અધ્યાય ત્રીજો

અધ્યાય ત્રીજો
અધ્યાય     ત્રીજો      :     કર્મયોગ     –     ૨૬ –     ૩૫
Page – 26 – અધ્યાય – ૩ – પ્રકરણ – ૧૧  –     ફળત્યાગી અનંત ફળ મેળવે છે.
ભાઈઓ,
૧૧. બીજા અધ્યાયમાં આપણે સંપૂર્ણ જીવનશાસ્ત્ર જોયું. ત્રીજામાં તે જ જીવનશાસ્ત્રની વધારે ફોડ પાડી છે. પહેલાં તત્ત્વો જોયાં. હવે વિગત જોઈએ. પાછલા અધ્યાયમાં કર્મયોગ સંબંધમાં વિવેચન કર્યું હતું. કર્મયોગમાં ફળનો ત્યાગ મહત્ત્વની વાત છે. હવે સવાલ એ છે કે કર્મયોગમાં ફળનો ત્યાગ કરવાનો ખરો પણ પછી ફળ મળે છે કે નહીં ? ત્રીજો અધ્યાય બતાવે છે કે કર્મના ફળનો ત્યાગ કરવાથી કર્મયોગી અનંતગણું ફળ મેળવે છે.                                                              1.
મને લક્ષ્મીની વાત યાદ આવે છે. તેનો સ્વયંવર રચાયો. બધા દેવો ને દાનવો તેને વરવાની આશાએ આવીને એકઠા મળ્યા હતા. તેણે કહ્યું, ‘ જેને મારી ઈચ્છા નહીં હોય તેને હું વરમાળા પહેરાવવાની છું. ’ પેલા તો બધા તેને મેળવવાની લાલચના માર્યા આવેલા. પછી લક્ષ્મી ઈચ્છા વગરનો વર શોધતી શોધતી નીકળી.
Page – 27 – અધ્યાય – ૩ – પ્રકરણ – ૧૧  –     ફળત્યાગી અનંત ફળ મેળવે છે.
શેષનાગ પર શાંત સૂતેલી ભગવાન વિષ્ણુની મૂર્તિ તેણે જોઈ. વિષ્ણુના ગળામાં વરમાળા પહેરાવી હજી અત્યાર સુધી તે તેના ચરણ ચાંપતી બેઠી છે. ‘न मागे तयाची रमा होय दासी’ – ન માગે તેની રમા થાય દાસી, એ તો ખરી ખૂબી છે.
2. સામાન્ય માણસ પોતાના ફળની આજુબાજુ વાડ કરે છે. પોતાને મળે એવું અનંત ફળ તે એ રીતે ગુમાવી બેસે છે. સંસારી માણસ પાર વગરનું કર્મ કરી તેમાંથી નજીવું ફળ પામે છે. અને કર્મયોગી થોડું સરખું કરીને અનંતગણું મેળવે છે. આ ફેર માત્ર ભાવનાને લીધે પડે છે. ટૉલ્સ્ટૉયે એક ઠેકાણે લખ્યું છે કે, “ લોકો ઈશુ ખ્રિસ્તના ત્યાગની સ્તુતિ કરે છે, પણ એ બિચારા સંસારી જીવો રોજ કેટલું લોહી સૂકવે છે ! અને કેટલી માથાફોડ કરી મહેનતમજૂરી કરે છે ! ખાસો બે ગધેડાંનો ભાર પીઠ પર લઈ હાંફળાફાંફળા ફરનારા આ સંસારી જીવોને ઈશુના કરતાં કેટલાં વધારે કષ્ટ વેઠવાં પડે છે અને તેના કરતાં તેમના કેટલાયે વધારે હાલહવાલ થાય છે ! ઈશ્વરને માટે એ લોકો એનાથી અડધા ભાગની મહેનત કરે અને અડધા જ ભાગના હાલહવાલ વેઠે તો ઈશુના કરતાંયે મોટો બન્યા વગર ન રહે. ”
3. સંસારી માણસની તરસ્યા મોટી હોય છે પણ તે ક્ષુદ્ર ફળને સારૂ હોય છે. જેવી વાસના તેવું ફળ. આપણી ચીજની આપણે કરીએ તેનાથી વધારે કિંમત જગતમાં થતી નથી. સુદામા ભગવાનની પાસે તાંદુળ લઈને ગયા. એ મૂઠીભર તાંદુળના પૌંઆની કિંમત પૂરી એક પાઈ પણ નહીં હોય. પણ સુદામાને મન તે અમોલ હતા. તે પૌંઆમાં ભક્તિભાવ હતો. તે મંતરેલા હતા. તે પૌંઆના કણેકણમાં ભાવના ભરેલી હતી. ચીજ ગમે તેટલી નાની કે નજીવી હોય છતાં મંત્રથી તેની કિંમત તેમ જ તેનું સામર્થ્ય વધે છે. ચલણની નોટનું વજન કેટલું હોય છે ? સળગાવીએ તો એક ટીપું પાણી ગરમ નહીં થાય. પણ એ નોટ પર છાપ હોય છે. એ છાપથી તેની કિંમત થાય છે.
કર્મયોગમાં  જ મુખ્ય ખૂબી છે. કર્મનું, ચલણ નોટના જેવું છે. કર્મના કાગળિયાની કે પતાકડાની કિંમત નથી, ભાવનાની છાપની કિંમત થાય છે. આ એક રીતે હું મૂર્તિપૂજાનો મર્મ સમજાવું છં.
Page – 28 – અધ્યાય – ૩ – પ્રકરણ – ૧૧  –     ફળત્યાગી અનંત ફળ મેળવે છે.
મૂર્તિપૂજાની મૂળ કલ્પનામાં પાર વગરનું સૌંદર્ય છે. આ મૂર્તિને કોણ ભાંગી શકશે ? મૂર્તિ પહેલાં એક પથ્થરનો ટુકડો નહોતી કે ? મેં તેમાં મારો પ્રાણ રેડ્યો, મારી ભાવના રેડી. એ ભાવનાને ભાંગીને શું તેના ટુકડા થાય ખરા કે ? ટુકડા પથ્થરના થાય, ભાવનાના નથી થતા. મૂર્તિમાંથી હું મારી ભાવના પાછી ખેંચી લઉં એટલે ત્યાં પથરો બાકી રહી જશે અને પછી તેના ટુકડેટુકડા ઊડી જશે.
4. કર્મ પથ્થર, પતાકડું , કાગળનો કકડો છે. માએ પત્તા પર વાંકીચૂકી ચાર લીટી લખી મોકલી હોય અને બીજા કોઈકે પચાસ પાનાં ભરીને ઘણું સટરપટર લખી મોટું પાકીટ મોકલ્યું હોય તો તે બેમાંથી વધારે વજન શાનું ? માની એ ચાર લીટીમાં જે ભાવ છે તે અમોલ છે, પવિત્ર છે. પેલા બીજા પસ્તી જેવા કાગળમાં એના જેટલી લાયકાત ક્યાંથી ? કર્મમાં ભીનાશ જોઈએ, ભાવના જોઈએ. આપણે મજૂરે કરેલા કામની કિંમત ઠરાવી તેને કહીએ છીએ કે આ તારા મજૂરીના પૈસા થયા તે લઈ જા. પણ દક્ષિણા એમ નથી આપતા. દક્ષિણાનું નાણું પલાળીને આપવું પડે છે. દક્ષિણા કેટલી આપી એવો સવાલ હોતો નથી. દક્ષિણામાં ભાવનાની ભીનાશ છે કે નહીં એ વાતને મહત્વ છે. મનુસ્મૃતિમાં મોટી ખૂબી કરી છે. બાર વરસ ગુરૂને ઘેર રહી શિષ્ય જાનવરમાંથી માણસ બન્યો. હવે તેણે ગુરૂને આપવું શું ? પહેલાંના વખતમાં ભણાવવાને આગળથી ફી લેવાતી નહોતી. બાર વરસ ભણી રહ્યા પછી જે આપવા જેવું લાગે તે આપવાનો રિવાજ હતો. મનુ કહે છે, ‘ ગુરૂને એકાદ ફૂલ, એકાદ પંખો, એકાદ પાવડીની જોડ, એકાદ પાણીનો ભરેલ કળશ આપજે. ’ આ કંઈ મજાક નથી. જે કંઈ આપવાનું હોય તે શ્રદ્ધાની નિશાની દાખલ આપવાનું છે. ફુલમાં વજન નથી. પણ તેમાં રહેલી ભક્તિનું આખા બ્રહ્માંડ જેટલું વજન હોય છે.
‘रुक्मिणीनें एक्या तुलसीदळानें गिरिधर प्रभु तुळिला ।’
— રૂખમણીએ એક તુલસીદળથી ગિરધરને તોળ્યા. સત્યભામાના ખાંડી વજનના દરદાગીનાથી એ કામ ન થયું. પણ ભાવભક્તિથી ભરેલું એક તુળસીપત્ર રૂખમણીમાતાએ પલ્લામાં મૂકતાંવેંત કામ પાર પડ્યું. એ તુલસીપત્ર મંતરેલું હતું. તે સાદું તુળસીના છોડનું પાંદડું રહ્યું નહોતું. કર્મયોગીના કર્મનું પણ એવું છે.
Page – 29 – અધ્યાય – ૩ – પ્રકરણ – ૧૧  –     ફળત્યાગી અનંત ફળ મેળવે છે.
5. ધારો કે બે જણ ગંગામાં સ્નાન કરવાને જાય છે. તેમાંનો એક કહે છે, “ અરે, આ ગંગા ગંગા કરો છો, પણ તે છે શું ? બે ભાગ હાઈડ્રોજન અને એક ભાગ ઓક્સિજન, એ પ્રમાણમાં બે વાયુ એકઠા કરો કે થઈ ગંગા !”  બીજો કહે છે, “  ભગવાન વિષ્ણુના ચરણકમળમાંથી એ નીકળી, શંકરની જટામાં અટવાઈ પડી, હજારો બ્રહ્મર્ષિ અને હજારો રાજર્ષિઓએ એને કાંઠે તપ કર્યાં, અને પાર વગરનાં પુણ્યનાં કામો એને કાંઠે થયાં. આવી આ પવિત્ર ગંગામા છે. ” આવી ભાવનાથી પલળીને તે સ્નાન કરે છે. પેલો ઓક્સિજન – હાઈડ્રોજનવાળો પણ સ્નાન કરે છે. દેહશુદ્ધિનું ફળ બંનેને મળ્યા વગર ન રહ્યું. પણ પેલા ભક્તને દેહશુદ્ધિની સાથે સાથે ચિત્તશુદ્ધિનું ફળ પણ મળ્યું. ગંગામાં બળદને પણ દેહશુદ્ધિ ક્યાં નથી મળતી ? શરીરનો મળ ધોવાશે પણ મનનો મળ ક્યાંથી ધોવાશે ? એકને દેહશુદ્ધિનું નજીવું ફળ મળ્યું. બીજાને તે ઉપરાંત ચિત્તશુદ્ધિનું અમોલ ફળ મળ્યું.
નાહ્યા પછી સૂર્યને નમસ્કાર કરનારને વ્યાયામનું ફળ મળ્યા વગર નહીં રહે. પણ સૂર્યનમસ્કાર કરનારો શરીરના આરોગ્યને માટે નહીં પણ ઉપાસનાના હેતુથી નમસ્કાર કરે છે. એટલે એનાથી શરીરને તંદુરસ્તી તો મળે જ છે પણ સાથે તેની બુદ્ધિની પ્રભા પણ પાંગરે છે. શરીરની તંદુરસ્તીની સાથે એને સૂર્ય પાસેથી સ્ફૂર્તિ ને પ્રતિભા પણ પ્રાપ્ત થશે.
6. કર્મ એકનું એક હોવા છતાં ભાવનાના ભેદને લીધે ફેર પડે છે. પરમાર્થી માણસનું કર્મ આત્મવિકાસ કરનારૂં નીવડે છે. સંસારી જીવનું કર્મ આત્માને બાંધનારૂં નીવડે છે. કર્મયોગી ખેડૂત સ્વધર્મ સમજીને ખેત  કરશે. તેથી તેને પેટને માટે અનાજ મળશે. પણ ખાલી પેટ ભરવાને તે ખેતીનું કર્મ નથી કરતો. ખેતી કરી શકાય તે માટે ખાવાની વાતને તે એક સાધન ગણશે. સ્વધર્મ તેનું સાધ્ય ને ખોરાક ખાવો એ તેનું સાધન છે. પણ બીજા ખેડૂતની બાબતમાં પેટ ભરવાને અનાજ મળે એ સાધ્ય અને ખેતીનો સ્વધર્મ સાધન બને છે. આમ બંનેની બાબતમાં વાત ઊલટીસૂલટી થઈ જાય છે.
બીજા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞનાં લક્ષણોમાં આ વાત મજાની રીતે કહી છે. બીજા લોકો જાગે છે ત્યારે કર્મયોગી ઊંઘે છે. બીજા જ્યારે ઊંઘે છે ત્યારે કર્મયોગી જાગતો રહે છે.
Page – 30 – અધ્યાય – ૩ – પ્રકરણ – ૧૧  –     ફળત્યાગી અનંત ફળ મેળવે છે.
આપણે પેટને સારૂ કંઈ મળશે કે નહીં એ વાતની ફિકરમાં જાગતા રહીશું. કર્મયોગી કર્મ વગરની એક ક્ષણ પણ ફોગટની તો ગઈ નથી ને એ વાતની ફિકરથી જાગતો રહેશે. બીજો ઈલાજ નથી માટે તે ખાય છે. આ માટલામાં કંઈક તે રેડવું જોઈએ માટે તે રેડે છે. સંસારી જીવને જમતી વખતે આનંદ થાય છે, યોગી પુરૂષને જમતાં કષ્ટ થાય છે. એથી તે સ્વાદ કરતો કરતો નહીં ખાય. સંયમ રાખશે. એકની રાત તે બીજાનો દિવસ હોય છે અને એકનો દિવસ તે બીજાની રાત હોય છે. એટલે એકનો જે આનંદ તે બીજાનું દુઃખ અને એકનું જે દુઃખ તે બીજાનો આનંદ હોય છે એવો આનો અર્થ છે. સંસારી અને કર્મયોગી બંનેનાં કર્મ તેનાં તે હોય છે. પણ કર્મયોગી ફળ પરની આસક્તિ છોડી દઈ માત્ર કર્મમાં મશગૂલ રહે છે એ વાત મુખ્ય છે. ગી સંસારી માણસની માફક જ ખાશે, ઊંઘશે, પણ તે બાબતોની તેની ભાવના જુદી હશે. આટલા ખાતર હજી આગળ આખા સોળ અધ્યાય આવતા હોવા છતાં પહેલેથી સ્થિતપ્રજ્ઞની સંયમમૂર્તિ ઊભી કરી રાખી છે.
સંસારી પુરૂષ અને કર્મયોગી બંનેનાં કર્મમાં રહેલું સરખાપણું અને તેમની વચ્ચે રહેલો ફેર તરત જ ચોખ્ખો દેખાઈ આવે છે. ધારો કે કર્મયોગી ગોરક્ષાનું કામ કરે છે. એ કામ તે કઈ દ્રષ્ટિથી કરશે ? ગાયની સેવા કરવાથી સમાજને જોઈએ તેટલું દૂધ પૂરૂં પાડી શકાશે, ગાયને બહાને કેમ ન હોય પણ માણસથી નીચેની આખીયે પશુસૃષ્ટિ સાથે પ્રેમનો સંબંધ કેળવી શકાશે એવી ભાવનાથી તે ગોરક્ષાનું કામ કરશે. એમાંથી પગાર મેળવવાના આશયની નહીં કરે. કર્મયોગી ગોસેવકને પણ પગાર તો મળશે, પણ આનંદ આ દિવ્ય ભાવનાનો છે.
7. કર્મયોગીનું કર્મ તેને આખાયે વિશ્વની સાથે સમરસ કરે છે. તુળસીના છોડને પાણી પાયા વગર જમવું નહીં એ નિયમમાં વનસ્પતિ સૃષ્ટિ સાથે જોડાયેલો પ્રેમનો સંબંધ છે. તુળસીને ભૂખ્યાં રાખી હું પહેલો કેમ જમી લઉં ? ગાય સાથે એકરૂપતા, વૃક્ષવનસ્પતિ સાથે એકરૂપતા અને એમ કરતાં કરતાં આખા વિશ્વ સાથે એકરૂપતાનો અનુભવ લેવાનો છે. મહાભારતની લડાઈમાં સાંજ પડતાંવેંત બધા લડનારા સંધ્યા વગેરે કર્મ આટોપવાને જતા. પણ ભગવાન શ્રીકૃષ્ણ રથના ઘોડા ચોડી તેમને પાણી પાવાને લઈ જતા, તેમને ખરેરો કરતા, તેમના શરીરમાંથી કાંટા વીણી કાઢતા.
Page – 31 – અધ્યાય – ૩ – પ્રકરણ – ૧૧  –     ફળત્યાગી અનંત ફળ મેળવે છે.
આ સેવામાં ભગવાનને શો આનંદ આવતો ! કવિ એ વર્ણન કરતાં થાકતા નથી. પોતાના પીતાંબરમાં ચંદી લઈ જઈ ઘોડાને આપનારા તે પાર્થસારથિની મૂર્તિ નજર સામે લાવો અને કર્મયોગમાં રહેલા આનંદનો ખ્યાલ સમજી લો. હરેકેહરેક કર્મ જાણે કે એકએકથી ચડિયાતું આધ્યાત્મિક કર્મ છે. ખાદીનું કામ લો. ખાદીનું પોટલું માથે લઈ ટાઢતડકામાં રખડનારો કંટાળતો નહીં હોય ? ના. અરધે પેટે રહેનારાં પોતાનાં કરોડો ભાઈબહેનો આખા દેશમાં છે તેમને થોડું વધારે અનાજ પહોંચાડવાનું છે એ ખ્યાલમાં તે મસ્ત રહે છે. એનું એ એક વાર જેટલી ખાદીનું વેચાણ બધા દરિદ્રનારાયણો સાથે પ્રેમથી જોડાયેલું હોય છે.
Page – 31 –  અધ્યાય – ૩ –  પ્રકરણ – ૧૨  –      કર્મયોગનાં વિવિધ પ્રયોજનો
૧૨. નિષ્કામ કર્મયોગમાં અદ્ભૂત સામર્થ્ય છે. તે કર્મ વડે વ્યક્તિનું તેમ જ સમાજનું પરમ કલ્યામ થાય છે. સ્વધર્મ આચરનારા કર્મયોગીની શરીરયાત્રા ચાલ્યા વગર રહેતી નથી, પણ હમેશ ઉદ્યોગમાં મંડ્યો રહેતો હોવાથી તેનું શરીર નીરોગી તેમ જ ચોખ્ખું પણ રહે છે. વળી પોતાના એ કર્મને પરિણામે જે સમાજમાં તે રહે છે તે સમાજનું ભરણપોષણ પણ બરાબર થાય છે. કર્મયોગી ખેડૂત વધારે પૈસાની આવક થાય તેટલા ખાતર અફીણ અને તંબાકુની ખેતી નહીં કરે. પોતાની ખેતીના કર્મનો સંબંધ સમાજના કલ્યાણની સાથે છે એવી તેની ભાવના હોય છે. સ્વધર્મરૂપ કર્મ સમાજના કલ્યાણનું હશે. મારૂં વેપારનું કર્મ જનતાના હિતને માટે છે એવું સમજનારો વેપારી પરદેશી કાપડ નહીં વેચે. તેનો વેપાર સમાજને ઉપકારક હશે. પોતાની જાત વીસરી જઈ પોતાની આસપાસના સમાજ સાથે સમરસ થનારા આવા કર્મયોગી જે સમાજમાં નીપજે છે તે સમાજમાં સુવ્યવસ્થા, સમૃદ્ધિ તેમ જ મનની શાંતિ પ્રવર્તે છે.                                                                                      8.
9. કર્મયોગીના કર્મને લીધે તેની શરીરયાત્રા ચાલે છે, સાથે દેહ તેમ જ બુદ્ધિ સતેજ રહે છે અને સમાજનું પણ કલ્યાણ થાય છે. આ બંને ફળ ઉપરાંત ચિત્તશુદ્ધિનું મોટું ફળ પણ તેને મળે છે. ‘कर्मणा शुद्धिः’ – કર્મથી શુદ્ધિ એમ કહ્યું છે. કર્મ ચિત્તશુદ્ધિનું સાધન છે. પણ બધા લોકો કરે છે તે એ કર્મ નથી.
Page – 32 –  અધ્યાય – ૩ –  પ્રકરણ – ૧૨  –      કર્મયોગનાં વિવિધ પ્રયોજનો
કર્મયોગી ભાવનાના મંત્રથી મંતરેલું કર્મ કરે છે, તેનાથી ચિત્તશુદ્ધિનું ફળ મળે છે. મહાભારતમાં તુલાધાર વૈશ્યની કથા છે. જાજલિ નામનો એક બ્રાહ્મણ તુલાધાર પાસે જ્ઞાન લેવાને જાય છે. તુલાધાર તેને કહે છે, “ભાઈ,  ત્રાજવાની દાંડી સીધી રાખવી પડે છે.” એ બહારનું કર્મ કરતાં કરતાં તુલાધારનું મન પણ સરળ, સીધું બન્યું. નાનું છોકરૂં દુકાને આવે કે મોટું માણસ આવે પણ દાંડીનું રૂપ તેનું તે, નહીં નીચી, નહીં ઊંચી. ઉદ્યોગની મન પર અસર થાય છે. કર્મયોગીનું કર્મ એક જાતનો જપ જ હોય છે. તેમાંથી તેની ચિત્તશુદ્ધિ થાય છે. અને પછી નિર્મળ ચિત્તમાં જ્ઞાનનું પ્રતિબિંબ ઊઠે છે. પોતપોતાના જે તે કર્મમાંથી કર્મયોગી છેવટે જ્ઞાન મેળવે છે. ત્રાજવાની દાંડીમાંથી તુલાધારને સમવૃત્તિ જડી. સેના નાવી હજામત કરતો. બીજા લોકોનાં માથાંમાંનો મેલ ઉતારતાં ઉતારતાં સેનાને જ્ઞાન થયું. ‘બીજાના માથા પરનો મેલ હું કાઢું છું પણ મારા માથામાંનો, મારી બુદ્ધિમાંનો મેલ મેં કાઢ્યો છે ખરો? ’ એવી આધ્યાત્મિક ભાષા તેના મનમાં તે કર્મ કરતાં કરતાં સ્ફુરવા લાગી. ખેતરમાં વધી પડેલું નીંદણ કાઢતાં કાઢતાં હ્રદયમાં પેદા થનારૂં વાસના તેમ જ વિકારનું નીંદણ કાઢવાની કર્મયોગીને બુદ્ધિ ઊગે છે. માટી ગૂંદી ગૂંદીને ગાર બનાવી સમાજને પાકાં માટલાં પૂરાં પાડનારો ગોરો કુંભાર પોતાના જીવનનું પણ પાકું વાસણ કરવું જોઈએ એવી મનમાં ગાંઠ વાળે છે. હાથમાં ટીપણી રાખી, ‘માટલાં કાચાં કે પાકાં’ એવી સંતોની પરીક્ષા કરનારો તે પરીક્ષક બને છે. જે તે કર્મયોગીને પોતાના જે તે ધંધાની ભાષામાંથી ભવ્ય જ્ઞાન મળ્યું છે. એ કર્મો તેમની અધ્યાત્મની નિશાળો હતી. એ તેમનાં કર્મો ઉપાસનામય સેવાવાળાં હતાં. દેખાવમાં વહેવારનાં છતાં અંતરમાં તે કર્મો આધ્યાત્મિક હતાં.
10. કર્મયોગીના કર્મમાંથી તેને બીજું એક ઉત્તમ ફળ મળે છે. એ ફળ તે તેના કર્મ વડે સમાજને જે આદર્શ મળે છે તે. સમાજમાં પહેલા જન્મનારા ને પછી જન્મનારા એવો ફેર છે જ. એમાંથી ગળ જન્મેલા લોકોએ પાછળ જન્મનારાઓને ધડો બેસાડવાનો હોય છે. મોટાભાઈએ નાનાભાઈને, માબાપે છોકરાંને, આગેવાનોએ અનુયાયીઓને અને ગુરૂએ શિષ્યને પોતપોતાની કૃતિથી દાખલો બેસાડવાનો હોય છે. આવા દાખલા કર્મયોગી વગર બીજા કોણ બેસાડી શકે ?
Page – 33 –  અધ્યાય – ૩ –  પ્રકરણ – ૧૨  –      કર્મયોગનાં વિવિધ પ્રયોજનો
કર્મયોગી કર્મમાં જ આનંદ માનનારો હોવાથી હમેશ કર્મ કરતો રહે છે. એથી સમાજમાં દંભ ફેલાતો નથી. કર્મયોગી સ્વયંતૃપ્ત એટલે કે પોતાની જાતથી જ સંતોષ મેળવનારો હોવા છતાં કર્મ કર્યા વગર રહેતો નથી. તુકારામ કહે છે, “ભજન કરવાથી ઈશ્વર મળ્યો, માટે શું મારે ભજન છોડી દેવું ? ભજન હવે મારો સહજ ધર્મ થયો.”
आधीं होता संतसंग । तुका झाला पांडुरंग ।।
त्याचें भजन राहीना । मूळ स्वभाव जाईना ।।
— પહેલાં સંતસંગ થયો તેથી તુકો પાંડુરંગ બન્યો. પણ તેનું ભજન અટકતું નથી કેમકે તેનો મૂળ સ્વભાવ ક્યાં જાય ? કર્મની નિસરણી વડે ઠેઠ ટોચે પહોંચ્યા છતાં કર્મયોગી તે નિસરણી છેડી દેતો નથી. તેનાથી તે છોડી શકાતી નથી. તેની ઈન્દ્રિયોને તે કર્મનું કુદરતી વળણ બેસી ગયેલું હોય છે. અને એ રીતે સ્વધર્મકર્મરૂપી સેવાની નિસરણીનું મહત્વ તે સમાજને બતાવતો રહે છે.
સમાજમાંથી દંભ નાબૂદ કરવાની વાત બહુ મોટી છે. દંભથી સમાજ ડૂબી જાય છે. જ્ઞાની કંઈ પણ કર્મ કર્યા વગર બેસી રહે તો તેનું જોઈને બીજા પણ તેવું કરવા માંડે. જ્ઞાની નિત્યતૃપ્તિ હોવાથી અંતરમાં સુખથી ને આનંદથી મસ્ત રહી કંઈ પણ કર્યા વગર શાંત રહી શકશે, પણ બીજો મનમાં રડતો રહીને કર્મશૂન્ય બનશે. એક અંતસ્તૃપ્ત હોઈને શાંત છે. બીજો મનમાં બળતો, અકળાતો હોવા છતાં શાંત છે. એની આ દશા ભયાનક છે. એથી દંભ જોરાવર થાય છે. એથી બધા સંતો સાધનાને શિખરે પહોંચ્યા પછી પણ સાધનાને ચીવટથી વળગી રહ્યા અને મરણ સુધી સ્વકર્મ આચરતા રહ્યા. મા છોકરાંની ઢીંગલાઢીંગલીની રમતમાં રસ લે છે. એ રમત છે એવું જાણતી હોવા છતાં છોકરાંની રમતમાં ભળીને તે મીઠાશ પેદા કરે છે. મા રમતમાં ભાગ ન લે તો છોકરાંને તેમાં મજા નહીં પડે. કર્મયોગી તૃપ્ત થઈ કર્મ છોડી દે તો બીજા અતૃપ્ત રહ્યા હોવા છતાં કર્મ છોડી બેસશે અને છતાં મનમાં ભૂખ્યા રહી આનંદ વગરના થઈ જશે.
તેથી કર્મયોગી સામાન્ય માણસની માફક કર્મ કરવાનું ચાલુ રાખે છે. હું કંઈક ખાસ છું એવું તે પોતાની બાબતમાં માનતો નથી. બીજાના કરતાં બહારથી તે હજારગણી વધારે મહેનત કરે છે.
Page – 34 –  અધ્યાય – ૩ –  પ્રકરણ – ૧૨  –      કર્મયોગનાં વિવિધ પ્રયોજનો
અમુક એક કર્મ પારમાર્થિક છે એવી તેના પર છાપ મારેલી હોતી નથી. કર્મની જાહેરાત કરવાની પણ હોતી નથી. તું સારામાં સારો બ્રહ્મચારી હોય તો બીજા લોકોના કરતાં તારા કર્મમાં સોગણો ઉત્સાહ જણાવા દે. ઓછું ખાવાનું મળે તોયે ત્રણગણું કામ તારે હાથે થવા દે. તારે હાથે સમાજની વધારે સેવા થવા દે. તારૂં બ્રહ્મચર્ય તારા આચરણમાં પ્રગટ થવા દે. ચંદનની સુવાસ આપમેળે બહાર ફેલાવા દે.
ટુંકમાં, કર્મયોગી ફળની ઈચ્છા છોડવા છતાં આવાં પાર વગરનાં ફળો મેળવશે. તેની શરીરયાત્રા ચાલશે, શરીર ને બુદ્ધિ બંને સતેજ રહેશે, જેમાં રહી તે પોતાનો વહેવાર ચલાવે છે તે સમાજ સુખી થશે, તેનું ચિત્ત શુદ્ધ થવાથી તે જ્ઞાન મેળવશે અને સમાજમાંથી દંભ નાબૂદ થઈ જીવનનો પવિત્ર દર્શ ખુલ્લો થશે. કર્મયોગનો આવો મોટો અનુભવસિદ્ધ મહિમા છે.
Page – 34 –   અધ્યાય – ૩ –   પ્રકરણ – ૧3  –      કર્મયોગ-વ્રતમાં અંતરાય
૧૩. કર્મયોગી પોતાનુ કર્મ બીજાઓના કરતાં વધારે સારી રીતે કરશે. તેને સારૂ કર્મ ઉપાસના છે, કર્મ પૂજા છે. મેં દેવની પૂજા કરી. તે પૂજાનો નૈવેદ્ય મેં પ્રસાદ તરીકે લીધો. પણ એ નૈવેદ્ય તે પૂજાનું ફળ છે કે ? નૈવેદ્ય પર નજર રાખી પૂજા કરનારને પ્રસાદનો ટુકડો તાબડતોબ મળશે એમાં શક નથી. પણ કર્મયોગી પોતાના પૂજાકર્મ વડે પરમેશ્વરદર્શનનું ફળ મેળવવા માગે છે. ખાવાને મળનારા નૈવેદ્ય જેટલી નજીવી કિંમત તે પોતાના કર્મની કરતો નથી, પોતાના કર્મની કિંમત ઓછી આંકવા તે તૈયાર નથી. સ્થૂળ માપથી તે પોતાના કર્મને માપતો નથી. જેની દ્રષ્ટિ સ્થૂળ તેને સ્થૂળ ફળ મળશે. ખેતીવાડીની એક કહેવત છે. ‘खोलीं पेर पण ओलीं पेर’ – ઊંડું ઓર પણ ભીનામાં ઓર. એકલું ઊંડું ખેડ્યે કામ નહીં થાય. નીચે જમીનમાં ભેજ પણ જોઈશે. ઊંડી ખેડને જમાનમાં ભેજ, બંને હશે તો અનાજનાં કણસલાં કાંડાં જેવાં માતબર થશે. કર્મ ઊંડું એટલે કે સારામાં સારૂં કરવું જોઈએ. વધારામાં તેમાં ઈશ્વરભક્તિની, ઈશ્વરાર્પણતાની ભાવનાની ભીનાશ પણ જોઈએ. કર્મયોગી ઊંડાણથી કર્મ કરી તે ઈશ્વરને અર્પણ કરે છે.
Page – 35 –   અધ્યાય – ૩ –   પ્રકરણ – ૧3  –      કર્મયોગ-વ્રતમાં અંતરાય
આપણા લોકોમાં પરમાર્થના ગાંડાઘેલા ખ્યાલો પેદા થયા છે. જે પરમાર્થી હોય તેણે હાથપગ હલાવવાના હોય નહીં, કામકાજ કરવાનું નહીં, એવું લોકો માને છે. જે ખેતી કરે છે, ખાદી વણે છે તે ક્યાંનો પરમાર્થી, એવું પુછાય છે. પણ જે જમે છે તે ક્યાંનો પરમાર્થી ? એવો સવાલ કોઈ કદી પૂછતું નથી ! કર્મયોગીનો પરમેશ્વર તો ઘોડાને ખરેરો કરતો ઊભો છે; રાજસૂય યજ્ઞ પ્રસંગે તે હાથમાં છાણ લઈ એઠવાડ કાઢે છે ; વનમાં ગાયો ચારવા જાય છે; દ્વારકાનો રાજા ફરી કોઈ વાર ગોકુળ જતો ત્યારે મોરલી વગાડીને ગાયો ચારતો. આ ઘોડાની ચાકરી કરવાવાળો, ગાયો ચારવાવાળો, રથ હાંકવાવાળો, છાણ થાપનાર કર્મયોગી પરમેશ્વર સંતોએ ઊભો કર્યો છે. અને સંતો પણ કોઈ દરજીકામ તો કોઈ કુંભારકામ, કોઈ કાપડ વણવાનું કામ તો કોઈ માળીકામ, કોઈ દળવાનું કામ તો કોઈ વાણિયાનું કામ, કોઈ હજામનું કામ તો કોઈ મરેલાં ઢોર ખેંચી જવાનું કામ કરતાં કરતાં મુક્ત થઈ ગયા છે.
12. આવા આ કર્મયોગના દિવ્ય વ્રતમાંથી બે કારણે માણસ ચળી જાય છે. ઈન્દ્રિયોનો ખાસ સ્વભાવ આપણે ધ્યાનમાં રાખવો જોઈએ. ‘અમુક જોઈએ ને અમુક નહીં’ એવા દ્વંદ્વમાં ઈન્દ્રિયો વીંટળાયેલી હોય છે. જે જોઈએ તેના પર રાગ એટલે પ્રીતિ અને જે ન જોઈએ તેના પર દ્વેષ પેદા થાય છે. આવા આ રાગદ્વેષ અને કામક્રોધ માણસને ફાડી ખાય છે. કર્મયોગ કેટલો સુંદર, કેટલો રમણીય ને કેવો અનંત ફળ આપનારો છે ! પણ આ કેમક્રોધ ‘આ લે ને પેલું ફેંકી દે’ એવી લપ વળગાવીને કાયમ આપણી પાછળ પડ્યા છે. એમની સંગત છોડો એવી જોખમની ચેતવણી આપતી સૂચના આ અધ્યાયને છેડે ભગવાન આપે છે. સ્થિતપ્રજ્ઞ જેવો સંયમની મૂર્તિ છે તેવા જ કર્મયોગી પુરૂષે થવું જોઈએ.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s