અધ્યાય છઠ્ઠો : ચિત્તવૃત્તિ-નિરોધ    —૬૨ – ૭૮

Page – 62 – અધ્યાય – ૬ – પ્રકરણ – ૨૫ – આત્મોદ્ધારની આકાંક્ષા

અધ્યાય છઠ્ઠો

ચિત્તવૃત્તિ – નિરોધ

૨૫. માણસનો ઊંચામાં ઊંચો કૂદકો કેટલે સુધી પહોંચી શકે છે તે કલ્પનાથી તેમ જ વિચારથી આપણે પાંચમાં અધ્યાયમાં જોઈ શક્યા. કર્મ, વિકર્મ અને આકર્મ મળીને સર્વ સાધના પૂર્ણ થાય છે. કર્મ સ્થૂળ વસ્તુ છે. જે સ્વધર્મકર્મ આપણે કરીએ તેમાં આપણા મનનો સહકાર હોવો જોઈએ. મનની કેળવણીને માટે જે કર્મ કરવાનું છે તે વિકર્મ, વિશેષ કર્મ અથવા સૂક્ષ્મ કર્મ છે. કર્મ ને વિકર્મ બંને જોઈએ. એ બંનેનો પ્રયોગ કરતાં કરતાં અકર્મની ભૂમિકા તૈયાર થાય છે.
Page – 63 – અધ્યાય – ૬ – પ્રકરણ – ૨૫ – આત્મોદ્ધારની આકાંક્ષા

પાછલા અધ્યાયમાં આપણે જોયું કે એ ભૂમિકામાં કર્મ અને સંન્યાસ બંને એકરૂપ જ થઈ જાય છે. હવે છઠ્ઠા અધ્યાયની શરૂઆતમાં ફરીથી કહ્યું છે કે કર્મયોગની ભૂમિકા સંન્યાસની ભૂમિકા કરતાં અલગ દેખાતી હોય તો પણ અક્ષરશઃ એકરૂપ છે. ફક્ત દ્રષ્ટિમાં ફેર છે. હવે પછીના અધ્યાયનો વિષય પાંચમા અધ્યાયમાં વર્ણવેલી અવસ્થાનાં સાધનો વિચારવાનો છે.     1.
2. કેટલાક લોકોના મનમાં એવો ભ્રામક ખ્યાલ ઘર કરી ગયો છે કે પરમાર્થ, ગીતા વગેરે ગ્રંથો કેવળ સાધુઓને માટે છે. એક ગૃહસ્થે મને કહ્યું, ‘ હું કંઈ સાધુ નથી. ’ એમના કહેવાનો અર્થ એવો હતો કે સાધુ નામે ઓળખાતાં જે કેટલાંક પ્રાણી છે તેમાંના પોતે નથી. જેવાં ઘોડા, સિંહ, રીંછ, ગાય વગેરે જાનવરો છે તેવાં સાધુ નામનાં પણ જાનવરો છે, અને પરમાર્થની કલ્પના માત્ર તેમને માટે છે. બાકીના બીજા વહેવારમાં રહેનારા તે જાણે કંઈક જુદા, તેમના વિચાર જુદા, આચાર પણ જુદા ! આ ખ્યાલને લીધે સાધુસંતો અને વહેવારૂ લોકોને એકબીજાથી અળગા પાડી નાખવામાં આવ્યા છે. ગીતારહસ્યમાં લોકમાન્ય તિલકે આ બાબત પર ખાસ ધ્યાન ખેંચ્યું છે. ગીતા એ ગ્રંથ સર્વસાધારણ વહેવારૂ લોકોને માટે છે એ લોકમાન્યની ભૂમિકા હું અક્ષરશઃ ખરી માનું છું. ભગવદ્ગીતા તમામ દુનિયાને સારૂ છે. પરમાર્થમાં આવતું એકેએક સાધન હરેક વહેવારૂ માણસને માટે છે. આપણો વહેવાર શુદ્ધ તેમ જ નિર્મળ થાય અને મનને સમાધાન તેમ જ શાંતિ કઈ પેરે મળે એ વાત પરમાર્થ શીખવે છે. વહેવાર કેમ શુદ્ધ કરવો તે શીખવવાને માટે ગીતા છે. તમે જ્યાં જ્યાં વહેવાર કરો ત્યાં બધે ગીતા આવે છે. પણ તે તમને ત્યાં ને ત્યાં રહેવા દેવા માગતી નથી. તમારો હાથ ઝાલીને તે તમને છેવટને મુકામે પહોંચાડશે. પેલી પ્રસિદ્ધ કહેવત છે ને કે ‘ पर्वत महमद पासे आवतो नहीं होय तो महमद पर्वत पासे जशे. ’ પોતાનો સંદેશો જડ પર્વતને પણ પહોંચે એવી ફિકર મહમદને છે. પર્વત જડ હોવાથી તેના આવવાની વાટ જોઈને મહમદ બેસી રહેવા માગતો નથી. એ જ વાત ગીતા ગ્રંથને પણ લાગુ પડે છે. ગરીબ, દૂબળો, અણઘડમાં અણઘડ જે કોઈ હોય તે સૌની પાસે ગીતા પહોંચી જશે. પણ તે જ્યાં હશે ત્યાં તેને કાયમ રાખવાને નહીં, તેનો હાથ ઝાલી તેને આગળ લઈ જવાને, ઊંચે ઉઠાવવાને જશે.
Page – 64 – અધ્યાય – ૬ – પ્રકરણ – ૨૫ – આત્મોદ્ધારની આકાંક્ષા

માણસ પોતાનો વહેવાર શુદ્ધ કરતો પરમોચ્ચ સ્થિતિએ પહોંચે એટલી જ ગીતાની ઈચ્છા છે, એટલા ખાતર જ ગીતાની હયાતી છે.
3. એથી, હું જડ છું, વહેવારિયો છું, સંસારી જીવ છું એવું એવું કહીને તમારી આજુબાજુ વાડ ઊભી ન કરશો. મારાથી શું થાય, આ સાડાત્રણ હાથના દેહમાં જ મારૂં સારસર્વસ્વ છે એમ કહેશો મા. આ બંધનોની દીવાલ અથવા તુરંગ પોતાની આજુબાજુ ઊભી કરીને પશુઓ વર્તે છે તેમ વર્તશો મા. આગળ વધવાની, ઊંચે ચડવાની હિંમત રાખો. ‘ उद्धरेदात्मनात्मामनं नात्मानमवसादयेत् ’ હું મારી જાતને ખચીત ઊંચે લઈ જનાર છું એવી હિંમત રાખો. હું ક્ષુદ્ર સંસારી જીવ છું એવું કહીને મનની શક્તિ હણો મા. કલ્પનાની પાંખો તોડી નાખશો મા. કલ્પનાને વિશાળ કરો. ચંડોળનું એવું નથી કે ? સવારમાં સૂર્યને જોઈને તે કહે છે, હું ઊંચે ઊડીને સૂર્યને પહોંચીશ. આપણું પણ એમ જ હોવું જોઈએ. પોતાની કમજોર પાંખો વડે ચંડોળ ગમે તેટલું ઊંચે ઊડશે તોયે સૂર્યને કેવી રીતે પહોંચશે ? પણ કલ્પનાની શક્તિથી સૂર્યને તે જરૂર પહોંચી શકે છે. આપણે સૌ એથી ઊલટી રીતે ચાલીએ છીએ. આપણે જેટલા ઊંચે જઈ શક્યા હોત તેટલુંયે ન જતાં કલ્પનાની, ભાવનાની આડે બંધારો બાંધી દીધો હોવાથી આપણે પંડે થઈને આપણી જાતને નીચી પાડીએ છીએ. આપણામાં રહેલી શક્તિને આપણે હીનભાવને લીધે મારી નાખીએ છીએ. ખુદ કલ્પનાના પગ તોડી નાખો તો નીચે પડવા સિવાય બીજું શું થાય ? કલ્પનાનો ઝોક હમેશ ઉપર રહેવો જોઈએ. કલ્પનાની સહાયથી માણસ આગળ જાય છે. તેથી કલ્પનાને સંકોચી ન નાખશો. ‘ धोपट मार्गा सोडुं नको, संसारामधिं ऐस आपुला उगाच भटकत फिरूं नको ’ – ધોરી રસ્તો છોડીશ મા, તું તારે સંસારને જ વળગી રહે અને નાહકનો ભટકી મરીશ મા, એવાં રોદણાં રડ્યા કરશો મા. આત્માનું અપમાન ન કરશો. સાધકોમાં વિશાળ કલ્પના હશે. આત્મવિશ્વાસ હશે તો જ તે ટકવાના છે. એમ કરવાથી જ ઉદ્ધાર થશે. પણ “ ધર્મ કેવળ સંતોને સારૂ છે, સંતોની પાસે જવાનું તે પણ ‘ તમારી ભૂમિકામાં તમે જે રીતે વર્તો છો તે જ બરાબર છે ’ એવું તેમની પાસે પ્રશસ્તિપત્ર લેવા પૂરતું જવાનું, ” એવા એવા ખ્યાલોને છોડી દો.
Page – 65 – અધ્યાય – ૬ – પ્રકરણ – ૨૫ – આત્મોદ્ધારની આકાંક્ષા
આવા ભેદાત્મક ખ્યાલો રાખી જાતને બાંધી ન લો. ઊંચી આકાંક્ષા રાખ્યા વગર આગળ પગલું કદી ઊપડવાનું નથી.
આ દ્રષ્ટિ, આ આકાંક્ષા, આવી મહાન ભાવના હોય તો પછી સાધનો શોધવાની પંચાત જરૂરી થાય. નહીં તો વાત ત્યાંથી જ પૂરી થઈ જાણવી. બહારના કર્મના સાથમાં માનસિક સાધન વિકર્મનું કહ્યું છે. કર્મની મદદમાં વિકર્મ હમેશ રહેવું જોઈએ. એ બંનેની મદદથી અકર્મની જે દિવ્ય સ્થિતિ પ્રાપ્ત થાય છે તેની અને તેના પ્રકારોની વાત પાંચમા અધ્યાયમાં આપણે જોઈ ગયા. આ છઠ્ઠા અધ્યાયથી વિકર્મના પ્રકારો બતાવવાનું શરૂ થાય છે. માનસિક સાધનાની વાત સમજાવતાં પહેલાં ગીતા કહે છે કે, ‘ અરે જીવ ! તું ઈશ્વર બની શકશે એવી દિવ્ય આકાંક્ષા રાખ. મન મોકળું રાખી પાંખ બરાબર મજબૂત રાખ. ’ સાધનાના, વિકર્મના જુદા જુદા પ્રકારો છે. ભક્તિયોગ, ધ્યાન, જ્ઞાનવિજ્ઞાન, ગુણવિકાસ, આત્માનાત્મવિવેક વગેરે નાના પ્રકારો છે. છઠ્ઠા અદ્યાયમાં ધ્યાનયોગ નામનો સાદનાનો પ્રકાર વર્ણવ્યો છે.
Page – 65 – અધ્યાય – ૬ – પ્રકરણ – ૨૬ – ચિત્તની એકાગ્રતા

૨૬. ધ્યાનયોગમાં ત્રણ બાબતો મુખ્ય છે. ૧. ચિત્તની એકાગ્રતા, ૨. ચિત્તની એકાગ્રતાને માટે જરૂરી જીવનની પરિમિતતા એટલે કે તેનું માપસરપણું અને ૩. સામ્યદશા અથવા સમદ્રષ્ટિ. આ ત્રણ બાબતો વગર સાચી સાધના થાય નહીં. ચિત્તની એકાગ્રતાનો અર્થ છે ચિત્તની ચંચળતા પર અંકુશ. જીવનની પરિમિતતા એટલે સર્વ ક્રિયાઓ માપસર હોય તે. અને સમદ્રષ્ટિ એટલે વિશ્વ તરફ જોવાની ઉદાર દ્રષ્ટિ. આ ત્રણ વાતો મળીને ધ્યાનયોગ બને છે. આ ત્રણે સાધનોની કેળવણીને માટે વળી બીજાં બે સાધનો છે. તે છે અભ્યાસ અને વૈરાગ્ય. આ પાંચે બાબતોની થોડી ચર્ચા કરીએ.     4.
5. પહેલી ચિત્તની એકાગ્રતા. કોઈ પણ કામને માટે ચિત્તની એકાગ્રતા જરૂરી છે. વહેવારની વાતોમાં પણ એકાગ્રતા જોઈએ છે. વહેવારના ગુણો જુદા ને પરમાર્થના ગુણો જુદા એવું કંઈ નથી.
Page – 66 – અધ્યાય – ૬ – પ્રકરણ – ૨૬ – ચિત્તની એકાગ્રતા

વહેવાર શુદ્ધ કરવો તેનું જ નામ પરમાર્થ છે. કોઈ પણ વહેવાર કેમ ન હોય, તેમાંનો જશ – અપજશ, તમારી એકાગ્રતા પર આધાર રાખે છે. વેપાર, વહેવાર, શાસ્ત્રશોધન, રાજકારણ, મુત્સદ્દીગીરી ગમે તે લો, હરેકમાં જે સફળતા મળશે તેનો આધાર તે તે પુરૂષની ચિત્તની એકાગ્રતા પર છે. નેપોલિયનને વિષે એમ કહેવાય છે કે એક વખત યુદ્ધની વ્યવસ્થા બરાબર ગોઠવી દીધા પછી રણક્ષેત્ર પર તે ગણિતના સિદ્ધાંત ઉકેલવા બેસી જતો. તંબૂ પર ગોળા પડે, માણસો મરતાં હોય પણ નેપોલિયનનું ચિત્ત બસ ગણિતમાં મશગૂલ. નેપોલિયનની એકાગ્રતા બહુ જબરી હતી એમ મારૂં કહેવું નથી. એના કરતાં ઊંચા પ્રકારની એકાગ્રતાના દાખલા બતાવી શકાય. પણ તેની પાસે એકાગ્રતા કેટલી હતી તે જોવાનું છે. ખલીફ ઉમરની એવી જ વાત કહેવાય છે. લડાઈ ચાલુ હોય ત્યારે પણ પ્રાર્થનાનો વખત થતાંની સાથે ચિત્ત એકાગ્ર કરી ઘૂંટણિયે પડી રણાંગણમાં ભર લડાઈની વચ્ચે તે પ્રાર્થના કરવા માંડતો. અને પ્રાર્થનામાં તેનું ચિત્ત એટલું નિમગ્ન થઈ જતું કે કોનાં માણસો કપાય છે તેનો ખ્યાલ પણ તેને રહેતો નહીં. પહેલાં મુસલમાનોની આવી પરમેશ્વરનિષ્ઠાને લીધે, આ એકાગ્રતાને લીધે જ ઈસ્લામ ધર્મનો ફેલાવો થયો.
6. પેલે દિવસે એક વાત મારા સાંભળવામાં આવી. એક મુસલમાન સાધુ હતો. તેના શરીરમાં બાણ પેઠું. તે બાણને લીદે તેને ખૂબ વેદના થતી હતી. બાણ કાઢવા જાય તો હાથ લગાડતાંની સાથે વેદના વધારે થતી. આમ એ બાણ કાઢવાનું પણ બને એમ નહોતું. આજે નીકળી છે તેવી બેભાન કરવાની ક્લોરોફૉર્મ જેવી દવા પણ તે વખતે નહોતી. મોટો સવાલ ઊભો થયો. તે સાધુ વિષે જે લોકોને માહિતી હતી તેમાંના કેટલાક જણે આગળ આવીને કહ્યું, ‘ અત્યારે બાણ કાઢવાનું રહેવા દો. આ સાધુ પ્રાર્થનામાં બેસશે એટલે પછી તે બાણ કાઢીશું. ’ સાંજે પ્રાર્થનાનો વખત થયો. સાધુ પ્રાર્થનામાં બેઠો. એક પળમાં તેના ચિત્તની એવી એકાગ્રતા થઈ ગઈ કે પેલું બાણ તેના શરીરમાંથી ખેંચી કાઢ્યું તોયે તેને ભાન સરખું ન થયું. કેટલી બધી આ એકાગ્રતા !
Page – 67 – અધ્યાય – ૬ – પ્રકરણ – ૨૬ – ચિત્તની એકાગ્રતા

7. સારાંશ, વહેવાર હો કે પરમાર્થ હો, તેમાં ચિત્તની એકાગ્રતા વિના જશ મળવો મુશ્કેલ છે. ચિત્ત એકાગ્ર થાય તો સામર્થ્ય કદી ઓછું નહીં પડે. તમે સાઠ વર્ષની ઉંમરે પહંચ્યા હશો તોયે એકાદ જુવાન આદમીના જેવો તમારો ઉત્સાહ ને તમારૂં સામર્થ્ય દેખાશે. માણસ જેમ જેમ ઘરડો થતો જાય તેમ તેમ તેનું મન કઠણ થતું જવું જોઈએ. ફળનું જુઓને ! પહેલાં તે કાચું, લીલું હોય છે. પછી પાકે છે, સડી જાય છે, કોહી જાય છે અને નાશ પામે છે. પણ પેલું અંદરનું બી કઠણ ને કઠણ થતું જાય છે. બહારનું કલેવર સડી જાય, ખરી જાય, પણ બહારનું કલેવર ફળનું સારસર્વસ્વ નથી. ફળનું સારસર્વસ્વ, તેનો આત્મા બી છે. શરીરનું પણ એવું જ છે. શરીર ઘરડું થાય તો પણ યાદદાસ્ત વદતી જ જવી જોઈએ. બુદ્ધિ તેજસ્વી થતી જ જવી જોઈએ. પણ એવું થતું નથી. માણસ કહે છે, ‘ હમણાં હમણાંનું કંઈ યાદ રહેતું નથી.’ કેમ ? ‘ હવે ઉંમર થઈ. ’ તારૂં જ્ઞાન, તારી વિદ્યા, તારી યાદદાસ્ત એ તારૂં બી છે. શરીર ઘરડું થતાં જેમ જેમ ઢીલું પડતું જાય તેમ તેમ અંદરનો આત્મા બળવાન થવો જોઈએ. એટલા સારૂ એકાગ્રતા જોઈએ.
Page – 67 – અધ્યાય – ૬ – પ્રકરણ – ૨૭ – એકાગ્રતા કેમ સાધવી

૨૭. એકાગ્રતા જોઈએ તો ખરી, પણ તે કરવી કેવી રીતે ? તે સારૂ શું કરવું જોઈએ ? ભગવાન કહે છે, આત્મામાં મન પરોવી न किंचिदपि चिंतयेत् – બીજા કશાનું ચિંતન ન કરવું. એ વાત સધાય કેવી રીતે ? મન નિવાંત, શાંત, સ્વસ્થ કરવાની વાત બહુ મહત્વની છે. વિચારનાં ચક્રો જોર કરીને ફરતાં અટકાવ્યા વગર એકાગ્રતા કેવી ? બહારનું ચક્ર ગમે તેમ એક વાર ફરતું અટકાવી શકાય, પણ અંદર ચક્ર ફર્યા જ કરે છે. ચિત્તની એકાગ્રતાને માટે બહારનાં સાધનો જેમ જેમ બતાવીએ તેમ તેમ આ અંદરનું ચક્ર વધારે ને વધારે જોરથી ફરવા માંડે છે. તમારે જોઈએ તો આસન વાળો, ટટાર બેસો, નજર સ્થિર કરો, પણ એટલાથી મનને એકાગ્ર નહીં કરી શકાય. મુખ્ય વાત એ છે કે મનની અંદરનું ચક્ર ફરતું બંધ કરતાં આવડવું જોઈએ.     8.
Page – 68 – અધ્યાય – ૬ – પ્રકરણ – ૨૭ – એકાગ્રતા કેમ સાધવી

9. બહારનો અપરંપાર સંસાર મનમાં ભરેલો હોય છે. તેને રોક્યા વગર એકાગ્રતા અશક્ય છે. આપણા આત્માની અપાર જ્ઞાનશક્તિ બહારની ક્ષુદ્ર વસ્તુઓમાં આપણે વાપરી નાખીએ છીએ. પણ એમ ન થવું જોઈએ. જેમ બીજાને ન લૂંટતાં પોતાની મહેનતથી પૈસાદાર થયેલો માણસ ખોટી જગ્યાએ પૈસા નહીં ખરચે તેમ આપણા આત્માની જ્ઞાનશક્તિ આપણે નજીવી ચીજોના ચિંતનમાં વાપરી ન નાખીએ. આ જ્ઞાનશક્તિ આપણી અણમોલ મૂડી છે. પણ સ્થૂળ વિષયોમાં આપણે તેને વાપરીએ છીએ. આ શાક સારૂં થયું નથી એમાં મીઠું ઓછું પડ્યું છે. કેટલી રતી અલ્યા ઓછું પડ્યું ? મીઠાની અરધી કણી ઓછી પડી એ મહાન વિચારમાં ને વિચારમાં આપણું જ્ઞાન વપરાઈ જાય છે. નાના છોકરાંને નિશાળની ચાર દિવાલ વચ્ચે ગોંધીને ભણાવે છે. ઝાડ નીચે લઈ જઈને બેસાડીએ તો કહે છે કે કાગડા ને ચકલાં જોઈને તેમનું મન એકાગ્ર નહીં થાય ! આખરે નાનાં છોકરાં રહ્યાં ! કાગડા ને ચકલાં જોવાનાં ન મળે એટલે થઈ ગઈ તેમની એકાગ્રતા ! પણ અમે થયા ખાસા ઘોડા જેવા. અમને શિંગડાં ઊગ્યાં. સાત સાત દીવાલની પાચળ અમને પૂરો તોયે અમારી એકાગ્રતા નહીં થાય. કારણકે દુનિયાની ઝીણામાં ઝીણી વાતને અમારે ચર્ચા કરવાની રહી ! જે જ્ઞાન ખુદ પરમેશ્વર સુધી પહોંચી શકે તે શાકના સ્વાદની ચર્ચા કરવામાં અમે બગાડીશું ને તેમાં જ કૃતાર્થતા પણ માનીશું !
10. આવો આ ભયાનક સંસાર રાત ને દિવસ આપણી અંદર ને બહાર ઘુઘવાટા મારે છે. પ્રાર્થના અથવા ભજન કરવામાં પણ આપણો હેતુ બાહ્ય હોય છે. પરમેશ્વર સાથે તન્મય થઈ, ચાલો એક ક્ષણભર પણ સંસારને ભૂલી જઈએ એવી આપણી ભાવના નથી. પ્રાર્થના પણ એક દેખાવ, એવી જ્યાં મનની સ્થિતિ હોય ત્યાં આસન વાળી બેઠા તોયે શું ને આંખો મીંચી તોયે શું ? બધું ફોગટ છે. મન એક સરખું બહાર દોડ્યા કરે છે તેથી માણસનું બધું સામર્થ્ય નાશ પામે છે, કોઈ પણ પ્રકારની વ્યવસ્થા, નિયંત્રણશક્તિ માણસમાં રહેતી નથી. આ વાતનો અનુભવ આપણા દેશમાં આજે ડગલે ને પગલે થાય છે. ખરૂં જુઓ તો ભારતવર્ષ એટલે પરમાર્થની ભૂમિ.
Page – 69 – અધ્યાય – ૬ – પ્રકરણ – ૨૭ – એકાગ્રતા કેમ સાધવી

અહીંના માણસો મૂળથી જ ઊંચા વાતાવરણમાં રહેનારાં મનાય છે. પણ એ જ દેશમાં તમારી અને અમારી, આપણી શી દશા થઈ તે જુઓ ! છેક નાની નાની બાબતોમાં આપણે એટલું ઝીણું ઝીણું કાંતીએ છીએ કે તે જોઈને ખરેખર ખેદ થાય છે. નજીવા વિષયોમાં મન ગૂંથાઈ રહેલું છે.
‘ कथा पुराण ऐकतां । झोपें नाडिलें तत्वतां खाटेवरी पडतां ।
व्यापी चिंता तळमळ ऐसी गहन कर्मगति । काय तयासी रडती ।। ’
— કથાપુરાણ સાંભળવા જઈએ છીએ ત્યાં ખરેખર ઊંઘ આવી જાય છે, અને ખાટલા પર જઈને પડીએ છીએ ત્યારે મન ફિકરચિંતાથી ઘેરાઈ જાય છે. કર્મની એવી ગહન ગતિ છે તેનું રડવું શું ? કથાપુરાણ સાંભળવાને જાઓ છો તો ઊંઘ ચડી બેસે છે, અને ઊંઘને શોધવા નીકળો છો તો ત્યાં ચિંતા ને વિચારનું ચક્કર ફરવા માંડે છે. એક તરફ શૂન્યાગ્રતા છે ને બીજી તરફ અનેકાગ્રતા છે. એકાગ્રતા ક્યાંયે નથી. એટલો માણસ ઈન્દ્રિયોનો ગુલામ બન્યો છે. એક વાર એક જણે મને પૂછ્યું, ‘ આંખ અર્ધી ઉઘાડી રાકવી એમ શું કામ કહ્યું છે ? ’ મેં તેને કહ્યું, ‘ તમારા સવાલનો સાદો જવાબ આપું. આંખ પૂરી મીંચી દેવાથી ઊંઘ આવે છે, બરાબર જોર કરીને ખુલ્લી રાખો તો ચારે બાજુ નજર ફરતી રહીને એકાગ્રતા થતી નથી. આંખ મીંચવાથી ઊંઘ આવે એ તમોગુણ થયો. જોર કરીને ખુલ્લી રાખવાથી નજર બધે ફર્યા કરે છે એ રજોગુણ થયો. એટલા ખાતર વચલી સ્થિતિ બતાવી છે. ’ ટૂંકમાં, મનની બેઠક બદલ્યા વગર એકાગ્રતાની આશા ન રાખવી. મનની બેઠક શુદ્ધ જોઈએ. કેવળ આસન વાળીને બેસવાથી તે નહીં મળે. તે માટે બધા વહેવાર શુદ્ધ કરવા જોઈએ. વહેવાર શુદ્ધ કરવો એટલે વહેવારનો ઉદ્દેશ બદલવો  જોઈએ. વ્યક્તિગત લાભ નજરમાં રાખી, વાસનાની તૃપ્તિને સારૂ અથવા એવી જ બીજી બહારની બાબતોને સારૂ વહેવાર ન કરવો જોઈએ.
11. આપણે આખો દિવસ વહેવારમાં ગૂંથાયેલા રહીએ છીએ. દિવસભર ચાલુ રહેલી ઊઠવેઠનો હેતુ શો ?
Page – 70 – અધ્યાય – ૬ – પ્રકરણ – ૨૭ – એકાગ્રતા કેમ સાધવી

‘ याजसाटीं केला होता अट्टहास । शेवटचा दीस गोड व्हावा ।।’
— આખરનો દિવસ રૂડો થાય તે સારૂ બધી તન તોડીને મથામણ કરી હતી. બધી તન તોડીને કરેલી મથામણ, બધી દોડાદોડ છેલ્લો દિવસ રૂડો થાય માટે કરવાની છે. આખો જન્મારો કડવું ઝેર પચાવીએ છીએ. શા સારૂ ? તે છેવટની ઘડી, તે મરણ પવિત્ર થાય તે સારૂ. દિવસની છેવટની ઘડી સાંજે આવે છે. તે તે દિવસનું બધું કર્મ પવિત્ર ભાવનાથી કર્યું હશે તો રાતની પ્રાર્થના મીઠી થશે. દિવસની એ છેવટની ઘડી રૂડી નીવડી તો દિવસનું બધું કર્મ સફળ થયું જાણવું. પછી મારા મનની એકાગ્રતા થશે.
એકાગ્રતાને માટે આવી જીવનની શુદ્ધિ જરૂરી છે. બહારની વસ્તુનું ચિંતન છૂટી જવું જોઈએ. માણસની આવરદા આમ જુઓ તો ઝાઝી નથી. પણ એટલી ટૂંકી આવરદામાંયે પરમેશ્વરી સુખનો અનુભવ મેળવી આપવાનું સામર્થ્ય છે. બે માણસો એક જ બીબામાં ઢાળેલાં, એક જ ઘાટનાં હોય છે. બે આંખ, તે આંખની વચ્ચે પેલું એક નાક, અને તે નાકને બે નસકોરાં છે. આવું એ બધું એકસરખું હોવા છતાં એક માણસ દેવ જેવો થાય છે ને બીજો પશુ જેવો થાય છે એમ કેમ થતું હશે ? એક જ પરમેશ્વરનાં બાળ,
‘ अवधी एकाचीच वीण ’
— બધાં એક જ પેટનાં. આમ છતાં વો ફેર કેમ પડે છે ? એ બે માણસોની જાત એક જ છે એ વાત ગળે ઊતરતી નથી. એક નરનો નારાયણ ને બીજો નરનો વાનર !
12. માણસ કેટલો ઊંચે જઈ શકે છે તે બતાવનારાં માણસો પહેલાં થઈ ગયાં છે એને આજે પણ આપણી વચ્ચે છે. આ અનુભવની વાત છે. આ નરદેહની કેવા શક્તિ છે તે બતાવનારા સંતો પાછળના વખતમાં થઈ ગયા છે. અને આજે પણ હયાત છે. આ દેહમાં રહીને બીજો માણસ આવડી મોટી કરણી કરી શકે તો મારે હાથે કેમ ન થાય ? મારી કલ્પનાને હું મર્યાદા શા સારૂ મૂકું ? જે નરદેહમાં રહી બીજા નરવીર થઈ ગયા તે જ મનખાદેહમાં હું પણ છું. પછી હું આવો કેમ ? મારૂં કંઈક અવળું ચાલે છે. આ મારૂં ચિત્ત કાયમ બહાર રજળવા નીકળે છે. બીજાના ગુણદોષ જોવામાં તે બહું દોઢડાહ્યું થાય છે. પણ મારે બીજાના દોષ જોવાના કેવા ?
Page – 71 – અધ્યાય – ૬ – પ્રકરણ – ૨૭ – એકાગ્રતા કેમ સાધવી

‘ कासया गुणदोष पाहूं आणिकांचे । मज काय त्यांचें उणेंअसे ।। ’
— બીજાના ગુણદોષ હું શા સારૂ જોવા જાઉં ? મારામાં તેની ક્યાં ખોટ છે ? મારામાં ખામી શું ઓછી છે ? કાયમ બીજાના ઝીણા ઝીણા દોષો જોવામાં હું મશગુલ રહું તો ચિત્તની એકાગ્રતા કેમ સધાશે ? પછી મારી બે જ દશા થાય. શૂન્યાવસ્થા એટલે કે ઊંઘ, અથવા અનેકાગ્રતા. તમોગુણ ને રજોગુણ બેમાં હું ફસાઈ જવાનો.
આમ બેસ, નજર આમ રાખ, આવું આસન વાળ વગેરે સૂચના એકાગ્રતા કરવાને માટે ભગવાને નથી આપી એવું નથી. પણ ચિત્તની એકાગ્રતા બિલકુલ જરૂરી છે એટલી વાત ગળે ઊતરે તો જ એ બધું કામનું છે. ચિત્તની એકાગ્રતા આવશ્યક છે એટલું એક વખત માણસને ગળે ઊતરી જશે પછી તે જાતે જ તે માટેની સાધના શોધી કાઢ્યા વગર નહીં રહે.
Page – 71 – અધ્યાય – ૬ – પ્રકરણ – ૨૮ – જીવનની પરિમિતતા

૨૮. ચિત્તની એકાગ્રતા કરવામાં મદદરૂપ થાય એવી બીજી બાબત જીવનમાં પરિમિતતાની છે. માપસર રહેવું. ગણિતશાસ્ત્રનું રહસ્ય બધી ક્રિયામાં ગૂંથી લેવું. ઔષધની માત્રાના લિસોટા ગણીને લેવાના હોય છે. તેવું જ આહારનિદ્રાનું કરવું. બધે માપ રાખીને ચાલો. દરેક ઈન્દ્રિય પર પહેરો બેસાડો. હું વધારે તો નથી ખાતો ને ? વધારે ઊંઘતો તો નથી ને ? આંખ આમતેમ ભટકીને ન જોવાનું જોતી તો નથી ને ? આવું બધું ચોકસાઈથી ને ઝીણવટથી તપાસતા રહેવું જોઈએ.    13.
14. એક ગૃહસ્થની બાબતમાં મને એક ભાઈ કહેતા હતા કે, તે ગમે તેની ખોલીમાં જાય તો એક મિનિટમાં તે ખોલીમાં શું ક્યાં છે તે તેના ધ્યાનમાં આવી જાય. મેં મનમાં કહ્યું, ‘ હે ઈશ્વર ! આ મહિમા મારે માથે ન મારીશ. ’ પાંચપચાસ ચીજોની મનમાં નોંધ રાખનારો હું કંઈ તેનો સેક્રેટરી થોડો છું ? કે પછી મારે ચોરી કરવી છે ? પેલો સાબુ ત્યાં હતો  ને પેલું ઘડિયાળ પણે હતું એ બધું મારે શું કરવા જોઈએ ? મારે એ બધું જાણીને કરવું છે શું ? આંખનું આ વધારેપડતું ભટકવાનું મારે કાઢવું જોઈએ. એવું જ કાનનું. કાન પર ચોકી રાખો.
Page – 72 – અધ્યાય – ૬ – પ્રકરણ – ૨૮ – જીવનની પરિમિતતા

કેટલાક લોકોને તો થાય છે કે  ‘ કુતરાના જેવા આપણા કાન હોત તો કેવું સારૂં ! એક પળમાં ફાવે તે દિશામાં હલાવી શકાત ! માણસના કાનમાં ઈશ્વરે એટલી ખામી રાખી છે ! ’ પણ કાનની આવી વધારેપડતી નકામી પ્રવૃત્તિ ન હોવી જોઈએ. તેવું જ આ મન પણબહુ જોરાવર છે. જરા કંઈ ખખડ્યું કે ત્યાં પહોંચી જાય.
15. જીવનમાં નિયમન એને પરિમિતતા કેળવો. ખરાબ વસ્તુ જોવી જ નહીં. ખરાબ ચોપડી વાંચવી જ નહીં. નિંદાસ્તુતિ સાંભળવી જ નહીં. દોષવાળી વસ્તુ ન જ ખપે, પણ નિર્દોષ વસ્તુનું સુધ્ધાં વધારેપડતું સેવન ન જોઈએ. કોઈ ચીજ વધારેપડતી ન જોઈએ. દારૂ, ભજિયાં, રસગુલ્લાં તો ન જ જોઈએ. પણ સંતરાં, કેળાં, મોસંબી વગેરે પણ વધારેપડતાં ન જોઈએ. ફળાહાર શુદ્ધ આહાર છે. પણ તેયે યથેચ્છ ન હોવો જોઈએ. જીભનું યથેચ્છપણું અંદર બેઠેલા ધણીએ ચલાવી ન લેવું જોઈએ. વાંકાચૂકા ચાલ્યા તો અંદર બેઠેલો માલિક સજા કર્યા વગર રહેવાનો નથી એવો બધી ઈન્દ્રિયોને ધાક રહેવો જોઈએ. નિયમિત આચરણને જ જીવનની પરિમિતતા કહીને ઓળખાવ્યું છે.
Page – 72 – અધ્યાય – ૬ – પ્રકરણ – ૨૯ – મંગળ દ્રષ્ટિ

૨૯. ત્રીજી બાબત, સમદ્રષ્ટિ હોવી. સમદ્રષ્ટિનું બીજું નામ શુભદ્રષ્ટિ છે. શુભદ્રષ્ટિ કેળવાયા સિવાય ચિત્ત કદી એકાગ્ર નહીં થાય. આવો મોટો જબરો વનરાજ સિંહ પણ ચાર ડગલાં ચાલે છે ને પાછું વળીને જુએ છે. હિંસક સિંહની એકાગ્રતા ક્યાંથી થાય ? વાઘ, કાગડા, બિલાડી, એ બધાંની આંખ એકસરખી ફર્યા કરે છે. તેમની નજર હમેશ બેબાકળી હોય છે. હિંસ્ર જાનવરની સ્થિતિ એવી જ હોય, સામ્યદ્રષ્ટિ કેળવાવી જોઈએ. આ આખી સૃષ્ટિ મંગલ ભાસવી જોઈએ. મારો મારી જાત પર છે તેવો જ આખી સૃષ્ટિ પર ભરોસો હોવો જોઈએ.    16.
17. અહીં બીવા જેવું છે શું ? બધું શુભ ને પવિત્ર છે.
विष्वं तद् भद्रं यदवन्ति देवाः
— આ બધું વિશ્વ મંગળ છે કારણ પરમેશ્વર તેને સંભાળે છે. ઈંગ્લંડના કવિ બ્રાઉનિંગે એવું જ કહ્યું છે : ‘ ઈશ્વર આકાશમાં વિરાજમાન છે અને દુનિયા બધી બરાબર ચાલે છે.’ દુનિયામાં કશું બગડેલું નથી. બગડ્યું હોય તો મારી દ્રષ્ટિ બગડી છે. જેવી મારી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ.
Page – 73 – અધ્યાય – ૬ – પ્રકરણ – ૨૯ – મંગળ દ્રષ્ટિ

હું લાલ રંગનાં ચશ્માં પહેરૂં તો સૃષ્ટિ લાલ દેખાશે, ભડકે બળતી હોય એવી દેખાશે.
18. સ્વામી રામદાસ રામાયણ લખતા ને લખાતું જાય તેમ તેમ શિષ્યોને વાંચી સંભળાવતા. મારૂતિ પણ તે સાંભળવાને ગુપ્તરૂપે આવીને બેસતા. સમર્થે લખ્યું હતું કે, ‘મારૂતિ અશોક વનમાં ગયો. ત્યાં તેણે ધોળાં ફૂલ જોયાં. ’ એ સાંભળતાં વેંત મારૂતિએ છતા થઈને કહ્યું, ‘ મેં ધોળાં ફૂલ જરા પણ જોયાં નથી. મેં જોયેલાં તે ફૂલ લાલ હતાં. તમે ખોટું લખ્યું છે. તે સુધારો. ’ સમર્થે કહ્યું, ‘ મેં લખ્યું છે તે બરાબર છે. તેં ધોળાં જ ફૂલ જોયાં હતાં. ’ મારૂતિએ કહ્યું, ‘ હું પંડે ત્યાં જનારો તે હું કહું તે ખોટું ? ’ છેવટે તકરાર રામરાજાની પાસે પહોંચી. રામચંદ્રે કહ્યું, ‘ ફૂલ ધોળાં જ હતાં. પણ મારૂતિની આંખ તે વખતે ક્રોધથી લાલચોળ થઈ હતી. તેથી તે ધોળાં સફેદ ફૂલો તેને લાલ લાલ દેખાયાં. ’ આ મીઠી વાર્તાનો સાર એટલો જ કે દુનિયા તરફ જોવાની આપણી જેવી દ્રષ્ટિ હશે તેવી દુનિયા આપણને દેખાશે.
19. આ સૃષ્ટિ શુભ છે એવી મનને ખાતરી નહીં થાય તો ચિત્તની એકાગ્રતા પણ નહીં થાય. સૃષ્ટિ બગડેલી છે એવું જ્યાં સુધી મને લાગે છે ત્યાં સુધી વહેમનો માર્યો હું ચારેકોર નજર ફેરવ્યા કરીશ. કવિઓ પંખીઓની સ્વતંત્રતાનાં ગીતો ગાય છે. તેમને કહો કે એક વાર પંખી બનીને જોશો તો એ સ્વતંત્રતા કેવી છે, તેની કિંમત કેટલી છે તેની ખબર પડશે. પંખીની ડોક એકસરખી આગળપાછળ ફરતી રહે છે. તેને કાયમ બીજાની બીક લાગ્યા કરે છે. ચકલીને એક બેઠક પર બેસાડી જુઓ. તે શું એકાગ્ર થઈ શકશે ? હું જરા પાસે જઈશ એટલે ઊડી જશે. તેને થશે કે આ મારા માથામાં પથરો મારવા તો નથી આવ્યો ? આખી દુનિયા ભક્ષક છે, સંહાર કરવાવાળી છે એવી બિહામણી કલ્પના જેના મનમાં ઘર કરી ગઈ છે તેને શાંતિ કેવી ? મારો બચાવ કરનારો કોઈ હોય તો હું જાતે એકલો, બાકી સૌ ભક્ષક છે એ ખ્યાલ નાબૂદ થયા સિવાય એકાગ્રતા થઈ શકવાની નથી. સમદ્રષ્ટિની ભાવના કેળવવી એ જ એકાગ્રતા સિદ્ધ કરવાનો સારામાં સારો ઈલાજ છે. સર્વત્ર માગલ્ય જોતાં શીખો એટલે આપોઆપ ચિત્તશાંતિ આવી મળશે.
Page – 74 – અધ્યાય – ૬ – પ્રકરણ – ૨૯ – મંગળ દ્રષ્ટિ

20. ધારો કે કોઈક એક દુઃખી માણસ છે. તેને ખળખળ વહેતી નદીને કાંઠે લઈ જાઓ. તે સ્વચ્છ, શાંત પાણી તરફ જોઈ તેના મનનો તડફડાત ઓછો થશે. તે પોતાનું દુઃખ વિસરી જશે. પાણીના એ ઝરામાં એટલી બધી શક્તિ ક્યાંથી આવી ? પરમેશ્વરની શુભ શક્તિ તેનામાં પ્રગટ થઈ છે. વેદમાં પાણીના ઝરાનું મજાનું વર્ણન છે : ‘ अतिष्ठन्तीनाम् अनिवेशनानाम् ’ – કદી ન ઊભા રહેનારા ને વિસામા વગરના. ઝરો અખંડ વહ્યા કરે છે. તેને પોતાનું એવું ઘરબાર નથી. તે સંન્યાસી છે. આવો એ પવિત્ર ઝરો મારા મનને એક ક્ષણમાં એકાગ્ર કરે છે. આવા સુંદર ઝરાને જોઈ મારા મનમાં પ્રેમનો, જ્ઞાનનો ઝરો હું કેમ નિર્માણ ન કરૂં ?
21. બહારનું આવું આ જડ પાણી પણ મારા મનને શાંત કરી શકે તો મારા મનની ખીણમાં ભક્તિ-જ્ઞાનનો ચિન્મય ઝરો વહેતો થાય એટલે મને કેટલી બધી શાંતિ મળે ?  મારો એક મિત્ર પહેલાં હિમાલયમાં કાશ્મીરમાં ફરતો હતો. ત્યાંથી તે ત્યાંના પવિત્ર પર્વતોનાં અને સુંદર પ્રવાહોનાં વર્ણનો લખી મોકલતો. મેં તેને જવાબમાં લખ્યું, “ જે ઝરા, જે પર્વત અને જે શુભ પવનો ત્યાં તને અનુપમ આનંદ આપે છે તે બધાયનો અનુભવ હું મારા હ્રદયમાં કરી શકું છું. મારી અંતઃસૃષ્ટિમાં એ આખું રમણીય દ્રશ્ય હું રોજ જોઉં છું. મારા હ્રદયમાંનો ભવ્ય દિવ્ય હિમાલય છોડી તું મને બોલાવે તો પણ હું ત્યાં આવવાનો નથી. ‘ स्थावरोमां  હું हिमालय ’ – સ્થિરતાની મૂર્તિ તરીકે જે હિમાલયની ઉપાસના સ્થિરતા લાવવાને માટે કરવાની છે તે હિમાલયનું વર્ણન વાંચી હું મારૂં કર્તવ્ય છોડી દઉં તેનો અર્થ શો ? ”
22. સારાંશ, ચિત્ત જરા શાંત કરો. સૃષ્ટિ તરફ મંગળપણે નીરખવાનું રાખો એટલે હ્રદયમાં અનંત ઝરા વહેતા થશે. કલ્પનાના દિવ્ય તારા હ્રદયાકાશમાં ચમકવા માંડશે. પથ્થરની અને માટીની શુભ વસ્તુઓ જોઈ ચિત્ત શાંત થાય છે તો અંતઃસૃષ્ટિમાંનાં દ્રશ્યો જોઈ નહીં થાય ? સાંજે સમુદ્રકિનારે બેઠો હતો. તે અપાર સાગર, તેની ઘૂઘવતી ગર્જના, સાયંકાળનો વખત એને હું તદ્દન સ્તબ્ધ બેઠો હતો. મારો મિત્ર સમુદ્રને કાંઠે જ મારે ખાવાને માટે ફળ વગેરે લઈને આવ્યો.
Page – 75 – અધ્યાય – ૬ – પ્રકરણ – ૨૯ – મંગળ દ્રષ્ટિ

તે વખતે તે સાત્ત્વિક આહાર પણ મને ઝેર જેવો લાગ્યો. સમુદ્રની તે ± ± ગર્જના મને ‘ मामनुस्मर युध्य च ’ માટે અખંડ તું મારી સ્મૃતિને રાખતો લડ, એ ગીતાવચનની યાદ આપતી હતી. સમુદ્ર એકધારૂં સ્મરણ કરતો હતો ને કર્મ કરતો હતો. એક મોજું આવ્યું ને ગયું. ફરી બીજું આવ્યું. પળભર પણ વિસામાની વાત નહોતી. તે દેખાવ જોઈને મારી ભૂખતરસ ઊડી ગઈ હતી. એવું એ સમુદ્રમાં હતું શું ? તે ખારાં પાણીનાં મોજાં ઊછાળતાં જોઈ મારૂં હ્રદય ભાવનાથી ઊભરાઈ ગયું તો જ્ઞાનપ્રેમનો અથાગ સાગર હ્રદયમાં ઊછળવા માંડે ત્યારે હું કેવો નાચી ઊઠું ! વેદોના ઋષિના દિલમાં એવો જ સમુદ્ર ઉછાળા મારતો હતો. –
’ अंतः समुद्रे ह्रदि अंतरायुषि
घृतस्य धारा अभिचाकशीभि
समुद्रादूर्मिर्मधुमानुदारत् । ’
આ દિવ્ય ભાષા પર ભાષ્ય લખતાં બિચારા ભાષ્યકારોના નવનેજા થયા છે. આ ઘીની ધારા કઈ ? મધની ધારા કઈ ? મારા અંતઃસમુદ્રમાં શું ખારાં મોજાં ઉછાળા મારતાં હશે ? ના ના. મારા હ્રદયમાં દૂધનાં, ઘીનાં, મધનાં મોજાં ઊછળી રહ્યાં છે.
Page – 75 – અધ્યાય – ૬ – પ્રકરણ – ૩૦ – બાળક ગુરૂ

૩૦. આ હ્રદયમાંના સમુદ્રને જોતાં શીખો. બહારનું વાદળાં વગરનું ભૂરૂં ભૂરૂં આકાશ નીરખીને ચિત્ત નિર્મળ તેમ જ નિર્લેપ કરો. ખરૂં પૂછો તો ચિત્તની એકાગ્રતા રમતની વાત છે. ચિત્તની વ્યગ્રતા જ અસ્વાભાવિક અને અનૈસર્ગિક છે. નાનાં છોકરાંની આંખ તરફ તાકીને જુઓ. નાનું છોકરૂં એકસરખું તાકીને જોયા કરે છે. એટલામાં તમે દસ વખત આંખ ઉઘાડમીંચ કરશો. નાનાં છોકરાંની એકાગ્રતા તાબડતોબ થાય છે. છોકરૂં ચારપાંચ મહિનાનું થાય એટલે તેને બહારની લીલીછમ સૃષ્ટિ બતાવજો. તે એકીટસે જોયા કરશે. સ્ત્રીઓ તો એમ માને છે કે બહારના લીલાછમ પાલા તરફ જોવાથી છોકરાંની વિષ્ટાનો રંગ પણ લીલો થઈ જાય છે ! બાળક જાણે કે બધી ઈન્દ્રિયોની આંખ બનાવીને જુએ છે. નાનાં છોકરાંના મન પર કોઈ પણ વાતની ખૂબ અસર થાય છે. શિક્ષણશાસ્ત્રીઓ કહે છે કે પહેલાં બેચાર વરસમાં બાળકને જે કેળવણી મળે છે તે જ સાચી કેળવણી છે.
તમે વિશ્વવિદ્યાલયો, નિશાળો, સંઘ, સંસ્થા ફાવે તેટલાં કાઢો. પણ પહેલી જે કેળવણી મળી હશે તેવી પછી મળવાની નથી. કેળવણી સાથે મારો સંબંધ છે. દિવસે દિવસે મારા મનમાં એવી ગાંઠ બંધાતી જાય છે કે આ બધી બહારની કેળવણીની અસર નહીં જેવી છે. પહેલા સંસ્કારો વજ્રલેપ હોય છે. પછીની કેળવણી બધું ઉપરનું રંગરોગાન છે, ઉપરનો ઓપ છે. સાબુ લગાડવાથી ચામડીનો ઉપરનો દાઘ ધોવાય છે. પણ ચામડીનો મૂળ કાળો રંગ કેમ જશે ? તેવી જ રીતે મૂળના પાકા સંસ્કાર નીકળવા ઘણા અઘરા છે.
પહેલાંના આ સંસ્કારો આવા જોરાવર  કેમ ? અને ત્યાર પછીના કમજોર કેમ ? કારણ કે, નાનપણમાં ચિત્તની એકાગ્રતા કુદરતી હોય છે. એકાગ્રતા હોવાથી જે સંસ્કાર પડે છે તે ભૂંસાતા નથી. આવો આ ચિત્તની એકાગ્રતાનો મહિમા છે. એ એકાગ્રતા જેણે સાધી લીધી હોય તેને સારૂ શું અશક્ય છે ?     23.
24. આજે આપણું બધું જીવન કૃત્રિમ બની ગયું છે. બાળવૃત્તિ મરી ગઈ છે. જીવનમાં સાચી સમરસતા રહી નથી. જીવન લૂખું થઈ ગયું છે. ગાંડું ઘેલું ગમે તેમ વર્તીએ છીએ. માણસના પૂર્વજો વાંદરા હતા એ વાત ડાર્વિન સાહેબ સાબિત નથી કરતા, આપણે આપણી કરણીથી સાબિત કરીએ છીએ.
નાનાં છોકરાંને વિશ્વાસ હોય છે. મા કહે તે તેને માટે પ્રમાણ. તેને જે કહેવામાં આવે તે વાત તેને ખોટી લાગતી નથી. કાગડો બોલ્યો, ચકલી બોલી, જે કહો તે બધું તેને સાચું લાગે છે. બચ્ચાંની મંગળવૃત્તિને લીધે તેમનાં ચિત્ત ઝટ એકાગ્ર થાય છે.
Page – 76 – અધ્યાય – ૬ – પ્રકરણ – ૩૧ – અભ્યાસ, વૈરાગ્ય અને શ્રદ્ધા

૩૧. ટૂંકમાં ચિત્તની એકાગ્રતા, જીવનમાં પરિમિતતા એને શુભ સામ્યદ્રષ્ટિ એટલાં વાનાં ધ્યાનયોગને માટે જરૂરી છે. આ ઉપરાંત બીજાં પણ બે સાધનો કહ્યાં છે. તે બે છે વૈરાગ્ય ને અભ્યાસ. એક વિધ્વંસક સાધન છે ને બીજું વિધાયક છે. ખેતરમાં ઊગી નીકળેલું નીંદણ ઉખેડી કાઢવું એ વિધ્વંસક કામ થયું.
Page – 77 – અધ્યાય – ૬ – પ્રકરણ – ૩૧ – અભ્યાસ, વૈરાગ્ય અને શ્રદ્ધા

એને જ વૈરાગ્ય કહ્યું છે. બી રોપવું કે ઓરવું એ વિધાયક કામ છે. મનમાં સદવિચારોનું ફરી ફરીને ચિંતન કરવું તે અભ્યાસ છે. વૈરાગ્ય વિધ્વંસક ક્રિયા છે અને અભ્યાસ વિધાયક ક્રિયા છે.    25.
26. વૈરાગ્ય ચિત્તમાં કેવી રીતે કેળવાય ? આપણે કહીએ છીએ કે કેરી મીઠી છે. પણ મીઠાશ શું માત્ર કેરીમાં છે ? એકલી કેરીમાં મીઠાશ નથી. આપણા આત્મામાં રહેલી મીઠાશ આપણે  વસ્તુમાં રેડીએ છીએ અને તેથી પછી તે ચીજ આપણને મીઠી લાગે છે. તેથી અંદરની મીઠાશ ચાખતાં શીખો. કેવળ બહારની વસ્તુમાં મીઠાશ નથી પણ પેલો ‘ रसानां रसतमः ’ – રસોનો પણ રસ, માધુર્યસાગર આત્મા મારી પાસે છે તેને લીધે વસ્તુઓમાં મધુરતા આવે છે. એવી ભાવના કેળવતાં કેળવતાં વૈરાગ્ય હાડમાં ઊતરી જશે. સીતાએ હનુમાનને મોતીનો હાર આપ્યો. મારુતિ એક એક મોતી દાંતથી ફાડે, જુએ ને ફેંકી દે. એકેમાં તેને રામ ન દેખાય. રામ તેના હ્રદયમાં હતો. પેલાં મોતીને માટે બેવકૂફ લોકોએ લાખ રૂપિયા આપ્યા હોત.
27. આ ધ્યાનયોગ બતાવતાં ભગવાને શરૂઆતમાં જ એક મહત્વની વાત કહી છે કે, ‘ મારે મારો ઉદ્ધાર કરવો જ છે, હું આગળ જઈશ જ, ઉપર ઊંચો કૂદકો મારવાનો જ. આ મનખાદેહમાં હું આવો ને આવો પડી રહેનાર નથી. પરમેશ્વરની પાસે પહોંચવાની હું હિંમત રાખીને કોશિશ કરીશ, ’ એવો દ્રઢ સંકલ્પ હોવો જોઈએ.
આ બધું સાંભળતાં સાંભળતાં અર્જુનને શંકા આવી. તે કહે છે, “ હે ભગવાન, હવે મોટા થયા, બે દિવસ રહીને મરી જઈશું. પછી આ બધી સાધનાનો શો ઉપયોગ ? ”  ભગવાને કહ્યું,  “ મરણ એટલે લાંબા ગાળાની ઊંઘ. રોજની મહેનત કર્યા બાદ આપણે સાતઆઠ કલાક ઊંઘીએ છીએ. એ ઊંઘનો શું આપણને ડર લાગે છે ? ઊલટું ઊંઘ ન વે તો ચિંતા થાય છે. જેવી ઊંઘની તેવી જ મરણની જરૂર છે. ઊંઘી ઊઠીને આપણે આપણું કામ ફરી શરૂ કરીએ છીએ. તેવી જ રીતે મરણ પછી પણ આ પાચલી બધી સાધના આપણને આવી મળશે. ”
Page – 78 – અધ્યાય – ૬ – પ્રકરણ – ૩૧ – અભ્યાસ, વૈરાગ્ય અને શ્રદ્ધા
28. જ્ઞાનેશ્વરીમાં જ્ઞાનદેવે આ પ્રસંગની ઓવીઓમાં જાણે કે આત્મચરિત્ર લખ્યું હોય એમ લાગે છે.
‘ बालपणीं च सर्वज्ञता । वरी तयातें ’
‘ सकल शास्त्रें स्वयमें । निधती मुखें ’
— બાળપણમાં જ સર્વજ્ઞતા તેમને મળે છે બધાં શાસ્ત્રો આપમેળે તેમના મોંમાંથી બહાર પડે છે. એ બધી કડીઓમાં આ બીના દેખાય છે. પૂર્વજન્મનો અભ્યાસ તમને ખેંચી ગયા વગર રહેતો નથી. કોઈક એક વ્યક્તિનું ચિત્ત વિષય તરફ વળતું જ નથી. તેને મોહ જેવું કંઈ થતું. એનું કારણ એ કે તેણે પૂર્વજન્મમાં સાધના કરેલી હોય છે. ભગવાને આશ્વાસન આપી રાખ્યું છે કે –
न हि कल्याणकृत् कश्चित् दुर्गतिं तात गच्छति
– ‘ બાપુ કલ્યાણમાર્ગે કો દુર્ગતિ પામતો નથી. ’
કલ્યાણમાર્ગનું સેવન કરનારનું કશુંયે ફોગટ જતું નથી. આવી આ શ્રદ્ધા છેવટે આપી છે. અપૂર્ણ છેવટે પૂરૂં થશે. ભગવાનના આ ઉપદેશમાંનું સ્વારસ્ય લો એને પોતાના જીવનનું સાર્થક કરી લો.
                

Advertisements