અધ્યાય નવમો : માનવસેવાની રાજવિદ્યા : સમર્પણયોગ -૧૦૩ – ૧૨૨
અધ્યાય નવમો
માનવસેવાની રાજવિદ્યા : સમર્પણયોગ
Page – 103 – અધ્યાય – ૯ – પ્રકરણ – ૪૧ – પ્રત્યક્ષ અનુભવની વિદ્યા

૪૧. આજે મારૂં ગળું દુખે છે, મારો અવાજ સંભળાશે કે નહીં એ બાબતમાં થોડી શંકા રહે છે. આ પ્રસંગે સાધુચરિત મોટા માધવરાવ પેશવાના અંતકાળની વાત યાદ આવે છે. એ મહાપુરૂષ મરણપથારીએ પડયા હતા. ખૂબ કફ થયો હતો. કફનું પર્યાવસન અતિસારમાં કરી શકાય છે. માધવરાવે વૈદ્યને કહ્યું, ‘ મારો કફ મટી મને અતિસાર થાય એવું કરો એટલે રામનામ લેવાને મોઢું છૂટું થાય.’ હું પણ આજે પરમેશ્વરની પ્રાર્થના કરતો હતો. ઈશ્વરે કહ્યું, ‘ જેવું ગળું ચાલે તેવું બોલજે. ’ હું અહીં ગીતા વિષે બોલું છું તેમાં કોઈને ઉપદેશ કરવાનો હેતુ નથી. લાભ લેનારને તેમાંથી લાભ થયા વગર રહેવાનો નથી. પણ હું ગીતા વિષે બોલું છું તે રામનામ લેવાને બોલું છું. ગીતા વિષે કહેતી વખતે મારી હરિનામ લેવાની ભાવના હોય છે.    1.
2. આ હું જે કહું છું તેનો આજના નવમા અધ્યાય સાથે સંબંધ છે. હરિનામનો અપૂર્વ મહિમા આ નવમા અધ્યાયમાં કહેલો છે. આ અધ્યાય ગીતાની મધ્યમાં ઊભો છે. આખા મહાભારતની મધ્યમાં ગીતા અને ગીતાની મધ્યમાં નવમો અધ્યાય છે.
Page – 104 – અધ્યાય – ૯ – પ્રકરણ – ૪૧ – પ્રત્યક્ષ અનુભવની વિદ્યા

અનેક કારણોને લઈને આ અધ્યાયને પાવનત્વ પ્રાપ્ત થયેલું છે. કહેવાય છે કે જ્ઞાનદેવે છેવટે સમાધિ લીધી તે વખતે આ અધ્યાય જપતાં જપતાં તેમણે પ્રાણ છોડ્યા હતા. આ અધ્યાયના સ્મરણમાત્રથી મારી આંખો છલકાઈ જાય છે ને હ્રદય ભરાઈ આવે છે. વ્યાસનો આ કેવડો મોટો ઉપકાર ! એકલા ભરતખંડ પર નહીં, આખી માનવજાત પર આ ઉપકાર છે. જે વસ્તુ ભગવાને અર્જુનને કહી તે અપૂર્વ વસ્તુ શબ્દથી કહેવાય એવી નહોતી. પણ દયાથી પ્રેરાઈને વ્યાસજીએ સંસ્કૃત ભાષામાં પ્રગટ કરી.ગુહ્ય વસ્તુને વાણીનું રૂપ આપ્યું.
3. આ અધ્યાયના આરંભમાં જ ભગવાન કહે છે,
‘ राज-विद्या महा-गुह्य उत्तमोत्तम पावन ’
આ જે રાજવિદ્યા છે, આ જે અપૂર્વ વસ્તુ છે તે અનુભવવાની વાત છે. ભગવાન તેને પ્રત્યક્ષાવગમ કહે છે. શબ્દમાં ન સમાય એવી પણ પ્રત્યક્ષ અનુભવની કસોટી આ વાત આ અધ્યાયમાં કહેલી હોવાથી તેમાં ઘણી મીઠાશ આવેલી છે. તુલસીદાસે કહ્યું છે,
को जाने को जैहै जम-पुर को सुर-पुर पर-धाम को
तुलसिहि बहुत भलो लागत जग जीवन रामगुलाम को ।
– મરણ પછી મળનારૂં સ્વર્ગ, તેની બધી કથા અહીં શા કામની ? સ્વર્ગમાં કોણ જાય છે, યમપુર કોણ જાય છે તે કોણ કહી શકે ? અહીં ચાર દહાડા કાઢવાના છે તો તેટલો વખત રામના ગુલામ થઈને રહેવામાં જ મને આનંદ છે એમ તુલસીદાસજી કહે છે. રામના ગુલામ થઈને રહેવાની મીઠાશ આ અધ્યાયમાં છે. પ્રત્યક્ષ આ જ દેહમાં, આ જ આંખો વડે અનુભવાય એવું ફળ, જીવતાંજીવ અનુભવમાં આવે એવી વાતો આ અધ્યાયમાં કહેલી છે. ગોળ ખાતાં તેનું ગળપણ પ્રત્યક્ષ સમજાય છે તે જ પ્રમાણે રામના ગુલામ થઈને રહેવામાં જે મીઠાશ છે તે અહીં છે. આવી મૃત્યુલોકના જીવનમાંની મીઠાશનો પ્રત્યક્ષ અનુભવ કરાવનારી રાજવિદ્યા આ અધ્યાયમાં છે. એ રાજવિદ્યા ગૂઢ છે, પણ ભગવાન સૌ કોઈને સુલભ અને ખુલ્લી કરી આપે છે.
Page – 105 – અધ્યાય – ૯ – પ્રકરણ – ૪૨ – સહેલો રસ્તો

૪૨. જે ધર્મનો ગીતા સાર છે તેને વૈદિક ધર્મ કહે છે. વૈદિક ધર્મ એટલે વેદમાંથી નીકળેલ ધર્મ. પૃથ્વીના પડ પર જે કંઈ પ્રાચીન લખાણ મોજૂદ છે તેમાંનું વેદ પહેલું લખાણ મનાય છે. તેથી ભાવિક લોક તેને અનાદિ માને છે. આથી વેદ પૂજ્ય ગણાયા. અને ઈતિહાસની દ્રષ્ટિથી જોઈએ તો પણ વેદ આપણા સમાજની પ્રાચીન ભાવનાઓનું જૂનું નિશાન છે. તામ્રપટ, શિલાલેખ, જૂના સિક્કા, વાસણો, પ્રાણીઓના અવશેષ એ બધાંના કરતાં આ લેખિત સાધન અત્યંત મહત્વનું છે.  પહેલવહેલો ઐતિહાસિક પુરાવો એ વેદ છે. આવા એ વેદમાં જે ધર્મ બીજરૂપે હતો તેનું વૃક્ષ વધતાં વધતાં છેવટે તેને ગીતાનું દિવ્ય મધુર ફળ બેઠું. ફળ સિવાય ઝાડનું આપણે શું ખાઈ શકીએ ? ઝાડને ફળ બેસે પછી જ તેમાંથી ખાવાનું મળે. વેદધર્મના સારનોયે સાર તે આ ગીતા છે.     4.
5. આ જે વેદધર્મ પ્રાચીન કાળથી રૂઢ હતો તેમાં તરેહતરેહના યજ્ઞયાગ, ક્રિયાકલાપ, વિવિધ તપશ્ચર્યાઓ, નાના પ્રકારની સાધનાઓ બતાવેલી છે. એ બધું કર્મકાંડ નિરૂપયોગી નહીં હોય તો પણ તેને સારૂ અધિકારની જરૂર રહેતી હતી. તે કર્મકાંડની સૌ કોઈને છૂટ નહોતી. નાળિયેરી પર ઊંચે રહેલું નાળિયેર ઉપર ચડીને તોડે કોણ ? તેને પછી છોલે કોણ ? અને તેને ફોડે કોણ ? ભૂખ તો ઘણીયે લાગી હોય. પણ એ ઊંચા ઝાડ પરનું નાળિયેર મળે કેવી રીતે ? હું નીચેથી ઊંચે નાળિયેર તરફ તાકું ને નાળિયેર ઉપરથી મારા તરફ જોયા કરે. પણ એથી મારા પેટની આગ થોડી હોલવાવાની હતી ? એ નાળિયેર અને મારી સીધી મુલાકાત ન થાય ત્યાં સુધી બધું નકામું. વેદમાંની એ વિવિધ ક્રિયાઓમાં અત્યંત સૂક્ષ્મ વિચારો હોય. સામાન્ય જનતાને તે કેવી રીતે સમજાય ? વેદમાર્ગ વગર મોક્ષ ન મળે પણ વેદનો તો અધિકાર નહીં ! પછી બીજાંઓનું શું થાય ?
6. તેથી કૃપાળુ સંતોએ આગળ પડી કહ્યું, ‘ લાવો, આપણે આ વેદોનો રસ કાઢીએ. વેદોનો સાર ટૂંકામાં કાઢી દુનિયાને આપીએ. ’ એથી તુકારામ મહારાજ કહે છે,
वेद अनंत बोलला । अर्थ ईतुका चि सादला ।
— વેદે પાર વગરની વાતો કરી પણ તેમાંથી અર્થ આટલો જ સધાયો. એ અર્થ કયો ? હરિનામ. હરિનામ એ વેદનો સાર છે. રામનામથી મોક્ષ અવશ્ય મળે છે.
Page – 106 – અધ્યાય – ૯ – પ્રકરણ – ૪૨ – સહેલો રસ્તો

સ્ત્રીઓ, છોકરાં, શૂદ્ર, વૈશ્ય, અણઘડ, દૂબળાં, રોગી, પાંગળાં સૌ કોઈને માટે મોક્ષની છૂટ થઈ. વેદના કબાટમાં પુરાઈ રહેલો મોક્ષ ભગવાને રાજમાર્ગ પર આણીને મૂક્યો. મોક્ષની સાદીસીધી યુક્તિ તેમણે બતાવી. જેનું જે સાદું જીવન, જે સ્વધર્મકર્મ, તેને જ યજ્ઞમય કાં ન કરી શકાય ? બીજા યજ્ઞયાગની જરૂર શી ? તારૂં રોજનું સાદું જે સેવાકર્મ છે તેને જ યજ્ઞરૂપ કર.
7. એ આ રાજમાર્ગ છે.
‘ यानास्थाय नरो राजन् न प्रमाद्येत कर्हिचित् ।
धावन्निमील्य वा नेत्रे न स्खलेन्न पतेदिह ।। ’
— જેનો આધાર લેવાથી માણસની કદીયે ભૂલ થવાનો ડર નથી, આંખો મીંચીને દોડે તોયે પડશે નહીં.
બીજો રસ્તો ‘ क्षुरस्य धारा निशिता दुरत्यया ’ – અસ્ત્રાની ધાર જેવો તીક્ષ્ણ, મુશ્કેલીથી તે પર ચલાય એવો છે. તરવારની ધાર કદાચ થોડી બૂઠી હશે પણ આ વૈદક માર્ગ મહાવિકટ છે. રામના ગુલામ થઈને રહેવાનો રસ્તો સહેલો છે. કોઈને ઈજનેર ધીમે ધીમે ઊંચાઈ વધારતો વધારતો રસ્તો ઉપર ને ઉપર લેતો લેતો આપણને શિખર પર લઈ જઈને પહોંચાડે છે. અને આપણને આટલા બધા ઊંચે ચડયા એનો ખ્યાલ સરખો આવતો નથી. એ જેવી પેલા ઈજનેરની તેવી જ આ રાજમાર્ગની ખૂબી છે. જે માણસ જ્યાં કર્મ કરતો ઊભો છે ત્યાં જ, તે જ સાદા કર્મ વડે પરમાત્માને પહોંચી શકાય એવો આ માર્ગ છે.
8. પરમેશ્વર શું ક્યાંક છુપાઈ રહેલો છે ? કોઈ ખીણમાં, કોઈ કોતરમાં, કોઈ નદીમાં, કોઈ સ્વર્ગમાં, એમ તે ક્યાંક લપાઈ બેઠો છે? હીરામાણેક, સોનું ચાંદી પૃથ્વીના પેટાળમાં છુપાયેલાં પડયાં છે. તેની માફક શું આ પરમેશ્વરરૂપી લાલ રતન છૂપું છે ?  ઈશ્વરને શું ક્યાંકથી ખોદીને કાઢવાનો છે ? આ બધે સામો ઈશ્વર જ ઊભો નથી કે ? આ તમામ લોકો ઈશ્વરની મૂર્તિ છે. ભગવાન કહે છે, ‘ આ માનવરૂપે પ્રગટ થયેલી હરિમૂર્તિનો તુચ્છકાર કરશો મા. ’ ઈશ્વર પોતે ચરાચરમાં પ્રગટ થઈને રહ્યો છે. તેને શોધવાના કૃત્રિમ ઉપાયો શા સારૂ ? સીધોસાદો ઉપાય છે. અરે ! તું જે જે સેવા કરે તેનો સંબંધ રામની સાથે જોડી દે એટલે થયું.
Page – 107 – અધ્યાય – ૯ – પ્રકરણ – ૪૨ – સહેલો રસ્તો
રામનો ગુલામ થા. પેલો કઠણ વેદમાર્ગ, પેલો યજ્ઞ, પેલાં સ્વાહા ને સ્વધા, પેલું શ્રાદ્ધ, પેલું તર્પણ, એ બધું મોક્ષ તરફ લઈ તો જશે, પણ તેમાં અધિકારી ને અનધિકારીની ભાંજગડ ઊભી થાય છે. આપણે એમાં જરાયે પડવું નથી. તું એટલું જ કર કે જે કંઈ કરે તે પરમેશ્વરને અર્પણ કર. તારી હરેક કૃતિનો સંબંધ તેની સાથે જોડી દે. નવમો અધ્યાય એવું કહે છે. અને તેથી ભક્તોને તે બહુ મીઠો લાગે છે.
Page – 107 – અધ્યાય – ૯ – પ્રકરણ – ૪૩ – અધિકારભેદની ભાંજગડ નથી

૪૩. કૃષ્ણના આખા જીવનમાં બાળપણ બહુ મીઠું. બાળકૃષ્ણની ખાસ ઉપાસના છે. તે ગોવાળિયાઓ સાથે ગાયો ચારવા જાય, તેમની સાથે ખાયપીએ ને તેમની સાથે હસેરમે. ગોવાળિયા ઈંદ્રની પૂજા કરવા નીકળ્યા ત્યારે તેણે તેમને કહ્યું, ‘ એ ઈંદ્રને કોણે દીઠો છે ? તેના શા ઉપકાર છે ? આ ગોવર્ધન પર્વત તો સામો પ્રત્યક્ષ દેખાય છે. તેના પર ગાયો ચરે છે. તેમાંથી નદીઓ વહે છે. એની પૂજા કરો. ’ આવું આવું તે શીખવે. જે ગોવાળિયા સાથે તે રમ્યો, જે ગોપીઓ સાથે તે બોલ્યો, જે ગાયવાછરડાંમાં તે રંગોયો, તે સૌને તેણે મોક્ષ મોકળો કરી આપ્યો. અનુભવથી કૃષ્ણ પરમાત્માએ આ સહેલો રસ્તો બતાવેલો છે. નાનપણમાં તેનો ગાય સાથે સંબંધ બંધાયો, મોટપણમાં ઘોડા સાથે. તેની મોરલીનો નાદ સાંભળતાંની સાથે ગાયો ગળગળી થઈ જતી અને કૃષ્ણનો હાથ પીઠ પર ફરતાંની સાથે ઘોડા હણહણી ઊઠતા. તે ગાયો ને તે ઘોડા કેવળ કૃષ્ણમય થઈ જતાં. पापयोनि ગણાતાં એ જાનવરોને પણ જાણે કે મોક્ષ મળી જતો. મોક્ષ પર એકલા માનવોનો હક નથી. પશુપક્ષીઓનો પણ છે એ વાત શ્રીકૃષ્ણે સ્પષ્ટ કરી છે. તેણે જીવનમાં એ વાતનો અનુભવ કર્યો હતો.    9.
10. જે ભગવાનનો તે જ વ્યાસનો અનુભવ હતો. કૃષ્ણ અને વ્યાસ બંને એકરૂપ છે. બંનેના જીવનનો સાર એક જ છે. મોક્ષ વિદ્વતા પર, કર્મકલાપ એટલે કે કર્મના ફેલાવા પર આધાર રાખતો નથી. તેને માટે સાદીભોળી ભક્તિ પણ પૂરતી છે. ભોળી ભાવિક સ્ત્રીઓ ‘ હું ’ ‘ હું ’ કરતા જ્ઞાનીઓને પાછળ પાડી દઈ તેમની આગળ નીકળી ગઈ છે. મન પવિત્ર હોય અને શુદ્ધ ભાવ હોય તો મોક્ષ અઘરો નથી. મહાભારતમાં ‘ જનક-સુલભા-સંવાદ ’ નામે એક પ્રકરણ છે.
Page – 108 – અધ્યાય – ૯ – પ્રકરણ – ૪૩ – અધિકારભેદની ભાંજગડ નથી

જનક રાજા જ્ઞાનને સારૂ એક સ્ત્રી પાસે જાય છે એવો પ્રસંગ વ્યાસે ઊભો કર્યો છે. તમારે જોઈએ તો સ્ત્રીઓને વેદનો અધિકાર છે કે નથી એ મુદ્દાની ચર્ચા કર્યા કરો. પણ સુલભા ખુદ જનકને બ્રહ્મવિદ્યા આપે છે. તે એક સામાન્ય સ્ત્રી છે. અને જનક કેવડો મોટો સમ્રાટ ! કેટકેટલી વિદ્યાથી સંપન્ન ! પણ મહાજ્ઞાની જનક પાસે મોક્ષ નહોતો. તે માટે વ્યાસજીએ તેની પાસે સુલભાના ચરણ પકડાવ્યા છે. એવો જ પેલો તુલાધાર વૈશ્ય. પેલો જાજલિ બ્રાહ્મણ તેની પાસે જ્ઞાનને સારૂ જાય છે, તુલાધાર કહે છે, ‘ ત્રાજવાંની દાંડી સીધી રાખવામાં મારૂં બધું જ્ઞાન છે. ’ તેવી જ પેલી વ્યાધની કથા લો. વ્યાધ મૂળમાં કસાઈ, પશુઓને મારી સમાજની સેવા કરતો હતો. એક અહંકારી તપસ્વી બ્રાહ્મણને તેના ગુરૂએ વ્યાધની પાસે જવાને કહ્યું. બ્રાહ્મણને નવાઈ લાગી. કસાઈ તે કેવુંક જ્ઞાન આપવાનો હતો ? બ્રાહ્મણ વ્યાધ પાસે પહોંચ્યો. વ્યાધ શું કરતો હતો ? તે માંસ કાપતો હતો, તેને ધોતો હતો, સાફ કરી વેચવાને ગોઠવતો હતો. તેણે બ્રાહ્મણને કહ્યું, ‘ મારું આ કર્મ જેટલું થઈ શકે તેટલું હું ધર્મમય કરૂં છું. જેટલો રેડાય તેટલો આત્મા આ કર્મમાં રેડી હું આ કર્મ કરૂં છું અને માબાપની સેવા કરૂં છું ’ આવા આ વ્યાધને રૂપે વ્યાસજીએ આદર્શમૂર્તિ ઊભી કરી છે.
11. મહાભારતમાં આ જે સ્ત્રીઓ, વૈશ્યો, શૂદ્રો એ બધાંની કથાઓ આવે છે તે સર્વ કોઈને માટે મોક્ષ ખુલ્લો છે એ બીના સાફ દેખાય તેટલા સારૂ છે. તે વાર્તાઓમાંનું તત્વ આ નવમા અધ્યાયમાં કહેલું છે. તે વાર્તાઓ પર આ અધ્યાયમાં મહોર મરાઈ. રામના ગુલામ થઈને રહેવામાં જે મીઠાશ છે તે જ પેલા વ્યાધના જીવનમાં છે. તુકારામ મહારાજ અહિંસક હતા, પણ સજન કસાઈએ કસાઈનો ધંધો કરતાં કરતાં મોક્ષ મેળવ્યો તેનું ખૂબ હોંશથી તેમણે વર્ણન કર્યું છે. બીજે એક ઠેકાણે તુકારામે પૂછ્યું છે, ‘ પશુઓને મારનારાઓની હે ઈશ્વર, શી ગતિ થશે ? ’ પણ ‘ सजन कसाया विकुं लागे मांस. ’ – સજન કસાઈને માંસ વેચવા લાગતો એ ચરણ લખીને ભગવાન સજન કસાઈને મદદ કરે છે એવું એમણે વર્ણન કર્યું છે. નરસિંહ મહેતાની હુંડી સ્વીકરાનારો, નાથને ત્યાં પાણીની કાવડ ભરી આણનારો, દામાજીને ખાતર ઢેડ બનવાવાળો, મહારાષ્ટ્રને પ્રિય જનાબાઈને દળવાખાંડવામાં હાથ દેનારો, એવો એ ભગવાન સજન કસાઈને પણ તેટલા જ પ્રેમથી મદદ કરતો એમ તુકારામ કહે છે. ટૂંકમાં, બધાંને કૃત્યોનો સંબંધ પરમેશ્વરની સાથે જોડવો. કર્મ શુદ્ધ ભાવનાથી કરેલું અને સેવાનું હોય તો તે યજ્ઞરૂપ જ છે.
Page – 109 – અધ્યાય – ૯ – પ્રકરણ – ૪૪ – કર્મફળ ઈશ્વરને અર્પણ

૪૪. નવમા અધ્યાયમાં આ જ ખાસ વાત છે. આ અધ્યાયમાં કર્મયોગ અને ભક્તિયોગનો મધુર મેળાપ છે. કર્મયોગ એટલે કર્મ કરી તેના ફળનો ત્યાગ કરવો તે. કર્મ એવી ખૂબીથી કરો કે ફળની વાસના ચોંટે નહીં. આ વાત અખોડનું ઝાડ રોપવા જેવી છે. અખોડના ઝાડને પચીસ વરસે ફળ આવે છે. રોપનારને ફળ ચાખવાનાં ન મળે તોયે ઝાડ રોપવું ને તેને પ્રેમથી ઉછેરવું. કર્મયોગ એટલે ઝાડ રોપવું ને તેના ફળની અપેક્ષા ન રાખવી તે. ભક્તિયોગ એટલે શું ? ભાવપૂર્વક ઈશ્વર સાથે જોડાવું તેનું નામ ભક્તિયોગ છે. રાજયોગમાં કર્મયોગ અને ભક્તિયોગ એકઠા થઈને ભળી જાય છે. રાજયોગની અનેક લોકોએ અનેક વ્યાખ્યા આપી છે. પણ રાજયોગ એટલે ટૂંકમાં કર્મયોગ ને ભક્તિયોગનું મધુરૂં મિશ્રણ એવી મારી વ્યાખ્યા છે.
કર્મ કરવાનું ખરૂં પણ ફળ ફેંકી ન દેતાં તે ઈશ્વરને અર્પણ કરવાનું છે. ફળ ફેંકી દો એમ કહેવામાં ફળનો નિષેધ છે. અર્પણમાં એવું નથી. આ ઘણી સુંદર અવસ્થા છે.. તેમાં અપૂર્વ મીઠાશ છે. ફળનો ત્યાગ કરવાનો અર્થ એવો નથી થતો કે ફળ કોઈ લેનાર નથી. કોઈ ને કોઈ તે ફળ લેશે, કોઈકને પણ તે મળ્યા વગર રહેશે નહીં. પછી જેને એ ફળ મળે તે લાયક છે કે નથી એવા બધા તર્ક ઊઠયા વગર નહીં રહે. કોઈ ભિખારી આવે છે તો તેને જોઈ આપણે તરત કહીએ છીએ, ‘ ખાસો જાડોજબરો છે. ભીખ માગતાં શરમ નથી આવતી ? નીકળ અહીંથી ! ’ તે ભીખ માગે છે એ યોગ્ય છે કે નથી એ આપણે જોવા બેસીએ છીએ. ભિખારી બિચારો શરમાઈ જાય છે. આપણામાં સહાનુભૂતિનો પૂરેપૂરો અભાવ. એ ભીખ માગનારની લાયકાત આપણે કેવી રીતે જાણી શકવાના હતા ?    12.
Page – 110 – અધ્યાય – ૯ – પ્રકરણ – ૪૪ – કર્મફળ ઈશ્વરને અર્પણ

13. નાનપણમાં માને મેં આવી જ શંકા પૂછી હતી. તેણે આપેલો જવાબ  હજી મારા કાનમાં ગુંજ્યા કરે છે. મેં માને કહેલું, ‘ આ તો ખાસો સાબૂત હાડકાંનો દેખાય છે. એવાને દાનમાં કંઈ આપીશું તો વ્યસન અને આળસને ખાસું ઉત્તેજન મળશે. ’ ગીતામાંનો ‘ देशे काले च पात्रे च ’ ‘ દેશ, કાળ, ને પાત્ર જોઈ, ’ એ શ્લોક પણ મેં ટાંકી બતાવ્યો. માએ કહ્યું,  ‘ જે ભિખારી આવેલો તે પરમેશ્વર પોતે હતો. હવે પાત્રાપાત્રતાનો વિચાર કર. ભગવાન શું અપાત્ર છે ? પાત્રાપાત્રતાનો વિચાર કરવાનો તને ને મને શો અધિકાર છે ? મને લાંબો વિચાર કરવાની જરૂર લાગતી નથી. મારે માટે તે ભગવાન છે ’ માના આ જવાબનો જવાબ હજી મને સૂઝયો નથી.
બીજાને ભોજન આપતી વખતે તેની લાયકાત – ગેરલાયકાતનો હું વિચાર કરવા બેસું છું. પણ પોતે કોળિયા ગળે ઉતારીએ છીએ ત્યારે આપણને પોતાને અધિકાર છે કે નહીં તેનો વિચાર કદી મનમાં આવતો નથી. જે આપણે આંગણે આવી ઊભો તેને અપશુકનિયાળ ભિખારી જ શા સારૂ માનવો ? આપણે જેને આપીએ છીએ તે ભગવાન જ છે એવું કેમ ન સમજવું ? રાજયોગ કહે છે, ‘ તારા કર્મનું ફળ કોઈ ને કોઈ તો ચાખનાર જ છે ને ? તો તે ઈશ્વરને જ આપી દે. તેને અર્પણ કર. ’
14. રાજયોગ યોગ્ય સ્થાન બતાવે છે. ફળનો ત્યાગ કરવાનું નિષેધાત્મક કર્મ પણ અહીં નથી અને ભગવાનને અર્પણ કરવાનું હોવાથી પાત્રાપાત્રતાના સવાલનો પણ ઉકેલ આવી જાય છે. ભગવાનને આપેલું દાન સદા સર્વદા શુદ્ધ જ છે. તારા કર્મમાં દોષ હશે તો પણ તેના હાથમાં જતાંવેંત તે પવિત્ર બનશે. આપણે ગમે તેટલા દોષ દૂર કરીએ તોયે આખરે થોડોઘણો દોષ રહી જ જાય છે. છતાં આપણાથી બને તેટલા શુદ્ધ થઈને કર્મ કરવું. બુદ્ધિ ઈશ્વરની આપેલી બક્ષિસ છે. તે જેટલી શુદ્ધ રીતે વાપરી શકાય તેટલી શુદ્ધ રીતે વાપરવાથી આપણી ફરજ છે. તેમ ન કરીએ તો આપણે ગુનેગાર  ઠરીએ. તેથી પાત્રાપાત્રવિવેક પણ કરવો જ જોઈએ. ભગવદભાવનાથી તે વિવેક કરવાનું સરળ થાય છે.
15. ફળનો વિનિયોગ ચિત્તશુદ્ધિ કરવાને માટે યોજવો. જે કાર્ય જેવું થાય તેવું ભગવાનને આપી દે. પ્રત્યક્ષ ક્રિયા જેમ જેમ થતી જાય તેમ તેમ ઈશ્વરને અર્પણ કરી મનની પુષ્ટિ મેળવતા જવું જોઈએ.
Page – 111 – અધ્યાય – ૯ – પ્રકરણ – ૪૪ – કર્મફળ ઈશ્વરને અર્પણ

ફળ ફેંકી દેવાનું નથી. તે ઈશ્વરને અર્પણ કરવું. બલકે, મનમાં પેદા થતી વાસના તેમ જ કામક્રોધ વગેરે વિકારો પણ ઈશ્વરને સુપરત કરી છૂટા થઈ જવું.
कामक्रोध आम्हीं वाहिले विठ्ठलीं
– કામક્રોધ અમે ઈશ્વરને સુપરત કર્યા છે. અહીં સંયમાગ્નિમાં નાખીને વિકારોને બાળવાફાળવાની વાત જ નથી. તાબડતોબ અર્પણ કરીને છૂટા. કોઈ જાતની માથાફોડ નથી, મારામારી નથી.
रोग जाय दुधें साखरें । तरी निंब कां पियावा
– દૂધ ને સાકરથી રોગ મટતો હોય તો કડવો લીમડો શા સારૂ પીવો ?
16. ઈન્દ્રિયો પણ સાધનો છે. તેમને ઈશ્વરને અર્પણ કરો. કહે છે કે કાન કાબૂમાં રહેતા નથી. તો શું સાંભળવાનું જ માંડી વાળવું ? સાંભળ, પણ હરિકથા જ સાંબળવાનું રાખ. કંઈ સાંભળવું જ નહીં એ વાત અઘરી છે. પણ હરિકથા સાંભળવાનો વિષય આપી કાનનો ઉપયોગ કરવાનું વધારે સહેલું, મધુર અને હિતકર છે. રામને તારા કાન સોંપી દે, મોંએથી રામનું નામ લે, ઈન્દ્રિયો કંઈ વેરી નથી. તે સારી છે. તેમનામાં ઘણું સામર્થ્ય છે. હરેક ઇન્દ્રિય ઈશ્વરાર્પણબુદ્ધિથી વાપરવી એ રાજમાર્ગ છે. આ જ રાજયોગ છે.
Page – 111 – અધ્યાય – ૯ – પ્રકરણ – ૪૫ – ખાસ ક્રિયાનો આગ્રહ નથી

૪૫. અમુક જ ક્રિયા ઈશ્વરને અર્પણ કરવની છે એવું નથી. કર્મમાત્ર તેને આપી દો. શબરીનાં પેલાં બોર. રામે તેનો સ્વીકાર કર્યો. પરમેશ્વરની પૂજા કરવાને માટે ગુફામાં જઈને બેસવાની જરૂર નથી. જ્યાં જે કર્મ કરતા હો ત્યાં તે ઇશ્વરને અર્પણ કરો. મા બાળકની સંભાળ રાખે છે તે જાણે ઈશ્વરની જ રાખે છે. બાળકને સ્નાન કરાવ્યું તે ઈશ્વરને રૂદ્રાભિષેક કર્યો જાણવો. આ બાળક પરમેશ્વરની કૃપાની બક્ષિસ છે એમ સમજી માએ પરમેસ્વરભાવનાથી બાળકનું જતન કરવું. કૌશલ્યા રામચંદ્રની, જશોદા કૃષ્ણની કેટલા પ્રેમથી ફિકર ને સંભાળ રાખતી એનું વર્ણન કરવામાં શુક, વાલ્મીકિ અને તુલસીદાસ પોતાને ધન્ય માને છે. તેમને તે ક્રિયાનું પાર વગરનું કૌતુક થયા કરે છે.
Page – 112 – અધ્યાય – ૯ – પ્રકરણ – ૪૫ – ખાસ ક્રિયાનો આગ્રહ નથી

માની એ સેવાની ક્રિયા ઘણી મહાન છે. એ બાળક પરમેશ્વરની મૂર્તિ છે અને એ મૂર્તિની સેવા કરવાની મળે એથી બીજું મોટું ભાગ્ય કયું ? આપણે એકબીજાની સેવામાં એ ભાવના રાખીએ તો આપણાં કર્મોમાં કેટલું બધું પરિવર્તન થઈ જાય ? જેને ભાગે જે જે સેવા કરવાની આવે તે ઈશ્વરની સેવા છે એવી ભાવના તેણે રાખતા જવું.     17.
18. ખેડૂત બળદની સેવા કરે છે. એ બળદ શું તુચ્છ છે કે ? ના, નથી. વામદેવે વેદમાં શક્તિરૂપે વિશ્વમાં ફેલાઈ રહેલા જે બળદનું વર્ણન કર્યું છે તે જ બળદ ખેડૂતના બળદમાં પણ છે.
‘ चत्वारि शृंगा त्रयो अस्य पादाः
द्वे शीर्षे सप्त हस्तासो अस्य
त्रिधा बद्धो वृषभो रोरवीति
महो देवो मर्त्यां आ विवेश ।। ’
– જેને ચાર શિંગડાં છે, ત્રણ પગ છે, બે માથાં છે, સાત હાથ છે, ત્રણ ઠેકાણે જે બંધાયેલો છે, જે મહાન તેજસ્વી હોઈ સર્વ મર્ત્ય વસ્તુમાં ભરેલો છે, એવો આ જે ગર્જના કરવાવાળો વિશ્વવ્યાપી બળદ છે તેને જ ખેડૂત પૂજે છે. ટીકાકારોએ આ એક જ ઋચાના પાંચસાત જુદા જુદા અર્થ આપેલા છે. આ બળદ છે જ મૂળમાં વિચિત્ર. આકાશમાં ગાજીને વરસાદ વરસાવનારો જે બળદ છે તે જ બદ મળમૂત્રની વૃષ્ટિ કરી ખેતરને રસાળ કરનારા આ ખેડૂતના બળદમાં છે. આવી મહાન ભાવના રાખી ખેડૂત પોતાના બળદની સેવાચાકરી કરશે તો તે સાદી બળદની સેવા ઈશ્વરને અર્પણ થઈ જાણવી.
19. તે જ પ્રમાણે ઘરમાં જે ગૃહલક્ષ્મી છે તેણે પોતું દઈને રસોડું સ્વચ્છ બનાવ્યું છે, તે રસોડામાં જે ચૂલો સળગી રહ્યો છે તે ચૂલા પર સ્વચ્છ અને સાત્વિક રોટલો શેકાય છે, પોતાના ઘરનાં સૌને એ રસોઈ પુષ્ટિદાયક તેમ જ તુષ્ટિદાયક નીવડો એવી જે ગૃહલક્ષ્મીની ઈચ્છા છે, તે બધુંયે તેનું કર્મ યજ્ઞરૂપ જ છે. તે માએ જાણે કે એ નાનકડો યજ્ઞ પેટાવ્યો છે. પરમેશ્વરને તૃપ્ત કરવાનો છે એવી ભાવના મનમાં રાખી જે રસોઈ થશે તે કેટલી સ્વચ્છ ને પવિત્ર થશે તેનો ખ્યાલ કરો. ગૃહલક્ષ્મીના મનમાં જો આવી મોટી ભાવના હશે તો તે ભાગવતમાંની ઋષિપત્નીને તોલે આવશે. સેવા કરતાં કરતાં આવી કેટલીયે માતાઓનો ઉદ્ધાર થઈ ગયો હશે અને ‘ હું-હું ’ કહીને ગાજનારા મોટા મોટા જ્ઞાનીઓ ને પંડિતો ક્યાંક ખૂણે પડી રહ્યા હશે.
Page–113 – અધ્યાય – ૯ – પ્રકરણ – ૪૬ – આખું જીવન હરિમય થઈ શકે

૪૬. આપણું રોજનું ઘડીઘડીનું જીવન સાદું દેખાય છે ખરૂં, પણ તે સાદું નથી. તેમાં ઊંડો અર્થ સમાયેલો છે. આખુંયે જીવન એક મહાન યજ્ઞકર્મ છે. તમારી જે ઊંઘ તે પણ એક સમાધિ છે. સર્વ ભોગ ઈશ્વરને અર્પણ કર્યા પછી જે નિદ્રા આપણે લઈએ તે સમાધિ નથી તો બીજું શું છે ? આપણામાં સ્નાન કરતી વખતે પુરૂષસૂક્ત બોલવાનો રિવાજ છે. આ પુરૂષસૂક્તનો સ્નાનની ક્રિયાની સાથે શો સંબંધ છે ? સંબંધ જોશો તો દેખાશે. જેના હજાર હાથ છે, જેની હજાર આંખો છે એવા એ વિરાટ પુરૂષનો મારા નાહવાની સાથે સંબંધ શો ? સંબંધ એ કે તું જે કળશિયો પાણી તારા માથા પર રેડે છે તેમાં હજારો ટીપાં છે. તે ટીપાં તારું માથું ધુએ છે, તને નિષ્પાપ કરે છે. તારા માથા પર ઈશ્વરનો એ આશીર્વાદ ઊતરે છે. પરમેશ્વરના સહસ્ત્ર હાથમાંની સહસ્રધારા જાણે કે તારા પર વરસે છે. પાણીનાં બિંદુને રૂપે ખુદ પરમેશ્વર જાણે કે તારા માથામાંનો મળ દૂર કરે છે. આવી દિવ્ય ભાવના એ સ્નાનમાં રેડો. પછી તે સ્નાન જુદું જ થઈ રહેશે. તે સ્નાનમાં અનંત શક્તિ આવશે    20.
21. કોઈ પણ કર્મ તે પમેશ્વરનું છે એ ભાવનાથી કરવાથી સાદું સરખું હોય તો પણ પવિત્ર બને છે. આ અનુભવની વાત છે. આપણે ઘેર આવનારો પરમેશ્વર છે એવી ભાવના એક વાર કરી તો જુઓ. સામાન્ય રીતે એકાદ મોટો માણસ ઘેર આવે છે તોયે આપણે કેટલી સાફસૂફી કરીએ છીએ અને કેવી રૂડી રસોઈ બનાવીએ છીએ ? તો પછી આવનારો પરમેશ્વર છે એવી ભાવના કરશો તો બધી ક્રિયાઓમાં કેટલો બધો ફરક પડશે વારૂ ? કબીર કાપડ વણતા. તેમાં તે તલ્લીન થઈ જતા. झीनी झीनी झीनी झीनी बिनी चदरिया એવું ભજન ગાતા ગાતા તે ડોલતા. પરમેશ્વરને ઓઢાડવાને માટે જાણે કે પોતે ચાદર વણે છે. ઋગ્વેદનો ઋષિ કહે છે,
वस्त्रेव भद्रासुकृता
Page–114 – અધ્યાય – ૯ – પ્રકરણ – ૪૬ – આખું જીવન હરિમય થઈ શકે

આ મારા સ્તોત્રથી, સુંદર હાથે વણાયેલા વસ્ત્રની માફક હું ઈશ્વરને શણગારૂં છું. કવિ સ્તોત્ર રચે તે ઈશ્વરને સારૂ અને વણકર વસ્ત્ર વણે તે પણ ઈશ્વરને સારૂ. કેવી હ્રદયંગમ કલ્પના છે ! કેટલો હ્રદયને વિશુદ્ધ કરનારો, હ્રદયને ભાવથી ભરી દેનારો વિચાર છે ! આ ભાવના એક વાર જીવનમાં કેળવાય પછી જીવન કેટલું બધું નિર્મળ થઈ જાય ! અંધારામાં વીજળી ચમકતાંની સાથે તે અંધારાનો એક ક્ષણમાં પ્રકાશ બને છે કે ? ના. એક ક્ષણમાં બધું અંતર્બાહ્ય પરિવર્તન થઈ જાય છે. એ જ પ્રમાણે દરેક ક્રિયા ઈશ્વરની સાથે જોડી દેતાંની સાથે જીવનમાં એકદમ અદભૂત શક્તિ આવી વસે છે. પછી હરેક ક્રિયા વિશુદ્ધ થવા માંડશે. જીવનમાં ઉત્સાહનો સંચાર થશે. આજે આપણા જીવનમાં ઉત્સાહ ક્યાં છે ? આપણે મરવાને વાંકે જીવીએ છીએ. ઉત્સાહનો બધે દુકાળ છે. આપણું જીવવું રોતલ, કળાહીન થઈ ગયું છે. પણ બધી ક્રિયાઓ ઈશ્વરની સાથે જોડવાની છે એવો ભાવ મનમાં કેળવો, તમારૂં જીવવું પછી રમણીય અને વંદ્ય થઈ જશે.
22. પરમેશ્વરના એક નામથી જ એકદમ પરિવર્તન થાય છે એ બાબતમાં શંકા ન રાખશો. રામ કહેવાથી શું વળશે એમ કહેશો મા. એક વાર બોલી જુઓ. કલ્પના કરો કે સાંજે કામથી પરવારીને ખેડૂત ઘેર પાછો ફરે છે. રસ્તામાં તેને કોઈ વટેમાર્ગુ મળે છે. ખેડૂત વટેમાર્ગુને કહે છે,
चाल घरा उभा राहें नारायणा
‘ અરે વટેમાર્ગુ ભાઈ, અરે નારાયણ, થોભ, હવે રાત પડવા આવી છે. હે ઈશ્વર, મારે ઘેર ચાલ. ’ એ ખેડૂતના મોંમાંથી આ શબ્દો એક વાર નીકળવા દો તો ખરા. પછી તમારા એ વટેમાર્ગુનું સ્વરૂપ પલટાઈ જાય છે કે નહીં તે જુઓ. તે વટેમાર્ગુ વાટમારૂ હશે તોયે પવિત્ર બનશે. આ ફરક ભાવનાથી પડે છે. જે કંઈ છે તે બધું ભાવનામાં ભરેલું છે.
Page–115 – અધ્યાય – ૯ – પ્રકરણ – ૪૬ – આખું જીવન હરિમય થઈ શકે

જીવન ભાવનામય છે. વીસ વરસનો એક પારકો છોકરો પોતાને ઘેર આવે છે. તેને બાપ કન્યા આપે છે. તે છોકરો વીસ વરસનો હશે તોયે પચાસ વરસની ઉંમરનો તે દીકરીનો બાપ તેને પગે પડે છે. આ શું છે ? કન્યા અર્પણ કરવાનું એ કાર્ય મૂળમાં જ કેટલું પવિત્ર છે ! તે જેને આપવાની છે તે ઈશ્વર જ લાગે છે. જમાઈની બાબતમાં, વરરાજાની બાબતમાં આ જે ભાવના છે, તે જ વધારે ઊંચી લઈ જાઓ, વધારો.
23. કોઈ કહેશે, આવી આવી ખોટી કલ્પના કરવાનો શો અર્થ ? ખોટીખરી પહેલાં બોલશો નહીં. પહેલાં અભ્યાસ કરો, અનુભવ કરો, અનુભવ લો. પછી ખરૂં ખોટું જણાશે. પેલો વરદેવ પરમાત્મા છે એવી ખાલી શાબ્દિક નહીં પણ સાચી ભાવના તે કન્યાદાનમાં હોય તો પછી કેવો ફેર પડે છે તે દેખાઈ આવશે. આ પવિત્ર ભાવનાથી વસ્તુનું પહેલાંનું રૂપ અને પછીનું રૂપ એ બંને વચ્ચે જમીનઆસમાનનો ફેર પડી જશે. કુપાત્ર સુપાત્ર થશે. દુષ્ટ સુષ્ટ થશે. વાલિયા ભીલનું એવું જ નહોતું થયું ? વીણા પર આંગળી ફરે છે, મોઢે નારાયણ નામ ચાલે છે, અને મારવાને ધસી જાઉં છું તોયે એની શાંતિ ડગતી નથી. ઊલટું પ્રેમભરી આંખોથી જુએ છે. આવો દેખાવ વાલિયાએ પહેલાં કદી જોયો નહોતો. પોતાની કુહાડી જોઈને નાસી જનારાં, અથવા સામો હુમલો કરનારાં એવાં બે જ પ્રકારનાં પ્રાણી વાલિયા ભીલે તે ક્ષણ સુધીમાં જોયાં હતાં. પણ નારદે ન તો સામો હુમલો કર્યો, ન તો તે નાઠા. તે શાંત ઊભા રહ્યા. વાલિયાની કુહાડી અટકી ગઈ. નારદની ભમર સરખી હાલી નહીં. આંખ મીંચાઈ નહીં. મધુરૂં ભજન ચાલ્યા કરતું હતું. નારદે વાલિયાને કહ્યું, ‘ કુહાડી કેમ અટકી પડી ? ’ વાલિયાએ કહ્યું, ‘ તમને શાંત જોઈને. ’ નારદે વાલિયાનું રૂપાંતર કરી નાખ્યું. એ રૂપાંતર ખરૂં કે ખોટું ?
24. ખરેખર કોઈ દુષ્ટ છે કે કેમ તેનો નિર્ણય કોણ કરશે ? ખરેખરો દુષ્ટ સામો ઊભો રહ્યો હોય તો પણ તે પરમાત્મા છે એવી ભાવના રાખો. તે દુષ્ટ હશે તોયે સંત બનશે. તો શું ખોટી ખોટી ભાવના રાખવી ? હું પૂછું છું કે તે દુષ્ટ જ છે એની કોને ખબર છે ? ‘ સજ્જન લોકો જાતે સારા હોય છે એટલે તેમને બધું સારૂં દેખાય છે, પણ વાસ્તવિક તેવું હોતું નથી, ’ એમ કેટલાક કહે છે.
Page–116 – અધ્યાય – ૯ – પ્રકરણ – ૪૬ – આખું જીવન હરિમય થઈ શકે

ત્યારે શું તને જેવું દેખાય છે તે સાચું માનવું ? સૃષ્ટિનું સમ્યક જ્ઞાન મેળવવાનું સાધન જાણે માત્ર દુષ્ટોના હાથમાં જ છે ! સૃષ્ટિ સારી છે પણ તું દુષ્ટ હોવાથી તને તે દુષ્ટ દેખાય છે એમ કેમ ન કહેવાય ? અરે, આ સૃષ્ટિ તો અરિસો છે. તું જેવો હશે તેવો સામેની સૃષ્ટિમાં તારો ઘાટ ઊઠશે. જેવી આપણી દ્રષ્ટિ તેવું સૃષ્ટિનું રૂપ. એટલા માટે સૃષ્ટિ સારી છે, પવિત્ર છે એવી કલ્પના કરો. સાદી ક્રિયામાં પણ એ ભાવના રેડો, પછી કેવો ચમત્કાર થાય છે તે જોવા મળશે. ભગવાનને પણ એ જ કહેવું છે,
जें खासी होमिसी देसी जें जें आचरिसी तप ।
जें कांही करिसी कर्म तें करीं मज अर्पण ।।
જે કરે ભોગવે વા જે, જે હોમે દાન જે કરે,
આચરે તપ ને વા જે, કર અર્પણ તે મને.
જે જે કંઈ કરે તે બધુંયે જેવું હોય તેવું ભગવાનને આપી દે.
25. અમારી મા નાનપણમાં એક વાર્તા કહેતી. તે વાર્તા આમ તો ગમ્મતની છે પણ તેમાં રહેલું રહસ્ય બહુ કીમતી છે. એક હતી બાઈ. તેણે નક્કી કર્યું  હતું કે જે કંઈ થાય તે કૃષ્ણાર્પણ કરવું. એઠવાડ ઉપર છાણનો ગોળો ફેરવી તે ગોળો બહાર ફેંકી દે ને કૃષ્ણાર્પણ બોલે. તાબડતોબ તે છાણનો ગોળો ત્યાંથી ઊડીને મંદિરમાંની મૂર્તિને મોંએ જઈને ચોંટી જાય. પૂજારી બિચારો મૂર્તિ ઘસીને સાફ કરતો કરતો થાક્યો. પણ કરે શું ? છેવટે તેને ખબર પડી કે આ મહિમા બધો પેલી બાઈનો છે. તે જીવતી હોય ત્યાં સુધી મૂર્તિ સાફ થવાની વાત ખોટી. એક દહાડો બાઈ માંદી પડી. મરણની છેલ્લી ઘડી પાસે આવી. તેણે મરણ પણ કૃષ્ણાર્પણ કર્યું. તે જ ક્ષણે દેવળમાં મૂર્તિના કકડા થઈ ગયા. મૂર્તિ ભાંગીને પડી ગઈ. પછી ઉપરથી બાઈને લઈ જવાને માટે વિમાન આવ્યું. બાઈએ વિમાન પણ કૃષ્ણાર્પણ કર્યું. એટલે વિમાન સીધું મંદિર પર જઈ ધડાકા સાથે અફળાયું ને તેના પણ ફૂરચેફૂરચા ઊડી ગયા. શ્રીકૃષ્ણના ધ્યાનની આગળ સ્વર્ગની જરા સરખીયે કિંમત નથી.
26.  વાતનો સાર એટલો કે જે જે સારાં – નરસાં કર્મો હાથથી થાય તે તે ઈશ્વરાર્પણ કરવાથી તે કર્મોમાં કંઈક જુદું જ સામર્થ્ય પેદા થાય છે.
Page–117 – અધ્યાય – ૯ – પ્રકરણ – ૪૬ – આખું જીવન હરિમય થઈ શકે

જુવારનો પીળાશવાળો ને સહેજ રતાશ પડતો દાણો હોય છે, પણ તેને શેકવાથી કેવી મજાની ધાણી ફૂટે છે ! સફેદ, સ્વચ્છ, આઠ ખૂણાળી, ધોબીને ત્યાંથી ગડી વાળીને આણી હોય તેવી દમામદાર ધાણીને પેલા અસલ દાણાની પાસે મૂકી જુઓ વારૂ. કેટલો ફેર ! પણ તે દાણાની જ એ ધાણી છે એમાં કંઈ શંકા છે કે ? આ ફરક એક અગ્નિને લીધે પડયો. તેવી જ રીતે એ કઠણ દાણાને ઘંટીમાં ઓરી દળો એટલે તેનો મજાનો નરમ લોટ થશે. અગ્નિની આંચથી ધાણી બની, ઘંટીના સંપર્કથી નરમ લોટ થયો. એ જ પ્રમાણે આપણી નાની નાની ક્રિયાઓ પર હરિસ્મરણનો સંસ્કાર કરો એટલે તે ક્રિયા અપૂર્વ બની રહેશે. ભાવનાથી ક્રિયાની કિંમત વધે છે. પેલું નકામા જેવું જાસવંતી નું ફૂલ, પેલો બીલીનો પાલો, પેલી તુળસીના છોડની મંજરી, અને પેલી દરોઈ, એ બધાંને નજીવાં માનશો નહીં.
तुका म्हणे चवी आलें । जें का मिश्रित विठ्ठलें
– તુકારામ કહે છે કે જે કંઈ વિઠ્ઠલ સાથે ભળ્યું તેમાં સ્વાદ પેઠો જાણવો. દરેક વાતમાં પરમાત્માને ભેળવો અને પછી અનુભવ લો. આ વિઠ્ઠલના જેવો બીજો કોઈ મસાલો છે ખરો કે ? તે દિવ્ય મસાલા કરતાં બીજું વધારે સારૂં શું લાવશો ? ઈશ્વરનો મસાલો દરેક ક્રિયામાં નાખ એટલે બધુંયે રૂચિકર અને સુંદર બનશે.
27. રાતે આઠ વાગ્યાના સુમારે દેવળમાં આરતી થાય છે. ચારે કોર સુવાસ ફેલાયેલી છે, ધૂપ બળે છે, દીવા કરેલા છે, અને દેવની આરતી ઉતારાય છે, એ વખતે ખરેખર આપણે પરમાત્માને જોઈએ છીએ એવી ભાવના થાય છે. ભગવાન આખો દહાડો જાગ્યા, હવે સૂવાની તૈયારી કરે છે.
आतां स्वामी, सुखें निद्रा करा गोपाळा
– હવે હે સ્વામી, હે ગોપાળ, સુખેથી પોઢી જાઓ એમ ભક્તો કહેવા લાગે છે. શંકા કરનારો જીવ પૂછે છે, ‘ ઈશ્વર ક્યાં ઊંઘે છે ? ’ અરે ભાઈ ! દેવને શું નથી ? મૂરખા ! દેવ ઊંઘતો નથી, જાગતો નથી, તો શું પથરો ઊંઘશે ને જાગશે ? અરે, ઈશ્વર જ જાગે છે, ઈશ્વર જ સૂઈ જાય છે, અને ઈશ્વર જ ખાય છે ને પીએ છે.
Page–118 – અધ્યાય – ૯ – પ્રકરણ – ૪૬ – આખું જીવન હરિમય થઈ શકે

તુલસીદાસજી સવારના પહોરમાં ઈશ્વરને ઉઠાડે છે, તેને વિનંતી કરે છે,
जागिये रघुनाथ कुंवर पंछी बन बोले
– હે રઘુનાથકુંવર ઊઠો, વનમાં પંખીઓ બોલવા લાગ્યાં છે. આપણાં ભાઈબહેનોને, નરનારીઓને, રામચંદ્રની મૂર્તિ કલ્પી તેઓ કહે છે, ‘ મારા રામરાજાઓ, ઊઠો હવે.’ કેટલો સુંદર વિચાર છે ! નહીં તો બોર્ડિંગ હોય ત્યાં છોકરાંઓને ઉઠાડતાં ‘ અલ્યા એઈ, ઊઠે છે કે નહીં ? ’ એમ ધમકાવીને પૂછે છે. પ્રાતઃકાળની મંગળ વેળા, અને તે વખતે આવી કઠોર વાણી શોભે ખરી કે ? વિશ્વામિત્રના આશ્રમમાં રામચંદ્ર પોઢયા છે, અને વિશ્વામિત્ર તેમને જગાડે છે. વાલ્મીકિ રામાયણમાં વર્ણન છે કે,
रामेति मधुरां वाणीं विश्वामित्रोडभ्यभाषत ।
उत्तिष्ठ नरशार्दूल पूर्वा संध्या प्रवर्तते ।।
– રામ એવી મીઠી વાણી વિશ્વામિત્ર બોલ્યા અને તેમણે કહ્યું, હે નરશાર્દૂલ ઊઠો, સવાર પડી છે. ‘ રામ બેટા, ઊઠો હવે, ’ એવી મીઠી હાક વિશ્વામિત્ર મારે છે. કેવું મીઠું એ કર્મ છે ! અને બોર્ડિંગમાંનું પેલું ઉઠાડવાનું કેટલું કર્કશ ! પેલા ઊંઘતા છોકરાને લાગે છે કે જાણે સાત જનમનો વેરી ઉઠાડવાને માટે આવ્યો છે ! પહેલાં ધીમેથી સાદ પાડો, પછી જરા મોટેથી પાડો. પણ કર્કશતા, કઠોરતા ન હોવી જોઈએ. એ વખતે ન ઊઠે તો ફરીને દશ મિનિટ પછી જાઓ. આજે નહીં ઊઠે તો કાલે ઊઠશે એવી આશા રાખો. તે ઊઠે તેટલા સારૂ મીઠાં ગીત, પરભાતિયાં, શ્લોક, સ્તોત્ર બોલો. ઉઠાડવાની આ એક સાદી ક્રિયા છે પણ તેને કેટલી બધી કાવ્યમય, સહ્રદય તેમ જ સુંદર કરી શકાય એમ છે ! કેમ જાણે ઈશ્વરને જ ઉઠાડવાનો  છે, પરમેશ્વરની મૂર્તિને જ આસ્તેથી જગાડવાની છે ! ઊંઘમાંથી માણસને ઉઠાડવાનું પણ એક શાસ્ત્ર છે.
28. બધા વહેવારોમાં આ કલ્પના દાખલ કરો. કેળવણીના શાસ્ત્રમાં તો આ કલ્પનાની ખૂબ જરૂર છે. છોકરાંઓ એટલે પ્રભુની મૂર્તિ. આ દેવોની મારે સેવા કરવાની છે એવી ગુરૂની ભાવના હોવી જોઈએ. પછી તે છોકરાને ‘ જા નીકળ અહીંથી, ઘેર જા, ઊભો રહે એક કલાક, હાથ આગળ ધર, આ ખમીસ કેટલું મેલું છે ? અને નાકમાં લીટ કેટલું ભર્યું છે ! ’
Page–119 – અધ્યાય – ૯ – પ્રકરણ – ૪૬ – આખું જીવન હરિમય થઈ શકે

એવું એવું કરડાકીથી કહેશે નહીં. છોકરાનું નાક તે આસ્તેથી જાતે સાફ કરશે, તેનાં મેલાં કપડાં ધોશે, ફાટેલાં સાંધી આપશે. અને શિક્ષક એ પ્રમાણે કરશે તો તેની કેટલી બધી અસર થશે ? મારવાથી જરા પણ અસર થાય છે ખરી કે ? બાળકોએ પણ આવી જ દિવ્ય ભાવના ગુરૂ તરફ રાખવી જોઈએ. ગુરૂ આ છોકરાંઓ હરિમૂર્તિ છે ને છોકરાંઓ આ અમારા ગુરૂ હરિમૂર્તિ છે, એવી ભાવના એકબીજાને માટે રાખી પોતપોતાનું વર્તન રાખશે તો વિદ્યા તેજસ્વી થશે. છોકરાં પણ ઈશ્વર અને ગુરૂ પણ ઈશ્વર છે. આ ગુરૂ ખુદ શંકરની મૂર્તિ છે, બોધનું અમૃત આપણે તેમની પાસેથી મેળવીએ છીએ, એમની સેવા કરવાથી જ્ઞાન પામીએ છીએ એવી છોકરાંઓની કલ્પના એક વાર થાય તો પછી તે કેવી રીતે વર્તશે ?
Page–119 – અધ્યાય – ૯ – પ્રકરણ – ૪૭ – પાપનો ડર નથી

૪૭. બધે હરિભાવના રાખવી એ વાત એક વાર ચિત્તમાં બરાબર ઠસી ગયા પછી એકબીજાએ એકબીજાની સાથે કેવી રીતે વર્તવું તેનું બધુંયે નીતિશાસ્ત્ર આપોઆપ સહેજે અંતઃકરણમાં સ્ફુરવા માંડશે. બલ્કે, તેની જરૂર જ નહીં રહે. પછી દોષો દૂર થશે, પાપો નાસી જશે, અને દુરિતોનું અંધારૂં હઠી જશે.
તુકારામે કહ્યું છે,
चाल केलासी मोकळा । बोल विठ्ठल वेळोवेळां ।
तुज पाप चि नाहीं ऐसें । नाम धेतां जवलीं वसे ।।
– ચાલ, તને છૂટ આપી છે. વારે વારે વિઠ્ઠલનું નામ લે. તારૂં એવું એકે પાપ નથી જે નામ લીધા પછી પાસે ઊભું રહે. ચાલ, પાપ કરવાની તને પૂરી છૂટ છે. તું પાપ કરતો થાકે છે કે પાપોને બાળતાં હરિનામ થાકે છે એ એક વાર જોઈ લઈએ. હરિનામની આગળ ટકી શકે એવું ધીંગું, દાંડ પાપ છે ક્યાં ? करीं तुजसी करवती – તારાથી થાય તેટલાં પાપ કર. તને સદર પરવાનગી છે. નામની અને તારાં પાપની એક વખત કુસ્તી થવા દે. અરે, એ નામમાં આ જન્મનાં તો શું, અનંત જન્મનાં પાપા એક જ ક્ષણમાં બાળીને ખાક કરવાનું સામર્થ્ય છે. ગુફામાં અનંત યુગોથી અંધારૂં ભરેલું હશે તોયે એક દિવાસળી ઘસી કે થયું, તે બધુંયે પળવારમાં હઠી જશે.
Page–120 – અધ્યાય – ૯ – પ્રકરણ – ૪૭ – પાપનો ડર નથી

અંધારાનો પ્રકાશ થઈ જાય છે. પાપો જેટલાં જૂનાં તેટલાં વહેલાં મરે છે. તે મરવાને વાંકે જ જીવી રહેલાં હોય છે. જૂનાં લાકડાંની રાખ થતાં જરાયે વાર લાગતી નથી.     29.    30. રામનામની પાસેપાપ રહી જ શકતું નથી. છોકરાંઓ કહે છે ને કે, ‘ રામ બોલતાંની સાથે ભૂતો ભાગી જાય છે. ’ નાનપણમાં અમે છોકરાઓ સ્મશાનમાં જઈને પાછા આવતા. સ્મશાનમાં જઈ ત્યાં ખૂંટી મારી આવવાની અમે શરતો બકતા. રાતને વખતે સાપસાપોલિયાં હોય, કાંટાઝાંખરાં હોય, બહાર અંધારૂં ઘોર, અને છતાં અમને કશું લાગતું નહીં, ભૂત કદી જોવાનું મળ્યું નહીં. આખરે ભૂત બધાં કલ્પનાનાં જ ને ? તે ક્યાંથી દેખાય ? એક દશ વરસના બાળકમાં રાત્રે મસાણમાં જઈ આવવાનું આ સામર્થ્ય ક્યાંથી આવ્યું ? રામનામથી. તે સામર્થ્ય સત્યરૂપ પરમાત્માનું હતું. પરમેશ્વર પાસે છે એવી ભાવના હોય પછી આખી દુનિયા સામી આવીને ઊભી રહેતાં હરિનો દાસ ડરતો નથી. તેને કયો રાક્ષસ ખાઈ શકશે ? રાક્ષસ બહુ તો તેનું શરીર ખાઈ જશે ને પચાવી શકશે. પણ રાક્ષસને સત્ય પચવાનું નથી. સત્યને પચાવી જઈ શકે એવી શક્તિ જગતમાં કોઈ નથી. ઈસ્વરી નામની સામે પાપ ટકી જ શકતું નથી. તેથી ઈશ્વરને મેળવો, તેની કૃપા મેળવો. બધાંયે કર્મો તેને અર્પણ કરો. તેના થઈને રહો. સર્વ કર્મોનું નૈવેદ્ય પ્રભુને અર્પણ કરવાનું છે એ ભાવના ઉત્તરોત્તર વધારે ને વધારે ઉત્કટ કરતા જશો એટલે ક્ષુદ્ર જીવન દિવ્ય બનશે, મલિન જીવન સુંદર થશે.
Page–120 – અધ્યાય – ૯ – પ્રકરણ – ૪૮ – થોડું પણ મીઠાશભર્યું

૪૮. ‘ पत्रं पुष्पं फलं तोयम् ’ – ગમે તે હો, ભક્તિ હોય એટલે થયું. કેટલું આપ્યું એ પણ સવાલ નથી. કઈ ભાવનાથી આપો છો એ મુદ્દો છે. એક વાર એક પ્રોફેસર ભાઈની સાથે મારે ચર્ચા થઈ. એ હતી શિક્ષણશાસ્ત્રને વિષે. અમારા બેની વચ્ચે વિચારભેદ હતો. આખરે પ્રોફેસરે કહ્યું, ‘ અરે, હું અઢાર અઢાર વરસોથી કામ કરૂં છું. ’ તે પ્રોફેસરે સમજાવીને કે દલીલથી પોતાની વાત મારે ગળે ઉતારવી જોઈતી હતી. પણ તેમ ન કરતાં હું આટલાં વરસોથી શિક્ષણમાં કામ કરૂં છું એવું તેમણે કહ્યું. ત્યારે મેં વિનોદમાં કહ્યું, ‘ અઢાર વરસ સુધી બળદ બળદ યંત્રની સાથે ફર્યો હોય તેથી શું તે યંત્રશાસ્ત્રજ્ઞ થઈ જશે કે ? ’ યંત્રશાસ્ત્રજ્ઞ જુદો છે ને પેલો ચક્કર ચક્કર ફરનારો બળદ જુદો છે. શિક્ષણશાસ્ત્રજ્ઞ જુદો છે ને શિક્ષણની હમાલી કરનારો વેઠિયો જુદો છે. સાચો શાસ્ત્રજ્ઞ હશે તે છ જ મહિનામાં એવો એનુભવ મેળવશે કે જે અઢાર અઢાર વરસ સુધી મજૂરી કરનાર વેઠિયાને સમજાશે પણ નહીં. ટૂંકમાં, તે પ્રોફસરે દાઢી બતાવી કે મેં આટલાં વરસ કામ કર્યું છે. પણ દાઢીથી કંઈ સત્ય સાબિત થાય છે ? તેવી રીતે પરમેશ્વરની આગળ કેટલા ઢગલા કર્યા તે વાતનું કશું મહત્વ નથી. માપનો, આકારનો કે કિંમતનો અહીં સવાલ નથી. મુદ્દો ભાવનાનો છે. કેટલું ને શું અર્પણ કર્યું એ મુદ્દો ન હોઈ કેવી રીતે અર્પણ કર્યું એ મુદ્દો છે. ગીતામાં માત્ર સાતસો શ્લોક છે. દસ દસ હજાર શ્લોકવાળા બીજા ગ્રંથો પણ છે. પણ ચીજ મોટી હોય તેથી તેનો ઉપયોગ પણ ઘણો હોય જ એવું નથી. વસ્તુમાં તેજ કેટલું છે, સામર્થ્ય કેટલું છે તે જોવાનું હોય છે. જીવનમાં કેટલી ક્રિયાઓ કરી એ વાતનું મહત્વ નથી. પણ ઈશ્વરાર્પણ બુદ્ધિથી એક જ ક્રિયા કરી હોય તો તે એક જ ક્રિયા ભરપૂર અનુભવ આપશે. એકાદ પવિત્ર ક્ષણમાં કોઈક વાર એટલો બધો અનુભવ મળી જાય છે કે તેટલો બાર બાર વરસમાં સુદ્ધાં મળતો નથી.     31.
32. ટૂંકમાં જીવનમાં થતાં સાદાં કર્મો, સાદી ક્રિયાઓ પરમેશ્વરને અર્પણ કરો. એટલે જીવનમાં સામર્થ્ય કેળવાશે, મોક્ષ હાથમાં આવશે. કર્મ કરવું અને તેનું ફળ ફેંકી ન દેતાં તે ઈશ્વરને અર્પણ કરવું એવો આ રાજયોગ કર્મયોગથીયે એક ડગલું આગળ જાય છે. કર્મયોગ કહે છે, ‘ કર્મ કરો ને તેનું ફળ છોડો, ફળની આશા ન રાખો, ’ કર્મયોગ આટલેથી અટકી જાય છે. રાજયોગ આગળ વધીને કહે છે, ‘ કર્મનાં ફળ ફેંકી ન દઈશ. બધાં કર્મો ઈશ્વરને અર્પણ કર. એ ફૂલો છે. તેના તરફ આગળ લઈ જનારાં સાધનો છે. તે તેની મૂર્તિ પર ચડાવી દે. એક તરફથી કર્મ અને બીજી તરફથી ભક્તિ એવો મેળ બેસાડીને જીવનને સુંદર કરતો કરતો આગળ જા. ફળનો ત્યાગ ન કરીશ. ફળને ફેંકી દેવાનું નથી પણ તેને ઈશ્વરની સાથે જોડી આપવાનું છે. કર્મયોગમાં તોડી લીધેલું ફળ રાજયોગમાં જોડી દેવામાં આવે છે. વાવવું ને ફેંકી દેવું એ બે વાતમાં ફેર છે. વાવેલું થોડું સરખું અનંતગણું થઈને, ભરપૂર થઈને મળશે, ફેંકેલું ફોગટ જશે. ઈશ્વરને જે કર્મ અર્પણ થયું તે વવાયું જાણવું. તેથી જીવનમાં અપાર આનંદ ઊભરાશે અને પાર વગરની પવિત્રતા આવશે. ’

                    

Advertisements