સોનું છે. પૂર્ણાવસ્થામાં કર્મત્યાગ અને કર્મયોગ બંનેની કિંમત તદ્દન સરખી છે કેમકે બંને પક્ષે જ્ઞાન હોય છે. જ્ઞાનની કિંમત અનંત છે. અનંતતામાં કંઈ પણ ઉમેરો તોયે કિંમત અનંત જ રહે છે. ગણિતશાસ્ત્રનો એ સિદ્ધાંત છે. કર્મત્યાગ અને કર્મયોગ એ બંનેને પરિપૂર્ણ જ્ઞાનમાં ઉમેરવાથી બંનેની કિંમત સરખી રહે છે. પણ બંને બાજુ પરનું જ્ઞાન કાઢી લો તો માત્ર કર્મત્યાગની સરખામણીમાં સાધકની દ્રષ્ટિથી કર્મયોગ ચડિયાતો સાબિત થાય છે. અસલ નક્કર જ્ઞાન બંને બાજુ ઉમેરો તો કિંમત એક જ રહેશે. છેવટને મુકામ પહોંચ્યા પછી જ્ઞાન + કર્મ = જ્ઞાન + કર્મભાવ. પણ જ્ઞાન બંને બાજુથી બાદ કરો એટલે કર્મના અભાવ કરતાં સાધકની દ્રષ્ટિએ કર્મ ચડિયાતું સાબિત થાય છે. સાધકને ન કરવા છતાં કરવું એટલે શું તે સમજાતું નથી. કરવા છતાં ન કરવું એમાં તેને સમજ પડશે. કર્મયોગ રસ્તા પર છે ને ઠેઠ મુકામ પર પણ છે. પણ સંન્યાસ એકલા મુકામ પર છે, રસ્તામાં નથી. શાસ્ત્રની ભાષામાં આ વાત કહેવી હોય તો એમ કહેવાય કે કર્મયોગ સાધન પણ છે અને નિષ્ઠા પણ છે, પણ સંન્યાસ એકલી નિષ્ઠા છે. નિષ્ઠા એટલે અંતિમ અવસ્થા.

                

Advertisements