અધ્યાય ચોથો

Page–36–અધ્યાય–૪–પ્રકરણ–૧૪  –  કર્મને વિકર્મનો સાથ હોવો જોઈએ

અધ્યાય ચોથો : કર્મયોગ  – સહકારી સાધના : વિકર્મ —– ૩૬  – ૪૩
અધ્યાય ચોથો
કર્મયોગ-સહકારી સાધના : વિકર્મ
ભાઈઓ,
૧૪. પાછલા અધ્યાયમાં આપણે નિષ્કામ કર્મયોગનું વિવેચન કર્યું. સ્વધર્મને અળગો કરી બીજો ધર્મ સ્વીકારવાથી નિષ્કામપણાનું ફળ મળવું અસંભવિત જ છે. સ્વદેશી માલ વેચવાનો વેપારીનો સ્વધર્મ છે. પણ એ સ્વભાવ છોડી સાત હજાર માઈલ દૂરથી આણીને તે પરદેશી માલ વેચે છે ત્યારે તેની નજર સામે માત્ર વધારે નફો કરવાનો ખ્યાલ હોય છે. પછી તેના એ કામમાં નિષ્કામતા ક્યાંથી હોય ? એથી જ કર્મ નિષ્કામ રહે તેટલા ખાતર સ્વધર્મના આચરણની ખૂબ જરૂર રહે છે. પણ આવું સ્વધર્માચરણ પણ સકામ હોય એમ બને. આપણે અહિંસાની જ વાત લઈએ. અહિંસાના ઉપાસકને હિંસા વર્જ્ય છે એ સાફ છે. પણ બહારથી અહિંસક દેખાતો છતાં તે હિંસક હોય એમ બને, કેમકે હિંસા મનનો ધર્મ છે. બહારનું હિંસાકર્મ ન કરવા માત્રથી મન અહિંસામય થઈ જાય એવું નથી. હાથમાં તલવાર લેવાથી લેનારની હિસાવૃત્તિ સાફ દેખાય છે. પણ તલવાર છોડી દેવાથી માણસ અહિંસામય થઈ જ જાય એવું નથી. સ્વધર્માચરણની વાત બરાબર આના જેવી છે. નિષ્કામતાને માટે પરધર્મથી અળગા રહેવું જોઈએ. પણ એ માત્ર નિષ્કામતાની શરૂઆત થઈ ગણાય. તેથી સાધ્ય સુધી પહોંચી ગયા એમ માની લેવાનું નથી.
નિષ્કામતા મનનો ધર્મ છે. મનનો એ ધર્મ પ્રગટ થાય તે માટે એકલું સ્વધર્માચરણનું સાધન પૂરતું નથી. બીજાં સાધનોનો આધાર લેવાની પણ જરૂર રહે છે. માત્ર તેલ ને દિવેટથી દીવો થતો નથી. સાથે જ્યોતની જરૂર પડે છે. જ્યોત હોય તો જ અંધારૂં મટે. એ જ્યોત કેવી રીતે ચેતાવવી ? એ માટે મનનું સંશોધન જરૂરી છે. આત્મપરીક્ષણ કરી ચિત્તનો મળ ધોઈ કાઢવો જરૂરી છે. ત્રીજા અધ્યાયને છેડે આ મહત્ત્વની સૂચના ભગવાને કરી છે. એ સૂચનામાંથી ચોથા અધ્યાયનો જન્મ થયો છે.                                                    1.
2. ગીતામાં कर्म એ શબ્દ स्वधर्म ના અર્થમાં વપરાયો છે. આપણે ખાઈએ છીએ, પીએ છીએ અને ઊંઘીએ છીએ એ બધાં પણ કર્મો છે. પણ ગીતામાં વપરાયેલા कर्म શબ્દ વડે એ ક્રિયાઓ સૂચવાઈ નથી.
Page–37–અધ્યાય–૪–પ્રકરણ–૧૪  –  કર્મને વિકર્મનો સાથ હોવો જોઈએ
કર્મ શબ્દનો અર્થ સ્વધર્માચરણ કરવાનો છે. પણ સ્વધર્માચરણરૂપી એ કર્મ કરતાં કરતાં નિષ્કામતા કેળવવાને સારુ બીજી એક મહત્ત્વની મદદ લેવી જરૂરની છે. એ મદદ છે કામ અને ક્રોધને જીતવાની વાતની. ચિત્ત ગંગાજળ જેવું નિર્મળ ને પ્રશાંત ન થાય ત્યાં સુધી નિષ્કામતા કેળવાતી નથી. આ રીતે ચિત્તના સંશોધનને માટે જે કર્મો કરવાનાં હોય છે તેને ગીતાએ વિકર્મ નામ આપેલું છે. કર્મ, વિકર્મ અને અકર્મ એ ત્રણ શબ્દો આ ચોથા અધ્યાયમાં મહત્ત્વના છે. કર્મ એટલે બહારની સ્વધર્માચરણની સ્તૂલ ક્રિયા. આ બહારની ક્રિયામાં ચિત્ત રેડવું તેનું જ નામ વિકર્મ છે. બહારથી આપણે નમસ્કાર કરીએ છીએ. પણ બહારની એ માથું નમાવવાની ક્રિયાની સાથોસાથ અંદરથી મન નમ્યું નહીં હોય તો બહારની ખાલી ક્રિયા ફોગટ છે. અંતર્બાહ્ય એક થવું જોઈએ. બહારથી શંકરના લિંગ પર એકસરખી ધાર કરીને હું અભિષેક કરૂં છું. પણ પાણીની એ ધારની સાથોસાથ માનસિક ચિંતનની અખંડ ધાર ચાલતી નહીં હોય તો એ અભિષેકની કિંમત શી ? પછી તો સામેનું શિવનું લિંગ એ એક પથ્થર ને હું પણ પથ્થર. પથ્થર સામે પથ્થર બેઠો છે એટલો જ અર્થ થાય. બહારના કર્મની સાથે અંદરનું ચિત્તશુદ્ધિનું કર્મ જોડાય તો જ નિષ્કામ કર્મયોગ પ્રાપ્ત થાય.
3. निष्काम कर्म શબ્દપ્રયોગમાં કર્મ  પદના કરતાં નિષ્કામ એ પદનું મહત્ત્વ વધારે છે. જેમ अहिंसात्मक असहकार શબ્દપ્રયોગમાં અસહકાર શબ્દના કરતાં અહિંસાત્મક એ વિશેષણનું મહત્ત્વ વધારે છે.અહિંસાને કાઢી નાખી પોકારવામાં આવેલો અસહકાર ભયંકર વસ્તુ બની જાય, તે પ્રમાણે સ્વધર્માચરણનું કર્મ કરતાં કરતાં મનનું વિકર્મ સાથે નહીં હોય તો મોટું જોખમ રહે છે.
આજકાલ સાર્વજનિક સેવા કરનારા લોકો સ્વધર્મનું જ આચરણ કરે છે. જે વખતે લોકો ગરીબીમાં અને વિપત્તિમાં ઘેરાયેલા હોય તે વખતે તેમની સેવા કરી, તેમને સુખી કરવાનો ધર્મ સમાજસ્થિતિના ચાલુ પ્રવાહમાંથી આપોઆપ આવી મળે છે. પણ એટલી વાત પરથી જાહેર કામગીરી અદા કરનારા બધાયે લોકો કર્મયોગી બની ગયા એવું અનુમાન કાઢી નહીં શકાય.
Page–38–અધ્યાય–૪–પ્રકરણ–૧૪  –  કર્મને વિકર્મનો સાથ હોવો જોઈએ
લોકસેવા કરતી વખતે મનમાં શુદ્ધ ભાવના નહીં હોય તો તે લોકસેવા ભયાનક નીવડવાનો પણ સંભવ રહે છે. પોતાના કુટુંબની સેવા કરવામાં જેટલો અહંકાર, જેટલો દ્વેષ-મત્સર અને જેટલો સ્વાર્થ આપણે જગાડીએ છીએ તેટલો બધો લોકસેવામાં પણ આપણે જગાડીશું; અને આ વાતનો પરચો આજના લોકસેવકોના સમૂહમાં જોવામાં પણ આવે છે.
Page–38–અધ્યાય–૪–પ્રકરણ–૧૫  –  બંનેના સંયોગથી અકર્મ રૂપી સ્ફોટ
૧૫. કર્મની સાથે મનનો મેળ હોવો જોઈએ. આ મનના મેળને જ ગીતા વિકર્મ કહીને ઓળખાવે છે. બહારનું તે સાદું કર્મ; અંદરનું આ વિશેષ કર્મ તે વિકર્મ. આ વિશેષ કર્મ જેની તેની માનસિક જરૂર મુજબ જુદું જુદું હોય છે. વિકર્મના એવા અનેક પ્રકાર ચોથા અધ્યાયમાં દાખલારૂપે બતાવેલા હોઈ તે જ વાતનો વિસ્તાર આગળ છઠ્ઠા અધ્યાયથી કરેલો છે. આ વિશેષ કર્મનું આવું માનસિક અનુસંધાન કર્મની જોડે રાખીએ તો જ નિષ્કામતાની જ્યોત સળગશે. કર્મની સાથે વિકર્મની જોડ બંધાવાથી ધીરે ધીરે નિષ્કામતા કેળવાતી જાય છે. શરીર અને મન બંને જુદી જુદી ચીજો હોય તો તે બંનેને માટે સાધનો પણ અલગ અલગ જોઈએ. એ બંનેનો મેળ બેસતાંવેંત સાધ્ય હાંસલ થાય છે. મન એક બાજુ અને શરીર બીજી બાજુ એવી સ્થિતિ ન થાય માટે શાસ્ત્રકારોએ બેવડો રસ્તો બતાવ્યો છે. ભક્તિયોગમાં બહાર તપ અને અંદર જપ બતાવ્યો છે. ઉપવાસ વગેરે  બાહ્ય તપસ્યા ચાલતી હોય ત્યારે અંદર માનસિક જપ ચાલુ નહીં હોય તો તે બધું તપ ફોગટ ગયું જાણવું. જે ભાવનાથી હું તપ કરતો હોઉં તે અંદર એકસરખી સળગતી રહેવી જોઈએ. ઉપવાસ શબ્દનો અર્થ મૂળમાં ઈશ્વરની પાસે બેસવું એવો છે. ચિત્ત પરમેશ્વરની પાસે રહે તે સારૂ બહારના ભોગોને મનાઈ હોવી જોઈએ. પણ બહારના ભોગ વર્જ્ય કરી મનમાં ભગવાનનું ચિંતન નહીં હોય તો તે બાહ્ય ઉપવાસનો અર્થ શો ? ઈશ્વરનું ચિંતન કરવાને બદલે મનમાં ખાવાપીવાની ચીજોનું ચિંતન કરીએ તો એ બહુ ભયાનક ભોજન નીવડે. આ મનમાં થતું ભોજન, મનમાં થતું વિષયચિંતન એના જેવી ભયાનક ચીજ બીજી નથી. તંત્ર સાથે મંત્ર જોઈએ.
Page–39–અધ્યાય–૪–પ્રકરણ–૧૫  –  બંનેના સંયોગથી અકર્મ રૂપી સ્ફોટ
કેવળ બહારના તંત્રનું મહત્વ નથી. કેવળ કર્મહીન મંત્રનું પણ મહત્વ નથી. હાથમાં સેવા હોવી જાઈએ, તેવી હ્રદયમાં પણ સેવા હોવી જોઈએ. એ રીતે જ આપણે હાથે સાચી સેવા થાય.    4.
5. હ્રદયની ભીનાશ બાહ્ય કર્મમાં નહીં હોય તો તે સ્વધર્માચરણ સૂકું રહેશે. તેને નિષ્કામતાનાં ફળફૂલ નહીં બેસે. ધારો કે આપણે માંદાની સારવારનું કામ માથે લીધું. પણ એ સેવાકર્મની સાથોસાથ દિલમાં કોમળ દયાભાવ નહીં હોય તો રોગીની સેવાનું એ કામ કંટાળો આપનારૂં અને નીરસ થઈ જશે. એ એક બોજો લાગશે. ખુદ રોગીને પણ તેનો ભાર લાગશે. એ સારવારમાં મનનો સહકાર નહીં હોય તો એ સેવામાંથી અહંકાર પેદા થયા વગર નહીં રહે. હું આજે એને ઉપયોગી થાઉં છું માટે એણે મને ઉપયોગી થવું જોઈએ, એણે મારાં વખાણ કરવાં જોઈએ, લોકોએ મારી કદર કરવી જોઈએ, એવી એવી અપક્ષા ચિત્તમાં ઉત્પન્ન થશે. અથવા આપણે આટલી આટલી સેવા કરીએ છતાં આ રોગી નાહક ચિડાઈને કચકચ કર્યા કરે છે એમ આપણે કંટાળીને બબડયા કરીશું. માંદો માણસ કુદરતી રીતે ચીડિયો થઈ જાય છે. તેની કચકચ કરવાની આદતથી જેના મનમાં સાચો સેવાભાવ નહીં હોય તેવા સેવા કરવાવાળાને કંટાળો આવશે.
6. કર્મની જોડે આંતરિક મેળ હશે તો તે કર્મ જુદું જ પડે. તેલ ને દીવેટની જોડીની સાથે જ્યોત ભળવાથી પ્રકાશ પડે છે. કર્મની સાથે વિકર્મ જોડાવાથી નિષ્કામતા કેળવાય છે. દારૂગોળાને આંચ લગાડવાથી ભડકો થાય છે. એ દારૂગોળામાં શક્તિ નિર્માણ થાય છે. કર્મ આ બંદૂકના દારૂ જેવું છે. તેમાં વિકર્મની આંચ લાગતાંવેંત કામ પાર પડે છે. વિકર્મ દાખલ થયું ન હોય ત્યાં સુધી એ કર્મ જડ રહે છે. તેમાં ચૈતન્ય હોતું નથી. વિકર્મની ચિનગારી જડ કર્મમાં પડતાંની સાથે તે કર્મમાં જે સામર્થ્ય ઉત્પન્ન થાય છે તેનું વર્ણન થઈ શકે એવું નથી. ચપટીભર દારૂને ખીસામાં રાખી સકાય છે, હાથમાં રમાડી શકાય છે. પણ તેને આંચ લગાડતાની સાથે શરીરના ફુરચેફુરચા ઊડી જાય છે. સ્વધર્માચરણમાં રહેલું અનંત સામર્થ્ય એવું જ ગુપ્ત હોય છે. તેને વિકર્મનો સાથ આપી જુઓ. પછી કેવી ઊથલપાથલ થાય છે તે જોજો. અહંકાર, કામ, ક્રોધ એ બધાના એ ધડાકાથી ફુરચેફુરચા ઊડી જશે અને તેમાંથી પછી પરમ જ્ઞાનની નિષ્પત્તિ થશે.
Page–40–અધ્યાય–૪–પ્રકરણ–૧૫  –  બંનેના સંયોગથી અકર્મ રૂપી સ્ફોટ
7. કર્મ જ્ઞાનને ચેતાવનારી આંચ છે. લાકડાની એકાદ ડગળી ખાલી પડી રહે છે. પણ તેને સળગાવો. તે ધગધગતો અંગાર બને છે. પેલી લાકડાની ડગળી અને આ ધગધગતો દેવતા બેમાં કેવો ફેર હોય છે ! પણ એ લાકડાનો જ એ અગ્નિ છે એમાં કંઈ શક છે કે ? કર્મમાં વિકર્મ રેડવાથી કર્મ દિવ્ય દેખાવા માંડે છે. મા દીકરાની પીઠ પર હાથ ફેરવે છે. એક વાંસો અને વાંસા પર એક વાંકોચૂકો હાથ ફરે છે. પણ એટલા સાદા કર્મથી તે મા-દીકરાના દિલમાં જે ભાવના ઊછળે છે તેનું વર્ણન કોણ કરી શકશે ? આટલી લંબાઈ-પહોળાઈની આવી એક પીઠ પર આવો, આટલા વજનનો એક સુંવાળો હાથ ફેરવવાથી પેલો આનંદ નિર્માણ થશે એવું સમીકરણ કોઈ બેસાડવા જાય તો તે એક મજાક ગણાશે. હાથ ફેરવવાની એ નજીવી ક્રિયા છે. પણ તે ક્રિયામાં માએ પોતાનું હ્રદય ઠાલવેલું છે. તે કર્મમાં આ વિકર્મ રેડેલું હોવાથી પેલો અપૂર્વ આનંદ  મળે છે. તુલસીરામાયણમાં એક પ્રસંગ આવે છે,
राम कृपा करि चितवा सबही । भये बिगतस्रम वानर तबही ।।
– રાક્ષસો સાથે લડયા પછી વાનર પાછા આવે છે. તે બધા જખમી થયેલા હોય છે. તેમનાં શરીરમાંથી લોહી વહેતું હોય છે. પણ પ્રભુ રામચંદ્રે માત્ર તેમના બધાના તરફ પ્રેમપૂર્વક જોયું તેની સાથે તે બધાયની વેદના શાંત થઈ ગઈ. તે વખતે રામે ઉઘાડેલી આંખનો ફોટો પાડી લઈ તે પ્રમાણે બીજું કોઈ પોતાની આંખ ઉઘાડે તો તેવી અસર થાય ખરી કે ? એવું કોઈ કરે તો હસવાનું થાય.
8. કર્મની સાથે વિકર્મની જોડી બંધાવાથી શક્તિસ્ફોટ થાય છે અને તેમાંથી અકર્મ નિર્માણ થાય છે. લાકડું બળી જવાથી રાખ નીપજે છે. પેલી પહેલાં લાકડાની ખાસી મોટી ડગળી હતી પણ તેની આખરે ચપટીભર નિરૂપદ્રવી રાખ બની રહે છે. પછી હાથમાં લઈ તેને ખુશીથી શરીરે ચોળો. કર્મને વિકર્મની આંચ લગાડવાથી અકર્મ નીપજે છે. પેલું લાકડું ક્યાં ને પેલી રાખ ક્યાં ? कः केन संबंधः ! તે બંનેના ગુણધર્મમાં હવે જરાયે સરખાપણું નથી. પણ પેલી ડગળીની જ એ રાખ બની છે એમાં કંઈ શંકા છે કે ?
Page–41–અધ્યાય–૪–પ્રકરણ–૧૫  –  બંનેના સંયોગથી અકર્મ રૂપી સ્ફોટ
9. કર્મમાં વિકર્મ રેડવાથી અકર્મ નીપજે છે એ વાતનો અર્થ શો ? એનો અર્થ એટલો કે કર્મ કર્યા જેવું લાગતું નથી, તેનો ભાર લાગતો નથી. ક્રિયા કરવા છતાં અકર્તા થવાય છે. ગીતા કહે છે કે મારવા છતાં તમે મરતા નથી. મા દીકરાને મારે છે માટે તમે જરા મારી જોજો વારૂ ! તમારૂં મારવું છોકરો સહન નહીં કરે. મા મારશે તોયે તે તેના પાલવમાં માથું મારતો જશે. એનું કારણ છે. માના એ બાહ્ય કર્મમાં ચિત્તશુદ્ધિ છે. તેનું મારવું નિષ્કામ હોય છે. એ કર્મમાં તેનો સ્વાર્થ નથી. વિકર્મને લીધે, મનની શુદ્ધિને લીધે, કર્મનું કર્મપણું ઊડી જાય છે. રામની પેલી નજર આંતરિક વિકર્મને લીધે કેવળ પ્રેમસુધાસાગર બની હતી. પણ રામને તે કર્મનો થાક નહોતો લાગ્યો. ચિત્તશુદ્ધિથી કરેલું કર્મ નિર્લેપ હોય છે. તેનું પાપ કે પુણ્ય કંઈ બાકી રહી જતું નથી.
નહીં તો વિચાર કરો કે કર્મનો કેટલો બોજો આપણી બુદ્ધિ પર ને હ્રદય પર પડે છે ! તેની કેટલી બધી તાણ પહોંચે છે ! આવતી કાલે બધા રાજદ્વારી કેદીઓ છૂટવાના છે એવી હમણાં બે વાગ્યે ખબર આવે પછી કેવું બજાર ભરાય છે તે જોજો. ચારે બાજુ બસ ધાંધલ, ધાંધલ. કર્મના સારા-નરસાપણાને કારણે આપણે વ્યગ્ર હોઈએ છીએ. કર્મ આપણને ચારેકોરથી ઘેરી લે છે. કર્મ જાણે કે આપમી બોચી પર ચડી બેસે છે. સમુદ્રનો પ્રવાહ જોરથી જમીનમાં પેસી જઈ જેમ અખાત નિર્માણ કરે છે તે પ્રમાણે કર્મનો પસારો ચિત્તમાં ફેલાઈ, ઘૂસી જઈ તેમાં ખળભળાટ મચાવે છે. સુખદુઃખનાં દ્વંદ્વો નિર્માણ થાય છે. બધીયે શાંતિ નાશ પામે છે. કર્મ થયું, અને થઈ ગયું હોવા છતાં તેનો વેગ બાકી રહી જાય છે. કર્મ ચિત્તનો કબજો કરી બેસે છે. અને પછી કર્મ આચરનારને ઊંઘ આવતી નથી.
પણ આવા આ કર્મમાં વિકર્મ મેળવવાથી ગમે તેટલું કર્મ કરવા છતાં થાક લાગતો નથી. ધ્રુવની માફક મન શાંત, સ્થિર અને તેજોમય રહે છે. કર્મમાં વિકર્મ રેડવાથી તે અકર્મ બની જાય છે. કર્મ કરવા છતાં તે જાણે ભૂંસી નાખ્યું હોય તેવી સ્થિતિ થાય છે.
Page–42–અધ્યાય–૪–પ્રકરણ–૧૬- અકર્મની કળા સમજવાને સંતો પાસે જાઓ

૧૬. કર્મનું આમ અકર્મ કેવી રીતે બનતું હશે ? એ કળા કોની પાસે જોવાની મળશે ? સંતો પાસેથી. આ અધ્યાયને છેડે ભગવાન કહે છે, “ સંતોની પાસે જઈને બેસ અને પાઠ લે. ” કર્મનું અકર્મ કેવી રીતે થઈ જાય છે તેનું વર્ણન કરતાં ભાષા પૂરી થઈ જાય છે. તેનો ખ્યાલ મેળવવાને સંતોને ચરણે બેસવું જોઈએ. પરમેશ્વરનું વર્ણન સાંભળ્યું છે ને કે शान्ताकारं भुजगशयनम्. પરમેશ્વર હજાર ફેણવાળા શેષ પર પોઢેલો હોવા છતાં શાંત છે. સંતો હજારો કર્મોમાં ગૂંથાયેલા હોવા છતાં જરા સરખો ક્ષોભતરંગ પોતાના માનસ-સરોવરમાં ઊઠવા દેતા નથી. આ ખૂબી સંતોને ઘેર ગયા વગર સમજી શકાતી નથી.
11. આજના વખતમાં ચોપડીઓ સોંઘી થઈ છે. આના-બેઆનામાં ગીતા, मनाचे श्लोक વગેરે ચોપડીઓ મળે છે. ગુરૂ જોઈએ તેટલા છે. શિક્ષણ ઉદાર અને સોંઘું છે. વિશ્વવિદ્યાલયો જ્ઞાનની ખેરાત કરે છે. પણ જ્ઞાનામૃતભોજનની તૃપ્તિનો ઓડકાર કોઈને આવતો દેખાતો નથી. પુસ્તકોના આવા ઢગલાના ઢગલા જોઈને દિવસે દિવસે સંતોની સેવાની જરૂર વધારે ને વધારે ભાસતી જાય છે. જ્ઞાન, પુસ્તકોની મજબૂત કાપડની બાંધણીની બહાર નીકળતું નથી. આવે પ્રસંગે મને એક અભંગ હમેશ યાદ આવે છે.
कामक्रोध आड पडिले पर्वत । राहिला अनंत पैलीकडे ।।
-આડા પડ્યા કામક્રોધના પહાડ ને અનંત રહ્યો પેલી પાર. કામક્રોધના પર્વતોની પેલી કોર નારાયણ વસે છે. તે પ્રમાણે આ ચોપડાઓના ઢગની પાછળ જ્ઞાનરાજા લપાઈને બેઠો છે. પુસ્તકાલયો ને ગ્રંથાલયોનો રાફડો ફાટ્યો છે. પણ માણસ હજી બધે સંસ્કાર વગરનો ને જ્ઞાન વગરનો વાંદરો રહી ગયેલો દેખાય છે. વડોદરામાં એક મોટી લાયબ્રેરી છે. એક વખત એક ગૃહસ્થ તેમાંથી એક ખાસું મોટું પુસ્તક લઈને જતા હતા. તે પુસ્તકમાં બાવલાં – ચિત્રો હતાં. અંગ્રેજી પુસ્તક છે એવું માની તે ભાઈ લઈ જતા હતા. મેં પૂછ્યું, ‘ આ શાનું પુસ્તક છે ? ’ તેમણે જવાબ દેવાને બદલે તે સામું ધર્યું. મેં કહ્યું, ‘ આ તો ફ્રેંચ છે. ’ તે ગૃહસ્થ બોલ્યા, ‘ અરે, ફ્રેંચ આવી ગયું લાગે છે ! ’ પરમ પવિત્ર રોમન લિપિ, સુંદર ચિત્રો, મજાનું બાઈંડિંગ, પચી જ્ઞાનની ખોટ હોય ખરી કે !
Page–43–અધ્યાય–૪–પ્રકરણ–૧૬–અકર્મની કળા સમજવાને સંતો પાસે જાઓ

12 અંગ્રેજી ભાષામાં દર સાલ દસ દસ હજાર નવાં પુસ્તકો તૈયાર થઈને બહાર પડે છે. બીજી ભાષાઓમાં પણ એવું જ છે. જ્ઞાનનો આટલો બધો ફેલાવો હોવા છતાં માણસનું માથું ખાલી ખોખું કેમ રહ્યું છે ? કોઈ કહે છે યાદદાસ્ત ઘટી છે. કોઈ કહે છે એકાગ્રતા થઈ શકતી નથી. કોઈ કહે છે જે જે વાંચીએ છીએ તે બધું જ સાચું લાગે છે અને કોઈ વળી કહે છે વિચાર કરવાનો વખત જ રહેતો નથી. શ્રીકૃષ્ણ કહે છે, “ અરે અર્જુન, તરેહતરેહની વાત સાંબળીને ગોટાળે ચડેલી તારી બુદ્ધિ સ્થિર થયા વગર યોગ તને હાથ લાગવાનો નથી. સાંભળવાનું ને વાંચવાનું પતાવીને હવે સંતોને શરણે જા. ત્યાં જીવનનો ગ્રંથ તને વાચવાનો મળશે. ત્યાંનું મૂંગું પ્રવચન સાંભળી તું છિન્નસંશય થશે. એકધારાં સેવાનાં કર્મો કરતાં રહેવા છતાં અત્યંત શાંત કેમ રહેવું, બહારનાં કર્મોનું ઝાજું જોર હોવા છતાં હ્રદયમાં અખંડ સંગીતની સતાર કેમ મેળવવી એ ત્યાં જવાથી સમજાશે. ”

                

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s