Page – 1        અધ્યાય – ૧          પ્રકરણ – ૧         અર્જુનનો  વિષાદ

અધ્યાય પહેલો
અધ્યાય પહેલો  : પ્રાસ્તાવિક આખ્યાયિકા – અર્જુનનો  વિષાદ————— ૧ –  ૯
૧. मध्ये महाभारतम्    ૧
પ્રિય બંધુઓ,
(૧.) આજથી હું શ્રીમદભગવદ્ગીતા વિષે વાતો કરવાનો છું. ગીતાનો અને મારો સંબંધ તર્કની પેલી પારનો છે. મારૂં શરીર માના દૂધથી પોષાયું છે, પણ તેથીયે વધુ મારા હ્રદય અને બુદ્ધિનું પોષણ ગીતાના દૂધથી થયું છે. અંતરની ઊંડી મમતાનો સંબંધ હોય છે ત્યાં તર્કને જગ્યા રહેતી નથી. તર્કને છોડી, શ્રદ્ધા ને પ્રયોગની બે પાંખોથી ગીતાના આકાશમાં મારાથી જવાય તેટલું ઊંચે હું ઊડું છું. ઘણુંખરૂં હું ગીતાના વાતાવરણમાં હોઉં છું. ગીતા એટલે  મારૂં પ્રાણતત્ત્વ. બીજા કોઈકની સાથે ગીતા વિષે હું કોઈક વાર વાતો કરૂં છું ત્યારે ગીતાના સમુદ્રના તરંગો પર તરતો હોઉં છું અને એકલો હોઉં છું ત્યારે એ અમૃતના સાગરમાં ઊંડે ડૂબકી મારીને બેસું છું. આવી આ ગીતામાઈનું ચરિત્ર દર રવિવારે મારે કહેવું એવું નક્કી થયું છે.     1
2. ગીતાની ગોઠવણ મહાભારતમાં કરવામાં આવી છે. આખાયે મહાભારત પર પ્રકાશ નાખતા ઊંચા દીવાની માફક ગીતા તેની વચ્ચોવચ ઊભી છે. એક બાજુ મહાભારતનાં છ અને બીજી બાજુ બાર પર્વ એમ મધ્યભાગે અને તેવી જ રીતે ક તરફ સાત અક્ષૌહિણી અને બીજી તરફ અગિયાર અક્ષૌહિણી સેનાની વચ્ચે એમ પણ મધ્યભાગે રહીને ગીતાનો ઉપદેશ થયેલો છે.
3. મહાભારત અને રામાયણ આપણા રાષ્ટ્રીય ગ્રંથો છે. એમાંની વ્યક્તિઓ આપણા જીવન સાથે એકરૂપ થયેલી છે. રામ, સીતા, ધર્મ, દ્રૌપદી, ભીષ્મ, હનુમાન વગેરેનાં ચરિત્રોએ મંત્રની જેમ આખાયે ભારતીય જીવનને હજારો વર્ષોથી વશ કરેલું છે. દુનિયામાં બીજાં મહાકાવ્યોમાંનાં પાત્રો આવી રીતે લોકજીવનમાં ભળી ગયેલાં જોવાનાં મળતાં નથી. આ રીતે જોઈએ તો મહાભારત અને રામાયણ બંને ખરેખર અદ્ભુત ગ્રંથો છે. રામાયણ મધુર નીતિકાવ્ય છે અને મહાભારત વ્યાપક સમાજશાસ્ત્ર છે. એક લાખ શ્લોકો રચીને વ્યાસે અસંખ્ય ચિત્રો, ચરિત્રો અને ચારિત્ર્યો ઘણી કાબેલિયતથી આબેહૂબ દોર્યાં છે. તદ્દન નિર્દોષ એક પરમેશ્વર વગર કોઈ નથી અને તેવી જ રીતે આ જગતમાં કેવળ દોષથી ભરેલું એવું પણ કંઈ નથી એ વાત મહાભારતે ચોખ્ખેચોખ્ખી કહી છે. એમાં ભીષ્મ ને યુધિષ્ટિર જેવાના દોષો બતાવેલા છે અને તેથી ઊલટું કર્ણ ને દુર્યોધન વગેરેના ગુણો પણ પ્રકટ કરી બતાવ્યા છે. માનવીનું જીવન ધોળા ને કાળા ધાગાનો બનેલ પટ છે એ વાત મહાભારત કહે છે. વિશ્વમાંનું વિરાટ સંસારનું છાયાપ્રકાશમય ચિત્ર ભગવાન વ્યાસ તેનાથી લેપાયા વગર અળગા રહીને બતાવે છે. વ્યાસની આ અત્યંત અલિપ્ત તેમ જ ઉદાત્ત ગૂંથણીની કુશળતાને લીધે મહાભારતનો ગ્રંથ સોનાની એક ઘણી મોટી ખાણ બન્યો છે. જેને જોઈએ તે એમાંથી શોધન કરીને ભરપટ્ટે સોનું લૂંટી શકે છે.
Page – 2        અધ્યાય – ૧          પ્રકરણ – ૧         અર્જુનનો  વિષાદ
4. આવું મોટું મહાભારત વ્યાસે લખ્યું તો ખરૂં પણ તેમને પોતાને પોતાનું એવું કંઈ કહેવાનું હતું નહીં? પોતાનો વિશિષ્ટ સંદેશ તેમણે ક્યાંયે આપ્યો છે ખરો ? મહાભારતમાં કયે ઠેકાણે વ્યાસ સમાધિમાં તન્મય થયા છે ? અનેક જાતનાં તત્ત્વજ્ઞાનનાં અને તરેહતરેહના ઉપદેશોનાં વનનાં વન ઠેકઠેકાણે મહાભારતમાં ફેલાયેલાં છે. પણ એ બધાં તત્ત્વજ્ઞાનનું, એ બધા ઉપદેશો અને એકંદરે આખા ગ્રંથનું સારભૂત રહસ્ય તેમણે કોઈ ઠેકાણે રજુ કર્યું છે કે નથી ?  હા, કર્યું છે. સમગ્ર મહાભારતનું નવનીત વ્યાસે ભગવદ્ગીતામાં આપ્યું છે. ગીતા વ્યાસની મુખ્ય શીખ અને તેમના મનનનો પૂરેપૂરો સંઘરો છે. એના આધારથી ‘ मुनिओमां हुं छुं व्यास ’ એ વિભૂતિ સાર્થક સાબિત કરવાની છે. પ્રાચીન કાળથી ગીતાને ઉપનિષદની પદવી મળેલી છે. ગીતા ઉપનિષદનુંયે ઉપનિષદ છે. કેમકે બધાં ઉપનિષદોનું દોહન કરીને આ ગીતારૂપી દૂધ ભગવાને અર્જુનને નિમિત્ત બનાવી જગતને આપ્યું છે. જીવનના વિકાસને માટે જરૂરી એવો લગભગ એકેએક વિચાર ગીતામાં સમાયેલો છે. એથી જ ગીતા ધર્મજ્ઞાનનો કોષ છે એમ અનુભવી પુરૂષોએ યથાર્થ  કહ્યું છે. ગીતા નાનો સરખો તોયે હિંદુ ધર્મનો મુખ્ય ગ્રંથ છે.
5. ગીતા શ્રીકૃષ્ણે કહી છે એ બીના સૌ કોઈ જાણે છે. આ મહાન ઉપદેશ સાંભળનારો અર્જુન એ બોધ સાથે એવો સમરસ થયો કે તેને પણ ‘ કૃષ્ણ ’ સંજ્ઞા મળી, ઈશ્વર અને તેના ભક્તના હ્રદયનું રહસ્ય પ્રગટ કરતાં કરતાં વ્યાસદેવ પીગળીને એટલા સમરસ થઈ ગયા કે તેમનેયે લોકો‘ કૃષ્ણ ’  નામથી ઓળખવા લાગ્યા. કહેનારો કૃષ્ણ, સાંભળનારો કૃષ્ણ અને રચનારો પણ કૃષ્ણ એવું એ ત્રણેમાં જાણે કે અદ્વૈત પેદા થયું. ત્રણેની જાણે કે એકચિત્ત બની સમાધિ થઈ. ગીતાનો અભ્યાસ કરનારે એવી જ એકાગ્રતા રાખવાની છે.
Page – 3    – અધ્યાય – ૧      પ્રકરણ – ૨.         અર્જુનની ભૂમિકાનો સંબંધ
૨. અર્જુનની ભૂમિકાનો સંબંધ    ૩
(૨.) કેટલાક લોકોને એવું લાગે છે કે ગીતાનો આરંભ બીજા અધ્યાયથી ગણવો જોઈએ. તો પછી બીજા અધ્યાયના અગિયારમા શ્લોકથી ઉપદેસની સીધી શરૂઆત થાય છે ત્યાંથી જ આરંભ સમજવામાંયે શો વાંધો છે ? એક જણે તો મને એટલે સુધી કહેલું, “ અક્ષરોમાં ખુદ ભગવાને પોતે ઈશ્વરી વિભૂતિ ગણાવી છે. ‘अशोच्यानन्वशोचस्त्वं’ ના આરંભમાં અનાયાસે જ અકાર આવ્યો છે એટલે ત્યાંથી જ આરંભ ગણવો સારો! ” આ શબ્દચમત્કારને બાજુએ રાખીએ તો પણ એ આરંભ ઘણી રીતે યોગ્ય છે એમાં શંકા નથી. આમ છતાં તેની આગળના પ્રાસ્તાવિક ભાગનુંયે મહત્વ છે. અર્જુન કઈ ભૂમિકા પર છે, કઈ વાત કહેવાની એકંદરે ગીતાની પ્રવૃત્તિ છે એ બધું આ પ્રાસ્તાવિક કથાભાગ વગર બરાબર ધ્યાનમાં આવે એવું નથી. – 6.
7. અર્જુનની નામરદાઈ દૂર કરી તેને યુદ્ધમાં પ્રવૃત્ત કરવાને સારૂ ગીતાનો ઉપદેશ કરવામાં આવ્યો છે એવું વળી કેટલાક લોકોનું કહેવું છે. તેમના અભિપ્રાય મુજબ ગીતામાં કર્મયોગનો ઉપદેશ છે એટલું જ નહીં, તેમાં યુદ્ધયોગનો પણ ઉપદેશ છે. થોડો વિચાર કરવાથી  આ વાતમાં રહેલી ભૂલ દેખાશે. અઢાર અક્ષૌહિણી સેના લડવાને તૈયાર ઊભી હતી. તો શું આપણે એમ કહીશું કે આખી ગીતા સંભળાવીને શ્રીકૃષ્ણે અર્જુનને તે સેનાની લાયકાતનો બનાવ્યો ? અર્જુન ગભરાઈ ગયો હતો, તે સેનાને ગભરાટ થયો નહોતો. એટલે શું તે સેનાની લાયકાત અર્જુન કરતાં વધારે હતી ? આવો તો વિચાર સરખો થાય એમ નથી. અર્જુન બીકણ હતો તેથી લડાઈથી મોઢું ફેરવીને ઊભો રહ્યો હતો એવું નથી. સેંકડો લડાઈઓ ખેલી ચૂકેલો તે મહાવીર હતો. ઉત્તરગોગ્રહણ એટલે કે વિરાટની ગાયો છોડાવવાને પ્રસંગે તેણે એકલાએ એકલે હાથે ભીષ્મ, દ્રોણ અને કર્ણને હરાવી તેમનું બળ હરી લીધું હતું. હમેશ વિજય મેળવનારની અને બધા નરમાં એક જ સાચા નર તરીકેની તેની ખ્યાતિ હતી. તેના રોમરોમમાં વીરવૃત્તિ ભરેલી હતી. અર્જુનને ચીડવવા માટે તેને નામરદાઈનો ટોણો તો કૃષ્ણે પણ મારી જોયો હતો. એ બાણ જોકે ફોગટ ગયું ને પછી જુદા જ મુદ્દાઓ પર જ્ઞાન-વિજ્ઞાનનાં કેટલાંયે ભાષણો આપવાં પડ્યાં. તેથી નામરદાઈ કાઢવા જેવું સરળ તાત્પર્ય ગીતાનું નથી એ બીના ચોખ્ખી છે.
Page – 4     – અધ્યાય – ૧      પ્રકરણ – ૨.         અર્જુનની ભૂમિકાનો સંબંધ
8. બીજા કેટલાક કહે છે કે અર્જુનની અહિંસાવૃત્તિ દૂર કરી તેને યુદ્ધમાં પ્રવૃત્ત કરવાને સારૂ ગીતાનો ઉપદેશ કરવામાં આવ્યો છે. મારી સમજ પ્રમાણે આમ કહેવું બરાબર નથી. એ કેવી રીતે તે જોવાને આપણે અર્જુનની ભૂમિકા ઝીણવટથી તપાસવી પડશે. એ માટે પહેલો અધ્યાય અને બીજાની શરૂઆતમાં પેઠેલો અખાત જેવો ભાગ ઘણો કામનો છે.
અર્જુન રણમેદાન પર લડવાનો પાકો નિશ્ચય કરી કર્તવ્યની ભાવનાથી ઊભો રહ્યો હતો. ક્ષાત્રવૃત્તિ તેના સ્વભાવમાં હતી. યુદ્ધમાંથી ઊગરી જવાની પૂરેપૂરી કોશિશ કરવા છતાં તે ટાળી શકાયું નહોતું. સમજૂતીને માટે કૌરવો ઓછામાં ઓછી માગણી ને શ્રીકૃષ્ણ જેવા મધ્યસ્થી બંને ફોગટ ગયાં હતાં.  આ સંજોગોમાં દેશદેશના રાજાઓને એકઠા કરી, કૃષ્ણ પાસે પોતાનું સારથિપણું કરવાને સ્વીકારાવી તે રણમેદાન પર ઊભો રહે છે અને વીરવૃત્તિના ઉત્સાહથી કૃષ્ણને કહે છે, “ કોણ કોણ મારી સાથે લડવાને એકઠા મળ્યા છે તે બધાનાં મોઢાં એક વાર હું જોઈ લઉં તેટલા માટે બંને સેનાની વચ્ચોવચ્ચ મારો રથ લઈ જઈ ઊભો રાખો.“ કૃષ્ણ તેના કહેવા મુજબ કરે છે અને અર્જુન ચારેકોર નજર ફેરવે છે ત્યારે તેને શું દેખાય છે ? બંને બાજુ પર પોતાના સ્વજનોનો, સગાંવહાલાંનો પ્રચંડ જમાવ ઊભો છે. ‘ બાપ ને બેટા, દાદા, પોતા વળી ઘણા ’ એમ આપ્ત સંબંધની ચાર-ચાર પેઢી મારવાને ને મરવાનો છેવટનો નિશ્ચય કરી એકઠી મળી છે એવું તેણે જોયું. આ વાતનો ખ્યાલ તેને નહીં આવ્યો હોય એવું નથી. પણ સ્થિતિ પ્રત્યક્ષ નજરે પડે છે ત્યારે તેની અસર જુદી જ થાય છે. એ આખો સગાંવહાલાંનો સમૂહ જોતાંવેત તેનું દિલ ડહોળાવા માંડે છે. તેને બહુ ખરાબ લાગે છે. અત્યાર સુધીમાં અનેક લડાઈઓમાં તેણે અનેક વીરોનો સંહાર કર્યો હતો ત્યારે કોઈ વખતે તેને ખરાબ લાગ્યું નહોતું, તેનું ગાંડીવ તેના હાથમાંથી સરી પડ્યું નહોતું, તેના શરીરમાં કંપારી આવી નહોતી અને તેની આંખ ભીની થઈ નહોતી. ત્યારે આ વખતે જ આમ કેમ ? તેનામાં શું અશોકની માફક અહિંસાવૃત્તિનો ઉદય થયો હતો ? ના. આ બધી સ્વજનાસક્તિ હતી. એ ઘડીએ પણ સામા ગુરૂ, ભાઈઓ ને સગાંવહાલાં ન હોત તો તેણે રમતમાં દડા ઉછાળે તેમ શત્રુઓનાં માથાં ઉડાવ્યાં હોત. પણ આસક્તિથી જન્મેલો મોહ તેની કર્તવ્યનિષ્ઠાને ગળી ગયો હતો. અને પછી તેને તત્ત્વજ્ઞાન યાદ આવ્યું. કર્તવ્યનિષ્ઠ માણસ મોહમાં પડે તોયે ખુલ્લેખુલ્લી કર્તવ્યચ્યુતિ તેનાથી સહન થઈ શક્તી નથી. તે પોતાની કર્તવ્યચ્યુતિને એકાદ સારા વિચારનો વેશ ઓઢાડે છે. અર્જુનનું પણ એવું જ થયું. યુદ્ધ મૂળમાં જ પાપ છે એવા ઉછીના લીધેલા વિચારોનું તે હવે પ્રતિપાદન કરવા લાગ્યો. યુદ્ધથી કુળનો ક્ષય થશે, સ્વૈર આચાર બેફામ બનશે, વ્યભિચારવાદ ફેલાશે, દુકાળ આવી પડશે, સમાજ પર આફતો ઊતરશે, એવા એવા કેટલાયે મુદ્દા તે ખુદ શ્રીકૃષ્ણને સમજાવવા બેઠો !
Page – 5    અધ્યાય – ૧          પ્રકરણ – ૨.         અર્જુનની ભૂમિકાનો સંબંધ
9. મને અહીં એક ન્યાયાધીશની વાત યાદ આવે છે. એક ન્યાયાધીશ હતો. સેંકડો ગુનેગારોને તેણે ફાંસીની સજા કરી હતી. પણ એક દિવસ તેના પોતાના દીકરાને ખૂની તરીકે તેની સામે ખડો કરવામાં આવ્યો. દીકરા પર મુકાયેલો ખૂનનો આરોપ સાબિત થયો ને તેને ફાંસીની સજા કરવાનું એ ન્યાયાધીશને માથે આવ્યું. પણ તેમ કરતાં તે ન્યાયાધીશ અચકાયો. એટલે તેણે બુદ્ધિવાદભરી વાતો કરવા માંડી. “ફાંસીની સજા અમાનુષી છે, એવી સજા કરવાનું માણસને શોભતું નથી. માણસના સુધરવાની આશા એને લીધે રહેતી નથી. ખૂન કરનારે લાગણીના આવેશમાં આવી ખૂન કર્યું પણ તેની આંખ પરનાં લોહીનાં પડળ ઊતરી ગયાં પછી પણ ગંભીરતાથી તે માણસને ઊંચકીને ફાંસીએ લટકાવીને મારવાનું કામ સમાજની માણસાઈને નીચું જોવડાવનારૂં તેમ જ ડાઘ લગાડનારૂં છે.” આ ને આવા મુદ્દા ન્યાયાધીશે રજૂ કરવા માંડ્યા. આ છોકરો સામો આવ્યો ન હોત તો મરતાં સુધી ન્યાયાધીશસાહેબ ખાસા ફાંસીની સજાઓ ટીપતા રહ્યા હોત. દીકરા પરના મમત્વને લીધે ન્યાયાધીશ આ પ્રમાણે બોલવા લાગ્યો. તેનું એ બોલવું અંતરનું નહોતું. તે આસક્તિજન્ય હતું. ‘આ મારો દીકરો છે’ એવા મમત્વમાંથી નિર્માણ થયેલું એ સાહિત્ય હતું.
Page – 6 – અધ્યાય – ૧ –      પ્રકરણ – ૨.         અર્જુનની ભૂમિકાનો સંબંધ
10. અર્જુનની ગતિ એ ન્યાયાધીશ જેવી થયેલી. તેણે રજૂ કરેલા મુદ્દા ખોટા કે ભૂલભરેલા નહોતા. ગયા મહાયુદ્ધનાં આવાં અચૂક પરિણામ દુનિયાએ જોયાં છે. પણ વિચારવા જેવી વાત એટલી છે કે અર્જુનની ફિલસૂફી એ નહોતી. એ તેનો પ્રજ્ઞાવાદ હતો. શ્રીકૃષ્ણને એની બરાબર ખબર હતી. તેથી એ મુદ્દો જરાયે ધ્યાનમાં ન લેતાં તેમણે સીધો મોહનાશ માટેનો ઈલાજ અખત્યાર કર્યો. અર્જુન ખરેખર અહિંસાવાદી બન્યો હોત તો બીજાં આડ જ્ઞાન-વિજ્ઞાન ગમે તેણે ગમે તેટલાં સમજાવ્યાં હોત તોયે મૂળ મુદ્દાનો જવાબ મળ્યા વગર તેને સમાધાન થયું ન હોત. પણ આખી ગીતામાં ક્યાંયે એ મુદ્દાનો જવાબ નથી. અને છતાં અર્જુનને સમાધાન થયેલું છે. આ બધી વાતનો સાર એટલો કે અર્જુનની લાગણી અહિંસાવૃત્તિની નહોતી, તે યુદ્ધપ્રવૃત્ત જ હતો. તેની દ્રષ્ટિએ યુદ્ધ તેનું સ્વભાવપ્રાપ્ત અને અપરિહાર્ય ઠરેલું કર્તવ્ય હતું. મોહમાં ફસાઇને એ કર્તવ્ય તે હવે ટાળવા માગતો હતો. અને ગીતાનો મુખ્ય હુમલો એ મોહ પર છે.
૩. ગીતાનું પ્રયોજન : સ્વધર્મવિરોધી મોહનો નિરાસ    ૬
Page–6-અધ્યાય–૧-પ્રકરણ–3. -ગીતાનું પ્રયોજન – સ્વધર્મવિરોધી મોહનો નિરાસ
(૩.) અર્જુન એકલી અહિંસાની જ નહીં, સંન્યાસની ભાષા પણ બોલવા મંડ્યો હતો. આ લોહીથી ખરડાયેલા ક્ષાત્રધર્મ કરતાં સંન્યાસ સારો એવું અર્જુન કહે છે. પણ એ અર્જુનનો સ્વધર્મ હતો કે ? તેની વૃત્તિ એવી હતી ખરી કે ? સંન્યાસીનો વેશ અર્જુન સહેજે લઈ શક્યો હોત પણ સંન્યાસીની વૃત્તિ તે કેવી રીતે ને ક્યાંથી લાવે ? સંન્યાસનું નામ લઈ તે વનમાં જઈ રહ્યો હોત તો ત્યાં તેણે હરણાં મારવા માંડ્યાં હોત. તેથી ભગવાને સાફ કહ્યું, “ અરે અર્જુન, લડાઈ કરવાની ના પાડે છે એ તારો કેવળ ભ્રમ છે. આજ સુધીમાં તારો જે સ્વભાવ ઘડાયો છે તે તને લડાઈમાં ખેંચ્યા વગર રહેવાનો નથી. ”                                11.
Page–7-અધ્યાય–૧-પ્રકરણ–3. -ગીતાનું પ્રયોજન – સ્વધર્મવિરોધી મોહનો નિરાસ
અર્જુનને સ્વધર્મ વિગુણ એટલે કે ફીકો લાગે છે. પણ સ્વધર્મ ગમે તેટલો વિગુણ હોય તોયે તેમાં જ રહીને માણસે પોતાનો વિકાસ સાધવો જોઈએ. કેમકે સ્વધર્મમાં રહીને જ વિકાસ થઈ શકે છે. એમાં અભિમાનનો સવાલ નથી. વિકાસનું એ સૂત્ર છે. સ્વધર્મ મોટો છે માટે સ્વીકારવાનો હોતો નથી અને નાનો હોય માટે ફેંકી દેવાનો હોતો નથી. હકીકતમાં તે મોટોયે નથી ને નાનોયે નથી હોતો. તે મારા માપનો, લાયકનો હોય છે. ‘श्रेयान् स्वधर्मो विगुणः’ એ ગીતાવચનમાંના धर्म શબ્દનો અર્થ હિંદુ ધર્મ, ખ્રિસ્તી ધર્મ બધામાં વપરાતા ધર્મ શબ્દના અર્થ જેવો નથી. દરેક વ્યક્તિનો ધર્મ અલગ અલગ હોય છે. અહીં મારી સામે બેઠેલા આ તમારા બસો લોકોના બસો ધર્મો છે. મારો ધર્મ પણ દસ વરસ પહેલાં હતો તે આજે નથી. અને આજનો દસ વરસ પછી રહેવાનો નથી. ચિંતનથી અને અનુભવથી વૃત્તિ પલટાતી જાય છે તેમ તેમ પહેલાંનો ધર્મ ખરતો જાય છે અને નવો આવી મળે છે. મમત કે જબરદસ્તીથી એમાં કંઈ કરવાપણું હોતું નથી.
12. બીજાનો ધર્મ સારામાં સારો લાગે તોયે તે સ્વીકારવામાં મારૂં કલ્યાણ નથી. સુરજનું અજવાળું મને ગમે છે.  પ્રકાશથી પોષાઈને હું વધું છું. સૂર્ય મારે સારૂ વંદવાયોગ્ય પણ ખરો. પણ એટલા ખાતર મારૂં પૃથ્વી પરનું રહેવાનું છોડી હું તેની પાસે જવા નીકળું તો બળીને ખાખ થઈ જાઉં. એથી ઊલટું પૃથ્વી પર રહેવાનું વિગુણ લાગે, ફીકું લાગે, સૂર્યની આગળ પૃથ્વી ભલે તદ્દન તુચ્છ હોય, તે પોતાના તેજથી ભલે ન પ્રકાશતી હોય, તો પણ સૂર્યનું તેજ સહન કરવાની શક્તિ કે તેવું સામર્થ્ય મારામાં ન હોય ત્યાં સુધી સૂરજથી આઘે પૃથ્વી પર રહીને જ મારે મારો વિકાસ સાધવો જોઈએ. માછલીને કોઈ કહે કે, ‘પાણી કરતાં દૂધ કીમતી છે, દૂધમાં જઈને રહે,’ તો માછલી એ વાત કબૂલ રાખશે કે? માછલી પાણીમાં સલામત રહેશે ને દૂધમાં મરી જશે.
13. અને બીજાનો ધર્મ સહેલો લાગે તેથીયે સ્વીકારવાનો ન હોય. ઘણી વાર તો સહેલાપણાનો ખાલી ભાસ હોય છે. સંસારમાં સ્ત્રી-બાળકોનું જતન બરાબર થઈ શક્તું ન હોય તેથી થાકીને કે કંટાળીને કોઈ ગૃહસ્થ સંન્યાસ લે તો તે ઢોંગ થાય અને અઘરૂં પણ પડે. તક મળતાં વેંત તેની વાસનાઓ જોર કર્યા વગર નહીં રહે. સંસારનો ભાર ખેંચાતો નથી માટે ચાલ જીવ વનમાં જઈને રહું એવું વિચારી વનમાં જઈને રહેનારો સંસારી પહેલાં ત્યાં જઈને નાની સરખી ઝૂંપડી ઊભી કરશે. પછી તેના બચાવને માટે તેની ફરતે વાડ કર્યા વગર નહીં રહે. એમ કરતાં કરતાં ત્યાં તેને સવાયો સંસાર ઊભો કરવાનો વારો આવ્યા વગર પણ નહીં રહે. વૈરાગ્યવૃત્તિ હોય તો સંન્યાસમાં અઘરૂં શું છે? સંન્યાસ સહેલો છે એમ બતાવનારાં સ્મૃતિવચનો પણ ક્યાં નથી? પણ અસલ મુદ્દો વૃત્તિનો છે. જેની જેવી અસલ સાચી વૃત્તિ હશે, તે મુજબ તેનો ધર્મ રહેશે. શ્રેષ્ઠ કે કનિષ્ઠ, સહેલો કે અઘરો એ સવાલ નથી. સાચો વિકાસ થવો જોઈએ. સાચી પરિણતિ જોઈએ.
Page–8-અધ્યાય–૧-પ્રકરણ– 3. – ગીતાનું પ્રયોજન – સ્વધર્મવિરોધી મોહનો નિરાસ

14. પણ કોઈ કોઈ ભાવિક સવાલ કરે છે, ‘યુદ્ધ કરવાના ધર્મ કરતાં સંન્યાસ કોઈ પણ સંજોગોમાં વધારે ચડિયાતો હોય તો ભગવાને અર્જુનને સાચો સંન્યાસી શા સારૂ ન બનાવ્યો? ભગવાનથી શું એ બને એવું નહોતું?’ તેનાથી ન બની શકે એવું કશું નહોતું. પણ પછી તેમાં અર્જુનનો પુરૂષાર્થ શો રહ્યો હોત? પરમેશ્વર બધી જાતની છૂટ આપનાર છે. મહેનત જેણે તેણે જાતે કરવી રહે છે. એમાં જ ખરી મીઠાશ છે. નાનાં છોકરાંને જાતે ચિત્ર કાઢવામાં મોજ પડે છે. તેમનો હાથ પકડી કોઈ ચિત્ર કઢાવે તે તેમને ગમતું નથી. શિક્ષક છોકરાંઓને ઝપાટાબંધ એક પછી એક દાખલા કરી આપે તો છોકરાંઓની બુદ્ધિ વધે ક્યાંથી? માબારે, ગુરૂએ, સૂચના કરવી. પરમેશ્વર અંદરથી સૂચના આપ્યા કરે છે. એથી વધારે બીજું કંઈ તે કરતો નથી. કુંભારની માફક ઈશ્વર ઠોકીને કે ટીપીને અથવા થાપીને હરેકનું માટલું ઘડે તેમાં સાર શો? અને આપણે કંઈ માટીનાં માટલાં નથી, આપણે ચિન્મય છીએ.
15. સ્વધર્મની આડે આવનારો જે મોહ છે, તેના નિવારણને માટે ગીતાનો જન્મ છે એ બીના આ બધા વિવેચન પરથી તમારા સૌના ખ્યાલમાં આવી હશે. અર્જુન ધર્મસંમૂઢ થયો હતો, સ્વધર્મની બાબતમાં તે મોહમાં ફસાયો હતો. શ્રીકૃષ્ણે આપેલા પહેલા ઠપકા પછી આ વાત અર્જુન જાતે કબૂલ કરે છે. એ મોહ, એ આસક્તિ, એ મમત્વ દૂર કરવાં એ જ ગીતાનું મુખ્ય કામ છે. આખી ગીતા સંભળાવી રહ્યા પછી ભગવાન પૂછે છે, “અર્જુન, મોહ ગયો?” અર્જુને જવાબ આપ્યો, “ભગવાન, મોહ મરી ગયો, સ્વધર્મનું ભાન થયું.” આમ ગીતાનો ઉપક્રમ અને ઉપસંહાર બંનેનો મેળ બેસાડીને જોતાં મોહનિરાકરણ એ જ ગીતાનું ફળ દેખાય છે. એકલી ગીતાનો નહીં, ખુદ મહાભારતનો પણ એ જ ઉદ્દેશ છે. વ્યાસે છેક મહાભારતના આરંભમાં કહ્યું છે કે લોકોના હ્રદય પર છવાયેલા મોહના પડદાને હઠાવવાને હું આ ઈતિહાસ-પ્રદીપ ચેતાવું છું.
૪. ઋજુ બુદ્ધિવાળો અધિકારી    ૯
Page – 9 – અધ્યાય – ૧ – પ્રકરણ – ૪.     –     ઋજુ બુદ્ધિવાળો અધિકારી
(૪.) હવે પછીની આખી ગીતા સમજવામાં અર્જુનની આ ભૂમિકા આપણને ઉપયોગી થઈ તે સારૂ આપણે જરૂર તેનો આભાર માનીશું. એ સિવાય બીજો પણ તેનો એક ઉપકાર છે. અર્જુનની આ ભૂમિકામાં તેના મનની અત્યંત ઋજુતા ચોખ્ખી દેખાય છે. અર્જુન શબ્દનો અર્થ ઋજુ ટલે કે સરળ સ્વભાવનો એવો થાય છે. તેના મનમાં જે કંઈ વિચાર અથવા વિકાર ઊઠ્યા તે બધા તેણે નિખાલસપણે કૃષ્ણની આગળ રજૂ કર્યા. પોતાના ચિત્તમાં તેણે કશું રહેવા ન દીધું. અને છેવટે તે શ્રીકૃષ્ણ શરણ ગયો. હકીકતમાં તે આગળથી કૃષ્ણશરણ હતો. શ્રીકૃષ્ણને પોતાના સારથિ પદે સ્થાપી પોતાના રથના ઘોડાની લગામ તેના હાથમાં સોંપી તે જ વખતે તેણે પોતાની મનોવૃત્તિની લગામ પણ તેના હાથમાં સોંપવાની તૈયારી રાખી હતી. ચાલો, આપણે પણ એમ જ કરીએ. અર્જુન આગળ તો કૃષ્ણ હતા. પણ આપણને શ્રીકૃષ્ણ ક્યાંથી મળશે? આપણે એમ ન કહીએ. કૃષ્ણ એટલે એ નામવાળી કોઈક એક વ્યક્તિ છે એવી ઐતિહાસિક ઉર્ફે  ભ્રામક સમજમાં આપણે ન ફસાઈએ. અંતર્યામી સ્વરૂપે કૃષ્ણ આપણા દરેકના હ્રદયમાં વિરાજમાન છે. આપણી પાસેમાં પાસે તે જ છે. આપણા દિલમાંનો બધો મેલ આપણે તેની આગળ ખુલ્લો કરીએ ને તેને કહીએ, “હે ઈશ્વર, હું તારે શરણે છું. તું મારો અનન્ય ગુરૂ છે. મને ગમે તે એક રસ્તો બતાવ. તું બતાવશે તે જ રસ્તે જઈશ.” આપણે આમ કરીશું તો તે પાર્થ-સારથિ આપણું સારથિપણું પણ કર્યા વગર રહેવાનો નથી. ખુદ પોતાને ક્ષીમુખે તે આપણને ગીતા સંભળાવશે અને વિજયલાભ અપાવશે.             16.

Advertisements